આંગળી ચીંધ્યાનું પુણ્ય : પરિચય એક વિશિષ્ટ સંસ્થાનો !

પરિચય – એક પુસ્તકનો, પુસ્તકના લેખકનો અને પરિચય કરાવનાર એક જાગતલ ને જાણતલ સંસ્થાનો !!  

એકત્ર ફાઉન્ડેશન નામક સંસ્થા નેટજગતની મોંઘેરી પરબ છે. એનો આછો પરિચય આ લખાણને અંતે આપ્યો છે પણ તે પહેલાં એક લેખક – કવિ, નિબંધકાર, વાર્તાકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક –નો પરિચય કરીને આપણે આજે નેટજગતના એક બહુમૂલ્ય પુસ્તકાલયમાં પ્રવેશ કરીશું !!  

તો ચાલો, વાંચીએ આજે શ્રી મણિલાલ હ. પટેલ અને તેમના એક ગ્રંથરત્ન “ભૂંસાતાં ગ્રામચિત્રો”ની એકત્ર ફાઉન્ડેશને કહેલી વાત, એમના જ શબ્દોમાં !
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– 

“મુખ્યત્વે કવિ તરીકે જાણીતા મણિલાલ હ. પટેલ (જ. 9, નવેમ્બર 1949) એ ઉપરાંત નિબંધકાર, વાર્તા-નવલકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક તરીકે પણ ખ્યાત થયા છે. પદ્મા વિનાના દેશમાં (1983) આદિ કાવ્યસંગ્રહો; વૃક્ષાલોક (1997) આદિ નિબંધસંગ્રહો; તરસઘર (19740) વગેરે નવલકથાઓ; બાપાનો છેલ્લો કાગળ (2001) વાર્તાસંગ્રહ; તરસ્યા મલકનો મેઘ (પન્નાલાલ પટેલ વિશે, 2007) એ ચરિત્ર તેમ જસર્જક રાવજી પટેલ (2004) વગેરે વિવેચન-પુસ્તકો – એમ બહોળું લેખનકાર્ય એમણે કર્યું છે. સતત સર્જન-અધ્યયન દ્વારા એક ધ્યાનાર્હ નિત્યલેખક તરીકે એ પ્રતિષ્ઠિત છે.દસમો દાયકો અને પરસ્પર જેવાં સામયિકોનું સંપાદન પણ એમણે કરેલું છે.  

ધનજી કાનજી સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર, સુરેશ જોષી નિબન્ધ પુરસ્કાર વગેરે ઘણાં પારિતોષિકો મેળવનાર મણિલાલનાં કવિતા-નિબંધ-નવલકથા-વાર્તામાં તળ જીવનની સંવેદના આકર્ષક સર્જકરૂપ પામી છે; પ્રકૃતિસૌંદર્યનો એમનો અનુરાગ સર્જનાત્મક આલેખનોમાં મહોરી રહેલો છે તથા કવિતામાં બદ્ધ વૃત્તો અને માત્રામેળો એમણે વિશદ પ્રવાહિતાથી આલેખ્યા છે – મણિલાલની સર્જકમુદ્રા રચવામાં આ ત્રણે ઘટકોનો મોટો ફાળો છે.   એમની સમગ્ર કરકિર્દી અભ્યાસી અદ્યાપક-લેખકની રહી – સ. પ. યુનિવર્સીટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા પછી પણ એ લેખન-સમર્પિત રહ્યા છે.”  

કૃતિ-પરિચય : ભૂંસાતાં ગ્રામચિત્રો  

આ નિબંધોમાં એવા સ્મરણ-આલેખો છે જેમાં શહેરી સંસ્કૃતિના દાબ હેઠળ ઝડપથી બદલાયે જતા સમયમાં, લોપ પામતો કૃષિજીવન-મય ગ્રામ-સમાજ અને વન-પરિવેશ આબેહૂબ ઊઘડયો છે. લેખકે ગામ, ઘર, પડસાળ, ફળિયું, પાદર, સીમ, શેઢો, મેળો, લગ્નગીતો, પંખીલોક… એવાં શીર્ષકોવાળાં ટૂંકા લખાણોમાં એ ભૂંસાતાં ગ્રામ-ચિત્રોને અસરકારકતાથી આલેખ્યાં છે – લેખકે માણેલો ગ્રામલોક અહીં તંતોતંત ઊપસ્યો છે. એમાં અનુભવ-સંવેદન એટલું તીવ્ર અને જીવંત છે, અને ભાષા એવી પ્રાસાદિક અને કાવ્ય-સ્પર્શવાળી છે કે આ આલેખો ઝીણી વિગતોના દસ્તાવેજીકરણને પણ પ્રવાહિતા અને સુવાચ્યતા આપે છે.   આ નિબંધોમાં લેખકના અખૂટ વિસ્મયના આનંદ સાથે જ એ પ્રકૃતિમય ગ્રામજીવન વિલાઈ ગયાની, એના વિરૂપીકરણની, લેખકની વેદના પણ છે. ‘ગામ જવાની હઠ છોડી દે…‘ એ મણિલાલના જ કાવ્યનું સંવેદન આ ગદ્ય-આલેખોનું પણ એક મુખ્ય સંવેદન છે. પુસ્તકમાં એમણે ઠેકઠેકાણે કાવ્યપંક્તિઓ પણ ટાંકી છે. આવા આસ્વાદ્ય નિબંધો વાચકોને ગમશે.
                            – કર્તા અને કૃતિ પરિચય: રમણ સોની

પુસ્તકના પ્રથમ પ્રકરણ ‘ગામ’માંથી કેટલુંક

સૂરજના તડકામાં સોના જેવું ને ચાંદની રાતમાં રૂપા સરખું હતું મારું ગામ! સોનારૂપાની બંગડીઓ જેવું રણક્યા કરતું ગામ. પણ મહીમાતાનાં પૂરે નંદવી નાખ્યું એને. ઊફરું ફળિયું ને વચલું ફળિયું, નવાં ઘરાં ને દોઢી, નીચું ફળિયું ને લુહારફળી, છાપરાં અને વાસ! ઓતરાદી નદી ને દખ્ખણમાં ડુંગર, ઉગમણી-આથમણી સીમ… પૂર થોડાં પૂછવા રહે છે કે ‘આવીએ?’ એ તો આવ્યાં ને નીચી ફળીને લેતાં ગયાં, લુહારફળીય તૂટી. પછી તો ટેકરીઓમાં સરકારી પ્લૉટ પડ્યા ને વસાહતો થઈ — ગામ વીખરાઈ ગયું. વધતુંઓછું પામ્યાની લાયમાં ગામલોકોનાં મન ઊંચાં થઈ ગયાં. જરાક ઈર્ષા હતી તે દ્વેષ બની. લોક મૂંગાં બન્યાં ને ઝેર બોલવા લાગ્યાં. પંચાયત ને મંડળી; ડેરી અને મંદિર: ફંડફાળા અને ચૂંટણીઓ. મારા ગામલોક વરવાં વર્તન કરવા લાગ્યાં. મને થાય છે કે જો આને જ ‘સુધરવું’ ને ‘પ્રગતિ’ કહેવાતાં હોય તો મને આજેય મારા અસલ ચહેરાવાળા પ્રેમાળ ગામ સાથે ‘પછાત’ રહેવામાં વાંધો નથી. પડાળવાળાં, નળિયાંછાયાં ઘર અને મોકળાશવાળાં ફળિયાં, એ ચોરો ને પાદર, સીમ અને વહાલાં ઝાડવાં, ચઢવા બોલાવતો ડુંગર ને રમવા બોલાવતી ટેકરીઓ, નાહવા નિમંત્રણ દેતી મહીમાતા ને રોટલા માટે બરકતી બહેન — બસ, મને બીજી કશી વશ જોઈતી નથી! હે આથમવા જતી વીસમી સદી! મને આપી શકે તો મારું ગામ — હતું એવું અસલ ગામ — પાછું આપતી જા!!

