વીદે વીચા રેવાવિર રદ !

પાંચેક વરસનીય ઉંમર નહીં હોય.

ઉમરાળાની હવેલીના મુખીયાજીનું કુટુંબ હવેલીની શેરીમાં, હવેલીથી ચારેક ઘર આઘે રહેતું. મુખીયાજી જેઠાલાલ અને સાંકુબાને પાંચ સંતાનો. ત્રણ દીકરા ને બે દીકરી. સૌથી નાનો આ સમયે પાંચેક વરસનો માંડ.

એની યાદશક્તી વખણાતી, બહુ. એક વાર એવું બનેલું કે કોઈની સાથે એ ધોળા કે ઢસાજંક્શને ગાડીની રાહમાં બેઠેલો તે દરમ્યાન સા…મે એક દુકાન પરનું એક પાટીયું જોયાં કરે. એ વખતે નીશાળે બેસવાને હજી વાર હતી એટલે કક્કો કે બારાખડી તો ક્યાંથી હોય ? પણ સાઈનબોર્ડના પાટીયા પરના અક્ષરોનો વળાંક એને કોઈ ચીત્ર જેમ ચોટી ગયો હશે.

ઘરે આવીને એણે મોટાભાઈની સ્લેટમાં પાટીયાના અક્ષરો આવડ્યા એવા ચીતરીને કોઈને બતાવ્યા હશે, તે ઘરમાં બઘડાટી બોલી ગઈ !

એ, આ જોવો તો, જુગલે પાટીમાં લખ્યું છે ‘કમલ બીટર ખસ’ !! (૭૨ વરસ પછી આજે એ નામ મનેય યાદ નથી પણ એ જમાનામાં આ શેનું હશે એ ખબર નથી.)…..નીશાળે જવાને હજી વાર હતી ને તોય દુકાનનું આખું નામ લખી દેનારને કુટુંબનો મેગસેસે મળી ગયેલો. ત્યાર બાદ વરસો સુધી, નહીં દાયકાઓ સુધી આપણા રામની છાતીએ એ એવોર્ડ શોભતો રહ્યો.

ઉમરાળાના એ ઘરે હમણાં પાંચેક વરસ પહેલાં જવાનું થયું  ત્યારે શામલાલ બાપાની હવેલીએ માથું ને હૃદય નમાવવા ગયેલા. હવેલી હજી એની એ જ ! કેટલાક સાવ સાધારણ ફેરફારો સીવાયનું બધ્ધું જ સાત સાત દાયકા વીંધીને હૈયાને ખુણુેખુણે વ્યાપી વળ્યું……..હૈયાની ધડક અને આંખોના ભેજમાં જાણે આખો જનમારો આવી વસ્યો ! 

પણ પછી તો ભાભીએ કહ્યું કે હાલો, આપણું મકાન પણ જોતાં જાઈં.

મારું હૈયું ફફડી રહ્યું ! શું એ મકાનને હું જોઈ શકીશ ? આટલા લાંબા વીયોગ  પછી એ મકાનની દીવાલોને હું તાકી શકીશ ? જન્મ્યા પછી ચાલતાં શીખીને જ્યાં પહેલી જ પગલી પડી ’તી ને પછી તો દોટમદોટ થઈ શકી ’તી એ ભુમીનો સ્પર્શ શું કરી બેસશે ?!

પણ ગયાં. મકાનમાલીક બહેને પુછ્યું કોનું કામ છે ?! શું જવાબ હોઈ શકે ?! કોનું કામ હતું, અહીં આવવા પાછળ ? “અરે, બહેન, અમે અમને જ મળવા આવ્યાં છીએ – સીત્તેર વરસ પહેલાંનાં અમે અમને જ મળવા આવ્યાં છીએ !! ”  

આવકાર સાથે અમે અંદર ગયાં. સીત્તેરેક વરસનો આ ડોસો કાંઈ બાળક બનીને દોડાદોડી તો કરી ન જ શકે ! સ્થીર થઈને ઉભા રહી જવાયું. હલવાથીય જાણે કે કશું – રઝોટીની જેમ જાણે ખંખેરાઈ જવાનું  ના હોય, એમ સજ્જડ થઈ જવાયું…..આજુબાજુ કેટલાક આંટા માર્યા, પણ હવે માલીકી કોઈ બીજાની હતી એટલે ખુણેખુણો તો ક્યાંથી જોવાય ?! કેટલીય જગ્યાઓને યાદ કરીને એકબીજાને ગણાવતાં રહ્યાં. આ રસોડું, અહીં દાદરો હતો, પાછળનું નળકોળીયું હજી છે કે કેમ ? વગેરે વાતોને મકાનમાલીકણ ભાવથી સાંભળી રહ્યાં. એમનેય અમારો ચેપ લાગ્યો હશે. 

