બે હૈયાં વચ્ચે વહેતી વાતોનું ઝરણું : “આથમણી કોરનો ઉજાસ”

– જુગલકીશોર

બે બહેનપણીઓ વર્ષો પછી ભેગી થાય ત્યારે શું કરે એવા સવાલનો જવાબ સામાન્ય રીતે “ગપાટા મારે, બીજું શું ?!” એવો મળે તો નવૈ નૈં. એમાંય કૉલેજજીવન પછી છુટી ગયેલો સંબંધ ૪૮ વરસ એટલે કે અરધી સદી પછી સંધાય ત્યારે બબ્બે પેઢીઓની સાક્ષી બની ચુકેલી બહેનપણીઓ પાસે વાતો કરવા માટેની સામગ્રી કોઈએ પહોંચાડવાની જરુર ન જ હોય ને !

આવી જ એક ઘટના અમેરીકા ને યુકે વચ્ચે એ દી ઓચીંતી જ ઘટી….ભારતથી પાછાં ફરીને નયનાબહેન નામની એક વ્યક્તી પોતાના મોબાઈલમાં ભેગા થયેલા સંદેશાઓ વાંચે છે; તેમાં લખેલું પકડાય છે : “હું દેવિકા બોલું છું. જો આ ફોન નયનાનો હોય તો મને આ નંબર ઉપર ફોન કરે…” ને પછી તો ભાઈને કઉં તે ફોન ઉપર જ જામી ગ્યો વાતુંનો દોર !

એ દોરમાં જ પછી તો સંભારણાંનાં ફુલડાં ગુંથાતાં ગયાં ને એ ફુલગંથણીથી સર્જાતો ગયો સાહીત્યીક પત્રોનો ચંદનહાર ! બ્લૉગ ઉપર પ્રગટતાં ગયાં એ સંભારણાં ને વાતોના તડાકા. ઘણાંને આ લખાણો ગમ્યાં ને એમાંથી જ સર્જાયું “આથમણી કોરનો ઉજાસ” !!

*** *** ***

મારી લોકભારતીના જ વિદ્યાર્થીના નાતે મારા ગુરુભાઈ એવા દેશવિદેશ વચ્ચે શટલીયાની જેમ ફરતા રહેતા, અને વૈશ્વીક ગુજરાતીઓને ભાષાના માધ્યમથી સાંકળતા રહેતા, જાણીતા પુસ્તકવીતરક એવા શ્રી પ્રતાપભાઈ પંડ્યાના સહયોગથી ને મારા બહુ પુરાણા સંબંધી મીત્ર શ્રી બળવંતભાઈ જાનીના સંચાલનથી શરુ થયેલી એક અત્યંત ઉપયોગી સાહીત્યીક પ્રવૃત્તી એવી “ગ્રીડ્સ ડાયસ્પોરા ગ્રંથમાળા”એ અત્યાર સુધીમાં પ્રગટ કરેલાં પાંચ પુસ્તકોમાંની ત્રીજી પુસ્તીકા એટલે આ “આથમણી કોરનો ઉજાસ”. આ પુસ્તીકા એક દી ઓચીંતાં જ શ્રી બળવંતભાઈએ આપી ! દેવિકાબહેને વાત તો કરી જ રાખેલી એટલે રાહ તો હતી જ…..ને એમાં હાથોહાથ તે મેળવવાને બહાને જાનીભાઈને રુબરુ મળવાનુંય ગોઠવાઈ ગયું !

આજની મારી આ વાત એ બન્ને લેખીકાઓ તથા બન્ને મહાનુભાવોને અર્પણ !!

*** *** ***

શું છે આ આથમણી કોરની વાતોમાં ? કેમ એને એક બેઠકે વાંચી લેવાનો સમય કાઢી લેવો પડે છે ?! એવા સવાલોના જવાબો માટે તો પુસ્તકનાં પાનેપાને પ્રગટેલો સાડાચાર દાયકાના વીયોગ પછીનો મેળાપ જાત્તે જ વાંચવો રહ્યો !

મેં એ વાંચ્યો.

એમાં બે દેશોની વાતો છે; એમાં બન્ને દેશોમાં દુરદુર બેઠેલી બે બહેનોની પોતાના મુળ વતનની વાતો છે; સ્વદેશ અને વીદેશની અથવા કહો કે ભારતથી છુટીને એક વારના વીદેશને જ સ્વદેશ બનાવી બેઠેલી બે વ્યક્તીઓ દ્વારા થતી અનેક દેશોની વૈવીધ્યભરી આલંકારીક ભાષામાં થયેલી રજુઆતો છે; અનેક પ્રકારનાં વંચાયેલાં પુસ્તકોના અને કેટલાય લેખકોના (એમાં જુભૈ પણ આવી જાય !) સંદર્ભો છે; ભાષાની અનગીનત ખુબીઓ છે; પત્રોરુપી આયનામાં દેખાતી અને દેખાડાતી અવનવીન સામગ્રી છે; ઘરની, કુટુંબની, કૉલેજની અને થયેલા પ્રવાસોની પણ વાતો છે……

ટુંકમાં કહું તો બે હૈયાં વચ્ચે સ્ફુરી ગયેલાં બે ઝરણાંના ખળખળતા મધુરા જળપ્રવાહનો આ શાબ્દીક વીડીઓ છે !! એ વીડીઓની લીંક શક્ય નથી પણ ઝરણું ઉપલબ્ધ થવું શક્ય છે –

આ સરનામે :

પ્રકાશક પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.

દેવિકા ધ્રુવ : dddhruva1948@yahoo.com

નયના પટેલ : ninapatel147@hotmail.com

 

ભાઈ ત્રિકુ મકવાણાનો વાર્તાસંગ્રહ !

શ્રી ત્રિકુભાઈએ “વાત એક સ્ત્રીની” છપાવીને મને કહી છે ! ગઈ કાલે જ ટપાલમાં મને મળી.

સંગ્રહમાં કુલ ૧૫ વાર્તાઓ (નવલિકાઓ) છે. પ્રકાશન સ્ટોરી મિરર દ્વારા થયું છે અને કિંમત છે રુ. ૧૪૦/–.

