સ્વતંત્રતા દે વરદાન !

સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીન સંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;


વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;
ને આંખમાંના અમી ના સૂકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો !
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.

સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથી ય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.

અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

ઉમાશંકર જોશી  

ઝાઝું આકાશમાર્ગે …

સાર્થ શબ્દ – ૯  (ન. પ્ર. બુચનું એક સમશ્લોકી મુક્તક)

નોંધ : પુરેપુરું તો યાદ નથી પણ કાલીદાસના મહાકાવ્ય શાકુંતલમાં વનમાં દોડાદોડી કરતાં હરણાંનું વર્ણન આવે છે. હરણ જ્યારે દોડતું હોય ત્યારે સમયની દૃષ્ટીએ જમીન પર એક ક્ષણ પુરતું અડકીને પછી હવામાં થોડો વધુ સમય રહેતાં હોય તેવું લાગે…..કાલીદાસની પંક્તીઓમાં આ વર્ણન બહુ સુંદર છે.જયારે શીકારી પક્ષીઓ તો વધુ વખત આકાશમાં જ હોય છે…..

પ્રતીકાવ્યો માટે જાણીતા આપણા પ્રસીદ્ધ હાસ્યલેખક ન.પ્ર.બુચ દ્વારા રાજકારણના નેતાઓ માટે દાયકાઓ પહેલાં લખાયેલું એક મુક્તક મને એમના તા. ૧૬, ૯, ૧૯૬૯ના રોજ એમણે લખેલા પત્રમાં મળેલું. હવાઈ મુસાફરી વગર ચાલી જ ન શકે એવા આ સમયના રાજકીય પક્ષીઓને માટે લખાયલા આ મુક્તકનો આસ્વાદ (કોઈ પણ રાજકારણ વચ્ચે લાવ્યા વીના)  લઈશું ?  †

 

મહાન સર્જક દ્વારા રચાયેલા કોઈ મુક્તકને આધુનીક સમય સાથે જોડી આપનારી આ શબ્દરચના કેટલી સાર્થ છે !

– જુ.

––––––––––––––––––––––––––––––––––––––– –––––

ભારતીય રાજપક્ષીઓ

પ્હોંચે ઉદ્ ઘાટનાર્થે નિત નિત સઘળે દેશને કોણકોણે,

માસે માસે ઊડન્તા મિષ લવ મળતાં પ્લેનપંથે વિદેશે;

રાજ્યે પ્રાધાન્યધારી કદીય ન નવરા ભારતી રાજપક્ષી

ઝાઝું આકાશમાર્ગે, ક્વચિત ન છૂટકે ભૂમિમાર્ગે ફરન્તા.

શબ્દકોશની પ્રસ્તાવનાઓ – ૩

જોડણીકોશ ત્રીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૩૭

જોડણીકોશની બીજી આવૃત્તિ ખલાસ થઈ જવાથી, આ તેની ત્રીજી આવૃત્તિ બહાર પાડવામાં આવે છે. ઈ. સ. ૧૯૩૪ના અંતમાં સરકારના બંધનમાંથી છૂટ્યા બાદ, વિદ્યાપીઠ મંડળે તા. ૩–૧–૧૯૩૫ ની પોતાની પહેલી સભામાં ઠરાવ કર્યો હતો કે,

કોઈની બીજી આવૃત્તિ ખલાસ થાય તે પહેલાં ત્રીજી આવૃત્તિ તૈયાર કરવાનું આ સભા ઠરાવે છે, અને તે કામ શ્રી. મગનભાઈ દેસાઈને સોંપવામાં આવે છે. તેમની દેખરેખ નીચે આખો વખત કામ કરવા માટે શ્રી. ચૂનીલાલ બારોટને મુકરર કરવામાં આવે છે.

આ ઠરાવ થયો ત્યારે એવી ધારણા હતી કે, બીજી આવૃત્તિની સિલક નકલો ૧૯૩૭ સુધી તો ચાલશે. અને એ ગણતરી બાંધીને નવી આવૃત્તિના સંશોધનની યોજના કરી હતી. પરંતુ પ્રજા તરફથી કોશને ઉત્તરોત્તર વધુ મળવા લાગેલા સત્કારને કારણે, ૧૯૩૬માં જ બધી નકલો ખપી ગઈ, એટલે ત્રીજી આવૃત્તિને બને તેટલી સત્વર તૈયાર કરી નાખવાનું ઠરાવ્યું. તેને લઈને નિરધારેલા સંશોધનમાં થોડો કાપ મૂકવો પડ્યો છે.

        આ આવૃત્તિના કામનો પ્રારંભ કર્યો ત્યારે વિચાર્યું હતું કે, કોઈને વધુ શાળોપયોગી બનાવવાની દૃષ્ટિએ તેમાં શબ્દપ્રયોગો તથ ઉપલબ્ધ વ્યુત્પત્તિ ઉમેરવાં; અને શબ્દભંડોળ માટે, બને તેટલું વધારે શાળોપયોગી સાહિત્ય વાંચી કાઢવું. પરંતુ, ઉપર જણાવ્યા મુજબ, કોશનું છાપકામ તરત ઉપાડવાનું આવવાથી, પૂરેપૂરી વ્યુત્પત્તિ આપવાનું તથા શબ્દપ્રયોગો સંઘરવાનું કામ અમારે છોડવાં પડ્યાં છે. વાચક જોશે કે, આ આવૃત્તિમાં અમે તત્સમ વ્યુત્પત્તિ આપીને જ અટકી ગયા છીએ અને શબ્દપ્રયોગસંગ્રહને તો અડક્યા જ નથી.    

        આ આવૃત્તિ તૈયાર કરતી વેળા, શુદ્ધ જોડણી લખવાની ચીવટવાળા એક ભાઈએ અમને એમની એક મુશ્કેલી જણાવી કે, ક્રિયાપદનાં પ્રેરક અને કર્મણિ રૂપો કોશમાં, બધાંનાં નહિ તો, જ્યાં જોડણી ફરક થવાનો પ્રશ્ન હોય તેટલાં ક્રિયાપદોનાં જો આપો, તો બહુ ઉપયોગી થાય. આ માગણીનું વજૂદ સ્વીકારી, આ આવૃત્તિમાં એવાં ક્રિયાપદોનાં રૂપો બનાવીને મૂકવામાં આવ્યાં છે. આવાં બનાવીને મૂકેલાં રૂપોમાંથી કેટલાંકનો ઉપયોગ કદાચ સાહિત્યમાં નયે મળે એમ બનવા જોગ છે. પણ એ રૂપો જોડણીની દૃષ્ટિએ જ મૂક્યાં છે; અને તે મૂકતી વખતે એટલું ધ્યાનમાં રાખ્યું છે કે, તેમનો ઉપયોગ કરવા કોઈ ચાહે તો તે કરી શકે, – તેમાં કાંઈ વિચિત્ર ન લાગવું જોઈએ. જ્યાં ખાસ વિચિત્રતા જેવું લાગ્યું છે, ત્યાં તેવાં રૂપો બનાવ્યાં નથી.

            શબ્દભંડોળનું કામ આ વખતે ઠીક ઠીક થયુ; ગણાય. નવા શબ્દો શોધવાને અંગે કરેલા વાચનમાં, ઉપર કહ્યું તેમ, મુખ્યત્વે શાળોપયોગી પુસ્તકો જ લેવામાં આવ્યાં હતાં. તે ઉપરાંત, સામાન્ય વાચનમાં આવતાં પુસ્તકોમાંથી પણ શબ્દો મળે તે સંઘરવામાં આવ્યાં છે. એ રીતે કામ કરતાં, આ વેળાની આવૃત્તિમાં શબ્દસંખ્યા ૫૬૮૩૦ થઈ છે. એટલે કે, ગઈ આવૃત્તિના ૪૬૬૬૧ માં ૧૦૧૬૯ શબ્દોનો વધારો થયો છે.

        શબ્દોની ગણતરીની સાથે તત્સમ શબ્દોની વર્ગીકૃત ગણતરી પણ કરવામાં આવી છે. ભાષાપ્રેમીઓને એનું પરિણામ બોધક થશે એમ માનીએ છીએ. નોંધાયેલી તત્સમ વ્યુત્પત્તિમાં સૌથી મોટો વિભાગ, અલબત્ત, સંસ્કૃત શબ્દોનો, ૨૦૨૬૫, એટલે કે, ૩૫ ટકા જેટલો છે. ત્યાર પછી ફારસીના ૧૭૫૬, એટલે ૩ ટકા, અરબ્બીના ૮૨૪, એટલે દોઢ ટકો, અંગ્રેજીના ૩૬૦, એટલે અડધો ટકો, હિન્દીના ૧૮૩, મરાઠીના ૪૪, તુર્કીના ૨૭, પોર્ટુગીઝના ૨૯ – એમ આવે છે. ગુજરાતીનો સારો અભ્યાસ કરનારે સંસ્કૃતનું અમુક જ્ઞાન તો મેળવવું જ જોઈએ, એ આ સાદી ગણતરી પરથી દીવા જેવું દેખાઈ આવે છે. આ ગણતરીથી અમને એક એ અંદાજ પણ મળી રહ્યો છે કે, લગભગ ૪૨ ટકા વ્યુત્પત્તિનું કામ તો થઈ ચૂક્યું ગણાય.

