આપણા પહેલા અખબાર અંગેનો, પહેલો જાહેર લેખ વાંચશો?

વીદ્યાગ્રહ : 5.                                                                                  —કનુભાઈ જાની.

 

 

આરંભનું લેખન :

 

અર્વાચીનકાળે લખવા માટે પ્રથમ કલમ ઉપાડનાર માટે કામ તો બહુ કપરું જ હતું. કોઈ ભુમીકા વીના જ કામ કરવાનું હતું.એ કામ (કેટલાક વીદેશી પાદરી પ્રચારકોને બાદ કરતાં ) શુદ્ધ ભાવે સમાજ ખાતર જ જેણે ઉપાડ્યું અને લખાણને ટેક-ઑફ–ઉંચે ચડવા માટેનો ધક્કો આપ્યો–તે તો મોબેદ ફરદુનજી મર્ ઝબાનજી (1787-1847)જ. પોતે

‘શ્રી મુમબઈનાં શમાચાર’ અઠવાડીક કાઢવાનું નક્કી કર્યું, ત્યારે તેમાં શું શું આવશે અને કેવી ભાષા હશે તે વીષે જે તા.1-7-1822ને રોજ જાહેરાત છાપીને બહાર પાડી, એ કદાચ આપણું પહેલું જ સમાજોદ્દેશી લખાણ. એનો એક ટુકડો : (જોડણી મુળની. કૌંસ મારો. )

                 ” ગુજરાતી ભાશા મધે એક અઠવાડીઆનું નીઉજ પેપર (ન્યુઝપેપર) એટલે અઠવાડીઆનાં શમાચાર છાપવા ઠેડવેઉ ( ઠેરવ્યું) છે; તેમાં ‘ચોખુંણ પરથવીનાં દેશાવરોનાં શમાચારો તથા…હોણીઓ (બનાવો) તથા આપણા લોકોને કામ આવે તેટલી વારતાવો હશે તે ગુજરાતી ભાશામો છપાશે….તથા દોહરા ચોપાઈ તથા કવેતો (કવીતા)…તથા         વીદેઆનું (વીદ્યાનું) અભુશણા(આભુષણ)…વેપારીઓને કામ લાગે તેહવી વણજ વેપારની

બાબતો….હશે”…

કેવી ભાશામાં એ હશે ? કહે છે :

                   ” ગુજરાતી બોલી હેવી લેવા ધારીચ જે પારશી તથા વાણીઆં શરવેનાં  શમજમાં આવે…કદાપી ચાહીએ કે નીતરી ગુજરાતી ભાશા.” ( ‘મું.સ.;દો.વ.ત.’ ર.ઝ.,1972;

પૃ.15-10)

‘નીતરી ગુજરાતી ભાશા’ ‘સર્વેના સમજમાં આવે એવી’નો આદર્શ ! ને પદ્ય પણ એમનું કેવું સરળ, સૌને શીખ :

                            ” કોઈની ન થઈ એ જહાં, દોશતદાર !”

                                                *   *   *

                            ” કે દોલત બી છે, હાએ, નાપાએદાર

                              નથી આએ  દુનીઆથી  કોઈને  કરાર. ”

                                                 *   *   *   

                                   ” દયા માયા ને શતધરમ     

                                     એ છે મનુશનાં શુભકરમ “   ( ‘મું.સ. દો.વ.ત.’પૃ.34.)

ખાસ યાદ રહે : ફરદુનજી સુરતના ને દુર્ગારામ ( 1809-1876)પણ. દુર્ગારામની 22 વર્ષ પહેલાં ફ. જન્મ્યા. પહેલું અખબાર કાઢનાર સુરતના. એ નીકળ્યું ત્યારે દુર્ગારામ 16ના. એ નીકળ્યા પછી ત્રણ વર્ષે ( 1825માં) દુર્ગારામ મુંબઈ પહોંચી, ત્યાંની નવી કેળવણીમાં દીક્ષીત થાય છે.એટલે નવી કેળવણીનો જે લાભ દુર્ગારામ-નર્મદને મળ્યો છે તે ફરદુનજીને મળ્યો નથી.તો, સંસ્કૃતની ભરમાર પછી જે આવી તેનાથી પણ પારસીઓ ત્યારે કાંઈક બચી ગયા છે. અલબત્ત, દરીયાકાંઠાના ખારવાઓમાં, પોતાની પર્શીયન વગેરેની અસરવાળી બોલી (પારસી)નું વળગણ સહજ છે જ. પણ કેવળ કાળક્રમે લેતાં ગુજરાતી ગદ્યનું દીપપ્રાગટ્ય નીર્દોષ નરવા પારસીઓને હાથે થાય છે; પછી (એ દીવાની) શગ સંકોરે છે દુર્ગારામ અને એમાં સ્નેહ પુરી એને ઝળહળતી કરી મુકે છે નર્મદ. પણ જુઓ, એ બેય સુરત-મુંબઈના. આપણી ગદ્યની જન્મભુમી દક્ષીણ ગુજરાતનો છેડો, મુંબઈ-સુરત. હા, બેય. મહારાષ્ટ્રની છાયા-માયા ને નવી અંગ્રેજી કેળવણીની તાલીમ. પણ એ ગદ્ય દુર્ગારામથી સ્વતંત્ર, જાગરુક, શીષ્ટ, ને સમાજોન્મુખ થયેલું લાગે. 1843માં આરંભ કરતાં જ લખે છે : ( ફરદુનજીના આરંભ સાથે આ આરંભ સરખાવો :)

