‘કોડિયું’નો દર્શક વિશેષાંક : વાંચો–વંચાવો !

મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિશેષાંક “કોડિયું” સામયિક માટે નીચેની લીંક ખોલો :

November Manubhai visheshank

Advertisements

મનુભાઈ : અમારા માર્ગદર્શક, ગૃહપતી, શિક્ષક–ગુરુજી ૧૯૬૨–’૬૬

  “કોડિયું : દર્શક વીશાષાંક”માં દર્શકની લાક્ષણીક મુદ્રાઓ

----------Untitled-1 scan0001

Untitled-2.jpg2

Untitled-3.jpg3

Untitled-6.jpg5

Untitled-7.jpg6

Untitled-8.jpg7

ત્રણ મહાન શિક્ષકોની છાયામાં ડાબેથી અનુક્રમે રવીન્દ્ર, પ્રવીણ, જુગલ
ત્રણ મહાન શિક્ષકોની છાયામાં ડાબેથી અનુક્રમે રવીન્દ્ર, પ્રવીણ, જુગલ

‘ઝેન–લંચ’ !

નોંધ : યોગાનુયોગ આજની દિવ્યભાસ્કરની રવીવારીય પુર્તીમાં શ્રી ગુણવંતભાઈનો મજાનો લેખ છે જેમાં ઝેનપદ્ધતીએ ભોજન કરવાનો મહીમા ગવાયો છે. જમતાં જમતાં ફક્ત પોતાની જાત અને ભોજનની થાળીમાં જ મશગુલ થઈ જવાની ઉત્તમ વાત એમાં લખી છે.

આજે સ્વ. ન.પ્ર.બુચ (અમારા બુચદાદા)ના ભોજનનો એક અંશ રજુ કરવાનો જ હતો જેમાં તેઓ જાત સાથે અને ભોજન સાથે તો ખરા જ પણ દેશના લાખ્ખો ગરીબોની જીવનશૈલી સાથે પણ કેવા એકાકાર થઈને જમતા તેની વાત કરવી છે.                                                                                                 – જુગલકીશોર

=========================================

“એક દીવસ બપોર હું મળવા ગયેલો. તેઓ જમતા હતા. માત્ર કોરી રોટલી, મેથીના સંભારમાં દાબીને નીરાંતે જમતા હતા. અસ્વસ્થ થઈ ગયેલો હું કશું બોલી ન શક્યો. તેઓ સમજી ગયા. કહે, ‘મારા નાનપણમાં એક ગરીબ માણસને મેં માત્ર રોટલી ખાતા જોયેલો. તેય ક્યારેક મળે, ક્યારેક નહીં. જે મળે તે સુકું–લુખું એ ખાતો. એ વખતે મને થતું કે એનાથી આટલી ગરીબાઈ કેમ જીરવાતી હશે ? એની તો લાચારી હતી, પણ હું તો એવા માણસોને યાદ કરીને ક્યારેક આમ ખાસ ગોઠવણ કરીને ગરીબાઈનો અનુભવ કરું ને પ્રસન્નતાપુર્વક આમ જમું છું.’” (શ્રી અનિલભાઈ ભટ્ટ. ‘બુચદાદા–સ્મૃતિગ્રંથ’માંથી)

તેમના આત્મચરીત્રમાંની નોંધ કહે છે કે, તેઓ પીતાના એકના એક પુત્ર હતા. ઉપરાંત ની:સંતાન મામા તથા ની:સંતાન માસી એ સૌનો વારસો બુચદાદાને મળેલો ! પણ તેમણે તે બધું મામા–માસી વગેરેનાં સગાંઓને જ સોંપી દીધેલું ! બલકે કોઈકોઈનું બાકી રહેલું દેવું પણ બુચદાદાએ ચુકવેલું. પુષ્પામાસીના અવસાન પછી તો તેઓ સાધકનું જીવન જીવતા.

નીવૃત્તી પછી સંસ્થાએ આપેલું માનદ વેતન પણ તેમણે પુરું સ્વીકાર્યું નહીં. એટલું જ નહીં પણ દર વર્ષે એક માસનું માનદ વેતન સંસ્થાને ભેટમાં આપી દેતા. તેમણે લખ્યું છે તે મુજબ તો તેઓ હંમેશાં ખેંચમાં જ રહેતા, પણ તે છતાં, સૌ જાણે છે કે, જ્યારે પણ કોઈ રકમ તેમની પાસે બચી હોય ત્યારે વીદ્યાર્થીઓને મદદ કરવામાં તેનો ઉપયોગ કરી નાખતા !

ગોવિંદભાઈ સરવૈયા લખે છે, “તેઓ ગાંધીયુગમાં, ને આઝાદી પછી ત્રેપન વરસ જીવ્યા. જીવનનીર્વાહથી વધારે પગાર ન લઈને, સંસ્થા–સમાજ પાસેથી ઓછું લઈ વધારેમાં વધારે કામ કરીને આપણને પ્રેરણા આપતા ગયા.”

છો ન કમાયો હેમ, (પણ) વિદ્યાર્થીજન સાથમાં

લીધો–દીધો  પ્રેમ; ધન્યભાગ્ય !  નટ નાગર !  – ન. પ્ર. બુચ.

