अथ श्री प्रोफेसर कथायाम् नवदशोध्याय ।

                                                                                          – જુગલકીશોર.

જમતાં જમતાં પેટની ખાલી જગ્યામાં જે જે પદાર્થો ઉમેરાતા જાય તેઓ બધા(પદાર્થો) સંપીને જમનારને માટે એક પરમ સંતોષનું કારણ આપે છે. કેટલાક દેશોમાં દરરોજ સાંજનું ભોજન કલાક–દોઢ કલાકનો ભવ્ય કાર્યક્રમ ગણાય છે. બપોરનું ભોજન નોકરી ધંધાની લ્હાયમાં લુશલુશ ખાઈ લેવાનું નીમીત્તરુપ હોય છે. પણ સાંજના વાળુની તો વાત જ જુદી હોય છે !

પ્રોફેસરને ઘેર પણ સાંજનું વાળુ અવનવા કાર્યક્રમોનું નીમીત્ત બનીને ઘરને એક નવું પરીમાણ આપી દેનારું બની રહે છે. ગઈ કાલે આ ડાઈનીંગ ‘ટેબલ’ પર વચેટ પુત્રના લગભગ બાયકોટ કક્ષાના પ્રસ્થાન તથા સૌની પ્રીય “દુર–દર્શક–ડબલા–શ્રેણી” કહે તો, ટીવીની સીરીયલને કારણે કુટુંબકથાશ્રેણીનો એક એપીસોડ ‘વધુ આવતા હપતે’ની બ્રેક બની ગયો હતો. આજે સાંજે મોટા ભાગના સભ્યોને તો ગઈ કાલવાળી અધુરી વાત યાદ પણ નહીં હોય એવું જણાતું હતું. પીરસનારીઓ બન્ને પોતાની ફરજ ‘પતાવી દઈ’ને કંઈક અંશે વહેલી પરવારી જવાના મુડમાં પોતપોતાનાં ભાણાંમાં પડી જ જવામાં હતી.

પરંતુ આજે સૌને નવાઈ લાગે એટલી હદે સૌથી સમયસર આવી જનારા પ્રોફેસર હજી દર્શાયા નહોતા ! સૌથી સમયસર હોવાનું એમનું ગૌરવ આજે જાણે કે ઝંખવાતું હોય તેમ સૌ એમની આવવાની દીશા તરફ વારેવારે નજર નાંખી લેતાં હતાં. સાવ અનીયમીત અને પ્રોફેસરના પેંગડામાં પોતાનો પગ ફસાવ્યા કરતો નાનો પણ આજે તો વહેલો ગણાઈ ગયો. છેવટે તેણીશ્રીથી ન રહેવાયું એટલે સીરીયલોમાં આવતા કર્કશ સંગીતશો ઘાંટો પાડીને એમણે પ્રોફેસરને બરક્યા, “માસ્તર ! હવે ક્યાં હુધી રાહ જોવડાવશો ? આંય થાળીયું હંધી ઠરી ગૈ !”

“બસ, આ આવ્યો”ના પ્રતીસાદની વાંસેવાંસે જ પ્રોફેસરને પણ પ્રગટ થતા સૌએ જોયા ! એક ક્ષણ તો સોપો પડી ગયો. નાની દીકરીયુંય ચુપ. ‘તેણીશ્રી’નું તો મોં જ ફાટેલું રહી ગયું…જાણે હમણાં જ ઉચ્ચારેલા ‘માસ્તર’ શબ્દને પાછો ગળી જવાનો ન હોય ! મોટા પુત્રના મોં પર સંતોષ, નાનાના મોં પર આશ્ચર્ય, વહુઓનાં મોં પર ખુશખુશાલી ને છોડીયું તો તાળી પાડવાની મુદ્રાઓમાં ! પ્રોફેસરને ટેબલ તરફ આવતાં જોઈને વચેટ પુત્ર ઉભો થઈ ગયો. અને…

તેણીશ્રી તો સામે જઈને પ્રોફેસરની બાજુમાં જ ગોઠવાઈ જઈને ટેબલ તરફ ચાલ્યાં, જાણે સાથે ફોટો નૉ ખેંચાવવાનો હોય !!

હા, પ્રોફેસરના મોડા પડવાનું કારણ એ હતું કે તેઓને નવા ઝભ્ભામાં વીંટળાઈને આવતાં વાર લાગી હતી ! નવો ઝભ્ભો પહેરવાનું કોઈ તહેવારી કારણ તો આજે હતું જ નહીં; વળી સાંજના વાળુમાં તો આવો કોઈ શણગાર કરવાનો રીવાજ પણ નથી. ને છતાંય –

આજે પ્રોફેસર નવા ઝભ્ભા સાથે જમવાના સ્થાને પ્રગટ્યા હતા. ઉભો થઈ ગયેલો વચેટ પુત્ર પોતાના દ્વારા ભેટ અપાયેલા ઝભ્ભાને આમ અ–કારણ ધારણ કરાયેલો જોઈને કંઈક મુંઝવણમાં હતો. મોટો પુત્ર અને માતુશ્રી તો પ્રોફેસરની મનની વાત સમજી જઈને આનંદમાં હતાં. પ્રોફેસરે કશું કહ્યા કે ચર્ચ્યા વગર પાછલી ચર્ચાઓનો જવાબ આમ ઝભ્ભો પહેરીને વાળી દીધો હતો. તેણીશ્રીએ કંઈક પસ્તાવાના ભાવથી કહ્યું, “જોવો તમારા બાપાએ મારી વાતને ફગાવી દઈને આ વચેટની ભાવનાને કેવી સ્વીકારી લીધી !! ગમે તેમ તૉય માસ્તર ને ! કશું કીધા વગર એમણે મળેલી ભેટનું માન પોતાને ભેટ નૉતી ગમતી તૉય કેવું જાળવ્યું !”

થાળીઓ તો ક્યારની પીરસાયેલી જ હતી. ભુખ પણ સૌની ચાર્જાઈ ગઈ હતી. વચ્ચે આ દૃષ્ય આવી ગયું એટલે થોડી મોડાઈ છતાં પ્રોફેસરના આવા આગમને આજના ભોજનને રસભરપુર બનાવી દીધું. નાની વહુને તો પોતાના ધણીની ભેટ આમ સ્વીકારાઈને અરઘાઈ ગૈ એનો હરખ હતો જ, છતાં જમવાના ટેબલને બોલકું કરી દેતી એક ટીખળ કર્યા વગર એનાથી નૉ રૅવાયું –

“દીયરજી, તમને હવે આ ઝભો નૈ મળે ! પપ્પાને ગમી ગયો છે. પણ હું તમારા ભાઈને કહીશ, તમતમારે નવો ઝભો તમને અપાવશે હોં ! નીરાશ થયા વગરના જમી લ્યો.”

દીયરે ભાભીને થેંક્યુ જેવું કશુંક ગણગણીને મઝલે ભૈયાને અભીનંદન આપ્યા ને હવે કમસે કમ એકાદ વરસ તો સામાજીક સમારંભોમાં પપ્પા વટ પાડશે એવી જાહેરાતેય કરી દીધી.

