શ્રી રઈશ મનીઆરની એક ગઝલનો રસાસ્વાદ

‘જીવતું રાખે’ ગઝલનો રસાસ્વાદ :

– જુગલકીશોર

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે;

અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણ ને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણ ને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણ ને જીવતું રાખે.

– રઈશ મનીઆર (Fb તા. ૫/૧૧/૧૮)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

આજે ફેસબુક પર ભાઈ અનિલ ચાવડાના પાના ઉપર રઈશભાઈની આ રચના વાંચી. છેલ્લે તો સર્જકના જ અવાજમાં એને સાંભળવાની પણ સગવડ એમણે કરેલી છે છતાં શ્રી ઉ.જો. કહે છે તેમ કવિતા કાનની કળા હોવા છતાં મેં તો રાબેતા મુજબ ચાક્ષુષ જ રાખીને મારાં પાનાં ઉપર એ રચનાને સમજવાનો ઉપક્રમ રાખ્યો.

આ આખી રચના જીવનની કેટલીક વિશેષ સજીવતાને સમજાવે છે.

જીવ પછી તે માનવીમાં હોય કે જંતુમાં પણ એનું અસ્તીત્વ કે એનો ધબકાર જ માત્ર જીવંતપણાની સાહેદી પૂરતાં નથી. જીવંતપણું તો નિર્જીવ કહેવાતાં સ્થાનોમાં ને અતિ સૂક્ષ્મ ગણાતી બાબતોમાંય અનુભવી શકાય છે !

કાંડાની નસ તપાસીને કોઈ દાક્તર માણસને મૃત જાહેર કરી દે તે એના ક્ષેત્રની મર્યાદામાં સમાઈને રહી જતી બાબત છે પરંતુ અંદરથી ખલ્લાસ થઈ જઈનેય ઉપરનું પડ સાચવી રાખનારી હયાતિને શું કહીશું ? આ કેવળ વ્યક્તિગત જીવની વાત રહી નથી. સમાજના આખા ને આખા વર્ગો અંદરથી મુરઝાઈ જઈનેય સદીઓ સુધી સૌને સાચવી લેનારા આવરણને બચાવી લેતા હોય છે. કોઈ રાજકારણ, કોઈ (અ)ધર્મકારણ કે કોઈ અર્થકારણ પણ આ આવરણોને મારી શકતાં નથી !

અંદરથી ખાલી થઈ જવાથી એક ચીસ પણ પ્રગટતી જ રહેતી હોવી જોઈએ. એ ચીસ, એ વ્યથા પોતાની જ ઉષ્ણતાથી – દરિયાનાં પાણી જેમ વાદળરૂપ ધારણ કરી લે છે તેમ – એ બધી વિટંબણાઓ સમયની તાકાતોનેય રોકી દેનાર વાદળાં બનીને, આડશ બનીને ઊભી રહી જાય છે ! બાકી સમયનો સૂર્ય તો બધું જ ભસ્મ કરી દેવાની તાકાત ક્યાં નથી રાખતો !

વેદનામાં એકતા ઊભી કરવાની સહજ ક્ષમતા હોય છે. નબળો વર્ગ સબળાઓ કરતાં સહેલાઈથી એકતા ઊભી કરી લે છે. સમદુખિયાપણું ભાઈચારાને પ્રેરે છે, પોષે છે…..

આ પછી સર્જક કેટલીક વ્યક્તિગત વાતો મૂકે છે. એ વાતોમાં ગઝલની સહજ શબ્દશક્તિથી એમણે સૂક્ષ્મ ભાવોને પ્રગટ કર્યા છે.

બે કિનારાઓનું અલગ હોવું તે સહજ જ નહીં, અનિવાર્ય પણ હોય છે. રેલવેના બે પાટા અને નદીના બે કિનારાનું ભાગ્ય સમાંતર અંતરે રહીનેય જુદા રહેવા નિર્માયું હોય છે. મજાની વાત જ તો એ છે કે એમની જુદાઈમાં જ કશુંક જીવંત રહી શકે છે, કારણ કે  નદી સુકાય છે ત્યારે કાંઠાનું અસ્તીત્વ હોતું નથી.

અહીં મારી વાત અવળો કાન પકડીને કહેવા માગતી જણાશે. નદી કાંઠાને જીવતી રાખે છે કે કાંઠાની અલગતા નદીને જીવાડે છે ?

અહીં સર્જકની વાતમાં ઝરણ અને સ્મરણને બન્નેને સાચવ્યાં હોઈ ઝરણને આગળ કરીને કાંઠાની જુદાઈ બતાવાઈ છે ને એ જ રીતે સ્મરણોને બે વ્યક્તિઓની જુદાઈમાં જીવંત રહેતાં સૂચવાયાં છે.

બે વ્યક્તિઓ સાથે રહીનેય સમરણો વાગોળી શકે છે પણ એવે સમયે બન્નેની ‘હાજરી’ કોઈ ને કોઈ સમાધાનનું ફળ વહેંચે છે. “તને સાંભરે રે ? મને કેમ વીસરે રે ?”માં કરુણ સ્મૃતિઓને પણ એક સુખદ સમાધાન મળે છે. જ્યારે સ્મરણોને વાગોળતાં બે પાત્રો અલગ હોય છે ત્યારે સ્મરણોમાં વેદના જ ભમરાતી–ઘુમરાતી રહે છે ! બે કાંઠાઓ વચ્ચે વહેતી નદી દ્વારા કાંઠા જુદા દેખાઈ આવે છે પણ નદીની ગેરહાજરી કાંઠાનું અસ્તીત્વ જ રહેવા દેશે નહીં જ્યારે પાત્રોની જુદાઈ સ્મરણોને નવું પરિમાણ આપી બેસે છે.

આ જ વાતની સાવ અડોઅડ રહીને એક બીજી એવી જ મજાની વાત કવિ બાજુના શેરમાં બખુબી મૂકી આપે છે :

તળાવો મૃગજળોનાં જેમ રણને જીવતું રાખે,

બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

પહેલી નજરે તો લાગે કે રણ મૃગજળોને જીવાડે કે મૃગજળોથી રણ જીવે ? પરંતુ દૂરથી દેખાતાં મૃગજળ સ્થિર નથી જણાતાં. એ જળ સજીવ જણાય છે એની દેખાતી પ્રવાહિતાથી. મૃગજળ સાવ શાંત નથી હોતાં. એની સતત થતી રહેતી લાગતી હલચલને કારણે રણને પણ એક અગતિક ગતિ મળે છે ! ને સર્જકને અહીં જે અભિપ્રેત છે તે સ્વપ્નોમાં જ જીવતું રહેતું કોઈ ‘પાત્ર’ રણની વાતને બહાને આપણી સમક્ષ થઈ જાય છે !

આ બે પંક્તિઓમાં બહુ ગમતી વાત છે તે મૃગજળો અને સ્વપ્નોની અનિશ્ચિતતાની ! મૃગજળ કાયમી નથી તો સ્વપ્ન પણ કેટલાં ક્ષણિક હોય છે ! જોકે મૃગજળ અને સ્વપ્ન બન્નેનાં ઉપાદાનો એવાં અનુક્રમે રણ અને પાત્ર (એક જણ) વચ્ચે ખાસ્સો ભેદ છે. રણ નિર્જીવ તોય સ્થાયી છે, જ્યારે પાત્ર તો જીવંત છતાં કાયમી નથી. બીજી બાજુ, રણ સ્થાયી છતાં મૃગજળોનું હોવું બધી ઋતુમાં શક્ય નથી જ્યારે પાત્ર નાશવંત હોવા છતાં સ્વપ્નોને રોકી શકાતાં નથી !!

છેલ્લા બન્ને શેરને જોઈશું તો –

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –

પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણ ને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,

ખૂંપાવી તીર જે અડધું, હરણ ને જીવતું રાખે.

દોસ્તી પણ એક અજીબ દાસ્તાં છે.

દોસ્તી વણસે છે ત્યારેય પૂરેપૂરી દુશ્મની બની શકતી નથી !! કેટલીક સાત્ત્વિકતા પોતે ધારે તોય સાવ બગડી કે ગબડી શકતી નથી ! ઘણાંને જૂઠ્ઠું બોલવાનુંય પૂરેપૂરું ફાવતું નથી, ને પકડાઈ જાય છે. એક વખતનો દોસ્ત દગો રમવા જાય છે તોય કોણ જાણે કયે કારણે, પણ દગો અધૂરો રમીને પકડાઈ જાય છે ! હરણને મારવાની પૂરી જીગર ચાલતી નથી ને તીર હળવેથી મરાઈ જાય છે !! મિત્રતા મરતી મરતીય જીવતી રહે છે !

પણ આ રચનાનો એક શેર મનમાં રમી ગયો તે સ્મરણ–વિસ્મરણ–સંબંધની વાતે ! પ્રારબ્ધ માટે કહેવાયું છે ને –

“અરે પ્રારબ્ધ તો એવું, રહે તે દૂર માગે તો;

ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.”

એ જ વાત બહુ અસરકારક રીતે મૂકીને કવિએ અહીં સ્મરણોને, ગમતાં બાળકોની જેવાં ગણીને, માણ્યાં છે. બહુ ગમતું બાળક હડસેલવા છતાંય આવીઆવીને વળગી જાય તેમ સ્મરણોને ધક્કો મારીને દૂર કરવા–ભૂલી જવા મથવા છતાં તે એ જ કારણો (વિસ્મરણપ્રયાસ)સર વળગતાં રહે છે. અમસ્તુ તો ભૂલી જવાનું અન્ આયાસે બની રહેતું હોય છે; ભૂલી જવા માટે મહેનત ક્યાં કરવાની હોય છે ! પણ સ્મરણો જેનું નામ ! જેમ જેમ ધકેલતાં રહો, તેમ તેમ વળગતાં જ જાય !!

પ્રસ્તુત ગઝલ એક અનાયાસ સ્મરણે રહી જનારી રચના બની રહેશે એમાં શંકા નથી ! ફેસબુક પર એને મૂકીને રઈસભાઈને સાક્ષાત્ કરી આપવા બદલ અનિલભાઈનો આભાર માનીને સર્જકને સલામ કરું છું.