‘બીજું હું કાંઈ ન માગું…’

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

એકત્ર ફાઉન્ડેશન અને વાચનપ્રવૃત્તિઓ

‘એકત્ર’ મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા છે. અમારો ભાવનામંત્ર છે : ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકો સુધી પ્રસારવી. આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકો ને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે. ‘પ્રોજેક્ટ ગુટનબર્ગ’ અને ગૂગલે દુનિયાભરનાં અપ્રાપ્ય અને જૂનાં એવાં એક લાખ પુસ્તકોને સ્કેન કરીને વિનામૂલ્યે વાંચી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે. આ યોજનામાંથી પ્રેરણા લઇને ‘એકત્ર’એ ગુજરાતી સાહિત્યનાં છેલ્લાં 200 વર્ષનાં પ્રશિષ્ટ અને રસપ્રદ પુસ્તકોને વીજાણુ-ગ્રંથશ્રેણી રૂપે, દુનિયાભરમાં વસતા ગુજરાતી વાચકોને એમના મોબાઈલ પર, આઈપેડ પર, કૉમ્પ્યુટર પર સુલભ કરી આપવાનો એક સાહસિક સંકલ્પ કર્યો છે.

‘એકત્ર’માટે ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો સુલભ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. સાહિત્યનાં હાલનાં પ્રકાશનો, તથા પૂર્વેનાં પ્રકાશનો હાથવગાં કરાવવાં છે. અહીં આ પુસ્તકોને ડાઉનલોડ કરીને સાચવી પણ શકાય અને અથવા ઓનલાઈન પણ વાંચી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે. ડીજિટાઇઝ કરવા જેવાં કેટલાંક ગુજરાતી પુસ્તકોમાંથી કૉપીરાઈટ-મુક્ત – અને જે લેખકોની મંજૂરી મળી રહી છે તેમનાં પણ – જે જે પુસ્તકો તૈયાર થતાં જાય છે તેમ તેમ તેને વેબસાઈટ ઉપર મૂકતા જઈએ છીએ. આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ વીજાણુ પ્રકાશન-ebook-ના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ અહીંથી વાંચી શકશો.

પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે. પુસ્તકોની પસંદગી `ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ. તો, આવો. આપનું સ્વાગત છે ગમતાના ગુલાલથી…

Browse our library of free ebooks

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા..ટેકનોલોજીની મદદથી ગુજરાતી સાહિત્યનો પ્રસાર અને પ્રચાર કરવો એ એકત્ર ફાઉન્ડેશનનો હેતુ છે.Our mission is: “To preserve Gujarati literature and increase its audience through digitization.”

અમારા મનુભાઈ (દર્શક)

– જુગલકીશોર

મનુભાઈ પંચોળી – દર્શક પાસે ચારેક વરસ ભણવાનું મળેલું. ૧૯૬૧–૬૨થી ૬૫–૬૬. શાપુર સર્વોદય આશ્રમ–લોકશાળામાં ૬ વરસ મેટ્રીક કરતાં સુધીમાં ત્યાંના પુસ્તકાલયમાં જેટલી હતી એટલી – લગભગ બધી નવલકથા–નવલીકાઓ વાંચી મારેલી ! પણ તોય દર્શક હજી આઘા હતા. લોકભારતીમાં એમની નવલકથાનીય પહેલાં એમને માણ્યા હતા. રાજનીતી ભણાવતા. પણ જુદાં જુદાં છ–સાત છાત્રાલયોમાંના કોઈ છાત્રાલયે ક્યારેક રાત પડ્યે પોગી જાય. “મનુભાય આવ્યા છે”ની વાત વાયરે વેતી થાય ને જેને ખબર પડે ઈ ઓલ્યા છાત્રાલયે પોગી જાય એમને સાંભળવા.

છાત્રાલયની વચ્ચોવચ એક મોટો ઓરડો રહેતો. કાં તો ત્યાં ને નહીં તો પછી બહાર આંગણામાં લાકડાનું મોટું ટેબલ મુકાઈ જાય ને બાપુ પલોંઠી વાળીને બેહે. એમની પલાંઠીમાં  પગ ઉપર પગ ચડેલો હોય, ને વાત જેમ જેમ જામતી જાય તેમ તેમ તેઓ ઉપરવાળા પગને તળીયે હાથની હથેળી ફેરવતા જાય, જાણે વાર્તારસનો સ્રોત ન્યાંકણે હોય !!

દરીયાના આછરેલા પાણીના નીલા રંગનો જ આંખોનો રંગ. ધારદાર ને ઘાટીલું નાક. વીશાળ કપાળ ને ઘુઘરીયાળા કેશ ! વાતું કરતા જાય ને ઝીણી આંખે બધાંને જોતાં જાય, પણ વીંધી નાખે તેવી તીણી નજર. (મેઘાણીભાઈ અંગે એમણે કરેલાં નીરીક્ષણોમાં વાચકને આ તીણી નજરનો સમુચો પરીચય થઈ જાય તેવાં એમનાં અર્થઘટનો.)

દરરોજ એક સો પાનાં વાંચીને જ સુવાનો વણલખ્યો નીયમ એમને ઢગલાબંધ પુસ્તકોમાં લઈ જાય છે. “મારી વાચનયાત્રા”માં એમણે જે પીરસ્યું છે તેય આ અગાધ વાચન આગળ પાણી ભરે.

