ઇ–ઊ–ઋ–ષ–કૃ–હૃ–દૃ–ન્–મ્ વગેરેની વાત.

ઉપર યાદી આપી છે તે સૌને અમે કેટલાક લોકો માથાનો દુખાવો ગણીએ છીએ.

ઇ,ઈ,ઉ,ઊ આ ચાર સ્વરોમાંથી કોઈ પણ એક સ્વર જે શબ્દોમાં હોય તેવા લગભગ ૪૬ % શબ્દો કોશમાં છે !! સાવ સાચી ને ભાષાવીજ્ઞાનીઓએ મોટા ભાગે સ્વીકારેલી વાત એ છે કે આ ઉચ્ચારભેદો હવે રહ્યા જ નથી ને છતાં તે ચારને કારણે જ ભુલો પડે છે. (ગોળ અને ગૉળ બન્નેના ઉચ્ચારો જુદા પડતા હોવા છતાં ગુજરાતી કોશ તેને માટેનું ચીહ્ન – ૅ – વાપરવાની મનાઈ ફરમાવે છે !! જ્યારે અંગ્રેજીના શબ્દો ગુજરાતીમાં લખતી વખતે જોપહોળા ઉચ્ચારો બતાવતા હોય તો ઉંધો માત્ર ૅ  “મૅનેજમૅન્ટ” કરવાનું ફરજીયાત કરે છે !!! જો ઈ–ઇ તથા ઉ–ઊના ઉચ્ચારભેદ રહ્યા જ ન હોય તે છતાં તેનાં ચીહ્નો રાખવાનાં અને ગોળ–ગૉળના ઉચ્ચારોમાં તેની મનાઈ કેમ ?) આ ચારને બદલે બે જ ચીહ્નો કરવામાં આવે તો ૪૬ % ભુલો થાય જ નહીં ! (આમેય તે હવે આ પ્રકારની ભુલોના માર્ક્સ કાપવાનું બંધ થયું છે કે, થવામાં જ છે ! તપાસવાવાળા જ ભુલો કરતા હોય પછી કોનો વાંક કાઢે ?)

ઋ, ષ આ બન્નેને જાકારો આપવાની વાત હતી જ પણ ઉંઝાવાળા (સારું થયું કે નહીં ?!) ઉંઘી ગયા ! એટલે આ બન્ને તો આંદોલનમાંથી બચી ગયા…બચાડાં રસ્વૈ, દીર્ઘૈ જેવા એકલા કુટાઈ ગયા.

કૃ અને દૃથી શરુ થતા શબ્દો શબ્દકોશમાં ક્યાં શોધવા તેની ઘણાને હજી પણ ખબર નથી !! પ્રયત્ન કરી જોજો. કોઈ હવે કૃષ્ણ કહેતું નથી, ક્રશ્ણ કે ક્રશ્ન જ બોલાય છે. દૃષ્ટી પણ કોઈ બોલતું નથી (કારણ કે ખબર જ નથી) પણ દ્રષ્ટી જ સૌ બોલે છે. હૃદય હવે હ્રદય તરીકે જ બોલાય છે…તેથી આ ત્રેયને હીંમત કરીને કાઢવાની જરુર છે….

તો વળી જોડણીની ભુલો (જો માર્ક્સ કપાતા હોય તો)નો બહુ મોટો હીસ્સો હજી આજેય સતાવતો હોય તો આ અનુસ્વારો/અનુનાસીકોના કમઠાણને કારણે. કાન્ત અને કાંતવુંમાં જે ભેદ છે તેની પરવા કરવાની તસ્દી કોઈ લેતું નથી. એટલે માથે મીંડું કરી દેવાનું ચલણ ચાલુ થઈ જ ગયું છે ને એનો વાંધો કોઈ લેતું હોય તેવું જણાતું નથી. આમેય તે પ્રથમ ત્રણ કંઠ્ય  ; તાલવ્ય તથા મુર્ધન્ય ણ્ નો ઉપયોગ હવે થતો નથી.

ટુંકમાં મારા જેવા ભાષાના વીદ્યાર્થીને આ ત્રાસની સામે થવું ગમતું હોય તો એણે આ બધાં કમઠાણોને આરામ આપવો જોઈએ….છેલ્લાં સાતેક વરસથી ઇ તથા ઊને મેં નેટગુર્જરી ઉપરથી તગેડી મુક્યાં છે. એનું નુકસાન મને વ્યક્તીગત રીતે થયું હશે, પણ તેનો વાંધો નહીં માનીને ચલાવ્યું હતું…..

પરંતુ જે લોકોને સાર્થ જોડણીકોશ મુજબ જ સાચું ગુજરાતી લખવું હતું તેમને માટે મેં મારી શક્તી ને સમજણ મુજબ સાર્થમાં જ ઘણા બધા પાઠો લખ્યા. હજી આજે પણ મારા તે પાઠો ટૉપ ઉપર છે…

એટલેથી સંતોષ ન થતાં “વેબગુર્જરી” દ્વારા એક આદર્શ સ્થાપવા માટે પણ પ્રયત્ન ચાલુ જ છે. હું મારી શક્તી હશે ત્યાં સુધી આ કામ કરીશ જ પણ જે મારું પોતાનું છે તે નેટગુર્જરી પરનું બધું તો ઉપરનાં બધાં જ કમઠાણો વગરનું કરવા ધારું છું……

કોઈ વાંચે–ન–વાંચે તે સૌની સ્વતંત્રતાની વાત હોઈ સૌને વંદન !!

– જુગલકીશોર.

Advertisements

જોડણી…અહો વૈચિત્ર્યમ્ !!

                                                 – જુગલકીશોર.

એક સમય હતો જ્યારે નેટ પર જોડણી અંગે કશી ચર્ચા નહોતી.

પછી ઉંઝાના નામે નવો ચીલો પાડનારાઓએ વાતાવરણ કેટલેક અંશે ડહોળ્યું. આ લખનાર પણ એમાંનો જ એક જણ હતો (ને હજી પણ છે). જોડણીનું શાસ્ત્ર જાણનારા ને ન જાણનારા સૌકોઈને આ ઉહાપોહ ન ગમ્યો….ન જ ગમે, સહજ છે. સદીઓથી સ્થાપીત થઈ ચુકેલી પ્રથા (હા, પ્રથા – શાસ્ત્ર નહીં) અધકચરી હોય તો પણ સૌકોઈ એનાથી ટેવાયેલાં હોય ત્યારે એનાથી જુદું થાય તે ન જ ગમે. ૧૯૨૯માં પહેલી વાર કહેવાતી માન્યતા ધરાવતો જોડણીકોશ ગાંધીજીના આદેશાનુસાર બહાર પડ્યો. આ પ્રસંગ ગુજરાતી માટે બહુ મહત્ત્વનો હતો. પહેલી વાર ભાષામાં એક શીસ્ત આવી રહી હતી. ગાંધીજીએ તો એટલે સુધી કહ્યું કે, જેમને ભાષાનો પ્રેમ હોય એવા ધનિક લોકોએ પોતાના પ્રત્યેક મહેતાને આ કોશ આપી તેને અનુસરીને પોતાનું ગૂજરાતી લખાણમાત્ર કરવાની ભલામણ ઘટે છે. એટલે કે નામું લખનાર પણ જોડણી અંગે કાળજી રાખે !

કોશીયો સમજી શકે તેવું સાહીત્ય સર્જવાની અપીલ કરનાર મહાત્મા આવું કહે તે સ્વાભાવીક જ છે. પણ જોડણીની કાળજી નામાના લખનારે તો ન જ રાખી પણ સાહીત્યકારો, પ્રકાશકો ને કોશવાળા( કુવાનો કોસ ચલાવનારા નહીં પણ જોડણીનો કોસ ખેંચનારા)એ પણ ન રાખી !! (એનાં કારણો તો હવે બધાં જ જાણે છે.)

જોડણીકોશના રચનારાઓમાં કાકાસાહેબ જેવાએ તો કહ્યું કે કોશમાં ફેરફારો થતાં રહેવા જોઈએ. ગાંધીજીએ પણ કે.કા.શાસ્ત્રીજીને કહેલું કે આ અંગેના સુધારાઓ માટેનાં દ્વાર બંધ થયાં નથી. પણ કાકાસાહેબ પછી એ પ્રકારનું કહેવાયું કે જોડણીમાં ફેરફારો હોય નહીં…..

ને પછી તો જોડણી જ નહીં પણ ભાષા અને સાહીત્યનો કબજો પંડિતો પાસે જતો રહ્યો. ગુજરાતીભાષાએ વીરામચીહ્નો ઉપરાંતનું ઘણું બધું નવું એટલી હદે સ્વીકારીને અપનાવી લીધું કે આજે કોઈ માને પણ નહીં કે વીરામચીહ્નો સંસ્કૃતમાંથી આવેલાં નથી !! એટલું જ નહીં પણ સંસ્કૃતનુંય એવું કેટલું…ય ગુજરાતીમાંથી સાવ નીકળી ગયું !! કોઈને ખ્યાલ રહ્યો નહીં કે ગુજરાતીએ બહારનું ઘણું અપનાવ્યું છે ને સંસ્કૃતનું ઘણુંબધું છોડી પણ દીધું છે. પણ પંડિતો આજે બારણાં જડબેસલાક ભીડીને બેઠાં છે. (હજી આજે પણ તેઓની સ્થુળતા હયાત છે).

મને, ભાષાના વીદ્યાર્થી તરીકે, નેટ ઉપર આવીને આ અંગે કશુંક કામ કરવાનું ઝનુન ચડેલું. (હજીય જોકે ઉતર્યું નથી.) મને થયું કે લાવ જરા આપણી જાણકારીનાં પ્રદર્શનો કરીએ !

ને કર્યાં.

પણ આજે સાત સાત વરસોનાં વહાણાં વાઈ ગયાં તોય બધું જેમનું તેમ છે. જોડણી અંગે હપતા ઉપર હપતા ભરીભરીને લેખો લખ્યા; લોકોની જોડણી સુધારી આપી; સાર્થકોશ મુજબના જોડણીના નીયમોય સહેલા કરીને સમજાવ્યા; જોડણી સાચી લખવા માટેના નુસખા પણ બતાવ્યા…..પણ કોઈ જ ફેરફાર દેખાયો નહીં. અમારા સાથીદારોય ખસીને સંતાઈ ગયા….જોડણીની ચર્ચાઓય લગભગ શમી ગઈ.

