ગાંધીજયંતીએ : ‘મોટાભાઈ’

વનમાળીભાઈ                                                                                                – જુગલકીશોર.

અજાણ્યું નામ સાંભળીને જે તે વ્યક્તીને ઓળખવાની શક્તી કે સમજણ આવે તે પહેલાંનો સમય એટલે બે–અઢી વરસથી પાંચ–છ વરસ સુધીના સમયગાળામાં અવારનવાર જે નામ કાને પડતું રહેલું તે ‘ગાંધીજી’ શબ્દનો પ્રથમ ઘોષ મારે કાને પાડનાર વનમાળીભાઈ વ્યાસ એટલે ભાવનગર જીલ્લાના ધોળા જંકશન પાસેના ગામ ઉજળવાવના ગાંધી. (ગાંધી એ કોઈ વ્યક્તી નહીં પણ એક એવો વીચાર જે આચરણમાં મુકાતો હોય તો જ તેનું મુલ્ય ગણાય. એટલે આવા આચરણી વીચારકો પ્રદેશના, જીલ્લાના, તાલુકાના કે ગામના ગાંધી કહેવાતા.)…પણ ‘ગામ પુરતા’ જ નહીં એવા વનમાળીભાઈ જીલ્લા કક્ષાએ આદરભર્યું નામ હતા. મારા સગા ફૈબાના દીકરા તરીકે ભાઈ, ને પ્રદેશમાં પણ ‘મોટાભાઈ’ તરીકે જ સંબોધાતા રહેલા તેથી અમારે તે રીતે પણ મોટાભાઈથી જ બોલાવવાના રહેતા.

મારા બાપુજી ઉમરાળાની હવેલીના મુખીયાજી. પ્રખર બુદ્ધીવાન ગણાતા. મામાભાણેજને બહુ બનતું. એક જ્ઞાનમાર્ગી ને બીજા કર્મમાર્ગી. મારા બાપુજી મામા તરીકે વનમાળીભાઈના આદરણીય તો ખરા જ પણ ‘મામી’નું નર્યું ભક્તીસભર જીવન વનમાળીભાઈને મારા બા–બાપુજીની બહુ નજીક લાવનાર તત્ત્વ હતું. કર્મ–જ્ઞાન–ભક્તીનો આ ત્રીકોણ ઉમરાળામાં જાણીતો ને માનીતો હતો. (રાષ્ટ્રીય લડતના અનુસંધાને મોટાભાઈ ઉમરાળામાં જ રહેતા.) બાપુજી ચુસ્ત વૈષ્ણવ. બા તો વળી એમનાથીય ચાર ચાસણી ચડે. ઘરમાં લસણ–ડુંગળીની વાસ પણ ન પ્રવેશે. નહાયા વીના મંદીરપ્રવેશ પણ બાધ્ય ગણાતો. બહારની વસ્તુ ખાવા પર લગભગ પ્રતીબંધ.

મામાભાણેજ વચ્ચેના સંબંધોમાં મામા આદરણીય ખરા, પણ પ્રભાવ વનમાળીભાઈનો જ હશે, નહીંતર ચુસ્ત વૈષ્ણવી પરીપાટી છોડીને બાપા (પીતાજીને સૌ બાપા કહેતા) મોટાભાઈના માર્ગે શી રીતે ચાલી શકે ?! અમે ઉમરાળા છોડ્યું, ને રંઘોળા ગયા ત્યારે (મારી છ–સાતથી બાર વરસની ઉંમર)બાપાએ મંદીરમાં હરીજન–પ્રવેશમાં સાથ આપેલો તે પણ શી રીતે શક્ય બને ? આસપાસનાં ગામોમાં વીદ્વાન ગણાતા બાપાનું આ સુધારાવાદી વલણ બહુ અસરકારક નીવડેલું. ભાણેજે મામા પર એવી અસર જમાવેલી. (લસણ–ડુંગળી પ્રતીબંધ વગેરે ખરું પણ વૈષ્ણવી વ્યવહારો વખતેય જ્ઞાતી–જાતીબાધ બાપાએ રાખ્યો નહીં જ હોય, નહીંતર મારા જીવનના સૌથી પ્રથમ – ત્રણેક વરસની ઉંમરે મળેલા –ભાઈબંધોમાં ગફારની ભાઈબંધી શી રીતે શક્ય બની હોત ? હલુમાને ઘેર મારું અવારનવાર જવાનું સાવ સહજ હતું.)

