હાઈકુમાં સ્થળ અને કાળની યોજના.

મીત્રો,

આગળ જે કાંઈ વાંચ્યું તે ગમ્યું હશે ખરું ? ભાગ્યે જ કોઈના સમાચાર આ અંગે વાંચવા મળ્યા છે. છતાં લીધું કામ તો પુરું કરવું જ રહ્યું ! 

તો પછી, બોલો હવે એ જ વાત વધુ આગળ ચલાવીશું ? કારણ કે મને બે–એક ખાસ વાત હાઈકુ અંગે કહેવાનું મન ઘણા સમયથી થયાં કરે છે. આ હાઈકુ, કેવી ગજબની ચીજ છે, એ જેમ જેમ એમાં ઉંડાં ઉતરવાનું થાય છે તેમ તેમ સમજાતું–અનુભવાતું જાય છે. 

કહેવાની વાત માત્ર ને માત્ર ત્રણ જ લીટીમાં – કુલ મીલાકે સત્તર અક્ષરોમાં ! એમાંય પાછું પીંછીના એક જ લસરકે ચીત્ર દોરી દેવાનું, ને છતાં એમાંથી ઉભી થતી ઈમેજ દ્વારા વીશ્વની કોઈ એક અજાયબી વાચકના મનોજગતમાં સ્થાપી દેવાની !! 

આ સત્તર અક્ષરોમાં માંડ સમાતા સાતથી દસ શબ્દોમાં બધી લીલા સમાઈ જાય ! એટલામાં આખો ખેલ ખેલાઈ જાય. છતાં એકાદ શબ્દ પણ જો આઘોપાછો થઈ જાય તો બધી જ સૃષ્ટી હાલકડોલક થઈ ઉઠે ! આટલું નાનકું ચણીબોર, ને છતાં એનો છાક તો જુઓ, ભાઈ ! 

પણ હજી મને આ વાત ઉદાહરણથી જ સમજવા દ્યો…..એક વાક્યને લઈને હું એને સ્પષ્ટ કરી લઉં. જુઓ આ નીચેનું વાક્યઃ 

 

બગીચામાં અમારી સાથે ઉડતાં પતંગીયાં હતાં.”

હવે આ જ વાક્યમાંનો એક શબ્દ ‘ઉડતાં‘ને જરા પાછળ લઈ જઈને જુઓ ––

બગીચામાં અમારી સાથે પતંગીયાં ઉડતાં હતાં.”

ઉપલક નજરે જોઈએ તો ઝાઝો ફરક દેખાતો નથી. છતાં ઝીણી નજરે જોઈશું તો ખ્યાલ આવશે કે પહેલાં વાક્યમાં ઉડતાં પતંગીયાં બગીચામાં ફરનારાંની સાથેના સાથીદારો જેવાં, કહો કે સાથે ફરવા આવેલા સ્નેહીજનો જ હતાં ! એ પતંગીયાં બગીચાનો ભાગ નહીં પણ ફરનારાંના સાથીદારો વીશેષ હતાં. માનવી અને પતંગીયા વચ્ચેની મૈત્રી આ વાક્યમાં કેવી સ્પષ્ટ થઈ જાય છે ! પરંતુ બીજા વાક્યમાં એક  શબ્દના ફેરાફાર માત્રથી પતંગીયાં બગીચાનાં રહેવાસી બની રહે છે – અને બગીચાની અન્ય ચીજો જેવાં માત્ર બની રહે છે ! એ સીવાયનો કોઈ જ સંબંધ એમની સાથે રહેતો નથી. તમે જુઓ ભાઈ, કે એક શબ્દના સ્થાનફેર માત્રથી આખો પ્રાસંગ કેવો સામાન્ય બની જાય છે ! હાઈકુમાં પણ શબ્દનું સ્થાન બહુ જ મહત્વનું હોય છે. 

સામાન્ય રીતે હાઈકુમાં કુલ અક્ષરો (૧૭) અને કુલ પંક્તીઓ (૩) જાળવવાનું ફરજીયાત હોય છે. તેવી જ રીતે એમાંના શબ્દોનું નીશ્ચીત સ્થાન પણ અત્યંત મહત્વનું હોય છે. 

એક બીજી વાત પણ સાથે સાથે ચર્ચી–સમજી લઈએ, કે હાઈકુમાંના શબ્દોનું સ્થાન અને હાઈકુમાંના પ્રસંગો એ બન્ને વચ્ચેનો પરસ્પર સંબંધ હોય છે અને હાઈકુના કવીએ એ અંગે વીશેષ કાળજી–જાગરુકતા રાખવાની હોય છે. હાઈકુમાં જેમ વીષય હોય છે તેવી જ રીતે એમાં સમય અને સ્થળ પણ મહત્વનાં હોય છે. Time and Space બન્ને શાશ્વત ચીજો હાઈકુના વીષય સાથે અવીનાભાવી સંબંધે જોડાય છે. (કોઈ પણ સાહીત્ય કૃતીમાં આ વસ્તુ અલબત્ત હોય જ પણ હાઈકુ જેવી નાજુક અને ટુંકી રચનામાં તેનો ખ્યાલ રાખવાનું વધુ જવાબદારીભર્યું બની રહે છે.) 

