નેટજગતના મારા પ્રિય કવિ હેમંત પુણેકરને શયદા એવોર્ડ !!

આ અત્યંત આનંદ–ગૌરવના સમયે ભાઈ હેમંત પુણેકરને મારા સૌ વાચકો વતી અભિનંદન અને શુભેચ્છા પાઠવીને એમની પ્રગતિનો આંક સદાય ઊંચો ચડતો રહે તેવી આશા પ્રગટ કરું છું.
મારા બ્લૉગ નેટગુર્જરી પર અવારનવાર એમની રચનાઓ અંગે મેં લખ્યા કર્યું હતું. આજે આ નિમિત્તે કેટલાક લેખોની લિંક પણ મૂકીને વર્ષો પહેલાં સેવેલી અભિલાષાનો આજે પડેલો પડઘો વધાવું છું.  – જુ.
–––––––––––––––––––––––––––––––––––––––––

હેમંત પુણેકર દ્વારા મળેલા સમાચાર અહીં યથાવત્ રજૂ કરું છું :

Indian National Theatre (INT) એ મુંબઈની ૧૯૪૪માં સ્થપાયેલી સંસ્થા છે જે મુખ્યત્વે ગુજરાતી રંગભૂમિ અને સાહિત્ય ક્ષેત્રે કાર્યરત છે. આ સંસ્થા છેલ્લા ૬૦ વર્ષથી દર વર્ષે ગુજરાતી મુશાયરાનું આયોજન કરે છે અને ૧૯૯૭થી ગુજરાતી ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરનારા વરિષ્ઠ કવિને કલાપી અને નવોદિત કવિને શયદા પુરસ્કાર પ્રદાન કરે છે. આ વર્ષનો શયદા પુરસ્કાર મને જાહેર થયો છે એનો આનંદ આપ સૌ સાથે વહેંચું છું. ૧૮મી ઑગસ્ટના રોજ ભારતીય વિદ્યાભવનમાં આયોજિત મુશાયરામાં આ પુરસ્કાર એનાયત થશે.
૬૦ વર્ષથી ચાલતા INTના ગુજરાતી મુશાયરાના જે મંચ પરથી આપણા દિગ્ગજ કવિઓએ કાવ્યપાઠ કર્યો હશે એ જ મંચ પર કવયિત્રી એષા દાદાવાળાના સંચાલનમાં વરિષ્ઠ કવિશ્રી શોભિત દેસાઈ, વિનોદ જોશી, Drss Rahi, Kiransinh Chauhan, Hiten Anandpara અને સૌમ્ય જોશીની સાથે કાવ્યવાચનનો મોકો મળશે એનોય આનંદ!

હવે એક નાનકડી આભાર સ્પીચ !

જેને પુરસ્કાર મળે છે એ તો માત્ર પ્રતિનિધિ હોય છે. તેના કાર્યમાં અનેક લોકોનો ફાળો હોય છે. હુંય તેમાં અપવાદ નથી. બારેક વર્ષથી ગઝલ લખું છું. મારા પરિવારના તમામ સભ્યોનું અને આપ સૌ મિત્રોનું તેમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ યોગદાન રહ્યું છે એ બદલ સૌનો આભાર માનું છું. ગઝલલેખનની શરૂઆતથી જ Raeeshભાઈ મારા Friend Philosopher અને Guide રહ્યા છે. મારી કાવ્ય વિશેની સમજણ ઘડવામાં એમનો સહુથી મોટો ફાળો છે એટલે એમનો વિશેષ આભાર. વખતોવખત વડોદરાના વરિષ્ઠ કવિમિત્રો Vivek Kane ‘Sahaj’ અને Makarand Musaleનું પણ મને માર્ગદર્શન મળતું રહ્યું છે એટલે એમનોય આભારી છું. ફેસબુક પહેલાંના ગુજરાતી બ્લૉગજગતના કાળમાં મને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનારા મિત્રો Sangita Dharia, Mehul Chauhan, Yashvant Thakkar, સ્વ. હિમાંશુ ભટ્ટ, Jugalkishor J વ્યાસ, મહોમ્મદ અલી ભૈડુ “વફા” અને Vivek Tailorના ઉલ્લેખનો મોહ ટાળી શકતો નથી. એમનોય આભાર!
Hemant Punekar
August 12 at 3:56 PM

ભાઈ પુણેકરની રચનાઓ અંગે નેટગુર્જરીમાં મુકાયેલા કેટલાક લેખોની લિંકો :

https://jjkishor.wordpress.com/2009/09/02/rasasvad-21/
https://jjkishor.wordpress.com/2009/09/08/rasasvad-22/
https://jjkishor.wordpress.com/2009/09/15/rasasvad-32/
https://jjkishor.wordpress.com/2009/09/22/rasasvad-33/
https://jjkishor.wordpress.com/2009/09/20/rasasvad-35/

Advertisements

“અમારી લોકભારતી” : નજરે જુઓ ને સાંભળો…

આજે ફક્ત એક વીડિયો – મારી લોકભારતીના આછા પરિચયનો.

જુઓ અને જણાવો, કેવું લાગ્યું ?

 

મારી લોકભારતીનો આછેરો પરિચયઃ
https://youtu.be/T6SDNwJ0Z1I. ચાલો આજે આપણી માતૃ સંસથા લોક ભારતીને વાગોળીએ.

YOUTUBE.COM
This is the society which is belongs to Shree Nanabhai Bhatt’s thoughts.

