માત્રામેળ છંદોના કેટલાક નિયમો (૫)

               – જુગલકિશોર
નિયમ 1 : અક્ષરમેળ છંદોની માફક આ છંદોમાં અક્ષરોની ગણના કરવાની નથી હોતી. ફક્ત માત્રાઓ (લઘુ-ગુરુની સંખ્યા) જ ગણવાની હોય છે. એક પંક્તીમાં માત્રાઓ ચોક્કસ સંખ્યામાં હોવી જ જોઈએ; અક્ષરોની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે.
દા.ત. :   હરીગીત છંદને જોઈએ :
આ છંદની કુલ માત્રા-28 છે. યતી એટલે કે અટકવાનું -14 કે 16મી માત્રાએ હોય છે. આ છંદનું બંધારણ :
દાદાલદા દાદાલદા દાદાલદા દાદાલદા : આમાં દા એટલે ગુરુ અને લ એટલે લઘુ. હવે કુલ દા ૧૨ છે એટલે એની માત્રા થઈ ૨૪. અને લ કુલ ૪ હોઈ તેની માત્રા ૪નો સરવાળો એટલે ૨૮ માત્રાનો છંદ થયો ! હવે નીચેની પંક્તિના દા અને લ કુલ કેટલા છે તે ગણશો તો માત્રા ૨૪ થશે.
ઉદા.પંક્તી :       “આ   છંદ ને આ  વ્યાકરણ,  આ  તાલ-માત્રાઓ   થકી
                          ના કાવ્ય બનતું એમ, ભાવ, વિચાર વિણ, એ તો નકી.”
 નિયમ 2 : માત્રાઓનું સ્થાન પણ નક્કી નથી હોતું બલકે એક ગુરુની જગ્યાએ બે લઘુ કે બે લઘુની જગ્યાએ એક ગુરુ મુકી શકાય છે.
દા.ત. આ છં દ ને આ વ્યા ક ર ણ (દાદાલદા દાદાલદા ૧૪)
       દા દા લ દા દા દા  લ લ લ અહીં દાદાલદા દાદાલલલ એમ થાય છે ને ?! પણ છેલ્લા બન્ને લલને એક દા ગણી લેવાથી દાદાલદા થઈ જશે ! બીજી રીતે પણ થઈ શકે છે, જુઓ :
        બસ છંદ વળી આ લઘુગુરુ (લલ દાલ લલ દા લલલદા : કુલ માત્રા ૧૪)
ટૂંકમાં છંદના નિયમ મુજબ પંક્તિમાં નક્કી થયેલી માત્રાઓની સંખ્યા મળવી જોઈએ.
નિયમ 3 : દરેક છંદના સંધિનાં આવર્તનો (રીપીટીશન્સ) દરેક પંક્તિમાં થવાં જ જોઈએ. અક્ષરમેળમાં જેમ ગણો હોય છે તેમ જ માત્રામેળમાં સંધિ (નક્કી માત્રાઓનું ગ્રુપ) પણ નક્કી હોય છે.
સંધિના કેટલાક પ્રકારો (ગ્રુપો) :
લલદા લલદા લલદા લલદા
દાલદા દાલદા દાલદા દાલદા
દાલલદાદા દાલલદાદા
દાદા દાદા દાદા દાદા
લદાદા લદાદા લદાદા લદાદા આવાં ઘણાં ગ્રુપો હોય છે જેને યાદ રાખવાની જરૂર નથી ! એ આપોઆપ યાદ રહી જાય છે.
4] દરેક સંધિ (ગણસમુહ)માં નક્કી સ્થાન પર તાલ આવે છે. કાવ્ય વાંચતાં કે ગાતી વખતે આ તાલ રીતસરનો અનુભવાય છે. કહેવાય છે કે સંગીતના વીવીધ તાલમાંથી આ સંધિઓ જન્મ્યા છે. આ તાલ એ પણ માત્રામેળ છંદનું મહત્ત્વનું અંગ છે.
5] યતિ એ માત્રામેળ છંદોનું અનિવાર્ય અંગ નથી. એટલું જ નહીં યતિ જો આવતી હોય તો તેની પહેલાંનો અક્ષર લઘુ હોય તો ચાલે છે ! અક્ષરમેળ છંદોમાં યતિની પહેલાંનો અક્ષર ગુરુ જ હોવો જોઈએ.
6] માત્રામેળ છંદોમાં પંક્તિને અંતે આવતા પ્રાસ (અંત્યાનુપ્રાસ) જરૂરી હોય છે. એનાથી પંક્તિ પૂરી થયાની જાણ થાય છે.
7] ચાર માત્રાના સંધિ (દાદા)ને ચતુષ્કલ સંધિ કહે છે; પાંચ માત્રાના સંધિ (દાલદા)ને પંચકલ, તથા સાત માત્રાઓના સંધિ (દાલદાદા/દાદાલદા)ને સપ્તકલ સંધિ કહેવાય છે. ગઝલમાં પંચકલ અને સપ્તકલ સંધિઓનું મિશ્રણ કરીને અનેક છંદો બને છે. માત્રામેળમાં આવું જોવા મળતું નથી. અક્ષરમેળમાં તો યતિને કારણે જે ટુકડા પડે છે તે એક જાતના સંધિ જ ગણાય. અને એ દૃષ્ટિએ અક્ષરમેળ છંદોમાં પણ સંધિઓનું મિશ્રણ થયું ગણાય !
8] અક્ષરમેળ છંદોથી માત્રામેળ છંદોને અલગ પાડવા માટે અક્ષરમેળમાં માત્રાની ગણતરી ‘ગાલ’ (ગુરુ-લઘુ) શબ્દથી દર્શાવવામાં આવે છે જ્યારે માત્રામેળમાં ગુરુલઘુને ‘દાલ’ શબ્દથી દર્શાવાય છે.

