દાવડાજી મારે આંગણે… …

નોંધ : સમગ્ર નેટજગતમાં એક બ્લૉગજગત પણ વસે છે. કેટલાંક સામાજીક માધ્યમોની માફક ભલે, ધમધમતું તે નહીં હોય પરંતુ બ્લૉગજગત લેખકો–વાચકો માટેનું એક બહુ મોટું સંપર્કસ્થાન બની રહ્યું છે. અહીં બહુ ફેંકાફેંકી ચાલતી નથી. કેટલાક લેખકો પોતાની ઉર્મીને અહીં વહાવીને સંતોષ લે છે તો કેટલાક અગત્યની માહીતી પ્રગટ કરતાં રહીને વર્તમાન જ નહીં પણ ભવીષ્યના વાચકો માટે એક સંગ્રહ તૈયાર કરી રહ્યાં છે. ભાષા, સાહીત્ય અને માહીતીસંગ્રહો એમ ત્રણ મુખ્ય ભાગો પાડીને કહીએ તો આ બ્લૉગજગતમાં છેલ્લાં બારેક વર્ષોથી અઢળક પીરસાયું છે……

કેટલાક નીષ્ઠાવાન બ્લૉગ/સાઈટ પ્રકાશકોની કામગીરી ધ્યાન ખેંચનારી હોય છે. આવી કેટલીક પ્રવૃત્તીઓને શક્ય તેટલી પ્રકાશમાં લાવવાની જરુર, જરુર જણાય છે. આ જ કારણ સર આજે “દાવડાનું આંગણું” એના પ્રકાશકને કહીને હું મારે આંગણે લઈ આવ્યો છું. જે કાંઈ માહીતી મુકાઈ છે તે શ્રી દાવડાજીના પોતાના જ શબ્દોમાં રહેવા દઈને તે પ્રગટ કરી રહ્યો છું…….આશા છે કે આપ સૌને ગમશે. – જુ.)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

આંગણાંનું એક વર્ષઃ

મારા સુરતમાં રહેતા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરના આગ્રહને વશ થઈ મેં દાવડાનું આંગણુંની ૧ ડિસેમ્બર ૨૦૧૬ના શરૂઆત કરી. ત્યારે મારી ઇચ્છા એને એક બ્લૉગનું સ્વરૂપ આપવાની ન હતી. મારો વિચાર ૨૦૧૦થી ૨૦૧૬ની વચ્ચે મિત્રોને ઇ–મેઈલ દ્વારા મોકલેલાં મારાં લખાણ, જેમાંનાં મોટાભાગનાં આપોઆપ બ્લૉગ–પોસ્ટ બની અલગ અલગ બ્લૉગ્સમાં વિખરાયલા પડેલા હતા, તેમને એક જગ્યારે એકત્ર કરી સંગહી રાખવાનો હતો. આ નિર્ણયને અનુસરીને મેં અલગ અલગ ૧૬ ઇ–બુક્સ બનાવીને ‘દાવડાનું આંગણું’માં અપલોડ કરી.

માર્ચ ૨૦૧૭ સુધી બીજી કોઈ પ્રવૃત્તિ કરી નહીં. આ ચાર મહિનામાં માત્ર ૩૫૦૦ મુલાકાતીએ મુલાકાત લીધી, એમાનાં ૧૮૦૦ તો પ્રથમ મહિને કુતુહલવૃત્તિથી આવેલા. માર્ચ મહિનાની અધવચ્ચે મારા મિત્ર ડૉ. કનક રાવળ સાથે સલાહ કરી ૨૮મી માર્ચ ૨૦૧૭થી કલાગુરુ શ્રી રવિશંકર રાવળની સચિત્ર કથા અને એમનાં દોરેલાં ચિત્રોનું વિવરણ રજૂ કરવાની શરૂઆત કરી. આ નવા વિભાગને લલિતકળા નામ આપ્યું. આ વિભાગમાં સતત ૫૫ પોસ્ટ મૂકી, અને આંગણું મહેમાનોથી મહેકવા માંડ્યું. આ વિભાગમાં શ્રી ખોડિદાસ પરમારનાં ચિત્રો અને એમનું વિવરણ ૧૪ અઠવાડિયા ચાલ્યું. ત્યાર બાદ હોમાયબાનુની ફોટોગ્રાફીમાં પણ વાચકોએ સારો રસ દર્શાવ્યો.

૩જી જૂન ૨૦૧૭એ ‘ઉજાણી’ નામ આપીને વાચકોની કૃતિઓ સ્વીકારવાની શરૂઆત કરી. ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો. અત્યાર સુધીમાં ૫૦ મિત્રોની કૃતિઓ આંગણાંમાં મુકાઈ ચૂકી છે.

૧૭ મી જુલાઈ ૨૦૧૭ના આંગણાના સદનસીબે Bay Areaના જાણીતાં લેખિકા અને કવયિત્રી જયશ્રી વિનુ મરચંટે, ધારાવાહી વિભાગની જવાબદારી સંભાળી અને પોતાના અનુભવો લખવાની શરૂઆત કરી. આંગણાના મુલાકાતિઓની સંખ્યા વધવા લાગી. પ્રતિભાવો ઉપરથી લાગ્યું કે આંગણાંનું માન વધ્યું છે.

૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૭ના ગુજરાતના સાક્ષર શ્રી બાબુભાઈ સુથારે આંગણાંમાં ઝરૂખો વિભાગ શરૂ કરી, એમાં પોતાની આપવીતી મૂકવાની શરૂ કરી. આંગણાંની પ્રતિષ્ઠા વધી. અમેરિકાના વધારે જાણીતા સર્જકો આંગણાંમાં રસ લેવા લાગ્યા. આશા છે કે આંગણું સ્વચ્છ, શિષ્ટ અને લોકભોગ્ય કલા અને સાહિત્ય રજૂ કરવામાં આગળ વધતું રહેશે.

*****   *****   *****

સમયપત્રક :

આંગણામાં અઠવાડિયાના દરેક દિવસને એક વિષય આપવામાં આવ્યો છે અને તે મુજબ લખાણો નિયમિત પ્રસિદ્ધ થતાં રહે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આ સમયપત્રક આ પ્રમાણે છે :

સોમવાર : જીવનકથા, નવલકથા, ઈતિહાસ અને એક જ સર્જકની કૃતિઓ. સમયગાળો ૩ મહિનાથી છ મહિના.

મંગળવારઃ ઉજાણીઃ આંગણાના વાચકો અને મહેમાનોની કૃતિઓ, નિબંધ, વાર્તા, કવિતા, લેખ વગેરે.

ઉજાણીમાં આસરે ૬૦ લોકોના લખાણો મૂકાયા છે.

બુધવારઃ લલિતકળાઃ ચિત્રકળા, ફોટોગ્રાફી, શિલ્પકળા

લલિતકળામાં કલાગુરૂ રવિશંકર રાવળ, શ્રી ખોડિદાર પરમાર અને શ્રી કાર્તિક ત્રિવેદીની ચિત્રકળા, હોમાયબાનુ વ્યારાવાલા અને જગન મહેતાની ફોટોગ્રાફી મૂકાઈ છે.