અદોદળું શરીર. પેટ એમનું વરસમાં બે વાર તો જોવામળે જ. એક વાર હોળીના દીવસે (આ દીવસે એમને આખે શરીરે, ને ખાસ તો ફાંદા ઉપર ગારાના લેપ થયા હોય !)…..ને બીજું ટાણું લોકભારતીમાં પડેલો પહેલો વરસાદ ! પહેલો વરસાદ પડે એટલે ઓફિશ્યલી રજા ડીકલેર કરવાની નહીં; કોઈ પણ વીદ્યાર્થી સંસ્થાના મોટા બેલ (ઘંટ) પાસે જઈને સમણવા માંડે ને બેલ લાં….બો ચાલે એટલે વીદ્યાર્થીઓ તો હમજ્યા મારા ભૈ, કાર્યકરોય નીકળી પડે મોટા, મધ્ય ચોકમાં…..ને જેમ જેમ બધા ભેગા થાય તેમ તેમ પછી શરુમાં વરસતા વરસાદે રાસડા લેવાય ને પછી આખું રામણું ઉપડે ચારપાંચ કી.મી. દુર સાંઢીડા માદેવને રસ્તે ! ને આંયકણે મનુભાઈ ધોતીયાભેર કછોટો વાળીને દેખા દે !!

પણ વાત આટલેથી અટકાવે તો મનુભાય શેના. નદીના ધરાને કાંઠે એક ઝાડ. એની ઉપર યુવાનની જેમ ચડી જાય. (મને હંમેશાં બીક રહ્યા કરતી, પગ લસરશે તો નહીં ? ભીનું થયેલું ઝાડ ને એમનું શરીર ! પણ ના. એ તો ઉંચી ડાળ્યે જઈને ત્યાંથી ધુબાકો મારવા તૈયાર થાય. એને જાણકારો ધુબાકો કે’તા નથી; એ પલોંઠીયો કહેવાય. નીચે પાણીમાં પડતાં પહેલાં અધવચ્ચે જ પલોંઠી વાળી દેવાની, શરીર સહેજ વાળવાનું ને થાપાનો ભાગ પહેલો પડે તે રીતે ધુબાકવાનું….ને પછી જે પાણી ઉછળે એમાં નીયમ એવો હોય છે કે જ્યાંથી ધુબાકો માર્યો હોય એટલે ઉંચે પાણી ઉછળવું જોયેં !! પલોંઠીયાની તો જ સફળતા મનાય. મનુભાઈએ ઉછાળેલું પાણી અમે જોઈ રહીએ – એ ધુબાકાની સફળતા માણતા !!

ગુજરાતના ઉત્તમ નવલકથાકાર, સાવ દેશીજીવનના – સાચા સામાજીક માણસ, સર્વોદયીઓના આગેવાન – ગુરુ સમ નાનાભાઈ અને વિનોબાજીને પણ સમય આવ્યે સંભળાવી દ્યે – રાજનીતીમાં નોખો ચીલો પાડનારા અને…..અને…..જાણ્યે સાંભળ્યા જ કરીએ, એવા વક્તા ! (આરંભની ચુંટણીઓમાં દેશના કોઈ મોટા નેતાની સભા હતી ત્યારે લોકો હકડે ઠઠ ભેગા થયેલા. પછી થોડેક આઘે એકાદ તુટી ગયેલી દીવાલ જેવા ઓટલે બેસીને મનુભાઈએ પણ સભા ચાલુ કરેલી……એમની ચુંટણી સભા એટલે વાર્તાઓ, બોધકથાઓ અને સામાજીક આદર્શોનો સમન્વય ! કહેવાય છે કે પેલા નેતાની સભા ભાંગીને ભુક્કો થઈ જયેલી !)

આ મનુભાઈની વાતો તો ખુટાડી ખુટે નૈં એ રોખી છે. એકમાંથી બીજી ને એમાંથી ત્રીજી દોર નીકળતી જ જાય ! આપણે તો આજનો દી’ આંયાં જ અટકવીં !!

રાજુલ કૌશિકના બ્લૉગ અંગે ઘણું–

રાજુલબહેનનો પરીચય મને બ્લૉગજગત પુરતો જ હતો. તેઓ આ દુનીયામાં આવતાં પહેલાં (એમનો બ્લૉગ શરુ થયો ૨૦૦૯૬ જૂનથી. એ પહેલાં તેઓ દિવ્યભાસ્કરના પૂર્તિ વિભાગમાં લેખો આપતા હતા…) અનેક છાપાં–સામયિકોમાં કલમ ચલાવી ચુક્યાં છે તે વાતની જાણ તો હમણાં જ થઈ ! એમનાં લખાણો પ્રગટ થયાં છે તે સ્થાનોની યાદી જ ઘણી મોટી થવા જાય છે. જુઓ ને –

દિવ્યભાસ્કરમાં ‘માધુરિમા’માં કવર સ્ટોરી; ‘કળશ’માં માનુષી કૉલમમાં; શનિવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ કૉલમ; બુધવારે ફિલ્મ રિવ્યૂ; રવિવારે યાત્રાપ્રવાસ કૉલમ; ગુજરાતના હેરિટેજમાં અનેક ઐતીહાસીક સ્થળો વીષેનાં લખાણો; વીદેશપ્રવાસોના આધારે અમેરિકા–યુકેનાં કેટલાંય શહેરોની અવનવી માહીતી આપતા લેખો ઉપરાંત –

‘નવગુજરાત સમય’માં પણ વીદેશોમાં જોવાલાયક સ્થળોનાં જીવંત અહેવાલો અને કેટલાંક લખાણો તો વડોદરાના ‘ફીલિંગ મૅગેઝીન’માં પણ પ્રકાશિત થયાં.

એક શરૂઆત બીજી કડીને જોડે એમ “ક્રીયેટ સ્પેસ” પર પણ એમની બે નવલકથાઓ મુકાઈ છે. તથા ૨૫ વર્તાનોનો સંગ્રહ, હકારાત્મક અભિગમ અને ચિંતનકણિકા પ્રસિદ્ધ થવાની તૈયારી ચાલે છે…

અને –

૨૦૧૦માં અમેરિકાનું ગ્રીન કાર્ડ મળતાં ત્યાં સ્થાયી થતાં જ કેનેડાથી પ્રકાશિત ‘ગુજરાત ન્યૂઝ લાઇન’ માટે ફિલ્મ રિવ્યૂ આપવાનું તેમણે શરુ કર્યું છે.

લખાણોની સાથે સાથે જ કેટલીક સામાજીક પ્રવૃત્તિઓમાં સક્રીય રહીને તેમણે ભાષા–સાહીત્યમાંનો પોતાનો રસ જીવંત રાખ્યો છે ! જેમ કે –

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાની સાથે રહીને સહિયારા સર્જન/ બહુલેખી લેખકો દ્વારા લખાતી નવલકથામાં પણ એક લેખક તરીકે જોડાયાં; કેલિફોર્નિયા – બે એરિઆની સાહિત્યિક પ્રવૃત્તિ સાથે પણ જોડાઈને તેમણે બેઠક – શબ્દોના સર્જન પર સળંગ ૫૧ લેખ આપ્યા અને તાજેતરમાં કવિતા શબ્દોની સરિતા પર લેખો શરૂ કર્યા છે….!

અને હા, ‘પત્રાવળી’ નામક પત્રશ્રેણીમાં તો તેઓ એક યજમાન પણ છે.

