સાર્થ શબ્દ – ૬ (ઘેલો–ગવાળો–ગામડિયો–રોંચો)

સાર્થ શબ્દ – ૫ના લેખમાં ઘેલું શબ્દ લીધો ત્યારે શબ્દકોશે એને વળગેલા કેટલાક વધુ અર્થો આપેલા. ઘેલું એટલે ગાંડું તો ખરું જ પણ બે શબ્દપ્રયોગોમાં આ ગાંડપણ નવી અર્થછાયા આપે છે….જુઓ :

‘ઘેલું કરવું’ અને ‘ઘેલું લાગવું’ના અર્થો છે, નાદ લાગવો કે ધૂન લાગવી. આ અર્થો કંઈક અધ્યાત્મક્ષેત્રના બની રહે છે. સામાન્ય ગાંડપણમાં આ અધ્યાત્મનો રંગ ભળે એને નાદ કે ધૂન કહેવાય છે……જોકે રામકૃષ્ણ પરમહંસ જેવા તો નાદનેય ગાંડપણ સુધી લઈ આવે છે તે વળી જુદી વાત ગણાય ! (એવું ગાંડપણ માતાજી સૌને આપે !)

‘ઘેલાં કાઢવાં’ એવોય શબ્દપ્રયોગ તો છે જ પણ એમાં કશું નવું નથી. પરંતુ પાનાં ફેરવતાં ફેરવતાં એક શબ્દપ્રયોગ નવો મળ્યો. એ હતો, ‘ઘેલીનો ગવાળો’ !

ઘેલી તો સમજ્યા, પણ આ ગવાળો નવો હતો ! બતાવે છે, ગવાળો એટલે ‘સામાનનો ઢગલો કે કોથળો’. ફુવડ બાઈના ઘરની દશા જોઈને વપરાતો આ પ્રયોગ કેટલો સચોટ ચિતાર આપે છે !!

તો પછી થયું કે આ ગવાળો ક્યાંથી આવ્યો હશે ? પાનું ફેરવતાં જ ‘ગવાળાં’ શબ્દનો સંબંધ દેશ્ય શબ્દ गवारમાં મળ્યો, જેનો અર્થ ગમાર થાય છે ! અને ગવાળાં કોને કહે છે ?

ગ્રામ્યજનોને માટે છે, ગવાળાં એટલે ગામડિયા ! અને ‘ગમાર’ શબ્દના અર્થોમાં કોશ કહે છે, ગામડિયું, રોંચું !!

(શબ્દકોશોમાં કેટલાક ન ગમે એવા શબ્દો અને અર્થો આપવા પડે છે, જે આજે ગેરબંધારણીય કહેવાતા હોય. આવા શબ્દો ભાષામાં પ્રયોજાયા હોઈ કોશમાં તેને સ્થાન હોય છે.)

એક સામાજિક કે કૌટુંબિક વહેવારની વાત પણ યાદ આવી ગઈ !

ઘેલીનો કે ગાંડીનો શબ્દ નકારાત્મક ગણાય; તો ‘ડાહીનો’ શબ્દ હકારાત્મક ગણાય ખરો ? આમ જોવા જઈએ તો હકારાત્મક જ ગણાય પણ સમાજમાં એવું નથી હો ! નણંદબા એની ભોજાઈના છોકરાને ગાંડીનો કહી શકે પણ ભોજાઈ નણંદ કરતાં મોટી હોય તોય નણંદબાના છોકરાને ‘ડાહીનો થા મા’ એમ ન જ કહી શકે ! નણંદબાને ડાહ્યાં કહેવા હો તો કહો પણ એના પુત્રરત્નને ડાહ્યાં માતુશ્રીના પુત્રરત્નરૂપે ‘ડાહીનો’ ન જ કહેવાય !! એટલે કે અહીં એ શબ્દ નકારાત્મક ગણાય !! (આને શબ્દનું સમાજકારણ કહી શકાય !)   

નોંધ : ભાગ – ૫માં કૉમેન્ટકક્ષે સરયૂબહેને મારા રોયાની જેમ વપરાતો ‘મારા પિટ્યા’ શબ્દ બતાવ્યો છે. પણ મને થયું કે માતાના મોત પાછળ છોકરો રડે તે સમજાય પણ છોકરો કાંઈ છાતી પીટે નહીં. તો પિટ્યો શબ્દ કઈ રીતે આવી ગયો હશે ?