તા. ૫, ૧૧, ૧૮.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

સૌજન્ય : સર્જકશ્રી રઈસભાઈ મનીઆર અને શ્રી અનિલ ચાવડા

Advertisements

મારું કવીતડું ‘લય–પ્રલય’ મારી નજરે

‘લય–પ્રલય’ : મારું કવીતડું મારી દૃષ્ટીએ !

 

લય–પ્રલય

ઉંચા ઉંચા  પરવતતણી ગોદમાં સાથ રહેતાં

વૃક્ષોવેલી, નદીઝરણ સૌ પ્રાણીપક્ષી મનુષ્યો;

વ્હેંચી લેતાં  સહજ  સમસંવેદનો  ભાવપુર્ણ

‘સૌનું સૌમાં હીત’ સમજ એ શાશ્વતી રાખી હૈયે.

સૈકાજુની વણલખી પ્રણાલી ગીરી–જંગલોની,

આમન્યાને વશ સહુ રહે સાથ, શાં બાથ ભીડી !

 

ઉંચા ઉંચા પરવત સમી એષણા રાખનારા

અન્યો કેરું હીત સમજી જો જાળવી ના શકે, ને

સૈકાજુની સહજ સમ સંવેદનાના પ્રવાહો

રોકી દેવા અડીખમ બધાં ‘બંધ’ બાંધી દીયે તો –

માતા કેરી હુંફ સમી હતી ગોદ તે જાય તુટી;

ભુંસી નાખે પ્રલય; ન જુએ ન્યાયઅન્યાય કોઈ.

 

વ્હેતા રહેતા સુર મધુર જ્યાં શાંત સંવેદનાના,

રુઠે, ઉઠે ત્યંહી પ્રબળ ચીત્કાર તો  વેદનાના !

– જુગલકીશોર.

****************

ઉત્તરાખંડના પવીત્રધામ કેદારનાથની આજુબાજુ હજારો વર્ષોથી ગોઠવાયેલી પ્રાકૃતીક વ્યવસ્થામાં પર્વતો, જળપ્રવાહો અને વનરાજીને કોઈ કરતાં કોઈ તકલીફ નહોતી. સૌ સાથે રહેતાં હતાં. પણ માનવીએ ત્યાં મંદીર નીમીતે વેપારી વ્યવસ્થા (!) ઉભી કરીને જળપ્રવાહોને રોક્યા. પરીણામસ્વરુપ ભયંકર હોનારત થઈ. આ પ્રસંગે પ્રગટેલા ભાવવીચારને મંદાક્રાન્તાના લયમાં ઢાળીને “લય–પ્રલય” નામે જે કાવ્યચેષ્ટા થઈ તેને આધાર કરીને આજે આ કેટલુંક રજુ કરવા મન છે.

*****   *****   *****

શ્રી કનુભાઈ જાનીએ ક્યાંક લખ્યું છે :

“પદ્ય એ કેવળ લયની રમત કે કરામત છે જ્યારે કાવ્ય એ શબ્દની કળા છે. એ ભાવાત્મક પ્રક્રીયા છે, માત્ર બૌધીક નહીં……

“પદ્ય એ કાવ્ય નથી. પદ્ય હોય છતાં કાવ્ય (શબ્દની રમણીય અર્થવાળી કળા) ન પણ હોય. પદ્ય માત્ર તે બધું કાવ્ય નથી હોતું.” 

વાત તો સમજવા જેવી છે. થોડી વધુ વાત મારા તરફથી મુકું તો –

કાવ્યમાં ભાવ અને વીચાર બન્ને હોય છે. વીચાર તે મગજનો ને ભાવ તે હૃદય–મનનો વીષય ગણી શકાય. વીચારને શબ્દો હોય છે; ભાવને શબ્દો નથી હોતા ! અલબત્ત ભાવને વ્યક્ત કરવા માટે શબ્દોની જરુર રહે જ પણ ભાવ અનુભવવાનો વીષય છે. ભાવ જાગે ત્યારે કે અનુભવાય ત્યારે તે શબ્દોમાં હોતો નથી જ્યારે વીચારો શબ્દો સાથે જ આવતા હોય છે.

“લય–પ્રલય”માં મુખ્યત્વે વીચારનું પ્રાધ્યાન્ય જણાશે. પર્વતોમાં ફેલાયેલા પડેલા જંગલ વીસ્તારોમાં સૌ સાથે મળીને રહે છે ને એકબીજાનો ખ્યાલ રાખે છે. પણ મોટી એષણાઓ રાખનારા માનવી સૌનું હીત જાળવવાને બદલે કુદરતે નક્કી કરેલા નીયત–પ્રવાહોને અટકાવે છે/બંધ બાંધે છે ત્યારે તે જ પ્રવાહો બંધીયાર બનવાનું સહન કરી શકતા નથી ને પ્રલયરુપે બધું તોડીફોડી નાખે છે. ને જ્યાં સંવેદનાના શાંત સુરો વહેતા હતા ત્યાં ચીત્કાર પ્રગટાવી દે છે.

આ આખો વીચાર બીજા ખંડમાં તો સાવ ગદ્ય જેવો લાગશે જે કાવ્યને હાનીરુપ બની જઈ શકે છે. જુઓ એ ખંડનો અન્વય કરીએ :

ઉંચા ઉંચા પરવત સમી એષણા રાખનારા (માનવીઓ), અન્યો કેરું હીત સમજી(ને) જો જાળવી ના શકે, ને સૈકાજુની (ને) સહજ (એવી) સમ સંવેદનાના પ્રવાહો(ને) રોકી દેવા(માટે આડા) અડીખમ બધાં બંધબાંધી દીયે તો માતા કેરી હુંફ સમી (જે )ગોદ હતી તે તુટી જાય (છે.) 

આ આખો ખંડ સાવ ગદ્ય જેવો જ જણાશે ! એમાં વીચારને કનુભાઈએ કહ્યા મુજબ “શબ્દની રમણીય અર્થવાળી કળા”થી શણગારાયો નથી. રમણીય અર્થ એટલે વીચારને પણ રમણીયરુપે મુકવાની વાત ! વીચાર શુષ્ક હોઈ શકે છે પણ તેની રજુઆતમાં રમણીયતા ને કલા હોવી જોઈએ….. 

પ્રથમ ખંડમાં ભાવ પણ વીચારની સાથે વણાયેલો જોવા મળશે…ખાસ કરીને “આમન્યાને વશ સહુ રહે સાથ, શાં બાથ ભીડી !” આ પંક્તીમાં…..બીજો ખંડ આખો વીચારને જ પ્રગટ કરે છે. છેલ્લી બન્ને પંક્તીઓ

“વ્હેતા રહેતા સુર મધુર જ્યાં શાંત સંવેદનાના,

રુઠે, ઉઠે ત્યંહી પ્રબળ ચીત્કાર તો  વેદનાના !”માં વીચારની પ્રબળતા જોવા મળશે તો ભાવ પણ પ્રગટ થાય છે…..સાથે સાથે શબ્દયોજના પણ સાવ ગદ્યાળુ બનતી રહી જાય છે ને અંત્યાનુપ્રાસ વડે કંઈક શણગારાયેલી પણ જણાશે…. 

આમ તો મંદાક્રાંતા છંદનો ઉલ્લેખ મેં કર્યો નથી પણ તે છંદ આ રચનામાં લઘગુરુમાં લઈ શકાતી છુટ સીવાય શુદ્ધ સ્વરુપે યોજાયો છે. મંદાક્રાંતા છંદમાં પહેલા ચાર સળંગ ગુરુ અને પછીના પાંચ સળંગ લઘુ પર્વતો–જંગલોમાં વસતાં તોતીંગ અને નાજુક સ્વરુપનાં જીવોને અને સમસંવેદના અને સ્વાર્થ જેવા સામસામા છેડાનાં તત્ત્વોને દર્શાવવામાં ઉપયોગી થઈ શકે છે. 

પ્રથમ ખંડના પ્રથમ આઠ અક્ષરોને બીજા ખંડમાં જેમના તેમ પ્રયોજ્યા છે ! પણ પછીના બે શબ્દો, અનુક્રમે તણી / સમી તથા  ગોદ / એષણા મળીને બન્ને ખંડોમાં વહેંચાયેલા વીરોધાભાસને તીવ્રતાથી પ્રગટ કરવામાં ઉપયોગી થાય છે ! માતાની ગોદ જીવોમાં જોવા મળતો ‘સંપ’ જાણે અજાણ્યે ‘સહોદર’ શબ્દનો અર્થ આપી દે છે તો એષણા માનવીનાં સમગ્ર દુ:ખોના મુળ કારણને દર્શાવીને ખાનાખરાબીનું કારણ પણ સુચવી દે છે !! બન્ને ખંડો વચ્ચે રહેલા વીરોધાભાસને પ્રગટ કરનારી આ યોજના એક બાજુ એકના એક આઠ અક્ષરોથી તો તરત જ આવતા બે વીરોધાભાસી શબ્દોની મદદ વડે તીવ્રતા ઉભી કરવામાં મદદરુપ બને છે….. 

છંદની માફક જ ચૌદ પંક્તીઓની હોવા છતાં આ રચનાને મેં સોનૅટ કહેવાનું ટાળ્યું છે ! મુ. પ્રજ્ઞાદીદીએ એનો ઉલ્લેખ કર્યો જ છે તો કહી શકું કે પ્રથમ બન્ને ખંડોમાં આવતા વીચારપલટા અને છેલ્લે બન્ને પંક્તીની ચોટને સોનૅટના મુળભુત નીયમો સાચવનારાં ગણાવી શકાય…..છતાં મેં હંમેશાં મારી રચનાઓને સાધારણ ગણાવવાનું જ રાખ્યું હોઈ એને બહુ મહત્ત્વ આપ્યું નથી. કાવ્ય પદારથ બહુ મોટી વસ્તુ છે. એને હું મારી રચનાઓની ઓળખ માટે વાપરતો નથી. (સમગ્ર રચનામાં છેલ્લી બે પંક્તીઓના પ્રાસને બાદ કરતાં કોઈ પ્રાસયોજના આ કાવ્યમાં જળવાઈ નથી તે પણ આ રચનાનું નબળું પાસુ ગણાય.) 

પરંતુ આ આખી રચનામાં મને જે સૌથી વધુ ગમ્યું છે તે કાવ્યનું શીર્ષક !! શા માટે ? સમગ્ર રચના કરતાં પણ જેને આટલું મહત્ત્વ આપું છું તેનાં કારણો શાં હોઈ શકે ? 