છેલ્લે મારી નજર ફળીયું વટાવીને સામેની ઓશરી અને એના દાદરા સુધી ગઈ. દાદરો જ્યાં પુરો થતો હતો તે ઉપરના ઓરડાની દાદરાની પછીતની દીવાલે જોવા મથ્યો પણ એ જગ્યા ફેરફારાઈ ગઈ હતી……ને તોય મેં ત્યાં સીત્તેર વરસ પહેલાં  જે લટકતી તે ડંકાવાળી, ધીરજલાલે આપેલી ઘડીયાળ કલ્પી લીધી. ડંકા તો ન સંભળાયા પણ એ ઘડીયાળની તરત નીચે લખેલી લીટી મનચક્ષુ વડે વંચાઈ ગઈ…….“દર રવિવારે ચાવી દેવી”………!

આટઆટલાં વરસો વીંધીને, આ જ લીટીજેને હું ઉંધેથી વાંચીને જ બોલતો તે આખી લીટી ડંકાની જેમ રણકી ઉઠી –

“વીદે વીચા રેવાવિર રદ !!! ” 

– જુગલકીશોર

દૈનંદિની : ચાલીસેક વરસ પહેલાંની વાત

મોંઘેરાં મહેમાન : પીળક

      – જુગલકીશોર.

અમદાવાદમાં જીવરાજપાર્ક વીસ્તારમાં અમે રહેવા આવ્યાં ત્યારે સત્યનારાયણ સોસા.ની બાજુની સોસાયટીના મારા ઘરની હદને અડતા છેડે, અખીલેશ સોસાયટીના મકાનમાં ને અમારી દીવાલથી સાવ નજીક એક લીમડી હતી. જોતજોતામાં તે લીમડો બની ગયેલી. ને પછી તો બનતું આવ્યું છે એમ એના આશરે પક્ષીઓ રહેતાં થયેલાં. ઉનાળાની અધવચથી ચોમાસા મધ્યેય દીવસ–રાત ગામ ગજવતો રહેતો નર કોકીલ એની મુંગી ધરમપત્ની સાથે આવતો રહેતો. અડધી રાતેય એને સપનું આવે ને કુહુકવા મંડી પડતો.

પણ તોય એ કોકીલજોડીને મહેમાન કહેવાનું મન નો થાય. એ તો જાણે કુટંબનાં ધરાર સભ્યો.

પણ એક દી’ વહેલી સવારે સાવ અજાણ્યો ટહુકો સાંભળીને જાણે કોઈ ઓલ્યા ભવનું અનુસંધાન થતું હોય એમ કાનથી સીધો એ ટહુકો હૈયામાં ઉતરી જાતો અનુભવ્યો. એક, બે ને ત્રીજે ટહુકે તો પથારીમાંથી ક્યારે લીમડાની ડાળડાળ શોધતો થઈ ગયો, ખબર ન રહી. આંખો એક બાજુ આખા લીમડાની ઉલટ તપાસ કરવામાં પડી ને બીજી બાજુ કાન મારા સોળ સોળ વરસને વીંધીને ચોપડીમાં ‘વાંચેલા’ ટહુકાની સાથે આ ટહુકાને ગોઠવવા મથામણ કરે !!

