રાજકારણમાં પડવાનું રહેવા દેજે, નીખીલ !

– જુગલકીશોર.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

સ્નેહી નીખીલ,

ઘણા સમય પછી આ લખવા બેઠી છું. પણ લખવું અ–નીવાર્ય બની રહે તેવા સમાચાર જાણ્યા એટલે ન રહેવાયું !

તારા નીર્ણયો અંગે મારે ભાગ્યે જ કશું કહેવાનું રહ્યું છે. આપણી મૈત્રી પણ આ જ મુદ્દા ઉપર થઈ છે અને ટકી છે. આપણા બન્નેના નીર્ણયો હંમેશાં એકબીજાંને અનુકુળ જ રહ્યા છે ને રહેવાનાય છે એમાં શી શંકા ?

પરંતુ તારો આ છેલ્લો નીર્ણય –

હા, છેલ્લે તેં નક્કી કર્યા મુજબ તું રાજકારણમાં સક્રીય થવાનો છે તે જાણીને પહેલાં તો મને જાણે દીવસે સપનું આવ્યું હોય તેવું લાગ્યું ! પરંતુ બાપુજીના ફોનને આધારે આ વાતની ગંભીરતા સહેજે સમજાઈ અને એટલે જ વીના વીલંબે આ પત્ર !

રાજકારણ એ આમ જોવા જઈએ તો સક્રીયતાનો જ વીષય છે. જે લોકો રાજ કરવા માગે છે તેમણે લોકોનો મત લેવા બાબતે સક્રીય થવું જ પડે તો એ જ રીતે દેશના સામાન્યમાં સામાન્ય માણસે પણ, ભલે મતદાન કરવા પુરતું હોય, છતાં સક્રીય તો થવું (ને રહેવું) જ પડે…..ને એ દૃષ્ટીએ તો હુંય સક્રીય હોઉં જ ને છું જ. પરંતુ મતદાતા તરીકેની સક્રીયતા એક બાબત છે ને રાજકીય પક્ષોમાં ભળી જઈને સક્રીય થવું તે બીજી બાબત છે. તારી સક્રીયતા જે મેં જાણી તે આ બીજા પ્રકારની છે ને એટલે જ આ લાંબો પત્ર લખવા બેસી ગઈ છું.

તું જે પક્ષે ભળવા ધારે છે તેમાં તારી ભુમીકા શી હશે વારુ ? તું ચુંટાઈને નેતા બને તે વાતમાં તો માલ જ નથી ! તે તારા સ્વભાવમાં તો નથી જ બલકે તેમાં તારી આવડત પણ હોય તે બાબતે હું શંકાશીલ છું !! તો પછી તારું પક્ષીય રાજકારણમાં જોડાવાનું લક્ષ્ય શું હોઈ શકે ? તું શું કોઈ પણ પક્ષનો પ્રચાર કરી શકીશ ખરો ? આજના રાજકીય પક્ષોમાં કોઈનો પણ પ્રચાર કરવા જેવો તને લાગ્યો છે ? મારે તો તને તું કયા પક્ષે જોડાવા ધારે છે તેય પુછવું નથી ! કયો પક્ષ તારા વીચાર ને આજ સુધીના તારા આચાર સાથે બંધ બેસશે ? મને તો સમજાતું નથી ! આજે એવી કોઈ રાજકીય જગ્યા છે ખરી જ્યાં પલોંઠી વાળીને બેસી શકાય ?

અલબત્ત કેટલાક લોકો મથે છે, રાજકારણમાં શુદ્ધીનાં સપનાં સેવતાં સેવતાં. એ લોકો બહુ મોટી લઘુમતીમાં છે. કહું કે નગણ્ય લઘુમતીમાં ! એમનો કોઈ ભાવ પણ પુછતું નથી ને છતાં એ લોકો મથી રહ્યાં છે, ને મથશે પણ ખરાં…..પરંતુ આવા લોકોને થઈ રહેલી હેરાનગતી તો તું જાણતો જ હઈશ. નવો ચીલો ચાતરીને કોઈ પક્ષ જીતે છે તો પણ એમને બેસાડી દેવામાં ને એમને નીષ્ક્રીય કરી દેવાના પેંતરામાં કશું બાકી નથી રાખતા એ લોકો કે જેમને રાજકારણ એક વ્યવસાય માત્ર છે !

તું કોનો પ્રચાર કરીશ ?! તું કયા મુદ્દા પર સાથ આપીને એમને માટે આગળ આવીશ ? એમનો કયો ભુતકાળ તને પ્રેરણા આપશે ? વર્તમાનની તો વાત જ કરવાની નથી ત્યારે –

કેટલાંક સેવાકાર્યોના જોરે ને કેટલાંક વચનોની લાલચે ને બીજા પક્ષોની બદબોઈના માધ્યમે કરીને જે લોકો જીતવા માગે છે તેમાં મારાતારા જેવાની કામગીરી ક્યાંય પણ મૅચીંગ થશે શું ?!

