રાજકારણમાં તટસ્થતા ?!

– જુગલકીશોર

 

માનનીય નેતાજી,

તમે ભલે કહ્યું કે સક્રીય રાજકારણની તમારી તટસ્થતા બીજા રાજકારણીઓ જેવી નથી….પરંતુ રાજકારણ નામની ભુમી જ એવી છે જ્યાં તટસ્થતા, શુદ્ધી, મૌલીકતા વગેરે શબ્દો સાવ બોદા રહે છે.

તું ગમે તેટલો તટસ્થ રહેવા પ્રયત્ન કરે ભલે, પરંતુ આજના રાજકારણમાં તે ભાગ્યે જ શક્ય છે. તું બધાં જ પક્ષોની ખામીઓનો અભ્યાસ કરીને પછી એક નવો ચીલો પાડવાનું જો વીચારતો હોય તો તે મોંઘા ભાવની ખાંડ ખાવા જેવું જ છે. હકીકતે દરેક પક્ષમાં રહેલી સારપને શોધવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ એક પક્ષની સારપની તતુડી બીજા પક્ષોના ગંદવાડના ઢોલનગારામાં ક્યાંય ઢંકાઈ જાય છે.

ચુંટણીઓ તો આવતી જ રહેવાની છે. થોડા સમયથી જ ડંકા પડવા શરુ થઈ ગયા છે. પડઘમ વાગવા લાગ્યા છે. ને જેમણે ઝંપલાવવાનું છે તેઓ તો ક્યારના “બધી જ તૈયારીઓ” સાથે કુદી પડ્યા છે. જે કોઈ લાગતાંવળગતાંઓને સોંપવા જેવાં કામો હતાં તે સોંપાઈ ગયાં હશે. સૌ કોઈ પોતાને ભાગે આવેલા કાર્યક્રમોમાં “નક્કી થયેલી” નીષ્ઠાથી ખરડાઈ ચુક્યા હશે !! વહેંચણી વગેરે તો ક્યારનું થઈ જ ગયું હશે…

તમે લોકો ખરેખર બહુ મોડા પડ્યા છો.

મને જો તારા કાર્યક્રમોની જવાબદારી સોંપવાનો હો તો બંધ રાખજે કારણ કે અમે ગામડે રહેતાં મીત્રોએ તો કામગીરી શરુ પણ કરી દીધી છે !!

આવનારી ચુંટણી માટે અમારા સોએક મહીલામીત્રોએ દરેકે અમુક ગામડાં સ્વીકારી લીધાં છે ને અમે તો સભાઓ ભરવાનું ચાલુ પણ કરી દીધું છે. અમારું લક્ષ્ય બહુ મોટું નથી. પણ અમારા સર્કલની બધી જ બહેનો પોતાનાં સગાંવહાલાં જ્યાં જ્યાં રહેતાં હોય ત્યાં ત્યાં જઈને એક પત્રીકા પહોંચાડશે એટલું જ નહીં પણ એમાં મુકાયેલા ગામના સવાલો રજુ કરશે. કયા પક્ષે કેટલું કામ નથી કર્યું – એટલે કે કોણે કેટલાં વચન નથી પાળ્યાં તે સમજાવશે…..

ત્યાર બાદ બાકી રહેલાં કામો કરવા માટે ગામનું એક યુવાનોનું મંડળ સક્રીય થઈને ગામલોકોનું મોટું જુથ બનાવવા મથશે. તાલુકા કક્ષાએ જે ઉમેદવાર કામ કરશે તેવું લાગશે તેમની પાસેથી બાંયધરી લેશે. ને એમને જ મતો આપશે…..

આટલું કર્યાં પછી પણ જો ચુંટાયેલોં કામ નહીં કરે તો કદાચ અસહકાર જેવા કાર્યક્રમો દ્વારા અમે બીજા કાર્યક્રમો આપીશું. આટલાથી જ એક વીચાર જાગશે તેવી આશા છે. એ બહાને કેટલાંક રચનાત્મક કામો ચુંટણી પછી, રાજકીય માણસોની મદદ વીના કરવાનું વીચાર્યું છે…..