જમવાનો જ કહેવાય તેવો અવાજ વાતાવરણમાં પ્રસરી ગયો. ‘ટેબલ’ પર ચમચીઓ ને દાળના ડોયા વગેરેના ખખડવાના અવાજ સીવાય લગભગ બધી શાંતી પ્રસરતી થઈ ન થઈ ત્યાં પ્રોફેસરે એક નવો રૅકર્ડ બ્રેક કર્યો. એમને પુછવામાં ન આવે ત્યાં સુધી ન બોલનારા પ્રોફેસરે આજે સામેથી આરંભ કરીને જમતી વખતે કેવળ કૉળીયા અને તેની ચર્વણક્રીયા પર જ કેન્દ્રીત રહેવાના સ્વભાવને એક કોર ખસેડી મુક્યો.

“ભાવપુર્વક અપાયેલી ચીજનું આગવું માહાત્મ્ય હોય છે. આપનારનો ભાવ, અર્પીત થયેલી વસ્તુ અને જેમને તે અપાઈ છે તે વ્યક્તીનો સ્વીકાર એ બધું જ આ ‘ભેટ’ શબ્દથી ઓળખાતા વ્યવહારમાં એકબીજાંને ભેટે છે ! આ ભેટવું જો ન બની શકે તો ભેટનો અર્થ માર્યો જાય છે. ભેટ આપનાર, ભેટ મેળવનાર અને ભેટમાં મુકાયેલી ચીજ સુદ્ધાં ઝંખવાઈ જાય છે……”

“તૉ પછી એણે તમને ઝભો આપ્યો ત્યારે તમારો ચેરો મને કેમ બગડેલો લાગ્યો ?” તેણીશ્રીએ પોતાની પ્રામાણીક ‘અમુંઝણ’ વચ્ચે નાખી.

“તમને જે ‘લાગ્યું’ હતું તે જરાય ખોટું નહોતું. મારો ચહેરો બગડ્યો હતો એમાં શંકાને સ્થાન જ નથી. પરંતુ મેં કાલે જણાવ્યું હતું તેમ મને એની બીનજરુરીયાત જણાઈ હતી. એની કીંમત તો ઘણી વધુ હતી જ, ને એટલે મારું મન એને ન સ્વીરતું વીવશતા અનુભવી ગયેલું.”

“પણ પપ્પા, આવી બાબતમાં વળી વીવશતા કેવી ? ભાવથી આપ્યું છે તો સ્વીકારી લેવાનું.”  મોટાએ પોતાની વ્યાવહારીક સમજણ આગળ કરી.

“વીવશતા બહુ સુક્ષ્મ બાબત છે…” પ્રોફેસર હવે લગભગ ક્લાસરુમમાં જઈ પહોંચ્યા હતા ! આજે ઘણા દીવસે સૌને વ્યાખ્યાન–લાભપ્રાપ્તીયોગ થતો જણાયો.

“કુદરતી હોનારતોમાં આપણે ફસાઈ જઈએ છીએ ત્યારે એક પ્રકારની વીવશતા અનુભવાય છે. આનો કોઈ ઉપાય લગભગ હોતો નથી. ક્યારેક કોઈ અનીષ્ટતત્ત્વ પછી તે મનુષ્ય હોય કે પ્રાણી જ્યારે આપણા પર આઘાત કરે કે કોઈ જાતનો અન્યાય કરે ત્યારે – પશુપ્રાણીનો હેતુ ભલે દ્વેષયુક્ત ન હોય – આપણી બીજા પ્રકારની વીવશતા સામે આવે છે.

“વળી, કેટલીક વાર આપણી પરીચીત કે આપણી પોતાની ગણાતી વ્યક્તી આપણી સામે, ઉપવાસ જેવાં સાધનો/માર્ગો અપનાવે ત્યારે તે ત્રાગું બની જઈને આપણને ત્રીજા પ્રકારે વીવશ બનાવી દે છે. આ ત્રણે પ્રકારની વીવશતામાં આપણું ધાર્યું થતું નથી. ત્રાગું કરવામાં આવે છે ત્યારે એમાંનો ભાવ શુદ્ધ હોતો નથી. એટલે એ વખતની વીવશતા પણ આગળના પ્રકારમાં જ જાય છે….”

“પણ તો પછી ગાંધીજીના ઉપવાસને કે અણ્ણાજીના ઉપવાસને ત્રાગું કહેવાય ?!” વચેટ પુત્રમાં રહેલો થોડોઘણો રાજકારણીય રસ જાગૃત થયો.

“ગાંધીજીના મોટા ભાગના ઉપવાસ પોતાની કે પોતાના માણસોની ભુલોના પ્રાયશ્ચીત માટે થયા હતા. એને ત્રાગું ન કહેવાય. અમદાવાદના મીલકામદારોની હડતાલવેળાના એમના ઉપવાસ કોઈ કામદારે કહેલા શબ્દોને કારણે થયા હતા. ‘બાપુને તો ક્યાં મીલ બંધ થઈ છે તે પગાર બંધ થાય ! આપણે તો પગાર વીના ઘરનાંને ભુખ્યાં જ રાખવાનાં ને !!’ આવું કોઈએ કહેલું એટલે બાપુને એમાં પોતાના માણસોને સમજ અને શક્તી આપવામાં પોતે ઉણા પડ્યા તેનો પસ્તાવો થયેલો. એટલે એ ઉપવાસ સહાનુભુતીમાં પ્રગટ થયા હતા. પરંતુ એ જ ઉપવાસને કારણે મીલના શેઠીયાઓને સમાધાન માટે વીવશ થવું પડેલું એટલે સુક્ષ્મરૂપે એને ત્રાગું કહેવાનું મન જરુ થાય.”

“પણ તો પછી તમને અપાયેલી ઝભ્ભાની ભેટમાં અનુભવાયેલી વીવશતાનો પ્રકાર કયો ?” નાનાએ સાવ સાચી ગંભીરતા સાથે સવાલ મુક્યો.

“આ પ્રસંગમાં રહેલી વીવશતા કદાચ સૌથી મોટી વીવશતા મને લાગે છે ! કારણ કે આવા પ્રસંગે ભેટ આપનાર પોતાનું જ માણસ હોય છે; એની દાનત સાવ શુદ્ધ અને કોઈ પણ સ્વાર્થ કે અનીષ્ટ હેતુ વગરની હોય છે. છતાં ભેટ સ્વીકારનારના પોતાના પણ કેટલાક વીચારો હોય છે. એમના કેટલાક સીદ્ધાંતો હોય છે. તમે અત્યંત ભાવપુર્વક એક વ્યક્તીને એવી ભેટ આપો જે સ્વીકારવાની એની તૈયારી ન હોય, એ સ્વીકારવામાં એમની કોઈ મજબુરી હોય તેવે સમયે પ્રેમપુર્વક અપાયેલી ભેટ પણ સામા માણસને વીવશ બનાવી મુકે છે…અને બન્ને પક્ષે ઘનીષ્ટ સંબંધ હોય ત્યારે એ વીવશતા બહુ વસમી બની જાય છે. વીવશતાનો આ પ્રકાર મારે મન ખરે જ અઘરો છે.”

