અમારા મનુભાઈ (દર્શક)

– જુગલકીશોર

મનુભાઈ પંચોળી – દર્શક પાસે ચારેક વરસ ભણવાનું મળેલું. ૧૯૬૧–૬૨થી ૬૫–૬૬. શાપુર સર્વોદય આશ્રમ–લોકશાળામાં ૬ વરસ મેટ્રીક કરતાં સુધીમાં ત્યાંના પુસ્તકાલયમાં જેટલી હતી એટલી – લગભગ બધી નવલકથા–નવલીકાઓ વાંચી મારેલી ! પણ તોય દર્શક હજી આઘા હતા. લોકભારતીમાં એમની નવલકથાનીય પહેલાં એમને માણ્યા હતા. રાજનીતી ભણાવતા. પણ જુદાં જુદાં છ–સાત છાત્રાલયોમાંના કોઈ છાત્રાલયે ક્યારેક રાત પડ્યે પોગી જાય. “મનુભાય આવ્યા છે”ની વાત વાયરે વેતી થાય ને જેને ખબર પડે ઈ ઓલ્યા છાત્રાલયે પોગી જાય એમને સાંભળવા.

છાત્રાલયની વચ્ચોવચ એક મોટો ઓરડો રહેતો. કાં તો ત્યાં ને નહીં તો પછી બહાર આંગણામાં લાકડાનું મોટું ટેબલ મુકાઈ જાય ને બાપુ પલોંઠી વાળીને બેહે. એમની પલાંઠીમાં  પગ ઉપર પગ ચડેલો હોય, ને વાત જેમ જેમ જામતી જાય તેમ તેમ તેઓ ઉપરવાળા પગને તળીયે હાથની હથેળી ફેરવતા જાય, જાણે વાર્તારસનો સ્રોત ન્યાંકણે હોય !!

દરીયાના આછરેલા પાણીના નીલા રંગનો જ આંખોનો રંગ. ધારદાર ને ઘાટીલું નાક. વીશાળ કપાળ ને ઘુઘરીયાળા કેશ ! વાતું કરતા જાય ને ઝીણી આંખે બધાંને જોતાં જાય, પણ વીંધી નાખે તેવી તીણી નજર. (મેઘાણીભાઈ અંગે એમણે કરેલાં નીરીક્ષણોમાં વાચકને આ તીણી નજરનો સમુચો પરીચય થઈ જાય તેવાં એમનાં અર્થઘટનો.)

દરરોજ એક સો પાનાં વાંચીને જ સુવાનો વણલખ્યો નીયમ એમને ઢગલાબંધ પુસ્તકોમાં લઈ જાય છે. “મારી વાચનયાત્રા”માં એમણે જે પીરસ્યું છે તેય આ અગાધ વાચન આગળ પાણી ભરે.

અદોદળું શરીર. પેટ એમનું વરસમાં બે વાર તો જોવામળે જ. એક વાર હોળીના દીવસે (આ દીવસે એમને આખે શરીરે, ને ખાસ તો ફાંદા ઉપર ગારાના લેપ થયા હોય !)…..ને બીજું ટાણું લોકભારતીમાં પડેલો પહેલો વરસાદ ! પહેલો વરસાદ પડે એટલે ઓફિશ્યલી રજા ડીકલેર કરવાની નહીં; કોઈ પણ વીદ્યાર્થી સંસ્થાના મોટા બેલ (ઘંટ) પાસે જઈને સમણવા માંડે ને બેલ લાં….બો ચાલે એટલે વીદ્યાર્થીઓ તો હમજ્યા મારા ભૈ, કાર્યકરોય નીકળી પડે મોટા, મધ્ય ચોકમાં…..ને જેમ જેમ બધા ભેગા થાય તેમ તેમ પછી શરુમાં વરસતા વરસાદે રાસડા લેવાય ને પછી આખું રામણું ઉપડે ચારપાંચ કી.મી. દુર સાંઢીડા માદેવને રસ્તે ! ને આંયકણે મનુભાઈ ધોતીયાભેર કછોટો વાળીને દેખા દે !!