અત્યારે તો આ બધું હવાઈ કલ્પના જેવું લાગે છે પણ ક્યારેક તો કામ શરુ કરવું જ પડશે. બાકી દર વખતે  રાજકારણીઓ વચનો આપીને ફરી જાય અને કોઈ ને કોઈ લાલચમાં ફસાઈને દગો દઈ દે તેવું હવેથી અમારાં ગામોમાં ન જ બને તે અમારું લક્ષ્ય છે…..

ખબર નથી, આગળ શું થશે. પરંતુ આટલાં વરસો પછી પણ આઝાદી કે આબાદીથી દુર ને દુર રહ્યાં છીએ તેના જવાબો તો માગવા જ પડશે.

તારા જવાબની આશા સાથે –

  • ક્ષમાની સનેહયાદ.

રાજકારણમાં પડવાનું રહેવા દેજે, નીખીલ !

– જુગલકીશોર.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

સ્નેહી નીખીલ,

ઘણા સમય પછી આ લખવા બેઠી છું. પણ લખવું અ–નીવાર્ય બની રહે તેવા સમાચાર જાણ્યા એટલે ન રહેવાયું !

તારા નીર્ણયો અંગે મારે ભાગ્યે જ કશું કહેવાનું રહ્યું છે. આપણી મૈત્રી પણ આ જ મુદ્દા ઉપર થઈ છે અને ટકી છે. આપણા બન્નેના નીર્ણયો હંમેશાં એકબીજાંને અનુકુળ જ રહ્યા છે ને રહેવાનાય છે એમાં શી શંકા ?

પરંતુ તારો આ છેલ્લો નીર્ણય –

હા, છેલ્લે તેં નક્કી કર્યા મુજબ તું રાજકારણમાં સક્રીય થવાનો છે તે જાણીને પહેલાં તો મને જાણે દીવસે સપનું આવ્યું હોય તેવું લાગ્યું ! પરંતુ બાપુજીના ફોનને આધારે આ વાતની ગંભીરતા સહેજે સમજાઈ અને એટલે જ વીના વીલંબે આ પત્ર !

રાજકારણ એ આમ જોવા જઈએ તો સક્રીયતાનો જ વીષય છે. જે લોકો રાજ કરવા માગે છે તેમણે લોકોનો મત લેવા બાબતે સક્રીય થવું જ પડે તો એ જ રીતે દેશના સામાન્યમાં સામાન્ય માણસે પણ, ભલે મતદાન કરવા પુરતું હોય, છતાં સક્રીય તો થવું (ને રહેવું) જ પડે…..ને એ દૃષ્ટીએ તો હુંય સક્રીય હોઉં જ ને છું જ. પરંતુ મતદાતા તરીકેની સક્રીયતા એક બાબત છે ને રાજકીય પક્ષોમાં ભળી જઈને સક્રીય થવું તે બીજી બાબત છે. તારી સક્રીયતા જે મેં જાણી તે આ બીજા પ્રકારની છે ને એટલે જ આ લાંબો પત્ર લખવા બેસી ગઈ છું.

તું જે પક્ષે ભળવા ધારે છે તેમાં તારી ભુમીકા શી હશે વારુ ? તું ચુંટાઈને નેતા બને તે વાતમાં તો માલ જ નથી ! તે તારા સ્વભાવમાં તો નથી જ બલકે તેમાં તારી આવડત પણ હોય તે બાબતે હું શંકાશીલ છું !! તો પછી તારું પક્ષીય રાજકારણમાં જોડાવાનું લક્ષ્ય શું હોઈ શકે ? તું શું કોઈ પણ પક્ષનો પ્રચાર કરી શકીશ ખરો ? આજના રાજકીય પક્ષોમાં કોઈનો પણ પ્રચાર કરવા જેવો તને લાગ્યો છે ? મારે તો તને તું કયા પક્ષે જોડાવા ધારે છે તેય પુછવું નથી ! કયો પક્ષ તારા વીચાર ને આજ સુધીના તારા આચાર સાથે બંધ બેસશે ? મને તો સમજાતું નથી ! આજે એવી કોઈ રાજકીય જગ્યા છે ખરી જ્યાં પલોંઠી વાળીને બેસી શકાય ?

