અર્પણ

તપે
તપ; તપતી રહે માતૃભૂમિ
;

રટે,
રટતી રહે સહુ સંતાનનાં સુખ, ને


જપે,
જપતી રહે માળા, “વિદેશે–પ્રદેશે વસ્યાં જનસહુ
લહે સુખશાંતિ ને સંપ.”


ચહે –
ચહકતી રહે ખગ થકી નભે ને ચહે –

“વહે,
વહેતી રહે સરલ માતૃભાષા બધે પાવની,
કરે જનમન પ્રસન્ન, સરજાવતી નવલ કાવ્યધારા
અને
ફરકાવતી વિજયધ્વજા બધે.”


*** *** ***
હવે
તપન તો સપન ! જુઓ આભ ગોરંભતું દીસે
પણે !


કરે અર્પણ ગ્રીષ્મ ! કૃતિ આ આગવી, સહુજનતણી સામટી
તને –
પરમસુખ વર્ષા ! આવ અવ.

– જુગલકીશોર.

સ્વતંત્રતા દે વરદાન !

સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીન સંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;


વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;
ને આંખમાંના અમી ના સૂકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો !
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.

સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથી ય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.

અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

ઉમાશંકર જોશી  

એક ત્રણ શબ્દી નવલીકા

“વાર્તા……કહું, વાર્તા……!!”

(બસ, વારતા પુરી. હવે તરત લેખકનું નામ અને કેફીયત છે…)

– લેખક અ.

—————-

લેખકની ચોખવટ :

આ ત્રણ શબ્દોની વાર્તા ગણવી. હવે વાર્તા ગણતરીના શબ્દોમાં લખાય છે અને એને સાહીત્યનું નવું સ્વરુપ ગણાતું નથી.

થયું કે લાવ ને હુંય લખી ‘નાખું’ એક વારતા !!

ત્રણ શબ્દોની વારતા. (વારતામાં પાત્રો, પ્રસંગ, સંવાદ, હેતુ અને કથન શૈલી જેવાં તત્ત્વો અનીવાર્ય ગણાય છે. આ ન હોય તો એને વારતા – નવલીકા કહેવાય નહીં પરંતુ માઇક્રોના નામે ચલાવી લેવું પડે પછી વારતાના એ અંશો શી રીતે સમાવવા ?!)

પણ હું તો સાહીત્યનો વીદ્યાર્થી એટલે મારી વારતામાં આ તત્ત્વો (ન હોય તોય) દેખાડવા તો પડે કે નૈ ?

૧) પાત્ર : આમાં ‘કહું’ શબ્દ સાબીત કરે છે કે કોઈ કહેનાર તો છે એટલે વારતામાં પાત્ર નીકળી આવ્યું ગણાય.
૨) પ્રસંગ : વારતા કોઈને કહેવાની હોય તેવો અર્થ નીકળતો હોવાથી વારતાનો પ્રસંગ તો આવવાનો કે નૈં, એટલે આવનારા પ્રસંગને ગણી લેવાનો.
૩) સંવાદ : વારતા પોતે જ સંવાદનો ભાગ છે. વારતામાં શ્રોતા હોવાનો જ એટલે વચ્ચે વચ્ચે સંવાદ આવશે તેમ માની શકાશે, બીજું શું.
૪) હેતુ તો આ મારી નવલીકા (ટુંકી વારતા, માઇક્રોફીક્સ…..)માં ચોખ્ખો બતાવાઈ જ ગયો છે બલકે બે વાર વારતા શબ્દ પ્રયોજાયા માત્રથી ખ્યાલ આવી જશે કે આ નવલીકાનો લેખક વાર્તા કોઈને ઠઠાડી દેવાનો અર્થાત્ કહી દેવાનો ધખારો ધરાવે છે ! એટલે હેતુ સ્પષ્ટ થયો કે નૈં ?!
૫) કથનરીતી : આ વાર્તામાં બે શબ્દો મહત્તવના છે ! (બે જ તો છે વળી !…યાદ આવી ગઈ પેલી નકો નકો વારતા ! એક હતી વારતા. એમાં હતા ત્રણ શબ્દ બે બેવડાયેલા અને એક કહેવાયા વગરનો !!)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

આ વાર્તાનું વીવેચન :

આ વાર્તા સાહીત્યજગતમાં માર્ગદર્શક બની રહેવા સંભવ છે. ત્રણ જ શબ્દોમાંનો એક તો દ્વીરુક્ત થયેલો એટલે બે જ શબ્દની વારતારુપે ગીન્નાઇશ બુકમાં રૅકૉર્ડ માટે મોકલવા જેવી ખરી.