સંગ્રહના આરંભે જ લેખકે પ્રસ્તાવનારુપે પોતાના વડવાઓના પરીચય ઉપરાંત વાર્તાઓની ટુંકનોંધ પણ આપી છે. આ કુટુંબપરિચય બહુ મજાનો છે. શબ્દેશબ્દે નીરક્ષરતાના વાતાવરણની વચ્ચેથી ફુટી નીકળેલા લેખનઝરણાંનો અનુભવ વાચકને થાય છે. એમાંય તે તદ્દન નીરક્ષર પીતાજીની હોંશ અને પીત્રાઈ કાકાઓની મદદથી લેખકને મળેલી તકોની વાત મનભર છે. સાવ નીરક્ષરતાની વચ્ચે એક બાળક–કીશોરવયનાને કેટલી મુંઝવણો થઈ હશે ને જ્યારે ભણવાની તો ખરી જ ઉપરાંત સર્જન કરવાની પણ તક મળી હશે ત્યારે તેને કેટલો ને કેવો આનંદ થયો હશે એ તો જેમને અનુભવ હોય તે જ કહી શકે !!

છઠ્ઠા ધોરણમાં અને અગીયાર જ વરસની ઉંમરે એમણે ફુલછાબમાં ચર્ચાપત્ર લખીને શ્રી ગણેશ કરેલા ! ચૌદમે વરસે તો એમણે કાવ્ય લખેલું !

પરંતુ ઘર–કુટુંબનું વાતાવરણ, ખાસ પરીસ્થીતીઓ તથા નોકરી વગેરેના સમયોમાં તેમનું લેખન લંગડાતું રહે છે. છેવટે નેટજગતમાં તેમની કલમ ખીલે છે. આજે એમનો આ પ્રથમ સંગ્રહ વાંચીને એમને થયો હશે તેવા પ્રકારનો આનંદ અનુભવતો હું એમને અભીનંદન આપું છું.

વાર્તાઓ મુખ્ત્વે સ્ત્રીની વેદનાઓને વાચા આપનારી છે. નાનપણમાં માતુશ્રીએ બાળકોને કહેલી વાર્તાઓ આ વાર્તાઓમાં નીમીત્ત બની છે. માતા દ્વારા પુત્રને મળેલો વારસો આજે કાગળ પર છપાઈને આપણી સમક્ષ આવે છે ત્યારે સાંજે વાળુ કરીને બાળકોની ટોળકીને રસતરબોળ કરી દેતી માની મુર્તી આપણી સમક્ષ ન ઉપસે તો જ નવાઈ !

આ બધી વાર્તાઓને નવલિકાના સ્વરુપની દૃષ્ટીએ જોતાં તેમાંનો કથારસ ધ્યાન ખેંચે છે. પ્રસંગો એક પછી એક પ્રગટતા જ રહે છે. ક્યારેક કથાના વહેણમાં પાત્રો ઝંખાતાંય લાગે તોય વાચકને ખેંચી રાખે છે. મોટાભાગની વાર્તાઓ કથન શૈલીમાં રજુ થઈ છે તેથી લેખક સીધા આપણી સમક્ષ પ્રગટતા રહે છે.

પરંતુ ખાસ તો પાત્રોના જીવનની એક ચીસ સંભળાયા વગર રહેતી નથી. વેદના આ વાર્તાઓનો પ્રધાન સુર છે. સમાજ સાથેનો ત્રિકુભાઈનો પ્રચ્છન્ન રહ્યો હોઈ શકે તે સંઘર્ષ, આ બધાં પાત્રો દ્વારા આપણી સમક્ષ પ્રગટે છે ને એને આ બધી વાર્તાઓની ફલશ્રુતીરુપ ગણવો જોઈએ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

એક વાત, નીમીત્ત મળ્યું છે તો કહેવા જેવી લાગે છે – (મારી આ વાતને પ્રસ્તુત વાર્તાસંગ્રહ સાથે સીધો કોઈ સંબંધ નથી તે જાણવું.)

નેટજગતમાં પ્રકાશનોનું કેટલુંક કામ થાય છે ત્યાં પ્રકાશકની જવાબદારી પુસ્તકના સ્વરુપ અંગે જાણે જણાતી નથી !! પુસ્તકના પ્રકારને ધ્યાનમાં રાખીને પેજીસની ગોઠવણી, પ્રકરણોની વ્યવસ્થા, જોડણી અને વાક્યરચનાની શુદ્ધી તથા એકંદરે ગુજરાતી માતૃભાષાની લેવાવી જોઈતી કાળજી ધ્યાનમાં લેવાતી ન હોય તેવી છાપ ઘણી જગ્યાએ જોવા મળે છે. ભાષા બાબત પ્રકાશકોની જવાબદારી જ  ન હોય તે પ્રકારે ભુલો જોવા મળે છે બલકે કેટલીક જગ્યાએ તો લેખક મોકલે તેમાં કોઈ જાતના ફેરફાર કરાયા વગર જ સીધું જાણે કે છાપી મારવાનું બનતું હોય તેવું લાગે !

મારે એક જગ્યાએ તો મારા પુસ્તક માટે ના પાડવી પડી હતી ! મેં નેટ પર મુકાયેલાં કેટલાંય પુસ્તકોમાં ફકરે ફકરે પારાવાર ભુલો જોઈ છે. ગુજરાતી ભાષાની કોઈ જ ચીંતા પ્રકાશનોમાં જોવા ન મળે ત્યારે એક નવી જ દીશામાં આપણે ઢસડાઈ રહ્યાં હોવાનો અનુભવ થાય છે.

 

 

 

શ્રેણી : ઝાડનાં પારખાં….(૨) “અજવાળાં ઉતારો આપણ દેશમાં”

પુસ્તક ખોલીને વંચાવતાં પહેલાં થોડુંક :

સને ૧૯૫૫માં લોકભારતીના અધ્યાપન મંદિરમાં ભણવા ગયો. પહેલાંનું ભણતર જુદે જુદે રહી અધૂરું મૂકી, વચ્ચે ત્રણ વર્ષ ખેતી કરી અને પછી લોકભારતીમાં ભણવાનું શરૂ કરેલું. નવી જ દુનિયા, નવું જ શિક્ષણ. મૂળશંકરભાઈની મમતા, નાનાદાદાનો પ્રેમ, મનુભાઈની પ્રેરણા અધ્યાપકોનો એકાત્મભાવ, પ્રાર્થના, પ્રાર્થનાનાં પ્રવચનો. માત્ર છ માસના નજીવા ગાળામાં ત્યાં રહેતાં રહેતાં અંત:ચક્ષુ ઊઘડ્યાં.

