કેટલાક ધાર્મીક (!) શબ્દોની તોડમરોડ

                                                                                                                              – જુગલકીશોર.

ગઈ કાલે જન્માષ્ટમી નીમીત્તે ધર્મપત્નીના ધર્માગ્રહે વશ રહીને આ અર્ધનાસ્તીક આત્મા કૃષ્ણના એક ભવ્યાતીભવ્ય મંદીરે ગયો. ત્યાંની ભયંકર ભીડ છતાં ઓળખકૃપાએ કરીને નજીકથી દર્શનલાભ પણ લીધો. મને સારું લાગ્યું. (ભગવાનની તો ખબર ન પડી.)

બીજે દીવસે પારણાં નીમીત્તે પ્રસાદ લેવાનું પણ પાસ–નીમંત્રણ હતું.

ને અહીંથી જ પ્રગટ થઈ ‘ધાર્મીક’ શબ્દલીલા !

પારણાં શબ્દનો મારો અભીપ્રેત અર્થ તાજા જ જન્મેલા કૃષ્ણને પારણીયે ઝુલાવવાનો – મારા મતે ને મને હતો. પણ પારણાંનો સાવ સહજ અર્થ તો અહીં, આગળના દીવસે કરાયેલા મહાન ધાર્મીક ઉપવાસને તોડવાના પુણ્યકાર્યને લગતો હતો ! ફાસ્ટ કહેતાં ઉપવાસને બ્રેક કહેતાં છોડવાની વાત કે જેનું પણ અત્યંત મહત્ત્વ ધાર્મીક ઉદરે રહેતું હોય છે તેનું ભાન મને ત્યારે થયું.  

એટલે કે કૃષ્ણને ઝુલાવવાની વાત તો હોય તોય જશોદાને હોય; આપણે કેટલા ટકા ?! આપણે તો તેના જન્મ નીમીત્તે કરેલા પુણ્યકાર્યરુપ ઉપવાસને છોડવાની અત્યંત મહત્ત્વની ને મજાની પ્રવૃત્તી કરવાની હોય. અને આમેય આખો દીવસ ફરાળીયું ‘ખાઈખાઈ’ને પેટ ‘ખાલીખાલી’ જેવું જ ગણાય. એટલે રાંધણ છઠને દીવસે જે ધગશથી અનેક વાનગીઓ ઘરમાં બનતી હતી તેના કરતાંય આ અતી પવીત્ર કાર્યે કરીને થનારી આ ધમધમાટ રસોઈને ન્યાય આપવાનું કામ કાંઈ નાનુંસુનું કે સાધારણ તો ન જ ગણાય. ને એટલે મહાપ્રસાદ લેવા મંદીરે લાઈનમાં ઉભા રહેવા કરતાં ઘરે જ આગ્રહ પુર્વક પીરસાતી ફાસ્ટબ્રેકીંગ વાનગીઓને ન્યાય આપવાનું ગનીમત અને ન્યાયી ગણાય.

પણ આ આટલી નાનકડી બાબતે મારા ધાર્મીક સંસ્કારોમાં થોડો ખળભળાટ (ઉદરસ્થીત વાનગીઓના પાચન પછી સ્તો) થયો. મને કેટલાક શબ્દો કે જેને ધાર્મીકોએ થોડાઘણા મચકોડીને જેનાં અર્થાન્તરો કર્યાં છે તે યાદ આવી ગયા ! જેમ કે પારણાંનો અર્થ ઘોડીયું ઝુલાવવું તથા ઉપવાસને છોડવો એવો થાય છે અને જે અર્થનો લાભ ઉદરપ્રીય પ્રવૃત્તી નીમીત્તે જ ખાસ કરવામાં આવતો હોય છે.

આવો જ એક શબ્દ છે તે ફરાળ.

ઉપરોક્ત પવીત્ર કાર્યક્રમરુપ ઉપવાસને દીવસે કેટલીક ચીજો જેવી કે અનાજ, કઠોળ વગેરે ખાદ્ય ગણાતી નથી. ભોજનની રોજીંદી વાનગીઓ કે જે ઘઉંબાજરીચોખા વગેરે અનાજ તથા કઠોળોથી બને છે તેનો ઉપવાસને દીવસે નીષેધ હોય છે. વઘારમાં વપરાતી કેટલીક જણસોને પણ તે દીવસ પુરતી રજા હોય છે. ઉપવાસનું જે શાસ્ત્રીય સ્વરુપ છે તેમાં શાકો ખાદ્ય હોવા છતાં વઘારની કેટલીક ચીજો વર્જ્ય હોઈ તે દીવસે શાક પણ અખાદ્ય બની રહે છે. ફળો અને કંદમુળ ઉપરાંત મોરૈયો, રાજગરો, વગેરેને પ્રવેશ છે. દુધની કેટલીક મીઠાઈઓ આ દીવસે ખાસ માન ધરાવે છે.

