લોકસાહિત્યમાં સિંહ અંગેના દુહા

સંપાદન : કૃણાલ ડી. બારૈયા (‘વનદીપ’ ) સાવરકુંડલા / સૌજન્ય : રાજેશ પટેલ

હાકલ દીએ હિરણ્યમાં એની રાવળ સુધી રાડય;
સિંહણ જાયો છેડતા વડી વમાસણ થાય.

બાકર બચ્ચા લાખ, લાખે બિચારાં;
પણ સિંહણ બચ્ચું એક, એકે હજારાં.

જે હાથે હાથી હણ્યા મેડક કેમ હણાય ?
કામિની કહે કંથડા, તો તો સિંહણદૂધ લજાય.

હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજર ફરે,
પછી વયની વાતું નો હોય કેસર બચ્ચાને કાગડા.

ગિર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ,
સાવઝમાં છોગાળો કહું, ચાંપલિયો નરસિંહ.

ભડાં ભડ ભડકી જતાં, ઘટાટોપ ગર્ય ઘીંસ,
વનરાઇયુંમાં વિચરે, ચાંપલિયો નરસિંહ.

પંડ મોટું ને પગ લુલો, તળપે હથ્થા ત્રીસ,
ડણકે ગિરના ડુંગરે, ચાંપલિયો નરસિંહ.

મરદ તને મારવા કંઈ ભટકયા સોરઠ ભૂપ;
ચાંપલિયો સ્વર્ગે ગયો, રૂડી વનરાઈનું રૂપ.

કળજગ આવ્યો ઠાકરો, જગત બધી જાણે,
સાવઝની પથારીએ, શિયાળિયા મોજું માણે.

સાદુળા જે સિંહ, છ મહિના છોડે નહીં;
દાતા એના દિહ, જીવો એ ઝાઝું જાણજો.

ગજ હણવાના ગર્વથી, અધિક કરે ઉતપાત,
સાવજ તું શૂરો ખરો, તદપિ તામસ તાત.

ભડ કેસર ને ભૂટિયો, બે આવ્યા બાથે,
પડ લીધાં પૃથ્વી તણાં, સોરઠને માથે.

ધર ધીંગી, ગરવો ધણી, માઢુ ધીંગામજજ;
નકળંક કેસરી નીપજે, ધીંગા ખોખડધજજ.

નીચી દૃષ્ટિ નવ કરે, મોટો જે કહેવાય,
સિંહ લાંઘણો કરે, પણ ખડને નો ખાય.

લાંઘણ હો તો લાય, મગદળ કુંજર મારવા;
ઈ ખડને નો ખાય, સાચું સોરઠિયો ભણે.

સાદુળો પિંજર પડયો, ભૂલે ન આપ સ્વભાવ,
જદ જદ અવસર સાંપડે, બમણો ખેલે દાવ.

કંથ મ જાઓ કવલખે, સિંહ છેડયો મ જાય,
સિંહણ જાયો છેડતાં, વડી વમાસણ થાય.

તું જાયો સિંહણ તણો, કેવાણો સિંહણકંથ;
ભડ ભારથે ભીડતા, પગ પાછો ન ભરે પંથ.

ડાલામથ્થો ને દશહથ્થો, જબરી મોઢે મૂછ;
સવા બે હાથનું પૂંછ, વકરેલો વનનો ધણી.

ગેલી સિંહણ બાવરી, એહા સિંહા કેરી સીમ,
ઝાડ ગળા સો ગળ રહે, એવું વન છોડણ નીમ.

સસલાં, તેતર, નાર, વગડે જઈ તગડે બધાં,
પણ સાવજ તણા શિકાર, કોક’જ ખેલે રાજિયા.

પોતાના પગ ઉપરે, જેને ભરોસો ઘણો,
સાવજ ન સંઘરે, કાલનું ભાતું કાગડા.

સતી ને શૂરની માતા, સંત ને ભકતની પ્રસુતા;
કેસરી સિંહની જનેતા, તને નમન સૌરાષ્ટ્રની ધરણી.