સાવ નાની, પાંચેક વરસની અણસમજુ ઉંમરે પાટી–પેન સાથેની થેલી ‘દફતર’ લઈને જતાં આવતાં રસ્તામાં જ વનમાળીભાઈનું ઘર આવે. ગામમાં આઝાદીની લડત વખતના કેટલાક વીરોધી સુરવાળાઓનાં સંતાનો ઘરમાંથી જ શીખતા હશે, કોને ખબર, પણ મોટાભાઈના ઘર પાસે જોરથી ‘ગાંધી તૉલૉ’ એવી રાડ પાડતા ! સૌરાષ્ટ્રમાં એ અને ઓના ઉચ્ચારો બહુ પહોળા થતા હોય છે. બોડીયામાથાળા ગાંધીજીનો તોલો એમના અનુયાયીઓને ખીજવવા માટેનું હથીયાર હતું ! ઘરમાંના વાતાવરણને લીધે બાળકો મોટાભાઈના ઘર પાસે ક્યારેક આ શબ્દપ્રયોગ બુલંદસ્વરે કરતા ત્યારે ઉપરથી ‘કોણ છે એ ?!’નો ઠપકાભર્યો પણ મીઠો પ્રતીઘોષ થતો ને છોકરાઓ આઘાપાછા થઈ જતા. એક વખત તો મનેય, યાદ છે ત્યાં સુધી ગાંધીતૉલૉ કહેવાનું, ગોઠીયાઓની ભેરે રહીને મન થયેલું ! ધીરે રહીને મેંય તે શબ્દપ્રયોગ કરી દીધેલો. મોટાભાઈનો પ્રતીભાવ શું હતો તે યાદ નથી.

પણ ગાંધી શબ્દને ગળથુથીમાં પીવડાવનારા એ મોટાભાઈ મારા આજ સુધીના માર્ગદર્શક બની રહ્યા. શાહપુર લોકશાળાનો છ વરસનો (છઠ્ઠા ધોરણથી મેટ્રીક) અભ્યાસ, લોકભારતીમાં સ્નાતકનો અને છેલ્લે ગુજરાત વીદ્યાપીઠનો અનુસ્નાતકનો સમયગાળો મારો બુનીયાદી રંગે રંગાયલી શીક્ષણસંસ્થાઓમાં વીત્યો તે સર–આંખો પર પરંતુ ગાંધીશબ્દામૃત તો મોટાભાઈનું જે પાયેલું હતું તે જ બળુંકું બની રહ્યું.

આજે ઓચીંતાં જ, આ ગાંધીજન્મદીને તેમની તીવ્ર યાદ લખવા મજબુર કરી ગઈ.

મોટાભાઈને કોઈ સંતાન નહીં. ગીરીજાભાભી તીખા ને ભલભલાને મોંઢે સંભળાવી દેનારાં પણ માયાળુ તો એવા કે કોઈ કાંઈ માગે તો વીના સંકોચે આપી દે. છેલ્લે છેલ્લે તો ગરીબીની ભીંસ વખતેય નાનીમોટી ઘરવખરી માગે તેમને આપી દીધેલી ! ગામડાનું મકાન પોતાના કુટુંબીજનોને આપવાને બદલે જીવનભર સેવા કરનાર પછીતે જ વસતા ખેડુ યુવાનને નાખી દેવાના ભાવે આપી દીધેલું. મોટાભાઈને પાછલી ઉંમરે સ્વાતંત્ર્ય સેનાનીને મળતું પેન્શન રુ. ૧૦૦ મળતું થયેલું. એ અપાવવામાં સ્વામી આનંદ અને ભાવનગરના આદરણીય શ્રી પ્રસન્નવદન મહેતાના અથાક પ્રયત્નોનો બહુ મોટો ફાળો. નહીંતર ‘અજાચક વ્રત’ લેનારા આ સંતનું પાછલું જીવન દર્દનાક બની રહેત……

