એક કાલ્પનીક સંવાદ !

ઘરથી સાવ નજીકમાં જ આવેલી બેંકમાં જતાં વચ્ચે આવતી હનુમાનજીની દેરીએ હાથ જોડીને પગે લાગવા જેવું કર્યું તે, (બસસ્ટેન્ડે ઉભેલા) જોઈ ગયેલા એ ભાઈએ, હું જેવો નજીક આવ્યો કે હળવેકથી પુછ્યું –

તમે એમાં માનો છો ?

હા, થોડુંઘણું….મેં એમને જવાબ્યા.

થોડું કે ઘણું ? – તેઓ.

થોડું પણ કહેવાય ને ઘણું પણ કહેવાય…અથવા થોડુંય નહીં ને ઘણુંય નહીં…..– હું.

પણ એ તો બન્ને એક જ ગણાય. થોડું એટલે વધુ નહીં કે વધુ એટલે થોડું નહીં….એવા બે વીકલ્પો આપવાની જરુર નહીં….શું માનો છો તમે ? – તેઓ.

હા, સાવ સાચું. બન્ને એક જ વાત સુચવનારાં હતાં જે તમે સરસ પકડી પાડ્યું…– હું.

બાય ધ વે, તમે શીક્ષક છો, આઈ મીન હતા ? – તેઓ.

તમે ‘છો’માંથી ‘હતા’ ઉપર આવી જઈને મારા ધોળાવાળને નીવૃત્તીની નીશાની બનાવી દીધી તે ગમ્યું….આપ તર્કશાસ્ત્રી જણાઓ છો….. – હું.

હા, હુંય તમારી જેમ શીક્ષણનો જીવ ખરો. પણ તર્ક એ મારો શોખનો વીષય છે. – તેઓ.

અને એ તર્કે જ તમને નાસ્તીક બનાવ્યા હોઈ શકે ! – હું.

હું નાસ્તીક છું એ તમે કેમ જાણ્યું ?! – તેઓ.

‘તર્ક’ અજમાવી જુઓ તો ખબર પડી જશે !! પણ જવા દો હું જ કહી દઉં…તમે મારા જેવા સાવ અજાણ્યાને, હનુમાનજીની દેરીએ નમન કરતો જોઈને જે સવાલ કરેલો તેમાં જ મને તમારી નાસ્તીકતાની શક્યતા દેખાઈ ગયેલી. પણ પછી આપણે બીજા રવાડે ચડી ગયા અને તમારો સવાલ તો….. – હું.

ના, જવાબ તો મને લગભગ મળી જ ગયેલો કે તમે અધુરા આસ્તીક છો ! એટલે કે, તમારી પદ્ધતીએ કહું તો અધુરા નાસ્તીક પણ ! કેમખરું કે ?! – તેઓ.

ખરું, ખરું, તદ્દન ખરું. – હું.

તો હવે સવાલ એ થાય કે, તમે ‘જેને’ નમન કર્યું ‘તે’ ત્યાં છે ખરા ? – તેઓ.

ના, હનમાનજી ત્યાં નથી જ. – હું.

તો પછી તમારું નમન…..

કોને ? એમ પુછવા માગો છો ને ? તો જવાબ તો આ જ હોઈ શકે કે હનમાનજી ત્યાં હોય કે ન હોય, શું ફેર પડે છે ? મેં તો એમના પ્રતીકરુપ જે પથ્થરાકૃતી છે તેમાં બીજાં ભાવીકોઅે આરોપેલી નીષ્ઠાને જ નમન કર્યું એમ કહીશ. – હું.

પણ ‘તમારી’ નીષ્ઠાનું શું ? હનુમાનજી તો ત્યાં નથી એવું તમે જ કહેલું ને ? – તેઓ.

હું નાનો હતો ત્યારે પહેલી વાર ઘઉંના દાણા જોયેલા. બાને પુછ્યું તો ખબર પડેલી કે એને ઘઉં કહેવાય. પછી તો ખબર પડી બધા જ એને ઘઉં કહે છે એટલે મનેય તેમ માનવામાં વાંધો ન લાગ્યો…. – હું.

પણ વીજ્ઞાને તો સાબીત કરીને એને ઘઉં તરીકે સ્થાપ્યા એટલે ચાલે પણ ભગવાન બાબત એમ વાત કરી શકાશે ખરી ? – તેઓ.

કેટલુંય એવું હોય છે જેના અંગે કોઈના કહેવાથી માની લેવામાં વાંધો નહીં….

દાખલા તરીકે ? એવું ‘કેટલુંક’માંનું કોઈ બતાવશો ? – તેઓ.

દાખલા તરીકે, નીશાળમાં છોકરાને દાખલ કરાવતી વખતે એના બાપનું નામ પુછાય છે. જન્મના દાખલા ઉપરથી છોકરાના બાપનું નામ જીવનભર નક્કી થઈને રહે છે. પણ ખરેખર બાપ કોણ એની જાણ તો માતા સીવાય લગભગ કોઈને હોતી નથી…..માતાના કહેવા ઉપરથી સૌ માની લે છે……ને હવેના જમાનામાં ભલે ને, તપાસ થઈ શકે છે તે સાચું પણ એવી તપાસ કરવાની જરુર કોઈને લાગતી નથી……! માતાના કહેવા માત્રથી જીવનભર બાળકના પીતાજી નક્કી થઈ જાય છે……

મારા ગુરુજનો, પુર્વસુરીઓ, સંતો અને ઉચ્ચ પ્રકારના ગ્રંથોએ કહ્યું છે કે ઈશ્વર છે તો એમના વચનમાં પથરો નાખવા જેવું મને લાગતું નથી. – હું

તો પછી તમે “થોડુંઘણું” માનું છું – અરધી હા ને અરધી ના – એમ કેમ કહ્યું ?! – તેઓ.