 

ન.પ્ર.બુચની છાયામાં…

બુચ–પુષ્પની સુવાસ

તેમના વીશે તેઓ : “મારા જીવન પર, જીવનરીતી પર મોટી અસર તે ગાંધીજીની. તેમનાં લખાણોની. ૧૯૨૩થી ૧૯૨૯ સુધી હું પુણે રહ્યો તે જ વર્ષોમાં કોઈ પણ જાગૃત ને સંવેદનશીલ યુવાન તેમના પ્રયોગોની અસરથી ભાગ્યે જ મુક્ત રહી શક્યો હશે. હું સ્વભાવે બેસીને સુનારો. એટલે કૉલેજ છોડવાની કે સત્યાગ્રહમાં જોડાવાની એમની હાકલ સાંભળવા છતાં હું ન જોડાયો. પણ બીજી રીતે મારા જીવન પર ને વીચારો પર એમની અસર થઈ જ. મારા પીતાજી ‘નવજીવન’ સાપ્તાહીક મગાવતા. વેકેશનમાં હું વાંચતો. એમાં એમની ખાદીની, રાષ્ટ્રની જે કાંઈ સેવા જે રીતે થઈ શકે તે રીતે કરવાની, અસ્પૃશ્યતાનીવારણની, સાદાઈ ને જાતમહેનતથી જીવવાની વાતો ધીમેધીમે મારે ગળે ઉતરતી ગઈ અને આખરે મેં નીશ્ચય કર્યો કે હવે પછી ખાદી પહેરવી. આખરે મેં ૧૯૨૮ના જાન્યુઆરીથી ખાદી પહેરવી શરુ કરી; તે પણ ક્રમશ: વીદેશી વસ્ત્રો, માંચેસ્ટરનાં ધોતીયાં, ઇંગ્લીશ મીલનાં શર્ટ, હોલેન્ડના કોટ વગેરે એ ફાટતાં ગયાં તેમ છોડતો ગયો ને ખાદી પહેરતો ગયો. મને પુરાં ત્રણ વર્ષ આ ફેરફાર સ્વીકારતાં થયાં. એથી લાભ એ થયો કે મને ગાંધીજીની વાત, વીચારસરણી, ખાદીનું અર્થશાસ્ત્ર વગેરે પુરાં પચી ગયાં ને તેથી એક વાર પહેર્યાં પછીથી સ્વપ્ને પણ કદી ખાદી સીવાય બીજું પહેરવાની ઈચ્છા થઈ નથી. તે પુર્વે ૧૯૨૧માં જ્યારે સત્યાગ્રહની હવા પુરજોશમાં વાતી હતી ત્યારે દેખાદેખી ખાદી પહેરેલી જે ૧૯૨૨માં આપોઆપ ઉતરી ગઈ.” (‘મારે વીશે હું અને એક વી. આઈ. પી.ની આત્મકથા’ પૃષ્ઠ, ૨૬–૨૭)

મહાલક્ષ્મી અવરાણીના શબ્દોમાં તેઓ : “અમારી લોકભારતીની શાળાનાં બાળકોને હું કહેતી, ‘પુ. દાદા છે ને, તે આપણા ગાંધીબાપુ છે, સ્વાવલંબી હતા. પોતાનું બધું કામ જાતે જ કરતા. માસીનાં કપડાં ધોવે–સુકવે, ‘ગાંધીઈસ્ત્રી’ કરે, પાણી ભરે. માસીને ઘરનાં દરેક કામમાં, ચા–રસોઈમાં પણ મદદ કરે. વીજયાબહેન (પંચોળી) ઘણી વાર કહેતાં, ‘પુષ્પામાસીએ તો પાંચેય આંગળીએ દેવ પુજ્યા હશે જેથી આવા શાંત, પ્રેમાળ પતી મળ્યા !’ સવારે દુધ લેવા જાય, તાજા દુધની ચા પીએ, પાણી આવે ત્યારે નાની ડોલથી ભરે…તેમના ઘરની પાછળના ભાગમાં ઘાસ થાય પણ કોઈને કહે નહીં, જાતે જ…હું શાળાનાં બાળકોને કહું, ‘આજે આપણે ગાંધીબાપુને  ત્યાં ઘાસ કાઢવા જઈશું ને ?’ સૌ છોકરો તૈયાર !” (કોડિયું સ્મૃતિગ્રંથ પૃ. ૧૬૧માંથી સાભાર.)

તેમની કાવ્યપંક્તીઓ :

રાજપક્ષી (સ્રગ્ધરા)

પ્હોંચે ઉદ્ ઘાટનાર્થે નિત નિત સઘળે દેશને કોણકોણે,

માસે માસે ઊડન્તા મિષ લવ મળતાં પ્લેનપંથે વિદેશે;

રાજ્યે પ્રાધાન્યધારી કદીય ન નવરા ભારતી રાજપક્ષી

ઝાઝું આકાશમાર્ગે, ક્વચિત ન છૂટકે ભૂમિમાર્ગે ફરન્તા.

