તમારી કુંડળીમાં કયા ગ્રહો-આગ્રહો પડ્યા છે, ક્ષમાજી ?!

**********************************************************************************
મંગલમય આકાશમાં શીતળ શીતળ ચાંદલીયો.
–જુગલકીશોર.
**********************************************************************************
સ્નેહલ ક્ષમા,

તારો પત્ર મળ્યાને ઘણો સમય વીતી ગયો. જવાબવાનું શક્ય જ નહોતું. હુંય બબ્બે મરણોને સાવ નજીકથી જોઈ આવ્યો. બંને અત્યંત વૃદ્ધત્વ સાથે પનારો પાડનારાં હતાં. પણ આજે એની વાત કરવી નથી.

વચ્ચે ચુંટણીઓય આવીને જતી રહી. લોકશાહીને નામે જે કાંઈ જોયું -સાંભળ્યું એણે પણ ખાસ્સો સમય માંગી લીધો, મનના સમાધાન માટે. આજકાલમાં હવે એનાં પરીણામોય પ્રગટશે ત્યારે વળી બધું ડહોળાયું ડહોળાયું થઈ રહેશે…

પણ આજકાલ આકાશમાં જોવા મળી ગયેલો મંગળનો ગ્રહ મારા અસ્તીત્વને ઝણઝણાવી ગયો. આટલો સાવ નજીક આવીને એ, ધરતીના પુત્ર તરીકે આપણો સગ્ગો ભાઈ, આપણી બાજુમાં આવી ગયો એટલે એનો રોમાંચ પણ માણી લીધો. આકાશ આખું એના અસ્તીત્વથી શોભી ઉઠ્યું લાગ્યું મને તો. એને હંમેશાં અ-મંગળ તરીકે જ જોવા ટેવાયલાં સૌ પ્રારબ્ધવાદીઓને લપડાક મારી દે એવું એનું વ્યક્તીત્વ મને ગમી ગયું. અહીંની વેધશાળામાં જઈને જોવા મન થયું ન થયું ત્યાં તો ટીવીવાળાંઓએ એનાં સરસ દર્શન પણ કરાવીને મને મજો કરાવી દીધો.

આ આકાશ કેવી અદ્ભુત ચીજ છે ! અબજો સુર્યમાળાઓને પોતાના ઉદરમાં સંઘરીને બેઠેલું આ આકાશ આમ તો સાવ નીંભર લાગે નહીં ક્ષમા ! બધ્ધું જ બધ્ધું હજમ કરી જવાની ઉદર-ક્ષમતા ધરાવતું આ આકાશ પણ આપણે માટે તો, ક્ષમા સાવ હાથવગું હોય છે ! આપણે એને એ રીતે જોવા ટેવાયલાં નથી, બાકી કાકાસાહેબ કાલેલકરે જેલની કોટડીમાંથી એને નીરખી નીરખીને જે વર્ણવ્યું છે એનો જોટો ગુજરાતી સાહીત્યમાં જડતો નથી. એ આકાશના એક ટુકડાના દર્શન કરવા જેલની કોટડીમાં આઘા-પાછા ને ઉંચા-નીચા થતા એમને કલ્પીને હું તો  એમનો દીવાનો થઈ ગયો. ત્યાર પછી આવું આકાશદર્શન ક્યાંય કોઈએ કરાવ્યાનું સાંભળ્યું નથી. મને આકાશગામી કંઈક અંશેય કરવામાં એમનાં પુસ્તકો ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ વગેરેનો બહુ મોટો ફાળો છે. એમાંય ‘દેવોનું કાવ્ય’ નામક એક લેખ તો કાકાસાહેબના પરીચય માટેનો મહત્વનો લેખ છે. તને યાદ છે ને આપણે સાથે બેસીને એ લેખોને પીધા હતા !

આજકાલ આકાશે ચન્દ્ર વીલસી રહ્યો છે. પુનમ નજીકમાં જ છે. શીયાળાની શીતળતાને એકદમ વધારી મુકતા આ ચન્દ્રભાઈ, આમ તો આપણા મામા, આખી રાત માથા ઉપર ઝળુંબી રહે છે. જ્યારે પણ ઉંઘ ઉડી જાય ત્યારે ઓશરીમાં બહાર નીકળીને એને હલો કહી લઉં. મધ્યરાત્રીએ મારા સીવાય એને હલ્લો કહેવાવાળું કોઈ ન હોય એટલે એય એકદમ રાજી થઈને મને એકાદ કીસ ગાલ ઉપર મોકલી આપે. અમે બે જ આ વાત જાણીએ.

