દર્શક : અમારા મનુભાઈ

– જુગલકીશોર.

 

દરીયાના રંગની, ઉંડું તાકતી, નીલી આંખો; અણીદાર – પોપટની ચાંચ જેવું જ કહી શકો – નાક; ઝીણો પણ તીણો અવાજ ને આઈન્સ્ટાઇનની યાદ અપાવે તેવાં ઝુલ્ફાં – પેટ જરા વધુ મોટું એટલે શરીરની ઉંચાઈ ઓછી બતાવે પણ લગરીક પણ એમને જેમણે અનુભવ્યા હોય તેઓ એમની આંબી ન શકાય તેવી ઉંચાઈ જાણીને અંજાઈ જ જાય –

સાવ સાદાં, ગળી નાખ્યાં વિનાનાં ધોતીઝભ્ભો; મોટે ભાગે ઓળ્યા વિનાના વાળ (ક્યારેક ઘસીને ઓળ્યું જોઈએ એટલે અમે મીત્રો કહીએ, ‘આજ બાપા ક્યાંક મોટી મીટીંગમાં જાવાના લાગે છે !’) – આટલી સાદગી વચ્ચે પણ એમનાં વિચારો–લખાણો ને કાર્યોનો શો વૈભવ !!

અમારા મનુભાઈનો આ બાહ્ય પરિચય.

સમુહરસોડે શાક સમારતા મનુભાઈ.

સાહીત્ય, ઈતીહાસદર્શન અને રાજકારણના ક્ષેત્રનાં ચીંતનો–લખાણોએ કરીને વૈશ્વીક કક્ષાએ બીરાજતા મનુભાઈ કેળવણીક્ષેત્રે ક્રાંતદર્શી ! પણ સૌથી વધુ તો ગામડાંનો જીવ…..વીદ્યા અને વીદ્યાર્થીઓમાં રમમાણ…..ભણાવવા બેસે ત્યારે મનુભાઈ કોઈના નૈ ! સરસ્વતીદેવીની એમની આરાધના રામકૃષ્ણદેવની કાલીભક્તીની યાદ અપાવે.

ને કપડાંની જેમ જ જીવનવ્યવહારોમાંની એમની સાદગી ! એમના વીદ્યાર્થી રહ્યાં હોઈએ એટલે તેઓ ‘આવડા મોટા માણસ’ છે તે યાદ રાખવાનું મન જ ન થાય ને !

આટઆટલાં સન્માનોથી વરાયેલા દર્શક મનુભાઈ ગાંધીવીચારે કરીને નાનામાં નાના માણસના પોતાના માણસ બની શક્યા, બની રહ્યા.

લોકભારતીનો વીદ્યાભ્યાસ છોડ્યાંને મારે વરસો વીતી ગયાં તો પણ જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે ફોન કરીને મને જાણ કરે. મળવા જઉં તો સાવ પાસે બેસાડે. ‘બુચભાઈ તને યાદ કરે છે…’ જેવી ઔપચારીક વાતથી શરૂ કરીને કેટલું……ય પુછે. આપણા સાવ અંગત માણસ બની રહે.

એક વાર મેં એમને મારા કાર્યક્ષેત્રની જાણ કરતી, ભારત સરકારની યોજનાનું સાહીત્ય જોવા મોકલેલું. શ્રમીકો માટેની – શ્રમીકોના કાર્યક્ષેત્ર ઉપરાંત એમના જીવનવ્યવહારોને પણ સ્પર્શતી શૈક્ષણીક યોજના એ હતી. લોકભારતીની સફળતા પછી ગામડાંમાં શીક્ષણ પ્રસારવાની એમની અનોખી યોજના એવી માઈધારની કામગીરી પુરેપુરી શરૂ થઈ નહોતી. મારું મોકલેલું સાહીત્ય વાંચીને, અમદાવાદ મળ્યા ત્યારે લાગલું જ કહેલું, “જુગલ, માઈધારમાં હું જે કરવા માગું છું તે પ્રકારનું જ કહી શકાય તેવું કામ તું તો કરવા માંડ્યો છે ! ત્યાં ગામડું ને ગામડાંના ઉદ્યોગો છે; તારે ભાગે શહેરી શ્રમીકો અને ઉદ્યોગો છે એટલું જ.”