     ” પરોપકારાર્થે જે કાંઈ થાય તે સર્વ લખી રાખવું જોઈએ…હવડાં મનમાં એ મોટો વિચાર છે કે સર્વ લોકોના મનમાં પોતપોતાને વિષે જાતિનું અભિમાન ઘણું રહ્યું છે તેને તોડી નાંખવું…મનુષ્ય જાતિનું એક કુટુંબ છે એમ જાણી સર્વ મનુષ્ય સાથે ખાવાપીવા વગેરે વ્યવહાર કરવામાં કશી ધર્મની અડચણ ગણવી નહિ, તથા પોતાની રહેણી, કાયા,વાણી તથા મન એ સર્વેમાં ઘણી જ નિર્દોષતા રાખવી.” ( ‘દુર્ગારામ ચરીત્ર’, મહીપતરામ, 1879; પૃ.13.)

આ દુર્ગારામની સ્વકીય સભાનતા સાથેની અભીવ્યક્તી છે. બાકી એમને ભાગે જે પાઠ્યપુસ્તકો આવેલાં, ને જે વડે આરંભના શીક્ષકોને ને વીદ્યાર્થીઓને શીખવવામાં આવેલું, તેથી જે અતંત્રતા ઉભી થઈ ને લગભગ પછી એવી ચાલુ રહી કે હોપવાચનમાળાની જોડણી અંગે નવલરામને લાં…બી લેખમાળા લખવી પડી ને ગોવર્ધનરામને એના ઉગારના ઉપાય તરીકે એક ‘ઈ-ઉ’ ની ભલામણ આગ્રહસાથે કરવી પડી, તે પાઠ્યપુસ્તક વગેરે વીષે બે અભ્યાસી વીદ્વાનોનાં મંતવ્યોની વાનગી જોવા જેવી છે. આજે દેખાતી અતંત્રતાની એ ગંગોત્રી જરા જોઈએ.

————————————————-

એ ગંગોત્રી આજે નહીં, આવતા હપ્તે !

                                                

Advertisements

કોણે કહ્યું કે સીદ્ધરાજ જયસીંહ નબળો રાજા હતો ?

ગુજરાતનો ઈતીહાસ (17): સીદ્ધરાજના શાસનનો ઉગમકાળ

આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . .

સીદ્ધરાજ જયસીંહને બાળવયે પાટણની ગાદી સંભાળવાની આવી. આ એક મોટો પડકાર હતો.

વળી રાજકીય પરીસ્થીતી ધુંધળી હતી અને વંશીય ખટપટો પણ અતાગ હતી. ત્યારે રાજમાતા તથા મંત્રીઓ-અમાત્યોની સલાહ પ્રમાણે રાજાએ દોરવાવાનું હતું.

કોઈ પણ રાજવી માટે આવા સંજોગો હતાશા પ્રેરે અને તેમાં રાજાની નીર્બળતાઓ અને નીષ્ફળતાઓ ઓર સમસ્યારૂપ બને. સ્વાભાવીક છે, કેટલાક જાણકારો પણ સીદ્ધરાજને નીર્બળ રાજવી તરીકે મુલવવાની ભુલ કરી બેસે છે.

સીદ્ધરાજનાં રાજ્યકાળનાં શરૂઆતનાં વર્ષો કસોટીરુપ નીવડ્યાં.

સીદ્ધરાજની અપાર સમસ્યાઓનો દોર લગભગ દશકા સુધી ચાલ્યો …..

કીશોરાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશતાં સીદ્ધરાજનું વ્યક્તીત્વ નવો ઓપ પામતું ગયું. સીદ્ધરાજ જયસીંહે પ્રથમ તો દ્રઢતાપુર્વક રાજ્યના આંતરીક દાવપેચનાં સમીકરણો સુલઝાવ્યાં. સગાંઓના સ્વાર્થી કાવાદાવાઓને સખત હાથે દાબીને પોતાની આવડતનો અને હીંમતનો પરીચય આપ્યો. ખટપટી રાજદરબારીઓને યેનકેન પ્રકારેણ ભરડામાં લઈ ચુપ કર્યા.