તેમણે જે કાંઈ પ્રીન્ટમીડીયામાં લખ્યું તે તમામ એમણે પોતાના આ બ્લૉગ પર મુક્યા છે. એ સીવાયની પણ કેટલીય સામગ્રી તેમણે સીધી જ બ્લૉગ પર પ્રકાશીત કરી છે. જેમ કે –

વાર્તાઓ, નવલીકા, લઘુ નવલકથા અને સહીયારા સર્જન પર લખાયેલી વાર્તા અને પોઝીટીવ એપ્રોચ પરના લેખો, ઉપરાંત આદર્શ અમદાવાદની પત્રીકા માટે જે લેખ જતા એ પણ એમના બ્લોગ પર મુકાતા રહ્યા છે કે જે “સંવંર્ધન માતૃભાષાનું” ગ્રંથમાં ચીંતનકણીકાના નામે મુકાયા છે.

એમના બ્લૉગ “રાજુલનું મનોજગત” વીશે વાત કરીએ તો કહેવું જોઈએ કે બહારના જગતમાં જે કાંઈ તેમની કલમથી આળેખાતું રહ્યું છે તે બધું જ – તેમના તમામ લેખો જેમ કે યાત્રા પ્રવાસ, વાર્તા, લઘુ નવલકથા, નીબંધીકાઓ અને  એમને ખરેખર ગમી હોય – મનને સ્પર્શી હોય એવી ફીલ્મના રીવ્યુ વગેરે તેઓ હવે ફેસબુકના એમના પાના પર મુકે છે અને વર્તમાન સમયમાં પીરસાતી પત્રાવળી પણ ખરી જ – તો આમ, તેમનું બધું જ બ્લૉગ પર મુકીને નેટજગતને પણ લાભ આપ્યાં કર્યો છે.

તેમણે સ્વતંત્ર રીતે લખેલી અને હ્યુસ્ટનના વિજયભાઈ સાથે રહીને પણ લખેલી નવલકથાઓ –‘છિન્ન’, ‘એષા’, ખુલ્લી કિતાબ (સહ લેખક વિજય શાહ-હ્યુસ્ટન) અને ‘આન્યા મૃણાલ’ ( સહલેખક વિજય શાહ હ્યુસ્ટન) પણ તેમના બ્લૉગ પર મુકાઈ છે.

આ સીવાય ખાસ જાણવા જેવું તે તેમણે પોતાના આ બ્લૉગમાં યાત્રા-પ્રવાસ, ફીલ્મ રીવ્યુ, વાર્તાઓ, લઘુ નવલકથા, નીબંધ, સહીયારું સર્જન, હકારાત્મક અભીગમ વીષયક લખાણો, ચીંતનકણીકા, ‘પત્રાવળી’ જેવી દસ કેટેગરીઝમાં અલગ અલગ વીષયો આવરી લીધા છે.

એમના બ્લૉગ ‘રાજુલનું મનોજગત‘ પર લગભગ ૩૫૦ જેટલા લેખો મુકાયા છે. અને ૧૦૬૯૭૩ મુલાકાતીઓએ મુલાકાતો લીધી છે.

બ્લૉગજગત સાથે સંકળાવા પાછળના તેમના હેતુઓ સાવ સાદા લાગે પણ તેમાં રહેલી કેટલીક ભાવના વાચકોને પ્રેરે તેવી છે. એમને પૂછ્યું તો તેમણે ભાવપૂર્વક કેટલીક વાતો ટુંકાણમાં મુકી….જુઓ :

“બ્લોગ શરૂ કરવાનો હેતુ તો મારા મનની વાતોવિચારો વ્યક્ત કરવાનો હતોગુજરાતી ભાષાનું જ્યારે પ્રભુત્વ જ  ઓછું થતું જતું હોય ત્યારે ગુજરાતી લેખક અને વાચક સાથે પરોક્ષ રીતે સંકળાયેલા રહેવાનોય લોભ તો ખરો જઆ જુવોને, આપણે પીરસેલી ‘પત્રાવળી’માં  આપણી સાથે કેટલા મહેમાનો જમ્યા ! હવે આ તમામને તો મળવાનો યોગ ક્યારે થશે એ તો ઈશ્વર જાણે પણ આ પત્રવ્યવહારના લીધે એક વાતવ્યહવાર તો ઊભો થયો જ ને એનોય મને આનંદ અને સંતોષ છેઅમદાવાદથી માંડીને અમેરિકા કે ઑસ્ટ્રેલિયા સુધી કોઈ આપણી લખેલી વાત વાંચે એ તો અખબાર કે  બ્લોગના લીધે જ શક્ય બને નેઅખબાર ક્યાં પહોંચે એ નિશ્ચિત નથી હોતું પણ ઈન્ટરનેટના લીધે બ્લોગ તો વિશ્વવ્યાપી છે એટલે એના લીધે બ્લોગર પણ વાચક સુધી પહોંચી જાય છે.

એ સીવાય પણ તેમને પોતાના આ ક્ષેત્રકાર્ય દરમીયાન જે અનુભવો થયા તે બહુ મજાના છે ! મને લાગે છે કે નેટસુવીધા શરુ થઈ અને તેમાંય તે ગુજરાતીમાં લખાવાનું શક્ય બન્યું પછી લેખકોનો મોટો ફાલ આપણને મળ્યો છે ! કેટલા બધા લેખકો !!

આમાંના દરેક લેખકને કોઈ ને કોઈ અનુભવ તો થયો જ હશે જે એમના માટે હૃસયસ્પર્શી બની રહ્યો હોય ! આ એક એવું સબળ અને સ–રસ પાસું છે જે નેટજગતના દરેક લેખકને સ્પર્શી જાય છે. રાજુલબહેન પણ એમાં અપવાદ શી રીતે હોય ? તેમના અનુભવો બહુ જ ધ્યાન ખેંચનારા છે. એમાંના કેટલાક અંગે આપણે જાણીએ –

૧) આ સમય દરમ્યાન વાચકોના પણ સરસ પ્રતિભાવો મળ્યાઆ તમામ લેખોમાં “મા  અને મમ્મીજી‘ – મધર ઈન લૉવિશેનો  લેખ સૌથી વધુ હ્રદયસ્પર્શી રહ્યો એવું મને વાચકોના પ્રતિભાવ પરથી સમજાયું હતું કારણકે આ લેખમાં સાસુને મેં મા તરીકે સ્થાન આપ્યું હતુંમા સાથે તો જન્મ પહેલાથી સંબંધ બંધાય જે લોહીનો હોય પણ સાસુમા જેમની સાથે લાગણીનો સંબંધ હોય એ સંબંધને મેં સન્માન્યો હતો.

એ સંબંધ માત્ર કહેવા કે લખવા પૂરતો નહોતો, એ સંબંધ તો હું સાચે જ જીવી હતી.

