ગુજરાતી સૉનેટમાં શું શું અનીવાર્ય ?

સહપાઠીઓ,

આજે સૉનેટ અંગેનો આ છેલ્લો હપ્તો છે. પોતાના લેખને અંતે કેટલાંક તારણો શ્રી ઉ.જોશીએ મુક્યાં છે એની રજુઆત સાથે આપણે સૉનેટની યાત્રા પુરી કરીશું. સૌના  સહકાર સાથે, આ એક મહત્વનું કાર્ય સંપન્ન થયાનો સહેજે આનંદ છે.

 

ખાસ કરીને ગાંધીદર્શન જેવા મહત્વના બ્લોગની શરુઆત હવે થઈ ચુકી હોઈ આવા અભ્યાસ લેખો આપવાનું હવે લગભગ દુષ્કર બની જશે. મારા બેએક બ્લોગને પણ સંકોડી લેવાની જરુર ઉભી થઈ જ છે. આમ એક બાજુ ઘણાં મહત્વનાં કાર્યો થઈ રહ્યાં છે તો બીજી બાજુ કેટલુંક સંકેલવાનુંય આવી રહ્યું છે !

 

બ્લોગજગતમાં આવું તો બનતું જ રહેવાનું ! આશા રાખું કે કોઈ ને કોઈ આગળ આવશે અને આ મશાલમાં તેલ પુરતાં રહેશે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

 

સૉનેટ અંગે શ્રી ઉમાશંકર જોશી – ( અંતીમ હપ્તો ૯ )

 

 

સૉનેટ અંગે મહત્વનાં તારણો સાથે સમાપન –

 

 

સૉનેટમાલા અને ગઝલની મનભાવન સરખામણી !!

 

૧૪ લીટીના એક સૉનેટમાં ભાવ કે વીચાર પુરો પ્રગટ ન થાય ત્યારે સર્જક એક પછી એક અનેક સૉનેટનું ઝુમખું રચે છે. આ સૉનેટમાલામાં દેશપરદેશના સર્જકોએ જ નહીં, આપણા ગુજરાતી કવીઓએ લાંબી સૉનેટમાળાઓ આપી છે. હકીકતે તો સૉનેટની ઉત્પત્તી જ સૉનેટમાળા રુપે થઈ છે.

 

છતાં સર આર્થર ક્વિલર કૂચ જેવા સર્જક–વીવેચકો કહે છે કે એક સૉનેટમાં તમારી વાત તમે પુરી ન કરો એનો અર્થ જ એ કે તમારું પ્રથમ સૉનેટ–ઉડ્ડયન નીષ્ફળ નીવડયું છે ! એવી જ રીતે એમ પણ કહેવાય કે સર્જકની ઉર્મી, રાગોદ્રેક કે વીચારને સંપુર્ણ તથા ઉચીત રીતે ઘનીભુત થવા મળ્યું નહીં તેથી એકને બદલે બે ( કે વધુ )સૉનેટ રચવા પડયાં..!

 

શ્રી ઉમાશંકરભાઈ આના અનુસંધાને કેટલીક મજાની વાતો કહે છે –

આ બાબત આપણો જવાબ એ છે કે એણે વસ્તુતઃ બે સૉનેટ રચ્યાં જ નથી, પણ ચૌદ પંક્તિના બે શ્લોક(સ્ટાન્ઝા)–નું એક કાવ્ય લખ્યું છે…..

 

સૉનેટમાલાનાં બધાં સૉનેટોમાંથી દરેક વાચકને પોતાની અભીરુચી મુજબ અમુક સૉનેટ ગમે અને અમુક સૉનેટ ન પણ ગમે એવું બનવાનું. મહાકાવ્યોમાં પણ વાચકોને અમુક ખંડો જ વધુ આકર્ષતા હોય છે જ. જોકે સૉનેટમાલાના બધા મણકાઓ વચ્ચે દ્રઢ બંધન હોતું નથી એ ખરું છતાં પણ આ બધાં સૉનેટો વચ્ચે સાંકળરુપ યોજના નથી એમ પણ કહી શકાય નહીં. કારણ કે એક જ સૉનેટમાં જેમ ૮ અને ૬ લીટીઓનાં ઘટકો હોવા છતાં બન્ને મળીને જેમ એક સ્વતંત્ર સૉનેટ જન્મે છે તે જ રીતે નજીક નજીકનાં સૉનેટોના ઘટકો બનીને સૉનેટમાળાની ગુંથણી બનાવી દે છે.