કોણ કહેશે ?!

 

વસંતને કહેજો કે એકલી ના ’વે !!

“વસંતને કહેજો કે –”નું રસદર્શન  

જુગલકીશોર.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

વસંતને કહેજો કે એકલી ના વે :

પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે

મંજરીઓ લીમડાની લાવે

કે એકલા હૈયાને ઓછું ના આવે ?…વસંતને૦

ગુંબજ ગજાવતા ઘેરી ઘટાના

ટહૌકા બેએક લઈ આવે

કે કોઈના અજજડ અબોલા મુકાવે !વસંતને૦

બળતા પલાશના દાઝેલા અંગના

અંગારા એકબે લાવે

કે કોઈનું કજળેલું કાળજું ધખાવે !વસંતને૦

ચંદનના વગડેથી વરણાગી વાયુની

લહરી એકાદ લઈ આવે

કે સ્થિર કોઈ પાંપણનું પાન ફરકાવે !

જયંત પાઠક (‘બુદ્ધિ પ્રકાશમાર્ચ/૬૫માંથી)

––––––––––––––––––––––––––––––––––––––––––

 

વસંત જેવી ઋતુ, અરે ઋતુઓનો રાજા જ કહો ને. એ જ્યારે વીલસવા તૈયાર હોય ત્યારે એને એકલું રહેવાનું ફાવે ભલા ?! કાવ્યસર્જકને આ વાતની ખબર છે જ. એટલે જ કદાચ સર્જક વસંતને સીધુ જ સંબોધીને કહેતા નથી ! એ તો પાછા કોઈ અન્ય દ્વારા કહેવડાવે છે કે, ‘વસંતને કહેજો કે….’

શા માટે વસંત એકલી ન આવે ? તેનાં કેટલાંક કારણો કવી આપણી સમક્ષ મુકે છે. એમણે જે જે વસ્તુને સાથે લાવવા કહ્યું છે તે બધી વસ્તુ તો તેઓ ન કહેવડાવે તો પણ વસંતની સાથે આવવાની હતી જ. કવીને જેમ તેની ખબર છે તેમ આપણને–ભાવકને પણ ખબર છે જ. ને છતાં સર્જક કહેવડાવે છે કે વસંતને કહેજો કે એકલી ના ’વે !

આ કાવ્યની જે મજા છે તે સાથે આવનારી ચીજો પાસે કવીએ રાખેલી અપેક્ષાઓ છે. દરેક ચીજ જે વસંતની સાથે લાવવાની છે તે ચીજમાં કોઈ ને કોઈ વિશેષતા જોવા મળે છે. ને એ વિશેષતાઓને દર્શાવવાનું જ જે પ્રયોજન તે આ કાવ્ય !!  

વળી વસંતની સાથે આવનારાં આ તત્ત્વો માનવીય નથી. એ બધાં પ્રકૃતિનાં તત્ત્વો છે. એની પાસે કંઈક ને કંઈક એવો જાદુ છે જે માનવીના મનનાં–જીવનનાં સુક્ષ્મ સંચલનોને તીવ્રતાથી અસર કરનારાં છે. કાવ્યમાં કવીએ આ તત્ત્વો પાસેથી કામ લેવામાં જબરી કરામત કરી છે. કુલ ચાર પરીસ્થીતીઓને બતાવી છે ને દરેક સ્થીતીની મુંઝવણને દુર કરવામાં આ તત્ત્વોનો સહારો માગ્યો છે. 

આખા કાવ્યમાં એકલતાની, વીરહની, સંબંધોમાં પડેલી કોઈ તીરાડની ને ગુમસુમ થઈ ગયેલી કોઈ યુવાનીની વેદનાઓને દર્શાવાઈ છે. આ વેદનાઓની તીવ્ર અનુભૂતિને સીધી રીતે ન મુકતાં કવી પહેલાં તો વસંતનાં સાથીદારોને આગળ કરે છે. એમને સંભારીને પછી પેલી મુંઝવણોને, વેદનાભરી સ્થીતીને દર્શાવવે છે ને પછી વેદનાનો અંત કલ્પે છે.

સૌ પ્રથમ એકલતા બતાવી છે. એકલતાની વેદનાને એમણે સાવ ગામઠી ભાષાના શબ્દપ્રયોગથી પ્રયોજી છે : ઓછું આવવું; લાગી આવવું; માઠું લાગવું વગેરે. વસંત જેવી ઋતુ બેસવાની હોય અને કોઈનું પ્રીય પાત્ર દુર હોય ત્યારે એકલા પડેલા પાત્રના હૈયાને ઓછું ન આવે ? અણોહરું ન લાગે ? આવે જ સમયે દુર જનારાનું માઠું ન લાગે ?

મનની આ અતી સુક્ષ્મ સંવેદના છે. વેદનાના તીવ્ર આઘાતો અહીં નથી. ને તેથી જ કવીએ આ સુક્ષ્મ વેદનાનો ઉપાય પણ બહુ જ કોમળ તત્ત્વ દ્વારા સુચવ્યો છે. દર્દ જો કોમળ છે તો ઉપચાર પણ કોમળ જ જોઈએ ! કહે છે –

“પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે મંજરીઓ લીમડાની લાવે…”લીમડાનાં ફુલો કેટલાં નાજુક હોય છે ! એને મંજરી કહ્યાં છે. તે પણ જથ્થાબંધ માગ્યાં નથી…એકબે જ બસ છે, હૈયાને ઓછું ન લાગવા દેવા માટે ! ચામડીના રોગોમાં લીમડાનાં પાનની ડાળખીને શરીર પર ફેરવીને એ રીતે ખંજવાળને સંતોષવાનો રીવાજ છે. આળી થઈ ગયેલી ચામડી પર લીમડાની આ ‘તીરખી’નો સ્પર્શ જ ચાલે, વધુ જોર અહીં આપવાનું ન હોય ! (મુગલે આઝમનું પેલું દૃષ્ય યાદ આવે છે, જ્યારે સલીમ એની અનારકલીના મોં પર કોમળ પીંછું ફેરવે છે તે ?)

ને લીમડાની આ ડાળખીનું વર્ણન કેવા શબ્દોથી કર્યું છે !! પ, મ અને લ જેવા સાવ કોમળ ઉચ્ચારના અક્ષરોનું સાતત્ય કાનનેય કેવું ગમી જાય છે !! આ અલંકાર અહીં કેવો જામે છે !

બીજી વેદના છે, “કોઈના અજજડ અબોલા”ની ને એને મુકાવવાની ! અજ્જડ અબોલડાને તોડવા માટે તીવ્ર અને ગુંબજનેય ગજવી મુકે એવો જોરદાર અવાજ એક માત્ર અસરકારક ઉપચાર બની શકે…અને કોયલના ટહુકાથી વીશેષ બીજું શું હોઈ શકે આ સમયે ?! કવીએ કોયલનું નામ પણ લીધા વગર કોયલનો પરીચય કરાવ્યો છે !! ઘેરી ઘટાનો ટહુકો કહીને કોયલની હંમેશાંની સંતાતા રહેવાની શરમાળ પ્રકૃતીનોય ઉલ્લેખ અહીં થઈ જાય છે ! 

દર્દ જબરું છે, ને દવા પણ જોરદાર જ જોઈએ તેથી ગ, ઘ અને ટ જેવા અક્ષરોને બેવડાવીને પછી કવીએ ‘ટહૌકા’ શબ્દથી ઉપચારની અસરકારકતા બતાવી છે કે શું ?! “ગુંબજ ગજાવતા, ઘેરી ઘટાના ટહૌકા બેએક”વાળી પદાવલી સાંભળો તો ખ્યાલ આવશે કે કોમળ સ્વરો અને તીવ્ર સ્વરો એ કાંઈ ફક્ત સંગીતનો જ વિષય નથી ! કાવ્યના અર્થને પ્રગટાવવામાં આ ધ્વનીઓનો પણ લાભ લેતાં આવડવું જોઈએ.

ત્રીજું દરદ જરા આકરું છે…આ દરદ લગભગ ક્રોનીક જેવું, આયુર્વેદ જેને કષ્ટસાધ્ય કહે છે તેવું છે !! વીયોગના અતીરેકથી કોઈનું કાળજું ઠરી ગયું છે ! કાળજાની ઉષ્મા પર રાખ વળી ગઈ છે. સર્જકે અહીં પણ ગામઠી શબ્દપ્રયોગ કર્યો છે. દેવતા જ્યારે ઠરવા લાગે ત્યારે તેના પર રાખ વળવા લાગે છે. આ કજળી જવાની સ્થીતી સારી નથી તેમ સાવ આશા છોડી દેવા જેવી પણ નથી…કષ્ટસાધ્ય જોકે ખરી ! 

આ દર્દની દવા માટે કવીએ જે ઉપાય બતાવ્યો છે તે આ કાવ્યનું મજાનું પાસું છે. કેસુડાનાં ફુલો જેમણે જોયાં છે તેમને ખબર છે કે કેસુડાની ડાળી સાવ કાળા રંગની હોય છે ને એનાં પર તીવ્ર કેસરી રંગનાં ફુલો (જેના મુળમાં પણ કાળો જ રંગ હોય છે), તે બળી ગયેલી પૃષ્ઠભુમી પર ધગધગી રહેલા અંગાર જેવા શબ્દોથી ચીંધાયેલાં કેસુડાનાં ફુલો માટે કેવી સચોટ યોજના બતાવી આપે છે ! કોઈના કજળી ગયેલા કાળજાને ફરી ધગધગતું કરવા માટે લુહારની ધમણનો અગ્ની જોઈએ !! કવીએ પલાશપુષ્પોની રંગલીલાનો અહીં ભરપુર ઉપયોગ કર્યો છે. 

ને છેલ્લે કાવ્યમાંની નાયીકાના મનોભાવનું અત્યંત સુંદર નીરુપણ થયું છે. વીરહની અસરને તાદૃષ્ય કરીને સર્જકે અપલક પાંપણે પીયુની રાહ જોતી નાયીકાને લગભગ કોમામાં હોય તેવી સ્થીતીએ બતાવી છે ! પાંપણો સ્થીર થઈ જાય તે કઈ સ્થીતીએ નાયીકા પહોંચી ગઈ છે તે બતાવે છે. 