પરંતુ જુના જમાનામાં સાધુસંતો અને આશ્રમે ભણતા વીદ્યાર્થીઓના આહારમાં ફળોનું જ સ્થાન વીશેષ રહેતું. કારણ કે એને પકાવવા–રાંધવા વગેરેની કોઈ માથાકુટ રહેતી નથી ! ને એટલે જ ઉપવાસનો મુખ્ય ખોરાક પણ ફળો જ હોવાથી તે દીવસના ભોજનનું વીશેષ નામ “ફળાહાર” પડ્યું હતું. ફળનો આહાર એટલે ફળાહાર.

પરંતુ જેમજેમ સ્વાદેન્દ્રીયનું પલ્લું ભારે થતું ગયું ને ઉપવાસરુપ ધર્મક્રીયા પાછી પડતી ગઈ તેમતેમ ફળાહારનું અપભ્રંશ “ફળાર” થયા બાદ કોણ જાણે ક્યારે, કહો ને, કે બહુ જ જલદી ફળારનું “ફરાળ” થઈ ગયું ! ને એમ ઉપવાસવાનગીઓમાંથી ફળોની બાદબાકી તથા જાતભાતની ચટાકેદાર વાનગીઓની – મસ મોટ્ટી થાળીમાં – પધરામણી થઈ ગઈ ! ફરાળ શબ્દની કોઈ સંધી છુટી પડતી નથી….ને એવી કોઈ જરુર પણ નથી. હવે તો બધાં જ પ્રીય વ્યંજનો હોટેલોમાં “ફરાળી” તરીકે બનાવીને ધુમ વેચાય છે.

નહાવું અને ખાવું (જમવું) એ બન્ને કાર્યો ધર્મ સાથે સીધાં કે આડકતરાં જોડાયલાં છે. માનવીએ કેટલું ને કેવું નહાવું–ખાવું તેના કોઈ નીયમો નહોતા ત્યારે કોઈએ જાણકાર સમક્ષ એને અંગે માર્ગદર્શન માગેલું ત્યારે તે વડીલે (અહીં વડીલને બદલે આપણને બહુ ગમતો શબ્દ ‘ભગવાન’ વાપરી શકો !) કહેલું કે –

“તમારે દીવસમાં ત્રણ વાર નહાવું ને એક વાર ખાવું.”

ખબર નથી ગરબડ કોણે કરી હશે – પેલા પુછનારે કે પછી આગળ જતાં કોઈ અન્યે, પણ દીવસમાં ત્રણ વાર ખાવું ને એક વાર નહાવું એ પરંપરા બની રહી. ધાર્મીકતાના માર્યા લોકો આવા સરસ મજાના પ્રાસયુક્ત બે શબ્દોમાં “સમજફેર” કરી બેસે તો આપણા ધર્મોમાં એને દોષ ગણાતો ન હોઈ, આવી ગેરસમજોનું પણ એક શાસ્ત્ર વીકસીત થઈને જ રહે છે !!

કેટલીક ધાર્મીક વીધીઓમાં પણ આવી જ કેટલીક ગેરસમજો પ્રસ્થાપીત થઈ ચુકી છે જેને અંગે આ પવીત્ર તહેવારોમાં વીચારો આવતા રહે છે…..પણ તેને અંગે ક્યારેક…..વળી –

Advertisements

સાહીત્યમાં ‘સહીતત્વ’નાં કેટલાંક મૌલીક અર્થઘટનો !

– જુગલકીશોર.

વ્યાજખાઉ માણસ કે માણસખાઉ જનાવર ‘ખાઉ’ શબ્દના સહયોગે ઓળખાય છે. આ ખાઉ શબ્દ માટે ખોર શબ્દ પણ પર્યાયરુપ છે. વ્યાજખોર એટલે વ્યાજને ખાનારો.

પણ ‘ખોર’ શબ્દનો બીજો અર્થ છે, એ પ્રકારની ટેવવાળો. ચુગલીખોર એટલે ચુગલી કરવાની ટેવવાળો. ગયા લેખમાં સાહીત્યકારની કેટલીક સંભવીત ટેવની વાત કરીને લેખ છોડી દીધો હતો તે યાદ આવ્યું. ‘સાહીત્યખોરી’ એવો શબ્દ પણ પ્રચલીત કરવા જેવો છે.

