‘લોક શિક્ષણ’ને સહયોગ : follow અને ‘like’ દ્વારા જોડાવા આમંત્રણ !!

ફેસબુકે એક નવું પાનું ઉમેરાયું છે : “લોક શિક્ષણ”.

આ પાનું મારી જ સલાહથી ખોલવામાં આવેલું. પણ આરંભ કરીને ખસી જવાની વૃત્તિએ કરીને હું નિષ્ક્રીય રહયો એથી વાત આગળ વધેલી નહીં.

હવે એ કામગીરીને સક્રીય મદદ કરનારા યુવાનો મળી આવતાં મેં એમાં ટેકો કરવાનું કબુલ્યું છે.

શી છે આ લોક શિક્ષણની વાત ? તો કહું કે –

સામાન્ય જનને શિક્ષણમાર્ગે–માધ્યમે ઉપયોગી થવાના ત્રણ મુખ્ય રસ્તા છે.

૧) એમને એમની આજીવિકાની કામગીરીમાં વધુ ઉપયોગી તાલીમ આપવી. (સ્કિલ ડેવલપમેન્ટ);

૨) કુટુંબની કુલ આવકમાં વધારો કરવા માટેની / પૂરક રોજી માટેની નવી વ્યાવસાયિક તાલીમ આપવી. (પૂરક આવક માટેની નવી સ્કિલ આપવી);

૩) સામાન્યજ્ઞાન દ્વારા –

ક: વ્યાવસાયિક બાબતોનું,

ખ: નાગરિકત્વ બાબતોનું,

ગ: કૌટુંબિક બાબતોનું અને

ઘ: વ્યક્તિગત વિકાસની બાબતોનું સામાન્યજ્ઞાન આપતી સૈધ્ધાંતિક તાલીમ આપીને સૌને સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવું. (જનરલ નૉલેજ ફોર ઇન્ડસ્ટ્રી, સિટીજનશીપ, ફેમિલી એન્ડ પર્સ્નાલિટી ડેવલપમેન્ટ).

ઉપરોક્ત વિષયો માટેના શક્ય તેટલા વિષયનિષ્ણાતો અને તાલીમજૂથ તૈયાર કરવા માટેનાં સંયોજકો આ સંસ્થા રાખે છે અને વધુ ને વધુ વ્યક્તિઓને નિમંત્રણ આપીને  ભરતી કરવામાં આવે છે.

  • તાલીમનું સ્થળ તાલીમાર્થીઓને અનુકૂળ હોય તેવું નજીક જ હોય છે.
  • તાલીમનો સમય તાલીમાર્થીઓને અનુકૂળ હોય તે જ રાખવામાં આવે છે.
  • તાલીમનો વિષય પણ તેમની માગણી મુજબનો હોય છે.
  • તાલીમ અભ્યાસક્રમની ગુંથણી, તાલીમજૂથની કક્ષા અને તાલીમપ્રકાર મુજબ અલગઅલગ રીતે કરવામાં આવે છે.

વધુ વિગતો માટે હવે પછી.

સંપર્ક : લોક શિક્ષણ ઇમેઇલ આઇડી : Lokshikshantrust@gmail.com 

ફેસબુક પાનું : https://www.facebook.com/Lok-Shikshan-139744403316125/?ref=bookmarks

ફોન નંબરો : (અભિષેક) 8469681997 / (સૌમ્ય) 9712975707 / (મારો નંબર) 9428802482

જીવન સેવાએ–મૃત્યુ સ્વેચ્છાએ !!

                                         —કનુભાઈ જાની.

( ગુજરાતના એક અદ્વીતીય સપુતની જીવનલીલા સંકેલાઈ છે. આ જમાનાની ન લાગે તેવી જીવની અવશ્ય વાંચીએ.)

78 વર્ષની ઉંમરે ડૉ.વસંતભાઈ પરીખે ‘ચાહીને’ વીદાય લીધી ! ‘ચાહીને’ બેય અર્થમાં-‘સ્વેચ્છાએ’ અને ‘સ્નેહે કરીને’. સેવા, સ્નેહ અને સાહીત્ય ત્રણે ક્ષેત્રે એ અનોખા અને અવીસ્મરણીય. જીવનને તેઓ સેવા-સ્નેહ માટેનો અવકાશ માનતા. એટલે જ યૌવનને આરંભે જ જીવનને સેવા માટે અર્પણ કરવા બ્રહ્મચર્યનું વ્રત લીધું. વાગ્દત્તાને લગ્નની સવેળા ના પાડી. પણ આ તો પ્રભા ! કહે, ‘હું યે અશારીર પ્રેમની સેવાવ્રતીની થઈશ.’બહુ સમજાવ્યાં.ના માન્યાં. તો, ડૉ.કહે, હું ડૉક્ટર; તમે થાવ દરદીઓનાંપરીચારીકા-નર્સ’. ‘ભલે’.