આમ, સીદ્ધરાજે પોતાની રાજકીય કુનેહ અને કાબેલીયત બતાવી તથા રાજ્યકારભાર પર પોતાની પકડ મજબુત કરી. સાથે જ, ગુર્જર દેશે જે નજીકના પ્રદેશો પર પ્રભાવ ગુમાવ્યો હતો તે પ્રદેશો પર સીદ્ધરાજ જયસીંહે ફરી પોતાની આણ ફેલાવી.

સત્તા પર આવ્યા પછી માત્ર દસ જ વર્ષમાં સીદ્ધરાજની સત્તા ઠેઠ ખંભાત સુધી વીસ્તાર પામી.

આ જાણ્યા પછી કોણ કહેશે કે સીદ્ધરાજ નબળો રાજા હતો? ઈ.સ. 1108 સુધીમાં સીદ્ધરાજ જયસીંહની સત્તા ઉત્તર ગુજરાતમાં સ્થીર બની.

એક સ્વતંત્ર રાજ્યના સમર્થ સર્વસત્તાધીશ રાજવી તરીકે તેણે ‘મહારાજાધીરાજ પરમેશ્વર’નું બીરુદ ધારણ કર્યું.

તે પછી તેણે એક અન્ય મહાન વીજય (વીગતો અપ્રાપ્યવત્ અથવા અસ્પષ્ટ) પ્રાપ્ત કરી ‘ત્રીભુવનગંડ’નું બીરુદ મેળવ્યું.

સીદ્ધરાજ જયસીંહની સીદ્ધીઓની વાત આપણે ચાલુ રાખીશું …..

ગુજરાતી લીપી અને છપાઈનો રોમાંચક ઈતીહાસ : આ આપણે જાણતાં હતાં ?!

                                                                                                                               –કનુભાઈ જાની.

16મી સદીના ‘વીમલપ્રબંધ’માં 18 લીપીઓ દર્શાવી છે, તેમાંનું એક નામ છે “ગુર્જર લીપી”. એ કેટલીક પ્રતોમાં પણ છે; પણ તે એક લાંબી સળંગ રેખા નીચે લટકતા અક્ષરો રુપે છે. છેક કવી દલપતરામ ડાહ્યાભાઈ સુધી એના નમુના મળતા રહ્યા છે. [આ વાત આપણે ગયે સોમવારે વાંચી. ગુર્જર લીપી વગેરેની વાત હવે આગળ જાણીએ]:
સો વરસનો લાંબો ગાળો અંધારામાં ?

તો પછીનાં સો વરસ કોરાં કેમ ગયાં ? એ બીબાં વપરાયાં જ નહીં હોય ? કે કોઈ સંશોધકે મહેનત-શોધવાની-નથી કરી ? કેટલુંક હજી લંડનના કમ્પનીના જુના દફ્તરમાં હશે જ. સંશોધનો પણ ટાઈમસર ન થાય તો સામગ્રી પછી ન જ મળે. જે હોય તે. વર્ષ સો ખાલી !! છેક 1797માં ‘ધ બોમ્બે કુરીઅર’ નામે અંગ્રેજી છાપાના જાન્યુઆરી 27 ના અંકમાં માત્ર એક જાહેરખબરમાં ગુજરાતી બીબાં વપરાયેલાં જોવા મળે છે.

બીબાં છાપ્યાં વણીકે અને પારસીએ !!

ભીમજીભાઈ પછીનો આ બીજો ‘છાપગર’ (જુઓ, જરુર પડ્યે લોક આપસુઝથી કેવા શબ્દો બનાવી લેતું હોય છે ! ‘મુદ્રક’કે ‘બીબાંગર’નહીં, ‘છાપગર’ !!),તે સો વર્ષે થયો, બહેરામજી જીજીભાઈ ! પારસી ! બીબાંમાં કોઈ બ્રાહ્મણે રસ દાખવ્યો નથી ! એ તો તૈયાર ભાણે જમવા ટેવાયલ ! પહેલો બીબાંગર પારેખ-વણીક ! બીજો પારસી. સ્થળ મુંબઈ. 18મી સદીની વીદાય-વેળા; 18મી ઓગણીસમી વચ્ચેનો સાંધ્યકાળ. બીબાં છે પણ કોઈ આખું પુસ્તક હજી મળતું નથી. બસ્સો વરસનું બીયાબાં (રણ)!

1812માં પહેલો છાપખાનો !! પહેલું પુસ્તક 1814-15માં !