કોઈના લખાણમાંથી વીચારની ચોરી કરી લેવી તે ગુનો બની ન શકે કારણ કે તે વીચારને પોતાની રીતે શણગારીને બીજો લેખક ચોરી છુપાવી શકે છે. અથવા તો એક સરખા વીચારો બીજાઓને આવે તો તેને ચોરી ન કહેવાય. ઉમાશંકર જોશીની એક કવીતાની પ્રથમ અને અંતીમ એમ બે જ પંક્તીઓ યાદ આવે છે. એ કાવ્યને પહેલી વાર વાંચેલું ત્યારે તેમાંની મજાની કલ્પના મનમાં રમી રહી હતી.

શીખરીણી છંદમાંના આ કાવ્યનો આરંભ –
“પ્રતીચીને ભાલે, ટીલડી ચમકે શુક્રકણિકા”થી થાય છે. કવી બે વીખુટા પડી રહેલાં પ્રીયપાત્રોની વાત કરે છે. તેઓ એકબીજાને મળતાં રહેવા માટેનો કોઈ સહેલો રસ્તો શોધે છે ને છેવટ એવું નક્કી થાય છે કે દરરોજ સાંજે પ્રતીચી કહેતાં પશ્ચીમ દીશામાં શુક્રતારક જે નીયમીત દેખા દે છે તેને એકી સાથે આપણે બન્ને જોઈશું તેથી આપણું મળવાનું આંખો દ્વારા ત્યાં થશે….કાવ્યનો અંત આ મુજબ છે :
“ઉભય મળશું આપણ ત્યંહીં !”

આ કાવ્ય વાંચીને વર્ષો પહેલાં વાંચેલી નવલકથા ‘જીન ક્રિસ્તોફ’ યાદ આવી ગયેલી. તેનાં બે પાત્રોને વીખુટા પડવાનો વારો આવે છે ત્યારે હવે કેવી રીતે આપણે મળીશું તે સવાલનો ઉકેલ તે બન્ને જણાં આકાશમાં દરરોજ ચમકતા રહેતા એક તારકને એક જ સમયે નીરખવાનું નક્કી કરીને છુટાં પડે છે !
બે મહાન સાહીત્યકારો વચ્ચે વીચારોનું થયેલું આ સામ્ય આશ્ચર્ય સરજે છે; ચોરીનો વીચાર નહીં. સાહીત્યકારોમાં આવું બનવું સહજ છે.

પણ કોઈ સાધારણ લેખક કોઈ ઉત્તમ લેખકના સરસ વીચારને કદાચ અપનાવે તો પણ તેને રજુ કરવાની ક્ષમતા /શૈલી તે ક્યાંથી લાવશે ?! નકલમાં અક્કલ નહીં એ ખરું પણ મુળ ચીજનું સૌંદર્ય તમે ક્યાંથી ને કઈ રીતે સરજી શકવાના ?!

કોઈ કાવ્યલેખક હોય, કોઈ વારતાલેખક હોય તો કોઈ ફક્ત કોમેન્ટલેખક જ હોય પરંતુ મૌલીકતાનો મુદ્દો બધે જ રહેવાનો. કૉપી કરવાની ટેવ જે તે લેખકને ચોરીમાંથી સાહીત્યખોરી તરફ લઈ જાય છે. કોઈ બીજાનાં લખાણો તે વ્યક્તીની મંજુરી સાથે; તેમ ન બની શકે તો આભારદર્શન સાથે પોતાના પાનાં ઉપર ચડાવવાનું ચલાવી લેવાય પણ તે મુળ લેખકનાં વાક્યોને અવતરણ ચીહ્નો પણ રાખ્યા વગર ઠઠાડી દેવાનું ઠીક ન કહેવાય. સાહીત્યખોરીનાં આ બધાં ઉદાહરણો ગણાય.