હાઈકુનો વીષય, એમાંનું સ્થળ કે એમાં વ્યક્ત થતો સમય – આ ત્રણમાંના જે તત્ત્વ પર હાઈકુ કેંદ્રીત થયું હોય એને માટે જ ખાસ પ્રયોજાયેલો શબ્દ જો યોગ્ય જગ્યાએ ન મુકાય તો તે તત્ત્વ તીવ્રતાથી પ્રગટ થવાને બદલે ગૌણ બની જાય છે. અને હાઈકુનું તીર ચોટ આપીને લક્ષ્યને વીંધી શકતું નથી. એવાં હાઈકુ ફીસ્સાં પડી જાય છે. અથવા તો કવી કહેવા ધારે કંઈક ને પ્રગટ થઈ જાય કંઈક ! 

એક બીજો દાખલો પણ શ્રી સ્નેહરશ્મિએ આપ્યો છે તે પણ જોઈ જ લઈએ. બાશોનું પ્રસીદ્ધ હાઈકુ –

જુનું તળાવ

લીલ ભરેલું; કુદ્યો

મેંડક ડબાક !

આ હાઈકુમાં કવી ભુતકાળના સ્થીર થઈને લગભગ ભુલાઈ ગયેલા જેવા સ્થળ (તળાવ)ને સ્ટેજ  બનાવીને એક પ્રસંગ (કે નાટકનું એક દૃષ્ય) રજુ કરે છે.આ દૃષ્ય અને તેમાંથી જન્મતી એક પરીસ્થીતી કે જે સાવ અવાવરુ થઈ ગયેલા તળાવને (કહો કે સદીઓથી નીર્જીવ થઈ પડેલા કાળને ) ક્ષણમાં જીવંત કરે દીધાં છે. હાઈકુના કવી માટે આ જ બાબત કેંદ્ર સ્થાને છે. હવે જુનું તળાવ” એ શબ્દોનું સ્થાન ફેરવીને હાઈકુ આ રીતે લખીએ તો ––

કુદ્યો મેંડક –

ડબાક્ ! લીલ ભરેલું

તળાવ જુનું” 

આખી વ્યંજના (ભાવકના મનમાં પ્રગટતી કે પ્રગટનારી અર્થચ્છાયાઓ) જ બદલાઈ જાય છે ! જુનું તળાવ કેંદ્રસ્થાને આવી જાય છે ! મેંડકનો કુદકો અને ‘ડબાક્‘ ધ્વની કે જે આખા કાળખંડને જીવતો કરનારાં તત્વો છે તે પાછલી સીટ ઉપર આવી જાય છે ! પ્રથમ હાઈકુમાં નીર્જીવ બની ગયેલું તળાવ (કે એક કાળખંડ) મેડકના કુદવા કે ડબાક્ (ધ્વની) માત્રથી સદીઓથી નીર્જીવ થઈ ગયેલું તળાવ જીવંત બની રહે છે; જ્યારે બીજા હાઈકુમાં મેંડકથી થતી બન્ને ક્રીયાઓ (દૃષ્ય–શ્રાવ્ય) પછી તળાવ એના પર કુચડો ફેરવી દ્યે છે !! 

આજે તો આટલું જ ! આ જ બાબતે હજી એકાદી વાત જેને હાઈકુના વીવેચકોએ વર્ટીકલ, હોરીજોન્ટલ અને ડાયાગોનીકલ ગણાવી છે તે પણ કરવી છે. જે હવે પછી…..

 

 

સર્જકજી ! તમારા હાઈકુને બોલવા દો !!

પ્રીય ભાઈ કાવાબાસુ,

 

તમે તો ભાઈ ભારે કરી ! મને બે પાઠ ભણાવીને એક બાજુ મારા માથાને ઘણી તકલીફ આપી, તો બીજી બાજુ સત્તરાક્ષરીમાં ડુબકીઓ ખવડાવી ખવડાવીને ભીનો ભીનો ને ભર્યો ભર્યો કરી દીધો !

 

જવાબમાં હુંય કાંઈક તો તમને પીરસું જ એમ વીચારીને આજે કેટલુંક રજુ કરું છું. આશા છે કે તમને અવશ્ય ગમશે. જુઓ, હાઈકુ વીષે અનેક લોકોએ કઈંક ને કંઈક લખ્યું હોય તે સ્વાભાવીક છે. એમાંની કેટલીક વાત અહીં લખીને મુકું છું. જોકે આ લખાણ મારું નથી. શ્રી સ્નેહરશ્મિના હાઈકુસંગ્રહની પ્રસ્તાવનામાં એમણે જે બતાવ્યું છે તેને ટુંકાણમાં મુક્યું છે.

 

૧ )  ઈમર્સનની એક ઉક્તી છે, તમે જે કંઈ છો, તે વીષે તમે એટલું જોરથી બોલો છો કે મને તે કાંઈ સંભળાતું નથી !

૨ )  ચિકામાત્સુ પણ એવું જ કંઈક કહે છે, કાવ્યમાંનું વસ્તુ બોલે, કવી નહીં.

૩ )  સાવ સામાન્ય ગણાતી ઘટના કે સામાન્ય જણાતી ભાષા હાઈકુના કવી પાસે આવે છે ત્યારે સામાન્ય રહેતી નથી. એ કોઈ વીરલ પ્રકાશથી ઝગમગી ઉઠે છે.

