અગેય પદ્યરચના અંગે કેટલુંક –

                                                                                                                  —જુગલકીશોર.

આપણે ત્યાં એક એવી છાપ હતી કે ગાઈ શકાય તે પદ્ય અને વાંચી શકાય તે ગદ્ય. પદ્યને વાંચી શકાય પણ ગદ્યને ગાઈ ન શકાય. (ટી.વી.ની કેટલીક વાહીયાત જાહેરાતોમાં નરી ગદ્યપંક્તીઓને ગાઈને રજુ કરવામાં આવે છે ત્યારે આ ગદ્યને ગવાતું સાંભળવાનો અનુભવ થતો હોય છે….!!)

કવીતાના છંદને લાંબા રાગે ગાઈને  કવીતાના રાગડા તાણનારા લોકો પણ હોય છે. આવે સમયે પદ્ય રચનાઓનું ભાવવાહી પઠન કરવાની વાત બહુ જરુરી બની જય છે. આપણા પ્રીય કવી રાજેન્દ્ર શુક્લને કવીતા કે ગઝલનું પઠન કરતાં જેમણે સાંભળ્યા હશે તેમને ખબર હશે કે કવીતાનો ભાવ કે વીચાર, કાવ્યના શબ્દે શબ્દના વીશીષ્ટ ઉચ્ચાર દ્વાર કેમ પ્રગટાવી શકાય છે !! એમનું કાવ્યપઠન આપણા ગુજ.સાહીત્યજગતની એક જાણીતી અને માનીતી ઘટના છે.

એક સમય એવો હતો કે કાવ્યમાં ભાવ મહત્ત્વનો ગણાતો. વીચારનું વજન નાજુક કાવ્ય ઝીલી ન શકે. પરંતુ બ.ક.ઠાકોર વગેરેએ કાવ્યમાં વીચારતત્વને પ્રાધાન્ય આપીને કાવ્યને પણ એક મજબુતી આપી એમ મારા જેવો કહી શકે ! આને માટે શ્રી ઠાકોરે જે પ્રયત્નો કર્યા એમાં કાવ્યની પઠનક્ષમતાને ધ્યાનમાં રાખીને અગેય રચનાઓ માટે પૃથ્વી જેવા છંદ પર પ્રયોગો કર્યા.

અક્ષરમેળ છંદોવાળા કાવ્યમાં યતીનું મહત્ત્વ ઘણું છે તે આપણે જાણીએ છીએ, પરંતુ છંદના બંધારણમાં હોય એટલે ત્યાં જ અટકવું એવો નીયમ એમણે બદલ્યો. એમણે કહ્યું કે કાવ્યમાં જ્યાં પણ ભાવ કે વીચારને અનુકુળ હોય ત્યાં અટકવું જોઈએ. હવે છંદમાં એ જગ્યાએ યતી ન હોય તો શું અટકી ન શકાય ? અલ્પવીરામ કે અન્ય વીરામચીહ્નો આપણે કાવ્યમાં તો પ્રયોજીએ જ છીએ, તો પછી એ વીરામચીહ્નો મુજબ આપણે કાવ્યમાં પણ અટકવું જ જોઈએ !! આને કારણે કાવ્યમાં “છંદગત યતી”ની જેમ જ ‘અર્થને અનુરુપ’ “છંદગત યતી’ અમલમાં આવી !

દા.ત. વસંતતીલકા છંદ અયતીક એટલે ખંડો વીનાનો છે. એમાં યતી છે જ નહીં. હવે એને સળંગ ગાઈએ અને વચ્ચે વચ્ચે અર્થને પામવા માટે અટકીએ નહીં તો ? કાવ્યની મઝા જ મારી જાય. આ છંદની એક રચના જુઓ. એના અલ્પવીરામને જુઓ :

                  “તું ઊઠ, જાગ, જનમંડળને જગાડ,

                   થા મોખરે, અરુણ નોબતને વગાડ.”

હવે પૃથી છંદની સુંદરમ્ ની આ રચના :

                  “ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા !

                   ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !”

હવે એક શીખરીણીની પંક્તી જોઈએ :

                   રહો, જાણ્યા એતો, જગમહીં બધે છેતરઈને,

                    શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં.”

આ રીતે કાવ્યમાં છંદગત યતીને સ્થાને અર્થગત યતીના સફળ પ્રયોગો થયા.