હાથપગ ચાલ્યા ત્યાં સુધી તેમણે કોઈનીય સેવા ન લીધી. ઈડરની કૉલેજનું વ્યાખ્યાતા પદ છોડીને મારે સમોડા ગ્રામવીદ્યાપીઠમાં જોડાવાનું થયું ત્યારે મોટાભાઈને મદદની તાતી જરુર હતી. મારા સતત આગ્રહ પછી તેમણે મારી સાથે ગાંધીયન વાતાવરણવાળી સંસ્થામાં રહેવા તૈયારી બતાવેલી. અમે એ સેવાની તકે ઘેલા થયેલા. બધું જ નક્કી હતું…….તેવામાં એમનું પોસ્ટકાર્ડ આવ્યું. ભાઈ જુગલ, તારા આગ્રહને વશ ત્યાં આવવાનું જ હતું પણ મારા અજાચક વ્રતની ઈશ્વરે લાજ રાખી છે ને મને રુ. ૧૦૦નું પેન્શન મળવું શરુ થઈ ગયું છે. હવે હું અહીં જ રહું તે યોગ્ય ગણાય. (સો રુપીયા એ સમયમાં ગામડામાં રહેતા બે જણા માટે ઠીક રકમ કહેવાય. અમે મન મારીને સ્વીકાર કરેલો.)

મોટાભાઈ ગાંધીજી સાથે રહેલા. નવજીવન કાર્યાલયમાં પણ ઠીક કહેવાય તેવા હોદ્દે કામ કરી ચુકેલા. ભાભી તો વાતો કરતાં ત્યારે ગુજરાતની લડતો વખતે કસ્તુરબા સાથે સ્વયંસેવકો માટે રોટલી વણતાં ને રસોઈમાં મદદ કરતાં તે બધું યાદ કરતાં. ગામડામાં થોડી જમીન હશે કે કોઈની વાવવા લીધી હશે, ખબર નથી પણ જમીનમાંથી જે પ્રાપ્ત થાય તે જ જમવામાં વપરાતું. પોતાના જ કુટુંબનો એક પુત્ર એ જમાનામાં સૌથી પહેલો બેરીસ્ટર થઈને મુંબઈથી આવેલો. તેને જમાડવા માટે મોટાભાઈએ બાજુના શહેરની હોટલમાં જમાડવા નક્કી કરેલું, કારણ કે ઘેર તો જમીનમાંથી મળે તે જ રંધાતું ! બેરીસ્ટરે તે દીવસ રોટલો ને ડુંગળીનું જમણ કરેલું.

આઝાદી પછી ઉમરાળા પંથકમાં ખેડે તેની જમીનના કાયદા અન્વયે જમીનો ખેડુતોને જવા લાગી ત્યારે બહુ મોટાં ધીંગાણાં થવા લાગેલાં. બહારવટાં પણ ઠેર ઠેર થવા લાગેલાં. મોટાભાઈએ ખેડુતોને સાથ આપીને દરબાર ગઢ પાસે જ સભાઓ ભરેલી. અમુક માથાભારે લોકોનો મોટો રોષ તેઓ વહોરી લેતા થયેલા. એક વાર ઉમરાળાના માઈ મંદીરના ચૉકમાં યુવાનોએ તેમને ઘેરી લીધા. સૌના આદરણીય હતા તેથી બીજી તો હરકત થાય નહીં પણ તે દીવસે પહેલી વાર યુવાનો વીફરેલા. કહે, ગાંધી ટોપી ઉતારો તો જ જવા દઈએ. મોટાભાઈ શી રીતે માને ? ન માન્યા. ધક્કો મારી પછાડી દેવામાં આવ્યા. ટોપી પકડી રાખેલી એટલે પડી નહીં પણ એમણે એનું અર્થઘટન યુવાનો સમક્ષ એવું કરેલું કે આ ટોપી માથામાં ગાંધી નામના ખીલાથી જડી દીધેલી છે, એ ખીલો ખસે એ વાતમાં શું માલ છે ?!!

