સર્જકની નિષ્ઠા – ભાગ (હા…શ) છેલ્લો !!

સર્જકની નિષ્ઠા બાબત મેં મૂકેલા પાંચેક પેટાસવાલોના જવાબરૂપ લખવા ધારેલાં લખાણોને ન લંબાવતાં આજે એક સાથે બાકીના બધા સવાલો – વાચક પ્રત્યેની, વિવેચક પ્રત્યેની તથા સર્જકની પોતાના વિચારસ્વાતંત્ર્ય અંગેની નિષ્ઠા / જવાબદારી – અંગે સંક્ષેપમાં જવાબ આપવા પ્રયત્ન કરીશ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

સ્વરૂપ અંગે :

સ્વરૂપનિષ્ઠાની વાત કરીએ તો સાહિત્યના જે સ્વરૂપમાં આપણું લખાણ મુકાતું હોય તે સ્વરૂપના નિયમો પળાવા જોઈએ તે વાત યાદ રાખવાની રહે છે. હાઇકુને એના નિયમો હોય, સૉનેટને એના નિયમો હોય અને નિબંધ કે ટૂંકી વાર્તાને સૌને એમના નિયમો હોય જ છે. ફક્ત ૧૪ પંક્તિ મૂકી દેવાથી સૉનેટ બની જતું નથી; પાંચ–સાત–પાંચ શબ્દોથી હાઇકુ સર્જાઈ જતું નથી. લાગણીઓને પંક્તિઓમાં ઠાલવી દેવાથી ઊર્મિકાવ્ય બનતું નથી કે કાફિયા–રદ્દીફને સાચવી લઈને બાકીનો મસાલો પંક્તિમાં ઠઠાડી દેવાથી ગઝલને પણ ન્યાય મળી જતો નથી.

ભાષા અને વ્યાકરણ બાબત અંગે :

સર્જક સિદ્ધહસ્ત હોય તો પણ એ ઉપરોક્ત નિયમોમાંથી છટકી શકતો નથી. કેટલીક છૂટછાટ સહ્ય હોય છે અને ભલભલા સાહિત્યકારોમાં નાનીમોટી ક્ષતિઓ રહી જ જતી હોય છે. છતાં છંદશુદ્ધિના દાખલારૂપ સંસ્કૃત રચનાઓમાં છંદની શુદ્ધિની કેટલી કાળજી લેવાતી હોય છે તે જાણવા જેવું છે. સંસ્કૃતમાં એક જ શબ્દના અનેક અર્થો મળે છે અને એક અર્થ મેળવવા માટે ઢગલાબંધ શબ્દો તૈયાર જ હોય છે તેથી સંસ્કૃતકાવ્યોમાં લઘુગુરુની છૂટ લેવાનો વારો આવતો નથી….જ્યારે સુંદરમ્ ઉમાશંકર જેવાની રચનાઓમાં પણ છંદની અનેક છૂટ લેવાતી રહી છે.

દાયકાઓ પહેલાં પુસ્તક છપાય ત્યારે એકાદ પાનું શુદ્ધિપત્રકનું પણ છાપવામાં આવતું હતું. છેલ્લી ઘડીએ તપાસવાથી મળી આવેલી ભૂલોની યાદી પુસ્તકની શરૂઆતમાં જ મૂકવામાં આવતી હતી. હવે શુદ્ધિપત્રકોનો રિવાજ જ ઠામુકો ગયો છે બલકે જો એવું કરવા જાય તો કેટલાં બધાં પાનાં મૂકવાનાં થાય ?!

વાક્યરચનાની ભૂલો નિબંધમાં કે વાર્તાઓમાં કઈ રીતે ચલાવી શકાય ?! કાવ્યોમાં પણ કવિ પોતાને વ્યાકરણના નિયમોથી ઉપર ગણાવે તે ઠીક ગણાય ? આજે તો ભાષાભૂલોને ભૂલો જ ગણાતી નથી એવે સમયે ભાષાની ચિંતા કરવાનો જાણે કે અર્થ જ રહ્યો નથી.

પણ તેથી કરીને શું નવોદિત સર્જકે ભૂલો માટે સભાન રહેવાનું નહીં ?