ચુંટણીઓના પડઘમ વાગી જ રહ્યા છે ત્યારે તને જોમ ચડી જાય તે સમજી શકું છું પરંતુ એ જોમ ને જોશનો માર્યો તું હોશ પણ ગુમાવી બેસે તેવી શક્યતા જોતી હું તને આમ પત્ર લખીને અટકાવું કે નાહીંમત કરું તો એને એક મીત્રની ફરજનો ભાગ ગણીને ક્ષમા આપજે ! બાકી તો –

સસ્નેહ, સાપેક્ષા,

– ક્ષમા.

Advertisements

ફુટપાથ પર કણસતું–કકળતું ચોમાસું.

 ક્ષમાનો નીખીલને પત્ર  (૧૩મો)                                                                                                 – જુગલકીશોર.

 

નીખીલ,

આ વર્ષા એનાં કેટકેટલાં રુપો લઈને આવે છે ! આકાશી ગડગડાટ એ એનો છડીપોકાર હોય છે, તો ભીની માટીની સુગંધ એ પ્રથમ વર્ષાના પ્રાગટ્યનો મહિમા સૌને વહેંચતી ધરતીનો ફોરમપુરસ્કાર હોય છે.

વર્ષાનાં અનેક રુપ અનેક વ્યક્તીને મન નોખુંનોખું મહત્ત્વ ધરાવનારાં હોય છે.

કોઈ શાપીતને અષાઢના પ્રથમ દીવસે સ્વર્ગમાં રહેલી પ્રીયતમાને સંદેશો મોકલવા ખુદ મેઘને ટપાલી બનાવી દેવા પ્રેરી દે છે તો કોઈને થનગનાટ કરીને ટહુકવા મજબુર બનાવી દે છે. કોઈને ખેતરોમાં ઝુલી રહેનારી વાનસ્પતીક સમૃદ્ધીનું ખાતમુહુર્ત કરવા બળદોને ધુંસરીમાં નાખવા ઉત્સાહીત કરી મુકે છે તો કોઈને બારીમાં બેસીને ભીંજાયા વગર ભીની કવીતા રચવા ખણ ઉપાડી દે છે.

સૌને આ વર્ષાનો અવસર હમણાં જ વીદાય પામેલી કાળઝાળ ગરમીમાંથી રાહત આપીને આવી રહેલા સમયને વધાવવા તત્પર કરી મુકે છે ત્યારે –

ત્યારે, એનાથી આંદોલીત થઈ જવાને બદલે આ વર્ષા, મારા વીસ્તારમાં સડકને કાંઠેકાંઠે વસેલાં શ્રમજીવીઓના વીચારોમાં ડુબાડી દે છે. ફુટપાથ પર ઠંડીમાં થરથરતાં ને ગરમીમાં ભુંજાતાં આ ફુટપાથવાસીઓ ગમેતેમ કરીને ટકી જાય છે પણ ચોમાસું આવતાં જ, પહેલી જ વર્ષાનાં અમીછાંટણાંમાં યમીત્રાસણાંનો અનુભવ કરવા લાગે છે.

એમની ઘરવખરીમાં કહેવાતું પાથરણું હોય છે ને કેટલુંક વાસણકુસણ. ક્યાંકથી માગીભીખી લાવેલું પ્લાસ્ટીક આ ઘરવખરીને ઢાંકવાનું ભગીરથકાર્ય કરે છે. દીવસ તો મજુરીમાં નીકળી જાય છે. નાનાં કુમળાં (?) બાળકો પણ સાથે હોવાથી કોન્ટ્રાક્ટરની ભલમનસાઈથી આછીપાતળી આડશે સચવાઈ રહે છે……પણ,

પણ રાત પડે છે, ને જો કોઈ આશરો આપનારું ન મળ્યું હોય તો રાત શી રીતે કાઢતાં હશે તેના વીચારમાં મારી ઉંઘ ક્યારેક તો આંસુની વર્ષાથી ઉડી જાય છે. વર્ષાનો મહીમા આ લોકોને માટે કોઈ મહીમા હોતો નથી.

નીખીલ, સરકારો ને મ્યુનીસીપાલીટીઓ પોતાના જ આ વસાહતીઓને આશરો પણ ન આપી શકે તો તેમને સત્તા પર રહેવાનો અધીકાર શી રીતે હોઈ શકે ? (મારા આ વાક્યને રાજકીય નીવેદન ન ગણીશ, પ્લીઝ. મને રાજકારણી નીવેદનો વાંચવાંય ગમતાં નથી ત્યાં વળી લખવાની તો વાત જ શી ? પણ મારું મન મને આ વેદના પ્રગટાવવા નીમીત્તે આવું લખવા મજબુર કરી મુકે છે.)

આ વરસાદી ભેજ, આ બાળી મુકનારો તડકો ને ઠુઠરાવી દેતી ઠંડીમાં ઉછરતાં બાળકો આગળ ઉપર મોટાં થઈને સામાજીક વ્યવસ્થા વીશે શું શું નહીં વીચારે ? પોતાની સાવ નજીકથી જ પસાર થઈ જતી મોટરોમાં બેઠેલાં માણસોના જેવાં જ હાથપગ ને ખાસ તો પેટ પોતાને હોવાનું જાણતાં એ લોકો આપણી સાથે કેવીકેવી સરખામણી કરી લેતાં હશે ?!