ચોરીની જેમ જ બીજો મુદ્દો સાહીત્યની કક્ષાનો આવે છે. આપણા મહાન સર્જકોનાં સર્જનો સદીઓ પછી પણ એટલાં જ લોકપ્રીય અને અવ્વલ કક્ષાનાં હોય છે. સદીઓ પછી પણ એની તાજગીનો અનુભવ કરી શકાય તેટલાં તે શાશ્વત હોય છે. નેટજગત પર સર્જનો શરુ થયાં પહેલાં પ્રીન્ટ મીડીયામાં પ્રગટ થતાં સાહીત્યસર્જનો ચોપડીબદ્ધ રહેતાં. એટલે એ કોઈ પણ સમયે મુલ્યાંકનને પાત્ર બની રહેતાં. ચોપડી છપાય કે તરત જ વીવેચકો તેના અંગે ટીપ્પણી કરવા માંડતા. કડક વીવેચકોની નજર નીચેથી સફળતાપુર્વક પસાર થઈ જવાનું સહેલું નહોતું. છાપાં કે સામયીકોમાં તંત્રીની જોહુકમી રહેતી તોય જેતે તંત્રીની વીદ્વત્તા માટે કોઈ શંકા કરી શકતું નહીં. આવાં સામયીકોમાં કોઈની કૃતી છપાય તો તે ગૌરવ ગણાતું ને જો કૃતી સાભાર પરત થતી તો પણ લખનારો પોતાની કચાશનો ખ્યાલ કરીને શીખવા મથતો…..

પણ પછી, જેમજેમ તંત્રીની વીદ્વત્તા વગેરેનું સ્થાન સામયીક–માલીક તરફી વફાદારીએ લીધું તે પછી લેખકોનાં લખાણો પરત થવાનું સહજ બનવા લાગે તે સહજ છે ! ઘણા સારા લેખકોને આ અનુભવ થયો હશે.

પરંતુ નેટજગતમાં સામયીકોની ગરજ રહી નથી. સહુ કોઈ પોતાના સામયીક (બ્લૉગ–સાઈટ)ના માલીક બનતા થયા. એટલે જેમ ડાયરી લખાય, નામાના ચોપડા લખાય, કાગળપત્તર લખાય કે શાળાકૉલેજનાં હોમવર્ક લખાય તેવી જ રીતે લેખો–કાવ્યો–વારતાઓ લખાતાં થાય તે પણ એટલું જ સહજ છે.

લખવા તરફનાં વલણો એ માતૃભાષા માટે ગૌરવનો વીષય છે. સૌ કોઈ પોતાની અનુભુતી અભીવ્યક્ત કરે તે આનંદ–ગૌરવનો જ વીષય ગણાવો જોઈએ. આજે નેટજગતમાં જે કાંઈ લખાય છે તેનું વૈવીધ્ય સાનંદાશ્ચર્યનો વીષય છે. કેટલીક અદભુત માહીતી જે વહી રહી છે તે પણ મસ્તક નમાવી દેનારી છે.

વાંચે ગુજરાતની જેમ જ લખે ગુજરાત એ પણ ચલણી બનાવવા જેવું સુત્ર છે. સૌ કોઈ લખે ને સૌ કોઈ તેને વાંચે. જોકે બધાંનું બધું બધાં વાંચી ન શકે. તેથી જે કોઈ વાંચે, જેટલું વાંચે તેટલાથી સંતોષ માનવો રહે. છતાં યાદ રહે કે જેમ લેખકોની કક્ષા હોય છે તેમ જ વાચકોની પણ કક્ષા હોય છે.

મારી જ વાત કરું તો, મારાં કાવ્યોને મેં હંમેશાં ‘કવીતડાં’ જ કહ્યાં છે.

કાવ્ય શું કે કોઈ પણ સાહીત્યસ્વરુપ શું, તે બહુ નાજુક, નમણું ને છતાં સહેલાઈથી એને પ્રાપ્ત ન કરી શકાય તેવું ઉચ્ચ કોટીનું ઘરેણું છે.……..

ખારું અને ખોરું

– જુગલકીશોર.

ખોરું શબ્દ, ખારું શબ્દ કરતાં થોડો જુદો પડે છે.

ખારું એ ષડરસોમાંનો એક રસ છે. મીઠું એ રસનો બહુ જાણીતો પદાર્થ છે. મીઠું કહેતાં નીમક એ અત્યંત ખારો પદાર્થ હોવા છતાં એને મીઠું કહીને ગુજરાતીભાષીઓએ મીઠાની ગુણવત્તા બતાવવાનો પ્રયાસ કર્યો જણાય છે. અકબર–બીરબલની વાર્તામાં મીઠાને સબરસ કહીને એને બધા રસોનો રસ કહ્યો હતો.

