વ્યક્તીસ્વાતંત્ર્ય વીચારસ્વાતંત્ર્ય !!!

“પડ્યા, તો કહે નમસ્કાર !”

“ભુખ્યા જણના ઉપવાસ પુણ્ય ન આપે”

“કાયરની સહનશીલતા અહિંસામાં ન ખપે”

આ બધી વાતો એવો નીર્દેશ કરે છે કે પરાણે કરવાનું થતું કામ સ–ફળ ન હોય. કેટલાક ધર્મોમાં ધર્મ પરિવર્તનો કરાવવાનો ચાલ હોય છે. અનેક લોકો ને કુટુંબોને પોતાનો ધર્મ છોડાવીને લાલચ કે ધમકી દ્વારા ધર્મપરિવર્તન કરાવાતું સાંભળીએ છીએ. આ બાબતોનો સમાજમાં સખત વીરોધ પણ હોય છે.

પરંતુ સ્વેચ્છાએ જે કાર્યો થતાં હોય તેને તે કાર્યોના કરનારની પોતાની સ્વતંત્રતા ગણીને એની સામે વીરોધ હોતો નથી. ખાસ કરીને પુખ્ત વયની વ્યક્તી સમજપુર્વક કોઈ પગલું ભરે અને જો તે કાયદાકીય ધોરણે કોઈને પણ અડચણરુપ ન હોય તો તેનો વીરોધ વ્યક્તીગત વીચારણાના ધોરણે ભલે થાય પરંતુ તેને જાહેર સ્વરુપ આપવાનું ઠીક ગણાય ખરુ ?

પરીક્ષામાં ૯૯.૯૯ ટકા લાવનારો એક જૈન યુવક સ્વેચ્છાએ જૈન ધર્મમાંની એક સર્વમાન્ય પ્રણાલી મુજબ સન્યાસ ગ્રહણ કરે ત્યારે બહુ બહુ તો તેનાં કુટુંબીજનો માટે તે સ્વીકાર કે વીરોધનો મુદ્દો હોઈ શકે છે. પરંતુ જે તે યુવક પોતાના ધર્મની પરંપરાને – કોઈને પણ તકલીફ આપ્યા વગર સ્વીકારે તો તેને સમાજ શું કરી શકે ?

લોકશાહીમાં વ્યક્તીસ્વાતંત્ર્યનો અર્થ શો ?

આપણી માન્યતાથી વીરુદ્ધ કાર્ય કરનારના વ્યક્તીસ્વાતંત્ર્યને અવગણીને આપણું વીચારસ્વાતંત્ર્ય આગળ કરવું તે લોકશાહી ગણાય ?

– જુગલકીશોર.

 

ફેસબુકીયમ્ – ૨

બે દીવસ દરમ્યાન કેટલુંક સૂત્રરુપ તો કેટલુંક જોડકણારુપ લખીને ફેસબુકના મારા પાને મુકી દીધેલું, તેને સંગ્રહ કરી રાખવાના ભાગરુપે અહીં મુકી રહ્યો છું……મારા વાચકોને ગમશે તો ગમશે મનેય તે. – જુ.

––––––––––––––––––––––––––––––––––––––––––

ફેસબુકીયમ્ ! તા. ૧૬/૯/૧૮

 

છીન્નભીન્ન છીએ,

અમારી જ ભુલોથી ખીન્નખીન્ન છીએ !

*******************

 વર્ગભીન્નતા,
વર્ણભીન્નતા,
મનભીન્નતા…..

અહો મતભીન્નતા !!

************************

હું, તું, “તે” –
હું, તું, આપણે !

હું નહીં; અમે પણ નહીં –
આપણે……બસ “આપણે” !!

************************

સંગીત સાથે સંકળાયેલો એક મજાનો અંગ્રેજી શબ્દ છે, હાર્મની.

સંગઠીત, સુગ્રથીત, સુસંકલીત શબ્દો પણ કેવા મજાના છે !

