‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી‘ગૌરવાન્વીત’ થનાર ગોવીન્દ મારુ

એક આનંદસમાચાર !

નેટજગતે પોતાની રૅશનલ પ્રવૃત્તીઓથી જાણીતા (અને માનીતા તો ખરા જ, કારણ કે તેમના બ્લૉગ ‘અભીવ્યક્તી’ પર તેમના વાચકોનો જરદાર ધસારો હોય છે !) લેખક શ્રી ગોવીન્દભાઈ મારુ આ વર્ષે ગુજરાતના રૅશનલ વીચારસરણીવાળા વીશાળ સમુદાયમાં ગૌરવપ્રદ એવા ઍવોર્ડ “રમણભ્રમણ સુવર્ણચંદ્રક”થી સન્માનીત કરાઈ રહ્યા છે !!

ગોવીન્દભાઈના બ્લૉગ પર રૅશનલ વીચારોથી સભર લખાણો નીર્ભીક રીતે વર્ષોથી પ્રગટ થઈ રહ્યા છે. ને ખાસ તો એ છે કે આ બધાં જ લખાણો એક જ ઈ અને એક જ ઉની જોડણીમાં લખાયેલાં હોય છે !

હું પોતે પણ એ જ “ઘરાના”નો છું ! એટલે આ સન્માન એમનાં એક જ ઈ–ઉવાળી વીચારસરણીને પણ આપોઆપ મળ્યાનું ગૌરવ અનુભવું છું. આજે જ્યારે સામાન્યથી લઈને મોટા લેખકો ઉપરાંત પ્રકાશકો પણ સાચી જોડણીમાં લખી–પ્રકાશીત કરી શકતા નથી, ને ચારેબાજુ જોડણી વીષયક જાણે અરાજકતા વ્યાપી ગઈ હોય તેવા સમયમાં (ગોવર્ધનરા ત્રીપાઠીથી લઈને શ્રી કનુભાઈ જાની તથા સ્વ. જયંત કોઠારી જેવા ભાષાવીજ્ઞાનીઓએ પ્રેરેલો)આ પ્રયોગ વીચાર માગી લેનારો – ને અમલમાં મુકી દેવા જેવો જણાયો છે. લગભગ ૫૦ ટકા ભુલો આપોઆપ સુધારી આપનારો આ પ્રયોગ ખોટી જોડણી કરીને સહેજ પણ ક્ષોભ ન અનુભવતા લોકો માટે પ્રેરણા આપી શકે એમ છે !!

શ્રી ગોવીન્દભાઈને મળી રહેલા આ વીશેષ સન્માન માટે હું મારા વાચકો વતી એમને અભીનંદન પાઠવું છું અને સંસ્થાને પણ આ ગૌરવ માટે શ્રી ગોવીન્દભાઈની પસંદગી કરવા બદલ આભારસહ ધન્યવાદ પાઠવું છું. – જુ.

======================================================

સન્માન વીષયક માહીતી આપતો લેખ અહીં અક્ષરશ: મુકું છું.

 

ઈન્ટરનેટની દુનીયાના જાણકાર રૅશનાલીસ્ટો ગોવીન્દભાઈથી ખુબ પરીચીત છે. પાંસઠ વર્ષના મારુના ‘અભીવ્યક્તી’ http://govindmaru.com બ્લૉગદ્વારા રૅશનાલીઝમનો જાણે ધોધ વહે છે. આ બ્લૉગમાં તેઓ છેલ્લાં અગીયાર વર્ષથી રૅશનલ વીચારધારા શ્રેણીનું સંચાલન કરે છે. આ શ્રેણી એના નામ પ્રમાણે સમાજવીરોધી રુઢી–વહેમ વગેરેનો વીરોધ કરે છે, અને માનવને આનન્દ આપનાર ‘રૅશનાલીઝમ’નો પ્રચાર કરે છે. આ માટે તેઓ નીવૃત્તી પછી રોજના છ કલાક આપે છે. અત્યાર સુધી 46 જેટલા દેશોના સાડા પાંચ લાખ લોકોએ આ બ્લૉગની મુલાકાત લીધી છે.

રૅશનાલીઝમ પરની 28 ‘ઈ–બુક્સ’નું એમણે પ્રકાશન કર્યું છે. એમની આ પ્રવૃત્તીઓને સુરતના ધોળકીયા ફાઉન્ડેશને ‘વીશીષ્ટ સન્માન’થી બીરદાવી છે. આ ઉપરાંત એઓશ્રી નવસારીના ‘ચર્ચાપત્રી મંડળ’ તેમ જ ‘વીજ્ઞાન મંચ’ના સ્થાપક પદાધીકારી છે. તેઓશ્રીએ રૅશનાલીઝમનો પ્રચાર કરતી કૃતી ગુજરાતના ‘દુરદર્શન’ કેન્દ્ર પર રજુ કરી છે. ન્યુ યોર્ક, અમેરીકાના રેડીયો સ્ટેશન ‘રેડીયો દીલ’ પર રૅશનાલીઝમ અંગે વાર્તાલાપ આપ્યો છે. આવા રૅશનાલીઝમને વરેલા ગોવીન્દભાઈ મારુને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’અર્પણ કરીને ‘સત્યશોધક સભા’ ગૌરવ અનુભવે છે.

