માધ્યમ–માન્ય મનદુ:ખો !!

‘મળી મોંઘેરી માતૃભાષા ગુજરાતી’                                                    –યોગેન્દ્ર્ વ્યાસ

હજુ ગયે અઠવાડીયે જ એક ગમખ્વાર કીસ્સો બન્યો. જો કે અખબારો એને ગમખ્વાર માને નહીં તેથી કોઈ છાપાંએ એ ચમકાવ્યો લાગતો નથી. એમ તો સવારમાં શ્રી નારાયણભાઈમુખે ગાંધીકથા શ્રવણ કરી હોય અને બપોરે એક જોડ ખાદીવસ્ત્ર ખરીદવાની પ્રતીજ્ઞા કરીને ધન્ય ધન્ય થયા હોય તેવા લોકો સાંજ પડે પેલી જ ખાદીવસ્ત્રની જોડ પહેરીને ગાંધીવીચારની ખુલ્લેઆમ કત્લેઆમ કરતા હોય તેવી ઘટના પણ ગમખ્વાર ન ગણાતી હોય, ત્યાં શું થાય ?

બન્યું એમ કે એક જ ઘરમાં, માફ કરજો પણ ખરેખર તો એક જ મકાનમાં ઉપર–નીચે રહેતા બે સગા ભાઈઓ વચ્ચે અબોલા થઈ ગયા એવો ઝગડો થયો. હજુ સુધી તો સંપ સારો રહેલો કારણ કે એકબીજાની વાતમાં માથું ન મારવું એ સંકલ્પનો બંને કુટુંબે કડક અમલ કરેલો. પણ ગયે અઠવાડીયે જ જુન 2009 માટે નાનાભાઈના અઢી વરસના દીકરાને એક અંગ્રેજી માધ્યમની શાળામાં જુનીઅર કે.જી.માં દાખલ કર્યાની વાત આવી. મોટાભાઈથી રહેવાયું નહીં તે એમણે અંગ્રેજી માધ્યમમાં બાળકને વધારાનો નાહક બોજો આવશે એ મતલબની વાત છેડી. પોતાનાં બંને બાળકો ગુજરાતી માધ્યમમાં કેવાં સમતોલ વીકસી રહ્યાં છે તેનું ઉદાહરણ આપ્યું. થઈ રહ્યું. નાનાભાઈની પત્ની બોલી ઉઠી, ‘અમારા હીતની એકે વાત કરવાનું ન ગમે તો મુંગા રહેવું. અમને હાથે કરીને કુવામાં પડવાની સલાહ ન આપવી.’ મોટાભાઈથી બોલાઈ ગયું. ‘તમે હાથે કરીને કુવામાં શા માટે પડો છો ? એમ કહું છું.’

પછી તો જામી. ‘અખા એ અંધારો કુવો, ઝગડો ભાગી કોઈ નવ મુઓ,’ એવો ઝગડો થઈ ગયો. નાનાભાઈની પત્નીને મતે માતૃભાષાનું માધ્યમ કુવો અને મોટાભાઈને મતે અંગ્રેજીભાષાનું માધ્યમ કુવો. કદાચ બાળક માટે તો બેય કુવા સરખા હશે પણ એની માને લગભગ બધી જ ગુજરાતણોની જેમ એમ પણ હોય કે બાળકને ડુબાડવું જ છે તો જરા વટ પડે એવા મોભાદાર કુવામાં જ ન ડુબાડીએ ?

મારા એક આદીવાસી મીત્ર છે, મગનભાઈ વસાવા. એમની વાત તો એકદમ વાજબી લાગે. કહે છે, ‘અમારે માટે તો ગુજરાતી કે અંગ્રેજી – બંને બીજી ભાષા છે. ગુજરાતી કરતાં અંગ્રેજી શીખવાનું સહેલું કારણ કે અંગ્રેજીલેખનવ્યવહારમાં ગુજરાતી જેવા અટપટા નીયમોના આટાપાટા નહીં. ડીઓજી ડોગ, ઉંધેથી વાંચો તો જીઓડી ગોડ – બધાં જીવો ઈશ્વરસ્વરુપ છે, ગોખી નાખો એટલે પત્યું. પહેલા ધોરણથી બાળકને અંગ્રેજી માધ્યમમાં ન ભણાવીએ તો એમનાં દુશ્મન ગણાઈએ.’

મોટાભાગનાં મા–બાપો (અને વીશેષે ગુજરાતી મમ્મીઓ) મગનભાઈ જેવી જ માન્યતા ધરાવે છે અને એ બીકમાં ને બીકમાં ખરેખરા અર્થમાં બાળકોનાં દુશ્મન બની બેસે છે એવો બીજો કીસ્સો પણ ગયે અઠવાડીયે જ અનુભવ્યો.