ગુરુવારઃ મારો ખૂણોઃ સંપાદક પી. કે. દાવડા

પી. કે. દાવડાના લખાણ

શુક્રવારઃ ઝરૂખોઃ સંપાદક શ્રી બાબુ સુથાર

ઝરૂખોમાં શ્રી બાબુ સુથારના ૧૩ લેખ મૂકાયા છે, બીજા ૧૩ નિર્ધાર્યા છે.

કોઈપણ જાણીતા સાહિત્યકારની ૩ થી ૬ મહિના સુધી કૃતિઓ.

શનિવારઃ જાન્યુઆરી ૨૦૧૮થી શરૂઆત શ્રી ગુર્જરીના સંપાદક શ્રી કિશોર દેસાઈના સંપાદકીયથી કરવામાં આવશે. ૩ મહિના માટે આ સ્લૉટ એમને આપ્યો છે.

રવિવાર : કોઈ પણ વિષય ઉપર જાણકારીઃ સંપાદક નક્કી નથી.

હાલમાં હું હોમિયોપેથી વિષે લખું છું.

*****   *****   *****

કેટલાક પ્રોત્સાહક પ્રતિભાવો :

એક વરસના ટૂંકા ગાળામાં આંગણુંનાં વાંચકોની સંખ્યા ૧૭૦૦૦ સુધી પહોંચી  ગઈ. ૧૧૦૦ જેટલા પ્રતિભાવો આંગણામાં મુકાયા. એટલા જ પ્રતિભાવો મને ઈ–મેઈલ દ્વારા મળ્યા.

અહીં નમૂના તરીકે મેં માત્ર થોડા પ્રતિભાવો જ રજૂ કર્યા છે :

ડૉ. દિનેશ ઓ. શાહ :

દાવડા સાહેબના આંગણાંમાં જનાર દરેકને વિવિધતા ભરેલી વાનગીઓ ભોજનમાં મળશે! હું તો નિયમિત સભ્ય તરીકે સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લઈશ.

જીગિષા દિલીપ પટેલ :

દાવડા સાહેબ, આપના આંગણાંનાં ચબૂતરામાં મોર, પોપટ, ચકલી, બુલબુલ બધાં પક્ષીઓ ચણતાં ચણતાં આનંદ કરી રહ્યાં છે. હું પણ એક નાનું પક્ષી બની આનંદ લઈ રહી છું. આંગણાંમાં વીણી વીણીને દાણા નાખવા બદલ આભાર.

ઊર્મિ રાવલ :

શ્રી દાવડાસાહેબ, હું રવિભાઈની પૌત્રી છું. મારા પિતા નરેન્દ્રભાઈ રવિભાઈના જ્યેષ્ઠ પુત્ર હતા. મારું મન આનંદ અને અન્ય પ્રકારની લાગણીઓથી ભરાઈ જાય છે, જ્યારે હું મારા બાપુ વિશે વાંચું છું કે કેવી રીતે દુનિયા એમને અને કલાક્ષેત્રમાં એમના કાર્યને યાદ કરે છે, અને એમના સાહિત્યના ક્ષેત્રના અનુદાનને સંભારે છે ! તમારા આંગણાંમાં આવીને મને આનંદ મળે છે. તમારી રચનામક પ્રવૃત્તિ વખાણવા લાયક છે. અમારા તરફથી હાર્દિક આવકાર ને આભાર. તમે મારા દાદાની યાદો સાચવી છે. હું તમને તમારી સફળતા માટે શુભેચ્છા આપું છું. ઈશ્વર કરે ‘દાવડાનું આંગણું’ સદા ફૂલે-ફળે.

ધીરજલાલ વૈદ્ય :

આત્મીય દાવડાજી, આપનું સંશોધન, અને તેની નિર્દંભ, નિર્પેક્ષ અને નિર્ભય સહજ અને સરળ હૈયાઉકલતભરી રજૂઆત અને તેનું આ રીતે સંકલન કરી, “દાવડાનું આંગણું”રૂપે સમાજને સમર્પણ દ્વારા, એક સાત્વિક માર્ગ-દર્શક પૂરો પાડ્યો છે.

 કૅપ્ટન નરેન્દ્ર :

દાવડાજી, આપના આંગણામાં પરબ છે, ભજનની અને જ્ઞાનની લ્હાણી છે. અમારા જેવા લોકો આવી, લાભ લઈ, બંને હાથ ઊંચા કરી ધન્યવાદની લાગણી બતાવી જતા રહેતા હોય છે. આવી જગ્યાએ હાજરીપત્રક અથવા વિઝિટરબુકની શી જરૂર? આપના ધ્યેયસૂત્ર મુજબ ‘રામ નામ લિયે જા આપના કામ કિયે જા’ ઉત્તમ માર્ગદર્શક છે.

પ્રવીણ શાસ્ત્રી :

આપનો બ્લૉગ સડસડાટ ઊંચાઈ પર પહોંચી રહ્યો છે. લાંબા સમય પછી મેં બ્લૉગની મુલાકાત લીધી. થોડું વાંચ્યું, ઘણું બાકી છે. એક આખો દિવસ બ્લૉગ પર ગાળવો પડશે. તોયે પૂરું તો ન જ થાય. તમે રિચર્ચ પાછળ ખૂબ જ પરિશ્રમ કર્યો છે. મિત્રો ચોક્કસ લાભ ઉઠાવશે જ.

હરનીશ જાની :

દાવડાસાહેબ, ખોડીદાસભાઈ જેવા કલાકારનો પરિચય કરાવતો સરસ ચરિત્રલેખ. સાહિત્યકારોએ આમાંથી ઘણું શીખવાનુ છે. એમની કૃતિઓ માણવાનો અવસર આપવા બદલ ધન્ય ! એકે એક કૃતિ અણમોલ છે. અભિનંદન – તમને અને કલાકારોને.

ડૉ. કનક રાવળ :

તમારું સંકલન એ અન્ય બ્લૉગ્સના તંત્રીઓ માટે ઉદાહરણરૂપ છે. તમે મારા પિતાના જીવન અને કાર્યને માન આપ્યું છે. તમે આ સંકલન માટે જે સમય આપ્યો છે, એના માટે હું હૃદયપૂર્વક આભાર વ્યકત કરું છું.

જયશ્રી વિનુ મરચંટ :

ભાઈ, મને તમારું લખાણ ગમે છે. આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી પછી, તમારી કાર્યશૈલીમાં, કોઈ પણ રચનાનું તાત્પર્ય કાઢી, કલાકારની જેમ ટૂંકાણમાં અને ચોકસાઈથી રજૂ કરવાની શક્તિનો પરિચય થાય છે. હું પણ તમારી જેમ લખી શકતી હોત તો કેવું સારું?

ડૉ. દિનેશ ઓ. શાહ :

વહાલા દાવડાભાઈ, તમારો બ્લૉગ માત્ર સાહિત્ય માટે રત્નોની ખાણ નથી પણ એમાંથી કલાનાં રત્નો પણ મળે છે. તમે જે દુર્લભ ચિત્રો રજૂ કર્યાં છે એ મેં અગાઉ કોઈ ફાઇન આર્ટના સામયિકમાં પણ જોયાં નથી. તમારો બ્લૉગ સાહિત્ય અને કલા પૂરી પાડતો એક ઉત્તમ શ્રોત છે.

