મીહીરભોજનું વીશાળ સામ્રાજ્ય

.
ગુજરાતનો ઈતીહાસ (8): મીહીરભોજનું વીશાળ સામ્રાજ્ય

આલેખક: હરીશભાઈ દવે
* * * * * * * * * * * *

આપણે ગુજરાત પર સોલંકી વંશની સ્થાપના જોઈએ તે અગાઉ પુર્વભુમિકા પર નજર કરીએ.

નવમી સદીમાં કાન્યકુબ્જ (કનોજ) ની ગાદી પર ઈક્ષ્વાકુ (?) વંશના મીહીરભોજ નામના રાજાએ સત્તા સંભાળી. તેણે ગુર્જર દેશના ઘણા પ્રદેશો પર અંકુશ મેળવ્યો.

મીહીરભોજના સમયમાં દક્ષીણમાં રાષ્ટ્રકુટ વંશમાં અમોઘવર્ષ નામે પ્રતાપી રાજા થઈ ગયો. તેના નામ- વંશ- રાજ્યકાળ- શાસન વીષે ઘણા મતભેદો છે. ભોજ નામ સાથે ઘણા રાજાઓનાં નામ જોડાયેલાં હોવાથી મીહીરભોજ વીષે ઘણી ગેરસમજ ઉભી થયેલ છે. સર્વસ્વીકૃત વાત એ છે કે નવમી સદીમાં ગુર્જર દેશના કેટલાય પ્રદેશો પર મીહીરભોજ નામના મહાસમર્થ રાજાની આણ પ્રવર્તી રહી.

મીહીરભોજનું રાજ્યારોહણ ઈ.સ. 835 અગાઉ થયું હશે તેવી માન્યતા છે.

ઈ.સ. 835 પછી મીહીરભોજનો પ્રભાવ ગુર્જર દેશ પર વધતો ચાલ્યો. ઘણા ભાગોમાં તેણે સ્થીર રાજ્યતંત્ર સ્થાપી ખ્યાતી મેળવી. તેણે સૌરાષ્ટ્ર પર કબજો કર્યો.

ઈ.સ. 864 પછીના દશકામાં મીહીરભોજ ઉત્તર ભારતમાં પોતાની સત્તા મજબુત કરી. તેણે સીંધ પ્રદેશ સુધી પોતાની આણ ફેલાવી. ઉત્તર-પુર્વ ભારતમાં તેણે બીહાર અને ઉત્તર બંગાળ સુધી વીજયો મેળવ્યા.

ઈ.સ. 888માં તેનું મૃત્યુ થયું.

તે સમયે તેનું સામ્રાજ્ય સીંધ-પંજાબથી બંગાળ સુધી અને ઉત્તરે બીહારથી દક્ષીણે નર્મદાતટ સુધી ફેલાયેલું હતું. મીહીરભોજની એક મહત્વની સીદ્ધી એ ગણાય છે કે તેણે શક્તીશાળી સામ્રાજ્ય સ્થાપી આરબોને હતોત્સાહ કર્યાં અને વીદેશી આક્રમણોને ખાળ્યાં. પરીણામે મીહીરભોજનું સ્થાન ઉંચું ગણાય છે.

. . . . . . . . . . . . . . .

ગુજરાતનો ઈતીહાસ (7)

.

આલેખક: હરીશભાઈ દવે.

.

ગુજરાતમાં ચાવડા વંશના રાજાઓ, તેમની વંશાવલી તથા કાળક્રમ વીશે મતભેદ ઘણા છે.

સાક્ષર શ્રી કનૈયાલાલ મુનશીએ પોતાનાં પુસ્તકોમાં જે ગ્રંથોનો આધાર લીધો છે, તેમાં કવી મેરુતંગ ના પ્રબંધ ચીંતામણી, કૃષ્ણજી કવીના રત્નમાલા, ધર્મારણ્યમાહાત્મ્ય, સ્કંદપુરાણ આદીનો સમાવેશ થાય છે. આ ગ્રંથોમાં ચાવડાવંશ વીશે સર્વસંમત વીગતો મળતી નથી.

સાતમી સદીના અંતભાગમાં ઉત્તર ગુજરાતના પંચાસર રાજ્ય પર શૂરવીર રાજા જયશીખર (જયશીખરી)નું શાસન હતું.