 

શ્રી મેઘાણીનાં લખાણોમાંથી કેટલુંક

વીસરાતી, સચવાતી બોલીઓ. – શ્રી મેઘાણીનાં લખાણોના સંદર્ભે.

લોકસાહીત્યમાં જાણીતાં ગીતો ચારણો દ્વારા અને રાસ–ગરબા વગેરે દ્વારા સચવાયાં છે. આમાં લોકગીતો તો કંઠોપકંઠ ગવાતાં રહ્યાં, એનું એક મુખ્ય કારણ એ હતું કે લોકહૃદયની ઉર્મીઓને આ ગીતોમાં ઘેરા ભાવથી ગુંથવામાં આવી છે. ચારણી સાહીત્ય મોટે ભાગે રાજ દરબારોમાં વ્યક્તીગત પ્રશસ્તીઓમાં જ રચાયું, ગવાયું ને સચવાયું છે. ચારણો તો વળી સ્ત્રી ગીતો પ્રત્યે સુગ પણ ધરાવતા હોવાથી એનો પ્રચાર તેમણે બહુ ઓછો કર્યો.

શ્રી મેઘાણી એમનાં સંશોધનાત્મક લખાણોમાં આ બધી વાતો ભાવપુર્વક યાદ કરે છે. ‘લોકસાહિત્ય ભાગ – ૧માં તેઓ લખે છે –

“આ સિવાય લોકહૃદયના હર્ષ–આક્રંદના સૂર આ ધંધાર્થી ગાયકોના વાજિંત્રના તારે ઝાઝા ચડ્યા નથી. પછી તો વૃત્તિ ખુશામદમાં વળી અને કાવ્ય–શક્તિ અનુકરણમાં જ ગબડી પડી. એનાં એ વર્ણનો, ભાડે લીધેલાં વસ્ત્રાભૂષણોની માફક હરકોઈ દાતારને વિભૂષિત કરવામાં રોકાયાં છે. છતાં કોઈ કોઈ જળપ્રલય, ભયાનક આગ, એની ભીષણ હોનારત જોતાં તે ધંધાદારીઓની હૃદયવીણાના કોમળ તાર પણ કમ્પી ઊઠ્યા છે, અને તેમાંથી વારંવાર

‘કાસમ  તારી  વીજળી

રે મધ દરિયે વેરણ થઈ !’

એવી નૈસર્ગિક ગીતકથાઓ નીસરી પડી છે. એવે સમયે તો એ ભટકતો અને પ્રશસ્તિઓ વેચતો જાચક પણ લોકસમુદાયની થડોથડ આવી લોક–લાગણીના પડછંદા ઝીલી શકતો. છતાં એ ‘વીજળી’ (નૌકાની જલ–સમાધિના ગીત)ને ‘બાર બાર વરસે નાવણી ગળાવી’ એ ગીત સાથે મૂકી જુઓ, એટલે ધંધાદારી ગાયકની તથા ઊર્મિપ્રધાન લોક–કવિની કાવ્ય–રચના વચ્ચેનો તફાવત સમજાઈ જશે. કેમકે ‘બાર બાર વરસે’નો જન્મ થયો છે સ્ત્રીજનોની રાસ–રમતની કોઈ અજવાળી અધરાત્રિએ, સંયુક્ત સામુદાયિક ઊર્મિને નૃત્યમાં અપનાવવા કાજે; અને ‘વીજળી’નું સર્જન થયું છે જનમનરંજનની ઈચ્છાથી રાવણહથ્થાના તાર ઉપર.+++રોટલાના અક્કેક બટકાની આશા કરતો નાથબાવો બેશક, ઊંબરે ઊંબરે જતો હોવાથી ગોપીચંદ જેવાં ઉત્કૃષ્ટ લોકગીતો ગાતો થયો છે. પરંતુ એ ગીતોને પોતે પોતાના જ કોઈ અમુક પૂર્વજની રચના તરીકે નથી લાવતો. એ તો લોકસમુદાયમાંથી સાંભળીને લોક–પ્રીતિ અર્થે કંઠસ્થ કરી લે છે.  કોઈ ધંધાદારી જાચકવર્ગ તો આપણી ગીત–કથાઓનો મોટે ભાગે સર્જક નથી તે સ્પષ્ટ દેખાય છે. છતાં ‘વીજળી’ ઈત્યાદિના સર્જનહારોનો વારસદાર, જો લોકજીવનમાં પોષણ પામ્યો હોત તો નૈસર્ગિક લોક–કવિઓની પરંપરા ન લોપાઈ હોત એ ચોક્કસ વાત છે.