 

આટલી વાત પછી શ્રી ઉમાશંકરભાઈ એક બહુ જ સરસ વાત બતાવે છે જેને સમજાવતાં સમજાવતાં આપણને ગઝલની પણ સરસ વાત સાંભળવા મળી જાય છે. કહે છે, સૉનેટમાલામાં ઘણુંખરું મનુષ્યના મનોજીવનની યાત્રાનાં ભિન્નભિન્ન છતાં અડોઅડ ગોઠવેલાં સોપાન(પગથીયાં)ની સ્થાપત્યરચના હોય છે….કાલિદાસ (જેવા મહાકવિઓ)ની કૃતિઓનો ઠીકઠીક એવો ભાગ સ્વતંત્ર મુક્તકોનો છે…પ્રત્યેક મુક્તક સ્વતંત્ર હોય છે. ને બધાં(મુક્તકો)ની એક પછી એક વણજાર લાગતાંની સાથે વસ્તુવિકાસ વગેરે સ્પષ્ટ થવા માંડે છે.

એમ કહી શકાય કે પ્રત્યેક શ્લોકમાં શિલ્પકલા અને તે સાથે જ સમગ્ર શ્લોકસમુહમાં સ્થાપત્યકલા સાધવામાં કવિપ્રતિભા જણાઈ આવે છે. આપણાં પ્રાચીનમંદિરોનું શિલ્પ અને સ્થાપત્ય જોતાં આ જ વસ્તુ પ્રતીત થશે. દેલવાડાનાં દહેરાંમાં શું છે ? પ્રત્યેક આકૃતિ સ્વતંત્ર સૉનેટ છે. અને સૌ સાથે મળીને વળી કોઈ કલ્પનાતીત સૌંદર્યને મૂર્ત કરી રહે છે. ક્વિલર કૂચે ફારસી શેરોના ઝૂમખાનું દ્રષ્ટાંત આપ્યું છે. તે કહે છે કે સૉનેટમાલાના પક્ષમાં સ્વયંપર્યાપ્ત એવા ફારસી શેરોના જૂથને આગળ કરી શકાય….

 

અર્થાત્ ગઝલના દરેક શેરને આ મહાનુભાવોએ મંદીરની નાની નાની શીલ્પકૃતીઓ તરીકે ઓળખાવીને કહ્યું છે કે બધા જ શેરો મળીને એક સુંદર અને કલાત્મક સ્થાપત્ય પ્રગટે છે !!

 

સૉનેટ અંગે સમાપનમાં શ્રી ઉ.જોશીનાં તારણો –

 

૧) સૉનેટના કથયિતવ્યમાં વળાંક, મરડ, પલટો, ગુલાંટ, છેવટે આછો લહેકો પણ હોવો જરુરી છે.

૨) સૉનેટની ચૌદ પંક્તિ હોય; નહીં ઓછી, નહીં વધારે.

૩) પંક્તિનું માપ ન આછકલું કે ન દીર્ઘસૂત્રી હોવું જોઈએ. (૧૪ થી૧૯ અક્ષરના છંદોનું પ્રાધાન્ય રહે)

૪) સૉનેટનાં ૮ અને ૬ એવાં સ્પષ્ટ બે ઘટકો હોવાં જોઈએ. એમાંયે કાવ્યની દૃષ્ટિએ ષટ્ક (બીજો ભાગ) ઉચ્ચતર હોવો જોઈએ.

૫) કોઈ અટપટી ઢબની પ્રાસસંકલના ગુજરાતીમાં આવશ્યક નથી…પાઠક્ષમ રચનામાં પ્રાસ અનિવાર્ય નથી…

૬) પ્રત્યેક સૉનેટ સ્વતંત્ર સ્વયંપર્યાપ્ત, અન્યનિરપેક્ષ કૃતિ હોવી જોઈએ. છતાં આવી અનેક કૃતિઓ જોડાજોડ સ્થાન લઈ શકે છે…શિલ્પમાલાઓથી ટેવાયેલા આપણને તો સૉનેટમાલાના આગવા સૌંદર્યનું આકર્ષણ સહેજે રહેવાનું.

૭) સૉનેટ કવિતાકલાની કલગી છે. એક જ સંપૂર્ણ કલાન્વિત સૉનેટ પોતાની પાછળ મૂકી જનાર કવિ ઉંચા કવિઓની જોડાજોડ આસન મેળવવાને હકદાર લેખાશે. સૉનેટના નાનકડા અમથા બીબામાં એવોક તો શો જાદુ છે એવો પ્રશ્ન ઊઠે એ સ્વાભાવિક છે.

૮) ચૌદ લીટીમાં પણ ભવ્યમાં ભવ્ય વસ્તુને કલાદેહ લાધેલો જોવા મળે છે…સૉનેટ દ્વારા ‘વિરાટ’ તત્વનો આવિષ્કાર થવા આડે સૉનેટની અલ્પકાયતા આવી શકતી નથી. મહાન કાવ્ય હોવા માટે મહાકાય હોવું આવશ્યક નથી.

સૉનેટ જોઈને આપણને થાય છે કે વિરાટ વામનસ્વરૂપે વિહરે છે ત્યારે પણ કેવો સુંદર લાગે છે !!

