ધ્વની અને પ્રકાશની લીલા – નવરાત્રી !! (૩)

      – જુગલકીશોર.

 

‘ગરબો’ શબ્દનું મુળ ‘ગર્ભદીપ’ શબ્દમાં રહેલું મનાય છે. જેના ગર્ભમાં દીવડો છે તે ગર્ભદીપ આગળ જતાં ગરબો કહેવાયો તે વાત સાવ અજાણી નથી. ગરબો નોરતાં સાથે સીધો સંકળાયેલો છે. નોરતાંના નવ દીવસ આ ગરબાને વચ્ચે મુકીને બહેનો – હવે તો ભાઈઓ પણ – ‘ગરબા’ ગાય છે.

ગરબો અને ગરબા એ બન્ને શબ્દોનો સંબંધ અવીનાભાવી ગણાય. પણ ‘ગરબો’ શબ્દ કાવ્યના એક પ્રકાર રુપેય જાણીતો છે. એવી જ રીતે દયારામની ગરબીઓ પણ કાવ્યસાહીત્યનો જ એક બહુ માનીતો પ્રકાર છે.

ગરબો અને ગરબી એ બેઉને જરા હળવાશથી જોઈએ તો મજાની વાત એ છે કે ગરબો નરજાતીનો શબ્દ છે પણ તે બહેનો દ્વારા જ ગવાય છે, ને તેય પાછો માતાજી સામે ગવાય છે. જ્યારે ગરબી એ નારીજાતીનો શબ્દ છે ને તે ભાઈઓ દ્વારા ગવાય–રમાય છે, ને વળી તે કાનુડાની ગોકુળ આઠમ ઉપર રમાય છે ! ટુંકમાં કહીએ તો દેવી અને તેની ભાવીકાઓ માટે ‘ગરબો’ અને કાનુડો અને તેના ભક્તો માટે ‘ગરબી’ !!

ગરબો માટીનો જ હતો. હવે ધાતુના ગરબા પણ રખાય છે. પણ ગરબાની ખાસીયત એ છે કે તેની બધી બાજુએ છીદ્રો હોય છે. અંદર બેઠેલો દીપ એમાંથી પ્રકાશ વહાવે છે. (નાનપણમાં ગામડામાં માટીથી લીંપેલા ઘરમાં અમે લીંપણને થપથપાવીને ધુળ ઉડાડતા અને પછી ગરબામાંથી ફુટતી પ્રકાશની શેડો જોતા તે યાદ છે. આ માટીના ઘડાની આરપાર નીકળતાં કીરણો કોઈ બીજી જ દુનીયામાં લઈ જનારાં તત્ત્વો છે.

ગર્ભમાં રહેલું બાળક અને ગરબામાં રહેલો દીવડો એક અનુસંધાન કરી આપે છે. ગરબો દર વર્ષે બદલતો રહે છે પણ દીપ ? એ એક પ્રતીક બની રહે છે અને એ બદલતો નથી !! ગર્ભમાં રહેલું બાળક જીવનનું સાતત્ય છે, કાયમ ચાલુ રહેનારી કડી છે.

દર વર્ષે આવતા આ નવ – ૯ – દીવસો નવલા દીવસો બની રહે છે છતાં પ્રકાશની ફરતે ચક્કર ચક્કર ફરનારી આ સૃષ્ટીને સાક્ષાત્ કરી આપીને એને શાશ્વતી બક્ષે છે. ગરબો શાશ્વતીને સમજાવે છે. પ્રકાશ, ને તે પણ કીરણો રુપે – ધોધ રુપે નહીં – આપણને પ્રાપ્ત થાય છે.

