માસ્તર મારેય ખરાં ને… … (ભણતાં–ભણાવતાં (૨)

માસ્તર મારેય ખરા, ભણાવેય ખરા ને હેતેય ખરા !

 

ઉમરાળાની શાળાનો અભ્યાસ એટલે માંડ બેએક વર્ષ ! લગભગ ૧૯૫૦–૫૧ સુધીનો.

માતાના અવસાનટાણે ઉંમર સાડાપાંચથી છ જ વર્ષની અને તેમની ગેરહાજરીમાં બાપુજી હવેલીની સેવામાં પહોંચી શકતા નહીં એટલે પછી મોટાભાઈ બાબુભાઈ (અમૃતલાલ) કે જેઓ તળાટી હતા ને દર ત્રણ વરસે બદલીને કારણે એમને ગામડાં બદલવાનાં થતાં – એમના કુટુંબ સાથે અમે બે ભાઈઓ અને બાપુજી સૌ સાથે જ ગામડાં ફરવામાં ભાગીદાર થતા….

ઉમરાળા પછી તરત રંઘોળા બદલી થયેલી. પરીણામે રંઘોળાની શાળા બહુ યાદ.

ખૂબ નાની ઉંમરને કારણે ઉમરાળાના કેટલાક જ પ્રસંગો યાદ રહેલા. જેમાંનો એક પ્રસંગ તે જમાલ નામના એક છોકરાની કામગીરીનો.

જમાલ અમારા ક્લાસમાં બહુ મોટો. પીઢ કીશોર લાગે એવો. અમારા સાહેબને કોઈ કોઈ વાર ચાલુ શાળાએ વાઈ આવતી. વાઈ આવે એટલે તેમનું શરીર ખેંચાય, આંખોના ડૉળા બીવડાવી દે એવા થાય અને મોંમાંથી ફીણ નીકળવા લાગે. બેચાર વાર આવું જોયેલું એટલે ત્યાર પછી તો મારું ધ્યાન ભણવા કરતાં સાહેબને આવનારી વાઈમાં જ રહેતું ! કદાચ વાઈ આવવાના પ્રસંગ વચ્ચે લગભગ ચોક્કસ ગાળો રહેતો હોવો જોઈએ…કારણ કે તે દીવસે મોટા ભાગે હું વાઈની બીકે વાઈની પ્રતીક્ષામાં રહેતો ! અને લાગે કે હવે તૈયારી છે એટલે જોઈ લઉં કે જમાલ હાજર છે કે નહીં.

સાહેબનું શરીર સહેજ પણ ખેંચાતું લાગે અથવા ડૉળા ઉપર સહેજ પણ અસર દેખાય કે તરત જ મારી રાડ પડી જ માનો – ‘જમાલ, સાબ્ય !’, ‘જમાલ, સાબ્ય !!’ અને જમાલ પણ જાણે તૈયાર હોય તેમ સાહેબની પાસે પહોંચી જઈને એમને પકડી રાખતો અને એકાદ છોકરો ઓફીસેથી કોઈને બોલાવવા દોડી જતો.

નાના બાળક ઉપર આવા પ્રસંગોની બહુ મોટી અસરો પડતી હોય છે. કુમળું મન પછી કેટલાંક દૃષ્યો જોઈ શકતું નથી. હોરર ફીલ્મો જોઈને રાજી થનારા કીશોરો કે યુવાનોની મને હંમેશાં નવાઈ લાગતી રહી છે તેમાં આ પ્રસંગો મોટા કારણભુત ગણાય.

બીજા સાહેબ તે નાથાભાઈ. શરીરે સુખી, ને સ્વભાવેય મજાના. છોકરાવને મારે બૌ !

પણ એમના મારમાં કેટલુંક હેત પણ રહેતું. કોઈ છોકરાનો વાંહો એમની ઝપટે ચડ્યો હોય તો તે દુર સુધી ચાડી ખાઈ જાય. કારણ કે નાથાભાઈ ધબ્બો મારતી વખતે પોતાનો પોંચો કુબાની જેમ પોલો કરીને મારતા ! એટલે વાગવા કરતાં ‘વાગે’ (અવાજ કરે) વધુ…એટલે અવાજ મોટો થાય !

મારે ભાગે ક્યારેય કોઈ શીક્ષકનો માર ખાવાનો લહાવો આવ્યો જ નહીં એનું આશ્ચર્ય ને ક્યારેક તો દુખ પણ થઈ આવે છે !! સોટી વાગે ચમચમ ને વીદ્યા આવે રમઝમ ! મને ઘણી વાર થાય કે હંમેશાં આગળનો નંબર લાવનારો હું જો એ રમઝમનો લાભ લઈ શક્યો હોત તો ૧૦૦માંથી ૧૧૦ લાવી શક્યો હોત ખરો !

હથેળીમાં ફુટપટ્ટી તો કાંઈ નો કહેવાય; આંકણી મારનારા સાહેબો પણ હોય છે….મેં નજરે જોયા નથી તે સારું છે, બાકી અવળી હથેળી રખાવીને મુઠ્ઠી પર આંકણી મારનારા સાહેબો “કેવા હશે ને કેવા નૈં” ?!

પણ શીક્ષાને આટલી બધી વખોડનાર આ લેખક નામે જુભૈ, પોતે પણ બાવળામાં એક વરસ શીક્ષક રહ્યા ત્યારે, તેમને પંદર દીવસ માટે મળેલા પ્રાથમીકના વર્ગોમાં, આગલી હરોળમાં બેસીને અસહ્ય ધમાચકડી કરનાર પર ડસ્ટર લઈને ફરી વળતા એ વાતે બહુ દુખી છે !!

“મારા ડસ્ટર પ્રયોગો” શીર્ષકથી મેં લખેલી “એક ચણીબોરની ખટમીઠી” નામક અનુભવકથામાં આ પ્રસંગને ઠીક ન્યાય આપ્યો છે. મનુભાઈ દર્શકે અમને લોકભારતીના કેટલાક જુના વીદ્યાર્થીઓને પોતાના કાર્યક્ષેત્રના અનુભવો લખવાના કહેલા. આવા અમે કુલ ૨૪ જણાંએ “ઝાડનાં પારખાં ફળ પરથી” શ્રેણીમાં ૨૭ બુકોમાં ઘણું બધું લખ્યું છે. મારી ઉપરોક્ત બુકમાં આવા અનુભવો મુકાયા છે. ક્યારેક એ બધાં આ શ્રેણીમાં આવે તો આવેય ખરાં વળી !

અત્યારે તો અહીં આટલું જ !

મારા ડસ્ટર પ્રયોગો જેમને જાણવા હોય તેમને માટે આ લીંક : https://jjkishor.wordpress.com/2008/01/21/chaniborani/

– જુગલકીશોર.

 

 

Advertisements

શાળાનું પ્રથમ પગથીયું (ભણતાં–ભણાવતાં –૧)

આજથી આ એક નવો વીભાગ શરુ કરી રહ્યો છું. આશા રાખું, બીજા મારા કેટલાક અટકી કે બંધ પડેલાઓની જેમ આને પણ એ રોગ ન લાગી જાય ! – જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(ભણતાં–ભણાવતાં –૧)

શાળાનું પ્રથમ પગથીયું ચડ્યા 

 

ભણવું એક વાત છે ને ભણાવવું તે બીજી જુદી વાત.