પરંતુ ‘ખોરું’ એ છમાંના કોઈ પણ સ્વાદનું પ્રતીનીધીત્વ કરનારો શબ્દ નથી. જે પદાર્થ સડવા લાગે અને પછી એનો જે સ્વાદ બને તેને ષડરસ એટલે કે મુળભુત છ રસોમાં સ્થાન મળતું નથી. જોકે એનો અર્થ એ પણ થયો જ ને કે, ખોરો થઈ ગયેલો પદાર્થ મુળભુત છ રસોથી ઉફરો ચાલીને પોતાનું સ્વાતંત્ર્ય સીદ્ધ કરનારો બહાદુર સ્વાદ છે ! એ વળી જુદી વાત છે કે સ્વાદે ખોરો થઈ ચુકેલો પદાર્થ પોતાની મુલ્યવાન ગુણવત્તા ગુમાવીને પદાર્થને સડી જવા તરફ જઈ ચુક્યાની ચાડી ખાઈ જાય છે ! પણ જ્યાં સુધી એ પદાર્થની ગુણવત્તા અવગુણાઈ ગયાનું ભાન એના આરોગનારને ન થાય ત્યાં સુધી ખોરો થયેલો પદાર્થ પોતાનું સ્વાદસ્વાતંત્ર્ય જાળવી રાખી શકીને ગૌરવ લઈ શકે છે…..ને પદાર્થ આરોગાઈ ગયા પછી એટલે કે “ખવાઈ ગયા” પછી એના દુષ્પરીણામોની જવાબદારી પદાર્થને ચાખ્યા વગર ખાઈ જનાર “ખાંઉ” વ્યક્તીની હોઈ જેતે પદાર્થની કોઈ જવાબદારી રહેતી નથી !

આટલું લખતાંમાં તો કેટલાક નવા શબ્દોએ વળી પાછો ધક્કો માર્યો ! આ “ખવાઈ” જવું એ શબ્દ પદાર્થની સડી જવાની સ્થીતીનો દાર્શનીક પુરાવો છે ! ‘ખોરો’ સ્વાદ એ સ્વાદની ઈન્દ્રીયનો તેમ ‘ખવાઈ જવું’ એ આંખની ઈન્દ્રીયનો વીષય બની રહે છે. પદાર્થ ખવાઈ જાય એટલે તે સડી રહ્યો છે કે સડી ગયો છે તેમ માની લેવાનું હોય છે. ને સડી ગયેલા પદાર્થનું સ્થાન કચરાપેટીમાંય ન હોઈ શકે તે કહેવાની જરુર ભાગ્યે જ હોય.

બીજા જે શબ્દે ધ્યાન દોર્યું તે ‘ખોરો’.

જેમ દાણચોર અને માખણચોરમાં ચોર્યશક્તીનો મહીમા છે તે જ રીતે ચુગલીખોર, હરામખોર, શરાબખોર, આદમખોર (હીંસક પ્રાણી) વગેરેમાં ખોરત્વનો મહીમા છે. શબ્દકોશમાં “ખાનારું” (ખાઉં) કે કશાકની “ટેવવાળું” એવા અર્થો આ ‘ખોર’ શબ્દના છે. માખણચોરનો હેતુ માખણને ચોરીને પછી તેને સંઘરવાનો હોતો નથી પણ ખાઈ જવાનો જ હોય છે તે સહજ વાત છે. આમ માખણ અને અન્ય એવા પદાર્થોને ચોરીને ખાઈ જનારાઓ માટે ચોર અને ખોર બન્ને શબ્દો એક જ હેતુસીદ્ધી માટે પ્રયોજાતા હોય છે ! “જે પોષતું તે મારતું” એમ નહીં પણ “જે પોષતું તે જ મરતું” એમ પણ કહી શકાય. “ચોરાયું તે (પેટમાં) ગયું” એ જ સહજસ્થીતી ગણાય.

રાજકારણમાં આચાર અને અચાર (અથાણું)ને સાથે સાથે મુકવામાં આવતાં હોય છે. ખાવાના (ખાદ્ય) કે ન ખાવાના પણ (અખાદ્ય) પદાર્થોને ખાઈ શકાય છે તે હવે જાહેર બાબત હોઈ તેની વળી ચર્ચા શી ? અચારાહારને જ આચાર બનાવી મુકનારું આજકાલનું રાષ્ટ્રીય વાતાવરણ ‘ચોર’ અને ‘ખોર’ બન્ને શબ્દોની અર્થભીન્નતા તોડી નાખે છે !

એમ જોવા જઈએ તો સાહીત્યક્ષેત્રે પણ ચોરીનો ચાલ સદીઓથી ચાલ્યો આવે છે. એક લેખકનો વીચાર કે એક લેખકની શૈલીની ચોરી કરી શકાતી હોય છે, કારણ કે તે વીચાર કે શૈલી પર હક્કદાવો થઈ શકતો નથી….પરંતુ કોઈ લેખકની આખી ને આખી કૃતીને ચોરી લેવી અને એ કૃતીને ખાધા–પચાવ્ય વીના જ પોતાના નામે ઓડકારી લેવી તે ગંભીર બાબત ગણાય છે. ચોરાયેલું સાહીત્ય આકારમાં ને સ્વાદમાં બદલી જતું હોય છે ! તે ખોરું થઈને, ખવાઈ જઈને, આકાર પણ બદલી લે છે અને ચોરીની જાણ થયા બાદ ખારું (મીઠું નહીં !) બની જાય છે.