 

મારી કોમેન્ટીકાઓ (૨) એક નાનકડો વીચારસ્ફુલ્લીંગ ક્યાં પહોંચ્યો !!      

                  – જુગલકીશોર.

કોમેન્ટીકાને એક વીભાગ તરીકે શરુ કરવાની વાતે બેત્રણ ‘પૌષ્ટીક’ અભીપ્રાયો સાંપડ્યા પછી એ અભીપ્રાયોને સાચવીને આગળ વધવાનું જરુરી લાગેલું. વર્ષો પહેલાં કોઈ લખાણ પર થયેલી ચર્ચાઓને અનુસંધાને મારા દ્વારા થયેલી તો ખરી જ પણ અન્યો દ્વારા પણ થયેલી ટીપ્પણીનો સંદર્ભ સાચવીને એ બધીયોને એક નવા લેખરુપે મુકવામાં મજા ને સજા બન્નેની શક્યતા હોઈ શકે છે.

આ વીચારનો માર્યો હું બીજી કોઈ કોમેન્ટીકા અંગે લખવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં જ એક નાનકડી ઘટના ઘટી ગઈ……દસેક દીવસથી લગભગ બંધ હાલતમાં પડેલું મારું નેટવર્ક કામ કરતું થયું એટલે બાકી નીકળતાં અગત્યનાં કામો પાર પાડવા બેઠો…

આ અગત્યનાં કામોમાંનું એક તે બે કલાક અને એકતાલીસ મીનીટ જેટલા પ્રલંબ ગાળામાં વહેલો વિશાલ મોણપરાના સન્માનનો કાર્યક્રમ !! એમાં મારે ઓનલાઈન  હાજર રહેવાનું હતું જ તેને નેટદખલે મારી હાજરી વગરનો કરી દીધો હતો ! મારા જ ઉભા કરેલા કાર્યક્રમમાં હું ન હતો. એટલે જેવું નેટીયું હખણું થયું કે તરત મેં તે વીડીયો આખો જોયો. ને એણે જ…..

હા, એણે જ મને કોમેન્ટીકાના બીજા ભાગ પર સાહીત્યના ભાવરસને બદલે આમ અધવચ્ચે આ નવા લખાણ માટે મજબુર કરી દીધો.

તો હવે આજની આ બીજી કોમેન્ટીકા પર એ વાતે વીચાર –

વીચાર એક તણખો હોય છે. પ્રજ્વલીત અગ્નીમાંથી ચારે દિશામાં ઉડતા રહેતા સ્ફુલ્લીંગો – તણખાઓ – સહેજ દુર જઈને વીલીન થઈ જતા હોય છે. વીચારનું પણ એમ જ થતું જણાય છે. મોટા ભાગના વીચારો તીખારાની જેમ જ, લાગે કે વીલીન થઈ ગયા. પણ સાવ એવું નથી. વીચારનો કોઈ ઝબકારો સહેજસાજ કાર્યવાહી આપણી કને કરાવીને જાણે કે છુટી જતો હોય છે. પણ એ સહેજ સાજ કરેલી કાર્યવાહી ક્યારેક દુર જઈને, દુરગામી પરીણામો લઈ આવતી હોય છે.

વીચારનું તોએવું છે. મનમાં આવ્યો, એને તરત જ પ્રગટ કરી દીધો, કોઈ બે વાક્યો કહી કે લખી નાખ્યાં, બસ પછી ભલે ભુલી જાઓ…પણ તે જ બે વાક્યો ક્યાંક, ક્યારેક કોઈ નવી જ રચના કરી બેસતાં હોય છે.

આટલી લાં…..બી પ્રસ્તાવના કરવા પાછળનું કારણ, કોમેન્ટીકાના આજના લખાણનો એક મહત્ત્વનો વીચાર છે જે મારા મનમાં સતત આવતો રહેલો પણ તેને ફળવા માટે કોઈ નીમીત્ત મળતું નહોતું. ગમે તેમ, પણ એક દીવસ એક જ વાક્યે તે ફુટી નીકળ્યો ! (વોરાસાહેબ ઘણી વાર કહેતા રહે છે કે, “કોમેન્ટ લખો.” “સગવડ મળી છે તો તેનો ઉપયોગ કરો.” આજે એના સંદર્ભે પણ આ વાત.)

એક દીવસ ફેસબુક પર વિજયભાઈ શાહે વિશાલ મોણપરા અંગે લખાણ મુકેલું. મારા મનમાં મુ. રતિકાકા, વિશાલ મોણપરા, હિમાંશુ કિકાણી તથા હિમાંશુ મીસ્ત્રી વ.નાં નામો ને એમનાં મહાકાર્યો રમતાં જ રહેતાં. તે દીવસે વિજયભાઈના લખાણ પર મેં એક જ વાક્ય લખ્યું : ‘વિશાલ મોણપરાનું નેટજગતે સન્માન કરવું જ જોઈએ.’ આ વાક્ય પર બેત્રણ વધુ ટીપ્પણી થઈ પણ ઝાઝું ધ્યાન અપાયું નહીં પણ એ બેચાર ટીપ્પણીઓએ મને ટેકો પુર્યો ને મેં નેટગુર્જરી પર લેખ લખ્યો. એમાં સન્માન કરતાંય બીજા કેટલાક કાર્યક્રમોની વાત હતી. નેટજગતને મળેલી કીબોર્ડની સવલતોનો લાભ લઈને ગુર્જરીની સેવા કરવાની તકોનો તેમાં તીવ્ર ભાવ હતો.