મને તમારી મજાક કરવાનું મન થઈ ગયેલું ને એટલે !! બાય ધ વે, તમારી બસ આવતી લાગે છે……

થેંક્સ ! આવજો. (દોડતાં બસમાં બેસતાં) – તેઓ.

દંડવત્ (વર્ટીકલ) પ્રણામ !!

                                                                                             – જુગલકીશોર.

શીષ્યઃ  પ્રણામ, ગુરો ! મારાં દંડવત્ પાયલાગણ સ્વીકારો !

ગુરુઃ    અલ્યા, આટલા દી’ ક્યાં હતો ? તારા વનાનું બધું સુનું સુનું લાગતું હતું. પણ…

શીષ્યઃ  પણ શું ગુરુજી ? કેમ સંકોચ કર્યો ?

ગુરુઃ    એલા, તેં દંડવત્ પ્રણામ કરવાનું કહ્યું પણ આમ થાંભલાની જેમ ઉભા ઉભા દંડવત્ થાય ?!

શીષ્યઃ  ગુરો, આપ મારા કહેવાનું જરા અન્યથા સમજ્યા હો તેમ જણાય છે…મેં કહ્યું તે મુજબ જ હું આપને પ્રણમી રહ્યો છું.

ગુરુઃ    અલ્યા તું મને ડફોળ સમજે છે ? આમ કૉશ ગળી ગ્યો હો એમ ટટાર ઉભો છ, ને પાછો કેછ કે દંડવત્ પ્રણમું છું ?! ભેજું તો ઠેકાણે છે ને, કે પછી પાર્લામેન્ટની અસર થઈ છે ? હમણાંકો તું ન્યાં વધારે આવતોજાતો રેછ.

શીષ્યઃ પ્રભો ! દંડવત્ એટલે યથા દંડ ! લાકડીની જેમ ! સમયનો તકાજો છે ગુરો ! હવે દંડવત્ અર્થાત્ શવાસનવત્ નહીં ! ભુમી–સ્પર્શની પ્રથા હવે આઉટ ઓફ ટાઈમ ગણાય છે. દંડવત્ જ, જુઓ આપની સમક્ષ ‘ખડો’ છું…આપને નહીં સમજાય, પરંતુ હોરીજોંટલ નહીં, વર્ટીકલ દંડવત્ એ આ નવા સમયની પ્રથા છે. હવે શ્વેત વસ્ત્રોની શુભ્રતા, શુચીતા અને સુઘડતાને યથાવત્ રાખવાનું અનીવાર્ય બન્યું છે…

ગુરુઃ    હવે રેવા દે, છાનોમાનો પેલાં હતો એવો થઈને વાત કર્ય. બહુ ડા’પણ નો માર્ય. ક્હે, ક્યાં ક્યાં જઈ આવ્યો ? દીલ્હીમાં બધું કેમનું છે ? અણ્ણા, હજારેમાંથી લાખે પોગ્યા ! લોક એમની વાંહે ગાંડું થ્યું. હવે આરામ પછી એમને કેમ છે ?

શીષ્યઃ  બાપ ! તમેય ખરા છોને. હું કાંય અણ્ણાની વાંહેવાંહે થોડો ફરું છું ? મારે તે પાર્લામેન્ટના સભ્યોને સાચવવાના ને નેતાઓનાં મનેય રાખવાનાં. વળી આ બધી તપાસસંસ્થાઓનુંય ધ્યાન તો રાખવાનું જ ને ! અરે, મોબાઈલનુંય હવે તો ટૅપ થાય છે. દીવાલને તો શું, હવે તો મોબાઈલને જ કાન છે ! મારો જ ફોન મને વશ નૉ રૅ’ પછી કરવાનું શું ?!

ગુરુઃ    શું સમય આવ્યો છે ! આ નવા જમાનાના શાસ્ત્રોની નવીનવી શોધખોળું કોના હારુ છે ઈ જ હમજાતું નથ્ય.

શીષ્યઃ  હા પ્રભો, શું જમાનો આવ્યો છે ! લોકસભા અને વીધાનસભાઓના સભ્યોની ગરીબી તો હદ વટાવી ગઈ છે ! શહેરોમાં લોકો ટૅસથી ૮૦ રુ. કીલોના ભાવે શાકભાજી ખાઈ શકે છે પણ આ કાયદા ઘડનારાઓ બચાડાવને માટે કેન્ટીનોમાં સાવ સસ્તું ભાણું આપવું પડે છે, બોલો ! આના કરતાં તો ગામડાનો સાવ ગરીબ જણ પણ વધુ ભારે માયલું ખાય છે ! જે દેશના નેતાઓને આવું સસ્તું ભોજન પણ પોસાય નહીં, તે દેશના ભવીષ્યની ચંત્યા તો રૅ’ જ ને ! બચાડાજીવો બે છેડા ભેગા કરવા માટે રાતદી’ ગળું ગાંગરતાં રૅ, દેશની ચંત્યામાં ને ચંત્યામાં દુબળા થતા રૅ’, દેશનાં મોંઘાંદાટ દવાખાનાં નૉ પોસાય એટલે પરદેશની સારવાર ભીખતાં રૅ’ ને એમ…

