છંદપાઠો : ૫ (યતિ–લઘુગુરુ)

NET-પિંગળ : (5)                                        


આ અંકમાં : યતિ / લઘુ-ગુરુ ચર્ચા / ઇન્દ્રવજ્રા-ઉપેન્દ્રવજ્રા-અનુષ્ટુપ.


(પિગળ-4માં બહુ ઉત્સાહ જોવા મળ્યો ! જે લોકો નવા જોડાયાં તેમણે તો પાછલા પાઠો પણ નોટમાં ઉતારી લીધા. કેટલાંકે તો શીખેલા છંદોમાં પંક્તિઓ રચવાની શરુઆત પણ કરી દીધી. આનંદની વાત એ છે કે એકાદ વાર ભૂલ થયા પછી છંદને સાવ શુદ્ધ સ્વરૂપે લખવામાં સૌએ ઘણી ઝડપ બતાવી છે ! છંદને ગાવાની વાત આગળ કરીને એવી પણ માંગણી આવી કે અમને ઓડિયો પર છંદ શીખવાડો ! છંદને ગાતાં શીખવાનું જરૂરી નથી પણ એનું બંધારણ આવડી જાય પછી તે જાતે જ ગાઈ શકાય છે. છતાં ભવિષ્યે એ પણ થાય તો નવાઈ નહીં.)

 

છંદોને ગાવાની વાતના અનુસંધાને એક બહુ જ મઝાની વાત આપણા આદરણીય વિદ્વાન રા.વિ.પાઠક સાહેબે કરી છે. (દલપતરામથી લઈને છેક આજ સુધીમાં એમના જેવું છંદનું ખેડાણ કોઈએ કર્યું નથી. એમનો વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ બૃહત્ પિંગલ  ગુજરાતીનું ઘરેણું છે.)

છંદની પંક્તિમાં વચ્ચે આવતી યતિ એ છંદનો અગત્યનો ભાગ છે. છંદબદ્ધ પંક્તિઓને ગાતી વખતે કે વાંચતી વખતે બે શબ્દો વચ્ચે ક્યાંક ખાલી જગ્યા કે અવકાશ રાખીને લંબાણ કરવામાં આવે છે. આ અવકાશએ જ યતિ છે. રા.વિ. પાઠક કહે છે :
એક વિશેષ તત્ત્વ પણ પિંગળે સ્વીકારવું જોઈએ. તે છે ધ્વનિશૂન્યકાલ’. ચિત્રકાર ચિત્ર રચનામાં જેમ અનેક રંગોનો ઉપયોગ કરે છે ને ચિત્રની ભૂમિકા-ભોંયના પણ રંગોનો ઉપયોગ કરે છે તે જ રીતે ધ્વનિશૂન્યતા પણ ધ્વનિની ભોંય છે. છંદના પઠનમાં વચ્ચે આવતો ધ્વનિશૂન્ય અવકાશ એ પણ છંદનો જ ભાગ છે. શ્લોકાર્ધે, શ્લોકાંતે વિરામ આવવો જ જોઈએ. એ વિરામ એ પણ શ્લોકનું ધ્વનિશૂન્ય અંગ છે. 

લઘુ-ગુરુ ચર્ચા. 

આગળ શરુઆતના પાઠોમાં જોયું તેમ, હ્રસ્વ ઉચ્ચારવાળા અક્ષરો લઘુ ગણાય છે જેની એક માત્રા ગણાય છે. ને દીર્ઘ ઉચ્ચારવાળા અક્ષરો ગુરુ ગણાય છે ને એની બે માત્રા ગણાય છે. કવિને વ્યાકરણની જે કેટલીક છૂટછાટ મળે છે તેમ છંદમાં પણ મળે છે. કવિ લઘુ અક્ષરને ગુરુ તરીકે અને ગુરુ અક્ષરને લઘુ તરીકે પ્રયોજે છે……પરંતુ યાદ રાખો કે પિંગળમાં લઘુ અક્ષરને ગુરુ બનાવીને લંબાવી શકાય છે પરંતુ ગુરુ અક્ષરને લઘુ બનાવીને ટુંકાવી શકાતો નથી. એનું કારણ શું છે તે જાણવું છે ?