૪ )  આછા ધુમ્મસથી ઘેરાયેલો પર્વત કે વનશ્રીના સૌંદર્ય જેવું હાઈકુનું સૌંદર્ય હોય છે.

૫ ) સહેજસાજ ઢંકાયેલું અને સહેજસાજ પ્રગટતું રહેતું (જાદુગરની મુઠ્ઠી જેવું) સૌદર્ય જ કલ્પનો–ઈમેજીઝને પ્રગટાવે છે.

૬ )  ખુલ્લંખુલ્લા સૌંદર્યને કે વસ્ત્ર વીનાના દેહલાવણ્યને રંગ–રેખામાં ચીતરવાને બદલે જાપાની કલાકાર એ સૌંદર્યને ઝાકળમઢયા એવા અંતરપટમાં ઢબુરાયેલું અને છતાં ધબકતું રાખવામાં માને છે.

૭ )  સવારના કુણા સુર્યકીરણને દર્શાવીને સુર્યોદય સમયના સમગ્ર વાતાવરણનું કલ્પન આપી દેવાનું કામ હાઈકુનો કવી કરે છે.

૮ )  એ જ રીતે મોરના ટહુકા માત્રથી મેઘછાયા આકાશમાં વીજળીની રૌદ્ર અને સૌમ્ય અનુભુતી કરાવી આપવાનું કામ હાઈકુનો કવી કરે છે.

૯ )  એક નાનકડા બીંદુમાં આખા સમુદ્રની અખીલાઈને સાકાર કરી આપવા જેવી અદ્ભુત મંત્રશક્તી હાઈકુ સીદ્ધ કરી શકે છે.

૧૦ ) પાંચ જ્ઞાનેન્દ્રીયોમાંથી કોઈ પણ એકને પણ સ્પર્શી જઈને હાઈકુ સમગ્ર અસ્તીત્વને ઝણઝણાવી શકે છે.

૧૧ )  હાઈકુની આ શક્તીનાં મુળ જાપાનના ઝેન સંપ્રદાયની પ્રબળ અસરમાં રહેલાં જણાય છે. આવી અખુટ સામગ્રી જે જાપાની ઝેન સંપ્રદાયમાં પડી છે તેમાંથી જ હાઈકુ માટેની સંવેદના અવતરી હોવાનું મનાય છે.

૧૨ )  હાઈકુનો કવી નવી દુનીયા સર્જતો નથી પણ તે નવી દુનીયાના પ્રવેશદ્વાર પર ભાવકને મુકી દે છે.

૧૩ )  શ્રી બલાઈથ કહે છે તેમ એક ખડકમાં રહેલી મુર્તીનું દર્શન શીલ્પીને જ થાય છે અને એની છીણી પછી તો ખડકમાંનો વધારાનો ભાગ કાઢી નાખીને અંદર એને દેખાઈ ગયેલી મુર્તીને બહાર લાવી આપે છે, તેવી જ રીતે હાઈકુનો કવી શબ્દના સાધન દ્વારા અપ્રકટ સૌંદર્ય સૌની સમક્ષ ખુલ્લું કરી આપે છે.

 

ભાઈ કાવાબાસુ !

આ તો થઈ બીજાંઓએ લખેલી વાતો, હાઈકુ અંગેની. આપણે પણ આ અંગે કંઈ વીચારવાનાં ખરાં કે ? હાઈકુ ભલે તમારા દેશનો પ્રકાર હોય, અમે ગુજરાતીઓ પણ એને અમારું માનીને એનો વધુને વધુ લાભ કેમ ન લઈએ ? પણ હા, એને અપનાવતાં પહેલાં એને બરાબર પામીએ તે જ ખાસ જરુરી ગણાય ને ?

 

નાનકડા સત્તર અક્ષરના આ સ્વરુપને ન સમજીએ તો એનો પુરો અને સાચો લાભ લઈ ન જ શકાય. વીજળીના એક ક્ષણીક ઝબકારમાં મળેલા સમયગાળામાં મોતી પરોવી લેવાની આવડત અને એ માટેની તપસ્યા આપણને સાંપડે એવી પ્રાર્થના કરીને અહીં અટકું ?

 

તમે કુશળ હશો જ. તમારા દેશની આ કીમતી જણસ અમારા દેશ – ગુજારાત –નીય કીમતી જણસ છે એમ જણાવીને તમને વધુ કુશળ બનાવી શકું તો મારો આ પત્ર સફળ થયો ગણીશ !

 

સાયોનારા !!

તમારો સ્નેહી, –જુ.

 

હાઈકુ – ઉભાં, આડાં, ત્રાંસાં !!

સહયોગીઓ,

 

(હાઈકુ અગે ચાલી રહેલી આ લેખમાળા ખરેખર તો શ્રી સ્નેહરશ્મિના હાઈકુસંગ્રહની એમણે લંબાણપુર્વક લખેલી પ્રસ્તાવના – કે જે ‘સંસ્કૃતિ‘ના જુના અંકો એપ્રીલ અને મે, ૧૯૬૭માં પ્રગટ થઈ હતી – ના આધારે મારી ભાષા–શૈલીમાં મુકાઈ રહી છે. આમાં ભાષા સીવાય મારું કશું નથી…)

–––––––––––––––––––––––––––––––––––––––––––––

 

 

સ્નેહી જુ.ભાઈ !