  • કાર્યક્રમ

તારીખ : 17/03/2019ને સવારે 10.30 કલાકે

પ્રમુખ : સીદ્ધાર્થ દેગામી

અતીથીવીશેષ : રમેશભાઈ સવાણી

સ્થળ : લોક સમ્પર્ક બ્લડ બેંક

સરદાર પાટીદાર સમાજની વાડીની સામે

સુરત

  • કાર્યશીબીર●

‘સત્યશોધક સભા’ અને ‘ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશન’ના સંયુક્ત ઉપક્રમે રૅશનાલીઝમની પ્રવૃત્તી કરનાર કાર્યકરો માટે તા. 16 અને 17મી માર્ચ, સુરત ખાતે ‘કાર્ય શીબીર’નું આયોજન કરેલ છે. ભાગ લેનારે રજીસ્ટ્રેશ ફી પેટે રુપીયા 100/- ભરવાના રહેશે. અગાઉથી નોંધણી કરાવવી જરુરી છે.

સમ્પર્ક : સીદ્ધાર્થ દેગામી :

94268 06446

સુર્યકાન્ત શાહ :

98793 65173

પ્રેમ સુમેસરા :

94261 84500

સુનીલ શાહ :

94268 91670

મનસુખ નારીયા : 94268 12273

–પ્રા. સુર્યકાન્ત શાહ, મુખ્ય સમ્પાદક, ‘સત્યાન્વેષણ’

લેખકસમ્પર્ક : Prof. SURYAKANT SHAH, 17, Gayatri Ganga Nagar, Near Makanji Park, Adajan, Surat–395009. Mobile :98793 65173 eMail : suryasshah@yahoo.co.in

તા. 15 ફેબ્રુઆરી, 2019ના ‘સત્યાન્વેષણ’ માસીકમાંથી, મુખ્ય સમ્પાદકશ્રીના અને સત્યાન્વેષણના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

–પ્રા. સુર્યકાન્ત શાહ,

મુખ્ય સમ્પાદક, ‘સત્યાન્વેષણ’

 

પોસ્ટ કર્યા તારીખ : 01–03–2019

 

આપણી ‘ગ્રીડસ’ દ્વારા અમદાવાદમાં એક સરસ કાર્યક્રમ ૨૭ જાનેવારીએ

“ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ” (GRIDS) સંસ્થા અંગે અહીં આ પહેલાં લખી ચુક્યો છું. દેશપરદેશનાં લેખકોની રચનાઓને પ્રગટ કરીને ગુજરાતીભાષાનું હીર સૌમાં ઝગમગાવવાની નેમ રાખીને કાર્યરત આ સંસ્થા શ્રી બળવંતભાઈ જાનીના નેતૃત્વે અત્યારે પુસ્તકોના પ્રકાશનમાં વ્યસ્ત છે. આજ સુધીમાં પ્રગટ થયેલાં પાંચ પુસ્તકો (જુઓ અહીં નીચે મુકેલો લેખ) પછી આ માસની ૨૭મીએ બીજાં ત્રણ પુસ્તકોનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ પુસ્તકોનાં લેખિકા છે રેખા પટેલ જેમનાં કાવ્યોમાંથી એકને આ જગ્યાએ મુકેલું….(જુઓ, નીચેનો બીજો લેખ).

પરદેશ વસતાં ગુજરાતીઓને સાથે રાખીને બળવંતભાઈએ ઉપાડેલા આ મહાકાર્યની ઝાંખી કરવાનો લહાવો ૨૭મીએ લઈ શકાશે ! જુઓ આ આમંત્રણ–કંકોત્રી !!

http://www.jjugalkishor.in/lekhako/jugalkishor/parichay-sanstha-2/

http://www.jjugalkishor.in/lekhako/jugalkishor/parichay-vyakti-23/

લતા હિરાણીનું સન્માન !

(‘માતૃભાષા’નાં લેખીકા લતા હિરાણીનું સન્માન બાલીમાં થયું તેનો નાનકડો અહેવાલ રજુ કરવાનો આનંદ છે. તેમનો ટુંકો પરીચય લેખને અંતે મુકાયો છે. સૌ વાચકો વતી અભીનંદન અને આનંદ વ્યક્ત કરવાની તક લઉં છું. – જુ.)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 બાલી અહેવાલ.

‘સૃજનગાથા ડોટ કોમ’ દ્વારા તેરમું આંતરરાષ્ટ્રીય હિન્દી સંમેલન શ્રી રામ અને બુદ્ધની પ્રાચીન ભૂમિ બાલી (ઇન્ડોનેશિયા) ખાતે તા. 3 ફેબ્રુઆરીથી તા. 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાયું. સંમેલનનો વિષય હતો ‘જનતંત્ર કા ધર્મ : ધર્મ કા જનતંત્ર’. ઉદઘાટન બેઠક સહિત કુલ પાંચ બેઠકોનું આયોજન થયું જેમાં હિન્દીના કુલ 40 વિદ્વાનો અને સાહિત્યકારોએ પોતાના આલેખ રજૂ કર્યા. સમગ્ર સંમેલનના અધ્યક્ષપદે હતા પટણા (બિહાર)થી પધારેલા હિંદીના વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. ખગેન્દ્ર ઠાકુર અને સંયોજક તરીકે રાયપુર (છત્તીસગઢ)ના જાણીતા લેખક અને કૉલમીસ્ટ ડૉ. જયપ્રકાશ માનસજીએ સેવાઓ આપી.

તા. 4 ફેબ્રુઆરીએ દ્વિતીય સત્રના અધ્યક્ષ હતા પ્રોફેસર ડૉ. મીનાક્ષી જોશી (સભ્ય, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી) અને મુખ્ય મહેમાન હતાં અમદાવાદના લેખક, કવયિત્રી શ્રી લતા હિરાણી (કાર્યકારી સભ્ય, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર).