ગુરુઃ    ઓહોહો, શું જમાનો આવ્યો છે ! નેતાઓની જેમ જ બચાડા અભીનેતાઓનીય દશા માઠી થઈ છે ! જુઓને પાપી પેટને માટે થઈને તેલની ને બામની શીશીયું વેચવા બેઠાં છે ! નાવાના સાબુ હોય કે માથાનું તેલ; બીસ્કુટ હોય કે બામ પણ આ હંધાં નટનટીયું બચાડાંવને એ હંધું વેચવાનો વારો આવ્યો છે ! આમ રસ્તાના ફેરીયાની જેમ તમે આ વાપરો ને તમે તે વાપરો; આ ખાવ ને પેલું ખાવ; અરે, ઓલી જોકમાં આવે છેને, એમ ટાલીયાને દાંતીયો વેચવા જવું પડે એવી રીતે ગરીબીમાં ઉંધેકાંધ્ય પડેલી આમજનતાને મોંઘાંદાટ ટીવી ને મોટરું ને એવું બધું ખરીદવાની શીખામણ આપે છે ! લ્યા, તારે તો ઠીક છે બે ટંકનું પુરું કરવા હારું આવું બધું કરવું પડે, પણ આ હંધાંને આવું ખરીદવું નૉ પોસાય હો !

શીષ્યઃ  ગુરુજી, તમે તો ખરી વાત કરી હો ! જુઓને હવે આ બધાં સાંજ પડ્યે બેચાર રુપૈયા કમાવા હારુ કેવો દાખડો કરે છે, ખાવાનાં ઠેકાણાં નૉ હોય એવાવને વીમો ઉતારવાની સલાહુ આપે છે ! એલા, આમાં જીવવા કરતાં મરવાનું ગનીમત હોય ત્યાં વીમાનાં હપતા ક્યાંથી કાઢવા ? તમારી વાત તો બાપુ, જબરી છે. તમે બરાબરની નાડ પકડી આ બધાં નેતા, અ(ભી)નેતા ને નટફટીયાંવની !

ગુરુઃ    હશે, ભાઈ, જેવા જેના ભાગ્ય. બાકી જમાનો ખરાબ આવ્યો છે ઈ નક્કી. જોને આ બધા બચાડા સેવકોને વીણીવીણીને જેલમાં નાખવા માંડ્યા છે. દેશને હવે માર્ગદર્શન કોણ આપશે ?! ને લ્યો, હવે લોકપાલની વાત લાવ્યા છે. લો…કપાલ તમારું ?!

શીષ્યઃ  ધન્ય, ગુરો, ધન્ય !

બીજાં શું કરે છે એ જોવા કરતાં…

ગન્યાનચોરે નવું વરસ : [અંક-10]

–જુગલકીશોર.

દલો  : એ ડાયરાના હંધાયને નવા વરહના રામરામ.

જીકો  : લ્યો કરો વાત. એક તો હંધાય આવી ગયાં કેડ્ય આવ્યો, ને પાસો નવા વરહના રામરામ કે’છ !! એલા દલા, તને આજે સપરમા દીએ જ મોડા આવ્વાનું હુઝ્યું ?! વેલા આવીને આ ચોરાને વાળીચોળીને સાફસુથરો કરવાનું તને નૉ હુઝ્યું તે આટલો મોડો હાલ્યો આવ્યો !

માસ્તર : (દલાને બોલતો અટકાવીને)એલાવ, પાછા આજના સારા દીવસે ઝઘડવાનું ચાલુ કરીને વરસ બગાડશો નહીં. આજે તો તમે બેય જણાં ભેટીને જ વાત કરજો.

ટભાશેઠ : તો તો શું જોઈતું’તું ! ઈ બેઈ જણા ભેટીને વાત કરે તો તો હું ગામને નૉ જમાડી દઉં !

ડાહીમા : એલા શેઠીયા, તું ખોટ્યમાં જાઈશ હો ! વટને ખાતર પણ જો ઈ બેય જણા ભેટશે ને તો તારે ગામ ધુંવાડો બંધ કરવાના ફદીયાં મોંઘાં પડી જાહે. તારું વચન પાછું ખેંચી લે છાનોમાનો !

ગોરબાપા: ડાહી, તું વચ્ચે શુંકામ ડાહી થઈ ? એમને બંનેને જ નીર્ણય કરવા દેવો’તોને. એ બેઈ જણા કાંઈ ભેટીને વાત કરવાના નથી અને આ ટભો કાંઈ ગામ જમાડવાનો નથી. ખાલી મોઢાંની મોળ્ય ઉતારવાની છે! આપણે આપણું કામ કરો, ચાલો.

મંજુ  : હા બાપા, એ વાત જ સાચી છે. તો આપણે આજે નવા વરસના દીવસે કાંઈક નવું અને નક્કર કામ ચાલુ કરવાનું વીચારીએ.

