1000 વરસ પહેલાનાં મોંઘાંમુલાં રત્નો : દુહાઓ !

‘ગાથા થોડી ગુર્જરીની’–5.  હેમગંગોત્રીને ઘાટેથી.    

                                                                                                          —કનુભાઈ જાની (માધવ ગોર)

દુહા શૌર્યના :

નોટા ભાગના હૈમ દુહા પ્રેમના ને શૌર્યના છે. ‘પ્રેમશૌર્ય અંકીત’. ગયે વખતે પ્રેમના જોયા.શૌર્યના બહુ જાણીતા છે.આમાંના કેટલાકને તો પાછા એ કાળે પંડીતોએ સંસ્કૃતમાં પણ ઢાળ્યા છે. લોકવાંગ્મયની શીષ્ટ સાહીત્ય પરની અસર વીષે અભ્યાસ થવો બાકી છે; ને બાકી રહે તે સ્વાભાવીક છે. કેટલી માથાકુટ પછી કહેવાનું તો આ જ થવાનું ને કે બન્ને વચ્ચે મુક્ત આદાન-પ્રદાન હતું ? પંડીતો લોક્વચાળે રહેતા. લખે ભલે જુદી ભાષામાં, જીવનાભીમુખ રહેતા; ને લખાતું તે બોલાવા કે સંભળાવવા માટે જ લખાતું. આજે જે લખાય તે એક ચોક્કસ વાંચનારા વર્ગ માટે ! આજે લેખન લોકાભીમુખ નથી.લેખકને મન ‘લોક’ એટલે એ નાનકડો અલગ વર્ગ જ ! ને લેખન તે એમને ‘વંચાવા’ માટે જ. આ ફેર મોટો. એક કાળે આમ નહોતું. ‘લખ્યું-વંચાય’ની બોલબાલામાં સાંભળવાય કોઈ શેનું નવરું હોય !

જોકે હવે તો જોવા આડ્યે લખ્યું વાંચવાની યે ફુરસદ ક્યાંથી ? સીધું ટી.વી.! એટલે Teach us What are WE=Tea-We !! એને પાચા ‘ડબ્બો'(બોક્સ) કહેવાના ને એને જ ‘ઈડીયટ’ પણ કહેવાના ! એ તો દેખાડે છે-કમાવા, પણ તમે એને પાછા ત્યાં ચોંટી રહો છો તેનું શું ? જોકે ઝબકારમાં જે ઝબકે તે જોવા જીવ જાય ! વાંચવું દોહ્યલું થતું જાય છે. ને બોલાતું સીધું વેણ તો ગયું ! ભાષાય કંઈક કૃત્રીમ થતી જાય છે ! તેમાંય અમારા જેવા પુસ્તક-પાને-પથરાયેલ જીવનથી ટેવાયેલની કલમમાંથી જીવાતા જીવનના સીધા ધબકાર ક્યાંથી આવવાના ! તેથી જ હેમાચાર્ય જેવાને વાંચવાની મજા છે. પંડીત ખરા, પણ જીવનોન્મુખ. ને સવ્યસાચી-બેયમાં પારંગત. વીતરાગચરીત્રો આલેખતાં સાચાં સમાજચીત્રો આલેખે !એ કાળનાં લગ્નગીતો ય ! સંસ્કૃતમાં લખે, તો એ સંસ્કૃતમાં મુકે ! બેય ભાષા સીદ્ધ એમને ! ત્યાં લગ્નગીતોનું સંસ્કૃત કર્યું છે, પણ દુહામાં શબ્દફેરેય નથી કર્યો.

એ સમયે શૌર્ય હશે ત્યારે જ શૌર્યના દુહા હોય ને ! આજે નથી એટલે આ દુહા કદાચ કૃત્રીમ લાગે. જ્યાં નેતૃત્વ જ સ્વાર્થી ને તેમાંય વંશીય થતું જાય છે ત્યાં કોણ કહેશે?–કે :
                    ” ( પુત્ર થયે શો ગણ બળ્યો ! કે મર્યે શો અવગણ હોય ?
                        જો બાપીકી ભોમ આ, બીજે  બથાવી  હોય ?—ક.જાની )
                        ‘પુત્તેં જાએં કવણ ગુણ ,અવગણ કવણ મુએંણ ?
                        જા બપ્પીક્કી ભુંહડી  ચમ્પીજ્જઈ  અવરેંણ ?!’