જુઓ : ગુરુ અક્ષરની બે માત્રામાંથી એક માત્રા કરીને ટુંકાવનારું કોઈ તત્ત્વ જ નથી ! (સિવાય કે એ ગુરુ અક્ષરને ઝડપથી વાંચી કે ગાઈ નાખવામાં આવે.) પરંતુ લઘુ અક્ષરને ગુરુ બનાવીને લંબાવવા માટેની પરિસ્થિતિ એક નહીં પણ ત્રણ ત્રણ કારણોસર સર્જાતી હોય છે ! આ ત્રણ નિયમો એવા છે જ્યારે  લઘુ અક્ષરને ગુરુ બનાવીને લંબાવી શકાય છે :
1] : 
લઘુ અક્ષર પછી તરત જ જો જોડાક્ષર-સંયુક્તાક્ષર-આવે તો તેના થડકારાને લીધે જ આગળનો લઘુ પણ ગુરુ બની જાય છે. દા.ત. શક્તિનો શ લઘુ હોવા છતાં  ક્તિના થડકારને લીધે શ ને લંબાવવો પડે છે-એ ઝડપથી બોલી નંખાતો નથી-તેથી તે ગુરુ બની જાય છે.
2] : 
લઘુ અક્ષર ઉપર જો તીવ્ર અનુસ્વાર હોય તો પણ તે ગુરુ બની જાય છે. દા.ત.મુંઝવણશબ્દમાં મું ઉપરનો અનુસ્વાર પોચો-મૃદુ છે પણ મંદાક્રાંતાનો મં તીવ્ર છે. તેથી તે તીવ્ર અનુસ્વારને બે માત્રાનો ગુરુ ગણાય.
3] : 
ચરણાંતે કે શ્લોકાંતે (પંક્તિના છેલ્લા અક્ષર તરીકે) આવતો અક્ષર લઘુ હોય તો પણ એ આપોઆપ ગુરુ જ ગણાય છે. (એનું કારણ એ કે પંક્તિ કે ચરણ સમાપ્ત થાય એટલે બીજી પંક્તિમાં જતાં જતાં જે વાર લાગે એને કારણે છેલ્લો અક્ષર લંબાઈ જાય છે !) દા.ત. યાત્રા કાવ્યસંગ્રહમાંની પંક્તિઓ લઈએ :
ઉગેલી ઝાડીતે બિચ વિલસતું નિર્ઝર લઘુ
સમું લીલી સાડી મહીં ગુપત હૈયું  મધુરવુંમાં ઉપરની પંક્તિ (ચરણ)પાસે બે લીટીનો અર્ધો શ્લોક પુરો થાય છે એટલે પ્રથમ પંક્તિનો છેલ્લો અક્ષર શ્લોકાર્ધ ગણાય. ત્યાં એટલે કે અરધા શ્લોકને અંતે આવનાર અક્ષર ઘુ’  લઘુ છે છતાં એ પંક્તિની છેલ્લે આવ્યો તેથી આપોઆપ ગુરુ ગણાય. બીજો શ્લોક જોઈએ :
ધરી હૈયે, બે નો વિરચી ગરવો યોગ, કરુણા
ભર્યાં ભર્ગે  કેવાં ભવન કરિયાં વજ્રિલ ખડાં !
 આ શ્લોકને અર્ધે રસ્તે એટલે કે શ્લોકાર્ધે પંક્તિનો છેલ્લો અક્ષર કરુણાનો ણાગુરુ જ છે. એટલે એ તો ગુરુ જ ગણાય. પરંતુ “કરુણાભર્યાંએક શબ્દ છે તેને તોડીને બીજી પંક્તિમાં લઈ ગયા છે ! આમ એક જ શબ્દને તોડીને લંબાવવાની બાબતને શ્લોકાર્ધે યતિભંગ કર્યો ગણાય. પણ કવિને આવી બહુ છૂટ હોય છે ! એની ચર્ચા ક્યારેક કરીશું.


ઉપરનાં ત્રણ કારણોને લીધે લઘુ અક્ષર પણ ગુરુ બની શકે છેજ્યારે ગુરુ અક્ષરને લઘુ બનાવી શકાતો નથી; સિવાય કે ગાનારો એને જલદી ગાઈનાખીને ટુંકાવે.પણ આવા સમયે એ કાનને ગમતું નથી. (આપણા ગાયક-ભજનિક  હેમંતભાઈ લઘુ અક્ષરને લંબાવીને ગાય કે હિન્દીના કવિઓ મુશાયરામાં લઘુને ખૂબ લંબાવીને ગુરુ બનાવી દે છે ત્યારે તે કાનને રુચતું નથી. 

આજના વર્ગમાં નવા છંદો :

આજના મુખ્ય બે જ છંદો છેઉપજાતિ અને અનુષ્ટુપ. બંને બહુ જ મઝાના છંદો છે ને ટેવાઈ ગયા પછી તો ઉપજાતિમાં વાતચીત પણ કરી શકાય છે ! કવિ દલપતરામ આમ કરી શકતા. તમે વાતચીત તો નહીં પણ પંક્તિઓ તો રચતાં થઈ જ જવાનાં! (મારી શુભેચ્છા અત્યારે જ મોકલી દઉં છું-ટપાલનો ખર્ચ બચે !)

ઇન્દ્રવજ્રા :   અક્ષરો  11. ગણો :  ત-ત-જ+ગા-ગા  યતિ નથી.
                  ઉદાહરણ પંક્તિ : ” ઈલા સ્મરે છે અહીં એક વેળા,
આ ચોતરે આપણ બે  રમેલાં ! (ઈલા કાવ્યો )
યાદ રાખવાની પંક્તિ : તા તા જ/ ગા ગા ગ/ ણ ઇ ન્દ્ર/ વ-જ્રા
                  હોમવર્કની પંક્તિ : “કાવ્યો રચું કેવળ છંદમાં હું
ને છંદને કાવ્યમહીં પ્રયોજું.  