શ્રી મેઘાણી આ પછી કેટલોક અહેવાલ જે આપે છે એમાં ભારતીય લોકસાહીત્યમાં અને ખાસ કરીને ગુજરાતી લોકસાહીત્યમાં જે જોવા મળે છે તેને વીગતવાર જોવાનુંય રસ પડે એવું છે ! પશ્ચીમમાં તો લોકસાહીત્ય અંગે ઘણું સંશોધન થયું છે. લોકગીતો અંગે એ લોકોએ જે જાણ્યું અને તેને આધારે જે કામ થયું તેની સરખામણી કરતી વાતો પણ આજે વાંચવાનું યોગ્ય લેખાશે. લખે છે,

“…આવી અનેક અટકળોના વણઊકલ્યા કોયડા પાશ્ચાત્ય લોકગીતના રસિકોને અકળાવી રહેલ છે. (આ લખાણ ૧૯૩૯ની આવૃત્તિમાંથી લેવાયું છે)અને એનાં અવતરણો આ સ્થળે આપવામાં એટલું જ બતાવવાનો આશય છે, કે તેઓએ તમામે પોતાનાં લોકગીતોને “They are genuine poetry, peculiar poetry and sincere poetry” રૂપે સ્વીકારીને તે પર ગંભીર લક્ષ આપ્યું છે. ‘માનવ જાતિ પારણામાં હીંચકતી હતી તે યુગ સુધી પણ મહાન સંગ્રાહક પ્રો. ચાઈલ્ડે બૅલેડોના ઉદયસ્થાનની શોધમાં પોતાની વિવેચન–જ્યોતને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને પ્રાચીન બૅલેડોના આટલા પરિશીલનમાંથી તો બ્રીટનની પ્રજાએ સ્કૉટ, કોલરીજ ને કીપ્લીંગ સરખા કવિઓનાં અર્વાચીન બૅલેડોનાં કાવ્ય–રત્નો પ્રાપ્ત કર્યાં; પ્રાચીન ગીતકથાઓનું સમગ્ર બલ ખેંચી લેવાયું, એની ન્યૂનતાઓ ત્યજી દેવાઈ, અને વિધવિધ ઘટનાઓને નવા યુગની ભાવનાથી રંગીને એ બૅલેડ–શૈલીએ વહેતી કરવામાં આવી. આંગ્લ કવિતા એ બધાં કાવ્ય–રત્નો બદલ અસલી લોક–ગીતોની ઓશિંગણ રહેશે.”

જોકે આરંભમાં તો ત્યાંય લોકસાહીત્યને રાજદરબારમાં પ્રવેશ મળતો નહોતો. પરંતુ લોકજાગૃતી બહુ મોટી વાત હોય છે ને ! એમની કને સારુંનરસું પારખવાની આગવી દૃષ્ટી હોય જ છે. રાજદરબારોની આણ પણ લોકહૈયાને વીંધી શકતી નથી. શ્રી મેઘાણી જણાવે છે કે ત્યાં પણ રાજદરબારની આણ તોડીને જે બહાર પ્રગટ થયું તેને લોકોએ અને ખાસ તો સાહીત્યકારોએ ઉત્સાહભેર અને તાકાતથી અપનાવ્યું હતું. એનો આરંભ કરવાની હીંમત કરનારને કલ્પનાય નહોતી એવો પ્રતીસાદ સાંપડતાં જ લોકસાહીત્યનું મુલ્ય અંકાયું. લખે છે –