ને એ જ પાંપણને પાંદડાના રુપકથી રજુ કરીને કવીએ કલાની બીજી તરકીબો પણ પ્રગટ કરી છે…કાવ્ય જેવી અત્યંત નાજુક કલાને પ્રગટ કરવામાં કેટલી કાળજી સર્જક લઈ શકે તેનું માપ આ પંક્તીઓમાં નીકળે છે. પાંપણના પાનને ફરકાવવાની અત્યંત નાજુક કામગીરી કરવાની છે. સહેજ પણ ધક્કો વાગે તેવા ઉપચારો અહીં જોખમી પુરવાર થઈ શકે છે. દરદ નાજુક સ્થીતીએ છે, દવા પણ એવી જ હોવી જોઈએ. કયો ઉપચાર સુચવાયો છે અહીં ? જુઓ –

“ચંદનના વગડેથી વરણાગી વાયુની લહરી એકાદ લઈ આવે” બીજું કંઈ જ ન કહેતાં ફક્ત એક જ શબ્દ તરફ આંગળી ચીંધું છું…..“વરણાગી વાયુ”માંનું વિશેષણ જુઓ. વરણાગી શબ્દની પસંદગી આ રોગના ઉપાય તરીકે કેટલી અકસીર દવા બની જાય છે !! (વગડો શબ્દ મને થોડો ખુંચ્યો છે. વનરાઈ જેવો શબ્દ ત્યાં હોત તો સારું હતું.)

ભાવકો ! કાવ્યમાં સર્જક જે લીલાઓ કરે છે તેનો આ તો એક નમુનો છે. કાવ્ય એટલે શબ્દોને આડેધડ ગોઠવી દેવા એમ નહીં. કોઈ સારો વીચાર કે વીચારની ચમત્કૃતીને કાવ્યમાં ઠઠાડી દેવાથી કાવ્ય બનતું નથી…અરે કાવ્યને તો “બનતું” પણ ન કહેવાય. એ તો આપોઆપ સર્જાઈ જાય છે. શબ્દો, પદાવલીઓ, અલંકારો તો આપોઆપ સર્જકને વશ વર્તીને ચાલ્યા આવે છે.

(નેટગુર્જરી પર પ્રગટ એક જુનો લેખ)

 

કળીનું પુષ્પિત થવું – “દલિતમ્ મધુરમ્” !! (मधुराष्टकम्)

‘મધરાષ્ટકમ્’નું રસપાન !                                     

– જુગલકિશોર

 

श्रीमद् वल्लभाचार्य विरचित

मधुराष्टकम्

अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् ।

हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ १

वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम् ।

चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ २

वेणुर्मधुरो   रेणुर्मधुरो  पाणिर्मधुर:  पादौ  मधुरौ ।

नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ३

 गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरम् ।

रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ४

करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरम् ।

वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ५

गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा ।

सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलमं मधुरम् ॥ ६

गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरम् ।

दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ७

गोपा  मधुरा  गावो  मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा ।

दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ८

 

દર વર્ષે જન્માષ્ટમી આવે છે ને સૌ ભાવિકો કૃષ્ણભાવમાં રાચે છે. એમને મન કૃષ્ણ ફક્ત અવતારી પુરુષ નથી. તે તો સૌનો પોતીકો ભગવાન છે, આગવો ભગવાન છે. એટલે સુધી કે ક્યારેક તો તે ભગવાન મટીને વહાલસોયો બાળક, ક્યારેક મિત્ર, ક્યારેક ગુરુ કે શિક્ષક એમ અનેકવિધ સ્વરૂપે સૌની શ્રદ્ધામાં રમમાણ રહે છે.

સૌથી પહેલાં લઈએ મધુરી વાત. શ્રીમદ્ વલ્લભાચાર્યજીને કૃષ્ણનું બધ્ધું જ બધ્ધું મધુર લાગેલું એટલે કહે છે, કે, मधुराधिपतेर् अखिलं मधुरम् (મધુરતાનો જે અધિપતિ છે – મધુરાધિપતિ – તેનું તો બધું જ મધુર હોય.)

પણ એટલું કહે તો સંતોષ શી રીતે થાય ? એટલે પછી તો આખી યાદી આપણી સામે ધરી દે છે. અને એ યાદી કોઈ વૈષ્ણવોએ કરેલા શણગારની યાદી જેવી નથી. આ યાદી તો નરી કાવ્યમય છે. કૃષ્ણની સાથે સંકળાયેલી લગભગ કોઈ ચીજ કે કોઈ પાત્ર એમણે બાકી નથી રાખ્યું.

કૃષ્ણનાં અંગોની મધુરતા :

કૃષ્ણજીનાં હોઠ મધુર, નયન મધુર, હૃદય અને મુખારવિંદ મધુર, પાણિર્ અર્થાત્ હસ્તકમલ ને પાદૌ એટલે ચરણકમલ પણ મધુર છે.

કૃષ્ણજીની સાથે સંકળાયેલી વ્યક્તિઓમાં પણ કવિ મધુરતાનું દર્શન કરે છે :

ગોપા–ગોપલોકો, ગોપીઓ ને એમની સાથે ગાયો પણ હોય જ; પણ યષ્ટિર્ અને સૃષ્ટિર્ પણ ગણાવાયાં છે ! યષ્ટિ એટલે લાકડી –ગોવાળિયાને તો તે હોય જ, પણ આપણા આ ગોપાલે તો ગાયોની સાથે માનવોને પણ હાંક્યાં–ચલાવ્યાં–વળાવ્યાં છે ! ‘લે ને તારી લાકડી ને લે ને તારી કામળી, વાછરું ચરાવવા નહિ જાઉં માવલડી’ કહીને રિસાયેલો કૃષ્ણ ચીમકી આપે છે કે મારું કાર્ય જ હાંકવાનું છે; તું મને મારી રીતે કામ નહિ કરવા દે તો, લે આ તારી લાકડી, મારે નથી કરવાં કાર્ય !

પણ યષ્ટિના બીજા બે અર્થ પણ થાય છે. કોઈ પણ કોમળ, કલાત્મક હોય તે બધું યષ્ટિમાં ગણાય ! એટલે કૃષ્ણનું તો બધું જ કલાત્મક અને કોમળ છે. તેથી સાક્ષાત કોઈ કલાત્મક કૃતિ હોય તેવું શરીર પણ મધુરતાની યાદીમાં આવી જાય ! પણ યષ્ટિનો એક અર્થ થાય છે સેર. એટલે કે માળાના મણકા જેમાં પરોવાયેલા રહે છે તે સૂત્ર–દોરી એટલે પણ યષ્ટિ !! ગીતામાં કહ્યું જ છે, “सूत्रे मणिगणा ईव” સૂત્રમાં, દોરામાં પરોવાયેલા મણકાની જેમ (આ જગત પરોવાયેલું છે). ને એટલે જ તો તરતનો શબ્દ ‘સૃષ્ટિર્’ મૂકી વાત અંકે કરી લીધી છે. એનું આ બધું સર્જન પણ મધુરતાની આ આખી યાદીમાં દર્શાવી દીધું છે. યષ્ટિ અને સૃષ્ટિ – બધું જ મધુર ! જે સૃષ્ટિરૂપ મણકાઓમાં વચ્ચે રહેલી, સૌને બાંધી–જોડી રાખતી સેર જ જો મધુર હોય તો પછી મણકાની તો વાત જ શી કરવી ?!

કૃષ્ણલીલા સાથે જોડાયેલી અનેક વસ્તુઓમાં મધુરતાનાં દર્શન :

કૃષ્ણ સાથે સંકળાયેલી ચીજોમાં તો એનાં વસ્ત્રો – વસનં – (એનાં વસ્ત્રો તો ખરાં જ પણ તેમાં પડેલી કરચલીઓ – ‘વલિતં‘ને પણ ભૂલ્યા નથી ! ‘વલિત’નો એક અર્થ વાંકું પણ થાય છે…બાંકે બિહારી કૃષ્ણની સૌથી વધુ પ્રચલિત મૂર્તિ કટિભંગ કરેલી છે. આ મરોડમાં શિલ્પનું અત્યંત સુંદર રૂપ પ્રગટતું હોય છે. શંકરની તાંડવનૃત્યની મુદ્રા પણ કાવ્યત્વ ભરેલી છે તે પણ આ ભંગિમાને કારણે); વેણુ કહેતાં વાંસળી ને ‘રેણું’ કહેતાં રજ–ધૂળ; ગુંજા એટલે ચણોઠી જેને રતિ – કામદેવની પત્ની પણ કહી છે ને જે તોલમાપમાં સૌથી નાનું માપ ગણાઈ છે તે, નાનામાં નાના અસ્તિત્વને પણ ન્યાય આપનારી છે ! ઉપરાંત માલા….;

યમુના તો યાદીમાં હોય જ પણ યમુનાજલમાં ઊભાં થતાં ‘વિચિ’દલો (જલતરંગો) પણ યાદ કર્યાં છે ! ઉપરાંત સલિલમ્ – જળ, કમલમ્ વગેરે પણ મજાના લય અને રવમાધુર્યથી પ્રયોજાયાં છે….કૃષ્ણની ચીજોની યાદીમાં ‘તિલકમ્’ પણ છે. રૂપં મધુરં, તિલકં મધુરં ! તેના તિલકથી રૂપ પ્રગટે છે કે રૂપથી તેનું તિલક મહત્ત્વ ધરાવે છે ?! કોણ કહેશે ?

કૃષ્ણલીલાઓ – કાર્યોનું માધુર્ય :

કૃષ્ણનાં કેટલાંક કાર્યો જેને લીલા કહેવાઈ છે તેની યાદી પણ જુઓ : એનું વચનં, એનું ચરિતં, એનું ચલિતં (ચાલવું), એનું ભ્રમણં (ભ્રમિતં), એનું નૃત્ય, એનું ગીત

(કૃષ્ણને કોઈએ ગાતાં સાંભળ્યા હોય કે એમણે ‘ગીત’ લખ્યાં હોય તેવું સાંભળ્યું નથી તો પછી ‘ગીતં’ શી રીતે ? હકીકતે ગીતનો અર્થ છે, ‘ગવાયેલું’. કૃષ્ણે જે  ગાયું છે તે = ગીતા એવો અર્થ લઈ શકાય. કારણ કે ગીતાનો એક સંસ્કૃત અર્થ ‘ગવાયેલું’ એવો પણ થાય છે !).

