શ્રી મેઘાણીનાં લખાણોમાંથી કેટલુંક

વીસરાતી, સચવાતી બોલીઓ. – શ્રી મેઘાણીનાં લખાણોના સંદર્ભે.

લોકસાહીત્યમાં જાણીતાં ગીતો ચારણો દ્વારા અને રાસ–ગરબા વગેરે દ્વારા સચવાયાં છે. આમાં લોકગીતો તો કંઠોપકંઠ ગવાતાં રહ્યાં, એનું એક મુખ્ય કારણ એ હતું કે લોકહૃદયની ઉર્મીઓને આ ગીતોમાં ઘેરા ભાવથી ગુંથવામાં આવી છે. ચારણી સાહીત્ય મોટે ભાગે રાજ દરબારોમાં વ્યક્તીગત પ્રશસ્તીઓમાં જ રચાયું, ગવાયું ને સચવાયું છે. ચારણો તો વળી સ્ત્રી ગીતો પ્રત્યે સુગ પણ ધરાવતા હોવાથી એનો પ્રચાર તેમણે બહુ ઓછો કર્યો.

શ્રી મેઘાણી એમનાં સંશોધનાત્મક લખાણોમાં આ બધી વાતો ભાવપુર્વક યાદ કરે છે. ‘લોકસાહિત્ય ભાગ – ૧માં તેઓ લખે છે –

“આ સિવાય લોકહૃદયના હર્ષ–આક્રંદના સૂર આ ધંધાર્થી ગાયકોના વાજિંત્રના તારે ઝાઝા ચડ્યા નથી. પછી તો વૃત્તિ ખુશામદમાં વળી અને કાવ્ય–શક્તિ અનુકરણમાં જ ગબડી પડી. એનાં એ વર્ણનો, ભાડે લીધેલાં વસ્ત્રાભૂષણોની માફક હરકોઈ દાતારને વિભૂષિત કરવામાં રોકાયાં છે. છતાં કોઈ કોઈ જળપ્રલય, ભયાનક આગ, એની ભીષણ હોનારત જોતાં તે ધંધાદારીઓની હૃદયવીણાના કોમળ તાર પણ કમ્પી ઊઠ્યા છે, અને તેમાંથી વારંવાર

‘કાસમ  તારી  વીજળી

રે મધ દરિયે વેરણ થઈ !’

એવી નૈસર્ગિક ગીતકથાઓ નીસરી પડી છે. એવે સમયે તો એ ભટકતો અને પ્રશસ્તિઓ વેચતો જાચક પણ લોકસમુદાયની થડોથડ આવી લોક–લાગણીના પડછંદા ઝીલી શકતો. છતાં એ ‘વીજળી’ (નૌકાની જલ–સમાધિના ગીત)ને ‘બાર બાર વરસે નાવણી ગળાવી’ એ ગીત સાથે મૂકી જુઓ, એટલે ધંધાદારી ગાયકની તથા ઊર્મિપ્રધાન લોક–કવિની કાવ્ય–રચના વચ્ચેનો તફાવત સમજાઈ જશે. કેમકે ‘બાર બાર વરસે’નો જન્મ થયો છે સ્ત્રીજનોની રાસ–રમતની કોઈ અજવાળી અધરાત્રિએ, સંયુક્ત સામુદાયિક ઊર્મિને નૃત્યમાં અપનાવવા કાજે; અને ‘વીજળી’નું સર્જન થયું છે જનમનરંજનની ઈચ્છાથી રાવણહથ્થાના તાર ઉપર.+++રોટલાના અક્કેક બટકાની આશા કરતો નાથબાવો બેશક, ઊંબરે ઊંબરે જતો હોવાથી ગોપીચંદ જેવાં ઉત્કૃષ્ટ લોકગીતો ગાતો થયો છે. પરંતુ એ ગીતોને પોતે પોતાના જ કોઈ અમુક પૂર્વજની રચના તરીકે નથી લાવતો. એ તો લોકસમુદાયમાંથી સાંભળીને લોક–પ્રીતિ અર્થે કંઠસ્થ કરી લે છે.  કોઈ ધંધાદારી જાચકવર્ગ તો આપણી ગીત–કથાઓનો મોટે ભાગે સર્જક નથી તે સ્પષ્ટ દેખાય છે. છતાં ‘વીજળી’ ઈત્યાદિના સર્જનહારોનો વારસદાર, જો લોકજીવનમાં પોષણ પામ્યો હોત તો નૈસર્ગિક લોક–કવિઓની પરંપરા ન લોપાઈ હોત એ ચોક્કસ વાત છે.