તમે સૌ પણ બનાવો.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ઉપેન્દ્રવજ્રા : અક્ષરો  11.  ગણો :  જ-ત-જ+ગા-ગા    યતિ નથી.
ઇન્દ્ર.અને ઉપેન્દ્ર વચ્ચે ફક્ત એક જ અક્ષરનો ફેર છે:પંક્તિનો પહેલો અક્ષર એકમાં ગુરુ છે ને બીજામાં લઘુ.
 
ઉદા. પંક્તિ : ” દયા હતી ના નહિ કોઇ શાસ્ત્ર
હતી  તહીં  કેવળ માણસાઈ.
 યાદ રાખવાની પંક્તિ :  ઉ/પે/ન્દ્ર/વ/જ્રા/જ/ત/જા/ગ/ગા/થી
                   હોમવર્ક પંક્તિ : પ્ હેલો ગુરુ  તો બસ ઇન્દ્રવજ્રા;
લઘુ પ્રયોજ્યાથી ઉપેન્દ્રવજ્રા !!  (હવે તમારો વારો !)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
અનુષ્ટુપ :  અક્ષરો  8. ચરણમાં પાંચમો અક્ષર લઘુ હોય અને છઠ્ઠો અક્ષર ગુરુ હોય જ એવો આગ્રહ કે રિવાજ છે.
આ છંદની અનેક વિશેષતાઓ છે :
1]
અક્ષરમેળ છંદ હોવા છતાં લઘુ-ગુરુનાં સ્થાનો નક્કી નથી.
2]
એક પંક્તિનું ચરણ કહેવાય; બે પંક્તિના યુગ્મને શ્લોકાર્ધ કહેવાય
ચાર પંક્તિના સમૂહને શ્લોક કહેવાય ( અનુષ્ટુપ અને બીજા બધામાં પણ આ લાગુ પડે છે.)
3]
પ્રથમ અને ત્રીજી પંક્તિમાં સાતમો અક્ષર ગુરુ અને બીજી-ચોથી પંક્તિઓમાં સાતમો અક્ષર લઘુ હોય તે ઈચ્છનીય ગણાય છે.
4]
આ છંદ અક્ષરમેળ હોવા છતાં એમાં ગણો નથી,કારણ,અક્ષરોનું
સ્થાન નક્કી નથી.
ઉદાહરણ પંક્તિ : ભગવદ્ ગીતાના લગભગ બધા જ શ્લોકો !
“ 
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ ?
બોલે,રહે, ફરે કેમ,મુનિ જે સ્થિર બુદ્ધિનો ?”
હોમવર્ક પંક્તિ : છંદોનો છંદ છે વ્હાલો, કવિઓનો અનુષ્ટુપ
સાહિત્યે,સંસ્કૃતે એની જોડના તો બધા  ચુપ !!
ખાસ હોમવર્ક : 1] ઇન્દ્ર.ના છેલ્લા બંને ગુરુની વચ્ચે એક લઘુ મૂકીને 12 અક્ષર થાય
તો એને ઇન્દ્રવંશા અને
2]
ઉપેન્દ્ર.ના છેલ્લા બંને ગુરુની વચ્ચે એક લઘુ મૂકીને વંશસ્થ બને !
3]
બંને નવા છંદ ઇન્દ્રવંશા-વંશસ્થનાં ઉદાહરણ સાથે સમજાવો            

– જુગલકીશોર                          

 

 

છંદના પાઠો : ૨ (‘ગણો’ અંગેની સમજ)

નેટ પીંગળ : ૨

મિત્રો !

છંદમાં ગણગણવાના છે ‘ગણો’ !

ગયા હપ્તે છંન્દોનું બંધારણ સમજવા માટે ગણોને જાણવા જરૂરી છેએમ કહ્યું તો ખરું પણ આ ગણ ખરેખર શું છે ? ભગવાન શંકરને ગણો હતા ! ભારતની એક વખતની રાજ્ય વ્યવસ્થામાં ગણરાજ્યો વિષે સાંભળ્યું છે પણ કવિતામાં ય ગણોને ગણવાના ?! ગણોની ગણના (ધ્યાન-સ્થાન અપાવું)કવિતા જેવી નાજુક બાબતમાં કરીને એની પાછી સંખ્યાની ય ગણના(ગણતરી) કરવાની ?! કવિતા જેવા મઝાના વિષયમાં આવું  ગણ ગણ કરતા રહેવું એ નકામો ગણગણાટ કરવા જેવી બાબત નથી શું ?

આજના સ્વચ્છંદતાની ઉપાસનાના સમયમાં, સ્વતંત્રતાને નામે ઘણી છૂટછાટો લેવાની પરંપરા પેસી ગઈ છે અને સૌ શોર્ટકટ શોધતાં ફરે છે ત્યારે છંદની માથાકૂટમાં પડવાનું  અવ્યવહારુ ન ગણાય ?