અલબત્ત કેટલાક લોકો મથે છે, રાજકારણમાં શુદ્ધીનાં સપનાં સેવતાં સેવતાં. એ લોકો બહુ મોટી લઘુમતીમાં છે. કહું કે નગણ્ય લઘુમતીમાં ! એમનો કોઈ ભાવ પણ પુછતું નથી ને છતાં એ લોકો મથી રહ્યાં છે, ને મથશે પણ ખરાં…..પરંતુ આવા લોકોને થઈ રહેલી હેરાનગતી તો તું જાણતો જ હઈશ. નવો ચીલો ચાતરીને કોઈ પક્ષ જીતે છે તો પણ એમને બેસાડી દેવામાં ને એમને નીષ્ક્રીય કરી દેવાના પેંતરામાં કશું બાકી નથી રાખતા એ લોકો કે જેમને રાજકારણ એક વ્યવસાય માત્ર છે !

તું કોનો પ્રચાર કરીશ ?! તું કયા મુદ્દા પર સાથ આપીને એમને માટે આગળ આવીશ ? એમનો કયો ભુતકાળ તને પ્રેરણા આપશે ? વર્તમાનની તો વાત જ કરવાની નથી ત્યારે –

કેટલાંક સેવાકાર્યોના જોરે ને કેટલાંક વચનોની લાલચે ને બીજા પક્ષોની બદબોઈના માધ્યમે કરીને જે લોકો જીતવા માગે છે તેમાં મારાતારા જેવાની કામગીરી ક્યાંય પણ મૅચીંગ થશે શું ?!

ચુંટણીઓના પડઘમ વાગી જ રહ્યા છે ત્યારે તને જોમ ચડી જાય તે સમજી શકું છું પરંતુ એ જોમ ને જોશનો માર્યો તું હોશ પણ ગુમાવી બેસે તેવી શક્યતા જોતી હું તને આમ પત્ર લખીને અટકાવું કે નાહીંમત કરું તો એને એક મીત્રની ફરજનો ભાગ ગણીને ક્ષમા આપજે ! બાકી તો –

સસ્નેહ, સાપેક્ષા,

– ક્ષમા.

ફુટપાથ પર કણસતું–કકળતું ચોમાસું.

 ક્ષમાનો નીખીલને પત્ર  (૧૩મો)                                                                                                 – જુગલકીશોર.

 

નીખીલ,

આ વર્ષા એનાં કેટકેટલાં રુપો લઈને આવે છે ! આકાશી ગડગડાટ એ એનો છડીપોકાર હોય છે, તો ભીની માટીની સુગંધ એ પ્રથમ વર્ષાના પ્રાગટ્યનો મહિમા સૌને વહેંચતી ધરતીનો ફોરમપુરસ્કાર હોય છે.

વર્ષાનાં અનેક રુપ અનેક વ્યક્તીને મન નોખુંનોખું મહત્ત્વ ધરાવનારાં હોય છે.

કોઈ શાપીતને અષાઢના પ્રથમ દીવસે સ્વર્ગમાં રહેલી પ્રીયતમાને સંદેશો મોકલવા ખુદ મેઘને ટપાલી બનાવી દેવા પ્રેરી દે છે તો કોઈને થનગનાટ કરીને ટહુકવા મજબુર બનાવી દે છે. કોઈને ખેતરોમાં ઝુલી રહેનારી વાનસ્પતીક સમૃદ્ધીનું ખાતમુહુર્ત કરવા બળદોને ધુંસરીમાં નાખવા ઉત્સાહીત કરી મુકે છે તો કોઈને બારીમાં બેસીને ભીંજાયા વગર ભીની કવીતા રચવા ખણ ઉપાડી દે છે.

સૌને આ વર્ષાનો અવસર હમણાં જ વીદાય પામેલી કાળઝાળ ગરમીમાંથી રાહત આપીને આવી રહેલા સમયને વધાવવા તત્પર કરી મુકે છે ત્યારે –

ત્યારે, એનાથી આંદોલીત થઈ જવાને બદલે આ વર્ષા, મારા વીસ્તારમાં સડકને કાંઠેકાંઠે વસેલાં શ્રમજીવીઓના વીચારોમાં ડુબાડી દે છે. ફુટપાથ પર ઠંડીમાં થરથરતાં ને ગરમીમાં ભુંજાતાં આ ફુટપાથવાસીઓ ગમેતેમ કરીને ટકી જાય છે પણ ચોમાસું આવતાં જ, પહેલી જ વર્ષાનાં અમીછાંટણાંમાં યમીત્રાસણાંનો અનુભવ કરવા લાગે છે.