શ્રી બ.ક.ઠાકોરે તો યતીભંગને કવીનું સ્વાતંત્ર્ય જ નહીં પણ કાવ્યને અગેય રુપ આપવા માટે અને સળંગ પદ્યરચના માટે પઠનક્ષમ બનાવી અને તે માટે એમણે કેટલાક ક્રાંતીકારક ફેરફારો આપ્યા. આ ફેરફારોએ કાવ્યની પઠનક્ષમતા વધારી દીધી એટલું જ  નહીં પરંતુ કાવ્યની વીચારપ્રધાનતાને અનુરુપ પૃથ્વી જેવા છંદને અંગ્રેજી બ્લેંકવર્સ જેવી ક્ષમતા અપાવી ! પૃથ્વીછંદમાં અગેયતા માટેની ક્ષમતા ઘણી છે. શ્રી ઠાકોરે તો પૃથ્વી છંદમાં ત્રણ લઘુ અક્ષરો ઉમેરીને પૃથ્વીતીલક નામનો નવો છંદ પણ રચ્યો હતો !

આ ઉપરાંત એમણે જે કેટલીક વાતો કહી તેમાં –

[1] ચાર પંક્તીએ શ્લોક પુરો થવો જ જોઈએ તે   જરુરી નથી.

[2] અર્થ પ્રગટ કરવા માટે જ્યાં જરુરી હોય ત્યાં યતી રાખો.

[3] ચરણાંતે પંક્તી પુરી કરવી જરુરી નથી, કે વીચારને પંક્તીના છેડે પુરો કરવો કે અટકાવવો જરુરી નથી. આ માટે એમણે ચરણાંતે આવતી યતીનો ભંગ (શ્લોકભંગ)કર્યો અને એને યતી-દોષ નહીં પણ યતી-ગુણ ગણાવ્યો !!

[4] અક્ષરમેળ વૃત્તોમાં પણ એમણે એક ગુરુની જગ્યાએ બે લઘુનો ઉપયોગ કરીને શ્રુતીભંગ પણ કર્યો !

આ બધું પરીવર્તન પામતું ગયું તેમ તેમ કાવ્યની અગેયતા અને સળંગ અને લાંબી પદ્યરચના માટેની ક્ષમતા ઉભી થતી ગઈ. વીચાર પ્રધાન લાંબાં કાવ્યો માટે અગેય પદ્યરચનાનો પાયો આમ નખાતો જોવા મળે છે.

આ પુરું કરતાં પહેલાં કાવ્યમાં પ્રવાહીતા અને અગેયતાને અનુલક્ષીને શાર્દુલવીક્રીડીતની બે પંક્તીઓ જોઈ લઈએ :

                રે સંગીત, તું   દુર   થા !   યતી ય   તું   સંતાઈ જા કુબડા !

                  આપો પ્રાસ ન ત્રાસ, શ્લોક તું ય તે  ભાંગી પ્રવાહી જ થા !”  (સ્નેહરશ્મી)

 નોંધ : મારો એમ. એ.નો છેલ્લા વરસનો મહાનીબંધ શીખરીણી છંદ ઉપર જ હતો ને તેમાં મેં સુંદરમ તથા ઉમાશંકરભાઈનાં બધાં જ ગ્રંથસ્થ કાવ્યોમાંના શીખરીણી છંદનાં કાવ્યોમાં એકેએક પંક્તીમાં રહેલા અર્થગત યતીઓને જુદા તારવ્યા હતા !! ક્યારેક જરુર પડશે તો એ આંકડાઓને પણ રજુ કરીશું…..

Advertisements

‘કાવ્ય’માં ભાવ અને રસ

‘કાવ્ય’ એટલે સમગ્ર સર્જનાત્મક સાહીત્ય.                                                                              – જુગલકીશોર.

માનવમનના કુલ ભાવોની સંખ્યા જુદીજુદી ગણાવાઈ છે. સ્થાયી ભાવો ૮+૧ મળીને નવ ભાવો છે. જ્યારે સંચારી ભાવો ૩૩ ગણાવાયા છે…..સંચારી ભાવો સરોવરના વીચીદલ જેવા કે સાગરમાં મોજાં જેવાં કહી શકાય જે લાંબો સમય ટકતાં નથી હોતા. જ્યારે સ્થાયી ભાવો વીશ્વના કોઈ પણ ખુણે વસતી માનવજાતીમાં સ્થીરરુપે હોય છે.

