“અમારી લોકભારતી” : નજરે જુઓ ને સાંભળો…

આજે ફક્ત એક વીડિયો – મારી લોકભારતીના આછા પરિચયનો.

જુઓ અને જણાવો, કેવું લાગ્યું ?

 

મારી લોકભારતીનો આછેરો પરિચયઃ
https://youtu.be/T6SDNwJ0Z1I. ચાલો આજે આપણી માતૃ સંસથા લોક ભારતીને વાગોળીએ.

YOUTUBE.COM
This is the society which is belongs to Shree Nanabhai Bhatt’s thoughts.

 

વગડાઉ ફુલો પર સાત્ત્વીક ફળોને પ્રગટાવતી સંસ્થા !!

(પ્રીય વાચક !

આજે એક એવી કથા સંભળાવવી છે જેમાં ભારોભાર જીવનસંજીવની ભરી પડ્યાનો અનુભવ કરી શકાય. આજના આ સમયમાં તો કેવળ કલ્પનાવ્યાપાર જેવી વાત લાગે તે વાત મારા જેવાએ તો જાત અનુભવે માણી છે…..તેનું એક પ્રકરણ બે ભાગમાં મુકવા માગું છું.

પૈસા માટે દર દર ભટકીને કીશોરાવસ્થા ભોગવીને જીવનનો કપરો કાળ અનુભવી ચુકેલો એક ગ્રામીણ વીધાનસભાને ત્રણ ત્રણ વાર ગજવી ચુક્યો હતો !

માનવમાં રહેલી અસલી તાકાતને શોધીને બહાર લાવનારા નાનાભાઈ, મૂળશંકરભાઈ, દર્શક મનુભાઈ વગેરેની વાતો તો આ બ્લૉગ પર ઘણી થઈ છે પણ આજે તો એવા એક પ્રચંડ વ્યક્તીત્વની વાત મુકવી છે જેણે આ ગુરુજનોનો ખોળો ખુંદીને શીક્ષણજગતની તાકાતનો પરચો બતાવ્યો છે. આશા છે તમને ગમશે. 

– જુ.)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

વગડાઉ ફૂલ

હું આમ તો એક વગડાઉ ફૂલ છું. પંચાળની કંટકવરણી ભોમકામાં મારો જન્મ થયો છે. નાનકડા નેસડા જેવું અડળા ગામ મારી જનમભોમકા. ધજાળા સાથેની લાગણીની લેણ-દેણ તો હજી હમણાં જ શરૂ થઈ. એ પહેલાં તો “ખડ, પાણી ને ખાખરા, ધરતી લાંપડિયાળ,   વાળુ કરે એ પડ જુઓ પાંચાળ”ની એ વેરાન ધરતીમાં જ આળોટી-આથડી મોટો થયો છું. સંકટો જેને કોઠે પડી ગયાં છે એવાં અનેકો વચ્ચે જીવતરનાં ગુલાબી દિવસો ગુજાર્યા છે. ગામની એ આછી-પાતળી જમીન પર મેં ઢોર ચાર્યાં છે, અવાવરુ ડુંગરગાળા અને નદી-નાળાંનાં મીઠાં સંભારણાં ખોઈ વાળીને ભેગાં કર્યાં છે. આછી જમીનને ખેડી-ખૂંદી વરસ પણ પહોંચે નહીં તેટલા દાણા મેળવવા મથામણ કરી છે. અંધારી રાતે જીવજંતુનો ડર રાખ્યા વિના પાણી વાળ્યું છે. છાણ-વાસીદાં કર્યાં છે. દુષ્કાળના દિવસોમાં ગામ છોડી શહેરની ગલીઓમાં લારીઓ ખેંચી છે, સ્ટેશન પર મજૂર બની મજૂરી કરી છે. શેરીએ શેરીએ માથે બોઘરણું મૂકી દૂધ વેચ્યું છે. સસ્તા અનાજનું સડેલું-બગડેલું અનાજ ખાઈ નોકરી કરી છે. જિનપ્રેસની કાળજાતૂટ મજૂરીએ સખત પરિશ્રમની દીક્ષા આપી છે. આમ પાંખી વસ્તીવાળા નિર્જન નેસડાથી માંડીને સગવડ ભરેલા શહેર સુધીના અનેક અનુભવોએ મારું ઘડતર કર્યું છે.