લાલદરવાજાથી એક સજ્જન મારી સાથે જ બસમાં ચડ્યા. એ બસમાં મુસાફરી કરતા હતા તેથી કે તેમના હાથમાં મારું ‘ચાલો, થોડું હસી લઈએ’ પુસ્તક જોયું તેથી એમને સજ્જન કહ્યા નથી. એ ખરા અર્થમાં ‘સજ્જન’ એ તો આ કીસ્સો વાંચ્યા પછી તમનેય ખાત્રી થશે. જોગાનુજોગ એ મારી બાજુની સીટ પર જ બેઠા. પોતાનું લખેલું પુસ્તક જેના હાથમાં હોય તેવી વ્યક્તી સાથે કયો લેખક વાત કર્યા વીના રહી શકે ? બસ ચાલી એટલે મેં ચલાવ્યું, ‘હસવાનું પુસ્તક લાગે છે, ખરીદ્યું ?’ ‘તો શું ચોરી લાવ્યો ?’ એમ કહેવાને બદલે રડમસ ચહેરે તેમણે જવાબ આપ્યો, ‘જોક્સનું પુસ્તક માનીને જ ખરીદ્યું પણ ગંભીર નીકળ્યું.’ ‘ગંભીર ?’ આ હાસ્યલેખો લખતી વખતે જેનો ડર હતો તે સાચો પડતો લાગતાં મારાથી પુછાઈ ગયું. ‘અરે, મારો તો મુડ ખરાબ કરી નાખ્યો.’ એ બોલ્યા.મારે ચુપ રહેવા સીવાય છુટકો નહોતો તેથી તેમણે આગળ ચલાવ્યું, ‘હમણાં બસસ્ટેન્ડે બેઠાં બેઠાં એક લેખ વાંચ્યો, ‘એંગ્લીસ મેડ્યમની સારા.’ આમ તો ભારોભાર વ્યંગ અને ઠેકડી છે.’ મને હાશ થઈ તેથી કહ્યું, ‘વ્યંગ અને ઠેકડી તો હસવા માટે જરુરી છે.’ ‘ખરું. પણ એમાં ભારોભાર સચ્ચાઈ છે. આખી ગુજરાતી પ્રજાની અંગ્રેજીભાષા માટેની ભયંકર ઘેલછા સરેરાશ બાળકના વીકાસમાં કેવાં રોડાં નાખે છે તે વીશેની રમુજ છે. મારી પત્નીએ આખા કુટુંબનો વીરોધ છતાં મારાં બંને બાળકોને અંગ્રેજી માધ્યમમાં મુક્યાં છે. એ આ વાંચશે તો… …’  ‘તો’ પછીનું દૃશ્ય જોતા એ દયામણા બની રહ્યા. મેં એમને આશ્વાસન આપવા કહ્યું, ‘આખા ગુજરાતની હાલત તમારા જેવી છે. આ લેખ કદાચ ઉપયોગી એ રીતે થાય કે વાંચી તમારાં પત્ની ફેરવીચારણા કરે પણ ખરાં.’ એ વધુ દયામણા થઈ બોલ્યા, ‘રામ રામ કરો. રખે ને આ લેખ એ વાંચશે તો આ લેખકને આખા ગુજરાતનો દુશ્મન નંબર એક ગણી પુસ્તક બીજે દીવસે પસ્તીમાં વેચી દેશે. ચુલો તો છે નહીં છતાં કદાચ તો તરત ગૅસ પર સળગાવી જ દેશે.’ આવી પત્ની સામે ‘ચું ચાં’ ન કરી શકનાર પતીદેવને તમે પણ સજ્જન જ ગણશો.

હવે તો એ દીવસો આવ્યા છે કે ગાંધીવીચારને પ્રસરાવવા જ શરુ થયેલી મોટી મોટી પ્રતીષ્ઠીત નીશાળો પણ પહેલા ધોરણથી અંગ્રેજી માધ્યમના વર્ગો શરુ કરવા માંડી છે. રખે ને, આપણું નામ સજ્જનોની યાદીમાંથી રદ થઈ જશે એવી બીકે કોઈ ટ્રસ્ટી વીરોધની ચુંચાં કરતા નથી.