અંતિમ બેઠકમાં શ્રી લતા હિરાણીને તેમના સમગ્ર સાહિત્યસર્જન માટે ‘મહારાજા ચક્રધર સમ્માન, 2016’ પ્રદાન થયું.પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, ઉતરાંચલ, અરુણાચલ, કર્ણાટક,, તામિલનાડુ, ગુજરાત  અને નેપાળથી પ્રતિનિધીઓ આવેલા.

લતા હિરાણીનો  પરીચય :                                                                                      

  • ગુજરાત સાહિત્ય અકાદમીમાં કારોબારી સભ્ય; આકાશવાણી અને દૂરદર્શનમાન્ય કલાકાર.
  • દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, નવચેતનમાં કૉલમલેખન.
  • કુલ ૧૪ સર્જનોમાં રાષ્ટ્રીય સાક્ષરતા મિશન અને ગુજરાત સાહિત્ય અકાદમી,ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત પુસ્તકો.      

 

ચાર રસપ્રદ ને સંઘરવા જેવાં પુસ્તકો અરધાથી પણ ઓછી કિંમતે મેળવો !!

(પુસ્તકને સંસ્કૃતિના વાહકો માનનારા પુસ્તકરસિકોને જણાવતાં આનંદ અનુભવું છું. ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રેમ કરનારાં સૌ કોઈ માટે નેટગુર્જરીના આ પાના પર આજે એક રોમાંચિત કરનારા સમાચાર આપવા છે ! પોતાના ને અન્ય પરિચિતોને ઘરે એક સાંસ્કૃતિક થાપણરૂપ કિંમતી ભેટ આવનારા મહાપર્વો નિમિત્તે આપ સૌ પહોંચાડી શકો એવી તક ઊભી થઈ છે !! વાંચો આ મનભાવન યોજના – જુ.)

અહીં તત્કાલ પ્રકાશિત કરવા ધારેલાં ચારેક પુસ્તકોની વિગતો અને યોજના આપી છે. અત્યારે તો આપ પ્રત્યેક પુસ્તકની કેટલી નકલો મંગાવવા ઇચ્છો છો તેની જાણ જ કરવાની છે. પુસ્તકો પ્રગટ થયેથી આપે રકમ મોકલવાની રહેશે. અલબત્ત, આગોતરી રકમ મોકલવા ઇચ્છો તો નીચે વિગતો આપી જ છે.  રકમ મોકલ્યાની જાણ ફોન અથવા ટપાલથી કરવાનું અનિવાર્ય ગણાય.

૧) મનીષીની સ્નેહધારા : (દર્શકના રેણુકા પારેખને લખેલા પત્રો.) દર્શક આપણા બહુપરિમાણી સંસ્કૃતિપુરુષ હતા. તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે પણ વિપુલ પ્રમાણમાં પત્રો લખ્યા છે. એમના પત્રો એટલે “ચેતો વિસ્તારની યાત્રા” અને “પત્રતીર્થ” (મૃદુલાબહેનનાં બે પુસ્તકો). દર્શક જે રીતે પોતાનું અંતરંગ મનોજગત અને જીવનકેન્દ્રી મૂલ્યવાન ચિંતન પ્રગટ કરે છે તે વાચકને પણ સમૃદ્ધ કરે છે…..આ પુસ્તક ડેમી સાઇઝમાં ૨૫૦ પાનાંનું થશે. મુદ્રિત કિંમત રૂ. ૨૨૦/– પણ આગોતરી વર્ધીથી રૂ. ૯૫/–માં અપાશે.

૨) ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ : ભગવાન બુદ્ધના તેઓ ઊંડા અભ્યાસી હતા. તેમની બે નવલકથાઓમાં તે દેખાઈ આવે છે. તેમના પુસ્તક “ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ” નામની રોચક શૈલીમાં લખાયેલી સુંદર પુસ્તિકાનું આ પુનર્મુદ્રણ હશે. ક્રાઉન સાઇઝના આશરે પચાસેક પાનાંની મુફદ્રિત કિંમત રૂ. ૫૦/– હશે પણ આગોતરી વરધી રૂ. ૨૦/–માં.

૩) બે પુણ્યશ્લોક પુરુષો (પૂ. રવિશંકર મહારાજ અને પં. સુખલાલજી) : સ્વ. મૃદુલાબહેને એકાધિક વાર લીધેલી આ બન્ને મહાનુભાવોની મુલાકાતો અને તેમની સાથેનાં સંસ્મરણોનું આ એક નોખું પુસ્તક છે. દર્શકે આ બન્ને પુરુષોને “કૈલાસ અને ગૌરીશંકર શિખર” કહેલા. અને આ પુસ્તકને “ચારુ ચરિત્ર કિર્તન” કહીને આવકારેલું. ત્રણેક દાયકાથી અપ્રાપ્ય રહેલા આ પુસ્તકનું પુનર્મુદ્રણ ડેમી સાઇઝમાં આશરે ૧૨૫ પાનાનું થશે. કિંમત રૂ. ૧૨૦/– પણ આગોતરી વેશરધીમાં રૂ. ૫૫/–

૪) મિલે સૂર મેરા તુમ્હારા (સંસ્મરણાત્મક આત્મકથન – મીરાંબહેન ભટ્ટ) : લેખિકા આપણાં સર્વોદય અગ્રણી અને વિદૂષી સર્જક છે. તેમનાં વિનોબાજી તથા અન્ય મહાનુભાવો સાથેના સંસ્મરણો ઉપરાંત પ્રવાસ, જીવનના મહત્ત્વના પડાવો, ગહન ચિંતન વગેરેને તાજગીભરી ને રસભરપૂર શૈલીમાં રજૂ કર્યાં છે. ડેમી સાઇઝમાં આશરે ૨૨૫ પાનાંની કિંમત રૂ. ૨૦૦/– પરંતુ આગોતરી વરધીમાં રૂ. ૯૦/– ફક્ત.