        પાંચાળની કોળી કોમનું ઓઢણું ઓછું. એવા એક કબીલામાં મારો ઉછેર થયો છે. અમારા પૂર્વજો ચોર હતા, રંજાડી હતા, માંસાહારી હતા. મેં પણ નાનપણમાં માંસાહાર કરેલો, બીડી પીધેલી, મારામારી કરેલી. તેરચૌદ વરસની ઉંમર સુધી મને દાતણ કરવાનું પણ ભાન નહોતું. પણ દુષ્કાળના ધક્કાએ, શહેરના સહવાસે અને પિતાની અધૂરી રહેલી અબળખાએ મને એકડા-બગડા ઘૂંટતો કર્યો. 

        મારાં મા-બાપ ગરવા સ્વભાવનાં હતાં. મા તો મારા મનનું એક સ્વપ્નું બની ગઈ છે. પડછંદ ખમીરવંતી દેહયષ્ટી, ધઉં વરણો વાત્સલ્યસભર ચહેરો, જમીન પર છબ્યાં ન છબ્યાં પગલાં માંડતી ઉતાવળી ચાલ, અમારા સુખ માટે દુઃખ વેઠતી એ અમ્માના હૈયામાંથી ગજવેલના રણકા સમો આત્મવિશ્વાસનો રણકો જ નીકળતો. કોઈ દિવસ એના મોંમાંથી હીણું વેણ નીકળ્યું નથી. હરપળે દોડી દોડી કામ કરતી મા જ મારી આંખ સામે તરે છે. મારી મા, એ સાચે જ મારી મા હતી.

        પિતા ઋજુ સ્વભાવના હતા પણ અડીખમ પુરુષાર્થનું જીવંત પ્રતીક હતા. અનેકવિધ આવડત એમનાં આંગળાંમાંથી નીતરતી. ખેતી તો અમારો જન્મજાત ધંધો હતો; પણ જિન-પ્રેસનાં કામો, દોરડાં ભાંગવાના-ગૂંથવાના ઉદ્યોગો, ચણતરકામ, પશુપાલન, સામાન ઊંચકવો-ગોઠવવો વગેરે કામોમાં તેમની આગવી હથરોટી. આ કારણે જ અમે આછું-પાતળું કામ મેળવી જિંદગીના વસમા દિવસો આસાનીથી વિતાવી શકતા.

અમારા દાદાએ પિતાજીને ધાંધલપુર ભણવા મોકલેલા, પણ જિંદગીના લેખાજોખામાં એ અધૂરું જ રહ્યું. પણ તેઓના મનની અતૃપ્ત ઝંખનાએ અમારા અભ્યાસ માટે ચિંતા સેવી. મારા બે ભાઈઓ દુકાળ ઊતરવા જોરાવરનગર ગયા ત્યારે શાળાએ બેસારી એમનાં અધૂરાં અરમાન પૂરાં કર્યાં. હું તો પિતા સાથે કુટુંબના નિર્વાહની જવાબદારીમાં જોડાયો હતો. પિતાજીને માસિક રૂપિયા આઠ અને મને રૂપિયા બેનો પગાર મળતો. દસ રૂપિયામાં અમારું જીવન સુખેથી વીતતું. એ જમાનો સોંઘવારીનો હતો. પંજાબનો બોર જેવો બાજરો ત્યારે બે રૂપિયે મણ મળતો. અમારાં મા-બાપ બંને માયાળુ અને સંતોષી સ્વભાવનાં હતાં. પ્રામાણિકતા ને પુરુષાર્થ એનાં જીવતરની મહત્ત્વની મૂડી હતાં. અમને વારસામાં આ જ મળ્યું છે. બીજી સ્થૂળ મિલકત તો ૧૯૩૯ના ભીષણ દુષ્કાળના ખપ્પરમાં ખરચાઈ ચૂકી હતી. ખેતી એમ જ ગઈ, બળદ પાણીના મૂલે વેચ્યા, ગાયો મહાજનમાં મૂકી અને પોટલામાં ઉપાડી શકાય તેટલી માયા-મૂડી સાથે મધરાતના બે વાગ્યે ઠંડીથી ધ્રૂજતા ઉઘાડા પગે ચાર ગાઉનો પંથ કાપી સુદામડા જવા રવાના થયાં. ત્યાંથી જોરાવરનગર ગયાં. જિંદગીમાં શહેરનું દર્શન પહેલવહેલાં કર્યું અને ત્યાંથી જ જીવનને નવો માર્ગ મળ્યો; નવી દિશા સાંપડી.

