દૈનંદિની : ચાલીસેક વરસ પહેલાંની વાત

મોંઘેરાં મહેમાન : પીળક

      – જુગલકીશોર.

અમદાવાદમાં જીવરાજપાર્ક વીસ્તારમાં અમે રહેવા આવ્યાં ત્યારે સત્યનારાયણ સોસા.ની બાજુની સોસાયટીના મારા ઘરની હદને અડતા છેડે, અખીલેશ સોસાયટીના મકાનમાં ને અમારી દીવાલથી સાવ નજીક એક લીમડી હતી. જોતજોતામાં તે લીમડો બની ગયેલી. ને પછી તો બનતું આવ્યું છે એમ એના આશરે પક્ષીઓ રહેતાં થયેલાં. ઉનાળાની અધવચથી ચોમાસા મધ્યેય દીવસ–રાત ગામ ગજવતો રહેતો નર કોકીલ એની મુંગી ધરમપત્ની સાથે આવતો રહેતો. અડધી રાતેય એને સપનું આવે ને કુહુકવા મંડી પડતો.

પણ તોય એ કોકીલજોડીને મહેમાન કહેવાનું મન નો થાય. એ તો જાણે કુટંબનાં ધરાર સભ્યો.

પણ એક દી’ વહેલી સવારે સાવ અજાણ્યો ટહુકો સાંભળીને જાણે કોઈ ઓલ્યા ભવનું અનુસંધાન થતું હોય એમ કાનથી સીધો એ ટહુકો હૈયામાં ઉતરી જાતો અનુભવ્યો. એક, બે ને ત્રીજે ટહુકે તો પથારીમાંથી ક્યારે લીમડાની ડાળડાળ શોધતો થઈ ગયો, ખબર ન રહી. આંખો એક બાજુ આખા લીમડાની ઉલટ તપાસ કરવામાં પડી ને બીજી બાજુ કાન મારા સોળ સોળ વરસને વીંધીને ચોપડીમાં ‘વાંચેલા’ ટહુકાની સાથે આ ટહુકાને ગોઠવવા મથામણ કરે !!

રુપાવટી (ગારીયાધાર)ના નીવાસ દરમીયાન ૧૯૬૦માં મેટ્રીકની પરીક્ષામાં આઠમા અંગ્રેજી વીષયમાં નપાસ થઈને હું ઓક્ટોબરની તૈયારી કરતો. ગામની એક જ કબાટમાં સમાઈ ગયેલી લાયબ્રેરીમાં ગાંધીજીના ‘ધર્મમંથન’ વગેરે અનેક પુસ્તકો ભેળાં ગુજરાતનાં અને ભારતનાં પક્ષીઓ વીષયક પુસ્તકોય હતાં. એ પુસ્તકોએ પક્ષીરસ જગાડેલો. બ્લૅક–વ્હાઈટ છપાઈનાં એ પુસ્તકોમાં પક્ષીઓની સમૃદ્ધી સમાન એમનો રંગ તો ક્યાંથી પામું ? ને વર્ણનોમાંય એમના ટહુકાને વર્ણવતા શબ્દોમાં એ ટહુકાની મીઠાશ ક્યાંથી સાંભળવા મળવાની હતી ?! છતાં એ દીવસો બહુ જ ઉત્સાહના હતા. પક્ષીઓની કેટલીય જાતની ખુબીઓથી ભરેલાં વર્ણનો મનને ભરી દેનારાં હતાં.

એમાં મને બહુ જ આકર્ષી ગયેલાં બે પક્ષીઓમાં એક તે પક્ષીઓનો પટેલ ‘કાળીયો કોશી’ ને બીજો તે પીળક. પીળકનું વર્ણન – એની આંખ ફરતી કાળી પટ્ટી ને પાંખ પરનો કાળો પટ્ટો બાદ કરતાં આખું શરીર સોનેરી – વાંચીને તો હું મોહી જ પડેલો. એના ટહુકાનું વર્ણન ફક્ત ને ફક્ત વાંચવાથી જ સંતોષ લીધેલો !! અક્ષરોમાં તો એ ટહુકો કંઈક ‘પિલ્લોલો…પિલ્લોલો’ એટલું જ વંચાવતો હતો. અક્ષરોમાં વાંચેલા ટહુકાને કાનના માધ્યમથી સાંભળવા મળે તોય તેને આ ઈન્દ્રીય વ્યત્યયના ફેરફારોમાં ઓળખવાનું બનેય શી રીતે ?!! એનો નજરોનજર (ને કાનોકાન) સાક્ષાત્કાર થવાની તો કોઈ કરતાં કોઈ જ શક્યતા તે દીવસોમાં કલ્પેલી પણ નહીં.