નોંધ : કોઈ પણ એક કે બધાં પુસ્તકો આગોતરી વરધીથી મંગાવી શકાશે. પૂરો એક સૅટ મુદ્રિત ૫૯૦/– કિંમતનો આગોતરી વરધીમાં રૂ. ૨૬૦/–માં અને એક સાથે દસ કે તેથી વધુ મંગાવનારને રૂ. ૨૫૦/–માં મળશે. આગોતરી કિંમતના ૧૦% રકમ રવાનગી ખર્ચ પેટે વિશેષ મોકલવાની થશે.

સંપર્ક

અક્ષરભારતી, વાણિયાવાડ, ભુજ (કચ્છ) ફોન નં. ૦૨૮૩૨–૨૫૫૬૫૯/૨૩૦૧૪૩

(ઓર્ડર સાથે આપનો ફોન નં. લખવો)

બૅંકની વિગત : અક્ષરભારતી પ્રકાશન, બૅંક ઓફ બરોડા.

બૅંકના ખાતા નં. 25450200000185 IFSC CODE – BARBOBHUKUT

પુસ્તકો દર્શકની જન્મતિથિ ૧૫ ઓક્ટોબર, ૨૦૧૬ના પ્રગટ થઈ તરત રવાનગી થશે.

 

વિનીત,

પ્રવીણ મહેતા (મણાર)  રામચંદ્ર પંચોલી (સણોસરા)  રેણુકા પારેખ (રાજકોટ)  રમેશ સંઘવી (ભુજ)

 

પાંચ પુસ્તકોનો લોકાર્પણ વીધી – મનભાવન ઉત્સવ

 

Book Launching Photo

‘અમદાવાદ નેશનલ બુક ફેર 2016’માં લેખિકા અને કવયિત્રી લતા હિરાણીના પ્રકાશિત થયેલા નવાં પાંચ પુસ્તકો – ‘સંવાદ’, ‘ગુજરાતના યુવારત્નો’, ‘બુલબુલ’ તથા કાવ્યસંગ્રહો ‘ઝળઝળિયાં’ અને ‘ઝરમર’ના લોકાર્પણનો કાર્યક્રમ તા. 4 મે 2016ના રોજ સંપન્ન થયો.  ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર શ્રી ભાગ્યેશ જહા, સુપ્રસિદ્ધ અને લોકપ્રિય વાર્તાકાર રજનીકુમાર પંડ્યા, જાણીતા વિવેચક પ્રો. સુમનભાઈ શાહ, ડે. મ્યુનિસિપલ કમિશ્નર શ્રી દેવાંગ દેસાઇ અને અમદાવાદ બુક ક્લબના સંચાલક શ્રીમતી ખુરશીદજીના હસ્તે પુસ્તકોનું લોકાર્પણ થયું. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીની કાર્યક્રમની મુલાકાતથી સોનામાં સુગંધ ભળી. 

– લતા હિરાણી

કોચરબ સભા : એક યાદગાર મિલન

– જુગલકીશોર.

પ્રાસંગિક :

આ વખતની સભામાં વેબગુર્જરી સાથે સીધા જ સંકળાયેલાં સૌને મળવાનું અને – મોટાભાગનાં સભ્યોએ કહ્યું તેમ – નામ અને લખાણોથી જેમને જાણીએ છીએ તેમને રૂબરૂ મળવાનું થશે તે બાબત જ સૌને માટે આકર્ષણનો વિષય હતી.

IMG-20151123-WA0003

વિજયભાઈ જોશી તથા તેમનાં પત્ની વૈશાલીબહેન સમયસર આવી ગયેલાં એટલે તેમને લઈને વલીભાઈએ સત્યાગ્રહ આશ્રમની નિરાંતે મુલાકાત લીધી. ગાંધીજીના ખંડો, પુસ્તકાલય તથા એક પ્રદર્શન વગેરે જોઈને એક લટાર આ મજાના સ્થાનની લીધી. સ્થાનિક વેગુસભ્યોમાં જુગલભાઈ તેમની સાથે નવયુવાન કમ્પ્યુટર ટૅકનિશિયન ઈશિત મહેતાને લઈને આવ્યા તો અશોક વૈષ્ણવ તથા સુસ્મિતાબહેન વૈષ્ણવ અને બીરેન કોઠારી તથા કામિનીબહેન કોઠારી એ સૌ યજમાન તરીકે આવી પહોંચેલાં.

એક બાજુ સભ્યો જેમજેમ આવતાં ગયાં તેમતેમ એકબીજાને મળવા ટુકડીઓમાં બેસીને વાતે વળગ્યાં તો બીજી બાજુ જાન્યુઆરીથી શરૂ થનારા વેબગુર્જરીના ચોથા વરસની કેટલીક તૈયારીઓ અને વેબગુર્જરી સાઇટ માટેના કેટલાક ટૅકનિકલ ફેરફારો અંગેની વિચારણા કરવા અશોક વૈષ્ણવ અને ઈશિત મહેતાની લંબાણ ચર્ચા ચાલી.