ભાવનો અનુભવ જીવનમાં ડગલે ને પગલે થતો રહે છે ને ભાવના પ્રકાર મુજબ મનુષ્ય તે અનુભવે છે જ્યારે તે જ ભાવો સાહીત્યમાં સાધારણીકરણ પામે છે ત્યારે બધા જ ભાવો એક પ્રકારના અલૌકીક અને ”અવર્ણનીય આનંદ”માં પરીણમે છે.

નીચેની યાદીમાં ભાવ તથા સાહીત્ય દ્વારા પ્રગટતા રસનાં નામો આ મુજબ છે :

૧) રતી…………………….શૃંગાર રસ

૨) હાસ……………………હાસ્ય રસ

૩) શોક……………………કરુણ રસ

૪) ક્રોધ…………………….રૌદ્ર

૫) ઉત્સાહ…………………વીર રસ

૬) ભય……………………ભયાનક રસ

૭) જુગુપ્સા………………બીભત્સ રસ

૮) વીસ્મય……………..અદભુત રસ

૯) શમ કે નીર્વેદ………શાંત રસ

 

‘કાવ્ય’માં આનંદ અને ઉપદેશ.

શુક્રવાર, December 15, 2006  ના રોજ “ઘટનાઓનું સર્જન-સર્જનની ઘટના.” નામક લેખમાં શ્રી સુરેશભાઈના સવાલના જવાબરુપે આ કોમેન્ટીકા મુકાઈ હતી. લેખની લીંક આ મુજબ છે –

https://jjkishor.wordpress.com/2006/12/05/nibandho-33/

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ભારતીય કાવ્યમીમાંસામાં કાવ્ય અર્થાત્ સમગ્ર સર્જનાત્મક સાહીત્યના મુખ્ય હેતુ બે કહ્યા છે:

1)  આનંદ અને 2)  ઉપદેશ.

ઉપદેશની વાત બાજુ પર રાખીને જોઈએ તો આનંદ એ કોઈ પણ ઉત્તમ રચનાનું અંતીમ પરીણામ છે. કાવ્ય કે સાહીત્યમાં નવ રસોની જે વાત આવે છે તે બધાએ રસો આપણા સ્થાયી ભાવોના પરીવર્તનમાંથી જન્મે છે. સમગ્ર માનવજીવના નવ ભાવો છે. દુનીયાને ગમે તે છેડે પણ તે સરખા જ હોય છે. સર્જક એ ભાવોને પોતાની રચના દ્વારા જગાડે છે. તેથી વાચકને મઝા પડે છે. પણ મઝા એ કાવ્યનો હેતુ નથી.

માનવના મનમાં પડેલા ભાવોનું જ્યારે સાધારણીકરણ થાય છે ત્યારે જ કાવ્યનું લક્ષ્ય સીદ્ધ થાય છે, કારણ કે સાધારણીકરણ થાય તો જ ભાવોનું રસમાં પ્રગટીકરણ કે પરીવર્તન થાય છે.

આ પ્રક્રીયામાંથી જ આનંદ પ્રગટે છે; પણ આ આનંદ તે દુન્યવી આનંદ નથી. જેમ કે દુ:ખ એ દુનીયાભરના લોકોનો સ્થાયીભાવ છે અને કવી જ્યારે કાવ્ય દ્વારા વાચકમાં રસ જગાડે છે ત્યારે તે દુ:ખ રહેતું નથી પણ કરુણ રસમાં પરીવર્તીત થયેલો આનંદ હોય છે. નહીંતર દુ:ખદ ઘટના કોઈનેય વારંવાર સાંભળવી ન ગમે ! પણ કરુણરસનું સાહીત્ય વારંવાર માણવું ગમે. આનું નામ જ ભાવના સાધારણીકરણ દ્વારા થયેલો આનંદ. અતી ઉત્તમ કોટીનું સાહીત્ય જે પરમ અને દીવ્ય આનંદ આપે છે તેને કાવ્યશાસ્ત્રમાં બ્રહ્માસ્વાદસહોદર આનંદ કહ્યો છે. આવો આનંદ જ્યારે વ્યાપી વળે અણુઅણુમાં, ત્યારે ભાવક-વાચકના બધા જ ભાવો શાંત થૈને વીગલીત થૈ જાય છે, અર્થાત ઓગળી જઈને એક જ અનુભુતી કરાવે છે: કેવળ અને કેવળ આનંદની અનુભુતી ! આ આનંદાનુભુતીને જ વીગલીતવેદ્યાંતર આનંદ કહે છે !!