તમે નહીં માનો પણ હવે તો કાન્તીકાકા પણ ફેરવીચારણાના મુડમાં છે. પોતાનું નામ સજ્જનોની યાદીમાંથી રદ થઈ ગયું છે તે વીશે નહીં પણ ગુજરાતીભાષા વીશે. ‘મળી મોંઘેરી માતૃભાષા ગુજરાતી’ના જોડણીના નીયમો ગોખી ગોખીને એંસી વરસ થઈ ગયાં તો ય લખીએ ત્યારે સો ટકા ‘સાર્થ જોડણીકોશ’માન્ય જોડણીમાં જ લખાશે એનો ભરોસો કોઈ કહેતાં કોઈને પડતો નથી અને છતાં એ વીશે કોઈ ફેરવીચારણા કરવા તૈયાર નથી, ‘મનજળ થંભેલું’ જરા સરખું હાલવા દેવાની કોઈની તૈયારી નથી તો ચાલો, છોડો આ મગજમારી. ન રહે બાંસ, ન બજે બાંસુરી. અપનાવી લો અંગ્રેજી માધ્યમ. આમે ગાંધીજીએ તો બરાબર સો વરસ પહેલાં ઈ.સ. 1908માં જ્યોતીષ જાણ્યા વીના જ ભવીષ્ય ભાખેલું કે આપણે અંગ્રેજોને હાંકી કાઢીશું પણ અંગ્રેજીયતને જીવનમાં એકરુપ કરી લઈશું. ‘જય જય ગરવી ગુજરાત.’

(ભાષા પરીષદની પુસ્તીકામાંથી સાભાર)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

 

શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૪

નેટ પરનાં સામાજીક માધ્યમોમાં ભાષાશુદ્ધીનો આગ્રહ ?!

જોડણીકોશમાંની ભુલોની બાબતના ઉહાપોહનીય પહેલાંથી પ્રીન્ટ અને દૃષ્યશ્રાવ્ય મીડીયામાં ભાષાદોષો ચલાવી લેવાનાં જે વલણો દેખાઈ રહ્યાં છે તે અંગે આગળના ત્રણ લેખોમાં આપણે કેટલીક વાત કરી. પણ આ બધી ચર્ચાઓમાં આપણે સામાજીક નેટમાધ્યમોની અરાજકતાની વાતો કરી હતી. પરંતુ નેટમાધ્યમમાં બે મોટા વીભાગ પડે છે જે પ્રીન્ટ માધ્યમમાં નથી ! આપણે ક્યારેય ટપાલોમાં લખાતાં લખાણોની જોડણીનો વીચાર કરતા નહોતા !! ટપાલો તો સર્વસાધારણ માણસ જીવનવ્યવહારો માટે લખતા હતા તેમાં ભાષાશુદ્ધીની ચીંતા કેટલી વાજબી ગણાય ?

તે જ રીતે, ફેસબુક કે વોટસએપ વગેરે પણ આ બધા જીવનવ્યવહારો દરરોજના લાખ્ખો–કરોડો શબ્દોમાં થતા જ રહે છે ને થતા જ રહેશે, તેને ભાષાશુદ્ધીની ચર્ચામાં જોડવાનું બહુ જરુરી જણાતું નથી. આ વાતને આગળ કરીને કેટલીક વાત આજે અહીં મુકવાનો ઉપક્રમ છે.

*****   *****   *****

જ્યાં સુધી નેટજગતને લાગેવળગે છે ત્યાં સુધી સામાજીક અવગમન–માધ્યમો (સોશ્યલ મીડીયા)એ વ્યક્તીગત સંપર્કોની સગવડ એટલી હદે વધારી આપી છે કે લોકોએ એનો ઉપયોગ બે હદ વધારી દઈને આ માધ્યમોનો પુરતો લાભ લેવાનું શરુ કરી દીધું છે.

હજી હમણાં સુધી ટપાલખાતું અને બહુબહુ તો ટેલીફોનજગત વડે વાતચીતો અને જીવનના મહત્ત્વના વ્યવહારો થતા હતા. ટપાલ અને ફોનની એ સગવડો તો હજી પણ ચાલુ જ છે પરંતુ મોબાઈલ અને સામાજીક નેટમાધ્યમોએ એવી એવી અને એટલી બધી સુવીધાઓ હાથવગી, કહો કે ટેરવાંવગી કરી આપી છે કે પેલાં બન્ને માધ્યમો લગભગ બેકાર થઈ ગયાં !! ને એમાંય તે ફેસબુક અને વોટસએપ જેવી સગવડોએ બધું જ સહેલું અને મફત કરી આપ્યું એટલે ફોનનાં ડબલાં અને મોબાઈલ પરની વાતોય નીકમ્મી હો ગઈ !

આ સગવડોને જો કોઈ અનીષ્ટ કહીને એને ઉતારી પાડવા માગતું હોય તો  તે ઠીક નહીં ગણાય. આજે હમણાં હમણાં – તાજેતરમાં જ મળેલી આ સગવડોનો લાભ લોકો મુક્ત મને લેવા માંડતા હોય તો તેમાં ખોટું નથી. એટલે આ નવું માધ્યમ અને એની સગવડોનો બને તેટલો લાભ જીવનના અનેકાનેક વ્યવહારોમાં લેવાનું સહજ અને જરુરી ગણવું રહયું.