ભણતાં ભણતાં – થોડા મોટા થયા પછી – શીક્ષકના કાર્યને સમજવાનુંય થતું રહેતું હોય છે. કેવળ ભણવું અને ભણવાની સાથે સાથે ભણાવનારનું ભણાવવાનું કાર્ય સમજવા મથવું એ બન્ને બાબત અલગ છે પણ અમુક ઉંમર કે અમુક પ્રકારની સમજણ વીકસ્યા પછી એ બન્ને કાર્યો કંઈક અંશે સાથે ચાલતાં હોય છે. મારું ઘડતર કંઈક એવા પ્રકારનું કે નાનપણથી જ શીક્ષકોનાં કપડાં, પહરવેશની રીતભાત, એમની લઢણો અને કંઈક અંશે ભણાવવાની પદ્ધતી પણ નીરીક્ષણે ચડતી રહેતી ! (પણ એ બધું તો હવે પછી વારા પછી વારાએ…)

છએક વરસ પૂરાં થતાં શાળાએ જવાનું સહજ હતું. ઉમરાળાની શામલાલજીની હવેલીના મુખીયાજીનો દીકરો ભણવા બેઠો ત્યારે શાળાના અમુક શીક્ષકો સીવાય એ છોકરા અંગે કોઈને ખાસ કશું લાગ્યું હોય એ શક્ય નહોતું. ૧૯૫૦ની આસપાસ આ પ્રસંગ બન્યો હશે. એક થેલી અને એમાં પાટીપેન સીવાય કશું સાથે લેવાયું હોય એવું લાગતું નથી.

હા, શાળાએ દાખલ થવાનો પ્રથમ દીવસ હોવાનું જે માહાત્મ્ય છે તેના અનુસંધાને કપાળે ચાંલ્લો, હાથમાં શ્રીફળ, સાથે આવનાર કને કેટલુંક નાણું અને – “ભણીગણીને ખુબ હોશીયાર બનો”નો વણલખ્યો આશીર્વાદ.

બીજું તો કંઈ યાદ પણ ક્યાંથી હોય  ? સરસ્વતીની જીવનભરની આરાધનાનો એ પ્રથમ દીવસ ! ને તોય એ અંગે કશી જ માહીતી યાદ રહી શકે તેટલી ઉંમરનો અભાવ, આવા અતી મહત્ત્વના દીવસને કોઈ એક ખુણે મુકી દે છે.

થોડા મહીના પછી ભત્રીજો પણ દાખલ થયેલો જેને અંગે પણ કશું જ યાદ નથી.

પણ કાકાની સીનીયોરીટીએ એક દીવસ ભત્રીજાની તકલીફમાં મદદ કરેલી તે સાવ કરતાં સાવ યાદ રહી ગયું ! શાળા ચાલુ અને એને ઉલટી થયેલી. ઘરે જવાની રજા તો બન્નેને મળી ગયેલી પણ ઘરે સમાચાર કોણ આપે ? એટલે કાકાએ ફર્શ પર પડેલો બગાડ સાફ કરવા માટે એની જ કાપડની થેલીનો સદુપયોગ કરીને કામ ચલાવી લીધેલું ! અને પછી તો એ જ ભીની થેલીને લબડાવતાં લબડાવતાં ઘરે પહંચેલા.

કાકાને ધન્યવાદ જેવું બક્ષીસમાં કાંઈ મળ્યું હતું કે નહીં તે યાદ રહે તેટલી બક્ષીસ યાદશક્તીની હજી મળેલી નહીં…..

પણ ઉમરાળાના શાળાજીવનના કેટલાક પાઠોમાંનો આ ઉલટીવાળો એક પ્રસંગ, અણગમાનો બનવાને બદલે ઉલટાનો કાકાભત્રીજા વચ્ચેની મૈત્રીનો ભાગ બનવાનો હતો.

વધુ હવે પછી –

શરદપુનમના “મહારાસ” અંગે લગરીક !!

બ્રહ્મ–રાસ–લીલા                                                                                                             – જુગલકીશોર.

નરસીંહ મહેતાને શંકર ભગવાન પ્રસન્ન થયા પછી એણે ધાર્યું હોત તો ભોળાનાથ પાસે તે ઘણું માગી શક્યા હોત. પણ એણે કશું દુન્યવી માગવાને બદલે ફકત રાસલીલાનાં દર્શન માગ્યાં !

ખુદ શંકર ભગવાનનાં દર્શન પછી એને માગવાનું, આમ જોવા જઈએ તો, કાંઈ કરતાં કાંઈ બાકી રહેતું જ ન હતું. ને છતાં ભોળાનાથે કહ્યું ત્યારે એમણે કૃષ્ણલીલાના સાક્ષાત્કારરુપે રાસલીલા જોવાની માગણી કરી. (કહેવાય છે કે શંકરદાદોય હાર્યે ગ્યાતા – રાસડો જોવા !)

એવું શું હશે એ રાસલીલામાં કે આટલી મોટી વાત બની ગઈ ?

આજે શરદપુનમ છે તો ચાલ જીવ, કશુંક ફંફોસી લઈએ…મળી જાય તો લગરીક પામી લઈએ :

બ્રહ્મને થયું કે હું સાવ એકલો છું ને પાછો આકાર–રુપ–રંગ વગરનો ! આમાં નથી તો મને મજા આવતી કે નથી કોઈ મારો મહીમા જાણવા ને ગાવાવાળું. આમ ને આમ શુન્યવત્ ક્યાં સુધી ફાવે ?! કોઈ વખાણવાવાળું તો ઠીક પણ વખોડવાવાળુંય જો હોય તો કાંકેય સમય પસાર થાય. આમ “કશુંય ન હોવા”નો કોઈ અરથ ખરો ? એટલે એમને ઈચ્છા થઈ કે હાલો ‘एकोहं बहुस्याम् ’ રમીએ ! (રમવામાંય કોઈક તો જોઈએ જ !!)

ને એમ એમણે સૃષ્ટીનું સર્જન કરી કાઢ્યું.

જન્મજન્માંતરો પછી આ एकोहं बहुस्याम्નો અરથ ભુલાઈ ન જાય એટલે સમયને અનુરુપ એ વાત સમજાવવા માટે એમણે એમના એક સ્વરુપરુપ કૃષ્ણ કને રાસલીલા કરવાનો વીચાર ફુંક્યો ને એમ ગોકુળમાં રાસલીલા રચાઈ. નરસી મહેતા આ વાત જાણે એટલે એમણે શંકરદાદા પાસે આ લીલાને પ્રત્યક્ષ કરવાની બહુમુલી વાત મુકી. રાસલીલાનાં દર્શન માગીને એમણે બહુ મોટી વસ્તુ માગી લીધેલી ! આવું માગતાં આવડે એય એક મોટી વાત કહેવાય !

જોવા તો ક્યાંથી મળે એ, પણ કંઈક સમજાય તોય ગનીમત એમ માનીને થોડો દાખડો કરી જોયો એને ઉકેલવાનો. તો આ નાનકડા મગજમાં જેટલું સમજાણું, એને લાઉડ થીંકીંગ જેવું આમ જાહેરમાં મુકીને વહેંચવાથી બીજાના વીચારોય ભળે તો વધુ ફોડ પડે એમ માનીને આજે આ શારદીપુનમે કીબોર્ડ પર બેઠા છયીં. જે થાય તે ખરી !

