એક ત્રણ શબ્દી નવલીકા

“વાર્તા……કહું, વાર્તા……!!”

(બસ, વારતા પુરી. હવે તરત લેખકનું નામ અને કેફીયત છે…)

– લેખક અ.

—————-

લેખકની ચોખવટ :

આ ત્રણ શબ્દોની વાર્તા ગણવી. હવે વાર્તા ગણતરીના શબ્દોમાં લખાય છે અને એને સાહીત્યનું નવું સ્વરુપ ગણાતું નથી.

થયું કે લાવ ને હુંય લખી ‘નાખું’ એક વારતા !!

ત્રણ શબ્દોની વારતા. (વારતામાં પાત્રો, પ્રસંગ, સંવાદ, હેતુ અને કથન શૈલી જેવાં તત્ત્વો અનીવાર્ય ગણાય છે. આ ન હોય તો એને વારતા – નવલીકા કહેવાય નહીં પરંતુ માઇક્રોના નામે ચલાવી લેવું પડે પછી વારતાના એ અંશો શી રીતે સમાવવા ?!)

પણ હું તો સાહીત્યનો વીદ્યાર્થી એટલે મારી વારતામાં આ તત્ત્વો (ન હોય તોય) દેખાડવા તો પડે કે નૈ ?

૧) પાત્ર : આમાં ‘કહું’ શબ્દ સાબીત કરે છે કે કોઈ કહેનાર તો છે એટલે વારતામાં પાત્ર નીકળી આવ્યું ગણાય.
૨) પ્રસંગ : વારતા કોઈને કહેવાની હોય તેવો અર્થ નીકળતો હોવાથી વારતાનો પ્રસંગ તો આવવાનો કે નૈં, એટલે આવનારા પ્રસંગને ગણી લેવાનો.
૩) સંવાદ : વારતા પોતે જ સંવાદનો ભાગ છે. વારતામાં શ્રોતા હોવાનો જ એટલે વચ્ચે વચ્ચે સંવાદ આવશે તેમ માની શકાશે, બીજું શું.
૪) હેતુ તો આ મારી નવલીકા (ટુંકી વારતા, માઇક્રોફીક્સ…..)માં ચોખ્ખો બતાવાઈ જ ગયો છે બલકે બે વાર વારતા શબ્દ પ્રયોજાયા માત્રથી ખ્યાલ આવી જશે કે આ નવલીકાનો લેખક વાર્તા કોઈને ઠઠાડી દેવાનો અર્થાત્ કહી દેવાનો ધખારો ધરાવે છે ! એટલે હેતુ સ્પષ્ટ થયો કે નૈં ?!
૫) કથનરીતી : આ વાર્તામાં બે શબ્દો મહત્તવના છે ! (બે જ તો છે વળી !…યાદ આવી ગઈ પેલી નકો નકો વારતા ! એક હતી વારતા. એમાં હતા ત્રણ શબ્દ બે બેવડાયેલા અને એક કહેવાયા વગરનો !!)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

આ વાર્તાનું વીવેચન :

આ વાર્તા સાહીત્યજગતમાં માર્ગદર્શક બની રહેવા સંભવ છે. ત્રણ જ શબ્દોમાંનો એક તો દ્વીરુક્ત થયેલો એટલે બે જ શબ્દની વારતારુપે ગીન્નાઇશ બુકમાં રૅકૉર્ડ માટે મોકલવા જેવી ખરી.

બાળક સમજણું થાય ત્યારથી તેને વાર્તારસમાં ડુબાડીને વાલીઓ અફીણ જેવું બંધાણ કરી આપે છે. પરીણામે ઘરનાં સૌ સુખી રહી શકે છે. આગળ જતાં એ જ છોરો બીજાને વારતાયું કહીને રોકી રાખવામાં કામ લાગે છે. ભવીષ્યમાં ન કરે નારાયણ ને જો રાજકારણમાં ‘પડ્યો’ તો પછી વારતા જેને ‘વચન’ પણ કહેવાય છે તેના તુંબડે ઘણાં પાણી તરી જઈ શકે છે.

વારતા કહેનાર અને સાંભળનાર બધાં વારતાનાં પાત્રો ગણાય એટલે વારતાને અનેક પરીમાણી તત્ત્વ કહી શકાય. જીવન એક વારતા છે એ જ રીતે વારતાલેખક માટે – એના જીવવા માટે તે ખુદ જીવન છે !! વારતા દ્વારા લેખક, પ્રકાશક, વેબસાઈટર વગેરે બધાં કમાણી કરી શકે છે. એટલે લેખકને ન આવડતી હોય તોય પોતાના પ્રકાશનમાં આમંત્રણ આપીને, છાપીને ધરાર લેખક બનાવી શકાય છે જેના વડે વાચકને પણ ‘બનાવી’ શકાય છે.

આવી વારતાઓ સાહીત્ય જગતના માઇલસ્ટોન જેવી ગણાશે ભવીષ્યમાં. લેખકશ્રીને ધન્યવાદ સાથે આ વારતાને આવી રહેલા ભાવી સાહીત્યસ્વરુપોનું આવી બનવાના પ્રથમ ચરણરુપે ગણીને આવકારું છું.

લી. વીવેચક્ક જ્ઞ.

(નોંધ : વારતાનો લેખક અ છે અને વીવેચક જ્ઞ છે તેને અકસ્માત ગણીને બન્નેના આદ્યાક્ષરોને ભેગા ન કરવા ભલામણ છે.)

શ્રી પ્રવીણ શાસ્ત્રીની એક વાર્તા અંગે કેટલુંક… …

“બેલાનો જેન્ટલમેન ક્લોઝ ફ્રેન્ડ” (લેખક : પ્ર. શાસ્ત્રી)

 

‘આની સાથે તમારા વ્હાલના દરિયાએ ચોથીવાર મને નીચું જોવડાવ્યું છે. માથે ચડાવીને  ફટવી મારી છે. ડો.રમા કાલે ઓ.પી.ડી.માં મારી સાથે જ હશે. એને શી રીતે આપની લાડલીની બીહેવિયર સમજાવીશ. માંડમાંડ એના ભત્રીજા, ડોકટર પિયુષને તમારી એકની એક દીકરીને મળવા તૈયાર કર્યો હતો. એને માટે તો ડોક્ટર છોકરીઓની લાઈન લાગે છે. એનો પ્રેફરન્સ પણ એમ.ડી છોકરીનો જ છે. આજે તમારી દીકરી નાની કીકલી નથી ગયે મહિને જ છવ્વીસ પૂરા કર્યા. બાપ દીકરી ગંભીરતા તો શીખ્યા જ નથી. ડોક્ટર!, હું બોલું છું તે સાભળો છો?  તમારા બ્રેઈનમાં કંઈ પેનીટ્રેટ થાય છે ખરું?’

ડો.શરદ વૈદ્ય બધું જ સાંભળતા હતા. એમણે એમનું બ્રેઈન વેક્ષ પેપર જેવું, એટલેકે જળકમળવત બનાવી દીધું હતું. ઘરમાં પત્ની ડો.સરલા વૈદ્યનું ડોમિનેશન સ્વીકાર્યા છતાં, મૂંગે મોંઢે જે કરવું હોય તે કર્યા કરતા. એમનો મોટો દીકરો  મનિષ પણ ડોક્ટર હતો. એને માટે ડોક્ટર સરલાએ શોધી કાઢેલી વહુ પણ ડોક્ટર હતી. બન્ને વેસ્ટ કોસ્ટના નાના ટાઉનમાં પ્રેક્ટિશ કરતા હતા. બીજો દીકરો એન્જીનિયર હતો અને કોઈ ફાર્મસ્ક્યુટિકલ કંપનીમાં નોકરી કરતો હતો. બન્ને દીકરાઓએ શું ભણવું, કયા પ્રોફેશનમાં જીંદગી જીવવી, કોને પરણવું એ બધું ડો.સરલા મમ્મી જ નક્કી કરતા.