*****   *****   *****

ભવિષ્યની યોજનાઃ

આંગણાંમાં સપ્તાહના દરેક દિવસે ગુજરાતી વાચકોને સ્વચ્છ અને સંસ્કારી સાહિત્ય અને સાથે સાથે કલાની જાણકારી મળતી રહે એવો સભાન પ્રયત્ન ચાલુ રહે અને એમાં ક્યાંયે ઢીલાશ વર્તાય.

ઊગતા લેખકોને લખાણ મૂકવા બીજા અનેક બ્લૉગ્સ ઉપલબ્ધ છે. આંગણામાં ઊગતા લેખકોને માર્ગદર્શન આપી શકે એવા અનુભવી લેખકોની કૃતિઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

કોઈ પણ કૃતિ રજૂ કરતી વખતે એના સર્જકના સર્જનાત્મક હક્ક્ને હાનિ પહોંચે એનું ખાસ ધ્યાન રાકવામાં આવશે.

આંગણામાં મુકાનાર પ્રત્યેક કૃતિ એની ગુણવત્તાને આધારે પસંદ કરવામાં આવશે. અમુક વિભાગમાં Time Slot આપવામાં આવશે, જ્યારે અન્ય વિભાગમાં એક કૃતિ મૂક્યા બાદ અન્ય સર્જકની કૃતિને પ્રાથમિકતા આપવામાં આવશે.

મારી ઉમ્મર ૮૨ વર્ષની થઈ હોવાથી, નજીકના ભવિષ્યમાં આંગણું કોઈ અન્ય યોગ્ય વ્યક્તિને સોંપી દેવાની પણ મારી ઇચ્છા છે.

*****   *****   *****

 

Advertisements

દુટલાભાઈ ચૌધરી

 1. એનું મુળ નામ દુટલાભાઈ. રજીસ્ટરમાં દિનકર ચૌધરી તરીકે એ નામે જ સૌ એને બોલાવતા. મારી સાથે જ મારા કૃષીવીભાગનો સહાધ્યાયી.

કસાયેલું નક્કર શરીર. હાથનાં બાવડાં કે પગની પીંડીઓ જોઈએ તો અચરજ થાય. તાકાત એવી કે શ્રમકાર્યમાં કદી થાક જ ન લાગે. વાને તદ્દન શ્યા. અંધારામાં ખરે જ ન દેખાય એમ કહી શકાય.

મનનો સાવ સીધો, અસ્સલ ભોળો આદીવાસી. કામથી કામ અને કરાવો તો જ વાતો કરે. પણ ક્યારેક મુડ ચડી જાય તો ધુણી ઉઠે એવું સહજ વ્યક્તીત્વ. મીત્રતા નીભાવી જાણે. મારા તરફથી ભાગ્યે જ કોઈ શરુઆત થઈ હશે પણ તેણે મને મીત્ર બનાવેલો. ભણવામાં હું આગળ પણ ક્યારેય ભણવાની બાબતે મદદ માગ્યાનું યાદ નથી. મારી કવીતાઓથી હું લોકભારતીમાં લોકપ્રીય થયેલો પણ દુટલાભાઈને કાવ્યરસ જરાય નહીં એટલે એ બહાનેય મીત્રતાનું કોઈ કારણ ન જડે ! બસ ફક્ત મીત્ર.

મને યાદ છે એક વાર ઉત્તરભારતના પ્રવાસે ગયેલા ત્યારે એણે વજન ઉંચકવાથી માંડીને સગવડો સાચવવા જેવી બાબતોમાં મને ખ્યાલ પણ ન આવે એ રીતે મદદ કર્યાં કરેલી. હરદ્વારમાં ગાડી બદલવાની હતી. બહુ વધુ સમય નહોતો ત્યારે મારી ઇચ્છાને જાણીને મારી સાથે ગંગાના કાંઠે મારી સાથે દોડતાં જઈને દોડતાં આવવામાં તૈયાર થયેલો. એ ન હોત તો હું ગાડીના સમયે પહોંચવાના ટુંકાગાળામાં ગંગામાતાનાં દર્શનની હીંમત કરી શક્યો ન હોત. એણે સાથે આવીને રાતના આઠ–નવ વાગ્યાના સુમારે દર્શન કરાવ્યાં હતાં. એ દૃષ્ય આજે પચાસ વરસેય યાદ છે.

એવી જ રીતે ઉત્તરભારતના કોઈ એક શહેરમાં અમે ગયેલા. ઉતારો નક્કી નહોતો. એક ધર્મશાળાની મંજુરી માટે ઓટલે બેઠા હતા. તેવામાં મારું ધ્યાન ધર્મશાળાના દાતાશ્રીઓની યાદી પર પડ્યું….રામચંન્દ્ર મોહતાજી નામ વાંચીને હું ચમક્યો ! મારા પીતાજીએ એમના પુસ્તકનો અનુવાદ કરેલો પણ મંજુરી બાકી હોઈ અટકેલું. મને થયું કે આમને મળી શકાય ખરું ? ધર્મશાળામાં પુછ્યું તો સરનામુંય મળી ગયું.

દુટલાભાઈ કહે, જુગલ, જવું છે ? મનમાં કીધું કે તું હાર્યે હોય તો જવાય ! દોડવામાં થાકી જાઉં તો મને આખો ઉપાડી લે તેવો આ જણ હાર્યે હોય તો જરુર જવાય જ. મેં હા કહીને સાથેના અધ્યાપક કાર્યકરની રજા લઈને અમે તો મુક્યા ખેંતાળા ! સીધા જઈને હવેલીએ ઉભા રહ્યા. મોહતાજીના કુટુંબી મહીલાએ સારી રીતે વાત કરી પણ ગુજરાતી અનુવાદની કોઈ અન્યને મંજુરી અપાયાની વાત સાંભળીને નીરાશ થયો…..

પણ દિનકરે આપેલી હીંમતે જ એ હવેલીનાં દર્શન કરીને મોહતાપરીવારને જોઈ શકાયાનું ગૌરવ લીધું…..

દિનકરની તાકાતનો પરચો શ્રમકાર્યમાં થયા કરે. કોઈ ન કરી શકે તેવાં તાકાતનાં કાર્યો એને સોંપાય. એને તો જાણે ડાબા હાથનો ખેલ ! ગૌશાળામાં દુધને સૅપરેટ કરવાનું હોય કે દુધના ફેટ કાઢવાના હોય ત્યારે મશીનને મશીનની તાકાતથી ફેરવામાં દુટલો નંબર વન ગણાય ! એવું તો ચક્કર ફેરવે કે લાગે મશીન ઉંધું ન પડે તો સારું !!

અમે ચાર વરસ સાથે ભણ્યા. આજે પચાસ વરસે એકદમ યાદ આવી ગયો એ ભેરુ. મને શરીરે નબળો જાણીને જ હશે, સદાય મારી સાથે રહેતો. ભાષાસાહીત્ય કે મનોરંજન કાર્યક્રમો કે બીજા અભ્યાસનાં કાર્યોમાં ક્યાંય જોવા ન મળે તે મહેનત કે જોખમનાં કામ હોય ત્યાં મારી સાથે હોય તેવું યાદ છે.