ભાવનગર દરબાર તરફથી ખાંડનું કારખાનું નખાયેલું. મહારાજાની જાણ બહાર જ હશે, પણ શેરડીના ભાવ ઘટાડીને ખેડુતોને ફરજીયાત શેરડી આપવા માટેના દબાણ સામે ઉમરાળા પંથકમાં આંદોલન થયેલું. મનુભાઈ પંચોળી,  ધારાસભ્ય છગનભાઈ ગોપાણી વગેરે આ આંદોલનમાં મુખ્ય હતા. મોટાભાઈ તો આગળ હોય જ. લડત જોરદાર થયેલી. છગનભાઈએ ઉપવાસ આદરેલા. ખેડુતોની જીત થતાં જ ઉપવાસનાં પારણાં પોતાના ગુરુ જેવા મોટાભાઈના હાથે કરાવાયેલાં.

ઉંચો, પડછંદ દેહ. બુલંદ અવાજ. ધારદાર વ્યક્તીત્વની પાછળ અત્યંત ભક્તીભાવે ભરેલું વાત્સલ્ય નજીક જનારને વળગી રહે. ઉજળવાવનું ડેલીબંધ પણ સાવ નાનકડું – એમની બન્નેની સંયમી રહેણીકરણીને શોભે તેવું – બે ઓરડીવાળું ફળીયા સાથેનું મકાન. શાળામાં ભણતા થયા પછી દર વેકેશનમાં જવા માટેનું અમારું જાણે તીર્થસ્થાન. મોટા થયા પછી ત્રણચાર વરસના પુત્રોને લઈને પણ ગયેલા. ને છેલ્લે તેમની મોટી બીમારીમાં સતત છ દીવસ સુધી ગરમી અને માખીઓથી બચવા તેમને પંખો નાખવાનું મહાભાગ્ય પ્રાપ્ત થયેલું તે જ બસ…સાતમે દીવસે તો અગ્નીને સોંપ્યા તે જ.

વનમાળીભાઈને ગયાં આજે પાંત્રીસેક વરસ થયાં. નશ્વર દેહ તો જાય જ, પણ વીચાર મરતો નથી. એમાંય આટલો નજીકનો સહવાસ હોય તેની અસરો તો કેમ છુટે ? ડગલે ને પગલે જ્યારે પણ કસોટીભરી નબળાઈઓ નજીક આવતી લાગે ત્યારે કોણ જાણે કઈ દીશાએથી મોટાભાઈ હૃદયનો કબજો લઈ લે છે. બચી જવાય છે.

આજે ગાંધીદીને આ લખીને અંજલી મોટાભાઈને આપી રહ્યો છું, પણ થાય છે કે ગાંધીવીચારને પણ આ અંજલી પહોંચે તો નવાઈ નહીં !

Advertisements

મહાત્મા, મહા–તમા !

મારા પરના એક પત્ર સાથેનો તેમનો આ ફોટો એક યાદગાર પ્રસાદી.

મારા આદરણીય ગુરુજી ન. પ્ર. બુચનાં પ્રતીકાવ્યોથી ગુજરાતનું સાહીત્યજગત સુપેરે પરીચીત છે. નખશીખ ગાંધીમાર્ગી એવા અમારા બુચદાદાનું મર્માળું હાસ્ય માણવાનો લહાવો ચાર વરસ અભ્યાસકાળે અને પછી દાયકાઓ સુધી મળતો રહ્યો છે.

આજે એમની શૈલીએ ગાંધીત્વ શું છે, ને તે કેવું અઘરું છે તેની વાત કરીએ. કૉપી કરીને ગાંધી થવાતું નથી તેની સચોટ રજુઆત –

[ઉપજાતી]        

ગાંધી સરીખો  બનવા  મહાત્મા

ઉરે  ધરી   આશ  ઘણું   કર્યું  મેં :

ચોરી કરી મેંય લગાર સ્વર્ણની,

આસ્વાદ  લીધો   અજમાંસનોયે,

પીધાં  ઘણાં   મેંય   સીગારઠૂંઠાં,

મુંડો  રખાવ્યો, પરિધાન પોતડી

-નુંયે   કર્યું  મેં   કંઈ  એક   વર્ષ.