“પણ તમારે તો આવો કોઈ સીધાંત નથી. કે નથી તમારે કોઈ બાધા. તો પછી કેમ ઝભામાં આવું થયું ?!” તેણીશ્રીએ તેઓશ્રીને બરાબરના પટમાં લીધા.

”એટલે તો આજે કોઈ પ્રસંગ ન હોવા છતાં હું એને પહેરીને આવ્યો ને !! તમે બધાંએ બધી ચર્ચાઓ કરી એમાં મને બોલવાની તક જ ક્યાં હતી ?! વાત વચ્ચે જ અટવાઈ જતાં હું લાચાર – ભુલ્યો, વીવશ હતો !”

“હશે હવે. જે થયું તે ખરું. ગમે તેમ પણ તમે છોકરાનું માન રાખ્યું ને આવો મોંઘોદાટ ઝભો…” મમ્મી કશું આગળ બોલે તે પહેલાં જ નાનાએ બાને ટકોરી, મમ્મી, તમે ઝભ્ભાને મોંઘો કહો ત્યાં સુધી તો ઠીક છે પણ મોંઘોદાટ, દાટ કહીને દાટ વાળી દો છો !! એ શબ્દને દાટી દ્યોને !” નાનાએ પોતાની શબ્દશક્તીને અહીં બીન જરુરી પ્રગટ કરી.

“અંગ્રેજીમાં પ્રેશ્યસ શબ્દ છે. મોંઘી વસ્તુ માટેનો બીજો શબ્દ છે ડીઅર !” મોટી વહુએ ચાન્સ લીધો.

“ડીયર એટલે હરણ !” મોટાની દીકરીને શાળા સાંભરી આવી.

“ડીયર, ડીયેર–દીયેર, દીયર !! લ્યો, કેવું ગોઠવાઈ ગયું ?!” વચેટ પુત્રનું વેપારી માનસ પણ શબ્દરમતે ચડી ગયું. પપ્પાની ભાવનાને, એમના વીચારોને ને એમણે આજે કરેલા ખુલાસાઓને માથે ચડાવીને એણે વચલો રસ્તો કાઢ્યો ને કહ્યું, “બા, હું મારી ભેટમાંથી આગ્રહ કાઢી નાખું છું. આજે પપ્પાએ એક વાર પૅરી લીધો એટલે મારું મન રહ્યું. એમના વીચારોની આડે આવવું નથી. કાલે આ ઝભ્ભો આ નાનકાને જ આપી દ્યો. આમેય એ એમના પેગડામાં જ ટાંગો નાખ્યા કરતો હોય છે. એય રાજી, પપ્પાય રાજી…ને…”

“ને….તમારે બીજા ઝભ્ભાનો ખર્ચેય બચ્યો એટલે હુંય રાજી !” નાની વહુએ આખી વાતને પુર્ણવીરામ મુકીને સૌના વાળુને સાચા અર્થમાં ‘મધુરેણ સમાપયેત’–ન્યાય આપી દીધો.

 

ઝભ્ભા–પ્રકરણનો પનો લાંબો થયો !

પ્રોફેસરના ઝભ્ભાની રામાયણ.                                           – જુગલકીશોર.

જમતાં જમતાં ‘વાત નીકળી’ એમ કહેવું તેના કરતાં ‘વાત કાઢી’ એમ કહીને વાતને ચર્ચાના ચોરે લાવવામાં આવી એમ કહેવું વધુ તાર્કીક ગણાશે. અહીં ચોરો એટલે ડાઈનીંગ ટેબલ એમ સમજવું રહ્યું જે હવે ઘણા સમયથી ધરાસ્થીત છે.

માતુશ્રીએ વચેટ પુત્રની પીતૃભક્તીને જાહેર કરવાના આશયથી (ને સાથે સાથે જ પતીશ્રીને પજવવાની તક પણ આપોઆપ સાંપડતી હોવાના યોગાયોગથી પણ) જમતાં જમતાં વાતને ખાલી થાળીમાં ભજીયું દડે એમ દોડવી મુકીઃ

‘તારા બાપા માટે તું મોંઘોદાટ રેશમી ઝભો લાવ્યો પણ એમને પસંદ પડ્યો લાગતો નથી. માસ્તર, તમે કાંઈ હરખ કર્યા વગર જ કેમ એને કબાટમાં ભરાવી દીધો ?’ તેણીશ્રીએ પ્રોફેસરને કોઈ પણ જાતની આગોતરી જાણ કર્યા વગર ગુગલી દડો ફંકીને જમનારાં સૌને પ્રેક્ષકો બનાવી દીધાં. (તાર્કીક રીતે તો શ્રોતાઓ જ કહેવાય પણ જમતાં જમતાં આ કુટુંબમાં ઘણી વાર દૃષ્યો પણ સર્જાતાં હોય છે એટલે જમનારાંને પ્રેક્ષકો કહેવામાં અતાર્કીકતા નથી)

હાથમાં લીધેલો કોળીયો પાછો મુકવાની જરુર જોયા વીના જ પ્રોફેસરે તેણીશ્રીના સવાલને હાથમાં આવેલી તક ગણીને, કોળીયો હાથમાં જ પકડી રાખીને જવાબ આપવાના કાર્યને અગ્રતા આપી. આટલી બધી ઉતાવળ પ્રોફેસરના સ્વભાવમાં નથી છતાં કોળીયાને હાથમાં પકડી રાખીને જવાબ આપવાની એમની ચેષ્ટા સૌના આશ્ચર્યની બાબત બની રહી. પ્રોફેસરને તો જોકે ઉતાવળનું કારણ જુદું જ હતું. તેણીના સવાલમાં રહેલી વાક્યરચના અને તેના અર્થમાં રહેલી લક્ષણાને આગળ કરીને એમણે કહ્યુઃ

‘એક તો તમે ઝભ્ભાને ‘ઝભો’ કહીને એનું મુલ્ય ઘટાડ્યું, આપણા પુત્રની મારે માટે કીંમતી ખરીદીની ભાવનાને પણ તમે ઓછપ આપી. ને વળી ઝભ્ભાને કબાટમાં ‘ભરાવી દેવા’ જેવું ક્રીયાપદ વાપરીને તો સાવ અવમુલ્યન જ કરી દીધું….’