        ૧૯૩૫માં આ આવૃત્તિનું કામ શરૂ કર્યું તયારે જોડણીના નિયમોને અંગે કાંઈ નવું વિચારણીય છે કે કેમ, એનો પણ ખ્યાલ કરી લીધો હતો. એ બાબતમાં કશો મહત્ત્વનો ફેર કરવાની જરૂર નથી જોઈ. ઊલટું, હર્ષની વાત છે કે, જોડણીકોશને ઉત્તરોત્તર માન્યતા મળતી ગઈ છે, અને આજ મુંબઈ યુનિવર્સિટી જેવી શિક્ષણસંસ્થાએ તથા ગુજરાતી સાહિત્ય સંમેલન જેવી વીદ્વત્સભાએ એને અપનાવ્યો છે. આ બાબતમાં સાહિત્ય સંમેલને તેની ગઈ બેઠકમાં કોશને માટે જે આવકારદાયી ને અભિનંદન ઠરાવ કર્યો છે, તે માટે એ સંસ્થાનો અત્રે અમે આભાર માનીએ છીએ.

        જોડણીકોશને આમ માન્યતા મળ્યા પછી, આજ હવે આપણી આગળ જોડણીની અરાજકતાનો પ્રશ્ન એટલા પૂરતો પતી ગયો મનાય. હવે કરવાનું રહે છે તે સ્વીકૃત થયેલી એવી આ જોડણીની બાબતમાં કાળજી રાખી તેનો વાપર વધારવાનું. તે કામ ગુજરાતના શિક્ષકગણ, લેખકવર્ગ તથા છાપાંવાળા અને માસિકના તંત્રી, વ્યવસ્થાપકો તથા પ્રકાશનસંસ્થાઓ,–એ બધાંએ કરવાનું રહે છે. આમાં જો આપણે જાગૃતિ નહિ બતાવીએ તો હવે એક બે વર્ષમાં સિદ્ધ થઈ જવું જોઈએ એવું કામ નાહક લંબાશે, અને ભાષાની સેવામાં એટલે દરજજે ક્ષતિ આવી લેખાશે.

        જોડણીના નિયમોમાં એક ફેરફાર કર્યો છે. નિયમ ૫ મો આ પ્રમાણે હતોઃ– જ્યાં આરબી, ફારસી, અંગ્રેજી કે અન્ય પરભાષામાંથી અપભ્રષ્ટ થયેલો શબ્દ રૂઢ થઈ ગયો હોય, ત્યાં તે જ અર્થમાં તત્સમ શબ્દ ન વાપરવો. ઉદા૦ પર્પટ, ખ્વાહિશ, હૂબહૂ, ઇંગ્લિશ, ટિકેટ નહિ પણ પાપડ, ખાએશ, આબેહૂબ, અંગ્રેજી, ટિકિટ.

        આ નિયમ, ખરું જોતાં, જોડણીનો નહિ પણ શૈલીનો ગણાય. એટલે જોડણીકાર એને પોતાના નિયમ તરીકે આપે એમાં મર્યાદાદોષ આવે. આ વિચારથી એ નિયમ રદ કરવામાં આવ્યો છે. બાકી આખી નિયમાવલી જેમની તેમ રહે છે. નવી આવૃત્તિનો લાભ લઈ તે નિયમોનો અમલ કરવામાં કેટલાક શબ્દોમાં જ્યાં ક્ષતિ રહી ગયેલી જણાઈ છે, ત્યાં સુધારો કર્યો છે. ચડવું–ચઢવું, મજા–મઝા, ફળદ્રુપ–ફળદ્રૂપ વિકલ્પો સ્વીકાર્યા છે. નિયમાવલીનુંવધુ સ્પષ્ટીકરણ થાય તેટલા સારુ સૂચક દાખલાઓ કેટલીક જગાઓએ ઉમેર્યા છે. (જેમ કે, ક્રિયાપદનાં રૂપોની જોડણીનો નિયમ ૨૫, ૨૬ જુઓ.)

        તત્સમ શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવી છે એ ઉપર જણાવ્યું. તેને અંગે એક બે વાતનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. આપણી ભાષામાં ઘણા સંસ્કૃત શબ્દો તેમના પ્રથમાના રૂપે ઊતરી આવે છે, અને જેમાં અંતે વિસર્ગ હોય છે તેના તે વિસર્ગનો લોપ થયો હોય છે. જેમ કે, પિતા, વિદ્વાન, ચંદ્રમા, મન ઇત્યાદિ. આ શુદ્ધ સંસ્કૃત તો ન ગણાય. વળી કેટલાક શબ્દો સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે નવા બનાવી આપણે વાપરીએ છીએ, જે સંસ્કૃત કોશોમાં નયે મળે. આવા બધા શબ્દોને અમે सं. તરીકે તત્સમ જણાવ્યા છે.

        એવી જ એક મર્યાદા ફારસી અરબી શબ્દોની તત્સમતાને અંગે પણ સ્વીકારી છે. આ ભાષાઓને અંગે વિશેષ મુશ્કેલી એ છે કે, તેની ને આપણી વર્ણમાળા એક ન હોઈ, લિપ્યંતરનો પ્રશ્ન પણ ખડો થાય છે. જેમ કે, ફારસી ‘ઝ’ અગાઉની પેઢી ‘જ’ લખીને સંતોષ માનતી. આજ અંગ્રેજી Z નો ઉચ્ચાર આપણે ત્યાં રૂઢ થતો જવાથી ફારસી ‘ઝ’ ઉચ્ચાર ‘જ’થી કરવા કરતાં ‘ઝ’ લખવા પ્રેરાઈએ છીએ. પરંતુ ફારસી અરબી શબ્દોમાં જકાર ઊતરી તો ગયો છે. એ રૂઢિને આપણી જોડણીની પ્રથામાં માન્યતા પણ મળી છે. એટલે એવા જકારવાળા ફરકના શબ્દોને પણ ફારસી જ જણાવ્યા છે. જેમ કે, નજર, અજીજ.

        અંત્ય હકારવાળા ફારસી શબ્દો ગુજરાતીમાં પોતાના લિંગ પ્રમાણે ઈ, ઉ કે ઓ અંત્ય સ્વીકારે છે. જેમ કે, તકાજો, સાદું, જલસો. આટલા ફરકના શબ્દોને પણ ફારસી જણાવ્યા છે.

        ફારસી, અરબી અય, અવ, આપણે ત્યાં અનુક્રમે એ, ઓ રૂપે લખાય છે ને એ, ઓ (બન્ને પહોળા) રૂપે બોલાય છે. જેમ કે, હેબત, શેતાન, મોત. આ રૂપોને પણ તત્સમ જ ગણ્યાં છે.

        પરંતુ રદ, સબર, ફિકર, સાહેબ જાહેર, ઇજન, ચહેરા જેવા શબ્દો તદ્ભવ ગણ્યા છે. નિસબત, સખતી, બરખાસ્ત જેવા શબ્દો, જેમનો ઉચ્ચાર તત્સમ છે (પણ જે નિસ્બત, સખ્તી, બર્ખાસ્ત એ રૂપે નથી લખાતા), તેમને પણ તત્સમ ગણ્યા છે.

        પોર્ટુગીઝ તત્સમતા બતાવી છે તે સામાન્ય મળતાપણા પરથી જ ગણાય. શુદ્ધ રૂપે એ શબ્દ હશે કે કેમ એ, પોર્ટુગીઝના અજ્ઞાનને કારણે, અમારાથી દાવો કરી શકાતો નથી. ઉપલબ્ધ કોશો કે વ્યાકરણોમાંથી એને અંગેનાં મળી આવેલાં સૂચન પરથી એ નિર્દેશો છે.

            મરાઠી,હિન્દી ભાષા તો ગુજરાતીની બહેનપણીઓ ગણાય. ઘણા શબ્દો, જરાતરા ફેરથી કે તેના તે જ રૂપે, બેઉ જગ્યાએ મળી શકે. તે પરથી તે શબ્દ મરાઠી કે હિન્દી ન ગણાય. પણ આજના વધતા જતા આંતરપ્રાંતીય સંસર્ગને કારણે તથા પૂર્વના સંસર્ગોથી પણ કેટલાક શબ્દો આપણા સાહિત્યમાં તે તે ભાષાઓમાંથી સ્વાભાવિક રીતે ઊતરી આવ્યા છે. કોશમાં એવા શબ્દોને જ મરાઠી કે હિન્દી બતાવી શકાય. અમે એ દૃષ્ટિએ આ ભાષાઓના શબ્દોનો નિર્દેશ કર્યો છે.

શબ્દોની તત્સમ વ્યુત્પત્તિ બતાવતાં એ ખ્યાલ આપોઆપ ઊઠે કે, તેનો અર્થ પણ તત્સમ છે ? કેમ કે, એવું ઘણી વાર બને છે કે, શબ્દનું સ્વરૂપ તત્સમ હોવા છતાં તેના અર્થમાં તત્સમતા ન હોયઃ તેમાં કાંઈક ફેર થયો હોય, લક્ષણાથી ભિન્ન અર્થ નીકળતો હોય, કે વ્યંજનામાં મર્યાદા પણ આવી ગઈ હોય. આ પ્રકારની ઝીણવટમાં અમે ઊતર્યા નથી, ને મૂળ શબ્દના અર્થની સામાન્યતઃ તત્સમતા પરથી તેને તત્સમ ગણ્યો છે. સામાન્ય ઉપયોગની શાળોપયોગી આવૃત્તિમાં એથી વધુ સૂક્ષ્મતા આવશ્યક પણ ન ગણાય.