એક યુદ્ધમાં જયશીખર બહાદુરીપુર્વક લડીને વીરગતી પામ્યો. પંચાસરનું પતન થયું (ઈ.સ. 696). મૃત્યુ પામતાં પહેલાં જયશીખરે પોતાની ગર્ભવતી રાણીને જંગલમાં સુરક્ષીત મોકલી આપી. રાણીએ વનમાં પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ વનરાજ પાડવામાં આવ્યું.

રાજકુમાર વનરાજ વનમાં મોટો થવા લાગ્યો. અણહીલ ભરવાડ અને ચાંપો નામે એક વાણીયો. આ બે મીત્રોની મદદથી વનરાજે સંપત્તી અને લશ્કર ભેગાં કર્યાં.

વનરાજ ચાવડાની સત્તા વીસ્તરવા લાગી.  રાજા બનીને તેણે પોતાના બંને મીત્રોનું  ઋણ ચુકવ્યું.

સરસ્વતી નદીને કીનારે વનરાજે અણહીલ્લપાટક (અણહીલવાડ) નામે પત્તન (પાટણ) વસાવ્યું (ઈ.સ. 746… કે 765?) આ શહેર વનરાજ ચાવડાની રાજધાની બન્યું. પોતાના બીજા મીત્ર ચાંપાના માનમાં તેણે પાવાગઢની તળેટીમાં ચાંપાનેર શહેર વસાવ્યું.

એવું મનાય છે કે વનરાજ ચાવડાએ 60 વર્ષ રાજ્ય કર્યું અને 108 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું.

વનરાજ ચાવડાના વંશમાં બીજા છ-સાત રાજાઓ થઈ ગયા પણ તેમાંથી કોઈ પ્રભાવશાળી ન નીવડ્યું.

ચાવડા વંશના શાસન દરમ્યાન શંકરાચાર્યજીદ્વારકા મઠની સ્થાપના કરી. આ સમયગાળામાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો રુંધાયો, પરંતુ જૈન ધર્મ પ્રચલીત થયો.

વનરાજ ચાવડાએ સ્થાપેલ પાટણ (અણહીલપુર પાટણ) તે પછીની સાતેક સદીઓ સુધી ગુજરાતની રાજધાનીનું શહેર બની રહ્યું.

લગભગ બે સદી ગુજરાત પર સત્તા ભોગવ્યા પછી, ઈ.સ. 942માં ચાવડા વંશનો અંત આવ્યો. પાટણ પર સોલંકી વંશની સત્તા સ્થપાઈ.

* * * * * * * * *

ગુજરાતનો ઈતીહાસ (6)

..

આલેખક: હરીશભાઈ દવે

સાતમી સદીથી નવમી સદી સુધીના ગુજરાતના ઈતીહાસમાં પ્રતીહાર તથા રાષ્ટ્રકુટ વંશોનાં શાસન ઉલ્લેખનીય છે.

સાતમી સદીમાં આરબ સેનાપતીઓની બુરી નજર હીંદુસ્તાન પર ઠરી. ઈ.સ. 711માં આરબોના હાથે સીંધનો બ્રાહ્મણ રાજા હાર્યો અને ઈસ્લામ હવે હીંદુસ્તાનના દરવાજે આવી પહોંચ્યો. જોતજોતામાં આરબોએ રાજપુતાના અને ગુર્જર પ્રદેશ પર હુમલા કર્યા.

આ અરસામાં ગુર્જર દેશની ધુરા પ્રતીહાર વંશના નાગભટ પહેલા (રાજ્યકાળ ઈ.સ. 725 – 756)ના હાથમાં આવી. આ પ્રતાપી રાજાએ આરબ હુમલા મારી હઠાવ્યા અને ગુર્જર દેશની ઈજ્જત પુન: સ્થાપીત કરી.

આ પ્રતીહાર વંશની આણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર ફેલાતી હતી ત્યારે દક્ષીણમાં રાષ્ટ્રકુટ વંશની સત્તા ફેલાઈ રહી હતી.