પરંતુ આપણી આ લેખમાળાને સંબંધ છે ત્યાં સુધી ગુજરાતી ભાષાનો જે છુટથી ઉપયોગ થઈ રહ્યો છે તેમાં વ્યાકરણ અને જોડણીના નીયમો વગેરેની જાળવણીના સવાલો આ સામાજીક માધ્યમોમાં ઉભા થતા હોય તો તેની બહુ ચીંતા કરવા જેવી ન ગણાય. અલબત્ત નવા માધ્યમના નવાનવાપણાને કારણે ભાષાનું નુકસાન કાંઈ થોડું થવા દેવાય ?! એવા સવાલના જવાબમાં એટલું જ કહેવાનું કે છેલ્લા ત્રણ લેખોમાં જે ફરીયાદો થઈ છે તે મુજબ, સાક્ષરો અને સરકાર તથા ભાષા–સાહીત્યની સંસ્થાઓ જ જો ભાષાની ચીંતા કર્યા વીના આડેધડ બધી ભુલોને ચલાવી લેતાં હોય તો આ સામાજીક માધ્યમોનો લાભ લેનારા કે જેઓ ભાષાના વીદ્યાર્થીઓ કે ભાષાના જવાબદારો કે ભાષાના જ્ઞાનીઓ નથી ! તેમને શુદ્ધ ભાષા લખવાનો આગ્રહ કરવો તે કોઈ સંજોગોમાં ઠીક ન ગણાય.

પહેલાં ભાષાજ્ઞાનીઓ, ભાષા–સાહીત્યની સંસ્થાઓ, સરકારી જવાબદારો વગેરેએ જ આ ભાષાની અરાજકતાની ચીંતા કરવાની હોય; સામાજીક માધ્યમોમાં મનની મોજ માણતા એ સૌ નીર્દોષોને જોડણી વગેરેના આદેશો આપનારા અમે કોણ ?!! અમે તો બહુ બહુ તો જવાબદારોને જાણ કરીએ કે આવું બધું થઈ રહ્યું છે તો કાંક ઉપાય કરો !

ને એવું કહેવાની પહેલાંય, ખાસ તો જે કોઈને જરુર છે, જેઓ શુદ્ધ ભાષામાં વ્યવહાર કરવા માગે છે તેમને મદદરુપ થવા મથવાનું અમારું કામ અમે માનીએ છીએ. ઉહાપોહ કરીને અટકી જવાનું આ કામ નથી ! ભુલો બતાવવી સહેલી વાત છે પણ ભુલો કરનારાંને મદદ કરીને ભાષાસેવા કરવી તે સહેલું નથી……ને છતાં એક દાયકાથી આવું જ કામ લઈને જેઓ બેઠાં છે તે સૌએ પોતાનું આ કામ નીશ્ચીંત થઈને કર્યે જ જવાનું છે….પરીણામ જે આવવું હોય તે આવે.

કેટલાક સર્જકો (!) જોડણી વગેરેને હાંસીયાની બાબત ગણીને જથ્થાબંધ સાહીત્યસર્જન (!) કરી રહ્યા હોય તો તેમને અપવાદરુપ ગણીને પણ જે કાંઈ ભાષાજાગૃતી જોવા મળે છે તેને સલામ કરીએ. આજે તો જે કામ એકાદ દસકાથી થઈ રહ્યું છે તેનાં મીઠાં–મધુરાં ફળો મળ્યાં છે ! અનેક નવા લેખકો પોતાની જોડણી બાબતે જાગૃત થયા છે. હાઈકુ, સોનેટ વગેરે કાવ્યપ્રકારો અને વાર્તા વગેરેનું પોતાનું સર્જન સભાનતાપુર્વક કરી રહ્યા છે.

અને આ કાંઈ નાનીસુની વાત નથી !

– જુગલકીશોર.

શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૧

હા, આ કેટલીક વાતો જ છે. એને ભાષા બાબતની સહજ વાતો જ કહીશું. પણ આજે જ્યારે અચાનક એને ચર્ચાનો મુદ્દો બનાવવો પડે તેવું બની ગયું છે ત્યારે કેટલુંક પ્રગટ કરવું ખોટું નથી.

(એક નોંધ : આ લખનાર છેલ્લાં દસ વરસથી નેટ ઉપર જોડણી, વાક્યરચના તથા સાહીત્ય બાબત અનેક પ્રકારે લખાણો મુકીને સાર્થ જોડણીકોશ મુજબ નેટ પર શુદ્ધ ભાષા લખાય તે માટે પાઠો મુકીને પ્રયત્નશીલ છે. હા, આ લખનાર પોતે પોતાના લખાણ પુરતું એક જ ઈ અને એક જ ઉનો પ્રયોગ કરે છે ને છતાં નેટ પર સાર્થ જો.કો. મુજબ લખાણોને સુધારી આપીને સૌને મદદરુપ બનવા મથે છે. આ બાબત ખુદ જ એક ચર્ચાનો વીષય ગણાય !! અને તે માટે આ લખનારને કોઈ દોષી ગણે તો તેને સહજ ગણીને તે આવકારે છે….)