નાની દીકરી બેલા ખુબ જ હોંશિયાર હતી. હાઈસ્કુલ પૂરી થતાં એણે મમ્મીની સલાહ અને આજ્ઞા વિરૂધ્ધ આર્ટ્સના વિષયો લીધા. મમ્મીને તો બેલા દીકરીને પણ મોટી ગાયનેક બનાવવી હતી પણ  બેલાને એમાં જરા પણ રસ ન હતો. બાપે માથે ચડાવેલ, વ્હાલના ખારા તોફાની દરિયાએ, મમ્મીની ચાર બહેનપણીઓની હાજરીમાં એક વાર કહ્યું હતું. “મારી સ્વીટ મમ્મી બીલકુલ ટીપીકલ દેશી જ છે. દરેક દેશીની જેમ જ, સી બીલીવ્ઝ, ધેર ઇઝ ઓન્લી ટુ પ્રોફેશન એક્ષીસ્ટ ફોર ઈન્ડિયન્સ.  ડોક્ટર એન્ડ એન્જીનિયર.”  બીગ માઊથ બેટીએ આ વાત પણ મેડિકલ પ્રોફેશનમાં સંકળાયલી આન્ટીઓ આગળ કરી હતી, જેઓ પોતાના ચિરંજીવીઓ ને પણ મેડિકલ પ્રોફેશનમાં જ ધકેલવા માંગતી હતી.

દીકરીના વંડરફુલ પાપાએ મમ્મીની મહેચ્છાની અગેઇન્સ્ટમાં  દીકરીને ઈચ્છીત નિર્ણયો લેવાના મૂક આશિષ આપી દીધા હતા. દીકરી બૅલા ફ્લાઈંગ કલર્સ સાથે એમ.એ થઈ. ફરી વાર મમ્મીએ કહ્યું ભલે આટ્સમાં માસ્ટર કર્યું, હવે પી.એચ.ડી કરી નાંખ. એટલિસ્ટ નામ આગળ ડોક્ટર તો લખી શકાય.

‘નો…હવે ભણવું નથી.’

બીજી સારી મોભાદાર નોકરીને બદલે બસ એણે ગ્રામર સ્કુલ એટલે કે પ્રાઈમરી સ્કુલમાં નોકરી લઈ લીધી. થર્ડગ્રેડની ટીચર બની ગઈ. નાના નિર્દોષ ભુલકાઓ કે જેમના આગળના બે ત્રણ દૂધિયા દાંત તૂટી ગયા હોય એમને ભણાવવા, રમાડવામાં જ પેરેડાઈઝ પ્લેઝર માણવા લાગી.

મેરેજ? સ્યોર. એણે કદીએ ના કહી ન્હોતી. એને તો પ્રોસ્પેક્ટિવ મુરતીયાઓ સાથે વાત કરવાની ઘણી મજા આવતી. ઈન્ટર્વ્યુ આપવાને બદલે મુરતીયા અને તેમના માંબાપનો ઈન્ટવ્યુ થઈ જતો. મમ્મીને કહેતી ‘પ્લીઝ મોમ, નેક્ષ્ટ ટાઈમ કોઈ સારા દેશી સાથે ગોઠવને કે જલ્દી  મારા હાથ પીળા થાય ને તારા ઘરમાંથી બેલા નામની બલા જાય. પણ, હી મસ્ટ મેચ વીથ માય ફ્રેન્ડ રોજર.’

આ રોજરનું નામ પડે, એટલે જેમ સ્પેનિસ બુલ, રેડ કપડા સામે ધસે તેમ મમ્મી, બેલા સામે ધસતા. આ બોયફ્રેન્ડે જ બેલાની જીંદગીને રવાડે (ખોટે ?)ચડાવી છે એમ મમ્મી માનતી. આ રોજર બેલાનો ખાસમ ખાસ ફ્રેન્ડ હતો. એ પણ એની સ્કુલમાં છોકરાં ભણાવતો, ડ્રોઇંગ શીખવતો. એનો નાનો એપાર્ટમેન્ટ એક આર્ટ સ્ટુડિયો હતો. કેનવાસ પર એના બનાવેલા ચિત્રોનું પ્રદર્શન થતું. નાની મોટી કિમતે એ વેચાતાં. રોજરનો ડાબો પગ ઘૂટણ નીચેથી કપાઈ ગયેલો એટલે એની જગ્યાએ એ લાકડાનો પગ પહેરતો હતો. એને  સાચા પગની કોઈ ખોટ સાલતી ન હતી. એ પંદર વર્ષ જૂની કાર વાપરતો હતો. ફ્રાઈડે ઈવનિંગમાં એના એપાર્ટમેન્ટ સામે બેલાની, પાપાએ અપાવેલી બ્રાન્ડ ન્યુ સ્પોર્ટકાર પાર્ક થયેલી હોય અને બેલા રોજર સાથે એની ખખડધજ જૂની કારમાં કોઈ કોન્સર્ટમાં જતી હોય. રોજરનો વાન તો ઉજળો હતો પણ વાળ આફ્રો હતા.  સરલામમ્મી રોજરનો ઉલ્લેખ વર્ણશંકર બોયફ્રેન્ડ તરીકે કરતી; અને બેલા મમ્મીને સુધારતી. મૉમ હી ઈઝ નોટ માય બોયફ્રેન્ડ; હજુ બોયફ્રેન્ડ નથી થયો. બસ જીગરજાન દોસ્ત. એ ડફોળ જો બોયફ્રેન્ડ થઈને પ્રપોઝ કરે તો કદાચ તારો જમાઈ પણ બને. હી ઈઝ માય ‘જેન્ટલમેન ક્લોઝફ્રેન્ડ’.

એ જેન્ટલમેન ક્લોઝ ફ્રેન્ડે બેલાનું વસ્ત્રવિહિન, છતાં અંગઉપાંગોની મર્યાદા સચવાય એવું ઓઈલ પેઇન્ટ પોર્ટ્રેટ બનાવ્યું ત્યારે, જેમને નગ્નદેહની નવાઈ ન હોય એવા ડોક્ટર પરિવારનું ઘર બેટલગ્રાઉન્ડ બની ગયું હતું.

……અને પાપા ડોક્ટરની કોમેન્ટ?…. માય એન્જલ બ્યુટિફુલ બેબી…થેન્ક્સ રોજર. યુ આર ગ્રેઇટ આર્ટિસ્ટ. પાપા મમ્મીએ રોજરને તો જોયો જ ન હતો.

પાપા ડોક્ટરે પોતાની ધરબાઈ ગયેલી મનોકામનાનું નિરૂપણ બેલામાં જોયું હતું અને પોસ્યું હતું. પોતે પ્રતિષ્ઠીત વૈદ્યના દીકરા હતા. હોંશિયાર હતા. સાહિત્ય, સંગીત, નાટક, સિનેમાના રસીયા હતા. સંગીત સ્પર્ધામાં પહેલું ઈનામ જીતતા હતા, પણ પિતાજીએ સંગીતશાળાના લેશન્સ પર પાબંધી લગાવી.  લાગવગ અને પૈસાના આંધણ કરી મેડિકલ કોલેજમાં ધકેલ્યા હતા. હોંશિયાર હતા, પણ રસ ન્હોતો. લગ્ન પણ ડોક્ટરની દીકરી ડો.સરલા સાથે થયા હતા.

અમેરિકા આવ્યા પછી સંસારકારનું ડ્રાઈવિંગ ડો. સરલાદેવી કરતા હતા. ડોક્ટર પતિને પ્રોફેશનમાં જરાપણ દિલચસ્પી નહીં. હોસ્પિટલમાં મર્યાદિત સમય માટે રેડિયોલોજીમાં જોબ કરી લેતા. એમનો લાઈબ્રેરી રૂમ મેડિકલ બુક્સને બદલે શાસ્ત્રીય સંગીતની સીડીથી ભરેલો રહેતો. સરલાદેવીને આમાં જરાયે રસ ન હતો. ઘણીવાર સરલાદેવીનું ડોમેસ્ટિક લેક્ચર ચાલતું હોય ત્યારે શરદ ડોક્ટરના કાન પર હેડફોન હોય.

જોકે અત્યારે કાન પર સંગીત માટેનું હેડફોન ન હતું પણ સરલાદેવીની વાતનો કોઈ પણ પ્રતિભાવ આપવાનો અર્થ નથી એ વિચારે એઓ મુંગા જ રહ્યા હતા.

આજે દીકરી બેલાને જોવા સરલાબેને એની ડોક્ટર ફ્રેન્ડ રમાના ભત્રીજા ડો. પિયુષ પટેલ ને આમંત્ર્યો હતો. ડો.પિયુષની સવારી ચાર વાગ્યે આવવાની હતી. આજે મમ્મીશ્રીને ખુશ રાખવા મમ્મીએ બતાવેલી સાડીનો શણગાર સજી બેલા. સાડા ત્રણ વાગ્યાની તૈયાર થઈને બેઠી હતી. પાંચ વાગ્યા સૂધીમાં ભાવી ભરથારના દર્શન ના થતાં;  વન, ટુ, થ્રી… સાડી બેલાના ગૌર દેહ પરથી ઉતરી અને મમ્મીના બેડ પર ઢગલો થઈને પડી. સેક્સી સાથળ પ્રદર્શીત કરતું શોર્ટ અને ચોત્રીસી ઉરોજને માંડ સમાવતું ટીશર્ટ આવી ગયા. તે જ સમયે ડો.રમાબેન એમના ભત્રિજા ડો.પિયુષને લઈને દિવાનખાનામાં દાખલ થયા.