આ બહેરામજી ( આ પારસી નામમાંનું ‘રામજી’ કેવું મીઠું લાગે છે, નહીં ?)-એ તો 1804માં અવસાન પામ્યા. પણ તે પહેલાં તો એમનો પુત્ર જીજીભાઈ તૈયાર થઈ ગયો હતો. એની મદદથી ફરદુનજીએ જે મુંબઈમાં કોટ વીસ્તારમાં 1812માં ‘ગુજરાતી છાપખાનો’ કાઢ્યો એમાં (1814માં ગુજરાતી પંચાંગ, બાદ કરતાં)જે પહેલી ચોપડી છાપી તે ખોરદાહ અવેસ્તાની 1815માં; અને પછી, (1808માં અંગ્રેજીમાં બહાર પડેલ રૉબર્ટ ડ્રમંડ કૃત ‘ઈલસ્ટ્રેશન ઑફ ધ ગ્રામેટીકલ પાર્ટ્સ ઑફ ધ ગુજરાતી મહરષ્ટ ઍન્ડ ઈંગ્લીશ લેન્ગ્વેજીઝ’નું અરદેશર બહેરામજી લશ્કરી કૃત ભાષાન્તર) 1822માં બહાર પડ્યું.”અંગરેજી તથા ગુજરાતી વાકાબી ઉલારી” જે ‘ગુજરાતી લોકોને અંગરેજી શીખવા શારૂ બનાવી’.( રસીક ઝવેરી : ‘મું.સ.: દોઢસો વરસની તવારીખ’/ પૃ.13)માત્ર જાણ ખાતર : આ રૉબર્ટ ડ્રમન્ડ વ્યવસાયે દાક્તર હતા. 1793ના અરસામાં મુંબઈ આવ્યા.1797માં આસીસ્ટન્ટ સર્જન નીમાયા. M.D. થયા. 1803માં સર્જન-જનરલ તરીકેની બઢતી પામ્યા. એમણે અંગ્રેજો ગુજરાતી-મરાઠી જાણે શકે માટે, એમને માટે આ પુસ્તક અંગ્રેજીમાં લખેલું.1809માં વીલાયત જતાં રસ્તામાં આગબોટમાં જ અવસાન પામ્યા. અમદાવાદ વીદ્યાસભાના ગ્રંથાલયમાં આગલાં પાનાં ફાટેલી હાલતવાળી પ્રતમાં ગ્લૉસરી શબ્દવાળું પાનું વંચાયું, તેથી ગ્રંથકારે એ નામ નોંધ્યું, પછી એ નામે ઓળખાયું ! બીજું, એ મુળ ગુજરાતીમાં નથી; ત્રીજું એનો અનુવાદ 1822નો છે.)

લીપી, કેટલી બદલાઈ ? કયા કયા નામે ઓળખાઈ ?!

આમ આ લીપી મુળ બ્રાહ્મી (ઈ.સ.પુર્વે ત્રીજી-ચોથી સદી)માંથી નવમીના અરસાની નાગરીમાં થઈ, 16મી-17મી સદીમાં ‘ગુર્જર’ બની,એમાંથી ‘વાણીયાશાઈ’ થઈને, છપાઈ–‘શાળાઈને’ આપણને મળી. ફેરફારો ઘણા થયા છે. વચમાં વર્ષો સુધી “લખાણ અંતર્ગત ‘ઈ’ અને ‘ઉ’નો પ્રયોગ જોવા મળતો નથી” એમ પ્રવીણચંદ્ર પરીખ જેવા અભ્યાસી કહે છે. ( ગુજ.સા.કોશ’-3; પૃ.233) પણ હવે આરંભના લખાન પર એક ઉડતી નજર ભેગાભેગી ફેરવી લઈએ.
=============================================================
પણ એ તો હવે આવતે સોમવારે જ ! ત્યાં સુધી આ સૌ ભાષાપ્રેમીઓની સેવાને યાદ કરતાં રહીશું !

વીદ્વત્તાપુજક સીદ્ધરાજ જયસીંહ

.

ગુજરાતનો ઈતીહાસ (16): વીદ્વત્તાપુજક સીદ્ધરાજ જયસીંહ

આલેખક: હરીશભાઈ દવે

અગીયારમી સદીનો ચોથો દશકો.

ગુર્જરદેશની રાજધાની પાટણ.

સમગ્ર નગર મહા ઉત્સવના એંધાણે થનગની રહ્યું છે.

પાટણનરેશ સીદ્ધરાજ જયસીંહે માળવા પર ભવ્ય વીજય પ્રાપ્ત કર્યો છે. કટ્ટર શત્રુ માલવનરેશને હરાવી મહારાજાએ અભુતપુર્વ સીદ્ધી મેળવી છે.

ગુર્જરનરેશ આજે મહાન વીજેતા બનીને પાટણમાં પ્રવેશી રહ્યો છે.

ભારે ધામધુમથી સત્કારની તૈયારીઓ થઈ છે. મંત્રીઓ, બહુશ્રુત વીદ્વાનો અને પ્રતીષ્ઠીત નગરજનો પાટણને પાદરે પહોંચ્યાં છે.

વીદ્વાન પંડીતગણની મોખરે છે અઢારેક વર્ષનો એક તેજસ્વી જણાતો યુવાન સાધુ.

હળવા પગે આગળ વધી યુવાન સાધુ ગુર્જર નરેશને અભીનંદન અને આશીર્વાદ આપે છે. મહારાજા નમ્રતાપુર્વક આશીર્વાદ સ્વીકારી સાધુના પ્રખર તેજોમય વ્યક્તીત્વને ક્ષણમાત્રમાં પરખી લે છે.

