ઈચ્છાડી જીતી ગઈ….!

નોકરીમાંથી નીવૃત્તી (૨૦૦૨માં) આવ્યા પછીની પ્રવૃત્તીરુપે કેટલાંક નવાંનવાં કાર્યો જેમજેમ આવતાં ગયાં તેમતેમ તેને સ્વીકારવાનું થયું હતું. પણ નીવૃત્તી વખતે જ લેવાયેલા બે નીર્ણયોને મહદ્ અંશે વળગી રહી શકાયું હતું તે સાનંદાશ્ચર્યની બાબત રહી. આ બે નીર્ણયોમાંનો એક તે કોઈ સ્થાન કે હોદ્દો ન લેવાનો અને બીજો નીર્ણય તે કમાણી માટે કોઈ પણ કામ ન સ્વીકારવું તે. કેટલાક મહત્ત્વનાં સ્થાને બેસવા માટે કહેવામાં આવ્યું ત્યારે સાવ સહજતાથી એનો સાદર અસ્વીકાર કરવાનું બની શક્યું પણ એને જ કારણે કેટલાક મીત્રો, વડીલોને નારાજ કરવાનું થયું. સાતેક મહત્ત્વનાં સ્થાનો પર કાર્ય કરવાની તક આવી તેનો પણ અસ્વીકાર કરી શકાયો.

નેટ પર આવવાનું સાવ ઓચીંતું જ થયું. એણે બહુ જ કાર્યશીલ રહેવાની તકો આપી અને હૈયે પડેલું કેટલુંય બહાર લાવવાના સંજોગો આપ્યા. ૬૦૦ જેટલાં મૌલીક લખાણો (જેની કક્ષા અંગે ફક્ત મૌન જ હોય) નેટ પર મુકાયાં. પણ વાંચવાનું એને જ કારણે ઘટી ગયું ! અનેકોની સાથે સંપર્કમાં આવવાનું બન્યું. અનેકોને નારાજ અને કેટલાકોને ગુસ્સે કરવાનું પણ બન્યું. પણ એકંદરે વાચકોના સ્નેહનું પલ્લુ જ વજનદાર રહ્યું.

કેટલાંય ગ્રુપ્સમાં સભ્ય તરીકે જોડાવાનું બન્યું. આમાંનાં મોટા ભાગનાં ગ્રુપ્સમાં તો આવડતના અભાવે ભાગ પણ બહુ ન લઈ શકાયો ! કેટલાકમાં મીત્રોની મદદ લઈલઈને ભાગ લીધો તો કેટલાકમાં અણઆવડતે કરીને અભણપણુંય સાબીત કરી શકાયું !! (એમાંય હમણાંથી કેટલાંક સ્થળે તો સાવ અભદ્ર સામગ્રી પીરસાતી જોવા મળી !)

*****   *****   *****

છેલ્લા એક વરસથી પ્રવૃત્તીમાંથીય નીવૃત્તી લેવા મન લલચાયા કરતું રહ્યું. કેટલીય વાર એને માટે પ્રયત્નરુપ જાહેરાતોય કરી. પણ માંકડું મન માને તોને ! પુજ્ય નાનાદાદા દ્વારા સ્થાપીત અને દર્શક સંચાલીત ‘કોડિયું’ના સંપાદક તરીકે બે વરસથી આવી મળેલી ફરજ એટલે સ્વીકારી કે એ કામ માતૃસંસ્થા પ્રત્યેની ૠણચુકવણીરુપ હતું. એવી રીતે ઉંઝાજોડણીના કાર્યમાં પણ આદરણીય ગુરુજીના આગ્રહે કરીને મંત્રીપદ સ્વીકારવું પડેલું પણ એમને મનાવીને એ પદ તો છોડી શકાયું. નેટ પર ઉંઝાજોડણીનાં સામયીકોની પીડીએફ ચડાવવાનું કામ સ્વીકાર્યું તે પણ ફરજરુપે.