વિવેચન બાબતે :

નેટજગતમાં રજૂ થતું સાહિત્ય કેવું છે; એને કોઈ સુધારણાની જરૂર છે; જરૂર હોય તો તે કોણ બતાવશે વગેરે બાબતે સિદ્ધહસ્ત સાહિત્યકારો–વિવેચકો નેટજગતને મદદરૂપ થતાં જોવા મળતા નથી. પરિણામે ક્ષતિઓ જેમની તેમ રહી જાય છે એટલું જ નહીં પણ પોતાના વર્તુળના મિત્રોની like નિશાનીઓ અને વાહવાહીને કારણે વિવેચનનાં ધોરણો જ નંદવાઈ જતાં અનુભવાય છે !!

સામાન્ય રીતે નવોદિતોની રચનામાં કોઈ ને કોઈ તત્ત્વ ધ્યાન ખેંચનારું તો હોય જ છે. એને ધ્યાનમાં લઈને સર્જકને પ્રોત્સાહન આપવું જ જોઈએ. પરંતુ સાથે સાથે એ રચનાની ક્ષતિઓને પણ જોવી જોઈએ…પરંતુ મિત્રો બધા કાંઈ વિવેચકો હોતા નથી. તેઓ તો રચનામાં રહેલી કોઈ મજાની વસ્તુને કારણે વાહ કહે તો તે સહજ છે. છતાં સર્જકનું પોતાનું “વિશાળ વાચન” અને એને આધારે “પોતાનામાં પણ છાને ખૂણે આવી બેઠેલા વિવેચક”ને સક્રિય કરવા જોઈએ ! પોતે જ પોતાની રચનાને તપાસતાં રહેવું જોઈએ. શ્રી ઉ.જો.ના એક લેખનું શીર્ષક જ હતું, “લખ, ભુંસ, ચૅક, છેર…” એમાં એમણે સાહિત્યના સર્જનની જોડાજોડ ચાલતી સુધારાની વિવેચનપ્રક્રિયાનો નિર્દેષ કર્યો છે ! શ્રી નિરંજન ભગતે તો માટલાને બન્ને બાજુથી સાચવીને ટીપતા કુંભારની કાળજીની વાત બે પંક્તિમાં સરસ સમજાવી છે :

“અરે, કહી ન કાવ્યને બગાડવું;

અહો ! કહી અહં નહીં જગાડવું.”

એટલે કે સર્જનના સમયે વચ્ચે વચ્ચે વિવેચક બનીને કાવ્યને સર્જતું અટકાવવું નહીં (પણ કાવ્ય રચાઈ જાય પછી તેને મઠારી શકાશે) એવી જ રીતે અહો ! કહીને પોતાના કાવ્યથી ફુલાઈ પણ ન જવું !!

સર્જકનું સર્જનસ્વાતંત્ર્ય :

 નવો નિશાળિયો હોય અને ખબર ન હોય તો છૂટવાના બેલ પહેલાં શાળા છોડે તે સમજાય પણ પોતે નવો છે એટલે દરરોજ એમ ભાગી જઈ ન શકે. નવોદિત સર્જક પોતે વાણીસ્વાતંત્ર્ય ધરાવતો હોવા માત્રથી કાવ્ય કે સાહિત્યના કોઈ પણ સ્વરૂપ સાથે ચેડાં ન કરી શકે. સારા–ઉત્તમ સાહિત્યનો અભ્યાસ કરવાની કોણ ના પાડે છે ? સારા સર્જકોની ટૅકનિક શીખવામાં ક્યાં પૈસા બેસે છે ? કોઈ સાચી સલાહ આપે તો લેવામાં કશું જ ખોટું નથી; બલકે સાહિત્યની અને માતૃભાષાની ખરી સેવા જ થવાની છે.