બાળક સમજણું થાય ત્યારથી તેને વાર્તારસમાં ડુબાડીને વાલીઓ અફીણ જેવું બંધાણ કરી આપે છે. પરીણામે ઘરનાં સૌ સુખી રહી શકે છે. આગળ જતાં એ જ છોરો બીજાને વારતાયું કહીને રોકી રાખવામાં કામ લાગે છે. ભવીષ્યમાં ન કરે નારાયણ ને જો રાજકારણમાં ‘પડ્યો’ તો પછી વારતા જેને ‘વચન’ પણ કહેવાય છે તેના તુંબડે ઘણાં પાણી તરી જઈ શકે છે.

વારતા કહેનાર અને સાંભળનાર બધાં વારતાનાં પાત્રો ગણાય એટલે વારતાને અનેક પરીમાણી તત્ત્વ કહી શકાય. જીવન એક વારતા છે એ જ રીતે વારતાલેખક માટે – એના જીવવા માટે તે ખુદ જીવન છે !! વારતા દ્વારા લેખક, પ્રકાશક, વેબસાઈટર વગેરે બધાં કમાણી કરી શકે છે. એટલે લેખકને ન આવડતી હોય તોય પોતાના પ્રકાશનમાં આમંત્રણ આપીને, છાપીને ધરાર લેખક બનાવી શકાય છે જેના વડે વાચકને પણ ‘બનાવી’ શકાય છે.

આવી વારતાઓ સાહીત્ય જગતના માઇલસ્ટોન જેવી ગણાશે ભવીષ્યમાં. લેખકશ્રીને ધન્યવાદ સાથે આ વારતાને આવી રહેલા ભાવી સાહીત્યસ્વરુપોનું આવી બનવાના પ્રથમ ચરણરુપે ગણીને આવકારું છું.

લી. વીવેચક્ક જ્ઞ.

(નોંધ : વારતાનો લેખક અ છે અને વીવેચક જ્ઞ છે તેને અકસ્માત ગણીને બન્નેના આદ્યાક્ષરોને ભેગા ન કરવા ભલામણ છે.)

વીદે વીચા રેવાવિર રદ !

પાંચેક વરસનીય ઉંમર નહીં હોય.

ઉમરાળાની હવેલીના મુખીયાજીનું કુટુંબ હવેલીની શેરીમાં, હવેલીથી ચારેક ઘર આઘે રહેતું. મુખીયાજી જેઠાલાલ અને સાંકુબાને પાંચ સંતાનો. ત્રણ દીકરા ને બે દીકરી. સૌથી નાનો આ સમયે પાંચેક વરસનો માંડ.

એની યાદશક્તી વખણાતી, બહુ. એક વાર એવું બનેલું કે કોઈની સાથે એ ધોળા કે ઢસાજંક્શને ગાડીની રાહમાં બેઠેલો તે દરમ્યાન સા…મે એક દુકાન પરનું એક પાટીયું જોયાં કરે. એ વખતે નીશાળે બેસવાને હજી વાર હતી એટલે કક્કો કે બારાખડી તો ક્યાંથી હોય ? પણ સાઈનબોર્ડના પાટીયા પરના અક્ષરોનો વળાંક એને કોઈ ચીત્ર જેમ ચોટી ગયો હશે.

ઘરે આવીને એણે મોટાભાઈની સ્લેટમાં પાટીયાના અક્ષરો આવડ્યા એવા ચીતરીને કોઈને બતાવ્યા હશે, તે ઘરમાં બઘડાટી બોલી ગઈ !