હવે –

એક વરસથી ચાલી આવેલી લાલચને વશ થવા મન છે. બધાં જ ગ્રુપોમાંથી સબ્સ્ક્રીપ્શન પાછું ખેંચી લેવાનું; બ્લોગીંગને હમણાં આરામ આપીને, પણ લખાણોને વાચકો માટે ઉપલબ્ધ રહેવા દેવાનું; કોડિયુંની કામગીરી ચાલુ રાખીને હોદ્દો (સંપાદકનો) છોડી દેવાનુ; બધાં જ સામયીકોની પીડીએફી કામગીરી અન્યને સોંપી દેવાનું…..અને –

કેવળ વાચન પર જ સ્થીર થવાનું નક્કી થઈ શક્યું છે. (તબીયત ઘણી સારી છે. ભુખ અને ઉંઘ તરફથી સહકાર પુરતો છે.)

ઓછામાં ઓછું એક વરસ તો આમ જ…પછીની વાત પછી.

આ લખાણ કોઈ વીદાયસંદેશ નથી. આ કોઈ આધ્યાત્મીક વાત પણ નથી (એને માટેની લાયકાત ક્યાંથી કાઢવી ?) પરંતુ મને લાગે છે કે, મારી આજીવન વીશેષતા એવી આળસની પછવાડે ડોકાતી એક તીવ્રેચ્છા –‘ઈચ્છાડી’ –ને જીતવા દઈને અપાતું માન ફક્ત છે !!

સૌનો ખુબ જ આભાર અને અનેક શુભેચ્છાઓ સાથે –

– જુ.

ખાદી પહેરી તે પહેરી !

 

એક ચણીબોરની ખટમીઠી   ૯                                                   –જુગલકીશોર.

 

 

૧૯૫૫ના જુનમાં જુનાગઢ પાસેના શાપુર સર્વોદય આશ્રમમાં છઠ્ઠા ધોરણનું ભણવા ગયો ત્યારે ત્યાં ખાદી પહેરવી ફરજીયાત હતી. રંઘોળા (વાયા ધોળા જંક્શન)માં પાંચ ધોરણથી આગળ શાળા નહોતી ને શાપુરમાં અમારા આદરણીય ગાંધીવાદી બનેવી ભાનુભાઈ મહેતા કાર્યકર હતા તેથી મને શાપુરમાં દાખલ કરેલો.

 

શાપુર આશ્રમ રતુભાઈ અદાણી વગેરેએ શરુ કરેલો. ત્યાંના નીયામક અકબરભાઈ નાગોરી ખંભાતના દીવાન રહી ચુક્યા હતા. તેમનાં ધર્મપત્ની મદીનાબેન મને બહુ સાચવતાં…હું નાની ઉંમરે (સાડા પાંચ વર્ષે) માતા ગુમાવી બેઠેલો એ એમને ખાસ યાદ રહેલું.

 

યોગેન્દ્રભાઈ પરીખ અમારા આચાર્ય હતા. મસ્તાનભાઈ મેઘાણી પણ ત્યાં જ અમારા શીક્ષક હતા. ઈસ્માઈલ દાદા નાગોરી અવારનવાર ત્યાં આવીને અમને ભણાવવા ઉપરાંત ખાસ તો વનસ્પતી વીષયક વાતો, જાણે વાર્તા કહેતા હોય એમ સમજાવતા. ક્યારેક દ્રાક્ષના વેલા ઉપર નવી કીસમની દ્રાક્ષ બેઠી હોય તો જાણે કુટુંબમાં લગ્નોત્સવ કે જન્મોત્સવ ઉજવતા હોય એમ સૌની પાસે જઈ જઈને દ્રાક્ષ વહેંચતા !! ( આ જ ઈસ્માઈલ દાદા મને સણોસરામાં તો ગુરુજી રુપે મળ્યા હતા. ત્યાંના મારા છેલ્લા વરસે મારા પ્રમુખપણા નીચે ભરાયેલા ફીશપોન્ડના કાર્યક્રમમાં મેં બીજા ઘણાંનાં રમુજી નામો પાડયાં હતાં તેમ ઈસ્માઈલ દાદાનું નામ સ્માઈલ દાદા પાડયું હતું, જે વર્ષો પછી જનસત્તા દૈનીકમાં વાંચીને રોમાંચીત થઈ જવાયું હતું ! )