દાદા  : પણ પે’લાં તો તારા આ લેપટોપીયાને ચાલુ કરીને કે’ કે કોણ કોણ નવા વરસમાં નવું કરવા બેઠાં છે. એના આધારે આપણેય નવું કામ હાથ ઉપર લઈએ.

મંજુ  : આ જુઓ. આ યાદી જોઈશું તો ખ્યાલ આવી જશે કે કોણકોણે નવા કામો ઉપાડ્યાં છે. આમાંનાં કેટલાંકે તો પોતાનાં બ્લોગ જ બદલી નાખ્યાં છે ! નવા રુપરંગમાં જે બ્લોગ આવ્યા છે તે તો જાણે ઘરમાં નવી વહુ આવી હોય એમ શણગારાયેલા દેખાય છે. ઘણા બધા બ્લોગનાં માળખાં બદલાયેલાં છે. અરે, આમાના કોઈક તો નવા મકાનમાંય રહેવા ગયા છે ! અમેરીકાનાં મકાનો અમથાંય સગવડવાળાં હોય. એમાં પાછા વીશાળ કંપાઉંડ અને નહાવાના પુલ પણ હોય એવા મકાનોમાં રહેવા જનારાને તો મઝા જ મઝા હશે.

ડાહીમા : એ તો સાચું પણ કોઈએ નવા સંકલ્પો કર્યાનું દેખાય છે કાંઈ ? કે પછી હાંઉં ફકત ?!

દાદા : એમ કરો, એ બધા જે કાંઈ નક્કી કરીને બેઠાં હશે એ તો આગળ ઉપર ખબર પડી જાશે. અટાણે તો આપણે જ શું કરવાનું છે ઈ નક્કી કરો.

માસ્તર : ખરી વાત કીધી, દાદા તમે. દુનીયા શું કરે છે કે શું કરશે એના કરતાં આપણે શું કરવા માગીએ છીએ એ જ મોટી વાત છે. હું તો કહું છું કે આ વરસે આપણે આપણી નીશાળના છોકરાઓને જ આ જ્ઞાનચોરાનો ચસકો લગાડીએ.

બાપા  : એ બધાંને હમણાં ચોરે બોલાવવા રે’વા દ્યો ! ને છોકરાઓને તો આમેય શાળામાં કોમ્પ્યુટર શીખવાનું જ હોય છેને. એ બધાં ભણીગણીને કાંઈક ગામને ઉપયોગી થાય એવું આયોજન કરીએ તો કેમ ?

માસ્તર : શાળાઓમાં તો કોમ્પ્યુટર માસ્તરોને જ નથી આવડતું ! ને આવડે તો કોમ્પ્યુટર બગડેલાં હોય છે…

જીકો  : બગડેલાં તો કાંઈ નથી હોતાં. આવે ત્યારે તો એય મઝાનાં હોય છે. પણ પછી હંધાય ભેળાં થઈને ઘુમડી નાખે એટલે…

દલો  : જીકોભાઈ હાચું જ કે’છે હો, માસ્તર સાહેબ. હું તો જ્યારે જઉં ત્યારે કોઈને કોઈ, નીહાળ્યમાં મોટા સાહેબના દીકરા હારે જઈને ઘુમડ્યાં કરતું હોય છે. કોણજાણે શુંય દાટ્યું હશે ઈમાં ?

માસ્તર : સાવ એવું તો નથી,ભાઈ દલા. મોટા માસ્તરનો દીકરો આ બધું ભણી આવ્યો છે ને જેટલું આવડે એટલું બીજાંને શીખવતો હોય છે. હા, એ ખરું કે શાળાના સમય પછી શાળા ખોલીને આ કામ ન થાય.

ડાહીમા : ઈ જે કરતાં હોય ઈ. પણ જો ઈ બા’નેય ગામનાં છોકરાં શીખે તો શું ખોટું ?

બાપા  : ના, ડાહી, એ વાત જ ખોટી. શાળાનાં સાધનોને એમ વાપરી શકાય નહીં. ઓચીંતાંનો જો કોઈ તપાસે આવશે તો ગામની આબરુ જાશે. એના કરતાં એ બધાંયને આ મંજુ શીખવે તો શું ખોટું છે ? આપણું આ કોમ્પ્યુટર કામ આવશે અને છોકરાવને શીખવા મળશે.

રઘો   : (આવતાંવેંત)તો એમાં મારા તરફથી એક ઉમેરો કરો. હું મારી દીકરીને એમાં શીખવા મેલી દઈશ. ઈના બદલામાં વચલીબેનનો ટાઈમ બગડે એટલે ઈમને હું ટ્યુશનનું મહેનતાણુંય આપીશ.આપણે ગામના લાભાર્થે આમ વધારાનું શીખવવા ટ્યુશન પરથા ચાલુ કરીએ…

માસ્તર : ટ્યુશન પ્રથા સારી વસ્તુ નથી. એટલે એમ કરો કે ગામ તરફથી ભણવામાં નબળાં છોકરાંવને ધોરણવાર ભણાવવાનું રાખીએ. ઉપલા ધોરણનાં છોકરાં નીચલાં ધોરણનાંને શીખવે. આપણે પંચાયત તરફથી થોડીક, સૌને પોસાય તેટલી ફી લઈએ. એમાંથી શીખવનાર છોકરાંને મહેનતાણું આપીએ. મંજુ એ બધાં ઉપર ધ્યાન રાખે ને વધારામાં કોમ્પ્યુટરનાય ક્લાસ ચલાવે. એનેય બંને કામનાં મહેનતાણાં આપીએ…

દલો  : ઈ હંધુંય પશી કરજો. પે’લાં આ ચા ને નાસ્તો કરી લ્યો…લ્યો, જીકાભાઈ, આજ તો મારા હાથે તમને જ પે’લીવે’લી ચા પીવડાવીને મુરત કરું !