શ્રી મેઘાણી આ પછી કેટલોક અહેવાલ જે આપે છે એમાં ભારતીય લોકસાહીત્યમાં અને ખાસ કરીને ગુજરાતી લોકસાહીત્યમાં જે જોવા મળે છે તેને વીગતવાર જોવાનુંય રસ પડે એવું છે ! પશ્ચીમમાં તો લોકસાહીત્ય અંગે ઘણું સંશોધન થયું છે. લોકગીતો અંગે એ લોકોએ જે જાણ્યું અને તેને આધારે જે કામ થયું તેની સરખામણી કરતી વાતો પણ આજે વાંચવાનું યોગ્ય લેખાશે. લખે છે,

“…આવી અનેક અટકળોના વણઊકલ્યા કોયડા પાશ્ચાત્ય લોકગીતના રસિકોને અકળાવી રહેલ છે. (આ લખાણ ૧૯૩૯ની આવૃત્તિમાંથી લેવાયું છે)અને એનાં અવતરણો આ સ્થળે આપવામાં એટલું જ બતાવવાનો આશય છે, કે તેઓએ તમામે પોતાનાં લોકગીતોને “They are genuine poetry, peculiar poetry and sincere poetry” રૂપે સ્વીકારીને તે પર ગંભીર લક્ષ આપ્યું છે. ‘માનવ જાતિ પારણામાં હીંચકતી હતી તે યુગ સુધી પણ મહાન સંગ્રાહક પ્રો. ચાઈલ્ડે બૅલેડોના ઉદયસ્થાનની શોધમાં પોતાની વિવેચન–જ્યોતને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને પ્રાચીન બૅલેડોના આટલા પરિશીલનમાંથી તો બ્રીટનની પ્રજાએ સ્કૉટ, કોલરીજ ને કીપ્લીંગ સરખા કવિઓનાં અર્વાચીન બૅલેડોનાં કાવ્ય–રત્નો પ્રાપ્ત કર્યાં; પ્રાચીન ગીતકથાઓનું સમગ્ર બલ ખેંચી લેવાયું, એની ન્યૂનતાઓ ત્યજી દેવાઈ, અને વિધવિધ ઘટનાઓને નવા યુગની ભાવનાથી રંગીને એ બૅલેડ–શૈલીએ વહેતી કરવામાં આવી. આંગ્લ કવિતા એ બધાં કાવ્ય–રત્નો બદલ અસલી લોક–ગીતોની ઓશિંગણ રહેશે.”

જોકે આરંભમાં તો ત્યાંય લોકસાહીત્યને રાજદરબારમાં પ્રવેશ મળતો નહોતો. પરંતુ લોકજાગૃતી બહુ મોટી વાત હોય છે ને ! એમની કને સારુંનરસું પારખવાની આગવી દૃષ્ટી હોય જ છે. રાજદરબારોની આણ પણ લોકહૈયાને વીંધી શકતી નથી. શ્રી મેઘાણી જણાવે છે કે ત્યાં પણ રાજદરબારની આણ તોડીને જે બહાર પ્રગટ થયું તેને લોકોએ અને ખાસ તો સાહીત્યકારોએ ઉત્સાહભેર અને તાકાતથી અપનાવ્યું હતું. એનો આરંભ કરવાની હીંમત કરનારને કલ્પનાય નહોતી એવો પ્રતીસાદ સાંપડતાં જ લોકસાહીત્યનું મુલ્ય અંકાયું. લખે છે –

“પશ્ચિમમાં પણ આ બૅલેડોને સાહિત્યના રાજદરબારમાં દાખલ થવાની મનાઈ હતી. એલીઝાબેથના સુવર્ણ–યુગમાં તો આ લોકગીતો ઉઘાડાછોગ તિરસ્કારને પાત્ર થતાં, અને એનાં ગાનાર લોકવૃંદ પણ પોતાનાં ગીતોને ‘સાહિત્ય’ શબ્દ લગાડવાનો સ્વપ્નેય ખ્યાલ કરતાં નહોતાં.”