પણ વાત આટલેથી અટકાવે તો મનુભાય શેના. નદીના ધરાને કાંઠે એક ઝાડ. એની ઉપર યુવાનની જેમ ચડી જાય. (મને હંમેશાં બીક રહ્યા કરતી, પગ લસરશે તો નહીં ? ભીનું થયેલું ઝાડ ને એમનું શરીર ! પણ ના. એ તો ઉંચી ડાળ્યે જઈને ત્યાંથી ધુબાકો મારવા તૈયાર થાય. એને જાણકારો ધુબાકો કે’તા નથી; એ પલોંઠીયો કહેવાય. નીચે પાણીમાં પડતાં પહેલાં અધવચ્ચે જ પલોંઠી વાળી દેવાની, શરીર સહેજ વાળવાનું ને થાપાનો ભાગ પહેલો પડે તે રીતે ધુબાકવાનું….ને પછી જે પાણી ઉછળે એમાં નીયમ એવો હોય છે કે જ્યાંથી ધુબાકો માર્યો હોય એટલે ઉંચે પાણી ઉછળવું જોયેં !! પલોંઠીયાની તો જ સફળતા મનાય. મનુભાઈએ ઉછાળેલું પાણી અમે જોઈ રહીએ – એ ધુબાકાની સફળતા માણતા !!

ગુજરાતના ઉત્તમ નવલકથાકાર, સાવ દેશીજીવનના – સાચા સામાજીક માણસ, સર્વોદયીઓના આગેવાન – ગુરુ સમ નાનાભાઈ અને વિનોબાજીને પણ સમય આવ્યે સંભળાવી દ્યે – રાજનીતીમાં નોખો ચીલો પાડનારા અને…..અને…..જાણ્યે સાંભળ્યા જ કરીએ, એવા વક્તા ! (આરંભની ચુંટણીઓમાં દેશના કોઈ મોટા નેતાની સભા હતી ત્યારે લોકો હકડે ઠઠ ભેગા થયેલા. પછી થોડેક આઘે એકાદ તુટી ગયેલી દીવાલ જેવા ઓટલે બેસીને મનુભાઈએ પણ સભા ચાલુ કરેલી……એમની ચુંટણી સભા એટલે વાર્તાઓ, બોધકથાઓ અને સામાજીક આદર્શોનો સમન્વય ! કહેવાય છે કે પેલા નેતાની સભા ભાંગીને ભુક્કો થઈ જયેલી !)

આ મનુભાઈની વાતો તો ખુટાડી ખુટે નૈં એ રોખી છે. એકમાંથી બીજી ને એમાંથી ત્રીજી દોર નીકળતી જ જાય ! આપણે તો આજનો દી’ આંયાં જ અટકવીં !!

દુટલાભાઈ ચૌધરી

  1. એનું મુળ નામ દુટલાભાઈ. રજીસ્ટરમાં દિનકર ચૌધરી તરીકે એ નામે જ સૌ એને બોલાવતા. મારી સાથે જ મારા કૃષીવીભાગનો સહાધ્યાયી.

કસાયેલું નક્કર શરીર. હાથનાં બાવડાં કે પગની પીંડીઓ જોઈએ તો અચરજ થાય. તાકાત એવી કે શ્રમકાર્યમાં કદી થાક જ ન લાગે. વાને તદ્દન શ્યા. અંધારામાં ખરે જ ન દેખાય એમ કહી શકાય.

મનનો સાવ સીધો, અસ્સલ ભોળો આદીવાસી. કામથી કામ અને કરાવો તો જ વાતો કરે. પણ ક્યારેક મુડ ચડી જાય તો ધુણી ઉઠે એવું સહજ વ્યક્તીત્વ. મીત્રતા નીભાવી જાણે. મારા તરફથી ભાગ્યે જ કોઈ શરુઆત થઈ હશે પણ તેણે મને મીત્ર બનાવેલો. ભણવામાં હું આગળ પણ ક્યારેય ભણવાની બાબતે મદદ માગ્યાનું યાદ નથી. મારી કવીતાઓથી હું લોકભારતીમાં લોકપ્રીય થયેલો પણ દુટલાભાઈને કાવ્યરસ જરાય નહીં એટલે એ બહાનેય મીત્રતાનું કોઈ કારણ ન જડે ! બસ ફક્ત મીત્ર.