શું લાગે છે ?

– જુગલકિશોર.

સાર્થશબ્દ : ૫ (બે મીઠી ગાળો)

શબ્દકોશ પણ ક્યારેક ઉત્સવ બની રહે છે.

કોઈ એક શબ્દને સમજવા કોશના પાનાં મથીએ (મંથન કરવું શબ્દને મથવું શબ્દના અનેક અર્થો સાથે જોડીશું તો બીજો ખજાનો હાથ લાગી જશે હો !) ત્યાં એનો કોઈ સંબંધી શબ્દ આપણને લલચાવે. આપણે એનું પાનું ખોલીને બેસીએ એટલે એના અર્થતરંગો ઊભા થઈ જાય અને પછી તો સમય ક્યાં ગયો ખ્યાલ જ રહે !

જુઓ ને, કાલે એક દેશી ને મધુરી ગાળને માટે કોશનું પાનું ફંફોસ્યું તો ક્યાં ના ક્યાં જઈ ચડાયું ?!

એ ગાળ સામાન્ય રીતે વહાલથી અપાતી ગાળ છે. કોઈ છોકરું કાલું થાય ને મોટીબહેન કે બાની કને લટુડાપટુડા કરે ત્યારે મા કહેશે, “ઘેલ હાગરો થા મા !” (આ જ ગાળને વધુ તીવ્રતા તો ત્યારે મળે જ્યારે એ ગાળ છોકરાને બદલે એની માને લાગુ પાડવાની હોય : ઘેલ હાગરીનો થા મા.)

શું છે આ ઘેલહાગરાપણું ?

ઘેલ શબ્દ ઘેલું એટલે કે ગાંડું પરથી આવ્યો. કોઈને ‘ઘેલો’ કહેવાથી સંતોષ ન થાય ત્યારે ઘેલછાની કૉન્ટિટી – જથ્થો વધારી દેવો પડે ! હવે જથ્થાવાચક શબ્દ માટે દુનિયામાં સૌથી લાયક, મોટો શબ્દ દરિયો છે ! “ગાંડપણનો દરિયો” કાંઈ જામે નહીં એટલે દરિયાનો વૈકલ્પિક શબ્દ ‘સાગર’ લીધો : ઘેલસા*ગરો !!

વહાલપની ગાંડાઈને ‘જોખવા’ માટે આ ‘ઘેલહાગરો’ શબ્દનું ‘વજનિયું’ બરાબર માપનું હોય એમ નથી લાગતું ?! (‘જોખવું’ શબ્દ અહીં કેમ યાદ આવ્યો, એવું મને ન પૂછશો પાછા….ગાળ તો જોખીજોખીને જ અપાતી હોય છે ને !)

વાત નીકળી છે મીઠડી ગાળોની, તો હાલોને થોડી…ક બીજી કેટલીક ચોપડાવી** દઈએ :

માતાનો વહાલો છોકરો તોફાન કરે ત્યારે માતા દ્વારા અવારનવાર વાપરી બેસાતો શબ્દ છે, “મારા રોયા !”

કોઈને માટે રોવાની વાત હોય ત્યારે કોઈનું મરણ પણ અભિપ્રેત ગણાય ! કોણ કોને રોવાનું છે તે સ્પષ્ટ ન હોય ત્યારે મારા રોયા એમ કોઈ કહે ત્યારે મનમાં દર્દ થાય ! એક મા પોતાના પ્રાણપ્રિય બાળકને માટે આવો શબ્દ પ્રયોજે ત્યારે થવો જોઈતો સવાલ મનેય થયેલો એટલે મોટીબહેનને મારી કિશોરાવસ્થામાં મેં પૂછી જ નાખેલું, કે મા એના બાળકને માટે આવું કેમ ઇચ્છતી હશે ? બાળકને માટે પોતાને રડવું પડે એવી ગાળ તો શાપ કહેવાય ને ?!