(તા. ૧૬,૯,’૬૯ની ટપાલમાંથી)

 

અલૌકીક વ્યક્તીત્વ : ન. પ્ર. બુચ

નોંધ : કોડિયું સામયિકનું સંપાદનકાર્ય સંભાળવાનું થયું ત્યારથી સર્વ મુ. નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ (દર્શક), મૂળશંકરભાઈ ભટ્ટ (મૂ.મો.ભટ્ટ)ના વીચારોને દરેક માસે પ્રકાશીત કરવાનું બને છે. નાનાભાઈના ચાર શિક્ષકરત્નોમાંના એક ન. પ્ર. બુચ અંગે પણ દર માસે કશુંક પ્રકાશીત થાય તે વીચારે ત્રણેય સંસ્થાઓનાં એ ‘બુચદાદા’ વીશે નીયમીત હપતા વાર લખવાનું શરુ કર્યું હતું. આ હપતાને સહેજ સાજ ફેરફાર સાથે નેટગુર્જરી પર પણ મુકવાનો લોભ જતો કરી શકતો નથી. ક્યારેક ક્યારેક આ મહાન વ્યક્તીની જીવનઝાંખી કરાવવાનું બને ત્યારે વાચકો તેને માણશે તેમ માનું છું. – જુ.

––––––––––––––––––––––––––––––––

સ્વામી આનંદ સાથે ન.પ્ર.બુચ
સ્વામી આનંદ સાથે ન.પ્ર.બુચ

બુચ–પુષ્પની સુવાસ

– જુગલકીશોર

ભાવનગરની દક્ષિણામૂર્તિ, આંબલાની ગ્રામદક્ષિણા મૂર્તિ અને લોકભારતી એમ નાનાભાઈની ત્રણે સંસ્થાઓના વાત્સલ્યમૂર્તિ બુચભાઈ આગળ જતાં બુચકાકા, બુચદાદા ને દીકરીયુંના દાદૂ તરીકે ઓળખાતા રહ્યા. ગુજરાત એમને એમના હાસ્ય લેખો અને પ્રતિકાવ્યો માટે ન. પ્ર. બુચ તરીકે ઓળખે. તેઓ પોતાની સહીએ પણ ન.પ્ર.બુચ રહ્યા…..હા, જ્યાં કોઈ મહત્ત્વનો મુદ્દો હોય, અરે કોઈને લગ્નપ્રસંગે કે શુભ પ્રસંગે આશીર્વાદ–શુભેચ્છા પાઠવવાનાં હોય ત્યારે આખી સહી જ તેઓ કરતા : નટવરલાલ પ્ર. બુચ….‘પૂરા નામ’ !

બુચદાદા વિશે બહુ લખાયું નથી, પરંતુ એમની વિદાય પછી પ્રગટ થયેલા સ્મૃતિગ્રંથમાં જે સંગ્રહાયું છે તેમાં લખનારાં સૌ વરસી પડ્યાં છે. બુચદાદા વિશે લખનાર કોઈ પણ હોય, સૌ કોઈ ભાવભીંજ્યા થઈને લખતાં રહ્યાં છે. એમના વિશે પ્રગટ થયેલો સ્મૃતિગ્રંથ બુચદાદાનો અનેક દૃષ્ટિકોણથી એમને ઓળખાવે છે. આ ગ્રંથનું મૂલ્ય જેટલું આંકીયે, ઓછું જ પડવાનું.

એમને પોતાની આત્મકથા લખવા માટે વારંવાર કહેવામાં આવેલું. પણ અલપઝલપ રચેલા પોતાના વિશેનાં હળવાં કાવ્યો સિવાય તેઓ પોતાના માટે કશું જ લખતા નહીં. અવારનવાર તેમની પાસેથી આત્મકથા મેળવવાનો પ્રયાસ થતો રહ્યો છે પરંતુ તેમણે સૌને નીરાશ જ કર્યા હતા.

છેક ૧૯૯૨માં એમના બેચાર ભુતપુર્વ વીદ્યાર્થીઓએ એમને આત્મકથા લખવા તૈયાર કર્યા ત્યારે “હું મારાં વીદ્યાર્થીઓને એ રીતેય ઉપયોગી થઈ શકતો હોઉં તો” આત્મકથાય લખીશ એમ કહીને તેમણે, પછી તો એકને બદલે બે આત્મકથનાત્મક વૃત્તાંતો આપ્યાં. જોકે આ બંને આત્મવૃત્તાંતો આપીને પણ તેમણે પોતાને, આત્મકથા છપાવીને પ્રગટ થવા દેવા જેવા માન્યા નથી તે તેમની અત્યંત નમ્રતા બતાવે છે. બીજા વૃત્તાંતનું શીર્ષક તેમણે “એક વી.આઈ.પી..ની આત્મકથા” એવું આપીને પછીય V.I.P.ને કેપીટલ અક્ષરોમાં લખવાને બદલે બીજી એબીસીડીના અક્ષરોમાં લખવાનું ગોઠવીને  v.i.p.નો અર્થ આ રીતે ઘટાવ્યો છે, “વેરી ઈન્સીગ્નીફીકન્ટ પર્સન !”

એમના વિશે ક્રમશ: લખવાનું શરૂ કરવા માટે એમના વિશેની બે ઉક્તિઓ અગત્યની છે. દર્શકે એમને ‘સદેહે વિદેહી’ કહીને ઓળખાવ્યા હતા જ્યારે મોરારિબાપુ લખે છે : “જીવનમાં કોઈ સ્થળે લાંબું રોકાવાનું થતાં સ્થળની પસંદગીમાં દ્વિધા થાય ત્યારે નિર્ણય માટે ધોરણ આવું રાખવું : ‘એ સ્થળે આસપાસમાંય જો ક્યાંય બુચદાદા જેવી સાધુચરિત વ્યક્તિ રહેતી હોય તો ત્યાં રોકાવું, વસવું અને સ્થિર થવું. એમના જેવાના સત્સંગને મોટો લાભ ગણીને ચાલવું.’