મારી છંદયાત્રા

છંદ સાથેનો નાતો તો ૧૯૫૭–૫૮થી જ બંધાયો હશે. બરાબર યાદ નથી કયા ધોરણમાં એ ભણવામાં આવેલા, પણ જે કેટલીક પ્રાર્થનાઓ કે અમુક ગીતો રાગ(ડા) સાથે ગવાતાં એમાં કોઈ ને કોઈ છંદ રહેલો હોય છે એની જાણકારીએ આનંદ આપ્યો હશે નક્કી. શિખરિણી ને મંદાક્રાંતા જેવા છંદો જ યાદ રહી જાય ને યાદ આવતા રહે….બીજા કેટલાય મજાના છંદોનું એ વખતે શું મહત્ત્વ હોય !

ગાઈ જ ન શકાય ને છતાં બહુ ગમે એવો પૃથ્વી છંદ તો બહુ મોડો સમજાયેલો. અનુષ્ટુપ, વસંતતિલકા કે ઝૂલણા જેવા છંદો હૃદયસ્થ બન્યા તે વાત તો બહુ પછીની. બાકી –

“ઇલા સ્મરે છે અહીં એક વેળા, આ ચોતરે આપણ બે રમેલા” કે પછી

“પુરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં” કે બ્રાહ્મણોના મુખે સંભળાતા

“શક્રાદય: સુરગણાનિ હતેતિવીર્યે, તસ્મિન્દુરાત્મનિ સુરારિબલે ચ દેવ્યા…” કે

“રામો રાજમણિ સદા વિજયતે, રામં રમેશં ભજે…”…તો વળી

“અરર બાલુડાં, બાપડાં અહો, જનની આ હવે સ્વર્ગમાં જતી…”

“નરદેવ ભીમકની સુતા, દમયંતિ નામે સુંદરી…” અને

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, ઝૂઝવે રૂપે અનંત ભાસે….” તથા

“અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે !”

વગેરે વગેરે વગેરે પંક્તિઓ અવારનવાર સંભળાતી ને યાદ રહી ગયેલી તે બધી અનુક્રમે ઈન્દ્રવજ્રા, ભુજંગી, વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત, લલિત, હરિગીત, ઝૂલણા અને મનહર જેવા મજાના છંદોમાં રચાયલી છે એનું ક્યાં ભાન હતું ?!

ને છતાંય એ પંક્તિઓનો લય મનને ડોલાવી દેનાર હતો ! કારણ કે આ બધા છંદોની માધુરીને ચિત્ત વશ હતું. ત્યારે ખબર નહોતી કે એક દી’ આ જ છંદોમાં પંક્તિઓ રચવાની થશે !

પણ એનોય નાનકડો ઇતિહાસ છે.

મેટ્રિક પાસ કરીને રૂપાવટી ગામને પાદર આવેલા સરકારી મકાનમાં મોટાભાઈની સાથે રહેતા તે ઘરના ફળિયામાં બેસીને કોઈ કવિની એક રચના મનમગજમાં ઘુંટાઈ ગયેલી તેણે એ જ કાવ્યના જેવા શીર્ષકથી ‘બનું’ નામક કવિતા ઠઠાડી દીધેલી – એના જ છંદ શિખરિણીમાં. બાપુજીને બતાવી, તો ‘પુત્રનાં લક્ષણ’ જાણીને પોરસાયેલા પિતાજીએ એને (વખાણવા ખાતર) વખાણીય ખરી. સામે પક્ષે વધુ પોરસાઈને મેં (કદાચ ખોંખારો ખાઈને) કહેલું કે શિખરિણી છંદમાં છે હો !

સાહિત્ય અને સંગીતના જાણકાર પિતાજીમાં રહેલો શિક્ષક આ શી રીતે સહન કરી શકે ? વળતાં જ એમણે કહી દીધું, “ઈ વાત ખોટી ! આ શિખરિણી ન કહેવાય !” મેં કહેલું કે જુઓ એ જ રીતે, શિખરિણીની જેમ ગવાય તો છે ! તો કહે, ગયાય તેથી છંદ નો બની જાય !

પછી એમણે ત્યાં બેઠાં બેઠાં ગણ સમજાવ્યા અને કહ્યું કે દરેક છંદને નક્કી કરેલા ગણો હોય છે અને એ જ કારણે બધા જ અક્ષરો નક્કી કરેલી જગ્યાએ જ આવતા હોય છે. શિખરિણીના ગણો યમનસભલગ મને સમજાવ્યા !

થોડો નિરાશ થઈને, પણ ઊભી થયેલી ચૅલેન્જને પકડીને હું એક બાજુ સરી ગયેલો. ત્યાં જ બેસીને પછી ગણો મુજબ આખી રચના ફરી તૈયાર કરીને તે જ વખતે બતાવી ને કહ્યું હશે, “લ્યો, હવે આ જોવો તો !”