એ, આ જોવો તો, જુગલે પાટીમાં લખ્યું છે ‘કમલ બીટર ખસ’ !! (૭૨ વરસ પછી આજે એ નામ મનેય યાદ નથી પણ એ જમાનામાં આ શેનું હશે એ ખબર નથી.)…..નીશાળે જવાને હજી વાર હતી ને તોય દુકાનનું આખું નામ લખી દેનારને કુટુંબનો મેગસેસે મળી ગયેલો. ત્યાર બાદ વરસો સુધી, નહીં દાયકાઓ સુધી આપણા રામની છાતીએ એ એવોર્ડ શોભતો રહ્યો.

ઉમરાળાના એ ઘરે હમણાં પાંચેક વરસ પહેલાં જવાનું થયું  ત્યારે શામલાલ બાપાની હવેલીએ માથું ને હૃદય નમાવવા ગયેલા. હવેલી હજી એની એ જ ! કેટલાક સાવ સાધારણ ફેરફારો સીવાયનું બધ્ધું જ સાત સાત દાયકા વીંધીને હૈયાને ખુણુેખુણે વ્યાપી વળ્યું……..હૈયાની ધડક અને આંખોના ભેજમાં જાણે આખો જનમારો આવી વસ્યો ! 

પણ પછી તો ભાભીએ કહ્યું કે હાલો, આપણું મકાન પણ જોતાં જાઈં.

મારું હૈયું ફફડી રહ્યું ! શું એ મકાનને હું જોઈ શકીશ ? આટલા લાંબા વીયોગ  પછી એ મકાનની દીવાલોને હું તાકી શકીશ ? જન્મ્યા પછી ચાલતાં શીખીને જ્યાં પહેલી જ પગલી પડી ’તી ને પછી તો દોટમદોટ થઈ શકી ’તી એ ભુમીનો સ્પર્શ શું કરી બેસશે ?!

પણ ગયાં. મકાનમાલીક બહેને પુછ્યું કોનું કામ છે ?! શું જવાબ હોઈ શકે ?! કોનું કામ હતું, અહીં આવવા પાછળ ? “અરે, બહેન, અમે અમને જ મળવા આવ્યાં છીએ – સીત્તેર વરસ પહેલાંનાં અમે અમને જ મળવા આવ્યાં છીએ !! ”  

આવકાર સાથે અમે અંદર ગયાં. સીત્તેરેક વરસનો આ ડોસો કાંઈ બાળક બનીને દોડાદોડી તો કરી ન જ શકે ! સ્થીર થઈને ઉભા રહી જવાયું. હલવાથીય જાણે કે કશું – રઝોટીની જેમ જાણે ખંખેરાઈ જવાનું  ના હોય, એમ સજ્જડ થઈ જવાયું…..આજુબાજુ કેટલાક આંટા માર્યા, પણ હવે માલીકી કોઈ બીજાની હતી એટલે ખુણેખુણો તો ક્યાંથી જોવાય ?! કેટલીય જગ્યાઓને યાદ કરીને એકબીજાને ગણાવતાં રહ્યાં. આ રસોડું, અહીં દાદરો હતો, પાછળનું નળકોળીયું હજી છે કે કેમ ? વગેરે વાતોને મકાનમાલીકણ ભાવથી સાંભળી રહ્યાં. એમનેય અમારો ચેપ લાગ્યો હશે. 

છેલ્લે મારી નજર ફળીયું વટાવીને સામેની ઓશરી અને એના દાદરા સુધી ગઈ. દાદરો જ્યાં પુરો થતો હતો તે ઉપરના ઓરડાની દાદરાની પછીતની દીવાલે જોવા મથ્યો પણ એ જગ્યા ફેરફારાઈ ગઈ હતી……ને તોય મેં ત્યાં સીત્તેર વરસ પહેલાં  જે લટકતી તે ડંકાવાળી, ધીરજલાલે આપેલી ઘડીયાળ કલ્પી લીધી. ડંકા તો ન સંભળાયા પણ એ ઘડીયાળની તરત નીચે લખેલી લીટી મનચક્ષુ વડે વંચાઈ ગઈ…….“દર રવિવારે ચાવી દેવી”………!