ફુટપાથ પર જ જન્મીને ઉછરતાં આ બાળકો, આ કીશોરોનું યૌવન કેવું હોઈ શકે ?! એને શું ખરેખર યૌવન કહી શકીશું આપણે ? ન કરે નારાયણ ને જો તેઓ આ દોઝખમાંથી નીકળીને ફુટપાથ છોડવાને લાયક બની ગયાં, તો આપણે તેમની પાસેથી કેવીકેવી સારી અપેક્ષાઓ રાખીશું–શકીશું ?

એકાદ નાના શહેરમાં વપરાય તેટલી વીજળી પોતાના આકાશગામી એક બંગલામાં વાપરી નાખનારો મનુષ્ય બે ટંક ભોજન પણ સરળતાથી ન પામી શકનારા આ સડકધામી લોકો વચ્ચે કેટલું મોટું અંતર ધરાવે છે ! આ અંતરને માપવા માટે કોઈ ગજ, કોઈ સમાજ પાસે હશે શું ? આ બે પ્રકારના મનુષ્યો વચ્ચેનું સામાજીક અંતર ઘટાડવા માટે આપણી પાસે કોઈ ધર્મ પણ બચ્યો નથી તે કેવી વીડંબના છે !

નીખીલ, વર્ષાનાં વધામણાં ગાનારાંઓને વર્ષા મુબારક. તને, આ પત્ર મુબારક. હું તો આ દીવસોમાં ફુટપાથ ઉપર પાંગરી રહેલાં જીવનને ન જોઈ શકવાથી શાક લેવા માટેય બહાર જવા સંકોચાઉં છું….પણ આવી આ હું મને સંકોચ મુબારક કરી શકું તેમ નથી.

ક્યારેક પત્ર લખજે.

– ક્ષમાની સ્નેહભીની યાદ.

નીખીલને ક્ષમા તરફથી જન્મદીનની કાવ્ય-ભેટ !

સ્નેહીજન !

 આપને આજે મુબારકબાદી રુપે એક કાવ્ય મોકલું છું.

આજ સવારથી ચારચાર જ્ઞાનેન્દ્રીયે મને જાણે ઈંગીત પર ઈંગીત આપીને કહી જ દીધું હતું કે આજે કશુંક અદ્વીતીય છે !

જન્મદીનના સ્નેહસભર અભીનંદન સાથે, મને પ્રાપ્ત થયેલો ચતુરેન્દ્રીય આનંદ તને અર્પણ કરું છું.  

प्राप्त थयेला  चतुरेन्द्रीय आनंदनो वीनीयोग !

આજ અચાનક
પુર્વ દીશાનો સુર્ય
સામટાં
રંગ રંગનાં પુષ્પ
વેરતો દીઠો.

પવન લ્હેરખી
હળવે હળવે
-અંગ અંગને સ્પર્શે એવું-
કંઈક કાનમાં
કહી ગઈ.

પારીજાતની
ડાળ ડાળથી
ખરતી, ઝરતી
શ્વેત-કેસરી ગંધ
ઘ્રાણમાં
પ્રાણ ભરી ગઈ.

એક સામટાં
આટઆટલાં
ઈંગીત
-રોમે રોમ સ્પર્શતાં-
ભીતર-બાહર
છલકાવી દે.

મલકાવી દે –
પ્રગટાવીને રહસ્ય
છુપું –
‘આજ કોઈના જન્મદીવસ’નું !!

ચાર દીશાથી
ચતુરેન્દ્રીયને 
પ્રાપ્ત થયો આનંદ
સામટો –
કહી શકું ના,
સહી શકું ના.
ગ્રહી શકું; સંગ્રહી શકું ના 
એકલ –
એને
પત્રમ્,
પુષ્પમ્,
ફલમ્ સ્વરુપે
કરું તને, લે
અર્પણ !
—==00==—

ચપટી મીઠામાં ગાંધીએ અણુશક્તી ભરી દીધી !!

નીખીલ,

 

હજી હમણાં જ ગાંધીજીનો જન્મ દીવસ, જેને રેંટીયા બારસ તરીકે મનાવાય છે, ગયો. પણ દર વર્ષે આ દીવસની આજુબાજુ જ અંગ્રેજી મહીના ઓક્ટોબરની ૨જી તારીખ પણ આવે જ ! આ ટુંકા સમયગાળામાં આપણા રાષ્ટ્રપીતા બહુ યાદ આવ્યા કરે છે ! (આખું વરસ તો યાદ કરવાના દીવસો જ રહ્યા નથી જાણે )

 

રેંટીયા બારસે મને માળીયેથી રેંટીયો ઉતારીને, સાફ કરીને કાંતવાની ઈચ્છા થઈ આવી. મારા બાપુજી નીયમીત તે કાંતતાં. અમનેય એમણે શીખવેલું. અમે કાંતતાં કાંતતાં એમને બાપુ વીષે પુછ્યા કરીએ. તેઓ શાંત ચીત્તે અમને જવાબો આપતા રહે. બહુ ઝાઝી વાત કરે નહીં પણ એમની આંખમાં એક અદ્ભુત ભાવ નીતરતો જોવા મળે !! મારી મમ્મી કહ્યા વીના ન રહે કે તમારા બાપુજીને ગાંધીજીના સવાલો પુછો એટલે એમને તો ઘી ને ગોળ !! હવે એમની વાતોને અટકાવવાનું મુશ્કેલ. જમવાનો સમય થઈ જશે પણ એમની વાતો નહીં ખુટે.