ના, જરાય નહીં ! ગણોની વ્યવસ્થા એક વાર સમજાઈ જાય અને એ વ્યવસ્થા મનમાં બંધબેસતી થઈ જાય પછી આપણી સર્જનપ્રક્રિયામાં એકાકાર થઈ જાય છે અને એનો કોઈ જ જાતનો ભાર રહેતો નથી ! પછી તો કવિતાનું સર્જન થવાના ભાગરૂપે જ છંદો ગોઠવાતા જાય છે. અહીં હું ફરી વાર ગણ શબ્દનો શ્લેષ કરીને કહીશ કે એક વાર છંદોનું બંધારણ મનમાં ગણગણતું થઈ જાય, રમતું થઈ જાય પછી એનો બોજ મન ઉપર કે સર્જનપ્રક્રિયા ઉપર થતો નથી, ને કવિતાના શબ્દો છંદના વહેણમાં જ વહેતા થઈ જાય છે. (છંદોની વાતમાં અક્ષરો અને માત્રાઓની વાત પણ ખૂબ મહત્ત્વની છે અને એને પણ સમજી લેવી જોઈએ પરંતુ એ વાત આપણે આગળ ઉપર જોઈશું.)

તો હવે જોઈએ આ ‘ગણ’ :

આપણે જોઈ ગયા કે છંદોમાં અક્ષરો અને માત્રાઓનું સ્થાન પણ મહત્ત્વનું હોય એટલું જ નહીં પણ ક્યા સ્થાન પર લઘુ અને ક્યા સ્થાન પર ગુરુ અક્ષર આવશે એ પણ ધ્યાનમાં લેવાનું હોય છે. ગણોને સમજવામાં પણ આ લઘુ-ગુરુનું સ્થાન મહત્ત્વ ધરાવે છે.

ગણો કુલ આઠ છે. દરેક ગણ ત્રણ અક્ષરોનો બનેલો હોય છે. અને દરેક ગણમાં લઘુ અને ગુરુ અક્ષરો નિશ્ચિત સ્થાન પર હોય છે, બલ્કે એમ કહેવું જોઈએ કે એ નક્કી થયેલા સ્થાનોને આધારે જ એ ‘ગણ’ ઓળખાય છે. આપણા ભાષાશાસ્ત્રીઓ પણ બહુ જબરા માણસો હતા ! તે લોકો જાણતા હતા કે ભવિષ્યમાં બધાને સમજાવવા માટે કંઈક ને કંઈક સહેલો રસ્તો બનાવવો જ પડશે. એટલે તેમણે આપણા માટે આ ગણોને સમજાવવા માટે એકદમ સહેલાં સૂત્રો બનાવી રાખ્યાં છે ! જુઓ આ સૌથી પહેલું જ સૂત્ર :

ય મા તા રા જ ભા ન સ લ ગાઆ સૂત્ર બધાંએ કંઠસ્થ કરી જ લેવાનું છે. આ સૂત્રની રચના જ્યારે સમજાય છે ત્યારે આપણા આ વિદ્વાનો વિષે બહુ જ માન ઉપજે છે ! કેવી અદ્ભુત રીતે એમણે આ સૂત્ર દ્વારા બધ્ધું જ ગોઠવી આપ્યું છે !!

ઉપરના સૂત્રને સમજતાં પહેલાં આપણે દરેક ગણમાંના અક્ષરોની ગોઠવણી સમજી લઈએ. કોઈ પણ ત્રણ અક્ષરોનો શબ્દ લો. જેમકે મગન/રખોડી/સૂરત/ખુરશી વગેરેતમે જોશો કે ત્રણેય અક્ષરો વારાફરતી લઘુ-ગુરુ ગમે ત્યાં આવી શકે છે. આ ગોઠવણ કુલ આઠ રીતે થઈ શકે, એનાથી વધુ એક પણ ગોઠવણ ન થાય !  ત્રણ અક્ષરોવાળો કોઈ શબ્દ આ સિવાયની બીજી રચનામાં ગોઠવાઈ શકે જ નહીં !

આ ગોઠવણી આઠ રીતે થાય : (ગા=ગુરુ અને લ=લઘુ)
1]
લ ગા ગા – (યશોદા)

2] ગા ગા ગા – (માતાજી)

3] ગા ગા લ – (તારાજ)

4] ગા લ ગા – (રાજભા

5] લ ગા લ – (જ કા ત)

6] ગા લ લ – (ભારત)

7] લ લ લ – (ન ય ન)

8] લ લ ગા – (સ વિ તા) 

હવે આ આઠેય ગણોના અક્ષરોને જે નામ કૌંસમાં આપ્યાં છે તે દરેક નામનો પ્રથમ અક્ષર લઈને લાઈન બનાવીશું તો શું લખાશે ? જુઓ : 

ય મા તા રા જ ભા ન સ !!

એક લઘુનો  લ અને  ગુરુનો ગા  એમાં ઉમેરી દ્યો એટલે થઈ ગયું :
ય મા તા રા જ ભા ન સ લ ગા  

વાત આટલેથી પૂરી થાય તો તો આપણા વિદ્વાનોને પોસાય નહીં ! આ વાક્યની સૌથી મોટી ખૂબી તો એ છે કે એની અંદર જ આખી રચના પણ આપોઆપ ગોઠવી દીધી છે !! કઈ રીતે ? જુઓ :
એ વાક્યના પ્રથમ ત્રણ અક્ષરો લો. તો થઈ જાશે, યમાતા. એટલે કે પહેલો ગણ

(યશોદા/લગાગા)! 