મને તો ક્ષણીક એમને કહેવાનુંય મન થઈ જાય, કે મામા, એક બીજી છોડી પણ છે, મારા ગામથી ઓતરાદી; એનેય એકાદી  બચી ભરી આપોને ! પણ ક્ષમા, તારા એવા નસીબ ક્યાંથી ?! તું તો એ..યને મઝાની રજાઈમાં ઢબુરાઈને કોને ખબર કેવાંય સ્વપ્નોમાં રાચતી હઈશ ! તારા નસીબમાં આવો શીતળ શીતળ ચાંદલીયો ક્યાંથી હોય ! હું તો શીયાળાની હીમ જેવી કાતીલ રાતમાંય મામાને નીરખતો નીરખતો અનીર્વચનીય એવી અનુભુતીમાં ખોવાઈ-ઢબુરાઈ જાઉં…

લો કરો વાત, ક્ષમાજી ! આજે તો આમ જ બસ આકાશી સફર થઈ ગઈ. મંગળના ગ્રહે મને આ મંગળમય કાર્ય કરાવ્યું. મારા માટે કન્યાનું માગું લઈને કોઈ દીકરીનો બાપ ભવીષ્યમાં પુછશે, કે ભાઈ તમારે જન્મકુંડળીમાં શની-મંગળ છે ? તો હું તો કહીશ કે હાજી, હું માંગલીક જ છું !! મંગળના આજકાલનાં દર્શને હું તો મંગલમ્ મંગલમ્ જ છું !

તમારી કુંડળીયે, ક્ષમાજી, કયા ગ્રહો-આગ્રહો રહેલા છે, કહેશો જરા ?!!
લી. નીખીલમ્, અને [તમારા સાન્નીધ્ય થકી સદા] અખીલમ્.

નીખીલે કર્યો 'સમસંવેદન'નો સાક્ષાત્કાર !

 યુવાનને બચાવીને એણે અંતરનાં ઉંડાણો તાગ્યાં !!

ક્ષમા દેવી !  

ક્ષમા દેવી ના દેવી તે તો તમારા હાથની વાત છે. પણ તમારા ગયા પત્રમાં તમે વરસાવેલા ઉપાલંભોના જવાબ દેવાની મારી ફરજ ગણીને તમને આ લખી રહ્યો છું, સમજ્યાં દેવી ક્ષમા ! 

 વરસાદમાં હું અને મારાં પુસ્તકો પલળ્યાં એનાથી તને દુ:ખ થયાનું તારા પત્રમાંથી ટપકે છે. આટલું એકાત્મ્ય દર્શાવીને તેં મને એટલો ભારેખમ બનાવી દીધો હતો કે હું જવાબ આપવામાં પાછળ રહી ગયો. કેટલીય વાર તો જવાબ જ ન દેવાનો વીચાર આવ્યો, પણ એ તો ઉલટાનું ચોર સીપાઈને દંડે એવી વાત થઈ જાય ! અને તો તો પછી આવનારો હવે પછીનો તારો પત્ર તો કેવો ય હોય, કોણ કહી શકે ?! 

ક્ષમા, આ દીવસોની જ ફક્ત વાત નથી. આપણે થોડાં પાછળ જવું પડશે, જ્યારે મેં વતન છોડીને ભણવા શહેરનો વસવાટ કર્યો. એ વખતે તો આપણી ઓળખાણ પણ નહીં. હું સાવ ગામડીયા જેવો હતો. ગામડું મેં આકંઠ પીધું છે. એનાથી દુર અહીં શહેરમાં હું મને સાવ જુદો જ અનુભવી રહ્યો હતો. ગામડાંનું પ્રાકૃતીક સૌંદર્ય જ નહીં પરંતુ બધ્ધું જ જાણે મારા મનને ખાલીપાનો અનુભવ કરાવતું હતું. હું સાવ નીચોવાઈ ગયેલા જેવો રહેતો હતો. હોસ્ટેલના દોસ્તો મન મનાવવા પુરતા ગમતા પણ હું તો ક્યાંયનોય ન રહ્યો હોઉં એમ જ રહેતો.  

એવામાં એક દીવસ મને એક મીલ મજુરના દીકરાનો ભેટો થઈ ગયો. હું હોસ્ટેલથી કોલેજ જતો હતો.મને એ અમારી સીડીના પગથીએ મળ્યો. એ ઉપર તરફ જતો હતો. પણ મને કોણ જાણે કેમ પણ એના ચહેરા પર અને ચાલ પર શંકા ગઈ. ક્યારેય એને મેં અહીં જોયેલો નહીં. પહેલાં તો એને જવા દીધો, પણ એકદમ મને થયું કંઈક ન સમજાય એવી વાત જરુર છે. એટલે અંતર રાખીને હું એની પાછળ ગયો. એ તો છેક પાંચમાં માળે પહોંચ્યો ! ત્યાંથી હવે તો ધાબું જ આવતું હતું ! ચોરી કરવા બાબત તો મને શંકા આવી જ નહોતી ! વળી ધાબા પર તો એવી કોઈ ચીજ પણ ક્યાંથી હોય ? હું વીચારમાં પડી ગયો. ધીમે ધીમે જોયું તો એ જાણે અત્યંત ગભરાયેલો લાગ્યો. એકદમ એ દોડ્યો અને હું કાંઈ વીચારું એ પહેલાં તો એ ટાંકી ઉપર ચડવા મથતો જણાયો !  મને એકદમ ઝબકારો થઈ ગયો ! હુંય દોડ્યા વગર ન રહી શક્યો; એને પકડી લીધો, ખેંચીને નીચે પછાડ્યો. એ તત્ક્ષણ રડવા લાગ્યો…. 