 

અહી સૌ પ્રથમ વાર ખાદી આવી. બ્લ્યુ રંગની ચડ્ડી ને સફેદ રંગનું બાંડીયું એ ગણવેશ હતો. બાંડીયા નીચે અંડરવેર પહેરાય એનું ભાન નહોતું ( અને હોત તો એ સીવડાવવાના ફદીયાય નહોતા ) !! બે જોડી ચડ્ડી–બાંડીયાની રહેતી તેમાંની એક બહાર મેદાનમાં વાળે સુકાતી પડી રહેતી અને બીજી કે જે પહેરી હોય – થી નહાવાનું થતું ! તે બન્નેની અદલાબદલી થયાં કરતી ! એક પહેરી હોય અને બીજી વાળે સુકાતી હોય !! જુનાગઢ ક્યારેક જવાનું થાય ત્યારે ઉપરનું કોઈનું કહેવાતું ‘સારું’ ખમીસ ચડાવી લેવાનું રહેતું !

 

આ સંસ્થામાં જ નહીં પણ નોકરીએ લાગ્યાં પછી પણ વર્ષો સુધી ગરીબીએ સાથ નીભાવેલો એટલે મોંઘી ખાદી વસાવવામાં આંખે પાણી આવી જતાં…શાપુરમાં એટલું સારું હતું કે કાંતવાનું ફરજીયાત હતું તેથી હાથે કાંતેલા સુતરમાંથી ખાદી મેળવી લેવાતી જે બે જોડી કપડાં પુરતી માંડ થતી.

 

સણોસરામાંય ખાદી ફરજીયાત હતી. અહી આવ્યા પછી તો મોંઘવારી ઓર વધી ગઈ હતી. ભણવાના ખર્ચાય વધ્યા હતા. જોકે સણોસરામાં શીક્ષણ ફી જ નહોતી ! એને બદલે અમારે સૌએ દરરોજ ત્રણ–ચાર કલાકનો શ્રમ રહેતો, જેણે અમારા જીવનને પરીશ્રમી, સ્વાવલંબી અને ખુમારીભર્યું બનાવી આપેલું. પણ છતાંય સણોસરામાં ચોરીછુપીથી મીલના કાપડનાં પહેરણ પહેરવાંનાં થતાં ! ગરીબીએ આ એક ખોટું કામ કરાવેલું જે અમને સૌને ચચર્યાં કરતું. શાપુર કે સણોસરામાંના ફરજીયાતપણાએ ખાદી પ્રત્યે એક ન સમજાવી શકાય એવો  ભેદ મનમાં ઉભો કરેલો જેને લીધે અમારામાંના ઘણાંને સણોસરા છોડયા પછી તો ખાદી નથી જ પહેરવી એવો નીર્ણય કરાવવા મજબુર કરનાર હતો…મનેય ખાદી પ્રત્યે એવો કોઈ જ લગાવ થયો નહોતો. ગાંધીજી, નાનાદાદા, મુળશંકરભાઈ, બુચદાદા, ઈસ્માઈલદાદા વગેરે માટેનો અત્યંત ઉંચો ભાવ પણ ખાદી તરફ વાળવામાં મદદરુપ થયો ન હોય તો તેમાં મારી ગરીબી જ મુખ્ય કારણ હતી એ વાત આજે આ લખતી વખતેય ચુભી રહી છે !!

 

સણોસરા છોડવાનો સમય આવી ગયો. ૧૯૬૫માં સ્નાતક થઈને નીકળ્યા ત્યારે નોકરીનાં કોઈ ઠેકાણાં નહોતાં. સરસપુરમાં મોટાભાઈ સાથે રહેતો હતો ત્યારે સણોસરાના જ એક સ્નાતક રાજેન્દ્ર સરસપુર કસ્તુરબાનગરમાં રહે. એક દીવસ રસ્તામાં ગોદાણીના દવાખાના સામે મળી ગયેલા. મારા કરતાં એક વરસ સીનીયર. મારી સાથે સણોસરા અને અન્ય નઈ તાલીમની વાતો કરતાં કરતાં એક વાક્ય બોલી બેઠા – આ તો ઠીક છે કે ગરીબોને એ રીતે રોજી અપાવવામાં મદદરુપ થઈ શકાય છે એટલે ખાદી પહેરું છું, બાકી મને તો આ બધાંમાં જરાય રસ નથી…!!