હવે પહેલો અક્ષ્રર છોડીને તરતના ત્રણ અક્ષ્રરો વાંચો : તો થશે માતારા. એટલે કે બીજો ગણ (માતાજી/ગાગાગા)! 

હવે પહેલા બંને અક્ષરો છોડીને પછીના ત્રણ અક્ષરો વાંચો : તો વંચાશે : તારાજ.

એટલે કે ત્રીજો ગણ (તારાજ/ગાગાલ)! 

આ રીતે એક એક અક્ષર છોડતા જઈશું તો બધા જ ગણોની ગોઠવણી આપોઆપ થઈ જશે. 

હવે આપણે મંદાક્રાંતા છંદની એક પંક્તિ લઈએ.એ પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો 

હવે દરેક ત્રણ ત્રણ અક્ષરોનાં જોડકાં બનાવીએ.જુઓ :  

એપંખી / નીઉપ / રપથ / રોફેંક /તાફેંકી /દીધો (છેલ્લે વધે તે બંને અક્ષ્રરો ગણમાં આવે નહીં એટલે એ બંને ગુરુ હોઈ, ગા ગા કહેવાના) 

 હવે યાદ કરો, પ્રથમ જોડકા એપંખીનું ગણનામ શું હતું ? ગાગાગા= ગણ/માતાજી.

બીજા જોડકા નીઉપનું ગણનામ ? ગાલલ=ગણ/ભારત !

ત્રીજા રપથ નું ? લલલ= ગણ/નયન.

રોફેંક જોડકાનું ગણનામ ? ગાગાલ=ગણ/તાતાર

તાફેંકી જોડકાનું ગણનામ ?(એનું પણ એ જ નામ)ગાગાલ=ગણ/તાતાર !

અને છેલ્લા બંને અક્ષરો દીધોગુરુ છે = ગા ગા.  

હવે બધા જ ગણોના અક્ષરોને લાઈનમાં ગોઠવી દો :

મ-ભ-ન-ત-ત-ગાગા.

આ થઈ ગયું મંદાક્રાંતાનું બંધારણ !! પરંતુ આપણા વિદ્વાનો દયાળુ પણ કેટલા હતા ? એમણે આપણને યાદ રાખવા માટે લીટી પણ તૈયાર કરી આપી : 

મંદાક્રાંતા,મભનતતગા,ગાગણોથી રચાયે. (વચ્ચે ચોથા-દસમા અક્ષર પછી અલ્પવિરામ મૂક્યું છે તેની ચર્ચા એના સમયે કરીશું.)

આપણે એ પણ સાબિત કરવું છે કે આ બધી માથાકૂટ લાગે છે એવી અઘરી તો નથી જ નથી. મારા પર વિશ્વાસ રાખજો, એને આપણે સહેલું બનાવીને જ ઝંપીશું. પણ એ માટેની પ્રથમ શરત એ છે કે તમે સૌ અભિપ્રાય અને ચર્ચા દ્વારા ધ્યાન દોરતાં રહો ! 

જુગલકિશોર.

 

 

છંદના પાઠો : ૩ (બે મહત્ત્વના છંદો મંદાક્રાંતા–શિખરિણી)

નેટપીંગળ : ૩

મંદાક્રાંતાની જેમ જ હવે એવો જ જાણીતો છંદ – શિખરિણી લઈએ :

રે પંખીની- ઉપર પથરો – ફેકતા ફેંકી દીધો..  (ગયા વખતની મંદાક્રાંતાની પંક્તિ) 

તમોને વીંધી ગૈ સનન, કરુણા – એ શું પ્રભુની ?  (યમાનાસાભાલા ગગણવરણોથી શિખરિણી)


(
આ વખતે એક ફેરફાર કર્યો છે : પંક્તિની વચ્ચે આડી લીટી આપી છે. આ આડી લીટી એ છંદની પંક્તિમાં વચ્ચે આવતી યતિ છે જેની વિગતવાર ચર્ચા હવે પછી યથાસમયે કરીશું. બીજી પંક્તિમાં ”સનનકરુણા-એ શું પ્રભુનીમાં અલ્પ વિરામ છે તે પણ યતિ છે પરંતુ તે યતિ છંદની યતિ નથી તે યાદ રહે.) 

બંને છંદોમાં સરખાપણું : મંદાક્રાંતા અને શિખરિણી બંને અક્ષરમેળ છંદો છે; બંનેના અક્ષરો 17 છે. બંનેમાં લઘુ અને ગુરુનાં સામટાં આવર્તનો જોવા મળે છે, જેમ કે  ઉપર પથ સળંગ પાંચ લઘુ અને સનન કરુ પાંચ લઘુ એક સાથે બંને છંદમાં આવે છે. એવી જ રીતે બંનેમાં આરંભે જ ચાર અને પાંચ ગુરુ અનુક્રમે આવે છે. યતિની  બાબતે પણ આ બંને છંદોમાં સરખાપણું છે : બંનેમાં બબ્બે આડી લીટીઓ છે જે બબ્બે યતિઓ બતાવે છે. 