                        ‘ભલ્લા હુઆ જુ મારીઆ બહીણી મહારા કન્તુ;
                        લજ્જે જન્તુ વયંસીઅહુ જઈ ભગ્ગા ઘરુ એન્તુ.’
                      ( ભલે રે બેન ખપી ગયો રણમાં મારો કન્થ;       
                        સૈયરુંમાં લાજી મરત જો ભાગી ઘેર આવંત…ક.જાની)

                      ” હીઅડા,જઈ વેરીઅ ઘણા,તો કીં અબ્ ભી ચડાહું ?
                        અમ્હાહં  બે  હથ્થડા, જઈ પુણુ  મારી મરાહું ”
                       ( હૈઆ છે વેરી ઘણા; તો, શું આભે ભરૈશ ?
                        અમારે યે બે હાથ છે; મારીને જ મરીશ….ક.જાની )

( પ્રેમ-શૌર્યના દુહા ઉપરાંત મુક્તકો, સુભાષીતો ને બોધના દુહાઓ પણ ઘણાં છે! એનાથી તો ધરવ જ થાય નહીં.પણ  આપણે તો સમયનોય અભાવ ! એટલે કેટલીક વાનગીરુપે ચાખીશું….પણ આવતે અંકે જ !)

ગાથા થોડી ગુર્જરીની–4.

હૈમ-દુહાઓ   (ચાલુ)                                    —કનુભાઈ જાની (માધવ ગોર)

( ઉડાડતી’તી કાગ ત્યાં સહસા દીઠો કંથ !
અડધ વલય જેવું સર્યું કે અડધે તરડ પડંત !
 
હજાર વરસ પહેલાંના આપણા લોકસાહીત્યનાં કીમતી રત્નોમાંનું  આ એક રત્ન આપણે ગયે અંકે જોયું. એવી જ એક ‘ધણ'(નારી)ની વાત પણ જોઈ લઈએ.( ‘ધણ’ શબ્દ ‘ધન્યા’પરથી આવ્યો.! નારીને ધન્યા કહી છે. ધણ શબ્દ આજે પણ લોકગીતોમાં, રાંદલનાં ગીતોમાં ખાસ, જળવાયો છે.)
 
પતીની રાહમાં એ એવી દુબળી થઈ ગઈ કે રખેને હાથોથી બલોયાંની આખી હાર (વલયાવલી)નીચે પડી જાય, એ બીકથી બેય હાથ કાયમ ઉંચે ને ઉંચે રાખીને ચાલે છે ! એની એ ચુડીઓ એનું સર્વસ્વ, સૌભાગ્ય ! એ જ ઉંચે રાખવા જેવું ! ને એ વલ્લભ-વીરહના એવા ઉંડા મહાધરા(દહ)માં ડુબેલી (-બુડેલી ! )છે કે ધરાના ઉંડાણનો કોઈ તાગ (થાહ)લઈ શકે એમ નથી ! કૃષ્ણ-વીરહી ગોપીનું ય, એક લોકગીતમાં, આવું જ કહેવું છે :
                    “વાલે અંતરકુવામાં ઉતાર્યાં !
                     વાલે વળતાં વળીને મોટી છીપ ઢાળી !
                     ગરબે રમશે ગીરધારી !”

વ્હાલે હૃદયકુપે ઉતાર્યાં એટલું જ નહીં, ઉપરથી વધારામાં પાછી કુપના ઉપર મોટી છીપ(શીલા)ઢાંકી દીધી ! અંતરકુવો ! સરસ રુપક !!  પ્રેમની ગહરાઈ ને પ્રેમીની પરીસ્થીતી બંનેનું ચીત્ર ! લોકવાણીની સરળતા, ને જીવનના જ સીધા અનુભવસીદ્ધ (રુપક-ઉપમા-ઉત્પ્રેક્ષા વ.માંના) ઉપમાનો, એકદમ કુદરતી ને સાવ અનાયાસે આવી જતાં લાગે. એટલાં સહજ કે કોઈ ધ્યાન દોરે ત્યારે જ એની ખુબી પરખાય ! આ, નીચે અપાય છે તે હૈમ દુહોય તે, કાંઈક વૈચીત્ર્યથી તો કાંઈક એમાની અત્યુક્તીથી પણ, આકર્ષે છે. નાયીકા હાથ ઉંચા કરીને જ ચાલે છે ! કંકણ જાણે જીવ છે !
કંકણ જીવણ સમાન ! મ્હાણવા-જાણવા જેવો દુહો છે :
                     વલયાવલી-નીવડણ-ભએણ, ધણ ઉદ્ધભુઅ જાઈ;
                     વલ્લહ-વીરહ-મહાદહહો, થાહ  ગવેસઈ    નાઈ.   
                     ( પડે  બલોયાં  એ ભયે, ઉંચા કર  લૈ  જાય;
                      વલ્લભ-વીરહ-ઉંડોધરો, તાગ લીધો ના જાય…./ક.જાની)
 
–લોકસમાજમાં એકકાળે આવો પ્રેમ ને એનાં ગીતો-ઉક્તીઓ હતાં જ. ‘મેઘદુત’ની કલ્પના ને આવી લોકકલ્પના બે જુદાં નથી. યક્ષ કાલીદાસને સુઝે, એવું પાત્ર લોક્વાણીમાંય હતું-સહજ. ઢોલા-મારુના દુહામાં મારવણી આભે જતાં કુંજડાંને જોઈ કહે છે : 
                    ” કુંઝ્ઝાં, દ્યોને  પંખડી,થા-કું  વીનઉં  વહેસ;
                     સાયર લંઘી,પ્રીય મીલું,પ્રીય મીલી પાછી દેસ.”   
                     ( કુંજાં, દોને પંખડી, તે  બાન  ગણી હું  લેશ;
                     સાગર લંઘી, પીયુ મળ્યે,તરત પરત કરી દૈશ…../ક.જાની)
 