આટઆટલાં વરસો વીંધીને, આ જ લીટીજેને હું ઉંધેથી વાંચીને જ બોલતો તે આખી લીટી ડંકાની જેમ રણકી ઉઠી –

“વીદે વીચા રેવાવિર રદ !!! ” 

– જુગલકીશોર

પીંડે અને બ્રહ્માંડે

– જુગલકીશોર.

 

વીજ્ઞાનની શોધખોળો અને ઔદ્યોગ્રીક ક્રાંતી પછી સૌથી મોટો ધક્કો કોઈને લાગ્યો હશે તો તે ઈશ્વરના અસ્તીત્વને હશે તેવું માનવા મન કહે છે. ઈશ્વરને રીટાયર કરી મુકનારી પરીસ્થીતી નવા જમાનાની એક મહત્ત્વની બાબત બની રહી છે. (આમેય ઈશ્વરને ભુલાવી દે તેવાં ચમત્કારી બાબાઓ ઠેર ઠેર મળી રહે છે. એમાંય સીનેમાના સ્ટાર્સનાં તો હવે મંદીરોય બનવા માંડ્યાં છે !)

લેબોરેટરીમાં જ્યાં સુધી સાબીત ન થાય ત્યાં સુધી ઈશ્વરને કોઈ સ્થાન નથી. સમયના બ્રહ્માંડીય સંદર્ભે લેબોરેટરીની કક્ષા હજી ભલેને પાપા પગલીની, નગણ્ય હોય, ને એને હજી અગાધ સાગરમાં છબછબીયાં કરતાં જ ભલેને આવડતું હોય, તોય તેના માપદંડ વડે જ ઈશ્વરે પોતાનું અસ્તીત્વ સાબીત કરવાનું રહે છે !! ગાંધીજી એ બચાડા જીવે કહી દીધું કે સત્યને માપવાનો ગજ કદી ટુંકો ન હજો, પણ ઈશ્વરને માપવાનો ગજ તો લેબોરેટરીમાં જ પડેલો હોય તેવે સમયે કોઈએ એની બહાર જઈને વીચાર શો કરવાનો ?!

મારા ખ્યાલ પ્રમાણે વેદોમાં ઈશ્વર નથી. ઈશ્વરનું સ્વરુપ કદાચ પછી આવ્યું છે. પણ દેવો તો હતા જ. સૌથી પ્રથમ ને સૌથી મોટો દેવ અગ્ની હતો. જે માનવને સૌથી વધુ સક્રીયતાથી મદદકર્તા હોય એને વંદન કરવામાં નાનમ શી હોઈ શકે ? માનવને જીવાડવામાં જે જે દેવો કામના હતા તે સૌને પુજવામાં તે સમયના માનવે કોઈ કસર છોડી નથી. ‘દેવોએ માનવને જે આપ્યું તે આંશીકરુપે તેને પ્રતીકાત્મકરુપે પાછું આપવાની’ ગીતાજીએ સુચવેલી પ્રણાલી – હોમવાના સમીધની – બહુ સૂચક હતી. આજે માતા પોતાના દીકરાને પાણીનો ગ્લાસ આપે તોય બાળકે થેંક્યુ કહેવાની ફેશન છે. જ્યારે જીવનભરના ઉપકારોનો બદલો હવનરુપે કેટલીક વનૌષધીઓની આહુતી આપીને દેવામાં આવે તો એને ન સમજવા જેટલી નાદાની કરવી ખરી ?