મને યાદ છે એક વાર ઉત્તરભારતના પ્રવાસે ગયેલા ત્યારે એણે વજન ઉંચકવાથી માંડીને સગવડો સાચવવા જેવી બાબતોમાં મને ખ્યાલ પણ ન આવે એ રીતે મદદ કર્યાં કરેલી. હરદ્વારમાં ગાડી બદલવાની હતી. બહુ વધુ સમય નહોતો ત્યારે મારી ઇચ્છાને જાણીને મારી સાથે ગંગાના કાંઠે મારી સાથે દોડતાં જઈને દોડતાં આવવામાં તૈયાર થયેલો. એ ન હોત તો હું ગાડીના સમયે પહોંચવાના ટુંકાગાળામાં ગંગામાતાનાં દર્શનની હીંમત કરી શક્યો ન હોત. એણે સાથે આવીને રાતના આઠ–નવ વાગ્યાના સુમારે દર્શન કરાવ્યાં હતાં. એ દૃષ્ય આજે પચાસ વરસેય યાદ છે.

એવી જ રીતે ઉત્તરભારતના કોઈ એક શહેરમાં અમે ગયેલા. ઉતારો નક્કી નહોતો. એક ધર્મશાળાની મંજુરી માટે ઓટલે બેઠા હતા. તેવામાં મારું ધ્યાન ધર્મશાળાના દાતાશ્રીઓની યાદી પર પડ્યું….રામચંન્દ્ર મોહતાજી નામ વાંચીને હું ચમક્યો ! મારા પીતાજીએ એમના પુસ્તકનો અનુવાદ કરેલો પણ મંજુરી બાકી હોઈ અટકેલું. મને થયું કે આમને મળી શકાય ખરું ? ધર્મશાળામાં પુછ્યું તો સરનામુંય મળી ગયું.

દુટલાભાઈ કહે, જુગલ, જવું છે ? મનમાં કીધું કે તું હાર્યે હોય તો જવાય ! દોડવામાં થાકી જાઉં તો મને આખો ઉપાડી લે તેવો આ જણ હાર્યે હોય તો જરુર જવાય જ. મેં હા કહીને સાથેના અધ્યાપક કાર્યકરની રજા લઈને અમે તો મુક્યા ખેંતાળા ! સીધા જઈને હવેલીએ ઉભા રહ્યા. મોહતાજીના કુટુંબી મહીલાએ સારી રીતે વાત કરી પણ ગુજરાતી અનુવાદની કોઈ અન્યને મંજુરી અપાયાની વાત સાંભળીને નીરાશ થયો…..

પણ દિનકરે આપેલી હીંમતે જ એ હવેલીનાં દર્શન કરીને મોહતાપરીવારને જોઈ શકાયાનું ગૌરવ લીધું…..

દિનકરની તાકાતનો પરચો શ્રમકાર્યમાં થયા કરે. કોઈ ન કરી શકે તેવાં તાકાતનાં કાર્યો એને સોંપાય. એને તો જાણે ડાબા હાથનો ખેલ ! ગૌશાળામાં દુધને સૅપરેટ કરવાનું હોય કે દુધના ફેટ કાઢવાના હોય ત્યારે મશીનને મશીનની તાકાતથી ફેરવામાં દુટલો નંબર વન ગણાય ! એવું તો ચક્કર ફેરવે કે લાગે મશીન ઉંધું ન પડે તો સારું !!

અમે ચાર વરસ સાથે ભણ્યા. આજે પચાસ વરસે એકદમ યાદ આવી ગયો એ ભેરુ. મને શરીરે નબળો જાણીને જ હશે, સદાય મારી સાથે રહેતો. ભાષાસાહીત્ય કે મનોરંજન કાર્યક્રમો કે બીજા અભ્યાસનાં કાર્યોમાં ક્યાંય જોવા ન મળે તે મહેનત કે જોખમનાં કામ હોય ત્યાં મારી સાથે હોય તેવું યાદ છે.