એમને ચોરાશી વરસ પૂરાં થયાં ત્યારે એમણે લખેલી સોરઠા છંદમાંની નીચેની રચનામાંનાં છેલ્લા બે શ્લોકોમાં એમની ફિલસૂફી સાવ સાદા શબ્દોમાં અત્યંત અસરકારક રીતે વ્યક્ત થઈ છે :

પંચાશીમે પડાવે   (સોરઠા)

ચાર  વીહું ને  ચાર  વરહું ઘોડો હાંકિયો,

“જીવાજી” અસવાર ! અવ ઘોડેથી ઊતરો.

થનગનતો તોખાર ગધ્ધાપચ્ચીસી તણો

ખેંચી ખેંચી  ભાર  હવે  થયો  છે ટારડુ.

હવે લાગતો થાક ઇંદરિયું  મોળી  પડી,

ઘોડાનો શો વાંક ? ચોરાશી પૂરાં કર્યાં.

લીધો–દીધો પ્રેમ વાટ વટ્યા હળવે મને,

પ્રેમ જ આપણ ક્ષેમ, એના ધરવ ન સાંભળ્યા.

આમ કહો તો એકલા દુનિયાને વહેવાર

પણ છૈયેં અન–એકલા સ્નેહાવરણ વચાળ.

જીવન સૌરભસાર “પુષ્પ” જમા મૂકી ગયું

સમરી વારંવાર ભર્યાં ભર્યાં મન રાખીએ.

જાવાને  તૈયાર,  રે’વામાં  વાંધો  નથી,

“જીવાજી”  અસવાર, હળવે હૈયે  હાલશું.

લગામ  રાખી  હાથ  હાંક્યે  રાખું ટારડું

નટનાગરના નાથ ! ઈશારે અટકી જશું.

–    ન.પ્ર.બુચ. તા. ૨૧–૧૦–૯૦.

(એક અંગત નોંધ : મુ. રતિકાકાને ચોર્યાશી પુરા થયાં ત્યારે મારા બ્લૉગ પરની આ રચના વાંચીને એમણે વાયા શ્રી બળવંત પટેલ મને ઉપરોક્ત કાવ્યનો ઉપયોગ કરવા પુછાવેલું. બુચદાદાની કૃતીના ઉપયોગ માટે તો પુછવાનું જ શું હોય ? પણ આ નીમીત્તે મને એમનો પુણ્ય પરીચય થયો ને કાકાની વીદાય સુધી રહ્યો.)

ગુજરાતી પ્રતીકાવ્યોના સર્જક
ગુજરાતી પ્રતીકાવ્યોના સર્જક

 

ન.પ્ર.બુચનું એકનીષ્ઠ વીશ્વ.

લોકદક્ષિણામૂર્તિ – એકનીષ્ઠ વીશ્વની દીશામાં

ન. પ્ર. બુચ 

દીકરીઓના ‘દાદુ’ ન. પ્ર. બુચ
દીકરીઓના ‘દાદુ’ ન. પ્ર. બુચ

આ ઉપર મૂકેલો ફોટોગ્રાફ, આમ તો સામાન્ય ગ્રુપફોટા જેવો જ ફોટોગ્રાફ છે. ઘણાં વીદ્યાર્થી બહેનો, ભાઈઓ મારી સાથે, મનુદાદા (દર્શક)સાથે આમ ફોટો પડાવે છે. પણ આ ફોટોગ્રાફ મેં મારી જ ઇચ્છાથી, અને વીશીષ્ટ હેતુપુર્વક પડાવ્યો છે.

જુઓ, એમાં વચ્ચે જે ઘરડો ખખ્ખ છે તે પોતાને સર્વોચ્ચ માનતી નાગર જ્ઞાતીનો, ૮૭ વર્ષનો (૧૯૯૩માં) ન.પ્ર.બુચ. એની પડખે પારીજાતના ખીલેલા ફુલ જેવી બેઠી છે તે, એ જ જ્ઞાતીની સાત વરસની મીઠુડી માનસી (હસિત – EUM – પંકજ મહેતા;) મારી જમણી બાજુ બેઠી છે તે મુસ્લીમ છોકરી ચી. સકીના બાદી, મારી ડાબી બાજુ બેઠી છે તે અનુસુચીત જનજાતીની છોકરી ચી. હીના પટેલ; અને મારી પાછળ મારા ખભા પર માથું ટેકવી (જાણે મને બીજું માથું ઉગ્યું હોય !) બેઠી છે તે અનુસુચીત જાતીની છોકરી ચી. જ્યોત્સ્ના ડોડિયા.

આ ફોટોગ્રાફ આપણી લોકદક્ષીણામૂર્તીની વીશેષતા બતાવે છે. જ્યાં ન્યાતજાતના, ધર્મોના કશા ભેદભાવ વીના બધાં પરીવારજનો, છાત્રાલયોમાં, ઘરોમાં એક સાથે રહે છે, ખાય છે, પીએ છે, હસે–રડે છે, પરસ્પર પ્રેમ દે–લે છે, જ્યાં સ્ત્રીઓને પુરુષ સરખું જ સ્થાન છે; જ્યાં બાળક મુક્તપણે વીકસી શકે છે.