ત્યાર પછીના અનુભવો થોડા વીચીત્ર હતા. (એટલે જ તો આ લેખનું શીર્ષક આવું રાખ્યું છે !)

જે લોકો સાર્થજોડણીકોશના ચુસ્ત અનુયાયી હતા તેઓ (ને એ જ કારણે મારા જેવાનો તીવ્ર વીરોધ કરનારા ને કેટલાક તો હળવી ને છતાં ન પચે તેવી શબ્દાવલી પીરસનારા !) માંના કેટલાકે પ્રામાણીકપણે પોતાની જોડણી સુધારવા ખુબ મહેનત કરીને તેમાં સફળતા મેળવી. (તેઓને મારાં અભીનંદન અને વંદન.) કેટલાક બ્લૉગો ઉપર શુદ્ધ જોડણીના આગ્રહો રખાયા ને મહદ્ અંશે પળાયા. નેટ ઉપર ભાષાશુદ્ધી અંગે સાચ્ચે જ જાગૃતી આવી.

પરંતુ કેટલાક ચુસ્ત ‘સાર્થી’ લોકોએ – ઉંઝાનો વીરોધ ઓછો કર્યો કે નહીં તે ખબર નથી પણ – સાર્થકોશ મુજબની જોડણી તો ન જ અપનાવી તે ન જ અપનાવી !! એમનાં લખાણો વાંચીને દુ:ખ લગાડવું કે હસવું તે હજી સમજાતું નથી.

એક બાજુ મારા જેવાનો વીરોધ કરનારા મીત્રો જાણેઅજાણે સાર્થને કચરાપેટીમાં નાખી રહ્યા છે તો બીજી બાજુ મારા જેવો ચુસ્ત ઉંઝાનુરાગી સાર્થ જોડણીકોશ મુજબ સૌને સાચી (?) સાર્થી જોડણી શીખવાડી રહ્યો છે !! છે ને વૈચીત્ર્યમ્ !!

ભાષા બાબતની આ વાત એટલે સુધી મને ડંખી ગઈ હતી/છે કે મેં મારો નેટગુર્જરીનો ચુસ્ત ઉંઝાનુરાગી બ્લૉગ પાછળ રાખીને વેબગુર્જરી જેવી વૈશ્વીક કક્ષાની સાઈટ શરૂ કરવામાં સહકાર આપ્યો. એ બહાનેય જો સાચી ભાષા લખાતી વંચાતી થતી હોય તો !!

વેબગુર્જરી અને નેટગુર્જરી બન્ને સામસામી દીશાના લાગે તેવા બે બ્લૉગ પર સવારી કરતાં કરતાં આજે આટલું વૈચીત્ર્યમ્ અનુભવતાં રહીને હજી પણ એક જ સાદ અંદરથી ઉગે છે કે, મારા જેવાના પ્રયત્નો ભલે વાંઝણા રહો પણ ગુજરાતી ભાષાની શુદ્ધીની ઝુંબેશ–જ્યોત હંમેશાં જલતી રહો ! સૌ ભાષાપ્રેમીઓને વેબગુર્જરીનો માર્ગ મુબારક;

ને મને, મારો નેટગુર્જરીયો માર્ગ (મારા પુરતો) મુબારક.

પ્રીન્ટ મીડીયા, નેટ મીડીયા અને –

– જુગલકીશોર.

મોબાઈલ, નેટલખાણો ને સમયના તકાજાને કારણે તો ખરું જ પણ પર્યાવરણના નામે પણ છપાતું સાહીત્ય હવે પછી નેટ પર જ વધુ લખાશે ને સચવાશે. સંસ્કૃત સાહીત્ય ભોજપત્રો પર સચવાયું હતું છતાં વેદોને મુખપાઠ દ્વારા કંઠસ્થ કરવાનું અનીવાર્ય હતું કારણ કે લખેલું નાશ પામી શકે છે.
વૃક્ષોને બચાવવાના કારસાની સાથે સાથે આવી રહેલી નેટસગવડો પણ અ–નીવાર્યપણે હાથવગી ને કાયદેસર થતી જશે. તેવે સમયે સંક્ષીપ્તાક્ષરો, કોડવર્ડઝ વગેરે વપરાશમાં રહેશે. પરીક્ષાનાં પેપરો પણ કદાચ અનીવાર્ય નહીં રહે….કારણ કે પરીક્ષાનો ઢાંચો જ બદલાયો હશે. નેટ પર હવે ટ્યુશનો અપાય છે તેમ શાળા–કૉલેજોના ક્લાસીસ પણ આકાશી બની રહેશે.
ઉચ્ચારાયેલા શબ્દોથી જ સીધું ટાઈપકામ થઈ શકે છે તેથી આવતા સમયમાં ધ્વની પણ ભાષાને દોરનારો બની રહેશે. (સાંભળો શ્રી કનુભાઈ જાનીના અહીં ઉચ્ચારાયેલા શબ્દો : http://webcache.googleusercontent.com/search?q=cache:http://webgurjari.in/sakshar-goshthi/kanubhai-jani/) ઉચ્ચારોના આધારે ફોન્ટસ ગોઠવાતા હશે ! જોડણી ઉચ્ચારાધીન બની જશે ! કોડવર્ડરુપાં લખાણો જોડણીને ગળી જશે. વાક્યરચનાઓ કોડવર્ડી શબ્દોના સહારે/કારણે નવું વ્યાકરણ ખેંચી લાવશે. અને –
સૌથી મહત્તવની ને મજાની વાત તો એ હશે કે, એક વીશ્વભાષા જન્મી ચુકી હશે જે – વીશ્વ જ એક વીશાળ શહેર બની જઈ રહ્યું છે ત્યારે – સૌને માટે સમાન વ્યવહાર માટે અનીવાર્ય બની ચુકી હશે. નવું વ્યાકરણ કોડવર્ડઝ આધારીત હશે ને લખાણો – ભુલ્યો, કીબોર્ડાક્ષરો – આકાશસ્થ હશે જેને સાંભળવા–વાંચવા–જવાબવા માટેની નવી રીતો હશે !…………………………..
જવા દો ! સ્વપ્ન લાંબું નથી ખેંચવું.
આવનારા સમયને ધ્યાને રાખીને સાવ મફતમાં મળેલા આ લખી–વ્યવહારનો મનફાવન ઉપયોગ અટકાવી શકાનાર ન હોઈ ગાંધીજીને પણ, બીજે બધ્ધે ભુલી જવાયા છે તેમ ભાષા પરત્વે પણ ભુલી જઈએ.
ખેતરે કોસ ચલાવનાર  “કોશીયો” હોય કે (શબ્દ)કોશ ચલાવનારો “કોશીયો” હોય, ભાષા માટેની ચીંતા લગભગ ક્યાંય નથી તો પછી ખેતરેથી ‘કોસ’ જેમ હજાર કોસ દુર થઈ ગયો તેમ (શબ્દ)કોશ પણ હજાર કોસ દુર થઈ જવા દો !! (ભાષાક્ષેત્રના નાનકડા ગાંધી સમા રતિકાકાના ત્રણ ત્રણ કોશો આંગળીના ટેરવે હોવા છતાં એનો લાભ ક્યાં પુરો લેવાય છે ?) શબ્દકોશની આમેય નવી આવૃત્તી તો થતી જ નથી…..કદાચ પ્રગટ થશે તોય તેમાં બતાવાયેલા નીયમો પળાવવાવાળું કોઈ નહીં હોય તો પછી કોશી પણ ન સમજી શકે તેવો શબ્દકોશ હોય તોય શું…..ન હોય તોય શું ?
સું કીયો છ ?!
 

ભાષા : સરળતા, શાસ્ત્રીયતા, અરાજકતા, મનસ્વીતા ? કે….