સાહીત્યનું આ જ લક્ષ્ય છે.

આપણું સાહીત્ય આ ક્ક્ષાના આનંદને વહેંચતું હતું એટલે જ એ શાશ્વત બન્યું; બાકી તો ફટકીયાં મોતી જેવું ઘણું સર્જાતું હોય.

 

 

 

 

ગદ્ય, પદ્ય – કાવ્ય/કવીતા

અધ્યાપન જેમનું જીવનકાર્ય રહ્યું છે અને ભાષા–સાહીત્ય જેમનો અત્યંત રસનો વીષય છે તેવા પ્રજ્ઞાપુરુષ શ્રી કનુભાઈ જાની સંશોધનક્ષેત્રે આદરણીય નામ છે. તેઓ કેટલાક ગુજરાતીના જાણીતા વિદ્વાનોના પણ ગુરુ રહી ચુક્યા છે. તેમની સંશોધન રીત ગુજરાતીના જાણીતા સર્જકો–વીવેચકોમાંના સૌને પરિચિત છે…..મેઘાણી, કવિ કાગ તથા લોકસાહીત્યના ક્ષેત્રમાં તેમનાં સંશોધનો કૉલેજે પાઠ્યપુસ્તકો તરીકે ભણાવાયાં છે.

અહીં તેમની સાથેની અલપઝલપ થયેલી વાતોની ટુંકનોંધરુપે રજુ કરી રહ્યો છું… – જુ.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

                                             – કનુભાઈ જાની

 

ઉપરના ચારેય શબ્દોને સ્પષ્ટ કરવાની જરુર છે. 

૧.૦)  મુખ્ય શબ્દો બે છે, ગદ્ય અને પદ્ય. પદ્યના બે ભાગ – કાવ્ય અને કવીતા.

૧.૧)  આ વીભાવનાનો સ્પષ્ટ વીચાર આપણે ત્યાં અંગ્રેજી વીવેચન પછી આવ્યો છે. નર્મદ પણ આ અંગે ત્યાં સુધી સ્પષ્ટ નહોતા. ‘નર્મકોશ’ (ડો.ર.શુક્લ સંપાદીત ૧૯૯૮ની પ્રથમ આવૃત્તી)માં ગદ્યનો અર્થ છે, “કવિતાના નિયમ વગરનું જે સાદું લખાય તે.” પદ્યનો અર્થ આપે છે, “કવીતા રચના; વૃત્ત; પદ્યબંધ.” એટલું જ નહીં નર્મદ તો કાવ્ય અને કવીતાનેય એક સરખા ગણે છે ! એ સમયમાં કાવ્ય અને કવીતા વચ્ચેનો ભેદ ભાગ્યે જ પકડાયો હતો. 

એની સ્પષ્ટતા કરીએ – 

૧.૨)  કાવ્ય શબ્દ કોઈ એક રચના માટે વપરાય છે. જેમ કે ઉમાશંકરનું ‘જઠરાગ્નિ’ એ એક કૃતી છે તેથી ‘કાવ્ય’ છે, poem છે. જ્યારે કવીતા તે સમગ્ર “શબ્દરચનાકળા” સમગ્ર સાહીત્ય માટે પ્રયોજાતો શબ્દ ગણાય. કવીતા અર્થાત્ poetry. 

૨.૦)  આમ પદ્યના બે વીભાગ થયા. કાવ્ય અને કવીતા. 

૩.૦)  ગદ્ય અને પદ્ય તે બન્ને “લીખીત અભીવ્યક્તીની બે લઢણો” છે. લખાણની બે રીતીઓ છે.

૩.૧)  એ બન્નેનું સમાન લક્ષણ એટલે વસ્તુ–થીમ–“લખાણ”. 