***   ***   ***

રાસમાં અનીવાર્ય તત્ત્વ ગોળાકારનું હોય છે. ગરબામાં ગોળાકારે ફરનારાંઓની મધ્યમાં ગરબો હોય ને અન્યથા કોઈ દેવીદેવતાનો ફોટો હોય છે. મધ્યે સ્થીત દૈવીતત્ત્વની આસપાસ ફરતાં સૌ કોઈ ધાર્મીક ગીતો ગાતાં હોય.

કૃષ્ણની રાસલીલામાં આ જ વાત જરા જુદી હતી. ગોકુળમાંની ગોપીઓના આગ્રહને વશ શ્રીકૃષ્ણ રાસયોજના કરે છે. ગોપીઓમાંની કઈ ગોપીની બાજુમાં કાનજી રહેશે તે રહસ્યનો ઉકેલ કાનજીએ એવો આપેલો કે દરેક ગોપીને એમ લાગે કે તેઓ મારી સાથે જ છે, ને એટલે પોતાનાં અનેક રુપ ધારણ કરીને દરેકની સાથે પોતાને રાખેલા. આમ એક ગોપી ને એક કાનજી એવો માહોલ એમણે રચીને સૌને સમજાવી દીધેલાં !

સમગ્ર રાસનું માહાત્મ્ય આ દરેકની સાથે રહેનારા કૃષ્ણમાં ખુલતું હતું. રાસ કેટલો ચાલ્યો, કયાંકયાં ગીતો કોણેકોણે ગાયાં વગેરે બાબતોમાં ન જઈએ તોય આ યુગ્મયોજનામાં જ રાસલીલાની ઘણીખરી લીલા જોવા મળી જાય છે.

કેન્દ્રમાં કોઈને દેખાયા હોય કે નહીં, પણ ત્યાં સાક્ષાત્ કૃષ્ણ જ રહ્યા છે. રાસની સરખામણી કંઈક અંશે રથના પૈડા સાથે કરવામાં રાસને સમજવામાં મદદ મળી રહે છે. રથના પૈડામાં કેન્દ્રમાં ધરી માટેનું એક છીદ્ર અનીવાર્યપણે  હોય છે. એ છીદ્રમાં રથને જોડાયેલી ધરી હોય છે. કેદ્રમાંના આ છીદ્રની ફરતે જે વર્તુળ બને છે તે પરીઘ, કેન્દ્રની સાથે આરા દ્વારા જોડાય છે. ને એમ પરીઘ પર રહેલો ધાતુનો પાટો સીધો જ કેન્દ્ર સાથે જોડાયેલો રહે છે. રાસનો ગોળાકાર એ અંડાકાર બ્રહ્માંડ જ છે એવું માનવામાં તો કોઈ તકલીફ જ દેખાતી નથી.

ગોપીઓને ખબર હોય પણ ખરી ને ન પણ હોય પણ વીવેચકોએ તો સદાય કૃષ્ણને વચમાં જોયા છે. આ વચમાંનું કૃષ્ણનું હોવું જ રાસને મહારાસ બનાવનારું બની રહે છે. દરેક ગોપી સાથે રહેલા કાનજી અને વચમાં ઉભેલા કાનજીમાં દેખીતો ઝાઝો ફરક નથી. છતાં વચલા કાનજીનું કદાચ ન દેખાવું જ એક ફરક ઉભો કરનારું બને છે.

પાસેપાસે રમતાં કાન–ગોપી એ પુરુષ ને પ્રકૃતી; શીવ અને જીવ કે આત્મા અને શરીર એમ કહી શકીએ. આ દ્વૈત, આ જોડકું જે દેખાય છે એ બ્રહ્મ અને માયાથી માંડીને સ્થુળ અને સુક્ષ્મ બધે જોવા મળે છે. બ્રહ્માંડ અને બ્રહ્મથી લઈને જંતુ ને જીવતત્ત્વ સુધી એક સરખું આ જોડકું બધે સાથે ને સાથે જોવા મળે છે.

આ રાસલીલામાં ભાગીદારો અને હાજર રહેલાઓનો વીચાર કરતાં ગોપી, નરસીંહ મહેતા અને શંકર ભગવાન ત્રણ તત્ત્વો છે. (કૃષ્ણ સૌમાં કૉમન હોય તેમ મને લાગે છે. એટલે એને ગણતરીમાં લેવાનું અત્યારે તો સુઝતું નથી.) આ ત્રણ એટલે સંસારનો જીવ, જીવનો સાક્ષી અને સૌમાં રહેલું બ્રહ્મતત્ત્વ.

એને વીગતે જોઈએ તો, ગોપીનાં બે સ્વરુપ છે. એકમાં તે સામાન્ય જીવ છે ને કૃષ્ણને પણ પોતાનામાંનો જ ગોપ માને છે. પોતાને પણ સૌની જેમ જ તે ગોપ અત્યંત વહાલો છે ને તે પાછો પોતાની અડોઅડ નાચે છે તેનો ભરપુર સંતોષ છે. એ જીવરુપ ગોપી રાસના સ્થુળ આનંદમાં મસ્ત છે.

પણ જો જ્ઞાની ગોપીને જોઈએ તો તે કૃષ્ણને પોતાની ભીતરમાં અને વીશ્વસમસ્તમાં વ્યાપેલો અનુભવે છે. પોતાની બાજુમાં અને રાસના કેન્દ્રમાં એમ બન્ને બાજુ એને ઉભેલો અનુભવે છે. રાસનો રચયીતા, રાસમાં રમનારો અને રાસને આટોપનારો પણ એને માની–જાણીને સંસારનાં સ્થુળ અને દીવ્ય એમ બન્ને રુપને તે ગોપી માણે છે.

જ્યારે સાક્ષીરુપ નરસી મહેતો પોતાના સ્થુળત્વને તજીને રાસના તત્ત્વને પામી ગયેલો જણ છે. એ બધું જ એકાકાર અનુભવે છે. શરીર, જીવ અને આત્મતત્ત્વ સૌને ઘડીક નોખાં ને ઘડીક એકાકાર અનુભવતો એ છેવટ સમાધી જેવી અનુભુતી પામે છે ને ત્યારે એને પોતાના શરીરનું ભાન રહેતું નથી ને હાથને મશાલ બનાવી મુકે છે ! કહેવાય છે કે સ્થુળને બાળ્યા વગર સુક્ષ્મ મળતું નથી.

નરસી મેતાને જો આંશીક રીતેય સમજી શકાય તો પછી એને અહીં લઈ આવનાર શંકરતત્ત્વની ઝાંખી થઈ શકે ખરી. ને તો જેમ વચમાં ઉભીને વાંસળી વાતા કૃષ્ણને કેન્દ્રછીદ્ર ગણવા મન દોડે છે તેમ કેન્દ્રની ધરીરુપ સદાય અદૃષ્ય એવા શંકરને પણ – કોક કરોડોમાં એક એવા નરસી પર વરસી ગયેલા બ્રહ્મતત્ત્વને પણ કલ્પીને, આમ લાઉડ થીંકીંગરુપે મુકી શકાય ખરા ?!