ત્યારે મને જવાબ મળેલો કે આ શાપ નથી પણ માતાનું વહાલ છે ! માતા બાળકના મરણ માટે નહીં પણ પોતાના મરણને કારણે બાળકના રોવાની વાત કહે છે !! એટલે ‘મારા દ્વારા રોવાયેલા’ એમ નહીં પરંતુ ‘મારા માટે રોવાયેલા’ એવો અર્થ લેવાનો છે !! અર્થાત માતાના મરણ પાછળ રડીને માતા પ્રત્યેના પ્રેમને પ્રગટ કરતો દીકરો એમ ધારી લઈને, ભવિષ્યે પણ દીકરો માતાને માટે લાગણીભર્યો જ હશે – પત્નીથકો થયો હશે તો પણ !!

નોંધ : આ ‘રોયો’ વચ્ચે ન આવ્યો હોત તો મારે તો પેલી ઘેલહાગરી શબ્દલહરી આગળ વધારવી હતી ! પણ જવા દો, એ હાગર–મંથન હવે પછી ચાલુ કરીશું. શબ્દકોશના નાનકડા સાગરનાં પાનાંમાં ‘મથતાં રહેવા’ની એક મજા હોય છે. આ તો એક મોજું ઉછાળી જોયું…..મારા વાચકો એને આધારે પ્રતિઉછાળ / ‘આફ્ટરશોખ’ આપે છે કે નહીં તે જોવાનું રહે છે !!

અસ્તુ.

– જુગલકિશોર

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

*હવે, ગુજરાતીમાં ખૂબ જ વપરાતો ઉચ્ચાર જે સ અને હની વચમાં આવે છે તેને માટે આપણે ત્યાં લિપિચિહ્ન ન હોવાથી હ અથવા સ વાપરીને કામ ચલાવવું પડે છે……જોકે શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથા ‘અકુપાર’માં લેખકે સની સાથે એક બિંદી મુકાવીને આ વચેટ ઉચ્ચારને લિપિ આપવાનો સફળ પ્રયત્ન કરીને કાઠિયાવાડી તથા સુરતી બોલીમાં અત્યંત વપરાતા એ ઉચ્ચારને યોગ્ય ન્યાય આપ્યો છે.

**ચોપડવું ક્રિયાપદને મેં ભલે ખોટી રીતે, પણ “ચોપડામાં ચીતરવું”રૂપે લઈને લેખરૂપી ચોપડીએ ચોટાડવું – ચોપડીએ ચડાવી દેવું – એવો મારા ખીસાનો અર્થ લીધો છે.  

સાર્થશબ્દ : ૪ (શબ્દની અ–શક્તિ !)

શબ્દ સાર્થ તો હોય છે પણ સાર્થક હોય છે ખરો ?

શબ્દની સાથે અર્થ જોડાયેલો હોય એટલે સાર્થ તો ખરો પણ એ શબ્દ એના હેતુ મુજબ પ્રત્યાયન (કૉમ્યુનિકેશન) કરી શક્યો છે ખરો ? કોઈ પણ શબ્દ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે ન પહોંચે તો એને સાર્થક ગણાય ખરો ? શબ્દની સાર્થકતા એના અર્થનું પ્રત્યાયન કરવામાં છે તેથી આ સવાલનું મહત્ત્વ રહે છે.

શબ્દના અર્થને સામી જગ્યાએ યોગ્ય રીતે પહોંચાડવા માટેનાં બે મુખ્ય રસ્તા–માધ્યમો છે : લિપિ અને ધ્વનિ. શબ્દ (અક્ષરોનો સમૂહ) વાંચીને અને સાંભળીને સમજી શકાય છે; એનો અર્થ પામી શકાય છે.