*****   *****   *****

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લાં…બી રાહ જોવડાવ્યા બાદ તાજેતરમાં જોડણીકોશની છઠ્ઠી આવૃત્તી બહાર પડી ત્યારે એના લોકાર્પણ સમારંભમાં આયોજકોનાં જે વખાણ થયાં તેથી લાગેલું કે હા….શ, છેવટે ઘણું બધું આવરી લેતો દળદાર કોશ આપણને મળ્યો. હવે પછી અમારા જેવા અનેકોને સ્વેચ્છાએ જોડણી નહીં કરવાના ગાંધીજીના આદેશને માનવાનું બળ મળશે !

લગભગ ૧૨૦૦ પાનાંનો આ કોશ ૧૨૦૦/–ની કીંમતનો છે. એમાં ઘણાબધા સુધારા કરાયા હોવાની જાહેરાત થઈ છે. એટલે હવે પછી જોડણી બાબતે બીજે ક્યાંય આંટાફેરા કરવા નહીં પડે એ ધરપત હતી.

પણ છેલ્લા કેટલાક સમયથી ચારેકોર જે ચર્ચા થઈ રહી છે તેના આધારે ખ્યાલ આવ્યો કે – કહેવાયું ને છાપે પણ છપાયું કે – આ દળદાર કોશમાં એક, દળદાર નહીં તોય નાનકડું પુસ્તક ભરાય એટલી ભુલો છે !! ભાષાનું દાળદર ફીટે તેવી આશા હતી ત્યાં આ તો દારીદ્ર્ય દેખાડતી બીના બની ગઈ. ભુલો શોધવાનું હજી ચાલુ જ છે છતાં અત્યાર સુધીમાં હજારથી વધુ ભુલો તો જાહેર પણ થઈ ગઈ છે.

આની પહેલાં બહુ માગણીઓ આવ્યા પછી એક પુરવણી પ્રગટ થયેલી. એમાંની કેટલીક બાબતો અંગે ઉહાપોહ કહી શકાય તેમ ચર્ચાઓ થયેલી હશે; પછી એને જુની ચાલુ પાંચમી આવૃત્તી સાથે જોડીને કાંઈક આશા ઉભી કરાઈ હતી. પણ આ છઠ્ઠી આવૃત્તીમાં પુરવણીના સુધારા થયા નથી એમ પણ કહેવાયું છે. હવે જ્યારે આ નવા દળદાર ગ્રંથને જ સાથે રાખીને ચાલવાનું થયું છે ત્યારે એમાં શું થઈ શકશે તે બાબત જાણકારો–જ્ઞાનીઓ–ભાષાશાસ્ત્રીઓ કાંઈક કરશે એમ માનીને આપણે સાધારણ લેખકો એમની પાછળ પાછળ ચાલીશું, બીજું શું !

ગુજરાતી ભાષાને ભણવાના સબ્જેક્ટ તરીકે લેનારા ગુજરાતી વીદ્યાર્થીઓ ઘટતા જાય છે; ગુજરાતી વીષયમાં છોકરાઓ વધુ ને વધુ નપાસ થતા જાય છે; છાપાં–સામયીકો–પુસ્તકો–ટીવી ચેનલો ઉપરાંત સરકારી હોદ્દેદારોની ઓફીસોની નેઈમપ્લેટ તથા દુકાનો–ઓફીસોનાં સાઈનબોર્ડ વગેરે બધી જ જગ્યાએ જોડણી ખોટી જ લખાતી હોઈ એની સામે વ્યાપક આંદોલન થવું જોઈએ એટલું જ નહીં પણ એના પ્રત્યે આટલા બધા આંખ આડા કાન કરવામાં આવે છે તેનાં કારણો પણ તપાસીને તેના ઉપાયરુપ કશી કામગીરી કરવી જોઈએ એમ ગણતરી રાખીને કેટલાક ભાષાશાસ્ત્રીઓએ પ્રયત્ન કરેલો. એને ઉંઝાજોડણી જેવું નામ આપીને આજ સુધી એની ટીકા થઈ રહી છે, પરંતુ એ સીવાયના કોણે કોણે આ બાબતે સક્રીય ચીંતા કરી છે તે જાણવામાં આપણે રસ લેવો જોઈએ એવું હવે તો લાગે જ છે. કારણ કે ઉપરોક્ત બધી જ જગ્યાએ જોડણી નામે અરાજકતા વ્યાપી રહી છે અને એમાંય હવે તો મોબાઈલીયા લીપી આવી ગઈ છે તેથી આવતી કાલ કેવી હશે તે સવાલોનોય સવાલ છે !!