આજે તો માતૃભાષા બચાવવાનાં અભિયાનો ચાલે છે. માતૃભાષાના પ્રચાર–પ્રસારની ઝુંબેશ ચલાવાય છે. ક્યાંક ભાષા–સાહિત્યના સંવર્ધન માટે અનેકાનેક પ્રયોગો કરવા માટે સંસ્થા ચલાવવામાં આવે છે….આ બધું જ ઉત્તમ છે. આ બધી જ બાબતોને ટેકો આપવો જોઈએ. ટેકો આપનારા પણ ભાષા–સાહિત્યની સેવા જ કરે છે.

પરંતુ સાથે સાથે આ પ્રવૃત્તિ ચલાવનારાએ ભાષાશુદ્ધિ તરફ આંખ આડા કાન કરીને ક્ષતિઓને ચલાવી લેવી ન જ જોઈએ. ઢગલાબંધ છપાતી ઇબુકો આનું ઉત્તમ ઉદાહરણ છે ! આવાં પ્રકાશનો કરનારાંની હરીફાઈ જોખમી બની શકે છે. એમની પ્રગટ કરાયેલી ઇબુકોમાંની ભૂલો અધધધધ હોઈ અક્ષમ્ય ગણાવી જોઈએ.  

ક્ષમા કરજો, વાચકો ! મેં એક દિવસ, બસ એમ જ સવાલ પૂછી નાખ્યો – સર્જકની નિષ્ઠા બાબત !! એના કેટલાક જવાબો મળ્યાય ખરા. પણ માસ્તરજીવથી રહેવાયું નહીં, તે એ દરેક બાબતને મુદ્દો બનાવીને આ ચાર ભાગમાં લગરીક લાઉડ થિંકિંગ કરી દીધું !!

આનો આશય કોઈની ભૂલો બતાવવાનો હરગીજ નહોતો. માસ્તર છું. મારાં પોતાનાં સર્જનો –કાવ્ય, લેખ, નિબંધ, વાર્તા વગેરેને મેં ક્યારેય અપ ટુ માર્ક કહ્યા–ગણાવ્યા નથી. હું વિવેચક પણ નથી જ નથી.

છું, તો ફકત ને ફકત માસ્તર છું, બસ !

એટલે આ લખાણોને એ રીતે જ વાંચવા–સમજવા નમ્ર વિનંતી છે. 

અચ્યુતમ્…….!

સર્જકની સર્જકની કાવ્યવિષય પરત્વે નિષ્ઠા – ૩/a

વિષય તો બધી જ કલાઓમાં હોય છે. નાટ્ય, મહાકાવ્ય ને નવલકથા જેવા વિસ્તાર ધરાવતા સ્વરૂપોથી લઈને નાનામાં નાની કૃતિમાં કોઈ ને કોઈ વિષય–વસ્તુ, સબ્જેક્ટ–થીમનું હોવું સ્વાભાવિક છે. ઊર્મિકાવ્યોમાં પણ ભલે વિચારતત્ત્વનો અભાવ હોય પરંતુ કોઈ વિષય તો હોવાનો જ.

બીજી રીતે કહીએ તો સર્જક પોતાની કૃતિ (પછી તે નાટ્ય હોય કે શિલ્પ હોય, કે ચિત્ર કે નૃત્ય) દ્વારા જે કાંઈ કહેવા માગે છે તેને જ આપણે વિષય–વસ્તુ કહીને કામ ચલાવીશું.

ઘણી વાર એવું બને છે કે કોઈ લેખ આપણી સમક્ષ રજૂ થયો હોય પણ તે લખાણ એકધારું, ફકરો પાડ્યા વિનાનું ચીતરી માર્યું હોય ત્યારે વાચકને પૂરો સંદેશો મળતો નથી ! કોઈ પણ લખાણ, તે પછી ગદ્ય હોય કે પદ્ય, પણ તેમાંના વિષયને બરાબર વાચક સમક્ષ પૂરો પ્રગટ થવા દેવો હોય તો એને મૂળતત્ત્વના અલગ અલગ તબક્કે ફકરો પાડીને (પદ્યમાં અલગ કડી કે કંડિકારૂપે) જુદું પાડવું જોઈએ.

ફકરા પાડ્યા વિનાનાં લખાણોમાં વિષય–વસ્તુ જોઈએ તેટલા પ્રમાણમાં સ્ફુટ – પ્રગટ થઈ ન શકે. વાચક કોઈ તારણ પણ કાઢી ન શકે. તે વાત વિષયપ્રાગટ્ય માટે કહી.