 

બસ ! આ એક અમસ્તું અછડતું વાક્ય બોલીને તેઓ તો જતા રહ્યા. પછી તો સાંભળવા મુજબ અમેરીકામાં ખુબ વીકસ્યાય ખરા ને ખાદી તો ઘણી વહેલી છોડી ચુક્યા હતા….પણ એમનુ પેલું ગરીબોને મદદરુપ થવા વાળું વાક્ય તો મારા મનમાં ઉંડી ખીલી મારી બેઠું !!

 

તે ઘડી ને આજ સુધીનો દીવસ !! ન તો મેં ખાદીને છોડી કે ન એણે મને છોડયો !! ઘોડાપુરમાં ધસમસતી વહેતી નદીના પુરમાં હું ને ખાદી બન્ને તણાતાં હતાં….રીંછ મને વળગ્યું હતું કે હું રીંછને તે કહી શકાય એમ નહોતું. અનેક પલટાઓ આવ્યા; અનેક આકર્ષણોય ઉભાં થયાં; અનેક જાતની કામગીરી કરવાની આવી – ગરીબીએય પોતાનો બેસુરો તાનપુરો વગાડયા કર્યો‘તો; મોટા હોદ્દાઓ પર કામ કરતી વખતે ટીકાઓય થઈ અને ખાસ તો જાહેર સ્થળોએ લોકોનાં મેણાંય સાંભળ્યાં કર્યાં…..

 

પણ પેલા રાજેન્દ્રે માથામાં ખોસી દીધેલું વાક્ય આજેય એટલું જ તાજું રહ્યુ છે કે ખાદીથી ભીડાવીને જ મને રાખ્યો છે.

 

વચ્ચે ટેરેલીન ખાદી પહેરવી શરુ કરી તે શરીરને ન ફાવી કારણ કે ટેરેલીનના રેસા પરસેવો ચુસવા દેતા નથી. પરસેવાને કારણે પણ પર–સેવાની વાત બચી જતી હતી !! અને તેથી  આજે પણ આ ખાદી એટલી જ વ્હાલુડી થઈને વળગેલી રહી છે.

વીદ્યાપીઠમાં ફર્સ્ટ ક્લાસ સાથે એમ.એ. તો કર્યું પણ…..!

ચણીબોરની ખટમીઠી
જુગલકીશોર============================================

ગુજરાત વીદ્યાપીઠમાં પારંગત (એમ.એ.) કરવું એટલે શું અને એમાં કેટલી વીસે સો થાય એની સમજણ એમાં દાખલ થયાં કેડ્યે બહુ મોડી પડી. પણ જ્યારે પડી ત્યારે હાથમાં બાજી રહી ન હતી. ગમે એમ પણ બોળ્યું છે તો પછી ઘસી તો નાખવું જ પડશે એ નક્કી હતું એટલે કમર કસ્યા ઉપરાંત સાઈકલનાં પેડલને ય તેલ ઉંજવાનું, નવાં નવાં જ આવેલાં, ધર્મપત્નીને ભળાવીને આપણે તો વહેલી સવારે ખેતાળા મુકવા માંડ્યા ! બાપુનગરની અન્નપુર્ણા સોસાયટીથી  મારેલું પેડલ ગંધારી મીલ (અનીલ સ્ટાર્ચ), નુતનમીલ, વોરાના રોજા, કાળુપુર પુલ, દરીયાપુર દરવાજા, દીલ્હી દરવાજા, શાહપુર, ગાંધીબ્રીજ, ઈન્કમટેક્સ થઈને વીદ્યાપીઠ આવતાં આવતાંમાં તો ટાંટીયાની કઢી કરી મુકતું !