આ આદીવાસી છોકરો આજે ક્યાં હશે તે કોઈ જ ખબર નથી. પણ આ અરધી સદીનો ગાળો પણ એને ભુલાવી શક્યો નથી એ એનું સત્ત્વ એમ માનું છું. આવા મીત્રો કોઈ અગમ સંજોગોથી જ મળી જતા હશે એવું લાગ્યા વીના ન રહે.

કેટલાય આદીવાસી મીત્રો મારા લોકભારતી નીવાસ દરમ્યાન સાથે હતા. આ સૌ અંગે એક ઉંડી ભાવભરી સ્નેહ સરવાણી આજેય વહી રહ્યાંની અનુભુતી સાથે એ સૌ સાથે મારા દુટલાભાઈને સ્નેહયાદી !

નેટજગતના મારા પ્રિય કવિ હેમંત પુણેકરને શયદા એવોર્ડ !!

આ અત્યંત આનંદ–ગૌરવના સમયે ભાઈ હેમંત પુણેકરને મારા સૌ વાચકો વતી અભિનંદન અને શુભેચ્છા પાઠવીને એમની પ્રગતિનો આંક સદાય ઊંચો ચડતો રહે તેવી આશા પ્રગટ કરું છું.
મારા બ્લૉગ નેટગુર્જરી પર અવારનવાર એમની રચનાઓ અંગે મેં લખ્યા કર્યું હતું. આજે આ નિમિત્તે કેટલાક લેખોની લિંક પણ મૂકીને વર્ષો પહેલાં સેવેલી અભિલાષાનો આજે પડેલો પડઘો વધાવું છું.  – જુ.
–––––––––––––––––––––––––––––––––––––––––

હેમંત પુણેકર દ્વારા મળેલા સમાચાર અહીં યથાવત્ રજૂ કરું છું :

Indian National Theatre (INT) એ મુંબઈની ૧૯૪૪માં સ્થપાયેલી સંસ્થા છે જે મુખ્યત્વે ગુજરાતી રંગભૂમિ અને સાહિત્ય ક્ષેત્રે કાર્યરત છે. આ સંસ્થા છેલ્લા ૬૦ વર્ષથી દર વર્ષે ગુજરાતી મુશાયરાનું આયોજન કરે છે અને ૧૯૯૭થી ગુજરાતી ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરનારા વરિષ્ઠ કવિને કલાપી અને નવોદિત કવિને શયદા પુરસ્કાર પ્રદાન કરે છે. આ વર્ષનો શયદા પુરસ્કાર મને જાહેર થયો છે એનો આનંદ આપ સૌ સાથે વહેંચું છું. ૧૮મી ઑગસ્ટના રોજ ભારતીય વિદ્યાભવનમાં આયોજિત મુશાયરામાં આ પુરસ્કાર એનાયત થશે.
૬૦ વર્ષથી ચાલતા INTના ગુજરાતી મુશાયરાના જે મંચ પરથી આપણા દિગ્ગજ કવિઓએ કાવ્યપાઠ કર્યો હશે એ જ મંચ પર કવયિત્રી એષા દાદાવાળાના સંચાલનમાં વરિષ્ઠ કવિશ્રી શોભિત દેસાઈ, વિનોદ જોશી, Drss Rahi, Kiransinh Chauhan, Hiten Anandpara અને સૌમ્ય જોશીની સાથે કાવ્યવાચનનો મોકો મળશે એનોય આનંદ!

હવે એક નાનકડી આભાર સ્પીચ !

જેને પુરસ્કાર મળે છે એ તો માત્ર પ્રતિનિધિ હોય છે. તેના કાર્યમાં અનેક લોકોનો ફાળો હોય છે. હુંય તેમાં અપવાદ નથી. બારેક વર્ષથી ગઝલ લખું છું. મારા પરિવારના તમામ સભ્યોનું અને આપ સૌ મિત્રોનું તેમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ યોગદાન રહ્યું છે એ બદલ સૌનો આભાર માનું છું. ગઝલલેખનની શરૂઆતથી જ Raeeshભાઈ મારા Friend Philosopher અને Guide રહ્યા છે. મારી કાવ્ય વિશેની સમજણ ઘડવામાં એમનો સહુથી મોટો ફાળો છે એટલે એમનો વિશેષ આભાર. વખતોવખત વડોદરાના વરિષ્ઠ કવિમિત્રો Vivek Kane ‘Sahaj’ અને Makarand Musaleનું પણ મને માર્ગદર્શન મળતું રહ્યું છે એટલે એમનોય આભારી છું. ફેસબુક પહેલાંના ગુજરાતી બ્લૉગજગતના કાળમાં મને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનારા મિત્રો Sangita Dharia, Mehul Chauhan, Yashvant Thakkar, સ્વ. હિમાંશુ ભટ્ટ, Jugalkishor J વ્યાસ, મહોમ્મદ અલી ભૈડુ “વફા” અને Vivek Tailorના ઉલ્લેખનો મોહ ટાળી શકતો નથી. એમનોય આભાર!
Hemant Punekar
August 12 at 3:56 PM

ભાઈ પુણેકરની રચનાઓ અંગે નેટગુર્જરીમાં મુકાયેલા કેટલાક લેખોની લિંકો :

https://jjkishor.wordpress.com/2009/09/02/rasasvad-21/
https://jjkishor.wordpress.com/2009/09/08/rasasvad-22/
https://jjkishor.wordpress.com/2009/09/15/rasasvad-32/
https://jjkishor.wordpress.com/2009/09/22/rasasvad-33/
https://jjkishor.wordpress.com/2009/09/20/rasasvad-35/

ઉમાશંકર જોશી : જાહેરજીવનના કવિ

– સ્વાતિબહેન જોશી

એક સાહિત્યકાર અને વિવેચક તરીકે એમના વિશે ઘણું લખાય છે અને બોલાય પણ છે. પરંતુ સાહિત્યસર્જન એ એમના જીવનનું એકમાત્ર ઘ્યેય ન હતું, કે સાહિત્યસર્જનમાં જ એમનું જીવન સીમિત ન હતું. બલકે સાહિત્ય એ એમની સમગ્ર જીવનદૃષ્ટિની એક અભિવ્યક્તિ હતી. અથવા તો, એમના જ શબ્દોમાં, મૂલ્યસંઘર્ષ પરત્વે પળભર પણ અલિપ્ત ન રહી શકતા કવિ એ હતા. એમણે પોતે જ કહ્યું છે તેમ શબ્દ એમને ક્યાં ક્યાં લઈ ગયો ? સત્યાગ્રહ છાવણીઓમાં અને જેલોમાં, વિશ્વવિદ્યાલયોમાં અને કેળવણીના ક્ષેત્રમાં, દેશની સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓમાં, ભારતની સંસદમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં – સમાજને ખૂણે ખૂણે શબ્દ સાથે એ ગયા. શબ્દનો ઉપયોગ એમણે કેવળ સાહિત્યના સર્જન માટે જ કર્યો નહોતો. શાસનકર્તાઓની અરાજક્તા સામે, રાજ્યના આતંક સામે, રાષ્ટ્રવાદ અને કોમવાદ સામે, સાહિત્યકારની અને સાહિત્યની સંસ્થાઓની સ્વાયત્તતા માટે, સમાજના વંચિત વર્ગોના અધિકારો અને સામાજિક ન્યાય માટે, માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, શબ્દને એમણે ક્યારેય વિસાર્યો ન હતો, પરંતુ એક અસરકારક શસ્ત્ર તરીકે વાપર્યો હતો.

