સર્જકની નિષ્ઠા – ભાગ (હા…શ) છેલ્લો !!

સર્જકની નિષ્ઠા બાબત મેં મૂકેલા પાંચેક પેટાસવાલોના જવાબરૂપ લખવા ધારેલાં લખાણોને ન લંબાવતાં આજે એક સાથે બાકીના બધા સવાલો – વાચક પ્રત્યેની, વિવેચક પ્રત્યેની તથા સર્જકની પોતાના વિચારસ્વાતંત્ર્ય અંગેની નિષ્ઠા / જવાબદારી – અંગે સંક્ષેપમાં જવાબ આપવા પ્રયત્ન કરીશ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

સ્વરૂપ અંગે :

સ્વરૂપનિષ્ઠાની વાત કરીએ તો સાહિત્યના જે સ્વરૂપમાં આપણું લખાણ મુકાતું હોય તે સ્વરૂપના નિયમો પળાવા જોઈએ તે વાત યાદ રાખવાની રહે છે. હાઇકુને એના નિયમો હોય, સૉનેટને એના નિયમો હોય અને નિબંધ કે ટૂંકી વાર્તાને સૌને એમના નિયમો હોય જ છે. ફક્ત ૧૪ પંક્તિ મૂકી દેવાથી સૉનેટ બની જતું નથી; પાંચ–સાત–પાંચ શબ્દોથી હાઇકુ સર્જાઈ જતું નથી. લાગણીઓને પંક્તિઓમાં ઠાલવી દેવાથી ઊર્મિકાવ્ય બનતું નથી કે કાફિયા–રદ્દીફને સાચવી લઈને બાકીનો મસાલો પંક્તિમાં ઠઠાડી દેવાથી ગઝલને પણ ન્યાય મળી જતો નથી.

ભાષા અને વ્યાકરણ બાબત અંગે :

સર્જક સિદ્ધહસ્ત હોય તો પણ એ ઉપરોક્ત નિયમોમાંથી છટકી શકતો નથી. કેટલીક છૂટછાટ સહ્ય હોય છે અને ભલભલા સાહિત્યકારોમાં નાનીમોટી ક્ષતિઓ રહી જ જતી હોય છે. છતાં છંદશુદ્ધિના દાખલારૂપ સંસ્કૃત રચનાઓમાં છંદની શુદ્ધિની કેટલી કાળજી લેવાતી હોય છે તે જાણવા જેવું છે. સંસ્કૃતમાં એક જ શબ્દના અનેક અર્થો મળે છે અને એક અર્થ મેળવવા માટે ઢગલાબંધ શબ્દો તૈયાર જ હોય છે તેથી સંસ્કૃતકાવ્યોમાં લઘુગુરુની છૂટ લેવાનો વારો આવતો નથી….જ્યારે સુંદરમ્ ઉમાશંકર જેવાની રચનાઓમાં પણ છંદની અનેક છૂટ લેવાતી રહી છે.

દાયકાઓ પહેલાં પુસ્તક છપાય ત્યારે એકાદ પાનું શુદ્ધિપત્રકનું પણ છાપવામાં આવતું હતું. છેલ્લી ઘડીએ તપાસવાથી મળી આવેલી ભૂલોની યાદી પુસ્તકની શરૂઆતમાં જ મૂકવામાં આવતી હતી. હવે શુદ્ધિપત્રકોનો રિવાજ જ ઠામુકો ગયો છે બલકે જો એવું કરવા જાય તો કેટલાં બધાં પાનાં મૂકવાનાં થાય ?!

વાક્યરચનાની ભૂલો નિબંધમાં કે વાર્તાઓમાં કઈ રીતે ચલાવી શકાય ?! કાવ્યોમાં પણ કવિ પોતાને વ્યાકરણના નિયમોથી ઉપર ગણાવે તે ઠીક ગણાય ? આજે તો ભાષાભૂલોને ભૂલો જ ગણાતી નથી એવે સમયે ભાષાની ચિંતા કરવાનો જાણે કે અર્થ જ રહ્યો નથી.

પણ તેથી કરીને શું નવોદિત સર્જકે ભૂલો માટે સભાન રહેવાનું નહીં ?

વિવેચન બાબતે :

નેટજગતમાં રજૂ થતું સાહિત્ય કેવું છે; એને કોઈ સુધારણાની જરૂર છે; જરૂર હોય તો તે કોણ બતાવશે વગેરે બાબતે સિદ્ધહસ્ત સાહિત્યકારો–વિવેચકો નેટજગતને મદદરૂપ થતાં જોવા મળતા નથી. પરિણામે ક્ષતિઓ જેમની તેમ રહી જાય છે એટલું જ નહીં પણ પોતાના વર્તુળના મિત્રોની like નિશાનીઓ અને વાહવાહીને કારણે વિવેચનનાં ધોરણો જ નંદવાઈ જતાં અનુભવાય છે !!

