એક જોડકણું

(છંદ : ઉપજાતી પરંપરીત)

 

ક્યારેક તો મંજીલ પ્હોંચશું,

ને

ક્યારેક તો

એ સુખ નાનકું રુડું

પામી શકીશું…..

 

બસ એમ ધારી,

આ જીંદગી

સાવ દીધી વીતાવી.

 

ના એ મળ્યું કોઈ જરીક સુખ,

કે ના દીઠી મંજીલ પાસ આવતી.

 

ને આમ ને આમ

વીતી ગઈ પુરી

આ જીંદગી…..

 

કેવળ હાથ લાગ્યું

આ જીંદગી કેરું રહસ્ય એક :

 

આ જીંદગીનું સુખ ક્યાંય ના દીઠું,

જીવ્યા થકી મોત વધુ હશે મીઠું.

 

–––––––––––––––––––––––––––––––––––––

એક મુક્તક : (સોરઠા)

બળબળતા બપ્પોર, છાંયો એને ના મળ્યો;

કરમતણા કમજોર, ઠાઠડીએ જઈને ઠર્યા !

––––––––––––––––––––––––––––––––––––––

– જુગલકીશોર

Advertisements

શ્રમીકનું કાવ્ય – ૧

એક ખેડુ’ની એકોક્તી. 

આભે બેઠું
કોણ મોકલે
ધરતી ઉપર
પાણી;
અમને
કોણ આટલું
હેત પીરસે ?!
 

ઉનાળામાં
પડ્યો કેટલો તાપ;
હવે આ પાણી !
બેનો
કેવો કીધો
મેળ મઝાનો ! 
 

આભેથી આ
ઘડીક વરસે
આગ, ઘડીકમાં
અમરત !!
એનો
કોણ ખુલાસો કરે ?
 

અમારે
ધરતીના ધાવ્યાને
આ તો થયું રોજનું !
 

તાપ પડે તો,
તપવું !

પાછું જળ વરસે તો,
બળદ-સાંતીને લઈને
બી ધરતીને સોંપી
મબલક પાક પકવવો.
 

કોણ કરે
આ એક બીજના
હજાર દાણા !

કોણ આપતું હશે
આટલું બળ, તણખલું
ધરતીને વીંધીને
આવે બહાર !
 

હવામાં ફરફરતુ’તું માંડ હજી તો-
ઘડીકમાં એ
હજાર દાણા ભરેલ ડુંડું થઈ
ખળાં છલકાવે !

અમને જીવનભર મલકાવે– 

કોણ ? 

જુગલકીશોર.

 

શ્રમીકનું કાવ્ય – ૨

ઘંટીના પડ વચાળે.

 

વહેલાં જાગ્યાં,
કામે લાગ્યાં;
સવારથી બસ ઘંટીના પડ વચ્ચે કાયમ
કરમે હોય લખ્યું ત્યમ
સૌની હારે હારે
રોજ હવારે
અને બપોરે –
એમ જ હાંજે, રાતે
આખા જનમારાને દીવસ ગણીને, ખાંતે
પુરા બળદ બનીને
એક રોટલા હારુ થઈને
ઘર આખાને લઈને
મંડ્યાં રહીએ –

કોને કહીએ –

આમ જ આખું એક આયખું

વીતાવીને
આંખ પલકમાં
દીવસ-રાતની ઘટમાળાને
જીવી જઈએ ભલે,
તોય,
આ જનમારાની ભુખ;

બધાંને જીવાડવાનું કદી ન ખુટતું દુ:ખ;

કોણીએ ચોંટેલા ઈ ગોળ સરીખું સુખ….
ઈ હંધાંનો કરતાં કરતાં
વચાર,
રાતે માંડ ખાટલા  ભેળાં થાતાં –

વળી –

– સવારે વહેલાં પાછાં….

 

જુગલકીશોર.

ગોડસે નહીં – GOD છે !

ગાંધી તારા દેશમાં ગાંધી શબ્દ વગોવાય,

GOD બની જાય ગોડસે, મંદીર એનાં ચણાય.