આગળ શિક્ષણનાં બારણાં ખૂલતાં દિશા ફંટાણી. કૉલેજજીવન શરૂ થયું. ખાદીનાં ચડ્ડી-શર્ટને બદલે મિલનાં પેન્ટશર્ટ શરૂ થયાં. વાત-પિત્ત-કફનું ભણતર અને સંસ્કૃત ગોખવાનું શરૂ થયું. પછીનાં બે વર્ષ વડોદરા અભ્યાસ કરવા ગયો, ત્યાં તો વિદ્યાર્થી-અધ્યાપકો વચ્ચે કાંઈ સંબંધો જ નહીં. ઊલટા ઝગડા. તેવે સમયે ‘જનરલ સેક્રેટરી’ તરીકે સફળ કામગીરી કરી. તેનો યશ લોકભારતીએ આપેલ અધ્યાપકો તરફની આદરની દૃષ્ટિને જાય છે.

લોકભારતીનો અધ્યાપક જેવું બોલે તેવું કરે, જેવું કરે તેવું જીવે – અહીં જુદું દેખાયું. કેટલાક અધ્યાપકો આયુર્વેદ બરાબર ભણાવે પણ તેમને ઘેર જઈએ તો દેખાય કે પ્રેક્ટિસ એલોપથીની ! મનમાં દ્વિધા થાય. આ શીખવે છે તો આમ, ને કરે છે જુદું. આ વાતાવરણે ચાર જ વર્ષમાં મારા કાચા મનને ફેરવી નાખ્યું.

મારા વતન મુજપુરમાં જ મેં દવાખાનું ગોઠવી પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી. ફરતાં ગામડાંમાં ક્યાંય ડૉક્ટર નહીં. હા એક સરકારી દવાખાનું મુજપુરમાં ચાલે, પણ તે ડૉક્ટર પણ શહેરમાં જવા તૈયારી કરી રહ્યા હતા. આમ કમાવાની ઊજળી તક હતી.

સવારે સાતથી દવાખાનું શરૂ કરું તે છેક સાંજે સાત સુધી. ઘડીનીય નવરાશ નહીં. એક જ લક્ષ્ય – કમાવાનું. જ્યાં કમાવા બેઠા ત્યાં પછી જોવાનું શું ? અજ્ઞાન પ્રજાનો પૂરેપૂરો લાભ લેવા માંડ્યો. જે આવ્યો તેને આંખો મીંચીને ઇંજેક્શન આપવા લાગ્યો ને ઇંજેક્શનના ભાવ ? જેવી ગરજ ૨, ૩, ૫, ૧૨, અરે ! ફાવે તેટલું ઝૂડવાનું. મારો એક મિત્ર ગુલાબહુસેન કહે :‘ચંદ્રકાન્ત, કંઈક શક્તિ વધે તેવું કર ને ?’ કહ્યું : ‘ગુલાબ, બાર રૂપિયા થશે.’ ‘અરે વશરામભાઈ ! આ તો મોતીની ભસ્મ. ખાઓ એટલે કોઈ રોગ ન રહે.’ લોકોને સમજાવવામાં મને ક્યાંય લોકભારતી ન નડી. ‘વિઝિટે લઈ જવો છે ? ઘોડો લાવ્યા છો ? તો જ આવું, નહીં તો ગાડું લાવો.’ આવું કહી કેટલાંય દર્દીઓનાં સગાંને હેરાન કર્યાં છે. કૉલેજે જાણે લોકભારતીના સંસ્કાર જ ભૂંસી નાખ્યા. હું માનવ મટી રાક્ષસ ડૉક્ટર બની ગયેલો.

હા, તે વખતે મુજપુરમાં મારા મિત્ર માનજી, ગોપાળજી, મંગળ રામી વગેરેનો સાથ લઈ એક છાત્રાલય શરૂ કર્યું હતું. ક્યારેક ત્યાં રાત પણ રહેતો ને ‘ચાલો આપણે અહીં સંસ્થા શરૂ કરીએ, તે દ્વારા ગામડાનું કામ કરીએ.’ એવી કલ્પના પણ કરતો. આમ સદાબહાર વાલિયાના મનમાં છાત્રાલયના કામરૂપે ક્યારેક વાલ્મીકિનાં દર્શન જરૂર થતાં. ચાર માસ આમ ચાલ્યું અને પાંચમાં માસની એક મેઘલી મધરાતે મારા જીવનમાં અજવાળાં પાથર્યા – ઉજાસ ભણી ચાલવાની શરૂઆત થઈ.

એક દિવસ જાણે કે નાનાદાદા સાથે પ્રત્યક્ષ સંવાદ થયો :

‘તું ? તું શું કરે છે તે તો તારી જાતને જ પૂછને ! વૈદ્ય થઈને વૈદક કરે છે પણ દેશી દવાને બદલે ઇંજેક્શનો જ ખોસવા માંડ્યો છે, લૂંટવા માંડ્યો છે, શું તું બરાબર કરે છે ?’

હું ગભરાતો હતો છતાં સ્વસ્થ રહી પૂછયું, ‘શું કરું દાદા ! કમાવું તો જોઈએ જ ને ?’

કમા, પણ ‘હા, આયુર્વેદનું કામ કરીને.’

‘કેવી રીતે ?’

‘જા, સુરેન્દ્રનગર જઈ, આયુર્વેદ દવાખાનામાં જોડાઈ જા !’

ભલે-ભલે દાદા. હજી ‘દાદા’ શબ્દ બોલું તે પહેલાં આકૃતિ ગાયબ. રૂમ હળવો થયો. હું ઊઠ્યો અને નીચે ઊતરી પુસ્તક લઈ વાંચવા બેઠો. મોડેથી સૂતો ને ઊઠ્યો. ગઈ કાલનો ચંદ્રકાન્ત – ‘ડૉક્ટર ચંદ્રકાન્ત’ ગુજરી ગયો. વૈદ્ય ચંદ્રકાન્તે વહેલી સવારે રાતની સ્મૃતિ – આદેશ મુજબ પહેરેલે કપડે જ સુરેન્દ્રનગર જવા વાટ પકડી.