 

મને બરાબર યાદ છે નીખીલ, તેઓ કાંતવા બેસે ત્યારે એવું લાગે જાણે કોઈ ધાર્મીક માણસ અનુષ્ઠાન કરવા બેઠો ન હોય ! સમગ્ર ચેતના જાણે રેંટીયાનાં ચક્રોની ગતી ને ત્રાંકની અણીએથી સતત વહેતી રહેતી સુતરના તારની ગંગામાં સમાઈ જતી ! મારા પીતાજીનું આ દૃષ્ય મારા જીવનનું આદર્શ ચીત્ર છે.

 

સમય જતાં જેમ જેમ માંદગી વધતી ગઈ તેમ તેમ એમને રેંટીયાથી છુટવું પડ્યું. આજે આટલાં વર્ષો પછી પણ એમની ગાંધીભક્તી યથાવત્ છે. એમના જ આ વ્યક્તીત્વે અમને સૌને અન્યથી અલગ કર્યાં છે. પડોશમાં ઘણી વાર અમારો પરીચય ‘વેદીયા’ શબ્દથી અપાતો. અમને સૌ વેદીયા કહેતાં ! ધીમે ધીમે સમાજમાં એમની સેવાઓ જાણીતી થતી ગઈ. અમે અહીં રહેવા આવ્યાંને ૩૦ વર્ષથીય વધુ સમય ગયો. આરંભના એ વેદીયા પણ આજના સર્વમાન્ય મારા બાપુજીના જીવનની મારા પર બહુ મોટી અસર. કાંઈક પણ ખોટું થતું લાગે, ક્યાંક પણ કોઈ ખોટા આકર્ષણે મન રઘવાયું થઈ જાય ત્યારે તેઓનું રેંટીયો કાંતતા હોય તે દૃષ્ય સામે આવી જાય ને ખોટે રસ્તેથી બચાવી જાય.

 

આપણે બન્ને મળ્યાં ત્યારે મીત્રતાની જે ઘનીષ્ટતા એકદમ ઉભી થઈ ગઈ તેમાં તારા વ્યક્તીત્વે મોટો ભાગ ભજવ્યો છે. તું ખાદી ન હતો પહેરતો પણ તોય તારામાં અમારા ઘરનાં સૌને રસ પડ્યો હતો એમાં બાપુજીની પારખુ નજર કારણભુત ગણાય….

 

આ ૨જી ઓક્ટોબરે અમે ગાંધીજીના કોઈ એક પુસ્તકનું થોડું વાચન કરીને પછી મુ. નારાયણભાઈ દેસાઈની ગાંધીકથાની ડીવીડી જોઈશું. તેં એ જોઈ નથી. એમની કથામાં તું ગયો હતો તે વાત તેં કહી હતી. પણ તારી ઈચ્છા હોય તો આવતું અઠવાડીયું તું અહીં મારે ગામ રહેવા આવી જા. મમ્મીએ ખાસ આગ્રહ કરીને લખાવ્યું છે. આ ગાંધી પારાયણ આ વર્ષે અમારા સૌ માટે એક ઉત્સવ બની રહેશે.

 

ગાંધીજીની વીદાયને ૬૦ વર્ષ વીતી ગયાં ! આપણા બે માંથી કોઈએ એમને જોયા નથી. આ દેશ કેટલો જલદી એમને ભુલી ગયો ?!! કેવી તપસ્યા એમણે કરી, આપણા માટે ! કેવાં કેવાં આશ્ચર્યો સર્જ્યાં એમણે આ વીશ્વમાં ?! ચપટી મીઠામાંય કેવી અણુશક્તી એમણે ભરી આપી ?!! સત્યની ઉપાસનાનો એમણે સદુપયોગ કરીને આપણને તો સ્વતંત્રતા અપાવી પણ એ ઉપાસનાને એમણે પોતાના માટે જે અર્થમાં ઘટાવી તે તો પોતાના આત્માના વીકાસ માટે !!! વાણીયો, આવડી મોટી સત્તાને હલબલાવી નાંખીને પછી પણ આપણને સૌને ચમત્કારના જાળાંથી બચવા માટે કેવું કહી ગયો ?! હું તો આ મારા પોતાના મોક્ષ માટે કરું છું !!

 

આવો માણસ બીજો ક્યાંય, ક્યારેય જન્મશે ખરો ???

 

આવજે.

–ક્ષમા.

 

  

અર્જુનને પક્ષીની આંખ; ક્ષમાને ઝુંપડીઓ દેખાઈ !!

ક્ષમાનો પત્ર – ૨૨

 

નીખીલ,

 

મારી વેદનાના સ્પર્ષે તુંય વ્યથીત થયો ! આમ તો મારે  તારી આ જ કારણસર ક્ષમા માગવી રહી, પણ હું સાક્ષાત્ ક્ષમા (આપનારી નહીં, માગનારી ) બીજું કહી પણ શું શકું ? આ વાત જ એવી વેદનાની છે કે જેટલાંને વહેંચી શકાય તેટલું સારું !! આપણે હવે એવી પરીસ્થીતીએ પહોંચી ચુક્યાં છીએ જ્યાં હવે આનંદ નહીં, વેદના વહેંચવા વારો આવ્યો છે !