         વ્યુત્પત્તિને અંગે, છેવટમાં, એક વસ્તુ કહેવાની રહે છે તે, ક્રિયાપદોની વ્યુત્પત્તિ નથી આપી એ. એટલે ઉપરની શબ્દગણનામાં ક્રિયાપદોની તત્સમતા નથી ગણાઈ.

        એક મહારાષ્ટ્રી ભાઈએ કહ્યું કે, તમારા કોશમાં ઉચ્ચારણ નથી, તેથી અમારા જેવાને મુશ્કેલી પડે છે; તમારે ઉચ્ચારણ પણ આપવું જોઈએ. આ માગણી સાચી છે. કોઈ પણ ભાષાના સારા ગણાઈ શકે એવાકોશમાં શબ્દનું આ અંગ હોવું તો જોઈએ જ. આપણી લિપિની વિશેષતાને લઈને, ઉચ્ચારણની જરૂર અંગ્રેજી જેવી ભાષાના જેટલી ન હોય એ ખરું. છતાં લિપિ સંપૂર્ણ ઉચ્ચારવાહી તો નથી થઈ શકતી. આપણે ત્યાં પણ સંવૃત વિવૃત પ્રયત્ન, યશ્રુતિ, હશ્રુતિ, અનુસ્વાર–ભેદ ઇત્યાદિ બાબતો તથા ફારસી વર્ણોનો પ્રશ્ન તો રહે જ છે. એટલે તે તે ખાસિયતો માટે સંકેત યોજીને કોશકારે ઉચ્ચારણ પણ નોંધવું ઘટે. આ બાબતમાં કયું ઉચ્ચારણ શિષ્ટ ગણાય એ પ્રશ્ન પણ રહે છે. એટલે આ કામ મહત્ત્વનું તો છે જ. પણ આ આવૃતતિમાં અમારે માટે તે શક્ય નહોતું. પરંતુ એમાં એક વસ્તુ અંશતઃ અમારે કરવી પડી તે એ કે, જે શબ્દોની જોડણી એક છે છતાં ઉચ્ચારો ભિન્ન છે, તેવા શબ્દોનો ઉચ્ચારનિર્દેશ અમે કર્યો છે. જેમ કે, જુઓ ઓડ, શોક. તે શબ્દો ત્રણ અર્થોમાં ત્રણ રીતે બોલાય છે. એ ત્રણે ઉચ્ચાર નોંધ્યા છે. તેની પદ્ધતિ વિષે ‘કોશ વાપરનારને સૂચના’માં નિર્દેશ કર્યો છે.

        આ આવૃત્તિમાં બીજો ફેરફાર કર્યો છે તે શબ્દોની ગોઠવણીનો છે. ગુજરાતી જોડણીકોશમાં આવી જાતનો ફેરફાર પહેલવારકો  થાય છે. આ ફેરફાર કરવાનું અમને સૂઝ્યું સ્થળસંકોચ સાધવાની દૃષ્ટિએ. આવૃત્તિ આવૃત્તિએ કદમાં વધતા જતા કોઈની કિંમત પણ વધારવી પડે તો વાચકવર્ગને એ ન ફાવે. એટલે, બને ત્યાં સુધી, કોઈનું કદ ધતાં છતાં, કિંમત ન વધારવી પડે એવો પ્રયત્ન કરવાનો વિચાર રાખવામાં આવ્યો. તે સારુ એક ફેરફાર તો એ કર્યો કે, બીબાં મળે તેવડાં નાનાં વાપર્યાં છે. અવારનવાર જરૂર પ્રમાણે વાપરવાના આકરગ્રંથ માટે નાનાં બીબાં મુશ્કેલી ન ગણાય. નાનાં બીબાંથી ઠીક ઠીક જગા બચી શકી છે. બીજો ફેરફાર કર્યો તે, કક્કાવારીમાં પાસપાસે આવતા સમાન વ્યુત્પત્તિવાળા, સાધિત કે સમાસના શબ્દોને એક ફકરામાં ગોઠવી દીધા છે. આ ગોઠવણીને અંગેની સૂચનાઓ ‘કોઈ વાપરનારને સૂચના’ એ સ્થળે આપી છે. તે જોવાથી આ ગોઠવણની રીત સ્પષ્ટ થશે.

        પારિભાષિક શબ્દોને અંગે નવો કોઈ પ્રયત્ન કર્યો નથી. એક વસ્તુ સ્વતંત્ર રીતે કહેવી પ્રાપ્ત થાય છે. સરકારી માધ્યમિક કેળવણીમાં ગણિત, વિજ્ઞાન વગેરે વિષયો સ્વભાષા મારફત શીખવવાની છૂટ અપાઈ છે. પરંતુ, એ છૂટનો ઉપયોગ ઓછો જ લેવાયો છે, એ વિચિત્ર બીના ગણાય. અને કાંઈકે પ્રયત્ન થયો છે તે, અમારી જાણ પ્રમાણે, વિજ્ઞાનને માટે; – કે જેની પરિભાષામાં મુશ્કેલી છે એમ જ નહીં, અરાજક છે, ને કેટલુંક બેહૂદાપણુંપણ પ્રવર્તે છે. અને ગણિત, કે જેની પરિભાષા નિશ્ચિત છે તથા જે નાનકડી પુસ્તિકા રૂપે વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ થઈ છે, એને સ્વભાષા મારફત શીખવવાનો પ્રયત્ન આરંભાયો નથી.આશા રાખીએ કે, એ આપણી સિદ્ધ પરિભાષા હવે થોડાં વર્ષોમાં બધે વપરાતી થઈ જશે. વિજ્ઞાનને અંગે પણ એવી જ પરિભાષા સ્થિર કરવાનો પ્રયત્ન હવે આદરવો જોઈએ. એ કામ શિક્ષકગણ તથા વિદ્વાનો ઉપાડે તો હવે પછીની કોશની આવૃત્તિમાં જ્ઞાનની તે શાખાના શબ્દો સંઘરવાનું સહેલું થશે.

        હવે વિદ્યાપીઠ તરફથી ગુજરાતી ભાષાના બૃહત્ કોશનું કામ ણપાડવા વિચાર છે. એ કોશમાં ગુજરાતી ભાષાનો શબ્દસંગ્રહ કરવા પૂરો માટે, નવા તથા જૂના ગુજરાતી સાહિત્યમાં ઊતરેલા તથા બોલીમાં ચાલતા તમા શબ્દો સંઘરવા પ્રયત્ન કરવો છે. બોલીના શબ્દો સંઘરવા માટે, ગુજરાતના બોલીવાર જુદા જુદા પ્રદેશ પડે છેત્યાંના માણસોના સહકાર ઉપરાંત, તે તે પ્રદેશમાં ખાસ માણસ મોકલી બરાબર તપાસ કરીને શબ્દો એકઠા કરવાનો ઇરાદો છે.વળી જુદાં જુદાં વિજ્ઞાનોની અને ઉદ્યોગોની પરિભાષા પણ મેળવી શકાય તેટલી મેળવીને આપવી છે. તથા સાંપ્રદાયિક અને કોમી સાહિત્યમાં વપરાતા શબ્દો પણ એકઠા કરવાની ધારણા છે. શબ્દોની વ્યુત્પત્તિ શક્ય હોય તેટલી – વચગાળાનાં પ્રાકૃત તથા અપભ્રંશ રૂપો મળી શકે ત્યાં તે સાથે – આપવી છે. શબ્દોના અર્થોનો ઐતિહાસિક વિકાસક્રમ, અર્થ તથા પ્રયોગની સ્પષ્ટતાની દૃષ્ટિએ આવશ્યક જણાય ત્યાં અવતરણો સાથે, આપી શકાય તેટલો આપવો છે. બને તેટલાં સ્થાનોએ પર્યાય શબ્દો પણ નોંધવાનો વિચાર છે. ગુજરાતના વિદ્વાનો, શિક્ષકો તથા ભાષાપ્રેમીઓની સાહાય્ય જેટલી વધારે મળે તેટલો આ કોશ સારો થાય એ સ્પષ્ટ છે. એવો સહકાર અને મદદ અમને મળશે જ એ આશા સાથે ગુજરાત આગળ અમારી માગણી અમે રજૂ કરીએ છીએ. . . .

તા. ૧૨–૬–’૩૭                                                          – મગનભાઈ પ્રભુદાસ દેસાઈ                                                                                                                                            

આપણા શબ્દકોશની પ્રસ્તાવનાઓ – ૨

[બીજી આવૃત્તિ – ઈ. સ. ૧૯૩૧]

અસાધારણ ઐતિહાસિક સંજોગોમાં અર્થ સાથેનો આ જોડણીકોશ પ્રસિદ્ધ થાય છે. ગૂજરાતી ભાષામાં જોડણીની કાંઈ પણ વ્યવસ્થા ન મળે એ વસ્તુ ગાંધીજીને ખૂબ સાલતી હતી. એક કાગળમાં એમણે પોતાનું દુઃખ નીચેના શબ્દોમાં વ્યક્ત કર્યું હતું :

શુદ્ધિપત્ર વિનાનો શબ્દકોશ એ ગૂજરાતી ભાષાને દેહ આપનારી વસ્તુ છે.અત્યારે તો ગૂજરાતી ભાષાનો આત્મા શરીરની ખામીને લઈને ભૂતની માફક ભમ્યા કરે છે અને ક્યાંય શાંત થઈને બેસી શકતો નથી. એ સ્થિતિમાંથી એ ભાષાના આત્માને ઉગારવો અને અવગતે જતો બચાવવો એ જો તમારું કાર્ય ન હોય તો કોનું હોઈ શકે ?