૩.૨)  ગદ્યની અભીવ્યક્તીમાં શબ્દો અર્થને બરાબર ને રસીક રીતે ખુલ્લો કરી આપે તેવા, પસંદ કરીને જ મુકેલા પણ એમાં પકડી શકાય તેવી લયવ્યવસ્થા નથી હોતી. જ્યારે પદ્યમાં લયવ્યવસ્થા પકડી શકાય, માપી શકાય ને નીયમમાં બંધાયેલી હોય છે. તેથી જ સંસ્કૃતમાં એક સમયે બે શબ્દો વપરાતા હતા – मित અને अमित…શબ્દનો અન્વય માપી શકાય તેવા લયવાળો હોય તે ‘મિત’ એટલે પદ્ય અને ‘ન મપાય’ તે ગદ્ય. 

૩.૩) ગદ્યનું કામ મુખ્યત્વે વસ્તુને સ્પષ્ટ કરી આપવાનું. એ બૌધીક વ્યાપાર છે. એ જરાય સહેલો નથી કારણ કે વસ્તુદર્શન રસીક રીતે બોલચાલની જ લઢણમાં કરાવવું તે અઘરું છે. 

૩.૪)  પદ્યમાં પણ જો કેવળ ‘માપ’ને લઈને જ શબ્દની ગોઠવણી કરવામાં આવે તો તે કેવળ લયની રમત બને કાવ્ય ન થાય. દા.ત. “રવિ પછી તો સોમ છે, બીજો મંગળવાર” અથવા, “લાલ, પીળો ને વાદળી, મુળ રંગ કહેવાય; બાકીના બીજા બધા મેળવણીથી થાય”

આ રચનાઓમાં જોઈ શકાય છે કે વસ્તુ પ્રગટ કરવામાં આવી છે એકદમ સ્પષ્ટતાથી, પરંતુ એને રજુ કરવાની રીત, લઢણ લયના બંધનમાં છે; લયના નીશ્ચીત માપમાં જ અને પ્રાસ વગેરેના શણગાર– નીયમોથી ગુંથાયેલી છે ! આ એક પ્રકારની કરામત છે; ‘ક્રાફ્ટવર્ક છે, કલા નથી. 

૩.૫)  પદ્ય એ કેવળ લયની રમત કે કરામત છે જ્યારે કાવ્ય એ શબ્દની કળા છે. એ ભાવાત્મક પ્રક્રીયા છે, માત્ર બૌધીક નહીં.

“ઈશ્ક કો દિલ મેં દે જગહ અકબર, અકલ સે શાયરી નહીં હોતી ”  એમ કહેવાયું છે ! કાવ્ય એ હૃદયનો વ્યાપાર છે.પદ્ય એ છંદો–વૃત્તો વગેરેની આવડત હોય તો બની શકે; કાવ્ય થઈ  ન શકે. આના આધારે બે વાત સ્પષ્ટ થાય છે – 

૪.૦)  પદ્ય એ કાવ્ય નથી. પદ્ય હોય છતાં કાવ્ય (શબ્દની રમણીય અર્થવાળી કળા) ન પણ હોય. પદ્ય માત્ર તે બધું કાવ્ય નથી હોતું. 

૫.૦)  તે જ રીતે ‘કાવ્ય’ માટે ‘પદ્ય’ અનીવાર્ય નથી. ગદ્યમાં પણ કાવ્ય હોઈ શકે. નાનાલાલ, કાકાસાહેબ કે સ્વામી આનંદનું ઘણું ગદ્ય કાવ્યભર્યું છે. (‘ગદ્યકાવ્ય’ એ જરા અલગ બાબત છે) 

કાવ્ય એ શબ્દની કલા છે; પદ્ય એ અક્ષરો–શબ્દો વગેરેની જુદીજુદી સંયોજનાઓનું ગણીત છે. 

૬.૦)  કાવ્યમાં રસાત્મક સંવેદનની અસર હોય છે જ્યારે ગદ્યમાં વસ્તુના સ્પષ્ટ દર્શનની  અસર હોય છે. બીજી રીતે જોઈએ તો કાવ્ય એ ચાંદની છે જ્યારે ગદ્ય એ દીવસનો પ્રકાશ.    

આપણા સંસ્કૃત સાહીત્યવીવેચન (મીમાંસા)માં જે વ્યાખ્યાઓ હતી તે જોતાં મમ્મટ નામના મીમાંસક काव्यનું પહેલું જ લક્ષણ જે આપે છે તેમાં अदोषौ એટલે કે દોષ રહીતની હોય અને सगुणौ એટલે જે ગુણોથી ભરેલી હોય તેવી રચના. ટુંકમાં, કહીએ તો ‘वाक्यं रसात्मकं काव्यं’ અર્થાત્ રસપુર્ણ ને સંવેદનથી ભર્યું ભર્યું જે વાક્ય તે કાવ્ય. 