 

 

 

ભડભડ બળતો કે ખડખડ હસતો રાવણ ??!

રાવણ મરતો નથી.                                                                                                                 – જુગલકીશોર

રાવણને મારવાના અખતરા દર વર્ષે જાહેરમાં કરવામાં આવે છે. લાખ્ખો રૂપીયાનો ધુમાડો કરીને રાવણનું કરી નાખવાના ધખારામાં રાવણએનો ભાઈ ને એનો ગગો એમ ત્રણેયને લાઈનબંધ ઉભા રાખીને પછી એક પછી એક સળગાવવામાં આવે છે. વરસોવરસ એને બાળવાના જાહેર પ્રયત્નો થતા રહે છે ને તોય રાવણ બળતો નથી, મરતો નથી. બલ્કે અનેકગણી તાકાતથી વધતો જ જાય છે. આટલો અનીષ્ટ તો એ રામના સમયમાં પણ ન હતો. રામના સમયમાં તો એક જ રાવણ હતો. કુંભકર્ણ પણ એક જ હતો. આજે હજારો વરસના આ લાંબા ગાળા પછી તો એ ઉલટાના અગણીત થઈને રંજાડતા થયા છે. દરરોજ કેટકેટલી સીતાઓનાં અપહરણ થાય છે ! સદીઓથી ઉંઘતાં રહેતા કુંભકર્ણોની ગણતરીય હવે તો શક્ય નથી.

અસત્યનું રુંવાડુંય હલાવી શકવાની તાકાત ગુમાવી બેઠેલું સત્ય ભોંઠું પડે છે. સદગુણોય (જો ક્યાંય બચ્યા હોય તો) ગમે તેટલું મથે તો પણ એકાદોય દુર્ગુણ ઓછો થવાનું નામ લેતો નથી. વીજયાદશમીના દીવસે ભડભડ બળતા રાવણને જોઈને લોકો તાળીઓ ભલે પાડે, પણ ખડખડ હસતો એ કદાચ આખા વરસ દરમીયાનના પોતાના બધા વીજયોનો મહાઉત્સવ આ દીવસે એકી સાથે ઉજવતો જણાય છે !!

એ વરસે દીલ્હીમાં ને બીજે ક્યાંક એવું થયું કે રાવળ ભડભડ બળવાને બદલે ખડખડ હસતો હોય એવું – છેક આંય અંબ્દાવાદ હુધી – હંભળાયું ! કોઈ આદરણીયના હાથમાં તીરકામઠું પકડાવીને રાવણને મારવાનું કહેવાયું. પણ આવું કાંઈ ઈમને ફાવે ? (નૉ જ ફાવે). ને હાચે જ નૉ ફાવ્યું ! કામઠું પકડવા જાય તો તીર હખણું નૉ રીયે, ને તીર ઠીક કરવા જાય ત્યાં કામઠું નમી જાય. આ કાહટીમાં કોકે ચાંપ દબાવી દીધી હશે તે તીર વછુટે ઈની પેલાં ઓલ્યો હળગવા માંડ્યો. ઈમાંય એક ઠેકાણે લોચો પડ્યો તે તણેય જણાને બાળવાનો વારો ચૂકઈ ગીયો ! હઉથી શેલ્લો બળનારો હઉથી પેલો લાગી ગ્યો, બોલો ! (બાપ કાંઈ નેનાભૈને ને ગગાને મેલીને  થોડો વે’લો હાલતો થાય ?!)

હાંતો આપણે કહેતા હતા કે દર વરસે આ ધખારા કરોડો રુપીયા ખરચીને કરવામાં આવે છેને તૉય એ મરતો નથી. લાખો રુપીયાનું દારૂખાનું ભરેલાં આ તોતીંગ પુતળાં જાહેરમાં ફુટે ને એનો શોર થાય એની મજા – દીવાળી પહેલાં જ ફટાકડાના રીહર્સલની – કરીને સહુ પોતપોતાને ઘેર જાય. સમ ખાવાય કોઈને રાવણના મરણની પડી હશે. બધ્ધા જાણે છે કે આ એક ફટાકડાનો જાહેર કાર્યક્રમ છેને એનાથી જરીકેય વધુ મહત્ત્વ એનું નથી. અસત્ય પર આમાં કોઈ સત્યનો વીજય થતો નથી. કોઈ એકાદોય દુર્ગુણ આમાં ઘટતો નથી. ઘટે છે તો દેશનો પૈસો !

રાવણ મરતો નથીમરવાનોય નથીએને ખુદ મારવાનું ખાતું સંભાળતા ભગવાનનું વરદાન હતુંએ શી રીતે મરે ?! સર્જન, પોષણ ને સંહારના ત્રણ મહા–દેવોમાંના સંહારના દેવ પાસેથી જ વરદાન મેળવી ચૂકેલો આ મહારાવણ અધુરામાં પુરું જ્ઞાની પણ હતો ! બધી જરુરી ટૅકનીકલ વીદ્યાઓ મેળવી ચુકેલો એ હારે શી રીતે ?! ઈશ્વરના અવતાર જેવા શુરવીરો પણ છળ કર્યા વીના કેટલાક શત્રુઓને હણી શકતા નથી, તો સામાન્ય એક માથાળા માનવીનું શું ગજું ?!

વીજયાદશમીના દીવસે દશાનન કહેતાં દસ માથાળા એ મહા રાક્ષસને વીંધવાનું આ પ્રતીકાત્મક દૃષ્ય કેવું છે ? કોઈની સામે ટીકા કરતી એક આંગળી આપણે તાકીએ ત્યારે જાણે–અજાણે બાકીની ત્રણે આંગળીઓ ખુદને તાકતી, ચીંધતી હોય છે જાણે !! રાવણદહનના આ જાહેર કાર્યક્રમમાં ભેળાં થયેલાં હજારો એકમાથાળાં માનવીના એકના એક સાત ખોટના માથામાં ચોવીસે કલાક રંજાડતા રહેતા દસેય દુર્ગુણોને તાળીઓના ગડગડાટ અને દારુખાનાના ભડભડાટ વચ્ચે ઢબુરી દેવાનું રામની સેનાને હવે બરાબરનું ફાવી ગયું છે.

કોક બીજાને જાહેરમાં ઉભો કરી દઈને એને ભડાકે દેવાનો આ આખો કારહો તદ્દન વાહીયાત. અંદર આખા ને આખા રાવણ ભર્યા હોય ને હું કોક બીજાને રાવણ બનાવી દઉં, તો મારા જેવા જે હોય તે તો બધા તાળીઓ જ પાડે ને – પેલો બીજો જ ઝપટે ચડી ગયો એટલે !! પણ આ બધા ભડાકાધડાકા વચાળે નવરાત્રીમાં ‘અંદરથી જાગી ગયેલો જણ’ કાંઈ કહેવા જાય તો શું કોઈ સાંભળે એમ માનો છો ?! ખુદ રામજીનેય સંતાઈને બાણ મારવામાં કે સગર્ભા પત્નીને તરછોડવામાં કોઈ છોછ ન હોય પછી આપણા જેવાને શેની તકલીફ, કેજો ?!