બેલાને જોઈને ખરેખર તો બિચારો પિયુષ શરમાયો હોય એમ નીચું જોઈ ગયો. બેલાએ એને ઉપરથી નીચે માપી લીધો. કપાળ ખુબ જ વિશાળ હતું કારણકે આગળના વાળે હિજરત કરવા માંડી હતી. અંદાજ પ્રમાણે બે વર્ષમાં લીસું કપાળ બોચી સૂધી પહોંચે એવી શક્યતા હતી. ચશ્માના લેન્સ જરા જાડા હતા. તે સિવાય બીજો વાંધો કઢાય તેમ ન હતો. જો સાડી પહેરી હોત તો એ ચોક્કસપણે નમસ્કાર કરવાની હતી પણ હવે? એણે રમાઆન્ટીસાથે હેન્ડશેક કર્યા અને એનાથી વિપરીત પિયુષને હાય કહી હગ કરી.

પિયુષની ટાલ પર પરસેવો ચળક્યો હતો.

“પિયુષભાઈ, તમે જો સમયસર આવ્યા હોત તો વાત કરવાની મજા આવત. અત્યારે હું ફ્રેન્ડ સાથે બાસ્કેટબોલ ગેઇમ જોવા જાઉં છું. તમારો ફેવરિટ એન.બી.એ સ્ટાર કોણ?”

‘હેં.. હેં…હં..ના…મને..મને એવી ગેઈમ જોવાનો સમય જ નથી મળતો…’

‘પિયુષભાઈ તમે છેલ્લી બેસ્ટ સેલર બુક કઈ વાંચી? આઈ મીન ફિક્ષન.’

‘ફિક્ષન? હમણાં તો ક્લિનિક ફિક્ષ કરવામાં જ રોકાયલો છું.’

‘તમને સ્પોર્ટસમાં રસ નથી એ તો ખ્યાલ આવ્યો પણ બ્રોડવે શોમાં તો રસ હશે જ. છેલ્લો કયો પ્લે જોયો?’

‘બ્રોડવે પર જવાનો પણ સમય જ નથી મળ્યો. એક વખત ક્લિનિક સેટ થઈ જાય પછી જવા વિચાર છે.’

‘પિયુષભાઈ બહુ સરસ વિચાર છે. તમારી સાથે વાત કરવાની ખુબ મજા આવી. તમારા લગ્ન થાય પછી ભાભીને લઈને અમારે ત્યાં આવતા રહેજો. આપણે ઘણી વાતો કરીશું. રમા આન્ટીએ મમ્મીને વાત કરી હતી કે તમને બટાકાવડા બહુ ભાવે છે. મને બટાકાવડા બનાવવાનો ચાન્સ જ ન મળ્યો. મેં બનાવ્યા છે એવું અમારી મમ્મી કહે તો માનશો નહીં.  ઓનેસ્ટ્લી સ્પીકિંગ મને પણ બટાકા વડા તો બહુ ભાવે પણ મને કાંઈ બનાવતાં આવડતું નથી. અમારા હાઉસકિપર માસીએ બનાવ્યા છે. ધી બેસ્ટ ઈન ધ ટાઉન ક્વોલિટી…ચાખ્યા વગર ના જશો. સોરી …આઈ એમ રનિંગ લેઇટ. બાય આન્ટી…બાય પિયુષભાઈ….’ અને બેલા ઉડી ગઈ.

બેલા નાદાન ન્હોતી. બેલા ટીનેજર ન હતી. મેચ્યોર એડ્યુકેટેડ લેડી હતી પણ આખરે તો એ પાપાના વ્હાલનો ઉછાળતો દરિયો હતી. ક્યારે એ કેવી રીતે વર્તશે એ ટોટલી અન્પ્રેડિક્ટેબલ હતું.

બસ આમ થાય પછી ડો. સરલાદેવીનો ક્રોધ લાવા ઉકળે જ ને?

‘તમે સાંભળો છો? આ તમારી દીકરીનું શું કરવાનું છે?’

‘મારી જ નહીં …આપણી દીકરી કહેવાય. એ એના જીવનનો માર્ગ જાતે શોધશે. શા માટે તમે એને માટે હાય-વલારા કરો છો. ભલે એ ના કહેતી હોય પણ એ રોજરને ચાહે છે. રોજર એને ચાહે છે. એ મોટાભાગનો સમય એની સાથે જ પસાર કરે છે. જ્યાં સૂધી તમે એમ.ડીની લાઈન લગાવ્યા કરશો ત્યાં સૂધી એ તમને ઊડાવ્યા કરશે. ડોક્ટરગ્રંથીના આપણે રોગી છીએ.’ શરદભાઈએ પત્નીની સામે જોયા વગર જ દીકરીની વકીલાત કરી.

‘શું તમે એમ કહેવા માંગો છો કે એને લંગડા પેન્ટર સ્કુલ માસ્તર સાથે પરણાવી દેવી. ભલે એ ડોક્ટર ન થઈ પણ એટલિસ્ટ ડોક્ટર વાઈફ તરીકે ઉંચી સોસાયટીમાં તો જીવી શકે. બસ બોલ્યા, લંગડા સાથે પરણાવી દો.’

‘ગમે તે માણસને ગમે ત્યારે એક્સિડ્ન્ટ થઈ શકે. એ અપંગ બની જાય. લગ્ન પછી એમ.ડી સર્જન હાથ ગુમાવી દે તો? બેલાની વાત સાચી છે જમાઈ ડોક્ટર એન્જિનીયર જ હોવો જોઈએ એવો દુરાગ્રહ શા માટે?  આપણો દીકરો ડોક્ટર છે. કમાણીમાંથી બચત કરી મોટેલ લીધી છે. એના મેડિકલ પ્રોફેશન કરતાં એ મોટેલમાં જ વધુ કમાય છે. બિચારો કહેતો હતો કે હવે ગવર્નમેન્ટ, અને મેડિકલ ઈન્સ્યુરન્સના કોમ્પ્લીકેશન વચ્ચે પ્રેક્ટિશ કરવાનું એને અઘરું પડે છે. ફુલ ટાઈમ મોટેલમાં પડવા વિચારે છે. નાનાએ લીકર સ્ટોરમાં ઝંપલાવ્યું છે. મેટ્રિક ફેઈલ મિલિયનર સાળો એને મદદ કરી રહ્યો છે. તમે પણ આ જાણો છો પણ બસ ડોક્ટર ડોક્ટર કર્યા કરો છો. બીજા દસ પંદર કેન્ડિડેઇટ બતાવો અને આજની વાતનું રિપીટેશન કરતા રહો.’

પપ્પાએ મમ્મી સામે જોયા વગર દાંત પીસીને આ વાત કહી હતી

……બે મહિના શાંત ગયા. મમ્મીએ દીકરીની કોઈ ટીકા ટીપ્પણી કરી નહીં.

એક દિવસ એકદમ મમ્મીનો ઓર્ડર છૂટ્યો. “આજે એક મારી પસંદગીનો છેલ્લો છોકરો આવવાનો છે.”

હા, આજે એક મુરતિયો જોવા આવવાનો હતો. મોર્નિંગ બ્રેકફાસ્ટ સમયે વાત થતી હતી.

‘મોમ, આજે કઈ સાડી પહેરીશ? એની શી સ્પેશિયાલીટી છે?’

‘તારે જે પહેરવું હોય તે પહેરજે. આઈ ડોન્ટ કેર. તારે જેવી બીહેવિયર કરી મને નીચું જોવડાવવું હોય તે બીહેવિયર કરજે. આઈ ડોન્ટ કેર. ધીસ ઈઝ માય લાસ્ટ એટેમ્પટ. આઈ વૉન્ટ ઈન્ટર્ફિયર ઈન યોર લાઈફ. આઈ હેવ ઈન્વાઈટેડ યોર બ્રધર્સ ટૂ. આજનો મુરતિયો ન ફાવે તો તું જાણે અને તારી લાઈફ જાણે. આઈ એમ ફિનિસ્ડ વીથ યુ. બી રેડી એટ ફોર ઑ ક્લોક. ન ફાવે તો માસ્તરને ત્યાં ચાલવા માંડજે.’

સરલાબેનનો હિટલરી મિજાજ જોતાં બાપ દીકરીને મૂંગા રહેવાનું જ યોગ્ય લાગ્યું.