વીદ્યાપીઠમાં સવારની પ્રાર્થના અનીવાર્ય હતી. ત્યાં પગને આરામ  મળી જતો એટલે જ હશે કદાચ, પણ પ્રાર્થાના ગમતી ! ત્યાર પછી આવતું કાંતણ ! રેંટીયો છેક બાપુનગરથી લાવવાનું પોસાય નહીં એટલે છાત્રાલયના સહપાઠીઓ પાસે જ રહેવા દેતો. પણ પછી તો નવો પ્રયોગ વીચાર્યો. પ્રાધ્યાપકશ્રીને પુછ્યા વગર જ બાપુની તકલી વસાવી લીધેલી !! ગાંધીજીને કસ્તુરબાએ ગાયના દુધને બદલે બકરીના દુધે ચડાવવામાં મદદ કરેલી, એમ મને તકલી ઉપર ચડી જવાનું સુઝી આવ્યું ! અને પછી ઘણો સમય તકલી ઉપર સુતરના અસલી તાર  ખેંચવા માંડેલો. પ્રાધ્યાપકશ્રીઓને મારી દશાની ખબર હતી એટલે અને આમેય તકલીમાં કોઈ સૈધાંતીક વાંધો ન હતો. અને એમ મારું ભણવાનું ગાંઠાગળફા વીનાના સુતર જેવું સમુસુતરું ચાલ્યું…

ભાષાના અઘરા શબ્દો, અઘરી વાક્ય રચનાઓ, ભારેખમ વીષયો  અને અત્યંત ઝીણવટ માગી લેનારા વાચન વગેરેએ કસોટી તો કરવાનું ચાલુ  રાખ્યું જ હતું એવામાં એક દી’ દલપતરામ અંગેનું પ્રકરણ ચાલે. પ્રકરણ લાંબું હતું અને અનેક પુસ્તકો એના પર રીફર કરવાનાં હતાં. મારી પરીસ્થીતીથી વાકેફ મીત્ર પંકજ ભટ્ટે મને બે પુસ્તીકાઓ અને એક પુસ્તક આપીને કહ્યું કે આટલું થાય તો કરજે. મીલની નોકરી-સાઈકલીંગ-અને સંસારની વચ્ચે એ પુસ્તકો રીફર કરીને હું ચર્ચા-કસોટીમાં ભાગ લેવા તૈયાર  થયો.  બધા જ ટોપીક્સ પર એક ચર્ચા-કસોટી થતી અને ત્યાર બાદ એ જ ચર્ચાના આધારે લેખીત કસોટી થતી. તે દીવસે દલપતરામ વીષે બહુ જ ઉંડાણથી ચર્ચા ચાલી. મને એમાં ઝંપલાવવાનું મન થાય થાય ત્યં તો મારો મુદ્દો કોક બીજા જ બોલી નાખે !! હું રજુઆત કર્યા વગર રહી જાઉં. કનુભાઈ જાની મારા સામે જુએ પણ મારે કહેવાનો મુદ્દો બીજાએ મુકી દીધો હોય !

એવામાં કોઈએ કહ્યું કે દલપતરામની કવીતામાં કાવ્યત્ત્વના અભાવનું એક કારણ એમાં ચીત્રાત્મકતાનો અભાવ પણ છે ! અર્થાત્ એમની કવીતામાં ચીત્રાત્મકતા નથી ! મારાથી ન રહેવાયું ને મેં બોલી નાંખ્યું કે આ વાત બરાબર નથી ! એમનાં ઘણાં કાવ્યોમાં સુંદર ચીત્રો મળે છે ! સૌ મારી તરફ, જાણે કોઈ ભાંગરો વાટી નાખ્યો હોય એમ જોઈ રહ્યાં. મેં તો ‘દલપત ગ્રંથાવલી’માંથી ફટાફટ કેટલાંય ઉદાહરણો વાંચી બતાવ્યાં જેમાં ચોમાસામાં જોવા મળતા ઈન્દ્રગોપનું સુંદર ચીત્રણ આજેય યાદ આવે છે ! એક પછી એક અનેક ઉદાહરણોનો ઢગલો કરીને હું તો બેસી રહ્યો. સૌ સાંભળી રહ્યાં ને કનુભાઈએ મને પોરસાવી મુક્યો. પછી તો એમણે મને ચર્ચાની જગ્યાએ પ્રશ્નો જ સીધા પુછી પુછીને મારી કનેથી ઘણું બધું ઓકાવી નંખાવ્યું ! સૌને ખ્યાલ આવી ગયો કે મીલની નોકરી કરતો આ જણ જાણેય છે ને રજુય કરે છે.