એમની ઘરવખરીમાં કહેવાતું પાથરણું હોય છે ને કેટલુંક વાસણકુસણ. ક્યાંકથી માગીભીખી લાવેલું પ્લાસ્ટીક આ ઘરવખરીને ઢાંકવાનું ભગીરથકાર્ય કરે છે. દીવસ તો મજુરીમાં નીકળી જાય છે. નાનાં કુમળાં (?) બાળકો પણ સાથે હોવાથી કોન્ટ્રાક્ટરની ભલમનસાઈથી આછીપાતળી આડશે સચવાઈ રહે છે……પણ,

પણ રાત પડે છે, ને જો કોઈ આશરો આપનારું ન મળ્યું હોય તો રાત શી રીતે કાઢતાં હશે તેના વીચારમાં મારી ઉંઘ ક્યારેક તો આંસુની વર્ષાથી ઉડી જાય છે. વર્ષાનો મહીમા આ લોકોને માટે કોઈ મહીમા હોતો નથી.

નીખીલ, સરકારો ને મ્યુનીસીપાલીટીઓ પોતાના જ આ વસાહતીઓને આશરો પણ ન આપી શકે તો તેમને સત્તા પર રહેવાનો અધીકાર શી રીતે હોઈ શકે ? (મારા આ વાક્યને રાજકીય નીવેદન ન ગણીશ, પ્લીઝ. મને રાજકારણી નીવેદનો વાંચવાંય ગમતાં નથી ત્યાં વળી લખવાની તો વાત જ શી ? પણ મારું મન મને આ વેદના પ્રગટાવવા નીમીત્તે આવું લખવા મજબુર કરી મુકે છે.)

આ વરસાદી ભેજ, આ બાળી મુકનારો તડકો ને ઠુઠરાવી દેતી ઠંડીમાં ઉછરતાં બાળકો આગળ ઉપર મોટાં થઈને સામાજીક વ્યવસ્થા વીશે શું શું નહીં વીચારે ? પોતાની સાવ નજીકથી જ પસાર થઈ જતી મોટરોમાં બેઠેલાં માણસોના જેવાં જ હાથપગ ને ખાસ તો પેટ પોતાને હોવાનું જાણતાં એ લોકો આપણી સાથે કેવીકેવી સરખામણી કરી લેતાં હશે ?!

ફુટપાથ પર જ જન્મીને ઉછરતાં આ બાળકો, આ કીશોરોનું યૌવન કેવું હોઈ શકે ?! એને શું ખરેખર યૌવન કહી શકીશું આપણે ? ન કરે નારાયણ ને જો તેઓ આ દોઝખમાંથી નીકળીને ફુટપાથ છોડવાને લાયક બની ગયાં, તો આપણે તેમની પાસેથી કેવીકેવી સારી અપેક્ષાઓ રાખીશું–શકીશું ?

એકાદ નાના શહેરમાં વપરાય તેટલી વીજળી પોતાના આકાશગામી એક બંગલામાં વાપરી નાખનારો મનુષ્ય બે ટંક ભોજન પણ સરળતાથી ન પામી શકનારા આ સડકધામી લોકો વચ્ચે કેટલું મોટું અંતર ધરાવે છે ! આ અંતરને માપવા માટે કોઈ ગજ, કોઈ સમાજ પાસે હશે શું ? આ બે પ્રકારના મનુષ્યો વચ્ચેનું સામાજીક અંતર ઘટાડવા માટે આપણી પાસે કોઈ ધર્મ પણ બચ્યો નથી તે કેવી વીડંબના છે !

નીખીલ, વર્ષાનાં વધામણાં ગાનારાંઓને વર્ષા મુબારક. તને, આ પત્ર મુબારક. હું તો આ દીવસોમાં ફુટપાથ ઉપર પાંગરી રહેલાં જીવનને ન જોઈ શકવાથી શાક લેવા માટેય બહાર જવા સંકોચાઉં છું….પણ આવી આ હું મને સંકોચ મુબારક કરી શકું તેમ નથી.