એ લખાણને બહુ સારો પ્રતીસાદ મળ્યો. બીજા લખાણમાં મારાથી કેટલાંક કાર્યોની સુચી મુકાઈ ગઈ. (પાછલી કોમેન્ટીકાઓનો અભ્યાસ કરતો હતો તો જાણવા મળ્યું કે લગભગ આ જ કાર્યસુચી મેં ‘શાણીવાણીનો શબદ’ નામના મારા બ્લૉગ પર પાંચેક વરસ પહેલાં મુકેલી હતી, ને એમાંનું કેટલુંક “કણક મોણ”ના શીર્ષકે ‘ઓપિનિયન’માં પણ છપાયેલું !! )

ટુંકમાં કહીએ તો વીચાર કેટલો જીવતો રહેતો હોય છે, ને ક્યારેક ક્યાં જઈને સ્ફુટતો હોય છે તેનું કાંઈ કહેવાય નહીં. વિશાલના સન્માન નીમીત્તે પ્રગટેલા એ વાક્યનું નસીબ જોરદાર હશે. જુઓ ને, એની જ ચીનગારીમાંથી મુ. રતિકાકાના, આતાજીનાતથા વિશાલના સન્માનથી એ લાંબાગાળાની અપેક્ષા મારી ફળીભુત થઈ.

લાગે કે વાત મારી અહીં પુરી થઈ. પણ ના. હજી આ આખા લખાણની બે વાત બાકી રહી જાય છે !!

પહેલી વાત તે વોરાસાહબની અપેક્ષાની. વાચકો સૌ ફક્ત વાંચીને બેસી ન રહેતાં, કંઈક ને કંઈક કોમેન્ટરુપે મુકે. (કેટલીક કોમેન્ટો લેખકની નબળાઈઓને વધુ મજબુત કરતી હોય છે. એટલે તટસ્થ કોમેન્ટ કરવાનુંય શીખવા જેવું હોય છે.) આપણા સૌની ટીપ્પ્ણીઓ ક્યારેક બહુ મોટાં પરીણામોનું નીમીત્ત બનવા સક્ષમ હોય છે.

તો બીજી વાત કે જેને મેં બેએક સ્થળે પ્રગટ કરી છે તે “નેટજગતના ત્રણ વીભાગોની ઈતીહાસરુપ પુસ્તીકાઓ તૈયાર કરવાની વાત.” આ ક્ષેત્રના જાણકારો, ટૅકનીશીયનોએ કરવા જેવાં કામો :

૧) નેટજગતનો પરીચય અને ઈતીહાસ,

૨) નેટ પર લખાણો મુકવાની વીવીધ સવલતોના પ્રકારો,

૩) ગુજરાતી લખાણો, તેના પ્રકારો, લેખકો વગેરેનો પરીચય તથા

૪) નેટ પર ગુજરાતી લખાતું થયું તેનો ઐતીહાસીક ક્રમ અને તેમાં ભાગ ભજવનારા મહાનુભાવોનાં તે ઐતીહાસીક ને બહુમુલ્ય કાર્યોનો પરીચય–ઈતીહાસ.

કોમેન્ટીકાઓ તરફ સીંહાવલોકન માફક ક્યારેક પાછળ ફરીને દૃષ્ટી કરતાં રહેવું જોઈએ એમ લાગે છે. દરેક બ્લૉગરના ડૅશબોર્ડ પર ટીપ્પણીઓનો ઢગલો પડ્યો જ હશે. એ ટીપ્પ્ણીઓ આપણને ઘણું શીખવી જાય છે. એક ઈ–ઉમાં લખનારા મારા જેવા બલૉગરોને કેટલાક ટીપ્પ્ણીકારોએ ન સહી શકાય તેવી ટીપ્પ્ણીથી નવાજેલા !

એ ટીકાઓમાંથી મેં ધડો લીધો કે ‘આપણું કામ ભાષાના પ્રચારનું છે; આપણા વીચારોને ઠોકી બેસાડવાનું નથી.’ આ સમજ મને મળી આકરી ટીકાઓને કારણે ! “ગાળ તો છે ઘીની નાળ” એવી શીખ મને ભાષાસાહીત્ય પર ૩૦૦થી વધુ લેખો લખવા તરફ ખેંચી ગઈ !!

કોમેન્ટીકાકક્ષ આપણો ચૉરો છે. આ ઓટલા પરીષદે સૌ સક્રીય રીતે મળતાં રહીએ તેવી આશા સાથે વંદના.

“અમારી લોકભારતી” : નજરે જુઓ ને સાંભળો…

આજે ફક્ત એક વીડિયો – મારી લોકભારતીના આછા પરિચયનો.

જુઓ અને જણાવો, કેવું લાગ્યું ?

 

મારી લોકભારતીનો આછેરો પરિચયઃ
https://youtu.be/T6SDNwJ0Z1I. ચાલો આજે આપણી માતૃ સંસથા લોક ભારતીને વાગોળીએ.

YOUTUBE.COM
This is the society which is belongs to Shree Nanabhai Bhatt’s thoughts.