તે દી’ સત્યનારાયણ સોસાયટીના ધાબે વહેલી સવારે જે ટહુકો સાંભળેલો તે આ પીળકીયા ભાઈબંધનો ને તેય આટઆટલે વરસે સાંભળવા મળશે એવી આશા તો શું, કલ્પનાયે ક્યાંથી કરી હોય ?! એક બાજુ હાંફળીફાંફળી આંખો એ નવતર પક્ષીને લીમડાની ઘટામાં શોધે ને બીજી બાજુ કાન મને સોળ વરસ પહેલાંના રુપાવટીએ ખેંચી જઈને કાંક સાવ હૈયે કોતરાઈ ગયેલી સ્મૃતીને ફંફોળીને લીમડા પરના ટહુકાનું અનુસંધાન કરવા મથે ! બધું જ ભુલી જઈને હું આમથી તેમ દોડ્યા કરું. (સારું હતું કે ધાબા પર કોઈ જાગતું નો’તુ. નહીંતર ગાંડો ગણી કાઢે તો નવાઈ ન લાગે તેવી મારી દોડાદોડ ને ખોળાખોળ હતી.)

કાન મને વાંચેલા શબ્દો અને આ ટહુકાનું અનુસંધાન કરાવી આપે તે પહેલાં તો મારી આંખ બધો જશ લઈ ગઈ ! ક્ષણ બે ક્ષણ પુરતો એક આકાર એને ભળાઈ ગયો. પીળો ધમરખ રંગ લીલાં પાંદડાંની વચ્ચોવચ ઝબકારો મારી ગયો. મારી આંખો ઘડીભર જાણે અજપાઈ ગઈ. કાબર જેવડું કદ જાણે સોને મઢ્યું હોય એવા સોનેરી વૈભવનું માલીક એ પંખીડું સોળ સોળ વરસ વીંધીને જાણે પેલી ચોપડીમાંથી ફફડાટ કરતું બહાર આવ્યું ! મારે આંખે–કાને–હૈયે આ સોનેરી રંગ, આંખનો કાળો પટ્ટો ને પાંખે શોભતી કાળી પટ્ટી ને વધારામાં પેલું ‘પિલ્લોલો ’!! હૈયું જ જાણે બોલી ઉઠ્યું, “અરે, આ તો પીળક !”

સોનપંખી !

પણ હું આનંદનો પોકાર કરું તે પહેલાં તો એક ને બદલે બે ફફડાટ લીમડાની વીદાય લઈ ગયા. હું તો કોઈએ વાંસામાં સોટી વીંઝી હોય તેવી વેદનાનો માર્યો સુમસામ બેસી પડેલો.

આખો દીવસ આનંદ અને શોકના મીશ્રણનો ગયો. હવે ? કાલે શું તેઓ આવશે ? આવેય ખરાં ને નયે આવે. પણ મન કહેતું હતું કે આટલે વરસે આવીને કોઈ કાંઈ આમ સાવ નઠોર તો ન જ થાય. તો બીજું મન આ ઈર્ રૅશનલ વીચારણાને હસતું હતું. સાંજે ધાબા પરની પથારીની દીશા બદલીને સુતાં.

બહુ વહેલાં આંખ ઉઘડી ગયેલી. એનો આશરે સમય થયો ત્યાં સુધી કદાચ પ્રાર્થનાઓય કરી હશે.

પણ તેઓ આવેલાં. એમના પહેલા જ ટહુકે હું તૈયાર થઈને શોધવા લાગેલો. પણ મારા નસીબે તેમણે આ વખતે સાવ સીધાં જ દર્શન દીધેલાં ! સીધું જ જોઈ શકાય એમ સાવ સામે બેસીને એણે પેલો મીઠો ટહુકો રવાના કર્યો…સૌંદર્યની સાક્ષાત્ મુર્તી ને ગાયનનો સમ્રાટ. હું અવાચક બનીને તુલસીદાસની પંક્તીઓ અનુભવી રહ્યો :

ગીરા અનયન, નયન બીનુ બાની !

( જીભને કહેવું છે પણ એણે જોયું નથી, ને આંખે જોયું છે તો એની પાસે વર્ણવવા માટે વાણી નથી !! )

સુવર્ણ–વૈભવી પંખી.