રાષ્ટ્રકુટોના પુર્વજ કદાચ મહારાષ્ટ્ર-આંધ્ર પ્રદેશ તરફના કન્નડભાષી હતા. રાષ્ટ્રકુટ કુળમાં દંતીદુર્ગ (રાજ્યકાળ ઈ.સ. 745-757)નું નામ જાણવું જોઈએ.

તેણે નવસારી-ભરુચનો લાટ પ્રદેશ જીતી આગળ ખેટક મંડળ વીસ્તારો પણ જીત્યા. તેણે ગુર્જર પ્રતીહાર રાજા નાગભટને હરાવી તેની રાજધાની ઉજ્જયીની કબજે કરી. દંતીદુર્ગનું માત્ર બત્રીસ વર્ષની યુવાન વયે મૃત્યુ થયું.

પ્રતીહાર વંશમાં નાગભટના એક વંશજ રાજવી નાગભટ બીજા(રાજ્યકાળ ઈ.સ. 792-834)નો ઉલ્લેખ કરવો રહ્યો. ઈ.સ. 792માં નાગભટ બીજાએ ગાદી સંભાળી. તેણે ઘણી લડાઈઓ લડી ગુર્જર દેશનો વીસ્તાર કર્યો અને સમ્રાટપદ પ્રાપ્ત કર્યું.

આ મહાપ્રતાપી ગુર્જર પ્રતીહાર સમ્રાટ આશરે 42 વર્ષ રાજ્ય કરી ઈ.સ. 834માં મૃત્યુ પામ્યો. તેનું સામ્રાજ્ય પશ્ચીમે મુલતાન-સીંધની સરહદથી લઈ પુર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરે હીમાલયથી માંડી દક્ષીણે મહી નદી સુધી વીસ્તરેલું હતું.

નાગભટ બીજાના રાજ્યકાળમાં સમગ્ર ભારત વર્ષમાં ગુર્જર દેશનું સામ્રાજ્ય સૌથી વીશાળ હતું.

આજે આપણે આપણા પુર્વજ – આ પ્રતાપી સમ્રાટો-નાં નામ પણ જાણીએ છીએ ખરા?

ગુજરાતનો ઈતીહાસ (5)

* * * * * * * * * *

આલેખક: હરીશભાઈ દવે

હીંદુસ્તાનમાં ઈ.સ. 320થી લગભગ ઈ.સ. 500 સુધી ગુપ્ત સામ્રાજ્યનું શાસન રહ્યું. પડતીના છેલ્લા થોડાક દાયકાઓને બાદ કરતાં ગુપ્ત સમ્રાટોનો બાકીનો શાસનકાળ સુવર્ણયુગ સમો ગણાય છે. આ દરમ્યાન અહીં વૈષ્ણવ (ભાગવત) સંપ્રદાયનો પ્રસાર થયો.

પાંચમી સદીના ઉત્તરાર્ધમાં ગુપ્ત સામ્રાજ્ય નબળું પડતું ગયું. તેની સત્તા નીચેના પ્રદેશો સ્વતંત્ર થવા લાગ્યા. ગુજરાતમાં, સૌરાષ્ટ્રના પુર્વ ભાગમાં આવેલા વલભીમાં સ્વતંત્ર રાજ્ય સ્થપાયું. આ વલભી એટલે આજના ભાવનગર પાસેનો વલભીપુર કે વળાનો પ્રદેશ. એક માન્યતા પ્રમાણે ઈ.સ. 470 ની આસપાસ મૈત્રક કુળના સેનાપતી ભટાર્ક દ્વારા વલભીનું સ્વતંત્ર રાજ્ય સ્થપાયું. જોતજોતામાં વલભી રાજ્ય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી ફેલાયું.

છઠ્ઠી સદીના મધ્યભાગમાં રાજા ગુહસેન તેમજ ઈ.સ. 595-612 દરમ્યાન શીલાદીત્ય પહેલાનું શાસન નોંધપાત્ર રહ્યું. શીલાદીત્ય ધર્માદીત્યે વલભીની સત્તાને માળવા (માલવ પ્રદેશ) સુધી વીસ્તારી.