 

પણ જવા દે. આજે તો તને એક સાવ નવી જ વાત કરવા આ પત્ર લખી રહી છું. ગયે અઠવાડીયે મારા પપ્પા અને અમે સૌ અમારા માટે એક ફ્લેટ જોવા ગયાં હતાં. મલ્ટીસ્ટોરી બીલ્ડીંગમાં ૧૦મા માળે એક અત્યંત વીશાળ ફ્લેટ હતો.. ત્યાંથી જોયું તો અમારું આ મધ્યમ કક્ષાનું એવું આખું શહેર એક જ નજરમાં દેખાઈ જતું હતું.

 

અમારાં પરીચીતો કહેવાય એવાં ઘણાંખરાંનાં મકાનો અને કેટલાંકના ફક્ત વીસ્તારો બહુ જ સહેલાઈથી જોઈ શકાતાં હતાં ! એક જ નજરમાં શહેરનાં લગભગ બધાં જ પરીચીતોને જોઈ લેવાય એવું ઉંચું મકાન મને તો સાવ નવો જ અનુભવ કરાવી ગયું ! એક જ મુઠ્ઠીમાં બધાં જ સમાઈ જતાં હતાં.

 

પણ પછી મેં જે જોયું તે જ ખરું જોવાનું હતું. આટલે ઉંચેથી મને તો મારા આ નાનકડા શહેરની ઝુંડપટ્ટીઓ જ દેખાઈ ! અર્જુનને જેમ પક્ષીઓની આંખ સીવાય, ત્યાં બીજું ઘણુંબધું હોવા છતાં, કશુ દેખાતું નહોતું એમ મને તો ઝુંપડપટ્ટીઓ જ દેખાઈ. મારા આ શહેરમાં કેચડી મોટી વસ્તી આમ રહે છે તે મેં તે દીવસે જ ધરાઈને જોયું …..

 

પણ તરત જ હું તો વીચારે ચડી ગઈ. મારાં મમ્મીએ તો મને ટપારીય ખરી,  ક્ષમલી ! તારું ધ્યાન ક્યાં છે ? આ બધા ઓરડાઓ ને ગેલેરીઓ ને બધું જોવાને બદલે તું શું વીચારે ચડી ગઈ ?! તારે હજી લગનને બહુ વાર છે ! તું તારા પોતાના ઘરનો વીચાર કરવા લાગી કે શું !!

 

મને કોણ જાણે કેમ પણ જાણે મારા જ ઘરનો વીચાર કરતાં પકડાઈ ગયા જેવું લાગ્યું ! થયું કે મમ્મીને કહી જ દઉં કે હા મમ્મી, મારા ભવીષ્યના ઘરનો જ વીચાર આવી રહ્યો છે. આ આપણને ચારે બાજુ ફેલાઈને વીંટળાઈ વળી છે એ ઝુંપડપટ્ટીમાં જ ક્યાંક મારું ઘર હોવાની (સંભાવના જ નહી,) ઝંખના પણ પ્રગટ થઈ રહી છે….આવામાં જ ક્યાંક આપણે રહેતાં હોઈએ તો કેવું ?!….પણ પ્રગટ કરવાની હીંમત ન ચાલી. હું તો ઝબકીને જાગી હોઉં એમ બધાની સાથે મકાન જોવામાં ગુંથાઈ ગઈ.

 

ઘેર આવ્યાં પણી બધાંએ એકી અવાજે એ ફ્લેટ પસંદ કર્યો. મને પુછવાનું પહેલાં તો કોઈને સુઝ્યુ નહી, પણ છેવટે અભીપ્રાય આપવાનો વારો તો આવ્યો જ. મારે શું કહેવું તે સુઝ્યું નહીં, પણ મારાથી કોણ જાણે કેમ બોલાઈ ગયું, કે મમ્મી, મને તો આટલા ઉંચા મકાનમાં ધરતીકંપની જ બીક લાગ્યા કરશે ! મને તો આ મકાનમાં રાતે ઉંઘ જ નહીં આવે !……બસ, થઈ રહ્યું ! સોને યાદ તાજી થઈ આવી પેલા હમણાં જ તારાજી સર્જી ગયેલા ભુકંપની !! સૌ જાણે કે ડરી ગયાં. આવડો મોટો અને બંગલા જેવો લાગતો ફ્લેટ પ્રમાણમાં ઘણો સસ્તો હોવા છતાં સૌને છલ્લી ઘડીએ દઝાડી ગયો. અને એમ એ ફ્લેટ ખરીદવાનું મુલતવી  રહ્યું.

 

પછી તો ફરી વાર ગઈ કાલે જ ગયાં હતાં, બીજો ફ્લેટ જોવા. પેલા ફ્લેટથી અમારા ઘર બાજુ આગળ જતાં નજીકના જ ચાર માળીયા ફ્લેટ જોયા. પ્રમાણમાં મોંઘા છતાં વીશાળ કહી શકાય એવા ફ્લેટમાં જ એક ફ્લેટ બુક કરાવી પણ દીધો ! હવે તું આવીશ ( જો અને તો વાળી વાત ! ) ત્યારે અમે તને ત્યાં જ સત્કારીશું. નાની બહેને તો સંભળાવીય દીધું, બધાંની વચ્ચે જ કે આપણે પાસું વળી મુરતેય કઢાવવાનું થાહે તીયારે નીખીલભાયનું ટાઈમટેબલેય ઝોવુ પડસે ને ! ઈમને તો ટેમ મળે નૉ મળે પાસો !! ( કોણ જાણે કેમ પણ અમારા  ઘરમાં તારી વાત આવે ત્યારે ઈ છોડી હંમેશાં કાઠીયાવાડી બોલીમાં જ તને હંભારે સે હૉ !!