આ તો વીરહીણીના ઉદ્ગાર; તમે કહેશો : ‘પણ યક્ષ-ઉદ્ગાર ક્યાં ?’ તો, લો, આ :
                     હીઅઈ ખુડુક્કઈ ગોરડી, ગયણી  ધુડુક્કઈ  મેહુ;
                     વાસાસ્તી  પવાસુઅહઁ   વસમા    સંકડુ    એહુ.
                     (હૈયે  ખટુકે ગોરડી, (જ્યાં) આભ ધડુકે  મેહ;
                     વર્ષારક્ત   પ્રવાસીને    વસમું   સંકટ    એહ……/ક.જાની.
( અહીં ‘વર્ષારક્ત’- એક તો મેઘાલોક, મેઘનો કાળ, વર્ષાકાળ ; ને તેમાં પાછો ‘આરક્ત’ પ્રેમી !-એમાં અનાયાસે થયેલ શ્લેષ છે. બાકી તો, અર્થ સ્પષ્ટ છે. લોકવાંગ્મયમાં અર્થની માથાકુટ હોતી જ નથી ! હા, ક્યારેક લોકજીવન જ ન જાણતાં હોઈએ-એની કોઈ વાત પણ-,તો ન જ સમજાય. લોકજીવન સાથેનો ઘરોંબોં એ લોકવાંગ્મયને સાચી રીતે સમજવાની મુખ્ય શરત છે.)

આવતે અંકે જે દુહાઓ આવશે તે તો હશે શૌર્યના દુહાઓ ! રાહ જોઈશું ?

ગાથા થોડીક ગુર્જરીની–3.

હૈમ-ગંગોત્રીને ઘાટેથી.                                       —કનુભાઈ જાની. (માધવ ગોર)

(આપણી વહાલી ગુજરાતીની ગંગોત્રી ક્યાં ? એવા સવાલના જવાબમાં છેક હેમચન્દ્રાચાર્યના અને રાજવી સીધ્ધરાજના સમયમાં લઈ જનાર શ્રી કનુભાઈ જાની હવે આપણને એ સમયની ગુજરાતીનાં રત્નો એક એક કરીને બતાવીને ઓળખાવવાના છે !! આવો, આપણે આપણી કવીતાની ગંગોત્રીમાં માથાંબોળ સ્નાન કરીએ અને એ અતી કીમતી રત્નોને પણ અંકે કરીએ.-તંત્રી.)
એમના વ્યાકરણ ‘સીધ્ધહૈમ.’ માં હેમચન્દ્રાચાર્યે જે દુહા આપ્યા છે તે ત્યારની લોકહૈયે તરતી નરવી ને નરી કવીતા છે.  ગુજરાતી લોકકવીતાની તો એ ગંગોત્રી. હેમચન્દ્રાચાર્યને હાથે, વ્યાકરણને કારણે સહેજે સંપાદીત થઈ ગયેલું, જુનામાં જુનું ઉપલબ્ધ, ગ્રંથસ્થ ગુજરાતી લોકવાંગ્મય. એ ગંગોત્રીનાં થોડાંક બીન્દુઓ આંખે અડાડીએ. પહેલાં પ્રણય-શૌર્ય-ને શીખામણ કે ચીન્તન-ના થોડાક દુહા; પછી  એક ટુકડો લગ્નગીત-ફટાણું-નો.

1] દુહા પ્રેમના :

મોટાં ઘર કયાં, કોનાં ? જે ઘર જતાં જ વીહ્વળીત જણ પણ પાછો અભ્યુદય પામે, ભગ્નાશ હોય તેને પાછું આશાનું બળ મળે તે. કોણ ? ક્યાં રહે ? એ…..પણે ! મારો કંથ–પેલી ઝુંપડી છે ત્યાં ! ‘મોટું ઘર’ ઝુંપડી પણ હોય; જ્યાંથી હારેલાંને પાછું જીવનબળ મળે એ ઘર મોટું. આ દુહો નાયીકાના મુખમાં મુકેલ વેણ છે :
                         ” જઈ પુચ્છઈ ઘર વડ્ડાઈં, તો ઘર વડ્ડા ઓઈ 
                         વીહલીઅ-જણ-અબ્ભુધ્ધરણું  કંતુ કુડીરઈ જોઈ.” 
                      ( ઘર મોટાં ક્યાં એ પુછો, (તો) મોટાં ઘર છે ન્યાં જ
                        હાર્યો પામે હામ જ્યાં એ કંથ-કુટીર છે ત્યાં જ ! –ક.જાની.)