ક્ષમા ! તું કલ્પી પણ નહીં શકે, એ જુવાનીયો આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો !  

મારા શ્વાસોચ્છ્વાસ એકદમ વધી ગયા ! હૈયું તો શું થડકારા મારે, જાણે હું જ આત્મહત્યા કરતાં બચી ગયો ના હોઉં !! માંડ માંડ એને હું રુમ ઉપર લઈ ગયો. બધા કોલેજે ગયા હતા, એટલું સારું હતું. પુછ્યું તો ત્રણ દીવસનો ભુખ્યો ! ખાનામાં ઘણો નાસ્તો હતો; ઘેરથી હમણાં જ આવેલો. એણે જે રીતે નાસ્તો ખાધો; શું ઝાપટ્યો છે ! હું સાવ ઢીલો પડી ગયો. ભુખ મેં તે દીવસે ભાળી. એ ખાતો જાય એમ એમ મારું પેટ જાણે ઓડકાર લેતું હોય એટલી આત્મીયતા હું અનુભવતો રહ્યો. કયા ભવની આ લેણાદેણી હશે કોને ખબર, પણ તે દીવસના જેવી અનુકંપા ક્યારેય અનુભવી નહોતી. 

 પછીની વાત તો આટલી જ; એના બાપની મીલ બંધ થઈ ગયા પછી આખા ઘરનાંએ બધા જ પ્રયત્નો કરી જોયા હતા રોજી માટે. કોઈ રીતે છેડા મળતા નહોતા. બધું જ લગભગ વેચાઈ ગયું હતું. સારું હતું કે કુટુંબ નીયોજન કર્યું હતું એટલે સંખ્યા વધુ નહોતી. પણ હતાં તે સૌ અત્યંત પ્રામાણીક અને મહેનતુ ! અને એટલે જ નીરાશા ઘેરી વળી હતી. સાચાનું શું કોઈ નહીં ? આ પ્રશ્નનો માર્યો આ છોકરડો કુટુંબની ચીંતા કર્યા વગર વધારાની ચીંતા ઉમેરવા જઈ રહ્યો હતો.  

હું એને લગભગ ભેટીને ક્યાંય સુધી બેસી રહ્યો. એની ભીંસ મને એના મનના ઉંડાણમાં ખેંચતી ગઈ. હું જાણે પરકાયા પ્રવેશ કરી ચુક્યો હતો. હું એનાથી હવે અલગ જ નહોતો !! કેવી હતી એ અનુભુતી ?! અમે બે શરીરો એક આત્માનાં અડધીયાં હોઈએ એમ ક્યાંય સુધી વળગ્યાં રહ્યાં. મનુભાઈ દર્શક જેને અવારનવાર ‘સમસંવેદન’ કહે છે, એનો જાણે સાક્ષાત્કાર થયો. આટલા દુ:ખની વેદનાની વચ્ચે મને દીવ્ય અનુભુતી થતી ના હોય એવું થયાં કર્યું…. 

છેવટે હું એને સીધો જ એનાં માવતર કને લઈ ગયો. કોઈને કશો ખ્યાલ આવ્યો નહોતો. સારું કર્યું. હું એક ઓળખીતા તરીકે ગયો હતો જાણે. મેં ધીમે રહીને એના બાપુને કહ્યું કે તમને વાંધો ન હોય તો આને ગામડે લઈ જઉં ? ત્યાં મારાં માવતરને ટેકાની જરુર છે. ટેકાની તો વાત જ ઉપજાવી કાઢેલી. સૌ ગાંડાં થઈને મને જોઈ જ રહ્યાં, જાણે હું કોઈ ફીરસ્તો !!  

ત્રીજે દીવસે એને ગામડે મારે ઘેર મુકી આવ્યો. ત્યાં કોઈ ખોટ નહોતી. બાપુજીને વાત સમજાઈ ગઈ હતી. એમને તો દીકરો આવુંય કરી શકે છે એનો પારાવાર આનંદ થયો. ઘેર એક બીજો નીખીલ આવ્યો હોય તેમ સ્વીકારી લીધો હતો.  