મને પોતાને એક જ માથું હોવાનો મારો વહેમ દશેરાને દીવસે ભાંગી પડે છે. આજના દા’ડે કોણ જાણે ક્યાંથી મને થૈ આવે છે કે દસ માથાં તો મારે જ છે ને શું !! બહારથી દેખાતા આ વેંત એકના ઘેરાવાવાળા માથાની અંદર દસગણી જગ્યા રોકીને નવ જેટલાં રાવણમથ્થાં મારા એકના એક માથાની ઘાણી કરી નાખે છે. નવરાત્રીઓમાં ગામ આખું બરાડા પાડીપાડીને મને જાગતો કરી મુકે એટલે પછી નવનવ રાત્રી સુધી નવરાધુપ એવા મારામાં – ઓછામાં ઓછા નવ તો હશે જ – રાવણીયો ને એનાં સગાંવા’લાંઓનું આખું રાવણું મને  હચમચાવતું રહે ! મારા એક જ માથું હોવાના વહેમનું એ મારા વાલીડાઓ, કચુંબર કરી નાખે.

દર વરસે રાવણને બાળવાના આ વીજયાદશમીના કાર્યક્રમનો કોઈ સાર હોય તો તે રાવણના રુંવાડે રુંવાડામાંથી ઘડાકાબંધ ફુટી નીકળતું – અટ્ટહાસ્ય છે…એ છાતી પછાડીને સાબીત કરતો હસે છે –

તું તારું સંભાળ બકા, હું તો મર્યો જ નથી ને મરવાનોય નથી.”

હકીકતે દશદશ માથાં સંઘરી શકે એટલું બધું અનિષ્ટ ભરીને બેઠેલા શુરવીરો ગમે તેટલાં તીર ચલાવે ભલે ને, એ બધાં જ તાતાં તીર પાછાં ફરીને એ એકમથ્થા વીરની અંદર રહેલા દશાનનને વીંધશે ત્યારે જ વીજયાદશમીની ઉજવણી થઈ ગણાશે.

નવનવ રાત્રીઓ દરમીયાન પ્રકાશની આજુબાજુ ઘુમતાં રહેવાનું માહાત્મ્ય કદાચ એ જ હોઈ શકે કે નવનવ દ્વારોવાળા આ શરીરમાં રહેલા દસ–દસ રાક્ષસોની કંઈક ઝાંખી થાય ! નવરાત્રીઓ દરમીયાન ગરબાના ગર્ભમાં રહેલા દીપકનું એકાદ કીરણ પણ અંદર બેઠેલા દશાનનનો આછો પરીચય આપી દે –

તો નવરાત્રીઓને અંતે આવતો વીજય–દીવસ ઉજવી શકાય, બાકી તો આવતા ૩૬૪ દીવસોમાં કોણ કોને પુછવાનું છે ?!!

જુગલકીશોર. 

(સૌજન્ય : નેટગુર્જરીનો એક લેખ થોડા સુધારા સાથે)

======================================================

 

ધ્વની અને પ્રકાશની લીલા – નવરાત્રી !! (૩)

      – જુગલકીશોર.

 

‘ગરબો’ શબ્દનું મુળ ‘ગર્ભદીપ’ શબ્દમાં રહેલું મનાય છે. જેના ગર્ભમાં દીવડો છે તે ગર્ભદીપ આગળ જતાં ગરબો કહેવાયો તે વાત સાવ અજાણી નથી. ગરબો નોરતાં સાથે સીધો સંકળાયેલો છે. નોરતાંના નવ દીવસ આ ગરબાને વચ્ચે મુકીને બહેનો – હવે તો ભાઈઓ પણ – ‘ગરબા’ ગાય છે.

ગરબો અને ગરબા એ બન્ને શબ્દોનો સંબંધ અવીનાભાવી ગણાય. પણ ‘ગરબો’ શબ્દ કાવ્યના એક પ્રકાર રુપેય જાણીતો છે. એવી જ રીતે દયારામની ગરબીઓ પણ કાવ્યસાહીત્યનો જ એક બહુ માનીતો પ્રકાર છે.

ગરબો અને ગરબી એ બેઉને જરા હળવાશથી જોઈએ તો મજાની વાત એ છે કે ગરબો નરજાતીનો શબ્દ છે પણ તે બહેનો દ્વારા જ ગવાય છે, ને તેય પાછો માતાજી સામે ગવાય છે. જ્યારે ગરબી એ નારીજાતીનો શબ્દ છે ને તે ભાઈઓ દ્વારા ગવાય–રમાય છે, ને વળી તે કાનુડાની ગોકુળ આઠમ ઉપર રમાય છે ! ટુંકમાં કહીએ તો દેવી અને તેની ભાવીકાઓ માટે ‘ગરબો’ અને કાનુડો અને તેના ભક્તો માટે ‘ગરબી’ !!

ગરબો માટીનો જ હતો. હવે ધાતુના ગરબા પણ રખાય છે. પણ ગરબાની ખાસીયત એ છે કે તેની બધી બાજુએ છીદ્રો હોય છે. અંદર બેઠેલો દીપ એમાંથી પ્રકાશ વહાવે છે. (નાનપણમાં ગામડામાં માટીથી લીંપેલા ઘરમાં અમે લીંપણને થપથપાવીને ધુળ ઉડાડતા અને પછી ગરબામાંથી ફુટતી પ્રકાશની શેડો જોતા તે યાદ છે. આ માટીના ઘડાની આરપાર નીકળતાં કીરણો કોઈ બીજી જ દુનીયામાં લઈ જનારાં તત્ત્વો છે.

ગર્ભમાં રહેલું બાળક અને ગરબામાં રહેલો દીવડો એક અનુસંધાન કરી આપે છે. ગરબો દર વર્ષે બદલતો રહે છે પણ દીપ ? એ એક પ્રતીક બની રહે છે અને એ બદલતો નથી !! ગર્ભમાં રહેલું બાળક જીવનનું સાતત્ય છે, કાયમ ચાલુ રહેનારી કડી છે.

દર વર્ષે આવતા આ નવ – ૯ – દીવસો નવલા દીવસો બની રહે છે છતાં પ્રકાશની ફરતે ચક્કર ચક્કર ફરનારી આ સૃષ્ટીને સાક્ષાત્ કરી આપીને એને શાશ્વતી બક્ષે છે. ગરબો શાશ્વતીને સમજાવે છે. પ્રકાશ, ને તે પણ કીરણો રુપે – ધોધ રુપે નહીં – આપણને પ્રાપ્ત થાય છે.

ગરબો પોતે માટી છે. નર્યું ભૌતીક સ્વરુપ ! પણ દીવડો ? વીજ્ઞાન તો પ્રકાશનેય ભૌતીક જ કહેશે. સાચી વાત છે. પાંચ મહાભુતો પણ છેવટે તો ભૌતીક તત્વો જ છે. દીવાની વાટ, તેલ કે ઘી વગેરે પદાર્થોય નર્યાં ભૌતીક તત્ત્વો જ છે. પ્રકાશ સુધ્ધાં. પરંતુ તેજસ્વીતા, ઔજ્વલ્ય એ અસ્પર્શ્ય વસ્તુ છે. એને ભૌતીક કહી નહીં શકાય. એનું વીશ્લેષણ નહી થઈ શકે. પ્રકાશ પણ આમ જોવા જઈએ તો પોતે દેખાતો નથી…એ તો જેના પર પડે તેને પ્રકાશતો હોવાથી જેતે પદાર્થ દેખાય છે. છતાં પ્રકાશત્વ કાંઈક જુદી વસ્તુ છે. એ અસ્પર્શ્ય, અવર્ણ્ય, અનાકૃત છે. આ જ તત્ત્વ સહેજ આગળ વધતાં ઈશ્વર નામના તત્ત્વ તરફ લઈ જાય છે.