મારા જીવનનો આ મોટો ચમત્કાર, નાનાદાદાની પ્રેરણાથી હું સુરેન્દ્રનગર તો આવેલો, પણ વૃત્તિ તો ચકાસવાની હતી; અને અહીં તો સીધો ઓર્ડર જ મળી ગયો. વિના-ઇન્ટરવ્યૂએ આમ હુકમ મળે તે ચમત્કાર નહીં તો બીજું શું? આમ અંધકારની ઊંડી ખાઈમાંથી ખેંચી મને યોગ્ય માર્ગે મૂકનાર એ ગુરુની ગુરુતાને ધન્ય છે.

(આ જ વ્યક્તિ ત્યાર બાદ ગામડાંની સેવામાં ખૂંચી જાય છે. ગ્રામસેવામાં જે જે તકલીફો પડી શકે તેટલી અનુભવે છે. સંઘર્ષ એટલે શું તે આ વ્યક્તિના જીવનમાં ડોકિયું કરતાં ખ્યાલ આવે છે…..સામે ચાલીને સ્વીકારેલી તકલીફો વચ્ચે પ્રસન્ન મને કામ શી રીતે થઈ શકે તેનો દાખલો આ કથા દ્વારા શ્રી ચન્દ્રકાન્તભાઈ બતાવે છે !!)

વધુ પરિચય તો તેમની આ પુસ્તિકામાંથી જ મેળવવો રહ્યો :

“અજવાળાં ઉતારો આપણ દેશમાં“

AJAVALAN UTARO AAPAN DESHMAN

દર્શકનો મહામુલો ગ્રંથ : “સદ્‌ભિઃ સંગઃ”

– શ્રી વિનોદભાઈ જોશી

સદ્‌ભિઃ સંગઃજાહેર જીવનની અનુભવકથા જ નહિ પણ એક મૂલ્યવાન ગ્રંથ

વર્તમાન અને આવનારી પેઢી સામે ઊભેલા અનેક પડકારો પૈકી મહત્ત્વના અને અનુપેક્ષ્ય ગણાય તેવા કેટલાકનું એક ચોક્કસ સમયસંદર્ભમાં પ્રવર્તેલું મૂલ્ય-આંદોલન અહીં સચ્ચાઈની ભોંય પર આલેખાયું  છે. આજની તારીખે પણ અનેક દિશાઓમાં આપણી સમજને  નીરક્ષીર વિવેકથી વિસ્તારી શકે તેવી ઊર્જાથી તે ભર્યુંભર્યું છે.

કોઈને આ ગ્રંથ તેના લેખક, શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ની આત્મકથા હોવાનો વ્હેમ જાય તો કોઈને આ એમની સ્મૃતિકથા હોવાનો ભ્રમ પણ થાય. લેખકે ગ્રંથના આરંભે સ્પષ્ટતા કરી દીધી છેઃ ‘આ આત્મકથા નથી. તે લખવી હોય તો મારાં વ્યક્તિગત મંથનો કેન્દ્રમાં રાખીને મારે વાતો લખવી પડે. મારું સાહિત્યિક જીવન, મારા સંસારજીવનના ભરતી-ઓટ, મારા અર્ધી દુનિયાના પ્રવાસો આમાં ક્યાં છે ? આ તો સંસ્થા અને તેની જોડે ચાલેલા જાહેરજીવનની કથા છે.’ એટલે, એમ કહેવાશે કે આ ગ્રંથ લેખકની અનુભવકથા છે. એવા કેટલાક અનુભવો તેમાં સંચિત છે, જે એમના જાહેરજીવનમાંથી ઉદ્‌ભવ્યા છે. પોતાની વાત મૂકતી વખતે  લેખકને આ અનુભવો સાથે જોડાયેલ વ્યક્તિઓ નજર સમક્ષ રહી છે. એટલે એમ કહેવાશે કે અહીં પોતાની અનુભવકથા આલેખતા લેખક બીજી રીતે તો પોતાનાં સંગી પાત્રોને સાથેસાથે ઉપસાવતા રહે છે. આ રીતે આખીયે વાત લેખકકેન્દ્રી હોવા છતાં તેની ગતિ કેન્દ્રોપસારી છે. લેખકની આસપાસ દેખાતાં પાત્રોને લેખક પોતાને કેન્દ્રમાંથી ખસેડ્યા વગર આપણા પરિચયમાં મૂકતા રહે છે. અને આમ અહીં આપણે લેખકના માધ્યમથી એમનો સદ્‌ભિઃ સંગઃ પામતા રહીએ છીએ.

આ ગ્રંથનાં ત્રણેક મુખ્ય પરિણામ છે. આમાં મુખ્યત્વે જેમનું આલેખન થયું  છે તે વ્યકિતઓ એક પરિણામ છે. લેખક જ ે જે મૂલ્યવાચી પ્રવૃત્તિઓ સાથે પોતાના સંવિદને ક્રિયા-પ્રતિક્રિયાઓથી ઘડતા રહ્યા છે તે  બીજું પરિણામ છે. અને ત્રીજું તે, અનુભવોની આ આખીયે ઘટનામાં લેખકનું ચિંતન જુદા જુદા સંદર્ભોમાં જે તારતમ્યલક્ષી દિશામાં ગતિ કરતું રહ્યું છે તે છે. આ ત્રણેને એકાંગી રીતે નહિ પણ તેમની સહોપસ્થિતિમાં જ જોઈ શકાય તે રીતની અહીં લખાવટ છે. ચારસો પૃષ્ઠ જેટલા વિસ્તારમાં લેખકનો પુરુષાર્થ જે રીતે ઘાટ પકડતો રહ્યો છે તેમાં કોઈ રસપ્રદ લલિતકૃતિ કરતાં લગીરે ઓછી નહિ તેવી સર્જકતા અને ગદ્યની રસાળતાનો આપણને પરિચય મળતો રહે છે.