સૉનેટમાં તો ભાવ કે વિચારના સ્પષ્ટ ભાગ પાડવાનું અનિવાર્ય હોય છે ! જૂની પ્રણાલી પ્રમાણે સૉનેટના આઠ અને છ પંક્તિઓના બે ભાગ પાડવા જ જોઈએ જેના દ્વારા ભાવ કે વિચારનો પલટો સ્પષ્ટ જોઈ શકાય. શેક્સ્પીરીઅન સૉનેટમાં ૪–૪–૪–૨ એવા ખંડો કે એવી કંડિકાઓ પાડવામાં આવે છે. આ વસ્તુ બતાવે છે કે વિષય પરત્વે સર્જકની જવાબદારી (આપણે એને નિષ્ઠા કહીશું) કેટલી હોય છે. ઉમાશંકરભાઈએ તો આ અંગે જે વાત કહી છે તે બીજી અનેક રીતે પણ આપણને ઉપયોગી હોઈ એને અહીં મૂકું…..

સૉનેટના કથયિતવ્ય (આપણે માટે અહીં ‘વિષય’)માં પોતામાં જ કંઈક વળાંક, મરોડ, ઊથલો, પલટો, ગુલાંટ જેવું હોય છે. એની ગેરહાજરીમાં કોઈ પણ કાવ્યકૃતિ સૉનેટ નામ માટે અધિકારી નથી….આવો સ્થૂળ કે સૂક્ષ્મ પલટો, જ્યાં ન હોય ત્યાં સૉનેટરચના સંભવી ન શકે….

સૉનેટને અંતે વિચારતરંગના વિલયને બદલે કોક વાર પ્રચંડ પછડાટ પણ હોય છે. તો પણ ઉપરના સાદૃશ્યનિરૂપણમાં સૉનેટરચનાના એક અત્યંત આવશ્યક એવા તત્ત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, અને એ તત્ત્વ તે તરંગની ગતિમાં પલટો, એટલે કે વિચાર કે ઊર્મિના નિરૂપણમાં વળાંક….

વિષયની સળંગસૂત્રતા કોઈ પણ લખાણમાં હોવી જરૂરી ગણાય. વિચાર કે ભાવને આડેધડ ફંગોળાય નહીં. સર્જક પોતે શું કહેવા માગે છે તેની તેને તો ખબર જ હોય છે પણ વાચક ગુંચવાઈ જાય એટલી હદે અસ્પષ્ટતા કે ક્લિષ્ટતા હોય ત્યારે તે કૃતિનું પ્રત્યાયન બરાબર થતું નથી.

ગદ્યલખાણોમાં તો મારી હંમેશની ફરિયાદ રહી છે કે ઘણા લેખકોનાં લખાણોમાં ફકરા પાડેલા હોતા નથી !! એવામાં વાચકે શું સમજવું ?! ઘણા પદ્યસર્જકમિત્રોને હું એમની કૃતિ માટે કહેતો રહ્યો છું કે તમારી કૃતિનો અન્વય કરીને જાતે જ તપાસી જુઓ કે તમારી રચનામાંનો વિષય સળંગસૂત્ર રહ્યો છે કે પછી ફંગોળાતો રહ્યો છે. અન્વય કરવાથી આ વાત બહુ સરળતાથી સમજી શકાય છે. મારા કેટલાક જ મિત્રોએ મને આ બાબતે સાથ આપ્યો છે.

એટલે સાહિત્યમાં વિષય પરત્વે સર્જકની નિષ્ઠા અંગે આજ પૂરતું આટલું બસ માનું છું. વિષય બાબતના આ લખાણમાં મારા વિચારો પણ ઉપરછલ્લા જ ગણું છું. આ એક પ્રકારનું લાઉડ થિંકિગ માનીને આગળ અન્ય બાબતે જઈશું.