મોટાઈ મહોલાતની નથી, મરદાઈની છે. ઝુંપડું પણ ‘મોટું ઘર’ હોય. દામ નહીં,હામ અગત્યની વસ છે…હવે જોઈએ પ્રેમ વીષયક દુહા :  

                        ” સંદેશે કાંઈ તુહારેણ, જઁ સંગહો  ણ મીલીજઈ;
                        સુઈણન્તરી પીએં પાણીએણ, પીઅ, પીઆસ કી છીજ્જઈ ?” 
                        ( સંદેશે તે શું વળે સંગ જો મળ્યો ન જાય !
                        પાણી પીધ્યે સ્વપ્નમાં, પ્રીય, શેં પ્યાસ બુઝાય !!…ક.જા.)

–થોડાક ટેવાવાય તો આ દુહા અઘરા નહીં લાગે. પણ ક્યારેક કોઈ દુહો કોઈ પ્રસંગચીત્ર એવું આપે જેમાં એક પાત્ર, એના મનોભાવ, એની ભાવતીવ્રતા, ને એક ભાવમાંથી સ્થીત્યાંતર થતાં બીજામાં એકાએક સંક્રમણ, એને યોગ્ય એક પ્રસંગ, લોકમાન્યતા, પ્રેમ-બધું એકસાથે હોય માત્ર બે પંક્તીમાં !! અતીશયોક્તી એ હાસ્ય-કટાક્ષનું તો મોટું હથીયાર છે, પણ શૃંગારમાં પણ કામે લગાડાય એ અત્યંત વીરલ વાત છે. જુઓ, આ હવે પછીનો દુહો સાંભળો ! એ એક જ દુહા ઉપર આખો નીબંધ લખી શકાય ! પ્રસંગ આવો છે : કાગડો ઘર સામે બેસીને બોલે છે, તે જાણે પોતાની વીરહાવસ્થાની ઠેકડી ઉડાડે છે એમ લાગતાં જ વીરહથી દુબળા-પાતળા પડી ગયેલા હાથવાળી વીરહીણીને ખટક્યું.એટલે કાગડાને ઉડાડવા પથ્થર લેતીકને જેવો હાથ વીંઝ્યો કે દુબળે હાથેથી બલોયાનો એક ભાગ નીચે સરી પડ્યો–એક જ ભાગ સરી પડ્યો, કારણ કે એ જ વખતે સામેથી પીયુને આવતો જોતાં જ એ હરખથી એવી ફુલાઈ કે બલોયાનો બાકીનો અડધો ભાગ જે હાથને વળગેલો હતો તેમાં ફટાક્ દઈને તરડ (તીરાડ) પડી !આમ વલય / બલોયું અડધું પડ્યું, અડધું તરડ્યું. મીલનની આવી પુર્વક્ષણનું વીજઝબકાર-ચીત્ર !બહુ પ્રસીધ્ધ દુહો છે. આ બધા દુહા હજારેક વરસના ઉપરના જુના ગણાય.આજેય ભાવફેરે સાંભળવા મળે, એમ હજી લોકજીભે ઉતરતા રહ્યા છે ! સરળતામાં રહેલી ભવ્યતા-simplicity is grandeur–એ, આમ, લોકવાંગ્મયની કેટલીક પંક્તીઓમાં સહેજે જોવા મળે છે.માણીએ એ આપણી કવીતાના મહામોંઘા-અણમોલ-રત્નને :
                       
” વાયસુ ઉડ્ડાવન્તીઅએ પીઉ દીઠ્ઠઉ સહસત્તી !
                          અધ્ધા વલયા મહીહી ગય અધ્ધા ફુટ્ટ તડત્તી !”
                        ( ઉડાડતી’તી કાગ ત્યાં સહસા દીઠો કન્થ !
                          અડધ વલય જેવું સર્યું, કે અડધે તરડ પડન્ત !….ક.જાની)

(મઝાનાં લગ્નગીતો આવતે અંકે ! (ત્યાં સુધી આટલું અંકે કરી રાખજો ! -તંત્રી.)
 

કલીકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય

                          —માધવ ગોર અને જુગલકીશોર

‘માતાજી, આ બાળક આપનું છે ?’એક જૈનાચાર્યે ધંધુકામાં નવસોએક વર્ષ પહેલાં ઉપાશ્રયે બાળક સાથે વંદવા આવેલ માતા પાહીનીને પુછ્યું. બાળકને એ ઝીણી નજરે નીરખી રહ્યા હતા.
‘હા મહારાજસાહેબ. કેવું લાગે છે ?’
‘અદ્ભુત્ ! અદ્ભુત્ ! નામ ?’
‘ચંગદેવ.’
‘એમ ? સરસ ! ચંગ જ છે,સરસ છે.કેવડો થયો ?’
‘એ…પાંચ વરસનો..દેવદીવાળીએ જન્મ્યો છે.’
મહારાજસાહેબે આંગળીઓના વેઢા પર કંઈક ગણતરી કરી.પછી કહે,’…ને સામુદ્રીક શાસ્ત્ર પ્રમાણે તો એ દેવ જેવો થાય…જો…..’ કહેતાં કહેતાં દેવચન્દ્રસુરી અટકી ગયા.
‘કેમ અટકી ગયા, સાહેબ ?’ પાહીનીએ પુછ્યું.
‘જીભ ઉપડતી નથી.પણ…’
‘પણ… શું કંઈ અહીત છે ?’
‘ના..પણ..આ સંસારી જીવ નથી..’
‘તો ?’
‘કેળવાય તો રાજપ્રભાવી,પંડીતપ્રભાવી,પરમ તેજસ્વી થાય…મારું એક વચન રાખશો ?’
‘કેમ નહીં ? આપે તો આજ્ઞા કરવાની હોય.બાળકના હીતમાં જ આપ કહેશોને ?’
‘તો આ બાળક અમને આપશો ?…’
પાહીણી તો સ્તબ્ધ ! કળ વળતાં કહે, ‘મારે એમને પુછવું પડે.’
ને ઘેરે જઈ પતી ચાચદેવને પુછ્યું. ઘટવટ પછી આખરે એ પાંચ વરસના ચંગદેવને દેવચન્દ્રસુરીને સોંપ્યો ! રાજા દશરથને  ત્યાંથી જેમ ઋષી રામને લઈ ગયા’તા એમ લઈ ગયા; ખંભાત..દીક્ષાનામ પાડ્યું,સોમચન્દ્ર. ખંભાતમાં સતત સોળ વરસ સુધી વીદ્યાભ્યાસ જ. શક્ય એટલા બધા જ વીષયો : ધર્મ,ન્યાય,નીતી,શાસ્ત્ર,વ્યાકરણ,ઈતીહાસ,પુરાણ વ.વ. કશું જ બાકી ન રાખ્યું. એવા લાગ્યા જાણે જ્ઞાનભંડાર ! તપે પણ પ્રદીપ્ત ! એટલે દેવચન્દ્રસુરીએ પોતાનું આચાર્યપદ એમને સોંપ્યું, ઈ.સ.1110ની સાલમાં. એટલે ઈ.સ.1089માં ધંધુકામાં જન્મેલ ચંગદેવ, પાંચ વર્ષ પછી સોમચન્દ્ર થઈને, એકવીસમે વર્ષે આચાર્ય હેમચન્દ્રસુરી તરીકે પંકાયા.
પછી વીચરતા વીચરતા પાટણ ગયા. ત્યારે ત્યાં ગુર્જરેશ્વર સીધ્ધરાજ જયસીંહ જેવો બધી વાતે શ્રેષ્ઠ કહેવાય એવો રાજવી. શુરવીર અને વીદ્યા તેમ જ કળા બંનેનો પરખંદો. એણે પ્રતીભા પીછાણી. બંને નીકટના મીત્રો બન્યા.
સીધ્ધરાજને એક મહેણું ખટકતું હતું.માળવા જીતેલું ત્યારે ત્યાંનો જ્ઞાનભંડાર જોઈને ચકીત થયેલા. તેમાંય એક વ્યાકરણ ! ત્યાંનું લોક પણ જ્યારે-ત્યારે મહેણું મારતું. સૌને મોઢે રમતો થયેલો એ ભોજદેવનો શ્લોક,  ‘લાટવાળા લાટી સાંભળે ! સંસ્કૃતના તો તમે વેરી; હા,પ્રાકૃત વળી સાંભળી લો ખરા ; પણ તમને આખરે સંતોષ તો બીજા કશાથી જ નહીં, એકમાત્ર અપભ્રંશ બોલીથી જ થાય !’–
            ” શૃણ્વંતિ લટભં લાટા: પ્રાકૃતં સંસ્કૃતદ્વિષ: |
             અપભ્રંશેન તુષ્યન્તિ સ્વેન નાન્યેન ગૌર્જરા: ॥”
સીધ્ધરાજે વાત કરી હેમાચાર્યને કે આ મહેણું ખટકે છે. ત્યાં ભોજવ્યાકરણ છે તેવું અહીં કેમ ન હોય ? ને આ પડકાર સુરીજીએ સ્વીકાર્યો. યોજના કરી. પાટણ આવી વસેલા રાજપંડીત મુળ કશ્મીરના એવા ઉત્સાહને મોકલ્યા કશ્મીર.ત્યાંથી આઠેક જેટલા વ્યાકરણ-ગ્રંથો આવ્યા. સઘન અભ્યાસ મંડાયો.ને પછી વ્યાકરણ લખાવા માંડ્યું. જેમ જેમ લખાય તેમ તેમ એની ત્રણસોક લહીયાઓ નકલ પણ કરતા જાય. એમ એક સંસ્કૃત,પ્રાકૃત ને અપભ્રંશ-એટલે કે જુની ગુજરાતી-એટલે કે આપણી ગુજરાતી ભાષાની ગંગોત્રી-એ ત્રણેયને સમાવતો મોટો વ્યાકરણગ્રંથ પુરો થયો. સીધ્ધરાજનું સ્વપ્ન,ને હેમચન્દ્રની વીદ્વદ્પ્રતીભા સાકાર ! નામ આપ્યું : “સીધ્ધહેમ-શબ્દાનુશાસન” ટુંકમાં ‘સીધ્ધહૈમ..’