એક વાર લોકભારતીમાં ઉમાશંકરભાઈ અને નગીનદાસ પારેખ પધારેલા. હું ત્યારે સાહીત્યમંત્રી હતો. અમારા ભીંતપત્ર “સમિધ”નો હું તંત્રી. સાંજે મહેમાનગૃહે તેમને મળ્યો ને કહ્યું કે સમિધ માટે આપની કવીતા આપો. તેમણે કહ્યું કે સવારે આવજો, હું આપીશ. સવારે લેવા ગયો તો નગીનભાઈ બહાર આવ્યા. મેં કહ્યું કે કાવ્ય લેવા આવ્યો છું. તેઓએ કહ્યું કે એમનું કાવ્ય તો તમને મળશે જ પણ અત્યારે તો તેઓ (ઉ.જો.) તમારું કાવ્ય વાંચી રહ્યા છે !! હું તો મુંઝાઈ ગયો. મને કહે, મનુભાઈએ તમારાં કેટલાંક કાવ્યો અમને વાંચવા મોકલાવ્યાં છે તે વંચાઈ રહ્યાં છે ! (ત્યારે ખબર પડી કે બે દીવસ પહેલાં કોઈ વીદ્યાર્થી દ્વારા મારાં કાવ્યો મનુભાઈએ શા માટે મંગાવ્યાં હતાં…..)

ઉમાશંકરભાઈએ તે રાતે જે બે નાનકડાં કાવ્યો લખેલાં તે સમિધ શબ્દના અનુસંધાને હતાં ને તેમની “સમગ્ર કવિતા”માં લોકભારતીની તારીખ સાથે સંગ્રહાયેલાં છે. પછી તો બેસાડીને મારે જ મુખે તેમણે “આ મેઘરાજ શો નૃત્ય કરે !” કાવ્યનું પઠન, મારો સંકોચ દુર કરાવીને, કરાવેલું.

મનુભાઈ અમારા સૌની વીશેષતાઓ ખોળી કાઢે. ને જાહેરમાં એની ચર્ચા કરે. અમને એવો તો પોરસ ચડે !

બાજુના ગામ સાંઢીડામાં મહાદેવનું જાણીતું મંદીર. ત્યાં શ્રાવણી મેળામાં અમે સૌ જઈએ. મોટો ધરો ચોમાસાના પાણીથી છલોછલ હોય. કાંઠે જ એક જુનું ઝાડ. મનુભાઈ ધોતીયાનો કછોટો મારીને ઝાડ પર ચડે. ત્યાંથી જે પલોંઠીયો મારે તે ઝાડની ઉંચાઈએ પાણી ઉડે ! અદોદળું ભારે શરીર. મને થાય કે મનુભાઈનો પગ લસરશે તો ? પણ અમારી ચીંતાને ગણકારવાને બદલે હીંમત આપે……હોળીમાં તો મનુભાઈને સૌ શબ્દશ: ઢસડીને જ લઈ જાય. માટીના લોંદા ડીલે ઘસીઘસીને આખા ને આખા ગારાવાળા કરી દે. પછી તો લગભગ ટીંગાટોળી કરીને કે ઉંચકીને ઘરે લઈ જાય ને વિજયાબહેનને સાદ પાડે, “લેજો માડી આ મનુભાઈ !!”

મારા અભ્યાસગાળા વખતનો ફોટો

વાતો કરવા બેસીએ તો પાર ન આવે એટલાં બધાં સંસ્મરણો હૈયે આવીઆવીને પાછાં જાય છે. પણ અત્યારે તો આટલુંક જ.

છેલ્લે સીવીલ હોસ્પીટલના બીછાને હતા ત્યારે દર્શન કરી શક્યો. મેં હાથ જોડ્યા, તો આંખોથી જ આશીર્વાદ વરસાવ્યા. તેઓ વીદાય લઈ રહ્યા છે તે વાત સહ્ય થતી નહોતી.

એમના સર્જનાત્મક સાહીત્યોમાંનાં બધાં પાત્રોમાં તો તઓ હતા જ, પણ ‘સોક્રેટીસ’માં તો તેઓ જ સોક્રેટીસ હતા. ગુજરાતી ભાષાના ઈતીહાસમાં તેઓ એક મોટા મોઈલસ્ટોન તરીકે જ ઓળખાશે. ગાંધી અને નાનાભાઈને તેમણે સક્રીય રીતે જીવી બતાવ્યા.

જમણી બાજુ છેલ્લે મૂ.મો.ભટ્ટ પાછળ જુભૈ.

 

 

‘કોડિયું’નો દર્શક વિશેષાંક : વાંચો–વંચાવો !

મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિશેષાંક “કોડિયું” સામયિક માટે નીચેની લીંક ખોલો :

November Manubhai visheshank

મનુભાઈ : અમારા માર્ગદર્શક, ગૃહપતી, શિક્ષક–ગુરુજી ૧૯૬૨–’૬૬

  “કોડિયું : દર્શક વીશાષાંક”માં દર્શકની લાક્ષણીક મુદ્રાઓ

----------Untitled-1 scan0001

Untitled-2.jpg2

Untitled-3.jpg3

Untitled-6.jpg5

Untitled-7.jpg6

Untitled-8.jpg7

ત્રણ મહાન શિક્ષકોની છાયામાં ડાબેથી અનુક્રમે રવીન્દ્ર, પ્રવીણ, જુગલ
ત્રણ મહાન શિક્ષકોની છાયામાં ડાબેથી અનુક્રમે રવીન્દ્ર, પ્રવીણ, જુગલ

‘ઝેન–લંચ’ !