ઉપનીષદકાળથી પૈગંબરો, સંતો, મુનીવરોએ આપણું આખું વીશ્વ એક માળા જેવું બને એવાં સ્વપ્નો સેવ્યાં છે. જેને માટે સંસ્કૃતમાં ॥ यत्र विश्वं भवत्येकनीडम् ॥ એવી ઉક્તી છે.

નાનાભાઈએ ભાવનગરમાં સંસ્થા શરુ કરી ત્યારથી ધીમી ગતીએ પણ આ જાતની સમાજરચના માટે તેમણે પ્રયત્નો શરુ કરેલા. શરુઆતમાં ત્યાં જ્ઞાતીભેદ હતા; હરીજનોને શાળામાં પ્રવેશ ન હતો. ધીમે ધીમે એ ઉણપો દુર થતી ગઈ. આંબલા ગયા પછી એથીયે આગળ અ–ભેદભાવ વીકસ્યો. આજે તો હવે આપણે ઉપર વર્ણવી તેવી ઈષ્ટ સ્થીતીમાં પહોંચ્યાં છીએ.

આ દીશામાં હજુ આપણે ઘણું વીકસવાનું છે. પ્રદેશવાદ ક્યારેક ક્યારેક ડોકીયાં કરે છે. તે જ્ઞાતી કે ધર્મભેદની જેમ સમુળ જવો જ જોઈએ. એમાં વળી શીક્ષણમાં પણ એફ. વાય, એસ. વાય ને અધ્યાપન–લોકસેવા વચ્ચે પણ ભેદ પાડવામાં આવે ત્યારે દુ:ખ અને આશ્ચર્ય થાય.

આજની આપણા દેશની નાજુક ને દુ:ખદ પરીસ્થીતીમાં આપણે આપણી વચ્ચેના આ સમભાવ ને સમતાનું પુન:સ્થાપન કરવું જોઈએ. મેં મથાળે લખ્યું તેમ આપણી “લોકદક્ષીણામુર્તી”એ એકનીષ્ઠ વીશ્વ બનાવવાની દીશામાં અનુસર થઈ તેમાં ફાળો આપવાનો છે.

આજના જ્ઞાતીભેદ અને ધર્મદ્વેષ અને પ્રદેશવાદી માનસના ખારા દરીયામાં આપણે નાની સરખી મીઠી વીરડી બનીએ. કરવા જેવાં કામો બીજા કરે તેની રાહ ન જોવાય. ॥ शुभस्य शीघ्रम् ॥ એકનીષ્ઠ વીશ્વના ભાવીના સ્વપ્નને આપણા મનમાં સ્થાપીએ. ચાલો આપણે વર્તમાનની ક્ષણેક્ષણ એક થવામાં, એક રહેવામાં, એક બનાવવા, રાખવામાં, જાગ્રત રહી યથાશક્તી પ્રયત્ન કરીએ.

પ્રભુના આશીર્વાદ આપણા સૌ ઉપર ઉતરો.

લોકભારતી, તા. ૬, ૫, ’૯૩.                                         – ન. પ્ર. બુચ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

aUntitled-1મૂ.ભાઈની પાછળ જુભૈ.૧૯૬૫

‘લખવું એટલે…’નો અંતીમ ભાગ : “લખો, લખો”

(“લખવું એટલે… …” લેખ શરુ કર્યો ત્યારે કલ્પના નહોતી કે બુચદાદાના પત્રો પણ  આ લેખમાળાનો ભાગ બનશે ! પણ પછી યાદ આવ્યું કે મને લખતો કરવામાં એમનો ઘણો મોટો હાથ રહ્યો હોઈ એમના પત્રોની ફોરમ કેમ ન વહેંચું ? બ્લૉગના ત્રણ ભાગમાં ફેલાયેલા આ પત્રો મારી સાવ અંગત બાબત હોઈ એને આરંભના શીર્ષકમાં બતાવેલા શબ્દો મુજબ આ પણ “કેટલુંક સાવ અંગત” છે. ને છતાં કોઈનેય તે ગમે તો ભલે…તેમ ગણીને લોભ રાખ્યો છે.)

– જુગલકીશોર.

 

બુચદાદાના પત્રોને એક ઉત્તમ શીક્ષકના પત્રો ગણીને એમાંના સંદેશાઓ પીવા જેવા છે. વર્ગમાં તો શીક્ષક કદાચેય ઉપદેશક લાગે. પત્રોમાં તો એમનો ઉપદેશ પણ ભાર વીનાનો રહ્યો છે. બાળકોને વારતા કહે ત્યારે તેઓ શરુઆતમાં જ વાર્તા સાંભળનારને વાર્તાનું પાત્ર બનાવી દેશે. પોતાના નામને બગાડીનેય પોતે પણ પાત્ર બની જશે ને કહેશે, “જો, તું જટો ને હું નટો, બરાબર ?”  પછી તો વાર્તા સાંભળનાર ને કહેનાર ખુદ જ વાર્તા બની રહે.