 

ગયા પત્રમાં આપણે હાઈકુની જે ચર્ચા કરી તેમાં જોયું કે કેવળ સત્તર અક્ષરો અને ત્રણ પંક્તીઓમાં શબ્દો ગોઠવી દેવાથી હાઈકુ સર્જાઈ જતું નથી. એકાદ શબ્દ કે અક્ષરનેય આઘોપાછો કરવાથી હાઈકુની ચોટ જતી રહે છે. એટલું જ નહીં પણ કદાચ હાઈકુનો વીષય જ માર્યો જાય છે.

 

બીજું એ પણ જોયું કે હાઈકુમાંના પ્રસંગોનો અને શબ્દોના સ્થાનનો પરસ્પરનો સંબંધ પણ મહત્વનો હોય છે. હાઈકુમાં પ્રગટતા પ્રસંગો સ્થળ અને કાળને કેવી રીતે પ્રગટાવે છે વગેરે–

 

આજે હજી વધુ ઉંડાણમાં જઈને જોઈશું તો જણાશે કે હાઈકુમાંની ક્રીયાઓ ( જેમકે તળાવમાં દેડકાનો કુદકો અને ડબાક્ અવાજ) દ્વારા હાઈકુનો કવી એના વાચક–ભાવકને ચોક્કસ ‘સ્થળ‘ તરફ કે ચોક્કસ ‘સમય‘ તરફ દોરી જતો હોય છે !!

 

વાચકનું ધ્યાન ચોક્કસ દીશા કે સ્થળ તરફથી ફંટાઈને બીજી જગ્યાએ ન જતું રહે તેની પણ કાળજી એણે રાખવાની હોય છે. હાઈકુનો કવી જે ચીત્ર બતાવવા માટે ભાવકને ખેંચી જાય છે તેને વીવેચકો ત્રણ ભાગમાં વહેંચે છેઃ ( આ ત્રણેય પ્રકારોને જણાવ્યા છે તેના અંગ્રેજી શબ્દો કેનેથ યસુદાજીના છે જ્યારે કૌંસમાંના ગુજરાતી અર્થો શ્રી ધીરુભાઈ દેસાઈના છે. અને આ આખી વાત શ્રી સ્નહરશ્મિજીની પ્રસ્તાવનામાંની છે.)

 

ત્રણ પ્રકારોઃ વર્ટીકલ ( પ્રલંબ), હોરીઝોન્ટલ ( સમક્ષીતીજ ) અને ડાયાગોનલ ( ત્રાંસા ). આનો અર્થ એ કે, હાઈકુમાં ભાવકનાં મનઃચક્ષુને કવી કાં તો ઉંચે લઈ જાય છે કે આડાં લઈ જાય છે કે પછી ત્રાંસી દીશામાં લઈ જાય છે ! આ એક બહુ જ સુક્ષ્મ બાબત તરફ આપણને દોરી જતી ચર્ચા શ્રી સ્નેહરશ્મિએ કરી છે. હાઈકુને ગુજરાતીમાં અવતરણ કરાવનારા એવા એમણે આપણને બહુ ઝીણી પણ બહુ ઉપયોગી બાબત બતાવી છે. અને, હાસ્તો વળી, હાઈકુ જેવી નાજુક (ને નમણી પણ) ચીજને પામવા માટે આટલી તો પળોજણ કરવી જ પડે ને !

 

આપણે તો બને તેટલી સહેલી ભાષામાં એને સમજવાનો પ્રયત્ન કરી છુટીએ, બીજું શું ?!

શ્રી સ્નેહરશ્મિએ આ બધી વાત સુંદર ઉદાહરણો સાથે કરી છે. આપણે એ ઉદાહરણો પણ જોઈ જ લઈએ….

 

અબ્ધિ છોળોએ  /  દડો સૂર્યનો ઝીલ્યો  /  ઊછળી ઉંચે

સ્નેહરશ્મિનું આ હાઈકુ વાંચીને શ્રી ધીરુભાઈએ ધ્યાન દોર્યું હતું કે આ હાઈકુથી જે ચીત્ર સર્જાય છે તેમાં વાસ્તવીક ક્રમ જળવાતો નથી. સામાન્ય રીતે પ્રથમ સાગરની છોળો આવે; પછી એ ઉછળે; અને છેલ્લે ઉંચે ઉછળેલી છોળ સુર્યને ઝીલે–પકડે. આ હાઈકુમાં એ ક્રમ ન જળવાયાથી વીક્ષેપ પડે છે.

 

શ્રી સ્નેહરશ્મિએ એ વીવરણને આધારે પછી એ હાઈકુમાં સુધારો કરીને એને ફરી લખ્યું હતું ! આપણા માટે આ સુધારો ઘણું શીખવાડનારો હોઈ એને જોઈ જ લેવો રહ્યોઃ

 

અબ્ધિછોળોએ  /  ઊછળી ઉંચે ઝીલ્યો  /  દડો સૂર્યનો !