–    જુગલકીશોર. 
માતૃભાષાની વાત આવે ત્યારે આપણને એક વીશેષ પ્રકારના પ્રેમનો અનુભવ થાય છે. એમાંય માતાભાષાના નાભીશ્વાસની વાત આવે ત્યારે આપણે લાગણીશીલ બની જઈએ છીએ. માતૃભાષાના પ્રચાર અને પ્રસાર માટેની આપણી ધગશ જાગી ઊઠે છે અને એના વીશે કોઈ ઘસાતું બોલે ત્યારે થોડોક ઉશ્કેરાટ પણ અનુભવાય છે !
 ગુજરાતી ભાષાના માધ્યમથી જ આપણે સૌ, વીશ્વને ખુણે ખુણે રહીને પણ, ગજબની એકતાનો અનુભવ કરતાં હોઈએ છીએ. આપણો કક્કો એક એવી અજબ ચીજ છે જે દુનીયાભરનાં આપણને સૌને કોઈ અકળ સાંકળ વડે બાંધી દે છે.
 ગુજરાતી બોલનારા ગુજરાતીઓની વ્યાપારી સાહસીકતાને કારણે આપણી આ ભાષા ગુજરાતીને – ભલે નાનું પણ – વૈશ્વીક ફલક મળ્યું છે. ગુજરાતી બોલનારાઓ ભલે ઓછાં હશે તો પણ એમનો ‘વસ્તાર’ વીશ્વભરમાં પથરાયો છે ને એ દૃષ્ટીએ ગુજરાતી સાવ બોલીની કક્ષાએ નથી રહી. બીજી અનેક ભાષાઓ મરવા પડી હશે, કેટલીક તો લગભગ મૃત:પ્રાય જ હશે પણ ગુજરાતી માટે એવી કોઈ ચીંતા દુરસુદુરની ક્ષીતીજો સુધી નથી જ નથી.
 શીર્ષકે મુકેલા, વીશેષણોમાંથી જ બનેલા, બધા શબ્દોને સમજીને કેટલીક વીચારણા કરવાનો સમય આવી ગયો છે એમ કહીને નાનકડો લાગતો અંદેશો કે સંદેશો પ્રસારીત કરવાનો આ ઉપક્રમ છે. નવા શરૂ થઈ ચુકેલા વરસના આરંભમાં જ આવો અભરખો, જોકે રખાય નહીં….છતાં નવા વર્ષે આપણે સૌ થોડીક કસરત ભાષા માટે થઈને કરીએ તો ઉપયોગી થશે એવું છએક વરસના અનુભવે કહી શકું છું.
 ઉપર શીર્ષકે રહેલા ચારેય શબ્દો – જેમાં હજી એક ઉમેરાવાનો બાકી છે –નો ક્રમ જરા જોઈને રખાયો છે. સૌથી પ્રથમ સરળતા પછી શાસ્ત્રીયત તથા અરાજકતાને પાસેપાસે રાખીને અને છેલ્લે મનસ્વીતાને મુકવા પાછળ પણ ગણતરી તો છે જ.
 ભાષાની સરળતાની વાત લાગે છે તેટલી સરળ નથી. પણ ગાંધીજીએ કોશીયો પણ સમજી શકે તેવી ભાષાની કરેલી વાત યાદ રાખ્યા વીના ચાલે તેમ નહીં હોવાથી સરળતાનો પણ વીચાર કરવો જ રહે છે. હમણાં એક વીદ્વાન સાથે વાત થતી હતી ત્યારે મેં જ લખેલું કે શાસ્ત્રીયતા અને સરળતાને બન્નેને સાચવવાનું શક્ય નથી ! મજાની વાત તો એ પણ છે કે ગાંધીજીએ પણ એક બાજુ કહ્યું કે કોશીયાને પણ નજર સામે રાખો તો બીજી બાજુ ભાષાની શીસ્ત માટે થઈને તેમણે જ જોડણીકોશની રચનાનું નૈતીક દબાણ પણ કરેલું !! સરળતા અને શાસ્ત્રીયતા બન્નેની વાત તેમણે કરીને આપણી સામે અઘરા પાસા ફેંકી દીધા હતા….જેને આપણે આટલાં વરસો પછીય રમી શક્યાં છીએ ખરા ?!
સરળતાનો અર્થ મને આ ક્ષણે ‘સરળ અને સહુ કોઈ અમલમાં મુકી શકે તેવા નીયમો’ એવો સુઝે છે. ને શાસ્ત્રીયતા એટલે ‘નીયમબદ્ધ ભાષા’ એવો જાડો અર્થ કરું. હવે એક બહુ સાદી વાત છે કે નીયમો હોય એટલે તેને પાળવાની ચુસ્તતા હોય જ. પરંતુ નીયમોને પળાવવાની ચુસ્તતા તો દંડો લઈને પણ જાળવી શકાય છે; સંસ્કૃતની ગોખણપટ્ટી, અંગ્રેજીના દરેક શબ્દની ગોખણપટ્ટી વગેરે તો જાણીતી છે જ, એટલે નીયમો પળાવવામાં દંડો તો ઉગામી શકાય છે પરંતુ…..
નીયમો બનાવવાના કોઈ નીયમો હોઈ શકે ખરા ?! નીયમો બનાવનારાઓને “નીયમો બનાવવાના નીયમો” કોઈ શીખવાડી ન શકે શું ?!! ગાંધીજીએ જે ચારેક જણાને કોશનું કામ સોંપ્યું હતું તેઓ ભાષાના વીદ્વાનો ન હતા તેવું વાંચ્યાંનું યાદ છે. કોશની રચના થઈ પછી પણ ભાષાના સશક્ત (!) વીદ્વાનોનો લાભ સક્રીયતાથી કેટલો લેવાયો છે તે તો જાણકારો જ કહી શકે.
ગાંધીજીની હયાતી સુધીમાં (એટલે કે પ્રથમ આવૃત્તી ૧૯૨૯માં પ્રગટ થયા બાદ ૧૯૪૯ દરમીયાનનાં ૨૦ જ વર્ષોમાં) જોડણીકોશની કુલ ચાર આવૃત્તીઓ થઈ ગઈ હતી પરંતુ ગાંધીજીની વીદાય પછી – ૧૯૬૭માં પાંચમી આવૃત્તી પ્રગટ થયા પછી – ૪૪ વરસો પછી એક પણ (રીપીટ, એક પણ) આવૃત્તી નવી પ્રગટ થઈ નથી !! સમયસર અને સતત કોશનું પ્રગટ થતું રહેવું એ પણ શીખવાડવાનો જ વીષય ગણાવો જોઈએ. કોશરચનાની સ્થુળ શરતોનું પાલન પણ થતું ન હોય ત્યાં સુક્ષ્મ શરતો / નીયમોના પાલનની જરુર તો કેટલી હોવી જોઈશે ?!
નીયમો હોવા જોઈએ તે વાત આપણે સૌ કાન પકડીને કબુલ રાખીએ પરંતુ નીયમો કરતાં નીયમોમાં અપવાદો વધુ હોય, અપવાદોમાં પણ પાછી અનેક છુટછાટો અપાતી હોય ત્યાં, તેવે સમયે, કયો નીયમ પાળવો તે લખનારાંઓની વીવીધ કક્ષાઓને ધ્યાનમાં લેતાં શી રીતે નક્કી કરી શકાય ? ગુજરાતીના માન્ય જોડણીનીયમોનું પાલન કોઈ કરતાં કોઈ કરી શકતું નથી તે વાત સૌ કોઈ જાણે છે. (રાજા નાગો છે તેવું કોઈ બોલી ન શકતું હોય તો તે જુદી વાત !)
તો શું એવું કહી શકાશે કે નીયમો બનાવનારને “નીયમો બનાવવાનું શીખવાડવાની” જરુર હતી ?
કે પછી,
“હજી પણ મોડું નથી થયું” તેવી જાણ લાગતાવળગતાંને કરવી ?
“ભાષામાં અરાજકતા” છે એવું કોઈ કહે ત્યારે ભાષાના નીયમો ફરજીયાત – દંડો મારીને પળાવનારા “નીયમોની અરાજકતા”ને કોઈ યાદ કરતું નથી. એટલે ઉપરના મુખ્ય શીર્ષકે મુકાયેલો શબ્દ ‘અરાજકતા’ એ ભાષાને કે એના લખનારાંને લાગુ પડે છે તેના કરતાં નીયમોને જ ખુદને વધુ લાગુ પડે છે અને એટલે જ આ શબ્દ પૂરતું તે ફરીયાદ ગુજરાતી લખનારાંને લાગુ પડતી નથી !!
હવે એક શબ્દ રહ્યો તે છે મનસ્વીતા. ૧) કોઈ જ નીયમ ન હોય ત્યારે કે ૨) નીયમોને પળાવનારું જાગૃત એવું કોઈ ન હોય ત્યારે મનસ્વીતા પ્રગટે ને પ્રસરે છે. આપણા દેશમાં હવે કોઈ જાણે પુછવાવાળું જ ન હોય તેમ મોટાં માથાંઓ પણ ભ્રષ્ટાચારમાં મગ્ન હોય ત્યારે નાનો માણસ નીતીનું પાલન કઈ રીતે કરે ? જોડણીના નીયમો “છે” પણ અરાજકતાભર્યા છે તેથી  “ન બરાબર છે”, તેથી તેનું પાલન કરવાનું શક્ય બને નહીં….દાયકાઓ સુધી આપણે ચુસ્ત રીત ભાષાના નીયમો પાળ્યા. લેખકોની નીષ્ઠા, સારા પ્રુફરીડરોની હયાતી, પુસ્તકને છેડે શુદ્ધીપત્રકનો આગ્રહ, ભાષાનીષ્ઠા વગેરે બધું હતું.
એમાંનું આજે કેટલું બચ્યું છે તે હૈયે હાથ રાખીને કોણ કહેશે ?
હવે ખાસ કરીને નેટ ઉપર સૌ કોઈ લેખક બની શકે છે; સૌ કોઈ પોતપોતાનાં મલ્ટીકલર્ડ પુસ્તકો સાવ મફતમાં છાપી શકે છે !! કોણ કોને પુછવાનું ? એટલે હવે મનસ્વીતાને છુટ્ટો દોર મળી ગયો છે. લેક્સીકોનની સગવડ આંગળીને ટેરવે ઉપલબ્ધ બન્યા પછી પણ ભાગ્યે જ એનો લાભ લેવાય છે ! બ્લૉગ પરનાં લખાણો, કોમેન્ટો, ફેસબુક વગેરે પરનાં ફરફરીયાં સુધી તો ઠીક છે, ક્ષમ્ય ગણીએ પરંતુ ઈબુકોમાં જ્યાં પ્રકાશનની કોઈ જાતની ઉતાવળ ન હોવા છતાં પંક્તીપંક્તીએ ભુલોની પરંપરા જોઈએ છે ત્યારે લેક્સીકોનની ઉપલબ્ધીનો લાભ ન લેનારાં લેખકોને શું કહીશું ? માતૃભાષા માટેની લાગણી કેટલી પોચક છે તે આવે સમયે સમજાય છે.
તો પછી હવે શું ?
સરળતા ? શાસ્ત્રીયતાનો અત્યાગ્રહ ? અરાજકતાનો ઉપાય ? કે પછી મનસ્વીતા ચલાવી લેવી ?