અમદાવાદની વા.સા.હોસ્પીટલમાં નર્સીંગના  વર્ગો ચાલે.રત્નપ્રભાબહેનને દાખલ કરાવવા ગયાં બંને. તો એ લોકો કહે, ‘પ્રવેશ ન મળે !તેઓ માત્ર આઠમા ધોરણ સુધી જ ભણેલાં છે.’ વસંતભાઈ ચીન્તક ને મક્કમ, સાચદીલા સેવા વ્રતી.  પ્રશ્નો મુકયા: ‘કોઈ ડૉક્ટર પોતાનાં પત્નીને આમમદદગાર થવા નર્સીંગમાં મુકવા આવ્યા છે કે? આ અભ્યાસક્રમમાં કોઈ ઉચ્ચ વર્ણના ભણવા આવે છે ખરા કે ?’ જવાબો વીચારતાં કરી મુકે એવા હતા. ને પછી અપવાદ-વીશેષ તરીકે પ્રવેશ મળ્યો.નર્સીંગ પાસ.

પછી તો જ્યોતીસંઘમાં પણ જોડાયાં અને બહેનોના પ્રશ્નોમાં રસ લીધો. ડૉક્ટર સાહેબે વડનગરમાં હોસ્પીટલ શરુ કરી પણ કમાણી માટે નહીં, નરી સેવાર્થે. 176 પથારીની બની રહી ! દર્દીઓ જ નહીં સાથેનાં સૌ કોઈ માટેની જમવા સુધીની સગવડવાળી હોસ્પીટલ ! ઉપરાંત રત્નપ્રભાબહેન સંચાલીત પ્રસુતીગ્રહ પણ ખરું ! આગળ જતાં આ બન્નેનું ઘર સેવાશ્રમ બની ગયું, અનેક સેવાસંસ્થાઓનું સંકુલ. જુનાં-નવાં કપડાં લેવા આપવાનાં; સીવવાનાં;વહેંચાવાનાં. અન્નક્ષેત્ર પણ ચાલે !

દુષ્કાળ, ધરતીકંપ, અતીવૃષ્ટી,સુનામી, રોગચાળો-વગેરેમાં જાણ થતાંવેંત પહોંચી જાવાનું સહજ. બે વ્યક્તીની બનેલી આ સેવાફોજ ગુજરાતમાં વીખ્યાત. 48 વર્ષની આવી જ સેવાગાથા. આ જ એમની ગૃહસ્થાઈ. એવામાં એક વાર કોઈ નીરાધાર સ્ત્રી પ્રસુતી બાદ અવસાન પામી. ઈશ્વરે મોકલીને આશા પુરી ગણી ઉછેરી. આજે એ અમેરીકામાં સુઝી છે. આવાં તો અનેક બાળકો. પાનાંનાં પાનાં ભરાય એટલી કથાઓ પડી છે, એમણે લખેલાં કેટલાંક સચવાયેલાં પાનાંઓમા. ગરીબોના આ મોટા બેલીની વાતો ગુજરાત માટે કીમતી સંગ્રહ બની શકે એમ છે.

વસંતભાઈ ચીન્તક,કવી,ચરીત્રકાર,અનુવાદક,સાહીત્યનો જીવ, અંદરથી ભરેલો, સાચુકલો જીવ. અંદરનું તેજ શબ્દરુપ લઈને ક્યારેક બહાર ડોકાય, ને જે સર્જન થાય તે ય પચીસેક પુસ્તકો તો ખરાં જ, સારી કોટીનાં. મોટાભાગનાં એક ઈ-ઉમાં લખાયેલાં. જોડણી અંગેના કોઈ વળગણથી નહીં પણ પુરી પ્રતીતી સાથેનું જોડાણ. એમનું ગદ્ય સાદું નહીં, સરળ ખરું પણ સર્જનાત્મક. ગીતો-પદ્યો મઝાનાં. એમનું ‘રવીલહર’ તો ઉત્તર ગુજરાત યુનીવર્સીટીમાં એમ.એ.માં એક પાઠ્યપુસ્તક હતું ! ચરીત્રો,પ્રસંગચીત્રો, નીબંધો એમનો લેખન-વીશેષ. ચરીત્રો વગેરે તો વાંચવાં શરુ કર્યાં પછી મુકવા મન ન થાય એવાં. પત્રલેખનમાં તો તેઓ ખીલતા. કટોકટીકાળની જેલમાંથી રત્નપ્રભાબહેનને લખેલા પત્રો તેમનું વીશાળ વાચન દર્શાવી આપે. 
 

