ભણેલા ગગાના બાપની એકોક્તી.

આ પંદરમી ઑગશ્ટ કેટલામી આવી ? સાઈઠમી કે એકસઠ્યમી ?

કે’છે કે સાઈઠ પુરાં થૈ ગીયાં. આપણ માનવીને તો આ ઉંમરે બુદ્ધી હોય તેય ઓશી થાય. આ તો દેસની વાતું, મારા ભાઈ. રાજને ને દેસને તો સદીયુંય હીશાબમાં નૈં. આ સાઈઠ વરહ ઈને કાંઈ નૉ કે’વાય. હજી તો બચોળીયું ગણાય, બાળક કે’વાય.

આજ હંધાય દીલ્લીમાં ભેળાં થાશે. ન્યાં પાસાં દેસનાં ગીત લલકારશે ને પશી સુટાંય પડી જાશે. બીજે દી એના હમાચાર સાપાં ભરી ભરીને સપાશે. ને તણ્ય દીમાં તો હંધાંય ઈ હંધુંય ભુલી ઝાવાનાં, બાપલીયાવ ! બચાડા જીવને કામેય કેટકેટલું રે’તું હોય. આવા ઉઝવણીના દી તો વરહમાં કંઈ કેટલાય આવવાના. હંધાયની વાંહે ક્યાં લગણ બેશી રે’વાનું?

મારો નાનો ગગો ભણીભણીને  બૌ ભણ્યો. અમને તો ખાતરી હતી કે ભણ્યા ભેગો નોકરી-ધંધે લાગી જાશે. ઘરમાં હતું ઈ હંધુંય વાપરીને એને ભણાવ્યો’તો. એક હારે બધાનું સાટું વાળી દેશે એમ માનીને. કોઈએ કીધું’તું કે સરકાર આ પંદરમીએ કાંક કારહો કરશે કે કાંક નવી વાત લાવીને મુકશે, જોજો. સુંટણી આવવામાં જ સે હવે તો. કાંક નવી યોજના કાઢીને અમારાં ભણેલાં સોકરાંવ હારું કાંક ને કાંક કામ મળી રે’ એવું કરશે જ આ સરકાર.

આ સરકારની આવડી આવડી વાતુંમાંથી એકાદીય જો હાચી પડી જાયને, તો તો ભાયગ ઉઘડી જાવાના. મનમાં તો થયા જ કરે છે કે આજે નૈં તો કાલ્ય પણ આ ભણ્યો સે તો એનું કાંક તો ગોઠવાઈ જ જાશે. ભગવાનને તો બહુ માનતા ને બાધા-આખડી કરી સે.

હવે સરકારને મારી વાત પોગાડવા કઈ બાધા રાખવી જોવે ?

લગરીક ભણેલી ને પૈશાદાર વઉ, ઈ વાંક !

                                                        –જુગલકીશોર.

કાલ્ય મનસુખને ઘરેથી માણહ બોલાવા આવ્યું ત્યારે જ ખબર્ય તો પડી જ ગઈ’તી કે નવાઝુની થાવાની હતી ઈ થૈને જ રૈ. મનસુખનો મોટો છોકરો હાંફળોફાંફળો આવ્યો તયેં શ્વાસ હેઠો મુકવાનું ય કે’વાય ઈમ નો’તું. એટલો બધો ગભરાઈ ગયેલો હતો. અનુભવી નઈં ને.

ઘરે જઈને જોયું તો હંધાય સાનામાના જાણ્યે મારી રાહ જ જોઈ ર્યાં’તાં. મારામારી થઈ નો’તી; (ને થાવાનીય નો’તી.)પણ હૌ માણહ ગભરાઈ તો ગયેલું જ હતું. જાણી જોઈને ખાટલે કંઈ બોલ્યા વના બેશી રયો, હું તો…..કોઈ કરતાં કોઈ વાતની પહેલ કરે છે કે નઈં ઈ જાણવું’તું મારે તો.