છેવટે એક ભાયડો નીકળ્યો. ઈ.સ. ૧૭૬૫માં બીશપ પર્સી નામના એ જણે જોકે “ડરતાં ડરતાં, ક્ષમા માગતાં માગતાં”  જનસામાન્યને કંઠે રમતાં ગીતોને કાગળ ઉપર લખીને સૌ કોઈને સોંપ્યાં. આ સાહીત્યકાર આપણા મેઘાણીભાઈ જેવો જ હશે, એણે એક ગીત કોઈ ગામડાના એક આદમીને ઘેરથી કાગળના ઢગલામાંથી ખેંચી કાઢ્યું હતું ! ને એ ઢગલો, જોયું તો ઘરની કામવાળી બાઈ રોજ ચુલો પેટાવવા માટે બાળતી હતી !!

ભાઈ પર્સીના એ સંગ્રહનું નામ Reliques હતું. એમાં એણે બધું મીશ્રણ કરીને લોકગીતોની સાથે સાથે કવીઓનાં નામવાળાં ગીતોય સંઘર્યાં હતા. કારણ કે એનો આશય વીવેચનનો કે સંશોધનનો નહોતો પણ સંગ્રહનો હતો, પ્રચારનો ને પ્રસારનો હતો. આ પ્રયત્નનું જે પરીણામ આવ્યું એ અદ્ ભુત હતું. શ્રી મેઘાણી આગળ નોંધે છે,

“એના પુસ્તકને તાત્કાલિક જ વિજય મળ્યો. પોતે પોતાની કલ્પનામાં કદી ન દીઠેલો એવો મહાન વિજય એને વર્યો. ફક્ત લોકોમાં જ એનો પ્રચાર ન થયો, એના પુસ્તકે તો જર્મનીનો કૌતુકપ્રિય યુગ –German Romantic movement– સર્જવામાં મોટી સહાય દીધી અને ‘અર્વાચીન બૅલેડ’ની કલાનું આગમન પોકાર્યું.”

એની સામે આપણે ત્યાં શું થયું એના ઉંડાણમાં જવા કરતાં એક જ દાખલો આપીને અટકીશું. ડિંગળથી જાણીતી એક બોલી અને તેનું સાહીત્ય આપણે ત્યાં બહુ પ્રચલીત અને માનીતું હતું. ચારણી વાણીનું આ સાહીત્ય જ નહીં, એ બોલીનેય આપણે ભુલી ગયા છીએ. એ બોલી પોતાની કેટલીક નબળાઈઓથી પણ વીસરાઈ હોવાનું શ્રી મેઘાણી લખે છે –

“પાંડિત્યદૃષ્ટિએ ચાહે તેટલી સંપત્તિવાન સાહિત્ય–વાણી પણ સાધારણ બોલચાલની ભાષાથી વેગળી પડી જતાં જે દશાને પામે છે તે જ દશા ચારણી વાણીના આ વિભાગ પર બેઠી. તેમની પણ પંડિતાઈ થોડાં રાજરજવાડામાં સ્પર્ધાની ને અહોભાવની વસ્તુ બની, તે પછી તો રજવાડામાં પણ ન પોસાતાં ચારણોના ચોપડા વગેરે હસ્તપ્રતોમાં ડિંગળ ઉધઈ ખાતી બની. આજે એ હજારો કૃતિઓનો કાંકરો જ નીકળી ગયો છે+++તેમ આજનો પંડિત સમાજ એની ઉપેક્ષા કરતો બન્યો. તેનું બીજે છેડે એ કારણ છે કે આપણા પાંડિત્યનું ભાષાજ્ઞાન ટૂંકભંડોળિયું બન્યું હોઈ તેમને દુર્બોધ લાગતી ઘણી વસ્તુઓને તેઓ નકામી અથવા ગમાર ગણે છે.” (ચારણો અને ચારણી સાહિત્ય  પૃ. ૪૯–૫૦)

તરવરીઆ તોખાર, હૈયું ન ફાટ્યુ હંસલા;

મરતાં રાખેંગાર, ગામતરાં ગુજરાતનાં.

રે સાબર શીંગાળ અમેય શીંગાળાં હતાં;

મરતાં રાખેંગાર, ભવનાં ભીલાં થઈ રહ્યાં.