તમે જોયું, જુ.ભાઈ ! કે આ હાઈકુમાં ભાવકનાં મનઃચક્ષુ નીચેથી ઉપર તરફ ( વર્ટીકલ ) જાય છે. બીજું એક દૃષ્ટાંત શ્રી ધીરુભાઈએ આપ્યું છે તે હોરીઝોન્ટલ છેઃ

 

રાખી જળને  /  બહાર હોડી જળે  /  તરતી જાય

 

 અહીં ચીત્ર પર નજર કરતાં દૃષ્ટી સમક્ષીતિજ જાય છે. ( જળ શબ્દને કેવી સરસ રીતે કવીએ પ્રયોજ્યો છે, જોયું જુ.ભાઈ ! હોડી જળને બહાર રાખીને જળે તરતી જાય છે ! પાણી ભરાઈ ગયું હોય તો એ ડુબી જ જાય એ વાત સૌ જાણે છે. પણ જેના આધારે તરવાનું છે એને જ બહાર રાખવાવાળી વાત કેવી સુચક છે !! આપણું આખું અદ્વૈત અહીં સત્તરાક્ષરે કેવું સરળતાથી – સહજ રીતે ને નક્કરતાથી રજુ થયું છે !! શબ્દોની તાકાત તો જુઓ !

 

ત્રીજો એક દાખલો ત્રાંસી ગતીનો શ્રી કેનેથ યસુદા આપીને એની ખુબી પણ સમજાવે છેઃ

 

ચાંદનીઃ ગાય  /  તમરાં અર્ધ ઢાંક્યાં  /  પર્ણછાયાએ

 

આ હાઈકુના નાયકો છે, ખરેલાં પાન અને તમરાં. શ્રાવ્ય બાબત અહીં લગભગ ગૌણ છે. તમરાં ગાય છે એ ખરું, પણ એનું સંગીત  કેન્દ્રસ્થાને નથી. કેન્દ્રસ્થાને તો આવી જાય છે ચાંદનીના પ્રકાશથી પાંદડાં નીચે અર્ધાં ઢંકાયેલાં  ( અને અર્ધાં પ્રકાશીત પણ ) તમરાં !!

 

તો સવાલ એ થાય છે કે અહીં ત્રાંસી દીશા કઈ રીતે ? કેનેથજી એનો ખુલાસો કરતાં કહે છે, ચંદ્ર જો આકાશમાં બરાબર માથા ઉપર હોય તો પાંદડાંની છાયાનું જે ચીત્ર અહીં ઉપસ્યું છે તેવું જોવા મળે નહીં. તેથી આ હાઈકુ વર્ટીકલ નથી. ચન્દ્ર જો સાવ ક્ષીતીજે હોય તો આ ચીત્ર હોરીઝોન્ટલ ગણાય, પરંતુ છેક ક્ષીતિજે રહેલા ચન્દ્રથી તમરાં અર્ધછાયાએઢંકાય નહીં ! એટલે ચન્દ્ર ક્ષીતિજથી થોડો ઉંચે આવ્યો છે એ વાત નક્કી ! પરીણામે ભાવકની દૃષ્ટી ક્ષીતિજથી સહેજ ઉંચે ચડીને પછી પાંદડાંની છાયામાં અર્ધાં ઢંકાયેલાં તમરાં તરફ ગતી કરે છે. અને તેથી જ આને ત્રાંસી કક્ષાનું હાઈકુ ગણાવ્યું છે.

 

મારા પરમ મીત્ર ગુજરાતી ભાઈ !

 

આ વાત આમ જોવા જઈએ તો વધુ પડતી ઝીણી કાંતવામાં આવી છે. પરંતુ હાઈકુ જેવા અત્યંત સુક્ષ્મ કાવ્યપ્રકારને સમજવા માટે વીવેચકોએ કેવી કેવી કાળજી લીધી છે તે જાણવા માટેય આ દાખલાઓ અને આ ત્રણેય પ્રકારો સમજીએ તો શું ખોટું છે ?

 

હાઈકુને સાવ સસ્તું બનાવી દઈને કે મનાવી લઈને વીશ્વભરમાં બહુ મોટો ફાલ હાઈકુનો ઉતર્યાં કર્યો છે. કાવ્યના હાર્દ સુધી જઈને ક્યારેક પણ, કોઈ કવી એમાં ડુબકી મારશે તો અતી કીમતી એવાં નર્યાં મોતી જ મોતી મળવાનાં છે એમાં શી શંકા ?!!

 

માથું ન દુખ્યું હોય તો જવાબ આપવાની તસ્દી લેજો ! હું તો આટલી ઝીણી વીગતોમાં જઈને ધન્ય થયો છું. તમારા મસ્તકને અનેક શુભેચ્છાઓ સાથે –

તમારો સ્નેહી જાપાનીજન !!

 

 

જાપાની મીત્રનો હાઈકુ અંગે મઝાનો (?) પત્ર…

 

પ્રીય જુગલજી !

 

મઝામાં તો છોને ?! હું તો અમારા આ હાઈકુ અંગે તમે બધાં વાતો ચલાવી રહ્યાં છો તેથી ને ત્યારથી કુશળ કુશળ જ છું !!

 

તો પછી, બોલો હવે એ જ વાત વધુ આગળ ચલાવીશું ? કારણ કે મને બે–એક ખાસ વાત હાઈકુ અંગે કહેવાનું મન ઘણા સમયથી થયાં કરે છે. આ હાઈકુ, જુગલભાઈ, કેવી ગજબની ચીજ છે, એ જેમ જેમ એમાં ઉંડાં ઉતરવાનું થાય છે તેમ તેમ સમજાતું – અનુભવાતું જાય છે.