(આ લેખોના અત્યંત રસપ્રદ પ્રતીભાવો હું વાંચી ગયો છું. મને લાગે છે કે આ પ્રતીભાવો વાચકોએ વાંચી જવા જોઈએ. અહીં સ્થળસંકોચવશ તે શક્ય ન હોઈ સૌને એમના બ્લૉગ પર જઈને તેનો આસ્વાદ લેવો રહ્યો. – જુ.)

૨) સૌથી પહેલો લેખ દિવ્યભાસ્કરની પૂર્તિ કળશમાં માનુની વિભાગમાં લીઝા શાહ નામના ડાયેટ કન્સલન્ટટ પર મૂક્યો જે મારા બ્લોગ પર પણ મૂક્યો ત્યારે આખા દિવસ દરમ્યાન અમદાવાદ જ નહીં ગુજરાતભરમાંથી પણ સતત ફોન આવ્યા.

૩) માધુરિમામાં સત્ય ઘટનાને આધારિત બા” પરની વાર્તા વાંચીને લગભગ ૩૦ વર્ષ પહેલાંના અમારા પાડોશીએ દિવ્યભાસ્કરમાં મારો કોન્ટેક્ટ નંબર લઈને ફોન કર્યો, કારણકે રાજુ તરીકે ઓળખાતી છોકરીના નામની સાથે લાગેલી પહેલાંની અટક નાણાવટીમાંથી બદલાઈ ગઈ હતી પણ એ વાર્તા વાંચીને એમને ખાતરી થઈ ગઈ કે આ રાજુલ એ રાજુલ નાણવટી જ હોઈ શકે.…!

૪) યાત્રાપ્રવાસના લેખો તથા બેઠકમાં શબ્દોના સર્જન પર મુકેલા – હકારાત્મક અભિગમના લેખને કારણે ઘણાએ એવો પ્રસ્તાવ પણ મુક્યો છે કે આ તમામ લેખોનું અંગ્રેજીમાં ભાષાંતર થવું જોઇએ જેના લીધે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો કે યુવાનોને પણ વાંચવા સમજવાની સરળતા રહે. (આ તમામ લેખો ઈવિદ્યાલય પર દર શનિવારે પ્રગટ થાય છે.)  

તેમના બ્લૉગ પર જમણી બાજુના સાઇડબાર પર કેટેગરી વીભાગની સમૃદ્ધી જોઈ શકાય છે. પરંતુ એ યાદી કેટેગરી કરતાં વીશેષ તો અનુક્રમણીકા જેવી વધુ લાગે છે. બધાં લખાણોને જુદા જુદા વીભાગો પાડીને વહેંચી દેવા જોઈએ તેને બદલે અહીં ક્યારેક તો કોઈ એક લેખને પણ કેટેગરીરુપે મુકી દવાયો જણાય છે !

રાજુલબહેન કૌશિકને અભીનંદન સાથે શુભેચ્છાઓ પાઠવીએ !!

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

નોંધ : પ્રસ્તુત લેખ (બ્લૉગ અને બ્લૉગરપરીચય) એક ઉ અને એક ઈમાં લખાયો છે પરંતુ બ્લૉગરના પોતાના લખાણને સાર્થ જોડણીકોશ મુજબ જ – જરુર પડી ત્યાં સુધારીને – પ્રગટ કર્યો છે.

બ્લૉગજગતના માનીતા વાર્તાકાર પ્રવીણકાન્ત શાસ્ત્રીજી

શ્રી પ્રવીણભાઈ શાસ્ત્રી અને તેમનો બ્લૉગ “પ્રવીણશાસ્ત્રીની વિવિધ વાતો”

https://pravinshastri.wordpress.com/

 

હાઈસ્કૂલનાં વર્ષોથી જ એમણે કાલ્પનિક વાતો લખવાનું શરૂ કરી દીધેલું ! દશમાં ધોરણમાં હતા ત્યારે જ એમની પહેલી વાર્તા “પાગલની પ્રેયસીઓ” ‘નવવિધાન’માં છપાઈ ! પછી તો ૧૯૫૯ સુધીમાં એમની વાર્તાઓ ફિલ્મ મેગેઝિન ‘છબી’માં અને કેટલાંક સામયિકોમાં છપાતી રહી. પણ આ લેખન, નાટકો જોવાનું ને અનેક સામાજિક પ્રવૃત્તિના ધખારામાં અને ઉપરાંત પાછું છોકરાં ભણાવતાં ભણાવતાં ભણવાનું થતું રહ્યું…..

એનો ફાયદો તો કોને ખબર, પણ એમના અભ્યાસને જબરી નુકસાની ગઈ ! ઇન્ટર સાયન્સમાં જ વર્ષ બગડ્યું….પણ એ જ વસ્તુએ વાંચવા-લખવાના કામને તિલાંજલિ આપી દીધી ! પછી તો પ્રવીણભાઈ અમેરિકા ગયા, ૧૯૬૮માં. ૪૧ વર્ષ પછી ૨૦૦૯માં ૭૦ વર્ષની ઉમ્મરે નિવૃત્ત થયા.

તેઓએ કહ્યા મુજબ “અમેરિકામાં કોઈ મને જાણે નહિ, હું કોઈ સંપાદક કે કે તેમના પ્રકાશનને જાણું નહીં. ૧૯૫૯થી ૨૦૦૯ સુધીના નામાંકિત સર્જકો અને તેમના સુપ્રસિદ્ધ સર્જનોથી હું તદ્દન અજાણ. હવે થોડાં નામો જાણતો થયો છું.

હરનિશ મારો કૉલેજ મિત્ર. એની મારફત ઉત્તમભાઈની ઓળખાણ થઈ. એમણે બ્લોગમાં મારી વાર્તાઓ પોસ્ટ કરવા કહ્યું. “બ્લૉગ” કઈ બલા છે તે ખબર નહિ. પણ પીડીએફની ફાઈલ ખોલીને કોઈના બ્લૉગની વાર્તા વાંચતા પણ આવડે નહિ ! ગ્રાન્ડ ડૉટરને મસ્કા મારીને જેમતેમ “પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ” નો બ્લૉગ ૨૦૧૨ “એપ્રિલ ફૂલ”ને દિવસે શરૂ કર્યો….ને પહેલી જ કોમેન્ટ સુરેશ જાનીની આવી, “સાલો એપ્રિલ ફૂલ બનાવી ગયો.”

એક માત્ર ડૉ.ચંદ્રવદન મિસ્ત્રી સાહેબે કોમેન્ટ કરી. મને સમજાવ્યું કે એબાઉટનું પેઈજ ઉમેરો. તમારો પરિચય આપો. મિત્રોને ઈ મેઇલ દ્વારા બ્લૉગ અને નવી વાર્તાની માહિતી આપતા રહો. દરેક વખતે મારે કૉલેજમાં ભણતી મારી પૌત્રીની મદદ લેવી પડતી. એને ગુજરાતી વાંચતા લખતાં આવડે નહિ. ખૂબ માથાકૂટ થાય ને બિચારી કંટાળે !”