 

 

 

 

ઉમાશંકર જોશી : જાહેરજીવનના કવિ

– સ્વાતિબહેન જોશી

એક સાહિત્યકાર અને વિવેચક તરીકે એમના વિશે ઘણું લખાય છે અને બોલાય પણ છે. પરંતુ સાહિત્યસર્જન એ એમના જીવનનું એકમાત્ર ઘ્યેય ન હતું, કે સાહિત્યસર્જનમાં જ એમનું જીવન સીમિત ન હતું. બલકે સાહિત્ય એ એમની સમગ્ર જીવનદૃષ્ટિની એક અભિવ્યક્તિ હતી. અથવા તો, એમના જ શબ્દોમાં, મૂલ્યસંઘર્ષ પરત્વે પળભર પણ અલિપ્ત ન રહી શકતા કવિ એ હતા. એમણે પોતે જ કહ્યું છે તેમ શબ્દ એમને ક્યાં ક્યાં લઈ ગયો ? સત્યાગ્રહ છાવણીઓમાં અને જેલોમાં, વિશ્વવિદ્યાલયોમાં અને કેળવણીના ક્ષેત્રમાં, દેશની સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓમાં, ભારતની સંસદમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં – સમાજને ખૂણે ખૂણે શબ્દ સાથે એ ગયા. શબ્દનો ઉપયોગ એમણે કેવળ સાહિત્યના સર્જન માટે જ કર્યો નહોતો. શાસનકર્તાઓની અરાજક્તા સામે, રાજ્યના આતંક સામે, રાષ્ટ્રવાદ અને કોમવાદ સામે, સાહિત્યકારની અને સાહિત્યની સંસ્થાઓની સ્વાયત્તતા માટે, સમાજના વંચિત વર્ગોના અધિકારો અને સામાજિક ન્યાય માટે, માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, શબ્દને એમણે ક્યારેય વિસાર્યો ન હતો, પરંતુ એક અસરકારક શસ્ત્ર તરીકે વાપર્યો હતો.

 

પોતાના સમગ્ર જીવન દરમિયાન ઉમાશંકરે ગુજરાતના, દેશના અને દુનિયાના નાનામોટા અનેક બનાવો અને પ્રશ્નો વિશે વિચાર્યું હતું અને પોતાનાં સ્પષ્ટ અને નિર્ભીકક મંતવ્યો રજૂ કર્યાં હતાં. એમના તંત્રીપણા નીચે લગભગ ચાર દાયકા સુધી પ્રકાશિત થયેલા ‘સંસ્કૃતિ’ સામયિકના અંકોમાં સાહિત્યના લેખોની જોડાજોડ ચાલુ બનાવો અને સામાજિક-આર્થિક-રાજકીય પ્રશ્નો પર નોંધો અને ચર્ચાઓ છપાઈ છે. આ વાત મહત્ત્વનાં સૂચન કરે છે કે એક જાગ્રત વ્યક્તિ – તંત્રી, લેખક કે વાચક – સમાજના પ્રશ્નોથી અને રાજકારણથી અસ્પૃષ્ટ ન રહી શકે અને, ખાસ તો, સાહિત્યને આ સમગ્ર સામાજિક-રાજકીય સંદર્ભથી અલગ કરીને જોઈ-મૂલવી-ન શકાય. સંસ્કૃતિ એટલે એમને મન બહોળા અર્થમાં લોકોનું સમાજમાં જિવાતું જીવન, જેમાં કેવળ ધર્મ અને કળા જ નહીં પરંતુ લોકોની માન્યતાઓ, વિચારો, નૈતિક મૂલ્યો અને સામાજિક-આર્થિક-રાજકીય સંસ્થાઓનો પણ સમાવેશ થાય. ભારતે રાજકીય સ્વતંત્રતા મેળવી એ પછીના શરૂઆતના સમયમાં એમણે અનેક વાર સાવચેતીનો સૂર કાઢ્યો હતો કે આપણા આઘ્યાત્મિક વારસાની અને આપણી ‘ભવ્ય સંસ્કૃતિ’ની ગુલબાંગો પુકારવામાંથી આપણે ઊંચા આવવું જોઈએ. રાષ્ટ્રીય સંસ્કૃતિ કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના ઝનૂનની અસર નીચે લોકશાહી રાષ્ટ્રો પણ સાંસ્કૃતિક ભ્રષ્ટાચાર, સડેલ નોકરશાહી અને સત્તાલોલુપ કોમવાદના મહારોગ સામે અવાજ ઉઠાવીને સમાજશરીર અને રાજ્યશરીરને સ્વસ્થ બનાવવા પર તેમ જ પોતાનાથી ભિન્ન ભાસતા સમાજો પ્રત્યે સહિષ્ણુતા- અને એથીયે વધારે, બંધુતા- ની વૃત્તિની જરૂરિયાત પર એમણે ભાર મૂક્યો છે. સંસ્કૃતિ એ છેવટે તો, એમના શબ્દોમાં, કમબખ્ત જીવવાની ચેજ છે. સામાન્ય મનુષ્યના જીવન અને હકો સાથે એને આખરે નિસબત છે.

 