 

કહેવાની માત્ર ને માત્ર ત્રણ જ લીટીમાં કુલ મીલાકે સત્તર અક્ષરો ! એમાંય પાછું પીંછીના એક જ લસરકે ચીત્ર દોરી દેવાનું, ને છતાં એમાંથી ઉભી થતી ઈમેજ દ્વારા વીશ્વની કોઈ એક અજાયબી મનોજગતમાં સ્થાપી દેવાની !!

 

આ સત્તર અક્ષરોમાં માંડ સમાતા સાતથી દસ શબ્દોમાં બધી લીલા સમાઈ જાય ! એટલામાં આખો ખેલ ખેલાઈ જાય. છતાં એકાદ શબ્દ પણ જો આઘોપાછો થઈ જાય તો બધી જ સૃષ્ટી હાલકડોલક થઈ ઉઠે ! આટલું નાનકું ચણીબોર, ને છતાં એનો છાક તો જુઓ, જુ.ભાઈ !!

 

પણ હજી મને આ વાત ઉદાહરણથી જ સમજવા દ્યો…..એક વાક્યને લઈને હું એને સ્પષ્ટ કરી લઉં. જુઓ આ નીચેનું વાક્યઃ

 

 

“બગીચામાં અમારી સાથે ઉડતાં પતંગીયાં હતાં.”

હવે આ જ વાક્યમાંનો એક શબ્દ ‘ઉડતાં‘ને જરા પાછળ લઈ જઈને જુઓ ––

“બગીચામાં અમારી સાથે પતંગીયાં ઉડતાં હતાં.”

ઉપલક નજરે જોઈએ તો ઝાઝો ફરક દેખાતો નથી. છતાં ઝીણી નજરે જોઈશું તો ખ્યાલ આવશે કે પહેલાં વાક્યમાં ઉડતાં પતંગીયાં બગીચામાં ફરનારાંની સાથેના સાથીદારો જેવાં, કહો કે સાથે ફરવા આવેલા સ્નેહીજનો જ હતાં ! એ પતંગીયાં બગીચાનો ભાગ નહીં પણ ફરનારાંના સાથીદારો વીશેષ હતાં. માનવી અને પતંગીયા વચ્ચેની મૈત્રી આ વાક્યમાં કેવી સ્પષ્ટ થઈ જાય છે ! પરંતુ બીજા વાક્યમાં એક  શબ્દના ફેરાફાર માત્રથી પતંગીયાં બગીચાનાં રહેવાસી બની રહે છે – અને બગીચાની અન્ય ચીજો જેવા માત્ર બની રહે છે ! એ સીવાયનો કોઈ જ સંબંધ એમની સાથે રહેતો નથી. તમે જુઓ ભાઈ, કે એક શબ્દના સ્થાનફેર માત્રથી આખો પ્રાસંગ કેવો સામાન્ય બની જાય છે ! હાઈકુમાં પણ શબ્દનું સ્થાન બહુ જ મહત્વનું હોય છે.

 

સામાન્ય રીતે હાઈકુમાં કુલ અક્ષરો (૧૭) અને કુલ પંક્તીઓ (૩) જાળવવાનું ફરજીયાત હોય છે. તેવી જ રીતે એમાંના શબ્દોનું નીશ્ચીત સ્થાન પણ અત્યંત મહત્વનું હોય છે.

 

એક બીજી વાત પણ સાથે સાથે ચર્ચી–સમજી લઈએ, કે હાઈકુમાંના શબ્દોનું સ્થાન અને હાઈકુમાંના પ્રસંગો એ બન્ને વચ્ચેનો પરસ્પર સંબંધ હોય છે અને હાઈકુના કવીએ એ અંગે વીશેષ કાળજી–જાગરુકતા રાખવાની હોય છે. હાઈકુમાં જેમ વીષય હોય છે તેવી જ રીતે એમાં સમય અને સ્થળ પણ મહત્વનાં હોય છે. Time and Space બન્ને શાશ્વત ચીજો હાઈકુના વીષય સાથે અવીનાભાવી સંબંધે જોડાય છે. (કોઈ પણ સાહીત્ય કૃતીમાં આ વસ્તુ અલબત્ત હોય જ પણ હાઈકુ જેવી નાજુક અને ટુંકી રચનામાં તેનો ખ્યાલ રાખવાનું વધુ જવાબદારીભર્યું બની રહે છે.)

 

હાઈકુનો વીષય, એમાંનું સ્થળ કે એમાં વ્યક્ત થતો સમય – આ ત્રણમાંના જે તત્વ પર હાઈકુ કેંદ્રીત થયું હોય એને માટે જ ખાસ પ્રયોજાયેલો શબ્દ જો યોગ્ય જગ્યાએ ન મુકાય તો તે તત્વ તીવ્રતાથી પ્રગટ થવાને બદલે ગૌણ બની જાય છે. અને હાઈકુનું તીર ચોટ આપીને લક્ષ્યને વીંધી શકતું નથી. એવાં હાઈકુ ફીસ્સાં પડી જાય છે. અથવા તો કવી કહેવા ધારે કંઈક ને પ્રગટ થઈ જાય કંઈક !