આ લખનારને સંપુર્ણપણે, પુરા હોશહવાસ અને સમજણ સાથેની નમ્રતાપુર્વકની હોંશ છે કે સાર્થ જોડણીકોશને જ વફાદાર રહીને આપણો ગુજરાતી સમાજ ગુજરાતીભાષાનું ગૌરવ કરે. છેલ્લાં દસ વરસથી ઉપાડેલું પોતાનું આ કામ સફળ થાય તો પોતે પણ એને સહર્ષ વધાવી–અપનાવી લે !!

પરંતુ જોયાજાણ્યાનો અનુભવ કહે છે કે હવે આ લગભગ શક્ય નથી !

આ અંગે કેટલુંક હવે પછી –

– જુગલકીશોર

શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૨

– જુગલકીશોર

જોયાજાણ્યાનો અનુભવ તો કહે છે કે –

ગયા લેખમાં મેં લખ્યું હતું કે “પરંતુ જોયાજાણ્યાનો અનુભવ કહે છે કે હવે આ (શુદ્ધ ગુજરાતી લખવાનું) લગભગ શક્ય નથી !”

જોડણીકોશમાં જ જો ભૂલો હોય તો પછી કોઈ ઉપાય ખરો ? “માંઝી જો નાવ ડુબાડે, એને કોણ બચાવે ?” જીવડાં મારવાની દવામાંથી જીવડાં નીકળે તો કેમનું લાગે ?!

અત્યાર સુધીના, એટલે કે દસેક વરસના નેટ પરના લખાણ–વંચાણ પછી કોઈ નિરાશાનો ઉપરોક્ત સૂર નીકળ્યો હોય તો તે મારા જેવા કોઈ એકલદોકલનો ન જ હોઈ શકે. આવા અનુભવો ઘણાના હોઈ શકે.

પરંતુ ભૂલો બતાવવાથી ભૂલો મટતી નથી. જાણકારો–વિદ્વાનો–ચૅકરો વીણીવીણીને ભૂલો બતાવી જાણે પણ આ બધી ભૂલો થતી જ રહી છે, થાય છે અને થવાની જ છે એવું જાણ્યા પછી આવું ન જ થાય, હવે પછી આવું ન જ થવું જોઈએ તેવી ધગશ રાખીને ભૂલોનાં કારણો અંગે ચિંતા સેવીને એનો ઉપાય કરવાનું કામ તો શિક્ષકોનું છે. અથવા તો કહીશ કે જે કોઈ આવું કાર્ય કરે તે સાચા શિક્ષકો છે. બાકી દાયકાઓથી – ખરેખર તો એકાદ સદીથી આ ચિંતા સતાવતી રહી છે પણ ભાષામાં સુધારનું લોકશિક્ષણનું કામ કરનારા કેટલા ?!

ગાંધીજીએ ૧૯૨૯ આસપાસ કહેલું કે “શુદ્ધિપત્રક વગરનો” જોડણીકોશ મારે જોઈએ છે. એટલે કે જેમાં એક પણ ભૂલ ન હોય તેવો ! પછી શરૂમાં બહુ જ ટૂંકા ટૂંકા ગાળામાં કોશની ત્રણ–ચાર આવૃત્તિઓ થઈ ગઈ. તેમાં પણ ભૂલો નહીંવત્ રહ્યાનું કહેવાયું. પરંતુ પાંચમી આવૃત્તીની પુરવણીથી કોશની ખુદની શુદ્ધિની વાતો ચાલી !! ને છઠ્ઠીએ તો ઉહાપોહ થાય તેવી ને તેટલી ભૂલો રહેવા પામી.

આનાં કારણોની ચિંતા અને ઉપાયો પણ ચર્ચાવા શરૂ થયાં ને હજી થશે –

પરંતુ ગાંધીચાહ્યો, એક પણ ભૂલ વિનાનો કોશ – ન કરે નારાયણ ને છપાવા લાગ્યો…….તો પણ શું લોકો લખવાની ભૂલો કરવાનું બંધ કરશે ?

જવાબમાં ફરી વાર પેલું વાક્ય જ સામું આવે છે કે “જોયાજાણ્યાનો અનુભવ કહે છે કે હવે આ (શુદ્ધ ગુજરાતી લખવાનું) લગભગ શક્ય નથી !” કારણ કે –

  • ગુજરાતીના ઘણા બધા શિક્ષકોને સાચું ગુજરાતી લખવાનું ફાવતું નથી;
  • ભાષાશિક્ષણ માટે જરૂરી કાળજી તે માટેની સંસ્થાઓ લે છે ખરી ?
  • છાપાં–સામયિકો–પુસ્તકો–ટીવી પરદો–સરકારી પરિપત્રો વગેરેમાં ખોટું ગુજરાતી લખાય છે તો તેને રોકનારું કોઈ છે ખરું ?
  • એવી સત્તા ક્યાંય છે ખરી ? ને હોય તો તેઓ આ બાબતે જાગૃત છે ખરા ?
  • ગુજરાતી વિષય રાખવાનું વલણ વિદ્યાર્થીઓમાં નથી; જેમને ફરજિયાત રાખવું પડે છે તેઓ પોતાની આ માતૃભાષામાં જ નપાસ થાય છે. આનાં કારણો ચિંતા–ધગશ–પ્રયત્ન સાથે જાણવાની નિષ્ઠા આપણામાં કેટલી ? જો હોત તો છેક સરકાર સુધી આ ચિંતા આજ સુધીમાં પહોંચી જ હોત !