પણ એક ત્રીજું માધ્યમ પણ છે શબ્દના અર્થને ગંતવ્યે પહોંચાડવા માટેનું; અને તે છે અભિનય. કેટલાક ટૂંકા સંદેશાઓ અભિનય (હાથની મુદ્રાઓ કે મોંના ભાવ) દ્વારા સામી વ્યક્તિને પહોંચાડી શકાય છે. જેમ કે ‘જાવ’, ‘આવો’, ‘શું કામ છે ?’ વગેરે બાબતોને મુદ્રા કે હાવભાવથી સમજાવી શકાય છે. (અભિનય, શિલ્પ કે સંગીત, ચિત્ર વગેરે કલામાધ્યમોથી પૂરેપૂરો સંદેશ પહોંચી જ જાય છે તે વાત સાચી માની શકાય નહીં !) એમ તો, જોકે, બોલાયેલો કે લખાયેલો શબ્દ પણ પૂરેપૂરો સામે કાંઠે પહોંચશે જ એનું ક્યાં નક્કી હોય છે !!

લગભગ પૂરપૂરો સંદેશો પહોચાડવા માટે તો લિપિ અને એ જ ઉચ્ચારોના ધ્વનિ જ સૌથી વધુ સફળ રહેતા હોય છે – રહી શકતા હોય છે.

પ્રત્યાયન એક માનવીથી બીજા માનવી સુધી શક્ય છે પણ તેમાં શરત એ જ રહે છે કે તે બન્ને જણાં ઉચ્ચારો અને લિપિ એકબીજાની સમજતા હોય. આવું શક્ય ન હોય ત્યાં અભિનય (એટલે કે હાવભાવ અને મુદ્રાઓ) મદદે આવે છે.

મુદ્દો તો એ પણ છે જ કે માનવી–માનવી વચ્ચેનું પ્રત્યાયન શક્ય છે તે જ રીતે માનવીનું પશુ–પંખી સાથેનું પણ કેટલુંક શક્ય છે. બલકે હોવું તો માનવી અને વનસ્પતિ વચ્ચે પણ ઘટે. કારણ કે એવું કહેવાય છે કે વનસ્પતિ માનવભાવને સમજી શકવા કંઈક અંશે સમર્થ છે. છતાં તે વળતાં, જવાબમાં પોતાનો ભાવ પ્રગટ કરી ન શકે તેથી તેને પ્રત્યાયન કહેવાય નહીં.

માનવી શબ્દાર્થ દ્વારા મુખ્યત્વે બે બાબત કૉમ્યુનિકેટ કરે છે : પોતાના ભાવો અને પોતાના વિચારો. આ બન્ને અનુક્રમે મન અને બુદ્ધિના વિષયો ગણાય. બીજી રીતે જોઈએ તો ભાવને શબ્દો હોતા નથી ને વિચારને શબ્દો હોય છે ! તેથી ભાવને વિચારની માફક સરળતાથી સામે પહોંચાડી શકાતા નથી કારણ કે તેને વ્યક્ત થવા માટે શબ્દરૂપ લેવું પડે છે. અને આ પ્રક્રિયા દરમિયાન મૂળ ભાવ શબ્દની કોઈ ને કોઈ નબળાઈ કે અ–શક્તિને કારણે પૂરો વ્યક્ત થઈ શકતો નથી.

સર્જક કહેવા માગતો હોય તે બધું શબ્દ દ્વારા પ્રગટ કરી શકતો નથી તેનું કારણ ભાવની સૂક્ષ્મતા સામે શબ્દની સ્થૂળતા છે. જનકપુરીના બગીચામાં રામ અને સીતાને ભેગાં કર્યાં છે પણ રામનું વર્ણન સીતા કરી શકતી નથી તેનું કારણ તુલસીદાસે સરસ આપ્યું છે :

“ગિરા અનયન, નયન બિનું બાની !!”

રામનું વર્ણન કરવાની શક્તિ જીભ (વાણી) પાસે છે પણ તેણે જોયું  નથી, અને જેણે જોયું છે તે આંખ પાસે વાણી નથી !!

આ જ બાબત કવિને કનડતી હોય છે ! કહેવું તો ઘણું છે પણ એને માટે જરૂરી શબ્દશક્તિ નથી. શબ્દો તો કોશમાં ઘણા છે પણ એને સુપેરે પ્રયોજવાની શક્તિ (આવડત), ક્યારેક ધીરજ, ક્યારેક દાનત હોતી નથી !

અસ્તુ.

– જુગલકિશોર

સાર્થ શબ્દ : ૩ મોરનો “થનગાટ” કે “થનગનાટ” ?