ઉમાશંકર ઉગ્રવાદી ન હતા. ઉદારમતવાદી વિચારધારાનાં સત્ય, ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાનાં મૂલ્યોને તેમજ બિનસાંપ્રદાયિકતાને એ વરેલા હતા. પોતાને જે સત્ય લાગ્યું તે ઉચ્ચારતાં આત્મસમર્પણ કરવું પડે તો તેની એમનામાં તૈયારી હતી. એમનાં બધા જ વિચારો અને મંતવ્યો સાથે સંમત થવું શક્ય ન પણ બને. પરંતુ એક સાહિત્યકાર તરીકે બિનલોકશાહી તંત્રમાં કાજળની કોટડીમાં પુરાઈ રહેવાને બદલે, કે સંસ્થાઓમાં માનતા હોવા છતાં સ્થાપિત હિતો (એસ્ટાબ્લિશમેન્ટ)ના હાથ બનવાને બદલે, એક લખતા, વાંચતા, વિચારતા, જીવતા, જાગરૂક નાગરિક તરીકે એમણે સતત નાનામોટા બનાવો અને પ્રશ્નો પર બોલતા-લખતા રહી મૂલ્યોના જતનની લડત આપી. પોતાની આસપાસના અનેક નાનામોટા પ્રસંગોમાં એમણે ભાગ લીધો; ઓછા જાણીતા બનાવો તરફ બીજાનું ઘ્યાન દોર્યું; અને ઓછી જાણીતી વ્યક્તિઓના જીવન અને કાર્યોની નોંધ લીધી. આને પરિણામે અનેક લોકો – સાથે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવ્યા અને એમના હૃદયમાં સ્થાન મેળવ્યું. કદાચ એ જ કારણે અનેક લોકોને આજે પણ ઉમાશંકકર પોતાનામાંના એક હતા એમ લાગે છે. અનેક લોકો માટે એ કદાચ મૂલ્યો માટે જીવનારી અને લડનારી વ્યક્તિનું પ્રતીક બન્યા હતા. પોતાને જાહેર બનાવો (પબ્લિક ઍફેર્સ)માં રસ લેતી વ્યક્તિ તરીકે તેઓ ઓળખાવતા. જાહેરજીવનનો ભાગ્યે જ કોઈ બનાવ હશે જેના વિશે એમણે લખ્યું ન હોય કે એ બોલ્યા ન હોય. ઉમાશંકર જાહેરજીવનના અને જનસમુદાયના બુદ્ધિજીવી (પબ્લિકચ્યુલ) હતા. એમનું વૈચારકિ વિશ્વ સર્જનાત્મક કે અન્ય, સમાજના, દેશના અને દુનિયાના પ્રશ્નો અને એક વિશાળ ઐતિહાસિક ફલકની સમજથી ક્યારેય અળગું ન હતું. એમના સાહિત્યને એમના આ સમગ્ર વૈચારિક સંદર્ભથી અલગ કરીને મૂલવી ન શકાય. પોતાની આસપાસના પ્રશ્નોથી સતત ચિંતિત, એ વિશે જાહેરમાં અનેક વાર બુલંદ અવાજ ઉઠાવનાર અને સામાજિક ન્યાય માટે ખેવના રાખના વ્યક્તિની ચેતનામાંથી આ સાહિત્ય નીકળ્યું છે.

 

આજે પણ સામાજિક ન્યાય, વ્યક્તિ અને સંસ્કૃતિની સ્વાયત્તતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જેવાા પ્રશ્નો આપણી વચ્ચે છે. ઉમાશંકરના સાહિત્યમાં અનેક પ્રશ્નો ઊઠ્યા છે. એમના સતત લખાતાં અસંખ્ય લખાણોમાં ગુજરાતના, દેશના, અને અમુક અંશે દુનિયાના, સંદર્ભમાં આ પ્રશ્નો ચર્ચાયા છે. એમના સમગ્ર શબ્દસર્જનમાંથી એક આખા જમાનાના, લગભગ એક સદીના, સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય જીવનનો ઐતિહાસિક આલેખ છતો થાય છે. આજના પ્રશ્નોને સમજવામાં, આજની પરિસ્થિતિના પડકારને ઝીલવામાં અને એક ન્યાયી સમાજની રચના માટે આ સર્જનના ઐતિહાસિક સંદર્ભનો ફરીથી સાથે મળીને વિચાર કરીએ, અને એ નિમિત્તે સાહિત્ય, સંસ્કૃતિ અને આજના પશ્નોની એક નવી સમજ મેળવીએ, તો એમને સાચી અંજલિ આપી લેખાય. સપ્ટેમ્બર ૧૯૭૪માં નક્સલવાદી બહેનો પર પોલીસના સિતમ સામે અને નવનિર્માણ આંદોલનના ગુજરાતી વિદ્યાર્થીઓને દિલ્હીમાં સામ-દામ-ભેદ-દંડથી તોડવાના શાસક પક્ષના પ્રયત્નો સામે એમણે કાંઈક અકળાઈને અને કાંઈક ગુસ્સામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દેશના નેતાઓને મન યુવાનોની આ કિંમત? આ પ્રશ્નની પાછળ એમનો ભવિષ્યની – આજની – પેઢીમાં પૂરો વિશ્વાસ છતો થાય છે. આ સંદર્ભમાં એમણે લખ્યું હતું કે ‘દેશનું ભાવિ તો સામાજિક અન્યાય સાંખી ન લેનાર મુઠ્ઠીભર યુવકયુવતીઓ હશે તો પણ ઊજળું – ઊજળું જ છે.’ આપણા મનમાં પણ આવો પૂરો વિશ્વાસ હશે તો આપણે જરૂર કામયાબ થઈશું, એક દિવસ.

(‘સેતુ’,૨૬,સરદાર પટેલ નગર,એલિસબ્રીજ,અમદાવાદ-૩૮૦ ૦૦૬)

–––––––––––––––––––––––––––––––

જાન્યુ. ૧૧ કોડિયું સામમયિકમાંથી સાભાર.

 

“આજની પોઝિટિવ સ્ટોરી”માં રામજીભાઈ પટેલ

૫૩ વર્ષથી ગુજરાતી ભાષાની શુદ્ધિ માટે અનેક પડકારોનો સામનો કરીને આજે પણ મક્કમતાથી લડત આપતા ૮૧ વર્ષના રામજીભાઈ પટેલ.