તે મહાતેજસ્વી યુવાન સાધુનું નામ હેમચંદ્ર.

હેમચંદ્ર શ્વેતાંબર જૈન સંપ્રદાયના અતી આદરણીય સાધુ. આઠ વર્ષની ઉંમરે દીક્ષા અને માત્ર વીસ વર્ષે ‘સુરી’પદ. આ અલભ્ય સીદ્ધીને પ્રતાપે હેમચંદ્ર પાટણના સમાજમાં પુજનીય બન્યા.

પ્રથમ મુલાકાતમાં જ પ્રભાવીત થયેલા મહારાજા સીદ્ધરાજ જયસીંહે હેમચંદ્રાચાર્યને રાજ્યાશ્રય આપ્યો. સીદ્ધરાજની પ્રેરણાથી હેમચંદ્રાચાર્યે પ્રસીદ્ધ વ્યાકરણગ્રંથ ‘સીદ્ધ-હેમ’ની રચના કરી.

તે પછી હેમચંદ્રાચાર્યે ‘દ્વયાશ્રય’ નામક મહાકાવ્યની રચના કરી. તે મહાકાવ્યમાં સીદ્ધરાજ જયસીંહ તથા તેના ચૌલુક્ય (ચાલુક્ય અથવા સોલંકી) કુળનાં યશોગાન છે.

સીદ્ધરાજ જયસીંહની યશસ્વી ઉપલબ્ધીઓ તથા કીર્તીવંત કારકીર્દીના પરીચય માટે હેમચંદ્રાચાર્યનું સાહિત્ય આધારભુત ગણાય છે.

તેમાંથી સીદ્ધરાજના વ્યક્તીત્વની બહુવીધ ખુબીઓ પ્રગટ થાય છે. ઉપરાંત તેમાંથી સીદ્ધરાજ જયસીંહના રાજ્યકાળની સીદ્ધીઓ તેમ જ ગુર્જર દેશની ગરીમાની ઝાંખી થાય છે.

મહારાજાધીરાજ સીદ્ધરાજ જયસીંહની યશસ્વી ગાથા હવે પછી ….

લીપી લેખકોએ નહીં, વેપારીએ તૈયાર કરાવી હતી !!

જોડણીનો ખપજોગો ઈતીહાસ              

–કનુભાઈ જાની.
આ જોડણીનો પ્રશ્ન સમજવા થોડીક ઈતીહાસની ભુમીકા હોય તો ઉપકારક બને. ચાર બાબતો આની સાથે સંકળાયેલી છે :
લેખન, મુદ્રણ, જોડણી અને લીપી.
ચારેયનો અલગ અલગ વીચાર કરી શકાય; પણ એ પરસ્પર અસર કરનારી બાબતો છે, તેથી ટુંકમાં પણ જાણી સારી.

[1] લીપી :
આજે લખવાનું આવતાં જ ફટાફટ અક્ષરો પાડવા માંડીએ છીએ તે લીપી મુળ બાળબોધ એ ખરું, ને લહીયા લખતા હશે એ પણ ખરું પણ સામાન્ય લોકમાં લીપી હસ્તપ્રતો દ્વારા પ્રસરે એ શક્ય નથી. એ તો વેપાર-વણજ કે અન્ય વહીવટ જેવા વહેવારોમાં જેને ઝાઝી જરુર પડી એણે લીપીને સરળ કરીને વાપરવા માંડી- મોટે ભાગે વેપારીઓએ. તેથી પારસી-અંગ્રેજો વગેરેએ એને ‘બનીઆ સ્ક્રીપ્ટ’ નામ આપ્યું !! આ લીપી ત્રણ રીતે સામાન્યજન સુધી પહોંચી :
–એક, પત્રવ્યવહાર ને વહીવટીતંત્ર દ્વારા;
–બે, રીતસરના શાળાશીક્ષણ દ્વારા; અને
–ત્રણ, મુદ્રણ દ્વારા.
સહુથી વીશેષ તો મુદ્રણ દ્વારા. એક નોંધવા જેવી વાત તો એ છે કે અર્વાચીન શીક્ષણ આરંભાયું 1825માં. સ્થળ ગુજરાત નહીં, મુંબઈ. આરંભ શીખવનારાના શીક્ષણથી થયો.જેમાં ગણીને માત્ર દસ જ જણ હતા (જેમાંના એક હતા દુર્ગારામ મહેતાજી.) પણ શીક્ષકો લીપી નક્કી કરીને શીખવે તે પહેલાં, કાળક્રમે મુદ્રકોએ લીપી પોતાની રીતે તૈયાર કરી લીધી, ને વાપરતા પણ થયા ! શાળાઓને એનો લાભ મળ્યો. જોકે પાઠ્યપુસ્તકોમાં વત્તુ-ઓછું બંનેનું ચલણ રાખ્યું(ત્યારના શીક્ષણતંત્રે).આપણા સૌથી પહેલા શીષ્ટમાન્ય વૈયાકરણી ટેલરે પણ ગુજરાતી લીપીને “બનીઆસ્ક્રીપ્ટ” કહી છે. બ્રાહ્મણોએ બાળબોધ પકડી રાખી, પણ વેપારી વગેરેએ એમાંથી વહેવારુ લીપી ઘડી લીધી, અનાયાસે અને અભાનપણે. પણ લીપીમાં મુદ્રણનો હીસ્સો ખરો… કેવી રીતે ? જોઈએ, ચાલો.

