કવી છું !!

કવી છું.

 

મારા જ મોબાઇલથી ખેંચીકાઢેલી

સેલ્ફછવી છું –

કવી છું.

શબ્દો અને

અર્થો અને

અલંકારો–વક્રોક્તીઓમાં

સૌંદર્યો શોધતાં

અંધાધુંધ ઉભી થઈ જતી

ભવાટવી છું –

કવી છું.

સમારંભોમાં

એકસમાન લાગતા

આમંત્રીતો–મહેમાનો–શ્રોતાઓમાં,

મંચસ્થ મુરબ્બીઓમાં

ને

એમના માઇકોમાં

વહી રહેલા ધ્વનીઓમાં

છુપાઈનેય પ્રગટતો રહેતો

દુન્યવી છું –

કવી છું.

– જુ.           તા. ૩૧–૧૦–૧૮.

કાંય, હૈયાને પુછવા જવાય ?!

હૈયાને પુછ્યું ’તું કાંય?

 

કાઢ્યાં તો કાઢ્યાં’તાં  હૈયેથી ભલે, તમે

                          હૈયાને પુછ્યું ’તું કાંય ?

હેત–હેત’ કરતાં–કરતાંમાં તો  કરી દીધું

                       હૈયાને ખાલીખમ આંય !… … હૈયાને પુછ્યું ’તું કાંય?

 

હૈયું તો હેતભર્યું હોય એને હૈયું કે’વાય, કાંય

                          વૅરઝેર એમાં ના સમાય;

ઉંડાં ધરબેલ ન્હોય વૅર ભલે તોય આમ

                      ‘ઠેસ–ઠેસ’ રમત્યું રમાય

આજીવન સાથ’ હતી વાતું હંધી જ, એની

                  “ખબર્યું તો ખળે જઈ” થાય !… … હૈયાને પુછ્યું ’તું કાંય?

 

રાતોની રાતોના રાતા ઉજાગરાય

                     અમને નૈં યાદ હવે આવે,

આવડતો ઓછી પડી તો પડી, ભલે – આમ

                ‘કજોડા’નું બ્હાનું કાંઈ ચાલે ?!

આવકાર દીધો ’તો એમ ભલા, જાકારો

                       હળવેથી દીધ્યો પોસાય… … … હૈયાને પુછ્યું ’તું કાંય?

 

પાંચીકે રમતાં’તાં; રમતાંરમતાં તમે

                ‘જાન’ લઈ તેડવાને આવ્યા,

જા, ન હવે તારું કૈં કામ” કહી કાઢ્યાં, અમે

                 તોય કશું મનમાં ના લાવ્યાં;

આ તો સંસાર; સાર એનો આ આટલો –

                     ‘ધાર્યું તો ધણીનું જ થાય’ !!

કાંય, હૈયાને પુછવા જવાય ?!

 

 – જુગલકીશોર

 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

છબી–કાવ્યકંકાસ !! (ફેસબુક પર પ્રગટ થયેલું)

(અનુષ્ટુપ)

 

કવીના ઘરમાં જામ્યો ઝઘડો ભારી એક દી’;

ફોટો કવીનો બોલ્યો, હું મોટો; કાવ્ય ના કદી.

 

કહે કાવ્ય, કવી મારા થકી છે ખ્યાત વીશ્વમાં

તારું કોઈ નથી મુલ્ય; હું યદી હોઉં ના ભલા

કવીને ઓળખે કોણ ! એટલે ચુપ તું રહે !!

 

ફોટોયે જાય ના ગાંજયો,  એને એનું મહત્ત્વ બૌ;

કાવ્યને તુચ્છકારીને રીસાયો – એક દા, શું કૌં !

 

બન્ને આવ્યાં કવી પાસે, હુંસાતુંસી થઈ બહુ;

કવીને વ્હાલુડાં બન્ને કોની આંખે બુરા થવું ?!

છેવટે આપવા ન્યાય કવીએ કામ આપીયું,

પોતાના વાચકો સામે ત્રાજવું ન્યાયનું ધર્યું.

 

વાચકો પ્રીય હે મારા ! ઝઘડો કેમ રે પતે ?