૨૦૧૨થી શરૂ થયેલા તેમના બ્લૉગ પર ૪૧ લખાણો મુકાયાં હતાં જે ૨૦૧૭માં ૧૫૬ને આંકડે પહોંચેલાં. પણ ૨૦૧૮નો વરસનો ફાલ એકંદરે સારો રહ્યો – ઓક્ટો મહિના સુધીમાં ૧૯૩ લખાણો મુકાયાં છે.

એમના મુલાકાતીઓ, એમની વિઝિટસ કે પછી એ સૌની કૉમેન્ટો–લાઇકો વગેરે બાબતે પ્રવીણભાઈનું મંતવ્ય ધ્યાન ખેંચનારું છે ! કહે છે કે વર્ડપ્રેસના આંકડાથી પોરસાઈ જવા જેવું નથી. કૉમેન્ટ કે લાઇક એ છેતરામણી વસ્તુ છે ! વરસના ૩૬૫ વિઝિટર બતાવે તેનો અર્થ દરરોજનો એક નો એક વિઝિટર પણ હોઈ શકે છે !! લાઇકનું બટન દબાય તેથી માની લેવાય નહીં કે તેઓએ લખાણ વાંચ્યું જ છે !

તોય આપણે તો એટલું જાણી શકીએ છીએ કે એમના આ બ્લૉગ પર ૨૦૧૨થી આજ સુધીમાં ૧૦૭૮ લખાણો મુકાયાં છે; ૧,૫૨, ૬૩૧ વ્યૂઝ મળ્યાં છે ને ૬૧, ૫૦૦ જેટલા વિઝિટરો એમને આંગણે આવી ગયાં છે.

એમના બ્લૉગ “પ્રવીણશાસ્ત્રીની વિવિધ વાતો”ના મેનૂ – પેઇઝિસ પર જે શીર્ષકો છે તેમાં

  • ABOUT
  • વહેતી વાર્તા ”શ્વેતા”
  • રિવર્સલ (ચોરો)
  • INDEX-અનુક્રમ એ ચાર પાનાં છે.
  • ABOUTમાં એમણે પોતાની વાત બહુ જ વિગતે કરી છે. એમની નિખાલસતા એમાં જોવા મળે છે. એને આધારે જ કહી શકાય છે એમનું સર્જનકાર્ય પ્રયત્નથી થયું નથી, બલકે સર્જનસંસ્કાર એમનામાં પહેલેથી જ છે. નાની ઉંમરે છપાયેલી ત્રીજી જ વાર્તા એમને એ જમાનાના રૂ. ૧૫નો પુરસ્કાર અપાવે છે. એમણે કબૂલ્યું છે કે સાહિત્ય કે સાહિત્યકારોનો એમને નહિવત્ પરિચય હતો. છતાં તેઓએ લખ્યું… નહીં, સર્જ્યું છે ! એમની જ એક વાર્તા વાર્તામાંથી નવલકથા બની જાય છે ! વાસ્તવચિત્રો એમના શબ્દોથી આબેહૂબ પ્રગટ થઈ જાય છે. નજર સમક્ષ હોય તેમ એમનાં પાત્રોને આપણે જાણે કે ‘જોઈ’ શકીએ છીએ !

એમના મેનૂ ઉપર શ્વેતા વાર્તા છે, તો ‘રિવર્સલ’ શીર્ષકથી લખાતી એક નિયમિત મળતા રહેતા જૂથની કાલ્પનિક છતાં રોજબરોજની વાસ્તવિક વાતો છે. આ એક જાતનો ચર્ચાચોરો છે જયાં રોજિંદા જીવનને જોઈ શકાય છે. ચોથું પાનું INDEX પર તો એમનાં લખાણોની આખી યાદી છે. એમના વાચકો માટે તૈયાર ભાણું…..

એમનાં લખાણોની કૅટેગરીઝમાં એમણે વ્યક્તિગત લેખકોને જુદી કૅટેગરીથી મૂક્યા છે ! પરિણામે એમની કેટલીક કૅટેગરી ઝટ નજરે ચડતી નથી. જુઓ આ યાદી –

એક અજાણ્યા ગાંધીની આત્મકથા”

નવીન બેન્કરની વાતો” 

Gujarati Novel 

Gujarati Stories

Music Video

SELECTED FROM FACEBOOK

Uncategorized 

शास्त्रीय संगीत और मनभावन फिल्मी गीत. 

કાવ્યગુંજન

કૌશિક ચિંતન 

ચન્દુ ચાવાલા 

પટેલ બાપાનું રિવર્સલ 

ભરત મહેતા અને ફિલોસોફી 

શ્રી શરદ શાહની વિચારધારા

શ્વેતા-નવલકથા 

હરનિશ જાનીની હાસ્ય પ્રસાદી

હકીકતે અન્ય લેખકોના બ્લૉગ કે સાઇટોને એક જ શીર્ષક નીચે દરેકનું નામ વંચાય તે રીતે મૂકીને પોતાની કૅટેગરીઝને અલગ પાડી શકાઈ હોત.

હવે કેટલાક સમયથી તેઓ ફેસબુકે જોવા મળે છે. ત્યાં તો તેમનું અલગ જ સામ્રાજ્ય જામ્યું છે ને તે એક અલગ જ વિષય છે એમની ઓળખ માટેનો. સવારે જાગતાંમાં ને રાતે સૂવા જતાં પહેલાં તેઓ તેમના વાચકોને ચૂંટલી ખણતાં રહીને અનેક વિષયો પર ખેંચી જાય છે. પણ અહીં આપણી વાતથી એ જુદો જ વિષય હોઈ તેનો લાભ નહીં લઈ શકાય.

આ બ્લૉગ વિષે પણ હજી ઘણી મજાની વાતો કરી શકાય તેમ છે પરંતુ મારી આ લેખણ થોડી ટૂંકી પડતી માનું છું. હું કોઈ વિશ્લેષક કે વિવેચક નથી. કેવળ ભાવકરૂપે આ દર્શન કરાવ્યું છે. છતાં આ લખાણને પકડીને એમના બ્લૉગની સફર અવશ્ય કરવી જોઈએ.

એમનાં લખાણોને અને પ્રવીણભાઈ ખુદને પણ મારી શુભેચ્છાઓ હું એમના અને મારા વાચકો વતી આપું છું.

આપણા બ્લૉગર “વિનોદવિહારી” વિનોદભાઈ પટેલ

બ્લૉગજગતમાં “વિનોદવિહાર !!”

– જુગલકિશોર

 

‘A Pleasure trip’ ગણીને વિનોદભાઈએ ‘વિનોદ વિહાર’ નામક બ્લૉગ શરુ કર્યો તે તારીખ બરાબર સપ્ટેમ્બર, ૨૦૧૧ની પહેલી તારીખ હતી. ને એમની ઉંમર હતી ૭૫ વરસ ! આ ઉંમરે પણ માણસ આવી રચનાત્મક પ્રવૃત્તિ આરંભીને બાકી વધેલા સમયનો સદુપયોગ કરી જાણે છે.