ડાહીમા : લ્યો કરો વાત ! આ નવા વરસનું નવું ગતકડું ! આમેય તે આ રઘાએ ટ્યુશનમાં એની દીકરી માટે પહેલ કરીને નવા વરસનું મોટું કામ તો કરાવ્યું જ છે આપણી કને ! એક તો એની ગનાતીમાં ભણવાની તકલીફ ને એમાંય છોડીયુંને કોમ્પ્યુટર ભણવાની તો આશા જ ક્યાંથી હોય ?! આજના સપરમા દીવસે આ રઘાના કામથી આપણે નવી કામગીરી કરી એટલે આપણું તો મુરત જ સારું થઈ ગ્યું ગણોને !

જીકો  : તો હવે ચાલુ કરો આ ચા-નાસ્તો ! અમે બેય ભેટવાના નથી (દલાભાઈને ખરચ ક્યાં કરાવવો પાસૉ !)પણ દલાભાઈની દીધી પે’લી ચા પીને હું ગામને કહું કે આ નવા વરસમાં અમે બહુ બાધશું નૈ, બસ ?!

દાદા  : (ચાનો સબડકો બોલાવતાં)ઈય ઘણી વાત છે, ગન્યાનચોરા હારુ !

++++=0000=++++

 

બુદ્ધીજીવીઓ રેશનીંગની દુકાને લાઈનમાં !!!

ગન્યાન ગપાટા

 

જીકો – એલા, આજ કાં કોઈ ચૉરે દેખાણું નૈં ? હંધાયને બપોરની ઉંઘ ચડી ગૈ કે હું ?

ટભાશેઠ – આવશે, આવશે, ભાઈ મારા. તું આજ ટૅમસર આવી ગ્યો એટલે ?! કે‘ જોઈ, કાંઈ

નવાજુની હોય તો.

જીકો – નવાજુની તો જેવી કો‘ એવી છે. બોલો, તમનેય થાહે કે આ વળી નવું !!

ટભાશેઠ – એમ ? તો તારે થાવા દે, બીજું સું ?

જીકો – વાત જાણ્યે એવી છે કે હવે આપણાં ડૉક્ટરું ને વકીલ ને હંધા પૈશાદાર લોકનેય

રેશનીંગની લાઈનમાં ઉભવા વારો આવી ગ્યો !! કેવું કેવાય ! હવે હંધાયને  લાઈનમાં ઉભા રે‘વાનું આવી ગ્યું મારા ભૈ !

ટભો – શું વાત કરે છ, જીકા ! એવું તે શું થયું ??

જીકો – આ કાલ્ય મંજુબુન વાત કરતાં‘તાં કે બુદ્ધીથી કમાવાવાળા મોટાભાગના હૌ રેશનમાં ગણાય ! એમને કાંક રેશનનું ને એવું એવું હોય, એટલે મને થ્યું કે હવે આ હંધાયને લાઈનમાં ઉભાં રે‘વાનો ટૅમ આવી ગ્યો !

માસ્તર – (પ્રવેશ કરતાં કરતાં)એલા, શેની લાઈનોની વાત છે ?

જીકો – લ્યો, આ તો હંધાય એક હાર્યે આવી પુગ્યાં ને હું ?! આ જવોને મંજુબુન કાલ્ય વાત કરતી‘તી કે બુદ્ધીથી પૈસા કમાવાવાળા હંધાય હંધુય બુદ્ધીથી જ નક્કી કરે. આપણી ઘોડ્યે આડેધડ્ય જીકમજીક નૉ કરે. પણ તૉય, બોલો, ઈમનેય હવે રેશનીંગની લાઈનમાં ઉભા રે‘વાનો વારો આવી ગ્યો !! સરકારે કાંક આકરાં પગલાં લીધાં લાગે છે !

ગોરબાપા – આ શેની વાત છે, મંજુ, બેટા ? શેની રેશનીંગની વાત છે ? અને તને આમ આટલું બધું હસવું કેમ આવે છે, કાંઈ જમવામાં તો આવી ગયું નથી ને ?!

મંજુ – (હસતાં હસતાં બેવડ વળી જઈને)કહું છુ, બાપા ! પણ પે‘લા મને ઠીક થાવા દ્યો. આ જીકોભાઈ જે વાત કરે છે ને એ વાત સાંભળીને તો ગાંડાં જ થઈ જવાય એવું છે !! બુદ્ધીવાળાં બધાંય રેશનીંગની લાઈનમાં ????!!!(પેટ દબાવતાં)માડી રે…શું અક્કલ ચલાવી છે, તમે જીકાકાકા !!