રુપાવટી (ગારીયાધાર)ના નીવાસ દરમીયાન ૧૯૬૦માં મેટ્રીકની પરીક્ષામાં આઠમા અંગ્રેજી વીષયમાં નપાસ થઈને હું ઓક્ટોબરની તૈયારી કરતો. ગામની એક જ કબાટમાં સમાઈ ગયેલી લાયબ્રેરીમાં ગાંધીજીના ‘ધર્મમંથન’ વગેરે અનેક પુસ્તકો ભેળાં ગુજરાતનાં અને ભારતનાં પક્ષીઓ વીષયક પુસ્તકોય હતાં. એ પુસ્તકોએ પક્ષીરસ જગાડેલો. બ્લૅક–વ્હાઈટ છપાઈનાં એ પુસ્તકોમાં પક્ષીઓની સમૃદ્ધી સમાન એમનો રંગ તો ક્યાંથી પામું ? ને વર્ણનોમાંય એમના ટહુકાને વર્ણવતા શબ્દોમાં એ ટહુકાની મીઠાશ ક્યાંથી સાંભળવા મળવાની હતી ?! છતાં એ દીવસો બહુ જ ઉત્સાહના હતા. પક્ષીઓની કેટલીય જાતની ખુબીઓથી ભરેલાં વર્ણનો મનને ભરી દેનારાં હતાં.

એમાં મને બહુ જ આકર્ષી ગયેલાં બે પક્ષીઓમાં એક તે પક્ષીઓનો પટેલ ‘કાળીયો કોશી’ ને બીજો તે પીળક. પીળકનું વર્ણન – એની આંખ ફરતી કાળી પટ્ટી ને પાંખ પરનો કાળો પટ્ટો બાદ કરતાં આખું શરીર સોનેરી – વાંચીને તો હું મોહી જ પડેલો. એના ટહુકાનું વર્ણન ફક્ત ને ફક્ત વાંચવાથી જ સંતોષ લીધેલો !! અક્ષરોમાં તો એ ટહુકો કંઈક ‘પિલ્લોલો…પિલ્લોલો’ એટલું જ વંચાવતો હતો. અક્ષરોમાં વાંચેલા ટહુકાને કાનના માધ્યમથી સાંભળવા મળે તોય તેને આ ઈન્દ્રીય વ્યત્યયના ફેરફારોમાં ઓળખવાનું બનેય શી રીતે ?!! એનો નજરોનજર (ને કાનોકાન) સાક્ષાત્કાર થવાની તો કોઈ કરતાં કોઈ જ શક્યતા તે દીવસોમાં કલ્પેલી પણ નહીં.

તે દી’ સત્યનારાયણ સોસાયટીના ધાબે વહેલી સવારે જે ટહુકો સાંભળેલો તે આ પીળકીયા ભાઈબંધનો ને તેય આટઆટલે વરસે સાંભળવા મળશે એવી આશા તો શું, કલ્પનાયે ક્યાંથી કરી હોય ?! એક બાજુ હાંફળીફાંફળી આંખો એ નવતર પક્ષીને લીમડાની ઘટામાં શોધે ને બીજી બાજુ કાન મને સોળ વરસ પહેલાંના રુપાવટીએ ખેંચી જઈને કાંક સાવ હૈયે કોતરાઈ ગયેલી સ્મૃતીને ફંફોળીને લીમડા પરના ટહુકાનું અનુસંધાન કરવા મથે ! બધું જ ભુલી જઈને હું આમથી તેમ દોડ્યા કરું. (સારું હતું કે ધાબા પર કોઈ જાગતું નો’તુ. નહીંતર ગાંડો ગણી કાઢે તો નવાઈ ન લાગે તેવી મારી દોડાદોડ ને ખોળાખોળ હતી.)

કાન મને વાંચેલા શબ્દો અને આ ટહુકાનું અનુસંધાન કરાવી આપે તે પહેલાં તો મારી આંખ બધો જશ લઈ ગઈ ! ક્ષણ બે ક્ષણ પુરતો એક આકાર એને ભળાઈ ગયો. પીળો ધમરખ રંગ લીલાં પાંદડાંની વચ્ચોવચ ઝબકારો મારી ગયો. મારી આંખો ઘડીભર જાણે અજપાઈ ગઈ. કાબર જેવડું કદ જાણે સોને મઢ્યું હોય એવા સોનેરી વૈભવનું માલીક એ પંખીડું સોળ સોળ વરસ વીંધીને જાણે પેલી ચોપડીમાંથી ફફડાટ કરતું બહાર આવ્યું ! મારે આંખે–કાને–હૈયે આ સોનેરી રંગ, આંખનો કાળો પટ્ટો ને પાંખે શોભતી કાળી પટ્ટી ને વધારામાં પેલું ‘પિલ્લોલો ’!! હૈયું જ જાણે બોલી ઉઠ્યું, “અરે, આ તો પીળક !”