સાહીત્યચોર પકડાય નહીં ત્યાં સુધી નીર્દોષ જ નહીં, આદરમાન્ય ગણાઈને ફરતો રહે છે. ને પછી તો આવો સાદો, સરળ, પરીશ્રમ વગરનો તે પદાર્થ ચરતો રહે છે. (‘ચરવું’ શબ્દના ખાવું ને ફરવું એવા બન્ને અર્થો જાણીતા છે !) ખોરું સાહીત્ય ‘પીરસનારાં’ કે ‘ખાનારાં’ (ચોર અને ખોર) મહાનુભાવોનો મહીમા ક્યારેક ગાવા જેવો ખરો !!

દવાખાને

– જુગલકીશોર

આપણો દરદી ગંભીર રોગમાં ન હોય ત્યારે એની સેવા માટે હોસ્પીટલમાં રહેવું થોડુંઘણું ગમે છે ! એક જ મોટા રુમમાં અનેક જાતી–જ્ઞાતીના લોકો, અનેકવીધ લાગતી છતાં એક જ પ્રકારની પોતપોતાની પ્રવૃત્તીઓમાં વ્યસ્ત હોય છે તેથી સૌને લગભગ એક સરખા અનુભવો કરતા જોવાનું ને ખુદ અનુભવવાનું મજાનું બની રહે છે.

વ્યવસ્થીત ગોઠવાયેલા પલંગો, સફેદ ચાદરો, સફેદી પહેરીને સતત ફરતી રહેતી સવેતનીક સેવાઓ, ગળામાં સ્ટેથોસ્કોપનાં ભુંગળાં ભેરવીને ફરતા નીષ્ઠુર લાગતા સ્વજનો કે સ્વજન જેવા નીષ્ઠુરો; દવા ને જંતુનાશકોનાં મીશ્રણોની ગમતી થવા માંડેલી ગંધ, ખબર કાઢવા આવનારાંઓનાં જાતજાતનાં વર્તનો અને આ બધાંની વચ્ચે ઉપસી આવતી માંદગીઓ – તેની વેદના, કરુણા, આશાનીરાશા, સહાનુભુતી….!

છેલ્લા શ્વાસ લેતા દરદીના નાકમાંની ઓક્સીજન–નળીમાંથી વહેતું કે લોહીના બાટલામાંથી ટપકતું – મરણને પાછું ઠેલવા મથતું – જીવન; દરદીનાં સગાંઓના ચહેરા પર એવી એવી રેખાઓ ઉપસાવી આપે છે, જે તીરોધાન પામીને હૈયાની આરપાર ઉતરી જાય છે !

કોઈ શાશ્વત નથી એ જ્ઞાન હોવા છતાં, આપણો દરદી સલામત હોય છે ત્યારે બાજુના પલંગે વીદાય લઈ રહેલો દરદી પણ પરસ્પર વીરોધી એવા ભાવો હૈયે ઉભરાવી જાય છે.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––

  તા. ૨૪, ૫, ૧૯૯૧/તા. ૨૮, ૧, ૨૦૧૪.

સ્વપ્નોમાં પડઘાતાં તીવ્ર સંવેદનો

– જુગલકીશોર

 

ધાબા ઉપરની સવારનો સુર્યોદય થયા પછી જ અલબત્ત, પણ જાગવાનું બન્યું તે સહજ નહોતું. નીચેથી આનંદની ‘કાકા, કાકા !’ની બુમો સાંભળીને જ ખલેલ પડેલી. જાગતાં પહેલાં ચાલી રહેલા સ્વપ્નમાં કોઈ સાવ જ અજાણ્યું પરંતુ આ પહેલાં અનેકવાર આવી ચુકેલું જ મકાન હતું. એક અવાજ ફોનનો પણ હતો.

જાગ્યો તો મારા જ ઘરની અગાસી હતી….ને આનંદ તો હતો નવસારી ! આજે શુક્રવારે તો આવે જ નહીં. આવતીકાલ શનીવારની જોકે રાહ તો હતી.

પરંતુ –

રાતે નવ વાગ્યાની સીરીયલ ચાલતી હતી ને આનંદદીવ્યા બન્ને આવ્યાં ! મેં સૌને સવારના સ્વપ્નની વાત કહી, તો નાનો અર્પણ તરત જ બોલ્યો કે આનંદભાઈનું સ્વપ્નું તો મનેય સવારમાં આવેલું….