ડાહીમા – છોડી તું આમ બેવડ વળી જૈને દાંત કાઢછ પણ પેસોટી ખશી જાહે ને તો રામાયણ થાહે, પાછી ! એવી તે વળી હું વાત થૈ ગૈ કે આમ તને હહવું રોકાતું નથ્ય ?

માસ્તર – મને કહેવા દ્યો. મંજુ નહી કહી શકે ! ખરેખર બહુ હસવાજેવી જ વાત જીકાએ કરી છે… વાત જાણે એમ છે કે કાલે મંજુ બધાં છોકરાંવને પ્રૌઢશીક્ષણના વર્ગમાં આસ્તીક–નાસ્તીકતાની વાત કરતી હતી. હું ત્યાંથી નીકળ્યો ત્યારે મેં સાંભળેલું. પણ આ આપણો જીકો, દુનીયાની અજાયબી જ છે ! વાતનું એણે વતેસર કરી નાખ્યું !

ડાહીમા – તે માંડીને જ વાત કરોને માસ્તર, કાંઈ હમઝણ તો પડે !

મંજુ – મને જ કહેવા દ્યો, સાહેબ ! ડાહીમા, જુઓ. આ દુનીયામાં આપણે જેને નાસ્તીક કહીએ છીએ ને, એવો એક બહુ મોટો વર્ગ દુનીયાની કોઈ પણ વાત બુદ્ધીમાં ઉતરે તો જ સ્વીકારે છે. આ વીજ્ઞાનનો જમાનો છે. આજે હવે કોઈ પણ વાત હોય તો એને પ્રયોગશાળામાં ચકાસીને પછી જ માનવામાં આવે છે. આપણાં ગામડાંઓમાં જ નહીં, મોટાં શહેરોમાંય અરે, પરદેશોમાંય લોકો કેટલીય બાબતોમાં અંધશ્રધ્ધા રાખીને ધતીંગ કરનારાંઓથી ખેતરાઈ જાય છે…

દલો – ઈ તો ઓલ્યા ગણપતીદાદા દુધ પીતા‘તા એવું ને ?!

મંજુ – હા એ બધું તો ખરું જ પણ એ સીવાયેય તે ઘણી જાતની અંધશ્રધ્ધા હોય છે. એમાં સમજ્યા વગર માનવું એ ભુલભરેલું છે. સતી થવાનો રીવાજ; કાળાગોરાના ભેદની વાત; ગુલામીની પ્રથા ને એવું બધું. આપણે ત્યાં ઉચ્ચનીચના ભેદો કેટલા બધા છે ? આપણા ધર્મોમાથી જ આવું બધુ આપણને શીખવા મળ્યું છે…

ગોર – સાચી વાત છે. ખુદ ગીતાજીમાં જ લખ્યું છે કે વેદોમાંની કેટલીય વીધીઓ એવી છે જે આજે સાવ અધર્મ જ ગણાય !

રઘો – ગોરબાપા, પગે લાગું છું, પણ તમારી વાતને ટેકો આલીને મારેય થોડું કે‘વાનું છે. આ અમને બધાંયને ધરમને નામે જ આઘાં રાખ્યાં; અમારાથી બધાંય અભડાતાં રયાં. અમને ઢોરની જેમ રાખ્યાં. ધરમમાંય અમને છેવાડાનાં ગણીને…

ગોર – રઘા, ભાઈ તારી વાત હવે કરવી નથી. એ બધું ખરાબ સપના જેવું હતું. અમે બ્રાહ્મણોએ જ સૌથી વધુ તમને અન્યાયો કર્યા છે…

મુખીદાદા – પણ હવે તો નવો જમાનો આવ્યો છે. આપણા ગામમાં તો આ માસ્તર સાબ્ય ને આ ગોરબાપાના સારા પરતાપે ઈ બધો ભેદ ગયો જ છે ને. તમારો પાણીનો નોખો કુવો બંધ થયાંને વરહ વીતી ગ્યાં. પણ તું મંજુ બટા, કેતી‘તી ઈ વાત પુરી કર્ય.

મંજુ – આ બધા વહેમો અને ખોટા રીતરીવાજોમાંથી ભગવાનમાં પણ ન માનવાની વાત આવી ગઈ !! આ બધા બુદ્ધીજીવીઓ ભગવાનમાં માનતા નથી ! કહે છે કે ભગવાન જેવું કાંઈ છે જ નહીં…

ડાહીમા – અરે રે, ભગવાન ! કેવી વાત કે‘વાય ? જેણે જલમ દીધો ઈને જ ગાળ્ય દેવાની ? શું થાવા બેઠું છ ! આવડાં મોટાં મંદીરુંમાંય ઈમને ભગવાન દેખાતો નથી ?

માસ્તર – માડી, એ લોકો તો કહે છે કે જે વસ્તુ નજરે ન દેખાય, પ્રયોગશાળામાં સાબીત ન થાય, બુદ્ધીને ખાત્રી ન થાય ત્યાં સુધી એને માની ન શાકાય.

મંજુ – અને ભગવાનને તો ક્યાં કોઈએ જોયો છે ?!! પહેલાંના ૠષીઓ ને સંતોએ કહે છે કે જોયો છે, પણ એની સાબીતી કોઈની પાસે ક્યાં છે ? એ તો બધું ભાવાવેશમાં આવી જઈને મનને દેખાતી ભુતાવળ છે, એમ સૌ કહે છે.