પણ ક્ષમા ! આ વાર્તા એ મારે મન બહુ મોટી વાત ન હતી અને આજે પણ નથી. જે મહત્વની વાત છે તે તો પેલું સમસંવેદન ! એના હૈયાની ભીંસ જે અનુભવી હતી તેણે મને જાણે નવો અવતાર આપી દીધો. હું શહેરની ગરીબી જોઈ શકતો નહોતો. હોસ્ટેલમાં જાણે હું જાહોજલાલી કરતો હતો. મને હું સમાજથી અલગ અને કંઈક અંશે ગુનેગાર લાગતો હતો ! આવું વીચારવું ન જોઈએ પણ શું કરું મારી પારદર્શીતા મને એમ જ કરાવીને છોડે છે !!  

છેવટે મેં નીર્ણય લઈ લીધો. મેં હોસ્ટેલ છોડીને શરુમાં મીલની ચાલીમાં જ એક ઓરડી રાખીને વસવાટ કર્યો. હું જાણે નવેસરથી મને મળ્યો. આજે વરસતા વરસાદમાં પડોશીનાં છોકરાંને બચાવવામાં મને વધુ મઝા આવે છે. એમની સાથેના વસવાટની વાતો તો ખુટે એમ નથી….

હું અહીં મઝામાં છું, ક્ષમા ! મારી ચીંતા જરાય કરીશ નહીં. ગાદલું તો શું હું સમગ્રતયા પલળેલો, તરબોળ છું.

 છતાં, તારા પત્રનો ખાસ આભાર માન્યા વગર નહીં જ રહું; એણે જ તો મને આ વાત કહેવા મજબુર કર્યોને ! લખજે; ઉપાલંભોય આપતી જ રહેજે. એનાથી પણ કેથાર્સીસ થતું રહે છે ! આવજે.

–નીખીલ.

માળીયેથી નીતરેલાં પાણીના સ્નેહપાશે નાહ્યો નીખીલ !

સેવાભાવી ક્ષમા,

તારો પત્ર મળ્યો ત્યારે હું એક નવા જ કાર્યક્ષેત્રે વ્યસ્ત અને ત્રસ્ત હતો ! તને કહીશ તો તુંય એકબાજુ હસવાનું અને બીજી બાજુ મારી દયા ખાવાનું શરુ કરી દઈશ.

બન્યું એવું કે મારા ભાડાના મકાનમાં ગઈકાલના તોફાની વરસાદે તોફાન મચાવી દીધેલું. રાતે ‘કોઈ’ને યાદ કરતો કરતો સુઈ ગયો ને એવી મજાની ઘાટા કસુંબા જેવી ઉંઘ આવી ગઈ કે કંઈ જ ખબર ન રહી અને ટપકતી છતનું પાણી મારા એકના એક -સાત ખોટના-માળીયામાં પ્રવેશેલું. એક જ રુમની સગવડવાળાને માળીયું કેવું કીમતી હોય છે તેની તમને અનેક ઓરડાળા મકાનવાળાંને ખબર નૉ પડે. માળીયાનાં પાણીએ પછી તો દીવાલને જ નીસરણી બનાવીને મારા રુમને પોતાનો નીવાસ બનાવવા ધાર્યું !

મારું ગાદલું (પલંગ તો શું ખાટલોય ખરીદાવાને હજી વાર છે) રુમની વચ્ચોવચ હોય એટલે માળીયેથી પ્રવેશેલાં પાણી પોતાનો સ્નેહપાશ ફેલાવીને મારી પથારીને વળગી રહ્યાં !  અલબત્ત, એની જાણ મને કરવામાં ગાદલાએ જરા વધુપડતી વાર કરી ! તેથી થયું એવું કે (ગાદલાને વરસાદી જલથી લથબથ થવાના ઑરતા જાગ્યા હશેને)તે એણે પ્રથમ સંપુર્ણ સ્નાન વીધી પતાવીને પછી જ પોતાની ખુશી વ્યક્ત કરતી જાણ મને કરી !!! હું આટલી ઘેરી રાતે સ્નાનલાભ લેવા જરાય તૈયાર નહોતો તેથી વરસાદને (વખાણવાને બદલે)વખોડવા બેઠો. મકાન માલીકનેય એકાદ-બે હળવી શબ્દાવલીથી  મનમાં ને મનમાં નવાજ્યો…

માંડ સવાર પડી. ત્યાં સુધીમાં તો મેં મારાં પુસ્તકો વગેરેને ઠેકાણે પાડ્યાં હતાં. ચા બનાવવાના તો સૉં જ નહોતાં. પછી થયું કે લાવ મકાન માલીકને ત્યાં જઈ ફરીયાદ જેવી જાણ તો કરી આવું. ગુસ્સો તો હતો જ. પણ જેવો એના રુમમાં પ્રવેશ્યો કે દૃષ્ય જોઈને મારો બધો જ ગુસ્સો એ ‘વરસાદી’ પાણીમાં ધોવાઈ ગયો ! બચાડો જીવ એક સાંધો ત્યાં તેર તુટે એવી હાલતમાં હતો. ફરીયાદ તો ફરી યાદ જ ન આવી. ઉલટાંનો હું જ એમને મદદ કરવા લાગી ગયો !