પ્રાસમાં ધ્વનીસામ્ય

સૉનેટ અંગે શ્રી ઉમાશંકર જોશી   (હપ્તો – ૮)

 

સૉનેટમાં પ્રાસયોજના – ૨

 

પંક્તીને છેડે એક સરખા ઉચ્ચારો આવે અને તેથી ધ્વનીની સમાનતા રચાય તથા બબ્બે પંક્તઓનો સંબંધ ધ્વની દ્વારા ઉભો થાય ત્યારે તેને પ્રાસ કહે છે. અંગ્રેજી શબ્દ rhymeને આ પ્રાસ શબ્દ સાથે સીધો સંબંધ છે.

 

ખાસ કરીને ગીતોમાં ધ્રુવપંક્તીની સાથે દરેક કડીની (અંતરો) છેલ્લી લીટીનો પ્રાસ આવે છે. આને લીધે કડી પુરી થઈને ફરી ધ્રુવપંક્તી પર આવી જવાથી કડીનું સંધાન પ્રથમ લીટી સાથે થઈ જવાથી ગીતનું મુખડું સતત અને સળંગ ધ્યાન પર રહે છે.આમ ગીતોમાં તો પ્રાસ બહુ જ મહત્વનું કાર્ય કરી આપીને ગીતની મજા આપે છે.

 

સૉનેટમાં ગાવાની વાત હોતી જ નથી. આમેય વીચારપ્રધાન કાવ્યોમાં ગાવાનું હોતું નથી. આવાં કાવ્યોમાં બે પંક્તીઓને છેડે સમાન ધ્વનીઓ વાળા શબ્દો એ બે પંક્તીઓનો સંબંધ જોડી આપે છે એટલું જ. રચનાકારની આવડત એનાથી શોભતી હોઈ પ્રાસ એ મુશાયરા વગેરેમાં બહુ મહત્વ ધરાવે તે સહજ છે.

 

સંસ્કૃતમાં મુખ્યત્વે પદ્યમાં જ રચનાઓ થતી હતી છતાં એમાં આવા પ્રકારના પ્રાસ ભાગ્યે જ જોવા મળે છે ! સંસ્કૃત પછીની પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં પ્રાસજોવા મળે છે તે ફારસી–અરબીની અસરથી છે તેમ કહેવાયું છે. સંસ્કૃતે આપણને શબ્દાલંકાર રુપે આદ્ય, મધ્ય અને અંત્યાનુપ્રાસ આપ્યા પણ બે પંક્તીને જોડતા rhyme પ્રકારના પ્રાસ તો બહુ મોડા આપણને મળ્યા.

 

યમક, વર્ણસગાઈ જેવા શબ્દાલંકારોમાં ગણાતો અને આરંભે, મધ્યે કે અંતે આવતો આ સમાનધ્વની વાળો શબ્દ પણ પ્રાસ તો નથી જ. કારણ કે પ્રાસમાં તો બે પંક્તીઓને છેડે સમાન ઉચ્ચારો વાળો છતાં સાવ જુદા જ અર્થ ધરાવતો શબ્દ હોય છે.

દા.ત. પરસેવો પરસેવા કરતાં પડયો                        ( આરંભે ધ્વનીસામ્ય)

           ક્યાંનો આ ન્યાય, કરમાય કર માંય પુષ્પ રે ! ( મધ્યે ધ્વનીસામ્ય)

            અહો, જુઓ શાં નવલવેશે પ્રવેશે !”                  ( અંતે ધ્વનીસામ્ય)

હવે આ અલંકારોને બદલે આપણે પ્રાસની યોજના જોઈએ – 

 

સત્ લાવશે અંત કરુણ  ભ્રાંતીનો,

ને આવશે એ યુગ  વીશ્વશાંતીનો ! 

આ બન્ને પંક્તીઓમાં મધ્યમાં લાવશે–આવશેનો તથા અંતે ભ્રાંતી–શાંતીનો પ્રાસ છે. એ બબ્બેનાં જોડકાં વચ્ચે ધ્વનીસામ્ય સીવાય કોઈ સંબંધ નથી…

 

પ્રાસમાં અદુરત્વઅર્થાત્ નજીકપણું મહત્વનું છે. પ્રથમ અને બીજી કે પ્રથમ અને ત્રીજી પંક્તીઓ વચ્ચે પ્રાસ હોય ત્યાં સુધી ઠીક છે બાકી સૉનેટમાંના દુરદુરના પ્રાસનું ધ્વનીસામ્ય વંચાતાં કાવ્યોમાં યાદ પણ રહે નહીં !! આવા દુરદુરના પ્રાસો ફક્ત આંખનો જ વીષય બની રહે છે !

 

ગઝલમાં કાફીયા એ પ્રાસ છે, જ્યારે રદ્દીફ તો એક જ સરખા શબ્દોનો સમુહ છે કે જે આખી રચના દરમીયાન એમ જ રહે છે, એ પ્રાસ નથી.કાફીયાને મધ્યાનુપ્રાસ કહી શકાય.