વલભીના રાજા ધ્રુવસેનની કીર્તી તો હીંદભરમાં એવી પ્રસરી કે ઉત્તર ભારતના મહાપ્રતાપી ચક્રવર્તી સમ્રાટ હર્ષવર્ધનની પુત્રી તેમની મહારાણી બની. તેમના રાજ્યકાળ દરમ્યાન મશહુર ચીની મુસાફર યુઆન શ્વાંગ (ઉચ્ચારભેદ રહે છે: હ્યુ એન સંગ કે હુવેન શ્યાંગ) હીંદુસ્તાનના પ્રવાસે આવ્યા હતા.

ઈ.સ. 640માં યુઆન શ્વાંગ ગુજરાતમાં વલભીની મુલાકાતે આવ્યા. તેમણે વલભીનું સુંદર અને વીસ્તૃત ચીત્ર આલેખ્યું છે. વલભી વેપાર-વાણીજ્યથી સમૃદ્ધ થયેલ નગરી હતી. અહીંના સાહસીક વેપારીઓ દેશ-વીદેશમાં વેપાર ચાલવતા. ધનીકોનાં વૈભવી મહાલયોનો પાર ન હતો. વલભીમાં અસંખ્ય બૌદ્ધ વીહારો અને દેવાલયો પણ હતા. આ ઉપરાંત વલભીમાં સંસ્કારીનગરીને છાજે તેવું વિદ્યાધામ હતું. વલભીની વીદ્યાપીઠની ખ્યાતી વીદેશોમાં વીસ્તરેલી હતી. વલભી વીદ્યાપીઠની ગણના મગધની નાલંદા વીદ્યાપીઠ સાથે થતી. વલભીના દરબારમાં પ્રખર જ્ઞાની પંડીતો બીરાજતા. મૈત્રક કુળના માહેશ્વર શાસકો શૈવ ધર્મી હતા. આમ છતાં આ સમયે ગુજરાતમાં શૈવ ઉપરાંત વૈષ્ણવ, બૌદ્ધ અને જૈન ધર્મોનો ફેલાવો થયો.

વલભીનું મૈત્રક કુળનું સામ્રાજ્ય ત્રણ સદી સુધી ટક્યું. ઈ.સ. 788માં સીંધ પ્રદેશના અરબોએ ગુજરાત પર ચડાઈ કરી. આ સાથે વલભીમાં મૈત્રક સામ્રાજ્યનો અંત આવ્યો.

આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર નજીક વળા ગામ પાસે સમૃદ્ધ નગરી વલભીપુરનાં ખંડેરો ઉભાં છે.

ગુજરાતનો ઈતીહાસ (4)

.

આલેખક: હરીશભાઈ દવે

(નોંધ: મારા પર બે-ત્રણ વાચક મીત્રોના મેઈલ આવ્યા છે. તેમણે કેટલાક ઐતીહાસીક મુદ્દાઓ વીશે ઉત્સુકતા બતાવી છે. આભાર. મીત્રો ! ઈંટરનેટ પર પબ્લીશ કરાતા સાહીત્ય અંગે કેટલાક વણલખ્યા નીયમો અને મર્યાદાઓને ધ્યાનમાં લેવાનાં હોય છે. ઈંટરનેટ પર ઈતીહાસનું રેખાંકન કરવાનો પ્રયત્ન મુશ્કેલ એટલા માટે હોય છે કે ઢગલાબંધ પુસ્તકોમાં વીખરાયેલી પડેલી માહીતી તમારે સંકલીત કરી માત્ર સાર મૂકવાનો હોય છે. ગુજરાત માટે શરુઆતની સદીઓનો સળંગ આધારભુત લેખીત ઈતીહાસ નથી, તેથી કર્નલ ટોડ અને ફોર્બ્સથી લઈ ભાંડારકર અને આયંગર અને મુનશી સુધીના મહાનુભાવોનાં તારણો-આલેખનો વીરોધાભાસી ચીત્રો ઉભાં કરે છે.

