શબ્દકોશમાં ક્ષ, જ્ઞ, દૃ, દ્ર વગેરે ક્યાં મળશે ?

GUJARATI–ગુજરાતી નામક સાઈટ પર “માતૃભાષા” નામનું મારું એક નવું ગ્રુપ શરુ કર્યું છે જેનો હેતુ ભાષા અંગેની જાણકારી મુકવાનો છે. તેના એક ભાગ રુપે આજે શબ્દકોશમાંના કેટલાક શબ્દોના સ્થાન બાબતે લેખ મુકવાનો છે તેને અહીં પણ પ્રગટ કરું છું. આશા છે કોઈને તો તે ઉપયોગી થશે જ.  – જુ.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

શબ્દકોશમાં ડોકીયું                           – જુગલકીશોર.

ગુજરાતી જોડણીકોશમાં શબ્દને શોધવાનું અંગ્રેજી શબ્દકોશ કરતાં ઘણું અઘરું છે. અંગ્રેજીમાં તો એબીસીડી યાદ હોય તો બીજી કોઈ પણ તકલીફ લેવાની હોતી નથી. અંગ્રેજી કક્કાના બધા જ શબ્દો ક્રમ મુજબ ગોઠવાયેલા હોય છે. અને એ જ રીતે દરેક શબ્દ માટેના વીભાગમાંનો એકોએક શબ્દ એ જ ક્રમ મુજબ ગોઠવાયેલો હોય છે.

પરંતુ ગુજરાતીનું સાવ એવું નથી. ગુજરાતી શબ્દકોઈમાં શબ્દો શોધવા માટે બે બાબતો યાદ રાખવાની હોય છે.

એક, બારાખડી (સ્વરો) અને બીજો, કક્કો (વ્યંજનો).

આખા શબ્દકોશમાં કક્કાના દરેક શબ્દને કક્કાવાર થી સુધી વ્યંજનોના ક્રમે ગોઠવેલા હોય છે. જ્યારે દરેક મુખ્ય વીભાગમાંના દરેક શબ્દને પેટા વીભાગમાં સ્વરોના ક્રમમાં (બારાખડી) મુજબ અ,આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ સુધીના ક્રમ મુજબ ગોઠવેલા હોય છે. બારાખડીમાં છેલ્લે અનુસ્વાર આવે છે તેને દરેક અક્ષરના વીભાગમાં દરેક પેટા વીભાગને અંતે લેવામાં આવે છે. ઉદાહરણથી આને સમજીએ.

સૌથી પહેલો વીભાગ અથી શરુ થાય છે. અ વીભાગના બધા જ સ્વરોને એકી સાથે લઈ લેવામાં આવે છે, છેક ઔ સુધી. ત્યાર બાદ ક્રમ આવે છે ક નો. પછી ખ, ગ, ઘ, ચ, છ એમ છેક હ સુધીના મુખ્ય વીભાગો હોય છે.

હવે મુખ્ય વીભાગમાં પેટા વ્યવસ્થા મુજબ જોઈએ તો ત્યાં સ્વરના ક્રમે બારાખડી મુજબ શબ્દો ગોઠવાયેલા હોય છે. જેમકે ક ના મુખ્ય વીભાગમાં ક, કા, કિ, કી, એમ કૌ સુધીના શબ્દો ગોઠવેલા હોય છે.

પરંતુ અનુસ્વારને તો દરેક પેટા વીભાગમાંના સ્વરના ક્રમે અંત ભાગે મુકેલા હોય છે. જેમકે ક માં છેલ્લે કં આવે. કા માં પણ છેલ્લે કાં આવે અને કૌમાં છેલ્લે કૌં આવે. એ જ રીતે ખ,ગ,ઘ,ચ,છ, વગેરેની ગોઠવણ હોય.