એ દીવસે મને 10માંથી કદાચ 8 માર્ક મળી ગયા !!  અને એ જ દીવસથી હું આગળની લાઈનનો અધીકારી જાણે કે બની રહ્યો. પછી તો ભાષાવીજ્ઞાન જેવા અત્યંત અઘરા અને અટપટા વીષયમાંય  હું સૌથી વધુ માર્ક્સ મેળવવા માંડેલો. પણ દલપતરામ કે જે મારા પીતાજીના પ્રીય કવીઓમાંના એક હતા તેમને અંગેની ચર્ચામાં મને મળેલા માર્ક્સની વાત સાંજે ઘેર આવતાં વેંત જ બાપાને કરી ત્યારે એમણે મને ભેટવાનું જ બાકી રાખ્યું ! ( એ જમાનામાં જુવાન છોકરાને ભેટીને ખુશી વ્યક્ત કરાતી નહોતી)… પછી તો મારી સાઈકલનાં પૈડાં જાણે વગર પેડલે દોડતાં થયાં…એટલે સુધી કે બીજા વરસની ફાઈનલની પરીક્ષામાં હું મારા જુના અધ્યાપકોનેય પાછળ મુકીને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવીને ઉભો રહ્યો!! મારી જેટલા જ માર્ક્સ લઈને મારા જ એક અધ્યાપકશ્રી પણ મારી સાથે જ રહ્યા હતા, એટલે તેઓ પણ એ જ કક્ષાએ હતા.

પરંતુ જ્યારે એ પરીણામ આવ્યું ત્યારે એને વધાવવા બાપા હાજર ન હતા !! મૃત્યુ પછી આત્માને એ સમાચારો મળતા હોય છે એવી માન્યતાને આગળ કરીને બાપાના સુખની કેવળ કલ્પનાઓ જ કરતો રહ્યો…..હતો અને છું !!!
                                     —===0000===—

સાઈકલનાં પેડલ મારતાં મારતાં એમ.એ.ની તૈયારી !

ચણીબોરની ખટમીઠી : ( 7 )
–જુગલકીશોર===================================

સાઈકલ ઉપર એમ.એ.ના પાઠ !

1967માં ગુજરાત વીદ્યાપીઠમાં પારંગતનાં બે વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો ત્યારે સ્વપ્નેય ખ્યાલ ન હતો કે બાવળાની નોકરી છોડવાનો નીર્ણય એક જુગાર બની જશે. પારંગતના (એમ.એ.)ના અભ્યાસક્રમમાં ભાષા અને સાહીત્યનું ઉંડાણથી ખેડાણ કરવાનું હતું અને એમાં મારી ચાંચ ડુબાડવા માટે બહુ નાની અને નબળી પુરવાર થવાની હતી. ભાષા મને બહુ ગમતી હતી; વાચન સારું હતું અને બે-ચાર પદ્યજોડકણાં રચ્યાં હતાં એટલા માત્રથી મને એમ.એ.નો અભરખો હતો….

પણ જ્યારે વર્ગો શરુ થયા ત્યારે ખબર પડી કે મારી જ માતૃભાષા હોવા છતાં એ અંગ્રેજી કરતાંય  પહેલીવાર જ અઘરી લાગી ! વ્યાખ્યાનોમાં અધ્યાપક જે રજુ કરતા તે જાણે કોઈ અજાણી ભાષાની વાતો હોય, અજાણી કોઈ ભાષામાં વ્યક્ત થતું  હોય એવું જ લાગે ! માથામાં વાગે એવા ભારેખમ શબ્દોમાં મઢેલાં એ વ્યાખ્યાનો ઓછામાં ઓછાં છ મહીના સુધી તો મને ‘સમજાયાં’ જ નહોતાં !! એને પચાવવાની તો વાત જ ક્યાં હતી ?  (અધુરામાં પુરું મારા સહાધ્યાયીઓમાં મારા જ ત્રણ શીક્ષકો પણ સામેલ હતા !! મારા સીવાયનાં લગભગ બધાં જ વીદ્યાપીઠની હોસ્ટેલમાં રહીને ભણતાં હતાં જેમનું વાચન દીવસનું 10-12 કલાકનું રહેતું. ગુજરાતની સૌથી વીશાળ લાઈબ્રેરીનો 24 કલાક ઉપયોગ તેઓ કરી શકવાનાં હતાં.)