તેમણે કેટલાક પત્રોમાં ગંભીર વીષયોની ચર્ચા કરી છે. સાવ સહજ ભાવે ને વાગે નહીં તે રીતે. ગાંધીજીની પસંદગીનું ફુલ કપાસનું હતું, એની ઉપયોગીતાને કારણે. બુચદાદા ગંભીર વાતોને મારી દૃષ્ટીએ આ રીતે રજુ કરે છે : કપાસના સાવ ખુલી ગયેલા (પાકી ગયેલું કપાસનું જીંડવું પણ ફાટીને ફુલ જેવો આકાર ધરે છે) ફુલ જેવા જીંડવાને જ ફુલ તરીકે આપણા બુશકોટના ગજવા ઉપર ભરાવી આપે છે, પત્રોમાં. પત્રો દ્વારા તેઓ આપણી સાવ પાસે આવે છે. ને પછી ફુલ ભરાવીને જતા રહેતા નથી – આપણી કને તેમના પત્રરુપે તેઓ સચવાયેલા, હાજરાહજુર હોઈ એમના પુષ્પરુપ હળવા વ્યક્તીત્વનો પછી ભાર લાગતો નથી.

તા. ૪, ૧, ’૯૧ના પત્રમાં લખે છે : “વીનોદને તમે કે જવાહરે વાત કરી હશે તેથી તેનો પત્ર હતો. (આ વીનોદે કટોકટીમાં જે વેઠેલું તેને લીધે તેને શારીરીક રીતે બહુ જ ભોગવવું પડેલું.) આપણા જે મીત્રો આ રીતે આર્થીક અને અન્ય અગવડો વેઠીનેય નબળા સમાજની સેવા કરે છે તેને માટે મારા મનમાં આદર છે – હેત તો હોય જ, પણ એય મારા માટે તો ‘વાઈકેરીયસ સેટીસફેક્શન’ જ છે.”

એમના પત્રોમાંનું ચોથું તત્ત્વ તે મારી વ્યક્તીગત અને કૌટુંબીક બાબતો. તે સાવ વ્યક્તીગત હોવા છતાં એમાં પ્રગટ થતી વીશીષ્ટ ફોરમને સહુમાં વહેંચવાનું મન રોકી શકાતું નથી. આ લેખના અંત ભાગમાં કેટલાક પ્રસંગો રજુ કરું તો તે અસ્થાને નહીં ગણાય.

છેલ્લા વર્ષમાં હતો ત્યારે લવાજમ ભરવા લીધેલી લોનનો છેલ્લો હપતો રુ. ૧૦૦/–નો હું ભરી શક્યો ન હતો. તેઓ મારા જામીન હતા. મુદત પુરી થવામાં હતી ને તેમનો પત્ર આવ્યો. પેટમાં ધ્રાસકો પડ્યો. કોઈ હીસાબે હું ભરી શકું એમ ન હતું. વેતરણમાં હતો પણ સગવડ થઈ નહીં…પણ દાદાને ખબર પડી ગયેલી એટલે લખ્યું : “ચારનો જામીન છું. લોન વીશે લખ્યું તે અવીશ્વાસને લીધે નહીં પણ ફક્ત સચીંતતા માટે જ. તમને મુશ્કેલી હશે. હોય તો જણાવશો. હું કાંઈક વ્યવસ્થા કરીશ.”

આવા ગુરુજીને મેં સપડાવ્યાના વીચારે હું વલોવાઈ ગયો. પણ એમણે તો હપતો ભરીને મને લખ્યું કે “હવે તમે એ બાબતે પુરા નીશ્ચીંત થશો. ને બધો ભાર ઉતારી નાખજો….સંવેદનશીલ માણસને આભારવશતાનોય ભાર લાગે પણ તેય તમે લેશ માત્ર ન રાખશો. જામીન તરીકે પ્રતીષ્ઠા સીવાય બીજી કોઈ ચીંતા કે શંકાકુશંકા મનમાં ન હતી અને નથી તેની ખાતરી રાખજો. કદાચ પૈસા ન ભરાય તોયે શું ? ઘી ઢોળાયું તે ખીચડીમાં જ છે. તમે બધાં મારાં જ છો. (એમને કોઈ સંતાન નહોતું પણ લો.ભા.નાં નાનાંમોટાં સૌ કોઈ પોતાને એમનું સંતાન માનવામાં ગૌરવ લે.) આ વાત આપણા બેની વચ્ચે જ રાખજો. ઘરનાં કોઈ પર દબાણ ન લાવશો. હવે પુરા હળવા થઈ જાઓ અને એમ. એ.માં પ્રથમ વર્ગ લાવજો…” પત્રમાં દાદાએ ઓફીસમાં રકમ જમા થયાની પહોંચ પણ બીડી હતી !! ( હું તો એમને હેરાન કરીનેય પાછો – એમના આશીર્વાદથી જ હશે ને – પ્રથમ વર્ગમાંય પ્રથમ આવેલો જેનો તેમને અત્યંત હર્ષ હતો.)