વરસાદની આવી પણ લીલા હોય છે એનો અનુભવ કરતાં કરતાં આખો દીવસ પસાર કર્યો. તારે ઘેર તું તો બારીમાં બેસીને આકાશેથી વરસી રહેલી સાક્ષાત્ કવીતાને માણતી હઈશ એવો ઈર્ષાળુ વીચાર પણ વારંવાર ગાયન-વાદનની  માફક ‘સમ’ પર આવતો રહ્યો. 

તમે ગામડે જઈને સેવાકાર્ય કરી આવ્યાં તે જાણીને મધર ટેરેસા યાદ આવી ગયાં. મઝાકમાં નથી કહેતો, પણ આજે કોઈ ગામડામાં રહેવા તો શું એની વાત સાંભળવા તૈયાર નથી ત્યાં તું કામવાળી બાઈના કહેવા માત્રથી એના અંગત પ્રશ્નમાં ભાગ પણ લઈ આવી !!  તને ધન્યવાદ આપીને હું ‘વડીલ’બની જવા માગતો નથી ! (વડીલ થવાથી તો મને કોઈ છોકરી પણ નહીં આપે)પણ મારો અભ્યાસ કહે છે કે આજે શીક્ષણની સદંતર નીષ્ફળતાએ આપણાં યુવાનોને એક એવી ગર્તામાં ધકેલી દીધાં છે કે જો એને સમજવામાં નહીં આવે તો તે જ એક મોટો વીસ્ફોટ સર્જી મુકશે. આ કોઈ રાજકીય દૃષ્ટીકોણથી કહેવાયેલી વાત નથી, સમજી ! ( ચુંટણીઓ -રાજ્યની અને કેન્દ્રની પણ- હવે સંભળાઈ રહી છે. આપના સેવાકાર્યને વટાવવું હોય તો કહેજો, પાછાં !)

તેં મારા વરસાદી શબ્દને ‘વરસાદગી’માં રુપાંતરીત કરીને ‘વીશેષણ’ને સરસ ‘નામ’માં ફેરવી આપ્યું તે ગમ્યું. આમ જ ભાષા નવા નવા શબ્દોને મેળવીને સંઘરતી થાય છે. તને અને તારી ભાષાશક્તીને (ભક્તીને પણ)સલામ.

આજે તો આટલુ જ. તારા પત્રની રાહ તો રહેશે જ. સદ્ભાગીઓને જ પ્રાપ્ત એવી વાંછટ વીનાની બારીએથી લખાયેલા એ પત્રની વાંછા સાથે, સ્નેહથી લથબથ નીખીલ. 


 

વન-વેલીના સંબંધે લગ્ન (!) ની વાત છેડતો નીખીલ !

–જુગલકીશોર.

વૃક્ષઘેલી ક્ષમા !

તારો વૃક્ષપ્રેમ મને સાવ જુદા જ સંદર્ભ સાથે વળગી ગયો. તારો પત્ર મને જે રીતે મળ્યો એમાં તારો વૃક્ષપ્રેમ અને તારી વર્ષાપ્રીતી પણ પ્રગટતી હતી. તું જાણીશ ત્યારે તને પણ નવાઈ અને મઝા મઝા થઈ પડશે….!

બન્યું એવું કે હું કોઈના નહીં ને તારી વનસ્પતીપ્રીતીના વીચારોમાં મગ્ન હતો. મનમાં સતત એક બાજુ બળી ગયેલા સામેના ઝાડની દાઝેલી સ્મૃતી હતી અને બીજી બાજુ તારા વનસ્પતીપ્રેમની રટણા હતી. બંનેમાં કોમન ફેક્ટર વરસાદ હતો. ‘જે પોષતું તે મારતું’ એ કલાપીની પંક્તીય મનમાં એક આંટો મારી ગયેલી…આ એ જ વરસાદ છે જે વનસ્પતીને જીવન આપે છે ને ક્યારેક આખા ઝાડને ભસ્મ કરી દે છે….