સર્જકની કાવ્યવિષય પરત્વે નિષ્ઠા – ૩

– જુગલકિશોર

નોંધ : કુંભાર દ્વારા ઉત્તમ કારીગરીરૂપ એવા માટલાના ઉદાહરણ દ્વારા કેટલીક વાતો ગયા બીજા અંકમાં કરી તેથી કેટલીક ગેરસમજો થયાનું ધ્યાને આવ્યું ! એટલે કેટલીક સ્પષ્ટતા જરૂરી હોઈ ત્રીજા હપતાના આરંભે કેટલુંક એ દિશામાં –

–––––––––––––––––––

કલામાં નાટ્ય, નૃત્ય, શિલ્પ, સંગીત અને ગદ્યપદ્યમાં રચાતું સાહિત્ય વગેરે મુખ્ય છે. જ્યારે

કારીગરીમાં કુંભાર, કડિયા, સુથાર, લુહાર, દરજી વગેરે વ્યાવસાયિકો દ્વારા સર્જાતી સામગ્રી બધી આવે છે.

કુંભાર ગમે તેવું સુંદર માટલું ઘડે પણ તેને કલાકૃતિ ગણાવાશે નહીં. કોઈ પ્રદર્શનમાં ઉત્તમ માટલાં રજૂ કરવામાં આવે અને તેને ખરીદીને કોઈ પોતાના ઘરમાં સુશોભન માટે મૂકે તેથી માટલું કલાકૃતિ ગણાય નહીં.

માટી, પથ્થર વગેરે જેવી સામગ્રી (ઉપાદાન)માંથી જ્યારે શિલ્પકૃતિ તૈયાર થાય છે ત્યારે તેમાં કારીગરીથી ઉપર જઈને એક અલૌકિક આકૃતિ તૈયાર થાય છે. ઉત્તમ કક્ષાનાં મંદિરો પણ સ્થાપત્યના જ ઉત્તમ નમૂનાઓ હોઈ એનું વિશેષ મહત્ત્વ છે અને ઉત્તમ મંદિરોમાંની મૂર્તિઓ પણ કારીગરીના ઉત્તમ નમૂનારૂપે આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે છતાં એ એકસરખી ડિઝાઇનોમાં ગોઠવાયેલી ચીજોને કારણે મંદિરને કલાનો નહીં પણ સ્થાપત્યનો જ નમૂનો કહી શકીશું. (કારીગરીથી તૈયાર થયેલી વસ્તુઓની કૉપી થઈ શકે પણ કોઈ એક ખાસ વિષય લઈને તૈયાર થયેલું શિલ્પ ફરીવાર બનતું નથી !)

સાહિત્યમાં નાટક, મહાકાવ્ય, ખંડકાવ્ય, ઊર્મિકાવ્ય, ગઝલ કે હાઇકુ વગેરે કાવ્યજગતની અપ્રતીમ રચનાઓ છે. એની નકલ થઈ શકતી નથી. કોઈએ રચેલી નવલિકાની ઝેરોક્સ કૉપી કાઢી શકાય પરંતુ એ નવલિકા સર્જાયા પછી એનો લેખક ખુદ એવી જ બીજી કૃતિ સર્જી શકે નહીં ! હાઇકુના ‘સ્વરૂપની નકલ’ કરીને બીજાં હાઇકુ સર્જી શકાય કારણ કે હાઇકુ એક સાહિત્ય પ્રકાર છે. એ જ પ્રકારનાં – એ જ હાઇકુ–સ્વરૂપમાં બીજાં હાઇકુ સર્જી શકાય પણ બે હાઇકુ એકસરખાં ન હોઈ શકે.

મેં નમૂનારૂપ માટલાનું ઉદાહરણ આપ્યું ત્યારે કલા–સાહિત્યના સર્જકની નિષ્ઠાને સમજવા માટે મૂકીને “કારીગર પણ પોતાના વ્યવસાયની નિષ્ઠા રાખતો હોઈ સાહિત્ય કે કલાના સર્જકે પણ પોતાના સર્જનકાર્ય માટે નિષ્ઠા રાખવી જ જોઈએ એ સમજવાનો મારો હેતુ હતો. માટલું છેવટ તો વેચવા માટે જ હોઈ કુંભારની નિષ્ઠા વ્યાવસાયિક જ હોય તે સહજ છે.