પતી-પત્ની બંને ખાદીવ્રતી.કાંતે. પ્રાર્થના.સંસ્કૃત,અંગ્રેજી,ગુજરાતે,હીન્દી,બંગાળી કવીતામાં વસંતભાઈને જીવંત રસ.એટલે લેખનમાં પદ્યોની આવન-જાવન સહજ હોય જ. પોતેય ગદ્યમાંથી પદ્યમાં સરી પડે.આપણા વીવેચકોની નજરે આવા ઓલીયાની કૃતીઓ કેમ નહીં પડી હોય ? એક ઈ-ઉની સુગ ? ‘સાહીત્યકોશ’ કે ‘વીશ્વકોશ’માં તો ક્યાંથી હોય ?! અજબ ચીન્તક, ગહને લઈ જાય. એમની ‘ડુબકી’ નામની પુસ્તીકા તો ઓશીકે મુકી રાખવા જેવી-પ્રેરક, ચીન્તનોત્તેજક, અર્થપુર્ણ, પ્રાર્થનાત્મક. વસંતભાઈનું મબલક સાહીત્ય જોતાં ને ગુણવત્તા જોતાં, મોટા સંશોધનનીબંધનું અધીકારી. સુઝે તો પીએચ.ડીનો વીષય. આપણે ત્યાં સાચા, રસાત્મક ને અનુભવજન્ય, સમાજાભીમુખ સાહીત્યની ખોટ છે; વસંતભાઈના સાહીત્યથી એ પુરાય છે.એ દદ્ય-પદ્ય બેયમાં વહ્યું છે.વૈવીધ્યભર્યું છે: વાંચે તે કંઈક પામે તેવું જીવનચૈતન્ય ભર્યું છે.

પોતાની ચેરીટેબલ હોસ્પીટલ તો ખરી જ પણ પાછા છેક બીહાર સુધી જઈને નેત્રશીબીરો યોજે.નહીં નહીં તોય પાંચસોક શીબીરો યોજી હશે ! 44 વર્ષમાં એક લાખ ને ચૌદ હજારને દૃષ્ટી આપી !

મધુ દંડવતેના વીદ્યાર્થી, આંબેડકર સાથે કામ કરેલું.મોરારીબાપુના ગુણાનુરાગી; તો રત્નપ્રભાબહેન પણ સંતો-ભક્તો, બબલભાઈ જેવા સેવકો ને જ્યોતીસંઘ જેવી સંસ્થાઓના સંસર્ગે ઘડાયેલાં. બન્ને દ્રઢ સેવાધારી. લોકોએ 1946માં ડૉક્ટરને આગ્રહ કર્યો વીધાનસભામાં જવાનો. એ અનુરોધ હતો.લોકોના બે બે રુપીયાના ઉઘરાણાથી જીત્યા. પણ ધારાસભ્યનો મોભો વળી શો ? જે કાંઈ પૈસા આવે એનો લોકોને જાહેરમાં હીસાબ આપે ! પાસે કશું ન મળે ! નીષ્કીંચન!રહેવાનું મકાન પણ લોકોએ કરી આપેલું ! લોકનો અઢળક પ્રેમ અને આદર પામ્યા.જીવન જોગવી જાણ્યું.

એમના જીવનનો વળાંક લગ્ન! નહોતું જ કરવું.પણ રત્નપ્રભાબહેન મળ્યાં એટલે સેવાને જાણે વધારાનું સ્નેહસંચાલન મળ્યું !હોસ્પીટલ, પ્રસુતીગ્રહ,અન્નક્ષેત્ર, કરુણાસેતુ ટ્રસ્ટ, કચ્છના નવનીર્માણમાં ફાળો…સેવામાં જીવવીશેષ આવ્યો. પરસ્પરની અનુપુર્તીથી બંન્ને એવાં એકરુપ થયાં કે પ્રભાબહેન ગયાં ત્યારે (15-10-2004) ત્યારે વસંતભાઈની જીવનશક્તી જ જાને ચાલી ગઈ. લખે છે :
                                       ‘ એ બંદા હવે એકલા !નીત પલાળેલી પાંપણે 
                                        ટીફીનમાંથી ડુચ્ચા જેમ…ભુખ તો તું
                                        તારી સાહેલીની જેમ સાથે લેતી ગઈ !’
                                       ‘વીવશ છું. જીવવું પડે છે. માંય મરેલો જ છું.
                                        મોત તને મને મારેલી થપાટનો ચચરાટ લ્હાય લ્હાય કરે છે.’
ભગવતીકુમારનું ગીત પણ પાછા યાદ કરે છે :
                                        ‘લ્યો, બુગદાની બહાર જવાની વેળ આવી!
                                        છોડીને અંધાર જવાની વેળા આવી !
                                        ખોલી સઘળાં દ્વાર જવાની વેળા આવી !
                                        આજે ઉંબર પાર જવાની વેળા આવી!
                                        પાંચ તત્ત્વ અને પાંચ ઈન્દ્રીયોનો બંદી છું;
                                        તોડી કારાગાર જવાની વેળા આવી !’