પિતાજીએ સાનંદાશ્ચર્ય દીકરાની કારીગરી જોઈને એને બરાબરનો સરપાવ આપતાં કહેલું કે “હવે સાવ બરોબર છે !!” (તા. ૨૬,૧૧,૬૧નું ઈ મારું પેલવેલું કવીતડું)

એમનાં આંખ અને અવાજમાં ઊભરાયેલો પ્રેમ પછી તો મને છંદના છંદે લગાડી ગયો તે છેક લોકભારતીમાં ન.પ્ર.બુચ જેવા પિંગળશાસ્ત્રી પાસે જઈને ધરાયો. એમની કને તો મારો છંદ મઠારાયો, ને વધુ ને વધુ સંસ્કારાયો. લોકભારતીમાંથી દીક્ષા લઈને ધંંધાહગડ થયા કેડ્ય અવારનવાર બુચભાઈની શિક્ષકનજર પત્રો દ્વારા મારા પર પડતી રહેતી અને સંભળાતી રહેતી કે “બહુ ઓછા વિદ્યાર્થીઓ છંદમાં લખે છે. તમને ફાવ્યું છે તો ચાલુ જ રાખજો…..”

પછી તો એક દી’ પેલું યાદગાર વાક્ય પણ ટપાલમાં ટહુક્યું :

“યાદ રાખજો, છંદોનું લોલક ફરી પાછું મૂળ સ્થાને આવશે ને છંદોનો મહિમા થશે. ત્યારે તમારી છંદભક્તિ લેખે લાગશે !”

બાકી હતું તે એમ.એ.ના છેલ્લા વર્ષનો મહાનિબંધ લખવાનો થયો ત્યારે પ્રાધ્યાપક કનુભાઈ જાનીએ વિષય પણ (મારા બન્ને છંદગુરુઓના આશીર્વાદનું જ પરિણામ જાણે !) એવો આપ્યો : “ઉમાશંકર અને સુંદરમનાં ગ્રંથસ્થ કાવ્યોમાં શિખરિણી”

આ નિબંધે મને પ્રથમ વર્ગ તો અપાવ્યો પણ છંદનો છંદ બરાબરનો લાગી ગયો….તે છેક આજ સુધી !!

મારા એ ત્રણે ગુરુજનોને પ્રણામ સહ આજનું આ છંદપુરાણ અહીં આટલું, બસ !

 

 

 

 

 

અક્ષરમેળ છંદોનો પાયો : ‘ગણ’

રૂપમેળ (અક્ષરમેળ) છંદોમાં ગણગણવાના છે ‘ગણો’ !

છંન્દોનું બંધારણ સમજવા માટે ગણોને જાણવા જરૂરી છેએમ કહ્યું તો ખરું પણ આ ગણ ખરેખર શું છે ?

ભગવાન શંકરને ગણો હતા ! ભારતની એક વખતની રાજ્ય વ્યવસ્થામાં ગણરાજ્યો વિષે સાંભળ્યું છે પણ કવિતામાંય ગણોને ગણવાના ?! ગણોની ગણના કવિતા જેવી નાજુક બાબતમાં કરીને એની પાછી સંખ્યાનીય ગણના (ગણતરી) કરવાની ?! કવિતા જેવા મઝાના વિષયમાં આવું  ગણ ગણ કરતા રહેવું એ નકામો ગણગણાટ કરવા જેવી બાબત નથી શું ?

આજના સ્વચ્છંદતાની ઉપાસનાના સમયમાં, સ્વતંત્રતાને નામે ઘણી છૂટછાટો લેવાની પરંપરા પેસી ગઈ છે અને સૌ શોર્ટકટ શોધતાં ફરે છે ત્યારે છંદની માથાકૂટમાં પડવાનું  અવ્યવહારુ ન ગણાય ?

ના, જરાય નહીં ! ગણોની વ્યવસ્થા એક વાર સમજાઈ જાય અને એ વ્યવસ્થા મનમાં બંધબેસતી થઈ જાય પછી આપણી સર્જનપ્રક્રિયામાં એકાકાર થઈ જાય છે અને એનો કોઈ જ જાતનો ભાર રહેતો નથી ! પછી તો કવિતાનું સર્જન થવાના ભાગરૂપે જ છંદો ગોઠવાતા જાય છે ! અહીં હું ફરી વાર ગણ શબ્દનો શ્લેષ કરીને કહીશ કે એક વાર છંદોનું બંધારણ મનમાં ગણગણતું થઈ જાય, રમતું થઈ જાય પછી એનો બોજ મન ઉપર કે સર્જનપ્રક્રિયા ઉપર થતો નથી, ને કવિતાના શબ્દો છંદના વહેણમાં જ વહેતા થઈ જાય છે. (છંદોની વાતમાં અક્ષરો અને માત્રાઓની વાત પણ ખૂબ મહત્ત્વની છે અને એને પણ સમજી લેવી જોઈએ પરંતુ એ વાત આપણે આગળ ઉપર જોઈશું.)

તો હવે જોઈએ આ ‘ગણ’ :

આપણે જોઈ ગયા કે છંદોમાં અક્ષરો અને માત્રાઓનું સ્થાન પણ મહત્ત્વનું હોય એટલું જ નહીં પણ ક્યા સ્થાન પર લઘુ અને ક્યા સ્થાન પર ગુરુ અક્ષર આવશે એ પણ ધ્યાનમાં લેવાનું હોય છે. ગણોને સમજવામાં પણ આ લઘુ-ગુરુનું સ્થાન મહત્ત્વ ધરાવે છે.