ગુજરાતીની ભૂલો બાબતે ઉપરોક્ત બધા જ મુદ્દાઓને અસર કરી જાય તેવી એક ખૂબ જ મહત્ત્વની બાબત (એટલે કે આ બધા પ્રશ્નોનાં અનેક કારણોમાંનું એક કારણ) તે આપણા જોડણીના નિયમો છે તે અંગે કાંઈ વિચારવા જેવું છે ખરું ?!! આપણા જોડણીના નિયમો જ એવા અટપટા, અઘરા અને અરાજકતાભર્યા – અનેક અપવાદોથી ગૂંચવાયેલા છે તે અંગે વીદ્વાનો પોતાના આગ્રહો થોડા સમય માટે એક બાજુ મૂકીને સક્રિય માર્ગદર્શન આપશે ખરા ? ઉપરોક્ત મોટા ભાગની બધી જ મૂંઝવણો આ નિયમોને કારણે છે તે બાબત આપણે સ્વીકારી શકીશું ખરા ?!

ચીનની ચિત્રલિપિના વિકલ્પો સ્વીકારવા સુધીની વાત થઈ શકે તો આપણે થોડાં ડગલાં સુધારા તરફ ભરી ન શકીએ શું ?

અંગ્રેજીના સ્પેલીંગોમાં ફેરફાર અમેરિકાજગતમાં થવાનું કે થયાનું વલણ હોય તો આપણે કશું આવકારદાયક પગલું ભરવાનો વિચાર ન કરી શકીએ શું ?

બીજા દેશોની વાત જવા દઈએ ને ફક્ત આ દેશના જ એક રાજ્ય મહારાષ્ટ્ર જેવાએ છેલ્લો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ જ ગણવાનો નિયમ દાયકાઓ પહેલાં કરી લીધો છે !! તો આપણે એના શાખપડોશી જ નહીં, એક વખતના જોડિયાભાઈ એવા ગુજરાતીઓ નિયમોને ચોંટી જ રહેવાનું વલણ સહેજ પણ ઢીલું કરવા તૈયાર ન થઈ શકીએ શું ?

ને હવે એક નવા વાવાઝોડાની વાત !

અંગ્રેજીમાં YOU AREનું U R થઈ ગયું છે ! દુનિયાભરની ભાષાઓ મોબાઈલોમાં ભયંકર રીતે બદલાઈ રહી છે !! આપણી ગુજ્જુ પણ – મોબાઈલને કારણે સ્તો – અંગ્રેજી ટૂંકાક્ષરી બનવા માંડી છે ને મોબાઈલોમાં સગવડો ન હોવાથી અંગ્રેજી ફોન્ટમાં ગુજરાતી વાક્યો લખાતી થઈ ચૂકી છે !!

મીત્રો ! લેક્સિકોન જેવી આંગળીને ટેરવે મળતી સગવડને પણ ગાંઠતા નથી તેવા “અત્યંત વ્યસ્ત” (!) લોકો શું આપણા જોડણીકોશનાં પાનાં ફેરવવા સમય આપવાના છે ???

(વધુ હવે પછી…..)

 

 

ભાષાશુદ્ધિ – ૫ : ચાલો શરૂઆત આપણાથી, આજે જ કરીએ !!

સાથીઓ !

આપણે વર્ષોથી એકબીજા સાથે આ નેટમાધ્યમે આપણી માતૃભાષાનાં ગીત ગાઈએ–ગવડાવીએ–સાંભળીએ–સંભળાવીએ છીએ…..આ માધ્યમનો વધુ ને વધુ ઉપયોગ આપણી પૂર્ણ પ્રામાણિકતાથી કરીને આપણા ‘ભીતર’ને સૌમાં વહેંચીએ છીએ.

આપણામાંના ઘણા વ્યાકરણક્ષેત્રે જોડણી, વાક્યરચના વગેરે બાબતે તથા સાહિત્યસ્વરૂપક્ષેત્રે કાવ્ય–વાર્તા વગેરે બાબતે શક્ય તેટલી જાગૃતિ બતાવીને માતૃભાષા પ્રત્યે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યાં છીએ.