“પશ્ચિમમાં પણ આ બૅલેડોને સાહિત્યના રાજદરબારમાં દાખલ થવાની મનાઈ હતી. એલીઝાબેથના સુવર્ણ–યુગમાં તો આ લોકગીતો ઉઘાડાછોગ તિરસ્કારને પાત્ર થતાં, અને એનાં ગાનાર લોકવૃંદ પણ પોતાનાં ગીતોને ‘સાહિત્ય’ શબ્દ લગાડવાનો સ્વપ્નેય ખ્યાલ કરતાં નહોતાં.”

છેવટે એક ભાયડો નીકળ્યો. ઈ.સ. ૧૭૬૫માં બીશપ પર્સી નામના એ જણે જોકે “ડરતાં ડરતાં, ક્ષમા માગતાં માગતાં”  જનસામાન્યને કંઠે રમતાં ગીતોને કાગળ ઉપર લખીને સૌ કોઈને સોંપ્યાં. આ સાહીત્યકાર આપણા મેઘાણીભાઈ જેવો જ હશે, એણે એક ગીત કોઈ ગામડાના એક આદમીને ઘેરથી કાગળના ઢગલામાંથી ખેંચી કાઢ્યું હતું ! ને એ ઢગલો, જોયું તો ઘરની કામવાળી બાઈ રોજ ચુલો પેટાવવા માટે બાળતી હતી !!

ભાઈ પર્સીના એ સંગ્રહનું નામ Reliques હતું. એમાં એણે બધું મીશ્રણ કરીને લોકગીતોની સાથે સાથે કવીઓનાં નામવાળાં ગીતોય સંઘર્યાં હતા. કારણ કે એનો આશય વીવેચનનો કે સંશોધનનો નહોતો પણ સંગ્રહનો હતો, પ્રચારનો ને પ્રસારનો હતો. આ પ્રયત્નનું જે પરીણામ આવ્યું એ અદ્ ભુત હતું. શ્રી મેઘાણી આગળ નોંધે છે,

“એના પુસ્તકને તાત્કાલિક જ વિજય મળ્યો. પોતે પોતાની કલ્પનામાં કદી ન દીઠેલો એવો મહાન વિજય એને વર્યો. ફક્ત લોકોમાં જ એનો પ્રચાર ન થયો, એના પુસ્તકે તો જર્મનીનો કૌતુકપ્રિય યુગ –German Romantic movement– સર્જવામાં મોટી સહાય દીધી અને ‘અર્વાચીન બૅલેડ’ની કલાનું આગમન પોકાર્યું.”

એની સામે આપણે ત્યાં શું થયું એના ઉંડાણમાં જવા કરતાં એક જ દાખલો આપીને અટકીશું. ડિંગળથી જાણીતી એક બોલી અને તેનું સાહીત્ય આપણે ત્યાં બહુ પ્રચલીત અને માનીતું હતું. ચારણી વાણીનું આ સાહીત્ય જ નહીં, એ બોલીનેય આપણે ભુલી ગયા છીએ. એ બોલી પોતાની કેટલીક નબળાઈઓથી પણ વીસરાઈ હોવાનું શ્રી મેઘાણી લખે છે –

“પાંડિત્યદૃષ્ટિએ ચાહે તેટલી સંપત્તિવાન સાહિત્ય–વાણી પણ સાધારણ બોલચાલની ભાષાથી વેગળી પડી જતાં જે દશાને પામે છે તે જ દશા ચારણી વાણીના આ વિભાગ પર બેઠી. તેમની પણ પંડિતાઈ થોડાં રાજરજવાડામાં સ્પર્ધાની ને અહોભાવની વસ્તુ બની, તે પછી તો રજવાડામાં પણ ન પોસાતાં ચારણોના ચોપડા વગેરે હસ્તપ્રતોમાં ડિંગળ ઉધઈ ખાતી બની. આજે એ હજારો કૃતિઓનો કાંકરો જ નીકળી ગયો છે+++તેમ આજનો પંડિત સમાજ એની ઉપેક્ષા કરતો બન્યો. તેનું બીજે છેડે એ કારણ છે કે આપણા પાંડિત્યનું ભાષાજ્ઞાન ટૂંકભંડોળિયું બન્યું હોઈ તેમને દુર્બોધ લાગતી ઘણી વસ્તુઓને તેઓ નકામી અથવા ગમાર ગણે છે.” (ચારણો અને ચારણી સાહિત્ય  પૃ. ૪૯–૫૦)