પણ આજે એ જ વરસાદ તારા પત્રને લઈને આવ્યો ! ( કે પછી તારો પત્ર વરસાદને લઈને આવ્યો ?! તું જ નક્કી કરજે.) હજી તો બારણું ખોલવાના વીચારને અમલમાં મુકું ન મુકું ત્યાં તો અધખુલું રહેલું બારણું પોતે જ આપોઆપ હવાના એક ઝોંકે ખુલી ગયું. ભીની માટીની ગંધ લઈને આવેલી પવનની એ ઝાપટને પંપાળું ન પંપાળું ત્યાં તો એ જ ઝરમરમાં ભીંજાવાથી દુ:ખી દુ:ખી થઈ ગયેલો પોસ્ટમેન આવતો નજરે ચડ્યો. એને ટપાલો પલળવાની ચીંતા હશે પણ મને તો એના હાથમાં રહેલા પરબીડીયામાં કંઈ કેટલુંય દેખાઈને ઉકલી પણ ગયું !! તારા સીવાય કોઈ પત્ર હવે આવતો નથી એટલે સાક્ષાત્ તારો પ્રવેશ આમ નાટકીય ઢબે ને કાવ્યમય રીતે થયો જાણીને મેં સામે ચાલીને પોસ્ટમેનને અંદર બોલાવી લીધો. ચા નો સમય થયો નહોતો પણ આવા ઝરમરીયા વરસાદી વાતાવરણમાં મસાલાવાળી ચા અને તેય પાછી આવા શુકનીયાળ ટપાલીની સાથે પીવાની મઝા જતી કરું એમાનો હું નહીં ! પરાણે એમને રોકીને ચા બનાવી અને સબડકા બોલાવતાં બોલાવતાં ટૅસથી પીધી ! ટૅસડો પડી ગયો, પત્ર વાંચ્યા વગર !!

આજે વાતાવરણ જ જુદું જણાતું હતું. આકાશની અઢાર અક્ષૌહીણી સેના લઈને તુટી પડેલી ગરમીએ જીવનને જાણે અસ્તવ્યસ્ત કરી મુક્યું હતું. ત્યાર બાદ વરસાદ આવવાનો થયો ત્યારેય પોતે પડવાને બદલે વીજળીરુપે પડ્યો, ને મારા અસ્તીત્વના મુંગા સાક્ષી એવા વૃક્ષને જ ઉખાડી ગયો હતો. આ વર્ષે મને એમ કે વરસાદ નહીં સદે કે શું ?….

પણ આજના નવી જ ભાતના વાતાવરણે મને સવારથી જ ખુશખુશાલ રાખ્યો હતો. તારા પત્રની આટલી જડપી પધરામણી થવાની કોઈ આશા પણ નહોતી. છતાં કશુંક સારું સારું, ગમતું ગમતું થવાથવાની આશા-ઝંખના જાગીજાગી ગઈ હતી. ને એમ જ બસ, વરસાદી ઝોંકાની સાથે, જાતે જ બારણું ઉઘાડીને તારો પત્ર આવ્યો….

નર-નારી, પુરુષ-સ્ત્રી, વૃક્ષ-વેલી વગેરે જેવાં દ્વંદ્વોવાળી તારી વાતો વાંચી. આપણે વૃક્ષો હોઈએ તો કેવું ? એવીય વૃત્તી થઈ આવી ! હું વૃક્ષ અને તું વેલી એવી કલ્પનાય આવી ગઈ. આપણે જીવનભર એકબીજાંને સહારે વળગેલાં રહીને જીવન વીતાવતાં હોઈએ એવાં દૃષ્યોય દેખાઈ ગયાં !

પણ આ નવા વરસાદી વાતાવરણે મને એવી કોઈ દુન્યવી ને ક્ષુલ્લક વાતોમાં રોકાવા ન દીધો.

મને તો થયું કે આ નર-નારીના ભેદો ફક્ત સ્થુળતા તરફ જ લઈ જનારા છે.માણસ એનું પરમ સુખ પૈસામાં,પરણવામાં ને પરીવાર બનાવીને પરવારી જવામાં જ ગણે છે. આ નરનારીના ભેદો એ ‘દ્વૈત’ની એક અત્યંત સ્થુળ કક્ષા છે. એની પેલે પાર જ્યાં આવા ભેદો નથી ત્યાં વૃક્ષ અને વેલી નહીં હોય. વૃક્ષોમાં જે વહે છે તે જીવનતત્ત્વ આ ભેદની પરે છે.સુર્યપ્રકાશ અને ઓક્સીજનના સંયોજનથી થતી આ જીવનલીલાને સમજવાનો આપણી પાસે સમય જ ક્યાં છે !..