અત્યારે તો એવું જ લાગી રહ્યું છે. હવે શુદ્ધીપત્રકો પ્રીન્ટમીડીયામાં પણ રહ્યાં નથી; સારા પ્રુફરીડરો મળતા નથી; ગુજરાતીભાષાના શીક્ષકો–પ્રાધ્યાપકોનું ગુજરાતી પણ કાચું જણાય છે; સાહીત્યની સંસ્થાઓ પણ પોતાનાં સામયીકો વ.માં જોડણી પર ધ્યાન આપી શકે નહીં તો “ત્યારે કરીશું શું ?!”
અત્યારે તો સ્થીતી એવી આવી ગઈ જણાય છે કે પાંચમો, લેખના શીર્ષકે બાકી રહી ગયેલો પાંચમો શબ્દ જ – સરળતા, શાસ્ત્રીયતા, અરાજકતા, મનસ્વીતા વ.ને બાજુ પર રાખીને – અમલમાં આવી જશે :
“જેમ ચાલે છે તેમ ચાલવા દ્યો !”
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દીપકભાઈનો પ્રતીભાવ
જે સરળ હોય તે જ શાસ્ત્રીય હોય. ધર્મગ્રંથોમાં જે ગૂઢ ભાષામાં લખ્યું હોય છે – અને કાયદાઓ જે ક્લિષ્ટ ભાષામાં લખેલા હોય છે – તેનો એક ઉદ્દેશ સામાન્ય માણસની સમજમાં એ ન આવે એવો હોય છે. આ કારણે ધર્મગુરુઓ અને વકીલોનો ધંધો ચાલે છે. સરળ ભાષામાં લખે તો સૌને સમજાઈ જાય. તો ધંધો કેમ ચાલે? સૌ ન જાણી શકે એ જ  રહસ્ય, જાદુ કે ચમત્કાર છે. જોડણીકોશના નિયમો વિશે પણ આમ જ કહી શકાય.
સરળતા એ હતી કે જે કઈં ઉચ્ચારો છે તેને સાચવવાનો પ્રયત્ન કરાય. ગુજરાતી સિવાય કોઈ ભાષામાં ખાસ જોડણીકોશ નથી હોતા. ગુજરાતી ટૂ ગુજરાતી ડિક્શનરી હોઈ શકે, પણ જોડણી શીખવવાની હોય? એ તો ઉચ્ચાર પ્રમાણે આપોઆપ થાય!
જોડણીકોશ અને ‘કોશિયો સમજી શકે એવી ભાષા’ બે જુદી વાત છે. એકમાં સાચી કે ખોટી જોડણીની વાત કરવાની છે; બીજામાં જોડણીની નહીં, ભાષાની – બોલાતી અને લખાતી ભાષાની – વાત છે. વળી, અહીં ‘કોશિયો સમજી શકે’ એવી ભાષાની વાત છે, ‘કોશિયો વાંચી શકે’ એવી ભાષાની નહીં; એટલે કે આપણી બોલવાની ભાષા પણ એટલી સરળ હોવી જોઇએ કે કોશિયો વાતનો મર્મ પકડી શકે. લખાતી ભાષા પણ બોલાતી ભાષાની નજીક હોવી જોઇએ કે જેથી કોશિયો, ન કરે નારાયણ, ને વાંચી શકતો હોય તો મર્મ પકડી શકે.
ગાંધીજી બહુ ઊંડા ઊતર્યા વિના જ એક નિયત જોડણીનો સંગ્રહ તૈયાર કરાવવામાં પડ્યા એમ કહીએ તો ખોટું નથી. એમાં ગાંધીજીનું અપમાન નથી. એમનું મુખ્ય ધ્યાન ‘ભાષા ઉપર હતું, જોડણી પર નહીં. એમણે લખ્યું કે “હવે પછી મનફાવતી જોડણી કરવાનો કોઈને અધિકાર નથી”, તેમ છતાં લોકોએ એ અધિકાર કદી છોડ્યો નથી. આનો જ અર્થ એ થાય કે આખો પ્રયાસ અર્થ વગરનો હતો, અને તે વ્યવહારમાં પણ સાબીત થયું. ખરું જોતાં લોકો ઉચ્ચાર પ્રમાણે જ બોલે છે અને લખે છે. માત્ર જરૂર કરતાં વધારે વૈકલ્પિક ચિહ્નો ઉપલબ્ધ છે તેમાંથી કોઈ પણ ચિહ્ન કોઈ પણ સમયે વાપરે છે. આવું ઇ-ઈ કે ઉ-ઊની માત્રાઓમાં વધુ સ્પષ્ટ દેખાય છે. બાકી બીજી ભૂલો થતી જ નથી. સાચું ‘જુગલભાઈ’ છે. કોઈ ‘જુલગભાઈ’ કે ‘જુગલબાઈ’ નથી લખતું.
મેં અહીં વૈકાલ્પિક ચિહ્નો ઉપલબ્ધ છે એમ કહ્યું છે તે માત્ર ઇ-ઈ. ઉ-ઊ અને એમની માત્રાઓના સંદર્ભમાં કહ્યું છે. આમ તો એ દીર્ઘ-હ્રસ્વ ઉચ્ચારોનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ આપણા દીર્ઘ અને હ્રસ્વ વચ્ચે બહુ ફેર નથી એટલે આ માત્રા-ચિહ્નો કોઈ પણ વાપરો સંદર્ભમાં સમજી શકાશે. અશોકભાઈએ એક જગ્યાએ ‘પરિવર્તન’ લખ્યું અને બીજી જ લાઇનમાં ‘પરીવર્તન’ લખ્યું. મને બન્ને શબ્દ સંદર્ભને કારણે સમજાઈ ગયા. એમના માટે આ બે વિકલ્પો હતા. વિકલ્પની જેમ વાપર્યા નહોત તો મને સમજાયું નહોત ! ઊંઝા પ્રમાણે ‘દીન’ લખાય અને એનો વિકલ્પ નથી. પરંતુ આ તો આપખુદી કહેવાય ! એવી દલીલ કરવામાં આવે કે શબ્દનો અર્થ સમજાઈ જાય છે. બરાબર. તો પછી ‘દિન’માં પણ સમજાઈ શકે. “દીન ચડવા લાગ્યો” એમાં ‘દીન’ એટલે ‘ગરીબ’ નહીં એવું કહી શકાય. એ જ રીતે, ‘દિન’ લખ્યું હોય તો સંદર્ભ પ્રમાણે ‘ગરીબ’ સમજી શકાય છે. “દિનદુખિયાંને તેઓ હંમેશાં મદદ કરતા”. આમાં ‘દિન’ એટલે ‘ગરીબ’ એમ  બરાબર સમજાય છે. તો હ્રસ્વ ઇ-ની જ માત્રા શા માટે હટાવવી?
આમ પણ, લોકો જોડણીના નિયમો વાંચીને ઉચ્ચાર ન શીખે. એ પરભાષીને કામ આવે. જેની ભાષા પોતાની હોય તે તો બે વર્ષની ઉંમરે બોલવાનું શરૂ કરે ત્યારથી બોલે છે. એ વખતે જો એ જોડણીકોશનું થોથું ખોલ્યા વિના બોલી શકે છે તો આખું જીવન એ જોડણીકોશ વિના જ બોલી શકશે? સરળતા એટલે જ શાસ્ત્રીયતા.
સરળતાનો અર્થ સરળ નિયમો એવો તો ખરો જ; પરંતુ એ સરળતા માટેના નિયમો નથી, પરંતુ સરળતામાંથી જન્મેલા નિયમો. જોડણીની સરળતાનો શાસ્ત્રીય આધાર ઉચ્ચાર છે. ‘સરળતા’ પોતે નહીં.
ઉચ્ચાર જોડણીનો આધાર ન હોય તો જોડણી ગોખવી પડે. અંગ્રેજીમાં આવું છે. આનો અર્થ એ કે જોડણી અંગેનો એક નિયમ ગોખવાનો છે. બસ. આમ છતાં અરાજકતા કેમ છે? કારણ કે ગોખવાનો નિયમ પણ બરાબર પાળવામાં નથી આવ્યો ! એનું કારણ એ કે વૈકલ્પિક ચિહ્નોના ઉપયોગની છૂટ મળી. ગોખેલી જોડણીને જેમ ઉચ્ચાર સાથે સંબંધ નથી તેમ વૈકલ્પિક ચિહ્નોને પણ ઉચ્ચાર સાથે સંબંધ નથી. ઇ-ઈ કે ઉ-ઊનાં ચિહ્નો વૈકલ્પિક ન હોવા છતાં  વ્યવહારમાં વૈકલ્પિક બની ગયાં છે. એટલે કોઈ પણ ચિહ્નનો ઉપયોગ થાય તે વાંધાજનક ન બનવું જોઇએ. ઉદાહરણ તરીકે, સાર્થકો ‘નૈતીક’ને ખોટી જોડણી માનશે, પણ ઊંઝકોની નજરે ‘નૈતિક’ ખોટી જોડણી છે!
સાર્થકોએ સંસ્કૃતની જોડણી લાદી દીધી છે, તો ઊંઝકોએ પણ પોતાની મનફાવતી જોડણી ‘સરળતા’ને નામે લાદી છે. મેં ઉપર કહ્યું છે તેમ, “જોડણીની સરળતાનો શાસ્ત્રીય આધાર ઉચ્ચાર છે. ‘સરળતા’ પોતે નહીં.”
આમ દેખાતી અરાજકતા ખરેખર તો વૈકલ્પિક જોડનીના અધિકારનો નિયમ છે, પણ એને સ્વીકારી લેવા કોઈ તૈયાર નહીં થાય. મારા માટે ‘દિપક-દીપક, મીનાક્ષી-મિનાક્ષી-મિનાક્ષિ બધી જોડણી સાચી છે. જેમ કોઈ ચિહ્ન રાખવાની કે ઉમેરવાની જરૂર હું નથી જોતો, તેમ સ્રરળતાના નામે કોઈ ચિહ્ન કાઢવાની જરૂર પણ નથી લાગતી. બધાં ચિહ્નો વાપરવા દો, જે ચિહ્ન યોગ્યતમ હશે તે પોતાની ચિરંજીવિતા સિદ્ધ કરી આપશે. બધું અનાયાસ થશે, પ્રયાસથી નહીં.
બીજી બાજુ મને પરિવર્તન, પરીવર્તન, પરિવરતન કે પરીવરતનમાં પણ કંઈ ખોટું નથી લાગતું.
આપણા ઉચ્ચારોની વાત કરીએ તો અંત્ય પ્લુતનો વિચાર ખોટો છે. દરેક સિલેબલનો અંત્ય સ્વર પ્લુત છે. ખિસ્કોલી, ખિસકોલી બન્ને ઉચ્ચાર એક જ રીતે થાય છે, એનું કારણ ‘ખિસ’ અને ‘કોલી’ એવા ભાગ પડે છે. આથી ‘સ’ પણ ખોડો ઉચ્ચારાય છે. પરિવર્તન પણ ખરેખર તો પરિ/વર/તન બની જાય છે. રામચંદ્ર રામ/ચંદ્ર છે.
હવે તો કોઈ ફોન્ટ નિર્માતા ઇ-ઈ, ઉ-ઊ એ ચાર ચિહ્નોને બદલે કોઈ નવાં બે ચિહ્નો બનાવી દેશે તો લોકો એનો ઉપયોગ કરતા અને સમજતા પણ થઈ જશે. તે પછી કંઇ અરાજકતા જેવું નહીં લાગે. આ ‘જેમ છે તેમ ચાલવા દો’ નથી. વૈકલ્પિક ચિહ્નો અને એક સમાન ચિહ્નનો સ્વીકાર છે.
 એક જ આંદોલનની જરૂર છે અને હતી કે ઇ-ઈ, ઉ-ઊની ભૂલોને ભૂલ ન ગણવી, પણ વૈકલ્પિક જોડણી ગણવી.
 