સંગીત, નૃત્ય, શીલ્પ જેવી કલાઓમાં જે હોય છે તે અનીવાર્ય તત્ત્વો હાથવગાં કરીને એને સમાજની સુમધુર સુરાવલીઓ રેલાવવામાં ન પ્રયોજી શકાય શું ?!

**************************

કોઈ સમજાવો…..

 

સમાજ વીખેરાઈ રહ્યો છે,

દીવાલો ચણાઈ રહી છે.

**************************

ઘણીય ઘણી ભાંગવી બસ દીવાલ ભેદો તણી;

ઘણીય ઘણી બાંધવી અવ સનેહદોરી ત્યહીં !!

************************

વીનંતીમાં નમ્રતાની જગ્યાએ આગ્રહ;
સલાહમાં પ્રેમને બદલે ઉપકારભાવના;
સુચનામાં ફરજને બદલે મોટપનો ભાવ
અને
આદેશ–હુકમમાં અધીકારની જગ્યાએ તોછડાઈ –
જે તે માણસની કસોટી કરીને એને જ નીચો પાડે છે !!

*****************

કોઈ પણ પક્ષના માણસો જે તે પક્ષના સક્રીય સભ્યો ન હોય તો પણ સામેના પક્ષની વ્યક્તીઓને ગાળો બોલે તે પછી જે તે પક્ષના આગેવાનો એની નોંધ લઈને ગાળો બોલનારને કોઈ ઇનામ આપશે ખરા ? નુકસાન તો સમાજની બે વ્યક્તીઅોને જ થવાનું ને ?! આ જ વાત આગળ જતાં એક જ સમાજના બે મોટા વર્ગોને પણ નુકસાન કરશે ને પક્ષો તો પેલા ભાઈબંધોને કોરાણે મુકીને ક્યારે ગઠબંધન કરી લેશે તે ખબરેય નહીં પડે ! બીલાડીઓના ઝઘડામાં વાંદરાવાળી વાત કાંઈ પંચતંત્ર પુરતી ચોપડીમાં સંઘરી રાખવા માટે નથી હોતી !!

સમાજને છીન્નભીન્ન કરી નાખનારી આ બધી પેરવીઓથી ધડો લેવાનું આપણે ક્યારે શરુ કરીશું ??!

***************************

 

 

 

 

 

મારી કૉમેન્ટીકાઓ (૫) કાવ્યનો મુખ્ય હેતુ આનંદ !

તા. ૦૫, ૧૨, ૦૬ના રોજ પ્રગટ થયેલા મારા લેખ “ઘટનાઓનું સર્જન-સર્જનની ઘટના” પરની ટીપ્પણીઓના સંદર્ભે મેં મુકેલી કૉમેન્ટીકા !

––––––––––––––––––––––––––––––––––––––––––––––

ભારતીય કાવ્યમીમાંસામાં કાવ્ય અર્થાત્ સમગ્ર સર્જનાત્મક સાહીત્યના મુખ્ય હેતુ બે કહ્યા છે: 1 આનંદ અને 2 ઉપદેશ.

ઉપદેશની વાત બાજુ પર રાખીને જોઇએ તો આનંદ એ કોઇપણ ઉત્તમ રચનાનું અંતીમ પરીણામ છે. કાવ્ય કે સાહીત્યમાં નવ રસોની જે વાત આવે છે તે બધાએ રસો આપણા સ્થાયી ભાવોના પરીવર્તનમાંથી જન્મે છે. સમગ્ર માનવજીવના નવ ભાવો છે, દુનીયાને ગમે તે છેડે પણ તે સરખા જ હોય છે. સર્જક એ ભાવોને પોતાની રચના દ્વારા જગાડે છે. તેથી વાચકને મઝા પડે છે. પણ ‘મઝા’ એ કાવ્યનો હેતુ નથી.

માનવના મનમાં પડેલા ભાવોનું જ્યારે સાધારણીકરણ થાય છે ત્યારે જ કાવ્યનું લક્ષ સીધ્ધ થાય છે, કારણ કે સાધારણીકરણ થાય તો જ ભાવોનું રસમાં પ્રગટીકરણ કે પરીવર્તન થાય છે.