ગોર – જવા દ્યો, ભાઈ. એમાં બહુ પડવા જેવું નથી. દોરાધાગા, ભુતપલીત ને ગુરુજીફુરુજીવાળી વાતોનો તો અંત જ નથી. આપણે ભગવાનને કઈ લેબોરેટરીમાં સાબીત કરી શકવાના ?! નજરે દેખાય એ જ જો સાચું હોય તો તો વાત જ કરવાની ક્યાં રહી ?!

દલો – બાપા ! એક વાત હવે મનેય કે‘વા દ્યો. જો નજરે દેખાય ને સાબીત કરી હકાય ઈ જ જો હાચું ગણાય તો પછે –

ડાહીમા – કેમ અટકી ગ્યો એલા ! તનેય ભુત વળગ્યું કે હું ?!

દલો – બીક લાગી ગૈ. મને થ્યું કે આ જીકાની વાતે હંધાયને દાંત કાઢવા જેવું થયું ઈમ મારી વાતનેય બધાં ઉડાડી મેલશે…

મુખીદાદા – તું તારે વાત કરી નાખ્યને ! બહુ પાછો બીવાવાળો નૉ જોયો હોય !! આમ તો જીભડો તારો બંધ રે‘તો નથી ને આજ વળી –

દલો – વાત જાણ્યે એમ છે કે મને થયું કે નજરે દેખાય ઈ જ હાચું હોય ને ભગવાન પણ હામે આવે તો જ આપણે માનીએ તો પશી આપણને જનમ દેનારો બાપ કોઈએ જોયો છે ખરો ?! આપણી મા કોણ છે ઈની તો સાબીતી મળે. નજરે જોનારાં ઘણાં હોય. પણ બાપનું હું ??! એની સાબીતી ક્યાંથી લાવવી ?! આખો જનમારો આપણા નામની પાછળ જે બાપનું નામ વેંઢારતાં ફરીએ શીએ ઈ બાપની સાબીતી ક્યાં લેવા જાવી ? સગી મા સીવાય કોને ખબર્ય હોય બાપની ?!

ચૉરો – (બધાં સાવ ચુપચાપ !! એકબીજાની સામે જોતાં રહે છે.)

જીકો – પણ તમારી આ હંધી ગન્યાનની વાતુંમાં મારી વાત તો હાવ રૈ જ ગૈ !! ઓલ્યું રેશનીંગની લાઈનનું તો કાંય કીધું જ નૈ, મંજુબુન !! ઈ રેશનીંગવાળું તમે હું કે‘તાં‘તાં ??

માસ્તર – ગાંડાભાઈ ! બુદ્ધીથી જ વીચારીને કામ કરવાવાળી વાતને અંગ્રેજીમા રૅશનલ થીંકીંગ કહેવાય છે. રૅશનલીઝમમાં માનારાઓને બુદ્ધીવાદીઓ પણ કહેવાય છે. એમને રેશનીંગની દુકાન સાથે કાંઈ લેવાદેવા નો હોય, સમજ્યો, ભાઈ જીકા ??? તું તારી બુદ્ધી વગરની વાતુંને થેલીમાં લઈને લાઈનમાં ઉભો રે, જા !

ટભાશેઠ – ને આપણેય હવે ચૉરો ખાલી કરી દઈએ. આ રામજીના ચૉરે બીરાજેલા ભગવાનને સાંજનો પરસાદ ધરાવવાનો હશે ને !! લ્યો તારે, જે શીક્રશ્ન !!

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––  

 

 

 

જ્ઞાનચોરાની સફાઈનો ખરો હક્ક માસ્તરનો ગણાય !

ગન્યાનનો ચોરોઃ  ૧૧
 
 

જુગલકીશોર…………………………………………………………………………………..

 

 

 

 

માસ્તરઃ  (મનમાં)આજે તો કોઈ આવે એ પહેલાં મારે જ ચોરો વાળી નાખવો છે, જોઈએ તો ખરા, કેવું ફાવે છે ! (ચોરો વાળવા લાગે છે)

રઘોઃ     (દુરથી જોઈને) અરે, અરે માસ્તર સાબ્ય, આ હું કરો છો ? ચોરો

વાળવાનું તમે કાં લીધું, અમને ભુંડા લગાડવા કાં બેઠા ?!

માસ્તરઃ  તું આઘો રે જે હો રઘા! કોઈને કે તો નૈ પણ આજ તો મારે જ ચોરો..

રઘોઃ     અરે એ શું બોલ્યા, સાએબ. તમારાથી તે આ કામ કરાય ? ને તમને

કરવાય દેવાય ?

માસ્તરઃ  જો ભાઈ રઘા, સાચું કે જે. આ મારી પાસેથી સાવરણી લઈને તું વાળે

તો ગામ તને (ભંગીને) ચોરો વાળવા દેશે ખરું ?