                                                                               —-====000====—-

 

 

 

પ્રાસ એ સૉનેટની શોભારુપ અલંકાર છે.

( સહપાઠીઓ !

 

આજે હવે આપણે જ્યારે સૉનેટ લેખમાળાના અંતીમ તબક્કે છીએ ત્યારે એ જણાવવાનું હું જરુરી સમજું છું કે સૉનેટની મુખ્ય શરતોમાંની આ પ્રાસની શરત મહત્વની હોવાની સાથે એ શરત બહુ જ અટપટી અને ઝીણી વીગતોમાં આપણને ઉતારે છે. આ અંગે શ્રી ઉમાશંકરભાઈએ બહુ જ ઉંડાણમાં જઈને સમજુતી આપી છે. આ વીભાગને બને તેટલો સહેલો અને ટુંકો કરીને આપ સૌ સમક્ષ મુકવાનો પ્રયત્ન કરી રહ્યો છું. છતાં આ એક ફક્ત પ્રાસયોજના વીભાગના જ ત્રણ હપ્તા થઈ જાય તો નવાઈ નહીં !!

 

આ વાતનું મુખ્ય કારણ એ છે કે આ પ્રાસની વાતો કાવ્યની એક બહુ જ મહત્વની બાબત તરફ આપણને લઈ જાય છે. પ્રાસ એ છંદનો ભાગ નહીં પણ અલંકાર રુપે આવતો હોઈ કાવ્યના શણગારમાં એનું મહત્વ સમજી રાખવું જરુરી છે. ગઝલના અનુસંધાને પણ આ વાત મઝાની હોઈ એને અહીં મુકતાં ત્રણેક હપ્તા થાય તો ચલાવી લેશો !! )

 

 

 

સૉનેટ અંગે શ્રી ઉમાશંકર જોશી  – (હપ્તો ૭) 

 

સૉનેટમાં પ્રાસ યોજના – ૧

 

આ શ્રેણીના અંત ભાગે જતાં હવે આપણે સૉનેટની મહત્વની શરત – પ્રાસયોજનાની વાત પણ કરી લઈએ.

 

પ્રાસયોજનાની દૃષ્ટીએ સૉનેટ ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છેઃ

 

૧) પેટ્રાર્કશાહી કે ઈટાલીયન સૉનેટ

૨) શેક્સ્પીઅરશાઈ કે ઈંગ્લીશ સૉનેટ

૩) અનીશ્ચીત પ્રાસયોજના વાળાં સૉનેટ.

 

પ્રથમ પ્રકારનાં સૉનેટ –

આ પ્રકારનાં સૉનેટોમાં ૮ પંક્તીનો પ્રથમ અને ૬ પંક્તીનો બીજો એમ બે ભાગ પડે છે તે આપણે જોઈ ગયાં છીએ. પણ અહીં આપણે જાણવાનું એ છે કે બન્ને ભાગ માટેની પ્રાસયોજના અલગ અલગ હોય છે. વળી પ્રથમ આઠ પંક્તીઓના ભાગમાં કુલ બે જ પ્રકારના પ્રાસનો ઉપયોગ થઈ શકે છે જ્યારે બીજા ભાગમાં ત્રણ પ્રાસનો ઉપયોગ થઈ શકે છે.

 

પ્રથમ ખંડ –  પ્રથમ ખંડમાં પહેલી, ચોથી, પાંચમી અને આઠમી પંક્તીઓમાં એક સરખો પ્રાસ હોય છે; જ્યારે બીજી, ત્રીજી, છઠ્ઠી અને સાતમી પંક્તીઓમાં બીજા પ્રકારનો પ્રાસ હોય છે ( જેમ કે ABBA, ABBA મુજબ Aઅને B બે જ પ્રાસ) ઈટાલીયન સૉનેટના પ્રથમ ખંડમાં આ સીવાયની અન્ય કોઈ જ પ્રાસયોજના ચલાવી લેવાતી નથી !!

 

બીજો ખંડ –  પંક્તીના આ બીજા ખંડમાં ત્રણ પ્રાસનો ઉપયોગ કરવાની છુટ છે. દા.ત. C-D-E, C-D-E ( અર્થાત, ૧–૪, ૨–૫, ૩–૬ પંક્તીઓના ત્રણ અલગ અલગ પ્રાસની છુટ છે, પણ ત્રણથી વધુ તો નહીં જ.)

પેટ્રાર્કશાઈ સૉનેટની એક વીચીત્ર ખુબી એ છે કે એની છેલ્લી બન્ને (૧૩–૧૪) પંક્તીઓ વચ્ચે પ્રાસ હોતો નથી ! (જુઓ શ્રી ઉ.જોશીનું  આ પહેલાં આપેલું સૉનેટ – http://hasyam.wordpress.com/ )

 

બીજા પ્રકારનાં સૉનેટ – (શેક્સ્પીરીઅન)

આ પ્રકારના સૉનેટોમાં ચૌદે ચૌદ પંક્તીઓને સળંગ ગણીને પ્રાસયોજના થાય છે. ૪–૪–૪–૨ના વીચાર–ભાવને અનુરુપ ખંડો પડે છે જરુર પણ પ્રાસને અનુરુપ ખંડો પડતા નથી. હા, એટલું ખરું કે ૧૪ પંક્તીઓમાં કુલ સાત પ્રકારના પ્રાસ કરવાનું બની શકે છે.