 

પોતાના સમગ્ર જીવન દરમિયાન ઉમાશંકરે ગુજરાતના, દેશના અને દુનિયાના નાનામોટા અનેક બનાવો અને પ્રશ્નો વિશે વિચાર્યું હતું અને પોતાનાં સ્પષ્ટ અને નિર્ભીકક મંતવ્યો રજૂ કર્યાં હતાં. એમના તંત્રીપણા નીચે લગભગ ચાર દાયકા સુધી પ્રકાશિત થયેલા ‘સંસ્કૃતિ’ સામયિકના અંકોમાં સાહિત્યના લેખોની જોડાજોડ ચાલુ બનાવો અને સામાજિક-આર્થિક-રાજકીય પ્રશ્નો પર નોંધો અને ચર્ચાઓ છપાઈ છે. આ વાત મહત્ત્વનાં સૂચન કરે છે કે એક જાગ્રત વ્યક્તિ – તંત્રી, લેખક કે વાચક – સમાજના પ્રશ્નોથી અને રાજકારણથી અસ્પૃષ્ટ ન રહી શકે અને, ખાસ તો, સાહિત્યને આ સમગ્ર સામાજિક-રાજકીય સંદર્ભથી અલગ કરીને જોઈ-મૂલવી-ન શકાય. સંસ્કૃતિ એટલે એમને મન બહોળા અર્થમાં લોકોનું સમાજમાં જિવાતું જીવન, જેમાં કેવળ ધર્મ અને કળા જ નહીં પરંતુ લોકોની માન્યતાઓ, વિચારો, નૈતિક મૂલ્યો અને સામાજિક-આર્થિક-રાજકીય સંસ્થાઓનો પણ સમાવેશ થાય. ભારતે રાજકીય સ્વતંત્રતા મેળવી એ પછીના શરૂઆતના સમયમાં એમણે અનેક વાર સાવચેતીનો સૂર કાઢ્યો હતો કે આપણા આઘ્યાત્મિક વારસાની અને આપણી ‘ભવ્ય સંસ્કૃતિ’ની ગુલબાંગો પુકારવામાંથી આપણે ઊંચા આવવું જોઈએ. રાષ્ટ્રીય સંસ્કૃતિ કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના ઝનૂનની અસર નીચે લોકશાહી રાષ્ટ્રો પણ સાંસ્કૃતિક ભ્રષ્ટાચાર, સડેલ નોકરશાહી અને સત્તાલોલુપ કોમવાદના મહારોગ સામે અવાજ ઉઠાવીને સમાજશરીર અને રાજ્યશરીરને સ્વસ્થ બનાવવા પર તેમ જ પોતાનાથી ભિન્ન ભાસતા સમાજો પ્રત્યે સહિષ્ણુતા- અને એથીયે વધારે, બંધુતા- ની વૃત્તિની જરૂરિયાત પર એમણે ભાર મૂક્યો છે. સંસ્કૃતિ એ છેવટે તો, એમના શબ્દોમાં, કમબખ્ત જીવવાની ચેજ છે. સામાન્ય મનુષ્યના જીવન અને હકો સાથે એને આખરે નિસબત છે.

 

ઉમાશંકર ઉગ્રવાદી ન હતા. ઉદારમતવાદી વિચારધારાનાં સત્ય, ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાનાં મૂલ્યોને તેમજ બિનસાંપ્રદાયિકતાને એ વરેલા હતા. પોતાને જે સત્ય લાગ્યું તે ઉચ્ચારતાં આત્મસમર્પણ કરવું પડે તો તેની એમનામાં તૈયારી હતી. એમનાં બધા જ વિચારો અને મંતવ્યો સાથે સંમત થવું શક્ય ન પણ બને. પરંતુ એક સાહિત્યકાર તરીકે બિનલોકશાહી તંત્રમાં કાજળની કોટડીમાં પુરાઈ રહેવાને બદલે, કે સંસ્થાઓમાં માનતા હોવા છતાં સ્થાપિત હિતો (એસ્ટાબ્લિશમેન્ટ)ના હાથ બનવાને બદલે, એક લખતા, વાંચતા, વિચારતા, જીવતા, જાગરૂક નાગરિક તરીકે એમણે સતત નાનામોટા બનાવો અને પ્રશ્નો પર બોલતા-લખતા રહી મૂલ્યોના જતનની લડત આપી. પોતાની આસપાસના અનેક નાનામોટા પ્રસંગોમાં એમણે ભાગ લીધો; ઓછા જાણીતા બનાવો તરફ બીજાનું ઘ્યાન દોર્યું; અને ઓછી જાણીતી વ્યક્તિઓના જીવન અને કાર્યોની નોંધ લીધી. આને પરિણામે અનેક લોકો – સાથે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવ્યા અને એમના હૃદયમાં સ્થાન મેળવ્યું. કદાચ એ જ કારણે અનેક લોકોને આજે પણ ઉમાશંકકર પોતાનામાંના એક હતા એમ લાગે છે. અનેક લોકો માટે એ કદાચ મૂલ્યો માટે જીવનારી અને લડનારી વ્યક્તિનું પ્રતીક બન્યા હતા. પોતાને જાહેર બનાવો (પબ્લિક ઍફેર્સ)માં રસ લેતી વ્યક્તિ તરીકે તેઓ ઓળખાવતા. જાહેરજીવનનો ભાગ્યે જ કોઈ બનાવ હશે જેના વિશે એમણે લખ્યું ન હોય કે એ બોલ્યા ન હોય. ઉમાશંકર જાહેરજીવનના અને જનસમુદાયના બુદ્ધિજીવી (પબ્લિકચ્યુલ) હતા. એમનું વૈચારકિ વિશ્વ સર્જનાત્મક કે અન્ય, સમાજના, દેશના અને દુનિયાના પ્રશ્નો અને એક વિશાળ ઐતિહાસિક ફલકની સમજથી ક્યારેય અળગું ન હતું. એમના સાહિત્યને એમના આ સમગ્ર વૈચારિક સંદર્ભથી અલગ કરીને મૂલવી ન શકાય. પોતાની આસપાસના પ્રશ્નોથી સતત ચિંતિત, એ વિશે જાહેરમાં અનેક વાર બુલંદ અવાજ ઉઠાવનાર અને સામાજિક ન્યાય માટે ખેવના રાખના વ્યક્તિની ચેતનામાંથી આ સાહિત્ય નીકળ્યું છે.