પત્રો  લખ્યા રદ્દ   થયેલ   રૅપરે,

બાફેલ  ખાધું,  ઉપવાસ    કીધા-

બધું  કર્યું   મેં; ફળ  સાંપડ્યું  જે

લોકો   કહે  છે  મુજને ‘મહા-તમા’

ન.પ્ર.બુચ.

=================================

બીજી ઑક્ટોબર !

– જુગલકીશોર.

(૧)

કર્મયોગીનો 

જન્મદીવસ  આજે

એટલે રજા.

===========

(૨)

રાજઘાટના 

પથ્થરે ફુલ વર્ષ્યાં –

ગુંગળામણ.

==========

(૩)

ટોપીપહેર્યાં

મસ્તકો, રાજઘાટ,

નમન–ચર્યા.

==========

(૪)

ભારતવર્ષ

ગાંધીગાંધીગાંધીનાં

રટણે વ્યસ્ત.

===========

વીંછી, પુતળીબા અને ગાંધી

મોહન–જન્મદ્વીતીયા નીમીત્તે થોડુંક.. – જુગલકીશોર.

(વૈષ્ણવોને જન્માષ્ટમીનું જે મહત્ત્વ હોય તેવું જ લગભગ અમને ગાંધીરસ્તે યથાશક્તી/મતી ચાલવા મથનારાઓને બીજી ઑક્ટોબરની ‘જન્મદ્વીતીયા’નું હોય છે. આજના પ્રસંગે એક અમેરીકન લેખકના લેખ પરથી તારવીને ગાંધીને સમજવાનો આ એક નાનકડો પ્રયત્ન છે…)

“He seemed to me to be one of the few Christians who walked in fear of the Lord, feared no man,”                  — M. K. Gandhi (for Frederick Bohn fisher.)

“ધેટ સ્ટ્રેન્જ લીટલ બ્રાઉન મેન” એ એક પુસ્તકનું નામ છે. આ પુસ્તકના લેખક છે ફ્રેડ્રરીક બોહ્ન ફીશર કે જેના વીશે ગાંધીજીએ ઉપર મુજબ લખ્યું હતું. (આ પુસ્તક ૧૯૩૨માં પ્રગટ થયું હતું. એ સમયે લેખક મોટેભાગે ભારતમાં હતા અને અંગ્રેજ સરકારે આ પુસ્તક પર પ્રતીબંધ મુકીને અટકાવ્યું હતું.)

અમેરીકાના કેટલાક અતી ખ્યાતનામ લેખકોએ ગાંધીજી અંગે લખ્યું હતું તેનું સંકલન “પ્રોફાઈલ્સ ઓફ ગાંધી” નામે વર્ષો પહેલાં પ્રગટ થયું છે. એમાંના અનેક અમેરીકન લેખકોમાંના એક એવા શ્રી ફ્રેડરીકનો લેખ પણ એમાં “એ સ્ટેટ્સમેન ઓફ પીસ” શીર્ષકથી મુકાયો છે. આજે ‘મોહન જન્મદ્વીતીયા” ૨જી ઓક્ટોબર નીમીત્તે એ લેખનો આધાર લઈને થોડું લખવા મન છે.

આ લેખમાં ખાસ તો તેમણે વીંછીનો જે પ્રસંગ મુક્યો છે, અને તેનું જે રીતે અર્થઘટન કર્યું છે તે ધ્યાન ખેંચનારું હોઈ એને જ કેન્દ્રમાં રાખીને આ બધું હું મારા શબ્દોમાં મુકી રહ્યો છું.

ગાંધીજીની કીશોરવય વખતની આ વાત છે. એક દીવસ માતા પુતળીબા ઘરનાં બાળકોને શીખવી રહ્યાં હતાં. ઘરના મુખ્ય બેઠકરુમમાં એક મોટો વીંછી નીકળ્યો. નાના મોહને તેને બા તરફ જતો જોઈને બુમ પાડી, “બા, જુઓ વીંછી ! તમને કરડશે. એને મારી નાખો !”