નવાઈ લાગે એવું બન્યું. નાનાની વઉએ જ વાત કાઢી ! આઘે સસરો બેઠો છે, સાસુ ય બેઠી જ હતી. બેય ભાયુંય ક્યાં નો’તા હાજર તે નાનાની વઉને વેણ કાઢવાં પડે ?! લાજ એક કોર્ય લંબાવીને એણે તો જાણે કોરટમાં જુબાની લેવડાવતી હોય ઈમ વાત કરી દીધી ચાલુ…

‘દાદા, આવું તો કેમ હાલે, તમે જ કો’. આ આટલા મૈનાથી આવી સું પણ જાણે હું તો માણહ જ નથ્ય. ઘરમાં હંધાય કામમાં મારો હાથટેકો હોય સે. કોઈ દી’ય સાસુ સામે હરફ કાઢ્યો નથી. મારું-તારુંય મને તો ગમતું નથી કે હું કોઈને વા’લા-દવલાં રાખું….

એને પુરી બોલવાય દીધા વીના મોટી વઉ આગળ થઈ ગૈ. કેવા માંડી કે,

‘પીયરમાંથી બઉ બધું લાવી સે તે રાખે ને ઈની પાંહે, કોણ ના ક્યે સે. પણ આખો દી’ બસ મોટી મોટી વાતુંના તડાકા ભાયડા હાર્યે માર્યા કરે ઈ કોઈને નો પોહાય, હા ! ઘરની આબરું ઈમાં કઈ રીત્યે રે, કો’ દાદા.’

નાનો કાંઈક બોલવા જાતો’તો ઈને અટકાવીને મોટી વઉ પાછી ચાલુ થાવા જ જાતી’તી ત્યાં મોટા દીકરાએ જ એને અધવચ્ચે આંતરીને રોકી. સાસુ તો વચાળે એક પક્ષરુપ જ હતાં એટલે એમને તો બોલવાનો અરથ જ નો’તો. સસરા ભગવાનનું માણહ. આ હંધું જોઈ જોઈને જીવ બાળનારા. એટલે મુંગા જ હતા. મને આ ઘરની પેલેથી જ ખબર એટલે ઝાઝી લાંબી પડપુછ કરવાની હતી જ નહીં.

મેં એટલી જ વાત મુકી કે નાની વઉ કામ કરે છે કે નઈં ? કામ કરતાં કરતાં એને જોર આવે છે કે નઈં ? વારેઘડીયે એના બાપના પૈસાનું હંધાયને સંભળાવ્યા કરે છે ખરી ?! સાસુની સામે થઈ જાય છે ખરી ? સસરાની આમન્યા-લાજ રાખે છે કે નહીં ? એના વરને એના મોટાભાઈની વીરુધમાં ચડાવે છે ખરી ? બેય ભાઈયુંને  અંદરોઅંદર સંપ તો છે; એમાં ક્યાંય ખાંચો પડ્યો હોય એવું કોઈને લાગે છે ?!

આટલા આટલા સવાલ મેં પુશ્યા, પણ કોઈએ ય નાનીનો વાંક નીકળે એવી સાબીતી આપી નઈં !

એનો વાંક એટલો જ હતો કે એ પૈસાદાર બાપની દીકરી હતી અને થોડુંક કે’વા પુરતું ભણી હતી. વધારામાં જેઠાણીનાં છોકરાવને ય ભણાવતી ને લેસન કરાવતી !!

તો વાંધો ક્યાં હતો ? શેનો હતો ? વાત ક્યાં જઈને અટકવાની હતી ?

ઈ હંધીય વાતું ભણેલાં ગણેલાંવ કરે. ઈનું ભણતરેય પાછું આવે. ઈમાં પાછાં સંસોધન પણ થાય ! ઈની સોપડીયુંય લખાય ને વંસાય. પણ ઈનો ઉકેલ કોઈ નો લાવે.

અમારે ગામડાંમાં ઈ હંધું નો પોહાય. અમારે તો ઝઘડો થાય કે મારામારીય થોડીઘણી થૈ જાય. પણ તરત જ પાછાં ખેતરે તો જાવું જ જોયેં ! ખેતર કાંઈ આ હંધાય ઝઘડા હારું વાટ જોઈને બેશી નો રે’ ! એટલે ઝઘડો બઘડો થ્યો હોય ઈ ઘડીમાં વીખેરાઈ જાય. (પણ વીશરાય જાય નૈં હો !! ઈ તો મનમાં એકકોર્ય ભંડારાઈ જાય. તે પાસો ઈ જ જઘડો નવેશરથી સાલુ ય થઈ જાય; બાનું મળે એટલી વાર !! )