૭.૦)  ગદ્ય એકદમ સ્પષ્ટ વીચારવીમર્શ માગી લે ને ભાષા પરની એવી પકડ કે ઉંડા વીચારો પણ તરત મનવગા બની રહે. માટે જ જગતની બધી જ ભાષાઓના સાહીત્યમાં પહેલું પદ્ય પ્રગટે છે. તાલ, લય એ સહજ વૃત્તી છે, રમત છે, લીલા છે; જ્યારે ગદ્ય મોડું પ્રગટે છે. 

જુના અંગ્રેજીમાં King Alfredનું ગદ્ય કાળક્રમે સૌ પહેલું ગદ્ય ગણાય.નવમી સદીના અંતે તે આવ્યું. આપણે ત્યાં ઓગણીસમી સદીના પુર્વાર્ધમાં ગદ્ય પ્રગટ્યું – નર્મદ દ્વારા નહીં પણ દુર્ગારામ દ્વારા (૧૮૩૨માં) ! નર્મદનું ગદ્ય ૧૮૫૦ની આસપાસ મળ્યું. પદ્ય તો આપણે ત્યાં જગતભરની જેમ હતું જ. 

૮.૦)  છેલ્લે એમ પણ કહી શકાય કે ગદ્ય એ પ્રજાકીય જાગ્રુતીનું પારીતોષીક છે ! પ્રજા જાગે – રેનેસાં કે નવયુગ પ્રગટે ત્યારે ગદ્ય મળે છે ! એ સહેલું નથી. ગદ્ય તે કેવળ વાક્ય કે ભાષાવીનીયોગ નથી પણ ભાષાની બોલાતી લઢણનો કલાત્મક વીનીયોગ છે. 

વાતનો સાર – 

પદ્ય તે લયની રમણ કે લયનું ગણીત કે લયનું વ્યાકરણ છે. 

પદ્ય તે કવીતા નથી. પણ પદ્યમાં કવીતા હોઈ શકે. 

કાવ્ય કે કવીતા પદ્યમાં જ જોઈએ એવો દુરાગ્રહ ન હોય; ગદ્યમાં પણ તે સીદ્ધ થઈ શકે. 

કાવ્ય હૃદયને હલાવી નાખે તેવો રસાત્મક અનુભવ કરાવનારી શબ્દ+અર્થની યુગલબંધી, કલાત્મક રચના છે. 

ગદ્યનું લક્ષ્ય વીશદતા (ક્લેરીટી) છે;

પદ્યનું લક્ષ્ય લયબદ્ધ રસાત્મક અનુભુતી કે હૃદયસંવેદન છે. 

ગદ્ય અર્થને ને એ માટે જરુરી બુદ્ધીને–તર્કને લઈને ચાલે. જ્યારે પદ્ય લયને તાલે ચાલે.

કાવ્ય સમગ્ર આત્માને આંદોલીત કરી મુકે. માટે જ કહ્યું છે “કવીતા આત્મની કલા”.

 

નટનો અનુભવઃ ભાવ કે રસ ?

કેશોદના શાળાનાટકનું એક દૃષ્ય.

ભાવ અને રસઃ પાત્રો અને પ્રેક્ષકોમાં.                                           – જુગલકીશોર.

સાહીત્યમાં કે કલાના અન્ય કોઈ સ્વરુપમાં માનવમનના ભાવોનું નીરુપણ સર્જકોની ઉચ્ચ કલાશક્તીને આધારે પ્રગટે પછી વાચકો કે પ્રેક્ષકોના મનના એ જ ભાવોનું રુપાંતર રસમાં થાય. ચીત્રમાં શું, કે શીલ્પમાં શું; વાર્તામાં શું, કે કાવ્યમાં શું કે પછી નાટકમાં…પણ સર્જક દ્વારા પ્રગટેલા માનવમનના ભાવો જ્યારે ભાવક પાસે પહોંચે છે ત્યારે એ રસ બની રહે છે ને એટલે એનું વારંવાર પાન કરવા મન થયા કરે છે. ભાવ એ પોતીકી બાબત છે જ્યારે રસ એ સાર્વજનીક બાબત છે. અંગત બાબતે માણસને થાય તે દુઃખ–શોક કે રતી કે ક્રોધ કે આશ્ચર્ય કે જુગુપ્સા વગેરે…પરંતુ જ્યારે કલાના કોઈ સ્વરુપ મારફતે કે કલાના કોઈ માધ્યમથી તે સામે આવે ત્યારે એ અંગત હોતા નથી બલકે સૌના હોય છે (સૌમાં એ પોતે પણ શામેલ હોય જ છે). 