‘પીતં’નો જાણીતો અર્થ પીળું જે એમના વસ્ત્ર માટે જ વપરાતો આવ્યો છે. પીતાંબર એટલે પીળું વસ્ર તો ખરું જ પણ પીતાંબર એટલે જ કૃષ્ણ ! પણ પીતનો અર્થ ‘પીધેલું’ પણ થાય છે. એમનું પીધેલું એટલે શું ? તો કહીશું કે દુનિયાનાં ઝેર, અનેકોનાં અપમાનો, અનેકોનાં ગાળો–ઉપહાસો….ને માતા દેવકીની વેદનાઓ, ગોકુળવાસીઓનો વિરહ, પાંડવોની ને દ્રૌપદીની ચીસો, સુદામાની ગરીબી…કેટલું બધું પીધું છે કૃષ્ણે ! ને હા, ફક્ત વેદનાની જ વાત નથી, તેમણે તો મધુરા રસો પણ આકંઠ પીધા છે ! શરદપૂનમના મહારાસનો પરમ રસ, ગોપીઓ–રાધાનો પ્રણય, તાંદુલનો અને વિદુરની ભાજીનો રસ…ને અરે, પુતનાની છાતીનોય રસ ઘટક ઘટક પીધો જ હતો ને !

પીવાની સાથે જ ખાવાની વાત પણ લઈ જ લઈએ. ‘ભુક્તં’ એટલે ખાધેલું. તેમનું ‘કહેવાતું’ ખાધેલું એટલે પ્રસાદ. વૈષ્ણવોની વિધિમાંના અન્નકૂટ દ્વારા જાણે ભક્તોને પોતાને જ જમવાનું હોય તેમ ઢગલો કરીને ભોજનો પાથરી બેસે ! પણ ખરો પ્રસાદ તો તુલસીપત્ર, એ પણ એમને અર્પેલો પ્રસાદ ગણાય છે. (ગામડાંમાં બહારગામના પરિચિતો રસ્તામાં મળે તો આમંત્રણ આપતાં એમ કહેવાતું હોય છે કે “મારે ત્યાં એંઠું પાડજો !” અર્થાત્ મારે ઘેર જમવા આવજો.) કૃષ્ણનું ભુક્તં એટલે પ્રસાદ. એની મધુરતાની વાત પણ કવિએ યાદ રાખીને કહી છે.

‘કરણમ્’ શબ્દથી કૃષ્ણનાં કાર્યો પણ સૂચવાઈ ગયાં છે. કરણ એટલે કાર્ય–કર્મ–કૃત્ય, સાથે સાથે કરણમ્ નો અર્થ ‘કારણ કે હેતુ’ એવો પણ છે જ. વળી કાર્ય માટેના સાધનને પણ કરણ કહે છે ને શરીર એવો અર્થ પણ કરણમ્ નો થાય છે. કૃષ્ણનું કરણ એટલે એનાં કરણો એમ ગણીને એમની લીલાઓને, એમના શરીરધનને, એમના અવતારી હેતુઓને પણ આ મધુરાષ્ટક ગાતી વેળાએ સંભારવાં રહ્યાં. તો વળી ‘તરણમ્’ દ્વારા કવિ કૃષ્ણની ભવસાગરના તારનાર તરીકેની ઓળખ આપે છે. તો તરણ કહેતાં તરાપો, ‘ઓળંગવું તે’ વગેરે અર્થો પણ સાથે રાખીને આ યાદી ગાવી રહી.

કેટલાંક સૂક્ષ્મકાર્યોની વાત :

ભુક્તં એટલે ભોજન કરવું અને ભોગવવું. કૃષ્ણનું ખાવું ત્રણ જગ્યાનું બહુ જાણીતું છે. નાનપણમાં માખણ ખાઈને મુખસૌંદર્યનો નમૂનો એમણે પૂરો પાડ્યો છે ! ચોર કહેવાઈને પણ તેમણે માખણને મોં પર લપેટાવ્યા કર્યું છે. એમનાં બે પરાક્રમો એટલાં પ્રસિદ્ધ થયાં કે તે જયઘોષ બની રહ્યાં : “જય રણછોડ, માખણ ચોર !” એમનું ‘ભાગવું’ ને ‘ભોગવવું’ પણ નમૂનારૂપ, ગાવાલાયક બની ગયું છે !!

એમના બીજા ભોજનમાં આપણે તેમને સુદામાના તાંદુલ મુઠ્ઠી ભરીભરીને ખાતા જોઈએ છીએ. શુદ્ધ મૈત્રીનો અને બે વ્યક્તિ વચ્ચેની અસમાનતાને ભાંગી નાખવાનો તેમનો સંદેશ જગપ્રસિદ્ધ બનીને રહ્યો છે, તો રાજભવનનાં ભોજન ત્યજીને વિદુરની ભાજીનું તેમણે કરેલું ત્રીજું જાણીતું ભોજન રાજકારણની કેટલીક નીતિને બતાવનારું છે !  વિષ્ટિકારને માટે તટસ્થ વ્યક્તિને ઘેર જમવાનું બહુહેતુક ગણાય ! કૃષ્ણે આ ભોજન દ્વારા એક રાજકીય સંદેશ પણ પૂરો પાડ્યો છે. ઉપરાંત વિદુરજી જેવાનો મહિમા પણ આ બહાને તેમણે પ્રગટ કર્યો છે. આ ત્રણ ભોજનોમાં કૃષ્ણજીનું જમવું પણ અનુક્રમે કેટલું કાવ્યમય, કેટલું મૈત્રીપૂર્ણ, કેટલું દૂરદર્શી ને વ્યક્તિને સમજનારું બની ગયું છે !

પછીનો એક શબ્દ છે, સુપ્તમ્. સુષુપ્તિ એટલે ગાઢ નિદ્રા અને નિષ્ક્રિયતા. કૃષ્ણની નિષ્ક્રિયતા હોઈ શકે ખરી ? આમ જોવા જઈએ તો ના. પરંતુ એમણે અનેક પ્રસંગોએ જે ક્ષમાદાન કર્યાં છે તેમાં એમનું સુપ્તમ્ અનુભવાય છે. એમણે મહાવીરોને સાવ સહજતાથી હણ્યા છે પણ અનેકોને ક્ષમા આપીને જાણે સુપ્તિને સૂક્ષ્મ લીલારૂપ બનાવી દીધી લાગે છે. પણ ખરી નિષ્ક્રિયતા તો એમણે મહાભારતના યુદ્ધમાં હથિયાર ન લેવાનું નક્કી કરીને બતાવી છે. એકલા જ સમગ્ર સૈન્યને પૂરા અડે તેવા આ ‘અવતારી’ને વળી સક્રિયતા શું ને નિષ્ક્રિયતા શું ?! પણ એમણે એ જમાનાની પ્રણાલીને અપનાવીને જેમની વચ્ચે ઝઘડો છે તેમને જ આગળ કર્યા છે. સત્યનો પક્ષ લઈને તેઓ પાંડવપક્ષે ગયા છે એમ કહેવું પણ  આ સંદર્ભે યોગ્ય નહીં ગણાય, કારણ કે એમણે તો પસંદગીની તક અર્જુન–દુર્યોધન બન્નેને આપી જ હતી. દુર્યોધન એમને પસંદ કરી જ શક્યો હોત. પણ પોતે ‘યુદ્ધે ચ પલાયનમ્’ નહીં પણ યુદ્ધેષુ તાટસ્થ્યં આગળ કરીને સુપ્તિનો એક અતિ ઊંચો આદર્શ સ્થાપ્યો છે. ભુક્તમ્ ને સુપ્તમ્ બન્નેને સાથે મૂકીને સર્જકે ખરી મજા કરી છે ! 

એમનું હરણમ્ એટલે લૂંટવું, ઝૂંટવવું, મારવું, નાશ કરવો કે મોક્ષ આપવો ! હરવું શબ્દના તો પરસ્પર વિરોધી લાગે તેવા અર્થો પણ છે. પકડવું અને છોડવું ! લેવું, લઈ જવું અને દૂર કરવું પણ ! ગોપીઓનાં વસ્ત્રો, ગોપલોકોનો પ્રેમ વગેરેમાં ‘ચોરવું’ શબ્દનું કેવું સાર્થક્ય જોવા મળે છે ! પ્રાણ હરવા કે મોક્ષ આપવો વગેરે પણ સાંભરી રહે છે.

રમણંમાંની રમ્ ધાતુ આનંદ પામવો, રત થવું, ક્રીડા કરવી, વિરમવું વગેરે દર્શાવે છે, તો રમ એટલે રમી રહેવું, રમમાણ થવું.  

વમિતં એટલે ગુજરાતીમાં પણ ઊલટી કરવી એવો અર્થ છે પણ તેના કેટલાક વિશિષ્ટ અર્થો પણ છે. જેમ કે છોડવું. તેજકિરણોનું છૂટવું; ઉપરાંત ફેંકવું–ફેંકી દેવું, કાઢી નાખવું, દૂર કરવું. ગોકુળથી મથુરા ગયા તે સાથે જ એમણે શું શું છોડ્યું છે તે તો ગોપલોકોને ને રાધાને પૂછીએ તો જ સમજાય !! શમિતં એટલે શાંત પમાડેલું, નાશ કરેલું, રોગ વગેરેને મટાડનારું. અવતારી પુરુષ તરીકે એમણે જેમને હણ્યા છે તેમને પણ શાંતિ આપી મનાય છે. એમના હાથે મરવા માટે તો ભીષ્મ પણ રાજી હતા…પણ અર્જુને તેમ ન થવા દીધું ! યુક્તં એટલે બાંધેલું, ઉપરાંત કુશળ–ચતુર; તો મુક્તં એટલે વિયોગવાળું, તજેલું, ઉપરાંત ખીલેલું, મુક્તિઆપેલું ! દૃષ્ટં એટલે જોએલું–જાણેલું જ્ઞાનભર્યું. તો શિષ્ટંના અર્થો જોઈએ તો બાકી વધેલું, મુખ્ય, ડાહ્યું એમ થાય છે.