 

જેમ કે પંક્તી નં. ૧–૩, ૨–૪, ૫–૭, ૬–૮, ૯–૧૧, ૧૦–૧૨ તથા ૧૩–૧૪.( બીજી રીતે જોઈએ તો A-B A-B, C-D C-D, E-F E-F, G-G. આમ આ બબ્બે લીટીઓના મળીને કુલ સાત પ્રકારના પ્રાસ યોજી શકાય છે.

આ પ્રકારનાં સૉનેટોમાં એક બીજી પાંચ પ્રાસની યોજના પણ અમલમાં આવી હતી પણ તે એટલી વીચીત્ર હતી કે બહુ ચાલી નહીં !! આ યોજના આ મુજબ છે –

 

પંક્તી નં. ૧–૩, ૨–૪, ૫–૭, ૬–૮, ૯–૧૧, ૧૦–૧૨, અને ૧૩–૧૪. (A-B A-B, B-C B-C, C-D C-D  અને E-E)

ત્રીજા પ્રકારનાં સૉનેટ – (અનીશ્ચીત પ્રાસયોજના વાળાં સૉનેટ)

આ ત્રીજા પ્રકારનાં સૉનેટમાં પ્રાસની વ્યવસ્થા જળવાતી નથી. એટલું જ ટુંકમાં કહેવાનું રહે છે.

 

અહી આ ત્રણેય પ્રકારની વ્યવસ્થાની વાત અટકે છે પણ હવે મુખ્ય વાત આવે છે તે પ્રાસ એ શું છે તે અંગેની કેટલીક વાતો…..જે હવે પછીના હપ્તે.

સૉનેટમાં કેટલામી પંક્તીએ વીચાર–ભાવ પલટો આવે છે?

સૉનેટમાં આવતા ભાવ–વીચારના પલટાઓ અને પંક્તીસંખ્યાની વાત

હમ્પીનાં ખંડેરોમાં ’           (મંદાક્રાન્તા)

 

ઊગી પોષી પૂનમ તરુનાં ઝુંડ પૂઠેથી ધીરે.

એ આલોકે શિશિર સહસા ચોંકી ઊઠયા શી જાગી…

વાયો ધીમે રહી સૂસવતો ભ્રાન્ત જેવો સમીરે,

ઘૂમી ર્ હેતો અહીંથી તહીં તે સૂનકારે અભાગી.

પેલું પમ્પા સરવર અને અદ્રિ આ માલ્યવાન;

ધારે ફીકી સરલ સુષમા તુંગભદ્રા–તટો આ,

ચોપાસે શા ટુકટુક બન્યા જીર્ણ સામ્રાજ્ય પ્રાણ;

વચ્ચે, માર્ગે અટકી ખટકી મન્દ ટપ્પો જતો આ.

 

વૃક્ષે ટોચે વિધુ ઝબકતો, શ્રી હસી ત્યાં વનોની.

આ ખંડેરો વિજિતજનના મ્હેલ ને મંદિરોનાં,

આ તૂટેલી વિતત કબરો તે વિજેતા જનોની.

ઢોળી બન્ને ઉપર રસ પૂર્ણેન્દુ સૌંદર્ય કેરો

આકાશેથી મૃદુલ મલકે, જોઈને કાળ–ફેરો

ટપ્પો વેગે પુરપ્રતિ ધપે તે સૂનાં ખેતરોમાં.

                             

                         –ઉમાશંકર જોશી.

 

 

રડો ન મુજ મૃત્યુને !             (પૃથ્વી)    

 

રડો ન મુજ મૃત્યુને ! હરખ માય આ છાતીમાં
ન રે !
ક્યમ તમેય તો હરખતાં ન હૈયા મહીં

વીંધાયું
  ઉર તેથી  કેવળ  શું   રક્તધારા  છૂટી,
અને
  નહિ  શું  પ્રેમધાર ઊછળી   અરે   કે રડો ?
હતું
  શું  બલિદાન    મુજ   પવિત્ર પૂરું ન કે ?
અધૂરપ
   દીઠી  શું કૈં   મુજ અક્ષમ્ય  તેથી રડો ?

તમે   શું   હરખાત  જો   ભય ધરી   ભજી ભીરુતા
અવાક   અસહાય   હું    હૃદયમાં   રૂંધી   સત્યને
શ્વસ્યાં કરત  ભૂતલે ?  મરણથી  છૂટ્યો   સત્યને
ગળે   વિષમ   જે   હતો  કંઈક  કાળ ડૂમો ! થયું
સુણો પ્રગટ સત્ય:વૈર પ્રતિ પ્રેમ,પ્રેમ ને પ્રેમ જ ! 
હસે ઈસુ,  હસે જુઓ સુક્રતુ સૌમ્ય સંતો   હસે.