આ પ્રક્રીયામાંથી જ આનંદ પ્રગટે છે; પણ આ આનંદ તે દુન્યવી આનંદ નથી. જેમ કે દુ:ખ એ દુનીયાભરના લોકોનો સ્થાયીભાવ છે અને સર્જક જ્યારે કાવ્ય દ્વારા વાચકમાં રસ જગાડે છે ત્યારે તે દુ:ખ રહેતું નથી પણ કરુણ રસમાં પરીવર્તીત થયેલો આનંદ હોય છે. નહીંતર દુ:ખદ ઘટના કોઇનેય વારંવાર સાંભળવી ન ગમે ! પણ કરુણરસનું સાહીત્ય વારંવાર માણવું ગમે. આનું નામ જ ભાવના સાધારણીકરણ દ્વારા થયેલો આનંદ. અતી ઉત્તમ કોટીનું સાહીત્ય જે પરમ અને દીવ્ય આનંદ આપે છે તેને કાવ્યશાસ્ત્રમાં બ્રહ્માસ્વાદસહોદર આનંદ કહ્યો છે. આવો આનંદ જ્યારે વ્યાપી વળે અણુઅણુમાં, ત્યારે ભાવક-વાચકના બધા જ ભાવો શાંત થૈને વીગલીત થૈ જાય છે, અર્થાત ઓગળી જઈને એક જ અનુભુતી કરાવે છે: કેવળ અને કેવળ આનંદની અનુભુતી! આ આનંદાનુભુતીને જ વીગલીતવેદ્યાંતરઆનંદ કહે છે !! સાહીત્યનું આ જ લક્ષ્ય છે.

આપણું સાહીત્ય આ ક્ક્ષાના આનંદને વહેંચતું હતું એટલે જ એ શાશ્વત બન્યું બાકી તો ફટકીયા મોતી જેવું ઘણું સર્જાતું હોય છે.

મુળ લેખ “ઘટનાઓનું સર્જન-સર્જનની ઘટના” અહીં  :

https://jjkishor.wordpress.com/2006/12/05/nibandho-33/

મારી કૉમેન્ટીકાઓ (૪) पानी रे पानी तेरे रूप कितने ?!

મુળે તો કૉમેન્ટ કરવાની જ નહોતી પણ – મને બહુ જ ગમતા – આ કાવ્યને વાચકો સમક્ષ મુકતાંની સાથે કાવ્યમાં દર્શાવાયેલા પાણીનાં વીવીધ સ્વરુપોને ધ્યાને લઈને કૉમેન્ટ મુલ્યા વીના મારો માસ્તરજીવ રહી ન શક્યો….આ પહેલાં કોઈક સમયે આ જ કાવ્યનો રસાસ્વાદ પણ કરાવેલો હતો જ. પણ આજે તો તા. ૮,૧૨,૨૦૦૬ના રોજ મુકાયલી કોમેન્ટ સાથે મુળ કાવ્યનો જ રસ લઈએ ! – જુ.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ને તે ય નીર …

 

છે આ ય નીર: સરમાં રહી શાંત પીએ
આકાશનું   ઝમતું  ચંદનસિક્ત  રૂપ,
ને   મંદ  વીચિદલની   ચળકંત   રેખે
રોમાંચ દાખવી  રહે નિજમાં નિમગ્ન.

ને  એ ય નીર:   ઊછળી ગરજે પ્રચંડ
અંભોધિમાંનીરખતાં વિધુ,મત્ત થૈને
ઉલ્લાસને  પ્રકટ   તાંડવથી   કરીને
માની  નિબંધન   ચહે તટ તોડવાને.

છે આ ય નીર: ભરતું લઘુ  ઠેકડા જે
સ્ત્રોતે સરે ,કલકલે, નિજ આજુબાજુ
રાખે  હવા રણકતી; તહીં   ચાંદનીનું
કેવું અહો ! સહજ છંદ રમ્યે જવાનું !

ને તે ય નીર: નીરખી વિધુયાદ આવ્યે
વાલાતણી,  નયન મૌતિક થૈ  ઝળુંબે !

