ભરત ત્રિવેદીની રચના : “તુલસી ક્યારો”

શ્રી ભરત ત્રિવેદી

તુલસી ક્યારો 

વર્ષો પહેલાં અહીં આવ્યો

ત્યારથી મારા આંગણામાં એક તુલસી ક્યારો

ઉગાડવા મથી રહ્યો છું.

 

પણ હજી તેમ થઈ શક્યું નથી !

 

કેટકેટલે સ્થળેથી

સારામાં સારો છોડ લાવીને

તેને ઉછેરવામાં ક્યાં કશી કમી રાખી છે મેં !

 

ઘરના પ્રત્યેક કમરામાં મૂકી જોયો

બારી પાસે મૂક્યો, બારણા પાસે મૂક્યો

રોજ ડિસ્ટીલ્ડ પાણી પણ પાયું –

ઓછું પાયું, ને વળી વત્તું પણ પાઈ જોયું !

 

ને પછી થયું

તુલસીને તો  જોઈતી હશે મારી દાદીમા !

હવે દાદીમા તો ક્યાંથી લાવું ?

 

હું મારી પત્ની તરફ જોઉં છું –

કોઈ પણ સ્ત્રીને દાદીમા થતાં કેટલો

સમય લાગતો હશે ?

 

૨૮/૭/૨૦૧૨
Bharat Trivedi <bharattrivedi@sbcglobal.net>