 

પણ હજીય ખરા સમાચાર તો બીજા જ છે !

 

એ નવા નોંધાવેલા ફ્લેટમાં અમે સૌ રહેવા જઈએ એ પહેલાં જ હું તો મને ગમતી વસાહતમાં પહોંચી જ ગઈ છું !!! નવા ખરીદેલા ફ્લેટની સાવ અડીને જ એક નાનકડી પણ મઝાની ને ચોખ્ખી કહી શકાય એવી ઝુંપડપટ્ટી આવેલી છે. હું અમસ્તી એ બાજુ આંટો મારવાનીકળેલી…ત્યાં જ એક નાનકડી એવી  ને આપણી આંખ હટાવવાનું મન ન થાય એવી વહાલુડી છોકરીએ મારા ડ્રેસનો દુપટ્ટો પકડયો ! પાછળ ફરીને જોઉં તો તેડી લેવાનું મન થાય એવી નનકુડી છોડી !! મારાથી ન રહેવાયું. ગાલ ઉપર આંગળી ફેરવીને પુછયું, ‘તારું નામ શું, બેબી ?’

બેબી કહ્યું એટલે થોડી શરમાઈને બોલી, ‘ગુંગી’ !!

 

‘ગુંગી તે કાંઈ નામ હતાં હશે ? સાચું નામ બતાવ !’ એટલામાં તો એનો ભાઈ આવ્યો ને એને ખેંચી ગયો…

 

બસ ! આટલું જ પુરતું હતું, મારા માટે ! મેં એ ઝુંપડપટ્ટીને મારા કાર્યક્ષેત્ર માટે નક્કી કરી લીધી ! હું ગઈકાલથી જ એ વીસ્તારમાં જવા લાગી છું ! હજી તો કોઈ જ કામગીરી હાથ ધરી નથી, પણ હવે અમે બધાં એના પડોશી જ બન્યાં છીએ એટલે કામ તો કંઈને કંઈ મળી જ રહેશે.

 

પપ્પા તો મને ઝુંપડપટ્ટીમાં જતાં નહી જ રોકે, મને ખાત્રી જ છે. નાની, વૈશાલી મઝાક કરશે ચોક્કસ. મમ્મી પણ વીરોધ તો નહીં જ કરે પણ એને નકામા માણસોની બીક રહ્યાં કરશે…

 

છતાં એટલું તો નક્કી કે હવે હું મારે ઘેર હોઉં એમ માનીને ત્યાં કામ કરીશ !! અને એટલે જ હવે તમને, નીખીલજી !  મારા એ નવા ક્ષેત્રે નીમંત્રણ આપીને ખુશ છું !

 

ક્યારે પધારો છો પ્રીય સામાજીક ?! તમારી રાહ જોઈશ, નવા કાર્યારંભની શુભ શરુઆત માટે…..આવજો !

–ક્ષમા !

ઠરી રહેલો જઠરાગ્ની જ્વાળામુખી બની શકશે ?!

ક્ષમાનો પત્ર : 10 
જુગલકીશોર===============================================  
વ્યથીત નીખીલ,
તારી વ્યથા ગયા પત્રમાં વાંચી. ભુખ્યાં જનોના જઠરાગ્નીને હવે જાગવાપણું જ રહ્યું નથી !! એ હવે ઠરી ગયો છે. જ્વાળામુખી બની શકે એવો એ જઠરાગ્ની હવે ધીમે ધીમે બુઝાઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ભુખ અને વેદના જ જોવા મળે છે. દરરોજ છાપામાં કોઈ ને કોઈ આત્મહત્યા કરીને જઠરાગ્નીમાં આહુતી – પોતાની સ્તો ! – આપી રહ્યાના સમાચાર આવતા રહે છે. આટલી આત્મહત્યા આ દેશમાં ક્યારેય સાંભળી નહોતી. ગરીબ માણસ આત્મહત્યાને પાપ ગણીને એનાથી આવનારા અનેક જન્મો દુ:ખમાં જાય એવી માન્યતા ધરાવતો જ હોય છે. ને છતાં હવે એ જાણી ગયો છે કે આવતા ભવની કોને ખબર છે ? આજે તો હવે બાળકોનું પેટ ભરવાનીય તાકાત કે તક રહી નથી પછી આવતા અવતારની ક્યાં માંડવી ?

પરીણામે એક પછી એક આ સૌ દુખીયારાંઓ જીવન ત્યજીને કોઈ અગોચર સુખના સ્વપ્ન સારુ થઈને ચીરનીદ્રાને વશ થઈ જવામાં છે !