નોંધ : યોગાનુયોગ આજની દિવ્યભાસ્કરની રવીવારીય પુર્તીમાં શ્રી ગુણવંતભાઈનો મજાનો લેખ છે જેમાં ઝેનપદ્ધતીએ ભોજન કરવાનો મહીમા ગવાયો છે. જમતાં જમતાં ફક્ત પોતાની જાત અને ભોજનની થાળીમાં જ મશગુલ થઈ જવાની ઉત્તમ વાત એમાં લખી છે.

આજે સ્વ. ન.પ્ર.બુચ (અમારા બુચદાદા)ના ભોજનનો એક અંશ રજુ કરવાનો જ હતો જેમાં તેઓ જાત સાથે અને ભોજન સાથે તો ખરા જ પણ દેશના લાખ્ખો ગરીબોની જીવનશૈલી સાથે પણ કેવા એકાકાર થઈને જમતા તેની વાત કરવી છે.                                                                                                 – જુગલકીશોર

=========================================

“એક દીવસ બપોર હું મળવા ગયેલો. તેઓ જમતા હતા. માત્ર કોરી રોટલી, મેથીના સંભારમાં દાબીને નીરાંતે જમતા હતા. અસ્વસ્થ થઈ ગયેલો હું કશું બોલી ન શક્યો. તેઓ સમજી ગયા. કહે, ‘મારા નાનપણમાં એક ગરીબ માણસને મેં માત્ર રોટલી ખાતા જોયેલો. તેય ક્યારેક મળે, ક્યારેક નહીં. જે મળે તે સુકું–લુખું એ ખાતો. એ વખતે મને થતું કે એનાથી આટલી ગરીબાઈ કેમ જીરવાતી હશે ? એની તો લાચારી હતી, પણ હું તો એવા માણસોને યાદ કરીને ક્યારેક આમ ખાસ ગોઠવણ કરીને ગરીબાઈનો અનુભવ કરું ને પ્રસન્નતાપુર્વક આમ જમું છું.’” (શ્રી અનિલભાઈ ભટ્ટ. ‘બુચદાદા–સ્મૃતિગ્રંથ’માંથી)

તેમના આત્મચરીત્રમાંની નોંધ કહે છે કે, તેઓ પીતાના એકના એક પુત્ર હતા. ઉપરાંત ની:સંતાન મામા તથા ની:સંતાન માસી એ સૌનો વારસો બુચદાદાને મળેલો ! પણ તેમણે તે બધું મામા–માસી વગેરેનાં સગાંઓને જ સોંપી દીધેલું ! બલકે કોઈકોઈનું બાકી રહેલું દેવું પણ બુચદાદાએ ચુકવેલું. પુષ્પામાસીના અવસાન પછી તો તેઓ સાધકનું જીવન જીવતા.

નીવૃત્તી પછી સંસ્થાએ આપેલું માનદ વેતન પણ તેમણે પુરું સ્વીકાર્યું નહીં. એટલું જ નહીં પણ દર વર્ષે એક માસનું માનદ વેતન સંસ્થાને ભેટમાં આપી દેતા. તેમણે લખ્યું છે તે મુજબ તો તેઓ હંમેશાં ખેંચમાં જ રહેતા, પણ તે છતાં, સૌ જાણે છે કે, જ્યારે પણ કોઈ રકમ તેમની પાસે બચી હોય ત્યારે વીદ્યાર્થીઓને મદદ કરવામાં તેનો ઉપયોગ કરી નાખતા !

ગોવિંદભાઈ સરવૈયા લખે છે, “તેઓ ગાંધીયુગમાં, ને આઝાદી પછી ત્રેપન વરસ જીવ્યા. જીવનનીર્વાહથી વધારે પગાર ન લઈને, સંસ્થા–સમાજ પાસેથી ઓછું લઈ વધારેમાં વધારે કામ કરીને આપણને પ્રેરણા આપતા ગયા.”

છો ન કમાયો હેમ, (પણ) વિદ્યાર્થીજન સાથમાં

લીધો–દીધો  પ્રેમ; ધન્યભાગ્ય !  નટ નાગર !  – ન. પ્ર. બુચ.