 

એક બીજો દાખલો પણ શ્રી સ્નેહરશ્મિએ આપ્યો છે તે પણ જોઈ જ લઈએ. બાશોનું પેલું પ્રસીદ્ધ હાઈકુ –

જુનું તળાવ  / લીલ ભરેલું; કુદ્યો / મેંડક ડબાક !

આ હાઈકુમાં કવી ભુતકાળના સ્થીર થઈને લગભગ ભુલાઈ ગયેલા જેવા સ્થળ (તળાવ) ને સ્ટેજ  બનાવીને એક પ્રસંગ (કે નાટકનું એક દૃષ્ય) રજુ કરે છે.આ દૃષ્ય અને તેમાંથી જન્મતી એક પરીસ્થીતી કે જે સાવ અવાવરુ થઈ ગયેલા તળાવને (કહો કે સદીઓથી નીર્જીવ થઈ પડેલા કાળને ) ક્ષણમાં જીવંત કરે દીધો છે. હાઈકુના કવી માટે આ જ બાબત કેંદ્ર સ્થાને છે. હવે જુનું તળાવએ શબ્દોનું સ્થાન ફેરવીને હાઈકુ આ રીતે લખીએ તો ––

“ કુદ્યો મેંડક – / ડબાક્ ! લીલ ભરેલું / તળાવ જુનું ”

 

આખી વ્યંજના (ભાવકના મનમાં પ્રગટતી કે પ્રગટનારી અર્થચ્છાયાઓ) જ બદલાઈ જાય છે ! જુનું તળાવ કેંદ્રસ્થાને આવી જાય છે ! મેંડકનો કુદકો અને ‘ડબાક્‘ ધ્વની કે જે આખા કાળખંડને જીવતો કરનારાં તત્વો છે તે પાછલી સીટ ઉપર આવી જાય છે ! પ્રથમ હાઈકુમાં નીર્જીવ બની ગયેલું તળાવ (કે એક કાળખંડ) મેડકના કુદવા કે ડબાક્ (ધ્વની) માત્રથી સદીઓથી નીર્જીવ થઈ ગયેલું તળાવ જીવંત બની રહે છે; જ્યારે બીજા હાઈકુમાં મેંડકથી થતી બન્ને ક્રીયાઓ (દૃષ્ય–શ્રાવ્ય) પછી તળાવ એના પર કુચડો ફેરવી દ્યે છે !!

 

ભાઈ જુગલજી !

 

આજે તો આટલું જ ! આ જ બાબતે હજી એકાદી વાત જેને હાઈકુના વીવેચકોએ વર્ટીકલ, હોરીજોન્ટલ અને ડાયાગોનીકલ ગણાવી છે તે પણ કરવી છે. જે હવે પછી…..

 

આશા રાખું કે તમે એને સહન કરશો અને મને માફ……!!

આપનો, આપણા હાઈકુનો વીશ્વાસુ,

–કાવાબાસુ !

 

 

હાઈકુમાં કેટલા અક્ષરો ?

ગુજરાતીના બે સમર્થ કવીઓનાં હાઈકુ અંગે સ્નેહરશ્મિ.
–સંકલન : જુગલકીશોર.
——————————————————————————————————-
 (હાઈકુ : 4)
[ પ્રીય મીત્ર ! શ્રી સ્નેહરશ્મિએ બે સમર્થ કવીઓનાં હાઈકુનો આધાર લઈને સરસ અને સભર વાતો એમના હાઈકુસંગ્રહમાં કરી છે. આજે એમાંની કેટલીક અહીં રજુ કરી રહ્યો છું, તને અવશ્ય ગમશે જ….: ]

હાઈકુને એક જ ઉદ્ગારમાં પુરી થતી કૃતી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક એને એક પંક્તીની ઉક્તી પણ કહે છે. સદીઓથી એનું પંક્તીમાપ નક્કી થયેલું જ છે. એના અક્ષરો તો સત્તર જ હોય છે તે જાણીતી વાત છે. એ અક્ષરો 5-7-5 પ્રમાણે ત્રણ પંક્તીમાં વહેંચાય છે એ પણ નીશ્ચીત જ છે.

આપણા મંદાક્રાંતા,પૃથ્વી, શીખરીણી જેવા સત્તરાક્ષરી છંદો પણ જાણે હાઈકુની જ અવીભાજીત પંક્તી હોય એવું લાગે છતાં એમાં ફેર એ છે કે હાઈકુમાં ગણોની વ્યવસ્થા કે માત્રામેળના નીયમો લાગુ પડતા નથી. યતી પણ નક્કી કરેલી જગ્યાએ આવતી નથી.

શ્રી સ્નેહરશ્મી પોતાની પ્રસ્તાવનામાં નોંધે છે કે  હાઈકુમાં 17 અક્ષરો અનીવાર્ય છે શું ? એવો પ્રશ્ન થતો જ રહ્યો છે એટલું જ નહીં આ સત્તરાક્ષરો સામે બળવો પણ થયો છે. છતાં આ બંધારણ બદલાયું નથી એ જ એની સધ્ધરતા બતાવે છે. એકાદ અક્ષર ઓછો-વધુ થાય તો ચલાવી લેવામાં આવ્યો છે એ પણ હકીકત રહી છે. અને 15 કે 18 અક્ષરોના હાઈકુ જોવા મળે જ છે. આપણી માતૃભાષામાં પણ આ જ નીયમ યથાવત્ રહ્યો જણાય છે.