એક ત્રીજી વ્યવસ્થા પણ શબ્દકોશમાં હોય છે તે પણ યાદ રાખી લેવી રહી. દરેક અક્ષરના મુખ્ય વીભાગના બધા સ્વરો પુરા થાય પછી જોડાક્ષરો મુકાવા શરુ થાય છે. જેમકે જો ક અંગેનો મુખ્ય વીભાગ હોય તો ક, કા, કિ, કી, કુથી લઈને કૌ સુધીના શબ્દો પુરા થાય ત્યાર બાદ જ જોડાક્ષરો શરુ થાય છે. દા. ત. વીભાગમાં છેલ્લો સ્વર કૌ આવે છે. તેના પછી કૌ પરના અનુસ્વારી શબ્દોમાંનો છેલ્લો શબ્દ કૌંસ આવે ને ત્યાર જ ‘ક્યમ’ શબ્દથી જોડાક્ષરો શરુ થાય છે. એ જ રીતે ખ ના મુખ્ય વીભાગમાં છેલ્લે ખૌ ઉપરનો કોઈ શબ્દ ન હોવાથી ખો શબ્દ પરનો અનુસ્વારી શબ્દ ખોંચ છેલ્લો છે અને ત્યાર બાદ જ જોડાક્ષરો શરુ થાય છે જેમકે ખોંચ પછી ખ્યાત, ખ્યાલ વગેરે.

આ બધું તો બહુ જાણીતું છે અને મોટાભાગનાને એની ખબર જ હોય છે. છતાં એક સાથે બધું મુકવાની ગણતરીએ આ વાત મુકી. પરંતુ કેટલાક શબ્દો એવા અક્ષરોથી શરુ થતા હોય છે કે તેને ક્યાં ગોતવા એની મુંઝવણ થાય. જેમકે ક્ષ, જ્ઞ, દૃ, દ્ર વગેરે. આ દરેક અક્ષરને સમજીને એનું સ્થાન યાદ રાખી લેવા જેવું છે. સૌથી પહેલાં સહેલો શબ્દ ક્ષ લઈએ.

ક્ષ અક્ષર ક + ષ = ક્ષ એમ બનેલો છે. તેથી શબ્દકોશમાં તેનું સ્થાન ક વીભાગમાં જ હોય તે સ્વાભાવીક છે. (અમે ભણતા ત્યારે કક્કામાં ક્ષ અને જ્ઞને હ, ળ પછી મુકવામાં આવતા. ળ પરથી કોઈ શબ્દો હોતા નથી તેથી હ ને કોશમાં છેલ્લો ગણાય છે. ક્ષ ને ક વીભાગમાં મુકવામાં આવે છે.

હવે જોડાક્ષરનો નીયમ યાદ કરો,તો ક વીભાગના સ્વરોના છેલ્લે કૌ પછી કૌં આવે અને ત્યાર બાદ જોડાક્ષરો શરુ થાય…

ક સાથેના જોડાક્ષરોમાં પ્રથમ ય સાથેના ક્ય, ક્યા, ક્યાં, ક્યૂ, ક્યૌં પછી ર સાથેના ક્ર, ક્રા, ક્રિ, ક્રી, ક્રુ, ક્રૂ, ક્રે, ક્રો,ક્રૌર્ય, ક્રૌંચ, પછી લ સાથેના ક્લબ, ક્લાન્ત, વગેરે પછી વ સાથેના ક્વચિત્, ક્વૉરેન્ટિન આવી ગયા પછી એટલે કે વ પછી શ આવતો હોવાથી ક + ષ મુજબ ક્ષનો વારો તે જોડાક્ષર હોવાથી આવે !!

ટુંકમાં કહીએ તો ક્ષ ને ગોતવા માટે ક્રૌં જ નહીં પણ ક્વૉરૅન્ટિન સુધી જવું પડે. આ વાત સીધી રીતે આરંભમાં જ કહી શકાઈ હોત પરંતુ આ આખો દાખડો (૧) ક નો કક્કો, (૨) ત્યાર બાદ અનુસ્વારની બારાખડી અને ત્યાર બાદ (૩) જોડાક્ષરોનો કક્કો એ બધાંને યાદ રાખવાનાં હતાં તેથી લાંબો પંથ કાપ્યો છે.

બીજા અક્ષરો જ્ઞ, દૃ અને દ્ર અંગે હવે પછી.

Advertisements

સુંઠ-ઝીંઝરના સ્વાદમુળ ક્યાં ?!

શબ્દનું પગેરું–2.

સુંઠ સુકાયા પછી જ એ નામથી ઓળખાય. એના પુર્વાશ્રમમાં એ આદુ તરીકે ઓળખાય છે.( એના આયુર્વેદીય ગુણો તો એટલા બધા છે કે એકવાર જાણીએ એટલે એ ગુણો જ આપણી પાછળ આદુ ખાઈને પડી જાય !) અંગ્રેજીમાં ઝીંઝર તરીકે ઓળખાતાં આ ઔષધો આપણાં અમુલ્ય સાથીઓ છે.