        ગૂજરાતી ભાષાની શુદ્ધિમાં રસ ધરાવનારા વિદેહ તેમ જ વિદ્યમાન લોકોના અભિપ્રાયોનું સંકલન કરી અને શાસ્ત્રની મર્યાદા તેમ જ આજકાલનું વલણ તપાસી જોડણીના નિયમો અમે ઘડી કાઢ્યા, અને ધારેલી મુદતની અંદર ગૂજરાતી ભાષાના તેમ જ એ ભાષામાં સ્થાન પામેલા લગભગ બધા શબ્દોનો કેવલ જોડણીકોશ પ્રજા આગળ મૂક્યો. તે વખતે ‘નવજીવન’માં (૭–૪–૧૯૨૯) ગાંધીજીએ જે આનંદોદ્ગાર કાઢ્યા છે, તે એમનો અસાધારણ ભાષાપ્રેમ સૂચવે છે. એમાં એમણે લખેલું –

“ઠીક ઠીક ગૂજરાતી જાણનારા, વ્યાકરણશુદ્ધ ગૂજરાતી લખવાનો પ્રયત્ન કરનારની કલમેથી જે જોડણી ઊતરી તે ખરી ગણાય. આ ધોરી નિયમને અનુસરીને કોશ તૈયાર થયો છે….

        “…અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં આપણને શરમ લાગે છે. તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.”

        લોકોને કેવળ શુદ્ધ જોડણી પૂરી પાડીને કોશ કૃતાર્થ ન જ થઈ શકે. એટલે જોડણી સાથે શબ્દોના કંઈ નહિ તો મુખ્ય અર્થો ટૂંકમાં પણ આપવા એ આવશ્યક હતું. કેવળ જોડણીથી ભાષાપ્રેમીને સંતોષ નહિ થાય એટલા જ ખાતર જોડણીકોશની ફક્ત પાંચસો જ નકલો કાઢી હતી અને એને માટે અમે ગાંધીજીનો ઠપકો પણ વહોરી લીધો હતો. પ્રજાએ એ કોશને અમારા ધારવા કરતાં વધુ ઉત્સાહભર્યો  આવકાર આપ્યો હતો અને એ જોડણી પોતાને માન્ય હોવાની સંમતિઓ પણ આપી હતી.

        જોડણીનું કામ જેટલું સંગીન રીતે થયું એટલું જ સંગીન કાર્ય અર્થો આપવામાં કરી બતાવવું એવી અમારી મુરાદ હતી. પણ ભારતવર્ષને સદ્ભાગ્યે સ્વરાજની હિલચાલ જાગી અને વિદ્યાપીઠના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ એમાં ઝંપલાવ્યું. બીજાં અનેક કાર્યો સાથે આ કામ પણ સંકેલી લીધું હોત . પણ ગાંધીજીને ચરણે સાર્થ જોડણીકોશ ધરવાની વિદ્યાપીઠની અભિલાષા ફાવી ગઈ અને કેટલાક ભાઈઓએ લડતમાં ઝંપાવવાનું માંડી વાળવાનો સ્વાર્થત્યાગ બતાવ્યો. જ્યાં સામ્રાજ્યનું આખું તંત્ર હચમચાવવાને લડત શરૂ થઈ ત્યાં કોશ રચવાનું કામ સળંગ તંત્રે કેમ ચાલે ? કામ જો અટકાવવું ન હોય તો પ્રસંગે પ્રસંગે જુદા જુદા સેવકોને હાથે કામ લીધા વગર છૂટકો ન હતો. જોડણીની બાબતમાં અમુક સળંગસૂત્રતા અમે જાળવી શક્યા, પણ અર્થની બાબતમાં તો અનેક દિશાએ મતભેદને અવકાશ. શબ્દોના અર્થ નક્કી કરવાનું કામ પીઢ સાહિત્યસેવકોનું છે. એમાં ઐતિહાસિક દૃષ્ટિ હોય તો જ એ કાર્ય સંતોષકારક ગણાય. પણ અમારે એટલી મોટી મહત્ત્વાકાંક્ષા રાખ્યે પાલવે એમ ન હતું. જે સેવકો જે વખતે ઉપલબ્ધ હોય તેમને હાથે કામ પૂરું કરાવ્યા વગર છૂટકો ન હતો.

        શાંતિના દિવસો હોત તો દરેક શબ્દનો અર્થવિકાસ તપાસવાનું કામ અમે કર્યું હોત. શબ્દો ભાષામાં ક્યાં ક્યાં કયા અર્થમાં વપરાય છે એ શોધી કાઢીને શબ્દોના આજના અર્થો પણ નક્કી કર્યા હોત. જ્યાં શબ્દો ખોટા અર્થમાં વપરાય છે ત્યાં ધ્યાન ખેંચ્યું હોત. પારિભાષિક શબ્દોના અર્થો વધારે ચોક્કસ કર્યા હોત. ઝીણા ઝીણા અર્થભેદ બતાવવા માટે જૂના શબ્દોના અર્થો મર્યાદિત કર્યા હોત અથવા નવા શબ્દો સૂચવ્યા હોત. શિષ્ટ સાહિત્યના ભાષાંતરમાં ડગલે ને પગલે જે મુશ્કેલી ઉત્પન્ન થાય છે તે દૂર કરવા માટે પણ કોશમાં કાંઈક સગવડ કરી હોત. અમારો વિચાર એવો હતો કે, અત્યાર સુધી ચાલતું આવ્યું છે એમ જૂના કોશો ઉપર પૂરો આધાર રાખીને નવો કોશ તૈયાર ન કરવો, પણ સાહિત્યના અભ્યાસીઓ સ્વતંત્ર શોધખોળથી જેમ શબ્દોના અર્થ નક્કી કરે છે તે ઢબે બની શકે તેટલું કામ કરવું. જૂના કોશોને તરછોડવાનો વિચાર આમાં ન હતો, પણ શબ્દોના અર્થ પ્રમાણપુરઃસર છે એવી ખાત્રી કરી લેવાની અને અર્થો નક્કી કરવામાં પરંપરાની શિથિલતા કાઢી નાંખવાની વૃત્તિ હતી. અમુક મિત્રોએ સાહિત્યના અમુક વિભાગ વાંચી તેમાંથી મહત્ત્વના શબ્દોની વપરાશ, સંદર્ભ પ્રમાણેના અર્થ, અને તેનાં અસથાનો નોંધી લેવાનું વહેંચી પણ લીધું હતું. પણ એમાંથી અમે કશું કરી ન શક્યા.

        પણ આપેલા અર્થો માટે નર્મકોશથી માંડીને અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલા આપણા બધા કોશોની તેમ જ હિન્દી, મરાઠી, બંગાળી, સંસ્કૃત તથા અંગ્રેજી કોશોની મદદ લેવામાં અમે ચીક્યા નથી. જે અર્થોની ચોક્ક્સાઇની ખાત્રી નથી પડી તેમને માટે બનતી કોશિશ કર્યા છતાં જો નથી મળ્યા તો તેમને છોડી દેવામાં આવ્યા છે. બીજા કોશોમાં આપેલા અર્થો બને તેટલા વધારે સંક્ષિપ્ત રૂપમાં પણ પૂરેપૂરા સમજી શકાય એવી રીતે આપવાની ખાસ ચીવટ રાખેલી છે (વિરામચિહ્ન નથી)  શબ્દોના અર્થો મુખ્ય મુખ્ય લીધા છે અને તેમનો દીર્ –સૂત્રી વિસ્તાર કરેલો નથી. જે અર્થ બીજા શબ્દની જોડે વપરાતાં ઊપજતો હોય તેવાર્થો આપવામાં આવ્યા નથી. જોડણીકોશની મર્યાદામાં રહીને જ અર્થોનો વિસ્તાર કરી શકીએ એમ હોવાથી અમે શબ્દો સાથે રૂઢિપ્રયોગોની પણ નોંધ લીધી નથી.

        આ બધું કરનાર સાથીઓ પીઢ સાહિત્યસેવી ન ગણાય, પણ ભાષાપ્રેમી અને સાહિત્યસેવી તો જરૂર છે. એટલે એમણે બધી જાતની ચીવટ રાખવામાં મણા નથી રાખી. અર્થ આપવાની પદ્ધતિમાં સૂક્ષ્મ મતભેદોને સ્થાન હોય છે. તજજ્ઞ ભાષાશાસ્ત્રીઓ એવો ભેદ આ કોશમાં ઠેકાણે ઠેકાણે જોશે. પણ સામાન્ય વાચકોને એથી કશી મૂંઝવણ નડવાની નથી. છેલ્લી નજર એક બે વ્યક્તિઓએ પહેલેથી છેલ્લે આખર સુધી રાખેલી હોવાથી કોશમાં સળંગસૂત્રતા જળવાઈ રહી છે, અને તેથી જ અમે આ કોશ વિના સંકોચે પ્રજા આગળ મૂકી શકીએ છીએ.