એકથી વધારે વાર આવતાં કેટલાંક એકનાં એક અજાણ્યાં મકાનો, એકનાં એક પણ અજાણ્યાં સ્થળોનું અવારનવાર દેખાવું, કોઈની બુમો, કે હાસ્યના ઠહાકા, કોઈ અજાણ્યાંઓનાં તીવ્ર સંવેદનોના ખુદ અનુભવો કરવા વગેરેને વારંવાર સ્વપ્નોમાં જોઈને થયાં કરે છે, કે આ બધું, આટલું અજાણ્યું ક્યાંથી આવતું હશે ? મન–ચીત્તમાં કોઈ ટૅપ થઈને સંગ્રહાયેલું હશે, ને વારે વારે સ્વપ્નના પડદે ચલચીત્ર બનીને પ્રગટતું હશે ? પુનર્જન્મ નામનું કાંઈક કહેવાયું છે તેનાં જ પરીણામ હશે આ ?

કોઈ અજાણ્યાના કે ગત જન્મોનાં કોઈ સ્વજનોના તીવ્ર સંવેદનો ટૅપ થઈને સંગ્રહાયાં હોય; ગત જન્મોની કોઈ તીવ્ર ઈચ્છા ચીત્તમાં ઢબુરાઈ ગઈ હોય જેનું રેકર્ડીંગ ઓચીંતાનું સ્વપ્નમાં ખુલીને સંભળાઈ–દર્શાઈ જાય; દૃષ્ય કોઈ એક જન્મનું ને અવાજો કોઈ બીજા જ જન્મના હોય ?!

નવસારીથી અમદાવાદ આવીને અમને મળવાની તીવ્ર ઈચ્છાનો પડઘો, એના અમદાવાદ પહોંચવાના ૧૪ કલાક પહેલાં સ્વપ્ન દ્વારા મને જગાડી ગયો હશે ?

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 તા. ૨૫, ૪, ૧૯૯૧ – તા. ૨૭, ૧, ૨૦૧૪

હૃદયસ્થ !

— જુગલકીશોર

 ‘હાર્ટ એટેક’ શબ્દ જ પુરતો છે, નાનકડા એટેક માટે.

સ્ત્રીઓને તે બહુ સતાવતો નથી. કહેવાય છે કે સ્ત્રીઓ રડી શકે છે; પુરુષોને એ વૈભવ નથી. એનો અહમ્ રડવા જેવી પ્રાકૃતીક ને ક્યારેક તો સ્વાસ્થ્યવર્ધક એવી રડવાની સુવીધાથી એને દુર રાખે છે. કદાચ એટલે પણ પુરુષ હાર્ટએટેકની નજીક જઈ/રહી શકે છે.

એટેક બધાંની ઉપરવટ જઈને પોતાનું કાર્ય કરતો રહે છે. ત્યાર પછી શરુ થઈ જાય છે, તાત્કાલીક સારવાર, દવાખાના–પ્રવેશ, આઈસીયુના ઠંડાગાર બંધનો ને સ્મશાનની સા…વ નજીકની શાંતિ !

આ શાંતી – જો એના જગતમાં બેઠેલાંને નસીબે હોય તો – ઉદ્યોગીકરણ, શહેરીકરણ, ડામરની સડકોનો પ્ર–તાપ, વૃક્ષોથી દુરત્વ, જૂઠણલીલાઓ સાથેની સક્રીય ભાગીદારી, ખોરાકની અપૌષ્ટીકતા, તેલના રગડા નીતારતાં ફેશનેબલ ભોજનો, શ્રમસુગ, એશ ગણાતો આરામ, રેફ્રીજરેટરોમાંનાં સંતાઈને બેઠેલા – જઠરાગ્નીને ઠારી નાખનારા શોખ, એટકંડીશનરો આગળ સ્વીકારાતી શરણાગતી ને વ્યસનોની ઝપ્પી – વગેરે વગેરે આ સૌ – સંપીને પેલી શાંતીમાં બેઠેલા ‘ભાગ્યશાળી’ જીવને જીવનની અંતીમ શાંતી તરફ ધકેલવાના પ્રામાણીક પ્રયત્નોમાં સફળ થઈ જાય છે.

આટઆટલી સગવડો વચ્ચે એટેક ન ઉછરે તો જ નવાઈ. સવારથી સાંજ સુધી, આધુનીક ઉપકરણો ને સુવીધાઓ દ્વારા આપણે એટેકની પુર્વભુમીકા બાંધી રાખીએ છીએ.

