કોણે કહ્યું કે સીદ્ધરાજ જયસીંહ નબળો રાજા હતો ?

ગુજરાતનો ઈતીહાસ (17): સીદ્ધરાજના શાસનનો ઉગમકાળ

આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . .

સીદ્ધરાજ જયસીંહને બાળવયે પાટણની ગાદી સંભાળવાની આવી. આ એક મોટો પડકાર હતો.

વળી રાજકીય પરીસ્થીતી ધુંધળી હતી અને વંશીય ખટપટો પણ અતાગ હતી. ત્યારે રાજમાતા તથા મંત્રીઓ-અમાત્યોની સલાહ પ્રમાણે રાજાએ દોરવાવાનું હતું.

કોઈ પણ રાજવી માટે આવા સંજોગો હતાશા પ્રેરે અને તેમાં રાજાની નીર્બળતાઓ અને નીષ્ફળતાઓ ઓર સમસ્યારૂપ બને. સ્વાભાવીક છે, કેટલાક જાણકારો પણ સીદ્ધરાજને નીર્બળ રાજવી તરીકે મુલવવાની ભુલ કરી બેસે છે.

સીદ્ધરાજનાં રાજ્યકાળનાં શરૂઆતનાં વર્ષો કસોટીરુપ નીવડ્યાં.

સીદ્ધરાજની અપાર સમસ્યાઓનો દોર લગભગ દશકા સુધી ચાલ્યો …..

કીશોરાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશતાં સીદ્ધરાજનું વ્યક્તીત્વ નવો ઓપ પામતું ગયું. સીદ્ધરાજ જયસીંહે પ્રથમ તો દ્રઢતાપુર્વક રાજ્યના આંતરીક દાવપેચનાં સમીકરણો સુલઝાવ્યાં. સગાંઓના સ્વાર્થી કાવાદાવાઓને સખત હાથે દાબીને પોતાની આવડતનો અને હીંમતનો પરીચય આપ્યો. ખટપટી રાજદરબારીઓને યેનકેન પ્રકારેણ ભરડામાં લઈ ચુપ કર્યા.

આમ, સીદ્ધરાજે પોતાની રાજકીય કુનેહ અને કાબેલીયત બતાવી તથા રાજ્યકારભાર પર પોતાની પકડ મજબુત કરી. સાથે જ, ગુર્જર દેશે જે નજીકના પ્રદેશો પર પ્રભાવ ગુમાવ્યો હતો તે પ્રદેશો પર સીદ્ધરાજ જયસીંહે ફરી પોતાની આણ ફેલાવી.

સત્તા પર આવ્યા પછી માત્ર દસ જ વર્ષમાં સીદ્ધરાજની સત્તા ઠેઠ ખંભાત સુધી વીસ્તાર પામી.

આ જાણ્યા પછી કોણ કહેશે કે સીદ્ધરાજ નબળો રાજા હતો? ઈ.સ. 1108 સુધીમાં સીદ્ધરાજ જયસીંહની સત્તા ઉત્તર ગુજરાતમાં સ્થીર બની.

એક સ્વતંત્ર રાજ્યના સમર્થ સર્વસત્તાધીશ રાજવી તરીકે તેણે ‘મહારાજાધીરાજ પરમેશ્વર’નું બીરુદ ધારણ કર્યું.

તે પછી તેણે એક અન્ય મહાન વીજય (વીગતો અપ્રાપ્યવત્ અથવા અસ્પષ્ટ) પ્રાપ્ત કરી ‘ત્રીભુવનગંડ’નું બીરુદ મેળવ્યું.

સીદ્ધરાજ જયસીંહની સીદ્ધીઓની વાત આપણે ચાલુ રાખીશું …..

વીદ્વત્તાપુજક સીદ્ધરાજ જયસીંહ

.

ગુજરાતનો ઈતીહાસ (16): વીદ્વત્તાપુજક સીદ્ધરાજ જયસીંહ

આલેખક: હરીશભાઈ દવે

અગીયારમી સદીનો ચોથો દશકો.

ગુર્જરદેશની રાજધાની પાટણ.

સમગ્ર નગર મહા ઉત્સવના એંધાણે થનગની રહ્યું છે.

પાટણનરેશ સીદ્ધરાજ જયસીંહે માળવા પર ભવ્ય વીજય પ્રાપ્ત કર્યો છે. કટ્ટર શત્રુ માલવનરેશને હરાવી મહારાજાએ અભુતપુર્વ સીદ્ધી મેળવી છે.