કાવ્યની પંક્તિમાં ત્રણ ત્રણ અક્ષરોના ગ્રુપ બનાવી દેવાથી આ વાત સરળતાથી સમજાશે. દા.ત. રે ‘પંખીડાં સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો’

ઉપરની આ પંક્તિને ત્રણ ત્રણ અક્ષરોના જૂથમાં વહેંચી દેશો તો શું થશે ? જુઓ –

રેપંખી / ડાંસુખ / થીચણ / જોગીત / વાકાંઈ / ગાજો

ઉપરનાં પહેલાં પાંચેય જૂથોના અક્ષરોનો લઘુગુરુની રીતે અભ્યાસ કરી જોશુ તો જણાશે કે –

પહેલા જૂથ (ગ્રુપ–યુનિટ)માં ગાગાગા,

બીજા જૂથમાં ગાલલ,

ત્રીજા જૂથમાં લલલ,

ચોથામાં જૂથમાં ગાગાલ,

પાંચમા જુથમાં ગાગાલ

એ મુજબ અક્ષરો ગોઠવાયા છે.

છઠ્ઠા જૂથમાં ત્રણ અક્ષરો થતા નથી ! તેથી એને ગણ કહેવાશે નહીં એટલે એ જૂથના બન્ને અક્ષરોને ગાગા કહી દેવા પડશે.

આ પંક્તિ મંદાક્રાંતા છંદની છે. હવે, મંદાક્રાંતા છંદની દરેક પંક્તિમાં આ દરેક જૂથ મુજબ જ ગોઠવણ કરવાની હોવાથી આ દરેક જૂથનું નામ તો પાડવું જ પડે !! આ કારણે હવે આપણે આ ગણોનાં નામકરણ તરફ આગળ વધીશું. (ઓળીજોળી, પીપળ પાન, પંડિતે પાડ્યાં ગણોનાં નામ !)

ગણોની ઓળખ માટે દરેક ગણના નામની વિગત :

દરેક ગણ ત્રણ અક્ષરોનો બનેલો હોય છે. અને દરેક ગણમાં લઘુ અને ગુરુ અક્ષરો નિશ્ચિત સ્થાન પર હોય છે, બલ્કે એમ કહેવું જોઈએ કે એ નક્કી થયેલાં સ્થાનોને આધારે જ એ ‘ગણ’ ઓળખાય છે. આપણા ભાષાશાસ્ત્રીઓ પણ બહુ જબરા માણસો હતા ! તે લોકો જાણતા હતા કે ભવિષ્યમાં બધાને સમજાવવા માટે કંઈક ને કંઈક સહેલો રસ્તો બનાવવો જ પડશે. એટલે તેમણે આપણા માટે આ ગણોને સમજાવવા માટે એકદમ સહેલાં સૂત્રો બનાવી રાખ્યાં છે !

જુઓ આ સૌથી પહેલું જ સૂત્ર : આ સૂત્રની રચના ગજબની છે. તે ગણોને યાદ રાખવાની સાવ સહેલી ચાવી પણ છે ! જુઓ –

ય મા તા રા જ ભા ન સ લ ગાઆ સૂત્ર બધાંએ કંઠસ્થ કરી જ લેવાનું છે. આ સૂત્રની રચના જ્યારે સમજાય છે ત્યારે આપણા આ વિદ્વાનો વિષે બહુ જ માન ઉપજે છે ! કેવી અદ્ભુત રીતે એમણે આ સૂત્ર દ્વારા બધ્ધું જ ગોઠવી આપ્યું છે !!

ઉપરના સૂત્રને સમજતાં પહેલાં આપણે દરેક ગણમાંના અક્ષરોની ગોઠવણી સમજી લઈએ. કોઈ પણ ત્રણ અક્ષરોનો શબ્દ લો. જેમકે મગન/ રખોડી/ સૂરત/ ખુરશી વગેરેતમે જોશો કે ત્રણેય અક્ષરો વારાફરતી લઘુ-ગુરુ ગમે ત્યાં આવી શકે છે.

 

આ ગોઠવણ કુલ આઠ રીતે થઈ શકે, એનાથી વધુ એક પણ ગોઠવણ ન થાય ! 

ત્રણ અક્ષરોવાળો કોઈ શબ્દ આ સિવાયની બીજી રચનામાં ગોઠવાઈ શકે જ નહીં ! આ ગોઠવણી આઠ રીતે થાય : (ગા=ગુરુ અને લ=લઘુ)


1]
લ ગા ગા – (યશોદા – યગણ)

2] ગા ગા ગા – (માતાજી – મગણ)

3] ગા ગા લ – (તારાજ – તગણ)

4] ગા લ ગા – (રાજભા – રગણ

5] લ ગા લ – (જ કા ત – જગણ)

6] ગા લ લ – (ભારત – ભગણ)

7] લ લ લ – (ન ય ન – નગણ)

8] લ લ ગા – (સ વિ તા – સગણ)

 

હવે આ આઠેય ગણોના અક્ષરોને જે નામ કૌંસમાં આપ્યાં છે તે દરેક નામનો પ્રથમ અક્ષર લઈને લાઈન બનાવીશું તો શું લખાશે ? જુઓ : 

ય મા તા રા જ ભા ન સ !!