                                 – ચંદ્રકાન્ત શેઠ

–––––––––––––––––––––––––––––

શ્રી ચન્દ્રકાંત શેઠની આ કવિતા ‘ને તે ય નીરે’ માં ચાર પ્રકારે વહેતાં પાણીની વાત છે; જાણીતી વાત છે, પણ એ ચારે ય નીર પર ચંદ્રની અવિનાભાવી અસર છે અને ચારે ય નીર પોતપોતાની કક્ષા પ્રમાણેપોતપોતાના સંદર્ભ-વિશેષે ચંન્દ્રને પ્રતિભાવ આપે છેબલ્કે કહેવું જોઇએ કે ચારેયનો ચન્દ્રાભિગમ કેવો અલગ અલગ રીતે ને રૂપે પ્રગટી રહે છે !!


કાવ્યના શીર્ષકે નીરને ‘તેય’ કહ્યું છે; ‘આ ય’ કે ‘એ ય’ નથી કહ્યું ! સૉનેટની છેલ્લી બંને મહત્ત્વની પંક્તિમાં નયનનીરને સૌથી ઉપર બેસાડીને પ્રકૃતિની સામે માનવીની લાગણીઓને જે મહત્ત્વ આપ્યું છે તે આ રીતે શિર્ષક પરથી જ સૂચવાઇ જાય છે. (પણ કદાચ ધ્યાન બહાર ન રહી જાય એ લોભે આ આટલી ચેષ્ટા કોમેંટરૂપે કરી છે !) -જુ.

 

ઉત્તમ સૉનેટ (વસંતતિલકા). ફરી એકવાર ઉત્કૃષ્ટ છાંદસકાવ્યો/ સૉનેટની આવી સફર કરાવો તો મઝા પડે. – પંચમ શુક્લ (એ સમયે એમણે મુકેલી ટીપ્પણી)

                                                                                                                               તા. ૮,૧૨,૦૬

મારી કૉમેન્ટીકાઓ (૩) શબ્દ પણ એક ચેપી ચીજ છે !

શબ્દ પણ એક મજાનો ચેપ છે ! એકને અડકો એટલે બીજા આજુબાજુથી ગોઠવાઈ જાય ! પછી તો આપણે એમનું માન રાખ્યે જ છુટકો. નીબંધોમાં તો વળી એક ફકરાનો અંત જ બીજા ફકરાને ઉઘાડી આપે ને એમ શૃંખલા રચાતી જાય. (નીબંધ વીશે આપણે ત્યાં બહુ જાગૃતી નથી બાકી ગદ્યમાં રમવા માટે નીબંધ એ નીર્બંધ એવો રમતોત્સવ, કહો કે રસોત્સવ બની રહે છે !! )

શબ્દકોશ લઈને ક્યારેક બેસવા જેવું હોય છે. શબ્દકોશનો કોઈ એક શબ્દ હાથે ચડે ને એનામાં સહેજ જ રસ લો એટલે થઈ રહ્યું ! પછી તો શબ્દની અનેક છાયાઓ આપણને પાનાંનાં પાનાં ફેરવવા મજબુર કરી મુકે ! ઉમાશંકરભાઈ જેવાને “દૂરથી મંગલ શબ્દ આવતો” સંભળાય પછી જે ઘટના ઘટે તેમાં આપણ વાચક–ભાવકને પંચેન્દ્રીયસુખ પ્રાપ્ત થઈ જાય ! સર્જકો પાસે શબ્દો કેવી કેવી લીલા કરાવી જાય છે !!

આજે આ ‘પત્રાવલિ’માં એક નવું વ્યંજન પીરસાયું તો આટલો અમી–ઓડકાર થયો. આપણા વાચકોને આ પંગતે બેસવા નીમંત્રણ છે !


જુ.

(દેવિકા ધ્રુવના બ્લૉગ ‘શબ્દોને પાલવડે’ https://devikadhruva.wordpress.com/ ના લેખમાં મારી ટીપ્પણી.)