ગુર્જરનરેશ આજે મહાન વીજેતા બનીને પાટણમાં પ્રવેશી રહ્યો છે.

ભારે ધામધુમથી સત્કારની તૈયારીઓ થઈ છે. મંત્રીઓ, બહુશ્રુત વીદ્વાનો અને પ્રતીષ્ઠીત નગરજનો પાટણને પાદરે પહોંચ્યાં છે.

વીદ્વાન પંડીતગણની મોખરે છે અઢારેક વર્ષનો એક તેજસ્વી જણાતો યુવાન સાધુ.

હળવા પગે આગળ વધી યુવાન સાધુ ગુર્જર નરેશને અભીનંદન અને આશીર્વાદ આપે છે. મહારાજા નમ્રતાપુર્વક આશીર્વાદ સ્વીકારી સાધુના પ્રખર તેજોમય વ્યક્તીત્વને ક્ષણમાત્રમાં પરખી લે છે.

તે મહાતેજસ્વી યુવાન સાધુનું નામ હેમચંદ્ર.

હેમચંદ્ર શ્વેતાંબર જૈન સંપ્રદાયના અતી આદરણીય સાધુ. આઠ વર્ષની ઉંમરે દીક્ષા અને માત્ર વીસ વર્ષે ‘સુરી’પદ. આ અલભ્ય સીદ્ધીને પ્રતાપે હેમચંદ્ર પાટણના સમાજમાં પુજનીય બન્યા.

પ્રથમ મુલાકાતમાં જ પ્રભાવીત થયેલા મહારાજા સીદ્ધરાજ જયસીંહે હેમચંદ્રાચાર્યને રાજ્યાશ્રય આપ્યો. સીદ્ધરાજની પ્રેરણાથી હેમચંદ્રાચાર્યે પ્રસીદ્ધ વ્યાકરણગ્રંથ ‘સીદ્ધ-હેમ’ની રચના કરી.

તે પછી હેમચંદ્રાચાર્યે ‘દ્વયાશ્રય’ નામક મહાકાવ્યની રચના કરી. તે મહાકાવ્યમાં સીદ્ધરાજ જયસીંહ તથા તેના ચૌલુક્ય (ચાલુક્ય અથવા સોલંકી) કુળનાં યશોગાન છે.

સીદ્ધરાજ જયસીંહની યશસ્વી ઉપલબ્ધીઓ તથા કીર્તીવંત કારકીર્દીના પરીચય માટે હેમચંદ્રાચાર્યનું સાહિત્ય આધારભુત ગણાય છે.

તેમાંથી સીદ્ધરાજના વ્યક્તીત્વની બહુવીધ ખુબીઓ પ્રગટ થાય છે. ઉપરાંત તેમાંથી સીદ્ધરાજ જયસીંહના રાજ્યકાળની સીદ્ધીઓ તેમ જ ગુર્જર દેશની ગરીમાની ઝાંખી થાય છે.

મહારાજાધીરાજ સીદ્ધરાજ જયસીંહની યશસ્વી ગાથા હવે પછી ….

જય હો સીદ્ધરાજ જયસીંહનો !

.

ગુજરાતનો ઈતીહાસ (15): સીદ્ધરાજ જયસીંહનું રાજ્યારોહણ

આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . .

ગુજરાતનો મહાન ચક્રવર્તી રાજા સીદ્ધરાજ જયસીંહ.

માંડલીકો માટે મહારાજાધીરાજ સીદ્ધરાજ જયસીંહ. ઈતીહાસકારોની દ્ર્ષ્ટીએ ત્રીભુવનગંડ, અવંતીનાથ, સીદ્ધ ચક્રવર્તી શ્રી જયસીંહ દેવ.

જયસીંહના દાદા ભીમદેવને ત્રણ રાણીઓ હતી તેવી કથા છે. તેમાંથી બે મુખ્ય: વણીકરાણી બકુલાદેવી (બઉલાદેવી) અને રજપુત રાણી ઉદયમતી.

ઉદયમતી સૌરાષ્ટ્રના રાજા નરવાહન ખેંગારની કુંવરી. બકુલાદેવીનો પુત્ર ક્ષેમરાજ તથા ઉદયમતીનો પુત્ર કર્ણદેવ.

ભીમદેવના મૃત્યુ સમયે ઉદયમતીનો પીયરપક્ષ પ્રભાવી રહ્યો. ફલત: ઉદયમતીના કુમાર કર્ણદેવને ગાદી મળી.