 

ન.પ્ર.બુચની છાયામાં…

બુચ–પુષ્પની સુવાસ

તેમના વીશે તેઓ : “મારા જીવન પર, જીવનરીતી પર મોટી અસર તે ગાંધીજીની. તેમનાં લખાણોની. ૧૯૨૩થી ૧૯૨૯ સુધી હું પુણે રહ્યો તે જ વર્ષોમાં કોઈ પણ જાગૃત ને સંવેદનશીલ યુવાન તેમના પ્રયોગોની અસરથી ભાગ્યે જ મુક્ત રહી શક્યો હશે. હું સ્વભાવે બેસીને સુનારો. એટલે કૉલેજ છોડવાની કે સત્યાગ્રહમાં જોડાવાની એમની હાકલ સાંભળવા છતાં હું ન જોડાયો. પણ બીજી રીતે મારા જીવન પર ને વીચારો પર એમની અસર થઈ જ. મારા પીતાજી ‘નવજીવન’ સાપ્તાહીક મગાવતા. વેકેશનમાં હું વાંચતો. એમાં એમની ખાદીની, રાષ્ટ્રની જે કાંઈ સેવા જે રીતે થઈ શકે તે રીતે કરવાની, અસ્પૃશ્યતાનીવારણની, સાદાઈ ને જાતમહેનતથી જીવવાની વાતો ધીમેધીમે મારે ગળે ઉતરતી ગઈ અને આખરે મેં નીશ્ચય કર્યો કે હવે પછી ખાદી પહેરવી. આખરે મેં ૧૯૨૮ના જાન્યુઆરીથી ખાદી પહેરવી શરુ કરી; તે પણ ક્રમશ: વીદેશી વસ્ત્રો, માંચેસ્ટરનાં ધોતીયાં, ઇંગ્લીશ મીલનાં શર્ટ, હોલેન્ડના કોટ વગેરે એ ફાટતાં ગયાં તેમ છોડતો ગયો ને ખાદી પહેરતો ગયો. મને પુરાં ત્રણ વર્ષ આ ફેરફાર સ્વીકારતાં થયાં. એથી લાભ એ થયો કે મને ગાંધીજીની વાત, વીચારસરણી, ખાદીનું અર્થશાસ્ત્ર વગેરે પુરાં પચી ગયાં ને તેથી એક વાર પહેર્યાં પછીથી સ્વપ્ને પણ કદી ખાદી સીવાય બીજું પહેરવાની ઈચ્છા થઈ નથી. તે પુર્વે ૧૯૨૧માં જ્યારે સત્યાગ્રહની હવા પુરજોશમાં વાતી હતી ત્યારે દેખાદેખી ખાદી પહેરેલી જે ૧૯૨૨માં આપોઆપ ઉતરી ગઈ.” (‘મારે વીશે હું અને એક વી. આઈ. પી.ની આત્મકથા’ પૃષ્ઠ, ૨૬–૨૭)

મહાલક્ષ્મી અવરાણીના શબ્દોમાં તેઓ : “અમારી લોકભારતીની શાળાનાં બાળકોને હું કહેતી, ‘પુ. દાદા છે ને, તે આપણા ગાંધીબાપુ છે, સ્વાવલંબી હતા. પોતાનું બધું કામ જાતે જ કરતા. માસીનાં કપડાં ધોવે–સુકવે, ‘ગાંધીઈસ્ત્રી’ કરે, પાણી ભરે. માસીને ઘરનાં દરેક કામમાં, ચા–રસોઈમાં પણ મદદ કરે. વીજયાબહેન (પંચોળી) ઘણી વાર કહેતાં, ‘પુષ્પામાસીએ તો પાંચેય આંગળીએ દેવ પુજ્યા હશે જેથી આવા શાંત, પ્રેમાળ પતી મળ્યા !’ સવારે દુધ લેવા જાય, તાજા દુધની ચા પીએ, પાણી આવે ત્યારે નાની ડોલથી ભરે…તેમના ઘરની પાછળના ભાગમાં ઘાસ થાય પણ કોઈને કહે નહીં, જાતે જ…હું શાળાનાં બાળકોને કહું, ‘આજે આપણે ગાંધીબાપુને  ત્યાં ઘાસ કાઢવા જઈશું ને ?’ સૌ છોકરો તૈયાર !” (કોડિયું સ્મૃતિગ્રંથ પૃ. ૧૬૧માંથી સાભાર.)

તેમની કાવ્યપંક્તીઓ :

રાજપક્ષી (સ્રગ્ધરા)

પ્હોંચે ઉદ્ ઘાટનાર્થે નિત નિત સઘળે દેશને કોણકોણે,

માસે માસે ઊડન્તા મિષ લવ મળતાં પ્લેનપંથે વિદેશે;

રાજ્યે પ્રાધાન્યધારી કદીય ન નવરા ભારતી રાજપક્ષી

ઝાઝું આકાશમાર્ગે, ક્વચિત ન છૂટકે ભૂમિમાર્ગે ફરન્તા.

(તા. ૧૬,૯,’૬૯ની ટપાલમાંથી)