કેટલાંક જોડણી–સુખ–દુખ !

                                                                                                                                                  – જુગલકીશોર.

૧) ગુજરાતી લખવામાં જોડણીની ચીંતા ન કરનારને “બહુ મોટું સુખ” હોય છે.

૨) ચીંતા કરીને સાચી જોડણી લખવા માટે આકાશપાતાળ એક કરનારને (સારો પ્રુફરીડર મળી જાય તો જ) “બહુ મજાનું ને સાર્થક સુખ” હોય છે.

૩) જેમને ખરેખર સાચી (સાર્થ જો.કોશ મુજબની)જોડણીમાં લખતાં ખરેખર (?!) આવડે છે તેઓ ગુજરાતી જગતનાં સૌથી ભાગ્યશાળી ને “તેથી સુખી” માણસો છે.

૪) જેમને ખબર છે કે ‘સાચી’ જોડણીમાં લખવાનું કોઈ રીતેય શક્ય નથી તેઓ જોડણીને સરળ કરવાના શાસ્ત્રીય પ્રયત્નો કરીને મારી જેમ શબ્દકોશમાંની ૪૬ ટકા થતી રહેતી ભુલોને તદ્દન નીવારવામાં સફળ થઈને, ને લોકોના વિરોધનો સામનો કરતાં રહીને પણ નીષ્ઠાપુર્વક લખે છે તેઓ “પણ–સુખી” હોય છે.

છેલ્લાં પાંચેક વરસથી ‘કોડિયું’ જેવા રાષ્ટ્રીય કક્ષાના શિક્ષણ–સામયિકમાં સંપાદક (અને હવે સહતંત્રી) તરીકે કામ કરતાં કરતાં સાર્થ જોડણીકોશનાં પાનેપાનાં વીંખી મારવાનું સદ્ભાગ્ય માણી રહ્યો છું પણ હજી સુધી જોડણીના નીયમો પચાવી શક્યો નથી. મારી પાચનશક્તીના દોષને આગળ કરીને હું જોડણીકોશ કે તેના – વિદ્વાનો સીવાય કોઈનેય ન સમજાય તેવા – નીયમોને દોષી ગણવાથી આઘો રહેવા મથીશ.

તથા, મારા સીવાયના દુનીયા આખીના ગુજરાતીઓ સાચું (સાર્થકોશ મુજબનું) ગુજરાતી લખે તે માટે મથતો જ રહીશ. હું તો ભલે ને એક ઈ–ઉમાં જ લખું ને કાલ સવારે ‘ષ’ની જગ્યાએ ‘શ’ પણ કરું પરંતુ જેમને “સંસ્કૃતભાષાની પાછળ ઢસડાતી આવતી જોડણીનો જ (ખોટો) આગ્રહ” હશે તેમને તો હું યથાશક્તી ઉપયોગી થવા મથીશ જ. આ બાબતે મારી નીષ્ઠા સામે આંગળીચીંધણું નહીં થવા દઉં. એક ઈ–ઉ / ષની જગ્યાએ શ / અનુસ્વાર–અનુનાસિકોનો અભેદ વગેરે બાબતે કોઈનેય સમજાવવાની જરુર હવે લાગતી જ નથી કારણ કે હવે સારા ને સક્ષમ પ્રુફરીડરોના અભાવે ભાગ્યે જ કોઈ લેખક કે પ્રકાશક કે સાહીત્યીક સંસ્થાઓ કે વગેરે કે વગેરે કે વગેરે સૌ સાચું લખી શકવાના જ નથી !!

આ બધાંની સામે સૌથી મોટા ને અત્યંત આશાસ્પદ સમાચાર એ છે કે હવે ગુજરાતીનું સ્પેલચેકર આવી જ જવાનું છે. આ સમાચાર ફક્ત સમાચાર નથી; તે હવે હકીકત બનવામાં જ છે. અને તેનો આનંદ બીજાંઓને હોય કે નહીં પણ મને તો છે જ.

છતાં –

બે સવાલો રહે જ છે ! એક તો એ કે જેમની પાસે કમ્પ્યુટર હશે તેઓ જ સ્પેલચેકરનો લાભ લઈ શકશે. ને બીજી વાત તે કે શબ્દોની જોડણી સાચી કરવામાત્રથી “સાચું ગુજરાતી” બનતું નથી.

*******************************************

હવે કેટલીક વાતો કોશના જોડણીનીયમો અંગે.

ગુજરાતીમાં સાદું ક્રિયાપદ જ્યારે વાક્યમાં વપરાય ત્યારે તેની જોડણીમાં ફેરફાર થતા હોય છે. જેમ કે “ઊજવવું”.

તેના પરથી બનતાં વાક્યો જોઈએ તો –

“મેં મારો જન્મદિન ઊજવ્યો.”

પરંતુ આ જન્મદિન મારા કહેવાથી બીજા પણ ઊજવે તો લખાશે : “મેં મારો જન્મદિન ઉજવાવ્યો.”

વળી કોઈના દ્વારા મારા જન્મદિનનો કાર્યક્રમ થાય તો લખું : “મારો જન્મદિન ‘ઉજવાયો’. ”

અને આ કાર્યક્રમ જે થયો તેને આ રીતે મુકાશે : “મારા જન્મદિનની ‘ઉજવણી’ થઈ.”

હવે આપણે જોઈ શકીએ છીએ કે મુળ ક્રિયાપદ ઊજવવું છે. પરંતુ ક્રિયા કોઈની પાસે કરાવવાની વાત પ્રેરક તરીકે તે ક્રિયાપદનું ‘ઉજવાવ્યો’ બને છે. એવી જ રીતે કર્મણિમાં પણ ઊજવવુંનું ‘ઉજવાવું’ બને છે. જ્યારે આ જ ક્રિયાપદનું ‘નામ’ બને ત્યારે તે ‘ઉજવણી કે ઉજવણું’ બને છે.

આ વાત મેં થોડી સહેલી કરીને મુકી છે પરંતુ જોડણીકોશમાં આ જ વાત આ રીતે મુકાઈ છે તે જુઓ :

નીયમ નંબર : ૨૪.

“પ્રાથમિક શબ્દો પરથી ઘડાતા શબ્દોમાં તથા ધાતુનાં પ્રેરક અને કર્મણિ પ્રયોગનાં રૂપોમાં પ્રાથમિક શબ્દ અથવા ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં ઉપર કલમ નં. ૨૧, ૨૨, ૨૩, ૨૪ પ્રમાણે (આ કલમો સમજવા માટે કેટલા દિવસો જાય તે ગણવાનો અઘરો વીષય છે તેથી અહીં તેની ચર્ચા નથી કરવી – જુ.) જોડણી કરવી. દા.ત. ભૂલ, ભુલામણી, ભુલાવવું / શીખ, શિખાઉ, શિખામણ / નીકળ, નિકાલ / ઊઠ, ઉઠાવું, ઉઠાડ, ઉઠમણું / મૂક, મુકાણ, મુકાવવું.”

હવે આ નીયમ સમજીને યાદ રાખવાનો વીચાર કરીએ તે પહેલાં તો ઉપરોક્ત નીયમ નં. ૨૪ની સાથે જ, નીચે ચચ્ચાર નોંધો મુકીને ઉપરના નીયમને વેરણછેરણ કરી નખાયો છે !! જુઓ :

“નોંધ ૧ – નીયમ ૧૯, ૨૦ પ્રમાણે સાનુસ્વાર ઇ ઉ વાળા શબ્દોમાં ફેર નહીં થાય. જેમ કે, ચૂંથવું, ચૂંથારો, ચૂંથાવું, ચૂંથાવવું / કંગલાણ, કિંગલાવું, કિંગલાવવું.

નોંધ ૨ – ધાતુના અક્ષરો ગણવામાં તેનું સામાન્ય કૃદંતનું રૂપ નહિ, પણ મૂળ રૂપ લેવું. જેમ કે, ઊથલ(વું), મૂલવ(વું), ઉથલાવ(વું), તડૂક(વું), તડુકાવ(વું), તડુકા(વું).

કંટાળ્યાં તો હશો જ પણ હજી તો ખરી “સજા” બાકી છે !! આ તો ફક્ત નોંધો જ હતી….પણ હવે જે આવે છે તે તો પાછા અપવાદ છે ને તેય એક નહીં પણ બબ્બે અપવાદોભર્યા શબ્દોની આખી યાદીઓ !! જુઓ :

“અપવાદ ૧ – કર્મણિ રૂપોને નિયમ ૨૧માં અપવાદ ગણી હ્રસ્વ કરવાં. જેમ કે, મિચા(વું), મુકા(વું), ભુલા(વું).

અપવાદ ૨ – ક્રિયાપદનાં કૃદંત રૂપોમાં મૂળ જોડણી જ કાયમ રાખવી. જેમ કે, ભૂલનાર, ભૂલેલું, ભુલાવનાર / મૂકનાર, મૂકેલું, મુકાયેલું, મુકાવનાર, મુકાવડાવેલું.

હવે એક નજર જોડણીકોશના છેલ્લા ૩૩મા નીયમને પણ વાંચી લઈએ. (વાંચી જ લેવાનું છે, સમજી લેવાનું નથી કારણ કે તેને વાંચીને જ ચક્કર આવી જાય તેમ છે) જુઓ :

નિયમ ૩૩. “જે શબ્દોની જોડણી કે ઉચ્ચારને વિષે એકરૂપતા ચાલતી હોય (આવા શબ્દો ક્યાં શોધવા જવાના ? કોણ શોધી આપશે ? – જુ.) તે શબ્દોની, ઉપરના કોઈ નિયમો અનુસાર જુદી જોડણી થતી હોય છતાં, પ્રચલિત જોડણી કાયમ રાખવી. દાત. મુજ, તુજ, ટુકડો, ટુચકો, મુજબ, પૂજારી, મુદત, કુમળું, કુસકી, ગુટકો, કુલડી. (ઉપરના નીયમમાં અંડરલાઈન મારી કરેલી છે. તે દરેકને અલગ અલગ અને આખા નીયમને સાથે રાખીને પણ ફરી વાર જોઈ જશો તો ખ્યાલ આવશે કે ‘છતાં’ વગેરે શબ્દો કેટલી મુશ્કેલી વધારનાર છે !જુ.)

વાચક મીત્રો ! આ તો થઈ ફક્ત ને ફક્ત નીયમ નંબર ૨૪ અને ૩૩ની વાત. બાકીના નીયમો તો મારા બ્લૉગ પર અવારનવાર લીંકથી મુકાયા જ છે, તે બધાને નીરાંતે મગજ ઠંડું રાખીને સમજવા બેસજો તો ખ્યાલ આવશે કે –

શા માટે છોકરાવ માતૃભાષાને પસંદ નથી કરતા ?

શા માટે શુદ્ધ ગુજરાતી લખવું તે લોઢાના ચણા જેવું છે ?