બે ભાઈ અને બે ભાભી લંચ ટાઈમ સૂધીમાં આવી ગયાં હતાં. મૉમ સીરીયસ હતી. આજે યુઝવલ કરતાંયે  ટફ હતી. પાપા એઝ યુઝવલ કુલ હતા. એ હંમેશા વેઈટ એન્ડ સી માં માનતા હતા. હશે કોઈ દાક્તરીયો.

બેલાએ એનો અને મમ્મીનો વોર્ડરોબ  ફેંદી નાંખ્યો. દર વખતે તો મમ્મી શું પહેરવું તેની આજ્ઞા કરતી. મોં ચડાવી કોમેન્ટ સાથે બેલા વસ્ત્રપરિધાન કરતી. આજનો મિજાજ જોતાં બેલાએ શક્ય એટલી નરમાશથી પૂછ્યું “મૉમ વ્હોટ સેલ આઈ વેર?”

“આઈ ડોન્ટ કેર. વ્હોટેવર યુ લાઈક. બર્થ ડે સ્યૂટમાં યે શું ફેર પડે. ફોટા તો ચિતરાવ્યા જ છે ને!”

આજે બેલા ખરેખર કન્ફ્યુઝ્ડ હતી. છેવટે બેસણાંમાં જવાની હોય એવા સફેદ કુર્તા પાયજામા પહેરી લીધાં. ઠાવકી થઈ મહેમાનની રાહ જોતી હતી.

બરાબર ચાર વાગ્યે વ્હાઈટ સ્ટ્રેચ લિમોઝિન, એન્ટ્રન્સ પૉર્ચ સામે પાર્ક થઈ.  એમાંથી એક ટોલ, ડાર્ક હેન્ડસમ મેનની સાથે બ્યુટિફુલ લેડી ઉતર્યા અને ઘરમાં દાખલ થયાં. ડો. સરલાદેવી સિવાય સૌને માટે આવેલ કપલ વિસ્મયકારક હતું. દેશીને બદલે વિદેશી દંપતિએ ઘરમાં પ્રવેશ કર્યો.

“વેલકમ મિસ્ટર એન્ડ મિસીસ જોન્સન્સ.”

બેલાને લાગ્યું કે આમને કશેક જોયા છે પણ યાદ નહોતું આવતું…… અને એકાએક ટ્યુબ લાઈટના અજવાળાં ફેલાયા.

ઓહ નો!…. ઓહ માય ગોડ! ….ઓહ નો!…. ઓહ માય ગોડ!    આતો રોજરના પેરન્ટ્સ. રોજરના આર્ટ રૂમમાં એના પેરન્ટ્સનું મોટું પોસ્ટર સાઈઝનું ઓઈલ પેઈન્ટિંગ દિવાલ પર શોભતું હતું. બ્લેક ફાધર અને વ્હાઈટ મધર. રોજર સાથે ક્લોઝ ફ્રેન્ડશીપ હોવા છતાં એઓ એ અંગત જીવન અને કુટુંબ વિશે વાતો કરવાનો રિવાજ રાખ્યો ન હતો. એઓ ટીપીકલ ઈન્ડિયન ન હતા કે તમે ક્યાંના થી  શરૂ કરી, સાત પેઢીના ઈતિહાસની માહિતીની આપ લે થઈ જાય. બેલાએ રોજરના પેરન્ટસને પોતાના દિવાનખાનામાં જોઈ પહેલીવાર કંપન અનુભવ્યું.

“હાય મિસ્ટર જોન્સન; લેટ મી ઈન્ટ્રોડ્યુસ માય ફેમિલી મેમ્બર્સ. ધીસ ઈઝ માય હસબંડ ડો.શરદ વૈદ્ય. હી ઈઝ રેડિયોલોજિસ્ટ ઇન ઓર્થોમેડિકલ સેન્ટર.” મમ્મીએ શરદભાઈ સહિત આખા ફેમિલીની ઓળખાણ કરાવી. ઓળખવીધી પૂરી થઈ અને લિમોઝિનની પાછળ રોજરની ખખડધજ કાર પાર્ક થઈ. ઓહ આ તો રોજર. રોજર ઘરમાં દાખલ થયો. એણે સૌને હાથ જોડી વંદન કર્યા.

મમ્મીએ ઠંડે કલેજે બેલાને સંબોધીને કહ્યું “બેલા, મિસ્ટર વિલિયમ જોહન્સન સિવિલ એન્જીનિયર છે અને શિકાગોના મોટા બિલ્ડર અને મૉલ ડેવલોપર છે. એમના પત્ની ડો.કેથી જોન્સને જર્નાલિઝમમાં ડોક્ટરેટ કર્યું છે અને ટીવી ન્યુઝ ડારેક્ટર છે. એમના આ સન, મિ.રોજર જોન્સન એજ્યુકેશન ફિલ્ડમાં છે. ખૂબ સારા ચિત્રકાર છે અને એના પેઈન્ટિંગ્સ વખણાય છે અને ઊંચી કિમતે વેચાય છે. પેઈન્ટિંગ્સની જે આવક થાય છે તે બધી જ રકમ અપંગ બાળકો માટેની ચેરિટીમાં જાય છે. એમણે નાનપણમાં એક અકસ્માતમાં ડાબા પગનો ધૂંટણ નીચેનો ભાગ ગુમાવ્યો હતો. એ એની સાથે જોબ કરતી એક છોકરીને પ્રેમ કરે છે પણ એની પ્રેમિકા પગ વગરના પતિ સાથે જોડાય એ ઇચ્છતા નથી. એટલે આજ સૂધી એણે એ છોકરીને પ્રપોઝ કર્યું નથી. મેં ખુલ્લુ દિલ દિમાગ રાખીને તારે માટે રોજરની પસંદગી કરી છે. રોજરને તારે માટે સમજાવ્યો છે. તને મારી આ પસંદગી ગમતી હોય કે ન ગમતી હોય તે પ્રમાણે  રોજર જે કાંઈ પૂછે તે ક્વેશ્ચનનો એન્સર આપજે.”  ઈરાદા પૂર્વક, હળવી રીતે સરલા મમ્મીએ રોજરની ઓળખ બેલાને માટે અજ્ઞાત વ્યક્તિ હોય એ રીતે કરી.”

પુરી દશ મિનિટ શરદભાઈ, બેલા અને એના ભાઈભાભી બાઘાની જેમ મોં ફાડીને એક બીજા સામે જોતા રહ્યા. જોન્સન ફેમિલી સ્મિત વેરાવતું બેલા સામે જોઈ રહ્યું હતું. ડો.સરલાદેવી અદબ વાળીને દીકરીની શરણાગતીની રાહ જોતાં હતાં.

…..અને રોજરે એક જુવેલરી બોક્ષ ખોલ્યું. ડાયમંડની રિંગ ચળકતી હતી.

‘બેલા, આઈ લવ યુ. મારા પગની અપંગતાને કારણે જ આજ સુધી મૈત્રીથી આગળ વધતાં અટક્યો હતો. આજે મને મારા પેરન્ટ્સ અને મમ્મીના બ્લેસીંગ મળ્યા છે. વિલ યુ પ્લીઝ મેરી મી અને બી a મેમ્બર ઓફ  the જોન્સન્સ ફેમિલી?”

‘રોજર અને બેલા કોઈ પણ નિર્ણય લે તે પહેલા મારે કંઈક કહેવું છે. રોજર ઈઝ અવર ઓન્લી ચાઈલ્ડ. અઢારની ઉમ્મરથી એણે પોતાની જીંદગી પોતાની રીતે જીવવાનું શરુ કર્યું હતું. અમે એને માટે કંઈ પણ કરવા માંગીયે ત્યારે એનો એક જ જવાબ હતો. “ઈફ આઈ નીડ ઈટ; આઇ’લ આસ્ક ફોર ઈટ.’ ફાધર વિલિયમ જોહનસને રોજર અંગે સ્પષ્ટતા કરી.

“એણે અમારી પાસે કશું સ્વીકાર્યું નથી. હું નથી ઈચ્છતી કે મિલિયનોર ઈનલોઝ ની ડોટર ઈન લો ક્રમી એપાર્ટમેન્ટમાં જીવન જીવે. જો રોજર લક્ઝરી સ્યુટમાં જવા તૈયાર હોય તો જ અમે વેડિંગમાં હાજર રહીશું. અમારા બેલા અને રોજર સાથેના ભવિષ્યના સંબંઘનો આધાર રોજરના જ્વાબ પર રહેશે ” કેથી મમ્મીએ રોજર પર ઈમોશનલ બ્લેક મેઇલિંગ કરી માની મમતા દર્શાવી.