મનસુખને ઘરે ઈમ જ થયેલું. એની નાનાની વઉ આવ્યા કેડ્યે થોડા જ દાડામાં દુધમાં છાશનું ટીપું પડી ગ્યેલું ત્યે હાલતાં ને સાલતાં સકમક ઝર્યા કરતી. પડોશમાં મારે રે’વાનું ને પાછું ગામનો વહીવટેય કરવાનો એટલે આવી વઉવારુ કોઈને ઘરે પૈણીને આવે કે કાંઈ નવી ભાત્યનું થાય એટલે કાન-આંખ ખુલાં રાખવાની ટેવ. આ નાનાની વઉ આવતાંવેંત જ પરખાઈ ગયેલી. બાપ સંસ્કારી ને પૈસેટકે સુખી; દીકરીને થોડું ભણાવેલી ને માએય ઘણું શીખવાડેલું…

પણ ઈ સંસ્કાર જ નડ્યા ! માએ શીખવાડેલું એણે જ રામાયણ કરી !! મનસુખનાં ઘરવાળાં ફુવડ્ય બાઈ. કામમાં જરાય વેતો નૈ. મોટી વહુએ સાસુને હથેળીમાં રાખી લીધેલી ને એની આળસને વધારાવી દીધેલી એટલે ઈ તો મોટી ભણાવે એમ જ ભણતી. દી’કે’ તો દી’ ને રાત્ય કે’ તો રાત્ય ! આવામાં આ નવી વઉ સંસ્કાર લઈને આવે એટલે ઈ સંસ્કાર જ વેરી થઈને ઉભા રયા !

મેં તો હંધાયને કહી દીધું કે નોખાં થઈ જાવ. ખેતર નોખાં તો થાય એમ નોતું કારણ ભાઈયુંમાં સંપ જબરો હતો. બસ પશી તો આવતો રયો ! હજી હુધી, આ પંદર ઝમણ (દીવસ)થઈ ગ્યા, કાંઈ વાશણ ખખડ્યાં નથી !

અને ખખડશેય નૈ, જોજોને !!

“આજનો લ્હાવો લીજીયે રે, કાલ્ય કોણે દીઠી સૅ !!”

એક મનેખની એકોક્તી.                                                                  — જુગલકીશોર.

ઉગમણી દશ્યે જેમ જેમ અજવાળું ઉઘડતું જાય ઈમ ઈમ આંય ઘરઆંગણે પંખીડાંવ્ ચહકવાનું વારાફરતી ચાલુ કરી દ્યે. એમ લાગે જાણ્યે આ અજવાળું ઈમના એકલા હારુ જ નૉ થાતું હોય !


કોક પંખીડું એકલવાયું બેહીને અજવાળાને આવકારતું હોય ઈમ ગીત લલકાર્યાં કરે. કોક વળી બબ્બેની જોડ્યમાં, આઘાંપાછાં થાતાં થાતાં ઉગતા અજવાળાની વાતું કર્યાં કરે. ને ક્યારેક તો વળી હંધાંય ભેળાં થઈનેય મંડી પડે એવાં તે કાન પડ્યું કાંઈ હંભળાય જ નહીં ને !

આખો દી’ ચારો ચણવા ઉડી જવાનું; માળામાં જો લાડકડાંવ્ ઉછરતાં હોય તો એના હારુ ચણ્ય લાવી લાવીને એમને ધરવવામાં જ દી’ વયો જાય. અને જો માળે રાહ જોનાર કોઈ હોય નૈં તો એ….યને મઝાનાં આઘે આઘે ઉડી ઉડીને ચણવા હારુ હંધાયની હાર્યે જાવાનું ને પાસા એમ જ આવ્વાનું !……પણ જાતાં જાતાં હંધાંય એક હારે ને એક અવાજે મંડી પડવાનાં જાણ્યે અજવાળું પે’લી વાર જ ભાળ્યું નૉ હોય !

ઈમને હંધાયને કેવી મઝા ! બાર મૈનાનું કાંઈ કરતાં કાંઈ ભેળું કરી રાખવાનું નઈં. અનાજનાં ટીપડાં, તેલના ડબા, લૂગડાંના કબાટ, ચોપડિયું, રહોડાની સામગરી ને વાશણકૂશણ–કાંઈ કરતાં કાંઈ જ નઈં ! મકાન ચણવા શીમેન્ટ તો હું, ગારો ય એમણે લાબ્વાનો નઈંને; મકાન હારુ નઈ લેવાની કોઈ લોન કે નઈં કોઈને ભાય્ બાપા કરવાના ! નઈં છોકરાવને ભણાવવાનાં કે નઈં નિશાળુંની ફીયું ભરવાની. નઈં કપડાં-લતાં કે નઈં પથારી-પાગરણ.