લોન ભરાઈ છતાં એનો કોઈ આનંદ ન રહ્યો. મન–હૃદય પર વાદળાં ઘેરાતાં જ ગયાં. એવામાં તા. ૨૧, ૯, ’૬૮ના રોજ એક લાંબો પત્ર મળ્યો. એમાં તેમણે જણાવ્યું હતું કે પોતે ભણતા ત્યારે ગોંડલ બાપુની રૈયત તરીકે લોન લીધેલી. સ્વરાજ પછી વીલીનીકરણ આવતાં રાજ્ય જ ન રહ્યું ત્યાં લોનની રકમ પાછી કોણ લે ? એ પૈસા રાજ્યના હતા. હું દેવાદાર હતો. હવે એ તમને સોંપું છું. ઝાડુની રમતમાં ઝાડુ તમને સોંપ્યું ! લખે છે, “મારી આ ઋણફેડના નીર્ણય મુજબ તમે આ રકમ મોકલશો નહીં.” દાદાના નીર્ણયની પારદર્શીતા અને ચોક્કસાઈ કેવી હતી તેનો પુરાવો પણ જાણવા જેવો છે ! પરબીડીયામાં પત્રની સાથે જ એક સહી સાથેની પહોંચ પણ બીડી હતી ! જે બતાવતી હતી કે મારા તરફથી તેમને પુરા પૈસા મળી ગયા છે !!!

ને છતાં વાત કાંઈ આટલેથી પતતી નથી ! આ ઋષીવર દાદાએ છેલ્લે જે લખ્યું છે તે તો દૈવી બાબત જ ગણવી રહી. પહોંચ મોકલીને પછી પાછા મારી મદદ માગે છે ! લખે છે : “મોહ અને આસક્તીમાંથી છુટવું સરળ નથી. પણ આટલા પુરતો પણ છુટી શકું તેમાં મને મદદ કરશો તેવી આશા રાખું છું….એ રકમનો તમે શો ઉપયોગ કરશો તેની પણ જાણ મને ન કરશો…..” આ બાબત અંગે કંઈ પણ જાણવાની ઈચ્છાનેય નામશેષ કરીને તેમણે તો સ્વસ્થતા મેળવી લીધી પણ હું તો ઝંઝેડાઈ ગયો. આ આખો પ્રસંગ મેં એમની વીદાય પછી જ પ્રગટ કરવાની હીંમત – એમના સ્મૃતીગ્રંથ નીમીત્તે – કરી છે. એમના પત્રોની મારી ફાઈલમાં તો હજી બધું અક્ષરશ: પડ્યું પડ્યું દાદાને મારામાં જીવંત રાખે છે.

મને નોકરીની બાબતે ઈડર કૉલેજ, સમોડા ગ્રામ વીદ્યાપીઠ અને કેન્દ્ર સરકારની શ્રમીક વીદ્યાપીઠનાં કાર્યક્ષેત્રો બાબત તેમણે ઘણું લખ્યું છે. શીખામણો તો ખરી જ પણ કાર્યક્ષેત્રોની સુક્ષ્મ ને સંભવીત ક્ષતીઓ પણ બતાવતાં રહીને મને દોર્યો છે. લોકભારતીના વારસાનું મોણ નાખીને એમણે બધું પીરસ્યાં કર્યું છે. મને સારો કાર્યકર બનાવવા એમણે બહુ કાળજી લીધી છે.

મને લેખક–કવી બનાવવા માટે પણ ઓછી મહેનત નથી લીધી. મારાં કાવ્યલેખનને દીશા આપવામાં એમનો બહુ મોટો ફાળો છે. છંદમાં કાવ્યો લખનારાં તે દીવસોમાં ત્યાં બહુ ઓછા હતા. મને એ સારું ફાવે. લગભગ દરેક પત્રમાં મને લખતાં રહેવાનું એમણે કહ્યા કર્યું છે. એનું સુફળ જે મળ્યું છે તે મારું અંગત હોવા અહીં રજુ કરવા રજા લઉં છું.

“તમે હમણાં કવીતા લખતા નથી. કવીતા જીવતા ભલે હશો. પણ એ દોર ફરી સાંધો. તમારી પાસે તે માટે જરુરી સંવેદનશીલતા અને આવીષ્કારશક્તી છે જ. હળવું અને ગંભીર બન્ને તમને ફાવશે. મનોહર (આપણા કવિ મનોહર ત્રિવેદી) સારી પ્રગતી કરે છે. રમણિક ભટ્ટ ક્યાંક અટકી પડ્યા છે. તેમને પણ જગાડવા ઈચ્છું છું. પણ તમે તો કવીતાલોકમાં પાછા જાઓ એમ ઈચ્છું. એમાં વળી હવે તો ઈડરના પહાડી ને વનપ્રદેશમાં છો. તે પણ પ્રેરણા આપશે. ઈડરે જ આપણને ઉમાશંકર આપ્યા.”

પણ આપણા રામને ઉમાશંકરની કેડીએ ચાલવાની જ આળસ હોય ત્યાં શું થાય ? તેઓ આ જાણતા હશે. લખે છે, “જુનાં પ્રતીકો અને છંદોબદ્ધ કવીતા તમને ફાવે છે. નવાં પ્રતીકોની રાહ જોવાની સાથે જુનાથી કામ ચલાવવું. જુનાં કપડાં પણ નવાંને અભાવે પહેરીએ જ છીએ ને ?” પછી એક સુંદર ઉપમાથી શણગારીને લલચામણું વાક્ય મુકે છે : છંદોબદ્ધ કવીતાઓ લખનારાઓ શુદ્ધ ખાદી પહેરનારાઓની જેમ ઓછા થતા જાય છે. તો તમારા જેવા રહ્યાસહ્યા તે સાચવી રાખે તો ફરી લોલક છંદ તરફ જ્યારે જાય ત્યારે એની પણ કીમત થાય….વીદ્યાર્થીઓમાં અને અધ્યાપકોમાંય છંદની સમજણ અને પકડ ઓછી થતી જાય છે. તમે એ ધરાવો છો તે જવા ન દો તેમ ઈચ્છું.” *

એક વખત તો “તમે લખતા નથી એ અમારી ખાસ ફરીયાદ છે. ગૃહપતીનું કામ (સમોડામાં) કવીત્વને બાધક નહીં, પ્રેરક છે. કારણ કે એ કાર્યમાં જીવનના વીવીધ અનુભવો થાય છે. લખો, લખો.”