નેટ પર, કોઈ વીષય પર વીસ્તૃત અને વીગતવાર પ્રકરણો લંબાણથી આલેખવાં શક્ય હોતાં નથી. તેથી બહુ જ મહત્ત્વની અને યોગ્ય સંદર્ભ ધરાવતી સારરૂપ વીગતો રસ જળવાઈ રહે તે રીતે ટુંકમાં પ્રસ્તુત કરવાની હોય છે. પરીણામે ઘણી હકીકતો, ઘટનાઓ અને વીવાદાસ્પદ વીગતોની ઉપેક્ષા જાણ્યે-અજાણ્યે થતી રહેતી હોય છે. આપ સૌ સુજ્ઞ વાચકો આ સમજી શકશો અને તેને અનીવાર્ય સમજી સ્વીકાર્ય ગણશો. બીજું, હું ઈતીહાસકાર નથી. એક ઈતીહાસપ્રેમી જીજ્ઞાસુ તરીકે મારા પાંચ દાયકાના વાચન અને મારી સુઝબુઝને આધારે આપને આપણા અતીતની ઝાંખી કરાવી રહ્યો છું. આમ છતાં, આજે આપના સંતોષ ખાતર કેટલીક વીગતોની છણાવટ કરી લેવી મને ગમશે… હરીશ દવે અમદાવાદ)

ગુજરાતમાં સૌથી પ્રાચીન શીલાલેખ સૌરાષ્ટ્રમાં જુનાગઢ-ગીરનારના માર્ગ પર દામોદર કુંડની પશ્ચીમ દીશાએ એક મોટી શંકુ આકારની શીલા (ખડક કે ચટ્ટાન) પર કોતરેલો છે. ઈ.સ. 1822માં બાહોશ બ્રીટીશ ઓફીસર કર્નલ ટોડ તેને પ્રકાશમાં લાવ્યા ત્યારે તે ખડક જંગલ-ઝાડીઓથી ઘેરાયેલો હતો. આ શીલાલેખ પર મૌર્ય સમ્રાટ અશોકના ચૌદ જેટલા ધર્મલેખો છે. પ્રાકૃત ભાષાના આ લેખો શીલા પર બ્રાહ્મી લીપીમાં કોતરાવેલા છે. બે હજાર વર્ષ પછી પણ તે સુવાચ્ય રહી શક્યા તે નવાઈની વાત!

આ જ ખડક પર ઉચ્ચ સંસ્કૃત ભાષામાં ગદ્યમાં લખાયેલ ક્ષત્રપકાલીન લેખ છે જેમાં મહાક્ષત્રપ રુદ્રદામા તથા ગીરીનગર (ગીરનાર-જુનાગઢ) ના સુદર્શન તળાવનો ઉલ્લેખ છે. તે જ ખડક પર કોતરાયેલો એક અન્ય લેખ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમય (ઈસુની પાંચમી સદી)નો છે.

ગુજરાત પર મૌર્ય શાસન તેમજ ક્ષત્રપોની સત્તાનો ઉલ્લેખ આપણે જોઈ ગયા.

ગુજરાતમાં ક્ષત્રપ-કાળ દરમ્યાન ઉત્તર ભારતમાં ગુપ્ત વંશનો ઉદય થયો. મગધની ગાદી પર ચંદ્રગુપ્ત પહેલાએ ગુપ્ત વંશને સ્થાપીત કર્યો. તે સમય લગભગ ઈસુની ચોથી સદીના આરંભનો.

ચંદ્રગુપ્ત પહેલાના પુત્ર સમુદ્રગુપ્તના શાસનમાં (આશરે ઈ.સ. 330 થી 370) ગુપ્ત રાજ્યનો વીકાસ થયો. સમુદ્રગુપ્ત બહુમુખી પ્રતીભા ધરાવતો આદર્શ રાજવી હતો. તેના પૌત્ર ચંદ્રગુપ્ત વીક્રમાદીત્યે ઈ.સ. 401ના અરસામાં માળવા જીત્યું, ત્યારે ગુજરાતમાં શર્વ ભટ્ટારકનું શાસન હતું. ગુજરાતમાં ક્ષત્રપ સત્તાના અંત અને ગુપ્ત શાસનના ઉદય વચ્ચેના સમયમાં શર્વ ભટ્ટારક રાજ્યકર્તા હોવાનું મનાય છે.

પાંચમી સદીના છેલ્લા દશકાઓમાં ગુપ્ત સામ્રાજ્ય તુટતું ચાલ્યું. ગુજરાતમાં પણ કેટલાક પ્રદેશો સ્વતંત્ર થવા લાગ્યા. ત્યારે મૈત્રક કુળના સેનાપતી ભટાર્ક દ્વારા વલભી (ભાવનગર નજીક વલભીપુર કે વળા)માં સ્વતંત્ર રાજ્યની સ્થાપના થઈ.