શા માટે લેખકો, પ્રકાશકો, સાહીત્યકારો કેવળ ને કેવળ પ્રુફ રીડરોનાં ઓશીયાળાં છે ?!

શા માટે સરકારી પરીપત્રો પણ ભુલોભર્યા હોય છે ?

શા માટે સાહીત્યની સંસ્થાઓ પણ પોતાનાં સામયીકોમાં પારાવાર ભુલો થવા દે છે ?

શા માટે હવે પુસ્તકોમાં “શુદ્ધિપત્રકો” નથી છપાતાં ? (ગાંધીજીએ તો જોડણીકોશ માટે જે પત્રો લખ્યા તેમાં ખાસમ ખાસ લખેલું કે, એમને “શુદ્ધિપત્રક વિનાનો” જોડણીકોશ જોઈતો હતો !!)

સૌને સાચી જોડણી મુબારક !

જોડણી: અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી

૧) અંગ્રેજી શબ્દોની જોડણીના કોઈ નીયમો ખરા ? જવાબ : મોટા ભાગે નહીં.

૨)સંસ્કૃતના શબ્દોની જોડણીના નીયમો ખરા ? જવાબ : હા. ખરા ને ! નીયમો એટલા બધા કે એને ગોખવામાં મહીનાઓ લાગે.

૩) ગુજરાતી શબ્દોની જોડણીના નીયમો ખરા ? જવાબ : હા સ્તો, હોય જ ને વળી. દેવભાષા સંસ્કૃતમાંથી તે ઉતરી આવી છે એટલે ……ના પડાય છે કાંઈ.

સવાલ પહેલાની બાબતે તો કહી શકાય કે અંગ્રેજીમાં નીયમો ગોખવા ન પડે એટલે શબ્દોની સીધી જોડણી જ ગોખી મારવાની હોય છે ! લાખો શબ્દોને ગોખવા જ પડે. પછી જોડણીના નીયમોની તો  જરુર જ ન પડે ! કેવું સારું ?!! (કીશોર વયનાઓ પણ લાખ્ખો શબ્દો ગોખવાની તૈયારી રાખતા હોય એટલે તેઓને તો કોઈ ફરીયાદ હોય જ શી ?)

બીજા સવાલની બાબતે તો નીયમો ભલે બહુ બધા ખરા પણ સંસ્કૃતમાં કોઈ એકાદો શબ્દ પણ નીયમ બહાર જઈ શકે શેનો, કારણ કે નીયમો જ ગોખી નાખ્યા હોય છે !! વળી લાખ્ખો શબ્દો ગોખવા કરતાં નીયમો જ ગોખી નખાતા હોય તે વધુ સહેલું ન ગણાય ? કારણ કે એક વાર નીયમ મગજમાં બેસી ગયા પછી લાખ્ખો શબ્દો ને એમાંથી જ બનતાં હજારો વાક્યોની ભુલ થવાનો સંભવ જ નહીં ! અંગ્રેજીવાળાઓ “ટુંકા રસ્તે ખરેખર તો લાંબા” થયા ગણાય !! જ્યારે સંસ્કૃતવાળાઓ ટુંકા રસ્તે ટુંકું ચાલીને લાં…..બો ફાયદો લેનારા ગણાય !

તો પછી ગુજરાતીઓનું કેમનું કે‘વાય ?

તો હવે એની વાત કરીએ. તો એમણે તો નથી અંગ્રેજી કનેથી કશું લીધું કે નથી સંસ્કૃતનુંય પુરું સાચવ્યું !! એમણે તો બાવાનાં બેય બગાડ્યાં છે ! અંગ્રેજીની જેમ તેઓ ગોખણપટ્ટી નહીં કરી શકે ! કરવી હોય તોય શેની કરે ? જોડણીના નીયમો પહેલા વાચને તો શું, પંદરમા વાચનેય સમજાય તેવા નથી !! સમજાય તોય પાછા દરેક નીયમોમાં અપવાદોનો પાર નથી ને નીયમ વાંચીને હા….શ કરીએ ત્યાં પાછું નીચે અપવાદરૂપ શબ્દોની યાદી આપી હોય જેને નીયમો લાગુ પડતા જ ન હોય ! વળી છેલ્લો નીયમ આગળના કેટલાક નીયમોનો છેદ ઉડાડનારો હોય પછી નીયમો ગોખવા શી રીતે ???

ગુજરાતી જોડણીના કુલ ૩૩ નીયમો છે જેનો પહેલો જ નીયમ જે કહે છે તે વાંચીને જ જો સમજાય તો સમજવા મથીએ :

“સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. દા. ત. મતિ, ગુરુ, વિદ્યાર્થિની.”

હવે નીરાંત રાખીને જરા વીચારીશું તો પહેલો જ ઘા એ પડશે કે આવા શબ્દો જો સંસ્કૃતને મળતા હોય તો તેની જોડણી નક્કી જુદા જ પ્રકારે થતી હશે ! અથવા વાય સે વર્સા, એનાથી જુદો જ નીયમ ગુજરાતી શબ્દોને લાગુ પડતો જ હોવો જોઈએ !!

બીજો ઘા એવો આવશે કે સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી જો મુળ પ્રમાણે જ કરવાની હોય તો પાછા બે સવાલો મગજમાં ફટાકડા ફોડશે : ૧) તો સંસ્કૃત શબ્દો કયા કયા હશે તેની ખબર ઓછું ભણેલાને શી રીતે પડે ?!! (ગાંધીજીએ તો કોશીયો સમજી શકે તેવી ભાષાની વાત કરી હતી ને આજે તો ગુજરાતીનો માસ્તર પણ મુળ સંસ્કૃત શબ્દ શોધી શકવાનો નથી !! ૨) એટલું જ નહીં, બીજો ફટાકડો તો તેનાથીય ભારે છે….કે “તત્સમ શબ્દોની જોડણી મુળ પ્રમાણે” કરવાની હોય તો સંસ્કૃતના જોડણીના નીયમો પણ શીખવાના ?????

હજી વાત પુરી થઈ નથી હો ! સાંભળો –

સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મુળ પ્રમાણે કરવાની એવો નીયમ તો બનાવીને છાપી માર્યો પણ બીજી ભાષાઓના જે શબ્દો ગુજરાતીમાં આવ્યા તે શબ્દોને

૧) તત્સમ ગણવાના કે પછી

૨) એના નીયમો ગુજરાતી મુજબ લાગુ કરવાના ?!

અહીં પાછા બીજા બે સવાલો આવશે !! (કંટાળશો નહીં, મારા પ્રીય સહયોગીઓ) પહેલી વાત એ કે, જો બીજી ભાષાના શબ્દોને તત્સમ ગણીએ તો –

ક) પહેલા નીયમમાં સુધારો કરવો પડે કે “કોઈ પણ બીજી ભાષાના શબ્દોની જોડણી મુળ પ્રમાણે કરવી !!!”

જો આ  નીયમ સુધારવામાં આવે તો જુભૈ પેલો સવાલ ફરી પુછવાના કે સંસ્કૃતની જેમ અરબી, ફારસી, ઉર્દુ વગેરેના તત્સમ શબ્દોના નીયમો પણ કોશીયાભાઈએ અને ગુજરાતીના માસ્તરોએ શીખવાના ??!!!

ખ) જો પહેલો નીયમ સુધારવો નથી ને ફક્ત સંસ્કૃતના શબ્દોને જ તત્સમ ગણવાના હોય તો એનો સીધો જ અર્થ એ થયો કે સંસ્કૃત સીવાયના બહારથી આવેલા શબ્દો ગુજરાતીમાં આવી જાય તો એને ગુજરાતી જ ગણી લેવાના થાય ! એટલે કે ગુજરાતીમાં દાખલ થયા એટલે બધા ગુજરાતી જ ગણાય. (આનું નામ તે દુધમાં સાકરની જેમ ભળી જવું કહેવાય !!)

પણ આવું વીદ્યાપીઠીય જોડણીકોશમાં નથી ! એનો એક જ દાખલો આપીને વાત નક્કર કરીશું :

‘ઇરાક’ શબ્દ અને ‘ઈરાન’ શબ્દની જોડણી જુદી છે. પહેલાનો ઇ હ્રસ્વ છે ને બીજાનો દીર્ઘ છે. કારણ કે પહેલો શબ્દ અરબી ભાષાનો ને બીજો ફારસીનો છે ! હવે આપણે કોઈ ગુજરાતી લેખકે આ બે શબ્દો વાપરવા હોય તો તે બન્ને ભાષાઓના નીયમો સમજવા કોની પાસે જવાનું ?!

એટલે કે ગુજરાતી સાર્થ જોડણીકોશના “શ્રી ગણેશ કરનારા પ્રથમ નીયમ”માં જ તડાફડી બોલે છે. કાં તો તમે સંસ્કૃત સહીતની બધી જ ભાષાઓને જુદી ગણીને (બહારના શબ્દોને તત્સમ ગણો અને) તે જ કારણસર દરેક ભાષાના નીયમો શીખવાનું ફરજીયાત કરાવો (!!!) અથવા પછી બધી જ ભાષાઓના શબ્દો ગુજરાતીમાં દુધમાં સાકર જેમ ભેળવી દઈને બધાની જોડણીના નીયમો ગુજરાતી મુજબ એક સરખા લાગુ કરો.

આ તો થઈ ફક્ત ને ફક્ત પહેલા નીયમની વાતો. બીજા બધા નીયમોની વાત કરવાની તો જુભૈની તાકાત નથી ! કારણ કે મોટા ભાગના નીયમોમાં જે અપવાદો છે તેની વાત કરતાં તો…..તો…તો,

જવા દો, એના કરતાં તો, ગુજરાતીમાં લખવાનું બંધ કરવાનું નીમ જ નૉ લૈ લઈએ ! દેખવુંય નૈં ને દાઝવુંય નૈ.

અસ્તુ.

– જુ.ભૈ અજ્ઞાની.

‘જોડણીના નિયમો’

 (સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ)

નિયમ-1] સંસ્કૃતના તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા. મતિ; ગુરુ; વિદ્યાર્થિની.

નિયમ-2] ભાષામાં તત્સમ તથા તદ્ભવ બંને રૂપો પ્રચલિત હોય તો બંને સ્વીકારવાં. ઉદા. કઠિન-કઠણ; રાત્રિ-રાત;દશ-દસ; કાલ-કાળ; નહિ-નહીં; હૂબહૂ-આબેહૂબ; ફર્શ-ફરસ.