“યસ, ડેડ, ઇફ બેલા એગ્રી અમે તમારા સ્યૂટમાં રહેવા જઈશું.” રોજરે વિવેક પૂર્વક હા કહી. છૂટકો જ ન હતો.

રોજરે ફરી એજ સવાલ દોહરાવ્યો.

‘બેલા, આઈ લવ યુ. વિલ યુ પ્લીઝ મેરી મી અને બી a મેમ્બર ઓફ the જોન્સન્સ ફેમિલી?”

“તારી મૉમ હંમેશાં સંતાનોના જીવનના બધા નિર્ણયો પોતાની રીતે જ કરતી આવી છે. બેટી, સે યસ ટુ રોજર. યોર મૉમ ઈઝ ધ વીનર.” પાપાએ પણ હસતાં હસતાં શરણાગતી સ્વીકારવા સૂચવ્યું.

અને બેલાનો એન્સર હતો…

“યસ, યસ યસ એન્ડ ડેફિનેટલી યસ.”

બેલાની રિંગ ફિંગર પર કિમતી હિરાની વિંટી ચળકતી હતી.  આજે (પણ) છેવટે, જીદ વગરની જીત તો સરલાદેવીની જ હતી.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

શ્રી પ્રવીણકાન્ત શાસ્ત્રીની ઉપરોક્ત વાર્તા અંગે કેટલુંક –

– જુગલકિશોર.

નોંધ : “બેલાનો જેન્ટલમેન ક્લોઝ ફ્રેન્ડ” નામની આ કથા આપણા જાણીતા – ને માનીતા પણ – એવા પ્રવીણકાન્ત શાસ્ત્રીની છે. નેટજગતે એમનો વાર્તાવૈભવ પ્રગટ થતો રહે છે. એમના વાચકો ઘણા છે. એટલું જ નહીં પણ એમનાં લખાણોના લાઈકકારોની સરખામણીએ ટીકાકારો બહુ ઓછા, લગભગ નહીંવત્ છે. એમની વાર્તાઓ વિશે લખવાનું મન તો હતું જ તેથી એમને પૂછીને આજે એમની ઉપરોક્ત કથા વિશે કંઈક લખીને સૌને વંચાવવા મૂકું છું.

આ મારું લખાણ, કોઈ શાસ્ત્રીય વિવેચન નથી. વાર્તા, કથા, નવલિકા જેવા શબ્દોથી ઓળખાતા આ સાહિત્યસ્વરૂપ અંગે કોઈ જાણકારી આપવાનો પણ આ કોઈ પ્રયત્ન નથી. આ તો છે બસ, એક વાર્તા અને વાર્તાકાર અંગેની કેટલીક વાતો માત્ર. આ વાતોમાં વાચકો પણ ભાગ લેવાના હશે તે જાણીને પણ આ લખાણને શાસ્ત્રીય કહેવરાવવામાંથી હું અલગ રહું છું…..શાસ્ત્રીય વિવેચના એ મારો વિષય પણ નથી સ્તો ! – જુ.

––––––––––––––––––––––––––––––––––––––

આ વાર્તામાં એક ડૉક્ટરકુટુંબની વાત છે. બેલાની મમ્મી, એના પપ્પા, અને ભાઈ–ભાભીઓવાળું આ કુટુંબ લગભગ ડૉક્ટરોથી જ ભર્યું(ભાદર્યું) છે. અને છતાં માતાની ગ્રંથીને કારણે માનસિકતાથી પીડાતું બતાવાયું છે. બેલાના પિતા ડૉ. શરદના પપ્પાએ શરદને એની ઇચ્છાવિરુદ્ધ ડૉક્ટર બનાવીને એક ભૂલ કરેલી તે ભૂલ પછી શરદના સસરા દ્વારા થયેલી બીજી ભૂલ પ્રથમ ભૂલને અનેકગણી વધારી મૂકે છે !! શરદને ભાગે આવેલી ડૉક્ટર પત્ની આખા કુટુંબને ડૉક્ટરમય કરી મૂકે છે. (આ બાબત સાવ સહજ છે, વાર્તામાં આવું આકસ્મિક બને તો તે સહજ ગણાય એટલે આ બાબતને હું વાર્તાના કેન્દ્રવિષયને વધુ અસરકારક બનાવનાર સિચ્યુએશન તરીકે જ જોવા ધારું છું.)

આ કુટુંબની મુખ્ય વ્યક્તિ – બેલાની માતા સરલાદેવીને ડૉક્ટર–એન્જીનિયર વ્યક્તિઓ તરફનું ખેંચાણ અને પૈસો–મોભો જ જીવનનું લક્ષ્ય રાખતી બતાવાઈ છે, અને એની બળકટ સાબિતી – એના બન્ને દીકરાઓની ડૉક્ટરી–એન્જીનિયરીંગ લાઇનો તથા મોટાની વહુ પણ ડૉક્ટર હોવામાં – મળી આવે છે !

હવે સરલાદેવી એની એકની એક દીકરી, જેને તે આર્ટસલાઇન છોડાવી શકી નહોતી તેને કોઈ મોટા પૈસાદાર કુટુંબમાં જ પરણાવવા માટે આકાશપાતાળ એક કરી રહી હોય છે.

કથામાં આરંભથી જ બેલાનાં માતાપિતા વચ્ચેના વિરોધાભાસી સ્વભાવનો પરિચય સરસ રીતે, કહું કે અસરકારક રીતે કરાવવામાં આવ્યો છે જેમાં લેખકને ભાગ્યે જ વચ્ચે આવવું પડ્યું છે; બલકે સંવાદો – મજાનાં અસરકારક, સચોટ વાક્યો દ્વારા દ્વારા ત્રણેય પાત્રો ઊપસી આવતાં જોવા મળે છે.

આરંભે જ એક સંવાદ પછી તરત પાછલો ઇતિહાસ લેખક/કથક દ્વારા બતાવાયો છે. આ પરિચયમાં જ વાર્તાનું કેન્દ્ર પણ સુપેરે પ્રગટ થઈ જાય છે અને વાચક હવે બેલા અંગે જાણવા આતુર બની રહે છે. એનો પિતા શરદ લેખકની કેટલીક ટૅકનિકો દ્વારા લગભગ પડદા પાછળ રહીને પણ સરસ રીતે વાર્તાના કેન્દ્રને ઉપસાવવામાં નિમિત્ત બનતો રહે છે.

બેલાનો પ્રેમી કથક દ્વારા પ્રગટતો હોવા છતાં એક સારા પાત્ર તરીકે ઊપસે છે અને વાર્તાને નવું પરિમાણ આપે છે. (જોકે વાચકને “શક્ય એવા અંત”ની આગોતરી જાણ તો થઈ જ જાય છે…)

વાર્તાના અંત ભાગે થનારો ઇન્ટર્વ્યૂ કોણ જાણે કેમ પણ વાચકને જાણ કરી દે છે કે આ ગોઠવણ શી હશે. (મેં પણ કોઈ એક વાર્તાકારનું પ્રૂફરીડિંગ કરેલું તેમાં આ પ્રકારનો ઇન્ટર્વ્યૂ વાંચેલો…અલબત્ત, આને હું કો–ઇન્સિડન્સ તરીકે જ ગણું છું.)

આ લખાણ બહુ લંબાવવાની ગણતરી નથી. પણ વાર્તા–નવલિકાનાં પ્રમુખ તત્ત્વોની વાત કરીએ તો, કથા, પ્રસંગો–બનાવો, પાત્રો, ઊભી થતી રહેતી પરિસ્થિતિઓ ને સંવાદો ઉપરાંત લેખકનું કથક તરીકેનું કાર્ય –

આ બધું મળીને વાચક સમક્ષ એક “એકકેન્દ્રીય” નાટક રજૂ થાય છે. નવલકથામાં એકથી વધુ કેન્દ્રો હોય છે; નવલિકાને એકથી વધુ કેન્દ્રો ન પોસાય ! પાત્રોની કે બનાવોની સંખ્યા, કથાનાં પાનાંની સંખ્યા કે તેનું કદ પણ નવલિકાને અસર કરતાં નથી.

આ વાર્તામાં કથા ખૂબ સરસ રીતે એકકેન્દ્રીય રહી છે. પાત્રો મોટા ભાગે પોતાનાં સંવાદો ને વર્તનથી સ્વયંભૂ પ્રગટતાં જોવા મળે છે – લેખકને વચ્ચે આવવાની બહુ જરૂર પડી નથી તે પણ જમા પાસું ગણી શકાય.