હવે પાછા મૂળ વાત ઉપર આવી જઈએ. શિખરિણીની ઉપરની પંક્તિમાં પણ ત્રણ ત્રણ અક્ષરે જોડકાં બનાવી દઈએ:
તમોને / વીંધી ગૈ / સનન / કરુણા / એ શું પ્ર / ભુની
હવે છયે જોડકાંને ઓળખો : પ્રથમ જોડકું લગાગા છે. એટલે એ ગણનું નામ યશોદા- યગણ થયો.

એવી જ રીતે બીજું જોડકું  વીંધીગૈ = ગાગાગા=માતાજી= મગણ થયો;

ત્રીજું જોડકું સનન =લલલ=નયન=નગણ થયો;

કરુણા=લલગા=સવિતા=સગણ અને છેલ્લે એશુંપ્ર=ગાલલ=ભારત=ભગણ; છેલ્લા અક્ષરો લગા. 

હવે બધાં જ ગણ-જોડકાંના પ્રથમ અક્ષરો લો તો  અનુક્રમે થશે : યમનસભલગા.

હવે આ છંદ શિખરિણીને યાદ કરવાની તૈયાર આપેલી પંક્તિ યાદ રાખો : 

યમાનાસાભાલાગગણવરણોથી શિખરિણી.

ફરી વાર પ્રેક્ટીસ માટે આખી લીટીને ત્રણના જોડકામાં વહેંચો : યમાના /સાભાલા /ગગણ / વરણો /થીશિખ /રિણી. 

એટલે ફરી પાછો મંત્ર આવી ગયો ! : ય મ ન સ ભ લ ગા 

હવે આજે એક વાત કાયમ માટે યાદ રાખવાની કરી લઈએ :

કોઈ પણ અક્ષરમેળ છંદને યાદ રાખવા અને સમજવા માટે આટલું જોઈએ : 

(1) કુલ અક્ષરો;

(2) એનું ટુંકું બંધારણ;

(3) એની ઉદાહરણ પંક્તિ :

(4) એમાં આવતી યતિનું સ્થાન……બસ આટલું જ બસ ! 

હવે આમ જોવા જઈએ તો અક્ષરમેળ છંદોને શીખવાની પૂરી ચાવી આપી દીધી !

એ રીતે જોઈએ તો મંદાક્રાંતામાં 1-અક્ષરો 17… 2-બંધારણ, મભનતતગાગા, 3-ઉદાહરણ પંક્તિ, મંદાક્રાંતા-મભનતતગા-ગાગણોથી રચાયે.અને છેલ્લે યતિનું સ્થાન 4 અને 10 અક્ષરો પછી. 

તે જ રીતે શિખરિણીમાં જઈએ તો 1] અક્ષરો-17; 2] બંધારણ-યમનસભલગા; 3] ઉદાહરણ પંક્તિ-યમાનાસાભાલા-ગગણવરણોથી-શિખરિણી; 4] યતિસ્થાન-6 અને 13મી પંક્તિઓ પછી. 

આજે આટલું ! જોકે આજની વાત ટુંકમાં પરંતુ ઘણી બધી મહત્ત્વની બાબતો આપી જાય છે, કારણ કે આ ચાવી બધાને લાગુ પાડીને જાતે જ ઘણું બધું જાણી શકાય છે.

– જુગલકીશોર.

 

છંદના પાઠો : ૩ (બે મહત્ત્વના છંદો મંદાક્રાંતા–શિખરિણી)

નેટપીંગળ : ૩

મંદાક્રાંતાની જેમ જ હવે એવો જ જાણીતો છંદ – શિખરિણી લઈએ :

રે પંખીની- ઉપર પથરો – ફેકતા ફેંકી દીધો..  (ગયા વખતની મંદાક્રાંતાની પંક્તિ) 

તમોને વીંધી ગૈ સનન, કરુણા – એ શું પ્રભુની ?  (યમાનાસાભાલા ગગણવરણોથી શિખરિણી)


(
આ વખતે એક ફેરફાર કર્યો છે : પંક્તિની વચ્ચે આડી લીટી આપી છે. આ આડી લીટી એ છંદની પંક્તિમાં વચ્ચે આવતી યતિ છે જેની વિગતવાર ચર્ચા હવે પછી યથાસમયે કરીશું. બીજી પંક્તિમાં ”સનનકરુણા-એ શું પ્રભુનીમાં અલ્પ વિરામ છે તે પણ યતિ છે પરંતુ તે યતિ છંદની યતિ નથી તે યાદ રહે.) 

બંને છંદોમાં સરખાપણું : મંદાક્રાંતા અને શિખરિણી બંને અક્ષરમેળ છંદો છે; બંનેના અક્ષરો 17 છે. બંનેમાં લઘુ અને ગુરુનાં સામટાં આવર્તનો જોવા મળે છે, જેમ કે  ઉપર પથ સળંગ પાંચ લઘુ અને સનન કરુ પાંચ લઘુ એક સાથે બંને છંદમાં આવે છે. એવી જ રીતે બંનેમાં આરંભે જ ચાર અને પાંચ ગુરુ અનુક્રમે આવે છે. યતિની  બાબતે પણ આ બંને છંદોમાં સરખાપણું છે : બંનેમાં બબ્બે આડી લીટીઓ છે જે બબ્બે યતિઓ બતાવે છે. 