તરવરીઆ તોખાર, હૈયું ન ફાટ્યુ હંસલા;

મરતાં રાખેંગાર, ગામતરાં ગુજરાતનાં.

રે સાબર શીંગાળ અમેય શીંગાળાં હતાં;

મરતાં રાખેંગાર, ભવનાં ભીલાં થઈ રહ્યાં.

બાળું પાટણ દેશ, જિસે પટોળાં નીપજે,

વારૂં સોટઠ દેશ, લાખેણી મળે લોબડી.

સ્વામી ઉઠો સેન લૈ, ખડગ ધરો ખેંગાર,

છત્રપતિએ છાઈઓ, ગઢ જૂનો ગિરનાર.

રાણક દેવી રા’ખેંગારના આ સાદા સીધા દુહાઓ આપણા વીદ્વાન વીવેચક નરસિહરાવને સમજાયા નહીં !! એમણે મનોમુકુર ભાગ ૨ માં લખ્યું,

“‘ગામતરાં’ શબ્દનો અર્થ પ્રકાશકોએ કોશમાં કે ટીકામાં બતાવ્યો જણાતો નથી. ‘તરવરિયા = તેજ, પાણીદાર હશે ?’ ‘હંસલો = ઘોડાનું વિશેષ નામ હશે ?’ ‘ભવનાં ભીલ’નો શો અર્થ હશે ?’ ‘છાઈઓ = ઘેર્યો એમ હું ધારું છું….’

શ્રી મેઘાણી આ અંગે લખે છે, “આ વિવરણ બતાવી આપે છે કે સામાન્ય ઘરગથ્થુ બોલીના શબ્દોથી પણ આપણે વેગળા પડી ગયા હતા. અને એના અર્થો બેસારવામાં દ્રાવીડી પ્રણામ કરીને પણ સાચી સમજ પર આવનારા સ્વ. જેવા સમર્થ વૈયાકરણો પણ આપણી પાસે નહોતા,..આ દુહાની વાણી તો જૂની ક્લિષ્ટ ડિંગળ પણ નથી, હળવી અને પ્રચલિત છે….

“આમ બેઉ પક્ષે– ચારણપક્ષે તેમજ આધુનિકોને પક્ષે – જે સામાન્ય બોલચાલની ભાષાથી વેગળાપણાનો ગંભીર દોષ થયો, તેના પરિણામે સાહિત્યને મોટી ક્ષતિ પહોંચી.” (ચારણો અને ચારણી સાહિત્ય પૃ. ૫૧–૫૨)

આજે ગુજરાતની બોલીઓ જે તે પ્રદેશના લોકોમાં થોડી ઘણી સચવાઈ છે ને ખાસ તો એ બોલી માટેના શબ્દકોશોમાં જ તે સચવાઈ છે. આજે તો આપણે અંગ્રેજીના પાટા બાંધીને એવા તો અંધ બની ગયાં છીએ, કે સરળ અને સહેલું ગુજરાતી સ્વીકારવા તૈયાર નથી. સંસ્કૃતપ્રચુર ગુજરાતીભાષાના પંડીતોએ પાયેલા ડોઝના નશામાં લોકબોલી, લોકો માટેની બોલી કે એમને માટેનાં ભાષા કે સાહીત્યથી આપણે જાણે અભડાઈએ છીએ.

મેઘાણીજયંતી નીમીત્તે આજે આટલું.