માતા શાંતીથી જવાબ આપે છે, “શાંતી રાખ, દીકરા ! તું જો એને હેરાન નહીં કરે તો એ પણ મને કાંઈ નહીં કરે !” એટલું કહીને માતાએ પોતાના પગ ઉપર ચડી ગયેલા વીંછીને, પોતાના ખભે લટકતા રેશમી સ્કાર્ફમાં હળવેકથી લપેટીને બારી બહાર ફેંકી દીધો. અને કહ્યું, “હવે એ નહીં મને હેરાન કરે કે નહીં હું એને.”

આ નાનકડો લાગતો એક પ્રસંગ ગાંધીજીને જીવનમાં બહુ મોટી મદદ કરનારો બની રહ્યો. નાનપણમાં જોયેલા ‘હરિશ્ચન્દ્ર તારામતી’ વગેરેમાંથી તેમણે જેમ સત્ય મેળવ્યું તેમ આ પ્રસંગમાંથી અહીંસા પણ પ્રાપ્ત કરી. શ્રી ફ્રેડરીક નોંધે છે તેમ ગાંધીને એની સર્વોત્તમ ઉંચાઈએ પહોંચાડવામાં પુતળીબાનો બહુ મોટો હાથ છે. કારણ, આ કોઈ એક કીતાબનાં પાનાંમાંથી મળેલો પ્રસંગ નથી પણ જીવનના અનુભવભાથામાંથી પ્રાપ્ત થયેલો છે. આવા જ પ્રસંગોમાંથી ગાંધીજી પોતાના રોજબરોજના વ્યવહારોમાં જેનો અમલ કરી શક્યા અને એમના સ્વ ઉપર જેમનાથી કાબુ મેળવ્યો તે તાકાત મેળવતા રહ્યા હતા. તેમનો કાબુ તો સમગ્ર દેશવાસીઓના હૃદય ઉપર પણ હતો, તેનુંય રહસ્ય અહીં જ પડેલું જણાય છે. તેમણે તો કહ્યું જ હતું કે “ A nation whose citizens have not learned self-control, can not rule itself as national entity.”

ઉપરના પ્રસંગ ઉપરથી શ્રી ફ્રેડરીક બહુ સરસ મજાનું તારણ કાઢીને આપણી સમક્ષ મુકે છે. લખે છે, “ એમની માતાનું વીંછી પ્રત્યેનું જે વર્તન હતું તેવું જ વર્તન ગાંધીજીનું પશ્ચીમી–સમાજ (અહીં આપણે “અંગ્રેજો” એમ લઈશું ?)પ્રત્યેનું હતું !.ગાંધીજી સમજતા કે આ ગોરા લોકોને છંછેડીને કશો સાર કાઢી નહીં શકાય. તેમનું વલણ આ બાબતે એકદમ વ્યવહારુ અને ઉત્તમ નાગરીકી હતું. એમણે વીંછીને (અહીં ફક્ત ગોરા લોકો જ મને અભીપ્રેત નથી; મનુષ્યની પોતાની નકારાત્મક વૃત્તીઓને પણ સાથેસાથે કેમ ન સમજી લેવી?!– જુ.)ફટકારવાને બદલે અત્યંત નાજુકાઈ, માનવીય વ્યવહારપુર્વક – શ્રી ફ્રેડીકના શબ્દોમાં, રેશમી સ્કાર્ફની સંવેદનશીલ રેશમીયતથી – જાળવીને પકડવાનું અને ધીક્કાર વગર, આત્મીયતાથી બહાર ફેંકી દેવાનું કર્યું હતું !

ગાંધીજીમાં જોવા મળતાં ફુલની નાજુકાઈ અને કોમળતા તથા નીર્મમ તાટસ્થ્યનાં તત્ત્વો એ એક અચંબાનો જ વીષય ગણવો રહ્યો. વીંછીને બહાર ફેંકી દેવાની સાથેસાથે તેઓ પુર્ણ મક્કમતાથી કહી શકે છે – લેખકના શબ્દોમાં, “તમે તમારે રસ્તે, તમારી રીતે જીવો. પણ અમે ભારતીયો અમારા બેઠકખંડમાં તમને આવવા દઈને અમારી જાતનું નુકસાન થવા નહીં દઈએ !”