કારીગરો દ્વારા સર્જાતી સામગ્રી અને સાહિત્યકાર કે અન્ય કલાસર્જકો દ્વારા સર્જાતી રચનાઓમાં સમજણફેર થયાનું ધ્યાનમાં આવવાથી આટલી સ્પષ્ટતા જરૂરી લાગી છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

સર્જનમાં નિષ્ઠા : વિષય પરત્વે

કારીગરીમાં વસ્તુનું મહત્ત્વ છે, વિષયનું નહીં. ઘણીખરી કારીગરીમાં તો વિષય જ હોતો નથી !

જ્યારે કાવ્ય–સાહિત્યમાં વિષયની પસંદગી, એની માંડણી, વિષયનું યોગ્ય ક્રમે પ્રાગટ્ય, રજૂ થઈ રહેલા વિષયની શૈલી, વિષયની રજૂઆતને કોઈ પણ જાતના પ્રયાસ વિના એકદમ સહજતાથી આકર્ષક બનાવી મૂકતા શબ્દાલંકારો અને અર્થાલંકારો ઉપરાંત બીજાં કેટલાંક સૂક્ષ્મ તત્ત્વો મહત્ત્વનો જ નહીં પણ અ–નિવાર્ય ભાગ ભજવે છે. આ બધાં તત્ત્વો, કાવ્ય–સાહિત્યનાં સૂક્ષ્મ અંગો છે જેને એક વાર એક વિષય પર પ્રયોજ્યા પછી એ જ પ્રમાણે બીજીવાર પ્રયોજી શકાતાં નથી !!

સાહિત્યનો વિષય, એનો પ્રકાર, એનો વ્યાપ વગેરેને આધારે સાહિત્યનું સ્વરૂપ ગોઠવાઈ જતું હોય છે.

નવલકથાનો વ્યાપ નવલિકામાં ઝીલી શકાતો નથી. નવલકથા વિષય સાથે સંકળાયેલાં પાત્રો, એને જ કારણે ઊભા થતાં રહેતા પ્રસંગોને કારણે વિસ્તૃત બની રહે છે જ્યારે નવલિકા–વાર્તા તો ભલે લાંબી હોય પણ તે કોઈ એક જ વિષય–કેન્દ્ર પ્રત્યે ગુંથાય છે.

ઊર્મિકાવ્ય કોઈ એક ભાવને આધાર રાખીને કેટલાક અન્ય સૂક્ષ્મભાવોને સાથે ગુંથતું કાવ્ય છે જ્યારે ખંડકાવ્યમાં એક જ વિષય હોવા છતાં વાર્તાતત્ત્વ પણ તેમાં હોવાથી એનું ભાવજગત પાત્રો–પ્રસંગોને પણ સાંકળી લે છે.

ગઝલમાં આવું નથી. એક જ વિષય પર ટકી રહેતી ગઝલોને બાદ કરતાં ગઝલોમાં વિષયનો કોઈ એક તંતુ ભાગ્યે જ જોવા મળે છે. કાફિયે કાફિયે અલગ વિષય એમાં પ્રગટતા રહે છે. સિદ્ધહસ્ત ન હોય તેવા ગઝલસર્જકોમાં કાવ્યવિષય ફંગોળાતો અનુભવાય છે !!

સર્જકની કાવ્યનિષ્ઠામાં રચનાઓમાંનો મુખ્ય વિષય કેટલો ને કેવો સચવાયો છે ? કેવી રીતે તે વિષય પ્રસ્ફુટ થયો છે ? વિષયને અનુરૂપ કાવ્યનાં અંગો–તત્ત્વોની યોજના થઈ છે કે પછી પેરેગ્રાફ વગરનાં લાંબાં લખાણોની માફક સાહિત્યસર્જનમાં પણ કાવ્યતત્ત્વોને ઠઠાડી દેવાયાં છે ?

આ બધું સાહિત્યનાં ઉચ્ચ ધોરણોને માટે પૂછવાનું હોય છે. સર્જકની કાવ્ય–સાહિત્યનિષ્ઠાના માપદંડોમાં વિષય પરત્વેની પ્રામાણિકતા ચૂકવાની હોતી નથી.