જીવનના આ નવા વળાંકે એક દિવસ હું મજૂરીની શોધમાં ખાદીભંડારના બારણે આવી ઊભો. ખાદીભંડારનું સંચાલન કરતા શ્રી કાંતિભાઈ શાહ એક ઉમદા પરગજુ માણસ હતા. સાદા અને સ્વચ્છ ખાદીનાં કપડાંમાં શોભતા એ સજ્જનની સાદાઈ અને સચ્ચાઈ મનને સ્પર્શી જાય તેવી હતી. ખાદીભંડારમાં તેમની સાથે કામ કરતાં કરતાં તેઓએ મારા શિક્ષણની ચિંતા કરી. મને અનુકૂળતાએ સમય કાઢી ભણાવવાનું શરૂ કર્યું. તેમની અથાક મહેનત છતાં મારી અક્ષરજ્ઞાનની પ્રગતિ સંતોષજનક ન બની; કારણ આગલા દિવસે શીખવેલ બીજે દિવસે ભુલાઈ જતું. મારામાં સાચું કહું તો સ્મરણશક્તિ કરતાં વિસ્મરણશક્તિ વધારે હતી. છેવટે તેઓએ મને આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું. મારામાં મરતા વાંકે જીવતા આત્મવિશ્વાસને બેઠો કર્યો. રોજનું પેટિયું રળવાની ઉપાધિમાં આથડતાને આત્મા કે પરમાત્મામાં વિશ્વાસ કયાંથી હોય ! ભિક્ષુજી પાસેથી મને આ ભાથું મળ્યું. અને મને અક્ષરજ્ઞાનના અજવાળે નવી દુનિયાનાં દર્શન થયાં. બે ચોપડી જેટલું હું એમની પાસેથી મહામહેનતે પામ્યો.

એ અરસામાં મને એક એવા સજ્જનનો સથવારો મળ્યો કે જેણે મને દ્વિજત્વ અપાવવામાં બહુ મદદ કરી. એમનું નામ છે મુરબ્બી શ્રી ભગવાનભાઈ પંડ્યા. હમણાં જ એ બુઝર્ગને મળવાનું થયું. હૃદયથી નમસ્કાર કરી પાવન થયો. આ ઉંમરે પણ તેઓ અતૂટ ગાંધીભક્તિની રટણા જ કરે છે. વર્ષો પહેલાંના તેમની સાથેના સહવાસનાં સંસ્મરણોમાં સ્નાન કરી પરિશુદ્ધ થયા જેટલો આનંદ મળ્યો હતો.