કર્ણદેવ અને મીનળદેવીનો પુત્ર તે જયસીંહ.

કર્ણદેવના અંતકાળે ગુર્જર દેશની શાન ઝાંખી પડી હતી અને તેની સત્તા અને વ્યાપમાં ઘટાડો થયો હતો. કર્ણદેવનું અવસાન થયું ત્યારે જયસીંહ હજી કુમારાવસ્થામાં હતો.

ઈ.સ. 1096માં પાટણની ગાદી પર જયસીંહનો રાજ્યાભીષેક થયો. જયસીંહ પર સૌથી વીશેષ પ્રભાવ રાજમાતા મીનળદેવીનો હતો.

મીનળદેવીએ બાળરાજા જયસીંહનું સર્વાંગી ઘડતર કર્યું. જયસીંહના સમર્થ રાજવી તરીકેના વીકાસમાં રાજમાતા પ્રેરક શક્તી બની રહી. વીચક્ષણ અમાત્યોએ પણ જયસીંહના વીકાસમાં મહત્વનો ફાળો આપ્યો.

જયસીંહે પાટણની ધુરા સંભાળી અને એક ઘા થયો.

માળવાનરેશ નરવર્માએ પાટણ પર આક્રમણ કર્યું. તે સમયે પાટણનો વહીવટ સાન્તુ મંત્રી નામના બાહોશ મંત્રી પાસે હતો. તેમણે પાટણને બચાવવા ખંડણી આપી અને નરવર્માને પ્રસન્ન કરી પરીસ્થીતી સાચવી લીધી. પરંતુ માળવાનો આ ઘા જયસીંહના મનમાં હંમેશા સમસમતો રહ્યો.

જયસીંહે કેવાં પરાક્રમો દાખવી ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું? આ વાત હવે આલેખીશું ……

મહમુદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ

.
ગુજરાતનો ઈતીહાસ (14): મહમુદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ

આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . . .

અગીયારમી સદીનો પુર્વાર્ધ.

પ્રભાસપાટણ સોમનાથની સમૃદ્ધીની વાતો જગતભરમાં ફેલાઈ હતી.

પ્રભાસ તે સમયે ભારતવર્ષના પશ્ચીમ કીનારાનું અગત્યનું બંદર હતું. અહીંથી આફ્રીકા અને ચીન સાથે દરીયાઈ વ્યાપાર ચાલતો.

સોમનાથ ભારતવર્ષનું પ્રમુખ યાત્રાધામ હતું. સોમનાથના પ્રાચીન શીવમંદીરનાં દર્શને રોજ હજારો યાત્રાળુઓ આવતાં. મંદીરની આવક લાખોમાં ગણાતી. કહે છે કે મંદીરમાં 200 મણની સોનાની સાંકળ હતી.. તેને બાંધેલા સોનાના ઘંટોથી પ્રચંડ ઘંટારવ થતો! મંદીરનું હીરા-માણેક-રત્નજડીત ગર્ભગૃહ ઝળાંહળાં  રહેતું. ભગવાન શીવની મુર્તી રત્નોના પ્રકાશથી રાત્રીના અંધકારમાં ઝગમગી ઉઠતી.

ઈ.સ. 1025નો ઓક્ટોબર મહીનો.

મહમુદ ગઝની ગુર્જરદેશ પર આક્રમણ કરવા જંગી લશ્કરી તાકાત સાથે નીકળ્યો. તેના લશ્કરમાં 30000 જેટલા ઘોડેસ્વારો હતા. રણની મુસાફરી હોવાથી પાણીનું વહન કરતાં 30000થી વધારે ઉંટ સાથે હતાં.

મહમુદ મુલતાન થઈ આબુ-પાલણપુરના રસ્તે અણહીલપુર પાટણ પહોંચ્યો. પાટણનરેશ ભીમદેવ પહેલો તેનો સામનો કરી શકે તેમ ન હતો. તે ભાગી છુટ્યો. પાટણના સૈન્યને હરાવી મહમુદ પ્રભાસપાટણ સોમનાથ તરફ વળ્યો.