સોનપંખી !

પણ હું આનંદનો પોકાર કરું તે પહેલાં તો એક ને બદલે બે ફફડાટ લીમડાની વીદાય લઈ ગયા. હું તો કોઈએ વાંસામાં સોટી વીંઝી હોય તેવી વેદનાનો માર્યો સુમસામ બેસી પડેલો.

આખો દીવસ આનંદ અને શોકના મીશ્રણનો ગયો. હવે ? કાલે શું તેઓ આવશે ? આવેય ખરાં ને નયે આવે. પણ મન કહેતું હતું કે આટલે વરસે આવીને કોઈ કાંઈ આમ સાવ નઠોર તો ન જ થાય. તો બીજું મન આ ઈર્ રૅશનલ વીચારણાને હસતું હતું. સાંજે ધાબા પરની પથારીની દીશા બદલીને સુતાં.

બહુ વહેલાં આંખ ઉઘડી ગયેલી. એનો આશરે સમય થયો ત્યાં સુધી કદાચ પ્રાર્થનાઓય કરી હશે.

પણ તેઓ આવેલાં. એમના પહેલા જ ટહુકે હું તૈયાર થઈને શોધવા લાગેલો. પણ મારા નસીબે તેમણે આ વખતે સાવ સીધાં જ દર્શન દીધેલાં ! સીધું જ જોઈ શકાય એમ સાવ સામે બેસીને એણે પેલો મીઠો ટહુકો રવાના કર્યો…સૌંદર્યની સાક્ષાત્ મુર્તી ને ગાયનનો સમ્રાટ. હું અવાચક બનીને તુલસીદાસની પંક્તીઓ અનુભવી રહ્યો :

ગીરા અનયન, નયન બીનુ બાની !

( જીભને કહેવું છે પણ એણે જોયું નથી, ને આંખે જોયું છે તો એની પાસે વર્ણવવા માટે વાણી નથી !! )

સુવર્ણ–વૈભવી પંખી.

***   ***   ***

પછી તો બાજુની સોસાયટીવાળા એ મકાનના માલીકો બદલાતા રહ્યા, ને એક દીવસ લીમડો પણ ધરાશાયી થયો. લીમડાની વીદાય વસમી હતી કે પંખીઓના માળાનું વીંખાવું વસમું, એ સવાલ તો નીરુત્તર જ રહ્યો છે. વરસોનાં વાણાં વાયાં. જાતભાતનાં છોડ–ઝાડ ઉગ્યાં ને આથમ્યાં પણ એ લીમડો ને એ મહેમાનો ગયાં તે ગયાં.

હજી હમણાં, થોડા મહીના પહેલાં જ, મારા મીઠા લીમડાની જામેલી નાનકડી પણ ઘેઘુર ઘટામાં કોણ જાણે કોના મોકલ્યાં એ બે સોનેરી પંખીઓ ટહુકી ગયાં. મને થયું, હજી પણ આ આંગણું એમને સૌને આવવા લાયક છે; એમને નીમંત્રવા લાયક છે ખરું ! હજીય એ સૌને અહીં ટહુકી જવાનો ટૅસડો પડે એવી દાનત અમારામાં વસી છે ખરી.

નહીંતર ગયા ઉનાળે આ જ મીઠા લીમડે અત્યંત શરમાળ એવી કોયલ બેલડી હાથ લાંબો કરીને અડી શકાય એટલે છેટે આવીને ટહુકાની રમઝટ બોલાવી જાય ખરી ?!

–––––––––––––––––––––––––––––––––––––––––––

તા. ક. પંખીડાંનું માહાત્મ્ય દર્શાવતી બે રચનાઓમાંની એક અહીં આ લીંક:

https://jjkishor.wordpress.com/2007/03/20/ekokti-3/ સાથે છે અને બીજી રચના જમણી બાજુના વિડ્જેટમાં વાંચી શકાશે.

(ચીત્રસૌજન્ય : ગુગલ મહારાજ )

––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ડાયરી : ભીતરે વહેતાં જળ !