બાળું પાટણ દેશ, જિસે પટોળાં નીપજે,

વારૂં સોટઠ દેશ, લાખેણી મળે લોબડી.

સ્વામી ઉઠો સેન લૈ, ખડગ ધરો ખેંગાર,

છત્રપતિએ છાઈઓ, ગઢ જૂનો ગિરનાર.

રાણક દેવી રા’ખેંગારના આ સાદા સીધા દુહાઓ આપણા વીદ્વાન વીવેચક નરસિહરાવને સમજાયા નહીં !! એમણે મનોમુકુર ભાગ ૨ માં લખ્યું,

“‘ગામતરાં’ શબ્દનો અર્થ પ્રકાશકોએ કોશમાં કે ટીકામાં બતાવ્યો જણાતો નથી. ‘તરવરિયા = તેજ, પાણીદાર હશે ?’ ‘હંસલો = ઘોડાનું વિશેષ નામ હશે ?’ ‘ભવનાં ભીલ’નો શો અર્થ હશે ?’ ‘છાઈઓ = ઘેર્યો એમ હું ધારું છું….’

શ્રી મેઘાણી આ અંગે લખે છે, “આ વિવરણ બતાવી આપે છે કે સામાન્ય ઘરગથ્થુ બોલીના શબ્દોથી પણ આપણે વેગળા પડી ગયા હતા. અને એના અર્થો બેસારવામાં દ્રાવીડી પ્રણામ કરીને પણ સાચી સમજ પર આવનારા સ્વ. જેવા સમર્થ વૈયાકરણો પણ આપણી પાસે નહોતા,..આ દુહાની વાણી તો જૂની ક્લિષ્ટ ડિંગળ પણ નથી, હળવી અને પ્રચલિત છે….

“આમ બેઉ પક્ષે– ચારણપક્ષે તેમજ આધુનિકોને પક્ષે – જે સામાન્ય બોલચાલની ભાષાથી વેગળાપણાનો ગંભીર દોષ થયો, તેના પરિણામે સાહિત્યને મોટી ક્ષતિ પહોંચી.” (ચારણો અને ચારણી સાહિત્ય પૃ. ૫૧–૫૨)

આજે ગુજરાતની બોલીઓ જે તે પ્રદેશના લોકોમાં થોડી ઘણી સચવાઈ છે ને ખાસ તો એ બોલી માટેના શબ્દકોશોમાં જ તે સચવાઈ છે. આજે તો આપણે અંગ્રેજીના પાટા બાંધીને એવા તો અંધ બની ગયાં છીએ, કે સરળ અને સહેલું ગુજરાતી સ્વીકારવા તૈયાર નથી. સંસ્કૃતપ્રચુર ગુજરાતીભાષાના પંડીતોએ પાયેલા ડોઝના નશામાં લોકબોલી, લોકો માટેની બોલી કે એમને માટેનાં ભાષા કે સાહીત્યથી આપણે જાણે અભડાઈએ છીએ.

મેઘાણીજયંતી નીમીત્તે આજે આટલું.

Advertisements

1000 વરસ પહેલાંનો ગુજરાતી વૈભવ !