હવે જોઈએ દલિતંનો અર્થ. દલિત એટલે કચડાયેલું એવો જે અર્થ છે તેમ બીજો બહુ મજાનો અર્થ પણ છે. દલ એટલે પુષ્પની પાંદડી. કળીરૂપે તે હોય છે ત્યારે તેની પાંદડી દેખાતી નથી પણ જ્યારે તે પુષ્પરૂપ ધારણ કરે છે ત્યારે દલ–પાંદડીઓ પ્રગટે છે. એટલે કે દલિતં એટલે દલરૂપ બનેલું, વિકસેલું–ખીલેલું !!

તો ફલિતં ફળ આપનારું, સિદ્ધ કરનારું; અને હસિતં એટલે પણ હસતું, ખીલેલું–ઊઘડેલું. ગમનંનો વિશેષ અર્થ ગતિ–ચાલ ઉપરાંત પાસે આવવું અને જવું પણ થાય ! વચનં એટલે કથન, કહેલું, શાસ્ત્રવાક્ય, ઉપદેશ વગેરે. ને ચરિતં એટલે તો આચરણ, વર્તન, ચરિત્ર વગેરે. તથા સખ્યં એટલે મૈત્રી ખાસ તો બે જણાની સાથેની મૈત્રી – સુદામા ને અર્જુનની !

કાવ્યનું માધુર્ય :

કૃષ્ણજીવનના દરેક અંગનું માધુર્ય ગાનારા વલ્લભાચાર્યજીના આ કાવ્યની બહુ જાણીતી વિશેષતા કાવ્યની કર્ણમંજુલતા છે !! કાવ્ય જેણેજેણે સાંભળ્યું છે તેઓ એ કાવ્યનું રવમાધુર્ય માણ્યા વિના રહી શકતા નથી. કાનમાં જાણે કોઈ કંકણનો રણકાર કરતું હોય તેવું લાગ્યા કરે છે. સંસ્કૃતના શબ્દોની મધુરતાનો પરિચય ગદ્યમાં થતો નથી. સંસ્કૃત ગદ્ય કર્કશ લાગશે પણ પદ્યસ્વરૂપે તો તે અત્યંત મધુર જ લાગશે. પ્રસ્તુત કાવ્યમાં જે વિશેષ મધુરતા છે તેનું કારણ તેમાંના મધ્યાનુપ્રાસો છે. દરેક પંક્તિને છેડે આવનારા પ્રાસ અંત્યાનુપ્રાસ ગણાય છે તેમ આ કાવ્યમાંની પંક્તિપક્તિમાં વચ્ચે પ્રાસ આવે છે તેણે કાવ્યની મધુરતાને ચરમ કોટિએ પહોંચાડી છે. દાખલા આપવાને બદલે કહું તો આખા કાવ્યમાંની ફક્ત ને ફક્ત બે જ પંક્તિઓ એવી છે જેમાં મધ્યાનુપ્રાસ નથી, ગુંજાવાળી પંક્તિ અને ગોપીવાળી પંક્તિમાં જ આ પ્રાસ નથી; બાકીની બધી જ પંક્તિઓ પ્રાસમાધુર્યથી રણકે છે !! ઉપરાંત યમક જેવા અલંકારો પણ ધ્યાન ખેંચનારા રહ્યા છે.

જન્માષ્ટમીના પાવન પ્રસંગ નિમિત્તે આ લખવાનો મોકો મળ્યો તેને હું સદ્ભાગ્ય સમજું છું. મારા પિતાજી વૈષ્ણવોની હવેલીમાં મુખિયાજી હતા. હું તો નાસ્તિકતા–આસ્તિકતા વચ્ચે ઝોલા ખાતો રહ્યો છું. પરંતુ ક્યારેક આવી તક હવેલીના સાન્નિધ્યે લઈ જાય છે ત્યારે પાંસઠ વર્ષો ખરી પડે છે !!

એટલે મધુરાષ્ટકનું ગાન કરવાના આવા પ્રસંગે ધન્યતાનો અનુભવ થાય ને સાથે સાથે મારું કવિમન પણ કશુંક ઉમેરીને ગાઈ ઊઠે કે –

ચૌર્યં મધુરં, શૌર્યં મધુરં, ક્રોધં મધુરં, બોધં મધુરમ્

દંડં મધુરં, ક્ષમ્યં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ !! (–જુ.)

વિવેક ટેલરની એક કવિતા અંગે દેવિકા ધ્રુવ

નજર્યુંની વાગી ગઈ ફાંસ..

 

ભરબપ્પોરે ભરમેળામાં નજર્યુંની વાગી ગઈ ફાંસ,
એક-એક પગલાના અધ્ધર થ્યાં શ્વાસ

દલડાની પેટીમાં સાચવીને રાખેલા 
ઊઘડી ગ્યાં સાતે પાતાળ;
ગોપવેલી વારતા હરાઈ ગઈ પલકારે,
ચોરીનું કોને દઉં આળ?
અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.

છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં
અને ફૂટ્યા છ કાન આખા મેળાને
લાલઘુમ્મ ચહેરાનું કારણ પૂછો તો,
મૂઈ, ગાળો ન દઉં આ તડકાને?
મેળો બનીને હું તો રેલાઉં મેળામાં, ઊભ્યા-વહ્યાનો નથી ભાસ.

ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું,
ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે 
‘વાંહે આવ્યો તું’નો ઢોલ. 
મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.

–વિવેક મનહર ટેલર
(૨૦-૦૧-૨૦૦૮)

 

જાન્યુ. ૨૦૦૮માં લખાયેલું આ ગીત  પહેલી વારમાં જ મનમાં વસી ગયું હતું. તે પછીની તરતની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં વાંચ્યું હતું. આજે ફરી શોધીને ખાસ વાંચ્યું અને રસદર્શન કરવાનું મન થયું. ( ફેબ્રુ.૨૦૧૭)

 

ગીતનો ઉપાડ જ કેવું મઝાનું મેળાનુ ચિત્ર મનમાં ઊભું કરે છે? બપોરનો સમય, મેળો, માનવમહેરામણ, કોઈની નજર અને શ્વાસનું અધ્ધર થવું.. પ્રથમ બે પંક્તિમાં તો ઘણું ઘણું કહી દીધું અને તે પણ એકદમ અસરકારક રૂપક અલંકાર પ્રયોજીને..!” નજરની અનુભૂતિની એ તીવ્રતાને “વાગી ગઈ ફાંસ” અને“પગલાંના અધ્ધર થ્યાં શ્વાસ” જેવા શબ્દ અને પ્રાસ યોજીને જાણે વાચકની જિજ્ઞાસાને અધ્ધર કરી દીધી! આ શરુઆતની પંક્તિમાં જ આટઆટલું ભરી દેનાર કવિનું કવિકર્મ ઝળકી ઊઠે છે.

 

પહેલા અંતરામાં, તળપદી લોક-બોલીમાં  ગામડાની એક ભોળી મુગ્ધાનું વરવું વર્ણન મન હરી લે છે. પહેલવહેલો પ્રેમ અનુભવતી નાદાન છોકરીનું હૈયું કંઈક નવા અને જુદા ધબકારા સાંભળવા માંડે છે. ક્યાંય સીધી વાત નથી છતાં “કશુંક તો ચોરાઈ ગયું છે” ની લાગણી પછી મંથન તો જુઓ?” “ચોરીનું કોને દઉં આળ?”આ ચોરી  હકીકતે તો ગમી ગઈ છે ને? ને તે પછી તો કવિએ વિષયને અનુરુપ છોકરીના હાવભાવનું પહેલી પહેલી વાર થતી અંગભંગીનું વર્ણન કરી,જરી શૃંગાર રસની છાલક પણ “અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.”દ્વારા રંગભીની કરી છે. એક અંગડાઈ લેતી છોકરીનું ચિત્ર ઉભું થાય છે.

 

તે પછી બીજા અંતરામાં કવિતાનો, એના વિષયનો ક્રમિક વિકાસ પણ યથોચિત છે. કાચી કુંવારી એ વયમાં સૌથી પહેલી વાત સહિયરને કહેવાનું મન થાય એ રીતે “છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં” કહીને કેવી ફરિયાદ કરે છે કે અહીં મારા ધબકારા વધી ગયા છે પણ  જાણે એ સંભળાય છે મેળાના લોકને! કાવ્યની નાયિકાના દિલની  અદ્ભૂત હિલચાલ ખૂબ જ સાહજિકતાથી અહીં ગૂંથાઈ ગઈ છે.  અત્યંત ઋજુતાથી પોતાના ગાલની લાલાશનુ કારણ પણ મીઠી રીસથી તડકાને સોંપી દઈ,મનમાં મલકતી અને શરમાતી છોકરી આપણી નજર સામે છતી થાય છે. “મેળો બનીને રેલાતી મેળામાં”એ શબ્દથી, માધુર્ય અને લયની સાથે મન-નર્તન સહજ પણે ઉભરે છે.

 

 ત્રીજો આખો યે અંતરો,એના શબ્દેશબ્દમા “ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું…થી માંડેની “તું નો ઢોલ”મેળાને અનુરુપ ચકડોળ, ઢોલ ધ્રમ ધ્રમ, વાંહે વગેરે તળપદા શબ્દપ્રયોગને કારણે વાતાવરણના મેળા સાથે પ્રેમમાં પડેલી મનો–અવસ્થા તાદૃશ બની ખીલી ઉઠે છે. છેલ્લી પંક્તિ “મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.” અનેક અર્થછાયાઓ ઉભી કરે છે. ગમતું અણગમતું કરીને, જાણે કે પોતાની જાતને અળગી કરી, સ્રી સહજ ‘પ્ર્થમ અસ્વીકાર’નું બહાનુ બતાવતી દોષારોપણ તો સામા પાત્ર પર જ ઠાલવી દે છે!!! પ્રથમ પ્રણયની સંવેદનાનું આટલું નાજુક અને બારીક નક્શીકામ ! અને તે પણ એક પુરુષની કલમે! વ્યવસાયે ડોક્ટર એવા કવિએ તો હૈયાના એક્સરે (X-ray)નો રિપોર્ટ બખૂબી કંડારી દીધો!!

નખશીખ સુંદર લયબધ્ધ આ ગીત માનસપટ પર અમીટ છાપ મૂકી જાય છે. જેટલી વાર વંચાય એટલી વાર આ ગીત તાજું તાજું જ લાગે. કવિ શ્રી વિવેક ટેલરને ખૂબ ખૂબ અભિનંદન. સાહિત્ય જગતને આવા જ ગીતો અમરતા બક્ષે એમાં કોઈ શંકા નથી.