ને સાચ્ચે જ ‘તોડી કારાગાર’ ગયા ! કોઈ રોકી ના શક્યું ! આ લેખકે એમનો નીર્ણય જાણ્યા પછી લાંબો પત્ર લખેલો કે મૃત્યુને આમ હાથમાં ન લેવાય. પન જીજીવીષા જ જેણે મુકી તેને પછી કોણ રોકી શકે ?    

એમણે આપેલા શબ્દો તો વંચાય ત્યારે ખરા; સેવા ને સ્નેહ સમાજવ્યાપી છે.સમાજ આવા તપસ્વીઓથી જ કાંઈકે તેજ ટકાવી રાખતો હોય છે.શબ્દસેવીઓ તો ઢગલા મોઢે મળશે; સેવાસ્નેહી કરોડે એકાદ માંડ…ને તેય કેટલે વર્ષે ?! આ ખોટ, એટલે મોટી છે. જન્મતાં જ જે શરીર મળે છે તેને બે મોટા સંદર્ભો હોય છે: એક પા છે સૃષ્ટી નીસર્ગ; બીજી પા હોય છે સમાજ. વ્યક્તી ઘણું ખરું પોતાનામાં ડુબીને આ બંન્નેને ભુલીને કે અવગણીને અથવા બેય સાથે ખ્પ પુરતો સ્વાર્થ રાખીને ચાલે છે. વ્યક્તીકેન્દ્રી થતો જતો સમાજ આપણો મોટો રોગ છે. ત્યારે આવા તો હવે વીરલ જ ને ?!કવી ત્રાપજકરના એમને ગમતા એક ગીતની થોડીક પંક્તીઓથી મનોમન પ્રણમીએ :
                           ‘આપતો જા-જે રે
                           મળ્યું જે કૈં સંધુંય સૌને આપતો જા-જે રે !
                           મંદીર કે ઈ મહેલ ના થાજે
                           હીરો છો ના લાખનો થાજે;
                           સુનાં કોઈનાં ખેતર, તારાં 
                           હાડનાં ખાતર દૈ
                           કણો રોપાવતો જાજે રે ! આપતો જાજે રે !’

——————————————————————————–

‘નયા માર્ગ’  તા.1-4-07ના અંકમાંથી સાભાર.

આયુર્વેદ-એકવીસમી સદીમાં ( 1 )

( સુજ્ઞજનો ! આજથી એક નવો અને ખુબ જ ઉપયોગી એવો વીભાગ અહીં શરુ કરીએ છીએ.આયુર્વેદનું નામ તો આપણે બધાં જ જાણીએ છીએ,પરંતુ એના ચમત્કારીક ફાયદાઓ વીષે બધાં જાણીએ જ છીએ એમ કહી શકાશે નહીં. આજે ધીમે ધીમે વીશ્વભરમાં આયુર્વેદને માન્ય ચીકીત્સાપધ્ધત્તી ગણવામાં આવી રહી છે. કેટલાક દેશોમાં તો એને રાષ્ટ્રીય ચીકીત્સા પધ્ધત્તી તરીકે સ્વીકારી લેવામાં આવી છે !
આવા આ આયુર્વેદની વાતોમાં દેવજગતની વાતો પણ વીશેષ રુપે આવે છે. એને આજના જમાનામાં કેમ સ્વીકારવી ? એવો પ્રશ્ન બાજુ પર રાખીને પણ આયુર્વેદ જગતના વૈજ્ઞાનીક ચમત્કારોની વાતો કે જે ગુજરાતના આ સર્વમાન્ય વીદ્વાનશ્રીની કલમે પીરસાશે તેને માણીએ ) :

આયુર્વેદ આજે પણ પ્રસ્તુત છે.                              —રાજવૈદ્ય એમ.એચ.બારોટ

આમ એટલા માટે કહેવામાં આવે છે કે આપણે અત્યંત ‘પ્રવેગગતી’ યુગમાં પ્રવેશી ચુક્યાં છીએ અને એટલું બધું સંશોધન કરી ચુક્યાં છીએ કે ચંન્દ્ર પર અને મંગળ પરનો વસવાટ તો હવે આપણા માટે ડાબા હાથનો ખેલ બની રહ્યો લાગે.