‘લખો’, ‘લખો’ કર્યા પછી એમણે મને લખવાનું કહેવાનું કહેવાનું બંધ કરી દીધું જણાય છે. પણ એ ‘લખો–લખો’એ જ મારા સુષુપ્ત મનમાં હલચલ મચાવી મુકી હશે. એનું ચમત્કારીક પરીણામ જે આવ્યું તે રજુ કરવા આટલું લંબાણ કરવું પડ્યું છે ! એ પછીનાં વર્ષોમાં બુચદાદાને જે બહુ ગમતું તેવા સાવ નબળા કહેવાય તેવા માનવી – શ્રમીકો –ને ભણાવવાના કામમાં હું જોતરાયો. એમાં ગળાડુબ રહ્યો. એણે મને માનવીનો આંતરબાહ્ય પરીચય કરાવ્યો. એ બધું મેં કાગળ ઉપર ગદ્યમાં ઉતાર્યું. સાઈક્લોસ્ટાઈલ કરેલા કાગળોમાં એ બધું દાદાને મોકલ્યું. જે જવાબ આવ્યો તે મારા જીવનનો મહત્ત્વનો પ્રસંગ બની રહ્યો. બુચદાદાની ફરીયાદો મને યોગ્ય જગ્યાએ વાગી હશે પરીણામે એમનેય પારાવાર સંતોષ થવાથી મને અનેકગણો આનંદ થયો.

“તમે આપેલ લીથોગ્રાફ લખાણો વાંચવાં શરુ કર્યાં. થોડાંક જ વાંચ્યાં. પણ બધાં ગદ્યકાવ્યો જ છે. સ્વ. પુજ્ય ઈસ્માઈલદાદાનું ‘વનસ્પતિ દર્શન‘ હીન્દીમાં વાંચ્યું છે તે યાદ આવ્યું. તમારાં લખાણો વધુ સાદી, સરળ ભાષામાં પણ મને તો એ પ્રકારનાં જ લાગ્યાં છે. એટલે હવે તમે કાવ્યો લખતા નથી તે ફરીયાદ હું સાનંદ પાછી ખેંચી લઉં છું.

“કરુણરસ રસોમાં શ્રેષ્ઠ ગણાય છે. સમાજજીવનના ઘણા મોટા કરુણ ભાગમાં તમારા જેવા કવીહૃદયને કાવ્ય દેખાય અને તમે તે ભાવને સ–રસ વાણી આપો તે સ્વાભાવીક અને ઉચીત છે. આમાં મારો પક્ષપાત નથી– તટસ્થ ભાવ છે, એમ મને લાગે છે. મારા મૂલ્યાંકનની મર્યાદીત શક્તી ભલે હોય.”

મુલ્યાંક શક્તીને (જો હોય તો !)અવગણીનેય એમના તરફથી મળેલો આ પ્રતીસાદ મારે મન તો ‘મહાપ્રસાદ‘ જ હતો !

મારા વ્યક્તીગત ઉપરાંત કુટુંબજીવનમાં પણ એમણે ઉંડો રસ લઈને અમને સૌને પોતાના સ્નેહાવરણમાં વીંટાળી રાખ્યાં છે. આ લેખ દ્વારા એમને (અને બધા જ ગુરુજનોને) મારી અંજલી આપતો હોઉં એવું માનીને આ લખી રહ્યો છું. લોકભારતીએ, નાનાદાદાએ ને એમના વારસદાર શીક્ષકોએ અમને કેટકેટલું આપ્યું છે ! સૌને એ મળ્યું છે, મને એકને નહીં. મેં તો આ, એમના પત્રોને આધારે જ આટલું મુલ્યાંકન કર્યું. પત્રોની બહાર પણ બુચદાદા તો આકાશને આંબે એટલી ઉંચાઈના જોયા જ છે ને ! આ લખાણમાં તો ફક્ત પત્ર–પુષ્પોમાં ફોરમતા સચવાયેલા બુચદાદાની મહેંકતી ફોરમ જ યથાશક્તી વહેંચી છે. (એમના સ્મૃતીગ્રંથ માટે લખ્યા તા. ૫, ૯, ૨૦૦૨)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

* (સોનલ વૈદ્ય દ્વારા છંદો પરનો મારો નેટ–ઈન્ટરવ્યુ લેવાયો ત્યારે મને બુચદાદા જાણે સાક્ષાત્ થયાનો ભાવ થયેલો. છંદોબદ્ધ કાવ્યો માટેનો તેમનો આગ્રહ હું તો બહુ ઝીલી ન શક્યો પણ છંદો પરનાં મારાં લખાણો દ્વારા હું દાદાના આદેશને જ પાળી રહ્યો છું.)