 —કનુભાઈ જાની ( માધવ ગોર )
 હેમચન્દ્રાચાર્ય એક પ્રખર પંડીત. પણ લોકવૅણનાય પારખુ ! વ્યાકરણ જેવા વીષયમાં દુહાઓ આપે !! પોતે વીરક્ત અને અહીંસાધારી સાધુ છતાં પ્રેમશૌર્યના દુહાઓ લોકસાહીત્યમાંથી વીણી વીણીને સમાજને  બતાવે ! પોતે જૈનાચાર્ય છતાં શીવસ્તોત્ર રચે ! હજી એક વધુ આશ્ચર્ય : વીતરાગીઓનાં ચરીત્રો આપતાં આપતાં, તત્કાલીન લગ્ન-રીવાજો ને લગ્નગીતો-ફટાણાં ચખાડે ! એમના ‘ત્રીશષ્ઠી-શલાકા-પુરુષ-ચરીત્ર’ નામે ત્રેસઠ વીતરાગોના મહાભારત જેવા મહાચરીત્રગ્રંથના એક પ્રખર અભ્યાસી, વડોદરાના ‘ઓરીએન્ટલ ઈન્સ્ટીટ્યુટ’ના ભુતપુર્વ નીયામક પ્રો. જયન્ત પ્રે. ઠાકરે આ બાબતે ધ્યાન દોર્યું છે. એમને મતે ‘ત્રીષ્ટી…’ એ હેમાચાર્યની શ્રેષ્ઠ કૃતી. ( જુઓ ‘હેમચન્દ્રાચાર્ય’, પરીષદ પ્રકાશન, 1989; પૃ.41. ) એ કૃતીમાં તત્કાલીન સમાજનાં ઘણાં ચીત્રો, વર્ણનો, પ્રસંગો વ. છે. એમાં લગ્નવર્ણન-સંદર્ભે કેટલાંક ફટાણાં છે. મુળતો ત્યારની જુની ગુજરાતીમાં જ હશે, તે અહીં સંસ્કૃત પદ્યરુપે અપાયાં છે. એવા ચાર સંસ્કૃત શ્લોકો જે ઠાકર સાહેબે આપ્યા છે તે (એમના ઋણ સાથે )અહીં ઉતારું છું. એ ચારેય શ્લોકની છેલ્લી પંક્તી એકસમાન છે તેની નોંધ લેવી. મુળમાં એ ધ્રુવપંક્તી હશે. અહીં એ ધ્રુવપંક્તીમાં અણવરની ઠેકડી છે, કે તું ‘લ્યા, જાણે ખાલી ડોજરે-ભુખ્યે પેટે-આવ્યો હો એમ તારું મન તો ( સંસ્કૃત સુભાષીતમાં આવે છે ને ‘ઈતરે જના:’  એમ ) ભોજનમાં જ લાગેલું છે !

 

રુપક માણવા જેવું છે. હાલ ગવાતું એક ફટાણું યાદ આવે છે. એમાં પણ જાનૈયાંની એવી જ ઠેકડી છે : એની પેટની ‘ગાગરડી’  સાવ ‘કોરી’ કટ છે તોય ભાઈસા’બ ધરાયેલા હોવાનો ડોળ કરતા, વટ મારતા, મોંમાં સોપારીનો કટકો રાખે છે !( જાનમાં વૃદ્ધો સુડીથી ઝીણી કતરણ કરવે પાવરધા હતા; તો જુવાનો દાંતે મજબુત તેથી સોપારીના કટકાના કડુકા બોલાવતા ફરતા ! તેમાંય અણવર પાસે એક રુપાળો ખલતો હોય; એમાં લવીંગ-સોપારી-તજ વ. હોય. એની એ પણ મહત્તા ! ) હાલના ફટાણા  સાથે હેમાચાર્યે આપેલ શ્લોકો મ્હાણી શકાય એ ખાતર આજનું ફટાણું પહેલાં અહીં મુક્યું છે. પણ બંન્નેને સરખાવતાં આવાં ફટાણાંનો રીવાજ હજારેક વરસ જુનો તો છે જ, એની આ બોલતી સાબીતી. જુઓ, બે શબ્દોમાં એક ચીત્ર, ને પછીના બેમાં બીજું ચીત્ર. આમ માત્ર બે બે શબ્દલસરકે ધ્વન્યાત્મક વ્યંગચીત્ર આલેખવાની, કોઈ સીદ્ધહસ્ત આર.કે.લક્ષ્મણ કે ઉન્નીની જેમ, કળા દુહાકારમાં ને જુનાં લોકગીતોમાં હતી. ( અખા-માંડણ જેવામાંય તે !–યાદ કરો : ‘આંધળો સસરો ‘ એક ચીત્ર,  ‘શણગટ વહુ’  બીજું ચીત્ર પહેલાની બાજુમાં પડતાં જ એક મઝેદાર વ્યંગચીત્ર ખડું ! ) લોકકહેણીની આ ફાવટ. ક્યારેક ફટાણાંમાંયતે. જુઓ, આજે ગવાતું ફટાણું : ( અણવરને સ્થાને જાનની કોઈપણ વ્યક્તીનું નામ પણ મુકી શકાય ! આવી નામપુરકતા એ લગનગીતોની માત્ર મજા જ નહીં, લાગણીપુરકતા પણ હતી !)

                                                 કોરી ગાગરડીમાં સોપારીનો કટકો !