ક્યારેક પત્ર લખજે.

– ક્ષમાની સ્નેહભીની યાદ.

નીખીલને ક્ષમા તરફથી જન્મદીનની કાવ્ય-ભેટ !

સ્નેહીજન !

 આપને આજે મુબારકબાદી રુપે એક કાવ્ય મોકલું છું.

આજ સવારથી ચારચાર જ્ઞાનેન્દ્રીયે મને જાણે ઈંગીત પર ઈંગીત આપીને કહી જ દીધું હતું કે આજે કશુંક અદ્વીતીય છે !

જન્મદીનના સ્નેહસભર અભીનંદન સાથે, મને પ્રાપ્ત થયેલો ચતુરેન્દ્રીય આનંદ તને અર્પણ કરું છું.  

प्राप्त थयेला  चतुरेन्द्रीय आनंदनो वीनीयोग !

આજ અચાનક
પુર્વ દીશાનો સુર્ય
સામટાં
રંગ રંગનાં પુષ્પ
વેરતો દીઠો.

પવન લ્હેરખી
હળવે હળવે
-અંગ અંગને સ્પર્શે એવું-
કંઈક કાનમાં
કહી ગઈ.

પારીજાતની
ડાળ ડાળથી
ખરતી, ઝરતી
શ્વેત-કેસરી ગંધ
ઘ્રાણમાં
પ્રાણ ભરી ગઈ.

એક સામટાં
આટઆટલાં
ઈંગીત
-રોમે રોમ સ્પર્શતાં-
ભીતર-બાહર
છલકાવી દે.

મલકાવી દે –
પ્રગટાવીને રહસ્ય
છુપું –
‘આજ કોઈના જન્મદીવસ’નું !!

ચાર દીશાથી
ચતુરેન્દ્રીયને 
પ્રાપ્ત થયો આનંદ
સામટો –
કહી શકું ના,
સહી શકું ના.
ગ્રહી શકું; સંગ્રહી શકું ના 
એકલ –
એને
પત્રમ્,
પુષ્પમ્,
ફલમ્ સ્વરુપે
કરું તને, લે
અર્પણ !
—==00==—

ચપટી મીઠામાં ગાંધીએ અણુશક્તી ભરી દીધી !!

નીખીલ,

 

હજી હમણાં જ ગાંધીજીનો જન્મ દીવસ, જેને રેંટીયા બારસ તરીકે મનાવાય છે, ગયો. પણ દર વર્ષે આ દીવસની આજુબાજુ જ અંગ્રેજી મહીના ઓક્ટોબરની ૨જી તારીખ પણ આવે જ ! આ ટુંકા સમયગાળામાં આપણા રાષ્ટ્રપીતા બહુ યાદ આવ્યા કરે છે ! (આખું વરસ તો યાદ કરવાના દીવસો જ રહ્યા નથી જાણે )

 

રેંટીયા બારસે મને માળીયેથી રેંટીયો ઉતારીને, સાફ કરીને કાંતવાની ઈચ્છા થઈ આવી. મારા બાપુજી નીયમીત તે કાંતતાં. અમનેય એમણે શીખવેલું. અમે કાંતતાં કાંતતાં એમને બાપુ વીષે પુછ્યા કરીએ. તેઓ શાંત ચીત્તે અમને જવાબો આપતા રહે. બહુ ઝાઝી વાત કરે નહીં પણ એમની આંખમાં એક અદ્ભુત ભાવ નીતરતો જોવા મળે !! મારી મમ્મી કહ્યા વીના ન રહે કે તમારા બાપુજીને ગાંધીજીના સવાલો પુછો એટલે એમને તો ઘી ને ગોળ !! હવે એમની વાતોને અટકાવવાનું મુશ્કેલ. જમવાનો સમય થઈ જશે પણ એમની વાતો નહીં ખુટે.