નિયમ-3] જે વ્યંજનાન્ત તત્સમ શબ્દો ગુજરાતી પ્રત્યયો લેતા હોય તેમને અકારાન્ત ગણીને લખવા. ઉદા. વિદ્વાન, જગત, પરિષદ. [આ નિયમ અંગ્રેજી, ફારસી, અરબી વગેરે ભાષાના શબ્દોને પણ લાગુ પડે છે.]

નિયમ-4] પશ્ચાત્, કિંચિત્, અર્થાત્, ક્વચિત્, એવા શબ્દો એકલા આવે અથવા બીજા સંસ્કૃત શબ્દોની સાથે સમાસમાં આવે ત્યારે વ્યંજનાન્ત લખવા. ઉદા. કિંચિત્કર; પશ્ચાત્તાપ. [આવા અવ્યયો પછી જ્યારે ‘જ’ આવે ત્યારે તેમને
વ્યંજનાન્ત ન લખવાં. ઉદા. ક્વચિત જ.]

નિયમ-5] અરબી, ફારસી તથા અંગ્રેજી ભાષાના શબ્દો લખતાં તે તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો ન વાપરવાં. ઉદા. ખિદમત, વિઝિટ, નજર.

નિયમ-6] ‘એ’ તથા ‘ઓ’ના સાંકડા તથા પહોળા ઉચ્ચારની ભિન્નતા દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ. પરંતુ અંગ્રેજી શબ્દોના ’એ”ઓ’ના ઉચ્ચારમાં ભ્રાંતિ ન થાય માટે,તે દર્શાવવા ઊંધી માત્રાનો ઉપયોગ કરવો.ઉદા.કૉફી,ઑગસ્ટ,કૉલમ.

નિયમ-7] અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ.[નોંધ: શક્ય હોય ત્યાં અનુસ્વારના વિકલ્પમાં અનુનાસિકો  વાપરી શકાય. ઉદા. અંત-અન્ત; દંડ-દણ્ડ; સાંત-સાન્ત; બૅંક-બૅન્ક.
હશ્રુતિ તથા યશ્રુતિ

નિયમ-8]   બહેન, વહાણું, વહાલું, પહોળું, મહાવત, શહેર, મહેરબાન, મહાવરો, મહોર જેવા શબ્દોમાં તથા કહે, રહે, પહેર, પહોંચ, જેવા ધાતુઓમાં હ જુદો પાડીને લખવો.

નિયમ-9]   નાનું, મોટું, બીક, સામું, ઊનું, મોર {અવ્યય}, મોં, મોવું (લોટને), જ્યાં, ત્યાં, ક્યારે, ત્યારે, મારું, તારું, તમારું, તેનું, અમારું, આવું, વગેરેમાં હકાર ન દર્શાવવો. ( એટલે કે, હ જ્યાં દર્શાવવો ત્યાં જુદો પાડીને દર્શાવવો અને ન દર્શાવવો ત્યાં મુદ્દલ ન દર્શાવવો; ‘હ’ને આગલા અક્ષર સાથે જોડવો નહીં. )

નિયમ-10]  નાહ, ચાહ, સાહ{સાહ-વું = ઝાલવું-પકડવું }, મોહ, લોહ, દોહ, સોહ {સોહ-વું = શોભવું,સોહાવું} એ ધાતુઓ અનિયમિત ગણી તેમનાં દર્શાવ્યાં પ્રમાણે રૂપો લખવાં :
નાહ:- નાહું છું; નાહીએ છીએ; નહાય છે; નાહો છો; નાહ્યો, -હ્યા,-હી,-હ્યું,-હ્યાં; નાહીશ; નાહીશું; નહાશે; નહાશો; નહાત; નહાતો,-તી,તું;નાહનાર; નાહવાનો અથવા નાવાનો; નાહેલો,-લી,-લું; નહા; નહાજે; નાહવું.
ચાહ:- ચાહું છું; ચાહીએ છીએ; ચાહે છે; ચાહો છો; ચાહ્યો,-ચાહ્યા,-હી,-હ્યું,-હ્યાં; ચાહીશ; ચાહીશું; ચાહશે; ચાહશો; ચાહત; ચાહતો,-તી,-તું; ચાહનાર; ચાહવાનો; ચાહેલો,-લી,-લું; ચાહ; ચાહજે; ચાહવું.
સાહ:- ( ચાહ પ્રમાણે )
મોહ:- મોહું છું; મોહીએ છીએ; મોહે છે; મોહો છો; મોહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં;મોહીશ; મોહીશું; મોહશે; મોહશો; મોહત; મોહતો,-તી,-તું; મોહનાર; મોહવાનો; મોહેલો,-લી,-લું; મોહ; મોહજે; મોહવું.
લોહ:- { લોહવું=લુછવું}લોહું છું; લોહીએ છીએ; લુહે છે; લુહો છો; લોહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં; લોહીશ; લોહીશું; લોહશે; લોહશો; લોહત; લોહતો,તી,-તું; લોહનાર; લોહવાનો અથવા લોવાનો; લોહેલો; લોહવું.
લોવડા(રા)વવું; લોવાય; લોવણિયું. {લુછવા પરથી બનતા શબ્દો}
દોહ:- દોહું છું; દોહીએ છીએ; દુહે છે; દુહો છો; દોહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં; દોહીશ; દોહીશું; દોહશે; દોહશો; દુહત અથવા દોહત; દોહતો,-તી,-તું; દોહનાર; દોહવાનો અથવા દોવાનો; દોહેલો,-લી,-લું; દોહ; દોહજે.
દોવડા(રા)વવું; દોવાવું; દોવણ; દોણી.
કોહ:-  {કોહવું=સડવું }સામાન્યત:મોહ પ્રમાણે.પણ નીચેનાં રૂપો  {નીચે}દર્શાવ્યા પ્રમાણે {લખવાં} :
કોવડા(રા)વવું; કોવાવું; કોવાય; કોહપણ; કોહવાટ.
સોહ:- {સોહવું=શોભવું} મોહ પ્રમાણે.

નિયમ- 11]  કેટલાક ‘ઢ’ને બદલે હ અને ડ છૂટા પાડીને લખે છે. જેમ કે, કહાડવું, વહાડવું. તેમ ન લખતાં કાઢ, વાઢ, કઢી, ટાઢ, અઢાર, કઢવું એમ લખવું.પરંતુ લઢવું, દાઢમ ન લખતાં લડવું, દાડમ એમ લખવું. ચડવું, ચઢવું બંને માન્ય ગણવાં.

નિયમ- 12]  કેટલાક શબ્દોના ઉચ્ચારણમાં ગુજરાતના કેટલાક ભાગમાં યશ્રુતિ થાય છે. ઉદા. જાત્ય, આંખ્ય, લાવ્ય, લ્યો, દ્યો ઇ. પણ તે લખવામાં દર્શાવવાની જરુર નથી. જાત, આંખ,  લાવ, લો, દો એમ જ લખવું.

તદ્ભવ શબ્દો

નિયમ- 13]  અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંયુક્ત હોય એવા તદ્ભવ શબ્દોમાં મહાપ્રાણનું દ્વિત્વ કરવું. ઉદા. ચોખ્ખું, ચિઠ્ઠી, પથ્થર, ઝભ્ભો, ઓધ્ધો, સુધ્ધાં, સભ્ભર. પણ ચ્ તથા છનો યોગ હોય તો ચ્છ લખવું, છ્છ નહિ. ઉદા. અચ્છેર,પચ્છમ, અચ્છું.

નિયમ- 14]  કેટલાક શબ્દોમાં (ઉદા. પારણું, બારણું, શેરડી, દોરડું,ખાંડણી, દળવું, ચાળણી,શેલડી) ર, ડ, ળ લને બદલે ય ઉચ્ચાર થાય છે; ત્યાં મૂળ રૂપ જ લખવું.

નિયમ- 15]  અનાદિ ‘શ’ના ઉચ્ચારની બાબતમાં કેટલાક શબ્દોમાં પ્રાંતિક ઉચ્ચારભેદ છે. ઉદા. ડોશી-ડોસી, માશી-માસી, ભેંશ-ભેંસ, છાશ-છાસ, બારશ-બારસ, એંશી-એંસી. આવા શબ્દોમાં શ અને સ નો વિકલ્પ રાખવો.

નિયમ- 16]  શક, શોધ, શું માં રૂઢ શ રાખવો; પણ સાકરમાં સ લખવો.

નિયમ- 17]  વિશે અને વિષે એ બંને રૂપો ચાલે.

નિયમ- 18]  તદ્ભવ શબ્દોમાં અંત્ય ઈ તથા ઉ, સાનુસ્વાર કે નિરનુસ્વાર, એ અનુક્રમે દીર્ઘ અને હ્રસ્વ લખવાં. ઉદા. ઘી; છું; શું; તું; ધણી; વીંછી; અહીં; દહીં; પિયુ; લાડુ; જુદુ.
નોંધ–સામાન્ય રીતે ગુજરાતીમાં રુ {ઉપરાંત રની પાછળ અધવચ્ચે હ્રસ્વ ઉની નિશાની જેને માટે કોમ્પ્યુટરમાં સગવડ નથી ! -જુ.}લખવાનો રિવાજ નથી; રૂ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હ્રસ્વ રુ લખવાનું હોય ત્યાં રુ {અથવા હમણાં મેં કહ્યું તેવો રુ. -જુ.} લખવું. ઉદા. છોકરું, બૈરું {માં બંને હ્રસ્વ રુ લખવા}.

અપવાદ--એકાક્ષરી શબ્દોમાં નિરનુસ્વાર ઊ દીર્ઘ લખવો. ઉદા. જૂ, લૂ, થૂ, ભૂ, છૂ. {જોડણીકોશમાં જ ની પાછળ કાનો કરીને પછી [જેમ કે જા] હ્રસ્વ ઉની નીશાની લખવામાં આવે છે પણ કોમ્પ્યુટરમાં એ સગવડ નથી.જુ.}

નિયમ- 19]  અનંત્ય ઈ તથા ઊ પર આવતા અનુસ્વારનો ઉચ્ચાર પોચો થતો હોય ત્યારે ઈ કે ઊ દીર્ઘ લખવાં.ઉદા. ઈંડું; હીંડાડ; ગૂંચવાવ; સીંચણિયું; પીંછું; લૂંટ; પૂંછડું; વરસૂંદ; મીંચામણું.

અપવાદ–કુંવારું, કુંભાર, કુંવર, સુંવાળું.