એક લઘુનો  લ અને  ગુરુનો ગા  એમાં ઉમેરી દ્યો એટલે થઈ ગયું :


ય મા તા રા જ ભા ન સ લ ગા  

વાત આટલેથી પૂરી થાય તો તો આપણા વિદ્વાનોને પોસાય નહીં ! આ વાક્યની સૌથી મોટી ખૂબી તો એ છે કે એની અંદર જ આખી રચના પણ આપોઆપ ગોઠવી દીધી છે !! કઈ રીતે ? જુઓ :

એ વાક્યના પ્રથમ ત્રણ અક્ષરો લો. તો થઈ જાશે, યમાતા. એટલે કે પહેલો ગણ

(યશોદા/ લગાગા)!

 

હવે પહેલો અક્ષ્રર છોડીને તરતના ત્રણ અક્ષ્રરો વાંચો : તો થશે માતારા. એટલે કે બીજો ગણ (માતાજી/ ગાગાગા)!

 

હવે પહેલા બંને અક્ષરો છોડીને પછીના ત્રણ અક્ષરો વાંચો : તો વંચાશે : તારાજ.

એટલે કે ત્રીજો ગણ (તારાજ/ ગાગાલ)!

 

આ રીતે એક એક અક્ષર છોડતા જઈશું તો બધા જ ગણોની ગોઠવણી આપોઆપ થઈ જશે.

 

હવે આપણે મંદાક્રાંતા છંદની એક પંક્તિ લઈએ.

એ પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો

 

હવે દરેક ત્રણ ત્રણ અક્ષરોનાં જોડકાં બનાવીએ. જુઓ : 

 

એપંખી / નીઉપ / રપથ / રોફેંક /તાફેંકી /દીધો (છેલ્લે વધે તે બંને અક્ષ્રરો ગણમાં આવે નહીં એટલે એ બંને ગુરુ હોઈ, ગા ગા કહેવાના)

 

 હવે યાદ કરો, પ્રથમ જોડકા એપંખીનું ગણનામ શું હતું ? ગાગાગા= ગણ/ માતાજી.

બીજા જોડકા નીઉપનું ગણનામ ? ગાલલ=ગણ/ ભારત !

ત્રીજા રપથ નું ? લલલ= ગણ/ નયન.

રોફેંક જોડકાનું ગણનામ ? ગાગાલ=ગણ/ તાતાર

તાફેંકી જોડકાનું ગણનામ ?(એનું પણ એ જ નામ) ગાગાલ=ગણ/ તાતાર !

અને છેલ્લા બંને અક્ષરો દીધોગુરુ છે = ગા ગા. 

 

હવે બધા જ ગણોના અક્ષરોને લાઈનમાં ગોઠવી દો :

મ-ભ-ન-ત-ત-ગાગા.

આ થઈ ગયું મંદાક્રાંતાનું બંધારણ !! પરંતુ આપણા વિદ્વાનો દયાળુ પણ કેટલા હતા ? એમણે આપણને યાદ રાખવા માટે લીટી પણ તૈયાર કરી આપી : 

મંદાક્રાંતા, મભનતતગા, ગાગણોથી રચાયે. (વચ્ચે ચોથા-દસમા અક્ષર પછી અલ્પવિરામ મૂક્યું છે તેની ચર્ચા એના સમયે કરીશું.)


આપણે એ પણ સાબિત કરવું છે કે આ બધી માથાકૂટ લાગે છે એવી અઘરી તો નથી જ નથી. મારા પર વિશ્વાસ રાખજો, એને આપણે સહેલું બનાવીને જ ઝંપીશું. પણ એ માટેની પ્રથમ શરત એ છે કે તમે સૌ અભિપ્રાય અને ચર્ચા દ્વારા ધ્યાન દોરતાં રહો !

 

જુગલકિશોર.

 

 

છંદોના પ્રકારો કેટલા ? (પ્રકરણ ૩)

છંદના પ્રકારો :                                                                        – જુગલકિશોર

 

છંદોના બે મુખ્ય પ્રકારો છે :

       ૧) અક્ષરમેળ છંદો (અક્ષરોની ગણતરીના આધારે)

       ૨) માત્રામેળ છંદો (માત્રાઓની સંખ્યાની ગણતરીના આધારે)

નોંધ : છંદોના પ્રકારો પડ્યા છે તે મુખ્યત્વે તો કાવ્યની પંક્તિના માપને આધારે પડ્યા છે ! પંક્તીની લંબાઈ મુખ્યત્વે બે રીતે માપી શકાય છે :

૧) પંક્તિમાં કેટલા અક્ષરો છે તેના આધારે પંક્તિની લંબાઈ તથા

૨) પંક્તિમાં લઘુગુરુની મળીને કુલ કેટલી માત્રા થાય છે તેના આધારે.
    અક્ષરની ગણતરીવાળા છંદો. (આગળ આપણે જોઈશું કે તાલની ગણતરીથી પણ પંક્તિને માપવામાં આવતી હોય છે !)

૩) ત્રીજો પણ એક પ્રકાર છે તે ગઝલના છંદોનો. જોકે તે બધા પણ માત્રામેળ છંદો હોય છે પરંતુ તેમાં નીશ્ચીત માત્રાઓના એક કે વધુ સંધીનાં મીશ્રણો અને આવર્તનો થતાં હોય છે અને એમ કરીને મુખ્ય જે ૧૯ છંદો છે તેમાં જુદાજુદા સંધીઓ દ્વારા અસંખ્ય છંદો બન્યા છે. અહીં આપણે ગઝલના છંદોને હાલ તરત ચર્ચામાં લેતાં નથી.)