આદુ,અદરક,આલે( મરાઠી),ઈન્જી (તમીળ)નું મુળ સંસ્કૃતમાં ‘આર્દ્રક’ને ‘આર્દ્ર’માં છે. એ જ રીતે સુંઠનું મુળ ‘શુંઠી’માં છે. અંગ્રીજીના કેટલાક શબ્દોનું મુળ તમીળમાં નીકળે છે.જેમકે મેન્ગો  માટે તમીળમાં ‘માન્ગાય’; નાગરવેલ-પાન ‘બીટલ’માટે ‘બેટ્ટીલે’; સોપારી ‘અરેકા’ માટે તમીળમાં ‘અડક્કે’; અને ચોખા ‘રાઈસ’નું મુળ ગ્રીકનું ‘ઓરીઝા’ વાયા તમીળ ‘અરીશી’માંથી ગણાય છે.

સંસ્કૃત શુંઠીનું મુળ શુષ્ટીનું શુષ્=સુકાવું હોઈ શકે અથવા તમીળના ‘શુન્ડુ’=સુકાવુંમાં પણ હોઈ શકે. તમીળ શબ્દ ચુક્કુ=સુંઠ નું મુળ પણ સંસ્કૃત ‘શુષ્ક’ અને પ્રાકૃત ‘સુક્ક’ માં હોય.

અને એક પીણા તરીકે જીન્જર શબ્દ આપણી ભાષાઓમાં પીવાઈ જઈને કેવો પચી ગયો છે !! 

===========================================================

( આધાર અને સૌજન્ય : ભાયાણી સાહેબનું ‘શબ્દકથા’ )

શબ્દનું પગેરું !!

જમણ–જમણું/ડાબું.

દક્ષીણ એટલે જમણીબાજુનું અને વામ એટલે ડાબી બાજુનું એ તો જાણીતી વાત. પણ જમણ=જમવું, અને જે હાથે જમવાનું હોય તે હાથ જમણો ! ‘જમણ  કરાવનાર.

સંસ્કૃત ‘જેમન’ પરથી પ્રાકૃતમાં ‘જેમણઅ’ ને પછી ‘જિમણઉ’ ને એમ ‘જમણું’.હેમચન્દ્રાચાર્યના સમયમાં ‘જેમણય’ શબ્દ કોઈપણ  જમણા અંગ માટે વપરાયો હતો.

કેવું થયું, જે નામ હતું તે વીશેષણ બનીને પ્રચલીત થઈ પડ્યું !!

શબ્દો / પ્રયોગો : ‘ગરબો’

વચ્ચે ગરબો મુકીને તેની ફરતે બહેનો જે રાસમાં ગાતાં ગાતાં ઘુમે છે તેને ગરબો તરીકે આપણે ઓળખીએ છીએ.પહેલી નજરે ગરબો બહેનોના એક રાસનો પ્રકાર જણાય છે પરંતુ ગરબો એ એક પાત્ર-વાસણનું નામ ( ગરબાના કાર્યક્રમમાંના એક પાત્રનું નામ પણ)હતું. માટીના ઘડાને ગર્ભ (ઘડા) પરથી ગરબો કહેવાનું પ્રચલીત બન્યું.અને એને વચ્ચે મુકીને, મહત્વના સ્થાને મુકીને ગવાતા રાસને જ ગુજરાતે ‘ગરબો’ નામ આપી દીધું.

પરંતુ વાત આટલેથી અટકી નહીં. ગરબામાં ફરતાં ફરતાં ગવાતાં ગીતને અને એ પ્રકારની ગીતરચનાને પણ ગરબો નામ અપાયું અને ગીતોના એક પ્રકાર તરીકે, સ્વરુપ તરીકે પણ ગરબો પ્રસીધ્ધ થયો ! એક પાત્રનું નામ હ્તું તે આગળ જતાં રાસના નામ તરીકે અને એથીય આગળ વધીને કાવ્યના એક પ્રકાર તરીકેય ગરબો સ્થાન-માન પામ્યો.. વલ્લભ ભટ્ટે પોતાના “આનંદના ગરબા”ને તો છંદ તરીકેય ઓળખાવ્યો છે ! હકીકેતે ગરબો એ શબ્દ હવે ફક્ત સમુહમાં ફરતાં ફરતાં ગવાનારા ગીત કે કાવ્યના પ્રકાર રુપે જ ઓળખાય છે.