પણ ઈશ્વરની વાત આવે એટલે દેવ અને દેવીઓ બે અલગ જાતીઓની વાત આવે ! પુરુષતત્ત્વ અને નારીશક્તીને અલગ કરીને ઓળખવાની વાત આવે ! શીવ અને શક્તીની વીભાવના સામે આવીને ઉભી રહે !!

ગરબો આપણને કાંઈક જુદું સમજાવતો હોય તેમ જણાય છે ! ગર્ભ અને દીપ બન્ને મળીને આ આખી વીભાવનાને નવેસરથી, નવલી રીતે સમજાવતાં જણાય છે. નારીશક્તીનો મહીમા આ દીવસોમાં ગવાય છે. દુન્યવી નારી ગરબાના પ્રતીકમાં રહેલા માયા તત્ત્વની આસપાસ ફરતી રહે છે. પુરુષો પણ માતૃશક્તીનો મહીમા ગાય છે ત્યારે તેઓ પણ અર્ધનારીશ્વરના જ એક ભાગરુપે એમાં ભળે છે. જગત આખું માયા નામક કલ્પનાના ભાગરુપે આ દીવસોમાં માયા કહો કે શક્તી કહો, એને ભજે છે.

ગરબાની ફરતે ગવાતાં ગીતો, ગીતોનો લય, પગની ઠેક અને તાલી આ બધું ગરબાનાં છીદ્રોમાંથી રેલાતાં પ્રકાશકીરણો સાથે ગુંથાઈને એક અદ્ભુત લીલા રચે છે. એ લીલાનો એકાદ અછડતોય અંશ જો અડી જાય તો આખું વરસ આવતા વરસ સુધીની તાકાત આપી દઈને એક મજબુત કડી રચી દે છે ! ગરબો આવા અનુસંધાનોનું પ્રતીક છે. શાશ્વતીનું ઈંગીત છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

 

 

 

 

 

ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ

વ્યક્તી અને સમષ્ટી વચ્ચેના સંબંધોનું કાવ્ય આ ગરબો.                  – જુગલકીશોર. 

દીવડામાં રહેલી વાટ, એમાંનું તેલ કે ઘી, સાધનરુપ કોડીયું અને એને આંચ આપનાર દીવાસળી – આ બધા પદાર્થો નર્યા ભૌતીક છે. એટલું જ નહીં, દીવાની જ્યોત અને એનો પ્રકાશ પણ ભૌતીક બાબતો જ છે. પરંતુ એ પ્રકાશનું પ્રકાશત્ત્વ, એ અગ્નીનું અગ્નીપણુ, તેજસ્વીતાને શું કહીશું ?

ગરબો જે રાસ લેતી બહેનોના કુંડાળા વચ્ચે સ્થપાયેલો છે તે અને ગર્ભમાં રહેલો દીપ ભલે એ બન્ને ભૌતીક તત્ત્વો રહ્યા, પણ એને કેવળ અને કેવળ પ્રતીકરુપે ગણીને ચાલીશું તો ધાર્મીક ગણાતી આ આખી વીધીમાં કલ્પનાની બહુ મોટી ઉડાન જોવા મળે છે. હીન્દુધર્મના ગ્રંથોમાં, એની વાર્તાઓમાં, એનાં ધાર્મીક વીધીવીધાનો – રીચ્યુઅલ્સ –માં, અરે એમણે બતાવેલાં વ્યક્તીસ્વરુપો – ભગવાનો –માં હંમેશાં પ્રતીકો જ દેખાય છે. ધાર્મીકતા એ ધર્મની સત્તા સ્થાપવાનું કે પ્રસરાવવાનું ષડયંત્ર નથી. એ ખાસ કરીને જીવનસમસ્તની લાંબાગાળા માટેની વ્યવસ્થા હતી. એ સામાજીક, રાજકીય, આર્થીક જેવાં બધાં પાસાંઓને આવરી લેનારી વ્યવસ્થાનું બંધારણ હતું.

ધર્મના માધ્યમની, ધાર્મીક વીધીઓની અને એ રીતે આ સમગ્ર જીવનવ્યવસ્થાની એક સૌથી મોટી ખુબી એ હતી કે એ જેટલું સામુહીક વ્યવસ્થા માટે હતું એના જેટલું જ બલકે એનાથીય વધુ તો વ્યક્તીગત વીકાસ માટેનું વ્યવસ્થાતંત્ર હતું. એને મોક્ષ નામ આપીને આપણા એ મહાનુભાવોએ સૌ કોઈની સમક્ષ એક લક્ષ્ય મુકી દીધું. ટાર્ગેટ નક્કી કરી આપ્યો. આ મોક્ષ માટેની જ બધી વ્યવસ્થાને ધર્મના નામથી સંચાલીત કરી. જેમ લોકશાહી પણ એક વ્યવસ્થા જ છે અને બીજી એનાથી વધુ સારી વ્યવસ્થા ન મળે ત્યાં સુધીની એ અનીવાર્ય અનીષ્ટો સહીતની આજની ઉત્તમ વ્યવસ્થા ગણાય છે. તેમ ધર્મ અને એનું વ્યવસ્થાતંત્ર પણ બીજું એનાથી ઉત્તમ ન મળે ત્યાં સુધીનું (અને એમાં વચ્ચે ઉભા થતાં રહેતા વચેટીયાઓને બાદ કરીને) સ્વીકારીને ચાલવામાં નાનમ ન હોય.

દરેક ક્ષેત્રમાં, દરેક યુગે વ્યવસ્થાનો ગેરલાભ લેનારા પ્રગટતા જ રહે છે. આવાઓ પોતાની વીશીષ્ટ શક્તીઓ (કે મેળવી લીધેલી સગવડો)નો લાભ લઈને આ વ્યવસ્થાઓને પોતાની રીતે મચડી મારે છે ! આજે પણ ધાર્મીકતાનો ગેરલાભ લેવાનું મોટા પાયા પર ચાલી જ રહ્યું છે. એટલે પ્રતીકોને અને એના મુલ્યને એકબાજુ હડસેલી દઈને કેટલાય રીતરીવાજો વગોવાય છે, દંડાય છે. 

નોરતાં પણ આમાંથી બાદ શી રીતે રહી શકે ? પણ સદીઓથી જે ગવાતા રહ્યા છે તે ગરબાને અને ગાનારાંઓની વચ્ચે બીરાજમાન ગર્ભદીપને વખતોવખત ઓળખતાં રહેવાનું ગમે છે. એનો મહીમા ગાવાનું, એની આરતી ઉતારવાનું કે એને ભજવાનું ચોક્કસ ગમે છે. ગરબાની ફરતે ઘુમતા નારીવૃંદની ગોળાકાર – ભાઈ ચીરાગે યાદ અપાવ્યા મુજબ લંબગોળાકાર/અંડાકાર – ગતીને સમગ્ર બ્રહ્માંડની અંડાકાર ગતીના પ્રતીકરુપ ગણીને એને    પુજવાનું પણ ગમે છે.