 

અક્ષરમેળ છંદો : આ પ્રકારના છંદોને ‘વૃત્ત’ કહે છે. વૃત્ત એટલે અક્ષરમેળ છંદો;
માત્રામેળ છંદો : આ પ્રકારના છંદોને ‘જાતિ’ કહે છે.જાતિ એટલે માત્રામેળ છંદો.

‘વૃત્ત’ અક્ષરમેળ છંદોના બે પેટા વિભાગ છે :
૧) અક્ષરમેળ છંદો અને
૨) રૂપમેળ છંદો.

‘જાતિ’ માત્રામેળના ત્રણ પેટા વિભાગ છે :
૧) માત્રામેળ છંદો
૨) સંખ્યામેળ છંદો
૩) લયમેળ છંદો

 

‘વૃત્તો’ અક્ષરમેળ :

આ પ્રકારના છંદોમાં (અક્ષરમેળ) અક્ષરોની સંખ્યા નક્કી હોય છે. પણ દરેક અક્ષર (લઘુ કે ગુરુ)નું સ્થાન નક્કી હોતું નથી. ગમે ત્યાં લઘુ કે ગુરુ આવી શકે છે. આ પ્રકારના છંદો ગાયત્રી, અનુષ્ટુપ, ત્રિષ્ટુભ, આખ્યાનકી.

ઉદાહરણ : ગાયત્રી : ત્રણ ચરણ; દરેક ચરણમાં આઠ અક્ષરો.

તત્સવિતુર્ વરેણ્યમ

ભર્ગો દેવસ્ય ધિમહી

ધિયોયોન પ્રચોદયાત્.

ઉદા. અનુષ્ટુપ : ચાર ચરણ; દરેકમાં આઠ અક્ષરો.

धर्मक्षेत्रे कुरुक्षेत्रे

समवेता युयुत्सव 

मामका: पांडवाश्चैव

किमकुर्वत संजय

હવે તો માંથી ફક્ત અનુષ્ટુપ જ પ્રચલિત છે. દા.ત. અનુષ્ટુપના પ્રત્યેક ચરણમાં 8 અક્ષરો હોય છે પણ લઘુ કે ગુરુ અક્ષર અહીં જ આવશે તે નક્કી નથી હોતું. એનો અર્થ એ થયો કે આવા છંદોમાં ગણો હોતા નથી. આપણે આઠ પ્રકારના ગણો હવે પછી શીખવાના છીએ. ત્યારે ખ્યાલ આવશે કે, એમાંનો કોઈ ગણ અનુષ્ટુપમાં ન હોય…તેનું કારણ શું હોઈ શકે ? 
(કારણ કે અક્ષરનું સ્થાન નક્કી હોય તો જ અને પંક્તિમાં અક્ષરોની સંખ્યા નક્કી હોય તો જ ગણની રચના થઈ શકે.)

 

નોંધ : અક્ષરમેળ (કે અક્ષરબંધ) છંદોમાં અક્ષરોની સંખ્યા નક્કી હતી પણ દરેકનું સ્થાન નક્કી નહોતું…..પરંતુ જેમ જેમ છંદોમાં પ્રગતિ થતી ગઈ તેમ તેમ દરેક અક્ષરનું સ્થાન પણ નક્કી થતું ગયું એટલે કે લઘુ કે ગુરુ દરેક અક્ષરનું રૂપ નક્કી થતું ગયું તેથી તેને રૂપમેળ છંદો કહેવાયા !!

 

આ રૂપમેળ છંદોમાં પણ પાછા બે પ્રકારો છે ! ૧ – યતિવાળા છંદો અને ૨ – યતિ વિનાના છંદો. જે છંદોમાં યતિ હોય છે તેવા છંદો જેમ કે શિખરિણી, મંદાક્રાંન્તા તથા યતિ વિનાના છંદો, જેમ કે વસંતતિલકા, ઇન્દ્રવજ્રા.

 

યતિ વિશે આપણે હવે પછી જાણીશું.

આ પ્રકારના,  રૂપમેળ છંદોમાં અક્ષરોની સંખ્યા નક્કી હોય જ છે. દા.ત. ઈન્દ્રવજ્રા છંદના ૧૧ અક્ષરો, ઈન્દ્રવંશાના ૧૨ અક્ષરો, વસંતતિલકાના ૧૪, પૃથ્વી–મંદાક્રાંતા–શિખરિણી વગેરેના ૧૭, શાર્દૂલવિક્રીડિતના ૧૯ અને સ્રગ્ધરાના ૨૧ અક્ષરો.

પરંતુ આમાંના દરેક અક્ષર તે લઘુ હોય કે ગુરુ, એનું દરેકનું સ્થાન પણ નક્કી જ હોય છે.  અને તે સ્થાન મુજબ પંક્તિમાં દરેક ત્રણ અક્ષરનો એક “ગણ” બને છે. (આ ગણ વિશે વિગતવાર આપણે જાણીશું ત્યારે એની કસરત કરવાની મજા પણ લઈશું !)

(બંને પ્રકારના અક્ષરમેળ છંદોમાંના અક્ષરો લઘુ-ગુરુને  લ-ગા એવી સંજ્ઞાથી ઓળખાય છે. લઘુની એક અને ગુરુની બે માત્રા છે.)

 

છંદોના મુખ્ય બે પ્રકારોમાં જાતિમેળ (માત્રામેળ) છંદો અંગે હવે પછીના હપતે.