ખબર પડી. રાજાએ ગ્રંથપુજન કર્યું.નગરે ઉત્સવ મનાવ્યો. રાજાના સૌથી પ્રીય ને શ્રેષ્ઠ હાથી શ્રીકરણ પર અંબાડી પરના રાજસીંહાસને ગ્રંથ,માથે છત્તર,બે બાજુ બે ચામરધારીણી ચામર ઢોળે ને ગાતાં-વાતાં સૌ પાછળ જતાં હોય-એવી શોભાયાત્રા કાઢી.આમ, આપણા કવી ‘શેષ’ ( રા.વી.પાઠક ) કહે છે તેમ :
                   ‘ હેમ પ્રદીપ પ્રગટાવી સરસ્વતીનો  
                    સાર્થક્ય કીધું નીજ નામનું સીધ્ધરાજે.’
આપણે મન આ ગ્રંથનું બહુ મોટું મહત્વ છે–એમાંના આઠમાં અધ્યાયમાં ત્યારના ગૌર્જર અપભ્રંશનાં જે લક્ષણો દર્શાવ્યાં છે એને કારણે.એ લક્ષણો દર્શાવતાં એમણે દૃષ્ટાંતો આપ્યાં છે તે ત્યારે લોકસ્મરણમાં તરતા રહેલા દુહાઓનાં ! આચાર્ય પોતે માત્ર પોથીપંડીત નહોતા; ખુલ્લે કાને ને તીવ્ર સ્મરણમંજુષાએ વીચરતા કવીજીવ હતા. ઉપરાંત એમના શીષ્યમંડળમાં એક રામચન્દ્ર કરીને હતા.તે મુળે ચારણ !એમના જેવાની સહાય પણ હોય. પણ પોતે સજીવ ને લોકજીવનના પારખુ તો એવા કે આ દુહાની જેમ ત્યારે લગ્નપ્રસંગે ગવાતાં કેટલાંક ફટાણાં પણ અન્ય એક ગ્રંથ (‘ત્રીષષ્ટી શલાકાપુરુષચરીત્ર’)માં આપ્યા છે.( એને અલગ લેખમાં સંક્ષપે જોઈશું.) હેમચન્દ્રે લખેલા ગ્રંથો  બે ડઝન ઉપર થવા જાય છે.ભાતભાતના વીષયો છે. વ્યાકરણો છે.કોશો છે (‘અભીધાન ચીંતામણી,દેશી નામમાલા’,’અનેકાર્થકોશ’);  વનસ્પતીવીષયક છે,સાહીત્ય-અલંકાર વીષે છે, છંદ વીષે છે, દર્શન છે, ઈતીહાસ છે (‘દ્વયાશ્રય’), ચરીત્ર છે (‘ત્રીષષ્ટી’), સ્તોત્રો છે, ન્યાય-નીતી-અધ્યાત્મ-શાસ્ત્ર…જાણે વીશ્વકોશ હરતો-ફરતો. રીલીજીયન ઍન એથીક્સ પરના એનસાઈક્લોપીડીયામાં પ્રોફેસર યાકૉબી સાશ્ચર્ય કહે છે :
              ” ..his..(is)encyclopaedic work…the enormous mass of varied
information…an inestimable mine for philological and  historical research.”
 ( vol-6;591)
વીવીધ વીષયોની માહીતીથી છલકાતો અણખુટ ખજાનો–તેમાંય ભાષા-શાસ્ત્ર અને ઈતીહાસના સંશોધકો માટે તો મોટું ક્ષેત્ર.એમના વીપુલ સાહીત્ય વીષે લખીએ તો એક લેખથી ન પતે.મોટો ગ્રંથ કરવો પડે ! ( એમનો આયુષ્યકાળ પં.બેચરદાસ પ્રમાણે ઈ.સ.1089થી 1173.) 