હવે નાટકનો દાખલો લઈને થોડો કલ્પનાવીહાર કરીએ –

નાટકમાં સ્ટેજ પર પાત્રો હોય છે અને સામે હોય છે પ્રેક્ષકો. હવે જોવા જઈએ તો પ્રક્ષકો છે તે તો ભાવકો છે. તેઓની પાસે જ્યારે કલા દ્વારા સંદેશ પહોંચે છે ત્યારે તેનું રસરુપાંતરણ થાય તે સહજ છે. (અહીં યાદ રાખવાનું કે રસરુપાંતરણ થવા પાછળ નાટકકારની ઉચ્ચ કલાશક્તી, નાટકના નટોની ઉચ્ચ કલાશક્તી, સ્ટેજની યોગ્ય ગોઠવણી વગેરેના ઉપર રસનીષ્પત્તીનો ઘણો આધાર હોય છે.)

પરંતુ નાટક ભજવનારા અભીનેતાઓ માટે તે રસરુપ હોય છે કે ભાવરુપ ? અને કઈ રીતે / શા માટે ? 

કોઈ કહેશે ?

કરુણ સાહીત્ય પણ કેમ વારંવાર વાંચવું ગમે છે ?

                                                                                                 – જુગલકીશોર.

ભારતીય કાવ્યમીમાંસામાં કાવ્ય અર્થાત્ સમગ્ર સર્જનાત્મક સાહીત્યના મુખ્ય હેતુ બે કહ્યા છે : 1)આનંદ અને 2) ઉપદેશ. ઉપદેશની વાત બાજુ પર રાખીને જોઇએ તો આનંદ એ કોઇપણ ઉત્તમ રચનાનું અંતીમ પરીણામ છે. કાવ્ય કે સાહીત્યમાં નવ રસોની જે વાત આવે છે તે બધાએ રસો આપણા સ્થાયી ભાવોના પરીવર્તનમાંથી જન્મે છે. સમગ્ર માનવજીવના નવ ભાવો છે; દુનીયાને ગમે તે છેડે પણ તે સરખા જ હોય છે. સર્જક એ ભાવોને પોતાની રચના દ્વારા જગાડે છે. તેથી વાચકને મઝા પડે છે. પણ મઝા એ કાવ્યનો હેતુ નથી.

માનવના મનમાં પડેલા ભાવોનું જ્યારે સાધારણીકરણ થાય છે ત્યારે જ કાવ્યનું લક્ષ સીધ્ધ થાય છે, કારણ કે સાધારણીકરણ થાય તો જ ભાવોનું રસમાં પ્રગટીકરણ કે પરીવર્તન થાય છે. આ પ્રક્રીયામાંથી જ આનંદ પ્રગટે છે; પણ આ આનંદ તે દુન્યવી આનંદ નથી. જેમ કે દુ:ખ એ દુનીયાભરના લોકોનો સ્થાયીભાવ છે અને કવી જ્યારે કાવ્ય દ્વારા વાચકમાં શોકનો ભાવ જગાડે છે ત્યારે તે દુ:ખ રહેતું નથી પણ કરુણ રસમાં પરીવર્તીત થયેલો આનંદ હોય છે. નહીંતર દુ:ખદ ઘટના કોઇનેય વારંવાર સાંભળવી ન ગમે ! પણ કરુણરસનું સાહીત્ય વારંવાર માણવું ગમે. આનું નામ જ ભાવોના સાધારણીકરણ દ્વારા થયેલો આનંદ. અતી ઉત્તમ કોટીનું સાહીત્ય જે પરમ અને દીવ્ય આનંદ આપે છે તેને કાવ્યશાસ્ત્રમાં બ્રહ્માસ્વાદસહોદર આનંદ કહ્યો છે. આવો આનંદ જ્યારે વ્યાપી વળે અણુઅણુમાં, ત્યારે ભાવક-વાચકના બધા જ ભાવો શાંત થૈને વીગલીત થૈ જાય છે, અર્થાત ઓગળી જૈને એક જ અનુભુતી કરાવે છે : કેવળ અને કેવળ આનંદની અનુભુતી !! આ આનંદાનુભુતીને જ વીગલીતવેદ્યાંતરઆનંદ કહે છે !! સાહીત્યનું આ જ લક્ષ્ય છે.