[2] મુદ્રણ :
જાણીતું છે કે ગટનબર્ગ (1410-1468)નામે જર્મને મુદ્રણકળાની શોધ પંદરમી સદીમાં કરી. પણ કામ ત્યારે કેટલું કઠીન હતું ! 637 પાનાંનું બાઈબલ છાપતાં પુરાં પાંચ વર્ષ લાગેલાં, 1450થી 1455 ! ધાતુનાં બીબાંથી છપાએલ એ પહેલું પુસ્તક. એ પછી 1475માં ઈંગ્લેન્ડમાં છાપખાનાની શરુઆત થઈ.

પણ ઈસ્ટ ઈન્ડીયા કમ્પની અહીં આવી ત્યારે અંગ્રેજો એથી માહીતગાર હતા. કમ્પનીના એક આડતીયા હતા ભીમજી પારેખ. એમને થયું કે આપણા ધર્મગ્રંથો દેવનાગરીમાં છપાવવા. તેથી એમણે કમ્પનીને કોઈ કારીગર ભારતમાં મોકલવા લખ્યું. કમ્પનીએ હેનરી હીલને મોકલ્યા. સાથે કાગળો, યંત્રો વગેરે સામગ્રી પણ એ લાવ્યા.

પણ ભીમજીભાઈને એ બધું ખર્ચ માથે પડ્યું. એ પોતે છાપી જાણે, પણ બીબાં પાડતાં ન આવડે ! એટલે બીજાને બોલાવ્યો. એણે શું કર્યું એની વીગત મળતી નથી. પણ ભીમજીભાઈએ પોતે જ સુરતમાં માણસો તૈયાર કરી, ગુજરાતી બીબાં પડાવ્યાં. ત્યારે બાળબોધ લીપી પરની મથાળાની રેખાઓ દુર કરીને લીપી તૈયાર કરી. એમાં જે છપાયું તેનો એક અહેવાલ કમ્પનીએ ઈસ્ટ ઈન્ડીયાની લંડન-ઓફીસને મોકલ્યો, એમાં જણાવ્યું કે ભીમજીભાઈએ તૈયાર કરાવેલાં બીબાંની “બનીઅન સ્ક્રીપ્ટ”-લીપી ઘણી સારી દેખાય છે. (રસીક ઝવેરીકૃત ‘મુંબઈ સમાચાર: દોઢસો વરસની તવારીખ’, 1972,પૃષ્ઠ 10)

આ વાત ઈ.સ. 1680ની આસપાસની.(હીલ આવ્યો 1674માં, બીજો અંગ્રેજ 1678માં. તે પછીની આ વાત.)આમ, લીપી છાપેલા રુપે સત્તરમી સદીમાં વપરાઈ. પણ એનો કોઈ નમુનો મળતો નથી. પણ પછીની છપાયલી સામગ્રી જોતાં અનુમાન તારવી શકાય કે ‘રુ’ નહીં હોય, ‘એ’-‘ઓ’ માટે કાંઈક જુદાં ચીહ્નો હશે. ‘ઐ’-‘ઔ’ને સ્થાને ‘અઈ’-‘અઉ’ હશે. હ્રસ્વ-દીર્ઘ ‘ઈ’-‘ઉ’નાં અલગ બીબાં નહીં હોય; આજનાં જેવાં વીરામચીહ્નો નહીં હોય, વગેરે. આ માટે કદાચ અલગ તરકીબો હોય. ખેર ! જે હોય-ન હોય તે ! ઈતીહાસમાં આગળ જઈએ. સત્તરમી સદીમાં પહેલાં બીબાં પડ્યાં. એની ‘બનીઅન સ્ક્રીપ્ટ’ વખણાઈ.

( એક રસીક આડકથા : 16મી સદીના ‘વીમલપ્રબંધ’માં 18 લીપીઓ દર્શાવી છે, તેમાંનું એક નામ છે “ગુર્જર લીપી”. એ કેટલીક પ્રતોમાં પણ છે; પણ તે એક લાંબી સળંગ રેખા નીચે લટકતા અક્ષરો રુપે છે. છેક કવી દલપતરામ ડાહ્યાભાઈ સુધી એના નમુના સુલભ છે.)
============================================================
એ વખતનાં પુસ્તકો અને લીપી અને જોડણી વગેરેની વધુ રસપ્રદ વાતો આવતે સોમવારે ! ત્યાં સુધી આ ઐતીહાસીક વાતોને મમળાવતાં રહેવા સૌને અનુરોધ છે.