મુ. શ્રી ભગવાનભાઈના આગ્રહથી હું બહુ મોટી ઉંમરે હરિજન સેવક સંઘ સંચાલિત હરિજનશાળામાં સંકોચ સાથે દાખલ થયો. ત્રીજું અને ચોથું ધોરણ હું ત્યાં ભણ્યો, પણ અવારનવાર રાતના તેઓશ્રી સાથે આશ્રમમાં રહેતો. તેમની વાતોમાં રસ પડતો. મારી મોટી ઉંમર ને શરમાળ પ્રકૃત્તિ જોઈ તેઓએ મને આગળ અભ્યાસ માટે બે સંસ્થાનાં નામ આપ્યાં. તેમાં એક હતી વેડછી સંસ્થા અને બીજી હતી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા સંસ્થા. વેડછીમાં ખાદીકામ દ્વારા શિક્ષણ આપવામાં આવતું અને આંબલામાં ખેતી મારફત કેળવણીનું કામ ચાલતું. ખાદીભંડારના અનુભવે ખાદી કરતાં ખેતીમાં જવાનું મને વધારે ગમ્યું. અને ૧૯૪૩ના જૂનની ત્રીજી તારીખે મુ. શ્રી ભગવાનજીભાઈના સથવારે નાનકડો બિસ્ત્રો ઉપાડી હું વઢવાણ સ્ટેશને આવ્યો.

મને હજીયે એ દૃશ્ય આંખ સામે તરવરે છે. મારાં માતા-પિતા અમને વળાવવા આવ્યાં હતાં. પિતાજીના ચહેરા પર પુત્રવિયોગની વિહ્વળતા એટલી નહોતી ઊપસતી જેટલી માની આંખોમાંથી  ઝરતાં બોર બોર જેવડાં બિન્દુઓમાં ટપકતી હતી. થોડી થોડી વારે ડૂસકાંને દબાવતી, મસ્તકને પંપાળતી બોલતી હતી : “દીકરા કરમશી ! તું અહીં રહી જેટલું ભણાય તેટલું ભણ પણ આપણે બહારગામ નથી જવું.” માના આ શબ્દોમાં પુત્રવિયોગની વેદના હતી તે તો પાછળથી ખબર પડી.

ગાડી આવી, ગાડીમાં બેસવાનો જીવતરનો આ પહેલો અનુભવ. થર્ડ ક્લાસના ડબ્બામાં સામાન ગોઠવાયો, પિતાએ હિંમત આપી શિખામણના બે શબ્દો કહ્યા. એ ઘડી જ એવી હતી કે જ્યારે શબ્દો પણ એ વખતની પળોને પ્રગટ કરવામાં ટૂંકા પડતા હતા, ટાંચા જણાતા હતા. ખરી રીતે તો એ વખતે શબ્દોની જરૂર જ નહોતી. મા સાડલાના છેડાને દાંત વચ્ચે દાબી ડૂસકાં દબાવી આખરી વિદાય આપતી હતી; દીકરાને ઊજળા ભવિષ્યની આશિષ આપતો માનો હાથ ગાડીએ વળાંક લીધો ત્યાં સુધી હું જોઈ રહ્યો. મને ત્યારે ખબર નહોતી કે માની આ આખરી વિદાય છે. અમારું એ છેવટનું મિલન હતું. માને ગરીબાઈ ગળી ગઈ. માની એ મધુર સ્મૃતિઓએ મને આજ સુધી મારા જીવતરમાં કામોમાં બળ પૂર્યું છે. (વધુ આવતા અંકે)

આકાશવાણીના નાટ્યકાર શ્રી ભગવત સુથાર

પ્રાસ્તાવીક :

શ્રી ભગવતભાઈનો પરીચય ઓચીંતાં જ થયેલો. ફોન પર વાત થયા બાદ તેમણે મને એમનો એક લઘુકથા સંગ્રહ ‘પ્રતિચ્છવિ’ મોકલી આપેલો. એ મુજબ બ્લૉગ પર એમનો પરીચય પણ કરાવાયો હતો. ને ત્યાર બાદ તો સમય સારો એવો વીતી ગયો……

તા. ૧૩, ૦૭, ૨૦૧૩ના એમના એ પત્ર બાદ સંપર્ક તુટી ગયેલો. પણ કોણ જાણે કેમ, બરાબર ત્રણ વરસના ગાળા બાદ, બરાબર એ જ તારીખે એટલે કે ગઈ કાલે મને એમનો પત્ર ફાઈલમાંથી ઓચીતાંનો જ મળી આવતાં મેં એમના ઘરે ફોન કર્યો !! પણ…….