મને તો આ લેખમાંની શ્રી ફ્રેડરીકની એક બહુ જ મજાની વાત સ્પર્શી ગઈ તે તેમણે વીંછીના જ આ પ્રસંગ દ્વારા ગાંધીજીના વ્યવહારોનું એક સાવ અનોખું અને અનુઠું અર્થઘટન કર્યું છે તે ! ગાંધીજીના વકીલાતના વ્યવસાયને આડશે રાખીને એમણે લખ્યું છે –

“તમે અંગ્રેજો જો આ જ વીંછીની રમત સાવ અવળી બાજુથી રમીને ખુશ થવા માગતા હો, અને અમને તમે વીંછી ગણતા હો, તથા સામે પક્ષે ભારતમાતાની જગ્યાએ તમારી જાતને મુકતા હો તો પણ તમે સૌ પ્રથમ એ સમજી લ્યો કે અમને છંછેડવાની ભુલ કરશો મા ! કારણ કે નહીંતર અમે તો બટકું ભરવાનું કરી લઈશું !

“એટલે તમારે જો માતાનો જ રોલ ભજવવાનો હોય તો શાંતીથી ઉભા થઈને અમને બારી બહાર…..(ના, “ફેંકી દેજો” એમ નથી લખ્યું હો !! એમણે તો લખ્યું છે, Get up deliberately and) shake us out of the window !! That is all we want, our freedom !” એમનું આ છેલ્લું વાક્ય તો કમાલનું છે ! આ પ્રસંગ ટાંકીને, ગાંધીને બરાબરના સમજી ચુકેલો આ પાદરી લખે છે – “Then he would give his little chuckling laugh which I always love to here, and say, ‘But after all, nobody is scorpion. You‘re not. We’re not.”

“સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં”વાળી કહેવતમાં મને જાણેઅજાણે પણ એકજાતનો પલાયનવાદ દેખાય છે. બીજી રીતે જોઈશું તો તેમાં ગમેતેમ કરીને તકરારનું પોટલું સંકેલી લેવાની વૃત્તી જણાય છે…પણ વીંછીને બચાવી લેવાની પુતળીબાની વાતમાં આમાંનું કશું નથી. તેમાં તકરારને ઉગતી ડામી દેવાની વાત છે. સામા પક્ષને સમજવાની વાત છે. સામા પક્ષથી ડરીને ભાગવાની વાત તો એમાં નથી જ. સામા પક્ષને સમજવા માત્રથી એનો અરધો ડંખ તો બુઠ્ઠો જ થઈ જાય છે. તકરારના સમાધાન કરતાં તકરારને બુઠ્ઠી કરી નાખવાની વાત વધુ સાર્થક અને વ્યવહારુ છે. આ બાબતમાં જ કદાચ અહીંસક સત્યાગ્રહનાં મુળ રહેલાં છે.

પ્રસ્તુત લેખમાં લેખકે ગાંધીજીના સત્યાગ્રહની વાત કરતાં કરતાં આશ્રમમાં તેમણે કાર્યકરોને તૈયાર કરવાની જે કામગીરી કરી તેની જીકર કરીને વીંછીવાળા પ્રસંગનું એમની રીતે અનુસંધાન કર્યું છે. આશ્રમમાં પાળવાનાં વ્રતો, એ બધાંની પ્રાયોગીક તાલીમ અને સમગ્ર દેશને તૈયાર કરવામાં તેમણે આ સ્વયંસેવકોનો ટ્રેનર તરીકે ઉપયોગ કર્યો તેની વીગતે વાત કરી છે. ૧૯૨૦માં કોંગ્રેસે કરેલા ઠરાવો અને દેશવાસીઓને અસહકાર માટે આપેલાં સાત માર્ગદર્શક એલાનોમાં વીંછીને માર્યા વીના સ્વબચાવની ને હક્કપ્રાપ્તીની વાત કરી  બતાવી છે.