નિયમ-20]  શબ્દોમાં આવતા યુક્તાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં ઈ કે ઊ જે હોય તે હ્રસ્વ લખવો. અનુસ્વારનો ઉચ્ચાર અનુનાસિક જેવો થતો હોય ત્યાં યુક્તાક્ષર ગણવો. ઉદા. કિસ્તી, શિસ્ત, ડુક્કર, જુસ્સો, ચુસ્ત, છેતરપિંડી, જિંદગી, જિંગોડી, લુંગી, દુંદ, તુંડાઈ.
     નોંધ – સામાન્ય રીતે ગુજરાતીમાં જિ લખવાનો રિવાજ નથી; જી જ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હ્રસ્વ જિ લખવાનું હોય ત્યાં જિ લખવું. ઉદા. જિંદગી; જિતાડવું; જિવાડવું.

નિયમ-  21]  જ્યાં વ્યત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય ( જેમ કે, જુદું, ઉદવું, ડિલ) તેવા બે અક્ષરના શબ્દોમાં ઉપાંત્ય ઈ તથા ઊ દીર્ઘ લખવાં. ઉદા. ચૂક, થૂઈ, તૂત, ઝૂલો, ઝીણું, જીનો.
અપવાદ – સુધી, દુખ,જુઓ.
     નોંધ –   મુકાવું,ભુલાવું, મિચાવું, એવાં કર્મણિ રૂપોમાં હ્રસ્વ થાય છે. જુઓ નિયમ 24મો.

નિયમ-  22]  જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય ( જેમ કે, ઉપર, ચુગલ, કુરતું, મુગટ, અંગુર ) તેવા બેથી વધારે અક્ષરના શબ્દોમાં ઇ કે ઉ પછી લઘુ અક્ષર આવે તો તે દીર્ઘ લખવાં, અને ગુરુ અક્ષર આવે તો હ્રસ્વ લખવાં. ઉદા. નીકળ, મૂલવ, વિમાસ, મજૂર, ખેડૂત,દુકાળ, સુતાર, તડૂક, કિનારો, ભુલાવ, મિચાવ, તડુકાવ.
અપવાદ – વિશેષણ પરથી થતાં નામો તેમ જ નામ પરથી બનતાં ભાવવાચક નામોમાં મૂળ શબ્દની જોડણી કાયમ રાખવી. ઉદા. ગરીબ-ગરીબાઈ; વકીલ-વકીલાત; ચીકણું-ચીકણાઈ,ચીકાશ; મીઠું-મીઠાશ,મીઠાણ; જૂઠું-જૂઠાણું; પીળું-પીળાશ; ઝીણું-ઝીણવટ.
નોંધ – વેધી-વેધિત્વ,અભિમાની-અભિમાનિત્વ, એવા શબ્દો તત્સમ સંસ્કૃત હોઈ ફેરફાર કરવામાં આવે છે.
અપવાદ 2 – કેટલાક શબ્દો બોલતાં ઉપાંત્ય અક્ષર ઉપર ભાર આવે છે ત્યાં ઇ કે ઉ જે હોય તે દીર્ઘ કરવાં. ઉદા. ગોટીલો, દાગીનો, અરડૂસો, દંતૂડી વગેરે.
નોંધ – જેમાં આ જાતનો ભાર નથી આવતો એવા શબ્દો : ટહુકો, ફઉડી, મહુડું.

નિયમ-  23]  ચાર અથવા તેથી વધારે અક્ષરના શબ્દોમાં આદિ ઇ કે ઉ હ્રસ્વ લખવાં. ઉદા. મિજલસ, ભુલામણું, હિલચાલ, કિલકિલાટ,ખિસકોલી,ટિપણિયો, ટિટિયારો, ટિચકારી.
વિકલ્પ – ગુજરાત-ગૂજરાત.
     નોંધ 1- આ જાતનો શબ્દ સમાસ હોય તો સમાસના અંગભૂત શબ્દોની જોડણી કાયમ રાખવી. ઉદા. ભૂલથાપ; બીજવર; હીણકમાઉ; પ્રાણીવિદ્યા; સ્વામીદ્રોહ; મીઠાબોલું.
નોંધ 2- કૂદાકૂદ,બૂમાબૂમ, ભુલભુલામણી, એવા દ્વિર્ભાવથી શબ્દોમાં દ્વિર્ભાવ પામતા પદની જોડણી જ કાયમ રાખવી.

નિયમ 24]  પ્રાથમિક શબ્દો પરથી ઘડાતા શબ્દોમાં તથા ધાતુનાં પ્રેરક અને કર્મણિ પ્રયોગનાં રૂપોમાં પ્રાથમિક શબ્દ અથવા ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં ઉપર કલમ 21, 22, 23, 24 પ્રમાણે જોડણી કરવી. ઉદા. ભૂલ-ભુલામણી;
શીખ-શિખાઉ, શિખામણ; નીકળ-નિકાલ; ઊઠ-ઉઠાવું,ઉઠાડ,ઉઠાવ, ઉઠમણું; મૂક-મુકાણ,મુકાવું,મુકાવવું.
નોંધ 1—  નિયમ 19, 20 પ્રમાણે સાનુસ્વાર ઇ,ઉ વાળા શબ્દોમાં ફેર નહીં થાય. જેમ કે ચૂંથવું, ચૂંથારો, ચૂંથાવું,ચૂંથાવવું; કિંગલાણ*, કિંગલાવું, કિંગલાવવું.
નોંધ 2–  ધાતુના અક્ષરો ગણવામાં તેનું સામાન્ય કૃદંતનું રૂપ નહિ, પણ મૂળ રૂપ લેવું. જેમ કે ઊથલ(વું),મૂલવ(વું),ઉથલાવ(વું), તડૂક(વું),તડુકાવ(વું), તડુકા(વું).
અપવાદ 1— કર્મણિ રૂપોને નિયમ 21માં અપવાદ ગણી હ્રસ્વ કરવાં. જેમ કે મિચા(વું), ભુલા(વું).
અપવાદ 2— ક્રિયાપદનાં કૃદંતરૂપોમાં મૂળ જોડણી જ કાયમ રાખવી. જેમ કે ભૂલનાર, ભૂલેલું; ભુલાવનાર; ભુલાયેલું; મૂકનાર, મૂકેલું;   મુકાયેલું, મુકાવનાર; મુકાવડાવેલું.

નિયમ 25] શબ્દના બંધારણમાં ઈ પછી સ્વર આવતો હોય તો તે ઈ ને હ્રસ્વ કરી સ્વરની પહેલાં ય ઉમેરીને લખવું. ઉદા. દરિયો, કડિયો, રેંટિયો, ફડિયો, ધોતિયું,માળિયું, કાઠિયાવાડ, પિયર, મહિયર, દિયર,સહિયર, પિયુ.
અપવાદ — પીયો; તથા જુઓ પછીનો નિયમ.
વિકલ્પ — પિયળ-પીયળ.

 નિયમ 26]  વિભક્તિ કે વચનના પ્રત્યયો લગાડતાં કે સમાસ બનાવતાં શબ્દની મૂળ જોડણી કાયમ રાખવી. ઉદા. નદી-નદીઓ, નદીમાં ઇ. સ્ત્રી-સ્ત્રીઓ, સ્ત્રીને ઇ. ખૂબી-ખૂબીઓ. બારીબારણાં.

નિયમ 27-ક]  કરીએ, છીએ, ખાઈએ, ધોઈએ, સૂઈએ, જોઈએ, હોઈએ, મારીએ, એવાં ક્રિયાપદનાં રૂપો બતાવ્યાં પ્રમાણે લખવાં. પણ થયેલું, ગયેલું, સચવાયેલું, એવાં રૂપો દર્શાવ્યા મુજબ લખવાં.

નિયમ 27-ખ]  જુવો, ધુવો નહિ પણ જુઓ, ધુઓ લખવું. તેમ જ ખોવું, રોવું જેવાં ઓકારાન્ત ધાતુઓમાં ખુઓ, રુઓ લખવું. અને જુએ છે, ધુએ, ખુએ છે, રુએ છે, જોયેલું, જોતું; ખોયેલું, ખોતું; ધોયેલું, ધોતું; વગેરે રૂપો દર્શાવ્યા મુજબ લખવાં.

નિયમ 27-ગ]  સૂવું, પીવું, જેવાં ક્રિયાપદોમાં સૂએ છે, સૂઓ, સૂતું, સૂતેલ, સૂનાર, અને પીએ છે, પીઓ, પીતું, પીધેલ, પીનાર, એ પ્રમાણે લખવું.
—————————–
 *કિંગલાણ=હર્ષનાદ.

નિયમ-28] પૈસો,ચૌટું, પૈડું, રવૈયો એમ લખવું. પણ પાઈ, પાઉંડ, ઊડઈ, સઈ એવા શબ્દો દર્શાવ્યા પ્રમાણે લખવા.

નિયમ-29]  સજા, જિંદગી, સમજ એમાં જ; તથા ગોઝારું,મોઝારમાં ઝ, અને સાંજ-ઝ, મજા-ઝા એમ લખવું.

નિયમ-30]  આમલી-આંબલી, લીમડો-લીંબડો, તૂમડું-તૂંબડું, કામળી-કાંબળી, ડામવું-ડાંભવું, પૂમડું-પૂંભડું, ચાંલ્લો-ચાંદલો. સાલ્લો-સાડલો એ બંને રૂપો ચાલે.

નિયમ-31]  કહેવડાવવું-કહેવરાવવું, ગવડાવવું-ગવરાવવું, ઉડાડવું-ઉરાડવું, બેસાડવું-બેસારવું, જેવાં જેવાં પ્રેરકરૂપોમાં ડ અને  ર નો વિકલ્પ રાખવો.

નિયમ-32]  કવિતામાં નિયમાનુસાર જોડણી વાપરી હ્રસ્વ દીર્ઘ બતાવનારાં ચિહ્નો વાપરવાં.

નિયમ-33]  જે શબ્દોની જોડણી કે ઉચ્ચારને વિષે એકરૂપતા ચાલતી હોય તે શબ્દોની, ઉપરના કોઈ નિયમો અનુસાર જુદી જોડણી થતી હોય છતાં, પ્રચલિત જોડણી કાયમ રાખવી. ઉદા. મુજ, તુજ, ટુકડો, ટુચકો, મુજબ,પૂજારી,મુદત, કુમળું,કુસકી, ગુટકો, કુલડી.