     આમ તો અંગ્રેજી ભાષાના પ્રચંડ વાવાઝોડા સામે બીજી ભાષાઓની જેમ ગુજરાતી ભાષા પણ હાંફી રહી છે. અલબત્ત, ગુજરાતી ભાષાની કેટલીક અશુદ્ધિઓ અને વિસંગતતા દૂર કરવા માટે એક માણસ છેલ્લાં ૫૩ વર્ષથી અથાક પ્રયાસો કરી રહ્યો છે. એ માણસ એટલે રામજીભાઈ પટેલ.

રામજીભાઈ પટેલે ગુજરાતી ભાષા શુદ્ધિ અભિયાનનો પ્રારંભ શા માટે અને કેવા સંજોગોમાં કર્યો તેની કથા રસપ્રદ છે. વાત છે ૧૯૬૪ની. તે વખતે રામજીભાઈ પટેલ લોકભારતી સણોસરામાં અધ્યાપક હતા. તે વખતે મહેમાન તરીકે આવેલા ગિરિરાજ કિશોરે કહ્યું કે આપણા વિદ્યાર્થીઓની અભિવ્યક્તિમાં ભાષાશુદ્ધિ તો હોવી જ જોઈએ. તેમના આ સૂચનને પગલે લોકભારતી સણોસરામાં તમામ પ્રવાહના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા શીખવવાનું નક્કી કરવામાં આવ્યું. તેની જવાબદારી રામજીભાઈ પટેલને સોંપાઈ. તેઓ ગુજરાતી ભાષાના વિષયમાં ઊંડા ઊતર્યાં. સાર્થ જોડણીકોશમાં રહેલી ભૂલોએ તેમને હચમચાવી નાખ્યા. એ પછી તો તેમણે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક લેખ લખ્યો : નિયમો તેત્રીસ, ભૂલો ચોત્રીસ. આ લેખમાં સાર્થ જોડણીકોશમાં રહેલી ભૂલો, વિસંગતતાઓ, અશુદ્ધિઓ વગેરે તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

એ પછી તો રામજીભાઈએ ગુજરાતી ભાષાશુદ્ધિ અભિયાનને જાણે કે પોતાનું જીવન કર્મ જ બનાવી દીધું. રમણ પાઠક, જયંત કોઠારી સહિત અનેક લોકો તેમની પાસે જોડાતા ગયા. ૧૯૯૯માં ઊંઝા ખાતે ઊમિયા માતાજીના સત્સંગ હોલમાં અખિલ ગુજરાત જોડણી પરિષદ ભરાઈ. એ પરિષદમાં ગુજરાતીમાં એક જ ઈ અને એક જ ઉ નો ઉપયોગ કરવાનો ઠરાવ થયો.

એ પછી તો જુદી જુદી રીતે આ આંદોલન ચાલતું જ રહ્યું છે.

રામજીભાઈ પટેલની ભાષા માટેની જે પ્રતિબદ્ધતા અને નિસબત છે તે ખરેખર સલામ મારવાનું મન થાય તેવી છે. તેઓ પોતાની વાતને મક્કમતાથી વર્તી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ વાત જુદી જુદી રીતે કાકા સાહેબ કાલેલકર, ગોવર્ધનરામ ત્રિપાઠી સહિત અનેક લોકોએ કરેલી છે. જો ગાંધીજીનું ધ્યાન દોરવામાં આવ્યું હોત તો તેમણે પણ આ વાત સ્વીકારી હોત.

ગૂજરાત વિદ્યાપીઠના વલણથી તેઓ નારાજ પણ છે અને દુઃખી પણ છે. તેઓ પોતે ગૂજરાત વિદ્યાપીઠના પારંગત (માસ્ટર) છે. તેઓ કહે છે કે મને મારી માતૃસંસ્થા માટે આદર અને પ્રેમ છે. જો કે વિચારભેદ હોઈ શકે છે. ગૂજરાત વિદ્યાપીઠે સાર્થ જોડણીકોશ અને ગુજરાતી ભાષા અંગે ગંભીરતાથી વિચાર્યું નથી અને તે દિશામાં કામ પણ કર્યું નથી.

૮૧ વર્ષના રામજીભાઈ પટેલ આજે પોઝિટિવ મિડિયા પરિવારમાં આવ્યા. કનુભાઈ જાનીએ લખેલા પુસ્તક વિદ્યાગ્રહની બે પ્રત આપી. તેમના અભિયાનને બળ આપતો પ્રવિણ ક. લહેરીનો પત્ર ઉત્સાહ અને આનંદથી બતાવ્યો.

રામજીભાઈની ગુજરાતી ભાષા માટેની જે ઝૂઝારું લડત છે તે ખરેખર ઐતિહાસિક અને અદ્વિતીય છે. ૫૩ વર્ષથી આ માણસ થાક્યા વિના લડી રહ્યો છે. તેમની આ ગુજરાતી ભાષા માટેની કર્મપ્રીતિને ધ્યાનમાં લઈ ખરેખર તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવો જોઈએ એવું કોઈને લાગે તો પણ તે અપ્રસ્તુત વાત નથી.

રામજીભાઈને તેમનાં જીવનસાથી સરોજબહેન ખભે ખભો મિલાવીને મદદ કરી રહ્યાં છે. તેમનો મોટો દીકરો નિરજ ગ્રાફિક ડિઝાઈનર છે અને અમદાવાદમાં પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરે છે. દીકરી નૂપુર પરણીને પૂણેમાં સ્થાયી થયાં છે. નાનો દીકરો ફાલ્ગુન પરિવાર સાથે આજે જ સ્થાયી થવા માટે કેનેડા ગયો છે.