હાઈસ્કૂલના અભ્યાસકાળ દરમિયાન જ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખકોનાં પુસ્તકોના વાચને એમને લેખન પ્રત્યે પણ રસ જગાડેલો. બાકી હતું તે શાળા-છાત્રાલયના ભીંતપત્ર ‘ચિનગારી’નું સંપાદકકાર્ય કરવાની તક પણ મળી ગયેલી ! ૩૫ વર્ષો વ્યવસાય અને કૌટુંબિક જવાબદારીઓએ સાહિત્યરસમાં ઓટ આવી ખરી પરંતુ ૧૯૯૪માં જોબમાંથી નિવૃત્તિ લીધા પછી અમેરિકામાં કાયમી વસવાટ થતાં જ ભીતરમાં પડેલો સાહિત્યરસ ફરી તાજો થાય છે. એટલે અમેરિકા આવીને કમ્પ્યૂટર શીખી, લેપટોપ ખરીદી, એમાં ગુજરાતીમાં લખવાનું શીખી લીધું !

‘વિનોદ વિહાર’ બ્લૉગની પ્રથમ જ પોસ્ટમાં તેઓએ બ્લૉગના હેતુઓ જણાવ્યા હતા તે મુજબ :

‘’આ બ્લૉગના માધ્યમ દ્વારા મારામાં પડેલા સાહિત્યિક અને આધ્યત્મિક રસની અભિવ્યક્તિ તો થશે જ એ ઉપરાંત એ એક social mediaનું પણ કામ કરશે. એના માધ્યમથી ઘણા નવા સાહિત્યપ્રેમી મિત્રોનો પરિચય પણ થશે. સદવિચારોની કદર બુઝી જાણનાર મિત્રો અને સ્નેહીજ્નોનું બ્લૉગ એક મિલનસ્થાન બનશે. મારી ૭૫ વર્ષની ભાતીગળ અને સંઘર્ષમય જીવનયાત્રા દરમિયાન મનમાં જમા પડેલા અનુભવો અને વિચારોનું ભાથું આ બ્લૉગના માધ્યમથી બહાર લાવવાની આ તક છે. તેને વધાવતાં ખૂબ સંતોષની લાગણી થાય છે. શારીરિક શક્તિ જોકે  પૂરેપૂરો સહકાર ભલે ન આપતી હોય પણ મારી યાદદાસ્ત, બુદ્ધિ અને વિચારશક્તિ પ્રભુકૃપાએ હજુ પહેલાં જેવી જ સાબુત છે. જ્યાં સુધી એ ચાલે છે ત્યાં સુધી એનો ઉપયોગ કરીને આપ સૌના સહકારથી ગુજરાતી ભાષામાં અને કોઈ વાર અંગ્રેજી ભાષામાં પણ મારી સાહિત્યિક અને આધ્યત્મિક અભિવ્યક્તિ દ્વારા સુજ્ઞ વાચકોને વિનોદ વિહાર કરવાની આ તક ઝડપતાં ખૂબ આનંદ અનુભવું છું. બ્લૉગની આ પ્રવૃત્તિ મારી એકલતા ઓછી કરવાનું માટેનું ઓસડ પણ બનશે.’’

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદયાત્રા બ્લૉગશીર્ષક સાથે ટૅગરૂપે રહેલું આ સૂત્ર સંક્ષેપમાં જ સઘળું જણાવી દે છે.

‘વિનોદ’ના આ વિહારને આજકાલ કરતાં સાત વરસ ને બે મહિના થયા છે. આટલા ગાળામાં તેમના બ્લૉગ પર વિહારાર્થે આવનારા વાચકો નહીં નહીં તોય સવાસોથી વધુ દેશોમાં વસે છે ! પણ મુખ્યત્વે જે દેશોમાં તેમના વાચકો છે તે 415123 ભારતમાં, 144587 અમેરિકામાં, 6109 યુકેમાં, 7189 કેનેડામાં, 1129 ઓસ્ટ્રેલિયામાં, 1058 સિંગાપોરમાં, 1058 આરબદેશોમાં, 667 પાકિસ્તાનમાં અને 506 હોંગકોંગ– SAR ચાઇનામાં વસે છે.

વિનોદભાઈના આ બ્લૉગ પર ગયા મહિના સુધીમાં જે લખાણો મૂકાયાં તેની સંખ્યા કુલ સાડા બારસો આપણું ધ્યાન ખેંચે છે. ૧૨૫૦ જેટલાં લખાણોમાંના અરધોઅરધ લખાણો એમનાં પોતાનાં છે. પણ વધુ ધ્યાન ખેંચનારી બાબત તો તેમના વાચકો દ્વારા તેમને મળતો પ્રતિસાદ છે. એક જ વર્ષમાં તેમના મુલાકાતીઓની સંખ્યા હતી 202552 ! જ્યારે આટલા સમયગાળાના કુલ મુલાકાતીઓ 625,865થી પણ વધુ હતા !!  સવાસોથી વધુ બ્લૉગરોની સાથે તેમના કુલ ફોલોઅર્સ ૩૫૦ છે ! એમને મળેલા લેખિત પ્રતિભાવો (કોમેન્ટિકાઓ) ૫૮૪૨ને ધ્યાનમાં લેતાં કહી શકાય કે દરેક લખાણને આશરે પાંચેક વાચકો પ્રોત્સાહક જવાબ લખીને આપે છે ! કોમેન્ટ માટેની આજકાલ જે ઝંખના જોવા મળે છે તે જોતાં, દુષ્કાળના સમયમાં આ તો બહુ મોટી વાત ગણાય. (જોકે આ વાત બ્લૉગજગતની છે. ફેસબુક જેવા માધ્યમોમાં વરસતા વરસાદની સામે બ્લૉગોનાં ખેતરો તો કોરાં જ ગણાય ને !) ખાસ કરીને બ્લૉગજગતમાંનાં લખાણો વાચનચિંતનપરસ્ત હોય છે જ્યારે સામાજિક માધ્યમો  ચર્ચાપરસ્ત ગણી શકાય. અહીં એક કોમેન્ટની પાછળ ઘણી વાર ભળતી જ ચર્ચાઓ જોડાઈ જઈને વાતનું ક્યારેક વતેસર કરી મૂકતી હોય છે. બ્લૉગરને માટે આ વાત પોસાય નહીં.

વિનોદભાઈએ પોતાની લેખિની પ્રતિલિપિ જેવા નેટસામયિક સુધી લંબાવી છે. ત્યાં એમની કુલ ૧૧૬ જેટલી રચનાઓ પ્રગટ થઈ ચૂકી છે. ત્યાં એમના વાચકોની સંખ્યા 86182 અને ફોલોઅરની સંખ્યા 691 છે.