દરમિયાન વલીભાઈના પુત્ર અકબરભાઈનો પૂરો સ્ટાફ સભાની વ્યવસ્થામાં લાગી ગયો હતો. ટેબલ–ખુરશીની ગોઠવણી થતાં સૌ યથાસ્થાને બેઠાં. ટેબલની વ્યવસ્થા કહેવા પૂરતી, એક સગવડરૂપે જ હતી, બાકી બીરેન કોઠારીએ કહ્યું તેમ, ટેબલને ગણ(કાર)વાનું નહોતું ! સભાનાં સૌ સભ્યોનું વર્તુળ ટેબલ છતાં વર્તુળ જ રહ્યું અને એમ સભાની કાર્યવાહીને વાતચીતની કૂકરીનો એ હળવો ઠેલો વાગતાં જ સભા આરંભાઈ.

કોચરબ આશ્રમના મુખ્ય વ્યવસ્થાપક રમેશભાઈ ત્રિવેદી તથા વેગુ–યજમાનોના પ્રતિનિધિ શ્રી વલીભાઈ અને તેમનાં કુટુંબસભ્યોની હાજરી ધ્યાનાર્હ હતી.

પ્રાસ્તાવિકરૂપ બે વાતો જુગલકિશોરે કહી. પોતે વેબગુર્જરીને એક સામયિકથી ઉપર, એક સંસ્થારૂપે જોયું છે. સંસ્થાઓને સામાન્યરીતે જમીન–મકાન–સ્ટાફ–નાણું વગેરેની જરૂર હોય છે. પણ નેટ પરની આ સંસ્થા આકાશી છે. એના સંચાલકો ભલે જમીન પર હોય પરંતુ સંસ્થાના કાર્યક્રમોનો વ્યવહાર તો આકાશી જ રહે છે. આવું આ કાર્ય જો સફળતા પામે તો એક નવા પરિમાણનું આશ્ચર્ય સર્જે ! વેબગુર્જરીનો આરંભ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે થયેલાં લક્ષ્યોને સિદ્ધ કરવાની સફર હજૂ ચાલુ જ છે.

હજી તો ત્રણ વરસ પણ જેને પૂરાં થયાં નથી તેવી આ પ્રવૃત્તિનો વાચકઆંક ૩૧ લાખને વટાવી ગયો છે જેમાં કારણભૂત વેગુના દોઢસો જેટલા લેખકો અને વાચકોના અખૂટ રસને ગણાવી શકાય. ઘણી સાઇટો પર લેખકોની સંખ્યા મોટી તો હોય જ છે પણ તેવા દાખલાઓમાં લખાણો લેખકોના હોય છે એટલું જ, બાકી લેખકોની સક્રિયતા સાઇટ પર હોતી નથી. જ્યારે વેગુના લેખકો પોતાનાં લખાણો સીધાં વેગુને મોકલીને સીધી ભાગીદારી કરે છે ! વાચકોના અભિપ્રાયો જાણીને વળતા ખુલાસાઓ પણ કરે છે ને પોતાને વેગુના સભ્ય ગણીને વેગુને ગૌરવ પણ અપાવે છે !!

આવનારા સમયમાં, ૨૬મી જાન્યુઆરીએ, હવે જ્યારે આપણે ચોથા વર્ષમાં પ્રવેશી રહ્યાં છીએ ત્યારે વેગુનાં વર્તમાન કાર્યોને વેગ આપવા ઉપરાંત આપણા નક્કી થયેલા હેતુઓ મુજબની બીજી પણ કેટલીક પ્રવૃત્તિઓ હાથ પર લેવાની થશે ને જેને માટે ખાસ તો યુવાનોની આ કાર્યમાં જરૂર પડવાની છે. આજની આ સભામાં સૌ કોઈ વેબગુર્જરીને માટે, તેના ભાવિ વિકાસ માટે સૂચનો પણ કરશે તેવી અપેક્ષા દર્શાવી, સૌ સભ્યોને આવકારીને તેમણે સૌને પોતાના પરિચય સાથે વક્તવ્યો પણ રજૂ કરવા વિનંતી કરી હતી.

પરિચય વિધિ :

ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ અધ્યાપક તથા પ્રિન્સિપાલ પુરુષોત્તમભાઈ પટેલે પોતાના માતૃભાષા અભિયાન તથા તેના વાહક ‘પ્રગતિશીલ શિક્ષણ’ સામયિકની વાત કહી. તો ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતીના વિભાગીય વડા અરવિંદભાઈ ભાંડારીએ “ન ગમતા વિષય” વ્યાકરણના પોતાના લેખો વેગુ પર પણ સારું આકર્ષણ જમાવી શક્યા છે તેનો આનંદ વ્યક્ત કર્યો. એક ખાસ સમાચાર આપતાં તેમણે કહ્યું કે અમારા “માતૃભાષા અભિયાન”ને સરકાર તરફથી એક કાર્ય મળ્યું જે અંતર્ગત સરકાર તરફથી “ગુજરાતી ઓન લાઈન” આઠેક માસમાં જ શરૂ થવામાં છે. આના દ્વારા તાલીમ કોર્સિસ પણ શરૂ થવામાં છે !