સામાન્ય રીતે નવોદિતોની રચનામાં કોઈ ને કોઈ તત્ત્વ ધ્યાન ખેંચનારું તો હોય જ છે. એને ધ્યાનમાં લઈને સર્જકને પ્રોત્સાહન આપવું જ જોઈએ. પરંતુ સાથે સાથે એ રચનાની ક્ષતિઓને પણ જોવી જોઈએ…પરંતુ મિત્રો બધા કાંઈ વિવેચકો હોતા નથી. તેઓ તો રચનામાં રહેલી કોઈ મજાની વસ્તુને કારણે વાહ કહે તો તે સહજ છે. છતાં સર્જકનું પોતાનું “વિશાળ વાચન” અને એને આધારે “પોતાનામાં પણ છાને ખૂણે આવી બેઠેલા વિવેચક”ને સક્રિય કરવા જોઈએ ! પોતે જ પોતાની રચનાને તપાસતાં રહેવું જોઈએ. શ્રી ઉ.જો.ના એક લેખનું શીર્ષક જ હતું, “લખ, ભુંસ, ચૅક, છેર…” એમાં એમણે સાહિત્યના સર્જનની જોડાજોડ ચાલતી સુધારાની વિવેચનપ્રક્રિયાનો નિર્દેષ કર્યો છે ! શ્રી નિરંજન ભગતે તો માટલાને બન્ને બાજુથી સાચવીને ટીપતા કુંભારની કાળજીની વાત બે પંક્તિમાં સરસ સમજાવી છે :

“અરે, કહી ન કાવ્યને બગાડવું;

અહો ! કહી અહં નહીં જગાડવું.”

એટલે કે સર્જનના સમયે વચ્ચે વચ્ચે વિવેચક બનીને કાવ્યને સર્જતું અટકાવવું નહીં (પણ કાવ્ય રચાઈ જાય પછી તેને મઠારી શકાશે) એવી જ રીતે અહો ! કહીને પોતાના કાવ્યથી ફુલાઈ પણ ન જવું !!

સર્જકનું સર્જનસ્વાતંત્ર્ય :

 નવો નિશાળિયો હોય અને ખબર ન હોય તો છૂટવાના બેલ પહેલાં શાળા છોડે તે સમજાય પણ પોતે નવો છે એટલે દરરોજ એમ ભાગી જઈ ન શકે. નવોદિત સર્જક પોતે વાણીસ્વાતંત્ર્ય ધરાવતો હોવા માત્રથી કાવ્ય કે સાહિત્યના કોઈ પણ સ્વરૂપ સાથે ચેડાં ન કરી શકે. સારા–ઉત્તમ સાહિત્યનો અભ્યાસ કરવાની કોણ ના પાડે છે ? સારા સર્જકોની ટૅકનિક શીખવામાં ક્યાં પૈસા બેસે છે ? કોઈ સાચી સલાહ આપે તો લેવામાં કશું જ ખોટું નથી; બલકે સાહિત્યની અને માતૃભાષાની ખરી સેવા જ થવાની છે.

આજે તો માતૃભાષા બચાવવાનાં અભિયાનો ચાલે છે. માતૃભાષાના પ્રચાર–પ્રસારની ઝુંબેશ ચલાવાય છે. ક્યાંક ભાષા–સાહિત્યના સંવર્ધન માટે અનેકાનેક પ્રયોગો કરવા માટે સંસ્થા ચલાવવામાં આવે છે….આ બધું જ ઉત્તમ છે. આ બધી જ બાબતોને ટેકો આપવો જોઈએ. ટેકો આપનારા પણ ભાષા–સાહિત્યની સેવા જ કરે છે.

પરંતુ સાથે સાથે આ પ્રવૃત્તિ ચલાવનારાએ ભાષાશુદ્ધિ તરફ આંખ આડા કાન કરીને ક્ષતિઓને ચલાવી લેવી ન જ જોઈએ. ઢગલાબંધ છપાતી ઇબુકો આનું ઉત્તમ ઉદાહરણ છે ! આવાં પ્રકાશનો કરનારાંની હરીફાઈ જોખમી બની શકે છે. એમની પ્રગટ કરાયેલી ઇબુકોમાંની ભૂલો અધધધધ હોઈ અક્ષમ્ય ગણાવી જોઈએ.  

ક્ષમા કરજો, વાચકો ! મેં એક દિવસ, બસ એમ જ સવાલ પૂછી નાખ્યો – સર્જકની નિષ્ઠા બાબત !! એના કેટલાક જવાબો મળ્યાય ખરા. પણ માસ્તરજીવથી રહેવાયું નહીં, તે એ દરેક બાબતને મુદ્દો બનાવીને આ ચાર ભાગમાં લગરીક લાઉડ થિંકિંગ કરી દીધું !!

આનો આશય કોઈની ભૂલો બતાવવાનો હરગીજ નહોતો. માસ્તર છું. મારાં પોતાનાં સર્જનો –કાવ્ય, લેખ, નિબંધ, વાર્તા વગેરેને મેં ક્યારેય અપ ટુ માર્ક કહ્યા–ગણાવ્યા નથી. હું વિવેચક પણ નથી જ નથી.

છું, તો ફકત ને ફકત માસ્તર છું, બસ !

એટલે આ લખાણોને એ રીતે જ વાંચવા–સમજવા નમ્ર વિનંતી છે. 

અચ્યુતમ્…….!

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.