‘પણ સર ! અહીં વાતનું તાત્પર્ય શબ્દો કે વાક્યરચના કરતાં મજલે ભૈયાએ આપેલી મોંઘી ભેટનું મહત્ત્વ વધુ હોઈ માતુશ્રીની બોલચાલની કાયમી ઢબને ક્ષમ્ય ગણવામાં આવે તે વાતનું મુલ્ય મારી નમ્ર માન્યતા મુજબ વધુ ગણવું રહ્યું !’ નાના પુત્રે જાણી જોઈને પીતાજીને સર કહીને ડાઈનીંગ ટેબલને ક્લાસરુમમાં લગભગ ફેરવી નાખ્યો. પીતાશ્રીને પણ હાથનો કોળીયો મુખગહ્વરમાં મુકવાની તક આપવાની સાથે સાથે પ્રોફેસરની અઘરી ભાષાના ચાળા પણ પાડવા ઉપરાંત માતુશ્રીની બોલીની જાડ્યતાનેય એણે પ્રગટ કરી દીધી.

મોટો જમવામાં હંમેશાં મશગુલ રહેનારો એટલે આજની ચર્ચાની રુખ પામી જતાં એણે નાનાને થોડી બ્રેક મારીને પીતાજીના ચાળા પાડવા સુધી જઈ ચુકેલા એને ટપાર્યોઃ

‘તું કશું બોલ્યા વગર કેવળ જમવામાં જ ધ્યાન આપે તો તારા આરોગ્યને અને અમારા સૌની શાંતીને ઘણો ફાયદો થશે. બાએ જે સવાલ પુછ્યો છે તેની વાત જમ્યા પછી પણ થઈ શકશે…’

‘રહેવા દે. એ ભલે બોલ્યો. પણ ઝભ્ભાનું, એમાં રહેલી આની (વચેટ પુત્રની) લાગણીનું, તારી બાના મને પુછવા પાછળના ‘આશય’નું અને મારા વીચારોનું એમ સૌનું માન જળવાવું જોઈએ. એટલે જવાબ આપવામાં શું વાંધો ?’ પ્રોફેસરે કોળીયાને ન્યાય આપી દઈ જવાબ માટેની તૈયારી કરીને કહ્યું.

‘મેં તો ભૈ મને ગમ્યો એટલે ઝભ્ભો લઈ લીધો !’ વચેટ પુત્રે સાવ નીરપેક્ષભાવે ને વાતને સહેજ પણ ગંભીરતાથી ન લેવા સુચવતો ઉદ્ગાર કર્યો. પીતાજીને એ કેમ નથી ગમ્યો તે જાણવા પુરતો મને વાતમાં રસ ખરો જેથી ફરી વાર ખરીદી વખતે ખ્યાલ રાખી શકું.’

‘પણ આટલી લાગણીથી ને આટલો મોંઘો ઝભ્ભ્ભ્ભ્ભો લાવ્યા હોઈએ એનો કાંઈ ગણ નૈં ? આમ સીધો જ કબાટે ચડાવી દેવાનો ?’ તેણીશ્રીએ ઝભ્ભાના ઉચ્ચારમાં વધુ પડતો સુધારો કરીને ઝભ્ભાને ને એ અંગેની વાતને કબાટમાં ભેરવી દેવાને બદલે ચર્ચા પર ‘ચડાવી’ દીધાં !

‘જુઓ, મારો આશય એની ભાવનાને ઠેસ પહોંચાડવાનો કદી હોઈ જ ન શકે. મેં ઝભ્ભાને ભેરવ્યો કે ચડાવી દીધો નથી. સાચવીને એની ગડીને યથાવત જ રાખીને મુક્યો છે. હા, એને સ્વીકારતી વખતે મને જરા સંકોચ થયો હતો જરુર….’

‘પપ્પાજી, વ્હાય હેઝીટેશન ? એની રીઝન ફોર ?’ મોટીએ અંગ્રેજીમાં વીંઝણો હલાવ્યો.

‘હા. રીઝન ખરાં ને ! એક કરતાંય વધુ કારણો છે.’ પ્રોફેસરે ખુબ જ શીક્ષકાઈથી વાત આગળ વધારી. ‘પહેલી વાત તો એ કે, મારી પાસે નીવૃત્તી પછી કપડાંનો ભરાવો થતો ગયો છે. બહાર પહેરવા માટેય ઘણું છે….’

‘ઘણું તો કાંઈ નૈ વળી’ નાની પુત્રવધુએ વચમાં જંપલાવતાં સસરાના સંતોષી જીવને માન આપવા ઉપરાંત પતીની ભેટનીય કદર કરવાના આશયથી કહ્યું, ‘અત્યારે કબાટમાં છે તે ઘણાં છે ઈ સાચું પણ ઈ બધાંને ઘણી વાર પૅરી લીધાં છે. હવે ક્યાંક પ્રસંગ હોય તો…’

‘…આપણાં સગાંઓ પણ હવે કંટાળી ગયાં હશે, એમને એકનાં એક કપડાંમાં જોઈને ! ઝાઝાં હોય તો શું થઈ ગયું ? પ્રસંગે તો લાગવું જોઈએને કે આ કપડું દર વખતનું તો નથી જ !’ મોટા પુત્રને પણ ‘વાતમાં પડવા’ જેવું લાગ્યું.

‘મારી વીવશતાની બાબત તમારા કોઈની સમજમાં કેમ નહીં આવતી હોય ? ઝભ્ભો કે એની કીંમત કે પ્રસંગોમાં વટ પાડવા જેવી બાબતો કરતાંય કેટલીક વાતો વધુ મહત્ત્વ રાખે છે. મારી એ વીવશતા છે કે…’

પ્રોફેસરની વાતને કાપી નાખતાં તેણીશ્રીએ વીવશતા શબ્દને અત્યંત ગંભીરતા આપી દીધીઃ ‘એમાં વળી વીવશતા શેની ? ઝભ્ભો પૅરવામાં તકલીફ પડે એવો સાંકડો તો નથી ને ?’ જાણી જોઈને એમણે વીવશતાનો અર્થ આઘોપાછો કરી નાખ્યો.

નાનો જાણતો હતો કે પપ્પા કાંઈ સાંકડો પડવાની વાતે વીવશતા બતાવે નહીં…વીવશતાનું કારણ કાંઈક જુદું જ છે…છતાં એણે હંમેશની જેમ વાતને ત્રાંસી કરીઃ ‘સાંકડો પડતો હોય તો તો બહુ સારી વાત છે ! એક સાથે બે પુણ્યકાર્યો થશે. એક તો પપ્પાના ઝભ્ભાને પહેરીને મહાલવાનું મને ગમશે, કારણ કે તેમને ટુંકાં પડતાં ઘણાં કપડાં મેં ધારણ કરીને લાભ લીધો છે. પપ્પાના પેંગડામાં તો પગ નાખવાની ને નાખીને રાખવાની તો આ નાચીઝમાં લાયકાત નથી પણ એમનાં કપડાંમાં સમાઈ જવા જેટલું કદ તો ધરાવું છું. ને બીજું પુણ્ય તે મજલે ભૈયાના કાવડીયાથી ખરીદાયેલી મોંઘી સામગ્રી વાપરવાનું…વો દીન કહાં કી મીયાં કે બદન પે કીંમતી ઝભ્ભા !!’

