તતકાળ મળ્યો

દોડવું ’તું ને ઢાળ મળ્યો

ભુખ્યાં થયાં ત્યાં થાળ મળ્યો.

રાજકુંવરી હશે અહીં કૈં –

સોનેરી આ વાળ મળ્યો.

ડુંગર ડુંગર બહુ બહુ ખુંદ્યા

હીરો ઘર–પરસાળ મળ્યો.

કરતાલોને અડકી જોયું

કેદારો  તતકાલ મળ્યો.

રાસ તણું બ્હાનું શું દીધું

હાથ બળ્યો ગોપાળ મળ્યો.

 

– જુગલકીશોર

ઉત્સવનેય કદીક એની પીડા સહેવા દો !

વહેવા દો

 

મસ્તી છે તો મસ્તીને મસ્તી કે’વા દો,   

દોસ્તી છે તો દોસ્તીને દોસ્તી રેવા દો.

 

ઝીણી જાજમ લાલ પાથરી રાખી છે તો

કદીક સાવરણીને પણ  લાવો લેવા દો.

 

તહેવારો તો આવનજાવન કરતા રહેશે;

વહેવારોને કદીક લગરીક યશ દેવા દો.

 

ઉત્સવમાં તો ઉત્સવની દેખાય  ઉજાણી,

ઉત્સવનેય કદીક એની પીડા સહેવા દો !

 

અજવાળામાં અંધારાને કોઈ ન પુછે;

અંધારામાં જરી અજવાળાને વહેવા દો !

 

– જુગલકીશોર

સપના વિજાપુરાની રચના : “સપનું જોઈએ”

સપના વિજાપુરા

સપનું જોઈએ

જીવવાને એક સપનું જોઈએ
એ જ સપનાં કાજ લડવું જોઈએ.

હોય છે પીડા ઘણી આ પ્રેમમાં
સૌએ એમાં તોય પડવું જોઈએ.

છો પહોંચી જાઓ ઊંચાઈ ઉપર
પણ ખુદાને રોજ નમવું જોઈએ.

સુખ હજારો હોય તારી આસપાસ
આંખથી આંસુય દડવું જોઈએ.

યાદ તારી સાચવીને રાખું છું,
ડૂબતાંને એક તરણું જોઈએ.

વેદના સર્વત્ર છે દુનિયા મહીં
તોય બાળક જેમ હસવું જોઈએ.

એક સ્મિત દુઃખીને આપી તો જુઓ
આ મફતનું કામ કરવું જોઈએ.

છો રહે ‘સપનાં’ મહેલોમાં છતાં
એક સપનું નોખું તરવું જોઈએ.

બે નયનમાં લાખ સપનાં ગ્યાં સજી
એક તો સાચું ય પડવું જોઈએ.
 

‘સર્વાનાં પ્રીય અશોક’ મોઢવાડિયાને જન્મદીવસે કાવ્ય–ભેટ !!

– જુગલકીશોર.

 

ત્યાં હોય ના શોક કશો– અશોક જ્યાં;

જ્યાં સ્નેહને રોક ન કો’– અશોક ત્યાં.

 

વ્યાપાર–વિદ્યા  સહુ   સાથ સાથ હો,

એ સ્થાન જો કોઈક હો, અશોક  ત્યાં.

 

જ્યાં  ગીરની ને  ગિરનારની બધી

વાતો તણું સ્થાનક હો, અશોક ત્યાં.

 

કો આંગણું બોગનબિલ્લીખિલ્લીને

હો ફાવતું–ભાવતું જો, અશોક ત્યાં.

બ્લૉગે લખી ‘વાચનયાતરા’ ભલે,

યાત્રા હવે લેખન ક્હો, અશોક, ત્યાં !

 

અમે, તમે, આપણ સૌ મળી કહો,

અ.મો. ! શતાયુ થઈ રહો, અ–શોક હ્યાં.

 

હસ્તરેખા વળી શું ?

યામિની વ્યાસ

 

પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?

સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?

 

ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું, કદી કાફલો છે;

મળી મહેફિલો તો મેં માણી લીધી છે, સવાલો, જવાબો, સમસ્યા વળી શું?

 

નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;

કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?

 

મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે, સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે;

અને મૌનને પણ હું સુણ્યા કરું છું, અવાજો વળી શું ને પડઘા વળી શું?

 

જગતના વિવેકો ને વ્યવહાર છોડી, ઉઘાડા જ મેં દ્વાર રાખી મૂકયાં છે,

ભલે કોઇ અણજાણ આવે અતિથિ, પ્રતીક્ષા વળી શું, ટકોરા વળી શું?