પ્રસંગો કદાચ કોઈને ક્યારેક ઊભા કરેલા હોય તેમ, સહેજસાજ કૃત્રિમ થતા લાગે તો તેને હું ના નહીં કહું છતાં એ કૃત્રિમતાય નડતરરૂપ તો નથી જ.

કથાનો અંત કંઈક અંશે સરલાના સ્વભાવથી વિરુદ્ધ જઈને તેનું પરિવર્તન બતાવે છે ! કંઈક ઉતાવળ, કંઈક “મધુરેણ સમાપયેત”ની તૈયારી બતાવનારો જણાય છે.

મને તો આ આખી કથામાં પથરાયેલાં વાક્યોએ જ ધરવ કરાવી દીધો ! લેખક પાસે શબ્દશક્તિ કેવી છે અને ક્યારે, કેવી રીતે, ક્યાં, કેવા શબ્દપ્રયોગો થઈ શકે તેની લેખકની હથરોટીનાં સુંદર ઉદાહરણો આ કથામાં ભરપૂર છે !! કેટલાંક અહીં મૂક્યા વિના રહી શકાતું નથી – 

  • બૅલા ફ્લાઈંગ કલર્સ સાથે એમ.એ થઈ.
  • મોભાદાર નોકરીને બદલે બસ એણે ગ્રામર સ્કુલ એટલે કે પ્રાઈમરી સ્કુલમાં નોકરી લઈ લીધી.
  • એ ડફોળ જો બોયફ્રેન્ડ થઈને પ્રપોઝ કરે તો કદાચ તારો જમાઈ પણ બને. હી ઈઝ માય ‘જેન્ટલમેન ક્લોઝફ્રેન્ડ’.
  • પાપા ડોક્ટરે પોતાની ધરબાઈ ગયેલી મનોકામનાનું નિરૂપણ બેલામાં જોયું હતું અને પોસ્યું હતું.
  • અમેરિકા આવ્યા પછી સંસારકારનું ડ્રાઈવિંગ ડો. સરલાદેવી કરતા હતા.
  • ડોક્ટરગ્રંથીના આપણે રોગી છીએ.
  • આઈ ડોન્ટ કેર. વ્હોટેવર યુ લાઈક. બર્થ ડે સ્યૂટમાં યે શું ફેર પડે. ફોટા તો ચિતરાવ્યા જ છે ને!”
  • છેવટે બેસણાંમાં જવાની હોય એવા સફેદ કુર્તા પાયજામા પહેરી લીધાં. ઠાવકી થઈ મહેમાનની રાહ જોતી હતી.
  • આજે છેવટે, જીદ વગરની જીત તો સરલાદેવીની જ હતી.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

કેટલાંક વાક્યોને ભાષાકીય રીતે અને/અથવા વધુ અસરકારક બનાવવા માટે કેટલુંક ધ્યાન ખેંચવાયોગ્ય લાગ્યું છે તે પણ સાથે સાથે અહીં બતાવી જ દઉં તો ખોટું નહીં ! 

૧) કથાનું શીર્ષક “બેલાનો જેન્ટલમેન ક્લોઝ ફ્રેન્ડ”

(અહીં ફ્રેન્ડને બે વિશેષણો આપ્યાં છે; એની ગોઠવણી કંઈક કઠતી હોય તેવું લાગે છે.)

૨) બીગ માઊથ બેટીએ આ વાત પણ (બેટીએ પણ આ વાત) મેડિકલ પ્રોફેશનમાં સંકળાયલી આન્ટીઓ આગળ કરી હતી, જેઓ (પણ) પોતાના ચિરંજીવીઓ ને પણ મેડિકલ પ્રોફેશનમાં જ ધકેલવા માંગતી હતી.

(આ વાક્યોમાં પણ શબ્દનું સ્થાન યોગ્ય જણાતું નથી. મેં કૌંસમાં પણની જગ્યા બતાવી છે તે તપાસી શકાય…)

૩) આ બોયફ્રેન્ડે જ બેલાની જીંદગીને રવાડે ચડાવી છે…

(‘રવાડે ચડાવવી’ પ્રયોગ સામાન્ય રીતે “ખોટે રવાડે” એ રીતે મુકાય છે. છતાં અહીં મુકાયેલા પ્રયોગને ભૂલ ગણવાનું અનિવાર્ય જણાતું નથી.)

૪) મેચ્યોર એડ્યુકેટેડ લેડી હતી પણ આખરે તો એ પાપાના વ્હાલનો ઉછાળતો દરિયો હતી. (પહેલાં મને થયું કે “ઊછળતો” દરિયો ઠીક લાગે…પણ અહીં પણ મને સેકન્ડ થોટમાં ઉછાળતો શબ્દ સૌને ઉછાળી મૂકનાર પાત્ર માટે યોગ્ય ગણાવા યોગ્ય લાગ્યો છે !)

૫) આજે (પણ) છેવટે, જીદ વગરની જીત તો સરલાદેવીની જ હતી.

(‘પણ’ શબ્દ અહીં મને ઉમેરવાનું જરૂરી લાગે છે. )

––––––––––––––––––––––––––––––––––––––––––– 

શ્રી પ્રવીણભાઈને અભિનંદન સાથે અનેકાનેક શુભેચ્છાઓ.

 

 

 

 

સમયમૂર્તિ નર્મદની કવિતા

– જુગલકીશોર

(મારા, ૧૯૬૭–૬૯ના અનુસ્નાતક સમયના  અભ્યાસનીબંધોમાંથી તારવીને )

અર્વાચીનકાળને આપણે જાણવો હોય તો ઇતિહાસનાં પુસ્તકોને શરણે જવાની જરૂર નથી; એ નિરસ વિષય ભલે આંકડાઓ આપીને આપણને એ સમયની માહિતીઓ આપે, પરંતુ એ કાળનું જીવતું જાગતું રૂપ જોવું હોય તો નર્મદ પાસે જવાથી સહેલાઈથી એને પામી શકાય છે.

નર્મદ એ મધ્યયુગ અને અર્વાચીનયુગ વચ્ચ્નો એક તેજસ્વી મણકો છે. એને એ બંને સમયની પારાશીશી પણ કહી શકાય. એટલે જ નવલરામે એને સમયમૂર્તિ કહ્યા છે.

જૂની ગુજરાતી જ્યારે છેલ્લી વિદાય માંગી રહી હતી ત્યારે દલપતરામે એને સારી રીતે ઉપયોગમાં લઈ લીધી હતી. નર્મદ આવીને એ ગુજરાતીને અપનાવે છે ખરા પણ એની ધગશને, નવું કરવાના જોસ્સાને એ જૂની ગુજરાતી ઝીલી શકતી નથી. નર્મદને પોતાની સુધારાની ધગશ રજૂ કરવા માટે જૂની ગુજરાતી સાંકડી પડે છે. નવલરામે બહુ સૂક્ષ્મ નિરીક્ષણને અંતે જ કહ્યું છે કે એ સમયની ભાષા વમળમાં પડી હતી. બહારથી ઘસારાબંધ આવતા પ્રવાહને વહન કરવાની શક્તિ એમાં ન હતી. નર્મદ એ ભાષાની સંકડાશ તોડવા માટે સંસ્કૃત અને ફારસી ભાષાના શબ્દોને સહાયમાં લે છે. નવલરામના જ શબ્દોમાં કહીએ તો નર્મદની ભાષામાં સંસ્કૃત-ફારસી શબ્દો સામસામા ઘૂરકે છે. છતાં એમણે જ કહ્યું છે તે પ્રમાણે નર્મદ જૂની ગુજરાતી ભાષાના ધસાઈ ગયેલા અથવા લુપ્ત થઈ ગયેલા શબ્દોને ફરીને આવકારે છે, એટલું જ નહિ પણ સંસ્કૃત જેવી મહાભાષામાંથી શબ્દો લાવીને ગુજરાતીમાં મઢે છે. તથા નવા શબ્દો પણ બનાવે છે.