‘હવે તમે બધા છાનામાના બેસશો ?! આ તમારા પપ્પ્પ્પ્પાજીને એમની વીવશતા તો દરશાવવા દ્યો. એમને એવી તે કેવી વીવશતા વળગી ગૈ છ કે છોકરાએ પ્રેમથી લાવી દીધેલો ઝભ્ભો પાછો ઠેલવો પડ્યો ?‘ માતુશ્રીએ જાણી લેવાની આતુરતાને આગળ કરી.

વચેટ પુત્રે જોયું કે ઝભ્ભાને નીમીત્તે પીતાજીની તકલીફ કારણ વગરની વધી ગઈ છે. એટલે એણે રમતમાં વરસાદી વીઘ્ન નાખ્યુઃ

‘તમે બધાં શાંતીથી ઝભ્ભાને ખેંચીખેંચીને ફાડી નાખો તમતમારે, હું તો મારી ધંધાની મીટીંમાં જાવ છું.’ કહીને એણે હાથ ધોઈ નાખ્યા.

માતુશ્રીને વચેટની ગેરહાજરીમાં આ વાતની પીંજણ થાય એમાં બહુ રસ નહોતો. ને આમેય સૌની માનીતી સીરીયલનો સમય થઈ ગયો હતો એટલે પ્રોફેસરનો ક્લાસ વીદ્યાર્થીઓની ઓચીંતી હડતાલની માફક એકાએક બંધ રહ્યો.

‘હળવું’ ને હળવાશભર્યું સાંજનું ભોજન : ‘વાળુ’ !

નોંધ :  જમવામાં જમવા સીવાય પણ ઘણું હોય છે ! પ્રોફેસરનું ઘર આ વાતે નમુનો છે….ઘણા લાંબા સમયના વીરામ બાદ આજે “પ્રોફેસર–કથા”નો સત્તરમો અંક સૌ વાચકોને પીરસવાનો આ એક પ્રયત્ન છે. આશા છે ગમશે. પાછલા અંકો વાંચવા માટે અહીં –

 સળંગ વાર્તા ‘પ્રોફેસરકથા’નાં પાછલાં પ્રકરણો

– જુગલકીશોર.

—————————————————-

પ્રોફેસરના ઘેર, ખાસ કરીને સાંજના ટાણે બધાં જમવા માટે ભેળાં થાય એટલે ડાઈનીંગ ટેબલ જીવતું થઈ જાય.

પ્રોફેસર અને તેમનાં પત્નીશ્રી, ત્રણ પુત્રો, બે પુત્રવધુઓ અને બન્ને પુત્રોની એક એક દીકરી એમ બધાંનો સમાવેશ એક ટેબલ પર થવામાં મુશ્કેલી પડવાની શરુ થયા બાદ બધાંએ નીચે જમીન પર જ બેસવાનું ગનીમત માન્યું હતું. એમાંય ખાસ કરીને નાની દીકરી સમજણી થઈ ત્યારથી જ એણે પણ પોતાની અલગ થાળીનો અત્યાગ્રહ રાખીને મમ્મીને જમવામાં સુવીધા કરી આપેલી. થાળી–વાટકાઓનો તો ઘરમાં તોટો નહોતો. વહુઓ પીયેરથી આણામાં સારાં એવાં વાસણો લાવેલી…પણ ડાઈનીંગ ટેબલની બાબતે એ શક્ય (અને વહેવારીક પણ) નહોતું.

વચલા પુત્રના લગ્ન પછી જમવાના ટેબલ પર સંકડાશ જોકે નહોતી થઈ, ને બન્ને પુત્રો સામસામે સજોડે બેસતા તે દૃષ્ય પણ મજાનું લાગતુ. કહેવાની જરુર ભાગ્યે જ હોય કે પ્રોફેસર અને એમનાં તેણીશ્રી લંબચોરસ ટેબલના સામસામેના ભાગે બેસતાં તે મધ્યસ્થસ્થાનનો મોભો સાચવવા કરતાંય વીશેષ તો પ્રોફેસરની બાજુમાં તેણીશ્રી બેસે તે દીવસ પુરતું પ્રોફેસરને બચાડાને બહુ ભારે પડી જતું તે મુદ્દો મહત્ત્વનો હતો ! પ્રોફેસરની જમવા બાબતની અનેક પ્રકારની ચીઈઈઈઈકણાઈ તેણીશ્રીથી સહન થાય નહીં ને તેણીશ્રીના ઉપહાસોથી આખા ટેબલનો સ્વાદ કડવો બની જતો એટલે એ બન્નેને માનભર્યાં સ્થાનોએ, એટલે કે ‘સામસામે’ બેસાડીને એક કાંકરે બે ફળો પાડી દેવામાં આવ્યા હતાં.

પરંતુ નાનો પુત્ર હજી બેવડાયો નહોતો, ને એને બુફેના વહેમમાં ચાલતાં ચાલતાં કે પછી ઘરમાંની કોઈ પણ બેઠકે થાળી ખોળામાં રાખીને જમવાનો શોખ હતો. વળી બાળકીઓએ અવતરીને હજી ઘરને ‘ભર્યુંભાદર્યું’ કર્યું નહોતું એટલે બધાંને જમીન પર બેસવાને હજી વાર હતી. વળી મોટીને ઘેર પારણું બંધાયું ત્યારથી એનું જમવાનું ઘોડીયાની બાજુમાં થયું, નાનાએ એની મોટીભાભીની જગ્યા લીધી ને એમ એય લાંબો સમય ચાલ્યું…પણ છેવટે જ્યારે બીજી લક્ષ્મીએ પણ પધરામણી કરી કે સૌનું જમવાનું ભુમી પર આવી ગયું. રસોડુંય વળી ઘરના મોટા રુમની બાજુમાં જ પડતું એટલે વચમાં ભોજન પદાર્થોને રાખીને ગોળ કુંડાળું વળીને બેસવાનું સૌને ગમી ગયેલું. (પ્રોફેસર તથા તેણીશ્રી તો અહીં પણ ‘આમનેસામને’ જ બેસતાં…અસ્તુ.)

સાંજનું જમણ સામાન્ય રીતે પ્રોફેસરના આયુર્વેદના વીશેષ જ્ઞાને કરીને હળવું રહેતું. ખીચડી ઘરમાં સૌને ભાવતી. શાક અને દુધ તો હોય જ પણ ભાખરી અને રોટલી વચ્ચે પસંદગી બાબતે રકઝક રહેતી. ભાખરી દરરોજ ખાવાથી આંતરડાં લાંબે ગાળે ચૉકઅપ થતાં જાય છે તેવી સામાન્ય સમજણ ઉપરાંત પ્રોફેસર બધાંના કોળીયાના ચાવવાની ગણતરી સુદ્ધાં રાખતા જોવા મળે તેથી પણ, ભાખરીનો વીકલ્પ રોટલીનો રહેતો. ખીચડીનો વીકલ્પ થુલી હતી.