…નહીં તો જમીનમાંથી કેશાકર્ષણ દ્વારા તોતીંગ વૃક્ષની ટગલી ટોચે પહોંચી જતાં ખાતરપાણી; ‘વી ફોર વીક્ટરી’ની નીશાની કરતાં હોય એવાં જમીનને ફોડીને બહાર નીકળતા અંકુરો; તાજાં પાંદડાં અને સુર્યકીરણોની આંખમીચોલી; ખેડુતના પરસેવા અને મહોરેલી મંજરીઓની સુવાસનાં મધુરાં સંમીશ્રણો; વનસ્પતીમાં થતાં ફલીનીકરણો; લગભગ બધી જ વનસ્પતીઓના માથા ઉપર છુટક કે વેણીની માફક ઝળુંબી રહેતાં ફુલો……

આ બધું શું ‘નરનારી’ના કે વૃક્ષ-વેલીના દ્વૈતની સાથે સરખામણી કરવા લાયક લાગે છે ?!  આપણે આ ભેદથી ઉપર ઉઠી શકીએ ખરાં ? જ્યાં જુઓ ત્યાં  સ્થુળ ને સુક્ષ્મની આ લીલા આપણને મુળ તત્ત્વથી અળગાં જ કરી મુકે છે. અલબત્ત, મારું કહેવાનું એવું તો નથી જ કે આ ભેદ મીટાવી દેવા ! દ્વૈત પણ એક નવા જન્મનું કારણ બની શકે છે સંલગ્ન થઈને.

લગ્ન. કેવો અર્થસભર શબ્દ છે ! બેનું જોડાવું એટલે સંલગ્નતા. આપણે એક સ્ત્રી અને એક પુરુષને નવા જીવનના સર્જન માટે જોડવાની ક્રીયા-પ્રક્રીયાને જ નામ આપી દીધું લગ્ન !! આ જોડાણને જ “અદ્વૈત” શબ્દનું પવીત્ર માન આપી દઈએ તો ?!! લગ્નજીવન કેવું મઝાનું બનીને મહોરી ઉઠે !…..

વૃક્ષને વેલીની તારી વાત, જો, મને ક્યાંથી ક્યાં લગણ (સુધી)ખેંચી લાવી !! પણ આજે આટલું બસ. તારી વૃક્ષપ્રીતીને સલામ અને તારા તરફથી મળેલી બળેલા ઝાડ માટેની સંવેદના બદલ આભાર.

તારા સુંદર અક્ષરોથી મંડીત પત્ર વડે કૉળી ઉઠેલાં મારાં ભાવપત્રો-પર્ણોની મર્મર સાથે,
તારો વરસાદી નીખીલ.

સગ્ગા ઝાડ ઉપર વીજળી પડી :નીખીલનો પત્ર.

Published June 27th, 2007 Comments Edit

ક્ષમા !

તને આજે સંસ્કૃત શબ્દકોશમાં શોધીને ઓળખવા મથ્યો ! તું ક્ષમા રુપે ‘નામ’  છે, જેના અર્થો થાય છે માફી અને પૃથ્વી. પણ ‘ક્ષમ’ રુપે તું વીશેષણ છે !! તને લગતાં વીશેષણોમાં ક્ષમાશીલ, સહનશીલ, સમર્થ, શક્તીમાન,અનુકુળ, યોગ્ય, લાયક વગેરે જોતાં તારા ગુણોનો પાર નથી. તું ગુણોનો ભંડાર છે બાપ ! તારી વાત થાય નહીં.

તને થશે, આજે કેમ આમ આવડો આ વાંહે પડ્યો છે ? પણ તેં તારા છેલ્લા પત્રમાં મને મારા નામના અર્થો બતાવીને પછી જે બ્રહ્માંડની સફર કરાવી તે હજીય મુસાફરીનો થાક ઉતર્યો નથી ! આખું બ્રહ્માંડ બતાવીને પછી તેં ગ્રીષ્મ ઋતુને મેં દીધેલી ગાળો બદલ મારો ઉધડો લીધો એનીય અસર આ મુસાફરી ભેગી ગણી લેવી. ટુંકમાં હું તો તારા પત્રને જવાબવા માટે ય ટેં થઈને બેસી ગયેલો….

પણ છેલ્લે તેં લખેલી પંક્તી કોઈ ભવીષ્યવેત્તાની સફળ આગાહી જેવી બની રહી એટલે સ્ફુર્તીનો પાર ન રહ્યો, ઘડીકમાં જ !! અને તેથી જ આ પત્ર લખવા ઉત્સાહભર્યો બની શક્યો/ગયો.