દિવ્યભાસ્કરની કૉલમ ‘સમયસંકેત’ના લેખક દિવ્યેશ વ્યાસે સારું યાદ દેવડાવ્યું. નવા વરસના પહેલા જ દીવસે જન્મેલા મહાદેવભાઈ દેસાઈને એમણે યાદ કરીને આપણ સૌને એક હોમવર્ક પકડાવ્યું છે.

મહાદેવભાઈ દેસાઈને યાદ કરો એટલે ગાંધીજી પછી ‘મહાદેવભાઈની ડાયરી’ યાદ આવે. આ એક એવો ગ્રંથભંડાર છે જેનું સ્થાન જગતભરમાં માનપુર્વક સચવાયું છે. ગાંધીજીનાં જીવનકાર્યોનો એક કાળખંડ આ ડાયરીમાં શબ્દબદ્ધ થયો છે.

મહાદેવભાઈને કોઈએ એ જમાનામાં ગાંધીના હનુમાન ગણાવ્યાનું યાદ છે. એમણે પરદા પાછળ રહીને ગાંધીનાં કાર્યો દુનીયાભરમાં ફેલાવ્યાં હતાં. આ નોંધોએ એ સમયનો ઈતીહાસ સાચવી રાખ્યો છે સાથે સાથે ડાયરીના સાહીત્યસ્વરુપને આપણી સમક્ષ મુક્યું છે.

*****   *****   *****

પત્રલેખનની જેમ ડાયરીને પણ સર્જનાત્મક સાહીત્ય તરીકે મુલવી શકાય. પત્રો જેમ લેખનકલાનું સ્થાન લઈ શકે છે તેમ ડાયરી પણ સીદ્ધહસ્ત લેખક દ્વારા સર્જનાત્મક સાહીત્ય તરીકે સ્થાન લઈ શકે છે. પત્ર એક એવો અરીસો છે જેમાં વાચકને પોતાનો નહીં પણ લખનારનો ચહેરો જોવા મળે છે. જ્યારે ડાયરીમાં સીધેસીધો લેખક પ્રગટ થાય છે.

ડાયરીમાં લેખકનું આંતરજગત પ્રગટે છે. કોઈ પણ સર્જનમાં જોકે લેખક જ પ્રગટતો હોય છે તે ખરું પરંતુ ડાયરીમાં તે કોઈ આડકતરો માર્ગ લીધા વીના સીધો જ પ્રગટ થાય છે. નવલકથામાં તે અન્ય પાત્રો દ્વારા વાચકને મળે છે તો નીબંધોમાં તેના વીચારો  વાચક સમક્ષ આવે છે. કાવ્યમાં તેની ઉર્મી પ્રગટે છે જ્યારે ડાયરીમાં તો તે સ્વયં આપણી સમક્ષ હાજર થાય છે.

માબાપ પોતાનાં સંતાનોને કીશોરાવસ્થાથી ડાયરી લખવાની ટેવ પડાવે તો બહુ મોટો લાભ એને થઈ શકશે. એમ ન કરવું હોય તો વ્યક્તી પોતે ડાયરી લખવાનો આરંભ કરીને ભવીષ્ય માટે ખજાનો મુકી જઈ શકે છે !

ડાયરીથી લેખનનો મહાવરો પડે છે તે વાત લેખક થવા મથતા લોકોને માટે કામની બાબત છે. ફક્ત પંદર દીવસ માટે ડાયરી લખવાનું શરુ કરો અને જુઓ કે કલમને કેટલો લાભ થયો છે !

ડાયરીમાં શું લખવું એવો સવાલ કરાય નહીં. ડાયરીનું કોરું પાનું ખોલો અને ખુલ્લી રાખેલી પેનને લખવા માટે છુટ્ટી મુકી દો ! બસ, એમ જ લખાતું જશે. શરુમાં લખાણોને ચકાસવાનું ન કરીએ તો ચાલે ! પણ આગળ જતાં ગઈ કાલથી પાછળના સમયના પ્રસંગોનાં સંભારણાં લખવાનું ચાલુ કરી દેવાય. પછી એ પ્રસંગવર્ણનોની સંગાથે થોડું પ્રસંગ સાથે જોડાયેલું–ગુંથાયેલું પણ નીરુપી શકાય ને આગળ જતાં જે તે પ્રસંગ સાથે કેટલુંક ચીંતન પણ – ભારરુપ ન બને તે રીતે – મુકી શકાય……

પણ ખરી મજા તો પ્રસંગનીરુપણની સાથે સાથે લેખકનું ભાવજગત કોઈ ખાસ વીશીષ્ટ શૈલીમાં જો પ્રગટતું થવા માંડે તો ડાયરી ખુબ રસાળ બની જાય !