આ દેશમાં આજે બધે જ એક ચર્ચા છે, મોંઘવારીની. પરંતુ “એ તો વૈશ્વીક સમસ્યા છે એટલે ભારત પણ એમાંથી બાકાત શી રીતે રહી શકે ?” એમ કહીને આ દેશના શાહમૃગો પોતાનું મોં સંતાડી દેશે. અને એમા જ રાજકીય – સામાજીક – શૈક્ષણીક – આર્થીક અને એવી એવી જે જે ઈક-ઈક-ઈક સંસ્થાઓ છે તે બધીયું કાગારોળ કરી મુકીનેય છેવટે તો પોતાનું ભાણું જ ભરતી રહેશે….

નીખીલ, આપણી ચામડી હવે સંવેદનશીલતા ખોઈ બેઠી છે. કોઈ ને કોઈ નશો પીવડાવતાં રહેતાં સામજીક અને રાજકીય બ્યુટી પાર્લરોમાં હવે ચામડીને ગોરી અને સુંવાળી બનાવાતી નથી ! ત્યાંય હવે ચામડીને સખ્ખત અને નઠોર બનાવી દેવાનો જ કાર્યક્રમ ચાલે છે. સૌને હવે ફાવી ગયું છે. છાપાં હવે સહેજ પણ ગરમી પડે એટલે મધ્યમ વર્ગને ઘરમાં બેઠાં બેઠાં વળતા પરસેવાની ફરીયાદ કરે છે, કારણ કે એના ઘરાકોય મધ્યમ વર્ગીય લોકો જ વધુ હોય છે.

ગરીબી નહીં પણ ગરીબો એ આ દેશનો માથાનો દુખાવો છે એમ ગણીને જેમ બને તેમ એને જલદી ખતમ કરી નાંખવાની પેરવી એ આજની છેલ્લામાં છેલ્લી કવાયત છે. નીખીલ, તું હવે છાપાં વાંચવાનાં બંધ કરી દે. એમાં હવે કાંઈ નથી. એ સૌને એમના ભાગ્ય ઉપર છોડી દેવામાં આવ્યાં છે.

હા, હજીય કેટલુંક પત્રકારત્વ કેવળ આ શ્રમજીવીઓ અને સબડી રહેલાંઓની વાતો કરવાનો ધર્મ બજાવીને મારા તારા જેવાની શ્રદ્ધા ટકાવી રહ્યાં છે. આપણે એમની વાત સૌમાં ફેલાવીને કંઈક કરી શકીશું. આપણે ગામડે જઈએ કે શહેરમાં જ રહીએ પણ આપણું કાર્ય અને ધ્યેય બસ, અહીં જ આસપાસમાં છેલ્લા શ્વાસે જીવી રહેલાંઓ માટે જ વીચારવા-જીવવામાં રહેલું છે.

ખબર નથી, આપણે શું કરી શકીશું. કઈ રીતે આગળ વધી શકીશું, પણ હવે વહેલી તકે આવી જ કામગીરી કરતી સંસ્થાઓમાં જોડાઈને જ આપણને હાશ થશે…

જેમને સાંજનું વાળુ મળવાનું નથી એમની ‘હાશ’ આપણે ક્યારે સાંભળીશું  ?!!!!!
–ક્ષમાની વેદના ભરી ને અસહાય યાદ !

ગઈ કાલે પબ્લીશ થયેલા ક્ષમાના પત્રના અનુસંધાને આજના જ સંદેશમાં વાંચેલા એક મુખ્ય સમાચારોમાના આ એક સમાચાર વાંચો !!! :

ફક્ત અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ જ માસમાં આત્મહત્યાના બનાવોની જાણકારી :

જાન્યુઆરી-08 પુરુષોની  : 34 સ્ત્રીઓની : 19 કુલ 53

ફેબ્રુઆરી-08માં પુરુષોની : 23 સ્ત્રીઓની: 19   કુલ 42

માર્ચ-08માં     પુરુષોની :34 સ્ત્રીઓની : 20   કુલ 54 

ત્રણ માસમાં       કુલ પુ. : 91   સ્ત્રીઓ : 58   કુલ :149   

 

જનેતાનેય ભુલી જતો માનવી પ્રકૃતીને ભુલી જાય તો શી નવાઈ ?!

–જુગલકીશોર.

પ્રીય નીખીલ,

તેં આકાશની વાત કરી, ગ્રહોનીય વાતો કરી. પણ ગ્રહોની સાથે તેં આગ્રહોનેય જોડીને તો વાતને એક સ્થાનેથી સાવ નવા જ સ્થાને લાવી મુકી દીધી. બાકી હતું તે મારી કુંડળીમાં કયા ગ્રહો [ને આગ્રહો પણ !] પડ્યા છે એની ઈન્ક્વાયરીય કરી લીધી !

ભઈ, આપણે તો માંગલીકેય નથી અને અમાંગલીકેય નથી. શબ્દોની કેવી રામાયણ છે ! મંગળના ગ્રહને નામથી આપણે મંગલ કહીએ, એનું સ્થાન કુંડળીમાં અમુક ચોક્કસ જગ્યાએ હોય તો એ વ્યક્તીને માંગલીક પણ કહીએ અને છતાં કુંડળીમાં એ પડ્યો હોય એટલે એને પરણનાર વ્યક્તીનું અમંગળ જ થાય એવુંય માની લઈએ, મનાવતાં રહીએ અને એવી વ્યક્તીને કોઈ પોતાની પસંદગીની વ્યક્તી સાથે પરણવાય ન દઈએ !!