નર્મદને ઓળખવા માટે જે જે વિશેષણો લગાડવામાં આવે છે તેમાં સૌથી પ્રથમ વિશેષણ સુધારકનું છે. એટલે સુધી કહેવાની હિંમત કરી શકાય કે નર્મદ સુધારક ન હોત તો ગદ્યકાર પણ ન હોત. અંતે કવિ પણ ન હોત; કદાચ કાંઈ ન હોત. આ વિધાનની સત્યતા માટે કારણો સ્પષ્ટ છે :

નર્મદનું જીવન જોતાં જણાય છે કે એના જીવનમાં જોસ્સો સૌથી મહત્ત્વનું લક્ષણ છે. કાંઈક નવું કરી નાખવાની ધગશ એને ઉત્પાતિયો જીવ બનાવી મૂકે છે. એનાથી એ ધગશને બહાર કાઢયા વિના રહી શકાતું નથી. આને જ જો સર્જકચિત્તની સિસૃક્ષા કહીએ તો એને બળે એ વાણીનો ધોધ વહેવડાવે છે. એનું સમગ્ર સર્જન જોઈએ તો આશ્ચર્ય થાય એટલો વિપુલ જથ્થો છે. પરંતુ ફક્ત સંખ્યા કે કદની દૃષ્ટિએ ન માપીએ તો પણ એનો તીવ્ર આવેગ એનાં લખાણોમાં ઘણાં પ્રસ્થાનો કરાવે છે. એની ધગશને કારણે જ ઘણી બાબતોમાં એ આગેવાન બને છે.

આ જોસ્સો એને કવિતા કરવા પ્રેરે છે. કવિતાસર્જન પાછળનું બીજું એક મહત્ત્વનું કારણ દલપતરામ સાથેની સરસાઈની ધૂન પણ છે. નર્મદની કવિતા આ બંને કારણોને ધ્યાનમાં રાખીને જોઈએ તો સારી રીતે સમજાશે.

કવિતા એને રચવી છે, દલપતરામ કરતાં વધારે રચવી છે. કવિ થવું છે અને એટલા માટે (અંદરની શક્તિ –પ્રતભા-ને બાદ કરતાં) એ બહારથી અથાગ-અથાક પ્રયત્નો કરે છે. પિંગળ શીખવા માટે જે પ્રયાસ એણે કર્યો છે એવો પ્રયાસ આ સમયમાં ક્યાંય જોવા ન મળે ! પિંગળ શીખ્યા પછી રસ-અલંકારનો અભ્યાસ કરે છે, દેશી વૃત્તોને પણ ગમે તેટલી મુશ્કેલીમાં પણ શીખી લે છે. સંસ્કૃત-અંગ્રેજીનું જ્ઞાન તો હતું જ. આમ બહારની બધી તૈયારી એ કવિતા કરવા માટે પૂરી કરી લે છે. અને કવિતા રચવા લાગે છે.

૧૧ વર્ષના ગાળામાં એણે કરેલું સર્જન, આજના આપણા પુષ્કળ સગવડવાળા સમયમાં પણ થઈ ન શકે એટલું વિપુલ છે. એની કલમ કેટલી ઝડપે વહી હશે એ એના પરથી જાણી શકાય છે. એની કવિતામાં પ્રતિભાની ચમક ઓછી છે એ વાત એના મોટાભાગના કાવ્ય-સર્જન પરથી સાચી લાગે છે. પરતું ‘કબીરવડ’, ‘જયજય ગરવી ગુજરાત’, ‘સુરતની મુરત’, ‘નવ કરશો કોઈ શોક’ જેવી ભલે ગણી-ગાંઠી રચનાઓ હોય પણ એની પ્રતિભાને છતી કરી દે એવી છે.

એમની કવિતાને હવે આ પ્રમાણે જોઈએ:

આત્મલક્ષી અને પરલક્ષી બંને રીતની કવિતા નર્મદે આપી છે. છતાં કહેવાય છે કે એમની પરલક્ષી કવિતામાં પણ પોતાનો જ કોઈ અનુભવ રહેલો હોય છે એ સાચું છે. જોકે એક રીતે તો કવિ એને જ કહેવાય કે જે પરલક્ષી અનુભવને પોતાનો બનાવે અને એવું તો દરેક સાચા કવિમાં હોવાનું. છતાં નર્મદ બાબત એટલું કહેવાય કે એણે પોતાના જ અનુભવોને બીજાના અનુભવો બનાવીને રજૂ કર્યા છે.

કવિતાના મુખ્ય મહાવિષયો ગણવા હોય તો ગણી શકાય: ૧. જૂની શૈલીના અને જૂની ગુજરાતીએ જ જેને અપનાવ્યા છે એવા ચાલુ વિષયો. (જેમાંથી નર્મદ બહુ જલદી નીકળી જાય છે. અને નવા પ્રસ્થાન રૂપે – નવા વિષયો લાવે છે.) ૨. પોતે નવા જ આપેલા વિષયો અને ૩. દલપતશૈલીના સુધારાના વિષયો.

આમાં પોતા ઉમેરેલા વિષયોમાં પ્રકૃતિ, પ્રીતિ અને સ્વદેશપ્રેમ ગણવામાં આવે છે. કવિતામાં પ્રકૃતિનો અને સ્વદેશપ્રેમનો પ્રવેશ નર્મદ જ કરાવે છે એવું કહી ન શકાય. દલપતરામ પણ પ્રકૃતિને  લાવ્યા જ છે અને આડકતરો પણ સ્વદેશપ્રેમ એમણે આપ્યો જ છે. પરંતુ એટલું જરૂર કહી શકાય કે નર્મદે પ્રકૃતિનાં શુદ્ધ વર્ણનાત્મક ચિત્રો આપ્યાં છે. સ્વદેશપ્રેમ પણ સીધો જ વિષય બનાવીને રજૂ કર્યો છે. દલપતરામનાં કાવ્યોનું ધ્રુવપદ ‘‘ધીરે ધીરે સુધારો’’ છે. ફરી ફરીને એ જ આવી જાય છે પરંતુ પ્રકૃતિ અને સ્વદેશપ્રેમને શુદ્ધ વિષય તરીકે, કવિતાના જ એક અંગ-વિષય-તરીકે નર્મદ લાવે છે. ‘‘જયજય ગરવી ગુજરાત’નો સ્વદેશપ્રેમ, ‘‘કબીરવડ’’નું પ્રકૃતિ દર્શન, ‘નવકરશો કોઈ શોક’માંનું પ્રીતિનિરૂપણ કાવ્યમાં શુદ્ધ વિષય તરીકે આવે છે એની પાછળ કવિતા સિવાયનો અન્ય હેતુ નથી.

કાવ્યવિવેચનની શરૂઆત નર્મદે કરી છે. એની ભાષા વિવેચનને પ્રકટ કરવાને અસમર્થ છે છતાં કવિતાનું વિવેચન જન્મ પામી શક્યું એવી તો ભાષા એણે જરૂર વાપરી છે. એનો ઉત્પાતિયો જીવ બધી જગ્યાએ શરૂઆત કરીને રહી ગયો ન હોત તો નવલરામે એ જ ભાષામાં સંપૂર્ણ વિવેચન જેવી રીતે આપ્યું એમ નર્મદ પણ આપી શકે એમ હતા.

નર્મદનું બીજું મહાન અર્પણ કવિતા ક્ષેત્રે તે પિંગળનું. કલ્પના બહારનો પરિશ્રમ કરીને એમણે ગુજરાતને એ આપ્યો છે. નરસિંહથી પ્રેમાનંદ સુધીમાં સૌથી ઊંચો નર્મદને ગણાવનાર નવલરામ ખરેખર જો જોઈએ તો નર્મદના પરિશ્રમ, સાત્વિક, નિશ્વાર્થી જીવનથી અંજાઈ ગયા છે. એનું જીવન એમને એટલું અસર કરી ગયું છે કે નર્મદની વાત આવતાં જ  એને બહુ ઊંચું સ્થાન આપી દે છે. એમનું  કહેવું ખોટું પણ નથી. છતાં ક્યારેક વધારે પડતું જરૂર લાગે છે.

રસની બાબતમાં એવું થયું છે ખરું. રસની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ ન ઘાલી શકે એવું કહેનારા નવલરામ ક્યારેક શૃંગાર જેવા રસમાં પ્રેમાનંદ કરતાં નર્મદને ચડિયાતા ગણે છે. પોતાના શૃંગાર રસ બાબતમાં નર્મદ કહે છે કે સંસ્કૃત શાસ્ત્રોના કહેવા પ્રમાણે કવિતાના ક્ષેત્રમાં પૂર્ણતા લાવવા માટે મેં શૃંગારને રજૂ કર્યો છે. કામશાસ્ત્ર પણ નિરૂપ્યું છે, છતાં હકીકત એ છે કે એનો શૃંગાર રસ કવિતાને બગાડી નાખનારો પણ બન્યો છે. શુદ્ધ પ્રકૃતિચિત્રોમાં એ બહુ ખલેલ પણ પાડે છે.