અસ્તુ.

(ક્રમશ: સર્જકની નિષ્ઠા–૪)    

સર્જકની નિષ્ઠા – ૨

– જુગલકિશોર.

કવિની નિષ્ઠાની વાત કરતાં પહેલાં આપણે ગયા હપતામાં સર્જનના બે પ્રકારો જોયા.

કારીગીરી અને કલા.

હવે એ જ બન્ને પ્રકારોને નજર સમક્ષ રાખીને વાત આગળ લંબાવીએ.

કારીગરની સર્જન–નિષ્ઠા

કુંભાર એના ચાકડા ઉપર માટલું બનાવે છે. આ એનો વ્યવસાય છે. આ સર્જન કારીગરીનો એક ઉત્તમ નમૂનો પણ છે. આ કામ તે કુંભાર પોતાના ગ્રાહકો માટે કરે છે. એનો હેતુ ગુજરાન ચલાવવાનો છે. (માટલાને બને તેટલું શણગારીને કુંભાર ગ્રાહકને એક પ્રકારનો સ્થૂળ આનંદ પણ આપવા મથતો હોય છે પણ આ આનંદ એના વ્યવસાય–વ્યાપારનો જ એક ભાગ છે.)

માટલું ઘડવાની સાથે સાથે એનો આ સર્જક ચારે પ્રકારની નિષ્ઠા વ્યક્ત કરે છે –

૧) માટલાની ગુણવત્તા જાળવવા દ્વારા ગ્રાહક તરફની નિષ્ઠા પ્રગટ કરે છે.

૨) સારું માટલું, કોઈ પણ જાતની ખામી વિનાનું માટલું બનાવવાની સાથે તે ઉત્તમ માટલાનાં લક્ષણો–ગુણો તરફ ધ્યાન આપે છે, જે બતાવે છે કે કુંભાર માટલાનું જે નક્કી થયેલું સ્વરૂપ છે તેને ખ્યાલમાં રાખીને માટલાની સ્વરૂપનિષ્ઠા પણ જાળવે છે.

૩) ઉત્તમ માટલું ઘડવાની કુંભારની આવડત, કે જે તેની માટલાના સર્જક તરીકેની લાયકાત સાબિત કરનારી છે તે “આવડત” દ્વારા તે પોતાની સર્જક–નિષ્ઠા પણ સાબિત કરે છે.  

૪) અને માટલાનું સ્વરૂપ એટલે કે તેનાં જરૂરી બધાં લક્ષણો સાચવીને, માટલાને સારા ભાવથી વેચીને તથા ગ્રાહકને સંતોષ આપીને કુંભાર પોતાની વ્યવસાયનિષ્ઠા પણ જાળવે–સાચવે છે.

હવે જો એક કારીગર પણ પોતાના વ્યવસાય બાબતે આટલો પ્રામાણિક રહેવા મથતો હોય તો અવર્ણનીય આનંદને વહેંચવાનો હેતુ રાખનાર કલાસર્જકની નિષ્ઠા અંગે તો જેટલું વિચારીએ એટલું ઓછું જ ગણાય ને ?!

સર્જકનિષ્ઠા – ૧

– જુુગલકિશોર.

થોડા સમય પહેલાં મેં ફેસબુક પર પાંચ પેટાસવાલ સાથે એક સવાલ મુક્યો હતો :

 કવિની નિષ્ઠા કોના પ્રત્યે ?

૧) કાવ્યવિષય પરત્વે ?
૨) કાવ્યસ્વરૂપ પરત્વે ?
૩) વિવેચન પરત્વે ?
૪) વાચક-ભાવક પરત્વે ? કે
૫) પોતાના વિચારસ્વાતંત્ર્ય પ્રત્યે !

કેટલાક સરસ જવાબો મને મળ્યા હતા. છતાં મારા મનમાં જે કેટલુંક છે તેને લેખરૂપે આજે અહીં પ્રસ્તુત કરું છું.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

સર્જકત્વ સામાન્ય રીતે બે પ્રકારે પ્રગટ થતું હોય છે.