આજે તો સમય બદલાઈ ચૂક્યો છે. મૂલ્યોની ઘણી ઊથલ-પાથલ થઈ ચૂકી  છે. તે છતાં  આમાંનો સામાયિક સંદર્ભ આપણને હજી આશ્વસ્ત કરે તેવો બળવાન છે તેવી શ્રદ્ધા ગ્રંથના વાચનને અંતે આપણા મનમાં સ્થિર થઈ જાય છે. મૂળે તો નાનાભાઈ ભટ્ટનો સહવાસ લેખકને કઈ રીતે જુદા જુદા સ્થિત્યંતરોમાં પોતાના વ્યક્તિત્વના અને સમજના ઘડતરમાં ખપ લાગતો ગયો તે વાતનો અહીં વિસ્તાર છે. ગ્રંથના આરંભે જ લેખક નાનાભાઈના સહવાસમાં સૌ પ્રથમ કઈ રીતે મૂકાયા તેનું આલેખન મળે છે. ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાના છાત્રાલયના ગૃહપતિ તરીકે નાનાભાઈએ સોંપેલું કામ કરવા જતાં લેખક નાનાભાઈના વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય મેળવતા જાય છે. મહાદેવ નામના બીજા એક ગૃહપતિ છાત્રાલયના વિદ્યાર્થીઓને સફાઈ ન થયા બાબતે ધમકાવતા હોય છે તે વખતે નાનાભાઈ એમને પોતાની પાસે બોલાવી મંગાવે છે, ને કહે છેઃ

‘મહાદેવ, તમે ગૃહપતિ છો, જમાદાર નથી… મેં તમને છાત્રાલયની સફાઈ કરાવવા રાખ્યા નથી, વિદ્યાર્થી આપમેળે છાત્રાલય સાફ કરતા થાય તે માટે રાખ્યા છે. છાત્રાલય તો પંદર રૂપરડી આપીને બાઈ પાસે હું સાફ કરાવી શકું. તમને પંચોતેર મળે છે તે છાત્રાલય સાફ રાખવાના નહિ, બાળકો છાત્રાલય સાફ રાખતાં શીખે તે માટે.’

લેખકની નજર સમક્ષ આ ઘટના બને છે અને તરત જ શિક્ષણ અને વહીવટ વચ્ચેનો ભેદ એમના દિમાગમાં સ્પષ્ટ થઈ જાય છે. તેઓ વિચારી લે  છે કે ડઝન પુસ્તકો વાંચીને પણ પોતે આ ભેદ પામી શક્યા ન  હોત.  સ્પષ્ટ છે કે નાનાભાઈની કાર્યપ્રણાલીઓને લેખક પ્રેરક અને મૂલ્યવાચી માનીને ચાલે છે. નાનાભાઈ એમને છાત્રાલયમાં બનતી રસોઈ વિદ્યાર્થીઓને પિરસાય તે પહેલાં ચાખી જોવાનું કામ સોંપે છે. રસોઈયો ગૌરીશંકર લેખકને એક વાર મજાકમાં કહી બેસે છેઃ ‘આ સારું, અરધું ખાવાનું તો આમ બારોબાર  થઈ જાય.’ લેખકને ગૌરીશંકરની વાતથી માઠું લાગે છે. તેઓ નાનાભાઈને વાત કરે છે. નાનાભાઈ એ જ ક્ષણે ગૌરીશંકરને છૂટા કરવાનો હુકમ કરે છે. આ થયું તે કોઈને ગમ્યું તો નહિ પણ નાનાભાઈનો જવાબ હતોઃ

‘આપણે શિક્ષણમાં સજામાં માનતા નથી. જો ગૌરીશંકર રસોઈ શીખવવાના વર્ગમાં આવ્યા હોત તો આવી દસ ભૂલો માફ કરત, પણ અહીં તો એ રસોઈવ્યવસ્થા જાણે છે તે દાવે કામ કરવા આવ્યા છે. તેનો તેને પગાર મળે છે. આ સજા નથી. તેની આ ઢબ મને પરવડતી નથી. ગૃહપતિ નાનો હોય કે નવો હોય તેથી તેનું અપમાન તે ન કરી શકે.’

નાનાભાઈની આ રીતે તત્કાળ  તર્કથી પરિસ્થિતિ વિષે લક્ષ્યગામી નિર્ણય લેવાની તાકાત લેખકને પ્રભાવિત કરતી રહે છે. એમના મનમાં નાનાભાઈએ પોતાના વિષે બીજા એક પ્રસંગે કહેલી વાત કોતરાઈ જાય છેઃ ‘હાથીના દંતશૂળ નીકળ્યા તે નીકળ્યા, પાછા ન જાય.’

નાનાભાઈ સાથે રહી શિક્ષણનાં મૂલ્યોનું ભાથું બાંધી રહેલા લેખક એમની પાસેથી ઉપનિષદો પણ શીખે છે. પોતાની સમજણ ભવિષ્યમાં  જે દિશામાં નિર્ણાયક બની રહી તેનો પાયો લેખકના ચિત્તમાં અહીં નખાયો તેવો લેખકનો સ્વીકાર આ ગ્રંથમાં ઘણી જગ્યાએ મળે  છે. પણ દક્ષિણામૂર્તિ  સંસ્થામાં એકાદ વર્ષે જ લેખકને લાગવા માંડે છે કે તેઓ એ સંસ્થાના પાણીનોે જીવ નહોતા. તેનું કારણ એ હતું કે લેખકનો ગૃહત્યાગ મૂળે તો સ્વરાજ લાવવાની હોંશમાંથી પ્રભવેલો હતો. અહીં રહીને એમની સમજ જરૂર વિશદ થઈ જાય પણ પોતે સેવેલો હેતુ બર આવે તે માટે લેખકને સ્થિત્યંતર આવશ્યક હતું. નાનાભાઈને તેઓ એક દિવસ કહી દે  છેઃ ‘તમને સૌને સરસ રસોઈ બનાવતાં આવડી પણ પીરસતાં ન આવડ્યું. ગામડાની પ્રજા સાચું ભારત છે, તેને માટેની આ કેળવણી નથી. હું ગામડામાં જવા ધારું છું.’