આટલી મર્યાદીત અક્ષરસંખ્યામાં આખી કાવ્યકૃતી સર્જી દેવી  એ બહુ સંયમ અને વીવેક માગી લેનારી બાબત છે. આ મર્યાદા અંગે ગુજરાતીના બે વીદ્વાનો સાથે સ્નેહરશ્મીને જે લાંબી વીચારણા થઈ એના ફળસ્વરુપે એમણે બે હાઈકુનો દાખલો આપીને એક બહુ જ ઉપયોગી સામગ્રી પ્રસ્તાવનામાં પીરસી છે. આ આખી ચર્ચા આપણ સૌને ઉપયોગી થાય એમ માનીને અહીં મુકવા મન છે.
‘ઉંડી અને સુક્ષ્મ સમજવાળા’ બે કવીઓની સાથે સ્નેહરશ્મીએ જે પ્રયોગો કર્યા હતા તેની વાત પણ કરી લઈએ. આ બન્ને કવીઓ તે શ્રી હસમુખ પાઠક  અને શ્રી નિરંજન ભગત.  બન્નેના એક એક હાઈકુ કે જે સત્તરથી વધુ અક્ષરોનાં હતાં તેને  અંગે બહુ વીગતે અને અર્થસભર વાતો લખી છે. આપણે પણ તેમાં ડુબકી મારી જોઈએ !

શ્રી પાઠકનું હાઈકુ આ પ્રમાણે હતું :

તળિયે સ્વસ્થ ચંદ્રમા
ભાંગતો ચંચળ સપાટી પર
ઓચિન્તી કોઈ લ્હેરમાં.
શ્રી ભગતનું હાઈકુ આ પ્રમાણે હતું :

હું ને મારો પડછાયો–
પણ રાતે જ્યાં દીપક બુઝ્યો
હું ત્યાં એકલવાયો.

આ બન્ને હાઈકુ વીષે શ્રી સ્નેહરશ્મિ ઉંડી વીચારણાને અંતે જે ફેરફારો સુચવે છે તેમાં રહેલી હાઈકુના સ્વરુપ વીષેની વીભાવના આપણને  ખુબ જ ઉપયોગી થશે….તેઓ કહે છે :


” જેમ જેમ આ કાવ્ય ઘુંટાતું ગયું તેમ તેમ પ્રશ્નો ઉઠવા લાગ્યા કે એની ત્રીજી પંક્તિ ન હોય તો કાવ્યના સ્વરૂપમાં કંઈ ફેર પડે ખરો ? બીજી પંક્તિમાંનો ચંચળ શબ્દ ત્રીજી પંક્તિને  પોતાનામાં સમાવી નથી દેતો ? જો ત્રીજી પંક્તિ ન હોય તો વ્યંજનાને વધુ  અવકાશ મળે એવું લાગતું નથી ? જો એ સાચું હોય  તો ત્રીજી પંક્તિના આઠ અક્ષરો આપોઆપ ઓછા થઈ જાય, બાકી રહેલા 19માંથી ‘ચંદ્રમા’ની જગ્યાએ ‘ચંદ્ર’ અને ‘ભાંગતો’ની જગ્યાએ ‘ભાંગે’ પ્રયોગ થાય તો સત્તર અક્ષરોનું માપ જળવાઈ રહે અને અર્થને અનુલક્ષીને 5-7-5 મુજબ ત્રણ પંક્તિમાં વિભાજન પણ થઈ શકે.

“શ્રી પાઠક સાથે ચર્ચા થતાં તેમણે નીચે પ્રમાણે પાઠ યોજ્યો. હાઈકુના સ્વરૂપને સમજવામાં એમનો મૂળ પાઠ (ઉપર દર્શાવ્યો છે તે ) અને આ નવા પાઠનો તુલનાત્મક અભ્યાસ ઉપયોગી જણાશે. એ આ પ્રમાણે છે :
તળિયે ચંદ્ર
સ્વસ્થ ભાંગે સપાટી
ઓચિન્તી લ્હેર.
” શ્રી ભગતની (ઉપર જણાવી છે તે ) કૃતિ ઉપર હું રટણ કરતો ગયો તેમ તેમ એમાં રહેલું હાઈકુ બહુ સુરેખ રીતે મારા મનમાં આકાર લેતું થયું. અહીં પણ પેલો પ્રશ્ન મને ઉદ્ભવ્યો, એના 25ની જગ્યાએ 17 અક્ષરમાં એ ન સમાઈ શકે ? બીજી વાત જે મારા ધ્યાનમાં આવી તે  “હું ત્યાં એકલવાયો”ના વિધાનને લગતી હતી… હાઈકુમાં વસ્તુ બોલે છે, કવિ બોલતો નથી. હાઈકુનો કવિ “હું ત્યાં એકલવાયો” કહેવાને બદલે તે એકલવાયો છે એવું આપણને લાગે એવી પરિસ્થિતિ સર્જતો હોય છે. શ્રી પાઠક સાથે ચર્ચા નીકળતાં તેમને નીચે પ્રમાણેનો પાઠ યોજ્યો :
હું — પડછાયો
તિમિરે બુઝ્યો દીપ…
એકલવાયો.
આશા રાખું છું કે આ વીગતો તને કંઈ કોમેન્ટ કરવા પ્રેરશે. વધુ હવે પછી….!
============================================================