એક કારીગરીરૂપે (ક્રાફ્ટ) અને બીજું કલારૂપે.

કડિયા, લુહાર, સોની વગેરે જે કાર્ય કરે છે તે પણ સર્જનો જ હોય છે. પણ તે કારીગરી કક્ષાનું ગણાય. કારીગરીમાં ગમે તેટલી ઝીણવટ હોય તો પણ તે કલાનું સ્થાન લઈ શકે નહીં. સાહિત્યમાં પણ સાહિત્યસ્વરૂપોના સ્થૂળ નિયમો જાળવી લેવામાત્રથી તે સાહિત્યિક કૃતિ બની જતી નથી.

સ્થાપત્ય એ મુખ્યત્વે કડિયાકામ સાથે જોડાયેલું કામ છે. પણ તેમાં કેટલીક જગ્યાએ કલાના અંશો પણ પ્રગટ થતા હોય છે. સામાન્ય સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ આવા વિભાગો જોઈ શકાય છે. સામાન્ય ગીતો, રાગડા અને શાસ્ત્રીય સંગીત એમ અલગ પ્રકારે ગાયનો પ્રગટતાં હોય છે.

સુથાર દ્વારા જીવન ઉપયોગી અનેક પ્રકારનાં સાધનો બનાવવામાં આવતાં હોવા ઉપરાંત ક્યારેક તેમના દ્વારા કલાના ઉત્તમ નમૂનાઓ સર્જાય છે.

 આમ જોવા જઈએ તો ક્રાફ્ટ વર્ક અને આર્ટવર્ક એમ બે પ્રકારે સર્જનો થતાં રહે છે. ક્રાફ્ટવર્ક મહદ્ અંશે જીવનના રોજિંદા વ્યવહારોમાં જરૂરિયાત માટે હોય છે જ્યારે કલાત્મક ચીજો જીવનના કોઈ વિશેષ આનંદ માટે હોય છે.

આમ તો બધી જ કલાઓનો હેતુ ઉચ્ચ પ્રકારના આનંદની પ્રાપ્તિનો જ હોય છે.

નાટ્ય, નૃત્ય, સંગીત, શિલ્પ, ચિત્ર અને સાહિત્ય આ બધી કલાઓ છે જેનું સર્જન કોઈ સાધારણ વ્યક્તિ કરી શકતી નથી. કલાના સર્જન માટેની લાયકાત સૌ કોઈમાં નથી હોતી.

સાહિત્યના સર્જક અંગે કેટલુંક :

કાવ્યશાસ્ત્રમાં સર્જકક્ષમતા માટે બે બાબતો બતાવાઈ છે.

૧) પૂર્વજન્મના સંસ્કારોથી મળેલી સર્જનશક્તિ.

૨) અભ્યાસ દ્વારા મેળવેલી સર્જનક્ષમતા. (જોકે આમાં પણ પૂર્વજન્મના સંસ્કારોને કેટલેક અંશે કારણભૂત માનવામાં આવ્યા જ છે.) વિદ્યાભ્યાસ, ગુરુજનોની શીખ, કલા/કલાકારો સાથેની મૈત્રી અને અભ્યાસ – જેને સંગીતશાસ્ત્રમાં રિયાઝ કહે છે – વગેરે દ્વારા વ્યક્તિ આ જન્મમાં કલાક્ષેત્રે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે.

વિવેચનના માપદંડો દ્વારા વિવેચકો પણ સર્જકને ટપારીને ઉચ્ચ સર્જનક્ષમ બનાવી શકે છે. ગુજરાતમાં કુમાર કાર્યાલયે શ્રી બચુભાઈ રાવત દ્વારા અનેક નવસર્જકોને તૈયાર કરાયાની વાત બહુ જાણીતી છે. (અહીં, શિક્ષક–વિવેચકની પોતાની ક્ષમતા અને ઉચ્ચ લાયકાત ઉપરાંત નવસર્જકની પણ શીખ્યા બાદની ઉચ્ચ ધોરણોને અપનાવવાની તૈયારી મહત્ત્વની બની રહે છે.)

(અપૂર્ણ)