હમણાં હમણાં “મોરનો થનગાટ” શબ્દપ્રયોગ વારંવાર સાંભળવા મળતો હોઈને શબ્દકોશો ફંફોસ્યા. ક્યાંય ‘થનગાટ’ શબ્દ મળ્યો નહીં.

થનગનાટ શબ્દ તો બહુ જાણીતો છે. થનથન કે થનક જેવા શબ્દો નૃત્ય સાથે સંકળાયેલા રહ્યા છે. પગમાં ઝાંઝરી પહેરેલું બાળક ચાલે ત્યારે આ શબ્દો વપરાતા રહે છે. થનથન અને થનક શબ્દોમાં જે રવ છે તે અહીં સાર્થક બને છે.

ચીલાચાલુ અર્થમાં મોર જોકે નૃત્ય કરતો હોતો નથી. તે કળા કરીને પછી કેવળ ચકરડી ફરતો રહે છે. પણ થોડીથોડી વારે કળા કરેલાં પીંછાંને થરથરાવે  છે જેનો એક વીશેષ ધ્વની હોય છે. આ ધ્વનીમાં પણ થનથન, થનક કે થનથનાટ કહી શકાય તેવો રવ તો નથી જ હોતો. મોરની કળા એ પોતે જ નૃત્યની એક ભંગીમા છે. એ એક મજાનું ચીત્ર છે. એટલે મોરનું નૃત્ય એની આ કલામય પ્રવૃત્તીને સાર્થક કરે છે.

મોરનો ટહુકાર અને કોયલનું કુહુ પ્રબળ ધ્વની સાથે પ્રગટે છે. એ ધ્વની તાકાતભર્યો હોય છે. છતાં એમાં જે રણકાર અને  એક મજાનો લય હોય છે તે કાવ્યોનો વીષય બની શક્યો છે.

પરંતુ “થનગાટ” શબ્દ તો જરાય કાવ્યમય નથી. એમાં ગકારનું દીર્ઘ આકારત્વ અને ‘ટ’માંના માધુર્યના અભાવને કારણે પણ થનગાટ શબ્દ જચતો નથી. થનગનાટ શબ્દમાં ‘ના’માં રહેલું નાસીક્ય આગળના ગને તથા પછીના ટને સહ્ય બનાવે છે.

ને “થનગાટ” તો વળી શબ્દકોશે દેખાયો પણ નથી ! (કોઈને મળે તો મોકલવા વીનંતી છે.)

જુ.

સાર્થ શબ્દ – ૨

બે સરખી લાગતી કહેવતો વચ્ચે –

૧) ઊંટ મરે તો (ય) મારવાડ ભણી જુએ

૨) ધૂણતો ભૂવો નાળિયેર ઘર ભણી ફેંકે

––––––––––––––––––––––––––––––––––––––––

બન્નેમાં ભાવ તો એક જ છે, સ્વાર્થનો.

બન્નેમાં પોતાના પ્રત્યેની માયા–મમતા–લાલસા જણાય છે. તો પછી ભેદ ક્યાં છે ?!

કોઈ વાચકમિત્રોમાંથી સમજાવે તો મજો પડી રહે.

સાર્થ શબ્દ

અર્થ સાથેનો શબ્દ.

અર્થ વગરનો શબ્દ હોય ખરો ? સવાલ તો મજાનો છે !

કેટલાક તો શબ્દ ન કહેવાય તોય અર્થ ધરાવતા હોય છે, જેમ કે કેટલાક ધ્વનિઓ. ખોંખારાને લિપિબદ્ધ કરવા માટે સગવડ નથી તોય તેના અર્થો હોય છે. કેટલાક ઉચ્ચારો આનંદ કે શોક કે ક્રોધ દર્શાવનારા હોય છે; એને અર્થ હોય છે પણ વંચાવવા માટે તેને માટે કોઈ લોપિચિહ્ન હોતું નથી. ફક્ત ધ્વનિ મારફતે તે કોઈ અર્થ બતાવી દે છે !

શબ્દનો એક અર્થ થાય છે ‘અવાજ’. “ત્યાં શબ્દ થયો” (ઉ.જો.)