આ સમયગાળાનો આધારભુત લેખીત ઈતીહાસ નથી તેથી વંશાવલી, રાજ્યકર્તાઓનાં નામ, સત્તાના વીસ્તાર, સ્થળ અને સમય વીશે મતભેદ રહેવાના તે આપ યાદ રાખશો.

એક મહ્ત્વનો પ્રશ્ન એ ઉઠે: ગુજરાત એટલે કયો પ્રદેશ?

આજે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો પ્રદેશ તે આપણું અર્વાચીન ગુજરાત છે. પણ પંદરસો વર્ષ પહેલાં ગુજરાત શબ્દ તો શું, ગુર્જર શબ્દનુંયે અસ્તીત્વ જ ન હતું.

ઈસુની પાંચમી-છઠ્ઠી સદીમાં ગુર્જર શબ્દ પ્રથમ વખત ઉલ્લેખમાં આવ્યો. પણ આ ગુર્જર તરીકે ઓળખાયેલો પ્રદેશ કયો ?

આપ કલ્પી પણ નહીં શકો કે અસલ ગુર્જરમાં આજે આપણે જેને ગુજરાત કહીએ છીએ તેનો ઉત્તરનો એક હીસ્સો માત્ર હતો.

પંદરસો વર્ષ પહેલાં નાનકડા ગુર્જરદેશની ભુમીની સીમા ઉત્તરે રાજપુતાના (રાજસ્થાન)માં જોધપુરના પ્રદેશથી લઈને નીચે દક્ષીણે હાલના ઉત્તર ગુજરાતમાં સરસ્વતી નદીને કીનારે પુરી થતી. તેમાં જોધપુર – ઝાલોર – આબુ પર્વત (અર્બુદગીરી) ના વીસ્તાર સમાવીષ્ટ હતા. ત્યારે ગુર્જરનું પાટનગર (રાજધાની) રાજપુતાના (રાજસ્થાન) પ્રદેશમાં ભીલ્લમાલ કે ભીનામાલ કે શ્રીમાલ નામે ઓળખાતું નગર હતું. ભીલ્લમાલ આબુથી પશ્ચીમે લગભગ પચાસેક માઈલના અંતરે હતું.

આ આપણા માત્ર ગુર્જર તરીકે ઓળખાયેલા પ્રદેશનું પ્રથમ અસ્તીત્વ.
આ ગુર્જર દેશની આસપાસના પ્રદેશો કયા કયા હતા?

આપણે તેમનાં પ્રાચીન નામો પણ જાણવાં જોઈએ.

પુર્વમાં માળવા અથવા માલવ પ્રદેશ(આજે મધ્યપ્રદેશના ઉજ્જૈન-ધારનો પંચમહાલ-વડોદરા તરફ લંબાતો વીસ્તાર).

રાજપુતાનાથી દક્ષીણે નીચે આવો એટલે આનર્ત પ્રદેશ (આજે ઉત્તર ગુજરાત), બાજુમાં કચ્છ જે પહેલાં પણ તે જ નામથી ઓળખાતું. કાઠીયાવાડના બે ભાગ વલભી (વળા-ભાવનગર) અને સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર).

તે સમયે અમદાવાદ વસ્યું ન હતું. અમદાવાદ નજીકના અસલાલી પાસેનો પ્રદેશ તે આશાપલ્લી.

સાબરમતીથી મહી વચ્ચેનો ભાગ તે ખેટક પ્રદેશ (આજે ખેડા). મહી નદીથી નર્મદાતટનો વીસ્તાર માલવ પ્રદેશનો હીસ્સો (આજે વડોદરા-ભરુચ), તેની દક્ષીણે ભૃગુકચ્છ તે નર્મદા તટ – ભરુચથી વલસાડનો દક્ષીણ ગુજરાતનો વીસ્તાર જેને આપણે પાછળથી લાટ પ્રદેશ તરીકે ઓળખ્યો. ત્યાંથી નીચે નાસીક્ય પ્રદેશ જે આજે નાસીક-મહારાષ્ટ્રનો ભાગ છે.