હા, આપણે આપણા આરોગ્ય અંગે સતત જાગ્રત રહેવું પડશે. એટલું જ નહીં આપણા આહારના સ્રોત અને જલસ્રોતને સતત સાથે રાખવા પડશે.ખોરાક અને પાણી વીના આપણે જીવી શકીએ નહીં.

ઉદ્યોગોને નામે તમે ખેતીને નુકસાન પહોંચાડી શકો નહીં. નહીં તો અનાજ વીના ટળવળવાનું આવે. અને ‘રાતડ જાર’ ખાવી પડે. ત્યારે ઉદ્યોગમાં બનતી આઈટેમ્સનાં બટકાં ન ભરાય ! શું સો રુપીયે કીલો પર ઘઉં જતા રહે તો  આપણે બધાં ખેતી તરફ ન વળી જઈએ ?

બીજી પણ એક વાતને યાદ રાખીએ ! આપણો આજનો વીકાસ તો કંઈ નથી; કારણ કે આપણે હજુ પરગ્રહ વીષે કશું જ જાણતાં નથી.ત્યાં જીવન છે કે નહીં જેવા પ્રશ્નો તો હજુ પ્રાથમીક અવસ્થામાં છે. ત્યારે મીત્રો ! આયુર્વેદના જમાનામાં ભારતવાસીઓ પરગ્રહમાં જઈ આવ્યાનો પુરાવો છે. ત્યાં દેવજાતીના લોકો વસે છે,તેવું બતાવવામાં આવ્યું છે.આ વાત છે આજથી 2165509 વર્ષ પહેલાંની. ભારતના ભરદ્વાજ નામના ઋષી,ઋષીમંડળના આદેશથી દેવલોકમાં જઈ આવ્યા. અને આજે ભારતનું જ નહીં પણ વીશ્વનું આ શ્રેષ્ઠ વીજ્ઞાન વાસ્તવમાં તો ‘પરગ્રહ’નું-આરોગ્ય અને ચીકીત્સા વીજ્ઞાન છે. બોલો ! લાગે છે ને નવાઈ ? પરંતુ આયુર્વેદના અવતરણ વખતે ભારતીય ઋષીઓ દેવલોકમાંથી આયુર્વેદ ( આયુષ્યને અંગેનો વેદ) લઈ આવ્યા. આટલાં વર્ષો પછી પણ એવો જ અસરકારક રહેલો આયુર્વેદ એ આપણા અધધ કહી શકાય એવા વીકાસની સાબીતી છે.

તો પછી આવા આ વીજ્ઞાનને આ સદીમાં નહીં સ્વીકારીએ તો ક્યારે સ્વીકારેશું ?

તમે પુછશો કે ત્યારે વીમાનનો પ્રવાસ,કોમ્પ્યુટર્સ.નૅટવર્કીંગ,કૉલસેંટર્સ જેવું ક્યાં હતું ? પણ હું તમને ખાત્રી સાથે કહું છું કે તમે કહો તેવા રોગોની સારવાર પણ એમાં બતાવવામાં આવી છે !! થોડા દાખલા આપું તો તમને ગમશે.

આયુર્વેદમાં બહુ બેસી રહેનાર, બહુ બોલનાર, આંખો પાસેથી બહુ કામ લેનાર, કાનનું વધુ કામ લેનાર વગેરેને કઈ સારવાર આપવી તેનો સ્પષ્ટ ઉલ્લેખ  છે. શું કોમ્પ્યુટર પર અને હીરાની ઘંટી પર બેસનાર આજે જોવા મળતા નથી ? કોમ્પ્યુટરવાળાને અને હીરાઘસુઓને આંખનું વધુ કામ નથી ? કોલસેંટરવાળાંને તેઓ બહેરા થઈ જાય તેટલો ફોન એટેંડ કરવો પડતો નથી ? ટુંકમાં ‘અલ્ટ્રાસીવીલાઈઝેશન’ના ઉપાયો જો આયુર્વેદમાં હોય તો એકવીસમી જ શા માટે, આવનારી બધી જ સદીઓનું આરોગ્ય અને ચીકીત્સાવીજ્ઞાન આયુર્વેદ જ  છે.( વધુ હવે પછીના અંકમાં)