નર્મદની અનુભૂતિ ખૂબ તીવ્ર અને વિશાળ હતી. ઊંડી પણ હતી જ. પરંતુ કાવ્યનાં સાચાં અંગોને એ રજૂ કરી નથી શક્યા. એની અભિવ્યક્તિ નબળી જ રહી ગઈ છે. ગદ્યમાં એની અનુભૂતિ જે પ્રમાણે ધોધમાર વહે છે એવી કવિતામાં નથી. કાવ્યત્વ શિથિલ થઈ જાય છે.

છતાં…. ‘‘ગાડીમાંથી દેખાવ’’ કવિતામાં તથા અન્ય પ્રસિદ્ધ કવિતામાં એમણે સફળ અભિવ્યક્તિ કરી છે. કટાવ છંદનો વેગ, ગાડીનો વેગ એક સાથે બહુ સરસ રજૂ થયો છે. ગાડીમાંથી જોવાતાં દૃશ્યો જે ઝડપથી બદલાય છે એ દૃશ્યો કટાવમાં બહુ ઝડપથી એમણે બદલાતાં બતાવ્યાં છે. શિખરિણી છંદની ગંભીરતા, પ્રૌઢતા એમણે કબીરવડમાં સાબિત કરી આપી છે. આમ એમને પિંગળનું સાચું જ્ઞાન પણ છે જ.

એક ૧૬ અક્ષરનો નર્મવૃત્ત એમણે આપ્યો છે. અથવા એમણે આપ્યો છે એવું મનાય છે. પરંતુ દલપતરામે એ જ વૃત્તને પોતાના પિંગળમાં લીધો છે અને એનું નામ નારાચ છંદ આપ્યું છે. છંદનાં બધાં જ લક્ષણો મળતાં આવે છે.

નર્મદ ઘણી વાર નિરીક્ષણોમાં ભૂલો પણ કરે છે – આંબાની મંજરી અને ‘‘ખાખેર પત્ર’’ને રાતાં ગણાવે છે તો બીજી બાજુ કલ્પનાચિત્રો અદ્ભૂત દોરી શકે છે. અલબત્ત એનું પ્રમાણ બહુ ઓછું છે.

છંદને એમણે પ્રવાહી બનાવ્યો છે. એ છંદ પરનો કાબુ બતાવે છે.

છંદ માટે થઈને, એને સાચવવા માટે એ ઘણી વાર જોડણી અને વિરામ ચિહ્નોને બદલે છે.

કવિતા નીચે ટિપ્પણ મૂકવાની એમની રીત ‘‘માથા કરતાં પાઘડી મોટી’’ એવી છે.

આ બધું છતાં જ્યારે નર્મદને યાદ કરીએ છે ત્યારે “વીર, સત્યને રસિક ટેકીપણું અરિ પણ” ગાઈ શકે એવી એમની જીવની છે. એમને ગુજરાતી ભાષા અને ગુજરાત કદી ભૂલી નહિ શકે. અત્યાર સુધીનાં ૧૮૦ વર્ષની જે પ્રગતિ છે તેમાં અંગ્રેજોની જેટલું જ મહત્ત્વ એકલા નર્મદ મેળવી જાય છે.

 

બ્લૉગ–વીવેચનના માપદંડો… … …

– જુગલકીશોર 

બ્લૉગ એ કોઈ સાહીત્યનું સ્વરુપ નથી. વાર્તા કે કાવ્યનું મુલ્યાંકન કરવા માટેના માપદંડો હોય તેમ સામયીક કે આ બ્લૉગના માપદંડો – એ જ રસમે – ન હોય તેમ બને. પણ મુલ્યાંકન કરવા માટે, બ્લૉગ–સાઈટની કક્ષા નક્કી કરવા માટે, કાંઈક ધોરણો જો હોય તો ક્યારેક એ કામમાં આવે ખરું !

બ્લૉગને શરુઆતમાં એક ભીંતપત્ર તરીકેય ઓળખાવાયેલો એવું યાદ છે. એ સમયે બ્લૉગની સગવડો એટલી બધી નહોતી ને લખનારાં પણ મોટા ભાગે ટૅકનીશ્યનો કે વીજ્ઞાનના માણસો વધુ હતા. (આજેય હજી જેઓ સાહીત્યકારો છે તેઓ બ્લૉગીંગ કરતા નથી ને જેઓ ધસારાબંધ બ્લૉગીંગમાં વ્યસ્ત છે તેઓ બધા સાહીત્યકારો નથી.)

પરંતુ બ્લૉગ–સાઈટ એ આજે પ્રીન્ટીજગતના સામયીકોને ટક્કર મારી શકે – કેટલીક બાબતે તો તે આગળ નીકળી જાય તે હદે વીકસી ચુક્યાં છે ! ગુજરાતી (કે જગતની કોઈ પણ ભાષા–બોલી) માટે તો તે બાબત બહુ જ ગૌરવની છે.) નેટજગતનું આ પ્રકાશનમાધ્યમ હવે “આવતીકાલનું” નહીં પણ નક્કર વર્તમાનનું માધ્યમ બની ચુક્યું છે.

આવે સમયે બ્લૉગ–સાઈટના સ્વરુપ વીશે, હેતુઓ મુજબના એના આકાર વીશે, એની સામગ્રી વીશે  અને એના લખનારાં–વાંચનારાં વીશે વીચારવાનો સમય આવ્યો છે એમ કહી શકાય. (વીચારભેદ લાગુ !)

મારી માતૃભાષા સાઈટના હેતુઓમાં ભાષા ને સાહીત્ય પાયામાં હોઈ આ સ્વરુપવીચારણા સહજ રીતે સામે આવીને ઉભે. એટલે એ કારણેય આ વાત પણ રમતી મુકવાનું થયું છે. આશા રાખીએ કે – આજે નહીં તો આવતીકાલે – આ બ્લૉગવીવેચના કોઈ આકાર ધારણ કરે !!

સવાલ સુજ્ઞજનોને સહજભાવે સોંપીને આજે તો અહીં અટકું.                         તા. ૨૫, ૦૧, ૨૦૧૭

 

હેમંત ગોહિલનું ‘ધોધમાર ઝંખના’નું ગીત

ધોધમાર ઝંખનાનું ગીત / હેમંત ગોહિલ “મર્મર”

 

હાલ્યને અટાણે સૈ, હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું….
મુઠ્ઠીભર માવઠામાં તળિયુંય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું ?

માંગ્યું મંગાય કૈંક માંગવાની રીતમાં 
ચોમાસું કોઈનું મંગાય કૈં ?
વીંઝાતા વાયરામાં તૈડાતી જાય સીમ 
ભીતરમાં કૈંક લંઘાય, સૈ.
અરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી,  છાણાને કેટલું સંકોરવું ?

ફળિયામાં આમતેમ ટોળે વળીને કોક 
મેંદી મૂક્યાની કરે વાતું;
વાતું તો હોય સખી, ઝરમરીયું ઝાપટું,
ભીનું તરબોળ ક્યાં થવાતું ?
ચોમાસું હોય તોય મૂંગો મંતર એવા ખોટુંડા મોરમાં શું દોરવું ?

થઇ જાતી રાળ રાળ આખ્ખીયે સીમ એવો 
ધીંગો વરસાદ મને ગોઠે;
માટીની મહેક બની ફોરે ગરમાવો ત્યારે 
તરસ્યું છીપાય મારી હોઠે.
ક્યાં લગ તરાગડે મોતીડાં ઠેલતીક વણવરસ્યા દિવસોને પોરવું ?

(ફેસબુક પરથી બઠાવેલું, એમના સૌજન્ય–આભાર સાથે…– જુ.) 

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

આ રચનાનાં કેટલાંક આકર્ષણો નોંધવા રેખાં છે. જુઓ એમની ભાષાભિવ્યક્તિ !

હાલ્યને અટાણે સૈ, હાલીએ હટાણે”માંના અલંકારો;

આખ્ખું ચોમાસું વ્હોરવાની વાત;

“મુઠ્ઠીભર માવઠા”ને  હાંડલીમાં ઓરીને ખોટ ખાવાની વાત;

વીંઝાતા વાયરામાં તૈડાતી સીમ;

લંઘાતું ભીતર;

ઓબાળ માગતાં મૂઆં અરધા આંધણ;

ચોમાસું હોવા છતાં ‘મૂંગો મંતર’ રહે એવો ખોટુંડો મોર;

રાળ રાળ થઇ જાતી આખ્ખી સીમ;

ધીંગો વરસાદ;

સાચાં મોતીડાંને આઘાં ઠેલીને વણવરસ્યા દિવસોને દોરે પોરવવાની ખોટ ખાવાવાળી વાત…..

 

સૌરાષ્ટ્રની ધીંગી ભાષાનો પરિચય કરાવતી આ રચનાના સર્જકને સલામ ! 

– જુગલકીશોર.