છંદોમાં લય, લઘુ, ગુરુ અને કેટલીક છુટછાટ

– જુગલકિશોર

પ્રાસ્તાવિક : ૨

કવિતામાં લયનું બહુ મહત્ત્વ છે. લય એ પદ્યનું અનિવાર્ય અંગ છે. એટલું જ નહીં લય તો ગદ્યની પણ શોભા છે ! લય વાણી સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલો છે.

છંદશાસ્ત્ર આ લયના  નિયતરૂપ દ્વારા એક વ્યવસ્થા ઊભી થતી હોવાનું કહે છે. આપણા છંદશાસ્ત્રને પિંગળશાસ્ત્ર કહ્યું છે, કારણ કે તેનો આરંભ પિંગળમુની દ્વારા થયો હતો.  એમણે જ સૌથી પહેલાં છંદોની શાસ્ત્રીય છણાવટ કરી હતી. ‘પિંગળ’ શબ્દને આ રીતે પણ ઓળખવામાં આવે છે: પિં=પિંડ; ગ=ગુરુ અને લ=લઘુ.

ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ કાવ્ય એ કાનની કળા છે. એ ફક્ત વાંચવાનો વિષય નથી. ’ધ્વનિ’ એ કાવ્યની અંદર રહેલા સૂક્ષ્મ અર્થને સમજાવવા માટે પ્રયોજાતો શબ્દ છે. કાવ્યની અંદર રહેલો છૂપો અર્થ પ્રગટે એને પણ અર્થ ધ્વનિત થયો ગણાય છે. આ ધ્વનિત થતો અર્થ જ રસમાં રૂપાંતરિત થઈને “બ્રહ્મસ્વાદસહોદર” કે “વિગલિતવેદ્યાંતર” આનંદ આપી જાય છે.

પરંતુ કાવ્યના પઠન દ્વારા કાનને જે મધુર અનુભવ થાય છે તે કાવ્યના શબ્દોની પસંદગી, એનો લય વગેરે દ્વારા થતા બાહ્ય ધ્વનિને કારણે હોઈ પઠન કાવ્યની મધુરતા વધારનારું બની રહે છે. એક જ કવિતાની પંક્તિ-પંક્તિએ અલગ અલગ લયનો અનુભવ પણ થતો હોય છે ! એને પામી કે ઓળખી શકાય તો કવિતાને આપણે સાચા અર્થમાં ઓળખવાનો આરંભ કર્યો ગણાય !

કવિના મનમાં ઊભરતો ભાવ જ્યારે અવતરવા મથે છે ત્યારે જ એ કોઈ લયને પસંદ કરી લે છે. કવિની અનુભૂતિ અભિવ્યક્ત થવા પ્રવૃત્ત હોય છે ત્યારે જ એ ભાવને અનુરૂપ છંદની શોધ અને પસંદગી કરી લે છે ! (છંદમાં ન હોય તેવા કાવ્યમાં પણ લય તો હોય જ છે, જે કાવ્યના સર્જનની સાથે પ્રગટતી ઘટના છે) એટલે સિદ્ધ કવિને છંદ કદી બંધનરૂપ લાગતો નથી. (જોકે કાવ્યના સર્જનમાં પિંગળના છંદો અનિવાર્ય ગણાતા નથી. કાવ્યનો પોતાનો લય એ જ એનો છંદ.) આપણે 200 ફૂટના રસ્તા ઉપર પણ વ્યવસ્થિત ચાલી શકતા નથી જ્યારે બજાણિયો તો દોઢ ઈંચના દોરડા ઉપર કેટકેટલી લીલાઓ કરેછે !

કવિને પણ એ જ રીતે છંદનાં બંધનો શબ્દલીલા કરવા માટે નડતર બનતાં નથી. છંદની નિયત થયેલી વ્યવસ્થામાં પણ તે ભાવ અને અર્થની લીલાઓ જગાવી જાણે છે, બલ્કે વધુ નિખરી ઊઠે છે.

છંદ :

કાવ્યની પંક્તિમાં શબ્દોની પસંદગી જેમ એક વિશિષ્ટ લય આપે છે તેમ નિયત થયેલા છંદોની વ્યવસ્થા પણ આપોઆપ વિશેષ લયને જન્માવે છે.(એ શબ્દોની ગુંથણીમાંથી કવિતાનો વિશેષ ભાવ – કે વિચાર પણ –પ્રગટાવવો એ કવિતાનું મહત્ત્વનું પાસું છે પણ એનો વિચાર અહીં અપ્રસ્તુત છે.)

 

શબ્દ : વાક્ય શબ્દોથી બને છે તેથી કહીએ કે શબ્દ (પદ) એ વાક્યનો એકમ (નાનામાં નાનું યુનિટ ) છે.

અક્ષર : એ જ રીતે શબ્દ અક્ષરોથી બને છે તેથી અક્ષર એ શબ્દનો એકમ (નાનામાં નાનો ભાગ) છે.

શબ્દનો એકમ (આમ તો સાક્ષાત્ વાણીનો પણ !) અક્ષર ગણી શકાય.

વ્યંજનો (કક્કો)નો ઉચ્ચાર એકલો થઈ શકતો નથી. વ્યંજનની તરત પાછળ સ્વર જોડાય પછી જ વ્યંજનનો ઉચ્ચાર થઈ શકે છે. કેમ કે ક્ સાથે અ જોડાય તો જ ‘ક’ ઉચ્ચારી શકાય છે તે જ રીતે ક્+ઓ કરવાથી જ ‘કો’ બોલી શકાય છે.