સાદી તારી જીવની, સાદી તારી વાત,

તોય શકે ના જીરવી,  કેવી માનવજાત !

પગલું તારું એવડું માપ્યું નહીં મપાય,

પણ એ ચરણે ચાલવું અઘરું નહીં જરાય.

ચરણ-આચરણ સાથમાં, બે સંયોગે જાય,

નહીંતર એવું ચાલવું નકરું નીષ્ફળ થાય !

ત્રણ વીસુ દસકો જતાં પગલાં રહ્યાં ભુંસાઇ,

પણ પથ તેં દોરી દીધો એમ ભુંસાશે કાંઈ ?!

તું કણકણ, જનમન વસ્યો, ખસ્યો ખસે નહીં એમ,

શબ્દ “ગોડસે” એક દી’ બને “ગોડ-છે” તેમ !!

— જુગલકીશોર. (૩૦,૦૧,૧૮)

 

ગુર્જરી ગિરા

– ઉમાશંકર જોશી

 

જે જન્મતાં આશિષ હેમચંદ્રની

પામી, વિરાગી જિનસાધુઓએ

જેનાં હિંચોળ્યાં મમતાથી પારણાં,

 

રસપ્રભા ભાલણથી લહી જે

નાચી અભંગે નરસિંહ–મીરાં–

અખા તણે નાદ ચડી ઉમંગે

આયુષ્મતી લાડલી પ્રેમ ભટ્ટની,

દૃઢાયુ ગોવર્ધનથી બની જે,

અર્ચેલ કાન્તે દલપત્તપુત્રે

તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા

ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી.

 

 

ભુખ્યાં તણો શું જઠરાગ્ની જાગશે ?!

જઠરાગ્ની–કાવ્ય – ૨

– જુગલકીશોર

 

ભુખ્યાં તણો શું જઠરાગ્ની જાગશે ?

 

જાગ્યો હતો એ જઠરાગ્ની ક્યારનો !

માગ્યો હતો ફક્ત અનાજ–દાણો,

એયે મળ્યો ના બસ એટલે  જ

વાળી દઈ રાખ, બુઝાવી દીધો !

ને  તોય એ નફ્ફટ જાગતો રહે,

ક્ષણે ક્ષણે રે, કણ માગતો  લહે !

શેં પેટનો ખુણ ભરાય ના,  અહો !!

એ હોજરું કેમ ધરાય ના ? કહો !

સંપત્તીની  છાકમછોળ   વચ્ચે,

પ્રકાશની  ઝાકમઝોળ   મધ્યે,

પુછી રહ્યો સાવ અબુધ કેવો –

એંઠી પડેલી પતરાળી ચાટવા

લુછી રહ્યો બાળક – રાષ્ટ્રપુત્ર !

––––––––––––––––––––––

પહેલી મે ૨૦૧૦

અનંત યાત્રા.

(ઉપજાતિ)          –જુગલકિશોર.

બ્રહ્માંડની    દિવ્ય  અનંત   વાટમાં
આત્મા બન્યો યાત્રિક મુક્તિ-લક્ષનો;
ને  માર્ગમાં  સાધન   દેહનું      કર્યું.

છે  આત્મ   તો   મુક્તવિહારી  વિશ્વે
વ્યાપી  રહ્યો   સર્વ  સ્થલે સ્થલે  જે; 

આ દેહ તો  સાધન  માત્ર    આત્મનું-
જેને    સદા     બંધન    કોટિ   કોટિ
ને   આત્મ તો    બંધન સર્વથી  પર !

અનંત   યાત્રા,   નહિ  અંત કાલનો
ને    દેહ   આ     ક્ષુદ્ર,   મરે ક્ષણોમાં.

દેહો     પરિવર્તન    વસ્ત્રનું       કરે,
આત્મા      પરિવર્તન     દેહનું   કરે !

ક્યારે   શરૂ આ    થઈ  દિવ્ય યાત્રા ?
ક્યારે થશે  પૂર્ણ ?  ન   કોઈ   જ્ઞાતા !