આપીને આમને ન્યાય, આપો ન્યાય મનેય તે !

 

વાચકો યાચકો નો’તા; એમણે કાવ્યપંક્તીથી

કવીને ન્યાયની સાથે શીખામણો યથા દીધી :

 

સૌંદર્યો છબીએ શોભે, ન શોભે કાવ્યસાથમાં;

છબીથી કાવ્યનું મુલ્ય – કાવ્યથી છબીનું ઘટે !

આલ્બમે છબીને રાખી, કાવ્યને કાવ્યફાઈલે

રાખીને સાચવો ન્યાય, છબી ને કાવ્ય બેઉનો !

 

“સૌંદર્યો વેડફે એવાં ફોટોકાવ્ય જુદાં રહે,

સૌંદર્યો સારુ બન્નેયે સ્વ–સુંદર થવું પડે…” **   

 

  • જુગલકીશોર તા. ૨૦, ૧૦, ૧૮.

––––––––––––––––––––––––––––––––––––––

(**કલાપીની યાદ–વંદના સાથે)

બે દુખદ કાવ્યો !!

છબી–કાવ્યકંકાસ !!

(અનુષ્ટુપ)

 

કવીના ઘરમાં જામ્યો ઝઘડો ભારી એક દી’;

ફોટો કવીનો બોલ્યો, હું મોટો; કાવ્ય ના કદી.

 

કહે કાવ્ય, કવી મારા થકી છે ખ્યાત વીશ્વમાં

તારું કોઈ નથી મુલ્ય; હું યદી હોઉં ના ભલા

કવીને ઓળખે કોણ ! એટલે ચુપ તું રહે !!

 

ફોટોયે જાય ના ગાંજયો,  એને એનું મહત્ત્વ બૌ;

કાવ્યને તુચ્છકારીને રીસાયો – એક દા, શું કૌં !

 

બન્ને આવ્યાં કવી પાસે, હુંસાતુંસી થઈ બહુ;

કવીને વ્હાલુડાં બન્ને કોની આંખે બુરા થવું ?!

છેવટે આપવા ન્યાય કવીએ કામ આપીયું,

પોતાના વાચકો સામે ત્રાજવું ન્યાયનું ધર્યું.

 

વાચકો પ્રીય હે મારા ! ઝઘડો કેમ રે પતે ?

આપીને આમને ન્યાય, આપો ન્યાય મનેય તે !

 

વાચકો યાચકો નો’તા; એમણે કાવ્યપંક્તીથી

કવીને ન્યાયની સાથે શીખામણો યથા દીધી :

 

સૌંદર્યો છબીએ શોભે, ન શોભે કાવ્યસાથમાં;

છબીથી કાવ્યનું મુલ્ય – કાવ્યથી છબીનું ઘટે !

આલ્બમે છબીને રાખી, કાવ્યને કાવ્યફાઈલે

રાખીને સાચવો ન્યાય, છબી ને કાવ્ય બેઉનો !

 

“સૌંદર્યો વેડફે એવાં ફોટોકાવ્ય જુદાં રહે,

સૌંદર્યો સારુ બન્નેયે સ્વ–સુંદર થવું પડે…” **   

 

  • જુગલકીશોર તા. ૨૦, ૧૦, ૧૮.

(**કલાપીની યાદ–વંદના સાથે)

==================================

 

ચોરી ચારે કોર !!

 

કોઈ ધન ચોરે, કોઈ મન ચોરે, કોઈ ચીત્તડાનો ચોર,

આ જગતમાં જ્યાં જુઓ ત્યાં ચોરી ચારેકોર !” *

 

કોઈ ગન ચોરે કોઈ ફન ચોરે, કોઈ ચીભડાનો ચોર,

બ્લોગજગતમાં પણ હવે ચોરીનો ભારે શોર !

 

કોઈ કણ ચોરે. કોઈ મણ ચોરે, કોઈ ટનબંધો જણ ચોર,

સાહીત્ય જગતમાં ‘આગુસે ચલી આતી હૈ’નું જોર !