 ‘અમે  રડીએ પિતામરણ આપનું પાવન,
કલંકમય   દૈન્યનું  નિજ  રડી   રહ્યાં     જીવન.

                                          ઉમાશંકર  જોશી

 

ઉપરોક્ત કાવ્યોમાં જોઈ શકાશે કે સૉનેટના સાધારણ નીયમ મુજબ પ્રથમ કાવ્યમાં વળાંક ૮ પંક્તી બાદ આવે છે. જ્યારે બીજા કાવ્યમાં મોટો વળાંક છેક ૧૨ પંક્તીઓ બાદ આવે છે ! જોકે પ્રથમ વળાંક ૬ પંક્તી પછી પણ જોઈ શકાય છે જ. હવે બન્ને કાવ્યોના વળાંકો સમજવા માટે આપણે બન્ને કાવ્યોને ટુંકમાં સમજી લઈએ.

 

પ્રથમ કાવ્યમાં કવી હંપીનાં ખંડેરોમાં રાતે જોયેલા દૃષ્યને માણે છે. પ્રથમ ૮ લીટીમા. તેમણે ઉગી ચુકેલી પુર્ણીમાની અસરો બતાવી છે. હજી ચન્દ્ર ઉપર આવ્યો નથી. તે દરમીયાન જે દૃષ્યો એમણે જોયાં તેમાં પ્રકૃતીનું વર્ણન છે. સાથે સાથે ધ્વંસ્ત થયેલા સામ્રાજ્યનાં ખંડેરોની વાત પણ કહે છે.

 

પરંતુ ૯મી પંક્તી પછી તરત જ કવીના મનમાં વીનાશનું એકતરફી નહીં પણ સર્વગ્રાહી દૃષ્ય દેખાઈ જાય છે ! ચન્દ્રનો પ્રકાશ પડતાં જ એમને ચીત્તમાં પ્રકાશ થાય છે અને પહેલાં જે હારેલા સામ્રાજ્યની વાત હતી તેમાં જીતેલાંઓનાં ખંડેરો પણ દેખાય છે !! કાળ તો કોઈનેય છોડતો નથી એ સત્ય પાછલી ૮ પછીની પંક્તીઓમાં દર્શાવાયું છે. અર્થાત આ કાવ્યમાં ૮ અને ૬ના ચોખ્ખા ભાગ જોવા મળે છે. છેલ્લી બન્ને પંક્તીઓમાં ચોટ પણ જોવા મળે છે. ( આ કાવ્યનું સૌંદર્ય માણવા માટે અહીં અવકાશ નથી; ક્યારેક ક્યાંક એ પણ હાથ પર લઈશું.)

 

બીજા કાવ્યમાં તો ૬ઠ્ઠી પંક્તી બાદ નાનો પલટો આવે છે ! અને મોટો પલટો તો છેક ૧૨મી પંક્તી પછી જ જણાય છે. કાવ્યમાં ગાંધીજીને કહેતા બતાવાયા છે કે મારા મૃત્યુ બાદ રડો નહીં…પ્રથમ ૬ પંક્તીઓમાં તેઓ સૌને કહે છે કે શા માટે રડો છો ? શું મારું મૃત્યુ રડવાને લાયક છે ?! તેઓ તો કહે છે કે હું પ્રસન્ન છું તો તમે પણ એમ જ રહો…

 

૬ઠ્ઠી પંક્તી બાદ તેઓની વાતમાં સહેજ વળાંક જોવા મળે છે. તેઓ હવે નવેસરથી પુછે છે કે ધારો કે મારું મૃત્યુ શું અન્ય કોઈ રીતે થયું હોત (કે ન થયું હોત) તો શું તમે રાજી રહેત ?!! આ વાત નવી રીતે બાપુએ મુકી હોવાથી એને પલટો ગણવો જ જોઈએ, જે કાવ્યના સ્પષ્ટ બે ભાગ પાડે છે. 

ત્રીજો ને છેલ્લો પલટો, કહો કે ચોટ કવીનાં પોતાનાં વાક્યો કે જે બાપુને સંબોધીને મુકાયાં છે તેમાં જોવા મળે છે ! બાપુની વાતનો જાણે કે છેદ ઉડાડી દેનારી આ બે પંક્તીઓમાં કવી કહે છે કે બાપુ અમે તમારા મૃત્યુને રડતાં નથી – એ તો અતી પાવન જ છે; પરંતુ અમે જે રડીએ છીએ તે તો અમારા કલંકમય દૈન્યને રડીએ છીએ !! ‘કલંકમય દૈન્ય’ શબ્દ દ્વારા કવીએ આખા કાવ્યો સાર આપી દીધો છે જેમાં બાપુના મૃત્યુના કારણ રુપ આપણી સૌની કલંકીતતા છતી થઈ જાય છે ! ( આ કાવ્ય તો સાવ સહેલું છે, સમજાવવું…આશા રાખું કે કોઈ સહયોગી આ કાવ્યનું રસદર્શન કરાવે ??? )

સૉનેટમાં ૧૪ પંક્તીઓ અને તેનું વીભાજન.