તારા પત્રમાંના બ્રહ્માંડની મુસાફરીએ હું હતો ત્યાં જાણે ઈન્દ્રના કોઈ વજ્રશો કડાકો થયો ! હું હજી વજ્રની કલ્પનમાંથી અને એણે લગાડેલી બીકમાંથી ફાજલ થાઉં થાઉં ત્યાં તો બીજો કડાકો એનેય આંટે એવો થયો. આ વખતે ઈન્દ્ર  હાંભર્યા નહીં કારણ કે બીજા કડાકા વખતે હું ઈન્દ્રલોકની સીમમાં નો’તો પણ નક્કર ધરતી પરના મારા પોતાના દસ્તાવેજી પુરાવાવાળા મકાનમાં બેઠો હતો.  બીજો કડાકો મારા કાન પાસેથી બુલેટની કરતાં ક્યાંય વધુ વેગે નીકળીને, હું હજી કાન તપાસવા હાથ ત્યાં લઈ જઉં એ પહેલાં તો સામેના ઝાડ ઉપર એની અઢાર અક્ષૌહીણી તાકાતથી તુટી પડ્યો !! હું કશું જ સમજી શક્યો નહીં. એક બાજુ મારા કાન પાસે મારો હાથ હજી પહોંચે પહોંચે ત્યાં બીજી બાજુ સામેનું ઝાડ કઈ રીતે, ક્યારે ને કેમ ભડકે બળી ગયું સમજાયું નહીં ! એક ઝાડ જેવું ઝાડ, દાયકાઓથી એક પગે જમીન પર તપસ્યા કરીને  પોતાનું અસ્તીત્વ દુનીયામાં સ્થાપીત કરી ચુક્યું હતું તેને મારી આંખ સામે (ને કાનની સાક્ષીએ ! )પળવારમાં નષ્ટ-નામશેષ બની જતાં જોઈ જ રહ્યો !

મારી મુસાફરી દરમીયાન બ્રહ્માંડના કોઈ ચાર રસ્તે કે ગલીમાં કે કોઈ દેવોના પ્લોટમાં કે ક્યાંય કે’તાં ક્યાંય આવું જોણું થયું નો’તું. આ તો નરી ધરતીનું જ (ન)જોવાલાયક દૃષ્ય હતું. હજીય એ કડાકા અને એ ઝાડ અને બ્રહ્માંડની મુસાફરી અને તારો પત્ર અને મારો કાન અને અને અને હંધુંય એવું ને એવું તરોતાજા ને જડબેસલાક ફીટ થઈ ગયું છે, આ નીખીલભૈના મન-મગજમાં.

તેં છેલ્લી લીટીમાં લખ્યું હતું કે વરસાદ હવે આવું આવું જ થઈ રહ્યો છે. ને પાછી એક ટાંકેય મારી હતી કે મારો આ પત્ર તો આવી જ ગયો ને ?!

અરે ડાહીમા, (તેં મને ગાંડાલાલ કહ્યો હતો ને !) તારો પત્ર તો મળ્યો, મળ્યો ને મળ્યો ( આ ઈની પોંચ હમજી લેવાની ) પણ ઈ ટપાલે જ તો રામાયણ કરીને…..! કડાકા ટાણે હું ઈનું જ રીડણ/વાચીંગ કરતો’તો ને મારા કાનમાં કહેતો’કને કડાકો હામેના ઝાડે ગયેલો. પછી તો ટપાલ એક બાજુ ને કાન ને ઝાડવું બીજી બાજુ. ઝાડ તો બળીને ખાખ થઈ ગયું પણ…

પણ જવા દે એ વાત. મારું તો સાત ખોટનું ઝાડવું ગયું. એ મારા સૌથી નજીકના સગા કરતાંય વધુ સગું હતું. આજે એ નથી, ને જાણે મારા બધા જ દોસ્તો નથી.

તારો અપવાદ, હો ભઈ. તને દોસ્તોમાં નથી ગણતો ને એટલે.

 

દોસ્તોમાં તારી ગણના નથી કરતો તો પછી તને કયા ડીવીઝનમાં મુકી છે એ પાછી પુછતી નહીં, હા. (મને એનો જવાબ-કદાચ-નહીં આવડે !!)

 

વર્ષા અને ગ્રીષ્મની પાછળ ડી લગાડીને નામો બગાડવા બદલ તારો ઠપકો વાંચ્યો…હું ય પણ તને ક્ષમાડી કહી શકું. જો કે એ કાંય બહુ ભળતું નથી. ક્ષમ્ અલી, ક્ષમલી કહી શકું ?!

 

જો, આ તને પત્ર લખ્યો કે નૈ ? એમાં મારો હંધોય થાક ઉતરી ગયો. હમણાં જ  મેં  થોડા કાઠીયાવાડી ગાંઠીયા ખાધેલા એટલે સૌરાષ્ટ્ર હાંભરી આવ્યું ને તને લખતાં ઈ વતનની બોલીય આંયકણે આ ટપાલે ઉતરી આવી. તને નૉ ગમે તો પાશી મેકલી દેજે.

‘ડાહી’નો ઘોડો ખડ ખાતો, પાણી પીતો, છુટીયો…..!

લી. નીખીલભાઈના દંડવત પરણામ, ડાહીમા !