 

આજે પણ સામાજિક ન્યાય, વ્યક્તિ અને સંસ્કૃતિની સ્વાયત્તતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જેવાા પ્રશ્નો આપણી વચ્ચે છે. ઉમાશંકરના સાહિત્યમાં અનેક પ્રશ્નો ઊઠ્યા છે. એમના સતત લખાતાં અસંખ્ય લખાણોમાં ગુજરાતના, દેશના, અને અમુક અંશે દુનિયાના, સંદર્ભમાં આ પ્રશ્નો ચર્ચાયા છે. એમના સમગ્ર શબ્દસર્જનમાંથી એક આખા જમાનાના, લગભગ એક સદીના, સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય જીવનનો ઐતિહાસિક આલેખ છતો થાય છે. આજના પ્રશ્નોને સમજવામાં, આજની પરિસ્થિતિના પડકારને ઝીલવામાં અને એક ન્યાયી સમાજની રચના માટે આ સર્જનના ઐતિહાસિક સંદર્ભનો ફરીથી સાથે મળીને વિચાર કરીએ, અને એ નિમિત્તે સાહિત્ય, સંસ્કૃતિ અને આજના પશ્નોની એક નવી સમજ મેળવીએ, તો એમને સાચી અંજલિ આપી લેખાય. સપ્ટેમ્બર ૧૯૭૪માં નક્સલવાદી બહેનો પર પોલીસના સિતમ સામે અને નવનિર્માણ આંદોલનના ગુજરાતી વિદ્યાર્થીઓને દિલ્હીમાં સામ-દામ-ભેદ-દંડથી તોડવાના શાસક પક્ષના પ્રયત્નો સામે એમણે કાંઈક અકળાઈને અને કાંઈક ગુસ્સામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દેશના નેતાઓને મન યુવાનોની આ કિંમત? આ પ્રશ્નની પાછળ એમનો ભવિષ્યની – આજની – પેઢીમાં પૂરો વિશ્વાસ છતો થાય છે. આ સંદર્ભમાં એમણે લખ્યું હતું કે ‘દેશનું ભાવિ તો સામાજિક અન્યાય સાંખી ન લેનાર મુઠ્ઠીભર યુવકયુવતીઓ હશે તો પણ ઊજળું – ઊજળું જ છે.’ આપણા મનમાં પણ આવો પૂરો વિશ્વાસ હશે તો આપણે જરૂર કામયાબ થઈશું, એક દિવસ.

(‘સેતુ’,૨૬,સરદાર પટેલ નગર,એલિસબ્રીજ,અમદાવાદ-૩૮૦ ૦૦૬)

–––––––––––––––––––––––––––––––

જાન્યુ. ૧૧ કોડિયું સામમયિકમાંથી સાભાર.

 

“આજની પોઝિટિવ સ્ટોરી”માં રામજીભાઈ પટેલ

૫૩ વર્ષથી ગુજરાતી ભાષાની શુદ્ધિ માટે અનેક પડકારોનો સામનો કરીને આજે પણ મક્કમતાથી લડત આપતા ૮૧ વર્ષના રામજીભાઈ પટેલ.

     આમ તો અંગ્રેજી ભાષાના પ્રચંડ વાવાઝોડા સામે બીજી ભાષાઓની જેમ ગુજરાતી ભાષા પણ હાંફી રહી છે. અલબત્ત, ગુજરાતી ભાષાની કેટલીક અશુદ્ધિઓ અને વિસંગતતા દૂર કરવા માટે એક માણસ છેલ્લાં ૫૩ વર્ષથી અથાક પ્રયાસો કરી રહ્યો છે. એ માણસ એટલે રામજીભાઈ પટેલ.

રામજીભાઈ પટેલે ગુજરાતી ભાષા શુદ્ધિ અભિયાનનો પ્રારંભ શા માટે અને કેવા સંજોગોમાં કર્યો તેની કથા રસપ્રદ છે. વાત છે ૧૯૬૪ની. તે વખતે રામજીભાઈ પટેલ લોકભારતી સણોસરામાં અધ્યાપક હતા. તે વખતે મહેમાન તરીકે આવેલા ગિરિરાજ કિશોરે કહ્યું કે આપણા વિદ્યાર્થીઓની અભિવ્યક્તિમાં ભાષાશુદ્ધિ તો હોવી જ જોઈએ. તેમના આ સૂચનને પગલે લોકભારતી સણોસરામાં તમામ પ્રવાહના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા શીખવવાનું નક્કી કરવામાં આવ્યું. તેની જવાબદારી રામજીભાઈ પટેલને સોંપાઈ. તેઓ ગુજરાતી ભાષાના વિષયમાં ઊંડા ઊતર્યાં. સાર્થ જોડણીકોશમાં રહેલી ભૂલોએ તેમને હચમચાવી નાખ્યા. એ પછી તો તેમણે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક લેખ લખ્યો : નિયમો તેત્રીસ, ભૂલો ચોત્રીસ. આ લેખમાં સાર્થ જોડણીકોશમાં રહેલી ભૂલો, વિસંગતતાઓ, અશુદ્ધિઓ વગેરે તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

એ પછી તો રામજીભાઈએ ગુજરાતી ભાષાશુદ્ધિ અભિયાનને જાણે કે પોતાનું જીવન કર્મ જ બનાવી દીધું. રમણ પાઠક, જયંત કોઠારી સહિત અનેક લોકો તેમની પાસે જોડાતા ગયા. ૧૯૯૯માં ઊંઝા ખાતે ઊમિયા માતાજીના સત્સંગ હોલમાં અખિલ ગુજરાત જોડણી પરિષદ ભરાઈ. એ પરિષદમાં ગુજરાતીમાં એક જ ઈ અને એક જ ઉ નો ઉપયોગ કરવાનો ઠરાવ થયો.

એ પછી તો જુદી જુદી રીતે આ આંદોલન ચાલતું જ રહ્યું છે.

રામજીભાઈ પટેલની ભાષા માટેની જે પ્રતિબદ્ધતા અને નિસબત છે તે ખરેખર સલામ મારવાનું મન થાય તેવી છે. તેઓ પોતાની વાતને મક્કમતાથી વર્તી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ વાત જુદી જુદી રીતે કાકા સાહેબ કાલેલકર, ગોવર્ધનરામ ત્રિપાઠી સહિત અનેક લોકોએ કરેલી છે. જો ગાંધીજીનું ધ્યાન દોરવામાં આવ્યું હોત તો તેમણે પણ આ વાત સ્વીકારી હોત.

ગૂજરાત વિદ્યાપીઠના વલણથી તેઓ નારાજ પણ છે અને દુઃખી પણ છે. તેઓ પોતે ગૂજરાત વિદ્યાપીઠના પારંગત (માસ્ટર) છે. તેઓ કહે છે કે મને મારી માતૃસંસ્થા માટે આદર અને પ્રેમ છે. જો કે વિચારભેદ હોઈ શકે છે. ગૂજરાત વિદ્યાપીઠે સાર્થ જોડણીકોશ અને ગુજરાતી ભાષા અંગે ગંભીરતાથી વિચાર્યું નથી અને તે દિશામાં કામ પણ કર્યું નથી.

૮૧ વર્ષના રામજીભાઈ પટેલ આજે પોઝિટિવ મિડિયા પરિવારમાં આવ્યા. કનુભાઈ જાનીએ લખેલા પુસ્તક વિદ્યાગ્રહની બે પ્રત આપી. તેમના અભિયાનને બળ આપતો પ્રવિણ ક. લહેરીનો પત્ર ઉત્સાહ અને આનંદથી બતાવ્યો.