આ આદીવાસી છોકરો આજે ક્યાં હશે તે કોઈ જ ખબર નથી. પણ આ અરધી સદીનો ગાળો પણ એને ભુલાવી શક્યો નથી એ એનું સત્ત્વ એમ માનું છું. આવા મીત્રો કોઈ અગમ સંજોગોથી જ મળી જતા હશે એવું લાગ્યા વીના ન રહે.

કેટલાય આદીવાસી મીત્રો મારા લોકભારતી નીવાસ દરમ્યાન સાથે હતા. આ સૌ અંગે એક ઉંડી ભાવભરી સ્નેહ સરવાણી આજેય વહી રહ્યાંની અનુભુતી સાથે એ સૌ સાથે મારા દુટલાભાઈને સ્નેહયાદી !

‘માતૃભાષા’ સાઈટના સભ્ય શ્રી પ્રવીણ મકવાણાનું સન્માન !

એક નિષ્ઠાવંત શિક્ષકનું સન્માન

અમદાવાદ  મેનેજમેન્ટ  એસોસિયેશન  દ્વારા  શ્રેષ્ઠ  શિક્ષક  એવોર્ડ  2016 પ્રવીણભાઈ મકવાણા  પિસાવાડા  હાલમાં  મહુવા  આ કાર્યક્રમમાં  23-8-17 સાંજે  પાંચ વાગ્યે  એ. એમ. એ. અટીરા  એચ. ટી. પારેખ  હોલ વસ્ત્રાપુર.  સૌને કાર્યક્રમમાં પધારીને પ્રસંગને દીપાવવા માટે જાહેર નિમંત્રણ છે.

પરિચય :

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ગૌરવ કહી શકાય તેવા પ્રાથમિક શિક્ષક એટલે પ્રવીણભાઇ મકવાણા. તેઓ મહુવા તાલુકાના અંતરિયાળ અને અતિપછાત એવા આંગણકા ગામની પ્રાથમિક શાળામાં પૂરી નિષ્ઠા, ખંત, ઉત્સાહ, અને ભરપૂર વિદ્યાર્થીપ્રેમ પામેલા શિક્ષક અને આચાર્ય છે. પ્રવીણભાઇ શોષિતો, વંચિતો, અને દલિતોમા હામી છે. ખરા લોકશિક્ષક છે. આસપાસના વિદ્યાર્થીઓ-વાલીઓ-ગ્રામજનો માટે આરોગ્યલક્ષી અનેક કાર્યો કરી મદદ કરેલ છે. હૉસ્પિટલમાં દરદીને પહોંચાડીને સાજા થવાના સુધીના જીવંત ઉદાહરણો મેં જોયાં અને સાંભળ્યાં છે. તેમણે            આંગણકા શાળાના બાળકોને જવાહર નવોદય વિદ્યાલય, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, રાજ્ય-રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી, જેવી અનેક કસોટીઓ અપાવી બાળકોને ઉત્તીર્ણ પણ કરાવ્યાં છે.

ભાવનગર જિલ્લાની 33 (તેત્રીસ) શ્રેષ્ઠ શાળાઓ પૈકી મહુવા તાલુકામાં બીજા ક્રમે આવી શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ મળેલો છે. બોડા  શાળામાંથી આંગણકા શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ગયાં ત્યારે બોડા ગામના લોકોએ તેમને સન્માન પત્ર આપી રોકડ રકમ આપી વિદાય આપી. પ્રવીણભાઇએ આ ગ્રામજનોની લોકફાળાની રકમમાં પોતાની રકમ ઉમેરી બાળકો માટે શાળાને પરત આપી હતી. તેમના પ્રેરક પ્રસંગો અનેક લોકો માટે માર્ગદર્શક બન્યાં છે. મહુવા તાલુકા માટે શાળાને ઉપયોગી