 

મને બરાબર યાદ છે નીખીલ, તેઓ કાંતવા બેસે ત્યારે એવું લાગે જાણે કોઈ ધાર્મીક માણસ અનુષ્ઠાન કરવા બેઠો ન હોય ! સમગ્ર ચેતના જાણે રેંટીયાનાં ચક્રોની ગતી ને ત્રાંકની અણીએથી સતત વહેતી રહેતી સુતરના તારની ગંગામાં સમાઈ જતી ! મારા પીતાજીનું આ દૃષ્ય મારા જીવનનું આદર્શ ચીત્ર છે.

 

સમય જતાં જેમ જેમ માંદગી વધતી ગઈ તેમ તેમ એમને રેંટીયાથી છુટવું પડ્યું. આજે આટલાં વર્ષો પછી પણ એમની ગાંધીભક્તી યથાવત્ છે. એમના જ આ વ્યક્તીત્વે અમને સૌને અન્યથી અલગ કર્યાં છે. પડોશમાં ઘણી વાર અમારો પરીચય ‘વેદીયા’ શબ્દથી અપાતો. અમને સૌ વેદીયા કહેતાં ! ધીમે ધીમે સમાજમાં એમની સેવાઓ જાણીતી થતી ગઈ. અમે અહીં રહેવા આવ્યાંને ૩૦ વર્ષથીય વધુ સમય ગયો. આરંભના એ વેદીયા પણ આજના સર્વમાન્ય મારા બાપુજીના જીવનની મારા પર બહુ મોટી અસર. કાંઈક પણ ખોટું થતું લાગે, ક્યાંક પણ કોઈ ખોટા આકર્ષણે મન રઘવાયું થઈ જાય ત્યારે તેઓનું રેંટીયો કાંતતા હોય તે દૃષ્ય સામે આવી જાય ને ખોટે રસ્તેથી બચાવી જાય.

 

આપણે બન્ને મળ્યાં ત્યારે મીત્રતાની જે ઘનીષ્ટતા એકદમ ઉભી થઈ ગઈ તેમાં તારા વ્યક્તીત્વે મોટો ભાગ ભજવ્યો છે. તું ખાદી ન હતો પહેરતો પણ તોય તારામાં અમારા ઘરનાં સૌને રસ પડ્યો હતો એમાં બાપુજીની પારખુ નજર કારણભુત ગણાય….

 

આ ૨જી ઓક્ટોબરે અમે ગાંધીજીના કોઈ એક પુસ્તકનું થોડું વાચન કરીને પછી મુ. નારાયણભાઈ દેસાઈની ગાંધીકથાની ડીવીડી જોઈશું. તેં એ જોઈ નથી. એમની કથામાં તું ગયો હતો તે વાત તેં કહી હતી. પણ તારી ઈચ્છા હોય તો આવતું અઠવાડીયું તું અહીં મારે ગામ રહેવા આવી જા. મમ્મીએ ખાસ આગ્રહ કરીને લખાવ્યું છે. આ ગાંધી પારાયણ આ વર્ષે અમારા સૌ માટે એક ઉત્સવ બની રહેશે.

 

ગાંધીજીની વીદાયને ૬૦ વર્ષ વીતી ગયાં ! આપણા બે માંથી કોઈએ એમને જોયા નથી. આ દેશ કેટલો જલદી એમને ભુલી ગયો ?!! કેવી તપસ્યા એમણે કરી, આપણા માટે ! કેવાં કેવાં આશ્ચર્યો સર્જ્યાં એમણે આ વીશ્વમાં ?! ચપટી મીઠામાંય કેવી અણુશક્તી એમણે ભરી આપી ?!! સત્યની ઉપાસનાનો એમણે સદુપયોગ કરીને આપણને તો સ્વતંત્રતા અપાવી પણ એ ઉપાસનાને એમણે પોતાના માટે જે અર્થમાં ઘટાવી તે તો પોતાના આત્માના વીકાસ માટે !!! વાણીયો, આવડી મોટી સત્તાને હલબલાવી નાંખીને પછી પણ આપણને સૌને ચમત્કારના જાળાંથી બચવા માટે કેવું કહી ગયો ?! હું તો આ મારા પોતાના મોક્ષ માટે કરું છું !!

 

આવો માણસ બીજો ક્યાંય, ક્યારેય જન્મશે ખરો ???

 

આવજે.

–ક્ષમા.