દેશનું લક્ષ્ય આઝાદી હતું. દેશને એક બાજુ તૈયાર કરવાનો હતો અને બીજી બાજુ સામાપક્ષને દુર કરવાનો (બારીમાંથી બહાર કરી દેવાનો)હતો. અસહકારનું શસ્ત્ર આપીને ગાંધીજીએ બહુ મોટી સફળતા મેળવી હતી. આ શસ્ત્ર્ને સમજાવતાં લેખકે બહુ મજાની વાતો કહી છે. લખે છે,

“ગાંધીજીનો આ શસ્ત્ર અંગેનો બચાવ લાક્ષણીક રીતે વાજબી હતો. તેમણે દાવો કર્યો હતો કે જો બ્રીટીશ સરકાર ભારતની સ્વતંત્રતાના અધીકારને અમાન્ય કરે છે તો પછી ભારતને તેની પોતાની રાષ્ટ્રીયનીતીને અમલમાં મુકવાનો પણ પુરો અધીકાર છે. અહીં તેઓ ગાંધીજીનું વાક્ય ટાંકે છે, “ The boycott is merely India’s tariff to protect her own native industries…as America for example, protects her manufactories.” લેખક ઉમેરે છે કે આ ‘ટેરીફ’ – અસહકાર – તો ફ્રાન્સ કે અમેરીકા જેવાઓ જાણે પોતાના અર્થકારણને બચાવવા અન્યો સામે ઉગામતા હોય તેવું જ છે !

“જોકે ગાંધીજી આટલેથી અટક્યા નથી. તેમણે બ્રીટીશ માલનો બહીષ્કાર કર્યા ઉપરાંત સ્વદેશી માલ ઉત્પન્ન કરવાનો પુરો અને સફળ પ્રયત્ન કરી દેખાડ્યો હતો. તેમણે રેંટીયો ચાલુ કરાવીને ક્રાંતી કરી હતી. યોગાનુયોગ અમેરીકામાં પણ લગભગ આ જ સમયે એંટીકના વેપારીઓએ સ્પીનીંગવ્હીલ નવા ઈંગ્લાંડથી લાવીને ચાલુ કરાવ્યા હતા !”

રેંટીયાના સંદર્ભે લેખકે પ્રયોજેલા ત્રણ શબ્દો attic, antique અને relic કાવ્યમાંના પ્રાસ જેવા લાગે છે. એ ત્રણેને સરસ રીતે સાંકળીને તેમણે લખ્યું છે કે, “માળીએ પડેલા ચરખાને, જુનવાણી એવી કીમતી સામગ્રીની જેમ જાળવીને નીચે ઉતારવામાં આવ્યો હતો, પણ રેંટીયો કાંઈ સાચવીને મુકી રાખવા જેવી ચીજ માત્ર નહોતો. એ તો ભારતની તાતી જરુરીયાતના અનીવાર્ય સાધન રુપે પ્રગટ્યો…. and soon the very Himalaya began to echo back the whirr the patriotic Indian spinning. Here again Gandhi had vindicated his claim being a practical idealist.”

લેખના અંત ભાગે લેખકે ગાંધીજીનું આંતરદર્શન કરાવ્યું છે. રોમાંચીત કરી મુકે તેવું એ દર્શન છે ! લખ્યું છે,

“જે કોઈ ગાંધીથી પરાજીત થવા ન માગતું હોય તેણે તો એનાથી બાર ગાઉ દુર જ રહેવું સારું છે ! કારણ, એના વ્યક્તીત્વનો પ્રભાવ, એની ઘેરા બ્રાઉન રંગની આંખોમાંનો અગ્ની, એને જન્મથી જ મળેલી પ્રભુતા, તમને અસહાય કરી મુકીને ખેંચી લ્યે છે ! તમે તમારી જાતને ભુલી જશો. ગાંધીને એક માણસ તરીકે પણ ઘડીભર તમે ભુલી જશો. એના ઉંડાણભર્યા અવાજમાંથી મળતો સંદેશો માત્ર તમને સંભળાશે…!

“મેં કેટલાકને કહેતા સાંભળ્યા છે કે, ‘હું ગાંધીને ધીક્કારું છું. હું એના કાર્યક્રમોનો વીરોધ કરું છું.’ પણ પછી ગાંધીને મળી આવ્યા બાદ તેઓને જ કહેતાં સાંભળ્યા છે કે, ‘મારી સમજફેર હતી.’…તમે એને ચાહી શકો તો ચાહો, ધીક્કારી શકો તો ધીક્કરો પણ તમે એને અવગણી તો નહીં જ શકો !…He remains unique! ”