આ નવા વરસે, ચાલો ને આપણે ખાતમુહુર્તની એક ઈંટ મુકી જ દઈએ ! જેમને પોતાનો બ્લૉગ છે તેઓ એક દીવસ ડાયરીને માટે ફાળવે; બ્લૉગ ન હોય તેવા પોતાના ઈમેઈલસંબંધીઓને પ્રસાદી વહેંચે; છેવટે ફેસબુક તો છે જ !! (બને તો મને એ પાનું મેઈલથી મોકલતાં રહેશો તો ક્યારેક, કોઈ ગમી ગયેલું પાનું હું સહુને વહેંચીશ.)

***** ***** *****

મહાદેવભાઈ ઉત્તમ અનુવાદક પણ હતા. પરંતુ આજે તો એમની ડાયરીને જ યાદ કરીને એક નવી દીશા ખોલીએ તો કેમ ? નેટજગતને એક નવો ‘ફરમો’ મળશે, પ્રગટ થવા માટે !!

શુભેચ્છાઓ !!

ડાયરીનું એક પાનું – (૨)

તા. ૦૬, ૦૧, ૨૦૧૮

નવું વરસ બેસી ગયું.

ગયા નવેમ્બરમાં આ જગતમાં પદાર્પણ કર્યાંને ૧૧ વરસ થઈ ગયાં ! કેટકેટલા અનુભવો, કેટકેટલા સહયોગીઓનો સાથ, ભાષાસાહીત્યને લગતા કેટકેટલા પ્રયત્નો–પ્રયોગો……પાછું ફરીને જોતાં ડોક દુખી જાય એવું છે.

અહીં પગલું મુક્યું ત્યારે ફોન્ટનાંય ઠેકાણાં નહોતાં. ગુજરાતી ફોન્ટને યુનીકોડસ્વરુપ મળ્યું નહોતું ત્યારે જે લખાતું તે કેવું દેખાતું હતું ?! આજની જેમ બ્લૉગની પ્રવૃત્તી હાથવગી પણ નહોતી. હતી તો એને માટે જરુરી આવડતેય ક્યાં હતી ? ને છતાંય જંપલાવી દીધેલું ને એમ કરતાં કરતાં આજે અગ્યાર વરસ પુરાંય કરી નાખ્યાં !

માતૃભાષા માટેનો ધખારો તો આજેય અકબંધ છે પણ હવે એટલી તાજગી અને તત્પરતા છે કે કેમ એ સવાલ થાય છે. કેટલાક અનુભવો પણ આને માટે જવાબદાર ગણી શકાય. સારા અનુભવો તો બેસુમાર છે. અસંખ્ય બ્લૉગના પરીચય, અનેક બ્લૉગરોના પરીચય, અનેક પ્રકારની શૈલીના પરીચય –

આ બધાંનો વીચાર કરું છું તો એક મોટો પટ નજર સામે પડેલો જણાય છે. અનેક રસ્તે જઈ રહેલાં સહયોગીઓ, માતૃભાષાનાં ચાહકો કોઈ ને કોઈ રીતે પણ જાણે કે માતૃભાષાના પ્રેમના પ્રેરાયાં એક જ લક્ષ્ય પર દોડી રહ્યાં છે ! સૌ જુદા જુદા માર્ગે ને જુદી જુદી પ્રવૃત્તીના માધ્યમે પણ એક જ નીશાન પર તાકી રહ્યાં છે.

માતૃભાષાના આ યજ્ઞમાં સૌ પોતપોતાની શક્તી–ભક્તી મુજબ સમીધો હોમી રહ્યું છે.

આજે એ સૌને અભીનંદન અને વંદના સહ આજની ડાયરીનું આ પાનું અર્પણ.