કલ્પના પણ ન આવે તેવી વાત ફોન પર સાંભળીને હું થોડો મુંઝાઈ ગયો – તેઓ ગઈ ૨૩મી તારીખે, એટલે કે બરાબર ૨૦ દીવસ પહેલાં જ સૌને છોડીને ચીર વીદાય લઈ ચુક્યા હતા !!!

એમના જેવા સફળ સર્જક અને વીશેષ તો ઉમદા માનવને અંજલી આપવાનું રહ્યું તે વાતે સંકોચ અને દુ:ખભર્યા ભાવ સહીત એમની કેટલીક રચનાઓ મારા બ્લૉગ પરથી પ્રગટ કરવાનો એક ઉપક્રમ ગોઠવીને મારા વાચકો સમક્ષ એમને પ્રગટ કરી રહ્યો છું. આશા છે, સૌને એમનાં સર્જનોનો થોડોકેય લાભ આ રીતે મળશે.

એમના પરીવારજનોના દુખમાં ભાગીદાર થવાના પ્રયત્ન સાથે એમના આત્માને શાંતી પ્રાર્થીએ.

********************

પરીચય :

Bhagwat Suthar

શ્રી ભગવત સુથારનું નામ આકાશવાણીનાં નાટકો સાથે જોડાયેલું રહ્યું છે. શાળાસમયથી જ નાટકો અને મનોરંજન કાર્યક્રમોમાં ભાગ લઈને શાળાને નામ અપાવનાર શ્રી સુથાર સાહેબે કૉલેજમાં પણ અધ્યાપક તરીકે યુનીવર્સીટી કક્ષાની નાટ્યહરીફાઈઓમાં કૉલેજને અગ્રસ્થાન અપાવ્યું હતું.

એમણે કહેલી એક મજાની વાતને વ્યાવસાયિક સંદર્ભે જોઈએ તો એમના બાપુજી વ્યવસાયે મીસ્ત્રી એટલે આજુબાજુનાં ગામોમાં નાટકમંડળીઓ આવે ત્યારે નાટ્યમંચ તૈયાર કરવામાં તેમનો મુખ્ય હાથ હોય અને મીસ્ત્રીના છોકરા તરીકે પહેલી હરોળમાં બેસવા સ્થાન પણ મળે ! નાનપણથી મળેલો નાટ્યરસ પોષવામાં આ બાબતે પણ ભાગ ભજવેલો !

યુનીવર્સીટી આયોજીત નાટ્યશીબીરમાં જ એમનો સંપર્ક નાટ્યવીદ્, કવી–મર્મી અને આકાશવાણી નાટ્યવીભાગના વડા શ્રી પિનાકિન ઠાકોર સાથે થયો ને તેણે શ્રી સુથાર સાહેબને ઘણી મોટી જવાબદારીઓમાં ભાગીદાર બનાવ્યા…..અને એમ જ એક બહુ મોટું ને મુલ્યવાન કાર્ય તેમને સોંપવામાં આવેલું. આબુનાં દેલવાડાનાં દહેરાંનાં શીલ્પોમાંની કલાત્મક મુર્તીઓનું દર્શન કરાવવાની સાથે સાથે નાટ્યરુપે પણ તે બધું ભજવાતું જાય તેવી આકાશવાણીની યોજના માટે એક નાટ્યકૃતી તૈયાર કરવાનું આમંત્રણ તેમને મળ્યું !!

પ્રથમ નાટક “બે આંખ” લખાયું. ઠાકોર સાહેબના ધન્યવાદની સાથે જ કાયમી ધોરણે નાટકો લખતાં રહેવાનું ઈજન પણ મળ્યું ને એમ આ યાત્રા ચાલી હતી !