        દરેક કામ ગમે તેટલા લોકોને હાથે થાય અને ગમે તે વ્યક્તિ ઉપર તેની જવાબદારી હોયે તોયે એ કામ ચીવટપૂર્વક પાર પાડવાની જવાબદારી એકાદ વ્યક્તિને માથે આવી પડે છે. જોડણીકોશના સંપાદનમાં એવી ચીવટ ભાઈ ભાઈ ચંન્દ્રશંકર શુકલે રાખેલી.  અર્થકોશની તૈયારીમાં એ ચીવટ રાખવી વિશેષ કઠણ હતી. તે કામ ભાઈ મગનભાઈ દેસાઈએ કર્યું. તેથી જ કોશ નિર્વિઘ્નપણે પ્રજાના હાથમાં મૂકી શકાય છે. શ્રી ચૂનીલાલ બારોટ, શિવશંકર શુકલ, ગોપાળદાસ પટેલ, અમૃતલાલ નાણાવટી અને ચિમનલાલ શાહ – આ બધા ભાઈઓએ ઓછીવત્તી પણ તનતોડ મહેનત ન કરી હોત તો આ કામ રહી જ ગયું હોત. શ્રી ચંન્દ્રશંકરે પોતાની જૂની જવાબદારી સ્મરણમાં રાખી, પોતાની માંદગી દરમ્યાન પણ, આનાં છેલ્લાં પ્રૂફ જોયાં છે. એક સિવાયના આ બધા જ ભાઈઓ વિદ્યાપીઠના સ્નાતકો છે એ વસ્તુની નોંધ લેતાં સંતોષ થાય છે.

        આજની સ્થિતિમાં સામાન્ય વ્યવહાર માટે આ કોશ સંપૂર્ણ ગણાય. પણ અમારે તો અમારા આદર્શને પહોંચવું છે. ગૂજરાતી સમાજના સર્વસંગ્રાહક સ્વભાવ પ્રમાણે ભાષા પણ સર્વસંગ્રાહક બની છે. વૈષ્ણવ અને શૈવ, જૈન અને સ્વામીનારાયણ સંપ્રદાયી, કાઠિયાવાદી અને ગાયકવાડી, મુસલમાન તેમજ પારસી, ખ્રિસ્તી તેમજ પરદેશી, બધાએ ગૂજરાતીની સેવા કરી છે. એ બધાની સેવાનો સરવાળો કરી ભાષાની સમૃદ્ધિ કેટલી છે એ કોશકારે તપાસવું ઘટે છે.

        સંખ્યાબંધ ગૂજરાતીઓ ગૂજરાત બહાર અને હિન્દુસ્તાન બહાર જઈ વસેલા છે. સ્વરાજની હિલચાલમાં ગૂજરાતે જે પ્રથમ સ્થાન લીધું છેતેને પરિણામે બહાર વસેલા ગૂજરાતીઓમાં નવી સ્ફૂર્તિ, નવી અને વ્યાપક દૃષ્ટિ, અને નવી શક્તિ આવ્યા વિના રહે નહિ. તેઓ જ્યારે દેશદેશાંતરનો પોતાનો અનુભવ, ત્યાંની સમાજસ્થિતિ, અને એ સ્થિતિને અનુકૂળ કરી લેવામાં કેળવેલો પોતાનો પુરુષાર્થ, એનાં બ્યાનો લખશે, ત્યારે ગૂજરાતી ભાષાહિંદુસ્તાનમાં અસાધારણ સમૃદ્ધિ બતાવશે અને રાષ્ટ્રવ્યાપી કેળવણીનું એક મહત્ત્વનું વાહન થઈ પડશે.

        કોઈ પણ ભાષાનો શબ્દકોશ એ તે ભાષાના, એટલે કે, તે ભાષા બોલનાર સમાજના પુરુષાર્થનું પ્રતીક હોય છે. એવા સમાજમાં દરેક નવી વસ્તુનો બહિષ્કારકરવાની સંકુચિત વૃત્તિ નથી હોતી, અને જે જુઓ તેનો સ્વીકાર કરો એવી ભિખારી વૃત્તિ પણ નથી હોતી. પોતાપણું સાચવીને, ગૌરવ વધારીને જેટલી નવી વસ્તુ લઈ શકાય અને આબાદ રીતે પોતાનામાં ભેળવી શકાય, તેટલાંનો સ્વીકાર કરતાં આચકો નહિ ખાય; અને નવાની ભભકથી અંજાઈ જઈ જેને જુએ તેને ચરણે ઢળી પડે, પોતીકાંનો તિરસ્કાર કરી પરાયાંનું દાસત્વ સ્વીકારે, એવી હીન બુદ્ધિ પણ ન રાખે. પોતાની હસ્તી જોખમમાં હોય ત્યારે પારકાના હુમલાથી બચી જવા માટે, અમુક જાતની પુરાણપ્રિયતા કહો અથવા ક્ષેમવૃત્તિ (conservatism) કહો, તે આવશ્યક હોય છે. ક્ષેમવૃત્તિ એ જિજીવિષાનું વ્યાકરણ છે. પણ જ્યારે સમાજ સમર્થ બને છે, પરાક્રમ પ્રગટ કરે છે, વિજીગિષા કેળવે છે, ત્યારે ક્ષેમવૃત્તિ કોરે મૂકી તે યોગવૃત્તિ ધારણ કરે છે.

        એ વખતે પણ નવું નવું ધારણ કરવાના ઉત્સાહમાં એ તણાઈ ન જાય અને આખો પ્રવાહ ડહોળાઈ ન જાય એટલા ખાતર વિજિગીષાનું વ્યાકરણ પણ જાળવવાનું હોય છય. પણ એ ક્ષેમવૃત્તિ કરતાં જુદું હોય છે. આ નવું વ્યાકરણ ધ્યાનમાં લઈ, દરેક દસકે ભાષાનો કોશ ફરી ફરી સજીવન કરવાની આવશ્યકતા ઉત્પન્ન થશે, એમ અમે માનીએ છીએ. ચાલુ લડતમાંથી જેઓ વિજય મેળવીને જેઓ નીકળ્યા હશે, તેમને માટે આ કામ અમે રાખી મૂકીએ છીએ. છેલ્લાં દસ પંદર વર્ષમાં ભાષાએ જે પ્રગતિ કરી છે, ભાષામાં નવા નવા શબ્દો દાખલ થયા છે, શબ્દોને નવા નવા અર્થો મળ્યા છે, તે બધાનો સંગ્રહ અમે કરી શક્યા છીએ એટલાથી જ અમને સંતોષ છે.

        બીજા સંસ્કરણનો લાભ લઈ અમે શબ્દોનો ઉમેરો કરવા શોધ કરી શક્યા હોત. પરંતુ તેને પહોંચી વળવું અશક્ય હતું. એટલે સહેજે અમને જેટલા નવા શબ્દો મળી આવ્યા તેમનો તો આમાં ઉમેરો કરી લીધો છે. . . . . કેટલાક શબ્દોનો અમે પહેલી આવૃત્તિમાં માત્ર વિકલ્પનિર્દેશ જ કર્યો હતો તેમને આમાં, અર્થકોશ તરીકે ઉપયોગિતાની દૃષ્ટિએ, જુદા પણ બતાવેલા છે.

        પ્રત્યયસાધિત શબ્દો, ક્રિયાપદનાં પ્રેરક તથા કર્મણિ રૂપો, અને અનેક સમાસોનો સમાવેશ કરીને કોશકાર ધારે તો શબ્દસંગ્રહ ઘણો મોટો દેખાડી શકે. અમે એવો લોભ રાખ્યો નથી. પહેલી આવૃત્તિમાં જે શબ્દો સંગ્રહાયા હતા તેમાંથી કેટલાક સમાસો તથા પ્રત્યયસાધિત શબ્દો આ આવૃત્તિમાં રદ પણ કરવામાં આવ્યા છે. અર્થકોશમાં તેમ કરવાને શુદ્ધ જોડણીકોશ કરતાં ઓછી છૂટ છે એ તથા જોડણીની આવશ્યકતાને વિચારીને જ તેમ કરવામાં આવ્યું છે. આમ વધઘટ થઈને સરવાળે શબ્દભંડોળ પહેલી આવૃત્તિ કરતાં મોટું નીવડ્યું છે. પહેલી આવૃત્તિમાં ૪૩૭૪૩ શબ્દો હતા, આમાં કુલ ૪૬૬૬૧ શબ્દો છે.