આપણું સાહીત્ય આ ક્ક્ષાના આનંદને વહેંચતું હતું એટલે જ એ શાશ્વત બન્યું, બાકી તો ફટકીયા મોતી જેવું ઘણું સર્જાતું હોય છે.

શબ્દ માટેની સાધના

મૌનનો સાક્ષાત્કાર થાય તેને પછી શબ્દની જરુર કદાચ ન રહે છતાં શબ્દ તો જીવવાનો જ. જીભ પણ સળવળે નહીં એવી રીતે આવતા વીચારોય ખરેખર તો શબ્દના વાઘા પહેરીને જ આવતા હોય છે. કાવ્યમાં વીચારથીય ઉપરની ભુમીકા હોય છે તે ભાવની હોય છે જ્યાં શબ્દો નથી હોતા.

ભાવજગત અને વીચારજગત વચ્ચે જે ફેર છે તે જ ફેર કાવ્યને વીચારપ્રધાન કે ભાવપ્રધાનનાં ખાનાંઓમાં વહેંચે છે. વીચારનો બોજ ઘણી વાર કાવ્યનો નાજુક દેહ ઝીલી ન શકે. ઉર્મીકાવ્યના નાજુક દેહને ઝાકળનોય ભાર લાગે, જો ઝાકળને વીચાર પ્રચારાવવાનું માધ્યમ બનાવીએ તો !

મૌન તો વ્યાખ્યાન માટેનું પણ માધ્યમ બની શકતું હતું આ દેશની શીક્ષણપ્રણાલીમાં : ‘ગુરોસ્તુ મૌનમ્ વ્યાખ્યાનમ્’ જે શીષ્યને ‘છીન્નસંશયા’ બનાવી શકે છે !!

સર્જક મૌન રહી શકે ? એની જીભ કદાચ સક્રીય ન હોય તેથી શું ? સાહીત્યના સર્જકને જીભની શી જરુર ?! એનો સર્જાયેલો શબ્દ, ભલેને તે ફક્ત કાગળ પર જ સર્જાયો હોય,  એટલો શક્તીશાળી હોય છે કે આકાશના ભેદનની માફક હૈયાંનેય ભેદી શકે.  એ શબ્દ આરપાર નીકળી જાય એવો તીક્ષ્ણ પણ હોય છે.

શબ્દની સાધના સૌનો અધીકાર છે. બાળક બોલતાં શીખે છે તે પણ તેની વયને અનુરુપ સાધના જ હોય છે. માતા જ ફક્ત જાણી શકે કે એ બોલતાં શીખ્યો તે સમયે એણે શબ્દની સાથે કેટકેટલી પ્રવૃત્તી કરી હતી ! ખોટું ઉચ્ચારણ કે ખોટી રજુઆતની કેવી શરમ એણે કેવી છોભીલા પડી જઈને પ્રગટ કરી હતી !! માતા (અને જો દાનત હોય તો બાપ પણ) બાળકની શબ્દસાધનામાંથી ઘણું શીખી શકે છે !

આ નેટડે રહીને કીબોર્ડ પર મથનારાં આપણે સૌ શબ્દને પ્રયોજવાની સાથે કેટલી જાગૃતી રાખીએ છીએ તેની તપાસ આપણે જ નહીં કરીએ તો કોણ કરશે ?

આ તપાસ એ પણ સાધનાનો જ એક પ્રકાર છે. શબ્દ ભાવથી ભીંજાઈને કે વીચારથી શણગારાઈને પ્રગટ થવા માગતો હોય છે. ગદ્યમાં શું કે શું પદ્યમાં – શબ્દને સાંગોપાંગ અવતારવા માટે આપણે સાધકની ગંભીરાઈથી મથવું જોઈએ.

– જુગલકીશોર.