જય હો સીદ્ધરાજ જયસીંહનો !

.

ગુજરાતનો ઈતીહાસ (15): સીદ્ધરાજ જયસીંહનું રાજ્યારોહણ

આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . .

ગુજરાતનો મહાન ચક્રવર્તી રાજા સીદ્ધરાજ જયસીંહ.

માંડલીકો માટે મહારાજાધીરાજ સીદ્ધરાજ જયસીંહ. ઈતીહાસકારોની દ્ર્ષ્ટીએ ત્રીભુવનગંડ, અવંતીનાથ, સીદ્ધ ચક્રવર્તી શ્રી જયસીંહ દેવ.

જયસીંહના દાદા ભીમદેવને ત્રણ રાણીઓ હતી તેવી કથા છે. તેમાંથી બે મુખ્ય: વણીકરાણી બકુલાદેવી (બઉલાદેવી) અને રજપુત રાણી ઉદયમતી.

ઉદયમતી સૌરાષ્ટ્રના રાજા નરવાહન ખેંગારની કુંવરી. બકુલાદેવીનો પુત્ર ક્ષેમરાજ તથા ઉદયમતીનો પુત્ર કર્ણદેવ.

ભીમદેવના મૃત્યુ સમયે ઉદયમતીનો પીયરપક્ષ પ્રભાવી રહ્યો. ફલત: ઉદયમતીના કુમાર કર્ણદેવને ગાદી મળી.

કર્ણદેવ અને મીનળદેવીનો પુત્ર તે જયસીંહ.

કર્ણદેવના અંતકાળે ગુર્જર દેશની શાન ઝાંખી પડી હતી અને તેની સત્તા અને વ્યાપમાં ઘટાડો થયો હતો. કર્ણદેવનું અવસાન થયું ત્યારે જયસીંહ હજી કુમારાવસ્થામાં હતો.

ઈ.સ. 1096માં પાટણની ગાદી પર જયસીંહનો રાજ્યાભીષેક થયો. જયસીંહ પર સૌથી વીશેષ પ્રભાવ રાજમાતા મીનળદેવીનો હતો.

મીનળદેવીએ બાળરાજા જયસીંહનું સર્વાંગી ઘડતર કર્યું. જયસીંહના સમર્થ રાજવી તરીકેના વીકાસમાં રાજમાતા પ્રેરક શક્તી બની રહી. વીચક્ષણ અમાત્યોએ પણ જયસીંહના વીકાસમાં મહત્વનો ફાળો આપ્યો.

જયસીંહે પાટણની ધુરા સંભાળી અને એક ઘા થયો.

માળવાનરેશ નરવર્માએ પાટણ પર આક્રમણ કર્યું. તે સમયે પાટણનો વહીવટ સાન્તુ મંત્રી નામના બાહોશ મંત્રી પાસે હતો. તેમણે પાટણને બચાવવા ખંડણી આપી અને નરવર્માને પ્રસન્ન કરી પરીસ્થીતી સાચવી લીધી. પરંતુ માળવાનો આ ઘા જયસીંહના મનમાં હંમેશા સમસમતો રહ્યો.

જયસીંહે કેવાં પરાક્રમો દાખવી ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું? આ વાત હવે આલેખીશું ……

મહમુદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ

.
ગુજરાતનો ઈતીહાસ (14): મહમુદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ

આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . . .

અગીયારમી સદીનો પુર્વાર્ધ.

પ્રભાસપાટણ સોમનાથની સમૃદ્ધીની વાતો જગતભરમાં ફેલાઈ હતી.

પ્રભાસ તે સમયે ભારતવર્ષના પશ્ચીમ કીનારાનું અગત્યનું બંદર હતું. અહીંથી આફ્રીકા અને ચીન સાથે દરીયાઈ વ્યાપાર ચાલતો.

સોમનાથ ભારતવર્ષનું પ્રમુખ યાત્રાધામ હતું. સોમનાથના પ્રાચીન શીવમંદીરનાં દર્શને રોજ હજારો યાત્રાળુઓ આવતાં. મંદીરની આવક લાખોમાં ગણાતી. કહે છે કે મંદીરમાં 200 મણની સોનાની સાંકળ હતી.. તેને બાંધેલા સોનાના ઘંટોથી પ્રચંડ ઘંટારવ થતો! મંદીરનું હીરા-માણેક-રત્નજડીત ગર્ભગૃહ ઝળાંહળાં  રહેતું. ભગવાન શીવની મુર્તી રત્નોના પ્રકાશથી રાત્રીના અંધકારમાં ઝગમગી ઉઠતી.

ઈ.સ. 1025નો ઓક્ટોબર મહીનો.