હવે પાછા મૂળ વાત ઉપર આવી જઈએ. શિખરિણીની ઉપરની પંક્તિમાં પણ ત્રણ ત્રણ અક્ષરે જોડકાં બનાવી દઈએ:
તમોને / વીંધી ગૈ / સનન / કરુણા / એ શું પ્ર / ભુની
હવે છયે જોડકાંને ઓળખો : પ્રથમ જોડકું લગાગા છે. એટલે એ ગણનું નામ યશોદા- યગણ થયો.

એવી જ રીતે બીજું જોડકું  વીંધીગૈ = ગાગાગા=માતાજી= મગણ થયો;

ત્રીજું જોડકું સનન =લલલ=નયન=નગણ થયો;

કરુણા=લલગા=સવિતા=સગણ અને છેલ્લે એશુંપ્ર=ગાલલ=ભારત=ભગણ; છેલ્લા અક્ષરો લગા. 

હવે બધાં જ ગણ-જોડકાંના પ્રથમ અક્ષરો લો તો  અનુક્રમે થશે : યમનસભલગા.

હવે આ છંદ શિખરિણીને યાદ કરવાની તૈયાર આપેલી પંક્તિ યાદ રાખો : 

યમાનાસાભાલાગગણવરણોથી શિખરિણી.

ફરી વાર પ્રેક્ટીસ માટે આખી લીટીને ત્રણના જોડકામાં વહેંચો : યમાના /સાભાલા /ગગણ / વરણો /થીશિખ /રિણી. 

એટલે ફરી પાછો મંત્ર આવી ગયો ! : ય મ ન સ ભ લ ગા 

હવે આજે એક વાત કાયમ માટે યાદ રાખવાની કરી લઈએ :

કોઈ પણ અક્ષરમેળ છંદને યાદ રાખવા અને સમજવા માટે આટલું જોઈએ : 

(1) કુલ અક્ષરો;

(2) એનું ટુંકું બંધારણ;

(3) એની ઉદાહરણ પંક્તિ :

(4) એમાં આવતી યતિનું સ્થાન……બસ આટલું જ બસ ! 

હવે આમ જોવા જઈએ તો અક્ષરમેળ છંદોને શીખવાની પૂરી ચાવી આપી દીધી !

એ રીતે જોઈએ તો મંદાક્રાંતામાં 1-અક્ષરો 17… 2-બંધારણ, મભનતતગાગા, 3-ઉદાહરણ પંક્તિ, મંદાક્રાંતા-મભનતતગા-ગાગણોથી રચાયે.અને છેલ્લે યતિનું સ્થાન 4 અને 10 અક્ષરો પછી. 

તે જ રીતે શિખરિણીમાં જઈએ તો 1] અક્ષરો-17; 2] બંધારણ-યમનસભલગા; 3] ઉદાહરણ પંક્તિ-યમાનાસાભાલા-ગગણવરણોથી-શિખરિણી; 4] યતિસ્થાન-6 અને 13મી પંક્તિઓ પછી. 

આજે આટલું ! જોકે આજની વાત ટુંકમાં પરંતુ ઘણી બધી મહત્ત્વની બાબતો આપી જાય છે, કારણ કે આ ચાવી બધાને લાગુ પાડીને જાતે જ ઘણું બધું જાણી શકાય છે.

– જુગલકીશોર.

 

છંદપાઠો : ૪ (યતિ અંગે વધુ)

નેટપીંગળ :

ગયે વખતે આપણે બે ખૂબ જાણીતા છંદો જોયા. એ વખતે એક વાતનો ઉલ્લેખ થયો હતો, યતિ અંગેનો..