આ નવરાત્રીઓ વર્ષાૠતુમાં પાકેલા ધાનનો ઉત્સવ હોય તો પણ ગરબાના મુળતત્ત્વને સમાવી લેનારી રાત્રીઓ છે. આ નવલી રાત્રીઓમાં સ્ત્રીશક્તી પ્રકાશની આસપાસ ઘુમીને કેન્દ્રમાં બીરાજેલા ગરબા સહીત એક અદ્ભુત રહસ્યમય આકૃતી રચી આપે છે. આ જગતના વીકાસમાં જેણે બહુ મોટો ફાળો આપ્યો છે તે ચક્ર – પૈડું – અહીં સાક્ષાત્ પ્રગટ થાય છે. ચક્રની ધરી અને તેમાંથી પ્રગટતા આરાઓ અને બધા આરાઓને વીંટાળી રાખતું, સૌને એક તાંતણે બાંધી રાખતું સુર અને લય–તાલનું સંકલનતત્ત્વ એ આ ગરબાને ચક્ર સાથે જોડી આપે છે. કોઈ પણ પૈડાને આ ચાર બાબતો જોઈએ – કેન્દ્ર, ધરી, આરાઓ અને બધા આરાઓને બાંધી રાખતી કીનારી. ગરબામાં કેન્દ્રમાં પ્રકાશ છે. ગરબો–ઘડો એ ધરી છે. ગરબા સાથે સીધી આત્મીયતા અનુભવતી નારી એ આરાઓ છે ને ગરબાનાં ગીતોમાં રહેલો સુર અને ગતીને કારણે ઉભો થતો લય એ બધાંને બાંધનારી કીનારી છે. ભક્તીનું તત્ત્વ આ આખાય માહોલનું પરમ તત્ત્વ છે. એ તત્ત્વ ગરબાના આખા કાર્યક્રમનો પ્રાણ છે.

સમગ્ર સૃષ્ટીનું સર્જકતત્ત્વ તેજસ્વરુપે ગરબામાં બીરાજમાન છે. ગરબો–ઘડો પોતાનાં છીદ્રો થકી પ્રકાશને સૌમાં વહેંચીને પ્રકાશને સૌનો બનાવે છે. એમાંથી પ્રગટતી તેજશીખાઓ ચક્રના આરારુપ બની રહીને દરેક વ્યક્તીને – અહીં દરેક ‘જીવ’ને એમ સમજવું રહ્યું – એ સૌનામાં રહેલી આત્મસ્વરુપ એકતાને ચીંધે છે. (અહીં મને રાસલીલા યાદ આવે છે. એમાં એક ગોપી અને એક કૃષ્ણ બાજુબાજુમાં રહેલાં છે. કેન્દ્રમાં બ્રહ્મ, ગોળાકારે એક કૃષ્ણ અને એક ગોપી. દરેક જીવની સાથે એક શીવ છે. બ્રહ્માંડની આ અવીરત ગતીમાં આ બન્ને તત્ત્વો એકસાથે છે. પણ રાસલીલાની મજા તો એમાં છે કે કૃષ્ણતત્ત્વ કે જે દરેક ગોપી સાથે છે તે જ કેન્દ્રમાં પણ છે ! બ્રહ્મનું રહસ્ય આ જ છે કે, તે કેન્દ્રમાં છે અને સૌની અંદર પણ છે !! દરેક જીવ, દરેક પદાર્થમાં રહેલું ચૈતન્ય આ રાસલીલામાં દર્શાવાયું છે. રાસમાં જોડાયેલાં સૌ દર્શકો પણ છે અને પાત્રો પણ છે. બહારથી જોનારો દર્શક – નરસૈયો અર્થાત્ ભાવક – પણ એમાં એટલો મશગુલ થઈ જાય કે એ પોતે પણ રાસલીલાનો ભાગ બની જાય !! ) 

ગરબામાં ઘણુંબધું છે. એમાં વ્યક્તી પણ છે અને સમાજ પણ છે; અર્થાત્ વ્યક્તી–સમષ્ટીનું સાયુજ્ય છે; એમાં લગભગ બધી કલાઓ છે; એમાં ગતી છે ને સ્થીતી પણ છે; એમાં શાશ્વતી છે ને ક્ષણ પણ છે; એમાં ભક્તી પણ છે ને વહેવારો પણ છે;

નવરાત્રીમાં, મેં આરંભમાં જ મુકેલા ‘નવ’ શબ્દના ત્રણે અર્થો પડેલા છે. એ નવલી રાત્રીઓ છે, એ નવધાભક્તીનો નવનો આંકડો બતાવે છે ને નવ એટલે નહીંના અર્થમાં રાત્રી નથી પણ દીવસ–રાત્રીથી પર જ્યાં સદાય પ્રકાશ જ પ્રવર્તે છે તેવું સતત ગતીમાન વીશ્વ છે.   

ને છેલ્લે એક વાત.

ઉપરનાં લખાણોની બધી જ વાતો ઘડીભર ભુલી જઈને ફક્ત એક જ દૃષ્ય જોઈ લઈએ. આ દૃષ્ય છે અંધારી કાજળકાળી રાત્રીએ થતું આકાશદર્શન !! આખું આકાશ ખીચોખીચ તારાઓથી ભરેલું છે. આપણે નીચે ઉભા જોઈશું તો આભલું એક મહાકુંભ જેવું દેખાશે. કલ્પનાની બાથમાં ન આવી શકે એવો આકાશી ગરબો માથા ઉપર ઝળુંબી રહેલો દેખાશે ! એના તેજસ્વી તારલાઓ જાણે કે ગરબાનાં છીદ્રો જ જોઈ લ્યો !! કોઈ અગમ્ય ગર્ભદીપ તારાઓરુપી છીદ્રોમાંથી અવીરતપણે પ્રકાશ રેલાવી રહ્યો છે.

કોઈને આ બ્રહ્માંડનો ગરબો બહીર્ગોળને બદલે આંતર્ગોળ દેખાય તોય એનો અર્થ હું તો એમ જ કરું કે સમગ્ર બ્રહ્માંડમાંની આપણી ધરતી અને આપણે સૌ પણ ગર્ભદીપ જ છીએ. અને તો બ્રહ્મના જ એક અંશ રુપે આપણે પણ આ વીશ્વના સંચાલનમાં ભાગીદાર તરીકે સામાન્ય માનવી જ ફક્ત નથી, આપણી ભુમીકા એકદમ ઉંચકાઈ જાય છે !! 

નવરાત્રી પરનાં મારાં આ બધાં અર્થઘટનો મારાં વ્યક્તીગત છે; પણ આ પ્રકાશપર્વને બહાને અહીં રજુ કરી દેવાનું મન રોકી શકાયું નહીં……

– એટલે જ બસ !!

આસો માસનાં અજવાળાં ! (૧)

નવ રાત્રીઓ +                                         – જુગલકીશોર.            