જ્યારે મારે તો આઠ કલાક મીલમાં નોકરી કરવાની હતી; સાઈકલ ઉપર બાપુનગરથી વીદ્યાપીઠ અને વીદ્યાપીઠથી વળતાં અસારવામાં આવેલી આર્યોદય જીનીંગ મીલ સુધીની મુસાફરી; નોકરી છુટ્યા બાદ અસારવાથી થાક્યાપાક્યા બાપુનગર – એમ દરરોજ ની 18-20 કી.મી.ની મુસાફરી કરવાની હતી. આ સીવાય પણ સેમી ક્લાર્ક તરીકેની નોકરી એટલે માનસીક યાતનાય ખરી. લગ્ન થઈ ચુક્યાં હતાં. વૃદ્ધ પીતાજી મારી આ તનતોડ-મનફોડ જીવનીને લાચાર બનીને જોયા કરતા ! ગામડામાંથી આવેલા જીવને શહેરનું આ જીવન અને એના આ મા વગરના દીકરાનું અશક્યવત્ જણાતું લક્ષ્ય સમજાતું નહીં.

મને મીલની નોકરીમાં રોજીંદા રુ. પાંચ લેખે માસીક રુ. 150 પગાર મળતો. એક જ દીવસની રજા પડી નથી ને પગારમાંથી પાંચીયું કપાયું નથી ! એ દીવસોમાં રુપીયો ગાડાના પૈડા જેવડો હતો.  શની-રવીની રજામાં રાતના બે વાગ્યા સુધીનું ભણવાનું ચાલતું. બાપા પણ સાથે જ જાગતા હોય. હું એમની પાસેથી જ શાસ્ત્રીય સંગીત અને છંદો શીખ્યો હતો. પોતે બહુ ભણેલા નહીં પણ હવેલીના મુખીયાજી તરીકે રાગ-રાગીણીઓ સમજે. ભજનો-ધોળ વગેરેને આધારે છંદોનું પણ સારું જ્ઞાન. એમનો આ સૌથી નાનો દીકરો ભાષામાં પારંગત થશે એની એમને બહુ કીમત હતી. હું પણ એમને કાવ્યમાંની અનેક ચીજો સંભળાવીને આનંદમાં રાખતો. અમે ઘણીવાર મારા હોમવર્કને બાજુ પર મુકીને સાહીત્યની રસખાણમાં ઉંડા ઉતરી જતા.

પણ એમને પરમ સંતોષ તો ત્યારે થયો કે જ્યારે મેં એમને મારી પ્રગતીના સમાચારો એક પછી એક આપવા માંડેલા ! છાત્રાલયમાં રહીને 12-12 કલાક અભ્યાસ કરતા મારાથી બધી રીતે મોટા સૌ સહાધ્યાયીઓને પછાડીને હું આગળ નીકળવા માંડેલો એ જાણીને એમની છાતી કેટલી ફુલતી હશે એ તો સૌ સૌની કલ્પનાનો જ વીષય રાખીને આજે તો  અહીં જ આને અટકાવું….

                                     —===0000===—

નકામાં લખાણો ભુંસનારું ડસ્ટર ક્યારેય ન ભુંસાયું !!

ચણીબોરની ખટમીઠી : 6                        –જુગલકીશોર.  

============================================================================ મા

મારા ડસ્ટર-પ્રયોગો !! 