સાંજનું જમવાનું આયુર્વેદની દૃષ્ટીએ તો ખરું જ, બધાંના મુડની દૃષ્ટીએ પણ “હળવું” રહેતું, ને આખા દીવસનો થાક બધાં અહીં સાગમટે ઉતારતાં ! જમતી વેળા પ્રોફેસર પોતે તો આયુર્વેદનો સીદ્ધાંત પાળતા અને ચાવવા તરફ વધુ ધ્યાન આપવા ઉપરાંત સૌની વાતો સાંભળતા. તેણીશ્રીને બોલવાનો વારો બહુ આવતો નહીં કારણ કે પુત્રોની વાતોમાં તેઓ લાગણીસભર રહેતાં. વહુઓ જમવા ઉપરાંત પીરસવામાં, છોકરીઓની થાળી, બગડતાં રહેતાં ઝભલાં, આજુબાજુ વેરાતી જણસોમાં ધ્યાન આપતી. પુત્રોના ત્રણેયના સ્વભાવ અને રસના વીષયો ત્રીકોણના ત્રણ ખુણા જેવા એટલે બરાબરની જામતી. વહુઓને પોતાનો પતી જીતે તોય મજા પડતી ને હારે તોય વાંધો આવતો નહીં. દેરાણીજેઠાણીને એકબીજી સાથે બહુ ફાવતું એટલે તેઓ તો આ ગામગપાટાનો આનંદ જ માણતી. હા, ક્યારેક વચવચમાં મોટી પોતાના અંગ્રેજી જ્ઞાનનો વહેમ પીરસવા મથતી ત્યારે સાસુનો કોળીયો આઘોપાછો થઈ જતો ખરો. નાની છોકરીઓની ચેષ્ટાઓને પણ આ ‘માસ્તરઘર’માં માનભર્યું સ્થાન રહેતું એટલે તેઓની ચેષ્ટાઓ પણ સાંજના વાળુની હળવાશને શણગારી મુકતી.

દરરોજ હળવાશભર્યા વાતાવરણમાં જમતું પ્રોફેસરનું આ ઘર આજે એકાએક એક ગંભીર વીષય તરફ ખેંચાઈ ગયું. જેમનો બોલવાનો વારો ભાગ્યે જ આવતો તેવા પ્રોફેસરે આજે જમવાના ટેબલ પર જ ક્લાસરુમ ખોલી નાખ્યો ! આજે સાંજે ઘેર આવતાં વચેટ પુત્ર પીતાશ્રીને માટે મોંઘા ભાવનો રેડીમેઈડ ઝભ્ભો ખરીદી લાવેલો. પીતાશ્રીએ નાપસંદગી જેવું મોં કર્યું હશે એટલે વચેટ અને તેને પક્ષે વધુ ઝુકતી માતુશ્રીએ આ વાતને વાળુટાણાનો વીષય બનાવી મુકી.

–––––––––––––––––––––––––––––

જીવનમાં ‘વીવશતા’ એ પણ પ્રેમનો જ પડઘો હોય છે એ વાત હવે પછીના હપતાનો વીષય ગણીને આપણે અહીં અટકીશું…

પ્રોફેસરકથા – ૧૬

અથ શ્રી પ્રોફેસરકથાઃ અધ્યાય –૧૬.                                        –જુગલકીશોર


પ્રોફેસરપત્નીને દવાખાનામાં ગમતું તો નહોતું જ, પણ માંદગી જરા લાંબી ચાલી અને કદાચ હજી ચાલવાની છે એમ માનીને તેઓ મન મનાવી પલંગે વસ્યાં હતાં. બાકી હતું તે પતીદેવ પણ એ જ દવાખાને દાખલ થયા એટલે બન્નેની ચાકરી માટે અર્ધાથી વધુ ઘરનાં સભ્યો તો દવાખાને જ રહેતાં હોઈ – અને ડૉક્ટરેય પાછો પુત્રોનો ભાઈબંધ હોઈ દીકરા જેવો જ હતો – તેથી તેમને કોઈ કરતાં કોઈ તકલીફ (આમ જોવા જઈએ તો )હતી જ નહીં.


પણ બે કારણો એવાં હતાં જેને લીધે માતુશ્રીને – કેટલાંક પડોશીના શબ્દોમાં કહીએ તો, ‘પ્રોફેસરાણી’ને – અહીં ગમતું નહોતું. આમાંનું એક કારણ તે વહુઓના કહ્યામાં એમને રહેવાનું હતું તે.


જો કે અહી કાંઈ વહુઓ દાદીગીરી કરી શકે એમ નહોતી. પતીદેવની હાજરી પણ હતી જ સ્તો. છતાં પોતાના ઘરમાં રહ્યે રહ્યે જે હુકમ છોડ્યા વગર પણ હુકમ પળાઈ જતા એવું અહીં થોડું થવાનું ?! પ્રોફેસરનું વ્યક્તીત્વ જ એવું હતું ને કે સૌને વગર માગ્યે લોકશાહી મળી ગઈ હતી, છતાં એમના જ સૌજન્યશીલ વીશેષ વ્યક્તીત્વને કારણે વહુઓ કદી સાસુસસરાની આમન્યા ઉથાપવાનો સ્વપ્નેય પ્રયત્ન કરતી નહીં. બન્ને પરણેલા છોકરાઓની પણ ઘરમાં ધાક ન હતી. બલકે ત્રીજા કુંવારા સહીત ત્રણેય ભાઈઓ વચ્ચેનો સંપ જ સૌ સારાં વાનાં માટે કારણરુપ હતો.


માજીને તો સાસુપણું કરવાનું રહેતું પણ નહીં; કામો બધાં આપોઆપ થયાં કરતાં. ફરીયાદ હોય તો પીતાને ખબર પડે એ પહેલાં તો દીકરાઓ માતાને વીશ્વાસમાં લઈને એનો ભરભર ભુક્કો કરીને સબ સલામત કરી દેતા હતા.


હા, વહુઓ બન્ને સાવ જ અલગ સ્વભાવની ને સાવ જુદા જ વાતાવરણમાંથી આવવાને લીધે સામસામા છેડાની હતી. મોટી બહુ ભણી હતી. એનું અંગ્રેજી સારું હતું એટલે સસરા ક્યારેક એની મદદ પણ લેતા. વારંવાર અંગ્રજીનો ઉપયોગ કરીને આરંભમાં એ મફતનો જાણીને કોઈ ગામડીયણ બાઈ ચહેરા ઉપર પાવડર છાંટ્યાં કરે એમ રૉફ – બધાં ઉપર – છાંટ્યાં કરતી. પણ પાવડરનો ડબોય ક્યારેક તો ખલાસ થાય ને. ધીમે ધીમે ઘરમાં મોટી વહુની આળસી પ્રકૃતી જાહેર થતી ગઈ તેમ તેમ ખાલી થયેલા ડબ્બાને લીધે મોટીનો રૉફ ખુટતો ગયો હતો.