‘કલરવ’ બાળગીતપોથીનું પણ સંપાદન કરેલ છે. કોઇ પણ સારી બાબતોને સ્વીકારીને તેમણે આગળ વધ્યાં છે. જ્યારે તાજેતરમાં જ તેમણે દીર્ઘકાળના મંથન, વાચન, અને ચયન પછી એક વિશિષ્ટ પુસ્તકનું તેઓ સંકલન કરી શક્યા છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, અને અન્ય સૌ કોઇ વાચકોને મનગમતું મળી રહેશે જ. માત્ર શિક્ષણ નહિ પણ જીવનલક્ષી વાતો પણ પ્રસંગોરૂપે છે. આ પુસ્તકમાં ગાંધીજી, ડૉ.રાજેન્દ્રપ્રસાદ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે.કૃષ્ણમૂર્તિ, ગિજુભાઇ બધેકા, સ્વામી વિવેકાનંદ, ગુણવંત શાહ, નાનાભાઇ ભટ્ટ, કાકાસાહેબ કાલેલકર, મનુભાઇ પંચોળી, ખલીલ જિબ્રાન, પ્ર. ત્રિવેદી, વિનોબા ભાવે, હેલન કેલર, માર્ટિન લ્યુથરકિંગ, મોરારિબાપુ, સ્વામી સચ્ચિદાનંદ, વગેરેના મૂલ્યવાન વિચારોનો રસથાળ તૈયાર થયો છે. આ સંપાદન માત્ર શિક્ષણને સ્પર્શતુ છે એવું નથી પણ જીવનોપયોગી વધું છે. નાનાભાઇ ભટ્ટની ‘ શિક્ષકની એબીસીડી’ એક નૂતન સંદેશ સમાજમાં પ્રસરાવે છે. પ્ર.ત્રિવેદી કહે છે કે “ શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરૂ થાય છે, જ્યારે બાળકનું નામ શિક્ષકના હ્રદયરૂપ રજિસ્ટરમાં નોંધાય છે. “આ પુસ્તક માટે મારે કહેવું હોય તો કહી શકાય કે “માણુ મોતી અને પાલી પરવાળા”

–––––––––––––––––––––––––––––––––––––––––––––

પ્રયોગકર્તા  પ્રવીણભાઈ કે મકવાણા

આંગણકા પ્રાથમિક શાળા, તાલુકો– મહુવાજિ– ભાવનગર

mo : 9428619809 / e-mail : pravinmakwana23@gmail.com

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રવીન્દ્ર અંધારિયાનાં સન્માન

નોંધ : મારા લોકભારતીય મીત્ર રવીન્દ્ર અંધારિયા હમણાં હમણાં ગુજરાતી સાહીત્ય પરીષદ અને ગુજરાતી સાહીત્ય અકાદમી બન્ને તરફથી સન્માન મેળવી ચુક્યા છે ! એમનાં એ સન્માનના ફોટા મૂકીને સંતોષ માનું છું. વીગતવાર માહીતી હવે પછી આપણે લઈશું…..લોકભારતીમાં એક જ વર્ષમાં અમે બન્ને સાથે હતા. તેમને આપણા સૌ તરફથી અભીનંદન પાઠવીએ….   ….  …. – જુ.

“રોમાંચક વિજ્ઞાનકથાઓ” પુસ્તકને મળેલું સાહિત્ય પરિષદનું ૨૦૧૪–૧૫નું બાળસાહિત્ય વિભાગનું નટવરલાલ માળવી પારિતોષિક

સન્માનની વીગતો સન્માનચીહ્નમાં જ જાણીએ–માણીએ >>>

અભીનંદન અને શુભેચ્છાઓ પ્રીય મીત્ર રવીન્દ્ર !!