રઘોઃ     ભલેને નો વાળવા દ્યે. પણ તમારા હાથમાં તો સાવરણી શોભતી જ નથી…

માસ્તરઃ  કાંઈ વાંધો નૈ. પણ આજે તો મારે જ વાળવું છે. આ ચોરો જ્ઞાનચોરો

છે. સરસ્વતીની જગ્યા સાફ કરવાનો અધીકાર તો સૌ પહેલો માસ્તરનો

  ગણાય, શું સમજ્યો ?(સફાઈ પુરી કરતાંમાં બધાં આવી ગયાં)

રઘોઃ     (માસ્તરના ઈશારે ચુપ છે પણ ડાહીમાને વહેમ પડી જાય ત્યાં સુધીમાં)

માસ્તરઃ  આજે આપણે બધાંએ મંજુ પાસે જાણવું છે કે કોમ્પ્યુટરમાં શું નવુ છે?

મંજુઃ     મને તો આજ આ ચોરામાં જ કાંઈક નવું લાગે છે,કેવો ઉજળો લાગે છે.

ડાહીમાઃ  નવું તો મનેય લાગ્યું પણ મેં કું હશે. દલો આજે ખુશ હશે તે સફાઈ..

દલોઃ     પણ મેં તો આજ ચોરો વાળ્યો જ નથી !

જીકોઃ    તો સું, મેં વાળ્યો હશે ? ના હો, ઈ કામ મારું નૈ. હું સાવરણી લઉં!

માસ્તરઃ  હવે એ વાત પડતી મુકીને આપણા કામે વળગો, મંજુ, તું કહે…

મંજુઃ     આજ કાલ એક નવી વાત એ ચાલે છે કે કોમ્પ્યુટર ઉપર ગુજરાતીના

અક્ષરો નવી જ ભાત્યના નીકળ્યા છે. આ આપણા મલક વાળાએ તો દાવો કર્યો કે હવે ગુજરાતીના અક્ષરો અંગ્રેજીની જેમ જ બધા જાતજાતના વળાંકોમાં લખી શકાશે, ને એમણે તો ચાલુય કરી દીધા !

બાપાઃ    પણ ઈ અક્ષરો કોઈએ જોયા,વાંચ્યા ખરા ?

મંજુઃ     ના બાપા ! કોઈનેય વંચાયા નહીં ! માત્ર એક ભાઈને વંચાયા એટલે

એમણે પોતે જાણકાર હોઈ જણાવ્યું. પણ બાકીનામાંથી કોઈએ હોંકારો

ભણ્યો નથી…

રઘોઃ     હું કહું ? મારી દીકરી કેતીતી કે આજે એ બધાંય પણ આ જ વાત

કરતાં હતાં કે હવે નવા નવા અક્ષરોમાં લખવાની મજા પડશે…પણ..

ટભાશેઠઃ પણ શું વળી ? કાંઈ વાંધોવચકો છે કે શું એમાં ?

ડાહીમાઃ  તને તો ટભા, બધે વાંધોવચકો જ ગમે, નૈ ?

મંજુઃ    એમાં એવું છે કે આ નવા અક્ષરોની વાતે જાણકારો હજી ચુપ છે.સરકારે

નવા અચરો તો બહાર પાડયા પણ હજી બધાંને એનો વાવર નથી તેથી..     

માસ્તરઃ  એ તો થશે, ધીરે ધીરે બધું. આપણે તો અહીં ગામડે બેઠાં બધું જોયા

કરવાનું. પણ  એટલું તો નક્કી જ કે આજે જો સરકારે ગુજરાતીના અક્ષરો નવી ડીક્ઝાઈનના કરી આપ્યા છે તો આપણા દુનીયાભરમાં ફેલાયેલા જાણકારો આજે નહીં તો કાલે પણ આ સગવડ સૌને માટે હાથવગી કરી આપશે જ.

મંજુઃ     અને આપણેય પછી તો અંગ્રેજી અક્ષરોની જેમ જ ગુજ.માં લખીશું.

બબલીઃ   (બહારથી આવીને, માસ્તરને) બાપુજી, મારી બા તમને બરકે છે.

રઘોઃ     (માસ્તરના ગયા પછી)મારે તમને હંધાયને કેવું તું પણ સાહેબે ના પાડી

તી ! પણ તમને ખબર છે ? આજે આ ચોરો સાહેબે પોતે વાળ્યો તો!

બધાઃ     શું વાત કરછ, રઘા ?! માસ્તરે ચોરો વાળ્યો ?! પણ શા હારુ?!

કાંઈ કારણ ?

બાપાઃ    ઈ તમને નહીં સમજાય.માસ્તર બુનીયાદી તાલીમમાં ભણ્યા છે,નાનાભાઈ ભટ્ટ પાસે! એમને તો આમાં કાંઈ નવું મ હોય. એમનું શીક્ષણ જ એ પ્રકારનું છે. આપણા ગામમાં આ રઘો ભંગી છે તોય ચોરે બેસી શકે છે         તે પણ માસ્તરના જ પ્રતાપે. આપણે તો આભડછેટમાંથી નવરા પડતા નોતાં. માસ્તરે ગામને નવું નવું શીખવાડયું…ગામની ડીઝાઈન જ ફેરવી દીધી છે, જુઓ ને!

દલોઃ     સરકારે આ નવા નવા અક્ષરો કોમ્પ્યુટરમાં દઈને આપણનેય જાણે કે..

મંજુઃ    હા, હો દલાકાકા ! હવે આપણેય ગુજરાતીની નવી ડીઝાઈનોની રાહ જોશું, સમજ્યા ?!!