એમના બ્લૉગ પરની કેટલીક વિભાગીય વિગતો જોઈએ તો તેમના બ્લૉગ પર જેને આપણ પેજીસ કહીએ છીએ તે મૅનૂનાં નામ આ પ્રમાણે છે, જે બ્લૉગવિઝિટરને હોમપેજ ઉપર તરત જ દેખાશે :

અનુક્રમણિકા

કેટલાક બ્લૉગ્સ/સાઈટ્સઃ

પ્રતિલિપિ પર મારી રચનાઓ

મનપસંદ વિભાગો

મારા વિશે

મારી ઈ-બુકો (ડાઉન લોડ)

મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ

એમનાં લખાણોના કુલ વિભાગો (કૅટેગરીઝ) તો ગણવા અઘરા પડે તેટલા છે. એમણે વ્યક્તિ પરિચયોમાં દરેક વ્યક્તિને એક કૅટેગરી આપી છે….આ વિભાગને વર્ગોમાં વહેંચી દેવાથી આ યાદી વધુ સરળ અને વ્યવસ્થિત બની રહે…

કેલેન્ડર વિભાગમાં ડોકિયું કરીશું તો જોવા મળે છે કે સપ્ટેમ્બર, ૨૦૧૧થી શરૂ કરીને નવેમ્બર, ૨૦૧૮ સુધીનાં ખાતાં ખૂલી શકે છે ! અહીં પણ દરેક મહિનાનાં લખાણોની સંખ્યા બતાવી હોત તો ઓર મજો આવેત !  

જમણી બાજુના ફલક (રાઇટબાર) પર તેમના જનની–જનકનો ફોટો ધ્યાન ખેંચે છે. નીચે તરત જ તેમનાં પત્ની કુસુમબહેનને અંજલિરૂપ તૈયાર કરાયેલી ઇબુક બતાવીને “કુસુમાંજલિ” શીર્ષક સાર્થક કર્યું છે. તો એમને બહુ ગમતા કેટલાંક બ્લૉગ–સાઇટોની ચિત્રલિંક મૂકીને તેમણે મૈત્રીભાવ પ્રગટ કર્યો છે.

અંતમાં, એમને પૂછતાં એમણે મોકલેલું કેટલુંક ચિંતન એમના જ શબ્દોમાં મૂકીને મારી વાત પૂરી કરીશ…..નહીં, પૂરી નહીં પણ અટકાવીશ, કારણ કે હજી એક વધુ બ્લૉગરમિત્રના બ્લૉગની વિગતો આપવાની બાકી છે !

 

વિનોદભાઈનો બ્લૉગઅનુભવ

 

“આજના ડીજીટલ સાયબર યુગમાં ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે પ્રિન્ટ મીડિયાની સાથે સાથે બ્લોગ પણ એક અગત્યનું સાધન બની ગયું છે .

પહેલાં જે અખબારો અને સામયિકો લોકો પૈસા ખર્ચીને મંગાવીને વાંચતા હતા એ લગભગ બધું જ સાહિત્ય ઈન્ટરનેટમાં  કોમ્પ્યુટરના કી-બોર્ડ ઉપર આંગળીનું ટેરવું દબાવતાં જ વિના મુલ્યે વાંચવા માટે ઉપલબ્ધ બન્યું છે .

વિશ્વભરમાં કેટલા બધા ગુજરાતીઓ વ્યવશાયઅર્થે સપરિવાર રહે છે ? એમાંના ઘણાખરા ગુજરાતીઓને એમના વ્યવસાયોમાં વ્યસ્ત રહેવા છતાં જીવન ઉપયોગી સાહિત્ય પોતાની ગુજરાતી ભાષામાં વાંચવાની ભૂખ પડેલી હોય છે,એને બ્લોગના માધ્યમથી સારી રીતે સંતોષી શકાય છે .

ખાસ કરીને પરદેશમાં નિવાસી બનેલા નિવૃત વયોવૃદ્ધ ગુજરાતી ભાષી સજ્જનો માટે તો ગુજરાતી બ્લોગ જગત એક આશીર્વાદ સમાન છે જે એમના તરફથી મળતા પ્રતિભાવોમાંથી જોઈ શકાય છે.ગુજરાતી બ્લોગ વિશ્વ આજે કુદકે અને ભૂસકે વિસ્તૃત થતું જાય છે.

આ બધા ગુજરાતી બ્લોગોમાં રોજે રોજ એટલું બધું સાહિત્ય વાંચવા માટે ઉપલબ્ધ હોય છે કે શું વાંચવું , શુ ના વાંચવું એની મીઠી મુંઝવણ અનુભવાતી હોય છે .આજે ૧૦૦૦ થી વધુ એકલા ગુજરાતી બ્લોગ જ અસ્તિત્વ ધરાવે છે.

ચોમાસામાં એકાએક બહાર નીકળતા અળસિયાની જેમ ગુજરાતી બ્લોગની સંખ્યામાં વધારો તો થયો છે પરંતુ સંખ્યાની સાથે એ બ્લોગોમાં ભાષાની ગુણવત્તા  સચવાઈ કે જળવાઈ છે કે કેમ એ એક મોટો સવાલ છે.માતૃભાષાની શુદ્ધિનો આગ્રહ ભૂલાતો જાય છે.કવિતામાં છંદ જ્ઞાન અગત્યની જરૂરીઆત હોવી  જોઈએ પણ હાલ અછાંદસને નામે જોડકણાં જેવાં કાવ્યોની બોલબાલા થઇ રહેલી જણાય છે.

ફેસબુકનું માધ્યમ  આજે વિચારોની અભિવ્યક્તિ માટે અગત્યનું સાધન બની ગયું છે.આને લીધે બ્લોગોમાં સારું સાહિત્ય વાંચનારની સંખ્યા ઘટતી જાય છે .એને બદલે બહુ વિચાર કરવો ના પડે એવું સરળ અને સસ્તું સાહિત્ય હવે લોકોને ગમવા માંડ્યું છે.

આમ છતાં ગુજરાતી બ્લોગ વિશ્વમાં જેને ખરેખર સારા કહી શકાય એવા કેટલાક બ્લોગો ગુજરાતી ભાષા અને એની અસ્મિતા માટે બહુ જ સુંદર કામ કરી રહ્યા છે.

ગુજરાતી ભાષાની ચીંતા કરતા આવા કેટલાક  બ્લોગર મિત્રો એમની રીતે શુદ્ધ સાહિત્યની સામગ્રી પીરસી રહ્યા છે.વિશાળ બ્લોગ રૂપી સમુદ્રમાં ડૂબકી મારીને આજે ગુજરાતીઓ સાહિત્યરૂપી મોતીઓ પ્રાપ્ત  કરવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે.

––––––––––––––––––––––––––––––––––––

(હવે પછી જાણીતા વાર્તાકાર પ્રવીણભાઈ શાસ્ત્રીના બ્લૉગની વાતો – વહેલીતકે મૂકી શકું એવી આશા સાથે !!)