“અમારો સૂર્ય”, “નાટક એક, નાટક બે”, “અમે દોસ્તો” વગેરે અનેક વાર પુરસ્કૃત થયાં છે. જ્યારે પાંચ, પંદર, ત્રીસ અને સાઈઠ મીનીટનાં નાટકો તો આકાશવાણી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને મુંબઈથી અવારનવાર પ્રસારીત થયાં છે જ્યારે એમનું એકાંકી “સાચું સગપણ” તો વીસેક વાર પ્રગટ થયું હતું !!

પારીતોષીકો તેમને –  ફુલવાડી, ભગિની સમાજ – ખેતવાડી, મુંબઈ, લોકલહરી નડીયાદ, ધૂમકેતુ પારીતોષીક (નવચેતન), શબ્દસૃષ્ટિ, જીઈબી જેતપુર, ગુજ. સમાચાર, રાજબુક્સ અમદાવાદ તથા આકાશવાણી વગેરે તરફથી મળતાં રહ્યાં છે.

સર્જનો : કાહેકો મનવા ! (નવલકથા), એક એ પળ (વાર્તાસંગ્રહ),

બાલસાહીત્ય : વીર નર્મદ, નાનો ગોપાલ, દેખ્યું દેખ્યું, વીર બાળક, બીલાડીનો ઘંટ, આપણે સૌ, દાનનું પુણ્ય, મહાન ઘડિયાળી વગેરે…..

––––––––––––––––––––––––––

હવે એમની એક લઘુકથા પણ માણીએ ! :

પ્રતિચ્છવિ

– ભગવત સુથાર

 

તેણે લાલ રંગ હાથમાં લઈ દીવાલ પર મોટું કુંડાળું દોર્યું. આખુંયે કુંડાળું લાલ રંગથી ભરી દીધું. લાલ રંગ નીચે મૂકીને તેણે કાળો રંગ લીધો.

પેલા લાલ કુંડાળાની વચ્ચે કાળું ટપકું કરીને લખ્યું : ‘દાદાની આંખ.’

તેણે સફાળા પાછળ ફરીને જોયું….. કદાચ દાદા જોઈ ગયા તો નથી ને ! તેને દાદાએ વારંવાર આપેલી ધમકી યાદ આવી ગઈ, ‘મૂર્ખા ! બે કાન વચ્ચે જ માથું કરી દઈશ…..’ પણ હવે તો બીક ક્યાં હતી !

કારણ કે દાદાને ઉપાડીને લઈ જતાં જોતાં જ તેણે બાને પૂછેલું તો બા કહે, ‘બાબા, દાદા તો ભગવાનને ઘેર ગયા….’

તેણે ફરીથી પેલા કુંડાળા તરફ જોયું. તેને મનમાં થયું, “પોતે પણ એક દિવસ દાદા બનશે….” માથે પાઘડી ખોસશે, હાથમાં લાકડી લઈને, વાંકો વળી ચાલશે, મોંમાંથી ગંદાં ચોગઠાં કાઢીને પાછાં ગોઠવી દેશે. બાળકો જો આમ દીવાલ બગાડશે તો તેમને ધમકાવતાં કહેશે….‘મૂર્ખા ! બે કાન વચ્ચે માથું કરી નાખીશ.’

વળી એણે લાલ રંગ લઈને બીજું કુંડાળું કર્યું. તેમાં લાલ રંગ ભર્યો ને વચ્ચોવચ કાળું ટપકું બનાવ્યું…..ને લખ્યું…..

‘મારી આંખ.’

––––––––––––––––––––––––––––––––––––––

 

 

 

 

 

સીદ્ધાંતના દોસ્ત સુનીલભાઈનો ગઝલસંગ્રહ ‘પાંખોની દોસ્તી’

સુનીલ શાહ. સાયન્સના શીક્ષક ને પછી નીવૃત્તી સુધીના એ જ શાળાના આચાર્ય; રૅશનલીઝમના સક્રીય પ્રચારક અને “ચલો ચમત્કાર કરીએ”, “વીવેક–વલ્લભ” તથા “રૅશનલીઝમ” એ ત્રણ પુસ્તકોના લેખક–સંપાદક.