મહમુદ ગઝની ઈ.સ. 1026ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રભાસપાટણ સોમનાથ પહોંચ્યો. શહેરને ફરતો કીલ્લો હતો. ગઝનીના લશ્કરે તેના પર હુમલો કર્યો. બહાદુર યોદ્ધાઓએ શહેરની રક્ષા કરવા મરણીયા પ્રયત્નો કર્યા. ત્રણ દીવસમાં પચાસ હજાર વીર લડવૈયાઓએ ભગવાન સોમનાથની રક્ષા કરતાં પ્રાણ પાથર્યા.

પ્રભાસનું પતન થયું. મહમુદ ગઝનીના લશ્કરે શહેર લુંટ્યું. તેણે સોમનાથ મંદીરને તોડી તેનો નાશ કર્યો; તેની અમુલ્ય સંપત્તી લુંટી લીધી. વીસ લાખ દીનાર જેટલી જંગી લુંટ સાથે મહમુદ રણના રસ્તે નાઠો. કેટલાક ભારતીય રાજાઓએ તેનો પીછો કરી તેના માટે ભારે મુશ્કેલીઓ ઉભી કરી, પરંતુ તે ગઝની પહોંચી ગયો. તે પછી તેણે ક્યારે ય ભારતવર્ષ પર આક્રમણ ન કર્યું. ઈ.સ. 1030માં મહમુદ ગઝનીનું મૃત્યુ થયું.

ભીમદેવ પહેલાએ થોડો વખત રાજ્ય બહાર રહી, ફરી પાટણને સંભાળ્યું.

કહે છે કે ભીમદેવ તથા માલવનરેશ ભોજે સાથે મળીને સોમનાથના મંદીરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સોમનાથના ભવ્ય પાષાણ મંદીરનું પુન:નીર્માણ થયું. તેના સમયમાં મોઢેરામાં સુર્યમંદીર બંધાયું. આબુના દંડનાયક વીમલ મંત્રીએ આબુ પર ભગવાન આદીનાથનું આરસનું દેરાસર બંધાવ્યું.

ભીમદેવ પહેલાએ આશરે 42 વર્ષ રાજ્ય કર્યું. (ઈ.સ. 1022 – 1064).

ભીમદેવના સ્વર્ગવાસ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો. (ઈ.સ. 1064 – ઈ.સ. 1074). કર્ણદેવે દક્ષીણમાં લાટપ્રદેશ પર વીજય મેળવી પાટણની સત્તાને કોંકણના સીમાડા સુધી પહોંચાડી.

ર્ણદેવે ગોવાપ્રદેશની કદંબકન્યા મીનળદેવી સાથે લગ્ન કર્યાં.

તે સમયમાં ઉત્તરે સારસ્વત મંડલ તથા દક્ષીણે ખેટક મંડલની વચ્ચે – એટલે હાલના અમદાવાદની આસપાસના પ્રદેશમાં – ગાઢાં જંગલો હતાં જ્યાં ભીલ સમુદાયો વસતા. આશાપલ્લી (હાલ અસલાલી) નામે ઓળખાતા આ દુર્ગમ પ્રદેશમાં ભીલ રાજા આશા ભીલનું રાજ્ય હતું. કર્ણદેવે તેને હરાવી આશાપલ્લીની પાસે કર્ણાવતી શહેર વસાવ્યું. (ચાર-પાંચ સદી પછી અહીં અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું).

આ ઉપરાંત કર્ણદેવે અન્ય નગર, તળાવ અને મંદીરો પણ બંધાવ્યાં. કર્ણદેવ સાહીત્યપ્રેમી રાજા હતો.

કર્ણદેવના જીવનના ઉત્તરાર્ધમાં જ્યારે રાજ્ય પર તેની સત્તા ઢીલી પડતી ગઈ, ત્યારે તેની રાણી મીનળદેવીએ પાટણને સંભાળવાની જવાબદારી ઉપાડી. કર્ણદેવ અને મીનળદેવીનો પુત્ર અને પાટણનો યુવરાજ જયસીંહ ત્યારે હજુ કીશોર અવસ્થામાં હતો.

મહારાજાધીરાજ સીદ્ધરાજ જયસીંહની કથા હવે પછી ……

સોમનાથ પરની ચઢાઈની પુર્વભુમીકા !

.

ગુજરાતનો ઈતીહાસ (13):

આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . .

અગીયારમી સદીના ઉદયકાળે કેટલીક મહત્વની ઘટનાઓ બની.