યતિ એટલે એક પ્રકારનું અટકવું. પંક્તિ ગાઈ શકાતી હોય ત્યારે ગાતાં ગાતાં વચ્ચે અટકવાનું આવે. આ અટકવાનું એટલે અલ્પવિરામ, અર્ધવિરામ વગેરે વિરામચિહ્નોની જેમ અટકવાનું નથી. પરંતુ મંદાક્રાંતાની પંક્તિ બોલીએ ત્યારે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ વચ્ચે અટકવાનું આવે છે,  એક નહીં પણ બે વાર : ‘રે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો.’માં ચાર અક્ષરો પછી અને દસમા અક્ષર પછી સહેજ અટકવાનું થાય છે. શિખરિણીમાં ‘તને મેં ઝંખી છે સતત સહરાની તરસથી’ (ઉપરનો અરધો ખંડ ઉડાડી દીધો છે).માં છઠ્ઠા અક્ષર પછી અટકવાનું અને દસમાં અક્ષર પછી પણ સહેજ અટકવાનું આવે છે. આ બધી યતિઓ છે. (શિખ.ની દસમા અક્ષરની કોમળ યતિ ગણાય છે.)
એક સાથે ચાર કે વધુ લઘુ કે ગુરુ અક્ષરોના ખંડો પડે ત્યારે યતિ આવતી હોય છે. યતિની પહેલાંનો અક્ષર હંમેશાં ગુરુ હોય છે કારણ કે તેને લંબાવવાનો હોય છે. યતિ જ્યાં આવે ત્યાં શબ્દ પૂરો થવાને બદલે શબ્દની વચ્ચે યતિ આવી જાય તો એને યતિભંગ થયો ગણાય છે.(બ.ક.ઠા. તો યતિભંગને દોષ ગણવાને બદલે યતિસ્વાતંત્ર્ય ગણે છે.) યતિની જેમ જ શ્રુતિભંગ, શ્લોકભંગ પણ થતા હોય છે પણ એ બધામાં આપણે અહીં નહીં પડીએ; આપણે તો હજી પંક્તિ જ શરુ કરવાની છે ત્યાં ભંગની વાતની ચિંતા શા માટે ?! (શિક્ષકના હાડકાંનો ભંગ વિદ્યાર્થીઓ કરી નાખે તો !)

અર્થગત યતિ : છંદનો સીધો ભાગ ન હોય એવી પણ એક યતિ છે; અર્થગત યતિ. કવિ પંક્તિમાં જે ભાવ કે વિચાર મૂકે છે તેમાં અર્થને જાળવવા (ગદ્યની જેમ જ) વિરામચિહ્નો મૂકે છે. અહીં આપણે અર્થને જાળવવા અટકવાનું હોય છે. આ અટકવાને છંદની યતિ નહીં કહેવાય.આપણે એમાં પણ નહીં ‘પડીએ’ ! (પડવાથી પણ ભંગ થાય છે-અસ્થિભંગ-!)

કેટલાક જાણીતા છંદો :


વસંતતિલકા : અક્ષરો-14. યતિ નથી.
બંધારણ : ત-ભ-જ-જ+ગા-ગા…….તગણ/ભગણ/જગણ/જગણ/+ ગા, ગા.
“લેખો વસંતતિલકા તભજાજગાગા” એને ત્રણ ત્રણ અક્ષરોમાં છોડો : લેખોવ/સંતતિ/લકાત/ભજાજ/ + ગાગા.
ઉદાહરણ : “તારે ન રૂપ નહિ રંગ સુગંધ, કૈં ના
તારે વસંત પણ ના, બસ અંગ ઓઢી…”

આ છંદ અયતિક છે પણ અર્થગત યતિઓ છે, જોઈ ?

 હું એક જાતે પંક્તિ બનાવી મૂકું છું; સૌ પણ બનાવીને કોમેન્ટમા મૂકે. આ છંદને સમજવો નથી કાંઈ સ્ હેલો.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– 

શાર્દૂલ વિક્રીડિત : અક્ષરો – 19.  યતિ એક જ બાર અક્ષરો પછી. બંધારણ : મ-સ-જ-સ-ત-ત+ગા

“ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં.”

એને છોડો ;  ઉગેછે/સુરખી/ભરીર/વિમૃદુ/હેમંત/નોપૂર્વ/માં.

જાતે બનાવેલી મારી પંક્તિ : લાગે છે અહિ માસજાસતતગા શાર્દૂલવિક્રીડિતે

હવે તમે સૌ પણ બનાવીને મૂકો.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

પૃથ્વી : અક્ષર- 17. યતિ નથી. (અગેય અને પ્રમાણમાં અઘરો છંદ.)
બંધારણ : જ-સ-જ-સ-ય+લ,ગા. ”

જસૌ જસયલાગ આ નિયત વર્ણ પૃથ્વી મહીં.”  એને તમે જાતે છોડો.

ઉદાહરણ ” ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા !” (આ જાણીતી પંક્તિમાં કવિએ ક્યાં છૂટ લીધી છે ? કહો.)

” પ્રિયે ! કવિત સુંદરી ! નિકટ અંતરંગે રહે.”

મારી પંક્તિ: જુઓ, કવિત આજથી શરુ કરું છું પૃથ્વી મહીં.

તમે પણ બનાવીને મૂકો.

ખાસ નોંધ : છંદનું બાહ્ય કલેવર મહેનતથી સિદ્ધ થઈ શકે પરંતુ આંતરતત્વ (કાવ્યત્વ) પ્રગટતાં વાર લાગે. અત્યારે તો છંદ શીખવા માટે મારીમચડીને પંક્તિઓ બનાવીએ, એમાં ગદ્યાળુપણું જ રહેવાનું. ભલે રહે. એમ જ ટેવાતાં જશું. પછી તો કવિતાસર્જન જ છંદના ઢાળામાં વહેશે.

 “છંદો પી લે, ઉરઝરણ વ્હેશે પછી આપમેળે !!!” (ઉ.જોશીની ક્ષમાયાચના સાથે !)


સૌને શુભેચ્છા સાથે, ઈતિ ચતુર્થોધ્યાય !

– જુગલકીશોર.