 

ૠતુઓની મહારાણી શરદ અને વર્ષાંતે આવતી દીપાવલીના પર્વમાં કેટલીક બાબતો સામાન્ય છેઃ બન્ને પ્રકાશનાં પર્વો છે. બન્ને બહુ મોટા ઉત્સવો છે. ઉત્સાહની હેલી લોકહૈયે ચડેલી આ બન્નેમાં જોવા મળે છે.

 

પણ બીજી લગભગ બધી જ બાબતો એકમેકને સાવ જુદાં પાડી દે છે.

 

શરદોત્સવ એક રીતે ચાંદનીની સાક્ષીએ ઉજવાતો ઉત્સવ છે. શહેરોમાં ચન્દ્રનું કોઈ કરતાં કોઈ જ મુલ્ય રહ્યું નથી. નોરતાંના પ્રથમ જ દીવસથી લઈને પુનમ સુધીના પુરા પખવાડીયામાં ચન્દ્રને કોઈ સંભારતું નથી, જે આ સમગ્ર પખવાડીયાનો સ્વામી છે ! આ ૠતુના ત્રણ મહત્ત્વના પ્રસંગો – નોરતાં, દશેરા અને શરદપુનમ –માં ગરબાનું એટલે કે નૃત્ય અને ગીતનું પણ ખુબ જ માહાત્મ્ય છે. આ પર્વોમાં સમુહજીવનનો સાક્ષાત્કાર થાય છે. આ પર્વ એકલદોકલ ઉજવવાનો નથી હોતો. આમાં સૌ સાથે મળીને હૈયે ચડેલા ઉછાળને પ્રગટ કરે છે. લાઉડસ્પીકરોની દખલ નહોતી ત્યારે સાવ શાંત વાતાવરણમાં ચાંદનીની પથારીમાં સૌ માતાનો ખોળો ખુંદતાં. મીઠા રાગમાં ને તેલની ધાર જેવા લયમાં સૌ ગાતાં. પગની ઠેસ અને હાથતાળી કે બહુમાં બહુ તો દાંડીયા ને ઢોલ, બસ બહુ થયું ! ગામની દીકરીઓ તો ખરી જ પણ વહુઓનેય અહીં મુક્ત કંઠે ગાવાની છુટ હતી. મીઠાઈઓને કોઈ મહત્ત્વ નહોતું. માતાજીનો પ્રસાદ એ જ મીઠાઈ. મોડી રાત સુધી ગાયાં–નાચ્યાં હોય એટલે ઘરનો ચુલોય કોઈ જાતનાં વેન કરતો નહીં ! કપડાં ને ઘરેણાંનું જોણું ખરું, પણ એય આજકાલના નર્યાં કૃત્રિમ લાગે એવા લઘરવઘર ને ભડકામણા વાઘા વીંટાળીને દેખાડો કરવાની જરુર કોઈને નહોતી લાગતી. ગામડાંઓમાં તો નાના સમુહો હોય તેથી “હો રાજ, ક્યાં રમી આવ્યા ?”નો શંકાભર્યો ઉપાલંભ પણ ગવાતો નહીં !!

 

દીવાળીમાં તો સાવ વાત જ નોખી. ચાંદલીયાની સાવ કરતાં સાવ જ ગેરહાજરી ! ને એ તો સારુંય ખરું જ ને ! ઘરને ટોડલે, ગોખલે ને રંગોળીઓના સુશોભન વચ્ચે દીવડાઓ, કોડિયાંઓ ચન્દ્રના સામ્રાજ્યને ભુલાવી દેવા મથતાં રહે. નવાં કપડાં–પોષાકોનોય ઝબકારો અજવાળું કરી દેનારો હોય. ફટાકડાનો પ્રકાશમીશ્રીત ધ્વની ઓડીયોવીજ્યુઅલી એ પર્વવીશેષને સફળ બનાવતો હોય. મીઠાઈની, નાણાના વ્યવહારોની, ચુલે મીષ્ટાંન્નોની ને હૈયે વરસભરનાં સંઘરાયેલા રહેલા સારામાઠા સંબંધોને નવેસરથી, નવા નામે ચોપડે જમા કરવાની આ દીવસોમાં હામ–હોંશ ને ધોંશ રહેતી હોય છે.

 

નોરતાંનું પર્વ ખળાની સમૃદ્ધી સાથે સંકળાયેલું હોય છે તો દીવાળીનું પર્વ નવા આવનારા વરસના સ્વાગત કરતાંય વીશેષ તો પાછલા વરસમાં વીતી ચુકેલી અનેક વીતકકથાઓને ભુલવાનું અને નવા વરસમાં એને બને તેટલી છેટે રાખવાના મનોરથોનું પર્વ હોય છે. બેસતા વર્ષે સૌ એકબીજાને ઘેર જઈને માફામાફી ને શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરતાં રહે. આ નીમીત્તે મીઠાઈઓ એના ગળપણની પુરી તાકાતથી સૌને ઓબ્લાઈઝ્ડ કરે. કદાચ આ આખા પર્વમાં મીઠાઈ બધાંના કેન્દ્રમાં રહેતી હોવાનો અંદાઝ હું મુકું તો ખોટો નહીં પડું !

 

ઉમાશંકરભાઈની બે પંક્તીમાં વેગથી ભરેલી એવી શુચીતા–વાદળીઓ દ્વારા શરદૠતુ હેમંતને નવું વરસ સોંપે છે તે યાદ આવી જાય છે –

 

“વેગે ભરી સરી જતી શુચિ વાદળો પે,

હેમંતને   શરદ  નૂતન   વર્ષ   સોંપે !”

 

નવરાત્રીઓનું આ પર્વ બીજી રીતે કહીએ તો આવનારા નવા વરસની ઉજવણી માટેનું રીહર્સલ જ ગણવાનું ઠીક રહેશે ! હા, બ્રહ્મ અને માયાના સાયુજ્યની વાતને અત્યારે અહીં સંભારીશું નહીં ! એ માતૃશક્તીના મહીમાને, અને ‘ગર્ભદીપ’ જે શબ્દનું મુળ ગણાય છે તે ગરબાને અત્યારે યાદ કરવાં નથી, કારણ કે એની વાત તો વીગતે કરવાની જ છે. આજે તો આ બે પર્વના અનુસંધાને કેટલીક વાતો અલપઝલપ કરી લેવી છે.

 

નોરતાંની એક અજીબોગરીબ ને સમગ્ર માહોલને કલંક લગાડનારી એક વાતને અહીં ન સંભારીએ તો આ લેખમાળાનો આ અંક વ્યર્થ જશે. એ કલંકકથાઓ શહેરોમાં હવે જાણે સામાન્ય ગણાય છે. માતૃશક્તીના મહીમાના આ દીવસોમાં થતાં કરતુતો સમગ્ર પર્વ પરનો ન ભુંસી શકાય તેવો ડાઘ છે. પણ હવે સામાજીક છોછ રાખવાનું બહુ ગનીમત રહ્યું નથી ! જોકે ગામડાંઓમાં પણ આવું નહોતું એમ તો કેમ કહી શકાય ? પણ સામાજીક સવાલોનો જે ડર હતો, માતાજીના દીવસોમાં કેટલુંક તો ન જ કરાયની માન્યતા હતી તેને ન્યાય આપવા પુરતી આટલી ટીપ્પણી.