રામજીભાઈની ગુજરાતી ભાષા માટેની જે ઝૂઝારું લડત છે તે ખરેખર ઐતિહાસિક અને અદ્વિતીય છે. ૫૩ વર્ષથી આ માણસ થાક્યા વિના લડી રહ્યો છે. તેમની આ ગુજરાતી ભાષા માટેની કર્મપ્રીતિને ધ્યાનમાં લઈ ખરેખર તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવો જોઈએ એવું કોઈને લાગે તો પણ તે અપ્રસ્તુત વાત નથી.

રામજીભાઈને તેમનાં જીવનસાથી સરોજબહેન ખભે ખભો મિલાવીને મદદ કરી રહ્યાં છે. તેમનો મોટો દીકરો નિરજ ગ્રાફિક ડિઝાઈનર છે અને અમદાવાદમાં પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરે છે. દીકરી નૂપુર પરણીને પૂણેમાં સ્થાયી થયાં છે. નાનો દીકરો ફાલ્ગુન પરિવાર સાથે આજે જ સ્થાયી થવા માટે કેનેડા ગયો છે.

રામજીભાઈને ભગવાન નિરામય દીર્ઘાયુ આપે.

–––––––––––––––––––––––––––––––––––––––

      (આજે ૭૫ વર્ષના થયેલા અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ છે. સવારથી તેમના વિશે લખવાનું વિચારતો હતો, પરંતુ રામજીભાઈ પટેલ મળવા આવ્યા એટલે ૮૧ વર્ષના રામજીભાઈ વિશે, તેમની ૫૩ વર્ષની માતૃભાષા સેવાના સંદર્ભમાં લખવાનું વધારે ઉચિત લાગ્યું. અમિતાભ બચ્ચનને પણ જન્મ દિવસની શુભકામનાઓ તો આપીએ જ છીએ.)

સૌજન્ય : શ્રી રમેશભાઈ તન્ના; તેમની કૉલમ  “આજની પોઝિટિવ સ્ટોરી”

ભાવનગરના કાવ્યસર્જકો : નાથાલાલ દવે (૧)

– સરયૂ પરીખ

(નોંધ : આજે અહીં માતૃભાષાનાં પાનાં પર શ્રી કનક રાવળે આવકારેલા એક લેખને રજુ કરું છું. ભાવનગરના જાણીતા ત્રણ કાવ્યસર્જકોમાંના એક કે જેઓ પ્રસ્તુત લેખનાં લેખિકા સરયૂબહેનના મામા થાય, તેમના વીશે કેટલીક કૌટુંબીક બાબતોને સાંકળી લેતી મજાની વાતો મુકાઈ છે. ભાવનગરના અન્ય લેખકોનો પરીચય પણ હવે પછી થશે જ એવી આશા સાથે – જુ.)

––––––––––––––––––

ગુજરાતી સાહિત્યના ગાંધીયુગ (૧૯૧૫-૧૯૪૫) દરમિયાન અનેક કવિઓ ગાંધીજીની અસર તળે આવ્યાં અને તેની સીધી અસર તેમના જીવન-કવન

પર પડી. તે સમૂદાયમાં ચાર ભાવનગરી કવિજનો –ક્રિષ્નલાલ શ્રીધરાણી, પ્રેમશંકર ભટ્ટ, પ્રહલાદપારેખ અને નાથાલાલ દવેનો સમાવેશ થાય. ચારેયનો જન્મ૧૯૧૧-૧૯૧૨ના અરસામાં એટલે તે સૌ સમવયસ્ક. આ વર્ષના સપ્ટેંબર માસમાં કવિશ્રીની ૧૦૦મી સંવત્સરી ઊજવાશે.

નાથાભાઈના કવયિત્રી ભાણી સરયૂ મહેતા-પરીખ, એક કવિજન તેમજ આત્મજન તરીકે કવિશ્રી નું અહીં નીજ જીવનદર્શન રજૂ કરે છે.

– ડૉ. કનક રાવળ.

*******************

ભાવનગરની પ્રતિભાઓ : નાથાલાલ દવે
– શ્રીમતી સરયૂ મહેતાપરીખ

જન્મ: જૂન 3,૧૯૧૨ : મૃત્યુઃ  ડિસેમ્બર, ૧૯૯૩.  જન્મ સ્થળઃ ભુવા
પિતાઃ   વૈદ્ય ભાણજી કાનજી દવે : માતાઃ કસ્તુરબહેન : પત્નીઃ નર્મદાબહેન. : અભ્યાસ: ૧૯૩૪-બી.એ.; ૧૯૩૬-એમ.એ.; ૧૯૪૩– બી. ટી.

વ્યવસાય: શિક્ષણ; ૧૯૫૬-૧૯૭૦ ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી : નિવૃત્તિ બાદ ભાવનગરમાં.

મુખ્યરચનાઓ:
* કવિતા –  કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબિન, ઉપદ્રવ,
મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોનાવરણી સીમ, હાલો ભેરૂ ગામડે,
મુખવાસ.
* વાર્તા –  ઊડતો માનવી, મીઠી છે જિંદગી.
* સંવાદપ્રધાન રચનાઓ અને અનુવાદો : ૨૦ કાવ્યસંગ્રહો – ૫ વાર્તાસંગ્રહો, ૧૧ સંપાદનો = ૩૬ પુસ્તકો  ૧૯૮૨ સુધીમાં.

************

અમારું બાળપણ નાનાજી વૈદ્ય ભાણજી કાનજી અને મામાના વીરભદ્ર અખાડા સામેના ઘરમાં પાંગરેલું. નિર્દોષ ભોળી આંખો પૂજ્ય મામાને અહોભાવથી નિહાળતી. એ સમયે ભાવનગરની બહાર હોવાથી જ્યારે પણ અમારે ત્યાં આવતા. એ સમયે હું આઠેક વર્ષની હતી અને મેં ઊભો સોમવાર કરેલો. મામાને લોકોની સમજ્યા વગર અંધશ્રદ્ધાથી વ્રતો કરવાની રીત સામે સખત અણગમો હતો. મારો હાથ ખેંચીને નીચે બેસાડી દેવાની રમત-રકજકની યાદ આવતાં હજી પણ મારા ચહેરા પર હાસ્ય ફરકે છે.

ખાદીનાં સફેદવસ્ત્રો, ગોરો વાન અને સુંદર ચહેરાવાળા મારા મામા નવલકથાના નાયક જેવા દેખાતા. ઘણી વખત કવિસંમેલન, શિબિરમાં કે અમારી શાળામાં કવિતાની સુંદર રજૂઆત પછી શ્રોતાગણની પ્રશંસા સાંભળીને મામા માટે ગર્વનો અનુભવ થતો. પાઠ્યપુસ્તકમાં “પિંજરનાપંખીની વાત” એમની સહજ ઓળખાણ માટે પૂરતું હતું. વિનોબાજીની ભાવનગરની મુલાકાત વખતે મામાનાં લખેલાં ગીતો ગવાયેલાં અને વિરાણી સ્પર્ધા હોય કે અન્ય કોઈ પ્રસંગ, હું મામાની રચનાઓ, “અષાઢના તારા રે, આભ ભરીને ઊગિયા શા?” કે “આજ આભમાં આનંદ ના સમાય રે, ઢળે રૂપેરી ચાંદની”, ઉમંગ અને સૌને ગમશે એ વિશ્વાસ સાથે ગાતી. મારા પતિ દિલીપના કુટુંબમાં મામા ઘણી વખત કાવ્યરસ વહેંચતા અને અમે હજી પણ સાથે ગાઈ ઊઠીએ “હવામાં આજ વહે છે ધરતી કેવી ખુશખુશાલ.”