મહમુદ ગઝની ગુર્જરદેશ પર આક્રમણ કરવા જંગી લશ્કરી તાકાત સાથે નીકળ્યો. તેના લશ્કરમાં 30000 જેટલા ઘોડેસ્વારો હતા. રણની મુસાફરી હોવાથી પાણીનું વહન કરતાં 30000થી વધારે ઉંટ સાથે હતાં.

મહમુદ મુલતાન થઈ આબુ-પાલણપુરના રસ્તે અણહીલપુર પાટણ પહોંચ્યો. પાટણનરેશ ભીમદેવ પહેલો તેનો સામનો કરી શકે તેમ ન હતો. તે ભાગી છુટ્યો. પાટણના સૈન્યને હરાવી મહમુદ પ્રભાસપાટણ સોમનાથ તરફ વળ્યો.

મહમુદ ગઝની ઈ.સ. 1026ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રભાસપાટણ સોમનાથ પહોંચ્યો. શહેરને ફરતો કીલ્લો હતો. ગઝનીના લશ્કરે તેના પર હુમલો કર્યો. બહાદુર યોદ્ધાઓએ શહેરની રક્ષા કરવા મરણીયા પ્રયત્નો કર્યા. ત્રણ દીવસમાં પચાસ હજાર વીર લડવૈયાઓએ ભગવાન સોમનાથની રક્ષા કરતાં પ્રાણ પાથર્યા.

પ્રભાસનું પતન થયું. મહમુદ ગઝનીના લશ્કરે શહેર લુંટ્યું. તેણે સોમનાથ મંદીરને તોડી તેનો નાશ કર્યો; તેની અમુલ્ય સંપત્તી લુંટી લીધી. વીસ લાખ દીનાર જેટલી જંગી લુંટ સાથે મહમુદ રણના રસ્તે નાઠો. કેટલાક ભારતીય રાજાઓએ તેનો પીછો કરી તેના માટે ભારે મુશ્કેલીઓ ઉભી કરી, પરંતુ તે ગઝની પહોંચી ગયો. તે પછી તેણે ક્યારે ય ભારતવર્ષ પર આક્રમણ ન કર્યું. ઈ.સ. 1030માં મહમુદ ગઝનીનું મૃત્યુ થયું.

ભીમદેવ પહેલાએ થોડો વખત રાજ્ય બહાર રહી, ફરી પાટણને સંભાળ્યું.

કહે છે કે ભીમદેવ તથા માલવનરેશ ભોજે સાથે મળીને સોમનાથના મંદીરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સોમનાથના ભવ્ય પાષાણ મંદીરનું પુન:નીર્માણ થયું. તેના સમયમાં મોઢેરામાં સુર્યમંદીર બંધાયું. આબુના દંડનાયક વીમલ મંત્રીએ આબુ પર ભગવાન આદીનાથનું આરસનું દેરાસર બંધાવ્યું.

ભીમદેવ પહેલાએ આશરે 42 વર્ષ રાજ્ય કર્યું. (ઈ.સ. 1022 – 1064).

ભીમદેવના સ્વર્ગવાસ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો. (ઈ.સ. 1064 – ઈ.સ. 1074). કર્ણદેવે દક્ષીણમાં લાટપ્રદેશ પર વીજય મેળવી પાટણની સત્તાને કોંકણના સીમાડા સુધી પહોંચાડી.

ર્ણદેવે ગોવાપ્રદેશની કદંબકન્યા મીનળદેવી સાથે લગ્ન કર્યાં.

તે સમયમાં ઉત્તરે સારસ્વત મંડલ તથા દક્ષીણે ખેટક મંડલની વચ્ચે – એટલે હાલના અમદાવાદની આસપાસના પ્રદેશમાં – ગાઢાં જંગલો હતાં જ્યાં ભીલ સમુદાયો વસતા. આશાપલ્લી (હાલ અસલાલી) નામે ઓળખાતા આ દુર્ગમ પ્રદેશમાં ભીલ રાજા આશા ભીલનું રાજ્ય હતું. કર્ણદેવે તેને હરાવી આશાપલ્લીની પાસે કર્ણાવતી શહેર વસાવ્યું. (ચાર-પાંચ સદી પછી અહીં અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું).

આ ઉપરાંત કર્ણદેવે અન્ય નગર, તળાવ અને મંદીરો પણ બંધાવ્યાં. કર્ણદેવ સાહીત્યપ્રેમી રાજા હતો.

કર્ણદેવના જીવનના ઉત્તરાર્ધમાં જ્યારે રાજ્ય પર તેની સત્તા ઢીલી પડતી ગઈ, ત્યારે તેની રાણી મીનળદેવીએ પાટણને સંભાળવાની જવાબદારી ઉપાડી. કર્ણદેવ અને મીનળદેવીનો પુત્ર અને પાટણનો યુવરાજ જયસીંહ ત્યારે હજુ કીશોર અવસ્થામાં હતો.

મહારાજાધીરાજ સીદ્ધરાજ જયસીંહની કથા હવે પછી ……