 

દેવિકા ધ્રુવ

 

‘બંસીમાં બે બોલ…..’ રસદર્શન : દેવિકા ધ્રુવ

રસદર્શનઃ

 

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા……મારીo

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા. …મારીo

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.  …મારીo

સુંદરમ્

 

ગાંધીકાલીન કવિઓમાંના ઊંચી કોટિના અગ્રણી કવિ એટલે સુંદરમ. ‘સુંદર‌મ’ તેમનુ ઉપનામ અને મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તેમણે એક લીટીમાં પ્રેમનું ઉપનિષદ લખ્યું છે, વિરાટની પગલીમાં પ્રભુદર્શન કરાવ્યું છે તો પુષ્પ તણી પાંદડીમાં પ્રકૃતિ સહિત પરમતત્ત્વની અદભૂત વાત પણ કરી છે. આવા મહાન કવિ સુંદરમની ઉપરોક્ત કવિતા ખુબ કર્ણમંજુલ અને મનોહારી છે.

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા’ થી શરુઆત કરીને, જરાક રમતિયાળ રીતે એક ઊંચો અને અસામાન્ય વિષય આરંભ્યો છે અને તરત જ ‘મારી વીણાની વાણી જગાડી તું જા’ કહીને ભીતરના ભાવને પ્રસ્થાપિત કરી મૃદુતાભરી અરજ પણ આદરી દીધી છે. કઈ બંસી અને કઈ વીણા એના ઘટસ્ફોટની ભાગ્યે જ જરૂર રહે છે. એક સંસારી કવિને મન અહીં કવિતાની બંસી કે સાહિત્યની વીણાની સાથે સાથે સંસારની આધિ-વ્યાધિ અને સંઘર્ષ પણ અભિપ્રેત હોય તેમ લાગ્યા વગર રહેતું નથી. છતાં યે લેશ માત્ર દર્દનો સૂર સંભળાતો નથી. એટલું જ નહિ, ત્રણે અંતરા તો જુઓ?

ઈશ્વર ક્યાં જવાબ આપવાનો છે? એમ વિચારી પાછા કવિ પોતે જ મઝાના ઉપાયો પણ સૂચવે છે. એક અતિ પ્રેમાળ માનુનીની જેમ ધીરે ધીરે ખભા ઉલાળી, ડોલતા ડોલતા, રીસાતા, રીઝાતા, મરકતા, સરકતા કહે છે કે, ‘ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણલું બતાડી તું જા.’ કેટલી વર્ણાનુપ્રાસભરી મધુર લયાત્મક્તા અને કેટલી આબેહૂબ ચિત્રાત્મકતાથી ભરીભરી પંક્તિઓ છે ! પિયાનું સંબોધન કરી ઇશ્વરને પલાળવાની આ તે કેવી પ્રેમભરી પ્રયુક્તિ !

પછી બીજા અને ત્રીજા અંતરામાં એ જ સુંદર લયમાં નાગદમનની, શબરીની, નૈયાપારની વગેરે પ્રખ્યાત અને ચમત્કારિક વાર્તાઓની યાદ અપાવીને, શબ્દે શબ્દમાં મીઠાશ વેરીને ‘તારે તારવા હોય તો તું કોઈ પણ રીતે તારી જ શકે છે.’ એવી પોતાની અંતરની શ્રધ્ધા વ્યકત કરી દીધી છે. અહીં કવિ ખુદ મથે છે, સ્વયંને જ સમજાવે છે અને સફળ પણ થાય છે. તેથી જ તો છેલ્લે ‘મનના માલિક તારી મોજના હલેસે, ફાવે ત્યાં એને હંકારી તું જા’ કહી સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. સમર્પણની સાથે સાથે પોંડિચેરીના આશ્રમના એક સાધકની સાચી અનુભૂતિનો રણકાર સંભળાય છે. કવિતા માત્ર નિજાનંદે લખાયેલ નથી તે પરખાય છે. સમાજને એક ઉંચો અને ગર્ભિત સંદેશ મળે છે કે, ફાવે ત્યાં હંકારાતી લાગતી આ હોડીને આખરે યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને, માલિક જ પાર પાડશે. સફળ જીવનની ચાવી સમું આ મનોબળ અને આત્મ-શ્રધ્ધા ખુબ સહજ રીતે પ્રગટ થયાં છે; જે ભાવકના મનમાં દ્રઢપણે અંકિત થઈ જાય છે.

આખા યે કાવ્યમાં શરુઆતથી એક નક્કી વિષયને પકડીને એને ક્રમિક રીતે ઉઘાડ મળતો ગયો છે. કોઈ દુન્યવી કારણોસર શાંત અને અચેતન થયેલી સુષુપ્ત શક્તિઓને જગાડવા માટે પરમના આધારની અપેક્ષા અને અરજનો સ્પષ્ટ ભાવ લઈને કવિની કલમ આગળ ગતિ કરી રહી છે. લય, રૂપકો, સંકેતો, ચિત્રાત્મકતા, અલંકાર, ઉચિત શબ્દ-પ્રયોગો, ખળખળ વહેતા ઝરણા જેવો મઝાનો વર્ણાનુપ્રાસ અને આ બધાની વચ્ચે ભાવભર્યું કર્ણપ્રિય સંગીત જાણે ગૂંજતું રહ્યું છે. સૃષ્ટિના સૌંદર્યને જેણે સંપૂર્ણપણે માણ્યું છે, પ્રિયપાત્રને જેણે પ્રખર સહરાની તરસથી ઝંખ્યું છે અને પરમ તત્ત્વને જેણે સમર્પિત થઈ વાંછ્યું છે એ જ વ્યક્તિ આવી ઉત્તમ, કાવ્યત્વથી ભરીભરી કલાત્મક રચના સાહિત્ય-જગતને આપી શકે. વાંચતા વાંચતા અને વાંચ્યા પછી પણ ગણગણવું ગમે તેવા મઝાના આ ગીત/કાવ્યના સર્જકને અને તેમના કલામય કવિકર્મને સો સો સલામ.

 

દેવિકા રાહુલ ધ્રુવ
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.  …મારીo

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા. …મારીo

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.  …મારીo

– સુંદરમ્

 

ગાંધીકાલીન કવિઓમાંના ઊંચી કોટિના અગ્રણી કવિ એટલે સુંદરમ. ‘સુંદર‌મ’ તેમનુ ઉપનામ અને મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તેમણે એક લીટીમાં પ્રેમનું ઉપનિષદ લખ્યું છે, વિરાટની પગલીમાં પ્રભુદર્શન કરાવ્યું છે તો પુષ્પ તણી પાંદડીમાં પ્રકૃતિ સહિત પરમતત્ત્વની અદભૂત વાત પણ કરી છે. આવા મહાન કવિ સુંદરમની ઉપરોક્ત કવિતા ખુબ કર્ણમંજુલ અને મનોહારી છે.

‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા’ થી શરુઆત કરીને, જરાક રમતિયાળ રીતે એક ઊંચો અને અસામાન્ય વિષય આરંભ્યો છે અને તરત જ ‘મારી વીણાની વાણી જગાડી તું જા’ કહીને ભીતરના ભાવને પ્રસ્થાપિત કરી મૃદુતાભરી અરજ પણ આદરી દીધી છે. કઈ બંસી અને કઈ વીણા એના ઘટસ્ફોટની ભાગ્યે જ જરૂર રહે છે. એક સંસારી કવિને મન અહીં કવિતાની બંસી કે સાહિત્યની વીણાની સાથે સાથે સંસારની આધિ-વ્યાધિ અને સંઘર્ષ પણ અભિપ્રેત હોય તેમ લાગ્યા વગર રહેતું નથી. છતાં યે લેશ માત્ર દર્દનો સૂર સંભળાતો નથી. એટલું જ નહિ, ત્રણે અંતરા તો જુઓ?

ઈશ્વર ક્યાં જવાબ આપવાનો છે? એમ વિચારી પાછા કવિ પોતે જ મઝાના ઉપાયો પણ સૂચવે છે. એક અતિ પ્રેમાળ માનુનીની જેમ ધીરે ધીરે ખભા ઉલાળી, ડોલતા ડોલતા, રીસાતા, રીઝાતા, મરકતા, સરકતા કહે છે કે, ‘ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણલું બતાડી તું જા.’ કેટલી વર્ણાનુપ્રાસભરી મધુર લયાત્મક્તા અને કેટલી આબેહૂબ ચિત્રાત્મકતાથી ભરીભરી પંક્તિઓ છે ! પિયાનું સંબોધન કરી ઇશ્વરને પલાળવાની આ તે કેવી પ્રેમભરી પ્રયુક્તિ !

પછી બીજા અને ત્રીજા અંતરામાં એ જ સુંદર લયમાં નાગદમનની, શબરીની, નૈયાપારની વગેરે પ્રખ્યાત અને ચમત્કારિક વાર્તાઓની યાદ અપાવીને, શબ્દે શબ્દમાં મીઠાશ વેરીને ‘તારે તારવા હોય તો તું કોઈ પણ રીતે તારી જ શકે છે.’ એવી પોતાની અંતરની શ્રધ્ધા વ્યકત કરી દીધી છે. અહીં કવિ ખુદ મથે છે, સ્વયંને જ સમજાવે છે અને સફળ પણ થાય છે. તેથી જ તો છેલ્લે ‘મનના માલિક તારી મોજના હલેસે, ફાવે ત્યાં એને હંકારી તું જા’ કહી સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. સમર્પણની સાથે સાથે પોંડિચેરીના આશ્રમના એક સાધકની સાચી અનુભૂતિનો રણકાર સંભળાય છે. કવિતા માત્ર નિજાનંદે લખાયેલ નથી તે પરખાય છે. સમાજને એક ઉંચો અને ગર્ભિત સંદેશ મળે છે કે, ફાવે ત્યાં હંકારાતી લાગતી આ હોડીને આખરે યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને, માલિક જ પાર પાડશે. સફળ જીવનની ચાવી સમું આ મનોબળ અને આત્મ-શ્રધ્ધા ખુબ સહજ રીતે પ્રગટ થયાં છે; જે ભાવકના મનમાં દ્રઢપણે અંકિત થઈ જાય છે.