***   ***   ***

પછી તો બાજુની સોસાયટીવાળા એ મકાનના માલીકો બદલાતા રહ્યા, ને એક દીવસ લીમડો પણ ધરાશાયી થયો. લીમડાની વીદાય વસમી હતી કે પંખીઓના માળાનું વીંખાવું વસમું, એ સવાલ તો નીરુત્તર જ રહ્યો છે. વરસોનાં વાણાં વાયાં. જાતભાતનાં છોડ–ઝાડ ઉગ્યાં ને આથમ્યાં પણ એ લીમડો ને એ મહેમાનો ગયાં તે ગયાં.

હજી હમણાં, થોડા મહીના પહેલાં જ, મારા મીઠા લીમડાની જામેલી નાનકડી પણ ઘેઘુર ઘટામાં કોણ જાણે કોના મોકલ્યાં એ બે સોનેરી પંખીઓ ટહુકી ગયાં. મને થયું, હજી પણ આ આંગણું એમને સૌને આવવા લાયક છે; એમને નીમંત્રવા લાયક છે ખરું ! હજીય એ સૌને અહીં ટહુકી જવાનો ટૅસડો પડે એવી દાનત અમારામાં વસી છે ખરી.

નહીંતર ગયા ઉનાળે આ જ મીઠા લીમડે અત્યંત શરમાળ એવી કોયલ બેલડી હાથ લાંબો કરીને અડી શકાય એટલે છેટે આવીને ટહુકાની રમઝટ બોલાવી જાય ખરી ?!

–––––––––––––––––––––––––––––––––––––––––––

તા. ક. પંખીડાંનું માહાત્મ્ય દર્શાવતી બે રચનાઓમાંની એક અહીં આ લીંક:

https://jjkishor.wordpress.com/2007/03/20/ekokti-3/ સાથે છે અને બીજી રચના જમણી બાજુના વિડ્જેટમાં વાંચી શકાશે.

(ચીત્રસૌજન્ય : ગુગલ મહારાજ )

––––––––––––––––––––––––––––––––––––––––––––––––

4 thoughts on “દૈનંદિની : ચાલીસેક વરસ પહેલાંની વાત

 1. પ્રકૃતિના શાનદાર સર્જનનો મનમોહક પરિચય કરાવ્યો, જુગલકિશોરભાઈ! પ્રકૃતિવિમુખ થતી જિંદગીમાં એક મીઠો ટહુકો આપે સંભળાવ્યો!
  સલીમ અલી અને પ્રદ્યુમ્ન દેસાઈ હોત તો આપના નાનકડા લેખને પણ બિરદાવત!

  મન ક્યાંય દોડી જાય છે! છ દાયકા પહેલાં શાળાએ જતાં બાળપણને રસ્તા પરનાં વૃક્ષોનો સાથ હતો. બદલાતી ઋતુમાં પાંદડાની લીલાશ પીળાશમાં બદલાતી ઝાંયને બાળ-આંખો ઓળખતી. સાથે ઋતુ ઋતુએ બદલાતા વૃક્ષો પરના ચહકાટને પણ કાન પરખતા! ખુશ થતાં અમે!
  આજના બાળપણે શું શું મેળવ્યું છે, તે આપણે ગાઈ વગાડીને કહીએ છીએ, પરંતુ શું ગુમાવ્યું છે તેની વાત થઈ શકતી નથી. પરિવર્તન સંસારનો નિયમ છે; સ્વીકારીએ. પણ પરિવર્તનનો સિલસિલો આપણને પ્રકૃતિથી વિખૂટો ન પાડી દે તેવી પ્રાર્થના.
  આપે પીળકને અહીં બોલાવીને ખુશી રેલાવી છે, જુગલભાઈ! ધન્યવાદ!

  Like

 2. આ લેખ વાચતા મને ” મધ્ય રાત્રીએ કોયલ ” કવિતા નવમાં ધો. માં ભણેલા તે યાદ આવી ગઇ. આપની જેમજ એ કાવ્ય મારા મન ઉપર જબ્બર જપ્ત આકર્ષણ જણાવેલું, આજેય યથાવત્ છે. તેની એક બે પંક્તિ લખ્યા વગર નહીં રહી શકું.
  મધ્યરાત્રી સમે તને અલી કોકિલા શું આ ગમ્યું,
  હા મેહુલ પણ વરસી ગયો તેમાંથી તુજ મનડું ભમ્યું;

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.