WP_20151122_16_28_04_Pro

સાઉદી અરેબિયામાં ચારેક વર્ષ એન્જીનિયર તરીકે કામ કરી ચૂકેલા આપણા એક લેખક ત્રિકુભાઈ મકવાણા; કૉલેજમાં અભ્યાસ કરી રહેલાં જ્યોતિબહેન ઝાલા; લેખિકા પ્રીતિબહેન ટેલર; દિવ્ય ભાસ્કરના કૉલમલેખક લતાબહેન હિરાણી; વેગુના “સ્ત્રી શક્તિ–” કૉલમના સંપાદિકા મૌલિકા દેરાસરી; વેગુમાં જેમનાં અંગ્રેજી કાવ્યોના અનુવાદો પ્રગટ થાય છે તે કૉલેજના પ્રોફેસર મુકેશ રાવલ; પોતાનો સ્વતંત્ર બ્લૉગ પ્રગટ કરતા પ્રકાશભાઈ નાકરાણી; પોતાને કિશોર ઠાકરની આંગળી પકડીને સભામાં આવેલા તરીકે ઓળખાવનારા (પરંતુ કિશોરભાઈના કહેવા મુજબ તો ૪૫ વરસના દિલીપભાઈની સાથેના સાહિત્ય તથા રૅશનલિઝમના શોખે જ કિશોરભાઈ વેગુ સાથે સક્રિય થયા છે !) દિલીપભાઈ જોશી; “વેગુનો ફક્ત વાચક જ છું” કહીને છૂટી જવા માગતા વેગુચાહકો સમીરભાઈ ધોળકિયા તથા દિલીપભાઈ શુક્લ; રજનીકુમાર પંડ્યાની પ્રેરણાએ પોતે લખતાં થયાનું અને બીરેનભાઈથી બ્લૉગર થયાનું કહેતા બિનીત મોદી; કોચરબસભાને પોતાની ગઝલોથી ડોલાવી દેનારા મુસાફિર પાલનપુરી તથા એ.ટી. સિંધી ‘મૌલિક’ ઉપરાંત સર્વશ્રી એસ. કે. રોહિત તથા અકબરભાઈ અને મહમ્મદભાઈ મુસા સહિત સૌ સભ્યોએ પોતાનો પરિચય આપવાની સાથે સાથે વેબગુર્જરી દ્વારા નેટજગતને મળેલી વિશેષ વાચનભેટનો આનંદ વ્યક્ત કર્યો હતો બલકે પોતે પણ આ કાર્યમાં સાથે હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મિલનસભાના આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વેગુને શુભેચ્છાઓ પાઠવી હતી…. કામિનીબહેન કોઠારી તથા વૈશાલીબહેન જોશીએ પોતે પતિને વેગુના કાર્યમાં સાથ આપી રહ્યાંનું જણાવ્યું હતું.

કેટલીક વિશેષ રજૂઆતો :

વલીભાઈએ આ પહેલાંની સભાઓનો ઉલ્લેખ કરીને આ વખતની સભામાં સભ્યોની મોટી હાજરીનો આનંદ વ્યક્ત કર્યો હતો. એમાંય આ વખતે તો સૌ વેગુ–લેખકોની જ હાજરી વિશેષ રહેવાની છે તે વાતે આ સભા પાસે વિશેષ અપેક્ષાઓ પણ રાખી હતી. સભાના સ્થળ સિવાયની બધી જ વ્યવસ્થા પોતાના પુત્રની હોટેલ દ્વારા થઈ હોઈ સૌને એ દૃષ્ટિકોણથી પણ યજમાની આવકાર આપ્યો હતો.

કોચરબ આશ્રમના વ્યવસ્થાપક રમેશભાઈએ આશ્રમનો ઇતિહાસ કહ્યો હતો. દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સૌ પ્રથમ અહીંથી પ્રવૃત્તઓ શરૂ કરેલી. અહીં જ તેમને દેશના મહાન નેતાઓ મળ્યા હતા. આ ભૂમિની રેતીમાં તેમનાં પગલાંનું મહત્ત્વ સમજીને કેટલાય લોકો અહીં પગમાં ચંપલ–બુટ પહેરવાનું ટાળે છે. અનેક સંસ્થાઓ આજે પણ અહીં આવીને નિયમિત રીતે પ્રવૃત્તિ હાથ ધરે છે….તેમણે વેબગુર્જરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

અશોક વૈષ્ણવે કહ્યું કે, આવાં કાર્યોમાં વ્યક્તિવિહીનતા મહત્ત્વની હોય છે. સંસ્થારૂપ આપવા વખતે સંસ્થાને યુવા કાર્યકરોની ટીમ પણ એટલી જ જરૂરી ગણાય. જેઓ લેખક નથી તેઓ પણ આ કાર્યમાં જોડાઈને યોગદાન આપી શકશે.

વેડછી અને ગુજરાત વિદ્યાપીઠનાં વિવિધ વિભાગોમાં પ્રદાન કરી ચૂકેલા પ્રવીણભાઈ ડાભીએ મજાની વાતથી શરૂઆત કરી. કહ્યું કે “શીખી શકાય છે પણ શીખવી શકાતું નથી છતાં ‘કઈ રીતે શીખવવું’ તે વાત શીખી શકાતી હોઈ અમે એના પર કામ કરેલું.” પોતે કમ્પ્યુટર જગતનો કક્કો શીખી રહ્યા હોઈ અહીં સૌ પાસેથી કંઈક શીખવાની અપેક્ષાથી આવ્યા છે.

પુરુષોત્તમભાઈ તથા અરવિંદભાઈએ વેબગુર્જરીના માધ્યમથી ભાષાના પ્રસાર–પ્રચાર અને વિકાસની તકો હોઈ તેનો ભરપૂર લાભ લેવા કહ્યું.