 

કોઈ છદ્મચોર, કોઈ ભગ્નચોર, કોઈ છતરાયું પણ ચોર,

જાહેર, ખાનગી, રાજકારણી – રાત હોય કે ભોર !

 

કોઈ દાણચોર, ને માખણચોર, ને ચાખણ, પાખણ ચોર,

બણબણ, છણછણ, ચણભણ તોયે ખણખણ કરતો ચોર.

 

આ ચોર અને ચોરીની વાતે ચોરેચૌટે શોર,

પણ “ચોરી પર શીરજોરી” ની આ વાત ભલા, શીરમોર !!

 

 

જુગલકીશોર.

(તા. ૦૫, ૦૩, ’૧૦.)

કોઈ જીતે કોઈ હારે રે મન્નવા…

કોઈ જીતે કોઈ હારે રે મન્નવા, કોઈ હારે કોઈ જીતે.
એમને તો રહેવાનું મ્હેલાતે, બંગલે, આપણ ફુટપાથ ને પછીતે !
– કોઈ હારે કોઈ જીતે.

સળગ્યું લાગે છ આખું વંન ભલે, આપણાં આ ઝુંપડાં હજીય છે સલામત;
એને બાળીને કાંઈ તીરથ કરાય ના, વ્હેલેરી આવશે કયામત !
બળતાં ઝુંપડાંની આગ ઓલવશે કોઈ નહીં , લખીયું વંચાય સામી ભીંતે !
– કોઈ હારે કોઈ જીતે.

નાનાં ને નબળાં સૌ કોઈ કહે આપણને, માની લીધું છ એ ય આપણે,
મોટાં હતાં તો કેમ માગવાને આવે છે મતવાલા આપણે જ આંગણે ?!
છુટાંછવાયાં કરી દેશે આપણને પછી ભેગા થાશું ન કોઈ રીતે !
– કોઈ હારે કોઈ જીતે.

વડલા જેવો છ દેશ આપણો વડેરો, ને આશરે એને જ છીએ સુખીયાં,
નાનામોટાના ભેદ પાડીને માળાને વીંખીશું તો થઈ રહીશું દુખીયાં;
ભાગલા પાડીને રાજ કરવાના પેંતરા થાય શું સફળ તે કદી તે ?!

કોઈ જીતે કોઈ હારે રે મન્નવા, કોઈ હારે કોઈ જીતે.

– જુગલકીશોર.

કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!

કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!

મહેનતનાં ખળાં તો લેવૈ ગયાં ને બેસી રહેનારાં બધું લૈ ગયાં…..

કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!

 

અંદર હતું ના બહાર આવીયું, ભીતરને ભીતરે સડી ગયું;

ગંધૈ ગંધૈને કર્યું ગોબરું….હંધું,  નક્કામું થૈ જૈ પડી રહ્યું;

તાજું હતું ને વાસી થૈ ગયું… દુધડાં બગડીને છેવટ દૈં થયાં…

કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!

 

દેનારો દૈ દૈને દુખ્ખી થતો, લેનારો સંઘરતો જાય,

સંઘરો ભેગો થતો વખારમાં, એનો મુળ ધણી કરગરતો થાય;

જાહોજલાલી ન રૈ કામની, કંજુસીયા – કામના નૈં રયા !

કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!

 

કોણ રે દાતા ને કોણ માગણાં, કોણ રે દેનાર ને લેનાર,

કોણે રે બંધાવ્યાં કોનાં ખોરડાં, કોણ એ રહસ્યનો કે’નાર ?

સમથળ હતું તે ઉપરતળ થયું, ખળભળ ખળભળ રે તળ થૈ ગયાં…

કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!

 

લૈને આપે તે ભલો માનવી, દૈ દૈને સુખીયો દાતાર,

લૈ લૈને ભીતરે ભર્યાં કરે, રે એનો દુખીયો અવતાર;

બરકી બરકીને બધાં ભાંડુડાં સહીયારાં ભેળાં થૈ ખાય !

જેણે આપ્યું’તું એ જ દૈ ગયા !!

 

– જુગલકીશોર. (૨૩,૧૧,૧૭.)