ગરબો પોતે માટી છે. નર્યું ભૌતીક સ્વરુપ ! પણ દીવડો ? વીજ્ઞાન તો પ્રકાશનેય ભૌતીક જ કહેશે. સાચી વાત છે. પાંચ મહાભુતો પણ છેવટે તો ભૌતીક તત્વો જ છે. દીવાની વાટ, તેલ કે ઘી વગેરે પદાર્થોય નર્યાં ભૌતીક તત્ત્વો જ છે. પ્રકાશ સુધ્ધાં. પરંતુ તેજસ્વીતા, ઔજ્વલ્ય એ અસ્પર્શ્ય વસ્તુ છે. એને ભૌતીક કહી નહીં શકાય. એનું વીશ્લેષણ નહી થઈ શકે. પ્રકાશ પણ આમ જોવા જઈએ તો પોતે દેખાતો નથી…એ તો જેના પર પડે તેને પ્રકાશતો હોવાથી જેતે પદાર્થ દેખાય છે. છતાં પ્રકાશત્વ કાંઈક જુદી વસ્તુ છે. એ અસ્પર્શ્ય, અવર્ણ્ય, અનાકૃત છે. આ જ તત્ત્વ સહેજ આગળ વધતાં ઈશ્વર નામના તત્ત્વ તરફ લઈ જાય છે.

પણ ઈશ્વરની વાત આવે એટલે દેવ અને દેવીઓ બે અલગ જાતીઓની વાત આવે ! પુરુષતત્ત્વ અને નારીશક્તીને અલગ કરીને ઓળખવાની વાત આવે ! શીવ અને શક્તીની વીભાવના સામે આવીને ઉભી રહે !!

ગરબો આપણને કાંઈક જુદું સમજાવતો હોય તેમ જણાય છે ! ગર્ભ અને દીપ બન્ને મળીને આ આખી વીભાવનાને નવેસરથી, નવલી રીતે સમજાવતાં જણાય છે. નારીશક્તીનો મહીમા આ દીવસોમાં ગવાય છે. દુન્યવી નારી ગરબાના પ્રતીકમાં રહેલા માયા તત્ત્વની આસપાસ ફરતી રહે છે. પુરુષો પણ માતૃશક્તીનો મહીમા ગાય છે ત્યારે તેઓ પણ અર્ધનારીશ્વરના જ એક ભાગરુપે એમાં ભળે છે. જગત આખું માયા નામક કલ્પનાના ભાગરુપે આ દીવસોમાં માયા કહો કે શક્તી કહો, એને ભજે છે.

ગરબાની ફરતે ગવાતાં ગીતો, ગીતોનો લય, પગની ઠેક અને તાલી આ બધું ગરબાનાં છીદ્રોમાંથી રેલાતાં પ્રકાશકીરણો સાથે ગુંથાઈને એક અદ્ભુત લીલા રચે છે. એ લીલાનો એકાદ અછડતોય અંશ જો અડી જાય તો આખું વરસ આવતા વરસ સુધીની તાકાત આપી દઈને એક મજબુત કડી રચી દે છે ! ગરબો આવા અનુસંધાનોનું પ્રતીક છે. શાશ્વતીનું ઈંગીત છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

 

 

 

 

 

Advertisements

2 thoughts on “ધ્વની અને પ્રકાશની લીલા – નવરાત્રી !! (૩)

 1. ખૂબ ગહન વાત. મને આ નીચેના વાક્યો અને એનો ભાવાર્થ, બંને ખૂબ ગમ્યાં.
  “આ માટીના ઘડાની આરપાર નીકળતાં કીરણો કોઈ બીજી જ દુનીયામાં લઈ જનારાં તત્ત્વો છે.”
  “જેના પર પડે તેને પ્રકાશતો હોવાથી જેતે પદાર્થ દેખાય છે. છતાં પ્રકાશત્વ કાંઈક જુદી વસ્તુ છે. એ અસ્પર્શ્ય, અવર્ણ્ય, અનાકૃત છે. આ જ તત્ત્વ સહેજ આગળ વધતાં ઈશ્વર નામના તત્ત્વ તરફ લઈ જાય છે.” અને
  “ગરબાની ફરતે ગવાતાં ગીતો, ગીતોનો લય, પગની ઠેક અને તાલી આ બધું ગરબાનાં છીદ્રોમાંથી રેલાતાં પ્રકાશકીરણો સાથે ગુંથાઈને એક અદ્ભુત લીલા રચે છે. એ લીલાનો એકાદ અછડતોય અંશ જો અડી જાય તો આખું વરસ આવતા વરસ સુધીની તાકાત આપી દઈને એક મજબુત કડી રચી દે છે ! ગરબો આવા અનુસંધાનોનું પ્રતીક છે. શાશ્વતીનું ઈંગીત છે.”

  આખો લેખ ફરીફરીને વાંચ્યો.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.