IMG-20151123-WA0001

તા. ૨૨મી નવેમ્બર, ૨૦૧૫ની અમદાવાદમાં થયેલ વેગુમિલનસભામાં રજનીકુમાર પંડ્યા પોતાની લેખનસફરનો પરિચય કરાવી રહ્યા છે.

રજનીકુમાર પંડ્યાએ વાર્તાની સરસ વ્યાખ્યા કરીને કહ્યું કે “છુપાવીને કહેવાની કળા એ વાર્તા.” સૌ કોઈ સર્જક બની ન શકે. પણ સાહિત્યની સેવા તો ઘણી રીતે થઈ શકે છે. એમણે જૂની ફિલ્મોનાં સર્જકોનાં કાર્યોનું, વીસમી સદી જેવા અત્યંત જૂના સામયિક અંગેનું, શાકુંતલ તથા મેઘદૂતના ઓડિયો રૂપાંતરણનું જ્યુથિકા રૉયના પુસ્તકના સંપાદનનું જેવાં મહત્ત્વનાં કાર્યોની વિગતો પણ આપી હતી.

સભાના મુખ્ય મહેમાન વિજયભાઈએ પોતે વિદેશથી આવીને હાજરી પુરાવી તેને એક નિમિત્ત ગણાવીને, સભામાં ઉપસ્થિત જાણીતા સાહિત્યકારો સમક્ષ ચૅરમાં બેસવાનો સંકોચ અનુભવતા હોવાનું જણાવ્યું. વેબગુર્જરી અંગે દૂર બેઠે પણ પોતે કેવી ચાહના ધરાવે છે તેની વાત કરતાં તેમણે વેગુમાં કોન્ટીટીની સાથે જ ઉત્તમ ક્વૉલિટી મળતી હોવાનો પૂરો સંતોષ વ્યક્ત કર્યો.

મુરજીભાઈએ એક વિશેષ વાત કરી. કહ્યું કે વેગુની વાત આવે ત્યારે મને સરદાર વલ્લભભાઈ યાદ આવે ! એમણે જેમ રજવાડાંને ભેગાં કર્યાં હતાં તેમ વેગુએ અનેક સર્જકો–સંસ્થાઓ–સંયોજકો વગેરેને એક જ કાર્યક્ષેત્રે ભેગાં કરી આપ્યાં છે ! સભામાં તેમની બે પુસ્તિકાઓ “માન્યતાની બીજી બાજુ” તથા “વિચારવા જેવી વાતો” સૌ સભ્યોને વહેંચવામાં આવી હતી.

તાજેતરમાં જ  ‘કુમાર’ સામયિકમાં પ્રકાશિત થયેલી જેમની વાર્તાને ‘કુમાર ટ્રસ્ટ’ દ્વારા સંચાલિત ૨૦૧૪નું ‘કમલાબહેન પરીખ લેખિકા પારિતોષિક’ મળ્યું છે તેવાં નિમિષાબહેન દલાલે ‘પ્રતિલિપિ’ સાઇટ અંગે વાતો કરી હતી. તો તેમની સાથે આવેલા વયોવૃદ્ધ પિતાશ્રી મનુભાઈ દેસાઈએ ભાવપૂર્ણ શૈલીમાં કહ્યું હતું કે પત્નીના અવસાન બાદ ઊભી થયેલી એકલતાના ઉપાયરૂપે પોતે વાંચવા–લખવાનું શરૂ કર્યું હતું. પોતાના કેટલાક અનુભવો પણ તેમણે વર્ણવ્યા હતા.

મીઠી વાનગીઓ !

આ પછી વલીભાઈ પરિવાર દ્વારા સૌને સ્વાદિષ્ટ વ્યંજનો સાથે નવતાડના સમોસા પીરસવામાં આવ્યા હતા. આ સમોસા હવે વેગુની સભાઓના અંગરૂપ બની ચૂક્યા છે. એની સાથે છેલ્લે પીરસાતો આઇસ્ક્રીમ પણ સભાનું સમાપન સ્વાદેન્દ્રિયના સંતોષ દ્વારા, કહો ને, મધુરેણ સમાપયેત કહેવડાવનારો બની રહે છે.

પણ આ વખતની સભામાં એક વાત નવી હતી. મુસાફિર પાલનપુરી તથા એ.ટી.સિંધી ‘મૌલિક’ની પાલનપુરી બોલીમાં રજૂ થયેલી ગઝલોએ તો રમઝટ બોલાવી હતી !!

આભારદર્શન :

છેલ્લે જુભાઈએ ભારતીય સામાન્યજનની ભાષાના મહત્ત્વને નેટ પર સ્થાપવાની વાત કહી, પ્રદેશ, દેશ અને વિદેશોમાં ફેલાયેલી ગુર્જરીની સેવાની અપીલ કરવાની સાથે આજે વિદેશોમાં ગુર્જરીની ચાહના પ્રદેશ કરતાંય વધુ જોવા મળતી હોવાનો નિર્દેશ કર્યો હતો. ચોથા વર્ષમાં પ્રવેશવા આવેલી વેગુપ્રવૃત્તિ માટે યુવાનોને આગળ આવવા વિનંતી પણ કરી હતી ને ખાસ તો દરેક દેશમાં ભાષા નિમિત્તે નાનાંમોટાં જૂથોમાં સૌ મળીને વેગુની પ્રવૃત્તિને વધુ ઘનિષ્ઠ, વધુ વૈવિધ્યસભર અને વધુ સાર્થક બનાવે તેવી અપેક્ષા બતાવી હતી.