                                                 પારકે માંડવડે અણવર,

                                                                             આવડો શો મટકો !

                                                 વીવા વીતશે, કાઢી મેલશે,

                                                                            પછી ચડશે ચટકો ! 

આવું જ રુપક, પણ સહેજ ફેરે. હજારેક વર્ષમાં ફેર તો થાય જ ને ! ખાલી ‘ડોજર’ ભરવા તરફ એનો (જાનૈયાનો) ડોળો છે. ચારે શ્લોકમાં છેલ્લે પ્રશ્ન : ‘લ્યા, તારું મન શેમાં છે ? ને, અહીં પણ બેબ્બે શબ્દરેખે એક એક ચીત્ર ! પહેલાં હેમશ્લોકો, પછી થોડો મુક્ત પદ્યાનુવાદ : (અનુકુળતાખાતર લીપી ગુજરાતી રાખી છે, પણ મુળ સંસ્કૃત એ ભાષાની જ જોડણીમાં.)

            ” જ્વરી વા..બ્ધિં  શોષયિતું, મોદકાન્ પરિખાદિતુમ્

                શ્રદ્ધાલુર્    અનુવર    કો,    મનસા    કેન    નન્વસૌ.”

 

             [  જાણે કોઈ તાવવાળો આખો સાગર પી જવા તડપે,

               (કોઈ ખાઉધરો ) બધા લાડુ ચટ કરવા ચ્ હાય, એમ આ અણવર કયા                                           અભરખાવાળો છે ?! એને મનમાં શી છે મનછા ? ]

 

            ” મંડુક્યેભ્યો   ખંડદૃષ્ટિ:   કાન્દુકસ્યેવ કુક્કુર:
                 સ્પૃહ્યાલુર્  અનુવરો   મનસા  કેન   નંવસૌ.”
( અહીં પ્રથમ ચરણમાં કંઈક ગરબડ, મુદ્રણદોષે હશે, એમ લાગે છે.)

              [  દેડકાની દૃષ્ટી કુવા જેટલી-ખંડદૃષ્ટી; કુતરાની નજર કંદુકમાં ! એમ આ અણવર   અભરખાવાળો છે. એને મનમાં શી છે મનછા ? ]

               ” તોયાનાં ચાતક ઇવ, ધનાનાં ઇવ યાચક: ;
                  પૂગાનાં શ્રાદ્ધ્યો..નુવરો, મનસા કેન નન્વસૌ.” 

              [  પાણીમાં (જીવ) ચાતકનો, ધનમાં યાચકનો એમ
                  સોપારીમાં અણવરનો ! એને મનમાં શી છે મનછા ? ]

                ”  હૈયંગવીર્નપિંડસ્ય, બિડાલ ઇવ લમ્પટ: ;
                                                      શ્રાદ્ધશ્ચૂર્ણસ્યાનુવરો,મનસા કેન નન્વસૌ.”
                  [ માખણપીંડે બીલાડાની નજર ચોંટે, એમ આ અણવર શેમાં લમ્પટ છે ? ચુરમામાં ? એને મનમાં શી છે    મનસા ?]

હવે આ બધાના પદ્યાનુવાદો : 
                                                       તાવલો તો અબ્ધી  પ્યાસે !
                                                       અણ્ વર્-જીવ   લાડુ-તાસે !
                                                       ભુખલ્યા     આ  અણવર્ ને 
                                                                      મનમાં શો ખટકો !

                                                        કુવાખંડી     મેંઢક       દૃષ્ટી,
                                                        કન્દુક    ખંધી      કુતરદૃષ્ટી,
                                                        અભરખાળો     અણવરીઓ !
                                                                       મનમાં શો ખટકો ! 

                                                         જલે  વળગ્યું   ચાતકચીત્ત, 
                                                         ધને   વળગ્યું  યાચકચીત્ત,
                                                         અણવર ચીત્તે એક જ વળગ્યો
                                                         સોપારીનો   કટ્ટકો !
                                                         મનમાં  શો ખટકો !