મિહિર નામે એક જણ –

આજે એક અલગારીની રખડપટ્ટી અને આખરે તેણે પોતાને ગંતવ્યે પહોંચીને આદરેલી કામગીરી – એ બન્નેની વાત એક સાથે મુકી રહયો છું. મિહિર પાઠક એનું નામ. નાનપણથી જ એને શીક્ષણક્ષેત્રે કશુંક નવું કરવાની ધખના. ફોર્મલ એજ્યુકેશનમાં શક્ય તેટલા ફેરફારો કરીને ઘણે અંશે બુનીયાદીને મળતું આવે એવું માળખું ઉભું કરીને એમાં પ્રાણ રેડી દેવાની ઝંખના. આ માટે પોતાનું લગભગ સર્વસ્વ છોડવાની તૈયારી ! માતાપીતાનો તો સ્વાભાવીક જ રાજીપો ન હોય છતાં સૌને પોતાની વાત સમજાવતાં સમજાવતાં એક માર્ગ પકડ્યો છે. આરંભમાં જ મેં એમને શક્ય અંધારાંની વાત કરીને બીવડાવ્યો પણ હતો. પણ ‘મિહિર’ને તો પ્રકાશવાનું જ હોય; અંધારાની બીક એને ન હોય…..એના તરફથી મળતા રહેતા સંદેશાઓને આધારે મેં એને લખેલું :

“છેવટે તમે ધાર્યું કર્યું ! ખબર નથી કે તમારા માતાપીતાના સંદર્ભે મારી વાત કેવી ગણાય પરંતુ તમારું કામ બે રીતે મહત્ત્વનું છે. એક તો આ બુનીયાદીને મળતી પદ્ધતી નવેસરથી અપનાવવા-પ્રચારવા જેવી છે અને બીજું કે તમે કુટુંબનો વીરોધ છતાં કામ હાથ પર લીધું છે. આ બન્ને બાબતોને કારણે તમારી પીઠ (અંદરખાને મારો પણ વીરોધ, તમારા કુટુંબના સંદર્ભે હોવા છતાં) થપથપાવવી જોઇએ…..

શ્રી દર્શકે પણ કુટુંબને એમની જરુર હતી ત્યારે જ ચળવળમાં ભાગ લેવાનું કરેલું ને વિવેકાનંદનું પણ એમ જ થયેલું.

તમારા કાર્યને ટેકો આપવા ઉપરાંત ત્યાંનાં બાળકોને ધન્યવાદ અને ગામના વહીવટકારોનો આભાર પણ માનું છું. તમને ખુબ ખુબ અભીનંદન. હું તમારું આ નાનકડું લખાણ બ્લૉગ ઉપર મુકીશ.”

એમનો જવાબ આવેલો. એ પોતાના નીર્ણયે મક્કમ.

આજે અહીં એમનો પોતાનો, એમણે જ આપેલો પરીચય કે જે સહૃદયીઓને સંબોધીને છે તે મુકવાનો આનંદ છે…..તો બીજી એક લેખ–કડી તેમના વીચારો દર્શાવે છે.

બન્નેને મારા વાચકો માણે ને નાણે ને સાથે સાથે મિહિરને શક્ય તે તે રીતે પ્રમાણે તે લોભે રજુ કરું છું. આશા છે કે સૌને ટીપ્પણી દ્વારા ને સીધા જ એમનો સંપર્ક કરીને આ કાર્યને મુલવવા ઈચ્છા જાગશે. – જુ.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

કેમ છો મિત્રો ?

કોઈ આજે 9થી 5ની નોકરીમાંથી એક દિવસની શાંતિ મેળવીને આરામ ફર્માવતા હશે, કોઈ પોતાના ફેમેલી સાથે તો કોઈ મિત્રો સાથે ‘વીકએન્ડ’ ગાળવા કોઈ હિલસ્ટેશન કે રિસોર્ટ માં હશે, કેટલાક નસીબદાર લોકો તો આજે પણ ઓફીસનું કામ કરતા હશે :) અને હા, કોઈક મારા જેવા પણ હશે જે સાવ અલગ દુનિયામાં રજા, વિકેન્ડ, ફેમેલી, પ્રમોશન, રાશન, સંબધો, જવાબદારીઓ, દુનિયાદારીથી ખુબ દૂર… અલબત્ત અનોખા રસ, સમર્પણ અને કમિટમેન્ટ સાથે બેઠા હશે.