શાળામાં શરુઆતના દીવસોમાં મને આચાર્યશ્રીએ પ્રાથમીક વીભાગમાં મુકીને પાંચમા ધોરણના વીદ્યાર્થીઓને નાગરીકશાસ્ત્ર ભણાવવાનું સોંપ્યું હતું. ખેતીના વીષયો ઉપલા ધોરણો 8 થી11ને મારે ભણાવવાના હતા પરંતુ થોડા સમય પુરતી આ સગવડ કરાઈ હતી.
પાંચમા ધોરણમાં આગળની લાઈનમાં એક બાંઠકો વીદ્યાર્થી ખુબ તોફાન કરે. ભાલ પંથકનું અસ્સલ લોહી. કદરુપો પણ તેજસ્વી. એની તેજસ્વીતા ભણવા કરતાં તોફાનોમાં વધુ પ્રગટ કરીને એ મારી તેજસ્વીતાને અને સાત્ત્વીકતાને પડકાર્યા કરતો !
એનો પડકાર મારા માટે પડકાર જ બની રહેતો. મોટાભાગે એ જ જીતી જતો ! હું મારું લોકભારતીનું શીક્ષણ, મારા સંસ્કારો, મને મળેલી નઈતાલીમની દીક્ષા – એ બધુંય ભુલી જઈને, હાથવગું હથીયાર ડસ્ટર લઈને ફરી વળતો. અસલ ઘી, ભાલના ઘઉં અને ભાગ્યે જ જોવા-ખાવા મળે એવા અસલ ચોખાનો ખોરાક પચાવીને એ આવતો હતો. મારું ડસ્ટર એને ક્યારેય રડાવી શક્યું નહીં. એને પરાજીત પણ કરી શક્યું નહીં. કદરુપું મોઢું કટાણું કરીને એ વધુ કુરુપ બની મને જોઈ રહેતો. એને ડસ્ટર મારતી વખતે મનેય હૈયામાં એ વાગતું. હું મનેય ઘણો કદરુપો લાગતો. પણ…

કાળા પાટીયા પરનાં  વધારાનાં અને નકામાં લખાણો ભુંસવા માટેનું એ ડસ્ટર, એ છોકરાનાં લખ્ખણો (લક્ષણો) તો ન ભુંસી શક્યું પણ મારા સમગ્ર વ્યાવસાયીક જીવનનાં વર્ષો દરમ્યાન ક્યારેય ન ભુંસાયેલા એ ડસ્ટરે, વળગવાની સંભાવનાવાળાં ઘણાં અપલખણોને, આવતાં પહેલાં અટકાવવાની મોટી મદદ કરી. એ છોકરાને મારતી વખતે ડસ્ટર ધારણ કરેલા મારા હાથની તાડનમુદ્રામાં મારા ક્રુર રાક્ષસત્વે મને એ છોકરા કરતાંય વધુ કદરુપો બનાવી મુક્યાનો અહેસાસ મને સદાય થતો રહ્યો.  

હું ખુબ સારો શીક્ષક, કાર્યકર કે અધીકારી બની શક્યો કે કેમ એનું મુલ્યાંકન કરવું અઘરું છે પણ માર ખાતા એ છોકરાએ માર ખાઈનેય મને ઘણું શીખવાડ્યું છે. એનો ગણ હું ક્યારેય ભુલી ન શક્યો. મારામાં ક્યાંય પણ, ક્યારેય પણ જે કાંઈ સારપ દેખાઈ, તેમાં આ સૌનું ઋણ ન ફેડી શકાય તેવું ને તેટલું મારા પાટીયા પર ચીતરાયેલું અને એટલે જ સદાય સ્વીકારાયેલું રહ્યું છે. જીવનની પ્રથમ જ નોકરી માટે જેલમાં જવાનું મેં ભલે મુલતવી રાખ્યું પણ મારો માર ખાઈનેય  જીતી જનારા એ છોકરાઓનો હું કેદી બની રહ્યો. વળતે પગલે એ સૌને આજીવન મારે હૈયે કેદ રાખીને હું યથાશક્તી તેમનું ઋણ ચુકવવા પ્રામાણીકપણે મથતો રહ્યો……
==================================================================
[ મીલમાં કાપડની જાહેરાત કરતાં કરતાં એમ.એ. કર્યું….હવે પછી ]