રામજીભાઈને ભગવાન નિરામય દીર્ઘાયુ આપે.

–––––––––––––––––––––––––––––––––––––––

      (આજે ૭૫ વર્ષના થયેલા અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ છે. સવારથી તેમના વિશે લખવાનું વિચારતો હતો, પરંતુ રામજીભાઈ પટેલ મળવા આવ્યા એટલે ૮૧ વર્ષના રામજીભાઈ વિશે, તેમની ૫૩ વર્ષની માતૃભાષા સેવાના સંદર્ભમાં લખવાનું વધારે ઉચિત લાગ્યું. અમિતાભ બચ્ચનને પણ જન્મ દિવસની શુભકામનાઓ તો આપીએ જ છીએ.)

સૌજન્ય : શ્રી રમેશભાઈ તન્ના; તેમની કૉલમ  “આજની પોઝિટિવ સ્ટોરી”

ભાવનગરના કાવ્યસર્જકો : નાથાલાલ દવે (૧)

– સરયૂ પરીખ

(નોંધ : આજે અહીં માતૃભાષાનાં પાનાં પર શ્રી કનક રાવળે આવકારેલા એક લેખને રજુ કરું છું. ભાવનગરના જાણીતા ત્રણ કાવ્યસર્જકોમાંના એક કે જેઓ પ્રસ્તુત લેખનાં લેખિકા સરયૂબહેનના મામા થાય, તેમના વીશે કેટલીક કૌટુંબીક બાબતોને સાંકળી લેતી મજાની વાતો મુકાઈ છે. ભાવનગરના અન્ય લેખકોનો પરીચય પણ હવે પછી થશે જ એવી આશા સાથે – જુ.)

––––––––––––––––––

ગુજરાતી સાહિત્યના ગાંધીયુગ (૧૯૧૫-૧૯૪૫) દરમિયાન અનેક કવિઓ ગાંધીજીની અસર તળે આવ્યાં અને તેની સીધી અસર તેમના જીવન-કવન

પર પડી. તે સમૂદાયમાં ચાર ભાવનગરી કવિજનો –ક્રિષ્નલાલ શ્રીધરાણી, પ્રેમશંકર ભટ્ટ, પ્રહલાદપારેખ અને નાથાલાલ દવેનો સમાવેશ થાય. ચારેયનો જન્મ૧૯૧૧-૧૯૧૨ના અરસામાં એટલે તે સૌ સમવયસ્ક. આ વર્ષના સપ્ટેંબર માસમાં કવિશ્રીની ૧૦૦મી સંવત્સરી ઊજવાશે.

નાથાભાઈના કવયિત્રી ભાણી સરયૂ મહેતા-પરીખ, એક કવિજન તેમજ આત્મજન તરીકે કવિશ્રી નું અહીં નીજ જીવનદર્શન રજૂ કરે છે.

– ડૉ. કનક રાવળ.

*******************

ભાવનગરની પ્રતિભાઓ : નાથાલાલ દવે
– શ્રીમતી સરયૂ મહેતાપરીખ

જન્મ: જૂન 3,૧૯૧૨ : મૃત્યુઃ  ડિસેમ્બર, ૧૯૯૩.  જન્મ સ્થળઃ ભુવા
પિતાઃ   વૈદ્ય ભાણજી કાનજી દવે : માતાઃ કસ્તુરબહેન : પત્નીઃ નર્મદાબહેન. : અભ્યાસ: ૧૯૩૪-બી.એ.; ૧૯૩૬-એમ.એ.; ૧૯૪૩– બી. ટી.

વ્યવસાય: શિક્ષણ; ૧૯૫૬-૧૯૭૦ ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી : નિવૃત્તિ બાદ ભાવનગરમાં.

મુખ્યરચનાઓ:
* કવિતા –  કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબિન, ઉપદ્રવ,
મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોનાવરણી સીમ, હાલો ભેરૂ ગામડે,
મુખવાસ.
* વાર્તા –  ઊડતો માનવી, મીઠી છે જિંદગી.
* સંવાદપ્રધાન રચનાઓ અને અનુવાદો : ૨૦ કાવ્યસંગ્રહો – ૫ વાર્તાસંગ્રહો, ૧૧ સંપાદનો = ૩૬ પુસ્તકો  ૧૯૮૨ સુધીમાં.

************

અમારું બાળપણ નાનાજી વૈદ્ય ભાણજી કાનજી અને મામાના વીરભદ્ર અખાડા સામેના ઘરમાં પાંગરેલું. નિર્દોષ ભોળી આંખો પૂજ્ય મામાને અહોભાવથી નિહાળતી. એ સમયે ભાવનગરની બહાર હોવાથી જ્યારે પણ અમારે ત્યાં આવતા. એ સમયે હું આઠેક વર્ષની હતી અને મેં ઊભો સોમવાર કરેલો. મામાને લોકોની સમજ્યા વગર અંધશ્રદ્ધાથી વ્રતો કરવાની રીત સામે સખત અણગમો હતો. મારો હાથ ખેંચીને નીચે બેસાડી દેવાની રમત-રકજકની યાદ આવતાં હજી પણ મારા ચહેરા પર હાસ્ય ફરકે છે.