હું અહીંયા ધરમપુરના ડુંગરોમાં આદિવાસી બાળકો સાથે કામ કરું છું. અહીંયાં હું 6થી 8 વર્ષનાં બાળકો કઇ રીતના શીખે છે તે એક્સપ્લોર કરી રહ્યો છું. અહીંયાં પહેલા ધોરણનો કલાસ એટલે કોઈ “ચલ બેસી જા”, “એકડા લખી કાઢ”, “કક્કો ઘૂંટી કાઢ” એવું નહીં. બાળકની ઉંમર પ્રમાણે તેના શારીરિક, બૌધિક, ઈમોશનલ વિકાસની તરેહ પ્રમાણેની પ્રવૃત્તિઓ અહીં છે, જેમાં બાળકને સ્વતંત્રતા, પ્રેમ, હુંફ, પ્રોત્સાહન આપવામાં આવે છે. ભાષા અને ગણિત શીખવવા માટે સંશોધિત પદ્ધતિઓ વાપરવામાં આવે છે. અહીં બાળકો શિક્ષકના ખભે ચઢી જાય, સાથે ગીતો ગાય, વાર્તાઓ થાય, તળાવવમાં નાહવા પણ જાય અને તારા જોવાય તે..

મિત્રો હું કોલેજ છોડીને, મારા મમ્મી – પપ્પાનું દિલ દુભાવીને આ જંગલમાં રહેવા આવ્યો છું. જ્યાં કોઈક વાર લાઈટ ન હોય, પાણીની તકલીફ તો કોઈ વાર સાપ – વીંછી. અહીં આવ્યો ત્યારે છ મહિના સુધી તો પપ્પા વાત જ ન કરે :(

અહીંયાં બધા શિક્ષકો પણ આવી નવી પદ્ધતિને સહકાર ન આપે. બાળકો ક્લાસમાં દોડતાં હોય, કૂદતાં હોય એ આ જૂનવાણી શિક્ષકોને ક્યાંથી ગમે ? અને આ જુવાનિયાની મજાક ઉડાડવાની તો મજા પણ પડે.

મિત્રો, હું અત્યારે એવા સ્ટેજ પર છું કે તમારા બધા પ્રેમની ખૂબ જરૂર છે. મને અને મારા કામને સમજી શકે એવા ખૂબ ઓછા લોકો છે. મારે એવી કોમ્યુનિટીની જરૂર છે જે જજ ન કરે. મારી વાત સાંભળે. તેઓ મારા ઇમોશનને અને હું તેમના ઇમોશનને સમજુ. સાથે મળી ‘અંદરની ખોજ યાત્રા’ માં આગળ વધીએ..

ભલે તમે શિક્ષણ કે બાળકો સાથે સંકળાયેલા ન હોવ, ભલે તમે મને મળ્યા ન હો તેમ છતાં એક માણસને એક નવી ઉર્જાની, પ્રેમની અને હુંફની જરૂર છે. તમે જ્યાં હોવ ત્યાંથી મારા સુધી પહોંચાડશો એ જ અભ્યર્થના.

કોઈને થોડા કે વધુ દિવસો માટે અહીં કુદરતના ખોળે રહેવા આવવું હોય, બાળકો સાથે કામ કરવું હોય તો મોસ્ટ વેલકમ :)

– મિહિર પાઠક

મોબાઈલ : 09537068736 / વોટ્સએપ : 8401683131 / mihirism1995@gmail.com

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

એક પિતા કહશે,

“બારમી તારીખે મારી દીકરીને પેલી યુસીમેથ્સની એક્ઝામ આપવા જવાનું છે. એટલે રજા મુકવી પડશે.”