મારાં બા, ભાગીરથી, એક બાલિકા-બહુ, ચાર ચોપડી પણ પૂરી નહીં કરેલ અને ગામડામાં ગૃહસંસારમાં મુંજાતાં હતા ત્યારે તેમના ભાઈ કવિ નાથાલાલ દવે એમને સ્વામિ વિવેકાનંદનાં પુસ્તકો વાંચવા મોકલતા જે પછી એમને આત્મશ્રદ્ધા અને જાગૃતિના રસ્તે દોરી ગયા અને અઢાર વર્ષની ઉંમરે તેમણે ફરી ભાવનગરની શાળામાં ભણવાનું શરૂ કરી કૉલેજ સુધી અભ્યાસ કરી, હાઈસ્કૂલમાં મુખ્ય-શિક્ષિકા બન્યાં. નાનાજી અને ઘરના લગભગ બધા સભ્યોના વિરોધ સામે ટકી રહેવા એમને અમારા મામાનો સતત સહારો હતો. એક પ્રસંગ બા કહેતાં કે એમના ગુરુ શ્રી વજુભાઈશાહના જન્મ દિવસે બધા એકઠાં થવાનાં હતાં અને મારા નાનાજીએ બાને જવાની મનાઈ કરી, ત્યારે મામાએ સિર્ફ એટલું જ કહેલું, “બહેન જશે, એને જવાનુ છે.” ઘરના વડીલની સામે આ રીતનો વિરોધ કરવો એ પ્રેમાળ ભાઈ જ કરી શકે.

આવા અનેક પ્રસંગોએ અમારા મામા હિંમત આપતા અચૂક આવીને ઊભા રહેતા. કવયિત્રી ભાગીરથીના સન્માનમાં “જાહ્નવી સ્મૃતિ” કવયિત્રી સંમેલન ભાવનગરમાં વર્ષોથી યોજાય છે.

એક પ્રસંગે હું હતાશ થયેલી ત્યારે મારા સામે સ્થિર નજર કરી મામાએ કહેલું, “Be brave.” એ બે શબ્દો મને ઘણી પરિસ્થિતિઓમાં આવીને મનમાં ગૂંજતા અને હિંમત આપતા રહ્યા છે.

મામા ક્યારેક બગીચામાંથી ફૂલ લઈ આવી મામીને આપતા કે એમની લગ્નતિથિને દિવસે કંકુની ડબ્બી અને લાલ સાડી આપતા હોય એવી રસિક પળો જોઈ છે. તેમજ મામી બપોરે રસોઈમાંથી પરવારીને આવે ત્યારે મામાએ એમને માટે પાથરણું, ઓશિકું, છાપું અને ચશ્મા તૈયાર કરીને રાખ્યા હોય કે અરવિંદને વાર્તા કહેતા હોય, એવી કાળજીની પળો પણ અનેક જોઈ છે.

એક સફળ અને સહાનુભૂતિભર્યા કવિહ્રદયની સુવાસ મારા અને મુનિભાઈના અંતરમાં સદાય મીઠી યાદ બનીને રહી છે. અમારા જીવનનાઘડતરમાં અમારા મામાની પ્રેમાળ ઓથને ઈશ્વરકૃપા સમજી આભાર.

**********************

ચાકડો

કાચી  રે  માટીના  ઘૂમે  ઘડુલિયા
ધણી ઘડે જૂજવા રે ઘાટ,
વાગે  રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ—કાચી.

વ્હાલા! શીદને ચડાવ્યાં અમને ચાકડે?
કરમે  લખિયા  કાં  કેર?
નિંભાડે  અનગળ  અગનિ  ધગધગે,
ઝાળું  સળગે  ચોમેર—કાચી.

વેળા  એવી  વીતી  રે વેદન તણી
ઊકલ્યાં અગનનાં અસ્નાન,
મારીને   ટકોરા  ત્રિકમ   ત્રેવડે
પાકાં  પંડ રે  પરમાણ—કાચી.

હરિએ  હળવેથી  લીધા  હાથમાં,
રીજ્યા  નીરખીને   ઘાટ,
જીવને  ટાઢક  વળી તળિયા  લગી
કીધા  તેં અમથા  ઉચાટ—કાચી.

 

– નાથાલાલ દવે

 

શ્રી હરીશભાઈ દવે અને મુક્તપંચિકાઓ

(નોંધ : નેટજગત પર પગ મુકતાં જ જે કેટલાક મુરબ્બીઓ–મીત્રોનો પરીચય થયો ને આજ દી’ સુધી જે તરોતાજા રહ્યો હોય તેવાં નામોમાં એક નામ શ્રી હરીશભાઈ દવેનું છે. એમનો પરીચય એમનાં કાર્યો દ્વારા કરી શકાય તે માટે તેમના બ્લૉગોની યાદી સાથે એમની રચનાઓને પણ અહીં રજુ કરવાની તક લઉં છું. – જુ.)

કેટલીક મુક્તપંચિકાઓ :

 • મત્તછકેલું

  રાતું જોબન

  ફાગણ કેરા રંગે

  રંગાતું જાતું

  સાજન સંગે! 

   *****

  રંગરસીલા

  રસિયા સંગે

  મદમાતી,  ભીંજાતી

  નમણી નારી

  કેવી હરખે! 

   *****

  ફાગણ-ફાલ્યા

  કેસૂડાસમ

  કેસરવર્ણી કાયા

  ભીંજે, સાજન

  કેરી નજર્યું! 

   *****

  નવપલ્લવ

  કેસૂડા શાખે

  ફૂલફટાક થઈ

  ફાગણ છાંટે,

  રંગબહાર !

 • ––––––––––––––––––––––––––––

 • હરીશ દવે :

  • વર્ષ 2005થી ઇંગ્લિશ અને ગુજરાતી ભાષામાં મલ્ટિબ્લૉગર તરીકે નેટ પર પ્રવૃત્ત
  • જુદા જુદા વિષયો પર વિવિધ વેબસાઇટ્સ તથા બ્લૉગ્સ પ્રકાશિત
  • તાજેતરમાં પ્રકાશિત ગુજરાતી બ્લૉગ: મુક્તપંચિકા અને લઘુલિકા
  • અન્ય બ્લૉગ્સ: મધુસંચય : અનામિકા :  અનુપમા : અનુભવિકા ઇત્યાદિ
  • Indian Philosophy Simplified    Ancient Indian Scripture
  • E-mail ID: thinklife11@gmail.com
  • એમના બ્લૉગ :

મધુસંચય :  https://gujarat1.wordpress.com/

અનામિકા : https://gujarat2.wordpress.com/

અનુપમા :  https://gujarat3.wordpress.com/

અનુભવિકા : https://gujarat4.wordpress.com/

અનન્યા : https://gujarat5.wordpress.com/

મુક્તપંચિકા અને લઘુલિકા : https://muktapanchika.wordpress.com/