અવાજ એટલે ધ્વનિ. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ધ્વનિ નામક એક મોટો સિદ્ધાંત છે. કહો કે સંપ્રદાય છે. શાંત સરોવરમાં કાંકરી પડે ને જેમ પાણીમાં વર્તુળો પ્રગટે તે જ રીતે ઉત્તમ સાહિત્યમાંના શબ્દો એક કરતાં વધુ અર્થો આપે છે. ઉત્તમ કાવ્યરચનાની એ ખૂબી છે કે તેને વારંવાર વાંચીએ તો દર વખતે નવા નવા અર્થો આપે છે. આને કાવ્યશબ્દનો ધ્વનિ કહે છે.

શબ્દને અર્થ મળે ત્યારે તેમાં ઉમેરાતું ‘સહિતત્ત્વ’ મહત્ત્વનું બને છે. એટલે જ તો કહેવાયું છે ને, “शब्दार्थौ सहितौ काव्यम्”

“શબ્દને અર્થ મળે” એ વાક્યનેય બીજો અર્થ મળી ગયો, લો બોલો !

કોઈ સાહિત્યકારના શબ્દને સામયિકમાં, પુસ્તકમાં, વ્યાખ્યાનમાં સ્થાન મળે ત્યારે પુરસ્કારરૂપે એને અર્થ (નાણું !) પણ મળે છે !!

હવે અહીંથી પાછા “ચાર ઘર વળતાં” આ લખાણના પહેલા સવાલ તરફ જઈએ : અર્થ વગરનો શબ્દ હોય ખરો ?

હા, કોઈ સર્જક કેવળ શોભા ખાતર, કે અણઆવડતનો માર્યો સમજ્યા વિના પોતાની રચનામાં

કોઈ બિનજરૂરી શબ્દને ઠઠાડી દે છે ત્યારે એવા શબ્દનો કોઈ અર્થ હોતો નથી !

ને છેલ્લે લ્યો, આ છેલ્લા વાક્યના પછવાડાના ભાગનેય એક નવો અર્થ મળી ગયો ! જુઓ :

“કોઈ અર્થ ન હોવો” એ શબ્દપ્રયોગ આપણે વારંવાર કરીએ છીએ.

“જવા દો ને, એ તો બણગાં ફૂંકે છે; એના વચન (પ્રોમિસ)નો કોઈ અર્થ નથી.”

શબ્દના અર્થ અને અર્થનાય અર્થની વાતો તો મેંય ઘણી કરી અહીં ! છે કોઈ અર્થ, મારી આ બધી વાતોનો, ભલા ?!!

માત્રામેળ છંદોના કેટલાક નિયમો (૫)