હાયર મિડલ ક્લાસ પરિવારોથી માંડી  મિડલ ક્લાસ પરિવારો માં પણ અત્યારે આમ કુમળાં બાળકોને ‘મેન્ટલ મેથ’ના કલાસમાં મોકલી; 4 ડિઝિટ અને 6 ડિઝિટના આંકડાના સરવાળા – બાદબાકી કરતાં જોઈ, સર્ટિફિકેટ મેળવી હરખાતા થવાનો ટ્રેન્ડ ચાલ્યો છે.

મિત્રો, એક વાત સાવ ચોખ્ખી અને ચટ છે : એરથમેટિક (સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર) એ ‘ગણિત’ એટલે કે મેથેમેટિક્સનો એક ભાગ છે સંપૂર્ણ ગણિત નહીં. નાની ઉંમરમાં ફક્ત ઝડપી ગુણાકાર કે સરવાળા આવડી જવાથી તમારાં બાળકો ગણિતના માસ્ટર થઇ જશે એવું બિલકુલ નથી. ગણિત લોજીક્સ, રિઝનિંગ, અંદાજો, સાબિતીઓ અને ધારણાઓ પર ટકેલું છે. કેલક્યુલક્સ, ટ્રીગોનોમેટ્રિ, જિયોમેટ્રી ખુબ ઊંડા શાસ્ત્ર છે.

મેન્ટલ મેથ એક એલગોરીધમ છે, જેમ કોમ્પુટર પ્રોગ્રામ કરીએ એમ મગજને પ્રોગ્રામ કરવાની ટ્રીક છે. 8 – 9 વર્ષનાં બાળકોને મેન્ટલ મેથ માં ‘મેન્ટલ’ બનાવવા મોકલવાને બદલે ડેવલેપમેન્ટલી અપ્રોક્રિએટ પ્રવૃતિઓ કરાવવી જોઈએ. બાળક પ્રશ્નો પૂછતો થાય, નવા લોજીક શોધતો થાય, આકારો – આકૃતિઓ સાથે મથતો થાય, વ્યવહારમાં આવતા ગણિત સાથે નાતો જોડતો થાય એવા એક્સપોઝર આપવા જોઈએ. હવે તો IIT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ એરિથમેટિક પર ખૂબ ઓછો ભાર અપાય છે. બાળકને આ ઉંમરે આ મેન્ટલ મેથ તેમના કોગ્નેટિવ ડેવલપમેન્ટ માટે ઘણા ખરા અંશે હાનિકારક છે. ફક્ત દેખા – દેખી કે ફેન્સી માટે બાળકના ખરા વિકાસને અવરોધશો નહીં.

મિત્રો, શાળામાં ભણાવાતો દરેક વિષય સીધે સીધો આપણા જીવનમાં વપરાય તે જરૂરી નથી. આ વિષયો તેનું કોન્ટેન્ટ આપણા ઓવરઓલ ડેવલોપમેન્ટ માટેના સ્ટિમ્યુલેશન છે. જેમકે વિજ્ઞાન ‘અવલોકન શક્તિ’, ‘તર્કશક્તિ’, કાર્યકારણ સિદ્ધાન્ત વગેરે ક્ષમતાઓની ખીલવણી માટે શીખવું જોઈએ એવી જ રીતે ભાષા, ગણિત, સમાજ શાસ્ત્ર દરેકના ચોક્ક્સ હેતુ છે. આ તો આપણી શિક્ષણ વ્યવસ્થાના ભોગે બાળકો સાથે બધું પહોંચતું નથી. વાલીઓ જાગૃત થાય અને પોતાના બાળકના ‘લર્નિંગ’ની જવાબદારી પોતે સ્વીકારે તો ઘણું બધું શક્ય છે. ફક્ત કલાસીસની ફી ભરી છૂટી નથી જવાનું..

શું આપણે આપણા બાળક માટે થોડો સમય ન કાઢી શકીએ ? બાળકો સાથે શું પ્રવૃત્તિ કરવી કેવી રીતે કરવું એ બધા માર્ગદર્શન માટેના ઘણા રસ્તા નીકળશે. આવો આપણાં બાળકોના ખરા વિકાસ માટે થોડો સમય કાઢીએ.

#learnlabs