પણ એક મોટી ને આજે તો બહુ મહત્વની વાત :  
હેમાચાર્ય જૈનાચાર્ય ખરા પણ સાચા અર્થમાં ધર્માચાર્ય. રાજા કુમારપાળ પાસે સોમનાથનો જીર્ણોધ્ધાર કરાવ્યો,ને એના પ્રતીષ્ઠાપર્વે સંઘ લઈને સોમનાથ ગયા,ને એ શંકરના મંદીરમાં પોતાના રચેલા શીવસ્તોત્રથી પ્રાર્થના કરી. કહે છે :
                   ‘ યત્ર યત્ર સમયે યથા તથા
                    યો..સિ  સો..ન્યાભિધયા યયા તયા |
                    વીતદોષકલુષ : સ ચેદ્  ભવાન્
                                એક એવ ભગવાન્ ! નમોસ્તુ તે ॥’
( કોઈ પણ કાળે કોઈ પણ રીતે જે નામ હોય તે નામે ભલે હો ,
રાગદ્વૈષહીન-એક ચૈતન્યનીર્મળ તે જ તમે; તો હે પ્રભુ તમને નમું છું ! ) પાછું સ્પષ્ટ કરે છે : વીષ્ણુ હો,શીવ હો, જિન હો, બ્રહ્મા હો કે ગમે તે અમને અમારી મર્યાદાઓની પાર લઈ જનારને નમું છું.
                   ” બલબીજાંકુરજનના, રાગદ્યા: ક્ષયમુપાગતા યસ્ય |
                     બ્રહ્મા વા વિષ્ણુર્ વા હરો જિનો વા નમસ્તસ્મૈ ॥”  
( એમના અદ્ભુત દુહાઓ આવતા અંકે )

ગાથા થોડીક ગુર્જરીની.

                                   માધવ ગોર  અને જુગલકીશોર. 

(—ગુર્જરી પ્રસ્થાન બીંદુ.)

એણે જે મને પુછ્યું તે જ સામું મેં એને પુછ્યું કે,

‘મને કહે આજે જે દુહો હું બોલું તેને તું ઓળખ છ ?’

ને પછી મેં આ દુહો એને સંભળાવ્યો :

‘સા વી લોઉ તડફ્ફડઈ, વસપ્પણહઁ તણેણ,

વડપ્પણુ પુણુ પાવીજઈ હથ્થી મોક્કલડેણ.’

વૃષાંક : ‘આમાં તો કંઈ સમજણ નથી પડતી. આ તો કઈ ભાષા છે ? ઓળખાતી નથી.’

માધવ : ‘હવે તને પુછું : ‘તને આ દાઢી-મુછ ક્યારે આવ્યા ? ચોક્કસ સાલ કહે.’

‘એ તો ખબર કેમ પડે ?’

કેમ ખબર નૉ પડે ?’

‘એ તો રોજેરોજ-પળેપળ ફેરફાર શરીરમાં થતો જ હોય…ને જ્યારે એકદમ ફેર દેખાય ત્યારે ખબર પડે..’

‘હં…ત્યારે જો, હું યે તને નહોતો ઓળખી શક્યો! તેં આવીને મને એકદમ પુછ્યું: ‘દાદા,મને ઓળખ્યો ?…ને પછી ઓળખાણ આપી…પણ ક્યાંથી ઓળખું. તમે બધાં અમેરીકા ગયાં ત્યારે તું હશે દસ-બાર વર્ષનો; ને પછી આજ આવ્યો ત્યારે દાઢી-મુછ સાથેનો જુવાન !…હા..પણ પછી જે વાતો ચાલી એમાં તેં પુછ્યું કે આપણી આ ભાષા-ગુજરાતી-ગુર્જરી-ક્યારથી શરુ થઈ ?-ને મેં પેલો દુહો સંભળાવ્યો. લે/ ફરી સંભળાવું.જો, સાંભળ; ને અર્થ કહે.’ કહીને મેં પેલો દુહો ફરી સંભળાવ્યો.

પછી પુછ્યું :

‘કહે જોઈ શું અર્થ થાય ?’

‘આ તો….ગુજરાતી નથી જ…’

હું હસી પડ્યો ! કહ્યું :

‘દીકરા, આ ગુજરાતી જ છે ! હજારેક વરસ પહેલાંનું ગુજરાતી.’

‘હજારેક વરસ પહેલાંનું ?’

‘હા. કારણ કે હેમચન્દ્રાચાર્યે એમના ‘સીધ્ધહૈમ…’નામના વ્યાકરણમાં ….

‘ક્યું વ્યાકરણ ? શેનું વ્યાકરણ? ગુજરાતીનું ?’

‘ના.માત્ર ગુજરાતીનું નહીં. એ વ્યાકરણ આમ તો સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ત્રણે ભાષાનું છે. એના આઠમાં અધ્યાયમાં શૌરસેની અપભ્રંશની વાત છે.’

‘એમાં આપણે શું ?’

‘એ શૌરસેની અપભ્રંશ ત્યારે એવા ભાષા હતી જે દ્વારકાથી માંડીને છેક મથુરા ( શુરસેન રાજાના પ્રદેશ)સુધી બોલાતી હતી. ને એ ભાષાનું વ્યાકરણ આપતાં, ઉદાહરણોની જ્યાં જરુર પડે ત્યાં હેમાચાર્યે ગુજરાતના લોકોમાં બોલાતા દુહા ટાંક્યા છે…’

‘તમે, દાદા, એનું શું નામ કહ્યું ?’