અને દરેક ધર્મ અને દરેક સંસ્કૃતીમાં સૌથી મોટી ને મહત્ત્વની વાત સમન્વયની હોય છે. પરસ્પરના સંબંધો અને સંબંધોમાંથી ફળીભુત થતી સુસંવાદીતા એ જ તો સમગ્ર પૃથ્વીને ટકાવનારી મુળભુત બાબત છે ! વીજ્ઞાને અવનવી શોધખોળો કરીને આપણને જે કાંઈ આપ્યું એનાથી સહેજ પણ ઓછાં અનીષ્ટો પણ આપ્યાં નથી શું ? ઈશ્વર કાંઈ વીજ્ઞાનનો વીરોધી નથી. ખરેખર તો ઈશ્વરના મુર્તરુપને આગળ કરવાની જરુર જ શી છે ? બ્રહ્માંડને બાળકના મોંમાં રમતું કોઈ માતા જુએ તો એને ચમત્કાર કહી દેવાની ઉતાવળ શા માટે ?! આ આખી વાત પ્રતીકાત્મકરુપે જોઈશું તો ઈશ્વરની કલ્પનાને કોઈ તર્ક સાંપડશે જરુર.

સમગ્ર બ્રહ્માંડનો બુકડો બોલાવી દે તેવી કોઈ શક્તી કે જેના વડે સમગ્ર વીશ્વનું સંચાલન થાય છે તે ગુરુત્વાકર્ષણ વગેરે જેવી શક્તીઓને જ ઈશ્વર માનવાનું મન કેમ નહીં થતું હોય ? માણસની દોડ માણસના સ્વરુપ સુધી જ દોડી શકે. એનો ભગવાન પણ પોતાના જેવો જ હોય ! બહુ બહુ તો એને હાથ હજાર હોય, ને માથાં એકથી વધુ હોય એટલું જ ! વીજ્ઞાનના હજાર નીયમોને જ ઈશ્વરરુપે જોવામાં મને તો કોઈ વાંધો આવે નહીં.

સમગ્ર બ્રહ્માંડમાં જે તત્ત્વ વીલસી રહ્યું છે તેને વીષે કેટકેટલું લખાયું છે ! જગતનો અંશ પણ ખાલી નથી. આખું જગત કોઈ એક તત્ત્વથી લબાલબ ભર્યું છે. તેને માટે નદીનો એક દાખલો મુકીશ. પાણી વીજળીના કરંટને તરત પસાર કરે છે. કોઈ મોટી નદીના મુખથી લઈને સાગરસંગમ સુધીના સમગ્ર પટને પસાર કરી શકે એટલી તાકતવર વીજળીનો એક છેડો નદીના મુખ પર રાખીને કરંટ મારવામાં આવે તો સાગર સુધી તે દઝાડી શકે કે નહીં ? કારણ કે નદી એના મુખથી લઈને સંગમ સુધીના આખા પટ પર એક સાથે, એક સમયે હોયછે. નદીનું આ હોવું આખા પટને લાગુ પડે છે. બ્રહ્માંડ આખું પણ આવી જ રીતે કોઈ અદીઠ પદારથથી લબાલબ ભરેલું છે…(આ હું એકલો નથી કહેતો પણ બધે તેવું કહેવાયું છે.)

થીયરી એવું કહે છે કે સુક્ષ્માતીસુક્ષ્મ કણો એક સાથે કણરુપ પણ હોય છે અને પ્રવાહરુપે પણ હોય છે !! વીજ્ઞાનને પણ આ બાબત આશ્ચર્યની લાગી છે ! પણ આપણે તો કણને સ્થળઅને પ્રવાહને સમયતરીકે સાથે સાથે જ જાણ્યા છે !! 

સમગ્રતાએ શું છે ? એ સમગ્રને સાચવનારાં કોણ કોણ છે ? હું અને આપણે સૌ આ સમગ્રનો એક ભાગ ખરાં કે નહીં ? આપણ સૌનું એક સાથે હોવું તે કોઈ ને કોઈ રીતે જોડનારું ખરું કે નહીં ? માટીનો કણ અને માનવીનો કણ; વળી હવાનો કણ ને કહેવાતા શુન્યાવકાશમાં પણ રહેલો કણ…આ બધાંની વચ્ચેને બધાંની અંદરજે વહી રહ્યું છે, ચકરાવા લઈ રહ્યું છે તેને સ્થળ અને કાળના વ્યક્તીગત અને સમષ્ટીગત સંદર્ભે જોવાનું વીજ્ઞાન અને ધર્મની મુળભુત થીયરીઓમાં લગભગ એક સરખી રીતે જ બતાવાયું હોય તેવું નથી લાગતું ?!