ઈમને નઈં કોઈ બેંકનાં બેલેન્સ કે નઈ ખાતામાં નાણાં લેવા-મૂકવાનાં. વ્યાજની ગણતારીયું ને એના જીવબળામણાંય ઈમને તો નઈં, નઈં ને નઈં જ ! ચણ્યના દાણાનો વેવાર ઈ લોકને હશે ?! ક્યાંકથી કોક દી ઉશીની ચણ્ય લાવ્યાં’તાં તો બાકી બોલતી હોય ને ઈની ઉઘરાણી કોઈ કરે ને એવું કાંઈ ઈમને થોડું હશે ? વાટકી જ નથી પસેં વાટકીવેવાર તો હોય જ શીનો !

દર્રોજનું લાવ્વાનું ને દર્રોજ વાપરી નાખવાનું. નઈં કોઈ સંઘરો  કે નઈં કોઈ બચત….ક્યારેક ભુખ્યાંય સૂઈ રેવાનું થાતું જ હશે ને ? ને તોય આ લોક ભગવાનને તો ફરીયાદ કરે ઈ વાતમાં શું માલ ! ઈમનો ભગવાન પણ કોણ જાણે કોણ હશે ! ઈમને ભગવાનની જરૂરેય પડતી નઈં હોય જોજો ને ! પુરુષારથ જ કરવો સ્  જેમને એમને વળી ભગવાનની હાર્યે ય બીવા કારવવાનો શું સંબંધ ? 

ને તોય ઝવો, બસ્સાં-કસ્સાં તો ઈવડાં ઈય જણે જ છે ને ! ઉશેરીને મોટાંય કરે જ છે ને ! મોટાં કર્યાં ને પાંખ આવતાં ઉડી જાય ત્યાં લગણ પણ કોઈ ઓછપ એમને દેખાવા દેતાં નથી. એમનેય રેવાં મકાન તો છે જ. માળો તો માળો, પણ જાતમૅનતથી બનાવેલો, કોઈનીય હાડીબાર રાખ્યા વનાનો ! કોઈ કહી તો જાય કે, મેં આલ્યા’તા રુપૈયા ઈના માળાને  બાંધવામાં ! કણ કણ ચણીને પેટ ભર્યાં; તણ તણ ભેગાં કરીને બંગલા જેવો માળો બાંધ્યો; ક્યાંય કોઈનીય ઓશીયાળી કરી ?! આમ પાંખ ઝપટતાંમાં તો તૈયાર થઈ ગીયો’તો અમારો બંગલો નીયારો !

આ કબુતરાં હાળાંવ આળસુનાં પીર હો, બાકી ! એનો માળો જવો’તો ઠેકાણાં વન્યાનો. કાંઈ કરતાં કાંઈ દમ નો મળે. બેચાર સાંઠીકાં ગોઠવી દીધાં કે હાંવ ! પણ ઓલી સુગરી ?! ઓહોહો, શું મકાન બનાવે, શું મકાન ! ઈમાં તો ઘડીભર રે’વાનુંય મન થઈ જાય તો નવૈ નઈં. ભલે વાર લાગતી હશે, આવો મઝાનો મહેલ તૈયાર કરવામાં. પણ એમને વળી ક્યાં દી’નો દુકાળ છે ? એમને ક્યાં રાજ કરવાં છે ? એમને વળી કઈ સુંટણી લડવી છે ?  કોની વહટી કરવી છે ? એ…યને એમને તો ટાઈમ જ ટાઈમ છે ને ! બાપલા, તમતમારે ગુંથ્યાં કરો તમારો નવલખો માળો !

કેવા ઝલસા સૅ ઈમને ! મને તો થાય કે આ હંધાંય હવારના પૉરમાં અજવાળું થાય નૉ થાય ત્યાં મંડી પડે સે ચહકવા ત્યે ઈનું કારણ જ મને તો લાગે સે કે ગઈ કાલ્યનો ઈમને થાક નથી ને આવતી કાલ્યની ચંત્યા નથી….!!

મને તો હમજાય નહીં ઈમની બોલી પણ હવે લાગે સે કે ઈ હંધાંય ગાતાં હશે :

 “આજનો લ્હાવો લીજીયે રે, કાલ્ય કોણે દીઠી સૅ !!”