આવા સ્વરયુક્ત વ્યંજનનો એક એકમ તે અક્ષર કે શ્રૃતિ…

શ્રુતિ/અક્ષરના ઉચ્ચાર મુજબ એની લંબાઈનું માપ છંદોમાં મહત્ત્વ બહુ હોય છે. અક્ષરના ઉચ્ચારની લંબાઈ બે રીતે માપવામાં આવે છે :

લઘુ અને ગુરુ :

છંદોમાં આ શ્રૃતિનું માપ કે એની લંબાઈને ખાસ ગણતરીમાં લેવામાં આવે છે. જલદી ઉચ્ચારાતા અક્ષરોને ‘લઘુ’ (લ) અને લાંબો ઉચ્ચાર માગતા અક્ષરોને ગુરુ (ગા) કહેવાય છે.

લઘુની લંબાઈનું માપ એક માત્રાનું ગણાય છે જ્યારે ગુરુની લંબાઈનું માપ બે માત્રાનું ગણાય છે.

  • બારાક્ષરી (બારાખડી)માંના અ, હ્રસ્વ ઇ, હ્રસ્વ ઉ, કોમળ અનુસ્વાર અને ઋ (જે હવે ઉપયોગમાં લગભગ નથી) એટલા અક્ષરો લઘુ છે. તેની માત્રા એક ગણાય છે.
  • બાકીના આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઊ, એ, ઐ, ઓ, ઔ, અં અને અ: આ બધા અક્ષ્રરો ગુરુ ગણાય છે. અને તેની માત્રા બે ગણાય છે.

કાવ્યના પઠનમાં લઘુ અક્ષરને જો લંબાવીને ઉચ્ચારવો પડે કે એને ગુરુ અક્ષરની જગ્યા પર યોજવામાં આવે અથવા ગુરુ અક્ષરને ટૂંકાવીને લઘુ તરીકે યોજવામાં આવે ત્યારે એને છંદનો ભંગ થયો કહેવાય છે.

આપણે જાણીએ છીએ કે મુશાયરાઓમાં કવિઓ એક માત્રાની લઘુ શ્રૃતિઓને કારણ વગર લંબાવી લંબાવીને રજૂ કરે છે ત્યારે કાનને તે ગમતું જ નથી. આવા છંદભંગો કાવ્યના સૌંદર્યને પારાવાર નુકસાન પહોંચાડે છે.

કેટલીક છૂટછાટો :

  • જોકે હ્રસ્વ ઇ અને હ્રસ્વ ઉને કવિઓ ઘણી વાર ગુરુ તરીકે પ્રયોજીને છંદને સાચવવા કરે છે;
  • અથવા દીર્ઘ ઈ તથા દીર્ઘ ઊને લઘુ તરીકે પ્રયોજતા જોવા મળે છે.

પરંતુ એકંદરે આ છૂટછાટ ચલાવી લેવામાં આવે તેવી હોય છે અને કવિને તે છૂટ મળતી રહી છે.

લઘુ અક્ષર આપોઆપ ક્યારે ગુરુ બની જાય છે ?

એવાં ત્રણ સ્થાનો છે કે જ્યાં લઘુ અક્ષર આપોઆપ ગુરુ બની જતો હોય !

૧) ખાસ કરીને જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ  જ ગણાય છે. જેમ કે ‘પર્ણ’ માં પ લઘુ હોવા છતાં પછીના જોડાક્ષરના થડકારાને લીધે તે પ દીર્ઘ બની જાય છે. શક્તિનો શ; ભસ્મનો ભ; રક્ષાનો ર વગેરે લઘુ હોવા છતાં જોડાક્ષરના થડકારાને લીધે ગુરુ ઉચ્ચાર માગી લે છે.

૨) બીજો પણ એક નિયમ એ છે કે પંક્તિ કે ચરણ પૂરું થાય ત્યારે છેલ્લો અક્ષર પણ લઘુ હોય તોય ગુરુ જ ગણાય છે ! (કાવ્યના પઠન વખતે પાઠકને એક પંક્તિ પૂરી કરીને બીજી પંક્તિ પર જતાં જે સમય લાગે છે તેને લીધે છેલ્લો અક્ષર આપોઆપ લંબાઈ જઈને ગુરુતા ધારણ કરી લે છે.)

૩) તીવ્ર અનુસ્વારવાળો અક્ષર લઘુ હોય તો પણ ગુર બને છે જેમ કે, સંધ્યા, મંદ, રંધો વગેરે.

યાદ રાખો કે પિંગળમાં ગુરુ અક્ષરને લઘુ કરીને એક માત્રાનો કરી દેવાની છૂટ નથી !

છંદોમાં અક્ષરોનું સ્થાન નક્કી જ હોય છે.

છંદમાં દરેક અક્ષરનું નિશ્ચિત સ્થાન હોય છે. જ્યાં લઘુનું સ્થાન હોય ત્યાં જ તે આવી શકે; બીજી રીતે કહીએ તો ત્યાં તે જ ચાલી શકે, ગુરુ નહીં. એવી જ રીતે ગુરુ અક્ષરની જગ્યાએ લઘુને પ્રયોજી શકાતો નથી.

છંદોમાં અક્ષરોના નિશ્ચિત સ્થાનને સમજવા માટે ‘છંદોનું બંધારણ’ સમજવું જરૂરી છે અને એ માટે ગણોની ઓળખ” મેળવી લેવી જરૂરી છે. એ બહુ જ સહેલું અને રસ પડે એવું, મઝાનું છે. પણ તે હવે પછીના હપ્તે !