નાનાભાઈ લેખકની આ વાતને સમર્થન આપતાં પોતે જ ભાવનગર છોડી આંબલા જેવા નાનકડા ગામમાં ગ્રામદક્ષિણામૂર્તિ સ્થાપે છે. આ સ્થિત્યંતર સર્જાય તે દરમિયાન  વિજયાબેન પટેલ (જેઓ પછીથી લેખકનાં પત્ની બન્યાં) સાથેના પરિચય અને સ્નેહનો નાજુક તંતુ પણ અહીં વણાયો છે. ગાંધીજીની ઇચ્છા લેખક વિજયાબહેન સાથે  સેવાગ્રામમાં એમની સાથે રહી  કામ કરે તેવી હતી, પણ લેખક આંબલામાં નાનાભાઈ સાથે જ રહી જાય છે. ને ત્યાંથી છૂટા થવાનું પણ નાનાભાઈના કારણે જ એમને બને છે. રાજ્યના શિક્ષણાધિકારી ગજાનનભાઈ શાળાની તપાસ માટે આવે છે ત્યારે નાનાભાઈ બાળકોને ઇશારો કરી એમને નમસ્કાર કરવા સૂચવે છે. લેખકને આ બરાબર લાગતું નથી. જે રાજ્ય સારું હોવા છતાં આખરે બિનજવાબદાર છે, પ્રજાનું રાજ્ય નથી, તેના અધિકારીને આ રીતે માન આપવાના સંસ્કાર આપીએ તે સ્વરાજની દૃષ્ટિએ ઠીક ગણાય કે નહિ  તેવા પ્રશ્નથી લેખકનું  મન ઉચક થઈ જાય છે. પોતાને જે લાગ્યું તે તેઓ નાનાભાઈને નિખાલસભાવે જણાવે છે. નાનાભાઈ ટૂંકમાં જવાબ આપે છેઃ ‘તમારી વાત બરાબર છે. તમને મારી જોડે ન ફાવે તે સમજી શકાય  છે. તમે છૂટા થઈને જઈ શકો છો.’ લેખક સંસ્થા છોડે છે. પણ પછી કોઈ સમારંભ નિમિત્તે તેઓ આંબલા જાય છે અને પછી ત્યાં જ રોકાઈ જાય છે.

નાનાભાઈ સાથેનું લેખકનું આ આત્મીય અનુસંધાન વ્યક્તિનિષ્ઠ છે તેટલું જ મૂલ્યનિષ્ઠ પણ છે. ગ્રામદક્ષિણામૂર્તિમાં ચાલેલા શિક્ષણપ્રયોગનાં અનેકશઃ પરિણામોની વ્યાપ્તિ કેવા કેવા સંદર્ભમાં સાર્થક બનતી રહી તેનો અહીં વિસ્તૃત આલેખ મળે છે. ‘અમે ગામડામાં નિશાળ શરૂ કરી નહોતી, ગામડાની નિશાળ શરૂ કરી હતી’ એ મૂળભૂત સમજથી બંધાયેલો શૈક્ષણિક પ્રકલ્પ મૂલ્યોના પ્રકાશમાં સેવાયાની વાત અહીં વિસ્તારથી મળે છે. આ વાત માત્ર શાળેય  શિક્ષણના અર્થમાં મર્યાદિત ન રહેતાં  મનુષ્યની જીવનરીતિઓના અનુષંગે કેવી કેવી રીતે ઉપાદેયતા  ધરાવે છે તે પણ અહીં કહેવાતું આવ્યું છે. મુખ્યત્વે તો વ્યવહારજ્ઞાન સાથે શિક્ષણને વધુ જોડતા આયામો અહીં વિવિધ પ્રસંગોના આશ્રયે ખૂલતા ગયા છે. આ પ્રસંગો સાથેની નાની મોટી, જાણીતી અજાણી કે ઊંચો નીચો સામાજિક દરજ્જો ધરાવતી અનેક વ્યક્તિઓના  પરિચયમાં લેખક આપણને મૂકતા રહે છે. અને સરવાળે એ બધાના  સહવાસમાંથી જ એમને લાધેલાં સત્યોનું આકલન આપણી સમક્ષ રજૂ કરતા રહે છે. આપણને જેનો સાક્ષાત્કાર થાય છે તે વ્યક્તિઓનો તો ખરો જ પણ  સાથોસાથ લેખકે કરેલા સત્યશોધનનો પણ.

સાચી કેળવણી અંગેની પારદર્શી અને લક્ષ્યગામી મીમાંસા અહીં અત્યંત સાદી રીતે, કોઈને પણ ગળે ઊતરી જાય તેવી પદ્ધતિથી લેખક સંપડાવે છે. સ્વરાજઆંદોલન અને રાજકારણ વચ્ચે કોઈક તંતુ જોડાયેલો હોય તેમ  બની શકે. પણ કેળવણી અંગે લેખકની પ્રતીતિ આ રીતે સ્પષ્ટ થાય છેઃ ‘મેં હંમેશાં માન્યું છે કે કેળવણીના કામને રાજકારણ સાથે ભેળવવું ન જોઈએ. આવાં બીજાં ક્ષેત્રો પણ છે. કોઈ વીજળીઘરમાં  રાજકીય રીતે નિમણૂકો કરતું નથી. જેનું એ વિષયક જ્ઞાન સાબૂત હોય તો તેના ભરોસે જ કામ ચલાવાય છે.’ કેળવણીક્ષેત્રે પોતે ધારણ કરેલા નાનામોટા દરેક હોદ્દા વખતે લેખકનું વર્તન વિજ્ઞાન આ દૃષ્ટિબિન્દુથી પ્રભાવિત રહ્યું છે, તેના ધણા પ્રસંગો આમાં મળે છે.