‘આખું નામ તો છે ‘સિધ્ધહૈમ શબ્દાનુશાસનમ્’- પણ ટુંકમાં એ સિધ્ધહૈમ..’ કહેવાય છે.’

‘ ‘સિધ્ધ’ કેમ ?’

‘સરસ પ્રશ્ન. ત્યારે પાટણનો રાજા હતો સિધ્ધરાજ. એણે આ વ્યાકરણ તૈયાર કરાવ્યું ને પુરું થયે,હાથી પર મુકીને એની નગરમાં શોભાયાત્રા કાઢી-બહુમાન કર્યું. કોઈ ગ્રંથને આવો આદર ભાગ્યે જ મળ્યો છે-એ કાળે.’

‘એક રીતે આ લોકાર્પણ જ કહેવાય ને?’

‘હા.’

‘પણ આ હેમચન્દ્રાચાર્ય કોણ હતા ?’

‘એક જૈન મુની. બહુ મોટા વીદ્વાન.ભાષાશાસ્ત્રી.કવી.કથાકાર.તત્વવેત્તા.ગુજરાતના હતા,ધંધુકાના.એમણે ગુજરાતમાંના લોકપ્રચલીત દુહા ઘણા આપ્યા છે.’

‘બીજા થોડા સંભળાવશો ? પણ દાદા, એ પહેલાં પેલા દુહાનો તો અર્થ આપો.’

‘આપું.એનો અર્થ આવો થાય: સહુ યે લોકો મોટાઈ મેળવવા જાણે કે ઉપરતળે થાય છે–જાણે કે તરફડે છે !પણ મોટાઈ તો એને જ મળે છે જેનો હાથ મોકળો હોય છે.એટલે કે જે લેવામાં નહીં,આપી છુટવામાં રાજી હોય છે.જે દાની છે તે જ્ઞાની છે-મોટો છે.’ મેં પછી ઉમેર્યું : ‘જો,’સહુ’ શબ્દ આજે ય બોલાય છે (‘સર્વ’ના અર્થમાં);’લોઉ’ તે ‘લોક’પરથી શબ્દ થયો.’તરફડવું’,’વડપણ’જેવા શબ્દો આજે પણ ચલણમાં છે.’પણ’ને સ્થાને ‘પુણુ’ છે.’ને માટે’ને સ્થાને છે ‘વ્હઁ તણેંણ’

‘બીજા ય આવા દુહા હશે ? અને હેમચન્દ્રાચાર્ય વીશે વધુ..’

જરુર.પણ આજે આટલાથી ધરવ રાખ.’

એટલે, આપણી ભાષાના જો પાછલે પગે સગડ લઈએ તો…’

‘તો એ મધ્યકાળની પહેલાંના પ્રાચીન ગુજરાતના કાળમાં હેમચન્દ્રાચાર્યના વખતથી આરંભાયેલી જણાય.હજારેક વરસની ગણાય.’

‘શૌરસેની અપભ્રંશમાંથી ઉતરી આવી ?’

હા. ને જો. જગતમાં જે ભાષાને હજાર વરસનું સતત સાહીત્ય મળતું રહેલું હોય–એટલે કે જે ભાષા અખંડ-અસ્ખલીત હજાર વર્ષના સાતત્યવાળી હોય-એટલે કે જેના સૈકાવાર નમુના પણ મળતા હોય-એવી,દુનીયાની અપવાદરુપ ભાષામાંની એક આપણી ભાષા છે.ને હા, આપણી આ ‘ગુર્જરી ગિરા’નું પ્રસ્થાનબીન્દુ છે હેમાચાર્ય. એક સરસ કાવ્ય છે-ઉમાશંકરનું.જેમ રામાયણનો સાર એક જ શ્લોકમાં માત્ર ચાર પંક્તીમાં છે તેમ આપણી આ હજારવરસની ‘ગુર્જર ગિરા’ના સાહીત્યનો સાર દસ પંક્તીઓમાં અપાયો છે.ઉમાશંકરનું આ કાવ્ય,સાગરને ગાગરમાં ભરે છે.એનાથી આજની વાત પુરી કરું. :(અપુર્ણ)

ગુર્જરી  ગિરા

જે જન્મતાંઆશિષ હેમચન્દ્રની

પામી,વિરાગી જિન-સાધુઓ તણી

જેને તપસ્યા ગળથૂથીમાં મળી,

રસપ્રભા ભાલણથી લહી જે

નાચી અભંગે નરસિંહ-મીરાં –

અખા તણે નાદ ચડી ઉમંગે,

આયુષ્મતી લાડકી પ્રેમભટ્ટની,

દૃઢાયુ ગોવર્ધનથી બની જે,

અર્ચેલ કાંતે દલપત્તપુત્રે,

તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા

ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી.

        -ઉમાશંકર જોશી.

(વધુ રસપ્રદ ઈતીહાસ હવે પછીના હપ્તે ! -તંત્રી.)