શાળાનાં કાર્યો માટેના સન્માનરુપ ઍવૉર્ડને પણ “મારી સફળતા કાંઈ મારા એકલાની  ન હોય; વળી પગાર તો લીધો જ હતો ને, તો સન્માન શાનું ?!” એમ કહીને ન સ્વીકારનાર આ પ્રીન્સીપલી વ્યક્તીનો પરીચય આપવાનો ઉત્સાહ રહે જ.

એમાંય તે પાછા કવીજીવ ! સુંદર ગઝલોના સર્જક. ને વળી મારા જેવાના એકાદ વાક્ય માત્રથી સખત અને સતત મહેનતપુર્વક ગઝલના છંદો અંગે તૈયારી કરવાની ધગશવાળા સુનીલભાઈ – આમ પાછા અમારા જોડણીસુધારના ભેરુય ખરા !

એમનો પ્રથમ ગઝલસંગ્રહ “પાંખોની દોસ્તી” ટપાલમાં મળતાં જ જાણે કે મનેય પાંખો ફુટી – આટલું આ લખવા માટે !

એમને અભીનંદન અને હવે નીવૃત્તીસમયે કાવ્યજગતમાં વ્યાપી વળવા સર્વ પ્રકારે શુભેચ્છા સાથે એમની એક રચના પણ અહીં મુકીને મારો આનંદ વ્યક્ત કરું.

 

થયું જે ભલે એ અચાનક થયું છે,

અમારુંય કોઈ ચાહક થયું છે !

ન નક્કી હતું કંઈ, વીચારેલું પણ નહીં,

છતાં એને મળવાનું સાર્થક થયું છે.

બધાની સમાવી શકે લાગણીઓ,

હૃદય એટલું, દોસ્ત ! વ્યાપક થયું છે.

હકીકતની સાથે પરણવું છે એને,

હવે સપનું ઉંમરને લાયક થયું છે.

સતત તુટતા પ્હાડ જોયા છે એણે,

ઝરણ બ્હાવરું ને અવાચક થયું છે.

– સુનીલ શાહ.

કોચરબ : કૅમેરાની આંખે.

અવારનવાર અહીં આવવાનું બને છે.

વ્યવસ્થાપક શ્રી રમેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન નીચે, આ જગ્યા શહેરની સાવ મધ્યમાં, આટલા ઘોંઘાટ વચ્ચે હોઈ શકે તેવા સવાલના જવાબરુપે દીવાલની પેલી તરફના ધમધમાટથી સાવ વીપરીત એવી શાંતી પ્રસરાવતી અનુભવવા મળે છે. બાવીસમીની સભામાં વેબગુર્જરીના સભ્યરુપે અહીં આવવાનું થતાં કેટલીક ક્લીક કરી તો આ સૌંદર્ય સમક્ષ થયું, જે મારા વાચકમીત્રોના લાભાર્થે પ્રગટ કરું છું.

વેબગુર્જરીનો કાર્યક્રમ હોઈ અહેવાલ તથા સભાની તસવીરો તો આપણે વેગુનાં પાને જ માણીશું, આજકાલમાં જ…..ત્યાં સુધી સભાના હાજર સભ્ય તરીકે લીધેલી તસવીરો આજે.                                                                                                                         – જુગલકીશોર.

WP_20151121_16_02_04_Pro(4)

WP_20151121_16_03_34_Pro

WP_20151121_16_02_12_Pro

WP_20151121_16_02_23_Pro

WP_20151121_16_02_33_Pro

WP_20151121_16_03_46_Pro

WP_20151121_16_03_58_Pro

આભાર, કોચરબ સત્યાગ્રહ આશ્રમના સંચાલકોનો તથા ગુજરાત વીદ્યાપીઠનો.