આ આત્મસંતોષથી ભરપૂર કાર્યમાં આપણને ખૂબ આનંદ અને સંતોષ મળે છે, ને એટલે જ આપણે વ્યક્તિગત કે સમૂહગત રીતે આ માધ્યમનો ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છીએ.

આ એક અતિ મહત્ત્વનું કાર્ય છે જે ગુજરાતી કક્કાની આંગળી પકડીને આપણ સૌને એક ઓળખ આપે છે ને ગુજરાતી બારાક્ષરીથી શણગારાયલા મંડપ નીચે સૌને એકઠા કરીને આનંદમંગળ કરાવે છે !! આ કોઈ નાનીસૂની બાબત નથી જ નથી !

પરંતુ હમણાં જ્યારે ધ્યાન પર આવ્યું છે કે ગુજરાતીનો તાજેતરમાં જ પ્રગટ થયેલો આપણો એકમાત્ર જોડણીકોશ પણ ભૂલોથી ભરપૂર છે ત્યારે એના અનુસંધાને નેટજગતમાં કેટલીક સહજ ચર્ચા ભાષાપ્રેમ નિમિત્તે થઈ જ છે. ને આના માટે શું કરવું જોઈએ તેનું મનોમંથન થયું છે……આ જ મુદ્દે મેં ચાર લખાણો પ્રગટ કર્યાં હતાં જે અહીં એક સાથે મુક્યાં છે…..

પણ ભાષાપ્રેમને પ્રગટ કરવા કે પછી આપણી નરવી, ગરવી ને ગુણિયલ ગુજરાતીને સાચવવા માટે કોઈ તર્કવિતર્કમાં પડ્યા સિવાય સીધે સીધી શરૂઆત જ કરી દઈએ તો કેમ ? આપણી જાતથી જ, આપણા મિત્રોને સાથે રાખીને ચાલો ને, ભાષાને શક્ય તેટલી વધુ શુદ્ધ રીતે લખવા માટે પૂરા જોશથી ને પૂરી નિષ્ઠાથી મંડી પડીએ !

છેલ્લાં દસેક વર્ષથી ‘નેટગુર્જરી’ નામક મારા બ્લૉગ દ્વારા ને હવે ‘MATRUBHASHA’ (www.jjugalkishor.in) નામક સાઈટ મારફત આપણે વ્યાકરણ, છંદ, સાહિત્યસ્વરૂપો વગેરે બાબતે ઘણું ઘણું વાંચ્યું છે. તો હવે એને સક્રિય બનીને અમલમાં મૂકવાનું શરૂ જ કરી દઈએ તો કેમનું રહેશે ?!

તો શી રીતે કરીશું શરૂઆત ?

જુઓ, એક તરકીબ સૂઝે છે તે કહું. આ સાઈટ પર આરંભમાં જ કહેવાયું હતું કે અહીં જાણીતા ને મોટા લેખકોનાં લખાણો પ્રગટ કરવાનો કોઈ હેતુ નહોતો ને નથી. અહીં તો જે કોઈ ગુજરાતી મિત્ર લખીને પોતાના ભીતરને કાલીઘેલી ભાષામાં સૌ સમક્ષ પ્રગટ કરવા માગતા હોય અને જો એમને આ રજૂઆતો શુદ્ધ ભાષામાં પ્રગટ કરવાની જ ધગશ હોય તો દરેક જણ પોતાનો ઓછામાં ઓછો એક ફકરો મારી સાઈટ ઉપર મૂકવા પોતાની ઓળખ આપ્યા વિના મને મોકલે જેને સાઈટ પર ખાસ કેટેગરીમાં મૂકી દઈએ……

આ ફકરામાં જે કાંઈ ભૂલો વાચકોને જોવા મળે તો તેની ચર્ચા સૌ વાચકો કરે અને છેવટે બધી જ ભૂલોને સુધારીને ભૂલો અંગે શક્ય તેટલી જાણકારી સાથે નવેસરથી તે ફકરો મૂકવામાં આવે !! આ આખો દાખડો કોઈ પણ જાતના ડેંડાટ વગર કેવળ ને કેવળ એક ભાષાપ્રેમ માટે થઈને રમવાની રમત રૂપે આપણે કરીએ ! અમારે બુનિયાદી તાલીમમાં રમકડાંને ‘કામકડાં’ કહેવાતાં. આપણી આ રમત પણ બુનિયાદી શિક્ષણના મારગે જ રમીએ….ને બને કે એક દિવસ આપણે આપણી શાણી વાણીના સાચા સિપાહી બની શકીએ !!

બોલો, ભાષાનિષ્ઠા અને સાચું ગુજરાતી શીખવા માટે આ પગલું કેવું લાગે છે ?!

– એક અદનો ગુજરાતી મિત્ર.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૧
શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૨
શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૩
શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૪