ને એમ એક દીવસ એ આવી ચડે છે.

પડોશમાં જ ક્યાંક એનું આગમન આપણને ઘણું બધું સમજાવવા મથે છે, આપણે સહેજ પણ મથીએ, સમજવા, તો !!

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

તા. ૨૫, ૪, ૯૧ – તા.૨૭, ૧, ૧૪

  

‘તાનપુરાઓ’નો ગુંજારવ

ગુંજારવ                                                                                                        – જુગલકીશોર.

વહેલી સવારે જ્યારે સૌ સુતાં હોય ત્યારે જાગીને કશુંક કામ કરવાની મજા હોય છે. વાતાવરણમાં ક્યારેક તમરાં, તો ક્યારેક ઓચીંતાં જ જાગી ઉઠતા ઘરના કોઈ સભ્યની અવરજવર; અરે, કોઈનું પડખું ફરવાનો અણસાર પણ આપણા કામમાં પોતાની હાજરી પુરાવી દે છે. માથા પર ફરતો પંખો પોતાનું અસ્તીત્વ ફક્ત એની સેવા દ્વારા જ નહીં પણ હવાની સાથેના એના સતત સંબંધનેય ગણગણાવતો રહે છે. ટ્યુબલાઈટનો જુનો થઈ ગયેલો ચૉક તમરાંની બરોબરી કરી શકે છે તેવું સંભળાવતો રહે છે….તો નીયમીત રીતે ચાલુ–બંધ થતું રહેતું ફ્રીજ આપણા કામની સાથે જુગલબંધી કરતું હોય છે.

આ બધાંની વચ્ચે વહેલી સવારનાં – મોટા ભાગે તો લખવાના કે વાંચવાનાં – કામો થતાં રહે છે.

નીયમીત થતી રહેતી પ્રવૃત્તીઓને એકધારાપણાનો વળગાડ હોય છે. એકસુરીલું જે એક ઘરેડ બની રહેતું હોય એમાં તાજગીનો અભાવ આવી જવો ઘટે છે. પણ લખવાવાંચવામાં સાવ એવું નથી બનતું. ઉપર ગણાવ્યાં સાથીદારોની વહેલી સવારની કામગીરીમાંની જુગલબંધી એકધારાપણાનો સરસ નમુનો છે. સતત ને નીયમીત થતી રહેતી અડચણો પણ પછી, અડચણ નથી રહેતી. એનું એકસુરીલાપણું  સંગીતમાંના તાનપુરાના ગુંજારવ જેવું બની રહે છે ! એ નડવા કે કનડવાને બદલે જાણે કે ગાયન–વાદનમાં ‘સા’ પુરાવે છે ! તાનપુરામાં સા અને પ ને મેળવીને એક સ્વર નીશ્ચીત કરી દેવામાં આવે છે જે ગાયકના સુર સાથે અત્યંત સુક્ષ્મરુપે ભળી જઈને, કહો કે, ઓગળી જતો હોય છે. તાનપુરો એ રીતે પોતાના અસ્તીત્વને ઓગાળીને સંગીતકારની સ્વરલીલાનો જ એક અંશ બની રહે છે !

ખરેખર તો તે તાનપુરો સંગીતકારને સ્વરના નીશ્ચીત માપની મર્યાદામાં રાખવાનું કામ કરે છે ને છતાં તેનો મધુરો ગુંજારવ કોઈ કડક સુપરવાઈઝરની યાદ આવવા દેતો નથી. એરપોર્ટ પરનાં કેટલાંક ઉપકરણો આકાશગામી વીમાનોને તેના નીશ્ચીત લક્ષાંકો – ગંતવ્યોનો માર્ગ બાંધી આપનારાં હોય છે. પોતાના નીર્ધારીત માર્ગથી વીચલીત થવા જતું અવકાશયાન તે ઉપકરણોની કડક સુચના મેળવતું રહીને સીધુંદોર રહે છે.

વહેલી સવારનાં કામોમાં દખલ દેનારાં પેલાં સાથીદાર ધ્વનીઓની કહેવાતી દખલ એરપોર્ટ પરનાં ઉપકરણોની માફક કડક શીક્ષકની માફક સોટી બતાવનારી નથી હોતી. એ બધાં તો તાનપુરાના ‘સા’ બની રહે છે. એનો ગુંજારવ તો ––

‘વહેલી સવારે જ્યારે સૌ સુતાં હોય ત્યારે જાગીને કશુંક કામ કરવાની મજા’ને શણગારનારી મુકનારો બની રહે છે !!