આપણાં કેટલાંક શાસ્ત્રોએ, કહો કે મોટાભાગનાં શાસ્ત્રોમાંનાં કેટલાંક પ્રકરણોએ આપણને સાવ જ પછાત રાખ્યાં છે. પોતાની પસંદગીનો વર કે ગમતી વહુ લઈ આવવાનુંય આપણા હાથમાં નહીં ! આપણને તો ટીપણીયો જ્યોતીષી બતાવે તેની સાથે ચાર ફેરા ફરી લેવાના. લગ્ન પછી એ બન્ને સુખી થયાં કે દુ:ખી તેની તપાસ કરવા એ કદી આવવાનો નહીં. એને તો એની શી પડીય હોય ?!

આકાશે વીહરતા રહેતા આ બધા ગ્રહોની આપણા શરીર પર તો અસર થતી જ હશે. કારણ કે જો સાગરમાં પણ છેક આકાશે રહેતો ચન્દ્ર પુનમની ભરતી લાવી શકે તો આપણા શરીરમાં આટલો મોટો પાણીનો ભાગ હોય ત્યારે ભલે નાનકડી પણ ભરતી તો લાવતો જ હશે ને ! [ એ સ્ટોર્મ ઈન એ કપ ઑફ ટી ] પરંતુ આ મંગળ, શની અને અન્ય રાહુ-કેતુ જેવા આકાશી ભમરડાઓ આપણને એટલાં બધાં હેરાન કરી નાખે ખરા ? અને કદાચેય અસરો કરી શકે તો આપણામાં દૈવી તત્ત્વોએ મુકેલી અપાર શક્તીઓનું શું ? આપણા મનુષ્યપણાનું શું ? આપણે તો, ‘न मानुषात् श्रेष्ठतरं हि किंचित् |’ મનુષ્યથી ના અદકું કંઈય !’ માનનારાં છીએ. અને છતાં આ ગ્રહોનાં બંધાયાં [ અને બંધાવ્યાં પણ ! ] બંધાઈ જઈએ છીએ.

કાકાસાહેબના લેખો તો જેમણે માણ્યા હોય તે જ જાણે કે પ્રકૃતીની લીલાઓમાં માણસ ધારે તો કેટલો રમમાણ થઈ શકે ! આપણો શહેરી સમાજ કોઈને કોઈ બહાનુ કાઢીને પ્રકૃતીથી અલગ થવાના પસ્તાવા રજુ કરતો રહે છે. આકાશી દર્શનની તો વાત જ શી કરવી ! શહેરી સમાજમાં હવે પ્રકૃતી એ સમય વેડફવાનું નકામું પરીબળ ગણાય ! પૈસો અને પ્રતીષ્ઠા કમાવામાં માણસને આપણને સદાય જીવાડનારી આ પ્રકૃતી પાસે જવાનો સમય નથી ! કેવી છે આ જીંદગી ! પોષનારું જ હવે અકારું બની ગયું છે.

આ જ વાત, માણસના બદલાઈ ચુકેલા સ્વાભાવમાંય પડઘાતી રહે છે. જે રીતે એણે પોષનારી પ્રકૃતીને તરછોડી છે એ જ રીતે આજનો માણસ પોતાના ઉપર અનેક ઉપકારો કરનારાં માણસો અને સંસ્થાઓનેય તરછોડી દેતાં અચકાતો નથી. સગી જનેતાનેય જાકારો દઈ શકતો માણસ પ્રકૃતીને ભુલી જાય એમાં શી નવાઈ ?!

મને તો લાગે છે, નીખીલ, કે માણસજાત વૃક્ષો, પર્વતો, નદીઓ, જળાશયો વગેરેથી જેટલો દુર જશે એટલો એ નીષ્ઠુર થવાનો. પ્રકૃતીના ખોળે રહેતો માનવી અને આસફાલ્ટ રોડ પર ટાંટીયા ઘસતો રહેતો મનુષ્ય સાવ અલગ અલગ જ જણાવાના. પ્રકૃતીથી દુર જવામાં કોઈ સાર આપણે કાઢી શકવાનાં નથી, જોજે, નીખીલ.   આપણે દુ:ખી – બહુ દુ:ખી થઈ જવા માટે ઉત્સાહથી ક્યાંક અગોચર તરફ, અનીષ્ટ તરફ જઈ રહ્યાં છીએ.

થાય છે કે હવે કોઈ ગામડે જઈને બેસી જઈએ. આમેય હવેની સરકારોને શહેરીકરણથી બચીને ગામડાંઓને યાદ કરવાનું સુઝ્યું તો છે જ ! આપણેય ક્યાંક કોઈ ગામડું ખોળીને  પલાંઠી વાળી લઈએ એવું બહુ મન થાય છે.

પણ આપણા ગ્રહો [ ને ક્યાંય કદાચ આગ્રહોય ] કામ કરતાં હશે તો ?!! એનેય પુછવું તો પડશે જ ને ???!

તમે શું કહો છો અખીલમ્ ?
સર્વ મંગલકામના સાથે, ક્ષમાની પ્રકૃતીવંદના.

                                 —===000===—