સૉનેટનું બાહ્ય સ્વરુપ –   (હપ્તોઃ ૫)

 

સ્થુળ દૃષ્ટીએ જોતાં સૉનેટમાં જે જરુરી તત્ત્વો છે તે મુખ્યત્વે આટલાં ગણાયઃ

 

૧) પંક્તીસંખ્યા, ૨) પંક્તીવીભાગ, ૩) પંક્તીમાપ અને ૪) પ્રાસયોજના. આ બધાંને ટુંકમાં વારાફરતી જોઈ જઈએ –

 

સૉનેટમાં કેટલી લીટી જોઈએ ?

એ ચૌદ લીટીનું હોય છે, ને એટલા માત્રથી ઓળખાઈ જાય છે. શા માટે ચૌદ જ લીટી ? વધુ કે ઓછી કેમ નહીં ? વગેરે સવાલો એની સામે બહુ પુછાયા કર્યા છે. પણ જેમ છંદનું બંધન એ બંધન હોવા છતાં સીદ્ધહસ્ત સર્જકોને એ ક્યારેય નડતું નથી એ જ રીતે ચૌદ લીટીના બંધનને પણ સર્જકો મુક્તવીહારનું માધ્યમ ગણી કાઢે છે. સૉનેટમાં ચૌદ પંક્તી અનીવાર્ય ગણવામાં આવી છે અને તે જ સ્વીકૃત રહી છે.

 

સૉનેટની પંક્તીઓમાં ભાવ કે વીચાર મુજબની યોજનાઃ

સૌથી જુની પ્રણાલીમાં સૉનેટના બે ભાગ પાડવામાં આવે છે. પ્રથમ ભાગ આઠ લીટીનો અને બીજો છ લીટીનો. આ રીત બહુ સમય સુધી સ્વીકાર્ય રહી, એટલું જ નહીં, આજે પણ એનું એટલું જ મહત્ત્વ છે.

 

પરંતુ ઈંગ્લેન્ડમાં સરે વગેરેએ ચાર ચાર પંક્તીઓના ત્રણ ભાગ અને છેલે બે પંક્તીનો એક એમ વીભાગ પાડયા પછી આ પ્રકાર પણ એટલો જ લોકપ્રીય થયો. સૌ જાણે છે તેમ શેક્સ્પીઅર પછી તો એનું નામ જ શેક્સ્પીરીઅન સૉનેટ પડી ગયુ !

 

અનેક પ્રયોગો –

મીલ્ટનથી માંડીને અનેક સર્જકોએ જે પ્રયોગો કર્યા એની ગણતરી કરવાનું સહેલું નથી ! મીલ્ટન જેવા કોઈએ સળંગ ચૌદ લીટી રાખી; દાન્તેએ ૬–૬–૨ એમ યોજના કરી; સાત–સાતના બે વીભાગો પણ પડયા; ઉપરાંત છ–આઠ; પાંચ–ચાર–ત્રણ–બે માપ પણ પ્રયોજાયા. એટલું જ નહીં પણ કેટલાંકે તો સાડા આઠ–સાડાપાંચ કે પછી સાડાનવ–સાડાચાર એવા ભાગ પણ પાડી બતાવ્યા !!

 

આમાં સમજવું શું ?! ચાલો આપણે ફરી એક વાર ઉમાશંકરભાઈને જ મળીએ ! એમણે જે નીષ્કર્ષ કાઢયો છે તેના પર નજર નાખીને સમાધાન મેળવીએ –

સૉનેટના કથયિતવ્યમાં પોતામાં જ કંઈક વળાંક, મરોડ, ઊથલો, પલટો, ગુલાંટ જેવું હોય છે.એની ગેરહાજરીમાં કોઈ પણ કાવ્યકૃતિ સૉનેટ નામ માટે અધિકારી નથી….આવો વળાંક – સ્થૂળ કે સૂક્ષ્મ –જ્યાં ન હોય ત્યાં સૉનેટરચના સંભવી ન શકે….

સૉનેટને અંતે વિચારતરંગના વિલયને બદલે કોક વાર પ્રચંડ પછડાટ પણ હોય છે.તો પણ ઉપરના સાદૃશ્યનિરૂપણમાં સૉનેટરચનાના એક અત્યંત આવશ્યક એવા તત્ત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, અને એ તત્ત્વ તે તરંગની ગતિમાં પલટો, એટલે કે વિચાર કે ઊર્મિના નિરૂપણમાં વળાંક….