તોય જોકે અંગ્રેજી છાંટવાનું તો એનાથી ભુલાતું નહીં જ. એનાં અન્ય કારણોમાં ઘરનાં ત્રણેય ભુલકાંઓને અંગ્રેજી મોટી શીખવતી તે હતું !! ઘરનાં છોકરાંવ પાસેથી ફી તો લેવાય નહીં, તેથી મોટી ઘર આખા ઉપર રૉફ છાંટીને ફી વસુલ કરી લેતી. સૌને એનો વાંધોય નહોતો –મોટી હકીકતે માયાળુ હતી. એણે પોતાને માટે ક્યારેય કોઈ અપેક્ષા રાખી નહોતી. પોતે મોટી હતી, ને નાનીનું ધ્યાન રાખતી હતી. આ બન્ને ગુણોએ કરીને મોટીના અંગ્રેજીનાં છાંટણાં–છણકાય સૌને વહાલા લાગતા…


નાનીની વાત જુદી જ હતી. એ ગામડાની હતી. ભણવાની કોઈ તકલીફ નહોતી. પણ નાનપણમાં કેવળ પાંચીકા જ ઉલાળ્યા કરેલા, ને ભણવાનું આવ્યું ત્યારેય માસ્તરનું નાનુંમોટું (નાનીના પપ્પાય માસ્તર હતા, ને નાનીના માસ્તરના ખાસ ભાઈબંધ !! એટલે વર્ગમાંય આ છોડી દીકરીની જેમ જ વર્તતી ને માસ્તરકાકાનું) ટાંપુ કરી આપતી. લેસન આપ્યું હોય તે પોતાની બહેનપણી પાસે કરાવવામાં એને કોઈ જ સંકોચ રહેતો નહીં. બલકે બહેનપણી પોતાને ભાગ્યશાળી માનતી !!


પણ એસ.એસ.સીની પરીક્ષા વખતે એક બાજુ માસ્તરકાકા રીટાયર થયા, ને બીજી બાજુ ઘરના કામમાં માતાને મદદ કરવાની જરુર ઉભી થઈ. પરીણામે એસ.એસ.સીનું પરીણામ પરીણામ વગરનું કહેવાય એવું આવ્યું !! ને એમ આ બેનબા નાપાસ થયાં. બેત્રણ ટ્રાયલ તો તોય માસ્તર પીતાએ લેવડાવી. પણ દરેક વખતે પરીક્ષામાં પાંચીકા નડતા રહ્યા. ને એક દી‘ વહેલી મજાની સવારે બધાંએ ભેળાં મળીને બેનબાને શાળાથી કાયમ માટે ગે.હા. કરી દીધા. ઘેર નાનીબેનનું અવતરણ થઈ ચુક્યું હતું. એને રમાડવામાં બેનબાને પાંચીકા કરતાંય વધુ મજો આવતો ગયો….


પણ સૌ સૌનાં નસીબ હોય છે ને ભાઈ. એક દી‘ આપણા પ્રોફેસરનાં ઘરનાંને આ પાંચીકો ગમી ગયો !! ને એમ એક સારા મુહુરતે “બેની રમતાં‘તાં માંડવા હેઠ, ધુતારો ધુતી….ગયો.”


પ્રોફેસરાણીને તો અંગ્રેજી મઢેલી મોટી ને (પાંચીકા ને નાની બહેનથી રમતાં રમતાં છતાં ઘરનું નાનુંમોટું હંધુંય ઘરકામ શીખી આવેલી) આ નાની બેય વહાલાં હતાં. જોકે સાસુનો વહાલભર્યો હાથ નાની ઉપર વધુ ફરતો. ઘરનાં સૌ એમ માનીને રાજી રહેતાં કે નાનીને તો લાડ હોય જ ને. મોટીને તો ખુદનેય દેરાણી વહાલી હતી એટલે બધું ઘી ઠામમાં જ ઢોળાતું રહ્યું…..


છતાંય, જુઓને કુદરતની કરામત – સાસુને સાસુપણું કરવાનો અભરખો તો રહેતો જ. વહુઓય આ સમજતી. એટલે બન્નેએ સાસુની આમન્યા રાખી રાખીને સાસુપણાના નશાને વકરાવી મુક્યો હતો ! સાસુજી બન્નેને ક્યારેક ઉંચા અવાજે તો વળી ક્યારેક કટાક્ષમાં સંભળાવતાં રહે. બન્ને દીકરાઓને એમાં વગર પૈસાનું મનોરંજન મળે. સૌથી નાનો વકીલ જેવો હતો એટલે અને જાતજાતના નુસખા કરીને મનોરંજનના ધુમાડામાં ‘પંખો ફાસ’ કરતો રહેતો એટલે ક્યારેક બધું ધુંધવાઈ ઉઠતું. આવે સમયે પ્રોફેસર તો તટસ્થ હોય એટલે ધ્યાન જ ન આપે. પરીણામે સાસુમાને પોતાને લાયક કામ મળી રહેતું.


દવાખાનામાં આ પોતાને લાયક કામ ન મળી રહેવાને લીધે જ હશે કદાચ, પણ પ્રોફેસરપત્નીને દવાખાનામાં ગમતું નહોતુ…..વધુ હવે પછી.

પ્રોફેસરકથા – ૬

                                    

અથ શ્રી પ્રોફેસરકથાઃ અધ્યાય –૬.                            –જુગલકીશોર

 

 

પ્રોફેસરપત્નીને દવાખાનામાં ગમતું તો નહોતું જ, પણ માંદગી જરા લાંબી ચાલી અને કદાચ હજી ચાલવાની છે એમ માનીને તેઓ મન મનાવી પલંગે વસ્યાં હતાં. બાકી હતું તે પતીદેવ પણ એ જ દવાખાને દાખલ થયા એટલે બન્નેની ચાકરી માટે અર્ધાથી વધુ ઘરનાં સભ્યો તો દવાખાને જ રહેતાં હોઈ – અને ડૉક્ટરેય પાછો પુત્રોનો ભાઈબંધ હોઈ દીકરા જેવો જ હતો – તેથી તેમને કોઈ કરતાં કોઈ તકલીફ (આમ જોવા જઈએ તો )હતી જ નહીં.

 

પણ બે કારણો એવાં હતાં જેને લીધે માતુશ્રીને – કેટલાંક પડોશીના શબ્દોમાં કહીએ તો, ‘પ્રોફેસરાણી’ને – અહીં ગમતું નહોતું. આમાંનું એક કારણ તે વહુઓના કહ્યામાં એમને રહેવાનું હતું તે.

 

જો કે અહી કાંઈ વહુઓ દાદીગીરી કરી શકે એમ નહોતી. પતીદેવની હાજરી પણ હતી જ સ્તો. છતાં પોતાના ઘરમાં રહ્યે રહ્યે જે હુકમ છોડ્યા વગર પણ હુકમ પળાઈ જતા એવું અહીં થોડું થવાનું ?! પ્રોફેસરનું વ્યક્તીત્વ જ એવું હતું ને કે સૌને વગર માગ્યે લોકશાહી મળી ગઈ હતી, છતાં એમના જ સૌજન્યશીલ વીશેષ વ્યક્તીત્વને કારણે વહુઓ કદી સાસુસસરાની આમન્યા ઉથાપવાનો સ્વપ્નેય પ્રયત્ન કરતી નહીં. બન્ને પરણેલા છોકરાઓની પણ ઘરમાં ધાક ન હતી. બલકે ત્રીજા કુંવારા સહીત ત્રણેય ભાઈઓ વચ્ચેનો સંપ જ સૌ સારાં વાનાં માટે કારણરુપ હતો.