૧૯૫૩માં સણોસરા ખાતે સ્થપાયેલ ‘લોકભારતી’ સંસ્થામાં અત્યાર સુધી કમાઈને ગાંઠે બાંધેલા અનુભવોનું રળતર લેખક પૂરેપૂરું વાપરે છે. ‘નઈ તાલીમ’ અહીં તેના શુદ્ધ અર્થમાં સાકાર થાય છે. ગ્રામપુનર્નિમાણ અને લોકોદ્ધારની પ્રવૃત્તિઓથી માંડી ગોપાલન અને લોક-વન ઘઉંના આવિષ્કાર જેવા વૈવિધ્યસભર પ્રયોગો અહીં થાય છે. અને તેનો વ્યાપક પ્રતિસાદ મળે છે. લંડન-ડેનમાર્કના પ્રવાસે કરીને લેખકને નાના વિકેન્દ્રિત સહકારી યંત્રોદ્યોગ ઊભા કરી સામાજિક ન્યાયની સ્થાપનામાં નવો રસ્તો શોધવાનો યત્ન આદરવાનું પ્રાપ્ત થયું. લોકભારતીની ઉષર ભૂમિમાં લેખકે પોતાના સંકલ્પનાં લીલાં રોપણ શક્ય બનાવવામાં નાનાભાઈનો સંગ હૈયે રાખ્યો. લેખકનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારના શિક્ષણપ્રયોગો વિદ્યાર્થીઓ પર લાદી દેવામાં આવે તો તે તેના મૂળગામી અર્થમાં સાર્થક ઠરે નહીં. તેઓ લખે છેઃ

‘આ બધા સંસ્કારો વિદ્યાર્થીની અભિમુખતા કેળવીને આપવાના છે. પરાણે આપી શકાશે નહીં. ઊંધા વાસણ પર ગમે તેટલો વરસાદ પડે તો પણ તે અંદરથી કોરું જ રહે છે.’

લોકભારતીના વિદ્યાર્થીઓ ત્યાં અપાતી કેળવણથી સાચા અર્થમાં  અભિમુખ હતા તે દર્શાવતો એક દાખલો પણ લેખક ટાંકે છેઃ

‘નવનિર્માણ આંદોલન વખતે અમારે ત્યાં હડતાલ પડી નહોતી. રોજિંદું કામ ચાલતું હતું. નવનિર્માણના કોઈ વિદ્યાર્થી આગેવાનોએ અમારા વિદ્યાર્થીઓને બંગડીઓ ભેટ મોકલી. અમારા વિદ્યાર્થીઓએ વિચાર કરીને  તેમને પ્રત્યુત્તરરૂપે ઘઉંની ડૂંડી ભેટ મોકલી.’

વિનોબા અને ભૂદાનપ્રવૃત્તિનો સંદર્ભ પણ વચ્ચે ઝબકી જાય છે, તો ઢેબરભાઈ અને એમની સરકારની વાત પણ આવતી રહે છે. ઢેબરભાઈની સરકારમાં શિક્ષણખાતું સંભાળતા લેખકે અંગ્રેજી વિષયને પાંચમાને બદલે આઠમા ધોરણથી ભણાવવાનું કર્યું તેમાં સ્વભાષાના શિક્ષણની વિશેષ સજ્જતાનો મુદ્દો તેઓેએ આગળ કર્યો છે. જયપ્રકાશ નારાયણ સાથેની એક વાતચીતમાંથી પ્રગટ થતો લેખકનો શિક્ષણવિચાર ધ્યાનાર્હ  છે. ‘જયપ્રકાશજીએ પ્રશ્ર કર્યોઃ તમને આપણા શિક્ષણની મુખ્ય ખામી કઈ લાગે છે ? મેં કહ્યુંઃ ‘ટૂંકમાં જ કહું, જે ઉત્પાદક છે તે નાગરિક નથી અને જે નાગરિક છે તે ઉત્પાદક નથી. સારા નાગરિક, ખરાબ ઉત્પાદકો, ખરાબ નાગરિક, સારા ઉત્પાદકો. આપણને જોઈએ છે ઉત્તમ ઉત્પાદકો, ઉત્તમ નાગરિકો.’

શિક્ષણના સંદર્ભમાં પ્રવર્તતું આ અસંતુલન નાગરિક અને ઉત્પાદક બેઉને હજુ આજે પણ સમાન કક્ષાના બનાવી શક્યું નથી. એટલું જ નહિ, તે બન્ને વચ્ચેનું અંતર પહેલાં કરતાં પણ વધતું રહ્યું છે. આજે તો લેખકનું આ નિરીક્ષણ આપણને વધુ  ધારવાળું અને ધ્યાનાર્હ લાગે તેવું છે.

ગ્રંથનો અંતભાગ અગાઉ માફક નાનાભાઈ સાથેના લેખકના પ્રગાઢ સહવાસનો છેડો પ્રત્યક્ષપણે ઉકેલતા રહેવાનું લગભગ છાંડે છે. પછી તો, જનતા સરકાર, મોરારજીભાઈ, સહકારી પ્રવૃત્તિઓ ઇત્યાદિ સંદર્ભમાં લેખકની શિક્ષણવિષયક વિભાવના અવાંતરે જ ક્યાંક પ્રગટે છે. લેખકે ગ્રંથારંભે કરેલી માંડણી અનેક સ્થિત્યંતરોમાં ફેલાઈ જાય છે. પણ તે સર્વમાંયે લેખક પોતાના ‘કમિટમેન્ટ’ને વળગી રહે છે. અને ન્યાયસંગત નિર્ણયાત્મકતાને જ તાકે છે. કદાચ શિક્ષણને પ્રત્યેક સ્તરે પોતાના દૃષ્ટિકોણથી જોવાની આમાં વ્યાપ્તિ હોય તેમ માની શકાય.

ગાંધી, માર્કસ, ટાગોરથી માંડી વિનોબા, જયપ્રકાશ, ઢેબરભાઈ, મોરારજીભાઈ, ઇન્દિરા ગાંધી કે લોકભારતીના વિદ્યાર્થીઓ દલસુખભાઈ, જયવંતસિંહ અને મનસુખ સલ્લા તેમજ સામાન્યમાં સામાન્ય કર્મચારી કે ગેમલ બહારવટિયા જેવાના વ્યકિતસંદર્ભો આ ગ્રંથમાં છે. એ બધાનો પ્રત્યક્ષ-પરોક્ષ સંગ લેખકે એમનામાંથી વિભૂતિમત્વ શોધવા માટે સેવ્યો છે. આ ખોજથી પોતાને લાધેલું આંતરદર્શન અને તન્નિમિત્તે બંઘાયેલી પોતાની વ્યકિતમત્તા પણ  અહીં લેખકનો આલેખનવિષય બની છે. તેમાં ક્યાંક આત્મગૌરવની છાંટ આવી જાય છે પણ એનેય પ્રામાણિક નિરૂપણ ગણવું ઘટે. એમ તો એક સ્થળે લેખક એવો નમ્ર સ્વીકાર પણ કરે છેઃ ‘હું તો નાનાભાઈ જેવું અંગ્રેજી પણ બોલી શકતો નહોતો, એમના જેવો બુદ્ધિવૈભવ પણ નહોતો.’