 

સનાતની કહેવાય એવા વીવેચકો તો સૉનેટના માળખાંના બે ભાગ પાડીનેય સંતુષ્ટ નથી ! તેઓ તો કહે છે કે બન્ને ઘટકો સ્વતંત્ર અસ્તીત્વ ધરાવનારાં હોય છે !…પણ આપણે એના એટલા ઉંડાણમાં નહીં જઈએ…

 

પણ એ ચુસ્ત વીવેચકોની બેએક વાતો તો જાણવી જરુર ગમે. તેઓ કહે છે કે ૪–૪–૪–૨ની રચનામાં પણ પ્રથમ ૮ લીટી અને પછીની ૬ લીટી વચ્ચે સ્પષ્ટ ભેદ હોવા જોઈએ. એ પણ એટલું જ મહત્ત્વનું છે કે પ્રથમ આઠ લીટી અને પછીની છ લીટીમાંય પ્રથમ ખંડ કાવ્યના વસ્તુની પ્રસ્તાવના માટે અને બાકીની છ લીટીનો ખંડ પ્રધાન વસ્તુ માટે હોય.

 

ઉમાશંકરભાઈ કહે છે તેમ, આઠ અને છ પંક્તિ જેવા ભાગ કેમ એ પ્રશ્નનો ઉત્તર નહિ પણ સમજૂતિ માટે કહી શકાય કે મોજાંની ભરતી માટે આઠ અને ચોટ માટે છ; સત્યની સ્થાપના માટે આઠ અને જીવનમાં તેની પ્રવૃત્તિ જોવા માટે છ; કોઈ એક વસ્તુના પ્રસ્તાવ માટે આઠ અને જીવનમાં કે જગતમાં તેનું સાદૃશ્ય કે વિરોધ નિરૂપવા માટે છ લીટી – એમ વિભાગ કરવા તે…ઠીક લાગે. આપણે આ વિભાગીકરણને સૉનેટકલાના સ્વયંભૂ લક્ષણ તરીકે જ લેખીશું.

 

પંક્તીનું માપઃ

ઈટાલીયન સૉનેટમાં ૧૧ અક્ષરોની પંક્તીવાળા છંદોનો રીવાજ જણાયો છે, તો અંગ્રેજીમાં ૧૦ અક્ષરો વાળા છંદો વધુ લેવાયા છે જ્યારે ફ્રેંચ સૉનેટમાં ૧૨ અક્ષરોવાળા છંદોનું મહત્ત્વ રહ્યું જણાય છે.

 

અંગ્રેજી ભાષાના છંદોની રચના ખાસ કરીને સ્વરતત્ત્વ ઉપર થયેલી હોઇ અને આપણી ભાષાઓમાં મુખ્યત્વે સ્વરનું તત્ત્વ લુપ્ત જેવું જ હોઇ બન્ને ભાષાઓની છંદવ્યવસ્થા સાવ નોખી જ છે. ત્યાંના જેવો છંદ આપણે ત્યાં સંભવ નથી. છતાં આપણે ત્યાં છંદની બાબતે કોઈ નીયમ બાંધવાનું અશક્ય તો ન હોવા છતાં આપણે વીવીધતાને હંમેશાંની જેમ આવકારી છે. ગુજરાતીમાં સૉનેટમાટે અનેક છંદો પ્રયોજાયા છે તે જ દર્શાવે છે કે આપણે છંદ બાબતે કોઈ છોછ રાખ્યો નથી…

 

છતાં એટલું તો ખરું જ કે સૉનેટ એ મુખ્યત્વે વીચારપ્રધાન કાવ્યપ્રકાર હોઈ એમાં રાગડા તાણીને ગાવાની કોઈ જ શક્યતા નથી ! સૉનેટ મુખ્યત્વે પઠનક્ષમ કાવ્યપ્રકાર છે.વળી આ પ્રકારને આપણા અક્ષરમેળ વૃત્તો જ વધુ માફક આવે એમ હોઈ ખાસ કરીને પૃથ્વી છંદ એમાં વધુ સફળ રહ્યો છે. પૃથ્વી છંદ અગેયતાની દૃષ્ટીએ પણ સૌથી વધુ અનુકુળ જણાયો છે.  પંક્તીમાંના અક્ષરોની સંખ્યાની રીતે કહીએ તો આપણે ત્યાં ૧૪થી ૧૯ અક્ષરોવાળા છંદો સૉનેટ માટે આદર્શ ગણાય.

 

સૉનેટ કાવ્યોમાં કોઈ એક જ છંદ આખી કૃતી માટે હોય એવું પણ અનીવાર્ય નથી. એક જ સૉનેટમાં એકથી વધુ છંદોનાં મીશ્રણો થયાં જ છે અને તેને આવકાર્ય પણ ગણાયાં છે.

(સૉનેટના બાહ્ય સ્વરુપની પ્રાસ યોજના અને સમાપન માટે હવે પછી…)