વાયવ્ય સરહદેથી મહમુદ ગઝનીનાં આક્રમણો ભારતવર્ષને ધ્રુજાવવા લાગ્યાં. આ સમયે વીદેશી સરદારોને મર્યાદામાં રાખનાર ભારતવર્ષમાં બે મહાન સામ્રાજ્યો હતાં :
મધ્યભારતમાં માલવપ્રદેશ અને દક્ષીણ ભારતમાં તાંજોર પ્રદેશમાં ચોળ (ચોલ) સમ્રાજ્ય.

અગીયારમી સદીના ઉદય સાથે તાંજોર અને માલવપ્રદેશ સત્તા અને શક્તીની દ્રષ્ટીએ પ્રબળ બનતા ગયા.

દક્ષીણ ભારતમાં કર્ણાટક પ્રદેશમાં તૈલપના વંશજોના શાસનની પડતી થતી ગઈ ત્યારે તાંજોરના ચોળ રાજાઓની સત્તા ફેલાતી ગઈ. દક્ષીણમાં કૃષ્ણા-તુંગભદ્રાથી માંડીને કન્યાકુમારી સુધી ચોળ શાસન સ્થાપનાર તાંજોરનરેશ રાજરાજ રાજકેસરી (ઈ.સ. 985-ઈ.સ. 1014) તે યુગનો સૌથી સમર્થ ભારતીય રાજવી હતો.

તેના પછી તેનો પુત્ર રાજેન્દ્ર પરકેસરી સત્તા પર આવ્યો. તેણે ઈ.સ. 1044 સુધી રાજ્ય કર્યું. દક્ષીણના તાંજોરના આ મહાપ્રતાપી સમ્રાટે છેક ઉત્તર-પુર્વ ભારત સુધી આણ ફેલાવી.

આ જ અરસામાં માલવપ્રદેશ પર દાનેશ્વરી રાજા ભોજની સત્તા સોળે કળાએ તપવા લાગી. રાજા ભોજ (? ઈ.સ. 1010 – 1050 ?) શુરવીર, દાનવીર, જ્ઞાની રાજા હતો. તેનો રાજ્યકાળ ચાલીસથી પચાસ વર્ષનો મનાય છે.

તેના રાજ્યકાળમાં વીદ્યાધામ તરીકે ધારાનગરીની કીર્તી દેશ-વીદેશમાં પ્રસરી. ભોજ પરાક્રમી રાજા ઉપરાંત અઠંગ રાજનીતીજ્ઞ હતો. તેણે રાજનીતીના ચતુર દાવ ખેલી માલવપ્રદેશને સ્થીર શાસન આપ્યું.

હવે કરીએ ગુજરાતની વાત.

ઈ.સ. 1022માં દુર્લભરાજનું મૃત્યુ થતાં તેના નાના ભાઈ નાગરાજનો પુત્ર ભીમદેવ પહેલો અણહીલવાડ (પાટણ)ની ગાદી પર આવ્યો. મહત્વની વાત એ કે વર્ષો સુધી સોલંકીવંશના આ રાજાઓ માલવપ્રદેશની શેહમાં રહ્યા. યુવાન માલવસમ્રાટ ભોજનો પાટણનરેશ ભીમદેવ પર ઘણો પ્રભાવ હતો. ગુજરાતના આનર્ત, ખેટક અને મહી કાંઠાના પ્રદેશો માલવદેશની સત્તા તળે હતા. આમ છતાં, પાટણ અને સૌરાષ્ટ્ર સમૃદ્ધ હતાં. ગુજરાતની આ સમૃદ્ધીની વાતો દેશ-વીદેશમાં પ્રસરતી હતી.

ભીમદેવને પાટણની ગાદી સંભાળ્યે બેત્રણ વર્ષ થયાં હશે અને મહમુદ ગઝનીએ ગુજરાત પર ચઢાઈ કરી.

મહમુદ ગઝની મુળ તો ભારતની વાયવ્ય સરહદે પહાડી પ્રદેશોના રાજ્ય ગઝનીનો અધીપતી. ભાઈ સાથે દગો કરી રાજગાદી પર આવેલો. મક્કમ મનોબળ , નીર્દયી અને  સાહસવૃત્તીવાળો એ નીતીનીયમોને નેવે મુકી  સત્તાનો વ્યાપ કરતો ગયો. મધ્ય એશીયાના પ્રદેશો જીતી તેણે ભારત પર નજર દોડાવી.

જોતજોતામાં મહમુદ ગઝનીની ક્રુર એડીઓ તળે ઉત્તર ભારત કચડાવા લાગ્યું.

ગઝનીની સોમનાથની ચઢાઈની વાત હવે પછી …..