ગ્રંથની લખાવટ અત્યંત સરળ અને રોચક છે. પ્રસંગોનું તેમાં કોઈ લલિતકૃતિ જેટલું સહજ આલેખન થયું છે. ક્યારેક તોકોઈને સાવ અજાણ્યા લાગે તેવા પોતાની ભાષાને સહજ શબ્દો તેઓ અનવૃદ્ધ કલમે વાપરી લે છે. જેમ કેઃ

૦     ‘કીર્તિ મળે તો તેને માટે આવલાં મારવાનું ને સૂચનો કરવાનું મેં કર્યું નથી.’

૦     ‘અમારા વિદ્યાર્થીઓ મોળા નથી નીકળ્યા.’

૦     ‘વાસલ ખેતરમાં જેમ સારો પાક ચાલે તેમ બે વર્ષ પછી એ વધારે ઝડપથી શિક્ષણ લેશે.’દ્બક્યારેક વાતને કોઈ સાદૃશ્યની મદદથી હૃદયસ્પર્શી બનાવવાની પ્રયુક્તિઓ પણ લેખકે કરી છે. એકબે ઉદાહરણ નમૂના માટેઃ

૦     ‘પહેલે જ વરસાદે તળાવ છલોછલ ભરાઈ ગયું. જાણે પ્રસન્ન થયેલ દેવતાનું હિલોળા મારતું હૃદય.’

૦     ‘જાહેર સંસ્થાઓમાં ચોખ્ખા હિસાબો એ સ્ત્રીના શીલ જેવી વસ્તુ છે.’

આ ગ્રંથની મહત્તા વર્તમાન સમયસંદર્ભમાં, તેમાં મુકાયેલી મૂલ્યસામગ્રીની પ્રસ્તુતતાને કારણે વધી જાય છે. આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તે વ્યક્તિના વિભૂતિમત્ત્વ સુધી પહોંચવાની જરૂરત પર દાબ મૂકી દેનારો સમય છે. અહીં પ્રયોગલેખે જે થયું તે વર્ણવાયું છે. પણ તેમાં તે પ્રયોગનું સાર્વત્રિક વિસ્તરણ અભિપ્રેત છે. જે ચિંતવ્યું તે કર્યું. જે કર્યું તેનું પરિણામ સારું આવ્યું. તો તેવું વધુ કરવા માટેની પ્રોત્સાહક પીઠિકા આ ગ્રંથ રચી આપે છે. આ અર્થમાં  હું આ ગ્રંથને અનુભવકથાથી  વિશેષ તો મૂલ્યગ્રંથ કહેવા લલચાઉં છું.

સાહિત્યતત્ત્વની ભાષ્યકારોે આ ગ્રંથને રૂપવાદી જાળમાં ફસાવી તેમાં કોઈ ભાત રચાતી નથી તેવાં નિદાન પર આવે કે તેમાંથી ચિંતનના સૂર તારવી લલિતેતર મુદ્રા જોવાની બીજા કોઈ ચેષ્ટા કરે તો પણ, સહૃદયીઓને આ ગ્રંથ લગીરે  બિનસાહિત્યિક કે કંટાળાપ્રેરક લાગે તેવો નથી તેમાં જ તેના લેખકની સર્જકતાની ખરી ઓળખ પડેલી છે.

(સૌજન્ય : ‘કોડિયું’ )

 

નવાનદીસર પ્રાથમિક શાળાનું ઈ-મુખપત્ર “બાયોસ્કોપ“

નોંધ : શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એક પ્રેરણા આપનાર સમાચાર મોકલ્યા છે. તે બધું જ જેમનું તેમ રજુ કરું છું.

– જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

જ્યાં કરોડો ખરચતાં કશું નથી થતું; ત્યાં કશું થતું નથી..

અને જ્યાં કોઈને અપેક્ષાયે હોય ત્યાં જે થાય છે તેની

તો કલ્પનાયે કોણે કરી હોય !! તેની નોંધેય લેવાય શેની !

પણ સાવ ખુણાના ગ્રામીણ વીસ્તારમાં થતો આવો 

શીક્ષણયજ્ઞનો  પ્રયોગ, શીક્ષકો ને બાળકોનો ઉમંગ જોવા 

જેવો છે..

...…Surat.

—————————————————————————————————–

From: નવા નદીસર પ્રાથમિક શાળા આચાર્ય <nvndsr1975@gmail.com>

મિત્રો, અહીં મોકલેલ એટેચ ફાઈલમાં પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાની નવાનદીસર પ્રાથમિક શાળાનું મુખપત્ર અંક નંબર–84 છે, તેને ઓપન કરી આપ ગતમાસમાં અમારી શાળામાં થયેલ નવિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ જોઈ/જાણી શકો છો, 

તેને આધારે આપશ્રી આપના પ્રતિભાવો/સૂચનો અમને જરૂરથી આપજોજેથી અમે આપના સહિયારા પ્રયત્નથી ગુજરાતની આવનારી પેઢીનું વધુ સારું ઘડતર અને ચણતર કરી શકીએ!

શૈક્ષણિક મેગેઝીન એક સરકારી પ્રાથમિક શાળાએ અનુભવેલા સંવેદનોનો સંપુટ છે.  જો તમને યોગ્ય જણાય તો તમારા મિત્ર વર્તુળમાં તેને ફોરવર્ડ કરો !

https://mail.google.com/mail/u/0/?ui=2&ik=e50992c4a8&view=att&th=15b47de1c3441d40&attid=0.1&disp=inline&realattid=f_j17gy0gc0&safe=1&zw