 

માજીને તો સાસુપણું કરવાનું રહેતું પણ નહીં; કામો બધાં આપોઆપ થયાં કરતાં. ફરીયાદ હોય તો પીતાને ખબર પડે એ પહેલાં તો દીકરાઓ માતાને વીશ્વાસમાં લઈને એનો ભરભર ભુક્કો કરીને સબ સલામત કરી દેતા હતા.

 

હા, વહુઓ બન્ને સાવ જ અલગ સ્વભાવની ને સાવ જુદા જ વાતાવરણમાંથી આવવાને લીધે સામસામા છેડાની હતી. મોટી બહુ ભણી હતી. એનું અંગ્રેજી સારું હતું એટલે સસરા ક્યારેક એની મદદ પણ લેતા. વારંવાર અંગ્રજીનો ઉપયોગ કરીને આરંભમાં એ મફતનો જાણીને કોઈ ગામડીયણ બાઈ ચહેરા ઉપર પાવડર છાંટ્યાં કરે એમ રૉફ – બધાં ઉપર – છાંટ્યાં કરતી. પણ પાવડરનો ડબોય ક્યારેક તો ખલાસ થાય ને. ધીમે ધીમે ઘરમાં મોટી વહુની આળસી પ્રકૃતી જાહેર થતી ગઈ તેમ તેમ ખાલી થયેલા ડબ્બાને લીધે મોટીનો રૉફ ખુટતો ગયો હતો.

 

તોય જોકે અંગ્રેજી છાંટવાનું તો એનાથી ભુલાતું નહીં જ. એનાં અન્ય કારણોમાં ઘરનાં ત્રણેય ભુલકાંઓને અંગ્રેજી મોટી શીખવતી તે હતું !! ઘરનાં છોકરાંવ પાસેથી ફી તો લેવાય નહીં, તેથી મોટી ઘર આખા ઉપર રૉફ છાંટીને ફી વસુલ કરી લેતી. સૌને એનો વાંધોય નહોતો –મોટી હકીકતે માયાળુ હતી. એણે પોતાને માટે ક્યારેય કોઈ અપેક્ષા રાખી નહોતી. પોતે મોટી હતી, ને નાનીનું ધ્યાન રાખતી હતી. આ બન્ને ગુણોએ કરીને મોટીના અંગ્રેજીનાં છાંટણાં–છણકાય સૌને વહાલા લાગતા…

 

નાનીની વાત જુદી જ હતી. એ ગામડાની હતી. ભણવાની કોઈ તકલીફ નહોતી. પણ નાનપણમાં કેવળ પાંચીકા જ ઉલાળ્યા કરેલા, ને ભણવાનું આવ્યું ત્યારેય માસ્તરનું નાનુંમોટું (નાનીના પપ્પાય માસ્તર હતા, ને નાનીના માસ્તરના ખાસ ભાઈબંધ !! એટલે વર્ગમાંય આ છોડી દીકરીની જેમ જ વર્તતી ને માસ્તરકાકાનું) ટાંપુ કરી આપતી. લેસન આપ્યું હોય તે પોતાની બહેનપણી પાસે કરાવવામાં એને કોઈ જ સંકોચ રહેતો નહીં. બલકે બહેનપણી પોતાને ભાગ્યશાળી માનતી !!

 

પણ એસ.એસ.સીની પરીક્ષા વખતે એક બાજુ માસ્તરકાકા રીટાયર થયા, ને બીજી બાજુ ઘરના કામમાં માતાને મદદ કરવાની જરુર ઉભી થઈ. પરીણામે એસ.એસ.સીનું પરીણામ પરીણામ વગરનું કહેવાય એવું આવ્યું !! ને એમ આ બેનબા નાપાસ થયાં. બેત્રણ ટ્રાયલ તો તોય માસ્તર પીતાએ લેવડાવી. પણ દરેક વખતે પરીક્ષામાં પાંચીકા નડતા રહ્યા. ને એક દી‘ વહેલી મજાની સવારે બધાંએ ભેળાં મળીને બેનબાને શાળાથી કાયમ માટે ગે.હા. કરી દીધા. ઘેર નાનીબેનનું અવતરણ થઈ ચુક્યું હતું. એને રમાડવામાં બેનબાને પાંચીકા કરતાંય વધુ મજો આવતો ગયો….

 

પણ સૌ સૌનાં નસીબ હોય છે ને ભાઈ. એક દી‘ આપણા પ્રોફેસરનાં ઘરનાંને આ પાંચીકો ગમી ગયો !! ને એમ એક સારા મુહુરતે બેની રમતાં‘તાં માંડવા હેઠ, ધુતારો ધુતી….ગયો.

 

પ્રોફેસરાણીને તો અંગ્રેજી મઢેલી મોટી ને (પાંચીકા ને નાની બહેનથી રમતાં રમતાં છતાં ઘરનું નાનુંમોટું હંધુંય ઘરકામ શીખી આવેલી) આ નાની બેય વહાલાં હતાં. જોકે સાસુનો વહાલભર્યો હાથ નાની ઉપર વધુ ફરતો. ઘરનાં સૌ એમ માનીને રાજી રહેતાં કે નાનીને તો લાડ હોય જ ને. મોટીને તો ખુદનેય દેરાણી વહાલી હતી એટલે બધું ઘી ઠામમાં જ ઢોળાતું રહ્યું…..

 

છતાંય, જુઓને કુદરતની કરામત – સાસુને સાસુપણું કરવાનો અભરખો તો રહેતો જ. વહુઓય આ સમજતી. એટલે બન્નેએ સાસુની આમન્યા રાખી રાખીને સાસુપણાના નશાને વકરાવી મુક્યો હતો ! સાસુજી બન્નેને ક્યારેક ઉંચા અવાજે તો વળી ક્યારેક કટાક્ષમાં સંભળાવતાં રહે. બન્ને દીકરાઓને એમાં વગર પૈસાનું મનોરંજન મળે. સૌથી નાનો વકીલ જેવો હતો એટલે અને જાતજાતના નુસખા કરીને મનોરંજનના ધુમાડામાં ‘પંખો ફાસ’ કરતો રહેતો એટલે ક્યારેક બધું ધુંધવાઈ ઉઠતું. આવે સમયે પ્રોફેસર તો તટસ્થ હોય એટલે ધ્યાન જ ન આપે. પરીણામે સાસુમાને પોતાને લાયક કામ મળી રહેતું.

 

દવાખાનામાં આ પોતાને લાયક કામ ન મળી રહેવાને લીધે જ હશે કદાચ, પણ પ્રોફેસરપત્નીને દવાખાનામાં ગમતું નહોતુ…..

વધુ હવે પછી.