ખાદીનાં સફેદવસ્ત્રો, ગોરો વાન અને સુંદર ચહેરાવાળા મારા મામા નવલકથાના નાયક જેવા દેખાતા. ઘણી વખત કવિસંમેલન, શિબિરમાં કે અમારી શાળામાં કવિતાની સુંદર રજૂઆત પછી શ્રોતાગણની પ્રશંસા સાંભળીને મામા માટે ગર્વનો અનુભવ થતો. પાઠ્યપુસ્તકમાં “પિંજરનાપંખીની વાત” એમની સહજ ઓળખાણ માટે પૂરતું હતું. વિનોબાજીની ભાવનગરની મુલાકાત વખતે મામાનાં લખેલાં ગીતો ગવાયેલાં અને વિરાણી સ્પર્ધા હોય કે અન્ય કોઈ પ્રસંગ, હું મામાની રચનાઓ, “અષાઢના તારા રે, આભ ભરીને ઊગિયા શા?” કે “આજ આભમાં આનંદ ના સમાય રે, ઢળે રૂપેરી ચાંદની”, ઉમંગ અને સૌને ગમશે એ વિશ્વાસ સાથે ગાતી. મારા પતિ દિલીપના કુટુંબમાં મામા ઘણી વખત કાવ્યરસ વહેંચતા અને અમે હજી પણ સાથે ગાઈ ઊઠીએ “હવામાં આજ વહે છે ધરતી કેવી ખુશખુશાલ.”

મારાં બા, ભાગીરથી, એક બાલિકા-બહુ, ચાર ચોપડી પણ પૂરી નહીં કરેલ અને ગામડામાં ગૃહસંસારમાં મુંજાતાં હતા ત્યારે તેમના ભાઈ કવિ નાથાલાલ દવે એમને સ્વામિ વિવેકાનંદનાં પુસ્તકો વાંચવા મોકલતા જે પછી એમને આત્મશ્રદ્ધા અને જાગૃતિના રસ્તે દોરી ગયા અને અઢાર વર્ષની ઉંમરે તેમણે ફરી ભાવનગરની શાળામાં ભણવાનું શરૂ કરી કૉલેજ સુધી અભ્યાસ કરી, હાઈસ્કૂલમાં મુખ્ય-શિક્ષિકા બન્યાં. નાનાજી અને ઘરના લગભગ બધા સભ્યોના વિરોધ સામે ટકી રહેવા એમને અમારા મામાનો સતત સહારો હતો. એક પ્રસંગ બા કહેતાં કે એમના ગુરુ શ્રી વજુભાઈશાહના જન્મ દિવસે બધા એકઠાં થવાનાં હતાં અને મારા નાનાજીએ બાને જવાની મનાઈ કરી, ત્યારે મામાએ સિર્ફ એટલું જ કહેલું, “બહેન જશે, એને જવાનુ છે.” ઘરના વડીલની સામે આ રીતનો વિરોધ કરવો એ પ્રેમાળ ભાઈ જ કરી શકે.

આવા અનેક પ્રસંગોએ અમારા મામા હિંમત આપતા અચૂક આવીને ઊભા રહેતા. કવયિત્રી ભાગીરથીના સન્માનમાં “જાહ્નવી સ્મૃતિ” કવયિત્રી સંમેલન ભાવનગરમાં વર્ષોથી યોજાય છે.

એક પ્રસંગે હું હતાશ થયેલી ત્યારે મારા સામે સ્થિર નજર કરી મામાએ કહેલું, “Be brave.” એ બે શબ્દો મને ઘણી પરિસ્થિતિઓમાં આવીને મનમાં ગૂંજતા અને હિંમત આપતા રહ્યા છે.

મામા ક્યારેક બગીચામાંથી ફૂલ લઈ આવી મામીને આપતા કે એમની લગ્નતિથિને દિવસે કંકુની ડબ્બી અને લાલ સાડી આપતા હોય એવી રસિક પળો જોઈ છે. તેમજ મામી બપોરે રસોઈમાંથી પરવારીને આવે ત્યારે મામાએ એમને માટે પાથરણું, ઓશિકું, છાપું અને ચશ્મા તૈયાર કરીને રાખ્યા હોય કે અરવિંદને વાર્તા કહેતા હોય, એવી કાળજીની પળો પણ અનેક જોઈ છે.

એક સફળ અને સહાનુભૂતિભર્યા કવિહ્રદયની સુવાસ મારા અને મુનિભાઈના અંતરમાં સદાય મીઠી યાદ બનીને રહી છે. અમારા જીવનનાઘડતરમાં અમારા મામાની પ્રેમાળ ઓથને ઈશ્વરકૃપા સમજી આભાર.

**********************

ચાકડો

કાચી  રે  માટીના  ઘૂમે  ઘડુલિયા
ધણી ઘડે જૂજવા રે ઘાટ,
વાગે  રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ—કાચી.

વ્હાલા! શીદને ચડાવ્યાં અમને ચાકડે?
કરમે  લખિયા  કાં  કેર?
નિંભાડે  અનગળ  અગનિ  ધગધગે,
ઝાળું  સળગે  ચોમેર—કાચી.

વેળા  એવી  વીતી  રે વેદન તણી
ઊકલ્યાં અગનનાં અસ્નાન,
મારીને   ટકોરા  ત્રિકમ   ત્રેવડે
પાકાં  પંડ રે  પરમાણ—કાચી.

હરિએ  હળવેથી  લીધા  હાથમાં,
રીજ્યા  નીરખીને   ઘાટ,
જીવને  ટાઢક  વળી તળિયા  લગી
કીધા  તેં અમથા  ઉચાટ—કાચી.

 

– નાથાલાલ દવે