        પરિભાષિક શબ્દોનો ઉપયોગ આપણે નથી કરતા ત્યાં સુધી તેમની પસંદગી કરવાની મુશ્કેલ જ રહેવાની. વિજ્ઞાનશાસ્ત્રનો અભ્યાસ આપણે અંગ્રેજી દ્વારા કરીએ છીએ, એટલે ગમે તેવી સુંદર યોજેલી પરિભાષા પણ જીવંત ભાષાના કોશકારને સંગ્રહવી મુશ્કેલ પડે છે. પણ જો વાપરની કસોટી પર તેને ચડાવીએ, તો તેની પરીક્ષા થઈ પસંદગી સરળ બને છે. ગણિતની પરિભાષાના વિદ્યાપીઠના અનુભવ પરથી આ અમે કહી શકીએ છીએ. વિનયમંદિરના ગણિતની પરિભાષા આ કોશમાં લગભગ સંપૂર્ણતાએ સંગ્રહાયેલી છે. તેમ જ સંગીતને માટે પણ કહી શકાય. પરંતુ રસાયનશાસ્ત્ર્, પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, વિદ્યુચ્છાસ્ત્ર્ વગેરેની પ્રમાણભૂત અને પ્રયોગસિદ્ધ પરિભાષાને અભાવે તે સંપૂર્ણાતાએ આ કોશમાં નથી. વિજ્ઞાન કે ગણિતની પરિભાષાની બાબતમાં અન્ય કોશોએ ગમે તેમ ગોઠવણ કરી છે તે તપાસીને જે શબ્દો ઠીક ન લાગ્યા તે રદ કર્યા છે.

        પણ આપણા સાક્ષરોના વિચારો પાશ્ચાત્ય ઢબે અને પાશ્ચાત્ય પરિભાષામાં ઠીક ઠીક વધતા જાય છે. તેમને વ્યક્ત કરવા તેઓ પરિભાષા પણ યોજતા જાય છે. તેનો વિવેક કરીને સંગ્રહ કરવો આવશ્યક ગણાય. તે આ કોશમાં કરવામાં આવ્યો છે. તેના અર્થ મુખ્યત્વે તેના અંગ્રેજી પર્યાય દ્વારા આપ્યા છે. તેવું જ ગણિતની પરિભાષા માટે પણ કર્યું છે. આવી રીતે અંગ્રેજી પર્યાયનો આશરો લાંબો વખત ન લેવો પડે એ તો ત્યારે જ બને કે જ્યારે આપણે તે પરિભાષાને રૂઢ કરી લઈએ.  

        જ્યાં શબ્દો સાથે વિસ્તારપૂર્વક વિગત આપવાની હોય છે, ત્યાં કોશકારની મૂંઝવણ સહુથી વધારે હોય છે. રમતો, વનસ્પતિ, ઔષધિ, પ્રાણી, પંખી, રોગ, ઘરેણાં, ઔદ્યોગિક ક્રિયાઓ, વ્રતો, ઉત્સવો, પંથ, વાદ, અવતાર, કારીગરોનાં ઓજારો વગેરેના અર્થ આપતી વખતે ઓછામાળ ઓછી કેટલી વિગત આપવી જોઈએ એ જ નક્કી કરવાનું રહે છે. વિસ્તાર ન કરતાં શબ્દાર્થ સ્પષ્ટ થાય, વાચકને બધી માહિતી ભલે ન મળે પણ શંકાનિવૃત્તિ તો જરૂર થાય, એ જાતનું ધોરણ જાળવવાનો અહીં પ્રયત્ન કર્યો છે.

        કોશમાં દરેક શબ્દ સાથે તેનું વ્યાકરણ પણ આપવાની જરૂર રહે છે, કે જેથી એ શબ્દ વિશેષ ઓળખાય અને તેને કેમ વાપરવો એનો કાંઈક ખ્યાલ આવી જાય. એ વ્યાકરણનું વર્ગીકરણ આપણે અંગ્રેજી વ્યાકરણમાંથી ઉપાડી લઈ અમુક અગવડો વહોરી લીધી છે. કોશમાં આપેલા વ્યાકરણમાં ક્યાંક ક્યાંક મતભેદ કે પ્રશ્નો જરૂર ઊપજવાના. પણ તે તો જ્યાં સુધી ગુજરાતી ભાષાના સ્વભાવને અનુસરનાર એક સંપૂર્ણ અને શાસ્ત્રશુદ્ધ વ્યાકરણનો ગ્રંથ પ્રજા આગળ નથી મુકાયો, ત્યાં સુધી શું થાય ? શબ્દોના વ્યાકરણના નિર્ણય કરતાં એ ઉણપ અમને નજરે આવ્યા કરી છે. નામનાં લિંગ તથા વિશેષણ અને ક્રિયાવિશેષણનો ભેદ એ આ વિષેનાં આગળપડતાં દૃષ્ટાંતો છે.

        કોશની નવી આવૃત્તિમાં જોડણીના નિયમો જેવા ને તેવા જ રહે છે. એક બે જગાએ ફેરફાર કર્યો છે તેની અહીં નોંધ લેવી જોઈએ. આગલી આવૃત્તિમાં ‘સાંજ’ જોડણી કરેલી. તેનો હવે સાંજ–ઝ એવો વિકલ્પ માન્ય રાખ્યો છે. તેમ જ ઇન્સાફ–ઇનસાફ તથા ઇન્કાર–ઇનકાર એમ વિકલ્પ સ્વીકારવામાં આવ્યા છે. . . .

મહા સુદ ૭, સં. ૧૯૮૭                                     દ. બા. કાલેલકર

તા. ૨૬–૧–’૩૧, સોમવાર

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

આપણા જોડણીકોશની પ્રસ્તાવનાઓ – ૧

[પહેલી આવૃ ત્તિ – ઈ.સ. ૧૯૨૯ ]

કાકાસાહેબ કાલેલકર.

––––––––––––––––––––––––––––

ગુજરાતી ભાષાને બહુજનમાન્ય એવી જોડણી નથી એ વસ્તુ, ગુજરાતીના અનેક ભક્તોની પેઠે ગાંધીજીને પણ હમેશ ખટકતી આવી છે. એમના યરોડાના જેલનિવાસમાં પણ એ વસ્તુનું ચિંતવન ચાલતું હતું, અને ત્યાંથી જ તેમણે સંદેશો મોકલેલો કે, ગુજરાતી ભાષાની આ દુર્દશા દૂર કરવી જ જોઈએ. જેલમાંથી બહાર આવ્યા પછી એમણે ત્રણ જણને એ કામ સોંપ્યું, અને શાસ્ત્રીય શુદ્ધિ અને રૂઢિ બંનેનો સમન્વય સધાય એવી રીતે જોડણીના નિયમોનો સંગ્રહ કરી તે પ્રમાણેનો લોકસુલભ એવો એક જોડણીકોશ તૈયાર કરવો, એમ સૂચવ્યું.

       જોડણી શાસ્ત્રપૂત હોય, બહોળી શિષ્ટ રૂઢિને અનુસરતી હોય, એ બધું જેટલું આવશ્યક છે, તેટલું જ, અથવા તેના કરતાંયે, જેવી હોય તેવી પણ જોડણી બહુજનમાન્ય અને નિશ્ચિત થઈ જાય, એ વધારે આવશ્યક છે. આજે અંગ્રેજી ભાષાની જોડણી બધી રીતે શાસ્ત્રશુદ્ધ છે એમ તો કહેવાય જ નહિ; કેટલીયે બાબતમાં એ ઢંગધડા વગરની છે. પણ તે પ્રજામાં સંગઠન અને તાલીમબદ્ધતા હોવાને લીધે ત્યાં જોડણીમાં અરાજકતા ફેલાવા પામી નથીઃ અંગ્રેજી ભાષાની જોડણી સર્વમાન્ય થઈ ચૂકી છે, તેથી જોડણીની બાબતમાં બધે એકધારું લખાણ જડી આવે છે. એક વાર રાજકતામાંથી વ્યવસ્થા ઉત્પન્ન થઈ ગઈ એટલે પછી સુધારા કરવા જ હોય તો તે કામ પ્રમાણમાં ઘણું સહેલું થઈ જાય છે.

       સુધારાનો પ્રવાહ માન્ય વિકલ્પોની મર્યાદામાં જ વહી શકે છે. વખત જતાં વિકલ્પોમાં અમુક જાતની જોડણી જ વધારે રૂઢ થાય છે અને બીજા વિકલ્પો અવમાન્ય ન હોય તો પણ, વપરાશને અભાવે, કાલગ્રસ્ત થઈ જાય છે અને ખરી પડે છે.