આજની સભામાં વિદેશ ઉપરાંત પાલનપુર, સૂરત, વડોદરા વગેરે દૂરનાં સ્થળોથી આવેલાં સૌ કોઈનો ભાવપૂર્વક આભાર માન્યો હતો. તેમણે વેગુનો વિકાસ એના લેખકો અને વાચકોને આભારી હોવાનું ગણાવીને લેખકો–વાચકોને પણ યાદ કર્યા હતા. સભાના સભ્યોની આગતાસ્વાગતા અને કિંમતી સરભરા કરવા બદલ અકબરભાઈ મુસા તથા તેમના કર્મચારીઓનો અને દર વખતે આ જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારવા માટે વલીભાઈનો પણ આભાર માન્યો હતો.

વેબગુર્જરીને સભા માટે આવું રમણીય ને ગાંધીસ્પર્શે અમોલું એવું સ્થાન ઉપલબ્ધ કરી આપવા બદલ સંચાલક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠનો, કોચરબ આશ્રમનો તથા વ્યક્તિગત રીતે રમેશભાઈનો પણ સાદર આભાર માન્યો હતો.

સભાનું સફળ સંચાલન કરીને બીરેન કોઠારીએ આ સંમિલનને એક કૌટુંબિક મેળાવડાનું વાતાવરણ પૂરું પાડ્યું હતું.

અનુસંધાનીય :

સર્વશ્રી દિલીપ શુક્લ, ત્રિકુ મકવાણા, મૌલિકા દેરાસરી, અશોક વૈષ્ણવ, બીરેન કોઠારી, સમીર ધોળકિયા, વલીભાઈ, હિરણ્ય વ્યાસ, મુરજીભાઈ, કિશોર ઠાકર તથા અરવિંદભાઈ ભાંડારી વગેરે દ્વારા પાઠવાયેલ ઈમેલ પ્રતિભાવોમાં સૌએ પોતાને થયેલા સુખદ અનુભવની વાત કરીને, કેટલાંક કિંમતી સૂચનો સાથે અવારનવાર આવી જ રીતે મળતાં રહેવાની આશા અને વેગુના વિકાસમાં સક્રિયતાથી જોડાવાની વાતે ભાર મૂકીને વેગુ સંચાલકો તથા વલીભાઈનો ખૂબ આભાર માન્યો છે.

સૌજન્ય : વેબગુર્જરી

વ્યક્તીવીશેષોના સાન્નીધ્યે કોચરબના રમણીય સ્થળે ‘વીશેષ સભા’માં હાજર રહીશું ?

તા. ૨૨મી નવેમ્બર, ૨૦૧૫ના રોજ અમદાવાદની મધ્યમાં એક ઐતીહાસીક અને રમણીય સ્થળે વેબગુર્જરી પરીવારનું વીશેષ સ્નેહમીલન યોજાયું છે.

આ સભાના મુખ્ય અતીથી – વેબગુર્જરીને પોતાનું કીંમતી યોગદાન આપી રહેલા, અમેરીકાસ્થીત – શ્રી વિજયભાઈ જોશીના સાન્નીધ્યમાં, અમદાવાદ, વડોદરા તથા અન્ય સ્થળોથી હાજર રહેનારા કેટલાક મહાનુભાવોની ઉપસ્થીતીમાં અમે મળવાનાં છીએ !!

વેગુ પરીવાર સાથે સંકળાયેલા સભ્યો ઉપરાંત બ્લૉગર્સ અને જુદાંજુદાં ક્ષેત્રોમાં યોગદાન આપી રહેલ વીશેષ વ્યક્તીઓની ઉપસ્થીતી આ સભાનું આકર્ષણ હશે.

તારીખ : ૨૨–૧૧–૨૦૧૫

સમય : સાંજના ૪.૦૦થી

સ્થળ : ગાંધીજી દ્વારા સૌથી પ્રથમ જેની સ્થાપના થયેલી તે અતી રમણીય ને ઐતીહાસીક કોચરબ આશ્રમ : પાલડી, અમદાવાદ.

આ સભાની સ્વાગતા અને ભાવભરી યજમાનગીરી શ્રી વલીભાઈ અને તેમનો ‘હોટેલ સફર ઇન’ પરીવાર સંભાળશે. કોચરબ આશ્રમ તથા તેના વ્યવસ્થાપક શ્રી રમેશભાઈ ત્રિવેદીના સૌજન્યનો લાભ પણ આ સભાને મળશે.

આ જાહેર જાણકારી આપીને વેગુ પરીવારજનો અમે, સૌ કોઈ રસીકજનોને આ મહત્ત્વના સ્નેહમીલનમાં ભાવસભર નીમંત્રણ સાથે આવકારવા ઉત્સુક છીએ.

સંપર્ક માટે ટેલીફોન નંબ રઃ
વલીભાઈ મુસા : +91 93279 55577; જુગલકીશોર વ્યાસ : +91 94288 02482; અશોક વૈષ્ણવ : +91 98252 37008; બીરેન કોઠારી : +91 98987 89675; અકબર અલી મુસા, ડાયરેક્ટર, હૉટેલ સફર ઈન : +91 93770 09077; ફ્રાંસીસ ડિસોઝા, જનરલ મૅનેજર, હોટેલ સફર ઈન : +91 93740 10050

‘વેગુ’પરીવાર વતી –

વલીભાઈ મુસા

જુગલકીશોર

અશોકભાઈ વૈષ્ણવ

બિરેનભાઈ કોઠારી