કોઈ એક ગામમાં એક ડોસો રહે. ઉંમર હશે આશરે પાંચથી દસેક હજાર વરસની. દરરોજની ટેવ મુજબ હાથમાં લાકડી લઈને ધરુજતો, ધરુજતો હાલ્યો જતો હતો. ગામનું બસમથક નજીક આવતું ભાળીને એણે ઝડપ ઘટાડી. સહેજ ઉંચું જોયું તો સામેથી એક ફક્કડ ને અક્કડ એવો કોઈ શહેરી જવાન ચાલ્યો આવે. એની અક્કડ ને ઝડપી ચાલથી ચેતી જઈને સહેજ જમણી બાજુ ખસી જઈ વૃદ્ધે પેલાને જગ્યા કરી આપી…..પણ –
ખસવા–ખસવામાં વૃદ્ધનો ખભો સહેજ એ યુવાનને અડી ગયો ! ને –
“દેખાતું નથી, ડોબા ! #*^$##, +*^$#, $$##* જંગલી !!”
એક સાથે આટઆટલાં વીશેષણો પોતાને માટે વપરાયાં જાણીને ડોસો જરા ઉભો રહી ગયો. જુવાનને સંબોધીને બોલ્યો :
“ભાઈ, મેં તારું કાંય બગાડ્યું; તને કાંઈ નુકસાન કર્યું ? હું તો મારે રસ્તે, મારા ગામડાના નીયમ મુજબ ચાલ્યો જતો ’તો. ઉલટાનો હું બાજુ પર ખસી ગયો….ને છતાંય થોડું ભટકાઈ જવાયું….તને કાંય વાગ્યુંબાગ્યું તો નથી ને ?”
“વાગે તો તો ડાચું તોડી ના નાખું ?! આમ સામેની ઉંધી સાઈડે ચાલે ને પાછું પુછે કે વાગ્યું નથી ને ! અમારે શહેરમાં રાઈટ સાઈટ ઈઝ હંમેશાં ‘રાઈટ’ સાઈડ ગણાય છે; તમારે તો રાઈટ ઈઝ ઓલ્વેઝ રૉંગ હોય છે…..ક્યારે સુધરશો ?! ”
ડાચું તોડવાની વાત સાંભળીને ડોસાએ પોતાની લાકડી ધુળમાં ખુતાડીને ઉભી રાખી, ને પોતે એકદમ ટટાર થઈ ગયો ! વાંકો વળી ગયેલો ડોસો જે યુવાનની છાતી સુધીનો લાગતો હતો તે ટટરા થતાં જ યુવાનના માથાથીય ઉંચો દેખાવા લાગ્યો ! યુવાન નવાઈથી જોતો થાય ત્યાં તો ડોસાએ એની આંખમાં આંખ પરોવીને ને એનું કાંડું પકડી રાખીને કહ્યું :
“તને હું ભટકાયો તેનો બદલો લેવો છે ? તો એક કામ કર. આ તારા મોઢામાં ક્યારનો પાન ચગળેછ તો એકાદી પીચકારી મારા કપડાં ઉપર છાંટી દે એટલે તારી દાઝ ઓછી થાય.”
“શું કહ્યું ?” પાનનો થોડો રસ હોઠની બહાર આવું આવું કરતો હતો તેથી યુવાને ખીસાના રુમાલમાં તેને ઝીલીને એણે રુમાલ પાછો ખીસામાં મુકતાં મુકતાં કહ્યું, “પાનની પીચકારી, તારાં કપડાં પર ?!”
“હા ભાઈ.” શાંતીથી એણે કહ્યું, “તને મારા પર દાઝ હોય તો તારે મારું કાંક તો નુકસાન કરવું જ પડે ને. નહીંતર સાટું કેવી રીતે વળે ? નુકસાનની સામે નુકસાન થાય તો જ ત્રાજવું સરખું થાય ને ભલા !”
“આ આટઆટલી ગાળો દીધી એ ઓછી લાગે છે તે હજી થુંકવાની વાત કરી ?”
“ગાળોનું તો ભઈલા એવું છે ને કે તું ગમે એટલી ગાળ બોલે એમાં મારું તો કાંય બગડતું નથી ! જો ને મારાં કપડાંને ડાઘોય પડ્યો !! ઉલટાનું નુકસાન તો તને થયું ! આ આજુબાજુવાળા બધાં તને ગાળો બોલતો સાંભળીને તારો તીરસ્કાર કરતાં ગયાં !! મોઢું તો તારું ગંધાયું ને !!! ધનવાળો ધન આપે; ભણેલો ભણતર આપે ને સંત હોય તે આશીર્વાદ આપે એમ તારી પાસે જે હતું તે તેં મને આપ્યું – ગાળો ! બધાંને ખબર પડી ગઈ કે શહેરમાં જઈને તેં આ વકરો કર્યો ! તું ભાઈલા, ઉપર ઉપરથી કપાઈને જુદો થયો છ. ઘણાંય ગામડાંનાં લોકો ‘શહેરો’માં જાય છે પણ મુળીયાં સહીત જાય છે. એ ગામડાંથી ઉખડીને જાય છે ભલે પણ કપાઈને જતા નથી ! મુળ સાથે લઈને જાય છે. આ તું એક છે જે કપાઈને ગયો લાગ છ.”
એમ કહીને ડોસાએ એને જમીનમાં ખોડેલી લાકડી સોંપતાં કહ્યું, “લે, આ લાખ્કડી લેતો જા, કામ લાગશે.”
“મારે એની જરુર નથી. હું હજી વાંકો વળી ગયો નથી. એ તમારી પાસે જ રાખો.” ‘તું’માંથી ‘તમે’ સુધી સુધરેલો યુવાન બોલ્યો.
“આ લાકડી નથી; એ લાખકડી છે. લાખ કડી એટલે કે લાખ શ્લોકોની બનેલી એ આપણી વીરાસત છે. એટલે જ મેં એને જમીન પર ફેંકવાને બદલે ખોડી રાખી હતી. હવે તારે એની જરુર પડશે…..એ કોઈને ઝીંકવી હશે તોય ઉપયોગી થશે !”
“મને કોણ મારનારું છે ? કોઈ આવે તો ખરો !”
“એવું છે, ભાયલા, કોક ક્યારેક માથાનોય મળી જાશે….તારાથીય બે બાચકા વધુ ગાળો બોલનારાય પડ્યા જ હશે તારા ‘’શહેરો”માં ! બધાય મારી જેમ ગાળો સાંભળી લેતા નથી હોતા. આ લાખ્કડીમાં ઘણું બધું છે. એ ક્યારેય સડતું નથી. જુનું ને ઝાંખું થાય પણ કટાતું નથી. એની ઉપર ધુળ ચડે પણ તે સડતું નથી….
“આ તારી જેમ કોક ભટકાઈ જાય તયેં પાછું બધું તાજું કરી દે છે, આ લાખ્કડી, સમજ્યો ભાઈ ?”
પછી શું થયું ? વારતા આંય કણેં પુરી થઈ ગઈ ?
ખબર નથી.