હેમચન્દ્રથી આપણી ભાષાનું મુખ અપભ્રંશ તરફથી બદલાઈને ‘ગુજરાતી’ તરફ ફેરવાયું. એ અગીયારમીથી ચૌદમી-પંદરમી સદી સુધીના, નરસીંહની પહેલાંના ચારસોક વરસ પર પણ એક ઝડપી નજર હવે નાંખી લઈશું.વીવેચન નહીં, કેવળ રસમય પ્રથમ પરીચય. એ ગાળાનો ઈતીહાસ તો શ્રેષ્ઠ રીતે આપ્યો છે પ્રા. અનંતરાય રાવળે એમના ‘ગુજરાતી સાહીત્ય [મધ્યકાલીન]’ નામના પુસ્તકમાં.આપણી તો છે આ માત્ર શબ્દસફર, કાલાનુસારી ખરી, પણ કેવળ આનંદવીહાર. બાંધવું નથી કશું, બંધાવું નથી કશામાં; આનંદથી આ ગુર્જર-સાહીત્ય-સ્ હેલ કરશું !!

1000 વર્ષ પહેલાનાં સુભાષીતો–બોધના દુહાઓ :

 

 

                                                                                                                                                                     —કનુભાઈ જાની.

 

સજ્જન કેવો હોય ? જેમ જેમ મોટાઈ મળતી જાય તેમ તેમ વધારે ને વધારે નમ્ર થતો જાય–કાંગની માફક. ને તેમાંય પોતે પોતાની વડાઈ તો જરાય દેખાવા ન દે;  દેખાડો તો ના જ કરે;  પણ બીજાના ગુણ જુએ કે તરત સૌને બતાવે; પોતાના છુપાવે, બીજાના પ્રગટ કરતા રહે.   જોકે એવા તો હોયે વીરલ, ને તેમાંય કળીયુગમાં તો દુર્લભ જ !  પણ એવા કોક જોવા મળે તો બસ,  વારી જવાય,  ફીદા થવાય !

 

                            ” સુપુરીસ કંગુહે અણુહરહીં;   ભણુ,   કજ્જે     કુવણોંણ;

                              જીવઁ જીવઁ વડ્ડત્તણુ લહહીં, તીવઁ તીવઁ નવહી સરેંણ.”

(અહીં ‘જીવઁ જીવઁ-તીવઁ તીવઁ ની જેમ ઘણા દુહામાં અતી કોમળ, જરાક જ, નાસીક્ય ઉચ્ચારો છે તે યાદ રહે.)

                             ( સુજન અનુસરે કાંગને; કહો જોઉં એ કેમ ?

                              જેમ જેમ મોટપ વધે મસ્તક નમતું  તેમ )..ક.જાની.

 

                             ” જે ગુણ ગોવઈ    અપ્પણા,   પયડા   કરઈ     પરસ્સુ,

                               તસુ હઉં કલીયુગ દુલ્લહહો બલી કીજ્જઉં સુઅણસ્સુ.”   

                                ( પોતાના ગુણ   ઢાંકી  જે  પરના  કરે પ્રકાશ,

                               કળી-દુર્લભ એવા મળે સુજન તો વારી જા’શ.)  ક.જાની.

 

–જે  પરાધીન હોય, પરોપજીવી, અન્યને જ આધારે જ ટકી રહેનાર, ઉંડા પાણીના ધરાને કાંઠે ઉગેલા મોટા દેખાતા ઘાસ જેવા હોય, લાગે સ્વતંત્ર પણ હોય પરતંત્ર, તેવાની બે જ ગતી : એનો આધાર લેનાર કાં તો ધરાની પાર જાય પણ ખરો, અથવા ધરા જ એને ( પેલા ઘાસનેય તે ) ડુબાડે;  ત્રીજી કોઈ ગતી જ ન હોય. પરોપજીવી કાં પાર થાય કાં ડુબે !

                                ” તણહ તઈજ્જી ભંગી નવી, તે અવડયડી વસંતી;

                                 અહ જણુ લગ્ગીવી ઉત્તરઈ, અહ સહ સઈં મજ્જંતી.”

 

                                 ( તૃણને  ત્રીજી  ગતી નથી,  જે   ઉગ્યું   અવડને તીર;

                                 વળગ્યે   ઉતરે   પાર  કો’ ,    કે       સહ       ડુબે  નીર.)  ક.જાની.

………………………………………………………..

આવતે અંકે લગ્ન-ગીતોનાં, કહો કે ફટાણાંના કેટલાંક  સેમ્પલ !!