               – જુગલકિશોર
નિયમ 1 : અક્ષરમેળ છંદોની માફક આ છંદોમાં અક્ષરોની ગણના કરવાની નથી હોતી. ફક્ત માત્રાઓ (લઘુ-ગુરુની સંખ્યા) જ ગણવાની હોય છે. એક પંક્તીમાં માત્રાઓ ચોક્કસ સંખ્યામાં હોવી જ જોઈએ; અક્ષરોની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે.
દા.ત. :   હરીગીત છંદને જોઈએ :
આ છંદની કુલ માત્રા-28 છે. યતી એટલે કે અટકવાનું -14 કે 16મી માત્રાએ હોય છે. આ છંદનું બંધારણ :
દાદાલદા દાદાલદા દાદાલદા દાદાલદા : આમાં દા એટલે ગુરુ અને લ એટલે લઘુ. હવે કુલ દા ૧૨ છે એટલે એની માત્રા થઈ ૨૪. અને લ કુલ ૪ હોઈ તેની માત્રા ૪નો સરવાળો એટલે ૨૮ માત્રાનો છંદ થયો ! હવે નીચેની પંક્તિના દા અને લ કુલ કેટલા છે તે ગણશો તો માત્રા ૨૪ થશે.
ઉદા.પંક્તી :       “આ   છંદ ને આ  વ્યાકરણ,  આ  તાલ-માત્રાઓ   થકી
                          ના કાવ્ય બનતું એમ, ભાવ, વિચાર વિણ, એ તો નકી.”
 નિયમ 2 : માત્રાઓનું સ્થાન પણ નક્કી નથી હોતું બલકે એક ગુરુની જગ્યાએ બે લઘુ કે બે લઘુની જગ્યાએ એક ગુરુ મુકી શકાય છે.
દા.ત. આ છં દ ને આ વ્યા ક ર ણ (દાદાલદા દાદાલદા ૧૪)
       દા દા લ દા દા દા  લ લ લ અહીં દાદાલદા દાદાલલલ એમ થાય છે ને ?! પણ છેલ્લા બન્ને લલને એક દા ગણી લેવાથી દાદાલદા થઈ જશે ! બીજી રીતે પણ થઈ શકે છે, જુઓ :
        બસ છંદ વળી આ લઘુગુરુ (લલ દાલ લલ દા લલલદા : કુલ માત્રા ૧૪)
ટૂંકમાં છંદના નિયમ મુજબ પંક્તિમાં નક્કી થયેલી માત્રાઓની સંખ્યા મળવી જોઈએ.
નિયમ 3 : દરેક છંદના સંધિનાં આવર્તનો (રીપીટીશન્સ) દરેક પંક્તિમાં થવાં જ જોઈએ. અક્ષરમેળમાં જેમ ગણો હોય છે તેમ જ માત્રામેળમાં સંધિ (નક્કી માત્રાઓનું ગ્રુપ) પણ નક્કી હોય છે.
સંધિના કેટલાક પ્રકારો (ગ્રુપો) :
લલદા લલદા લલદા લલદા
દાલદા દાલદા દાલદા દાલદા
દાલલદાદા દાલલદાદા
દાદા દાદા દાદા દાદા
લદાદા લદાદા લદાદા લદાદા આવાં ઘણાં ગ્રુપો હોય છે જેને યાદ રાખવાની જરૂર નથી ! એ આપોઆપ યાદ રહી જાય છે.
4] દરેક સંધિ (ગણસમુહ)માં નક્કી સ્થાન પર તાલ આવે છે. કાવ્ય વાંચતાં કે ગાતી વખતે આ તાલ રીતસરનો અનુભવાય છે. કહેવાય છે કે સંગીતના વીવીધ તાલમાંથી આ સંધિઓ જન્મ્યા છે. આ તાલ એ પણ માત્રામેળ છંદનું મહત્ત્વનું અંગ છે.
5] યતિ એ માત્રામેળ છંદોનું અનિવાર્ય અંગ નથી. એટલું જ નહીં યતિ જો આવતી હોય તો તેની પહેલાંનો અક્ષર લઘુ હોય તો ચાલે છે ! અક્ષરમેળ છંદોમાં યતિની પહેલાંનો અક્ષર ગુરુ જ હોવો જોઈએ.
6] માત્રામેળ છંદોમાં પંક્તિને અંતે આવતા પ્રાસ (અંત્યાનુપ્રાસ) જરૂરી હોય છે. એનાથી પંક્તિ પૂરી થયાની જાણ થાય છે.
7] ચાર માત્રાના સંધિ (દાદા)ને ચતુષ્કલ સંધિ કહે છે; પાંચ માત્રાના સંધિ (દાલદા)ને પંચકલ, તથા સાત માત્રાઓના સંધિ (દાલદાદા/દાદાલદા)ને સપ્તકલ સંધિ કહેવાય છે. ગઝલમાં પંચકલ અને સપ્તકલ સંધિઓનું મિશ્રણ કરીને અનેક છંદો બને છે. માત્રામેળમાં આવું જોવા મળતું નથી. અક્ષરમેળમાં તો યતિને કારણે જે ટુકડા પડે છે તે એક જાતના સંધિ જ ગણાય. અને એ દૃષ્ટિએ અક્ષરમેળ છંદોમાં પણ સંધિઓનું મિશ્રણ થયું ગણાય !
8] અક્ષરમેળ છંદોથી માત્રામેળ છંદોને અલગ પાડવા માટે અક્ષરમેળમાં માત્રાની ગણતરી ‘ગાલ’ (ગુરુ-લઘુ) શબ્દથી દર્શાવવામાં આવે છે જ્યારે માત્રામેળમાં ગુરુલઘુને ‘દાલ’ શબ્દથી દર્શાવાય છે.