       અરાજકતા અને માન્ય વિકલ્પો વચ્ચે ભેદ કરવો જોઈએ. ભાષાની સંક્રમણાવસ્થામાં વ્યવસ્થા જાળવવી એ અઘરું કામ છે. એવે પ્રસંગે વિકલ્પોને ઓછામાં ઓછા રાખવા કરતાં ભાષા ખમી શકે તેટલા વધારેમાં વધારે રાખવા એ નીતિ અપરિહાર્ય છે. પણ અરાજકતા તો એક ક્ષણને માટે પણ સહન કરવા જેવી વસ્તુ નથી. જેમણે ભાષાની કીમતી સેવા કરી છે અને શાસ્ત્ર, રૂઢિ અથવા લોકમાન્યતાની દૃષ્ટિએ જેમનો પક્ષ સમર્થ છે, તેમને વિકલ્પો દ્વારા બની શકે તેટલી માન્યતા આપવી, એ જ ભાષાવ્યવસ્થાનો એકમાત્ર ઉપાય છે. અને જોડણીના ભિન્ન ભિન્ન પક્ષકારોએ એટલી વાત તો સ્વીકારવી જ જોઈએ કે, અરાજકતા મટી તેને સ્થાને વિકલ્પપ્રચૂર વ્યવસ્થા ભાષામાં ઉત્પન્ન થાય તોયે તે મહત્ત્વની પ્રગતિ જ ગણાવી જોઈએ. અને આવી પ્રગતિ પછી જ કોઈ પણ સુધારાને વધારે અનુકૂળ પરિસ્થિતિ મળે છે. અરાજકતા અને વિકલ્પ વચ્ચેનો ભેદ ધ્યાનમાં આણીને અને અરાજકતા પ્રગતિને અથવા એકે પક્ષને પોષક નથી એમ જોઈને, એક વાર બહુજનમાન્ય એવી જોડણીની વ્યવસ્થા સ્વીકારવામાં બધા અનુકૂળ થાય તો ઇષ્ટ હેતુ સફળ થાય. અને કેટલીક વાર તો વિકલ્પના બંને પ્રકાર હંમેશને માટે ભાષામાં ચાલતા જ રહેવાના છે. દાખલા તરીકે, સંસ્કૃતપ્રચૂર અથવા લલિત શૈલીમાં ‘લ’ અને ‘ળ’ના વિકલ્પ વચ્ચે ‘લ’ને જ વધારે પસંદ કરવામાં આવશે, અને સાદી તળપદી ભાષામાં ‘લ’ને બદલે ‘ળ’ વાપરવા તરફ લોકો ઢળશે.

       ગાંધીજીએ નીમેલી ત્રણ જણની સમિતિએ, જોડણીની બાબતમાં પૂર્વે થયેલી બધી ચર્ચા ધ્યાનમાં લઈ, ચોથી સાહિત્ય પરિષદની જોડણીસમિતિના ઠરાવને આધારરૂપ ગણી, શિષ્ટ અને લોકમાન્ય એવા સાક્ષરોની રૂઢિ તપાસી કેટલાક નિયમો તારવી કાઢ્યા, અને એ વિષયોમાં અધિકાર અથવા રસ ધરાવતા લોકો પર તે મોકલી તેમનો અભિપ્રાય પૂછ્યો. તે નિયમો તારવવામાં તેમણે નીચેનો ઉદ્દેશ ખાસ ધ્યાનમાં રાખ્યો હતોઃ

       શિષ્ટ રૂઢિમાં બહુ ફેરફાર કરવો ન પડે, નિયમો સહેલાઈથી સર્વમાન્ય થઈ જાય, અને લખવા અને છાપવામાં લેખકો અને મુદ્રકોને અગવડ ઓછી પડે, છાપેલો લેખ આંખને ગમે, અને અક્ષરની ઓળખ ટૂંક વખતમાં સર્વત્ર ફેલાય એટલા માટે, અને નવા વાંચતાં શીખનારને સગવડ થાય એ ઉદ્દેશ રાખીને આપણા નિયમ ઘડવા જોઈએ, એમ સૌ કોઈ સ્વીકારશે જ. જોડણીમાં વ્યુત્પત્તિનો ઇતિહાસ સાચવવાનું બને તો તે પણ ઇષ્ટ જ છે, એ વિષે પણ મતભેદ ન જ હોઈ શકે.

          એક વરસના વિચારવિનિમયને પરિણામે વાતાવરણ બહુ જ અનુકૂળ દેખાયું અને ઘણા લોકોની સામાન્ય સંમતિ એ નિયમો માટે મળી. ઘણા ભાઈઓએ કીમતી સૂચનાઓ કરી હતી અને વિકલ્પો સૂચવ્યા હતા. એ બધાનો યથા શક્ય સંગ્રહ કરી સમિતિએ બીજી પત્રિકા બહાર પાડી અને સર્વમાન્ય થઈ શકે એવા નિયમો પ્રસિદ્ધ કર્યા. આ નિયમો ઘડવામાં દી. બ. કેશવલાલ ધ્રુવ તેમ જ સ્વ. સર રમણભાઈ તરફથી કીમતી મદદ અને સહાનુભૂતિ મળ્યાં હતાં.

       એ જ અરસામાં વિદ્યાપીઠે નીચેના ગૃહસ્થોની એક જોડણી સમિતિ નીમીઃ શ્રી. રામનારાયણ પાઠક, શ્રી. છોટાલાલ પુરાણી, શ્રી. કાલીદાસ દવે, શ્રી. નરહરિ પરીખ. એ સમિતિએ ગાંધીજીની સમિતિના નિયમો સ્વીકારી લીધા, એટલે ગાંધીજીએ વિદ્યાપીઠ મારફતે જ જોડણીકોશ તૈયાર થઈ જાય એમ સૂચવ્યું; અને વિદ્યાપીઠે જોઈતાં નાણાંની સગવડ કરી શ્રી. નરહરિ પરીખને એ કામની વ્યવસ્થા સોંપી. રેલસંકટના કામમાં નરહરિભાઈને રોકાવું ન પડત તો શરૂ થયેલું આ કામ વચમાં ન અટકત. અનુભવ ઉપરથી નક્કી થયું કે, આ કામ બીનઅટકાવ ચલાવવું હોય તો જેને માથે બીજી કશી જવાબદારી નથી એવા માણસની સેવા આ કામમાં લેવી જ જોઈએ. એટલે ભાઈ ચંદ્રશંકર શુક્લ ઉપરાંત શ્રી. વિશ્વનાથ મગનલાલ ભટ્ટને રોક્યા.

       જોડણી નક્કી કરવાની સાથે, પ્રચલિત કોશોમાં નથી અને છતાં પ્રાચીનકાળથી અથવા હાલની જાગૃતિને પરિણામે જે શબ્દો વપરાય છે, એવા શબ્દોનો સંગ્રહ કરવો પણ આવશ્યક હતો. આ કામમાં કેટલાક મિત્રોએ કીમતી મદદ કરી છે. આ રીતે આધુનિક ગ્રંથકારોએ ભાષામાં દાખલ કરેલા સંખ્યાબંધ શબ્દો આ કોશમાં પહેલવહેલા દાખલ થયા છે. શબ્દોની જોડણી સાથે દરેક શબ્દના મુખ્ય મુખ્ય અર્થો પણ આપવા અને બની શકે તો વ્યુત્પત્તિ પણ આપવી એવો વિચાર પ્રથમ હતો; પણ વ્યુત્પત્તિ એ મહત્ત્વનું અને નવું ક્ષેત્ર છે, અને અર્થો અને વ્યાખ્યાઓ પ્રમાણ ગણાય એવી રીતે આપવામાં ઘણો વખત જાય એમ હતું. એ બંનેને પહોંચી વળતાં ઘણો વખત જશે એમ જોઈને અને ગાંધીજીની ખાસ સૂચનાથી મૂળ વિચાર ફેરવ્યો, અને ફક્ત જોડણી નક્કી કરીને જ કામ જલદી પતાવવું એમ ઠરાવ્યું. આમ કરવાથી પુસ્તકનું કદ નાનું થયું, કિંમત પણ ઓછી થઈ, અને એક જ ભાગમાં આખો શબ્દસંગ્રહ આવ્યો. જોડણીકોશનો મુખ્ય ઉપયોગ તો સંશય વખતે ઝટ એની મદદ લઈ જોડણીનો નિર્ણય કરી શકાય એ છે. લેખકો, વિદ્યાર્થીઓ, અને ખાસ કરીને મુદ્રણાલયો અને પ્રકાશન મંદિરોના મેજ ઉપર એવી એક ચોપડી પડી હોય, તો તેમની હંમેશની મૂંઝવણ દૂર થાય છે.

જો નિરપવાદ નિયમ કરીને જ બધું કામ સરી શકે એમ હોત, તો જોડણીકોશ તૈયાર કરવાની આટલી બધી આવશ્યકતા અને ઉતાવળ ન પણ રહેત. પણ નિયમ નક્કી કર્યા છતાં રૂઢિ અને પરસ્પર વિરોધી એવા લાગતા નિયમોના બલાબલનો વિચાર દરેક શબ્દ વખતા કરવો પડે છે, અને તેથી દરેક શબ્દનો નિયમોની દૃષ્ટિએ સ્વતંત્ર રીતે વિચાર કરી જોડણી નક્કી કરવી પડે છે. ભાષા વાપરનાર દરેક વ્યક્તિ દરેક પ્રસંગે આવી પરીક્ષા ન કરી શકે અને દર વખતે એક જ નિર્ણય ઉપર પણ ન આવી શકે, એટલા માટે કોશની સગવડ આપવી પડે છે. એ જ કારણે, કોશ તૈયાર કરતી વખતે પણ, નક્કી કરેલા નિયમોમાં અમુક વધારા અને અમુક ફેરફાર કરવા પડ્યા છે. આવા ફેરફારો અનેક તત્ત્વો ધ્યાનમાં રાખીને કરવાના હોવાથી એક જ માણસની મુનસફી ઉપર આધાર ન રખાય. પણ જેમને શાસ્ત્ર, રૂઢિ અને શિષ્ટ લેખકોનું વલણ આ ત્રણેનો ઠીક ઠીક પરિચય છે એવા એક કરતાં વધારે નિરાગ્રહી લોકોની મદદ મેળવી શકાય તેટલી મેળવવી જોઈએ એમ સમજી, છેલ્લી જોડણી નક્કી કરતી વખતે શ્રી. મહાદેવભાઈ, શ્રી. રામનારાયણભાઈ અને શ્રી. નરહરિભાઈ બારડોલીના કામને અંગે એકત્ર રહ્યા હતા, એનો લાભ લીધો છે.