આખા યે કાવ્યમાં શરુઆતથી એક નક્કી વિષયને પકડીને એને ક્રમિક રીતે ઉઘાડ મળતો ગયો છે. કોઈ દુન્યવી કારણોસર શાંત અને અચેતન થયેલી સુષુપ્ત શક્તિઓને જગાડવા માટે પરમના આધારની અપેક્ષા અને અરજનો સ્પષ્ટ ભાવ લઈને કવિની કલમ આગળ ગતિ કરી રહી છે. લય, રૂપકો, સંકેતો, ચિત્રાત્મકતા, અલંકાર, ઉચિત શબ્દ-પ્રયોગો, ખળખળ વહેતા ઝરણા જેવો મઝાનો વર્ણાનુપ્રાસ અને આ બધાની વચ્ચે ભાવભર્યું કર્ણપ્રિય સંગીત જાણે ગૂંજતું રહ્યું છે. સૃષ્ટિના સૌંદર્યને જેણે સંપૂર્ણપણે માણ્યું છે, પ્રિયપાત્રને જેણે પ્રખર સહરાની તરસથી ઝંખ્યું છે અને પરમ તત્ત્વને જેણે સમર્પિત થઈ વાંછ્યું છે એ જ વ્યક્તિ આવી ઉત્તમ, કાવ્યત્વથી ભરીભરી કલાત્મક રચના સાહિત્ય-જગતને આપી શકે. વાંચતા વાંચતા અને વાંચ્યા પછી પણ ગણગણવું ગમે તેવા મઝાના આ ગીત/કાવ્યના સર્જકને અને તેમના કલામય કવિકર્મને સો સો સલામ.

 

દેવિકા રાહુલ ધ્રુવ

રસદર્શન : ફુલનું અને કાવ્યનું અને –

”સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે;

સૌંદર્યો પામતાં પહેલાં સુંદર બનવું પડે.”

ફુલનું કે કાવ્યનું સૌંદર્ય એ અલબત્ત માણવાની બાબત છે. એટલે ફુલ કે કાવ્ય પાસે જઈને એના સૌંદર્યને માણવાનો અધીકાર હર કોઈનો હોઈ શકે છે. પણ ઉપરોક્ત પંક્તીઓમાં કહેવાયા પ્રમાણે સૌંદર્ય માણવા માગનાર પોતે જો સુંદર ન હોય તો શું એ સૌંદર્ય માણી ન શકે ? કુરુપ વ્યક્તીને શું સૌંદર્ય માણવાનનો અધીકાર નથી ?

અહીં સુંદર અને સૌંદર્ય બન્ને શબ્દો અંગે કેટલુંક વીચારવા જેવું છે ખરું. વ્યાકરણની દૃષ્ટીએ સુંદર એ વીશેષણ છે અને સૌંદર્ય તે નામ છે. સૌંદર્યનું ગુજરાતી સુંદરતા થશે. સૌંદર્ય, સુંદરતા, સુંદરપણું એ પામવાની વાત છે જ્યારે સુંદર વીશેષણ પામનારની લાયકાત સુચવે છે. સુંદર બનવાની વાત સૌંદર્યને પામવા માટેની શરતરુપે અહીં રજુ થઈ છે.

સૌંદર્ય ફુલનું હોય કે કાવ્યનું કે પછી કોઈ માનવીનું કે પશુપંખીઓમાં રહેલું હોય તે…..પણ તેને પામવા માટે માનવીએ બાહ્ય રીતે સુંદર બનવું, એટલે કે રુપાળા બની જવું અનીવાર્ય નથી ! પરંતુ વસ્તુ–વ્યક્તીમાં રહેલી સુંદરતાને ઓળખવા–સમજવા–પામવા પુરતી આંતરીક લાયકાત મેળવી લેવી જરુરી હોય છે. દુરથી સુંદર દેખાતી ચીજ ઘણી વાર છેતરી જાય છે. ક્યારેક સાવ અડીને જ રહેલી ચીજ કે વ્યક્તી ઓળખી ન શકવાના કારણે ધાર્યા કરતાં જુદો જ અનુભવ કરાવી જાય છે !

જીવનની કેટલીય બાબતોની માફક જ સૌંદર્યને પામવા જેવી નાજુક બાબતો માટે પણ ‘લાયકાત’ કે ‘અધીકાર’ જરુરી હોય છે.

ફુલોની સાથે સંકળાયેલી અનેક બાબતોમાંની એક એની સુંદરતા છે. ફુલ તો વનસ્પતીની પ્રજનનક્રીયાનું એક અંગ છે. પોતાની જાતીનો વંશ આગળ વધારવા માટેનું એક માધ્યમ છે. પરંતુ માનવીને મળેલી જ્ઞાનેન્દ્રીયો દ્વારા એ ફુલને પોતાની પંચેન્દ્રીયોનીય ઉપર રહેલા મનના આનંદ માટે  પામવા મથે છે. ફુલને જોઈને માનવ આકર્ષાય છે તે એના બાહ્ય સૌંદર્યથી કે જે એને ચક્ષુ દ્વારા પામે છે. માનવની આંખ ફુલના રંગ અને રુપ એટલે કે આકારને જુએ છે. પછી આગળ વધીને તે ફુલનો સ્પર્શ કરે છે ને એ રીતે એની કોમળતા, એની સુંવાળપને સ્પર્શેન્દ્રીય દ્વારા માણે–પામે છે. ત્યાર બાદ માનવ ઘ્રાણેન્દ્રીય દ્વારા સુગંધને પામે છે….ગુલાબ જેવાં કેટલાંક ફુલોને તે જીભ વડે પણ સ્વાદે છે; જોકે આવા કીસ્સામાં અહીં સ્વાદ કરતાં આરોગ્ય જેવા બીજાં કારણો ભાગ ભજવતાં હોય છે. આમ, આ રીતે એક ફક્ત કર્ણેન્દ્રીય સીવાયની બધી જ જ્ઞાનેન્દ્રીયો મારફત માનવ ફુલના બાહ્યાભ્યંતર સૌંદર્યનો આનંદ માણે છે.

ફુલ સાથે, સૌંદર્ય સીવાયના પણ કેટલાય સંદર્ભો સંકળાયેલા હોય છે. ફુલનો એક સંદર્ભ ભક્તી સાથે જોડાયેલો છે. મંદીરમાં મુર્તી સમક્ષ તે મુકાય છે તો તોરણરુપે તે ભક્તી ઉપરાંત તહેવારો–પ્રસંગોમાં સુશોભનસામગ્રી તરીકે પ્રયોજાય છે. લગ્નપ્રસંગે તો ફુલો શણગારમાં, ફુલદડી જેવી રમતોમાં કે વરવધુને પોંખવા–વધાવવા જેવાં પ્રસંગોમાં વીવીધરુપે પ્રયોજાય છે.

આરોગ્યજગતમાં ગુલકંદ જેવી અનેક ઓષધીઓમાં ફુલોનો સંદર્ભ રહે છે. સ્ત્રીઓના શણગાર માટે વેણીરુપે તે એક નવું પરીમાણ પણ પામે છે, તો મૃત્યુ જેવા પ્રસંગે તે મરનારની વીદાયને માટેનું બીજું !

આમ આ ફુલો એની ઉપયોગીતાને લીધે તો ખરાં જ પરંતુ વીશેષ તો એના સૌંદર્યને કારણે સહુજનપ્રીય બની રહે છે. ફુલોના સૌંદર્યને પામવાની ને માણવાની સહજ વૃત્તી આપણામાં રહેલી છે.

પરંતુ એક મજાની વાત એ છે કે, કેટલાકોને ફુલોનો આનંદ લીધા પછી એ આનંદને અન્યોમાં વહેંચવામાં જ રસ હોય છે. ને એટલે બોલીને જ નહીં પણ માનવજીવનની કેટલીક કલાઓના માધ્યમે ફુલોના આસ્વાદનો આનંદ તે તે કલાઓ મારફતે સૌમાં વહેંચે છે.

કાવ્ય એ એ કલાઓમાંનું એક માધ્યમ છે અને એટલે જ કાવ્યોમાં ફુલોના સૌંદર્યનો ને એમાંથી પ્રાપ્ત થતા આનંદનો વીશેષ મહીમા ગવાતો રહ્યો છે. ફુલોને પોતે ચતુરેન્દ્રીય દ્વારા પામ્યો છે તેનું રસદર્શન સર્જક પોતાના કાવ્ય મારફત ભાવકને કરાવે છે.

પણ તો પછી કાવ્ય પોતે પણ ફુલની જેમ જ અને જેવું જ નાજુક અને કોમળ એવું તત્ત્વ છે ! રસીક ભાવકોને ફુલોની જેમ જ કાવ્યો પણ માણવા–પામવાં ગમતાં હોય છે ! સર્જક કાવ્યો દ્વારા ફુલોનું સૌદર્ય માણીને પોતાનો રસાનુભવ વહેંચે છે એ જ રીતે કોઈ લાયક રસીકજન સુંદર કાવ્યનો પોતાને થયેલો દીવ્ય અનુભવ અન્યોને કરાવતો હોય છે. પોતાને મળેલા કાવ્યાનંદને વહેંચવા માટે કેટલાકો કાવ્યનું રસદર્શન કે કાવ્યનો રસાસ્વાદ સૌને કરાવે છે ત્યારે સાહીત્યજગતમાં તેમના કાર્યનું પણ મોટું મુલ્ય સ્વીકારાયું છે.

પણ યાદ રહે કે, કાવ્યોના રસદર્શન કે રસાસ્વાદની આ કામગીરી એ વીવેચનક્ષેત્રનો એક ભાગ હોય ભલે પણ તેને વીવેચનના રુક્ષ માપીયા સાથે સજ્જડ જોડી દેવા જેવી નથી !! કાવ્યનું રસદર્શન કરવું–કરાવવું તે કોઈ પણ રસીકજન માટે યથા શક્તી–મતીનો સહજાનંદવ્યાપાર હોઈ શકે છે !!

(ફુલોના સૌંદર્યને માણવા બાબતે કરેલી ઉપરોક્ત ચર્ચાઓને ધ્યાને રાખીને કાવ્ય બાબતની ચર્ચા પણ કોઈ રસીકજનને કરવાનો ઉત્સાહ જાગશે તો તેમનું સ્વાગત છે.)  

सुज्ञेषु किं बहुना

– જુગલકીશોર.