કેટલીક જગ્યાએ ગરબો-ગરબી રાગ તરીકે પણ ઓળખાયાં છે.સૌરાષ્ટ્રમાં પુરુષો દ્વારા ગોળ ઘુમીને ગવાતા રાસના પ્રકારને ગરબી કહેવાય છે. સ્ત્રીજાતીની ગરબી પુરુષોના રાસ માટે ને પુલ્લીંગજાતીનો ગરબો સ્ત્રીઓ માટે ! રાસ પરથી રાસડો પણ સ્રીઓનો જ બની રહ્યો છે.

ગરબો એક પ્રકાર તરીકે લાંબી રચના ગણાય છે અને તેમાં મંગળાચરણ,ફળશ્રૃતી વગેરેને પણ સ્થાન હોય છે.તેમાં દેવીભક્તી,રાધાકૃષ્ણ અને હનુમાનભક્તી પણ ગવાઈ છે.સામાજીક વીષયો પણ તેમાં સમાવાયા છે. ગરબાને રાગે ગવાતી હોય એવી કવીતા નરસીંહ મહેતાએ પણ રચી છે. ભાણદાસની રચનામાં પણ ‘ગરબો’  શબ્દ પ્રયોજાયો છે. કર્તાએ પોતાની કૃતીને ગરબો નામ આપ્યું હોય તો તે વલ્લભ ભટ્ટે.

ગરબાના પ્રકારમાં આવતી ગેયતામાં જરુરી તાલ અને તાળી તથા પગના ઠેકા પણ એની ગેયતાનાં પ્રમાણો છે.ગરબો આપણી ગુજરાતી સંસ્કૃતીનું મહત્વનું તત્વ છે.

કેટલાક શબ્દો:


ઈન્દ્રીયવ્યત્યય

મનુષ્યની પાંચેય જ્ઞાનેન્દ્રીઓને પોતપોતાનાં કાર્યો છે.કાન સાંભળવાનું ને આંખ જોવાનું કરે.એકબીજાના ક્ષેત્રમાં તેઓ માથું ન મારે.( યાદ છે ને સીતાસ્વયંવરની પહેલાં વાટીકામાં રામ અને સીતા એકબીજાનાં દર્શનથી એટલા બધા અભીભુત બને છે કે એનું વર્ણન કરી શકાતું નથી !આવી પરીસ્થીતીને તુલસીદાસ આ રીતે સમાજાવે છે : “ગીરા અનયન,નયન બીનુ બાની!” આંખોએ આ રુપ જોયું તો ખરું,પણ એની પાસે વર્ણન કરવાની શક્તી-જીભની કામગીરી-નથી ;જ્યારે જે વર્ણન કરી શકે છે તે જીહ્વાએ આ મઝાનો પ્રસંગ જોયો નથી !!)

પરંતુ આધુનીક કવીઓને આ તકલીફ પડતી નથી ! તેઓ તો એક ઈન્દ્રીયનું કામ બીજી ઈન્દ્રીઓ દ્વારા પણ લઈ શકે છે.જુઓ આપણા રાવજી પટેલ કેવી રીતે આ કામ કરી બતાવે છે : ‘આભાસી મૃત્યુનું ગીત’માં તે કહે છે:”રે હણહણતી મેં સાંભળી સુવાસ” અહીં તેઓ ઘોડાના હણહણાટને કાનથી સાંભળવાને બદલે ઘ્રાણેન્દ્રીયથી સુંઘે છે !આપણા અણુકાવ્યોમાં એક હાઈકુ છે : ” પ્રથમ વર્ષા / આભધરતી મળ્યાં / માટી ગહેકી !” પહેલા વરસાદે માટી ભીની થઈને મહેકે અને મોરલો ગહેકે. હાઈકુની સાંકડી જગ્યામાં માટીને ગહેકાવીને મોરલાને બતાવ્યા વીના એક સાથે માટી-મોરલાની-બંનેની ખુશી વ્યક્ત કરી છે એટલું જ નહીં એકથી વધુ ઈન્દ્રીયનાં કાર્યોનો એક જ સ્થાનેથી અનુભવ કરાવ્યો છે !!