       જોડણીકોશમાં ગુજરાતી ભાષાના બધા જ શબ્દો આવી જવા જોઈએ એ વાત સ્પષ્ટ છે. પણ એમ કરતાં કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લેવાના હતા. કોશનો અધિકાર ભાષામાં ચાલુ થયેલા અથવા માન્ય લેખકોએ વાપરેલા શબ્દોનો જ સંગ્રહ કરવાનો છે. સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓના કુટુંબમાંની જ ગુજરાતી પણ હોવાથી એ ભાષાઓમાંથી ગમે તેટલા શબ્દો ગુજરાતી ભાષા લઈ શકે છે; પણ તેટલા ખાતર એ ભાષાઓમાંથી લેવા લાયક બધા શબ્દો કોશમાં દાખલ કરીએ તો શબ્દસંખ્યા વધે, પણ એ ગુજરાતી ભાષાકોશ ન ગણાય. જેટલા શબ્દો ગુજરાતી ભાષામાં વપરાયા હોય અને ભળ્યા હોય તેટલાને જ ગુજરાતી શબ્દકોશમાં સ્થાન હોઈ શકે છે.

       સામાન્ય શબ્દોને પ્રત્યયો લગાડી જેટલા શબ્દો થઈ શકે છે તે બધા આપવા એ પણ કોશકારનું કામ નથી. અને જોડણીકોશની દૃષ્ટિએ તો, મુખ્ય શબ્દ આપ્યા પછી, જોડણીમાં ફેરફાર ન થતો હોય તો, પ્રત્યયસાધિત શબ્દો રૂઢ હોય તો પણ આપવાનું પ્રયોજન, ખરું જોતાં, નથી. છતાં શરૂઆતમાં એવા શબ્દો આપીને પણ કોશ વાપરનારનું કામ સહેલું કરી આપવું આવશ્યક જણાવાથી પ્રત્યયસાધિત રૂપો આપ્યાં છે. આગળ ઉપર જોડણીકોશમાંથી એવા શબ્દોને બાતલ કરવા જોઈશે.

          જોડણીનો વિચાર કરતી વખતે હશ્રુતિ અને યશ્રુતિ જોડણીમાં વ્યક્ત થવી જોઈએ એ શ્રી. નરસિંહરાવનો આગ્રહ ધ્યાનમાં આવ્યા વગર રહેતો નથી. તેઓ કહે છે કે, ગુજરાતી ભાષાના સ્વભાવમાં એ વસ્તુઓ છે અને જૂના લોકો એ બંને શ્રુતિઓ લખવામાં વ્યક્ત કરતા પણ હતા. સરકારી કેળવણી ખાતાએ મનસ્વીપણે એનો છેદ ઉડાડ્યો અને લોકોએ જડતાથી અત્યાર સુધી એ જોહુકમીને ટેકો આપ્યો છે.

       એમની એ વાત અત્યાર સુધી લોકોએ ધ્યાન ઉપર નથી લીધી એ બરાબર નથી થયું. પણ આટલા દિવસના અનુભવ પછી જરૂર કહી શકાય કે, જે ફેરફાર થઈ ગયો છે; ‘હ’ અને ‘ય’નું જોડણીમાં ફરી સ્થાન સર્વમાન્ય થવું એ લગભગ અશક્ય છે. પણ એનું મુખ્ય કારણ એ નથી કે, લોકોને એ બે શ્રુતિઓ સામે વાંધો છે. પણ જનસ્વભાવ લખવા વાંચવામાં અને છાપખાનાંવાળાઓ બીબાં ગોઠવવામાં જોડાક્ષરો વધે એ પસંદ નથી કરતા. જો હશ્રુતિ અને યશ્રુતિ વ્યક્ત કરવાનો કોઈ સહેલો ઉપાય લિપિસુધારાને અંગે થાય તો શ્રી. નરસિંહરાવના પ્રયત્નને અત્યાર સુધી નથી મળ્યો એવો ટેકો જરૂર મળશે.

       કેટલાક શબ્દો સારા લેખકોએ અથવા કવિઓએ વાપરેલા હોવા છતાં, વપરાશમાં કાં તો આવ્યા નથી અથવા રહ્યા નથી. તેવા કાલગ્રસ્ત શબ્દોનો અર્થ કરવો પણ કોક કોક વાર મુશ્કેલ થઈ જાય છે. એવા શબ્દો નજીકના ભવિષ્યમાં કોઈ વાપરે એવો સંભવ પણ નથી હોતો. એવા શબ્દોની જોડણી નક્કી કરી આપવાનું ખાસ પ્રયોજન નથી. છતાં અર્થકોશમાં તે કામ આવે તેમ જાણી તેમને આ કોશમાં સ્થાન આપી + નિશાનીથી જુદા પાડ્યા છે….

       જે કોશોમાંથી અમે શબ્દસંગ્રહ પ્રથમ ભેગો કર્યો, તે કોશોના કર્તાઓનો અને પ્રસિદ્ધકર્તાઓનો અહીં આભાર માનીએ છીએ. શ્રી. લલ્લુભાઈ ગોકળદાસ, શ્રી. જીવણલાલ અમરશી, શ્રી. ભાનુસુખરામ અને ભરતરામ, એમના કોશો તથા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ફારસી–અરબી કોશ, એ ગ્રંથોનો અમે વિશેષ ઉપયોગ કર્યો છે. આપટેના સંસ્કૃત કોશ વગર કોઈ ચલાવતું જ નથી. બીજા પણ કેટલાક કોશો અમે વાપર્યા છે. પ્રચલિત સાહિત્યમાંથી શબ્દો કાઢી આપવામાં ગોંડલના ભાઈ ચંદુલાલ પટેલ, રાજકોટના કવિ ત્રિભુવન વ્યાસ ઇ૦ મિત્રોએ કરેલી મદદની અહીં નોંધ લેવી ઘટે છે…જોડણીના નિયમો નક્કી થયા, આવેલી બધી સૂચનાઓનો વિચાર થયો, અને શબ્દોનો સંગ્રહ પણ બની શકે તેટલો સંપૂર્ણ કર્યો; પણ મુખ્ય કામ એ નિયમો અને સૂચનાઓને અનુસરીને એ બધા શબ્દો એકધારી રીતે અને અકારાદિ ક્રમ પ્રમાણે લખવાના એ તો રહી જ ગયું હતું. નરહરિભાઈએ એ કામ કેટલુંક કર્યું હતું, પણ વિશ્વનાથભાઈની મદદ ન મળી હોત તો કોશ આટલો જલદી પૂરો ન થાત. એમણે નિયમિતતાથી અને શાસ્ત્રીય રસથી કામ કરી આપ્યું એને માટે તેઓ ખાસ ધન્યવાદને પાત્ર છે….

       ગુજરાતી જોડણી વિષે ચર્ચા, કંઈ નહિ તો ૬૦ વરસથી ચાલતી આવી છે. જેમણે એ બાબતમાં લખ્યું છે તેમનાં નામ સહુ કોઈ જાણે છે.પણ જેમણે ખાનગીમાં ચર્ચા કરી હોય, બીજાઓને પ્રેરણા આપી હોય, અને નિર્ણય આણવામાં મદદ કરી હોય, એવા જ્ઞાત ભાષારસિકો અને શિક્ષકો તો ઘણા હશે. એવા બધાના સંકલ્પોમાંથી જ જોડણીકોશ આખરે પેદા થાય છે. કેળવણી ખાતાએ જોડણીના કાંઈક નિયમો તૈયાર કરી એ પ્રમાણે પાઠ્યપુસ્તકો છપાવ્યાં એ જ વખતે જો આ વિષયોનો સર્વાંગી વિચાર થયો હોત, તો અત્યારે જોડણીનો સવાલ જ ઊભો ન થયો હોત. પણ તેમ ન બન્યું. તેથી વિદ્વાનોમાં અસંતોષ ફેલાયો અને જોડણીની ચર્ચા શરૂ થઈ. સ્વ. કવિ નર્મદાશંકરથી માંડીને અત્યાર સુધી જે લેખકોએ જોડણીની ચર્ચા કરી છેએમની સંખ્યા નાનીસૂની નથી. સ્વ. નવલરામ, સ્વ. કમળાશંકર, સ્વ. ગોવર્ધનરામ વગેરે વિદ્વાનોએ જોડણીમાં વ્યવસ્થા આણવાના પ્રયત્નો કર્યા છે. દી.બ. કેશવલાલ ધ્રુવ, શ્રી. નરસિંહરાવ ભોળાનાથ, શ્રી. આનંદશંકર ધ્રુવ વગેરે વિદ્યમાન વિદ્વાનોએ પણ આ વિષય ઉદ્દીપિત કર્યો છે. એ બધાની મહેનત અમારી આગળ હતી, તેથી જ અમે જોડણીના નિયમો સહેલાઈથી નક્કી કરી શક્યા. . . .એટલે અમારી આ પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ લેનાર સઘળા ભાઈઓનો અમે આભાર માનીએ છીએ….

ફાગણ વદ ૭, સોમવાર,                                   

સં. ૧૯૮૫                                                                  દ.બા. કાલેલકર

અક્ષરાંકનઃ જુગલકીશોર.